જુલાઈ ૧૩-૧૯, ૨૦૨૬
ગીત ૨૯ ચાલું તારી સંગે
બાઇબલ સિદ્ધાંતોથી કઈ રીતે અંતઃકરણ કેળવી શકીએ?
“દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.”—ગલા. ૬:૫.
આપણે શું શીખીશું?
સારા નિર્ણયો લેવા બાઇબલ સિદ્ધાંતોની મદદથી કઈ રીતે અંતઃકરણ કેળવી શકીએ?
૧-૨. (ક) યહોવાએ આદમ અને હવાને કઈ ભેટ આપી? (ખ) એ ભેટ માટે તેઓ કઈ રીતે કદર બતાવી શકતાં હતાં?
માણસો, પ્રાણીઓ અને મશીનો વચ્ચે શું ફરક છે? પ્રાણીઓ સહજબુદ્ધિથી અથવા સ્વાભાવિક રીતે વર્તે છે. મશીનોને જે રીતે પ્રોગ્રામ કરવામાં આવે એ જ રીતે મશીનો કામ કરે છે. પણ માણસોને અલગ રીતે બનાવવામાં આવ્યા છે. તેઓ પાસે જાતે નિર્ણય લેવાની આઝાદી છે. એ ખાસ ભેટની આપણે ખૂબ કદર કરીએ છીએ. બાઇબલમાં જણાવ્યું છે કે આદમને ઈશ્વર જેવો, એટલે કે ઈશ્વર જેવા ગુણો સાથે બનાવવામાં આવ્યો હતો. (ઉત. ૧:૨૬, ૨૭) યહોવાએ આદમ અને હવાને એ રીતે બનાવ્યાં કે તેઓ જાતે નિર્ણયો લઈ શકે.
૨ યહોવાએ આદમ અને હવાને નિયમોનું લાંબુંલચક લિસ્ટ ન આપ્યું. તેમણે તો બસ એટલું જ કહ્યું કે તેઓ પૃથ્વીની સંભાળ રાખે, એને બાળકોથી ભરી દે અને ખરું-ખોટું નક્કી કરવાના યહોવાના અધિકારને માન આપે. (ઉત. ૧:૨૮; ૨:૧૬, ૧૭) આદમ અને હવા પાસે જાતે નિર્ણય લેવાની આઝાદી હતી. યહોવાએ તેઓને એ ખાસ ભેટ આપી હતી. એની કદર બતાવવા તેઓ શું કરી શકતાં હતાં? યહોવાએ તેઓ માટે જે કંઈ કર્યું હતું, એ બધા માટે કદર બતાવવા તેઓએ ફક્ત યહોવાની સાદી આજ્ઞાઓ પાળવાની હતી. એમ કરીને તેઓ બતાવી શકતાં હતાં કે તેઓ યહોવાને પ્રેમ કરે છે અને તેમને ખુશ કરવા માંગે છે.—નીતિ. ૨૩:૧૫.
૩. આદમ અને હવાએ પોતાને મળેલી ભેટનો કેવો ઉપયોગ કર્યો?
૩ બાઇબલમાં જણાવ્યું છે કે આદમ અને હવાએ પોતાની ભેટનો ખોટો ઉપયોગ કર્યો. તેઓએ યહોવાના કહ્યા પ્રમાણે ન કર્યું અને ખોટો નિર્ણય લીધો. તેઓના નિર્ણયથી દેખાઈ આવ્યું કે તેઓ યહોવાને પ્રેમ કરતા નથી. તેમ જ, યહોવાએ તેઓ માટે જે કંઈ કર્યું હતું, એની તેઓને કદર નથી. (ઉત. ૩:૧-૭) સ્વાર્થી બનીને તેઓએ જે નિર્ણય લીધો હતો, એનાં ખરાબ પરિણામો આજે પણ આપણે ભોગવવાં પડે છે.—રોમ. ૫:૧૨.
૪. (ક) આપણે બધાએ શું કરવું પડે છે? (ગલાતીઓ ૬:૫) (ખ) આ લેખમાં બીજી કઈ ભેટ વિશે ચર્ચા કરીશું?
૪ આપણે ઘણી જવાબદારીનો બોજો ઊંચકીએ છીએ. એમાંની એક જવાબદારી છે કે આપણે રોજ ઘણા બધા નિર્ણયો લેવા પડે છે. (ગલાતીઓ ૬:૫ વાંચો.) અમુક નિર્ણયો સહેલા હોય છે, તો અમુક અઘરા. પણ યહોવા ખુશ થાય એવા નિર્ણયો લેવા શું કરી શકીએ? સૌથી પહેલા સ્વીકારીએ કે આપણને યહોવાની મદદની જરૂર છે. (નીતિ. ૧૬:૩; યર્મિ. ૧૦:૨૩) ધ્યાન આપો કે ઈસુએ મદદ માટે યહોવા પર આધાર રાખ્યો હતો. (હિબ્રૂ. ૫:૭) જો ઈસુએ માર્ગદર્શન માટે યહોવા પર આધાર રાખ્યો હોય, તો આપણા માટે એમ કરવું કેટલું વધારે જરૂરી છે! આખરે આપણે તો પાપી છીએ, ભૂલો કરી બેસીએ છીએ. હવે ચાલો યહોવાએ આપેલી બીજી એક ભેટ વિશે ચર્ચા કરીએ, જેનાથી આપણને સારા નિર્ણયો લેવા મદદ મળશે. એ છે આપણું અંતઃકરણ.
અંતઃકરણ એટલે શું?
૫. (ક) અંતઃકરણ એટલે શું? (ખ) અંતઃકરણ આપણને કઈ રીતે મદદ કરી શકે છે? (રોમનો ૨:૧૪, ૧૫)
૫ અંતઃકરણ આપણા દિલનો અવાજ છે, જે આપણને ખરા-ખોટા વચ્ચેનો ફરક બતાવે છે. યહોવાએ બધા માણસોને અંતઃકરણ આપ્યું છે. ભલે એક વ્યક્તિ ઈશ્વરના નિયમો જાણતી હોય કે ન જાણતી હોય, તેની પાસે અંતઃકરણ હોય છે. (૨ કોરીં. ૪:૨) આપણું અંતઃકરણ એક ન્યાયાધીશ જેવું છે. એ આપણો ન્યાય કરીને જણાવે છે કે આપણાં વિચારો અને કામો સારાં છે કે ખરાબ. (રોમનો ૨:૧૪, ૧૫ વાંચો.) આપણને જે કામો ખોટાં લાગતાં હોય, એ ન કરવા આપણું અંતઃકરણ આપણને ચેતવે છે. (૧ શમુ. ૨૬:૮-૧૧) અથવા આપણને જે કામો સાચાં લાગતાં હોય, એ કરવા આપણું અંતઃકરણ આપણને ઉત્તેજન આપે છે. ખરું કે, આપણી પાસે જાતે નિર્ણય લેવાની છૂટ છે, પણ એનો અર્થ એ નથી કે આપણા દરેક નિર્ણયથી આપણે યહોવાને ખુશ કરી શકીશું. જોકે અંતઃકરણથી આપણને પારખવા મદદ મળે છે કે આપણો નિર્ણય યોગ્ય છે કે નહિ.
૬. કોઈ વાર યોગ્ય નિર્ણય લેવા શા માટે અંતઃકરણ મદદ નથી કરતું?
૬ વારસામાં મળેલાં પાપની આપણાં અંતઃકરણ પર પણ ખરાબ અસર થઈ છે. આપણા ઉછેર, સમાજ અને ખોટી ઇચ્છાઓને લીધે આપણું અંતઃકરણ નબળું પડી શકે છે. બાઇબલમાં જણાવ્યું છે કે આપણું અંતઃકરણ “કમજોર,” “ભ્રષ્ટ” કે “દુષ્ટ” થઈ શકે છે અથવા ધગધગતા સળિયાના ડામથી “બહેર મારી” ગયું હોય એવું થઈ શકે છે. (૧ કોરીં. ૮:૧૨; તિત. ૧:૧૫; ૧ તિમો. ૪:૨; હિબ્રૂ. ૧૦:૨૨) એવાં અંતઃકરણથી આપણે સારો નિર્ણય નહિ લઈ શકીએ. એ તો એવું કહેવાશે કે જાણે આપણે બગડેલા વજન કાંટાથી વજન કરી રહ્યા છીએ. એટલે એ ખૂબ જરૂરી છે કે સારા નિર્ણયો લેવા અંતઃકરણને કેળવતા રહીએ. (૧ પિત. ૩:૧૬) એવું કઈ રીતે કરી શકીએ?
કઈ રીતે અંતઃકરણ કેળવી શકીએ?
૭-૮. (ક) આપણે કઈ રીતે અંતઃકરણને કેળવી શકીએ? (ખ) બાઇબલ સિદ્ધાંતોથી કઈ રીતે આપણને સાચું માર્ગદર્શન મળે છે? દાખલો આપીને સમજાવો. (ચિત્ર પણ જુઓ.)
૭ આપણે કઈ રીતે અંતઃકરણને કેળવી શકીએ? આપણે નિયમિત રીતે બાઇબલ વાંચીએ અને ખરા-ખોટા વિશે યહોવાના વિચારો સમજીએ. ઈશ્વરના નિયમોનો અભ્યાસ કરવાથી આપણે યહોવાના વિચારો જાણી શકીએ છીએ. પણ ગયા લેખમાં જોઈ ગયા તેમ નિયમો કદાચ અમુક સમય અને સંજોગમાં જ લાગુ પડે. એટલે જરૂરી છે કે આપણે સિદ્ધાંતો શોધીએ. એનાથી આપણે યહોવાનાં વિચારો અને લાગણીઓ વધારે સારી રીતે સમજી શકીએ છીએ.—યશા. ૫૫:૯.
૮ એને સમજવા ચાલો એક દાખલો લઈએ. આપણે પોતાના જીવનની મુસાફરીને વેરાન જગ્યાની મુસાફરી સાથે સરખાવી શકીએ. વેરાન જગ્યામાં પાકા રસ્તા કે સાઇન બૉર્ડ હોતાં નથી. સૂર્ય અને તારાઓને જોઈને આપણને ખ્યાલ આવી શકે છે કે આપણે ક્યાં છીએ અથવા કઈ દિશામાં જવાનું છે. પણ જો આપણી પાસે એવો કોઈ નકશો હોય જેમાં ટેકરીઓ, પહાડો, સરોવર કે એના જેવી નિશાનીઓ હોય, તો આપણા માટે મંજિલ સુધી પહોંચવું વધારે સહેલું થઈ જાય છે. એ નકશાથી સમજી શકીએ છીએ કે આપણે યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ કે પછી રસ્તો ભટકી ગયા છીએ. જીવનની મુસાફરી વિશે પણ એવું જ છે. યહોવાને ખુશ કરવા એ જ આપણી મંજિલ છે. બાઇબલ એવા જ એક નકશા જેવું છે. બાઇબલ સિદ્ધાંતો રસ્તામાં આવતી નિશાનીઓ જેવા છે, જે આપણને સાચું માર્ગદર્શન આપે છે. એ સિદ્ધાંતો પ્રમાણે ચાલવાથી આપણે પોતાની મંજિલ સુધી પહોંચી શકીએ છીએ.
બાઇબલ સિદ્ધાંતો રસ્તામાં આવતી નિશાનીઓ જેવા છે. એનાથી આપણને ખાતરી મળે છે કે આપણે સાચા માર્ગે ચાલી રહ્યા છીએ (ફકરો ૮ જુઓ)
૯. અંતઃકરણને કેળવવા બીજા શાનાથી મદદ મળી શકે? (રોમનો ૯:૧)
૯ ઈશ્વરની પવિત્ર શક્તિની મદદથી આપણે પોતાનું અંતઃકરણ સારી રીતે કેળવી શકીએ છીએ. (રોમનો ૯:૧ વાંચો.) પવિત્ર શક્તિથી આપણને ઈશ્વરના વિચારો સારી રીતે સમજવા મદદ મળે છે. એની મદદથી આપણને યહોવાની મરજી પ્રમાણે કરવા ઇચ્છા અને બળ મળે છે. (ફિલિ. ૨:૧૩) પણ યહોવાની પવિત્ર શક્તિ મેળવવા આપણે શું કરી શકીએ?
૧૦. લૂક ૧૧:૧૦, ૧૩ પ્રમાણે પવિત્ર શક્તિ મેળવવા શું કરી શકીએ?
૧૦ પવિત્ર શક્તિ મેળવવા યહોવાને પ્રાર્થના કરીએ. (લૂક ૧૧:૧૦, ૧૩ વાંચો.) આપણે ભરોસો રાખી શકીએ કે તે આપણને ખુલ્લા હાથે પવિત્ર શક્તિ આપશે. (યોહા. ૩:૩૪) જેઓ પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવા માંગે છે, તેઓને યહોવા ઉદાર દિલે પવિત્ર શક્તિ આપે છે. (નીતિ. ૧:૨૩; યાકૂ. ૧:૫) આપણે અંતઃકરણને સારી રીતે કેળવવા બીજું શું કરી શકીએ?
૧૧. (ક) આપણાં જીવનમાં શું સૌથી મહત્ત્વનું હોવું જોઈએ? (ખ) સાચું માર્ગદર્શન આપે એવું અંતઃકરણ કેળવવું કેમ જરૂરી છે?
૧૧ યહોવાને ખુશ કરવા પર હંમેશાં ધ્યાન આપીએ. (નીતિ. ૮:૩૪, ૩૫) એ વાત આપણાં જીવનમાં સૌથી મહત્ત્વની હોવી જોઈએ. દરેક સંજોગમાં એ વાત યાદ રાખવાથી આપણને પોતાનું અંતઃકરણ કેળવવા મદદ મળશે. જો આપણાં વિચારો અને લાગણીઓ યહોવાનાં વિચારો અને લાગણીઓની સુમેળમાં હશે, તો કહી શકીશું કે આપણું અંતઃકરણ સારી રીતે કેળવાયેલું છે. આજે એવું અંતઃકરણ હોવું ખૂબ જરૂરી છે, કેમ કે આપણું જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. આપણે એવા ઘણા સંજોગોનો સામનો કરવો પડે છે, જેના વિશે બાઇબલમાં સીધેસીધું કંઈ જણાવ્યું નથી. જેમ કે, નવરાશની પળે શું જોવું અથવા શું સાંભળવું, કયું કામ કે ભણતર પસંદ કરવું અથવા કેવા લોકો સાથે સમય વિતાવવો. તો પછી આપણે કઈ રીતે ભરોસો રાખી શકીએ કે એ સંજોગોમાં આપણે લીધેલા નિર્ણયથી યહોવા ખુશ થશે?—૨ કોરીં. ૧:૧૨.
૧૨. આપણું અંતઃકરણ યોગ્ય નિર્ણય લેવા મદદ કરી રહ્યું છે કે નહિ એ પારખવા શાનાથી મદદ મળશે? (એફેસીઓ ૫:૧૦)
૧૨ બાઇબલમાંથી જે વાંચીએ એના પર મનન કરીએ. (ગીત. ૪૯:૩) બાઇબલ વાંચતી વખતે આપણે સિદ્ધાંતો શોધીએ, જેથી યહોવાના વિચારો સારી રીતે સમજી શકીએ. (એફેસીઓ ૫:૧૦ વાંચો.) જીવનની અઘરી મુસાફરીમાં આપણા માટે સિદ્ધાંતો શોધવા ખૂબ મહત્ત્વનું છે. કેમ કે એ સિદ્ધાંતોથી આપણે જાણી શકીશું કે આપણું અંતઃકરણ યોગ્ય નિર્ણય લેવા મદદ કરી રહ્યું છે કે નહિ. (નીતિ. ૨:૪-૯, ૧૧-૧૩) જો એવું ન હોય તો પોતાનું અંતઃકરણ કેળવવા અને યહોવાની ઇચ્છા પ્રમાણે નિર્ણય લેવા બાઇબલના સિદ્ધાંતો આપણને મદદ કરશે.—હિબ્રૂ. ૫:૧૪.
૧૩. આપણે શું ન કરવું જોઈએ? એક દાખલો આપો.
૧૩ નિર્ણય લેતા પહેલાં સિદ્ધાંતો શોધીએ. ઇઝરાયેલીઓનો વિચાર કરો. ઈસવીસન પૂર્વે ૬૦૭માં યરૂશાલેમના નાશ પછી પણ અમુક ઇઝરાયેલીઓ યહૂદામાં રહેતા હતા. તેઓએ યર્મિયાને કહ્યું: “તમારા ઈશ્વર યહોવા અમને જણાવે કે અમારે કયા રસ્તે ચાલવું અને શું કરવું.” (યર્મિ. ૪૨:૩-૬) પણ તેઓએ પહેલેથી નક્કી કરી લીધું હતું કે તેઓ શું કરશે. જ્યારે તેઓને યહોવાનું માર્ગદર્શન ન ગમ્યું, ત્યારે તેઓએ પોતાના ધાર્યા પ્રમાણે જ કર્યું. એનું તેઓએ ખરાબ પરિણામ ભોગવવું પડ્યું. (યર્મિ. ૪૨:૧૯-૨૨; ૪૩:૧, ૨, ૪) આપણે એ ઇઝરાયેલીઓ જેવા બનવા નથી માંગતા. એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બાઇબલના સિદ્ધાંતો શોધીએ, જેથી યહોવાના વિચારો પારખી શકીએ. પછી એ પ્રમાણે પગલાં લઈએ.
૧૪. કેમ બાઇબલ સિદ્ધાંતોને આધારે નિર્ણય લેવા જોઈએ?
૧૪ બાઇબલ સિદ્ધાંતોને આધારે નિર્ણય લઈએ. (માથ. ૭:૨૪-૨૯; યાકૂ. ૧:૨૩-૨૫) એમ કરીએ છીએ ત્યારે આપણે પવિત્ર શક્તિને પોતાના જીવનમાં કામ કરવા દઈએ છીએ. આમ યહોવા આપણને પવિત્ર શક્તિ આપતા રહે છે. (પ્રે.કા. ૫:૩૨) પણ જો આપણે પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે નથી ચાલતા, તો કદાચ આપણે પવિત્ર શક્તિને “દુઃખી” કરીએ છીએ અથવા પવિત્ર શક્તિ વિરુદ્ધ કામ કરીએ છીએ. (એફે. ૪:૩૦; યશા. ૬૩:૧૦; પ્રે.કા. ૭:૫૧) એના લીધે બની શકે કે યહોવા આપણને પવિત્ર શક્તિ આપવાનું પણ બંધ કરી દે. (ગીત. ૫૧:૧૧; ૧ થેસ્સા. ૫:૧૯) આપણને દરેક પળે પવિત્ર શક્તિથી મળતી તાકાત અને હિંમતની જરૂર પડે છે. જરા વિચારો, જો એ ન મળે તો આપણે કેટલા લાચાર થઈ જઈશું!—એફે. ૩:૧૬.
કઈ રીતે સિદ્ધાંતો શોધી શકીએ?
૧૫-૧૬. (ક) પોતાના સંજોગમાં લાગુ પડતા સિદ્ધાંતો કઈ રીતે શોધી શકીએ? (ખ) સિગારેટ છોડવા વિદ્યાર્થીને કયા બાઇબલ સિદ્ધાંતો મદદ કરી શકે?
૧૫ સંશોધન માટેનાં સાધનોનો ઉપયોગ કરીએ. એમ કરીને આપણે પોતાના સંજોગોમાં લાગુ પડતા સિદ્ધાંતોને શોધી શકીએ છીએ. ધારો કે, તમારા બાઇબલ વિદ્યાર્થીને સિગારેટ છોડવી અઘરું લાગી રહ્યું છે. તે તમને કહે છે: ‘સિગારેટ ન પીવા વિશે બાઇબલમાં ક્યાંય જણાવ્યું નથી. તો પછી કઈ રીતે ખબર પડે કે સિગારેટ પીવી ખોટું છે.’ તમે કઈ રીતે તેને બાઇબલ સિદ્ધાંતો શોધવા અને સમજવા મદદ કરી શકો? યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા એક સરસ સાધન છે. તમે વિદ્યાર્થીને “શેતાનની દુષ્ટ દુનિયા” વિષયની અંદર “તમાકુ અને ધૂમ્રપાન” મથાળું જોવાનું કહી શકો. ત્યાં આ લેખ હશે: “ધૂમ્રપાનને ઈશ્વર કઈ દૃષ્ટિથી જુએ છે?” (ચોકીબુરજ, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૪ જુઓ.) વિદ્યાર્થીને એ લેખમાં કઈ કલમો અને કયા સિદ્ધાંતો જોવા મળશે?
૧૬ એ લેખમાં આપેલા પાંચ સિદ્ધાંતો પર ધ્યાન આપો. (૧) આપણે એવી કોઈ પણ વસ્તુના બંધાણી ન બનવું જોઈએ, જેનાથી આપણું જીવન જોખમમાં મુકાય. (રોમ. ૬:૧૬) (૨) આપણાં શરીરને નુકસાન કરતી દરેક ચીજવસ્તુથી દૂર રહેવું જોઈએ. (૨ કોરીં. ૭:૧) (૩) યહોવા ચાહે છે કે આપણે પૂરાં તન-મનથી તેમની ભક્તિ કરીએ. (માથ. ૨૨:૩૭) (૪) આપણે ક્યારેય પોતાનાં કામોથી બીજાઓને નુકસાન ન પહોંચાડવું જોઈએ. (માથ. ૨૨:૩૯; ૧ કોરીં. ૧૦:૨૪) (૫) જે ખરું છે એ કરવા યહોવા આપણને હિંમત અને તાકાત આપે છે. (ફિલિ. ૪:૧૩) એટલે ધૂમ્રપાન કરવા વિશે ભલે બાઇબલમાં કોઈ નિયમ ન હોય, પણ એમાં આપેલા સિદ્ધાંતોથી વિદ્યાર્થી યહોવાના વિચારો પારખી શકે છે.
૧૭. લગ્નની તૈયારી કરતું યુગલ કઈ રીતે જરૂરી સિદ્ધાંતો શોધી શકે?
૧૭ ચાલો બીજો એક દાખલો જોઈએ. ધારો કે, એક યુગલ પોતાના લગ્નની તૈયારીઓ કરી રહ્યું છે. સારા નિર્ણયો લેવા તેઓ કઈ રીતે બાઇબલ સિદ્ધાંતો શોધી શકે? સંશોધન માર્ગદર્શિકામાં તેઓ “કૌટુંબિક જીવન” વિષયની અંદર “લગ્નો અને રિસેપ્શન” મથાળું જોઈ શકે. ત્યાં આપેલા લેખોમાંથી તેઓને ઘણા સિદ્ધાંતો મળશે. તેઓ આ છ સિદ્ધાંતો પર ધ્યાન આપી શકે: (૧) બધી ગોઠવણોથી યહોવાને મહિમા મળવો જોઈએ. (૧ કોરીં. ૧૦:૩૧, ૩૨) (૨) આપણાં કપડાં વ્યવસ્થિત અને શોભતાં હોવાં જોઈએ તેમજ કપડાંની પસંદગીથી કોઈને ઠોકર ન લાગવી જોઈએ. (૧ તિમો. ૨:૯; ૧ પિત. ૩:૩, ૪) (૩) જેમ શેતાનની દુનિયામાં થાય છે, તેમ આપણે પોતાની વસ્તુઓનો દેખાડો ન કરવો જોઈએ. (યોહા. ૧૭:૧૪; યાકૂ. ૧:૨૭; ૧ યોહા. ૨:૧૫, ૧૬) (૪) બધી ગોઠવણો વ્યવસ્થિત રીતે થવી જોઈએ. (૧ કોરીં. ૧૪:૪૦) (૫) ધ્યાન રાખવું જોઈએ કે રિસેપ્શન બેફામ મિજબાનીમાં ન ફેરવાઈ જાય, જ્યાં દારૂ પીવા પર કોઈ કાબૂ હોતો નથી. (ગલા. ૫:૨૧) (૬) આખા પ્રસંગ પર દેખરેખ રાખવા કોઈને જવાબદારી સોંપવી જોઈએ.—યોહા. ૨:૮, ૯.
૧૮-૧૯. (ક) સંશોધનના બીજા કયા સાધનથી મદદ મળી શકે? (ખ) તહેવાર કે ઉજવણી વિશે સારો નિર્ણય લેવા આ સાધનનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ? (“જાતે સિદ્ધાંતો પારખો” બૉક્સ જુઓ)
૧૮ સંશોધન માટે બીજા પણ એક સાધનથી ઘણા લોકોને મદદ મળી છે. એ છે ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ. એ પુસ્તકમાં અલગ અલગ વિષયોને લગતી બાઇબલ કલમો આપી છે. દરેક વિષયમાં અમુક સવાલો અને કલમો છે, જેની મદદથી આપણે બાઇબલ સિદ્ધાંતો સારી રીતે પારખી શકીશું. ધારો કે એક વ્યક્તિને સવાલ છે કે તે એક ઉજવણીમાં ભાગ લેશે કે નહિ. એવા સમયે તે “તહેવાર; દિવસ; ઉજવણી” વિષયની અંદર “ખ્રિસ્તીઓ શામાં ભાગ નથી લેતા?” મથાળું જોઈ શકે.
૧૯ એ વિષયમાં આપેલા આ સવાલ પર ધ્યાન આપો: “જૂઠા ધર્મો સાથે જોડાયેલાં તહેવારો, પાર્ટીઓ અને ઉજવણીઓમાં ભાગ લેવો કેમ ખોટું છે? (૧કો ૧૦:૨૧; ૨કો ૬:૧૪-૧૮; એફે ૫:૧૦, ૧૧).” એ પછી એવી અમુક ઉજવણીઓના દાખલા આપ્યા છે. વધુમાં “રાષ્ટ્રીય તહેવાર અને જયંતી” મથાળા નીચે આવા અમુક સવાલો છે: શું ખ્રિસ્તીઓએ દેશના ઇતિહાસ સાથે જોડાયેલા દિવસોની ઉજવણીમાં ભાગ લેવો જોઈએ? શું ખ્રિસ્તીઓએ એવી કોઈ ઉજવણી કે જયંતીઓમાં ભાગ લેવો જોઈએ, જેમાં યુદ્ધને યાદ કરવામાં આવતું હોય, સૈનિકોનું સન્માન કરવામાં આવતું હોય અથવા માણસોને માન-મહિમા આપવામાં આવતો હોય? ત્યાં આપેલા સિદ્ધાંતોથી આપણને સારા નિર્ણયો લેવા મદદ મળશે. આપણે અંતઃકરણ કેળવી શકીએ એ માટે યહોવાએ કેટલાં સરસ સાધનો આપ્યાં છે. આપણે તેમના સંગઠનનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
આપણાં અંતઃકરણને સારી રીતે કેળવીએ
૨૦. કઈ રીતે જાણી શકીએ કે આપણે પોતાનું અંતઃકરણ સારી રીતે કેળવ્યું છે?
૨૦ યહોવાએ આપણને જાતે નિર્ણય લેવાની આઝાદી આપી છે. એ ભેટની આપણે ખૂબ જ કદર કરીએ છીએ. પણ એનો સારી રીતે ઉપયોગ કરવા જરૂરી છે કે આપણે પોતાનાં અંતઃકરણને કેળવીએ. જો અંતઃકરણને સારી રીતે કેળવીશું, તો યહોવાની ઇચ્છા પ્રમાણે નિર્ણયો લઈ શકીશું અને તેમના નામનો મહિમા કરી શકીશું. એ માટે આપણને યહોવાની પવિત્ર શક્તિની જરૂર છે. એટલે તેમની પાસે પવિત્ર શક્તિ માંગતા રહીએ અને એના માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહીએ. બાઇબલ સિદ્ધાંતોથી પણ આપણે પોતાનું અંતઃકરણ કેળવી શકીએ છીએ. ચાલો યહોવાની એ બંને ભેટનો સારો ઉપયોગ કરતા રહીએ. પછી આપણે પોતે જોઈ શકીશું કે ઈશ્વરના સંદેશાની આપણાં જીવન પર કેટલી જોરદાર અસર થાય છે!—૨ તિમો. ૩:૧૬, ૧૭; હિબ્રૂ. ૪:૧૨.
ગીત ૧૧ યહોવાને વળગી રહું