વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 મે પાન ૧૪-૧૯
  • વધારે ભણતર વિશે સમજી-વિચારીને નિર્ણય લો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વધારે ભણતર વિશે સમજી-વિચારીને નિર્ણય લો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું તમારે વધારે ભણતર લેવું જોઈએ?
  • તમે કેમ વધારે ભણતર લેવા માંગો છો એનો વિચાર કરો
  • વધારે ભણતર લેવાથી થતા ફાયદા-નુકસાનનો વિચાર કરો
  • વધારે ભણતર લેતી વખતે યહોવાની નજીક રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • બા ઇ
    સજાગ બનો!—૧૯૯૮
  • માબાપો, તમે તમારાં બાળકો માટે કેવું ભાવિ ચાહો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • કેવું શિક્ષણ તમને સફળ બનાવી શકે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 મે પાન ૧૪-૧૯

જુલાઈ ૨૦-૨૬, ૨૦૨૬

ગીત ૪૧ બાળકો—યહોવાની સાથે ચાલો

વધારે ભણતર વિશે સમજી-વિચારીને નિર્ણય લો

“ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.”—નીતિ. ૧૪:૧૫.

આપણે શું શીખીશું?

વધારે ભણતર લેવું કે નહિ એ વિશે નિર્ણય લેતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખી શકો અને કયા બાઇબલ સિદ્ધાંતોથી મદદ મળી શકે?

૧-૨. (ક) યુવાનોએ કયો નિર્ણય લેવાનો હોય છે? (ખ) “વધારે ભણતર” એનો શું અર્થ થાય? (“શબ્દોની સમજ” જુઓ.)

યુવાનો, ઘણી વાર લોકોએ તમને પૂછ્યું હશે: “બેટા, મોટા થઈને તારે શું કરવું છે?” જોવા જઈએ તો યહોવાની પૂરા સમયની સેવા કરવાથી જ જીવનમાં સાચી ખુશી મળે છે. પણ તમારે પોતાનું ગુજરાન ચલાવવા કમાવું પણ પડશે. (૨ થેસ્સા. ૩:૧૦) કદાચ તમે હમણાંથી વિચારી રાખ્યું હશે કે આગળ જતાં કેવું કામ કે કેવી નોકરી કરશો.

૨ અમુક યુવાનો મમ્મી-પપ્પા સાથે એ વિશે ચર્ચા કરે છે અને સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી વધારે ભણતર લેવાનું પસંદ કરે છે.a શું તમે વધારે ભણતર લેવાનું વિચારી રહ્યા છો? જો હા, તો શું ભણશો? આ લેખમાં આપણે અમુક બાઇબલ સિદ્ધાંતો જોઈશું, જેનાથી તમને ભણતર વિશે સમજી-વિચારીને નિર્ણય લેવા મદદ મળશે. ખરું કે, આ લેખ યુવાનો માટે છે, પણ એનાથી એ બધાં ભાઈ-બહેનોને મદદ મળશે, જેઓ વધારે ભણવાનું વિચારી રહ્યાં છે. આ લેખમાં આપેલા સિદ્ધાંતો મમ્મી-પપ્પાને પણ બાળકો સાથે વાત કરવા મદદ કરશે.

શું તમારે વધારે ભણતર લેવું જોઈએ?

૩. અમુક ભાઈ-બહેનો કદાચ વધારે ભણતર લેવાનું કેમ નક્કી કરે?

૩ અમુક જગ્યાએ વ્યક્તિ વધારે ભણી ન હોય, તોપણ તેને કામ મળી શકે છે અને સારી રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે છે. બીજી અમુક જગ્યાએ કદાચ વ્યક્તિએ વધારે ભણતર લેવું પડે, જેથી તેને એવી નોકરી કે કામ મળી શકે, જેમાં સારો પગાર હોય અથવા વધારે કલાકો કામ ન કરવું પડે. એવા સંજોગોમાં તેને પ્રચારમાં અથવા ભક્તિને લગતાં કામોમાં વધારે કરવાનો સમય મળી શકે. પણ જેઓ વધારે ભણતર લેવાનું નક્કી કરે છે, તેઓએ યાદ રાખવું જોઈએ કે એ માટે સમય, શક્તિ અને પૈસા ખર્ચાશે. એટલું જ નહિ, તેઓ સામે અમુક મુશ્કેલીઓ પણ આવી શકે છે.

૪. ભણતર વિશે કોણે નિર્ણય લેવો જોઈએ? (ફૂટનોટ પણ જુઓ.)

૪ બાઇબલમાં જણાવ્યું છે કે “દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.” (ગલા. ૬:૫) એનો અર્થ થાય કે દરેક ભાઈ-બહેને જાતે નિર્ણય લેવો જોઈએ કે પોતે વધારે ભણતર લેશે કે નહિ.b પણ બાળકોના કિસ્સામાં તેઓ વધારે ભણશે કે નહિ એ નિર્ણય માટે મમ્મી-પપ્પા પણ જવાબદાર છે. (એફે. ૬:૧) મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને સમજદારીથી નિર્ણયો લેતા શીખવી શકે છે. આમ બાળકો મોટાં થશે ત્યારે ભણતર વિશે જાતે નિર્ણય લઈ શકશે.—નીતિ. ૨૨:૬.

૫. વધારે ભણતર લેવું કે નહિ એ વિશે ક્યારે વિચારવું જોઈએ અને કેમ? (ચિત્ર પણ જુઓ.)

૫ બાળકો મોટા ભાગે સ્કૂલમાં હોય છે ત્યારે તેઓએ નક્કી કરવું પડે છે કે વધારે ભણતર લેશે કે નહિ. સારું રહેશે કે નિર્ણય લેવાનો થાય એના ઘણા સમય પહેલાં બાળકો મમ્મી-પપ્પા સાથે એ વિશે વાત કરે. આમ બાળક આગળ શું ભણશે એ વિશે તેઓને સાથે મળીને વિચાર કરવાનો અને સંશોધન કરવાનો સમય મળશે. પછી એના આધારે બાળક સ્કૂલમાં એવા વિષયો પસંદ કરી શકશે, જેનાથી તેને આગળ ભણવા અથવા કામ મેળવવા મદદ મળી શકે. પણ શું બાળક સ્કૂલમાં હોય ત્યારે જ તેણે નિર્ણય લેવો જોઈએ કે તે વધારે ભણતર લેશે કે નહિ? ના. તે સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી પણ નિર્ણય લઈ શકે છે. (નીતિ. ૨૧:૫) અમુક યુવાનોએ સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી નોકરી શોધી અને પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું. એ સમય દરમિયાન તેઓએ વિચાર્યું કે વધારે ભણતર લેશે કે નહિ. એવું પણ બની શકે કે સ્કૂલ પૂરી કર્યાના વર્ષો પછી અમુક લોકો વધારે ભણવાનું વિચારે.

એક તરુણ વયની બહેન પોતાનાં મમ્મી-પપ્પા સાથે ચર્ચા કરે છે કે તેની પાસે વધારે ભણતરના કયા વિકલ્પો છે. તેઓ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટનાં ચોપાનિયાં અને JW બ્રૉડકાસ્ટિંગ વીડિયો જુએ છે. તેઓ બાઇબલ પણ તપાસે છે.

વધારે ભણતર વિશે મમ્મી-પપ્પા પોતાની દીકરીને સારો નિર્ણય લેવા મદદ કરે છે (ફકરો ૫ જુઓ)


૬. વધારે ભણતર વિશે સારો નિર્ણય લેવા શાનાથી મદદ મળી શકે?

૬ વધારે ભણતર વિશે સારો નિર્ણય લેવા તમને શાનાથી મદદ મળી શકે? એ વિશે પ્રાર્થના કરો. (યાકૂ. ૧:૫) એ સિવાય આ બે મુદ્દા પર પણ ધ્યાન આપો: (૧) તમે કેમ વધારે ભણતર લેવા માંગો છો એનો વિચાર કરો. (ગીત. ૨૬:૨) (૨) તમે જે ભણવા માંગો છો એનાથી થતા ફાયદા-નુકસાન પર વિચાર કરો. (નીતિ. ૧૪:૧૫) ચાલો એક પછી એક એ મુદ્દાઓ પર ચર્ચા કરીએ.

તમે કેમ વધારે ભણતર લેવા માંગો છો એનો વિચાર કરો

૭. વધારે ભણતર લેવાનું વિચારતા હો તો શાનું ધ્યાન રાખવું જોઈએ?

૭ જો તમે વધારે ભણવાનું વિચારતા હો, તો પોતાને આ મહત્ત્વના સવાલો પૂછો: ‘હું કેમ વધારે ભણવા માંગું છું? મારો ઇરાદો શું છે?’ ઘણા લોકો વધારે ભણે છે, જેથી તેઓને ગમતું કામ મળી શકે અથવા સારા પગારવાળી નોકરી મળી શકે. શું એવું વિચારવું ખોટું છે? કદાચ નહિ. (૧ તિમો. ૫:૮) પણ બાઇબલમાં ચેતવણી આપી છે કે આપણે ધનદોલતને જીવનમાં સૌથી મહત્ત્વની ન ગણીએ અથવા એવું ન વિચારીએ કે પૈસાથી જ આપણું રક્ષણ થશે. (નીતિ. ૨૩:૪, ૫; ૧ તિમો. ૬:૮-૧૦; ૧ યોહા. ૨:૧૭) જો તમારો ઇરાદો સમાજમાં મોટું નામ કમાવાનો હશે અથવા અમીર બનવાનો હશે તો તમને સાચી ખુશી નહિ મળે. અરે, યહોવા સાથેનો તમારો સંબંધ પણ નબળો પડી શકે છે.

૮-૯. (ક) આપણા માટે ભણતર કેટલું મહત્ત્વનું હોવું જોઈએ? (માથ્થી ૬:૩૩) (ખ) જોસફીના, મોરીન અને આઇરીસ પાસેથી તમને શું શીખવા મળ્યું?

૮ તમારા માટે ભણતર કેટલું મહત્ત્વનું હોવું જોઈએ? યહોવાની ભક્તિ સિવાય બીજું કંઈ પણ વધારે મહત્ત્વનું ન હોવું જોઈએ. (માથ. ૨૨:૩૭, ૩૮; ફિલિ. ૩:૮) એટલે વધારે ભણતર તમારી જરૂરિયાતો પૂરી કરવા હોવું જોઈએ, જેથી તમે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી શકો.—માથ્થી ૬:૩૩ વાંચો.

૯ ધ્યાન આપો કે અમુક ભાઈ-બહેનોને ભણતર વિશે યોગ્ય વિચારો રાખવા ક્યાંથી મદદ મળી? ચિલીમાં રહેતી જોસફીના કહે છે: “હું વધારે ભણીને એવી નોકરી મેળવવા માંગતી હતી, જેનાથી યહોવાની ભક્તિમાં બની શકે એટલો સમય આપી શકું. મેં ધ્યાન રાખ્યું કે ભણતર મારા માટે સૌથી મહત્ત્વનું ન બની જાય, કેમ કે યહોવા સાથેનો સંબંધ મારા માટે સૌથી મહત્ત્વનો હતો.” મોરીન હેર સ્ટાઇલિસ્ટ બનવા એક વર્ષનો કોર્સ કરવા માંગતી હતી. કેમ? તે કહે છે: “મારો ધ્યેય હતો કે વધારે જરૂર હોય ત્યાં જઈને સેવા આપું. એટલે મેં એવો કોર્સ પસંદ કર્યો જેનાથી એ ધ્યેય પૂરો કરી શકું. કોર્સ પત્યા પછી મેં હેર સ્ટાઇલિસ્ટ તરીકે કામ કર્યું અને બીજી જગ્યાએ જવા પૈસા બચાવ્યા. હું જે શીખી એનાથી મને નવી જગ્યાએ કામ શોધવા ઘણી મદદ મળી.” આઇરીસે દાંતને લગતો લાંબો કોર્સ કર્યો છે. તે કહે છે: “વધારે ભણતરના અમુક ફાયદા તો છે, પણ એ તમને સાચી ખુશી અને સંતોષ ક્યારેય નહિ આપી શકે. વાત એકદમ સિમ્પલ છે: જો યહોવા જીવનમાં પહેલા હશે, તો સમજો સફળતા અને સંતોષ ચોક્કસ મળશે.” જો યહોવા સાથેની દોસ્તી જીવનમાં સૌથી મહત્ત્વની હશે, તો સારા નિર્ણયો લઈ શકીશું અને હંમેશાં ખુશ રહી શકીશું.

વધારે ભણતર લેવાથી થતા ફાયદા-નુકસાનનો વિચાર કરો

૧૦. વધારે ભણતર વિશે યોગ્ય નિર્ણય લેવા પુનર્નિયમ ૩૨:૨૯માં આપેલો સિદ્ધાંત કઈ રીતે મદદ કરી શકે?

૧૦ તમે કદાચ કોઈ કોર્સ કરવાનું કે ટ્રેનિંગ લેવાનું વિચાર્યું હશે. સારું રહેશે કે તમે બીજા વિકલ્પોનો પણ વિચાર કરો. એ વિકલ્પો તમારા ફિલ્ડના અથવા બીજાં કોઈ ફિલ્ડના હોય શકે. (નીતિવચનો ૧૮:૧૭ સરખાવો.) આજકાલ ઘણા પ્રકારના કોર્સ હોય છે. અમુક કોર્સ તો ઘરે બેઠા ઓનલાઇન કરી શકાય છે. પણ પહેલા આ સવાલ પર વિચાર કરવાનું ન ભૂલતા, ‘શું હું વધારે ભણતર લીધા વગર પોતાનું ગુજરાન ચલાવી શકું એમ છું?’ એ વિશે ફિનલૅન્ડની યોહાન્‍નાનો દાખલો જોઈએ. તેણે વધારાનું કોઈ ભણતર લીધું નથી. તે કહે છે: “સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી મેં પાર્ટ-ટાઇમ નોકરી અને પાયોનિયરીંગ શરૂ કર્યું. મેં ઘણી અલગ અલગ નોકરી કરી છે. પણ મેં જોયું છે કે આપણી જરૂરિયાતો પૂરી કરવાનું વચન યહોવા હંમેશાં પાળે છે.” તમે વિચારતા હશો કે વધારે ભણતર લેવું કે નહિ અથવા ભણવું તો શું ભણવું. પણ યાદ રાખજો કે તમે જે નિર્ણય લેશો, એના ફાયદા અને નુકસાન તો હશે જ. એટલે પોતાને પૂછો: ‘શું થોડા ફાયદાના ચક્કરમાં મોટું નુકસાન તો નહિ થાય ને?’ (પુનર્નિયમ ૩૨:૨૯ વાંચો; ૧ કોરીં. ૧૦:૨૩) ચાલો અમુક બાબતો પર ચર્ચા કરીએ, જે તમને એ સવાલનો જવાબ મેળવવા મદદ કરશે.

૧૧. કોર્સ પાછળ દર અઠવાડિયે કેટલો સમય જશે, એ વિશે વિચારવું કેમ જરૂરી છે? (ચિત્રો પણ જુઓ.)

૧૧ દર અઠવાડિયે કેટલો સમય આપવો પડશે? વિચારો કે દર અઠવાડિયે આવવા-જવામાં, ક્લાસ ભરવામાં અને હોમવર્ક કરવામાં કેટલા કલાકો જશે. શું એ બધા પછી ભક્તિને લગતાં કામો માટે અને કુટુંબ માટે તમારી પાસે સમય બચશે? (ફિલિ. ૧:૧૦) શું ભણતરના ભારને લીધે તમે એટલા થાકી જશો કે સભાની તૈયારી કે વ્યક્તિગત અભ્યાસ કરવાનું મન જ ન થાય? ભારતમાં રહેતા જેરોઝ સાથે એવું જ થયું. તે કહે છે: “મારા માટે દર અઠવાડિયે પ્રચારમાં જવું અને સભામાં ધ્યાન આપવું અઘરું થઈ ગયું. અમુક વાર હું સભા પણ ચૂકી જતો. એ દિવસો યાદ કરું છું ત્યારે લાગે છે કે મને એ કોર્સથી કોઈ ફાયદો ન થયો, ઉપરથી મારો સમય બગડ્યો.” પણ અમુક કોર્સ પાછળ વધારે સમય નથી જતો. કેટલાક કોર્સ પાર્ટ-ટાઇમ હોય છે, તો કેટલાકમાં બહુ ઓછું હોમવર્ક હોય છે. મોઝામ્બિકમાં રહેતી રબેકાએ જે કોર્સ કર્યો એનાથી તે ઘણી ખુશ છે. તે કહે છે: “કોર્સ માટે મારે દિવસમાં ફક્ત બે જ કલાક આપવાના હતા. એટલે હું પાયોનિયરીંગ ચાલું રાખી શકી.”

ચિત્રો: એક ભાઈ વિચારે છે કે શું તે વધારે ભણતર લેતી વખતે પોતાની બીજી જવાબદારીઓ નિભાવી શકશે. ૧. તે સભામાં માઇક પસાર કરે છે. ૨. તે ઘર ઘરનો પ્રચાર કરે છે. ૩. તે એક કાફેમાં કૉફી બનાવવાનું કામ કરે છે. ૪. તે પોતાનો ક્લાસ ભરે છે.

જો તમે વધારે ભણતર લેવાનું વિચારતા હો, તો ધ્યાન રાખજો કે તમારી પાસે મહત્ત્વની જવાબદારીઓ માટે સમય હોય (ફકરો ૧૧ જુઓ)


૧૨. સમયનો સારો ઉપયોગ કરવા પોતાને કયા સવાલો પૂછવા સારું રહેશે? (સભાશિક્ષક ૧૨:૧)

૧૨ કોર્સ કેટલો લાંબો ચાલશે? વિચારો કે કોર્સ પૂરો થતા કેટલા મહિના કે વર્ષો લાગશે. શું એ ભણીને તમે તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરી રહ્યા હશો? (એફે. ૫:૧૫-૧૭) જો એ કોર્સ કરવાનું પસંદ કરો, તો શું યુવાનીમાં યહોવાને પોતાનું સૌથી સારું આપી શકશો? શું યહોવાની પૂરા સમયની સેવા કરી શકશો? (સભાશિક્ષક ૧૨:૧ વાંચો.) શું એ જ ફિલ્ડમાં બીજા કોઈ નાના કોર્સ છે? દાખલા તરીકે, યુનિવર્સિટીની સરખામણીમાં અમુક ઇન્સ્ટિટ્યૂટ અને કંપનીઓ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં કોઈ હુન્‍નર શીખવે છે. ચિલીમાં રહેતો મારિયો કહે છે: “મેં બે વર્ષનો એક ટેકનિકલ કોર્સ કર્યો. એ યુનિવર્સિટીની સરખામણીમાં ઓછા ખર્ચે પતી ગયો. ક્લાસ પણ અઠવાડિયામાં ફક્ત ચાર જ દિવસ હતા. એટલે કોર્સની સાથે સાથે હું પાયોનિયરીંગ કરી શક્યો.”

૧૩. જો કોઈ કોર્સ કરવા ઘરથી દૂર જવું પડે તો શું થઈ શકે?

૧૩ ભણવા માટે ક્યાં જવું પડશે? બની શકે કે તમને ઘરની પાસે જ સારો એવો કોર્સ મળી જાય. પણ જો ભણવા માટે ઘર છોડીને બીજા શહેર જવું પડે તો શું? અમુક કોર્સ માટે તમારે કદાચ હોસ્ટેલમાં રહેવું પડે. યાદ રાખો કે સાક્ષી ન હોય એવાં સગાં-વહાલાં કે વિદ્યાર્થીઓ જોડે રહેવાથી યહોવા સાથેનો તમારો સંબંધ જોખમમાં આવી શકે છે. (નીતિ. ૨૨:૩; ૧ કોરીં. ૧૫:૩૩) મોઝામ્બિકમાં રહેતા મટાયસે એક વર્ષનો કોર્સ કર્યો, જે ઓછા ખર્ચે પતી ગયો. તોપણ હવે તેને પોતાના નિર્ણય પર અફસોસ થાય છે. તે કહે છે: “એ કોર્સ મારે હોસ્ટેલમાં રહીને જ પતાવવો પડ્યો. રોજ મારી સામે ખોટું કરવાની લાલચો આવતી. હું બધાને એક જ સલાહ આપીશ કે એવો કોર્સ પસંદ કરજો જેના માટે તમારે કુટુંબથી દૂર ન જવું પડે.” રશિયામાં રહેતી એક બહેન કહે છે: “હું હોસ્ટેલમાં રહેવાને બદલે મમ્મી-પપ્પા સાથે ઘરે રહીને ભણી. એટલે ઘણી બધી લાલચો અને મુશ્કેલીઓથી બચી શકી.” તમે જે ભણવા માંગો છો, એને લગતા ઓનલાઇન કોર્સ પણ શોધવાની કોશિશ કરજો.

૧૪. લૂક ૧૪:૨૮માં આપેલો સિદ્ધાંત કઈ રીતે સારો નિર્ણય લેવા મદદ કરી શકે?

૧૪ કેટલો ખર્ચો થશે? અમુક કોર્સમાં વધારે ખર્ચો નથી થતો અથવા અમુક દેશોમાં સરકાર એનો ખર્ચો ઉપાડે છે. એવા સમયે તમે ઓછા ખર્ચે વધારે ભણી શકો છો અને એવું હુન્‍નર શીખી શકો છો જેનાથી તમે કામ મેળવી શકો. પણ ઘણી જગ્યાએ વધારે ભણવા પાણીની જેમ પૈસા વહેવડાવવા પડે છે. એટલું જ નહિ, અમુક કૉલેજ કે યુનિવર્સિટીમાં ઍડ્‌મિશન લેવા અલગથી ક્લાસ કે ટ્યૂશન લેવા પડે છે અને એમાં ઘણાં પૈસા જાય છે. અમુક લોકો ભણવા માટે લોન લે છે અને એ ભરવામાં વર્ષો લાગે છે. મોઝામ્બિકમાં રહેતા એડિલસનનો વિચાર કરો. તેણે જે કોર્સ કર્યો, એનું તેને ઘણું દુઃખ છે. તે કહે છે: “મેં ચાર વર્ષનો એક કોર્સ કર્યો. એનો ખર્ચો ઉપાડવા મારા કુટુંબે ઘણું જતું કર્યું. અમુક વાર તો તેઓ પાસે ખાવા-પીવાના કે બીજી જરૂરી વસ્તુઓ માટે પણ પૈસા બચતા ન હતા.” તમે કોઈ કોર્સ કે ટ્રેનિંગ પસંદ કરતા પહેલાં આ સવાલો પર વિચાર કરજો: ‘એના માટે કેટલો ખર્ચો થશે? શું હું કે મારું કુટુંબ એ ખર્ચો ઉપાડી શકીશું? શું એવો કોઈ બીજો કોર્સ છે જેમાં ઓછો ખર્ચો થાય?’ (લૂક ૧૪:૨૮ વાંચો.) ‘જો હું લોન લઉં, તો એ ચૂકવતા મને કેટલો સમય લાગશે? જો આગળ જતાં મને કામ મળે તો શું હું મારું ગુજરાન ચલાવી શકીશ અને એની સાથે સાથે લોન પણ ચૂકવી શકીશ?’—નીતિ. ૨૨:૭.

૧૫. કોઈ કોર્સ કર્યા પછી કામ મળશે કે નહિ, એ વિશે પહેલેથી વિચારવું કેમ જરૂરી છે?

૧૫ શું તમને કામ મળશે? વિચારો કે તમે જ્યાં રહો છો અથવા જ્યાં રહેવા માંગો છો ત્યાં કેવી નોકરી મળી શકે છે. તમે જે કોર્સ કરવાનું વિચારો છો, એનાથી શું આગળ જતાં નોકરી મળશે? અમુક કોર્સ કામ લાગે એવું હુન્‍નર શીખવવાને બદલે પુસ્તકિયું જ્ઞાન આપે છે. એ કોર્સમાં મોટા મોટા જ્ઞાનીઓની વાતો, દુનિયાની ફિલસૂફીઓ શીખવવામાં આવે છે. પણ નોકરીમાં કામ લાગે એવા હુન્‍નર શીખવવામાં નથી આવતા. (કોલો. ૨:૮) ભારતમાં રહેતાં એક બહેન કહે છે: “મને મારા કોર્સમાં એવી કોઈ આવડત શીખવવામાં ન આવી જે મોટા ભાગે કંપનીઓ શોધતી હોય છે. એના લીધે મારા ફિલ્ડને લગતું કોઈ કામ મને ન મળ્યું.” બીજા અમુક કોર્સમાં હુન્‍નર તો શીખવવામાં આવે છે, પણ એને લગતું કામ જલદી મળતું નથી. મધ્ય આફ્રિકા પ્રજાસત્તાકમાં રહેતા સબલાઈમે એસી રિપૅર કરવાનો કોર્સ કર્યો. તે કહે છે: “હું જ્યાં રહું છું ત્યાં મોટા ભાગે લોકો જાતે જ બધું રિપૅર કરે છે. એટલે કામ શોધવું અઘરું હતું.”

૧૬. કોઈ કોર્સ કર્યા પછી કેવું કામ મળશે, એ વિશે વિચારવું કેમ જરૂરી છે?

૧૬ કોર્સ પતાવ્યા પછી કેવું કામ મળશે એનો પણ વિચાર કરો. શું તમને એ કામમાં મઝા આવશે? (સભા. ૩:૧૨, ૧૩) તમારે કેવા લોકો સાથે કામ કરવું પડશે? કામની જગ્યાએ માહોલ કેવો હશે? એ જગ્યા સુરક્ષિત નહિ હોય તો, સખત હરીફાઈ હશે તો, કામનું વધારે પડતું પ્રેશર હશે તો? એ કામમાં કેટલો પગાર મળશે? શું તમે પોતાનું ગુજરાન ચલાવી શકશો? નોકરી ટકાવી રાખવા શું તમારે આગળ ભણતા રહેવું પડશે? સૌથી મહત્ત્વનું તો શું તમે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખી શકશો? (સભા. ૧૨:૧૩) ખરું કે નોકરી મેળવવી મુશ્કેલ હોય ત્યારે કદાચ મનપસંદ કામ ન મળે. પણ જો તમે સમજી-વિચારીને ભણતર વિશે નિર્ણય લેશો, તો સમય જતાં તમને કામ મળી શકે છે. ભારતમાં રહેતી તબીથાએ છ મહિનાનો સિવણનો કોર્સ કર્યો. તે કહે છે: “મેં વિચાર્યું કે આ હુન્‍નર શીખવાથી મને પાયોનિયરીંગ કરવા મદદ મળશે. સમય પર મારો પૂરો કાબૂ હશે. કામ શરૂ કરવામાં વધારે પૈસા પણ નહિ રોકવા પડે. અને દરજીઓની તો કાયમ જરૂર પડવાની જ છે.” આ કોર્સથી તબીથાને એવું કામ મળ્યું જેના લીધે તે પાયોનિયરીંગ ચાલુ રાખી શકી.

૧૭. (ક) ભણતર વિશે સારો નિર્ણય લેવા તમે ક્યાંથી માહિતી મેળવી શકો? (ખ) એ વિશે સારો નિર્ણય લેવા બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરી શકે? (“સારો નિર્ણય લેવા મદદ મળે એવા સિદ્ધાંતો” બૉક્સ જુઓ.)

૧૭ આ લેખમાં આપણે ભણતરને લગતી ઘણી બાબતો વિશે ચર્ચા કરી. પણ તમે જે કોર્સ કરવા માંગો છો એ વિશે સારો નિર્ણય લેવા વધારે માહિતી ક્યાંથી મેળવી શકો? કોર્સને લગતી કૉલેજ કે ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લો અથવા એની વેબસાઈટ પર જાઓ. એ પણ જાણવાની કોશિશ કરો કે એ ફિલ્ડમાં કેટલી નોકરીઓ મળે છે. જે લોકોએ એ કોર્સ કર્યો છે અથવા જેઓ એ ફિલ્ડમાં નોકરી કરે છે, તેઓ સાથે પણ વાત કરી શકો. (નીતિ. ૧૩:૧૦) તેઓને એ કોર્સ કે નોકરીના ફાયદા-નુકસાન વિશે પૂછી શકો. તમે એવાં ભાઈ-બહેનોની સલાહ લઈ શકો જેઓ ખુશીથી યહોવાની ભક્તિ કરે છે. (નીતિ. ૧૫:૨૨) ધ્યાન આપો કે કેવા ભણતર અને કેવી નોકરી વિશે તેઓ સલાહ આપે છે. બની શકે કે તેઓ એવી નોકરી કે કામ વિશે જણાવે જેના વિશે તમે વિચાર્યું પણ ન હોય.

સારો નિર્ણય લેવા મદદ મળે એવા સિદ્ધાંતો

  • હું કેમ વધારે ભણતર લેવા માંગું છું? (માથ. ૬:૩૩; ૧ તિમો. ૬:૮-૧૦)

  • દર અઠવાડિયે મારે ક્લાસ અને હોમવર્ક માટે કેટલો સમય આપવો પડશે? (ફિલિ. ૧:૧૦)

  • ભણતર પૂરું કરવામાં કેટલાં વર્ષો લાગશે? (એફે. ૫:૧૫-૧૭)

  • હું ક્યાં રહીશ? (૧ કોરીં. ૧૫:૩૩)

  • કેટલો ખર્ચો થશે? (લૂક ૧૪:૨૮)

  • મારા ભણતરથી શું એવું કામ મળશે, જેનાથી હું મારું ગુજરાન ચલાવી શકું અને યહોવાની ભક્તિમાં રાખેલા ધ્યેય પૂરા કરી શકું? (સભા. ૧૨:૧૩)

૧૮. આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૮ આ લેખમાં જોયું તેમ વધારે ભણતર લેવાના અમુક ફાયદા અને નુકસાન છે. એટલે સારો નિર્ણય લેવા યહોવાને પ્રાર્થના કરો. વધારે ભણતર લેવાથી કદાચ તમને એવી નોકરી મળે, જેનાથી તમે પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકો. પણ તમારે યાદ રાખવું જોઈએ કે ફક્ત યહોવા સાથેની પાકી દોસ્તીથી જ સાચી ખુશી મળે છે. (ગીત. ૧૬:૯, ૧૧) યહોવા પોતાના બધા ભક્તોની હંમેશાં સંભાળ રાખે છે, પછી ભલે તેઓ વધારે ભણ્યા હોય કે ન ભણ્યા હોય. (હિબ્રૂ. ૧૩:૫) પણ શું તમે વધારે ભણવાનું નક્કી કરી લીધું છે? જો એમ હોય તો ભણવાની સાથે સાથે યહોવાની નજીક રહેવા તમે શું કરી શકો? એ વિશે હવે પછીના લેખમાં જોઈશું.

તમે શું કહેશો?

  • ગલાતીઓ ૬:૫ પ્રમાણે વધારે ભણવું કે નહિ એ નિર્ણય કોણે લેવો જોઈએ?

  • આપણા માટે ભણતર કેટલું મહત્ત્વનું હોવું જોઈએ?

  • ભણતર વિશે નિર્ણય લેતા પહેલાં કઈ બાબતો પર વિચાર કરવો જોઈએ?

ગીત ૨૨ “યહોવા મારો પાળક”

a શબ્દોની સમજ: આ અને આવતા લેખમાં “વધારે ભણતર” શબ્દોનો અર્થ થાય, સરકાર જેટલાં ધોરણ સુધી સ્કૂલનું શિક્ષણ લેવાની ભલામણ કરે છે એના કરતાં વધારે ભણવું અથવા ટ્રેનિંગ લેવી. એમાં કૉલેજ કે યુનિવર્સિટીમાંથી ડિગ્રી લેવી, ડિપ્લોમા કે કોઈ કોર્સ કરવો, કંપની કે બીજી જગ્યાએથી કોઈ હુન્‍નર કે કામ શીખવાનો પણ સમાવેશ થાય છે.

b અગાઉ આપણાં સાહિત્યમાં જણાવવામાં આવતું હતું કે ઈશ્વરભક્તોએ અમુક પ્રકારના ભણતરથી દૂર રહેવું જોઈએ. જેમ કે, ચોકીબુરજ, ઑક્ટોબર ૧, ૨૦૦૫ના અંકમાં આ લેખ હતો: “માબાપો, તમે તમારાં બાળકો માટે કેવું ભાવિ ચાહો છો?” એમાં જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ લેવાથી કેવા જોખમો આવી શકે છે. ખરું કે આજેય એ જોખમો છે, પણ દરેક ઈશ્વરભક્ત જાતે નિર્ણય લેશે કે તે વધારે ભણશે કે નહિ. નાનાં બાળકોના કિસ્સામાં કુટુંબના શિરે પ્રાર્થના કરીને બાઇબલ સિદ્ધાંતો પર મનન કરવું જોઈએ, કોર્સ વિશે બધી માહિતી ભેગી કરવી જોઈએ અને પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. વ્યક્તિ જે પણ નિર્ણય લે એના પર વડીલોએ કે મંડળનાં ભાઈ-બહેનોએ સવાલ ન ઉઠાવવો જોઈએ.—યાકૂ. ૪:૧૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો