જૂન ૨૯–જુલાઈ ૫, ૨૦૨૬
ગીત ૩૬ “ઈશ્વરે જેને જોડ્યું છે”
લગ્નસાથી જોડે દોસ્તી પાકી કરતા રહો
“એક એવો દોસ્ત છે, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.”—નીતિ. ૧૮:૨૪.
આપણે શું શીખીશું?
સુખી લગ્નજીવન માટે જરૂરી છે કે પતિ-પત્ની યહોવાને પ્રેમ કરે અને એકબીજા સાથે તેઓની દોસ્તી પાકી હોય.
૧. સારા દોસ્તો કેમ યહોવા તરફથી ભેટ છે?
સારા દોસ્તો યહોવા તરફથી ભેટ છે. (યાકૂ. ૧:૧૭) તેઓ યહોવાને અને આપણને પ્રેમ કરે છે. તેઓ આપણી ખુશીમાં ખુશ થાય છે, ઉદાસ હોઈએ ત્યારે દિલાસો આપે છે અને જરૂર પડ્યે સલાહ આપે છે. તેઓ હંમેશાં આપણને સાથ આપે છે અને આપણે તેઓ પર ભરોસો કરી શકીએ છીએ. સાચે જ, આવા દોસ્તોથી આપણું “દિલ ખુશ થાય છે.”—નીતિ. ૨૭:૯.
૨. પતિ-પત્ની પોતાની દોસ્તી પાકી કરતા રહે એ કેમ જરૂરી છે? (માથ્થી ૧૯:૬)
૨ પતિ-પત્ની પણ એકબીજાનાં પાકા દોસ્ત હોવાં જોઈએ. તેઓ માટે એ દોસ્તી મહત્ત્વની હોવી જોઈએ. જો તેઓ પોતાના સંબંધ પર ધ્યાન નહિ આપે, તો તેઓને એકલું એકલું લાગી શકે, વાતે વાતે ચિડાઈ જઈ શકે અથવા ગુસ્સે થઈ શકે. પણ જો તેઓ પોતાની દોસ્તી પાકી કરવા મહેનત કરશે, તો તેઓ એકબીજાના વધારે ગાઢ દોસ્ત બનશે. હા, બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં તેઓ એકબીજાના સૌથી નજીકના મિત્રો બનશે. (માથ્થી ૧૯:૬ વાંચો.) આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે પતિ-પત્ની કઈ રીતે પોતાની દોસ્તી પાકી કરતા રહી શકે. પણ એ પહેલાં ચાલો જોઈએ કે કુંવારાં ભાઈ-બહેનો કઈ રીતે યોગ્ય લગ્નસાથી શોધી શકે જે જીવનભર તેઓના પાકા દોસ્ત રહે.
સાથી જે જીવનભર દોસ્તી નિભાવે
૩-૪. યોગ્ય જીવનસાથી શોધવા ક્યાંથી મદદ મળી શકે? (નીતિવચનો ૧૮:૨૨)
૩ આપણે મહત્ત્વના નિર્ણયો લેતી વખતે ઉતાવળ ન કરીએ, પણ સમય લઈએ અને એ નિર્ણયથી થતા ફાયદા કે નુકસાન વિશે વિચારીએ. આખરે એ નિર્ણયોથી આપણું આખું જીવન બદલાઈ શકે છે.
૪ એવો જ એક મહત્ત્વનો નિર્ણય છે લગ્નસાથીની પસંદગી કરવી, એવા લગ્નસાથીની જે જીવનભર દોસ્તી નિભાવે. યહોવાએ જ લગ્નની ગોઠવણ કરી છે. એટલે એ વિશે તે આપણને સૌથી સારી સલાહ આપી શકે છે. તે ચાહે છે કે એક પુરુષને સારી પત્ની મળે અને એક સ્ત્રીને સારો પતિ મળે. યહોવાને હંમેશાં ખબર હોય છે કે આપણું ભલું શામાં છે. (નીતિવચનો ૧૮:૨૨ વાંચો; યશા. ૪૮:૧૭, ૧૮) એટલે તેમણે બાઇબલમાં એવા સિદ્ધાંતો લખાવ્યા છે, જેની મદદથી એક ભાઈ કે બહેન પોતાના માટે યોગ્ય જીવનસાથી શોધી શકે.
૫. બાપ્તિસ્મા લીધું હોય એવી વ્યક્તિ સાથે લગ્ન કરવું કેમ મહત્ત્વનું છે?
૫ બાપ્તિસ્મા લઈને આપણે યહોવાના દોસ્ત બનીએ છીએ. (ગીત. ૨૫:૧૪) એટલે જો તમે લગ્ન કરવા માંગતા હો, તો એવી વ્યક્તિ પસંદ કરવી જોઈએ જે યહોવાની પણ દોસ્ત હોય. (૧ કોરીં. ૭:૩૯) એમ કરીને તમે યહોવાનાં ધોરણો માટે કદર બતાવી શકશો અને સાથીને યહોવા તરફથી મળેલી ભેટ ગણી શકશો. (નીતિ. ૧૯:૧૪) “અસમાન ઝૂંસરીથી” બંધાવાને લીધે લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે છે. (૨ કોરીં. ૬:૧૪) એટલે જો તમે યહોવાના દોસ્તોમાંથી જીવનસાથી પસંદ કરશો, તો એવી મુશ્કેલીઓથી બચી શકશો. પણ તમને સાક્ષીઓમાંથી કોઈ યોગ્ય પાત્ર મળતું ન હોય તો એવું ન વિચારશો કે બહારની વ્યક્તિ સાથે લગ્ન કરશો તો ચાલશે. એવું પણ ન વિચારશો કે તે હમણાં યહોવાની ભક્તિ કરતી નથી, પણ આગળ જતાં યહોવા વિશે શીખી જશે.
૬-૭. લગ્નના ઇરાદાથી વ્યક્તિને ઓળખવા કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૬ પણ એ જરૂરી નથી કે કોઈકે બાપ્તિસ્મા લઈ લીધું હોય તો તે તમારા માટે યોગ્ય જીવનસાથી સાબિત થશે. જો તમે કોઈ વ્યક્તિને લગ્નના ઇરાદાથી ઓળખવા માંગતા હો, તો અમુક સવાલો પર વિચાર કરવો સારું રહેશે.a પોતાને પૂછો: ‘તે પોતાના કુટુંબ સાથે કઈ રીતે વર્તે છે? શું તે બીજાની સંભાળ રાખે છે અને આદર બતાવે છે? તેના દોસ્તો કેવા છે? તે મતભેદોને કઈ રીતે હાથ ધરે છે? શું તે પોતાનો જ કક્કો ખરો કરે છે? જો બાઇબલ સિદ્ધાંતો તૂટતા ન હોય તો શું તે પોતાના વિચારોમાં ફેરફાર કરે છે? પૈસા વિશે તેનું વલણ કેવું છે?’
૭ તમે આવા અમુક સવાલો પર પણ વિચાર કરી શકો: ‘શું તેનાં કામોથી દેખાઈ આવે છે કે તે યહોવાને ઊંડો પ્રેમ કરે છે? શું તે યહોવા જેવા ગુણો બતાવવા મહેનત કરે છે? શું તે મને યહોવાની ભક્તિ વધારે સારી રીતે કરવા મદદ કરશે? શું ભક્તિને લગતા અમારા ધ્યેયો સરખા છે? શું એવું લાગે છે કે આગળ જતાં અમે પાકા દોસ્ત બનીશું?’ (કોલો. ૩:૯, ૧૦) બહેનો, પોતાને પૂછો: ‘શું એ ભાઈ મારા પાકા દોસ્ત અને કુટુંબના સારા શિર બની શકશે?’ (૧ કોરીં. ૧૧:૩) ભાઈઓ, પોતાને પૂછો: ‘ભલે મારાથી ભૂલો થાય તોપણ શું એ બહેન મને ટેકો આપશે અને મારા નિર્ણયોને માન આપશે?’ આવા સવાલોના જવાબ મેળવવામાં સમય લાગશે. એટલે તમે જેની સાથે લગ્ન કરવા માંગો છો તેને ઓળખવા પૂરતો સમય લો.
૮-૯. લગ્ન વિશે સારો નિર્ણય લેવા શાનાથી મદદ મળી શકે? (ચિત્ર પણ જુઓ.)
૮ જો પારખવાની કોશિશ કરશો કે વ્યક્તિ ખરેખર કેવી છે, તો લગ્ન વિશે સારો નિર્ણય લઈ શકશો. એ પણ જાણવાની કોશિશ કરો કે બીજાઓ તેના વિશે શું વિચારે છે. તમે વ્યક્તિની શાખ અને ગુણો વિશે બીજાઓને પૂછી શકો. જેમ કે, પૂછી શકો કે શું તે નમ્ર, પ્રેમાળ અને વાજબી છે. સારાહબહેન ફ્રેન્ચ ગિઆનામાં રહે છે. તેમણે ડેનિયલભાઈ સાથે લગ્ન કર્યું છે. બહેન કહે છે: “મેં બીજાઓને પૂછ્યું કે તેઓ ડેનિયલ વિશે શું વિચારે છે. મેં તેમની સાથે રહેતા ભાઈ, તેમના મંડળનાં એક વડીલ અને અમુક બહેનોને પૂછ્યું. અમને બંનેને સારી રીતે ઓળખતા હોય એવા દોસ્તો સાથે પણ વાત કરી.” તમે તમારા દોસ્તને પ્રેમથી આવું પણ પૂછી શકો: ‘શું હમણાં કે અગાઉ તમારા જીવનમાં એવું કંઈક બન્યું છે જેના વિશે મારે જાણવું જોઈએ?’ એ વિશે વાત કરવી મહત્ત્વનું છે, કેમ કે અમુક બાબતો અથવા આદતોને લીધે લગ્નજીવનમાં આગળ જતાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
૯ જો તમને વારેઘડીએ એવું થતું હોય કે એ વ્યક્તિ તમારા માટે યોગ્ય નથી, તો એ લાગણીને દબાવશો નહિ. કદાચ અનુભવી દોસ્તો શબ્દો ચોર્યા વગર તેના વિશે કંઈક જણાવે તો એના પર ધ્યાન આપો. આમ એ વ્યક્તિ સાથે લગ્ન કરવું કે નહિ એ વિશે સારો નિર્ણય લઈ શકશો.b લેખમાં હવે પછીનાં સૂચનો પતિ-પત્નીને પોતાની દોસ્તી પાકી કરવા મદદ કરશે.
લગ્નના ઇરાદાથી કોઈની સાથે સમય વિતાવતા હો ત્યારે, પારખવાની કોશિશ કરો કે તે વ્યક્તિ ખરેખર કેવી છે (ફકરા ૮-૯ જુઓ)
સાથે સમય વિતાવો, દોસ્તી પાકી કરો
૧૦. પતિ-પત્નીએ કેમ એકબીજા સાથે સમય વિતાવવો જોઈએ?
૧૦ પતિ-પત્ની ગમે તેટલા વ્યસ્ત હોય, પણ જો તેઓ એકબીજા માટે સમય કાઢશે તો તેઓની દોસ્તી અને લગ્નજીવન મજબૂત થશે. એનાથી તેઓને જુદા જુદા વિષયો પર વાત કરવાની તક મળશે. જેમ કે, તેઓ એકબીજાને પોતાનાં વિચારો અને લાગણીઓ જણાવી શકશે, આખા દિવસમાં શું બન્યું એ વિશે વાત કરી શકશે, એકબીજાને પ્રેમ બતાવી શકશે અને સાથે મળીને મજા કરી શકશે.
૧૧. શાના લીધે પતિ-પત્નીનો સંબંધ જોખમમાં આવી શકે?
૧૧ જે પતિ-પત્ની પાકાં દોસ્ત હોય છે, તેઓને એકબીજાથી દૂર રહેવાને બદલે સાથે રહેવું વધારે ગમે છે. જોકે અમુક વાર સંજોગોને લીધે તેઓએ એકબીજાથી થોડો સમય દૂર રહેવું પડે છે. પણ જો તેઓ લાંબા સમય માટે દૂર રહે તો એ જોખમી સાબિત થઈ શકે છે. દાખલા તરીકે, અમુક ભાઈ-બહેનો બીજા દેશમાં નોકરી કરવા ગયાં છે. એના લીધે તેઓ મહિનાઓ સુધી પોતાનાં જીવનસાથી અને બાળકોથી દૂર રહે છે. ખરું કે, પૈસેટકે ફાયદો થઈ શકે છે, પણ લગ્નજીવનમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
૧૨-૧૩. (ક) અમુક પતિ-પત્નીએ એકબીજા સાથે સમય વિતાવવા શું કર્યું છે? (ચિત્ર પણ જુઓ.) (ખ) તમારા સાથી જોડેનો સંબંધ કેટલો મહત્ત્વનો હોવો જોઈએ? (“મારા જીવનસાથી મારા માટે કેટલા મહત્ત્વના હોવા જોઈએ?” બૉક્સ જુઓ.)
૧૨ ધ્યાન આપો કે અમુક પતિ-પત્ની એકબીજા સાથે નિયમિત સમય વિતાવવા શું કરે છે. ગ્વામમાં રહેતાં લિઆબહેન કહે છે: “મને અને મારા પતિને સાથે મળીને અલગ અલગ કામો કરવાં ગમે છે. અમે ભાગ્યે જ એકબીજા વગર કોઈ પાર્ટીમાં કે ફરવા જઈએ છીએ.” અમેરિકામાં રહેતાં રોક્સેનબહેન કહે છે: “અમે બંને ઘણાં વ્યસ્ત રહીએ છીએ. એટલે જેમ બીજાં મહત્ત્વનાં કામો માટે પહેલેથી સમય નક્કી કરીએ છીએ, તેમ એકબીજા સાથે ક્યારે સમય વિતાવીશું એ પણ પહેલેથી નક્કી કરીએ છીએ.” (આમોસ ૩:૩ સરખાવો.) ફ્રાન્સમાં રહેતા ડેમિયનભાઈ કહે છે: “અમને સમજાયું કે સાથીને જે કામો ગમતાં હોય એમાં રસ લેવો મહત્ત્વનું છે. પછી સમય જતાં એ કામો આપોઆપ ગમવા લાગે છે.” (માથ. ૭:૧૨) અમેરિકામાં રહેતાં કેટીબહેન કહે છે: “અમુક વાર અમે અમારા ફોન બાજુ પર મૂકી દઈએ છીએ, જેથી એકબીજાને પૂરું ધ્યાન આપી શકીએ.”
૧૩ પતિ-પત્ની માટે સૌથી મહત્ત્વનું એ છે કે તેઓ ભક્તિને લગતાં કામોમાં એકબીજા સાથે સમય વિતાવે. ફ્રાન્સમાં રહેતાં મિરિયમબહેન કહે છે: “અમને બંનેને સવારે બાઇબલ વાંચવાની આદત છે. બાઇબલ વાંચ્યા પછી અમે ભેગાં મળીને એકબીજાને જણાવીએ છીએ કે અમને શું ગમ્યું અને શીખેલી વાતો કઈ રીતે લાગુ પાડીશું. સાથે વિતાવેલી એ પળો મારા માટે બહુ ખાસ છે.” તે આગળ જણાવે છે: “અમે સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ ત્યારે પણ મને બહુ ગમે છે. હું જોઈ શકું છું કે મારા પતિ યહોવાને કેટલો પ્રેમ કરે છે.” કેટીબહેન વિશે અગાઉ જોઈ ગયા, તે કહે છે: “અમને સાથે પ્રચાર કરવાની બહુ મજા આવે છે. જ્યારે અમે એકબીજાને યહોવા વિશે વાત કરતા સાંભળીએ છીએ, ત્યારે એકબીજા માટેનો પ્રેમ વધે છે. અમને એકબીજા પાસેથી ઘણું શીખવા પણ મળે છે.”—નીતિ. ૨૭:૧૭.
એકબીજા સાથે સમય વિતાવીને પોતાનો લગ્નસંબંધ મજબૂત કરો (ફકરા ૧૨-૧૩ જુઓ)
મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે દોસ્તી ટકાવી રાખો
૧૪-૧૫. લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓનો હલ લાવવા પતિ-પત્નીએ કેમ મહેનત કરવી જોઈએ? દાખલો આપીને સમજાવો.
૧૪ પતિ-પત્નીથી ભૂલો થાય છે, એટલે જરૂરી નથી કે તેઓ હંમેશાં એકબીજાથી ખુશ રહેશે. બાઇબલમાં જણાવ્યું છે કે પતિ-પત્નીનાં “જીવનમાં તકલીફો આવશે.” (૧ કોરીં. ૭:૨૮) આ કલમની અંગ્રેજી અભ્યાસ માહિતીમાં લખ્યું છે, “અહીં એવી તકલીફો વિશે વાત કરી છે જે સામાન્ય રીતે દરેક લગ્નજીવનમાં ઊભી થાય છે.” એવામાં જરૂરી છે કે પતિ-પત્ની એકબીજાનાં પાકાં દોસ્ત રહે અને સાથે મળીને મુશ્કેલીઓનો હલ લાવે. તેઓએ કેમ એવું કરવું જોઈએ?
૧૫ એને સમજવા એક દાખલા પર ધ્યાન આપીએ. કોઈ પ્રખ્યાત ઇમારત કે કીમતી વસ્તુ ખરાબ થઈ જાય ત્યારે એના માલિકો એને એમ જ છોડી દેતા નથી. તેઓ એનું સમારકામ કરાવવા અથવા એને ઠીક કરવા પૂરી કોશિશ કરે છે. તેઓ એ માટે પાણીની જેમ પૈસા વહેવડાવે છે. ભલે વર્ષો લાગે તોપણ એની પાછળ મહેનત કરે છે. તેઓ કેમ એવું કરે છે? કેમ કે એ ઇમારત અથવા વસ્તુ તેઓ માટે બહુ કીમતી છે. એવી જ રીતે, પતિ-પત્નીનો સંબંધ પણ અનમોલ છે. એ સંબંધ ભલે ગમે તેટલો મજબૂત હોય, થોડા-ઘણા મતભેદો તો થતા રહેશે. પણ જેમ ઇમારત કે કીમતી વસ્તુને ઠીક કરી શકાય છે, તેમ સંબંધોમાં પડેલી તિરાડને પૂરી શકાય છે. સંબંધ સુધારવા કદાચ સમય લાગશે અને મહેનત કરવી પડશે. પણ જો પતિ-પત્ની સાથે રહેશે અને સંબંધ મજબૂત કરવા બનતું બધું કરશે તો યહોવા તેઓથી ખુશ થશે. (માલા. ૨:૧૬) એમ કરીને તેઓ ફક્ત એકબીજા માટે જ નહિ, પણ લગ્નની શરૂઆત કરનાર ઈશ્વર યહોવા માટે પણ પ્રેમ અને આદર બતાવે છે.
૧૬. લગ્નજીવનમાં મોટી મોટી મુશ્કેલીઓ આવે ત્યારે પતિ-પત્ની શું કરી શકે? (૧ કોરીંથીઓ ૧૩:૪-૮ક) (ચિત્ર અને “દોસ્તી પાકી કરવા શાનાથી મદદ મળશે?” બૉક્સ પણ જુઓ.)
૧૬ જો લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે તો તરત એકબીજાથી અલગ થવાનું ન વિચારશો. (૧ કોરીં. ૭:૧૦, ૧૧) એના બદલે પોતાને પૂછો: ‘અમારી દોસ્તી પાકી કરવા હું શું કરી શકું?’ બાઇબલમાં પ્રેમના ગુણ વિશે જે જણાવ્યું છે એનો અભ્યાસ કરો. ૧ કોરીંથીઓ ૧૩:૪-૮કમાં આપેલી સલાહ પર વિચાર કરો. (વાંચો.) પછી પોતાને પૂછો, ‘મારા સાથીને વધારે પ્રેમ બતાવવા હું શું કરી શકું?’ એકબીજાથી દૂર જવાનાં બહાનાં ન શોધશો, પણ વિચારો કે કઈ રીતે એકબીજાનું દિલ જીતી શકો. તમારા સાથીએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એના પર ધ્યાન આપવાને બદલે, તમારે કયા ફેરફારો કરવાના છે એના પર ધ્યાન આપો. માર્ગદર્શન માટે યહોવાને પ્રાર્થના કરો. મદદ માટે સાહિત્ય અને વીડિયોમાંથી સંશોધન કરો. વડીલો અને અનુભવી ભાઈ-બહેનોની સલાહ લો. યાદ રાખો કે તમારું લગ્નજીવન “ત્રણ દોરાથી ગૂંથેલી દોરી” જેવું છે. એમાં યહોવા ત્રીજી અને સૌથી મજબૂત દોરી છે. તેમના પર આધાર રાખશો તો એકબીજાની નજીક આવી શકશો અને લગ્નબંધન ‘સહેલાઈથી તૂટશે નહિ.’—સભા. ૪:૧૨.
મુશ્કેલીઓ આવે ત્યારે દોસ્તી ટકાવી રાખવા બનતું બધું કરો (ફકરો ૧૬ જુઓ)
૧૭. જેઓ લગ્ન કરવાનું વિચારે છે અને જેઓએ લગ્ન કરી લીધું છે, તેઓ કઈ રીતે ખુશ રહી શકે?
૧૭ યહોવા ચાહે છે કે તેમના બધા ભક્તો ખુશ રહે, એ ભક્તો પણ જેઓ લગ્ન કરવાનું વિચારે છે અને જેઓએ લગ્ન કરી લીધું છે. જો તમે કુંવારા હો અને લગ્ન કરવા માંગતા હો તો સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરજો, કેમ કે એ દોસ્તી જીવનભરની છે. જો તમે લગ્ન કર્યા હોય, તો તમારી દોસ્તી પાકી કરવા મહેનત કરો. લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓ હલ કરવા યહોવા પર આધાર રાખો અને તમારાથી થાય એ બધું કરો. એમ કરશો તો તમે તમારા પાકા દોસ્ત સાથે ‘જીવનની મજા માણી’ શકશો.—સભા. ૯:૯.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
a આગળ જણાવેલા સવાલો ભાઈઓ અને બહેનો બંને માટે છે.
b એકબીજાને સારી રીતે ઓળખવા શું કરી શકો એ વિશે વધારે જાણવા ચોકીબુરજ, મે ૨૦૨૪ના અંકમાં આપેલા “વ્યક્તિને ઓળખો, લગ્ન માટે સારો નિર્ણય લો” લેખમાં “એકબીજાને સારી રીતે ઓળખો” મથાળું જુઓ.