વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 જુલાઈ પાન ૮-૧૩
  • યશાયાના પુસ્તકમાંથી દિલાસો મેળવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યશાયાના પુસ્તકમાંથી દિલાસો મેળવીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • અચાનક સંજોગો બદલાઈ જાય ત્યારે
  • દોષની લાગણી હાવી થઈ જાય ત્યારે
  • કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા આપણને એકલા મૂકી નહિ દે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • ખાતરી રાખજો કે યહોવાએ તમને માફ કર્યા છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 જુલાઈ પાન ૮-૧૩

સપ્ટેમ્બર ૧૪-૨૦, ૨૦૨૬

ગીત ૬ અમારી પ્રાર્થના

યશાયાના પુસ્તકમાંથી દિલાસો મેળવીએ

“જેમ મા પોતાના દીકરાને દિલાસો આપે છે, તેમ હું તમને દિલાસો આપતો રહીશ.”—યશા. ૬૬:૧૩.

આપણે શું શીખીશું?

દુઃખી કે નિરાશ હોઈએ ત્યારે કઈ રીતે યશાયાના પુસ્તકમાંથી દિલાસો અને ઉત્તેજન મેળવી શકીએ?

૧-૨. આપણે દુઃખી કે નિરાશ હોઈએ ત્યારે યહોવા શું કરે છે?

કલ્પના કરો, એક બાળક ધ્રૂસકે ને ધ્રૂસકે રડી રહ્યું છે. તે તેના કુટુંબ સાથે બીજી જગ્યાએ રહેવા જઈ રહ્યું છે. તેણે પોતાના દોસ્તોને છોડીને જવું પડશે, એનું તેને દુઃખ છે. અથવા તેનાથી કોઈ ભૂલ થઈ ગઈ છે અને એના લીધે તેને બહુ ખરાબ લાગી રહ્યું છે. તમને શું લાગે છે, તેનાં મમ્મી શું કરશે? તે પ્રેમથી પોતાના બાળકને ભેટી લેશે, તેનાં આંસુ લૂછશે, ધ્યાનથી તેનું સાંભળશે અને તેને વહાલ કરશે.

૨ બાઇબલમાં યહોવા પોતાને એક મા સાથે સરખાવે છે. એક એવી મા જે પોતાના બાળક પર ખૂબ મમતા રાખે છે અને તેનું પ્રેમથી જતન કરે છે. યહોવા કહે છે: “જેમ મા પોતાના દીકરાને દિલાસો આપે છે, તેમ હું તમને દિલાસો આપતો રહીશ.” (યશા. ૬૬:૧૩) યહોવા આપણને આપણાં મમ્મી-પપ્પા કરતાંય અનેક ગણો વધારે પ્રેમ કરે છે. (યશા. ૪૯:૧૫) આપણે દુઃખી અથવા નિરાશ હોઈએ ત્યારે યહોવા પોતાના શબ્દ, બાઇબલ દ્વારા આપણને દિલાસો અને હિંમત આપે છે.—રોમ. ૧૫:૪.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૩ પ્રેમાળ પિતા યહોવાએ યશાયાના પુસ્તકમાં એવી ઘણી વાતો લખાવી છે, જે વાંચીને આપણને દિલાસો મળી શકે છે. (યશા. ૪૦:૧) તેમણે યશાયાનું પુસ્તક એ સમયગાળામાં લખાવ્યું હતું, જ્યારે યહૂદાના લોકો પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો હતો અને તેઓને દિલાસાની જરૂર હતી. આપણે પણ ‘સંકટના સમયોમાં’ જીવીએ છીએ, એટલે આપણને પણ દિલાસાની ખૂબ જરૂર છે. (૨ તિમો. ૩:૧) આ લેખમાં યશાયાની અમુક કલમો પર ચર્ચા કરીશું. આપણે જોઈશું કે જ્યારે અચાનક આપણા સંજોગો બદલાઈ જાય, દોષની લાગણી હાવી થઈ જાય અથવા કોઈ સગું-વહાલું ગુજરી જાય, ત્યારે કઈ રીતે એ કલમોથી હિંમત અને દિલાસો મળી શકે.

અચાનક સંજોગો બદલાઈ જાય ત્યારે

૪. અચાનક સંજોગો બદલાઈ જાય ત્યારે કેવું લાગી શકે?

૪ આપણા જીવનમાં સંજોગો ક્યારેક આંખના પલકારામાં બદલાઈ જાય છે. (સભા. ૯:૧૧; ૧ કોરીં. ૭:૩૧) બની શકે કે અઘરા સંજોગો અચાનક આપણી સામે ઊભા થાય, જેમ કે આપણી તબિયત બગડે, પૈસેટકે તંગી સહેવી પડે, આપણા વિસ્તારમાં રાજકીય ઊથલ-પાથલ થાય અથવા યહોવાની સેવામાં આપણી સોંપણી બદલાય. અચાનક આવા ફેરફારો થાય ત્યારે કદાચ ગભરાઈ જઈએ, ચિંતા થવા લાગે. આપણને થાય, ‘હવે હું શું કરીશ?’ જોસેફભાઈ સાથે એવું જ થયું. તે આશરે ૧૭ વર્ષથી બેથેલમાં સેવા આપતા હતા. પણ પછી તેમને પાયોનિયર તરીકેની સોંપણી મળી. તે કહે છે: “મેં બેથેલમાં આટલાં વર્ષો વિતાવ્યાં હતાં, પણ હવે નવી શરૂઆત કરવાના વિચારથી જ મારા હાથ-પગ ઠંડા પડી જતા હતા. મને કંઈ જ સમજાતું ન હતું કે આગળ મારું શું થશે, હું શું કરીશ.” જો અચાનક સંજોગો બદલાય, તો યહોવા કઈ રીતે યશાયાના પુસ્તક દ્વારા આપણને મદદ કરે છે અને દિલાસો આપે છે?

૫. યશાયા ૪૨:૧૬માં યહોવા કઈ વાતની ખાતરી આપે છે? (ચિત્ર પણ જુઓ.)

૫ યશાયા ૪૨:૧૬ વાંચો. જીવનમાં બધું અચાનક બદલાઈ જાય ત્યારે લાગી શકે કે આપણે જાણે ‘આંધળા’ થઈ ગયા છીએ, ‘અંધકારમાં’ છીએ અથવા ‘જાણતા નથી એવા અને ખાડા-ટેકરાવાળા’ રસ્તા પર ચાલી રહ્યા છીએ. આપણને લાગી શકે કે આપણે ગીચ જંગલમાં ચાલી રહ્યા છીએ અને બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. પણ યહોવા ખાતરી આપે છે કે તે આપણને હંમેશાં સાથ આપશે અને સાચો માર્ગ બતાવશે. તે આપણો હાથ પકડીને આપણને અંધકારમાંથી બહાર કાઢશે અને રસ્તામાં આવતી નડતરો દૂર કરશે. તે એવું કઈ રીતે કરે છે? તે બાઇબલ અને સંગઠન દ્વારા આપણને સલાહ આપે છે. (ગીત. ૧૧૯:૧૦૫; યશા. ૩૦:૨૧) તે આપણાં ભાઈ-બહેનો અને બીજા લોકો દ્વારા જરૂરી મદદ પૂરી પાડે છે. જ્યારે પણ આપણને કાલની ચિંતા કોરી ખાય અથવા ન સમજાય કે શું કરવું, ત્યારે ભરોસો રાખીએ કે આપણે યહોવાના હાથમાં સલામત છીએ. કેમ કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે અને તે આપણી લાગણીઓ સારી રીતે સમજે છે.—યશા. ૪૧:૧૦; ૧ પિત. ૫:૬, ૭.

ચિત્રો: યશાયા ૪૨:૧૬માં યહોવાએ વચન આપ્યું છે: ‘જાણતા નથી એવા રસ્તે, હું તને ત્યજી દઈશ નહિ.’ એક પતિ-પત્નીને એ વચનથી ઘણી મદદ મળે છે. ૧. તેઓ બીજે રહેવા જઈ રહ્યાં છે અને પોતાનો સામાન પેક કરી રહ્યાં છે. ૨. નવા મંડળમાં એક કુટુંબ પ્રેમથી તેઓનો આવકાર કરે છે.

ભલે અચાનક સંજોગો બદલાય, પણ યહોવા કદી તમારો સાથ નહિ છોડે (ફકરો ૫ જુઓ)b


૬. અચાનક સંજોગો બદલાઈ જાય ત્યારે શાની ખાતરી રાખી શકીએ?

૬ જોસેફભાઈ વિશે આપણે અગાઉ જોઈ ગયા. તે અને તેમનાં પત્ની બેથેલમાંથી બહાર આવ્યાં ત્યારે, તેઓએ ડગલે ને પગલે યહોવાનો સાથ અનુભવ્યો. ભાઈ કહે છે: “અમારા સંજોગોમાં ફેરફાર થયો ત્યારે અમે યહોવાની મદદનો હાથ જોઈ શક્યાં. તેમણે પ્રેમાળ ભાઈ-બહેનો દ્વારા અમારી મદદ કરી. અમને જેની જરૂર હતી, એ બધું જ તેમણે પૂરું પાડ્યું અને એ પણ યોગ્ય સમયે. જ્યારે અમને ઉત્તેજનની જરૂર હતી, ત્યારે સમયસર એ મળી રહ્યું. યહોવા આજે પણ અમારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.” જો અચાનક બધું બદલાઈ જાય અને એ ફેરફાર સહેવો અઘરો લાગે, તો ભરોસો રાખીએ કે યહોવા આપણને એનો સામનો કરવા તાકાત આપશે અને સાચું માર્ગદર્શન આપશે. (યશા. ૫૪:૧૦; ૫૮:૧૧) જોસેફભાઈ આગળ જણાવે છે: “મને બ્રૉડકાસ્ટિંગનું એક અંગ્રેજી ગીત બહુ ગમે છે. એના શબ્દો કંઈક આવા છે, ‘કાલ શું થશે એ ન જાણું હું, પણ ખાતરી મને કે નથી એકલો હું.’a હા એ સાચું છે કે આપણે જેવું ધાર્યું હોય એવું ન પણ થાય, પણ આપણે આ વાતનો પૂરો ભરોસો રાખી શકીએ: ભલે કંઈ પણ થાય, યહોવા જીવનની દરેક પળે આપણી સાથે હશે.”

દોષની લાગણી હાવી થઈ જાય ત્યારે

૭. અગાઉની ભૂલો વિશે વિચારીને કેવું લાગી શકે?

૭ જ્યારે આપણે કોઈ મોટું પાપ વડીલો આગળ કબૂલ કરીએ છીએ, ત્યારે તેઓ આપણને પ્રેમથી મદદ કરે છે. પછી એ ભૂલ ફરીથી ન થાય એ માટે પૂરી કોશિશ કરીએ છીએ. (નીતિ. ૨૮:૧૩; યાકૂ. ૫:૧૪-૧૬; ૧ યોહા. ૧:૯) પણ અમુક વાર એવું બને કે યહોવા પાસેથી માફી મેળવ્યા છતાં, આપણને દોષની લાગણી સતાવતી રહે. આપણે વિચારવા લાગીએ, ‘મેં જે કર્યું છે એ માટે યહોવા મને કદી માફ નહિ કરે.’ (૨ કોરીં. ૨:૭) આપણે પાપના બોજ નીચે કચડાઈ ગયા હોઈએ અને જે થયું એ વારેઘડીએ યાદ આવતું હોય ત્યારે, દોષની લાગણી થવી સ્વાભાવિક છે. દાઉદ રાજાએ પણ લખ્યું: “મારા પાપને લીધે મારાં હાડકાંમાં જરાય શાંતિ નથી.” “મને સખત આઘાત લાગ્યો છે અને હું સાવ કચડાઈ ગયો છું.” (ગીત. ૩૮:૩, ૮) જો અગાઉની ભૂલોને લીધે આપણને પણ એવું લાગતું હોય, તો યશાયાના પુસ્તકમાંથી ઘણો દિલાસો મળી શકે છે.

૮-૯. યશાયા ૧:૧૮માં જણાવ્યું છે તેમ, યહોવા કઈ હદે આપણાં પાપ માફ કરે છે?

૮ યશાયા ૧:૧૮ વાંચો. યહોવા એક દાખલો આપીને સમજાવે છે કે તે કઈ હદે આપણાં પાપ માફ કરે છે. તે કહે છે કે ભલે આપણાં “પાપ લાલ રંગનાં હોય,” તે એને “બરફ જેવા સફેદ” કરી દેશે. જો કપડાં પર ઘેરા લાલ રંગનો ડાઘ પડી જાય, તો એ સહેલાઈથી જતો નથી. પણ યહોવા ભરોસો અપાવે છે કે તે આપણાં પાપ પૂરેપૂરી રીતે ધોઈને સાફ કરી દેશે. તે એક વાર આપણાં પાપ માફ કરી દે, એ પછી ફરી કદી એને યાદ કરતા નથી.

૯ દાઉદ રાજાના દાખલાનો વિચાર કરો. તેમણે ઘણાં મોટાં મોટાં પાપ કર્યાં હતાં, જેમ કે વ્યભિચાર અને ખૂન. તોપણ યહોવાએ તેમને માફ કર્યા. એટલું જ નહિ, સમય જતાં યહોવાએ દાઉદ વિશે કહ્યું કે તે સચ્ચાઈથી ચાલ્યા હતા. (૨ શમુ. ૧૧:૩, ૪, ૧૪, ૧૫; ૧૨:૧૩; ૧ રાજા. ૯:૪, ૫) યહોવાએ જ્યારે પણ દાઉદ વિશે વાત કરી ત્યારે તેમણે દાઉદની વફાદારી યાદ કરી, ભૂલો નહિ. આપણે પણ પસ્તાવો કરીએ છીએ ત્યારે યહોવા પ્રેમથી આપણને માફ કરે છે. તે શુદ્ધ અંતઃકરણ રાખવા અને ખુશીથી તેમની ભક્તિ કરતા રહેવા મદદ કરે છે. જો દોષની લાગણી હાવી થઈ જાય, તો યશાયાના પુસ્તકથી બીજી કઈ રીતે દિલાસો મળી શકે?

૧૦. યશાયા ૩૮:૧૭માંથી આપણને કઈ વાતનો દિલાસો મળે છે?

૧૦ યશાયા ૩૮:૧૭ અને ફૂટનોટ વાંચો. “તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે” એ શબ્દોનો આવો પણ અર્થ થઈ શકે: “તમે મારાં બધાં પાપ તમારી નજર આગળથી દૂર કર્યાં છે.” આ કલમથી જોવા મળે છે કે કોઈ વ્યક્તિ દિલથી પસ્તાવો કરે છે ત્યારે, યહોવા તેનાં પાપ પોતાની પીઠ પાછળ ફેંકી દે છે. પછી ફરી કદી એ પાપ તેમને નજરે પડતાં નથી અથવા તે એનો વિચાર કરતા નથી. બાઇબલના એક શબ્દકોશમાં એ કલમને આ રીતે સમજાવી છે: તમે મારાં પાપ એ રીતે માફ કર્યાં છે, “જાણે મેં એ પાપ કર્યાં જ ન હોય.” એટલે આપણાં પાપ માફ કર્યા પછી, યહોવા એને એ રીતે જુએ છે કે જાણે એ પાપ થયાં જ નથી. તે આપણાં પાપ હંમેશ માટે ભૂલી જાય છે અને કદી એ પાપ માટે ફરી સજા કરતા નથી. તે આપણને આ વચન આપે છે: “તારાં પાપ હું યાદ રાખીશ નહિ.” (યશા. ૪૩:૨૫) એ જાણીને કેટલી રાહત મળે છે! જો દુનિયાના સૌથી મોટા ન્યાયાધીશ આપણાં પાપ ભૂલી જતા હોય, તો શું આપણે એ પાપ યાદ કરીને પોતાને દોષ આપવો જોઈએ?

અગાઉની ભૂલોને લીધે આજની ખુશી છીનવાઈ જવા ન દો

૧૧. ભલે આપણાથી મોટી ભૂલ થઈ હોય, તોપણ યહોવા માટે શું મહત્ત્વનું છે? (ચિત્ર પણ જુઓ.)

૧૧ દોષની લાગણી હાવી થઈ જાય ત્યારે, પોતાને યાદ અપાવીએ કે યહોવાએ આપણને કયાં વચનો આપ્યાં છે. તે આપણને પૂરી રીતે માફ કરે છે અને આપણાં પાપ ભૂંસી નાખે છે. ભલે અગાઉ આપણાથી કેટલી પણ મોટી ભૂલ થઈ હોય, તે આપણને પોતાના દોસ્ત કહેતા શરમ અનુભવતા નથી. તે માણસોની જેમ આપણી ભૂલોને લીધે નારાજ રહેતા નથી. (યશા. ૫૭:૧૬) યહોવા માટે એ મહત્ત્વનું નથી કે આપણે અગાઉ શું કર્યું હતું. તેમના માટે એ વધારે મહત્ત્વનું છે કે આપણે હમણાં શું કરીએ છીએ અને કેવી વ્યક્તિ બનવા મહેનત કરીએ છીએ. (યશા. ૫૫:૭) તો ચાલો હંમેશાં યાદ રાખીએ કે પિતા યહોવા કેટલા પ્રેમાળ અને દયાળુ છે. એમ કરીશું તો અગાઉની ભૂલોને લીધે હમણાંની ખુશી કે ભાવિના આશીર્વાદો ગુમાવી નહિ દઈએ.

ચિત્રો: યશાયા ૩૮:૧૭માં લખ્યું છે: “તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.” એક ભાઈને એ શબ્દોથી ઘણો દિલાસો મળે છે. ૧. એક ભાઈ અગાઉ કરેલી ભૂલને લીધે દુઃખી છે. ૨. પછીથી તે પાયોનિયર સેવા શાળા દરમિયાન ખુશીથી જવાબ આપે છે.

અગાઉ કરેલી ભૂલોને યહોવા યાદ કરતા નથી (ફકરો ૧૧ જુઓ)c


કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે

૧૨. કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે કેવું લાગી શકે?

૧૨ કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે, દુઃખના દરિયામાં ડૂબી જઈએ છીએ અને એ લાગણી વર્ષો સુધી રહે છે. પણ કોઈક વાર વિચાર આવે કે ‘યહોવાએ કેમ તેમને બચાવ્યા નહિ?’ માઇકલભાઈને પણ એવું જ લાગ્યું. ઘરમાં આગ લાગવાને લીધે તેમનાં મમ્મી-પપ્પાનો જીવ ગયો. ભાઈ કહે છે: “મારા દિલના ટુકડે-ટુકડા થઈ ગયા. મને ખબર હતી કે એમાં યહોવાનો કોઈ વાંક ન હતો, પણ તેમણે એમ થતા અટકાવ્યું નહિ. એટલે મને યહોવા પર ગુસ્સો આવતો કે તેમણે કેમ એવું થવા દીધું.” ક્યારેક આપણને પણ એવું લાગ્યું હશે. એવી દુઃખની ઘડીઓમાં યહોવા કઈ રીતે દિલાસો અને આશા આપે છે?

૧૩. યશાયા ૨૫:૮માં યહોવાએ કયું વચન આપ્યું છે?

૧૩ યશાયા ૨૫:૮ વાંચો. યહોવાએ વચન આપ્યું છે કે “તે કાયમ માટે મરણને મિટાવી દેશે.” એ દિવસની કલ્પના કરો, જ્યારે મરણ હશે જ નહિ. કોઈએ પણ સગાં-વહાલાંને મરણમાં ગુમાવવાનું દુઃખ સહેવું નહિ પડે. (યશા. ૩૫:૧૦) અત્યારે તો આપણે સ્નેહીજનોને કબરમાં દફનાવવાની અપાર વેદના સહન કરવી પડે છે. પણ એ સમયે ન તો કબર હશે, ન તો કબ્રસ્તાન. એટલે ફરી કદી એવી વેદના નહિ અનુભવીએ. આપણાં સગાં-વહાલાં હંમેશાં આપણી સાથે હશે. તેઓ કાયમ તંદુરસ્ત રહેશે. આ બધું કંઈ ખુલી આંખે જોયેલાં સપનાં નથી, પણ એવું ચોક્કસ થશે. કેમ કે એ વચનો યહોવાએ આપ્યાં છે અને ફક્ત તે જ એને પૂરાં કરી શકે છે.—પ્રકટી. ૨૧:૪, ૫.

૧૪. ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશા પર વિચાર કરવાથી તમને કેવું લાગે છે? (યશાયા ૨૬:૧૯) (ચિત્ર પણ જુઓ.)

૧૪ યશાયા ૨૬:૧૯ વાંચો. હા, યહોવા મરણને મિટાવી દેશે. પણ એની સાથે સાથે તે ગુજરી ગયેલા લોકોને ઉઠાડશે. તેઓ વિશે તે કહે છે: “મારા લોકોનાં મડદાં ઊઠશે.” એ બતાવે છે કે યહોવા તેઓને પોતાના ગણે છે, પોતાની જવાબદારી સમજે છે. તેમણે તેઓને પોતાની યાદમાં સાચવી રાખ્યા છે. નક્કી કરેલા સમયે તે તેઓને ચોક્કસ મરણમાંથી ઉઠાડશે. જેમ ઝાકળ સૂકી વનસ્પતિને નવું જીવન આપે છે, તેમ જીવનની શરૂઆત કરનાર યહોવા ઈશ્વર ગુજરી ગયેલા લોકોને જીવતા કરશે. જરા વિચારો, આપણે તેઓને ફરી મળીશું, તેઓને ગળે લગાવીશું ત્યારે કેવો આનંદ છલકાઈ ઊઠશે!—માર્ક ૫:૪૨ સરખાવો.

ચિત્રો: યશાયા ૨૬:૧૯માં લખ્યું છે: “તમારા ગુજરી ગયેલાઓ જીવશે.” ૧. એક બહેનની યુવાન દીકરી ગુજરી ગઈ છે અને તે દુઃખી છે. તે તેના રૂમમાં એકલાં બેઠાં છે. તેમના હાથમાં પોતાની દીકરીનો ફોટો છે. ૨. નવી દુનિયામાં તે ખુશીથી પોતાની દીકરીને ભેટી રહ્યાં છે.

આપણને ખાતરી છે કે ગુજરી ગયેલાં સગાં-વહાલાં પાછાં ઊઠશે (ફકરો ૧૪ જુઓ)


૧૫. ગુજરી ગયેલા લોકોને ફરી મળવાની આશાથી આપણને કઈ રીતે મદદ મળી શકે?

૧૫ આપણને પૂરો ભરોસો છે કે યહોવા ગુજરી ગયેલાઓને જીવતા કરશે. જોકે જ્યારે પણ કોઈ સગું-વહાલું ગુજરી જાય છે, ત્યારે આપણે ભાંગી પડીએ છીએ. પણ યાદ રાખીએ કે યહોવા આપણાં સગાં-વહાલાંને ભૂલી નથી ગયા. એ વાતથી આપણને ઘણો દિલાસો મળે છે. માઇકલભાઈને પણ એનાથી દિલાસો મળ્યો. તે કહે છે: “યશાયા ૨૬:૧૯થી હું સમજી શક્યો કે યહોવા મારાં મમ્મી-પપ્પાને ખૂબ પ્રેમ કરે છે અને તેઓને અનમોલ ગણે છે. તે તેઓને જીવતાં કરશે ત્યાં સુધી પોતાની યાદમાં સાચવી રાખશે. એ વિચારથી મને ઘણો દિલાસો અને હિંમત મળે છે.” આપણે પોતાનાં સ્નેહીજનોને ફરી મળી શકીશું એ આશા પર વારંવાર મનન કરતા રહીએ. એમ કરીશું તો તેઓને ગુમાવવાનું દુઃખ સહેવું થોડું સહેલું થઈ જશે.

૧૬. મુશ્કેલ સંજોગોમાં તમને કઈ કલમથી દિલાસો મળે છે?

૧૬ ક્યારેક અચાનક આપણા સંજોગો બદલાઈ જાય, ક્યારેક દોષની લાગણી હાવી થઈ જાય અથવા કોઈ સગા-વહાલાને મરણમાં ગુમાવવાનું દુઃખ સહેવું પડે. પણ આ લેખમાં આપણને યશાયાના પુસ્તકની અમુક કલમોથી કેટલો સરસ દિલાસો મળ્યો. આપણે સાચે જ યહોવાનો આભાર માનતા થાકતા નથી, કેમ કે તે આપણને બાઇબલ દ્વારા દિલાસો આપે છે અને આપણા ઘા પર મલમ લગાડે છે. (ગીત. ૯૪:૧૯) શું એવી કોઈ કલમ છે, જેનાથી તમને મુશ્કેલ સંજોગોમાં દિલાસો મળે છે? જો હોય તો એના શબ્દો મોઢે કરી લો, એને ડાયરીમાં લખી લો અથવા એને લખીને એવી જગ્યાએ ચોંટાડો જ્યાં સહેલાઈથી નજરે પડે. અમારી પ્રાર્થના છે કે પ્રેમાળ પિતા યહોવાના શબ્દ બાઇબલમાંથી તમને કાયમ દિલાસો અને હિંમત મળતાં રહે.

આ કલમોથી આપણને કઈ રીતે દિલાસો મળે છે?

  • યશાયા ૪૨:૧૬?

  • યશાયા ૧:૧૮; ૩૮:૧૭?

  • યશાયા ૨૫:૮; ૨૬:૧૯?

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

a આ શબ્દો બ્રૉડકાસ્ટિંગના આ ગીતમાંથી લેવામાં આવ્યા છે: “આઇ નો જેહોવાઝ વીથ મી.”

b ચિત્રની સમજ: બેથેલની સોંપણી બદલાયા પછી એક પતિ-પત્ની નવા મંડળમાં જાય છે. ત્યાંનાં ભાઈ-બહેનો તેઓનો ખુશીથી આવકાર કરે છે.

c ચિત્રની સમજ: એક ભાઈએ અગાઉ કરેલી ભૂલોને પાછળ છોડી દીધી છે અને હવે તે પાયોનિયર સેવા શાળાનો આનંદ માણી રહ્યા છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો