જૂન ૨૨-૨૮, ૨૦૨૬
ગીત ૫૩ સંપીને રહીએ
“દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર” પાસેથી શીખીએ
‘આપણે ઈશ્વર પાસેથી મળેલા દિલાસા દ્વારા બીજાઓને દિલાસો આપીએ.’—૨ કોરીં. ૧:૪.
આપણે શું શીખીશું?
આપણે જોઈશું કે યહોવાએ કઈ રીતે પોતાના લોકોને દિલાસો આપ્યો અને અગાઉના ઈશ્વરભક્તોએ કઈ રીતે યહોવા જેવું કર્યું. એનાથી શીખીશું કે આપણે બીજાઓને કઈ રીતે દિલાસો આપી શકીએ.
૧. આપણે કેમ બીજાઓને દિલાસો આપવો જોઈએ?
આજે આપણે બધાએ અલગ અલગ મુશ્કેલીઓને લીધે “દુઃખો વેઠવાં પડે” છે. એટલે ક્યારેક ને ક્યારેક આપણને દિલાસા અને ઉત્તેજનની જરૂર પડે છે. (૧ પિત. ૧:૬) જ્યારે આપણે મુશ્કેલીઓમાં હોઈએ અને કોઈ દિલાસો આપે ત્યારે ઘણી રાહત મળે છે. તો પછી બીજાઓને તકલીફમાં જોઈએ ત્યારે, આપણે પણ તરત સામે ચાલીને દિલાસો આપવા જવું જઈએ. (માથ. ૭:૧૨) યહોવા “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.” તે આપણને શીખવે છે કે ‘બીજાઓને કઈ રીતે દિલાસો આપી શકીએ, પછી ભલે તેઓ કોઈ પણ પ્રકારની કસોટીનો સામનો કરતા હોય.’ આપણે ‘એકબીજાને દિલાસો આપવા’ તેમના દાખલાને અનુસરી શકીએ. (૨ કોરીં. ૧:૩, ૪; ૧ થેસ્સા. ૪:૧૮) જોકે આપણે ફરજને લીધે નહિ, પણ પ્રેમને લીધે ભાઈ-બહેનોને દિલાસો આપીએ છીએ. આ લેખમાં આ ત્રણ સવાલો પર ચર્ચા કરીશું: (૧) બાઇબલ પ્રમાણે દિલાસો આપવો એટલે શું? (૨) આપણે કઈ રીતે બીજાઓને દિલાસો આપી શકીએ? (૩) જ્યારે આપણને દિલાસાની જરૂર પડે ત્યારે શું કરી શકીએ?
બાઇબલ પ્રમાણે દિલાસો આપવો એટલે શું?
૨. બાઇબલ પ્રમાણે “દિલાસો” આપવાનો શું અર્થ થઈ શકે?
૨ બાઇબલમાં જે ગ્રીક શબ્દનું ભાષાંતર “દિલાસો” થયું છે, એનો અલગ અલગ અર્થ થઈ શકે છે. જેમ કે, “ઉત્તેજન આપવું,” “શિખામણ આપવી” અથવા “અરજ કરવી.” (રોમ. ૧૨:૮, ફૂટનોટ) જોવા જઈએ તો એ ગ્રીક શબ્દનો મૂળ અર્થ થાય, “કોઈને મદદ માટે બાજુમાં બોલાવવું.” એ સાંભળીને આપણા મનમાં કદાચ એવો દોસ્ત આવે, જે બીજાની મુશ્કેલી જોઈને તરત દોડી આવે અને મદદ પૂરી પાડવા બનતું બધું કરે. ભલે તે અલગ અલગ રીતે દિલાસો આપે, પણ તે ખાતરી કરે છે કે એનાથી વ્યક્તિને હિંમત અને ઉત્તેજન મળે.
૩. બીજાઓને દિલાસો આપવામાં બાર્નાબાસે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો? (ચિત્ર પણ જુઓ.)
૩ ચાલો પહેલી સદીના એક ઈશ્વરભક્તનો દાખલો જોઈએ. તેમનું નામ યૂસફ હતું. તે બીજાઓને દિલાસો અને ઉત્તેજન આપવા હંમેશાં તૈયાર રહેતા હતા. એટલે પ્રેરિતોએ તેમનું નામ બાર્નાબાસ પાડ્યું, જેનો અર્થ થાય “દિલાસાનો દીકરો.” (પ્રે.કા. ૪:૩૬) એ નામ પ્રમાણે જ તેમનાં કામ હતાં. એટલે બાઇબલમાં ફરી ક્યારેય યૂસફ નામથી તેમનો ઉલ્લેખ થયો નથી. બાર્નાબાસ ઘણી વાર જરૂરિયાતના સમયે ભાઈ-બહેનોને મદદ કરવા આગળ આવ્યા. દાખલા તરીકે, શાઉલ ખ્રિસ્તી બન્યા એના થોડા સમય પછી તે યરૂશાલેમ આવ્યા અને બીજા શિષ્યોને મળવા માંગતા હતા. પણ શિષ્યો તેમનાથી ડરતા હતા, કેમ કે શાઉલે અગાઉ ઘણા ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. પણ બાર્નાબાસે શાઉલ પર ભરોસો કર્યો અને તેમને પ્રેરિતો પાસે લઈ ગયા.—પ્રે.કા. ૯:૨૬-૨૮.
બાર્નાબાસનાં કામો તેમના નામના અર્થ પ્રમાણે જ હતાં (ફકરો ૩ જુઓ)
બીજાઓને કઈ રીતે દિલાસો આપી શકીએ?
૪. દિલાસો આપવાની એક સારી રીત કઈ છે? (રોમનો ૧:૧૧, ૧૨)
૪ શક્ય હોય તો મળવા જઈએ. યહોવા પોતાના ભક્તો દ્વારા બીજાઓને દિલાસો આપે છે. દાખલા તરીકે, એલિયા પ્રબોધક નિરાશ હતા ત્યારે યહોવાએ એક દૂત મોકલીને તેમને ઉત્તેજન આપ્યું. (૧ રાજા. ૧૯:૪-૭) પ્રેરિત પાઉલ પણ જાણતા હતા કે ભાઈ-બહેનોને મળીને ઉત્તેજન આપવાથી ઘણો ફરક પડે છે. (રોમનો ૧:૧૧, ૧૨ વાંચો.) બીજાઓને દિલાસો આપવા જઈએ ત્યારે ઊડતી મુલાકાત લઈને પાછા ન આવતા રહીએ. એના બદલે શાંતિથી બેસીને વાત કરીએ. (૧ કોરીં. ૧૬:૭) જો કોઈને મળવા ન જઈ શકાય તો ફોન કરીને, કાર્ડ કે પત્ર મોકલીને અથવા મૅસેજ કરીને તેમની હિંમત વધારી શકીએ. યહોવા તમારા દ્વારા બીજાઓને દિલાસો આપવા માંગે છે. શું તમે યહોવાને સાથ આપશો?
૫. અમુક વાર ભાઈ-બહેનોને દિલાસો આપવો કેમ અઘરું થઈ શકે?
૫ છેલ્લા દિવસોમાં સંજોગો વધારે બગડશે, એટલે ભાઈ-બહેનોને મળીને દિલાસો આપવો વધારે ને વધારે અઘરું બનતું જશે. આપણે એફેસસ મંડળના ઓનેસિફરસ પાસેથી ઘણું શીખી શકીએ. પાઉલ રોમમાં કેદ હતા ત્યારે ઓનેસિફરસ તેમને મળીને દિલાસો આપવા માંગતા હતા. તે જાણતા હતા કે એના લીધે તેમને કેદ થઈ શકતી હતી અથવા તેમનો જીવ પણ જઈ શકતો હતો. તોપણ તેમણે પાઉલને શોધવા ઘણી મહેનત કરી. (૨ તિમો. ૧:૧૬-૧૮) ઓનેસિફરસની જેમ રશિયામાં આપણાં ભાઈ-બહેનો એકબીજાને દિલાસો આપવા બનતું બધું કરે છે. જ્યારે કોઈ ભાઈ કે બહેન પર મુકદ્દમો ચાલે, ત્યારે બીજાં ભાઈ-બહેનો તેમને દિલાસો આપવા છેક અદાલત સુધી પહોંચી જાય છે. એમ કરવાને લીધે તેઓની ધરપકડ થઈ શકે છે, તોપણ તેઓ પાછી પાની કરતા નથી. હિંમતનો કેટલો અજોડ દાખલો! આપણે કઈ રીતે ભાઈ-બહેનોને દિલાસો આપવા હમણાંથી હિંમત ભેગી કરી શકીએ? અગાઉના અને આજના ઈશ્વરભક્તોના દાખલા પર મનન કરીએ. એ ઈશ્વરભક્તોએ એકબીજાને દિલાસો આપવા અને સતાવણીમાં ખુશ રહેવા ઘણી મહેનત કરી હતી.
૬. બીજાઓને દિલાસો આપતી વખતે આપણે કઈ રીતે યહોવા જેવું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૬ ધ્યાનથી સાંભળીએ. જ્યારે એલિયા પ્રબોધકને લાગ્યું કે તેમનું જીવન જોખમમાં આવી પડ્યું છે, ત્યારે તેમણે યહોવા આગળ પોતાનું દિલ ઠાલવી દીધું. આપણા પ્રેમાળ ઈશ્વરને એલિયાની બધી ચિંતાઓ વિશે પહેલેથી ખબર હતી, તોપણ તેમણે એલિયાનું ધ્યાનથી સાંભળ્યું. અરે, એલિયા એકની એક વાત કરતા હતા તોપણ યહોવાએ ધીરજથી તેમનું સાંભળ્યું. (૧ રાજા. ૧૯:૯, ૧૦, ૧૪) યહોવાએ હબાક્કૂક પ્રબોધક સાથે પણ એવું જ કર્યું. હબાક્કૂકે યહોવાને જણાવ્યું કે દુઃખ-તકલીફો અને દુષ્ટતા વિશે તેમને કેવું લાગે છે. તેમણે યહોવા સામે સવાલ પણ ઉઠાવ્યો કે તે કેમ દુષ્ટતા ચાલવા દે છે. પણ યહોવાએ ગુસ્સે થાય વગર ધીરજથી તેમની વાત સાંભળી. (હબા. ૧:૨, ૩) આજે પણ યહોવા પહેલેથી જાણે છે કે આપણને શાની જરૂર છે, તોપણ તે આપણી પ્રાર્થનાઓ ધ્યાનથી સાંભળે છે. આપણે કઈ રીતે યહોવા જેવું કરી શકીએ? કોઈ ભાઈ કે બહેન પોતાની લાગણીઓ જણાવે ત્યારે તેમને બોલવા દઈએ, વચ્ચે અટકાવીએ નહિ. જો તે ગુસ્સામાં આવીને ગમે તેમ બોલી દે, તો ખોટું ન લગાડીએ. તે એકની એક વાત વારંવાર કરે તોપણ તેમની વાત સાંભળવા તૈયાર રહીએ.—યાકૂ. ૧:૧૯; સભા. ૭:૯.
જ્યારે ભાઈ-બહેન પોતાની મુશ્કેલીઓ વિશે જણાવે, ત્યારે યહોવાની જેમ તેઓનું ધ્યાનથી સાંભળીએ (ફકરો ૬ જુઓ)
૭. વ્યક્તિને શાની જરૂર છે એ પારખવા શું કરી શકીએ?
૭ પારખવાની કોશિશ કરીએ કે વ્યક્તિને શાની જરૂર છે. યહોવા લોકોનું દિલ વાંચી શકે છે, પણ આપણે એવું નથી કરી શકતા. એટલે દિલાસો આપવા અને મદદ કરવા વ્યક્તિનું ધ્યાનથી સાંભળીએ. આપણે પહેલેથી ધારી ન લઈએ કે તેને શાની જરૂર હશે અથવા એવું ન વિચારીએ, ‘હું તેની જગ્યાએ હોત તો મને આની જ જરૂર પડી હોત.’ આપણે યાદ રાખીએ કે દરેકની જરૂરિયાતો અલગ અલગ હોય છે. એટલે સૌથી સારી રીતે મદદ કરવા તેની સાથે સમય વિતાવીએ. તેનું ધ્યાનથી સાંભળીએ. સમજી-વિચારીને અમુક સવાલો પૂછીએ, જેથી જાણી શકીએ કે તે કેવું અનુભવી રહી છે.—નીતિ. ૨૦:૫.
૮. લાજરસના મરણ પછી ઈસુએ માર્થા અને મરિયમને કઈ રીતે દિલાસો આપ્યો? (ચિત્રો પણ જુઓ.)
૮ ધ્યાન આપો કે ઈસુએ માર્થા અને મરિયમને કઈ રીતે દિલાસો આપ્યો. બંનેને પોતાના ભાઈને ગુમાવવાનું ભારે દુઃખ હતું. ઈસુએ તેઓને અલગ અલગ રીતે દિલાસો આપ્યો. તેમણે માર્થા સાથે વાત કરી ત્યારે, ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશા વિશે જણાવ્યું. એ આશા મજબૂત કરવા માર્થાને મદદ કરી. પણ ઈસુએ મરિયમ સાથે એ આશા વિશે વાત કરી હોય એવું બાઇબલમાં ક્યાંય જોવા મળતું નથી. તો પછી મરિયમ રડતી રડતી ઈસુ પાસે આવી ત્યારે તેમણે કઈ રીતે દિલાસો આપ્યો? તે મરિયમનું દુઃખ જોઈને તેની સાથે રડી પડ્યા અને પૂછ્યું કે લાજરસને ક્યાં મૂક્યો છે. (યોહા. ૧૧:૨૦-૩૫) આપણને શું શીખવા મળે છે? બધાને એકસરખી રીતે દિલાસો આપવાને બદલે પહેલા પારખવાની કોશિશ કરીએ કે તેઓને શાની જરૂર છે.
દિલાસો આપતી વખતે પારખવાની કોશિશ કરીએ કે તેઓને શાની જરૂર છે (ફકરો ૮ જુઓ)a
૯. બીજાઓને દિલાસો આપવા કઈ રીતે બાઇબલનો ઉપયોગ કરી શકીએ? (રોમનો ૧૫:૪, ૫)
૯ બાઇબલનો ઉપયોગ કરીએ. ભાઈ-બહેનોને દિલાસો આપવા આપણે બાઇબલમાંથી કલમો બતાવીએ છીએ ત્યારે તેઓની આશા પાકી થાય છે. (રોમનો ૧૫:૪, ૫ વાંચો.) એ આશાને લીધે તેઓનો ભરોસો વધે છે કે યહોવા તેઓને પ્રેમ કરે છે અને હંમેશાં તેઓની સંભાળ રાખશે. આમ, તેઓને ઘણું ઉત્તેજન અને દિલાસો મળે છે. (યશા. ૪૦:૩૧) પણ સવાલ થાય કે ઉત્તેજન આપતી કલમો કઈ રીતે શોધી શકીએ. જેમ કે, ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ પુસ્તકમાં “દિલાસો” વિષયની અંદર એવી અમુક કલમો જોવા મળે છે. અમુક ભાઈ-બહેનો એવી કલમો લખી રાખે છે. આપણે યહોવા પાસે મદદ પણ માંગી શકીએ, જેથી દિલાસો આપવા બાઇબલનો સારી રીતે ઉપયોગ કરી શકીએ. તે પોતાની પવિત્ર શક્તિ દ્વારા આપણને યોગ્ય સમયે દિલાસો આપતી કલમો યાદ અપાવશે.—યોહા. ૧૪:૨૬.
૧૦. ઉત્તેજન આપતી વખતે પ્રેમથી વાત કરવી કેમ જરૂરી છે?
૧૦ પ્રેમથી વાત કરીએ. અગાઉ જોઈ ગયા તેમ, દિલાસા માટે ગ્રીક ભાષામાં જે શબ્દ વપરાયો છે એનો અર્થ “અરજ કરવી” પણ થઈ શકે છે. દિલાસો આપતી વખતે આપણે ક્યારેક ભાઈ-બહેનોને અરજ કરવી પડે કે તેઓ પોતાના વિચારો સુધારે. પણ આપણે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ. કેમ કે આપણે તેઓને ઉત્તેજન અને દિલાસો આપવા માંગીએ છીએ, તેઓને તોડી પાડવા નથી માંગતા. (નીતિ. ૧૨:૧૮) યહોવાએ જે રીતે એલિયા સાથે વાત કરી એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. એલિયાને લાગતું હતું કે પ્રબોધક તરીકે તેમની બધી મહેનત પાણીમાં ગઈ છે અને યહોવાના ભક્તોમાં હવે તે એકલા જ બચ્યા છે. યહોવાએ સીધેસીધું એલિયાને એવું ન જણાવ્યું કે તેમના વિચારો ખોટા છે. પણ પ્રેમથી તેમના વિચારો સુધાર્યા. (૧ રાજા. ૧૯:૧૫-૧૮) જો આપણે પણ બોલતા પહેલાં વિચારીશું અને પ્રેમથી વાત કરીશું, તો આપણાં ભાઈ-બહેનોને મદદ કરી શકીશું. સભામાં કોઈ ભાગ આપતી વખતે કે જવાબ આપતી વખતે ધ્યાન રાખીએ કે આપણા શબ્દોથી ભાઈ-બહેનોને ઉત્તેજન મળે.
૧૧. ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય ત્યારે ઘણી વાર તેઓને શાની જરૂર પડે છે? (૧ યોહાન ૩:૧૮)
૧૧ જરૂરી મદદ કરીએ. ઘણી વાર શબ્દોથી દિલાસો આપવો પૂરતું નથી હોતું, આપણે પોતાનાં કામોથી પણ દિલાસો આપવાની જરૂર પડે છે. (૧ યોહાન ૩:૧૮ વાંચો.) બાર્નાબાસે એવું જ કર્યું. ભાઈ-બહેનોને મદદ કરવા તેમણે પોતાની જમીન વેચી દીધી. (પ્રે.કા. ૪:૩૬, ૩૭) આજે ઘણાં ભાઈ-બહેનો બાર્નાબાસના દાખલાને અનુસરે છે અને જરૂર હોય એવાં ભાઈ-બહેનોને મદદ કરવા આગળ આવે છે. પૂરના લીધે પોલૅન્ડમાં રહેતાં ગેબ્રિએલાબહેનનાં ઘરને બહુ નુકસાન થયું. તે કહે છે: “મારાં મમ્મી-પપ્પા મારી સાથે રહેતાં હતાં. પૂર આવ્યું ત્યારે અમે ખૂબ ડરી ગયાં હતાં. મને સમજાતું ન હતું કે કઈ રીતે ઘરનું સમારકામ કરીશું. પણ નજીકના મંડળના ભાઈઓ આવ્યા અને એક જ દિવસમાં ઘણું બધું ઠીક કરી દીધું. એ બધાથી મારી શ્રદ્ધા ઘણી મજબૂત થઈ. મને ખાતરી થઈ કે મુશ્કેલીઓમાં હોય એવાં ભાઈ-બહેનોને યહોવા પોતાના લોકો દ્વારા મદદ કરે છે અને દિલાસો આપે છે.”
૧૨. કસોટીઓમાં યહોવાને વફાદાર રહેવાથી કઈ રીતે ભાઈ-બહેનોને ઉત્તેજન મળી શકે?
૧૨ યહોવાને આપણે વફાદાર રહીએ. જ્યારે પાઉલે સાંભળ્યું કે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનો સતાવણીઓમાં પણ યહોવાને વફાદાર રહ્યાં છે, ત્યારે પાઉલને ઘણું ઉત્તેજન મળ્યું. તેઓને મદદ કરવા પાઉલે ખૂબ મહેનત કરી હતી. એટલે તેઓ વિશે સાંભળીને પાઉલને ઘણો દિલાસો મળ્યો. (૧ થેસ્સા. ૩:૫-૮) પાઉલને આશા હતી કે જો તે કસોટીઓમાં વફાદાર રહેશે, તો તેમના દાખલાથી બીજાં ભાઈ-બહેનોને દિલાસો અને ઉત્તેજન મળશે. (કોલો. ૨:૧, ૨) એવી જ રીતે, જ્યારે ભાઈ-બહેનો જુએ છે કે કસોટીઓમાં આપણે વફાદારીથી ભક્તિ કરી રહ્યા છીએ, ત્યારે તેઓને ઘણી હિંમત મળે છે. તેઓને ખાતરી થાય છે કે યહોવા આપણને મદદ કરે છે, તેમ તેઓને પણ કરશે.
૧૩. ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા આપણે બીજું શું કરવું જોઈએ?
૧૩ ધીરજ રાખીએ. બની શકે કે કોઈ ભાઈ કે બહેનને દિલાસો આપ્યા પછી તે તરત નિરાશામાંથી બહાર ન આવે. એવા સમયે આપણે બાઇબલની આ સલાહ પાળીએ: “એકબીજાને ઉત્તેજન આપતા રહો.” (૧ થેસ્સા. ૫:૧૧) એનો અર્થ થાય કે નિરાશ થઈ ગયેલાં ભાઈ-બહેનોને જરૂર હોય ત્યાં સુધી ઉત્તેજન આપતા રહીએ. એમ કરતી વખતે ધીરજ રાખીએ, હિંમત ન હારીએ. (૧ થેસ્સા. ૫:૧૪) એ સાચું છે કે આપણામાંથી દરેકને ક્યારેક ને ક્યારેક દિલાસાની જરૂર પડે છે. એવું થાય ત્યારે આપણે શું કરી શકીએ?
આપણને દિલાસાની જરૂર પડે ત્યારે શું કરી શકીએ?
૧૪-૧૫. આપણે ઉદાસ હોઈએ અથવા ચિંતામાં હોઈએ ત્યારે શું કરવું જોઈએ?
૧૪ પ્રાર્થના કરીએ. જ્યારે આપણે ઉદાસ હોઈએ અથવા ચિંતામાં હોઈએ ત્યારે યહોવાને જણાવીએ કે આપણને દિલાસાની જરૂર છે. (ગીત. ૯૪:૧૯) તેમને દિલની સાચી લાગણીઓ જણાવતા અચકાઈએ નહિ. (ગીત. ૬૨:૮) ખરું કે આપણે પ્રાર્થના કરીએ એ પહેલાંથી યહોવાને આપણી લાગણીઓ વિશે ખબર હોય છે. પણ દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે યહોવામાં આપણી શ્રદ્ધા દેખાઈ આવે છે. પૂરી શ્રદ્ધાથી કરેલી પ્રાર્થનાનો યહોવા કોઈક ને કોઈક રીતે ચોક્કસ જવાબ આપે છે. (માર્ક ૧૧:૨૪) એટલે ફિલિપીઓ ૪:૬, ૭માં જણાવ્યું છે: ‘હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ કરો. જો એમ કરશો, તો ઈશ્વરની શાંતિ, જે આપણી સમજશક્તિની બહાર છે, એ તમારાં હૃદયનું અને મનનું રક્ષણ કરશે.’
૧૫ બીજાઓ પાસે મદદ માંગીએ. કોઈ અનુભવી દોસ્ત કે વડીલને આપણી લાગણીઓ જણાવીએ. ભાઈ-બહેનો પાસેથી આપણને દિલાસો અને ઉત્તેજન મળી શકે છે. પણ જ્યાં સુધી આપણે જણાવીશું નહિ કે આપણને કેવું લાગે છે અથવા આપણને શાની જરૂર છે, ત્યાં સુધી તેઓ આપણને મદદ નહિ કરી શકે. (નીતિ. ૧૪:૧૦) આપણે ભાઈ-બહેનોને જણાવી શકીએ કે ‘તમે બસ મારી વાત સાંભળો.’ અથવા આપણે એવી કોઈ કલમ કે લેખ બતાવવાનું કહી શકીએ, જેનાથી તેઓને ઉત્તેજન મળ્યું હોય.
૧૬. બીજાઓ ઉત્તેજન આપવાની કોશિશ કરે ત્યારે શું થઈ શકે, પણ આપણે શાના પર ધ્યાન આપવું જોઈએ?
૧૬ ધીરજ રાખીએ અને માફ કરવા તૈયાર રહીએ. જ્યારે ભાઈ-બહેનો ઉત્તેજન આપવાની કોશિશ કરે, ત્યારે કદાચ તેઓથી કોઈ ભૂલ થઈ જાય. જેમ કે તેઓ કદાચ એવું કંઈક કહે અથવા કરે, જેનાથી આપણાં દુઃખમાં વધારો થાય. જો એવું થાય તો ખોટું ન લગાડીએ અને તેઓ સાથે ધીરજથી વર્તીએ. (૧ કોરીં. ૧૩:૪, ૭) યાકૂબ ૩:૨માં લખ્યું છે: “જો કોઈ બોલવામાં ભૂલ કરતો ન હોય, તો તે માણસ સંપૂર્ણ છે.” બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે “મન તો તૈયાર છે, પણ શરીર કમજોર છે.” (માથ. ૨૬:૪૧) એનો અર્થ થાય કે ભાઈ-બહેનો આપણને દિલથી મદદ કરવા માંગે છે. પણ અમુક વાર તેઓથી ભૂલો થઈ જાય છે, એટલે આપણે તેઓના સારા ઇરાદા પર ધ્યાન આપીએ.
૧૭. આપણે કયો દૃઢ નિર્ણય લેવો જોઈએ?
૧૭ આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ એટલે આપણને ઉત્તેજન અને દિલાસાની જરૂર છે. જેમ જેમ અંત નજીક આવતો જાય છે, તેમ તેમ ઈશ્વરના દુશ્મનો આપણો વધારે વિરોધ કરશે. આપણને પહેલાં કરતાં પણ વધારે દિલાસાની જરૂર પડશે. એટલે ચાલો દૃઢ નિર્ણય લઈએ કે એકબીજાને દિલાસો આપવા બનતું બધું કરીશું.
ગીત ૩૫ યહોવાની ધીરજ
a ચિત્રની સમજ: એક ભાઈએ હાલમાં પોતાની પત્નીને મરણમાં ગુમાવી છે. એક વડીલ એ ભાઈની વાત ધ્યાનથી સાંભળે છે. પછી એ વડીલ બીજા ભાઈને મળવા જાય છે, જેમણે થોડા સમય પહેલાં પોતાની પત્નીને મરણમાં ગુમાવી હતી. તેઓ એ બહેનની મીઠી યાદો વિશે વિચારી રહ્યા છે.