ઑગસ્ટ ૩૧–સપ્ટેમ્બર ૬, ૨૦૨૬
ગીત ૬ અમારી પ્રાર્થના
શું આપણે ધ્યાનથી સાંભળીએ છીએ?
“તમે ધ્યાનથી સાંભળો.”—લૂક ૮:૧૮.
આપણે શું શીખીશું?
આપણે કેમ સભાઓ અને સંમેલનોમાં ધ્યાનથી સાંભળવું જોઈએ અને એવું કરવા શાનાથી મદદ મળશે?
૧-૨. (ક) યહોવા આજે કઈ રીતે ભક્તિને લગતો ખોરાક પૂરો પાડે છે? (ગીતશાસ્ત્ર ૨૩:૧, ૨, ૫) (ખ) આ લેખમાં આપણે શું જોઈશું?
આજે યહોવા આપણને ભક્તિને લગતો ભરપૂર ખોરાક આપે છે. એટલે આપણે દાઉદના શબ્દો સાથે એકદમ સહમત છીએ. તેમણે લખ્યું: “યહોવા મારા પાળક છે. મને કશાની ખોટ પડશે નહિ.”—ગીતશાસ્ત્ર ૨૩:૧, ૨, ૫ વાંચો.
૨ કઈ એક રીતે યહોવા આપણને ભક્તિને લગતો ખોરાક પૂરો પાડે છે? આપણી સભાઓ દ્વારા. ઘણી વાર સભાઓમાં આપણે એવી વાતો સાંભળીએ છીએ, જે આપણે પહેલેથી જાણીએ છીએ. ભલે ‘આપણે જે સત્ય શીખ્યા છીએ એમાં સ્થિર હોઈએ,’ પણ સભામાં મળતાં સૂચનોની આપણને ખૂબ જરૂર છે. (૨ પિત. ૧:૧૨) જો ક્યારેક સભામાં એવું કંઈક શીખવવામાં આવે, જે વિશે અગાઉ ઘણી વાર ચર્ચા થઈ હોય, તો શું તમને ધ્યાન આપવું અઘરું લાગે છે? જો એમ હોય તો આ લેખથી તમને ઘણી મદદ મળશે. આપણે જોઈશું કે કેમ સભાઓમાં ધ્યાન આપવું જોઈએ. એ પણ જોઈશું કે જેઓ સભામાં શીખવે છે, તેઓ કઈ રીતે બીજાઓને ધ્યાનથી સાંભળવા મદદ કરી શકે. આપણે એવાં અમુક સૂચનો પણ જોઈશું જેનાથી આપણને સારા સાંભળનાર બનવા મદદ મળશે. પણ ચાલો સૌથી પહેલા જોઈએ કે સભાઓમાં કોણ આપણને શીખવે છે.
યાદ રાખીએ કે યહોવા આપણને શીખવે છે
૩. યહોવા આપણી સાથે કઈ રીતે વાત કરે છે અને તેમના ભક્તો કઈ રીતે શાસ્ત્રનો ઉપયોગ કરે છે?
૩ યહોવા બાઇબલ દ્વારા આપણી સાથે વાત કરે છે, આપણને શીખવે છે. (૨ તિમો. ૩:૧૬, ૧૭) ઈસુ એ વાત સારી રીતે સમજતા હતા. તે શાસ્ત્રમાંથી એટલી સરસ રીતે શીખવતા કે એક વાર લોકો બોલી ઊઠ્યા: “આ માણસ શાળાઓમાં ભણ્યો નથી તો તેની પાસે શાસ્ત્રનું આવું જ્ઞાન ક્યાંથી આવ્યું?” (યોહા. ૭:૧૫) જ્યારે ઈસુ શાસ્ત્રવચનો સમજાવતા, ત્યારે નમ્ર દિલના લોકોને ઘણી ખુશી થતી. પહેલી સદીના ખ્રિસ્તીઓ જેમ કે પ્રેરિત પાઉલ અને અપોલોસ છૂટથી શાસ્ત્રનો ઉપયોગ કરતા. તેઓ એમાંથી કારણો આપીને સમજાવતા. (પ્રે.કા. ૧૭:૨, ૩; ૧૮:૨૪, ૨૮) આજે આપણે પણ જે કંઈ શીખવીએ છીએ, એ બધું જ બાઇબલમાંથી હોય છે, જેમ કે લેખો, બ્રૉડકાસ્ટિંગના વીડિયો, પ્રવચનની આઉટલાઇન અને બીજા વીડિયો. સભાઓમાં આપણે બાઇબલનો જે રીતે ઉપયોગ કરીએ છીએ, એ જોઈને સભામાં આવતા ઘણા નવા લોકોને નવાઈ લાગે છે. સભામાં જેઓના ભાગ હોય છે, તેઓ બધું જ બાઇબલમાંથી શીખવે છે. તેઓ કલમો તો વાંચે છે, પણ એને જીવનમાં કઈ રીતે લાગુ પાડવી એ પણ સમજાવે છે.—લૂક ૨૪:૩૨.
૪. ઘણી વાર બાઇબલમાં “સાંભળો” શબ્દનો અર્થ શું થાય છે?
૪ બાઇબલમાં જ્યારે “સાંભળો” શબ્દ વપરાયો છે, ત્યારે ઘણી વાર એનો અર્થ થાય છે, આજ્ઞા પાળવી. યહોવા આજે સભાઓમાં બાઇબલ દ્વારા આપણી સાથે વાત કરે છે. જ્યારે આપણે સભાઓમાં ધ્યાનથી સાંભળીએ છીએ, ત્યારે વધારે સારી રીતે તેમની ઇચ્છા સમજી શકીએ છીએ. આમ, તેમનું “સાંભળવું” એટલે કે તેમની આજ્ઞાઓ પાળવી સહેલું થઈ જાય છે. આપણે આ વાતનો પૂરો ભરોસો રાખી શકીએ છીએ: જો આપણે તેમનું સાંભળીશું અને તેમના કહ્યા પ્રમાણે કરીશું, તો તે ચોક્કસ ખુશ થાય છે.—નીતિ. ૨૭:૧૧.
આપણે કેમ સભાઓમાં ધ્યાનથી સાંભળવું જોઈએ?
૫. યહોવા માટેના પ્રેમને લીધે આપણે શું કરીએ છીએ? (યોહાન ૪:૨૩, ૨૪; ૧ યોહાન ૫:૩)
૫ આપણે ધ્યાનથી સાંભળીએ છીએ કેમ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ. (માથ. ૨૨:૩૭) જેમ જેમ યહોવા વિશે શીખતા જઈએ છીએ, તેમ તેમ તેમના માટેનો પ્રેમ વધતો જાય છે. એ પ્રેમને લીધે આપણે બાઇબલમાં લખેલી તેમની વાતો પર ધ્યાન આપીએ છીએ, તેમની આજ્ઞાઓ પાળીએ છીએ અને તે ચાહે છે એ રીતે ભક્તિ કરીએ છીએ.—યોહાન ૪:૨૩, ૨૪; ૧ યોહાન ૫:૩ વાંચો.
૬. સભાઓમાં યહોવા આપણને શું શીખવે છે?
૬ આપણે ધ્યાનથી સાંભળીએ છીએ કેમ કે આપણે લોકોને પ્રેમ કરીએ છીએ. (માથ. ૨૨:૩૯) સભાઓમાં યહોવા આપણને શીખવે છે કે ભાઈ-બહેનોને અને યહોવાને ઓળખતા ન હોય એવા લોકોને કઈ રીતે મદદ કરવી. દાખલા તરીકે, પ્રચારમાં મદદ કરે એવાં સૂચનો પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકામાં આપ્યાં છે. અઠવાડિયા દરમિયાન થતી સભામાં આપણે એ સૂચનો લાગુ પાડવાનું શીખીએ છીએ. શું તમને અજાણ્યા લોકો સાથે પ્રેમથી અને સરળતાથી વાતચીત શરૂ કરવી અઘરું લાગે છે? જો એમ હોય તો સભામાં ભાઈ-બહેનો કઈ રીતે વિદ્યાર્થી ભાગ આપે છે એના પર ખાસ ધ્યાન આપો.
૭. યહોવાનું ધ્યાનથી સાંભળતા રહેવું કેમ મહત્ત્વનું છે?
૭ આપણે ધ્યાનથી સાંભળીએ છીએ કેમ કે આપણે આજે અને હંમેશ માટે ખુશ રહેવા માંગીએ છીએ. યહોવાએ અગાઉના ભક્તોને જણાવ્યું હતું તેમ, આપણે તેમની આજ્ઞાઓ પાળીશું તો જ ખુશ રહી શકીશું અને હંમેશ માટે જીવી શકીશું. (પુન. ૩૨:૪૪-૪૭) સભાઓમાં ધ્યાનથી સાંભળીએ છીએ ત્યારે આપણને નવી દુનિયા માટે ધીરજથી રાહ જોવાનું ઉત્તેજન મળે છે. (રોમ. ૮:૨૫) આજે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ, એટલે ખૂબ મહત્ત્વનું છે કે આપણે યહોવાનું સાંભળીએ અને તેમની ભક્તિમાં વ્યસ્ત રહીએ.—માથ. ૨૪:૪૨-૪૪; પ્રકટી. ૧:૩.
બીજાઓને ધ્યાનથી સાંભળવા કઈ રીતે મદદ કરી શકીએ?
૮. પ્રવચન આપતા ભાઈઓએ બોલવાની અને શીખવવાની આવડત કેમ નિખારતા રહેવું જોઈએ?
૮ જે ભાઈઓ સ્ટેજ પરથી શીખવે છે, ખાસ કરીને જેઓ જાહેર પ્રવચન આપે છે, તેઓએ બોલવાની અને શીખવવાની આવડત નિખારતા રહેવું જોઈએ. જ્યારે એક ભાઈ પ્રવચનની સારી તૈયારી કરે છે અને બધા મુદ્દા બાઇબલમાંથી જણાવે છે, ત્યારે એનાં સારાં પરિણામ મળે છે. જેમ કે, નવા લોકો બાઇબલનું શિક્ષણ સહેલાઈથી સમજી શકે છે અને મંડળનાં ભાઈ-બહેનોને સત્યમાં ટકી રહેવા મદદ મળે છે. ફક્ત જાહેર પ્રવચનથી જ નહિ, સભાના કોઈ પણ ભાગથી સાંભળનારાઓને ફાયદો થઈ શકે છે. જો તમારે સભામાં કોઈ ભાગ આપવાનો હોય, તો વિચારો કે હવે પછીના ફકરાઓમાં આપેલાં સૂચનો કઈ રીતે લાગુ પાડી શકો. ખરું કે એ સૂચનો જાહેર પ્રવચન આપતા ભાઈઓ માટે છે, પણ એમાં આપેલા સિદ્ધાંતો ભાઈ-બહેનો કોઈ પણ ભાગ આપતી વખતે લાગુ પાડી શકે છે.—૨ તિમો. ૪:૨; તિત. ૧:૯.
૯. લોકોને પ્રવચન સહેલાઈથી સમજાય જાય એ માટે તમે શું કરી શકો?
૯ સમજાય એ ક્રમમાં મુદ્દા ગોઠવો. જો તમે જાહેર પ્રવચન આપતા હો, તો તમે ચાહતા હશો કે લોકોને તમારી વાત સહેલાઈથી સમજાય જાય. પણ જો પ્રવચનમાં માહિતીનો ઢગલો કરી દેશો, તો લોકો ગૂંચવાઈ જશે અને તેઓનું ધ્યાન ભટકી જશે. તો પછી એક સારું પ્રવચન આપવા શું કરી શકો? તમે આ પગલાં ભરી શકો: (૧) પ્રવચનની શરૂઆતમાં જ મુખ્ય મુદ્દા જણાવો. (૨) એક એક કરીને મુદ્દાઓ પર ચર્ચા કરો. એક મુખ્ય મુદ્દો પતે પછી થોડું અટકો, જેથી સાંભળનારાઓને ખબર પડે કે હવે તમે બીજો મુદ્દો સમજાવવાના છો. (૩) અંતે ટૂંકમાં બધા મુદ્દા ફરી ચમકાવો.
૧૦. પ્રવચનની તૈયારી કરતી વખતે મુદ્દાઓ દિલમાં ઉતારવા કેમ મહત્ત્વનું છે?
૧૦ પ્રવચનના મુદ્દા દિલમાં ઉતારી લો. જો તમને કોઈ વિષય ગમતો હશે, તો તમે ઉત્સાહથી એ વિશે વાત કરશો અને સાંભળનારાઓ પણ એ પારખી શકશે. (નીતિ. ૨:૪, ૫; પ્રે.કા. ૪:૨૦) જો તમે પ્રવચનના વિષય પર, કલમો પર અને એમાં આપેલા મુદ્દાઓ પર ઊંડો વિચાર કરશો, તો એ માહિતી તમારા માટે ખાસ બની જશે, એ તમારા દિલમાં ઊતરી જશે. અમેરિકામાં રહેતા આશરે ૭૫ વર્ષના એક ભાઈ પોતાના નાનપણનો કિસ્સો યાદ કરતા કહે છે: “મને એક ભાઈનું પ્રવચન હજીયે યાદ છે. તેમણે બધાને ઉત્તેજન આપ્યું હતું કે બાઇબલ વાંચતી વખતે મનન કરવું જોઈએ. તેમણે બધા મુદ્દા એકદમ સ્પષ્ટ રીતે અને પૂરા ભરોસા સાથે સમજાવ્યા હતા. એ પ્રવચનથી જાણે મારું જીવન બદલાઈ ગયું. હું વધારે સારી રીતે બાઇબલ વાંચવાનું શીખ્યો અને યહોવાની વધારે નજીક આવી શક્યો.”
૧૧. સાંભળનારાઓને પ્રવચનથી ફાયદો થાય એ માટે તમે શું કરી શકો ? (૧ તિમોથી ૪:૧૩-૧૬)
૧૧ વિચાર કરો કે તમારા સાંભળનારાઓને શાની જરૂર છે અને તેઓને ધ્યાનમાં રાખીને સલાહ-સૂચન આપો. બસ ઉપર ઉપરથી માહિતી જણાવવાને બદલે, સાંભળનારાઓના સંજોગોના વિચાર કરો. તેઓને કલમોથી ઉત્તેજન આપો અને તેઓને ધ્યાનમાં રાખીને સૂચનો જણાવો. તેઓને એ જોવા પણ મદદ કરો કે બાઇબલમાંથી શીખેલી વાતો કઈ રીતે લાગુ પાડી શકાય. પ્રેરિત પાઉલે એવું જ કર્યું. તેમણે તિમોથીને ધ્યાનમાં રાખીને સલાહ-સૂચનો આપ્યાં. તેમણે જોયું કે તિમોથી એફેસસમાં ભાઈ-બહેનોને મદદ કરવા કેટલી મહેનત કરી રહ્યા છે! પાઉલે એ સમયે તિમોથીને અમુક ખાસ સૂચનો આપ્યાં, જેથી તે યહોવાની નજીક રહી શકે.—૧ તિમોથી ૪:૧૩-૧૬ વાંચો.
૧૨. પ્રવચન આપતી વખતે દિલથી વાત કરવી કેમ જરૂરી છે?
૧૨ મોટેથી પ્રૅક્ટિસ કરો, જેથી બોલચાલની ભાષામાં પ્રવચન આપી શકો. પ્રવચનનો એકેએક શબ્દ લખીને વાંચવાનું ટાળો. જો તમે લોકો સાથે વાત કરતા હો એ રીતે પ્રવચન આપશો, તો તમારા સાંભળનારાઓ માટે ધ્યાન આપવું સહેલું થઈ જશે. તેઓ એ માહિતીને સરળતાથી દિલમાં ઉતારી શકશે. વાંચવાની અને શીખવવાની કળા મોટી પુસ્તિકામાં જણાવ્યું છે: “સહેલાઈથી અને દિલથી વાત કરો. સાંભળનારને એવું લાગવું જોઈએ કે તમને તેમના માટે લાગણી છે, દયા છે, પ્રેમ છે. એટલે મહત્ત્વના વિષય પર વાત કરવા આવ્યા છો.” જો તમે દિલથી વાત કરશો તો સાંભળનારાઓનું ધ્યાન નહિ ભટકે, તેઓને પ્રવચનમાં મજા આવશે અને પગલાં ભરવાનું મન થશે.
૧૩. અનુભવી વક્તા પાસે કેમ સલાહ માંગવી જોઈએ? (ચિત્ર પણ જુઓ.)
૧૩ અનુભવી વક્તા પાસેથી સલાહ માંગો. પ્રવચન પહેલાં તમારી નોંધ કોઈ સારા વક્તાને બતાવી શકો અને તેમની પાસે સલાહ-સૂચન લઈ શકો. વધુમાં તમે જે પ્રવચન આપવાના છો એ તેમને સંભળાવી શકો અને પૂછી શકો કે ક્યાં સુધારો કરવાની જરૂર છે. (નીતિ. ૧:૫) કદાચ આપણે પોતે ન જોઈ શકીએ કે શું આપણે મુદ્દાઓને સ્પષ્ટ અને સમજાય એ રીતે રજૂ કરીએ છીએ કે નહિ. પણ બીજાઓ આપણને એ જોવા મદદ કરી શકે છે. આખરે, આપણા બધાની એ જ કોશિશ છે કે આપણે સારા શીખવનાર બનીએ. કેમ કે આપણે ચાહીએ છીએ કે આપણા સાંભળનારાઓને બાઇબલના અનમોલ સત્યથી પૂરો ફાયદો થાય.a
શીખવવાની કળા નિખારવા કોઈ અનુભવી વક્તા પાસે મદદ માંગો (ફકરો ૧૩ જુઓ)
કઈ રીતે સારા સાંભળનાર બની શકીએ?
૧૪. આપણે કેમ ગીતશાસ્ત્ર ૧૧૯ના લેખક જેવું વલણ કેળવવું જોઈએ? (ગીતશાસ્ત્ર ૧૧૯:૨૪, ૧૧૧, ૧૬૭)
૧૪ યાદ રાખીએ કે યહોવા તરફથી વારંવાર મળતાં સૂચનો ખૂબ મહત્ત્વનાં છે. આજે આપણે ‘સંકટના સમયોમાં જીવી રહ્યા છીએ, જે સહન કરવા અઘરા છે.’ (૨ તિમો. ૩:૧) એવામાં ટકી રહેવા આપણને ઈશ્વરનાં સૂચનોની ખૂબ જરૂર છે. પણ જો ક્યારેક લાગે કે સભાની કોઈ માહિતી અગાઉ ઘણી વાર સાંભળી છે, તો શું કરી શકીએ? યહોવાનાં સૂચનો માટે આપણે ગીતશાસ્ત્ર ૧૧૯ના લેખક જેવું વલણ કેળવી શકીએ. તેમના માટે દરેક સૂચન ખૂબ મહત્ત્વનું હતું.—ગીતશાસ્ત્ર ૧૧૯:૨૪, ૧૧૧, ૧૬૭ વાંચો.
૧૫. સભાઓ માટે કદર બતાવતા રહેવા શું યાદ રાખવું જોઈએ?
૧૫ યહોવા સભાઓ દ્વારા ભક્તિને લગતો જે ખોરાક આપે છે, એને આપણે કીમતી ભેટ ગણીએ. ધ્યાન આપો કે યહોવાએ વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓને માન્ના પૂરું પાડ્યું ત્યારે તેઓનું વલણ કેવું હતું. (નિર્ગ. ૧૬:૧૫, ૩૧) શરૂઆતમાં તેઓ એની ખૂબ કદર કરતા હતા. કેમ કે એ યહોવાએ આપ્યું હતું અને એનો સ્વાદ પણ સારો હતો. વધુમાં એના પર તેઓનું જીવન નભતું હતું. જોકે સમય જતાં રોજ એ માન્ના ખાઈ ખાઈને અમુક લોકો કંટાળી ગયા અને માન્ના માટે તેઓની કદર ઘટી ગઈ. (ગણ. ૨૧:૫) તેઓના દાખલામાંથી શું શીખવા મળે છે? આજે ઘણી વાર સભાઓમાં એવી માહિતી શીખવવામાં આવે છે, જે આપણને પહેલેથી ખબર હોય છે. પણ આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે એ માહિતી કંઈ કામની નથી. એના બદલે યાદ રાખવું જોઈએ કે એ માહિતી યહોવા તરફથી છે અને તેમનું સંગઠન ખૂબ જ સમજી-વિચારીને એ તૈયાર કરે છે. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે સભાઓમાં મળતાં સૂચનોથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને હંમેશ માટેનું જીવન મેળવી શકીએ છીએ.—નીતિ. ૩:૧૩, ૧૬-૧૮; યોહા. ૧૭:૩.
૧૬. વર્ષોથી યહોવાની ભક્તિ કરતા ભાઈ-બહેનોને સભામાં પૂરું ધ્યાન આપવા શાનાથી મદદ મળી છે? (“ધ્યાનથી સાંભળવા અમુક સૂચનો” બૉક્સ પણ જુઓ.)
૧૬ અમુક વ્યવહારુ સૂચનો પાળીએ. લાંબા સમયથી યહોવાની ભક્તિ કરતા ભાઈ-બહેનો સભામાં ધ્યાન આપવા વિશે શું કહે છે? એશલીબહેન ૩૦થી વધારે વર્ષોથી યહોવાના સાક્ષી છે. તે કહે છે: “જો મેં તૈયારી કરી હોય તો હું વધારે ધ્યાન આપી શકું છું. પણ જો મેં તૈયારી ના કરી હોય, તો મારા માટે જવાબ આપવો અઘરું થઈ જાય છે અને મારું ધ્યાન ભટકી જાય છે.” યોસેફભાઈ બાવન વર્ષથી યહોવાની ભક્તિ કરી રહ્યા છે. તે કહે છે: “જ્યારે સભાઓમાં કોઈ વિષય પર વારંવાર ચર્ચા થાય છે ત્યારે મને બહુ ગમે છે. એ વિષય પર અલગ અલગ વક્તાઓના પ્રવચન સાંભળીને અને બીજાં ભાઈ-બહેનોના જવાબો સાંભળીને મને કંઈક નવું શીખવા મળે છે.” તે આગળ જણાવે છે: “જો કોઈ ભાઈ સારા વક્તા ન હોય, તો હું પ્રવચન આપવાની રીત પર નહિ, પણ તે જે શીખવે છે એના પર ધ્યાન આપું છું. હું યાદ રાખું છું કે તે જે કહે છે એ બાઇબલમાંથી છે અને યહોવા તરફથી છે.”
૧૭. સભામાં પૂરું ધ્યાન આપવા શું કરી શકો? (ચિત્ર પણ જુઓ.)
૧૭ સભામાં ધ્યાન આપવા આ અમુક સૂચનો પણ મદદ કરશે: (૧) જો તમે સભામાં કંઈ ખાઈને જતા હો, તો હળવો ખોરાક લો જેથી ઊંઘ ન આવે. (૨) વહેલા પહોંચો અને સભા શરૂ થાય એ પહેલાં પોતાની જગ્યાએ બેસી જાઓ. (૩) ફોન કે ટેબ્લેટને સાઇલેન્ટ મોડ પર રાખો અને તમારું ધ્યાન ભટકવા ન દો. (૪) પહેલેથી વિચારો કે વક્તા કયા મુદ્દા પર વાત કરી શકે છે. (૫) વક્તા પર ધ્યાન આપો, આજુબાજુ શું થઈ રહ્યું છે એના પર ધ્યાન આપવાનું ટાળો. (૬) નાની નાની નોંધ લો અથવા મુખ્ય મુદ્દા યાદ રાખવા સાદું ચિત્ર દોરો. (૭) મુખ્ય કલમો પર ધ્યાન આપો અને વિચારો કે એ કલમો કઈ રીતે એકબીજા સાથે જોડાયેલી છે. (૮) પોતાને પૂછો, ‘આ માહિતીથી હું મંડળમાં કે પ્રચારમાં બીજાઓને કઈ રીતે મદદ કરી શકું?’ (૯) સંમેલનો અને મહાસંમેલનો પહેલાં કાર્યક્રમ પર નજર ફેરવો, દિવસના મુખ્ય વિષય, પ્રવચનના વિષય અને એની મુખ્ય કલમો પર વિચાર કરો. (૧૦) શાંતિથી બેસીને સંગીત અને સંગીતના ખાસ વીડિયો પર ધ્યાન આપો, જેથી કાર્યક્રમ માટે મન તૈયાર કરી શકો.
યહોવાનાં સૂચનો ધ્યાનથી સાંભળતા રહો, ફોન કે ટેબ્લેટથી પોતાનું ધ્યાન ફંટાવવા ન દો (ફકરો ૧૭ જુઓ)
યહોવાનું ધ્યાનથી સાંભળતા રહીએ
૧૮. સભાઓમાં ધ્યાનથી સાંભળતા રહેવું કેમ જરૂરી છે?
૧૮ સભાઓમાં ધ્યાનથી સાંભળવું જોઈએ, કેમ કે યહોવા સભાઓ દ્વારા આપણને “ખરા માર્ગે દોરે છે.” (ગીત. ૨૩:૩; ૩૧:૩) સભાઓમાં મળતી સલાહથી આપણે પોતાના વિચારો સુધારી શકીએ છીએ. જો એ સલાહ ન મળે તો જેમ એક હોડી પવનમાં ફંટાઈ જાય છે, તેમ આપણે પણ ખરા માર્ગથી ફંટાઈ જઈશું. એટલે સભાઓમાં જે માર્ગદર્શન મળે છે એને ‘ધ્યાનથી સાંભળીએ’ અને જીવનમાં લાગુ પાડીએ. (લૂક ૮:૧૮) યાદ રાખીએ, જેઓ યહોવાનું કહ્યું સાંભળે છે તેઓ હમણાં ખુશ રહી શકે છે અને ભાવિમાં હંમેશ માટેનું જીવન મેળવી શકે છે.—ગીત. ૧૧૯:૨, ૧૪.
ગીત ૨૦ સભાને આશિષ દો
a એક સારા વક્તા બનવા અને સારી રીતે શીખવવા આ સાહિત્યમાં બીજાં અમુક સૂચનો જોઈ શકો: વાંચવાની અને શીખવવાની કળા મોટી પુસ્તિકા અને પરમેશ્વર કી સેવા સ્કૂલ સે ફાયદા ઉઠાઈએ પુસ્તક.