વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 જુલાઈ પાન ૧૪-૧૯
  • યહોવાને સારી રીતે ઓળખતા રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાને સારી રીતે ઓળખતા રહીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાને સારી રીતે ઓળખવાનો શું અર્થ થાય?
  • આપણે કેમ યહોવાને સારી રીતે ઓળખવા જોઈએ?
  • યહોવાને સારી રીતે ઓળખવા આપણે શું કરી શકીએ?
  • યુગોના યુગો યહોવા વિશે શીખતા રહીશું
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • “તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 જુલાઈ પાન ૧૪-૧૯

સપ્ટેમ્બર ૨૧-૨૭, ૨૦૨૬

ગીત ૨ યહોવા તારો આભાર

યહોવાને સારી રીતે ઓળખતા રહીએ

‘તારા પિતાના ઈશ્વરને સારી રીતે ઓળખ. પૂરા દિલથી તેમની ભક્તિ કર.’—૧ કાળ. ૨૮:૯.

આપણે શું શીખીશું?

યહોવાને સારી રીતે ઓળખવાનો શું અર્થ થાય, આપણે કેમ તેમને સારી રીતે ઓળખવા જોઈએ અને આપણે એવું કઈ રીતે કરી શકીએ?

૧. યહોવા વિશે વિચારીએ છીએ ત્યારે આપણને કેવું લાગે છે?

યહોવા પાસે જ્ઞાનનો ભંડાર છે, તેમની બુદ્ધિ અપાર છે અને તેમનાં કામો અજાયબ છે. આપણા સર્જનહાર વિશે વિચારીને આપણે દંગ રહી જઈએ છીએ. આપણને અહેસાસ થાય છે કે તેમની આગળ આપણી કોઈ વિસાત નથી. આપણને પણ પ્રેરિત પાઉલ જેવું લાગે છે, જેમણે લખ્યું હતું: “ઈશ્વરના આશીર્વાદ અને બુદ્ધિ અને જ્ઞાનનો કોઈ પાર નથી! તેમના ન્યાયચુકાદા કોણ જાણી શકે? તેમના માર્ગો કોણ સમજી શકે?”—રોમ. ૧૧:૩૩, ૩૪.

૨. કેમ ખાતરી રાખી શકીએ કે આપણે યહોવાને ઓળખી શકીએ છીએ?

૨ ખરું કે આપણે યહોવા વિશે ક્યારેય બધું જ નહિ જાણી શકીએ, પણ અમુક હદે આપણે તેમને ઓળખી શકીએ છીએ. આપણે કેમ એવી ખાતરી રાખી શકીએ? દાઉદ રાજાએ પોતાના દીકરા સુલેમાનને કહ્યું: ‘તું તારા પિતાના ઈશ્વરને સારી રીતે ઓળખ. પૂરા દિલથી તેમની ભક્તિ કર. જો તું તેમની શોધ કરીશ, તો તે તને મળશે.’ (૧ કાળ. ૨૮:૯) સદીઓ પછી પ્રેરિત યોહાને સાથી ભાઈ-બહેનોને યાદ અપાવ્યું કે ‘આપણી પાસે ઊંડી સમજણ છે, જેથી આપણે સાચા ઈશ્વરનું જ્ઞાન મેળવી શકીએ.’ (૧ યોહા. ૫:૨૦) ઈસુએ પણ કહ્યું કે તે લોકોને મદદ કરશે, જેથી તેઓ ‘પિતાને પૂરી રીતે જાણી શકે.’—માથ. ૧૧:૨૭.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૩ જેઓએ યહોવાને સમર્પણ કર્યું છે તેઓ તેમના વિશે ઘણું જાણે છે, તોપણ ક્યારેય યહોવાને ‘ઓળખવાનું’ બંધ ન કરવું જોઈએ. (યોહા. ૧૭:૩, ફૂટનોટ.) તેમના વિશે કંઈક ને કંઈક નવું શીખવા તો મળશે જ. જેમ કે, આપણે શીખતા રહેવું જોઈએ કે તેમને શું ગમે છે અને શું નથી ગમતું તેમજ આપણે કઈ રીતે તેમના પરનો ભરોસો વધારી શકીએ. ભલે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, પણ આ ત્રણ સવાલો પર વિચાર કરવો જોઈએ: યહોવાને સારી રીતે ઓળખવાનો શું અર્થ થાય? આપણે કેમ તેમને સારી રીતે ઓળખવા જોઈએ? યહોવાને સારી રીતે ઓળખવા આપણે શું કરી શકીએ? આ લેખમાં એ ત્રણ સવાલોની ચર્ચા કરીશું.

યહોવાને સારી રીતે ઓળખવાનો શું અર્થ થાય?

૪. યહોવાને ઓળખવામાં શાનો સમાવેશ થાય છે?

૪ યહોવાને ઓળખવામાં શાનો સમાવેશ થાય છે? ધ્યાન આપો કે યહોવાએ ગુલામીમાંથી પાછા આવનાર યહૂદીઓને કયું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું: “હું તેઓને એવું હૃદય આપીશ, જે મને ઓળખે. તેઓ જાણશે કે હું યહોવા છું.” (યર્મિ. ૨૪:૭) એ સાચું છે કે જેઓ બાબેલોનથી પાછા આવ્યા, તેઓ યહોવા વિશે ઘણું જાણતા હતા. પણ પાછા આવ્યા પછી તેઓએ પૂરા દિલથી અને મક્કમ ઇરાદાથી યહોવાને વધારે ઓળખવા મહેનત કરવાની હતી. એક બાઇબલ વિદ્વાન કહે છે: “જેમ પ્રેમ વિશે વાંચવામાં અને પ્રેમમાં પડવામાં મોટો ફરક છે, તેમ ઈશ્વર વિશે જાણવામાં અને ઈશ્વરને ઓળખવામાં મોટો ફરક છે.” એટલે આપણા માટે ફક્ત એ જાણવું પૂરતું નથી કે ઈશ્વરનું નામ યહોવા છે. પણ તેમને સારી રીતે ઓળખવા એ જાણવું વધારે જરૂરી છે કે તે કેવા ઈશ્વર છે અને તેમનામાં કેવા ગુણો છે.

૫. યહોવાને ઓળખવા વિશે આપણે યોશિયા રાજા પાસેથી શું શીખી શકીએ?

૫ યહોવાને ઓળખતા જઈએ છીએ તેમ, આપણને ખબર પડે છે કે તેમને શું ગમે છે અને શું નથી ગમતું. યોશિયા રાજાનો દાખલો લો. બાઇબલમાં તેમના વિશે લખ્યું છે: “તેના શાસનના ૮મા વર્ષે હજી તે છોકરો જ હતો ત્યારે, તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની ભક્તિ કરવાનું શરૂ કર્યું.” (૨ કાળ. ૩૪:૩) યોશિયાએ યહોવા વિશે શીખવા શાસ્ત્રનો ઘણો અભ્યાસ કર્યો હતો. જોકે તેમણે એનાથી કંઈક વધારે કર્યું. તેમણે શીખેલી વાતોને લાગુ પાડી. યર્મિયા પ્રબોધક દ્વારા યહોવાએ કહ્યું કે યોશિયાએ ‘અદ્દલ ઇન્સાફ કર્યો અને તે સચ્ચાઈથી વર્ત્યા’ તેમજ લાચાર અને ગરીબને ન્યાય અપાવ્યો. પછી યહોવાએ જણાવ્યું કે જેઓ તેમને ઓળખે છે, તેઓએ એવું જ કરવું જોઈએ.—યર્મિ. ૨૨:૧૫, ૧૬.

૬. યહોવાને ઓળખતા જઈશું તેમ, ગીતશાસ્ત્ર ૯:૧૦ પ્રમાણે બીજું શું થશે?

૬ ગીતશાસ્ત્ર ૯:૧૦ વાંચો. યહોવાને ઓળખતા જઈશું તેમ, તેમના પરનો ભરોસો વધશે. પ્રેરિત પાઉલ સાથે એવું જ થયું. પાઉલ કેદમાં હતા અને તેમને ખબર હતી કે બહુ જલદી તેમને મારી નાખવામાં આવશે. એ વખતે તેમણે લખ્યું: “મને એની કોઈ શરમ લાગતી નથી. કેમ કે જે ઈશ્વરમાં મેં ભરોસો મૂક્યો છે, તેમને હું જાણું છું.” (૨ તિમો. ૧:૧૨) પાઉલ જીવ્યા ત્યાં સુધી યહોવા વિશે ઘણું શીખ્યા હતા અને તેમણે કાયમ યહોવાનો સાથ અનુભવ્યો હતો. એટલે તે યહોવા પર પૂરો ભરોસો કરી શક્યા. તેમને ખાતરી હતી કે યહોવા તેમને અને તેમની વફાદારીને કદી નહિ ભૂલે તેમજ તે તેમને ચોક્કસ મરણમાંથી ઉઠાડશે.

આપણે કેમ યહોવાને સારી રીતે ઓળખવા જોઈએ?

૭. ઘણાં વર્ષો યહોવાની ભક્તિ કર્યા પછી શું થઈ શકે?

૭ આપણે યહોવા વિશે શીખવાનું શરૂ કર્યું ત્યારે, તેમને ઓળખવા ઊંડો અભ્યાસ કર્યો હતો. પણ બની શકે કે સમય જતાં આપણે યહોવાને ઓળખવા એટલી મહેનત ન કરીએ. એવું કઈ રીતે થઈ શકે? જ્યારે આપણે એકલામાં અથવા સભામાં બાઇબલ વાંચીએ, ત્યારે કદાચ સૌથી પહેલા એના પર જ ધ્યાન જાય કે કઈ રીતે શીખેલી વાતો પોતે લાગુ પાડી શકીએ અથવા કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ. હા, બાઇબલમાં પણ એમ કરવાનું ઉત્તેજન આપ્યું છે. (૨ તિમો. ૩:૧૬, ૧૭) જોકે બાઇબલથી એના લેખક વિશે ઘણું જાણવા મળે છે. (ગીત. ૨૫:૮-૧૦) આપણે બસ એ જ ન વિચારીએ કે બાઇબલની વાતોથી પોતાને અથવા બીજાઓને કઈ રીતે ફાયદો થઈ શકે છે. એના બદલે અચૂક પોતાને પૂછતા રહીએ, ‘આ અહેવાલમાંથી મને યહોવા ઈશ્વર વિશે શું શીખવા મળે છે?’a

૮. યહોવાને વધારે ઓળખીશું તો તેમની સાથેના સંબંધ પર કેવી અસર થશે? (ગીતશાસ્ત્ર ૭૩:૨૪-૨૮)

૮ યહોવાને સારી રીતે ઓળખતા જઈશું તેમ, તેમની સાથેનો સંબંધ ગાઢ થતો જશે. આનો વિચાર કરો: રોજ બાઇબલ વાંચ્યા પછી, દર મહિને બ્રૉડકાસ્ટિંગનો કાર્યક્રમ જોયા પછી અથવા સંમેલનો કે મહાસંમેલનોમાં ગયા પછી આપણને કેવું લાગે છે? આપણે પિતા યહોવાની વધારે નજીક અનુભવીએ છીએ. કેમ કે આપણે તેમના વિશે ઘણું શીખ્યા છીએ, તેમને વધારે ઓળખી શક્યા છીએ. પછી આપોઆપ તેમનો મહિમા કરવાનું અને તેમનો આભાર માનવાનું મન થાય છે. આપણને પણ લેખક આસાફ જેવું લાગે છે. યહોવા તેમને કેટલો પ્રેમ કરતા હતા એના પર તેમણે મનન કર્યું અને લખ્યું: “ઈશ્વર મારો ખડક, મારા દિલની રક્ષા કરનાર અને કાયમ માટેનો મારો હિસ્સો છે.” (ગીતશાસ્ત્ર ૭૩:૨૪-૨૮ વાંચો.) જ્યારે પણ યહોવાને વધારે ઓળખવાની કોશિશ કરીએ છીએ, ત્યારે સમજાય છે કે તેમની સાથેની દોસ્તી કેટલી અનમોલ છે. એ જાણીને આપણું દિલ કદરથી ઊભરાઈ જાય છે.

૯. ‘પોતાની નજર હંમેશાં યહોવા તરફ રાખવાથી’ શું ફાયદો થશે? દાખલો આપીને સમજાવો.

૯ જ્યારે આપણે ‘પોતાની નજર હંમેશાં યહોવા તરફ રાખીએ છીએ,’ એટલે કે તેમના વિશે શીખેલી વાતો પર મનન કરીએ છીએ અને આપણાં વાણી-વર્તનથી તેમને કેવું લાગશે એનો વિચાર કરીએ છીએ, ત્યારે સારા નિર્ણયો લઈ શકીએ છીએ. (ગીત. ૨૫:૧૫) ચાલો એક દાખલો લઈએ. ઘણાં ભાઈ-બહેનો પોતાના જીવનસાથીનો ફોટો ઑફિસના ટેબલ પર, પોતાના પર્સમાં કે ફોનમાં રાખે છે. એનાથી તેઓ પોતાના સાથીને હંમેશાં નજર સામે રાખી શકે છે. એટલું જ નહિ, એ ફોટો તેઓને યાદ અપાવે છે કે તેઓ પોતાના સાથીને કેટલો પ્રેમ કરે છે. આમ, સાથી ખુશ થાય એવા નિર્ણયો લેવા અને સાથી દુઃખી થાય એવું કંઈ પણ ન કરવા તેઓને મદદ મળે છે. એવી જ રીતે, જો આપણે યહોવા વિશે વિચારતા રહીશું, તો તેમને ગમતા નિર્ણયો લેવા સહેલું થઈ જશે.—ગીત. ૧૯:૧૩, ૧૪.

૧૦. યહોવા વિશે શીખતા જઈશું તેમ આપણે શું કરી શકીશું?

૧૦ યહોવાએ આપણને તેમના જેવા બનાવ્યા છે. એટલે આપણે તેમના જેવા ગુણો બતાવી શકીએ છીએ. (ઉત. ૧:૨૬) યહોવાના ગુણો વિશે વધારે શીખતા જઈશું તેમ, વધારે સારી રીતે એ ગુણો બતાવી શકીશું. ઈસુના જમાનામાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ એમ કરવાનું ચૂકી ગયા અને એ માટે ઈસુએ તેઓને ઠપકો આપ્યો. ખરું કે તેઓ નિયમશાસ્ત્રની નાની નાની વાતો પર ધ્યાન આપતા હતા, પણ “ન્યાય, દયા અને વફાદારી જેવી નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો જતી” કરતા હતા. (માથ. ૨૩:૨૩) આપણે તેઓ જેવા બનવા માંગતા નથી. ચાલો, હંમેશાં એ સમજવાની કોશિશ કરીએ કે યહોવાએ આપેલા નિયમો અને સિદ્ધાંતોથી તેમના ગુણો વિશે શું શીખવા મળે છે. એમ કરવાથી ખૂબ સારી રીતે એ ગુણો બતાવી શકીશું.—૧ યોહા. ૪:૮, ૧૧.

યહોવાને સારી રીતે ઓળખવા આપણે શું કરી શકીએ?

૧૧. તમને પહેલી વાર કઈ રીતે યહોવા વિશે જાણવા મળ્યું?

૧૧ તમને કોણે સૌથી પહેલા યહોવા વિશે શીખવ્યું? કદાચ તમારાં મમ્મી-પપ્પાએ શીખવ્યું હશે. તેઓએ બાઇબલમાંથી વાર્તાઓ જણાવી હશે કે પછી સૃષ્ટિમાંથી તેમના ગુણો વિશે શીખવ્યું હશે અથવા કોઈ યહોવાના સાક્ષીએ તમને શીખવ્યું હશે. તેમણે કદાચ દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી બાઇબલની કલમો સારી રીતે સમજવા અને યહોવાએ બનાવેલી વસ્તુઓમાંથી તેમના ગુણો વિશે શીખવા મદદ કરી હશે.b (નહે. ૮:૮; પ્રે.કા. ૧૪:૧૭) હવે ચાલો જોઈએ કે આપણે કઈ રીતે યહોવા વિશે શીખતા રહી શકીએ.

૧૨-૧૩. બાઇબલ વાંચવાથી આપણે યહોવા વિશે શું શીખી શકીએ છીએ? એક દાખલો આપો. (યર્મિયા ૩૯:૧૫-૧૮) (ચિત્ર પણ જુઓ.)

૧૨ યહોવા વિશે વધારે શીખવાની એક રીત છે: બાઇબલ વાંચીએ અને એનો અભ્યાસ કરીએ. અમુક વાર બાઇબલમાં સીધેસીધું યહોવાના ગુણો વિશે જણાવ્યું છે. (નિર્ગ. ૩૪:૬, ૭) પણ ઘણી વાર બાઇબલમાં લોકો વિશે અને તેઓએ લીધેલા નિર્ણયો વિશે વાત થઈ છે. એવા અહેવાલો વાંચીએ ત્યારે વિચારીએ કે એમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે.

૧૩ ચાલો એક દાખલો લઈએ. યર્મિયા ૩૮:૬-૧૩માં ઇથિયોપિયાના એબેદ-મેલેખ વિશે જણાવ્યું છે, જેમણે યર્મિયા પ્રબોધકને બચાવ્યા હતા. એ અહેવાલ વાંચીને કદાચ તરત પારખી જઈએ કે એબેદ-મેલેખ યર્મિયાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમણે પોતાની ચિંતા કર્યા વગર હિંમતથી યર્મિયાને મદદ કરી. પછી વિચારવા લાગીએ કે આપણે કઈ રીતે તેમના જેવું કરી શકીએ. પણ એ કલમોમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે? (યર્મિયા ૩૯:૧૫-૧૮ વાંચો.) જેમ કે, આ કલમોથી કઈ રીતે દેખાઈ આવે છે કે યહોવા બીજાઓનાં સારાં કામોની ખૂબ કદર કરે છે? શાનાથી ખબર પડે છે કે યહોવા ન્યાયી છે અને ભેદભાવ કરતા નથી? આ અહેવાલમાંથી યહોવાના બીજા કયા ગુણો વિશે શીખવા મળે છે? બાઇબલમાંથી કોઈ અહેવાલ વાંચીએ ત્યારે ધ્યાન આપીએ કે એમાંથી યહોવાના ગુણો વિશે શું શીખવા મળે છે. પછી એ માટે તેમનો દિલથી આભાર માનીએ અને તેમનો મહિમા કરીએ.

એબેદ-મેલેખ અને બીજા ઘણા માણસો યર્મિયાને ટાંકામાંથી દોરડાના સહારે બહાર કાઢી રહ્યા છે. આજુબાજુ બીજા હથિયારબંધ માણસો તૈનાત છે.

એબેદ-મેલેખ હિંમત બતાવીને યર્મિયાને ટાંકામાંથી બહાર કાઢે છે (ફકરા ૧૨-૧૩ જુઓ)


૧૪. યહોવાએ બનાવેલી સૃષ્ટિ પર કેમ ઊંડો વિચાર કરવો જોઈએ?

૧૪ યહોવા વિશે વધારે શીખવાની બીજી રીત છે: તેમણે બનાવેલી સૃષ્ટિ પર ઊંડો વિચાર કરીએ. (ગીત. ૧૪૫:૯, ૧૦) પણ કુદરતને નિહાળવી જ પૂરતું નથી, એ ઉપરાંત કંઈક કરવું પડશે. અમુક લોકો ઝાડ-પાન અને પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આખું જીવન વિતાવી દે છે. તોપણ તેઓ સમજી શકતા નથી કે આ બધું તો ઈશ્વરના હાથની કરામત છે. તેઓ સૃષ્ટિમાંથી ઈશ્વરના અદ્‍ભુત ગુણો જોવાનું પણ ચૂકી જાય છે. પ્રેરિત પાઉલે લખ્યું કે “ઈશ્વરે જે રીતે દુનિયાને રચી છે, એનો વિચાર કરવાથી આપણે તેમના અદૃશ્ય ગુણો સમજી શકીએ છીએ. તેમણે બનાવેલી વસ્તુઓ પરથી જોઈ શકાય છે કે તે કેવા ઈશ્વર છે.” (રોમ. ૧:૨૦) બાઇબલના એક ભાષાંતરમાં એ કલમનું આ રીતે ભાષાંતર થયું છે: ‘આપણે ઈશ્વરના ગુણો સારી રીતે જોઈ શકીએ છીએ, કેમ કે આપણે કારણો પર વિચાર કરી શકીએ છીએ.’ એટલે આપણે યહોવાએ બનાવેલી ભવ્ય સૃષ્ટિ પર ઊંડો વિચાર કરીએ, જેથી તેમના ગુણો વિશે શીખી શકીએ.

૧૫. (ક) યહોવાને સારી રીતે ઓળખવા પૅટ્રિકભાઈએ શું કર્યું? (ખ) આપણે કઈ રીતે તેમના જેવું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૫ આજે ઘણાં ભાઈ-બહેનો શહેરોમાં રહે છે, જ્યાં એટલાં ઝાડ-પાન અને પ્રાણીઓ જોવા મળતાં નથી. શહેરમાં રહેતા હોઈએ તોપણ સૃષ્ટિમાંથી યહોવા વિશે શીખવા શું કરી શકીએ? ચાલો જોઈએ કે પૅટ્રિકભાઈ શું કરે છે. તે કૉંગો પ્રજાસત્તાકના બ્રાઝાવિલ નામના એક મોટા શહેરમાં રહે છે. તે કહે છે: “હું મારી બાલ્કનીમાંથી યહોવાએ બનાવેલી સુંદર ચીજવસ્તુઓ નિહાળવાની કોશિશ કરું છું. હું ઘણી વાર એવાં નાનાં નાનાં જીવજંતુઓ અને પક્ષીઓને જોઉં છું, જેઓ ખાવાનું કે આશરો શોધતા હોય છે. એક વખત હું અમુક પક્ષીઓને માળો બનાવતા જોતો હતો. તેઓએ શહેરમાં મળી રહેતી ચીજવસ્તુઓથી બચ્ચાં માટે મસ્ત માળો બનાવ્યો.” પૅટ્રિકભાઈ પક્ષીઓને જોઈને ફક્ત ખુશ ન થયા, તેમણે તેઓના સર્જનહાર વિશે ઊંડો વિચાર કર્યો. તે કહે છે: “હું શીખ્યો કે યહોવા બધાની ચિંતા કરે છે, અરે નાનામાં નાનાં જીવજંતુઓની પણ સંભાળ રાખે છે. એનાથી મને ખાતરી મળે છે કે તે મારી પણ સંભાળ રાખશે અને હંમેશાં મારી જરૂરિયાતો પૂરી કરશે.”

એક બહેન મોટા શહેરમાં રહે છે અને પોતાની બાલ્કનીમાં છોડવાઓને પાણી રેડી રહ્યાં છે. તે એક હમિંગબર્ડને જોઈ રહ્યાં છે, જે ફૂલોમાંથી રસ ચૂસી રહ્યું છે.

યહોવાએ બનાવેલી સૃષ્ટિ પર મનન કરીશું તો તેમને સારી રીતે ઓળખી શકીશું (ફકરો ૧૫ જુઓ)


૧૬. (ક) યહોવાને સારી રીતે ઓળખવા ઈસુની મા મરિયમને શાનાથી મદદ મળી? (ખ) આપણે કઈ રીતે મરિયમ જેવું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૬ યહોવા વિશે વધારે શીખવાની ત્રીજી રીત છે: યહોવાએ આપણને જે રીતે મદદ કરી છે, એના પર વિચાર કરીએ. ઈસુની મા મરિયમે એવું જ કર્યું. તે યહોવાને પહેલેથી સારી રીતે ઓળખતાં હતાં અને ‘તેમનાં પર ઈશ્વરની કૃપા હતી.’ (લૂક ૧:૩૦) પણ પછી તેમને એક ભારે જવાબદારી મળી, ઈશ્વરના દીકરાની મા બનવાની જવાબદારી. યહોવાએ ગાબ્રિયેલ દૂત અને મરિયમનાં સંબંધી એલિસાબેત દ્વારા ખાતરી અપાવી કે તે તેમને મદદ કરશે. મરિયમે એ બધા બનાવો પર મનન કર્યું અને વિચાર્યું કે એમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે. તે જોઈ શક્યાં કે યહોવા ખૂબ શક્તિશાળી છે, દયાળુ છે, તે કોઈની સાથે ભેદભાવ કરતા નથી અને દીન લોકો પર ખાસ ધ્યાન આપે છે. (લૂક ૧:૪૬-૫૫) યહોવાએ મરિયમ માટે જે કંઈ કર્યું એની તે ખૂબ કદર કરતા હતાં. યહોવા આજે આપણને પણ “જરૂર હોય ત્યારે” મદદ કરે છે અને એ માટે આપણે તેમનો ખૂબ આભાર માનીએ છીએ. (હિબ્રૂ. ૪:૧૬) પણ યહોવા મદદ કરે ત્યારે આ સવાલો પર ખાસ મનન કરીએ: ‘યહોવાએ મારા માટે જે કર્યું એમાંથી મને તેમના વિશે શું શીખવા મળ્યું? આ અનુભવમાંથી મને યહોવાના કયા ગુણો જોવા મળ્યા?’

ચિત્રો: એક ભાઈ એવા સમયનો વિચાર કરી રહ્યા છે, જ્યારે યહોવાએ તેમને મદદ કરી હતી. ૧. તેમને એક ટૉક આપવાની હતી અને એટલે તે ખૂબ ચિંતામાં હતા. તેમણે એ વિશે પ્રાર્થના કરી હતી. ૨. પછી સ્ટેજ પરથી તેમણે સરસ રીતે પોતાનો ભાગ આપ્યો હતો.

યહોવાએ આપણા માટે જે કર્યું છે એના પર મનન કરીશું તો તેમને સારી રીતે ઓળખી શકીશું (ફકરો ૧૬ જુઓ)c


યુગોના યુગો યહોવા વિશે શીખતા રહીશું

૧૭-૧૮. કેમ કહી શકીએ કે આપણે યુગોના યુગો યહોવા વિશે શીખતા રહીશું?

૧૭ વિચારો કે નવી દુનિયામાં આપણે યહોવા વિશે કેટકેટલું શીખીશું. એ સમયે યહોવા નવા વીંટાઓ આપશે અને જણાવશે કે તે આપણી પાસેથી શું ચાહે છે. (પ્રકટી. ૨૦:૧૨) તેમણે રચેલી સૃષ્ટિનો આપણે પૂરો આનંદ માણી શકીશું અને એ વિશે વધારે શીખી શકીશું. (યશા. ૧૧:૬-૯) આપણે પિતા યહોવા વિશે નવું નવું શીખતા જઈશું. જ્યારે તે આપણાં સગાં-વહાલાંને જીવતાં કરશે અને આપણને પાપ વગરના જીવન તરફ દોરી જશે, ત્યારે તેમના વિશે એવી બાબતો શીખવા મળશે જે આજે આપણે જાણતા નથી.

૧૮ એમાં કોઈ શંકા નથી કે આપણે યહોવા વિશે યુગોના યુગો શીખતા રહીશું. તે અનંતકાળથી છે, એટલે “તેમની બુદ્ધિનો કોઈ પાર નથી.” (ગીત. ૯૦:૨; ૧૪૭:૫) ‘સાચા ઈશ્વરે કરેલાં કામોને આપણે ક્યારેય પૂરી રીતે જાણી નહિ શકીએ.’ (સભા. ૩:૧૧) એટલે આપણે વર્ષોથી યહોવાની સેવા કરતા હોઈએ તોપણ પ્રેમાળ પિતા યહોવાને ઓળખવાની એકેય તક જવા ન દઈએ.

તમે શું કહેશો?

  • યહોવાને સારી રીતે ઓળખવાનો શું અર્થ થાય?

  • આપણે કેમ યહોવાને સારી રીતે ઓળખવા જોઈએ?

  • યહોવાને સારી રીતે ઓળખવા આપણે શું કરી શકીએ?

ગીત ૨૭ યહોવા મારો માલિક

a નવી દુનિયા ભાષાંતર બાઇબલની શરૂઆતમાં આપેલા “બાઇબલ વિશે જાણકારી” વિભાગમાં સવાલ ૨૦ જુઓ.

b દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૦૭ મુદ્દા ૫-૭ જુઓ.

c ચિત્રની સમજ: એક ભાઈ, જેમને ટૉક આપતા ડર લાગે છે, તે વિચારી રહ્યા છે કે યહોવાએ તેમને અઠવાડિયા દરમિયાન થતી સભામાં ભાગ આપવા કઈ રીતે મદદ કરી હતી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો