વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 જુલાઈ પાન ૨-૭
  • ગિબયોનીઓ પાસેથી શું શીખી શકીએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગિબયોનીઓ પાસેથી શું શીખી શકીએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા પર શ્રદ્ધા રાખીએ અને નમ્ર રહીએ
  • અન્યાય થાય ત્યારે મદદ માટે યહોવાની રાહ જોઈએ
  • વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહીએ
  • ગિબયોનીઓ પાસેથી શું શીખવા મળે છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • યહોશુઆ અને ગિબયોની લોકો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • યહોવાહની જેમ કોઈ ભેદભાવ ન રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 જુલાઈ પાન ૨-૭

સપ્ટેમ્બર ૭-૧૩, ૨૦૨૬

ગીત ૧૧ યહોવાને વળગી રહું

ગિબયોનીઓ પાસેથી શું શીખી શકીએ?

“ગિબયોનના રહેવાસીઓએ ઇઝરાયેલીઓ સાથે સુલેહ-શાંતિ કરી છે અને તેઓની સાથે રહે છે.”—યહો. ૧૦:૧.

આપણે શું શીખીશું?

ગિબયોનીઓના દાખલામાંથી શું શીખવા મળે છે? યહોવા તેઓ સાથે જે રીતે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

૧-૨. ગિબયોનીઓના અહેવાલ પર આપણે કેમ ધ્યાન આપવું જોઈએ?

ઈસવીસન પૂર્વે ૧,૪૭૩ની આ વાત છે. ઇઝરાયેલીઓને ઇજિપ્ત છોડ્યે ૪૦ વર્ષ થઈ ગયાં છે. હવે તેઓ વચનના દેશમાં આવી પહોંચ્યા છે. તેઓએ યરીખો અને આય શહેર પર યહોવાની મદદથી જીત મેળવી લીધી છે. પણ પછી કંઈક અણધાર્યું બને છે. અમુક મુસાફરો તેઓ પાસે આવે છે. તેઓ દૂર દેશથી આવ્યા છે એવો દાવો કરે છે. એ મુસાફરો ઈશ્વરના લોકો સાથે શાંતિનો કરાર કરવા માંગે છે.

૨ એ મુસાફરો ગિબયોનીઓ હતા. બાઇબલમાં અહીં પહેલી વાર તેઓ વિશે જણાવ્યું છે અને પછી તો ઘણી વાર તેઓનો ઉલ્લેખ થયો છે. બાઇબલના એ અહેવાલોથી ખબર પડે છે કે ગિબયોનીઓ ઘણાં વર્ષો સુધી ઇઝરાયેલીઓની વચ્ચે રહ્યા હતા. તેઓ પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ. તેમ જ, તેઓના અહેવાલમાંથી યહોવા વિશે પણ ઘણું શીખી શકીએ છીએ.

યહોવા પર શ્રદ્ધા રાખીએ અને નમ્ર રહીએ

૩. (ક) ગિબયોનીઓ કોણ હતા? (ખ) તેઓ ઇઝરાયેલીઓ સાથે શાંતિનો કરાર કેમ કરવા માંગતા હતા?

૩ ઇઝરાયેલીઓએ વચનના દેશમાં કનાનની સાત પ્રજાઓને હરાવવાની હતી. એ પ્રજાઓ ઇઝરાયેલીઓ કરતાં “મોટી અને ઘણી બળવાન” હતી. (પુન. ૭:૧) એ સાત પ્રજાઓમાંથી એક પ્રજા હિવ્વીઓની હતી અને ગિબયોનીઓ એ પ્રજાનો ભાગ હતા. તેઓ ગિબયોન નામના કિલ્લાવાળા શહેરમાં રહેતા હતા અને એના બધા માણસો યોદ્ધાઓ હતા. (યહો. ૧૦:૨) કનાનની બધી પ્રજાઓ ઇઝરાયેલીઓ સાથે લડવા માંગતી હતી. પણ ગિબયોનીઓ એવા ન હતા. તેઓ જાણતા હતા કે ઇઝરાયેલીઓને હરાવવા અશક્ય છે, કેમ કે યહોવા તેઓ વતી લડી રહ્યા છે. તેઓને ખબર હતી કે યહોવા ઇઝરાયેલીઓને એ દેશ આપશે અને કનાનીઓને ત્યાંથી કાઢી મૂકશે. (નિર્ગ. ૩૪:૧૧; યહો. ૯:૨૪) એટલે જ્યારે તેઓએ સાંભળ્યું કે ઇઝરાયેલીઓએ યરીખો અને આય શહેર જીતી લીધાં છે, ત્યારે તેઓએ પોતાના અમુક માણસોa ગિલ્ગાલમાં યહોશુઆ પાસે મોકલ્યા, જેથી શાંતિનો કરાર કરી શકે.

૪. (ક) ઇઝરાયેલીઓ સાથે શાંતિનો કરાર કરવા ગિબયોનીઓએ શું કર્યું? (યહોશુઆ ૯:૮-૧૩) (ચિત્ર પણ જુઓ.) (ખ) ગિબયોનીઓનું કાવતરું ખુલ્લું પડ્યું ત્યારે શું થયું?

૪ યહોશુઆ ૯:૮-૧૩ વાંચો. ગિબયોનીઓએ ઇઝરાયેલીઓને એવું જણાવ્યું કે તેઓ દૂર દેશથી આવ્યા છે. તેઓએ યહોશુઆને કહ્યું કે ઇઝરાયેલીઓએ ઇજિપ્તની સેનાને, અમોરી રાજા સીહોન અને ઓગને હરાવ્યા એમાં યહોવાનો જ હાથ હતો. પણ ધ્યાન આપો કે યરીખો અને આય શહેર પર ઇઝરાયેલીઓની જીત વિશે તેઓએ કંઈ ન જણાવ્યું. એનાથી જોવા મળે છે કે ગિબયોનીઓ કેટલી સમજદારીથી વર્ત્યા.. જો તેઓએ એ વિશે જણાવ્યું હોત, તો ઇઝરાયેલીઓ સમજી જાત કે તેઓ દૂર દેશથી આવ્યા ન હતા, કેમ કે આટલી જલદી એ સંદેશો ‘દૂર દેશ’ પહોંચી ન શકે. યહોશુઆ અને ઇઝરાયેલના આગેવાનોએ તેઓની વાત પર ભરોસો કર્યો અને તેઓ સાથે શાંતિનો કરાર કર્યો. પણ તેઓએ એ વિશે યહોવાની સલાહ લીધી નહિ. (યહો. ૯:૧૪, ૧૫) થોડા સમય પછી ગિબયોનીઓનું કાવતરું ખુલ્લું પડ્યું. છતાં ઇઝરાયેલીઓએ ગિબયોનીઓ સાથે કરેલો કરાર તોડ્યો નહિ, કેમ કે તેઓએ ‘યહોવાના સમ ખાધા હતા.’ (યહો. ૯:૧૬-૧૯) ઇઝરાયેલીઓએ ગિબયોનીઓને તેઓની વચ્ચે સેવકો તરીકે રહેવાની છૂટ આપી. એટલે તેઓ બધા લોકો માટે અને ‘યહોવાની વેદી માટે લાકડાં ભેગાં કરતા અને પાણી ભરતા.’—યહો. ૯:૨૭.

અમુક ગિબયોનીઓ યહોશુઆ અને બીજા ઇઝરાયેલી સૈનિકો આગળ ઘૂંટણિયે પડ્યા છે અને કરગરી રહ્યા છે. ગિબયોનીઓ પોતાનાં ફાટી ગયેલાં કપડાં અને દ્રાક્ષદારૂની ફાટી ગયેલી મશકો બતાવે છે.

ગિબયોનીઓએ કાવતરું ઘડ્યું જેથી યહોશુઆ તેઓ સાથે શાંતિનો કરાર કરે (ફકરો ૪ જુઓ)


૫. ગિબયોનીઓએ કઈ રીતે યહોવામાં શ્રદ્ધા બતાવી?

૫ જ્યારે પાંચ અમોરી રાજાઓને ખબર પડી કે ગિબયોનીઓએ ઇઝરાયેલીઓ સાથે હાથ મિલાવ્યો છે, ત્યારે તેઓએ ગિબયોન પર હુમલો કરવાનું વિચાર્યું. એટલે ગિબયોનીઓએ યહોશુઆ પાસે મદદની ભીખ માંગી. (યહો. ૧૦:૩-૭) યહોશુઆ અને તેમની સેના ગિબયોનીઓ વતી લડ્યાં અને યહોવાએ પણ તેઓને સાથ આપ્યો. યહોવાએ અમોરીઓ પર આકાશમાંથી મોટા મોટા કરા વરસાવ્યા. તેમણે ચમત્કાર કરીને સૂર્યને પણ આકાશમાં થંભાવી દીધો. યહોવાની મદદથી ઇઝરાયેલીઓ પૂરેપૂરી જીત મેળવી શક્યા. (યહો. ૧૦:૯-૧૪) ઇઝરાયેલીઓ સાથે શાંતિનો કરાર કરીને અને મુસીબતના સમયે મદદ માંગીને ગિબયોનીઓએ બતાવી આપ્યું કે તેઓને યહોવામાં પૂરી શ્રદ્ધા હતી. તેઓને પાકો ભરોસો હતો કે યહોવા પોતાનું વચન પાળશે અને તેઓને બચાવશે.

૬. યહોવા ગિબયોનીઓ સાથે જે રીતે વર્ત્યા એનાથી તેમના વિશે શું શીખવા મળે છે?

૬ આ અહેવાલમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે? યહોવા નમ્ર અને દયાળુ છે. તેમણે અગાઉ ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી કે તેઓ દેશમાંથી ‘બધી પ્રજાઓને હાંકી કાઢે.’ (ગણ. ૩૩:૫૧, ૫૨) એનો અર્થ થાય કે તેઓએ ગિબયોનીઓનો પણ નાશ કરવાનો હતો. પણ ઇઝરાયેલીઓએ તેઓ સાથે શાંતિનો કરાર કરી લીધો હતો, એટલે યહોવાએ દયા બતાવીને ગિબયોનીઓને દેશમાં રહેવા દીધા. ઇઝરાયેલીઓએ તો કરાર કરતી વખતે યહોવાની સલાહ પણ લીધી ન હતી. તોપણ યહોવાએ ઇઝરાયેલીઓને એ કરાર પાળવા મદદ કરી અને ચમત્કાર કરીને ગિબયોનીઓને બચાવ્યા.—યહો. ૯:૨૬; ૧૧:૧૯.

૭. ગિબયોનિઓની જેમ આપણે કઈ રીતે શ્રદ્ધા અને નમ્રતા બતાવી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૭ આપણે ગિબયોનીઓ જેવા કઈ રીતે બની શકીએ? યહોવામાં પોતાની શ્રદ્ધા અડગ કરતા રહીએ. ગિબયોનીઓ કરતાં આજે આપણે યહોવાને વધારે સારી રીતે ઓળખીએ છીએ. એટલે તેમના પર પૂરો ભરોસો રાખવાનાં આપણી પાસે અનેક કારણો છે. (ગીત. ૪૦:૪, ૫) એટલું જ નહિ, યહોવાની સેવામાં નાનાં અથવા મામૂલી કામ કરવા તૈયાર રહીએ. એમ કરીને આપણે ગિબયોનીઓ જેવા બની શકીએ છીએ. (યહો. ૯:૨૩, ૨૭) લૂક એક યુવાન ભાઈ છે અને બેથેલમાં સેવા આપે છે. તેને એક બનાવ બહુ સારી રીતે યાદ છે. એક ઉંમરવાળા ભાઈ પાસે બેથેલમાં ઘણી મોટી જવાબદારીઓ હતી. પણ એ ભાઈ ખૂબ નમ્ર હતા. તેમના વિસ્તારમાં પ્રાર્થનાઘરનું બાંધકામ ચાલતું હતું ત્યારે, રાતના સમયે એની ચોકી કરવા તેમણે સામેથી પોતાનું નામ આપ્યું. એ વિશે વધારે લોકોને ખબર ન હતી. લૂક જણાવે છે: “મને શીખવા મળ્યું કે આપણે નમ્ર છીએ એવું વિચારી લેવું જ પૂરતું નથી. જો ખરેખર નમ્ર હોઈશું તો એ આપણાં વાણી-વર્તનમાં સાફ દેખાઈ આવશે.” ગિબયોનિઓની જેમ આપણે કઈ રીતે શ્રદ્ધા અને નમ્રતા બતાવી શકીએ? જીવનની નાની-મોટી દરેક મુસીબતમાં યહોવા પર પૂરો ભરોસો રાખીએ અને તેમની સેવામાં જે પણ કામ મળે એ નમ્ર રહીને કરીએ.

ચિત્રો: નમ્ર બનીને નાનાં નાનાં કામો કરીએ, એના અમુક દાખલા. ૧. એક ગિબયોની માણસ પાણીનો કુંજો ઊંચકીને જઈ રહ્યો છે. ૨. એક મોટી ઉંમરના ભાઈ પ્રાર્થનાઘરમાં બગીચાનું કામ કરી રહ્યા છે.

ગિબયોનીઓની જેમ કોઈ પણ નાનું કામ કરવા તૈયાર રહીએ (ફકરો ૭ જુઓ)


અન્યાય થાય ત્યારે મદદ માટે યહોવાની રાહ જોઈએ

૮. શાઉલે ગિબયોનીઓ સાથે કેવો અન્યાય કર્યો?

૮ બાઇબલમાં સદીઓ પછી ફરી એક વાર ગિબયોનીઓનો ઉલ્લેખ થયો છે. એ બનાવ શાઉલ રાજાના સમયનો છે. ‘ઇઝરાયેલ અને યહૂદાના લોકો માટે જોશમાં આવીને’ શાઉલ રાજાએ ગિબયોનીઓનું નામનિશાન મિટાવી દેવાની કોશિશ કરી.b પરિણામે, ઘણા ગિબયોનીઓને મારી નાખવામાં આવ્યા. (૨ શમુ. ૨૧:૨, ૫, ૬) કેટલો મોટો અન્યાય! સદીઓ પહેલાં ઇઝરાયેલીઓ અને ગિબયોનીઓ વચ્ચે જે શાંતિનો કરાર થયો હતો એને શાઉલે પાળ્યો નહિ.

૯. યહોવાએ ક્યારે જણાવ્યું કે ગિબયોનીઓ સાથે થયેલા અન્યાયને લીધે તે ગુસ્સે ભરાયા છે?

૯ ધ્યાન આપો કે ગિબયોનીઓને તરત ન્યાય ન મળ્યો, પણ યહોવા એ અન્યાય ભૂલ્યા નહિ. દાઉદ રાજા બન્યા પછી સતત ત્રણ વર્ષ દેશમાં દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એનું કારણ પૂછ્યું. તેમણે જણાવ્યું કે તે ગુસ્સે ભરાયા છે, કેમ કે શાઉલ અને તેના કુટુંબના અમુક માણસોએ ગિબયોનીઓને મારી નાખ્યા હતા.—૨ શમુ. ૨૧:૧.

૧૦. ગિબયોનીઓએ કઈ રીતે બતાવ્યું કે તેઓ યહોવાનો નિયમ પાળવા માંગતા હતા? (૨ શમુએલ ૨૧:૩-૬)

૧૦ બીજો શમુએલ ૨૧:૩-૬ વાંચો. દાઉદે ગિબયોનીઓને પૂછ્યું કે શાઉલના પાપ માટે પસ્તાવો કરવા તે શું કરી શકે. શું ગિબયોનીઓએ અમીર બનવા દાઉદ પાસે ધનદોલત માંગી? ના. તેઓએ કહ્યું: “અમને સોનું કે ચાંદી નથી જોઈતી.” તેઓને ખબર હતી કે ખૂનીને જીવતો રાખવા છુટકારાની કિંમત લેવી એ નિયમ પ્રમાણે યોગ્ય નથી. (ગણ. ૩૫:૩૦, ૩૧) તેઓને એ પણ ખબર હતી કે રાજાની મંજૂરી વગર તેઓ કોઈનો જીવ લઈ શકતા ન હતા. છેવટે દાઉદે શાઉલના કુટુંબના સાત માણસોને ગિબયોનીઓના હાથમાં સોંપી દીધા. એવું લાગે છે કે એ માણસોએ શાઉલના કાવતરામાં સાથ આપ્યો હતો. થોડા જ સમય પછી ઇઝરાયેલમાં વરસાદ પડ્યો અને દુકાળનો અંત આવ્યો. એનાથી દેખાઈ આવ્યું કે યહોવા હવે ઇઝરાયેલીઓ પર ગુસ્સે ન હતા, કેમ કે ગિબયોનીઓને બરાબર ન્યાય મળ્યો હતો.—૨ શમુ. ૨૧:૯, ૧૦, ૧૪.

૧૧. આ અહેવાલમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે?

૧૧ આ અહેવાલમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે? આપણે સાફ જોઈ શકીએ છીએ કે યહોવા ન્યાયી ઈશ્વર છે. (ગીત. ૩૭:૨૮) આજે ઘણા લોકો બીજી જાતિના કે જગ્યાના લોકો સાથે ખરાબ રીતે વર્તે છે. પણ યહોવા ચાહે છે કે બધા સાથે સમાન રીતે વર્તવામાં આવે, કોઈની સાથે ભેદભાવ ન થાય. વધુમાં, આજે ઘણા ઈશ્વરભક્તો સાથે ખરાબ રીતે વર્તવામાં આવે છે અને તેઓને સતાવવામાં આવે છે. પણ યહોવા વચન આપે છે કે તે ભાવિમાં પૂરી રીતે અન્યાય દૂર કરી દેશે અને તેઓને અઢળક આશીર્વાદ આપશે. આ અહેવાલથી યહોવા વિશે બીજું પણ કંઈક શીખવા મળે છે. તે ચાહતા હતા કે ઇઝરાયેલીઓ શાંતિનો કરાર પાળે. એવી જ રીતે, તે ચાહે છે કે આપણે પણ પોતાનું દરેક વચન પાળીએ.—આમોસ ૧:૯ સરખાવો.

૧૨. અન્યાય થાય ત્યારે આપણે શું કરી શકીએ?

૧૨ આપણે ગિબયોનીઓ જેવા કઈ રીતે બની શકીએ? જો કોઈ ભાઈ કે બહેન આપણી સાથે ખરાબ રીતે વર્તે, તો ધીરજ રાખીએ અને મદદ માટે યહોવાની રાહ જોઈએ. એમ કરીને બતાવી આપીએ છીએ કે યહોવા પોતાના સમયે બધું ઠીક કરશે એવો આપણને ભરોસો છે. ચાલો જોઈએ કે બહેન લોરા ફ્રેંચ સાથે શું બન્યું હતું. ૧૯૨૬માં તે કેનેડા બેથેલમાં સેવા આપવા લાગ્યાં. દુઃખની વાત છે કે દસેક વર્ષ પછી તેમની સાથે બહુ મોટો અન્યાય થયો. તેમના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો કે તે સત્યમાં ભેળસેળ કરતા લોકો સાથે મળેલાં છે, એટલે તેમણે બેથેલ છોડવું પડ્યું. તેમણે શું કર્યું? તેમને બહુ દુઃખ થયું, પણ સંગઠન કે ભાઈઓ વિરુદ્ધ તેમણે કચકચ ન કરી. પછીનાં ચાર વર્ષ તે ઉત્સાહથી પાયોનિયરીંગ કરતા રહ્યાં. ૧૯૪૦માં તેમને એક ખુશીના સમાચાર મળ્યા. તેમને ફરીથી બેથેલમાં આવવાનું આમંત્રણ મળ્યું. પૃથ્વી પરનું જીવન પૂરું કર્યું ત્યાં સુધી, એટલે કે પચાસેક વર્ષ સુધી તે પૂરા દિલથી બેથેલમાં કામ કરતા રહ્યાં. અન્યાય થાય ત્યારે આપણે લોરાબહેનના દાખલાને અનુસરી શકીએ. જે ખરું છે એ કરતા રહીએ અને યહોવા યોગ્ય સમયે બધું ઠીક કરશે એવો ભરોસો રાખીએ.—યશા. ૨૬:૩, ૪.

વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહીએ

૧૩. (ક) “નથીનીમ” લોકો કોણ હતા? (ખ) બાબેલોનની ગુલામીમાંથી આઝાદી મળી ત્યારે નથીનીમ લોકોએ શું કર્યું?

૧૩ દાઉદ રાજાના સમયનાં ૫૦૦ વર્ષ પછી ફરીથી બાઇબલમાં ગિબયોનીઓ વિશે જણાવ્યું છે. ૭૦ વર્ષોથી યહૂદીઓ બાબેલોનની ગુલામીમાં હતા. પણ હવે ઈસવીસન પૂર્વે ૫૩૭માં યહૂદીઓનો પહેલો સમૂહ રાજ્યપાલ ઝરુબ્બાબેલ સાથે યરૂશાલેમ પાછો આવ્યો. (એઝ. ૨:૧, ૨, ૫૮) ઈસવીસન પૂર્વે ૪૬૮માં યહૂદીઓનો બીજો સમૂહ એઝરા શાસ્ત્રી સાથે યરૂશાલેમ પાછો આવ્યો. (એઝ. ૭:૧-૭) યરૂશાલેમ પાછા આવેલા બંને નાના સમૂહમાં બીજું કોણ હતું? “નથીનીમ” લોકો. (એઝરા ૨:૫૮ અને ૭:૭ની ફૂટનોટ જુઓ.) નથીનીમ લોકો કોણ હતા? તેઓ ‘મંદિરના એવા સેવકો હતા, જેઓ ઇઝરાયેલીઓ ન હતા.’ કદાચ ઘણા નથીનીમ ગિબયોનીઓના વંશજો હતા.—બાઇબલ શબ્દસૂચિમાં “નથીનીમ” જુઓ.

૧૪. ગિબયોનીઓએ કઈ રીતે બતાવી આપ્યું કે તેઓ યહોવાને વફાદાર છે? (૧ કાળવૃત્તાંત ૯:૨ અને ફૂટનોટ)

૧૪ પહેલો કાળવૃત્તાંત ૯:૨ અને ફૂટનોટ વાંચો. યરૂશાલેમ આવેલા પહેલા સમૂહમાં “મંદિરના સેવકો” પણ હતા. એ વાત બહુ ખાસ છે, કેમ કે બાબેલોનથી કંઈ બધા યહૂદીઓ પાછા આવ્યા ન હતા. ઘણા યહૂદીઓ પાસે બાબેલોનમાં મોટાં મોટાં ઘર અને ઢગલો પૈસા હતા. એટલે તેઓ બાબેલોનનું આરામદાયક જીવન છોડવા અને યરૂશાલેમ આવીને કામ કરવા માંગતા ન હતા. છતાં અમુક વફાદાર યહૂદીઓ પાછા આવ્યા. તેઓની સાથે ગિબયોનીઓના વંશજો પણ હતા. એ બધા લોકો ફરીથી યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવા અને યહોવાની ભક્તિ કરવા માંગતા હતા. એટલે તેઓ યરૂશાલેમ સુધીની લાંબી અને ખતરનાક મુસાફરી કરવા તૈયાર હતા. ઇઝરાયેલમાં યહૂદીઓ પાસે તો પોતાની જમીન હતી, પણ ગિબયોનીઓના વંશજો પાસે ત્યાં વારસામાં મળેલી કોઈ જમીન ન હતી. તોપણ તેઓએ યરૂશાલેમ પાછા જવાનું નક્કી કર્યું, જેથી તેઓ યહોવાના મંદિરમાં સેવા આપી શકે અને યરૂશાલેમની દીવાલ ફરીથી બાંધવામાં મદદ કરી શકે.—નહે. ૩:૨૬.

૧૫. ગિબયોનીઓના અહેવાલમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે?

૧૫ આ અહેવાલમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે? એ જ કે યહોવા પોતાના વફાદાર ભક્તોને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશાં તેઓની સંભાળ રાખે છે. યહોશુઆના દિવસોમાં યહોવાએ ગિબયોનીઓને બચાવ્યા હતા અને એનાં આશરે ૧,૦૦૦ વર્ષ પછી પણ તે તેઓના કુટુંબને આશીર્વાદ આપતા રહ્યા. ઈસવીસન પૂર્વે ૬૦૭માં યહૂદા અને યરૂશાલેમનો નાશ થયો ત્યારે તેમણે ગિબયોનીઓના વંશજોને બચાવ્યા. તેઓ ગુલામીમાંથી પાછા આવ્યા ત્યારે પણ યહોવાએ તેઓનું ધ્યાન રાખ્યું. તેઓને મંદિરમાં લેવીઓ સાથે સેવા કરવાની તક આપી. એવું લાગે છે કે ગિબયોનીઓના અમુક વંશજો મંદિરની આસપાસ રહેતા હતા. (એઝ. ૨:૭૦; નહે. ૧૧:૨૧) તેઓ મંદિરમાં સેવા આપતા હતા એટલે તેઓ પાસે કરવેરો અને જકાત ઉઘરાવવામાં આવતાં ન હતાં.—એઝ. ૭:૨૪.

૧૬. ગિબયોનીઓની જેમ વફાદારી બતાવવા આપણે શું કરી શકીએ?

૧૬ આપણે ગિબયોનીઓ જેવા કઈ રીતે બની શકીએ? ગિબયોનીઓની જેમ આપણે પણ યહોવાની ભક્તિને ટેકો આપવા પોતાનાથી બનતું બધું કરવા માંગીએ છીએ. એ માટે કદાચ આપણે અમુક બાબતો જતી કરવી પડે. તોપણ ખુશીથી એવું કરીએ છીએ, કેમ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમને ખુશ કરવા માંગીએ છીએ. ફિલિપાઇન્સમાં રહેતા ઑલ્વીનભાઈએ એવું જ કર્યું. તે એક પેટ્રોલની કંપનીમાં કામ કરતા હતા અને તેમનો સારો એવો પગાર હતો. પણ તે યહોવાની સેવામાં વધારે કરવા માંગતા હતા. સરકીટ નિરીક્ષક મંડળની મુલાકાત લેતા એ અઠવાડિયે ઑલ્વીનભાઈ રાજીખુશીથી રજા લેતા, જેથી પ્રચારમાં વધારે સમય આપી શકે. જોકે તે નિયમિત પાયોનિયરીંગ કરવા માંગતા હતા. એટલે તેમણે ઘણી પ્રાર્થનાઓ કરી અને સારા પગારવાળી નોકરી છોડીને એવી નોકરી શોધવાનો નિર્ણય લીધો, જેનાથી પાયોનિયરીંગ કરવામાં મદદ મળે. તેમને ખબર હતી કે નોકરી છોડ્યા પછી પૈસેટકે થોડી ખેંચ પડશે. પણ ખુશીની વાત છે કે તે પોતાનો ધ્યેય પૂરો કરી શક્યા. તેમનાં પત્ની પણ તેમની સાથે પાયોનિયરીંગ કરવા લાગ્યાં. તેઓએ સાથે મળીને ૨૧ લોકોને બાપ્તિસ્મા લેવા મદદ કરી. એ યુગલની મહેનતથી યહોવા કેટલા ખુશ થયા હશે! આપણે પણ પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા માટે જે કંઈ જતું કરીએ છીએ એની તે ખૂબ કદર કરે છે. એ વાતનો પણ ભરોસો રાખી શકીએ કે તે હંમેશાં આપણી જરૂરિયાતોનું ધ્યાન રાખશે.—માથ. ૬:૩૩.

૧૭. ગિબયોનિઓ પાસેથી આપણે શું શીખ્યા?

૧૭ ગિબયોનીઓના અહેવાલમાંથી યહોવાના સુંદર ગુણો વિશે ઘણું શીખવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે યહોવા નમ્ર, દયાળુ, ન્યાયી અને વફાદાર ઈશ્વર છે. તે હંમેશાં પોતાના વફાદાર ભક્તોને આશીર્વાદ આપે છે. આ અહેવાલોમાંથી બીજું તો ઘણું શીખવા મળ્યું. આપણે પણ ગિબયોનીઓ જેવા બનવા માંગીએ છીએ. તેઓની જેમ યહોવામાં પૂરી શ્રદ્ધા રાખવા માંગીએ છીએ. મુસીબતો આવે ત્યારે તેમના પર ભરોસો રાખવા માંગીએ છીએ. નમ્ર રહેવા માંગીએ છીએ અને યહોવાની સેવામાં જે પણ કામ મળે એ તન-મનથી કરવા માંગીએ છીએ. અન્યાય થાય ત્યારે ધીરજ રાખવા માંગીએ છીએ અને યહોવા યોગ્ય સમયે બધું ઠીક કરી દેશે એવો ભરોસો રાખવા માંગીએ છીએ. યહોવાની ભક્તિ પૂરા ઉત્સાહથી અને વફાદારીથી કરવા માંગીએ છીએ. તો ચાલો, ગિબયોનીઓના દાખલાને યાદ રાખીએ અને તેઓ પાસેથી શીખેલી વાતો જીવનમાં લાગુ પાડતા રહીએ.

ગિબયોનીઓ પાસેથી આપણે . . .

  • શ્રદ્ધા અને નમ્રતા બતાવવા વિશે શું શીખ્યા?

  • અન્યાયનો સામનો કરવા વિશે શું શીખ્યા?

  • વફાદારીથી યહોવાની ભક્તિ કરવા વિશે શું શીખ્યા?

ગીત ૩૩ ડરશો નહિ!

a એવું લાગે છે કે ગિબયોન શહેરની સાથે સાથે હિવ્વીઓનાં આ શહેરોમાંથી પણ એ માણસો આવ્યા હતા: કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ.—યહો. ૯:૧૭.

b બાઇબલમાં સીધેસીધું નથી જણાવ્યું કે શાઉલે એ પાપ કેમ કર્યું. અમુક વિદ્વાનોનું માનવું છે કે શાઉલ દેશપ્રેમને લીધે ઇઝરાયેલમાંથી બધા પરદેશીઓને કાઢી નાખવા માંગતો હતો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો