વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 એપ્રિલ પાન ૧૪-૧૯
  • મુશ્કેલીઓ વિશે પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મુશ્કેલીઓ વિશે પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલીઓ વિશે શું વિચારવું જોઈએ?
  • કેવા વિચારોને લીધે આપણને જ નુકસાન થઈ શકે છે?
  • મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવા કેવાં પગલાં ભરી શકીએ?
  • શું શિક્ષા કરવા પરમેશ્વર આપણા પર આફતો લાવે છે?
    સજાગ બનો!—૨૦૦૯
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા કઈ રીતે ધીરજથી મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 એપ્રિલ પાન ૧૪-૧૯

જૂન ૧૫-૨૧, ૨૦૨૬

ગીત ૩૨ અડગ રહીએ

મુશ્કેલીઓ વિશે પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળીએ

“ભલે મારા પર દુઃખ-તકલીફો આવી પડે, તોપણ મને તમારી આજ્ઞાઓ વહાલી લાગે છે.”—ગીત. ૧૧૯:૧૪૩.

આપણે શું શીખીશું?

જો મુશ્કેલીઓ વિશે પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળીશું, તો વફાદાર રહી શકીશું અને ખુશ રહી શકીશું.

૧-૨. મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવા શું કરવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

આજે અમુક ભાઈ-બહેનો યહોવાની ભક્તિ કરવાને લીધે કુટુંબનો વિરોધ સહી રહ્યાં છે. બીજાં અમુકને પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં નાખવામાં આવ્યાં છે, તેઓએ સતાવણી સહેવી પડે છે. કેટલાંક બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે, તો કેટલાંક ઘડપણની તકલીફો સામે લડી રહ્યાં છે. અમુક ભાઈ-બહેનો સ્નેહીજનના મરણનું દુઃખ સહી રહ્યાં છે. બીજાં અમુક આફતોનો ભોગ બન્યાં છે અને એમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યાં છે. શું તમે પણ કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? યહોવાના અનેક વહાલા ભક્તોની જેમ કદાચ તમારું જીવન પણ ‘દુઃખ-તકલીફોથી ભરેલું હશે.’—ગીત. ૯૦:૧૦.

૨ પણ મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવા પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળવા જરૂરી છે. શા માટે? ચાલો એક દાખલો લઈએ. આપણે જીવનમાં આવતી મુશ્કેલીઓને રસ્તા પર આવતી નડતરો સાથે સરખાવી શકીએ. જો કારનો કાચ સાફ નહિ હોય તો રસ્તા પર આવતી નડતરો સારી રીતે જોઈ નહિ શકીએ અને શું કરવું એ ખબર નહિ પડે. પણ જો કાચ સાફ હશે, તો નડતરો બરાબર જોઈ શકીશું અને ખબર પડશે કે કાર ધીમી કરવી કે ઊભી રાખવી. એવી જ રીતે, આપણે મુશ્કેલીઓ વિશે પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળવા જોઈએ. એમ કરીશું તો ખબર પડશે કે મુશ્કેલીઓ ધીરજથી સહન કરવા શું કરવું. આ લેખમાં આપણે આ ત્રણ સવાલો પર ચર્ચા કરીશું: (૧) મુશ્કેલીઓ વિશે શું વિચારવું જોઈએ? (૨) કેવા વિચારોને લીધે આપણને જ નુકસાન થઈ શકે છે? (૩) મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવા કેવાં પગલાં ભરી શકીએ?

એક માણસ ગાડી ચલાવી રહ્યો છે. ગાડીનો કાચ ગંદો છે. ગાડીની સામે કંઈક આવે છે અને માણસ ચોંકી જાય છે.

મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવા પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળીએ (ફકરો ૨ જુઓ)


મુશ્કેલીઓ વિશે શું વિચારવું જોઈએ?

૩. આજે આપણા પર મુશ્કેલીઓ કેમ આવે છે?

૩ આ દુષ્ટ દુનિયામાં આપણે મુશ્કેલીઓ ટાળી શકતા નથી. આ દુનિયા શેતાનના કાબૂમાં છે અને આપણે બધા પાપી હોવાને લીધે ભૂલો કરી બેસીએ છીએ. એટલે આપણા પર મુશ્કેલીઓ આવે છે. જેમ જેમ આ દુનિયાનો અંત નજીક આવતો જશે, તેમ તેમ આપણા પર વધારે મુશ્કેલીઓ આવશે. આપણે કદાચ કુદરતી આફતો, માણસોને લીધે ઊભી થતી હોનારતો અથવા દુષ્ટ લોકોનાં ખરાબ કામોને લીધે ભોગવવું પડે. (માથ. ૨૪:૮; ૨ તિમો. ૩:૧૩) જો હમણાં યહોવા એ બધી મુશ્કેલીઓ દૂર કરી દે, તો એવું લાગી શકે કે તે શેતાનને દુનિયા ચલાવવા મદદ કરી રહ્યા છે. એટલે યાદ રાખીએ કે જ્યાં સુધી શેતાનનું રાજ છે, ત્યાં સુધી આપણા પર ‘આફતો’ આવતી રહેશે.—સભા. ૯:૧૨.

૪. બીજા કયા કારણને લીધે આપણા પર મુશ્કેલીઓ આવે છે?

૪ ખ્રિસ્તી હોવાને લીધે પણ આપણા પર મુશ્કેલીઓ આવે છે. ઈસુએ અવાર-નવાર પોતાના શિષ્યોને કહ્યું કે તેમના પગલે ચાલવાને લીધે તેઓની સતાવણી થશે. (માથ. ૨૪:૯; યોહા. ૧૬:૨) આપણે એ હકીકત જાણીએ છીએ, એટલે મુશ્કેલીઓ આવે ત્યારે આપણી શ્રદ્ધા ડગી જતી નથી. (૧ થેસ્સા. ૩:૩, ૪) મુશ્કેલીઓમાં વફાદાર રહેવાથી ખાતરી રાખી શકીએ છીએ કે આપણે ખરા માર્ગે ચાલીએ છીએ. એ માર્ગ આપણને હંમેશ માટેના જીવન તરફ લઈ જશે. વધુમાં આપણને સાબિત કરવાની તક મળે છે કે આપણે શેતાનના પક્ષે નહિ, પણ યહોવાના પક્ષે છીએ. શેતાન ઈશ્વરનું નામ બદનામ કરવા માંગે છે. તે દાવો કરે છે કે માણસો સ્વાર્થને લીધે ઈશ્વરની ભક્તિ કરે છે. પોતાની વાત સાબિત કરવા તે યહોવાના લોકોની આકરી કસોટી કરે છે. (અયૂ. ૧:૯-૧૧) જ્યારે આપણે યહોવા માટેના પ્રેમને લીધે એ કસોટીઓ સહન કરીએ છીએ, ત્યારે તેમનું દિલ ખુશ કરીએ છીએ.—નીતિ. ૨૭:૧૧.

૫. સભાશિક્ષક ૭:૧૩, ૧૪માંથી શું જાણવા મળે છે? (ચિત્રો પણ જુઓ.)

૫ યહોવા મુશ્કેલીઓને ચાલવા દે છે. યહોવા ક્યારેય કોઈ દુષ્ટ કામ કરતા નથી અથવા આપણી કસોટી કરતા નથી. (યાકૂ. ૧:૧૩) તો પછી સુલેમાન રાજાએ ‘મુસીબતના દિવસને’ કેમ ‘સાચા ઈશ્વરનાં કામો’ કહ્યા? (સભાશિક્ષક ૭:૧૩, ૧૪ વાંચો.) તેમના કહેવાનો અર્થ એ ન હતો કે યહોવા આપણા પર મુશ્કેલીઓ લાવે છે. પણ તે કહી રહ્યા હતા કે યહોવા મુશ્કેલીઓને ચાલવા દે છે. યહોવાની મદદથી સુલેમાને લખ્યું કે મુશ્કેલીઓ વિશે આપણે કેવા વિચારો રાખવા જોઈએ. આપણે એ યાદ રાખવું જોઈએ કે શેતાનની આ દુનિયામાં અમુક દિવસો સારા હશે તો અમુક દિવસો ખરાબ હશે. જ્યારે દિવસ સારો વીતે, ત્યારે યહોવાનો આભાર માનીએ, કેમ કે દરેક સારી વસ્તુ તેમના તરફથી ભેટ છે. સુલેમાનના શબ્દોથી એ પણ જોવા મળે છે કે ‘કાલે શું થશે એ કોઈ જાણી શકતું નથી.’ એક વ્યક્તિ સારી હોય કે ખરાબ, તે જાણતી નથી કે કાલનો દિવસ કેવો હશે. એ દિવસ સારો જશે કે અચાનક મુશ્કેલીઓ આવી પડશે એ પણ તે જાણતી નથી.

ચિત્રો: એક માણસ પોતાના બગીચામાં છે. એક દિવસ સારો છે અને બીજો દિવસ ખરાબ. ૧. તે પોતાના બગીચામાં થતાં મસ્ત લાલ ટામેટાં તોડી રહ્યો છે અને ખુશ છે. ૨. બીજા કોઈ દિવસે, તે સુકાઈ ગયેલો બગીચો અને ખરાબ ટામેટાં જોઈને ઉદાસ થઈ જાય છે.

આપણે યાદ રાખવું જોઈએ કે શેતાનની આ દુનિયામાં અમુક દિવસો સારા હશે તો અમુક ખરાબ (ફકરો ૫ જુઓ)


૬. કયાં અમુક કારણોને લીધે યહોવા મુશ્કેલીઓને ચાલવા દે છે? (હિબ્રૂઓ ૧૨:૭, ૧૧)

૬ મુશ્કેલીઓમાં જોઈ શકીશું કે યહોવા આપણને પોતાના પર નહિ, પણ તેમના પર ભરોસો રાખવાનું શીખવી રહ્યા છે. યહોવા સારી રીતે જાણે છે કે મુશ્કેલીઓમાં આપણા પર શું વીતે છે અને તે આપણી પડખે રહે છે. ભલે આપણે “ઘોર અંધારી ખીણમાં” ચાલવું પડે, તોપણ યહોવા આપણને સાચો માર્ગ બતાવે છે. તે આપણને પ્રેમ કરે છે એ વાતની ખાતરી અપાવે છે. તે મુશ્કેલીઓ ધીરજથી સહેવા તાકાત આપે છે. (ગીત. ૨૩:૪) આપણે મુશ્કેલીઓમાં પોતાની નબળાઈઓ પણ સાફ જોઈ શકીએ છીએ. એવા સમયે યહોવાની મદદથી આપણે સુધારો કરી શકીએ છીએ અને સારા ગુણો કેળવી શકીએ છીએ. (હિબ્રૂઓ ૧૨:૭, ૧૧ વાંચો.) અયૂબનો વિચાર કરો. યહોવા તેમના પર મુશ્કેલીઓ લાવ્યા ન હતા, પણ તેમણે એને ચાલવા દીધી. એ મુશ્કેલ સમયમાં અયૂબ જોઈ શક્યા કે તેમણે વધારે નમ્ર બનવાની જરૂર છે. તેમ જ, યહોવાની મદદથી તે ઘણા બોધપાઠ શીખી શક્યા. (અયૂ. ૪૨:૧-૬) ભલે કોઈ પણ મુશ્કેલી આવે, આપણે આ વાતની પૂરી ખાતરી રાખી શકીએ છીએ: યહોવા ચોક્કસ આપણને વફાદાર રહેવા મદદ કરશે અને આશીર્વાદ આપશે.—રોમ. ૮:૩૫-૩૯.

૭. સતાવણીમાં પણ કેમ ખુશ રહી શકીએ છીએ?

૭ સતાવણીમાં પણ આપણે ખુશ રહી શકીએ છીએ. જો યહોવાની ભક્તિ કરવાને લીધે આપણી સતાવણી થઈ રહી હોય, તો એવું ન વિચારીએ કે યહોવા આપણાથી નારાજ છે. એના બદલે, સતાવણીથી સાબિત થાય છે કે આપણા પર યહોવાની કૃપા છે. (માથ. ૫:૧૦-૧૨) પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળીશું તો પ્રેરિતોની જેમ ખુશ રહી શકીશું અને સતાવણી થાય ત્યારે શરમ નહિ અનુભવીએ. (પ્રે.કા. ૫:૪૦-૪૨) સતાવણીઓમાં આપણે બીજાઓને યહોવા વિશે શીખવા પણ મદદ કરી શકીએ છીએ અને આમ યહોવાને ‘મહિમા આપી’ શકીએ છીએ. (૧ પિત. ૨:૧૨) યૂસફનો વિચાર કરો. કેદ પછી જ નહિ, તે કેદમાં હતા ત્યારે પણ યહોવાએ તેમને મદદ કરી અને આશીર્વાદ આપ્યો. એવી જ રીતે, આપણે સતાવણીનો સામનો કરતા હોઈએ ત્યારે પણ યહોવા આપણને મદદ કરી શકે છે.—ઉત. ૩૯:૩, ૨૩.

૮. મુશ્કેલીઓમાં ટકી રહેવા બીજું શું યાદ રાખવું જોઈએ?

૮ આપણી મુશ્કેલીઓનો અંત આવશે. અયૂબના અહેવાલથી ખબર પડે છે કે એક દિવસે આપણી બધી મુશ્કેલીઓનો ચોક્કસ અંત આવશે. યાદ કરો, “યહોવાએ અયૂબને અગાઉના દિવસો કરતાં પાછલા દિવસોમાં વધારે આશીર્વાદ આપ્યો” હતો. (અયૂ. ૪૨:૧૨) આપણા વિશે શું? એ સાચું છે કે આજે આપણું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. પણ યહોવાએ આપણને “પાછલા દિવસોમાં” એટલે કે નવી દુનિયામાં વધારે આશીર્વાદો આપવાનું વચન આપ્યું છે. આપણે કહી શકીએ કે ભાવિમાં મળનાર આશીર્વાદોની સામે હમણાંની મુશ્કેલીઓ કંઈ જ નથી. અંત સુધી ટકી રહેવાનું કેટલું જોરદાર કારણ!—માથ. ૨૪:૧૩.

કેવા વિચારોને લીધે આપણને જ નુકસાન થઈ શકે છે?

૯. મુશ્કેલીઓ આવે ત્યારે શું ન વિચારવું જોઈએ અને કેમ?

૯ મુશ્કેલીઓ દરમિયાન યોગ્ય વિચારો નહિ હોય તો આપણને જ નુકસાન થશે. દાખલા તરીકે, આપણને કદાચ થાય કે યહોવા આપણા પર મુશ્કેલીઓ લાવ્યા છે. થોડા સમય માટે અયૂબને લાગ્યું કે યહોવા તેમના પર મુશ્કેલીઓ લાવ્યા છે. એટલે તે ‘પોતાને ઈશ્વર કરતાં ન્યાયી ગણવા લાગ્યા.’ (અયૂ. ૩૨:૨) નાઓમીએ પણ શરૂઆતમાં પોતાની મુશ્કેલીઓ માટે યહોવાને દોષ આપ્યો. (રૂથ ૧:૧૩, ૨૦, ૨૧) જો અયૂબ અને નાઓમીએ પોતાના વિચારોમાં ફેરફાર કર્યો ન હોત, તો યહોવા સાથેનો તેઓનો સંબંધ જોખમમાં આવી પડ્યો હોત. (નીતિ. ૧૯:૩) પણ યહોવાએ તેઓને મુશ્કેલીઓ વિશે યોગ્ય રીતે વિચારવા મદદ કરી અને તેઓની વફાદારી માટે આશીર્વાદ આપ્યો.

૧૦. મુશ્કેલીઓમાં આપણને કેવી શંકા થઈ શકે?

૧૦ આપણને ભરોસો હોય કે યહોવા આપણા પર મુશ્કેલીઓ નથી લાવ્યા, પણ કદાચ શંકા થવા લાગે, ‘શું તેમને હજીયે મારી ચિંતા છે?’ એવા વિચારથી આપણે નિરાશ થઈ જઈશું અને યહોવાની ભક્તિમાં આપણો ઉત્સાહ ઠંડો પડી જશે. (નીતિ. ૨૪:૧૦) દાઉદ રાજા અને હબાક્કૂક પ્રબોધકે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અમુક વાર તેઓને થતું, ‘શું યહોવા મારો પોકાર સાંભળે છે કે નહિ?’ (ગીત. ૧૦:૧; હબા. ૧:૨) જોકે તેઓએ પ્રાર્થના કરવાનું બંધ ન કર્યું. યહોવાએ એ વફાદાર ઈશ્વરભક્તોને ખાતરી અપાવી કે તે તેઓની સાથે છે. યહોવા આપણને પણ મુશ્કેલીઓમાં સદા સાથ આપશે.—ગીત. ૧૦:૧૭.

૧૧. મુશ્કેલીઓ વિશે યોગ્ય વિચારો નહિ રાખીએ તો શું થઈ શકે?

૧૧ જો મુશ્કેલીઓ વિશે યોગ્ય વિચારો નહિ રાખીએ તો કદાચ લાગવા લાગે, ‘મારી સાથે આવું ના થવું જોઈએ. યહોવાએ કેમ મારા પર આ મુશ્કેલી આવવા દીધી?’ અરે, મુશ્કેલી આવે ત્યારે કદાચ ચોંકી જઈએ. (૧ પિત. ૪:૧૨) ધ્યાન આપો કે ઈસુના શિષ્યો સાથે શું થયું હતું. ઈસુએ ઘણી વાર પોતાના શિષ્યોને જણાવ્યું હતું કે તેમણે આકરી સતાવણી સહેવી પડશે. પણ શિષ્યોને એ વાત ગળે ઊતરતી જ ન હતી. (લૂક ૧૮:૩૩, ૩૪) પિતરને તો લાગતું હતું કે ઈશ્વર એવું થવા નહિ દે. પણ ઈસુ જાણતા હતા કે જો તે પિતર જેવું વિચારવા લાગશે, તો યહોવાની ઇચ્છા પૂરી નહિ કરી શકે. એટલે તેમણે પિતરને ઠપકો આપ્યો. (માર્ક ૮:૩૧-૩૩) ઈસુના મરણ પછી પણ શિષ્યો તરત સમજી ન શક્યા કે ઈસુને કેમ મારી નાખવામાં આવ્યા. પણ ઈસુ તેઓને પ્રેમ કરતા રહ્યા અને તેઓને મદદ કરતા રહ્યા. મરણમાંથી જીવતા થયા પછી ઈસુ શિષ્યોને મળ્યા અને તેઓને ‘શાસ્ત્રવચનોમાંથી સમજાવ્યું’ કે તેમણે કેમ મરવું પડ્યું. (લૂક ૨૪:૨૫-૨૭, ૩૨, ૪૪-૪૮) ઈસુએ શીખવેલી વાતો પર મનન કરવાથી શિષ્યોને સતાવણી વિશે યોગ્ય વિચારો રાખવા મદદ મળી હશે. આવનાર સતાવણી માટે પણ તેઓને તૈયાર થવા મદદ મળી હશે. આપણે પણ સતાવણી અને મુશ્કેલીઓ વિશે બાઇબલમાં લખેલી વાતો પર મનન કરીશું તો, મુશ્કેલીઓ માટે તૈયાર રહી શકીશું.

૧૨. જો પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે નહિ ઢાળીએ તો કેવું લાગી શકે?

૧૨ જો દરેક સંજોગમાં પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે નહિ ઢાળીએ, તો બીજું શું થઈ શકે? કદાચ લાગી શકે કે આપણી સાથે અન્યાય થયો છે અથવા આપણા સંજોગો અઘરા હોય એના કરતાં વધારે અઘરા લાગી શકે. દાખલા તરીકે, અમુક ભાઈ-બહેનોને યહોવાની સેવામાં કોઈ લહાવો ન મળે અથવા જતો કરવો પડે ત્યારે કદાચ તેઓને લાગી શકે કે અન્યાય થયો છે. ચાલો જોઈએ કે દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણ આપીને ઈસુએ શું શીખવ્યું. અમુક મજૂરોને લાગતું હતું કે તેઓ સાથે અન્યાય થયો છે. તેઓને લાગ્યું કે તેઓને ઓછી મજૂરી મળી છે. પણ માલિકે એક મજૂરને કહ્યું: “મિત્ર, હું તારી સાથે કંઈ અન્યાય નથી કરતો.” (માથ. ૨૦:૧૦-૧૩) એ મજૂરો સાથે કોઈ અન્યાય થયો ન હતો. પણ તેઓ વધારે પડતી આશા રાખીને બેઠા હતા, એટલે ખુશ ન હતા. આપણે તેઓ જેવા બનવા નથી માંગતા. તો પછી મુશ્કેલીઓ વિશે પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળવા કેવાં પગલાં ભરી શકીએ?

મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવા કેવાં પગલાં ભરી શકીએ?

૧૩. આપણા પર મુશ્કેલીઓ આવી પડે ત્યારે શું થઈ શકે?

૧૩ આપણે બાઇબલમાંથી શીખ્યા છીએ કે મુશ્કેલીઓ કેમ આવે છે. આપણે કદાચ એ વિશે બીજાઓને જણાવ્યું પણ હશે, જેથી તેઓ મુશ્કેલીમાં ધીરજ રાખી શકે. પણ જ્યારે આપણા પર મુશ્કેલીઓ આવી પડે, ત્યારે કદાચ પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળવા અઘરું લાગે. આપણને કદાચ થાય, ‘યહોવા મને સજા કરી રહ્યા છે’ અથવા ‘યહોવા મારી પ્રાર્થનાઓ નથી સાંભળી રહ્યા.’ એવા સમયે યોગ્ય વિચારો રાખવા શું કરી શકીએ?

૧૪. મુશ્કેલીઓમાં આપણે શાના વિશે પ્રાર્થના કરી શકીએ? (ફિલિપીઓ ૪:૧૩)

૧૪ યહોવા પાસે મદદ માંગીએ. પ્રાર્થનામાં યહોવાને જણાવીએ કે આપણા પર શું વીતી રહ્યું છે અને આપણને કેવું લાગે છે. કોઈ વાર આપણને થાય, ‘જો યહોવા મને આ રીતે મદદ કરે તો બહુ સારું રહેશે.’ યહોવાને પ્રાર્થનામાં એ જણાવતા જરાય અચકાઈએ નહિ. આપણે તેમની પાસે પવિત્ર શક્તિ માંગી શકીએ. પવિત્ર શક્તિ આપણને ભક્તિ કરતા રહેવા તાકાત આપશે અને સારા નિર્ણયો લેવા બુદ્ધિ આપશે. પણ યાદ રાખીએ કે આપણે ધાર્યું હોય એવી જ રીતે પ્રાર્થનાનો જવાબ મળે એ જરૂરી નથી. (એફે. ૩:૨૦) યહોવા કદાચ દૂતો દ્વારા કે ભાઈ-બહેનો દ્વારા પણ મદદ પૂરી પાડે. (ગીત. ૩૪:૭) એટલે પ્રાર્થના કર્યા પછી ધ્યાન આપીએ કે તે કઈ રીતે પ્રાર્થનાનો જવાબ આપે છે અને પછી એ માટે તેમનો આભાર માનીએ. યહોવા આપણને ઉદાર હાથે પવિત્ર શક્તિ આપે છે. એટલે ભરોસો રાખીએ કે મુશ્કેલી ભલે ગમે એટલી મોટી હોય, યહોવા ચોક્કસ આપણને એની સામે લડવા જરૂરી શક્તિ આપશે.—ફિલિપીઓ ૪:૧૩ વાંચો.

૧૫. મુશ્કેલીઓમાં પણ શું કરતા રહેવાથી મદદ મળશે? (ચિત્ર પણ જુઓ.)

૧૫ યહોવા સાથેની દોસ્તી પાકી કરતા રહીએ. મુશ્કેલીઓ દરમિયાન આપણે કદાચ એ બધું ન કરી શકીએ જે પહેલાં કરતા હતા. પણ “દુઃખ-તકલીફો” આવી પડે ત્યારે એ વધારે જરૂરી છે કે યહોવાના વિચારોથી આપણું મન ભરી દઈએ. (ગીત. ૧૧૯:૧૪૩) એટલે રોજ બાઇબલ વાંચીએ, એનો અભ્યાસ કરીએ અને જે વાંચીએ એના પર મનન કરીએ. બીજાઓને ખુશખબર જણાવવા પોતાનાથી થાય એ બધું કરીએ. સભાઓમાં જઈએ અને એમાં ભાગ લઈએ. ભાઈ-બહેનો સાથે સમય વિતાવીએ. એકલા રહેવાનું મન થાય તોપણ પોતાને એકલા ન પાડી દઈએ.—નીતિ. ૧૮:૧.

એક ભાઈ હૉસ્પિટલના પલંગ પર છે. તે વીડિયો કૉન્ફરન્સથી “ચોકીબુરજ” અભ્યાસ માટે જોડાયા છે. તે પોતાના બાઇબલ અને “ચોકીબુરજ” મૅગેઝિનમાં જુએ છે.

યહોવા સાથે દોસ્તી પાકી કરવા અને મુશ્કેલીઓમાં ટકી રહેવા બનતું બધું કરીએ (ફકરો ૧૫ જુઓ)


૧૬. મુશ્કેલીઓમાં કેવી શંકા થઈ શકે અને એ દૂર કરવા આપણે શું કરી શકીએ? (૨ કોરીંથીઓ ૧૦:૪, ૫)

૧૬ શંકા દૂર કરીએ. આપણી સાથે કંઈક ખરાબ થાય ત્યારે આપણે પોતાના વિશે કે યહોવા વિશે એવું કંઈક વિચારવા લાગીએ, જે સાચું ન હોય. એ વિચારો આપણાં મનમાં “ઊંડે સુધી ઘર કરી” ન જાય, એ માટે તરત એને જડમૂળથી ઉખેડી નાખીએ. (૨ કોરીંથીઓ ૧૦:૪, ૫ વાંચો.) મનમાંથી શંકા દૂર કરવા બાઇબલ અને આપણાં સાહિત્યમાંથી ‘ઈશ્વરનું જ્ઞાન’ મેળવીએ. શું તમને એવું લાગે છે કે ઈશ્વર હવે તમારાથી ખુશ નથી? એમ હોય તો, પ્રેરિત પાઉલના દાખલા પર અભ્યાસ કરો. તેમણે પ્રચારકામમાં ઘણી મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તોપણ તે ઉત્સાહથી પ્રચાર કરતા રહ્યા. અરે, મુશ્કેલીઓને લીધે તેમનો ભરોસો વધ્યો કે યહોવા અને ઈસુ તેમનાથી ખુશ છે. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) શું તમને એવું લાગે છે કે અગાઉની ભૂલો માટે યહોવાએ તમને માફ નથી કર્યા? એમ હોય તો, એવી કલમોનું લિસ્ટ બનાવો જેનાથી ભરોસો વધે કે યહોવા આપણાં પાપ માફ કરે છે. (યશા. ૪૩:૨૫) પછી એ કલમો વાંચો અને એના પર મનન કરો. (ગીત. ૧૧૯:૯૭) શું કોઈ દુઃખદ બનાવને લીધે તમને શંકા થવા લાગી છે કે યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે કે નહિ? એમ હોય તો, સંશોધન કરો કે યહોવા આપણા પર દુઃખ-તકલીફો કેમ આવવા દે છે. એ પણ સંશોધન કરો કે મુશ્કેલીઓમાં યહોવા સાથેનો સંબંધ જોખમમાં ન આવે એ માટે તે કઈ રીતે મદદ કરે છે. (ગીત. ૯૧:૯-૧૨) વધુમાં, એવાં ભાઈ-બહેનોના અનુભવો વાંચો, જેઓ ઘણી મુશ્કેલીઓમાં પણ ખુશીથી યહોવાની ભક્તિ કરી શક્યાં છે.a

૧૭. મુશ્કેલીઓ આવે ત્યારે શું કરવું જોઈએ?

૧૭ શું તમે હમણાં મુશ્કેલીઓ વગરના સારા દિવસોનો આનંદ માણી રહ્યા છો? તો એ માટે યહોવાનો આભાર માનો. દરેક સારી વસ્તુ માટે તેમને મહિમા આપો. (સભા. ૭:૧૪) પણ મુશ્કેલીઓ આવે ત્યારે પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળો. યહોવા પર પૂરો ભરોસો રાખો. એમ કરશો તો યહોવા તમને મુશ્કેલીઓમાંથી ‘બહાર નીકળવાનો માર્ગ બતાવશે, જેથી તમે એ સહન કરી શકો.’ (૧ કોરીં. ૧૦:૧૩) પણ આપણાં ભાઈ-બહેનો પર મુશ્કેલીઓ આવે ત્યારે શું? આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ? એ વિશે હવે પછીના લેખમાં જોઈશું.

તમે શું કહેશો?

  • મુશ્કેલીઓ વિશે શું વિચારવું જોઈએ?

  • કેવા વિચારોને લીધે આપણને જ નુકસાન થઈ શકે છે?

  • મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવા કેવાં પગલાં ભરી શકીએ?

ગીત ૪૯ યહોવા છે સહારો

a દાખલા તરીકે, તમે jw.org પર બહેન સારાહ માયગાનો અનુભવ વાંચી શકો: “ઈશ્વર પાસે આવવામાં મારું ભલું છે.” બહેન જણાવે છે કે તેમણે કઈ રીતે પોતાની મુશ્કેલીઓનો સામનો કર્યો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો