સપ્ટેમ્બર ૨૮–ઑક્ટોબર ૪, ૨૦૨૬
ગીત ૧૩૯ યહોવા તમને સાચવી રાખે
યહોવાને સારી રીતે ઓળખવા બીજાઓને મદદ કરીએ
“હંમેશ માટેનું જીવન મેળવવા જરૂરી છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને ઓળખે.”—યોહા. ૧૭:૩.
આપણે શું શીખીશું?
આપણે બાઇબલ વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ કરી શકીએ, જેથી તેઓ યહોવાને સારી રીતે ઓળખી શકે, તેમના ગુણો વિશે જાણી શકે તેમજ યહોવાને શું ગમે છે અને શું નથી ગમતું એ પારખી શકે?
૧. વિદ્યાર્થી યહોવાની ભક્તિ કરવાનું શરૂ કરે છે ત્યારે આપણને કેવું લાગે છે?
જ્યારે બાઇબલ વિદ્યાર્થી પહેલી વાર સભામાં આવે છે, જવાબ આપે છે, પોતાની શ્રદ્ધા વિશે બીજાઓને જણાવે છે અને આગળ જતાં યહોવાને પોતાનું જીવન સમર્પિત કરે છે, ત્યારે આપણને કેવું લાગે છે? તેના એ દરેક પગલાથી આપણી ખુશી સમાતી નથી! પણ આપણે જાણીએ છીએ કે બધો શ્રેય યહોવાને જાય છે. તે જ વિદ્યાર્થીને પગલાં ભરવા મદદ કરે છે અને એ માટે આપણે દિલથી યહોવાના ગુણગાન ગાઈએ છીએ.—૧ કોરીં. ૩:૫-૯; ૩ યોહા. ૩, ૪.
૨. બાઇબલ વિદ્યાર્થીઓ માટે યહોવાની શું ઇચ્છા છે? (૧ તિમોથી ૨:૩, ૪)
૨ યહોવાની ઇચ્છા છે કે “બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું ખરું જ્ઞાન મેળવે.” (૧ તિમોથી ૨:૩, ૪ વાંચો.) તે ચાહે છે કે લોકો તેમને સારી રીતે ઓળખે. તેમણે હમણાં સુધી જે કર્યું છે અને જે કરવાના છે એ વિશે જાણે. (યર્મિ. ૯:૨૪) એ માટે સત્યનું ખરું જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે. પણ “ખરું જ્ઞાન” મેળવવું એટલે શું? ફક્ત એટલું જ નહિ કે હકીકતો જાણવી અને માહિતી ભેગી કરવી. પણ એક બાઇબલ વિદ્વાનના જણાવ્યા પ્રમાણે ખરું જ્ઞાન મેળવ્યા પછી “વ્યક્તિનું આખું જીવન બદલાઈ જાય છે.” જ્યારે એક વ્યક્તિ યહોવાનું ખરું જ્ઞાન લે છે, તેમને સારી રીતે ઓળખે છે, ત્યારે તેના જીવન પર એની ઊંડી અસર પડે છે. એનાથી તેને ‘હંમેશ માટે જીવવાની’ આશા પણ મળે છે.—યોહા. ૧૭:૩.
૩. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ યહોવાએ આપણને એક અજોડ કામ સોંપ્યું છે. તે ચાહે છે કે આપણે લોકોને મદદ કરીએ, જેથી તેઓ યહોવાને ઓળખી શકે. આ લેખમાં આપણે આ સવાલોની ચર્ચા કરીશું: બાઇબલ વિદ્યાર્થીઓએ કેમ યહોવાને સારી રીતે ઓળખવા જોઈએ? યહોવા કેવા ઈશ્વર છે, એ વિશે શીખવવા આપણે શું કરી શકીએ? વધુમાં, વિદ્યાર્થીને કઈ રીતે મદદ કરી શકીએ, જેથી તે યહોવા વિશે જે જાણે છે એના આધારે સંજોગો હાથ ધરતા શીખે?
વિદ્યાર્થી યહોવાને સારી રીતે ઓળખી શકે, એ માટે મદદ કરીએ
૪. બાઇબલ અભ્યાસ ચલાવવાનો મુખ્ય ધ્યેય કયો છે? (માર્ક ૧૨:૩૦)
૪ ઈસુએ જણાવ્યું કે સૌથી મોટી આજ્ઞા આ છે: આપણે પૂરા દિલથી, પૂરા જીવથી, પૂરા મનથી અને પૂરા બળથી ઈશ્વર યહોવાને પ્રેમ કરીએ. (માર્ક ૧૨:૩૦ વાંચો.) આપણે નથી ચાહતા કે એક વ્યક્તિ આપણને ખુશ કરવા કે બીજા સાક્ષીઓને ખુશ કરવા બાપ્તિસ્મા લે અથવા તેને બાઇબલનું કોઈ શિક્ષણ ગમે છે એટલે બાપ્તિસ્મા લે. પણ આપણે ચાહીએ છીએ કે એ વ્યક્તિ યહોવા માટેના પ્રેમને લીધે એ પગલું ભરે. જો તે યહોવાને સારી રીતે ઓળખતી હશે, તો જ તેમને દિલથી પ્રેમ કરી શકશે. એટલે વિદ્યાર્થીને મદદ કરીએ, જેથી તે યહોવાને ઓળખી શકે અને તેમને પ્રેમ કરી શકે. બાઇબલ અભ્યાસ ચલાવવાનો એ જ મુખ્ય ધ્યેય છે.
૫. યહોવા માટેનો પ્રેમ વિદ્યાર્થીને શું કરવા મદદ કરશે?
૫ પ્રેમ કરવો અને આજ્ઞા પાળવી એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે આપણો વિદ્યાર્થી યહોવાને ઓળખવા લાગે છે અને તેમને પ્રેમ કરવા લાગે છે, ત્યારે તેને યહોવાની આજ્ઞા પાળવાનું મન થાય છે. ઈસુએ કહ્યું હતું: “દુનિયાને જાણ થાય કે હું પિતા પર પ્રેમ રાખું છું, એ માટે હું પિતાની આજ્ઞા પ્રમાણે જ કરું છું.” (યોહા. ૧૪:૩૧) જો વિદ્યાર્થી યહોવાને ઈસુની જેમ દિલથી પ્રેમ કરતો હશે, તો તે યહોવાની આજ્ઞા પાળશે અને તેમને વફાદાર રહેશે.—૧ યોહા. ૫:૩.
૬. વિદ્યાર્થી કઈ રીતે સારા નિર્ણયો લેવાનું શીખી શકે? દાખલો આપીને સમજાવો.
૬ વિદ્યાર્થી યહોવાને સારી રીતે ઓળખતો જશે તેમ, તે સારા નિર્ણયો લઈ શકશે. એને સમજવા એક દાખલો લઈએ: ધારો કે એક વ્યક્તિને કાર ચલાવતા શીખવું છે. શું તે ફક્ત ચોપડી વાંચીને કાર ચલાવવાનું શીખી જશે? ના! તેણે કલાકો સુધી કાર ચલાવવી પડશે. એનાથી તે શીખી શકશે કે અલગ અલગ રસ્તાઓ અને સંજોગોમાં કઈ રીતે ગાડી ચલાવવી. તેમ જ, જાણી શકશે કે વધારે સારી રીતે ગાડી ચલાવવા બીજું શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. બાઇબલ વિદ્યાર્થી માટે પણ બરાબર એવું જ છે. ફક્ત બાઇબલમાંથી અભ્યાસ કરીને તે યહોવાને સારી રીતે ઓળખી નહિ શકે. પણ જ્યારે તે અલગ અલગ સંજોગોમાં મહેસૂસ કરશે કે યહોવાના સિદ્ધાંતો પ્રમાણે કરવાથી કેવા ફાયદા થાય છે, ત્યારે તે યહોવાને વધારે સારી રીતે ઓળખી શકશે. વિદ્યાર્થી જેમ જેમ ખરા જ્ઞાનમાં વધતો જશે અને અનુભવ કરતો જશે કે અલગ અલગ નિર્ણયોમાં યહોવા તેને કઈ રીતે મદદ કરે છે, તેમ તેમ તે વધારે સારા નિર્ણયો લેવાનું શીખશે. આમ, ગમે તે સંજોગ આવે તે સારો નિર્ણય લેવા તૈયાર હશે.
૭. યહોવાને ઓળખતા હોવાથી યૂસફ કઈ રીતે સારો નિર્ણય લઈ શક્યા?
૭ યૂસફનો દાખલો લઈએ. તે યહોવાને સારી રીતે ઓળખતા હતા, એટલે પોટીફારની પત્નીએ તેમને લલચાવ્યા ત્યારે તે યોગ્ય નિર્ણય લઈ શક્યા. નાનપણમાં તેમણે ચોક્કસ આદમ, હવા, ઇબ્રાહિમ અને સારાહના અહેવાલો સાંભળ્યા હશે. (ઉત. ૨:૨૪; ૨૦:૩, ૬) એ અહેવાલોથી યૂસફ સમજી શક્યા હશે કે લગ્ન અને જાતીય સંબંધો વિશે યહોવાનાં ધોરણો શું છે. તે યહોવાને એટલી સારી રીતે ઓળખતા હતા કે તેમણે તરત જ પોટીફારની પત્નીને ઘસીને ના પાડી દીધી અને કહ્યું: “આવું ઘોર પાપ કરીને હું કેમ ઈશ્વરનો ગુનેગાર થાઉં?” (ઉત. ૩૯:૭-૯) યૂસફ જાણતા હતા કે યહોવાની નજરમાં શું સારું છે અને શું ખરાબ છે. તે એ પણ સમજતા હતા કે યહોવા શાનાથી દુઃખી થશે, એટલે તે સારો નિર્ણય લઈ શક્યા. આપણે પણ વિદ્યાર્થીને મદદ કરીએ, જેથી તે યહોવાને સારી રીતે ઓળખી શકે અને સમજી શકે કે તે કેવા ઈશ્વર છે. આમ, તે એવા નિર્ણયો લઈ શકશે જેનાથી યહોવા ખુશ થાય.
યહોવા કેવા ઈશ્વર છે એ વિદ્યાર્થીને શીખવીએ
૮. વિદ્યાર્થી યહોવાને ઓળખી શકે એ માટે દુઃખ જશે, સુખ આવશે પુસ્તક દ્વારા કઈ રીતે મદદ કરી શકીએ?
૮ યહોવા કેવા ઈશ્વર છે એ શીખવવા આપણે શું કરી શકીએ? યહોવાએ પોતાના વિશે શીખવવા અયૂબને ૫૦થી પણ વધારે સવાલો પૂછ્યા! (અયૂ. ૩૮:૧–૪૧:૩૪) આપણે પણ સવાલો પૂછી શકીએ. દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાં એવા ઘણા સવાલો આપ્યા છે, જેનાથી વિદ્યાર્થી યહોવાના સ્વભાવ અને ગુણો વિશે ધીરે ધીરે શીખી શકે છે. (“વિદ્યાર્થીને શીખવવા અમુક સવાલો” બૉક્સ જુઓ.) એટલે યહોવાને સારી રીતે ઓળખવા એ સવાલો દ્વારા વિદ્યાર્થીને મદદ કરીએ.
૯-૧૦. (ક) બાઇબલ વાંચનમાંથી પૂરો ફાયદો મેળવવા વિદ્યાર્થી શું કરી શકે? (યાકૂબ ૫:૧૧) (ખ) યહોવા શાનાથી ખુશ કે દુઃખી થાય છે, એ જાણવા વિદ્યાર્થી કયા સવાલો પર વિચાર કરી શકે? દાખલો આપીને સમજાવો.
૯ બાઇબલ અભ્યાસ શરૂ કરીએ ત્યારથી જ આપણે વિદ્યાર્થીને બાઇબલ વાંચવાનું ઉત્તેજન આપીએ છીએ.a બાઇબલ વાંચનમાંથી પૂરો ફાયદો મેળવવા વિદ્યાર્થીને કઈ રીતે મદદ કરી શકીએ? તેને કદાચ કહી શકીએ કે બાઇબલ વાંચતી વખતે હંમેશાં આ સવાલો પર વિચાર કરે, ‘યહોવાએ કેમ આ અહેવાલ બાઇબલમાં લખાવ્યો? એમાંથી મને યહોવાના કયા ગુણો વિશે શીખવા મળે છે?’ શિષ્ય યાકૂબે એવું જ કર્યું. તેમણે અયૂબના અહેવાલ વિશે જણાવ્યું ત્યારે અયૂબની ધીરજ વિશે વાત કરી. એની સાથે સાથે તેમણે યહોવાના ગુણો પર પણ ધ્યાન દોર્યું. તેમણે જણાવ્યું કે યહોવા ખૂબ મમતા બતાવે છે અને દયાળુ છે.—યાકૂબ ૫:૧૧ વાંચો.
૧૦ આપણે ચાહીએ છીએ કે વિદ્યાર્થી બાઇબલનો કોઈ અહેવાલ વાંચે ત્યારે પારખે કે યહોવા શાનાથી ખુશ થાય છે અને શાનાથી દુઃખી થાય છે. ચાલો એક દાખલો લઈએ. વિદ્યાર્થી દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાં “બાઇબલ વાંચવાનું શરૂ કરો” ચાર્ટ જુએ છે. પછી તે જણાવે છે કે તેને આ અહેવાલ વાંચવો છે: ‘દાનિયેલ સિંહોના બીલમાં.’ આપણે તેને આવા સવાલો પર વિચાર કરવાનું ઉત્તેજન આપી શકીએ: ‘યહોવાએ દાનિયેલને કેમ બચાવ્યા? યહોવા કેવાં કામોથી ખુશ થાય છે?’ (દાનિ. ૬:૧૦, ૨૨) ‘દાનિયેલ પર આરોપ મૂકનારા લોકોનું શું થયું? યહોવા કેવાં કામોથી દુઃખી થાય છે?’ (દાનિ. ૬:૪, ૫, ૨૪) છેલ્લે તે વિચારી શકે કે આ અહેવાલમાંથી યહોવાના બીજા કયા ગુણો વિશે શીખવા મળ્યું.—દાનિ. ૬:૨૬, ૨૭.
૧૧. વિદ્યાર્થીને કઈ રીતે એ જોવા મદદ કરી શકીએ કે યહોવા તેને શીખવી રહ્યા છે?
૧૧ જ્યારે વિદ્યાર્થી બાઇબલ અભ્યાસથી થતા ફાયદા માટે કદર વ્યક્ત કરે છે, ત્યારે આપણને ઘણી ખુશી થાય છે. પોતે જે શીખે છે અથવા આપણે તેને જે રીતે શીખવીએ છીએ, એના માટે તે કદાચ આપણા વખાણ કરે. આભારના એ શબ્દો કહેવામાં કંઈ ખોટું નથી, પણ આપણે તેનું ધ્યાન યહોવા તરફ દોરવું જોઈએ. આપણે તેને એ જોવા મદદ કરવી જોઈએ કે તે આપણી પાસેથી નહિ, પણ મહાન શિક્ષક યહોવા પાસેથી શીખી રહ્યો છે.—યશા. ૩૦:૨૦, ૨૧.
વિદ્યાર્થી યહોવા વિશે જે જાણે છે એને આધારે સંજોગો હાથ ધરવા મદદ કરીએ
૧૨-૧૩. વિદ્યાર્થીને બાઇબલનો કોઈ અહેવાલ ન સમજાય ત્યારે શું કરવાનું શીખવી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૧૨ વિદ્યાર્થીએ જે ખરું જ્ઞાન મેળવ્યું છે, એમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા તેણે શું કરવું જોઈએ? એક રીત છે કે કોઈ સંજોગ ઊભો થાય ત્યારે તે યહોવા વિશે શીખેલી વાતો પર મનન કરે અને પછી એ સંજોગને હાથ ધરે. ધારો કે વિદ્યાર્થી બાઇબલમાંથી કોઈ અહેવાલ વાંચે છે, પણ તેને એ સમજવો અઘરો લાગે છે. તેને યહોવાના ન્યાય પર સવાલ થાય છે. તેને થાય છે કે યહોવાએ કેમ અમુક લોકોને સજા કરી અને અમુક લોકોને ના કરી. વિદ્યાર્થી પોતાની મૂંઝવણ દૂર કરી શકે એ માટે આપણે તેને કઈ રીતે મદદ કરી શકીએ?
૧૩ તે યહોવા વિશે જે જાણે છે એના પર વિચાર કરવાનું ઉત્તેજન આપીએ. તેને આવા સવાલો પર મનન કરવાનું કહી શકીએ: યહોવા માટે જીવન કેટલું કીમતી છે? (૨ પિત. ૩:૯) આપણા જેવા પાપી માણસોને બચાવવા તેમણે શું કર્યું છે? (એફે. ૨:૪, ૫) શું યહોવા નિર્દોષ લોકોને સજા કરે છે? શું તે ગુનેગારને સજામાંથી છટકી જવા દે છે? (નિર્ગ. ૩૪:૬, ૭) અમુક વાર યહોવાએ લીધેલા નિર્ણય વિશે બાઇબલમાં બધી જ માહિતી હોતી નથી. જોકે આપણે એ જાણવાની જરૂર પણ નથી. આપણે આપણા ઈશ્વરને બહુ સારી રીતે ઓળખીએ છીએ. આપણને ખાતરી છે કે તે હંમેશાં એ જ કરે છે જે ખરું છે.
વિદ્યાર્થીને શીખવીએ કે બાઇબલનો કોઈ અહેવાલ સમજવો અઘરો લાગે ત્યારે પહેલા વિચારે કે તે યહોવા વિશે શું જાણે છે (ફકરા ૧૨-૧૩ જુઓ)
૧૪. જો વિદ્યાર્થીને મંડળમાં કોઈનાથી ખોટું લાગ્યું હોય તો તેને કઈ રીતે મદદ કરી શકીએ?
૧૪ ચાલો બીજા સંજોગ પર ધ્યાન આપીએ અને જોઈએ કે યહોવા વિશે શીખેલી વાતો પર વિચાર કરવાથી વિદ્યાર્થીને કઈ રીતે ફાયદો થઈ શકે. ધારો કે વિદ્યાર્થીએ સભાઓમાં આવવાનું શરૂ કર્યું છે, પણ તેનું કોઈ ભાઈ કે બહેન સાથે બનતું નથી. કદાચ તેને એ ભાઈ કે બહેનથી ખોટું લાગ્યું છે. એવા સમયે વિદ્યાર્થીને વિચારવા મદદ કરીએ કે યહોવાને આપણાં ભાઈ-બહેનો વિશે કેવું લાગે છે. આપણે આવા સવાલો પર મનન કરવાનું કહી શકીએ: પોતાના ભક્તોને પ્રેમ બતાવવા યહોવાએ શું કર્યું છે? (યોહા. ૩:૧૬) યહોવા માટે મંડળની એકતા કેટલી મહત્ત્વની છે? (ગીત. ૧૩૩:૧) એકતા જાળવી રાખવા આપણે મહેનત કરીએ છીએ ત્યારે યહોવાને કેવું લાગે છે? (૨ કોરીં. ૧૩:૧૧) વિદ્યાર્થીને સમજવા મદદ કરીએ કે જ્યારે ભાઈ-બહેનોની ભૂલોને બદલે સારા ગુણો પર ધ્યાન આપીએ છીએ, ત્યારે યહોવા ખૂબ ખુશ થાય છે.
૧૫-૧૬. (ક) મોટો નિર્ણય લેતી વખતે વિદ્યાર્થી કઈ રીતે ઈસુના પગલે ચાલી શકે? (યોહાન ૮:૨૯) (ખ) મરિનાબહેને કઈ રીતે પોતાની વિદ્યાર્થીને સારો નિર્ણય લેવા મદદ કરી? (ચિત્ર પણ જુઓ.)
૧૫ ચાલો ત્રીજા સંજોગ પર ધ્યાન આપીએ અને જોઈએ કે યહોવા વિશે શીખેલી વાતો પર વિચાર કરવાથી વિદ્યાર્થી કઈ રીતે સારો નિર્ણય લઈ શકે. એ માટે આપણે કઈ રીતે મદદ કરી શકીએ? આપણે કદાચ દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૩૫ પર તેનું ધ્યાન દોરી શકીએ, જેનો વિષય છે: “આપણે સારા નિર્ણયો કઈ રીતે લઈ શકીએ?” જો વિદ્યાર્થીને પ્રાર્થના અને સંશોધન કર્યા પછી પણ નિર્ણય લેવો અઘરો લાગે, તો તેને કઈ રીતે મદદ કરી શકીએ? બની શકે કે તેણે જે વિશે નિર્ણય લેવાનો છે, એ માટે ઘણા સિદ્ધાંતો હોય અને એના લીધે તેને મૂંઝવણ થતી હોય. એવા સમયે આપણે તેને ઈસુના દાખલા પર વિચાર કરવાનું કહી શકીએ. ઈસુ કઈ રીતે નિર્ણય લેતા હતા? તેમણે કહ્યું: “હું હંમેશાં એવાં જ કામો કરું છું જે [મારા પિતાને] પસંદ છે.” (યોહાન ૮:૨૯ વાંચો.) વિદ્યાર્થીને આ સવાલ પર વિચાર કરવાનું ઉત્તેજન આપીએ: ‘મેં જે સંશોધન કર્યું છે અને યહોવા વિશે હું જે શીખ્યો છું, એના આધારે કયો નિર્ણય લેવાથી યહોવા ખુશ થશે?’ યહોવા ખુશ થાય એવો દરેક નિર્ણય, સારો નિર્ણય છે!
૧૬ ચિલીમાં રહેતી એક સ્ત્રી મરિનાબહેન પાસેથી બાઇબલમાંથી શીખતી હતી. તેનું કુટુંબ તેને સારા પગારવાળી નોકરી સ્વીકારવાનું દબાણ કરતું હતું. પણ એમ કરવાથી તે ઘણી સભાઓ ચૂકી જાત. મરિનાબહેન કહે છે: “મેં તેને વિચારવા મદદ કરી કે તેના નિર્ણયથી યહોવાને કેવું લાગશે, તે ખુશ થશે કે દુઃખી થશે. મેં તેને ઉત્તેજન પણ આપ્યું કે તે આ બાબત વિશે ખાસ પ્રાર્થના કરે અને જુએ કે યહોવા તેને કઈ રીતે જવાબ આપે છે. તેણે એ નોકરી માટે ના પાડી દીધી. જલદી જ તેને એક એવી નોકરી મળી ગઈ, જેનાથી તે બધી સભાઓમાં જઈ શકતી હતી.” ધ્યાન આપો કે મરિનાબહેને એ ન જણાવ્યું કે તેણે શું કરવું જોઈએ, પણ તે યહોવા વિશે જે જાણતી હતી એના પર મનન કરવા મદદ કરી. આ અનુભવથી એ વિદ્યાર્થીનો મરિનાબહેન સાથે સંબંધ મજબૂત થયો, પણ એથીયે વધારે યહોવા સાથેનો સંબંધ મજબૂત થયો. મરિનાબહેન પોતાની વિદ્યાર્થી વિશે કહે છે: “તે શીખી કે જો આપણે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખીશું, તો યહોવા ચોક્કસ આપણી સંભાળ રાખશે.”
યહોવા ખુશ થાય એવા નિર્ણયો લેવાનું બાઇબલ વિદ્યાર્થીને શીખવીએ (ફકરા ૧૫-૧૬ જુઓ)b
યહોવાને સારી રીતે ઓળખવાથી મળતા આશીર્વાદો
૧૭. વિદ્યાર્થી માટે સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ?
૧૭ બાઇબલમાંથી અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થી ઘણી મહત્ત્વની વાતો શીખે છે. તે બાઇબલનું મૂળ શિક્ષણ લે છે. જેમ કે, ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે, ઈસુએ કેમ આપણા માટે પોતાનો જીવ આપ્યો અને ઈશ્વરનું રાજ્ય શું કરશે. વિદ્યાર્થી એ પણ શીખે છે કે યહોવાનું સંગઠન કઈ રીતે કામ કરે છે. જેમ કે, આપણી સભાઓમાં શું થાય છે, વડીલો શું કરે છે અને નિયામક જૂથ એટલે શું. પણ શું વિદ્યાર્થી ફક્ત માહિતી મેળવે એ પૂરતું છે? ના, સૌથી મહત્ત્વનું છે કે તે યહોવાને વધારે સારી રીતે ઓળખે.
૧૮. યહોવાને ઓળખવાથી કેવા આશીર્વાદો મળે છે?
૧૮ યહોવાને ઓળખવા બીજાઓને મદદ કરવી, એ આપણા માટે કેટલો મોટો લહાવો છે! આજે જેઓ યહોવાને સારી રીતે ઓળખે છે અને તેમની ભક્તિ કરે છે, તેઓ મુશ્કેલીઓ છતાં ખુશીથી જીવે છે. (ગીત. ૨૫:૧૨-૧૫) ભાવિમાં, જેઓ ‘સાચા ઈશ્વરનું જ્ઞાન મેળવશે,’ તેઓ હંમેશ માટે ખુશીથી જીવશે. (૧ યોહા. ૫:૨૦) એટલું જ નહિ, બાઇબલમાં જણાવ્યું છે કે જેઓ યહોવાને ઓળખવા મહેનત કરે છે અને તેમને પ્રેમ કરે છે, ‘તેઓને યહોવા ઓળખે છે.’ (૧ કોરીં. ૮:૩) હા, સર્વશક્તિમાન ઈશ્વર યહોવા આપણા પર ધ્યાન આપે છે અને આપણને પોતાના મિત્ર ગણે છે. સાચે જ, એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય!
ગીત ૧૫૦ દિલ રેડી દઈએ
a દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ પાંચમાં “આટલું કરો” ભાગમાં આ ધ્યેય આપ્યો છે: “દરરોજ બાઇબલ વાંચો. એ માટે ‘બાઇબલ વાંચવાનું શરૂ કરો’ બૉક્સ જુઓ.”
b ચિત્રની સમજ: મરિનાબહેનની વિદ્યાર્થી નોકરી માટે ના પાડે છે એ બતાવતું દૃશ્ય.