જુલાઈ ૨૭–ઑગસ્ટ ૨, ૨૦૨૬
ગીત ૩૪ જીવનમાં લખ્યું તારું નામ
વધારે ભણતર લેતી વખતે યહોવાની નજીક રહો
“આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.”—ફિલિ. ૩:૧૬.
આપણે શું શીખીશું?
જો તમે વધારે ભણતર લેવાનું નક્કી કર્યું હોય, તો આ લેખમાં આપેલા ચાર બાઇબલ સિદ્ધાંતો તમને યહોવાની નજીક રહેવા મદદ કરશે.
૧-૨. (ક) જો તમે વધારે ભણતર લેવાનું નક્કી કર્યું હોય, તો તમારે શું કરતા રહેવું જોઈએ? (ખ) “એ પ્રમાણે આપણે કરતા રહીએ” શબ્દોનો અર્થ શું થાય? (ફિલિપીઓ ૩:૧૬)
યહોવાના અમુક ભક્તોએ નક્કી કર્યું છે કે સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી તેઓ વધારે ભણશે. તેઓને કદાચ લાગે કે એવું શિક્ષણ લેવાથી સારું કામ મળી રહેશે, પોતાનું ગુજરાન ચલાવી શકશે અને પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી શકશે. જો તમે વધારે ભણવાનું નક્કી કર્યું હોય, તો યહોવાની નજીક રહેવા શું કરી શકો? (યાકૂ. ૪:૮ક) તમે સ્કૂલમાં હતા ત્યારે ચોક્કસ તમારી શ્રદ્ધાની કસોટી થઈ હશે, પણ તમે એનો હિંમતથી સામનો કર્યો. ‘તમે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે કરતા રહેજો.’ તમે અત્યાર સુધી પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી છે અને આગળ પણ એમ કરવાનું ચાલુ રાખજો.—ફિલિપીઓ ૩:૧૬ વાંચો.
૨ “એ પ્રમાણે આપણે કરતા રહીએ” માટે જે ગ્રીક શબ્દો વપરાયા હતા એનાથી લોકોનાં મનમાં એવા સૈનિકોનો વિચાર આવતો હતો, જેઓ કૂચ કરીને આગળ વધી રહ્યા હોય. જો તમે વધારે ભણતર લેવાનું નક્કી કર્યું હોય, તો યહોવાની સેવામાં એ સૈનિકોની જેમ આગળ વધતા રહેજો. ધ્યાન રાખજો કે તમે અટકી ન જાઓ કે પીછેહઠ ન કરવા લાગો. આ લેખમાં આપણે ચાર સિદ્ધાંતો જોઈશું, જેનાથી તમને ઘણી મદદ મળશે. એ સિદ્ધાંતો કંઈ નવા નથી. તમે અગાઉ એ સિદ્ધાંતો પ્રમાણે કર્યું જ છે. હવે વધારે ભણતર લેતી વખતે અને એ પતાવ્યા પછી પણ તમને એ સિદ્ધાંતો યહોવાની નજીક રહેવા મદદ કરતા રહેશે.
યહોવાની નજીક રહેવા મહેનત કરતા રહો
૩. વધારે ભણતર લેતી વખતે કઈ મુશ્કેલી આવી શકે?
૩ કઈ મુશ્કેલી આવી શકે? વધારે ભણવાને લીધે કદાચ તમારું જીવન ખૂબ વ્યસ્ત થઈ જાય. તમે ચોક્કસ મન લગાડીને ભણવા માંગતા હશો, પણ બની શકે કે એના લીધે યહોવાની ભક્તિનું મહત્ત્વ ઓછું થઈ જાય. તમે કદાચ સભાઓ અને પ્રચારમાં જવાનું ચૂકી જાઓ, તમારી પ્રાર્થનાઓ ઓછી થઈ જાય અથવા તમે રોજ બાઇબલ ન વાંચી શકો.—પ્રકટી. ૨:૪.
૪. “ઈશ્વરની સેવામાં પુષ્કળ કામ” કરવું, એનો અર્થ શું થાય? (૧ કોરીંથીઓ ૧૫:૫૮)
૪ પહેલો કોરીંથીઓ ૧૫:૫૮ વાંચો. સાઇકલનો દાખલો લો. જો પેડલ મારતા રહીશું, તો જ આગળ વધી શકીશું. એવી જ રીતે, જો ભક્તિનાં કામોમાં વ્યસ્ત રહીશું, તો જ યહોવાની નજીક રહી શકીશું. એટલે જ બાઇબલમાં લખ્યું છે કે “ઈશ્વરની સેવામાં પુષ્કળ કામ” કરતા રહીએ. યહોવાની ભક્તિમાં “પુષ્કળ કામ” કરવું, એનો અર્થ શું થાય? આપણે ભક્તિમાં કેટલું કરીએ છીએ બસ એ જ નહિ, પણ આપણે કયા ઇરાદાથી ભક્તિ કરીએ છીએ એ પણ એટલું જ મહત્ત્વનું છે. આપણા જીવનમાં યહોવાની ભક્તિ સૌથી મહત્ત્વની હોવી જોઈએ. યાદ રાખજો, તમે પહેલા યહોવાના ભક્ત છો અને પછી કોઈ યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી છો. (માથ. ૨૨:૩૭) એક યુવાન છોકરી સમન્થા કહે છે, “મેં નક્કી કર્યું હતું કે જો મારું ભણતર યહોવાની ભક્તિને આડે આવશે, તો હું ભણવાનું છોડી દઈશ.”
૫. યહોવાની ભક્તિમાં વ્યસ્ત રહેવા શું કરી શકો?
૫ વધારે ભણવાનું શરૂ કરો એ પહેલાં શું કરી શકો? જે વધારે મહત્ત્વનું છે એનાથી તમારું ધ્યાન ભટકી જવા ન દો. પોતાને પૂછો, ‘હું નિયમિત રીતે સભાઓમાં અને પ્રચારમાં જઈ શકું, બાઇબલનો અભ્યાસ કરી શકું એ માટે મેં કયો પ્લાન બનાવ્યો છે?’ (યહો. ૧:૮; માથ. ૨૮:૧૯, ૨૦; હિબ્રૂ. ૧૦:૨૫) આનો પણ વિચાર કરો: તમે સ્કૂલમાં હતા ત્યારે ભક્તિનાં એ કામો માટે કઈ રીતે સમય કાઢતા હતા? જો લાગે કે તમે વધારે સારું કરી શક્યા હોત, તો હવે કેવા ફેરફારો કરી શકો? વધારે ભણવાની સાથે સાથે યહોવાની ભક્તિમાં વ્યસ્ત રહેજો. ભણવા પર ધ્યાન આપજો, પણ કદી ભક્તિના ભોગે નહિ!a—માથ. ૬:૨૪.
૬. તમારા જીવનમાં યહોવા સૌથી પહેલા છે કે નહિ, એ જાણવા કયા સવાલો પર વિચાર કરી શકો? (ચિત્ર પણ જુઓ.)
૬ વધારે ભણતર લેતા હો ત્યારે નિયમિત રીતે જોતા રહો કે તમે યહોવાની ભક્તિમાં કેવું કરી રહ્યા છો. બની શકે તો દર મહિને વિચાર કરો, ‘શું હજીયે યહોવા મારા જીવનમાં પહેલા છે?’ એનો જવાબ તમે પોતે શોધી શકો છો. એ માટે પોતાને આવા સવાલો પૂછો: ‘શું સભાઓ ચૂકી જવી અથવા મોડા જવું એ મારી આદત બની ગઈ છે? શું સભામાં બેઠાં બેઠાં મને હોમવર્કના વિચારો આવે છે? શું હું બસ ઝૂમથી સભાઓમાં જોડાઉં છું? શું પહેલાં કરતાં મારું બાઇબલ વાંચન અને મારી પ્રાર્થનાઓ ઓછી થઈ ગઈ છે? શું હું બસ કરવા ખાતર પ્રચાર કરું છું? અને જો પ્રચારમાં જઉં તોપણ શું વહેલા આવી જવાનું મન થાય છે?’ જો આમાંથી કોઈ એક કે વધારે સવાલનો જવાબ ‘હા’ હોય, તો ફેરફાર કરવા તરત પગલાં ભરજો. તમારા માટે સૌથી મહત્ત્વનું છે કે જીવનમાં યહોવા સૌથી પહેલા હોય, ભણતર નહિ.
ધ્યાન રાખો કે તમારું ભણતર યહોવાની ભક્તિથી વધારે મહત્ત્વનું ન બની જાય (ફકરો ૬ જુઓ)
‘તમારી પારખશક્તિ સાચવી રાખો’
૭. વધારે ભણતરને લીધે આપણા વિચારો પર કેવી અસર થઈ શકે?
૭ કઈ મુશ્કેલી આવી શકે? અમુક કોર્સમાં દુનિયાની ‘ફિલસૂફી અને છેતરામણી વાતો’ શીખવવામાં આવે છે, જેમ કે ઈશ્વર છે જ નહિ અથવા માણસો વાંદરાંમાંથી આવ્યા છે. (કોલો. ૨:૮) વધુમાં, તમે એવા શિક્ષણને લીધે કદાચ યહોવાને બદલે પોતાના પર વધારે ભરોસો કરવા લાગો. એક યુવાન ભાઈ કહે છે: “અમને બસ હુન્નર જ નહિ, વિચારવાની અલગ રીત પણ શીખવવામાં આવતી. મોટા ભાગે એ યહોવાના વિચારોથી એકદમ અલગ હતી. દાખલા તરીકે, અમને શીખવવામાં આવ્યું કે સફળતાનું શિખર સર કરવું હોય તો પોતાની આવડતો પર જ ભરોસો રાખવો જોઈએ. હું વિચારવા લાગ્યો કે ખુશ રહેવા મને યહોવાની જરૂર નથી. એના લીધે તેમના પર ભરોસો રાખવો મારા માટે અઘરું થઈ ગયું.”
૮. ‘પારખશક્તિ સાચવી રાખવી’ કેમ મહત્ત્વનું છે? (નીતિવચનો ૫:૧, ૨)
૮ નીતિવચનો ૫:૧, ૨ વાંચો. પારખશક્તિ એટલે કે સાચું શું અને ખોટું શું એ પારખવાની શક્તિ. બાઇબલમાં લખ્યું છે કે આપણે પારખશક્તિને સાચવી રાખવી જોઈએ. કોઈ વસ્તુ પર જોખમ તોળાતું હોય ત્યારે જ એને સાચવવાની જરૂર પડે છે. શું આપણી પારખશક્તિ પણ જોખમમાં છે? હા, શેતાન અને તેની દુનિયા આપણા વિચારો ભ્રષ્ટ કરવા માંગે છે. (૧ પિત. ૫:૮) ખરા-ખોટા વિશેનાં ધોરણો, જીવનની શરૂઆત કઈ રીતે થઈ અથવા કોઈ સર્જનહાર છે કે નહિ, એ બધા વિશે દુનિયાના વિચારો આપણાં મનમાં શંકા ઊભી કરી શકે છે. યહોવાએ બાઇબલમાં જે લખાવ્યું છે એના પરથી આપણી શ્રદ્ધા ડગાવી શકે છે. દુનિયાના લોકોને લાગે છે કે “ઉચ્ચ” શિક્ષણ લેવાથી તેઓના વિચારો પણ “ઊંચા” થઈ ગયા છે. પણ હકીકત કંઈક જુદી જ છે. બાઇબલમાં લખ્યું છે, “આ દુનિયાની બુદ્ધિ ઈશ્વરની નજરે મૂર્ખતા છે.”—૧ કોરીં. ૩:૧૮-૨૦.
૯. બીજાઓને લીધે તમારી શ્રદ્ધા નબળી ન પડે એ માટે તમે શું કરી શકો?
૯ વધારે ભણવાનું શરૂ કરો એ પહેલાં શું કરી શકો? કોઈ કોર્સ કરતા પહેલાં પોતાનો ભરોસો મજબૂત કરો કે બાઇબલમાં લખેલી વાતો સાચી છે. આમ તમે પોતાની પારખશક્તિ સાચવી શકશો. આવા સવાલો પર વિચાર કરો: ‘હું કેમ માનું છું કે ઈશ્વર સાચે જ છે? હું કેમ માનું છું કે બાઇબલ યહોવાએ લખાવ્યું છે? મને કેમ ભરોસો છે કે જીવન કઈ રીતે જીવવું એ વિશે બાઇબલનાં ધોરણો માનવાથી જ મારું ભલું થશે?’ સ્કૂલના દિવસોનો પણ વિચાર કરો અને પોતાને પૂછો: ‘જ્યારે લોકો છાતી ઠોકીને કહેતા હતા કે જીવન ઉત્ક્રાંતિથી શરૂ થયું છે, ત્યારે શું મને શંકા થતી કે કોઈ સર્જનહાર છે કે નહિ? શું મને પણ સાથી વિદ્યાર્થીઓ જેવાં ખરાબ કામો કરવાનું મન થતું?’ જો લાગે કે તમે વધારે સારું કરી શક્યા હોત, તો હમણાં બાઇબલ અને એનાં ધોરણો પર ભરોસો મજબૂત કરવા શું કરી શકો? દૃઢ નિર્ણય લો કે વધારે ભણતર લેતી વખતે તમે બીજાઓને લીધે પોતાની શ્રદ્ધા નબળી નહિ પડવા દો.—૨ તિમો. ૨:૧૬-૧૮.b
૧૦. વધારે ભણતર લેતી વખતે પણ કઈ રીતે પારખશક્તિ સાચવી શકો?
૧૦ વધારે ભણતર લેતી વખતે નિયમિત રીતે આના પર વિચાર કરજો: ‘શું હવે મને લોકોનાં ખરાબ વાણી-વર્તન એટલાં ખરાબ નથી લાગતાં? શું હું માણસોની ખોખલી વાતો તરત પારખી લઉં છું? શું મને પાકો ભરોસો છે કે ફક્ત ઈશ્વરનું રાજ્ય જ માણસોની બધી તકલીફોને દૂર કરી શકે છે?’ પારખશક્તિ સાચવી રાખવા બાઇબલનો ઊંડો અભ્યાસ કરો. જે વાંચો એના પર મનન કરો. આમ, બાઇબલના સત્ય પર તમારો ભરોસો વધશે અને કદી બીજાઓને લીધે મનમાં શંકા ઊભી નહિ થાય.—૧ તિમો. ૪:૧૫.
સમયનો સૌથી સારો ઉપયોગ કરો
૧૧. વધારે ભણતર લેતી વખતે બીજી કઈ મુશ્કેલી આવી શકે?
૧૧ કઈ મુશ્કેલી આવી શકે? વધારે ભણતર ખાસ્સો સમય માંગી લે છે. ખાસ કરીને પરીક્ષાની તૈયારીઓ કરવામાં અથવા પ્રોજેક્ટ પૂરો કરવામાં ઘણો સમય જાય છે. સમયનો સારી રીતે ઉપયોગ નહિ કરો તો, કદાચ તમને વધારે ટેન્શન થવા લાગે અથવા થાકીને લોથપોથ થઈ જાઓ. એવું ન થાય એ માટે ખૂબ જરૂરી છે કે ભણવાની સાથે સાથે તમે પોતાના માટે સમય કાઢો અને પોતાની સંભાળ રાખો.
૧૨. કઈ બાબતો માટે સમય કાઢવો જરૂરી છે? (એફેસીઓ ૫:૧૫, ૧૬)
૧૨ એફેસીઓ ૫:૧૫, ૧૬ વાંચો. એકસાથે ઘણું બધું કરવાનું હોય તો “સમયનો સૌથી સારો ઉપયોગ” કરવો અઘરું થઈ શકે. તમારે ભણવાનું તો છે જ, પણ એનાથી વધારે જરૂરી છે કે તમે કુટુંબ અને ભાઈ-બહેનો સાથે સમય વિતાવો. (ગીત. ૧૩૩:૧; નીતિ. ૧૮:૧) યાદ રાખો, તમારા માટે સૌથી મહત્ત્વનું એ છે કે યહોવાની નજીક લઈ જાય એવાં કામો કરતા રહો. (માથ. ૬:૩૩) વધુમાં તમે કદાચ કુટુંબની અમુક જવાબદારીઓ સંભાળતા હો અથવા નોકરી કરતા હો. એની સાથે સાથે પૂરતો આરામ કરવા અને હળવી કસરત કરવા પણ સમય કાઢવો જરૂરી છે. (સભા. ૪:૬; ૧ તિમો. ૪:૮) જો એક સારું શેડ્યુલ હશે, તો જ એ બધું કરી શકશો.
૧૩. સમયનો સૌથી સારો ઉપયોગ કરવા તમે શું કરી શકો?
૧૩ વધારે ભણવાનું શરૂ કરો એ પહેલાં શું કરી શકો? બાઇબલમાં જણાવ્યું છે કે યોજનાઓ બનાવવાથી સફળતા મળે છે. (નીતિ. ૨૧:૫) એટલે સારું રહેશે કે તમે વધારે ભણવાનું શરૂ કરો એ પહેલાં શેડ્યુલ બનાવો. પણ ધ્યાન રાખજો કે તમે એને એટલું ભરચક ન બનાવી દો કે તમારા માટે બધાં કામો પૂરાં કરવાં અઘરું થઈ જાય. એક સારું શેડ્યુલ બનાવવા વિચાર કરો: સ્કૂલમાં તમારું શેડ્યુલ કેવું હતું? શું તમે બધાં મહત્ત્વનાં કામો કરી શકતા હતા? જો લાગે કે તમે વધારે સારું કરી શક્યા હોત, તો હવે કેવા ફેરફારો કરી શકો? યાદ રાખો, તમે સમયની મુઠ્ઠીમાં નહિ, સમય તમારી મુઠ્ઠીમાં હોવો જોઈએ.c
૧૪. પોતાની પરખ કરવા કેવા સવાલો પર વિચાર કરી શકો?
૧૪ વધારે ભણતર લેતી વખતે નિયમિત રીતે આના પર વિચાર કરજો: ‘શું મને પૂરતો આરામ કરવા અને કસરત કરવા સમય મળે છે? શું મને હજીયે ભાઈ-બહેનો સાથે સમય વિતાવવાનો મોકો મળે છે? શું હું મારું હોમવર્ક ટાઇમ પર પૂરું કરું છું? જો નથી થતાં, તો એનું કારણ શું છે? શું મારી પાસે કરવા માટે ઘણું બધું છે એટલે, કે પછી બસ આળસને લીધે પૂરાં નથી થતાં? શું મારા કુટુંબને અને દોસ્તોને પણ લાગે છે કે મારે કોઈ ફેરફાર કરવો જોઈએ?’ જો તમને ખ્યાલ આવે કે તમારે શેડ્યુલમાં ફેરફાર કરવાનો છે અથવા શેડ્યુલને વળગી રહેતા શીખવાનું છે, તો તરત પગલાં ભરો. તમે એવા લોકો સાથે પણ વાત કરી શકો, જેઓ પોતાના સમયનો સારો ઉપયોગ કરી રહ્યા છે.—નીતિ. ૧૧:૧૪.
‘બુદ્ધિમાન સાથે ચાલતા’ રહો
૧૫. વધારે ભણતર લેતી વખતે કઈ મુશ્કેલી આવી શકે?
૧૫ કઈ મુશ્કેલી આવી શકે? બની શકે કે તમારી સાથે ભણતા વિદ્યાર્થીઓ ક્લાસ પછી તમારી સાથે સમય વિતાવવા માંગે. અથવા તમને તેઓ સાથે સમય વિતાવવાનું મન થાય. કેમ કે તમે કદાચ સરખી ઉંમરના હો, તમારી પસંદ-નાપસંદ એક જેવી હોય અને તમે ઘણો સમય ક્લાસમાં સાથે વિતાવતા હો. અરે, તમને એવું પણ લાગવા લાગે કે તમે મંડળનાં ભાઈ-બહેનો કરતાં ઘણી રીતે એ વિદ્યાર્થીઓ જેવા છો. પણ યાદ રાખજો, ભલે તમે એ વિદ્યાર્થીઓ સાથે એક જ ક્લાસમાં બેસો છો, પણ તમારા બધાનાં ધોરણો એક જેવાં નથી. તમે તેઓથી અલગ છો. તમે તેઓ સાથે જેટલો વધારે સમય વિતાવશો, તેઓના વિચારોની તમારા પર એટલી જ વધારે અસર થશે. (૧ કોરીં. ૧૫:૩૩) માઇકલે ચાર વર્ષ ઇલેક્ટ્રિશિયનની ટ્રેનિંગ લીધી. તે કહે છે, “દર અઠવાડિયે મારે ૪૦થી વધારે કલાકો સાથે કામ કરતા લોકો જોડે વિતાવવા પડતા. તેઓ ગંદી ગંદી વાતો કરતા. એવાં ગીતો સાંભળતા જે ખ્રિસ્તીઓએ ન સાંભળવાં જોઈએ. તેઓ સ્ત્રીઓને જરાય માન ન આપતા. ધીરે ધીરે મને પણ લાગવા લાગ્યું કે તેઓની વાતો અને કામો એટલાં ખરાબ નથી.”
૧૬. ‘બુદ્ધિમાન સાથે ચાલવાનો’ અર્થ શું થાય? (નીતિવચનો ૧૩:૨૦)
૧૬ નીતિવચનો ૧૩:૨૦ વાંચો. બાઇબલમાં લખ્યું છે કે ખરાબ સંગતથી આપણને જ નુકસાન થશે. જોકે એમાં એ પણ લખ્યું છે કે “બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે.” એનાથી શું શીખવા મળે છે? આપણે જેઓ સાથે વધારે સમય વિતાવીશું, તેઓ જેવા જ બની જઈશું. એટલે એવા લોકો સાથે દોસ્તી કરજો, જેઓ તમારી જેમ યહોવાને ઊંડો પ્રેમ કરે છે અને તમારું ભલું ઇચ્છે છે.—ગીત. ૧૦૧:૬, ૭; ૧૧૯:૬૩.
૧૭. ખરાબ સંગતથી દૂર રહેવા તમે શું કરી શકો?
૧૭ વધારે ભણવાનું શરૂ કરો એ પહેલાં શું કરી શકો? પહેલેથી હદ નક્કી કરો કે સાથે ભણતા વિદ્યાર્થીઓ જોડે કેટલી ગાઢ દોસ્તી કરશો અને તેઓ સાથે કેટલો સમય વિતાવશો. ટ્રેન્ટન એક યહોવાનો સાક્ષી છે. તે કહે છે: “હું ક્લાસના વિદ્યાર્થીઓ સાથે સારી રીતે વર્તું છું. પણ ક્લાસ પછી તેઓ સાથે સમય નથી વિતાવતો. હું બસ તેઓ સાથે ભણું છું, તેઓ કંઈ મારા પાકા દોસ્તો નથી.” તમે કઈ રીતે હદ નક્કી કરી શકો? આનો વિચાર કરો: સ્કૂલમાં હતા ત્યારે તમે કેવી હદ રાખતા હતા? જો લાગે કે તમે વધારે સારું કરી શક્યા હોત, તો હવે કેવા ફેરફારો કરી શકો? પાકો નિર્ણય લો કે તમે ‘બુદ્ધિમાન સાથે ચાલતા’ રહેશો અને યહોવાને પ્રેમ કરતા નથી એવા લોકો સાથે વધારે સમય નહિ વિતાવો.d
૧૮. તમારે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ? (ચિત્ર પણ જુઓ.)
૧૮ વધારે ભણતર લેતી વખતે નિયમિત રીતે આના પર વિચાર કરજો: ‘શું હું ક્લાસના વિદ્યાર્થીઓ સાથે વધારે પડતો સમય વિતાવું છું? શું તેઓનાં વિચારો, વાણી-વર્તન અને આદતોની મારા પર અસર થઈ રહી છે? શું હું તેઓ જેવું કરવા લાગ્યો છું? મારી દોસ્તી વિશે યહોવાને કેવું લાગે છે?’ (ગીત. ૧:૧) જો તમને ખ્યાલ આવે કે તમારે ફેરફાર કરવાની જરૂર છે, તો તરત પગલાં ભરજો. એવા લોકોને જ તમારા પાકા દોસ્ત બનાવો, જેઓ તમારી જેમ યહોવાને પ્રેમ કરે છે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓને સાક્ષી આપતા અચકાશો નહિ. તેઓ તમને ઓળખે છે અને તમારી સાથે ભણે છે, એટલે તમારી પાસે સાક્ષી આપવાની સરસ તક છે. એ તક ગુમાવશો નહિ.
જેઓ તમારી સાથે ભણે છે તેઓને સાક્ષી આપતા અચકાશો નહિ (ફકરો ૧૮ જુઓ)e
પહેલેથી તૈયારી કરો
૧૯. વધારે ભણતી વખતે આવતી મુશ્કેલીઓનો સામનો કરવા તમે હમણાંથી શું કરી શકો? દાખલો આપીને સમજાવો.
૧૯ ધારો કે એક વ્યક્તિને પહાડ ચઢવો છે. પણ એ પહેલાં તેણે અમુક તૈયારીઓ કરવી પડશે. તેને એ તો ખબર નહિ હોય કે રસ્તામાં કઈ મુશ્કેલીઓ આવશે, પણ પોતાના ધ્યેય સુધી પહોંચવા તે અમુક વાતોનું ધ્યાન રાખશે. જેમ કે, તે પહાડ ચઢતા પહેલાં પોતાનું શરીર મજબૂત કરશે, હવામાનનું ધ્યાન રાખશે અને એ પ્રમાણે કપડાં પહેરશે. પોતાના ધ્યેય સુધી પહોંચવા સારો રસ્તો પસંદ કરશે. એવી જ રીતે, વધારે ભણતર લેતા પહેલાં તમે પણ અમુક તૈયારીઓ કરી શકો. હમણાંથી પોતાની શ્રદ્ધા મજબૂત કરો. “ઈશ્વરે આપેલાં બધાં હથિયારો પહેરી લો.” તમારો ધ્યેય અમીર બનવાનો કે દુનિયામાં મોટું નામ કમાવાનો નહિ, પણ યહોવાને મહિમા આપવાનો છે. એ ધ્યેય મનમાં ઠસાવી લો.—એફે. ૬:૧૧-૧૩; ૧ કોરીં. ૯:૨૬, ૨૭; ૧૦:૩૧.
૨૦. ‘શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહેવા’ તમે શું કરી શકો?
૨૦ બાઇબલમાં અરજ કરી છે: “તમે શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહો. તમે સાચા માર્ગે ચાલો છો, એની ખાતરી કરતા રહો.” (૨ કોરીં. ૧૩:૫) વધારે ભણતર લેતી વખતે પણ એવું કરતા રહેજો. આ લેખમાં જે ચર્ચા કરી, એના પર નિયમિત રીતે વિચાર કરતા રહેજો. શું તમે યહોવાની નજીક રહેવા મહેનત કરી રહ્યા છો? શું તમે દુનિયાના વિચારોથી પોતાનું રક્ષણ કરી રહ્યા છો? શું તમે સમયનો સારો ઉપયોગ કરી રહ્યા છો? શું તમે ખરાબ સંગતથી દૂર રહો છો? શું તમે ભાઈ-બહેનો સાથે દોસ્તી પાકી કરી રહ્યા છો? આપણે બધાએ આ સવાલો પર વિચાર કરવો જોઈએ, પછી ભલે આપણે સ્કૂલમાં ભણતા હોઈએ, નોકરી કરતા હોઈએ અથવા બીજું કોઈ કામ કરતા હોઈએ. ભલે આપણી સામે કોઈ પણ સંજોગો આવે, દૃઢ નિર્ણય લઈએ કે કદી પોતાની શ્રદ્ધા ડગવા નહિ દઈએ. એમ કરીશું તો યહોવા આપણી મહેનત પર ચોક્કસ આશીર્વાદ વરસાવશે.—નીતિ. ૩:૫, ૬.
ગીત ૨૦ સભાને આશિષ દો
a તમે કઈ રીતે યહોવાની ભક્તિમાં વ્યસ્ત રહી શકો, એ વિશે જાણવા jw.org/hi પર આ લેખ જુઓ: “નૌજવાનોં કે સવાલ . . . બપતિસ્મે કે બાદ મુઝે ક્યા કરના હૈ?—ભાગ ૧: ઉપાસના સે જુડે કામ કરતે રહીએ.”
b તમે કઈ રીતે પોતાના વિચારોનું રક્ષણ કરી શકો, એ વિશે જાણવા ચોકીબુરજ, મે ૨૦૧૯નો આ લેખ જુઓ: “દુનિયાનાં વિચારો અને ડહાપણથી છેતરાઈએ નહિ.”
c તમે કઈ રીતે રોજનાં કામો માટે સારું શેડ્યુલ બનાવી શકો, એ વિશે જાણવા jw.org/hi પર આ લેખ જુઓ: “નૌજવાનોં કે સવાલ . . . સમય કા સહી ઇસ્તેમાલ કૈસે કરેં?”
d તમે કઈ રીતે સારા દોસ્ત પસંદ કરી શકો, એ વિશે જાણવા દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૪૮ જુઓ: “સમજી-વિચારીને મિત્રો બનાવીએ.”
e ચિત્રની સમજ: એક બહેન હેર સ્ટાઇલિસ્ટનો કોર્સ કરે છે અને તે તક જોઈને પોતાના ક્લાસની એક છોકરીને પ્રેમથી સાક્ષી આપે છે.