જીવન સફર
લગભગ ૭૦ વર્ષોથી ક્યૂબામાં યહોવાની સેવા
મારો જન્મ ૧૯૪૭માં ક્યૂબા નામના કૅરિબિયન ટાપુ પર થયો. એ ટાપુની સુંદરતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. ત્યાં કૅરિબિયન સાગર અને એટલાન્ટિક મહાસાગરનો સંગમ થાય છે. મારા જન્મ પછી મમ્મી-પપ્પાને બીજાં બે બાળકો થયાં. હું, મારી બંને બહેનો અને મમ્મી-પપ્પા એઝમરેલ્ડા નામના ગામમાં રહેતા હતા.
એ નાનકડા ગામમાં અમે શાંતિથી જીવતાં. દાદા-દાદી, બધાં કાકાઓ અને ફોઈઓ આસપાસ જ રહેતાં. અમે બહુ ખુશ હતા અને અમારું ગુજરાન સારી રીતે ચાલતું હતું.
હું પાંચેક વર્ષનો હતો ત્યારે મમ્મી-પપ્પાએ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. વોલ્ટન જોન્સ નામના ભાઈ તેઓને શીખવવા આવતા. તે બહુ ઉત્સાહી પ્રચારક હતા. તે દસેક કલાક ચાલીને અમારા ગામ આવતા. તે આવે ત્યારે મારા કુટુંબના ઘણા લોકો દાદા-દાદીના ઘરે ભેગા થઈ જતા. તેઓ કલાકો સુધી બાઇબલમાંથી ચર્ચા કરતા. મારાં મમ્મી-પપ્પા, પેડ્રો કાકા અને એલા ફોઈ જે શીખતાં એ તેઓને બહુ ગમતું. એટલે થોડા જ સમયમાં તેઓએ બાપ્તિસ્મા લીધું. એલા ફોઈ તો હમણાં સોએક વર્ષનાં છે, પણ હજીયે તે પાયોનિયરીંગ કરે છે.
એ સમયે ક્યૂબામાં યહોવાના સાક્ષીઓ છૂટથી યહોવાની ભક્તિ કરી શકતા હતા અને સાક્ષીઓ ઘર ઘરના પ્રચાર માટે જાણીતા હતા. અમે સૂટકેસ અને બૅગ ભરીને સાહિત્ય લઈ જતા અને બધે ચાલી ચાલીને જતા. નાનપણમાં હું યહોવાની ભક્તિ માટે જે કરી શક્યો, એની મીઠી યાદો આજેય તાજી છે. પણ એ ‘સારો સમય’ બહુ ન ટક્યો. જલદી જ ‘ખરાબ સમય’ શરૂ થવાનો હતો.—૨ તિમો. ૪:૨.
ક્યૂબામાં મુશ્કેલીઓની શરૂઆત
હું પાંચ વર્ષનો હતો ત્યારે મારા પપ્પા અને કાકા ટાપુના બીજા એક વિસ્તારમાં સંમેલન માટે ગયા. દુઃખની વાત છે કે બંનેને ત્યાં ગંદું પાણી પીવાને લીધે ટાઇફૉઇડ થઈ ગયો. મને યાદ છે કે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓની કેવી હાલત હતી. કાકાના બધા વાળ જતા રહ્યા, પણ તેમનો જીવ બચી ગયો. જ્યારે કે મારા પપ્પાએ ફક્ત ૩૨ વર્ષની ઉંમરે પોતાનો જીવ ગુમાવ્યો.
પપ્પાના મરણ પછી મમ્મીએ નક્કી કર્યું કે અમે બધા મામાના ઘરે રહેવા જઈશું. તેમનું ઘર લોમ્બિલો ગામમાં હતું. એટલે અમારે બધાં સગાઓને અને વહાલાં દાદા-દાદીને છોડીને જવાનું હતું. જોકે ત્યાં પણ અમે કુટુંબ તરીકે યહોવાની ભક્તિ કરતા રહ્યાં.
૨૬ ઑગસ્ટ, ૧૯૫૭માં લોમ્બિલો નજીક એક તળાવમાં મેં બાપ્તિસ્મા લીધું. હું દસ વર્ષનો હતો. કોઈને અંદાજો ન હતો કે બે વર્ષની અંદર અંદર ક્યૂબાના સાક્ષીઓનું જીવન બદલાઈ જવાનું હતું. ૧૯૫૯માં સરકારને ઊથલાવી પાડવામાં આવી. એની જગ્યાએ એક સામ્યવાદી સરકારનું શાસન શરૂ થયું.
આ નવી સરકાર સેનામાં ઘણા સૈનિકોને ભરતી કરવા માંગતી હતી. એના લીધે યહોવાના સાક્ષીઓએ ઘણી મુશ્કેલીઓ સહેવી પડી, કેમ કે આપણે સેનામાં ભરતી થતા નથી અને રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી. એનાં ગંભીર પરિણામ આવ્યાં. હવે છૂટથી ભક્તિ કરવાની આઝાદી ધીરે ધીરે છીનવાઈ રહી હતી. સમય જતાં સરકારે સભાઓ અને પ્રચારકામ પર પ્રતિબંધ મૂકી દીધો. સેંકડો વફાદાર ભાઈઓને જેલ થઈ. અમુકને ઘણી વાર મારવામાં આવતા અને તેઓને પૂરતો ખોરાક આપવામાં ન આવતો. ક્યારેક તેઓને લોહીવાળો ખોરાક આપવામાં આવતો, જે બાઇબલના નિયમ પ્રમાણે આપણે ખાઈ શકતા નથી.
મુશ્કેલીઓ હોવા છતાં અમે બધા સાથે મળીને યહોવાની ભક્તિ કરતા રહ્યા. (હિબ્રૂ. ૧૦:૨૫) અમે તો સંમેલનો પણ ખેતરો અને એના જેવી જગ્યાઓએ રાખતા. મને યાદ છે કે એક વખતે એક ભાઈએ પોતાનાં ઘેટાંનો મોટો વાડો સંમેલન રાખવા આપ્યો હતો. અમને એ સાફ કરવાનો અને ઘેટાં બહાર કાઢવાનો સમય ન મળ્યો. તોપણ સંમેલન તો ત્યાં જ થયું. એ સંમેલનમાં બંને હતાં, યહોવાનાં ઘેટાં અને ભાઈનાં ઘેટાં!—મીખા. ૨:૧૨.
એ સમયગાળામાં જે ભાઈઓએ અમને ભક્તિને લગતો ખોરાક મેળવવા મદદ કરી, તેઓની અમે ખૂબ કદર કરીએ છીએ. દાખલા તરીકે, સંમેલનના કાર્યક્રમો પહેલેથી કૅસેટ પર રેકોર્ડ કરવામાં આવતા. પછી એને આખા દેશમાં વહેંચવામાં આવતા. ક્યારેક ફક્ત બે ભાઈઓને કાર્યક્રમનાં બધાં પ્રવચનો તૈયાર કરવાનું અને રેકોર્ડ કરવાનું કહેવામાં આવતું. એ ભાઈઓ છુપાઈને રેકોર્ડિંગ કરતા. એટલે કોઈક વાર અમને કૂકડાનો કે બીજા વિચિત્ર અવાજો સંભળાતા. જો સંમેલનની જગ્યાએ વીજળી ના હોય, તો ભાઈઓએ એક સરસ ગોઠવણ કરી હતી. એક ભાઈ સાઇકલને સ્ટૅન્ડ પર ઊભી રાખીને પેડલ મારતા અને એક મશીનથી વીજળી ઉત્પન્ન થતી. એ વીજળીથી અમે કૅસેટ પ્લેયર ચલાવી શકતા અને આખો કાર્યક્રમ સાંભળી શકતા. ખરું કે અમારા સંજોગો એટલા સારા ન હતા અને બીજા દેશોમાં ભાઈ-બહેનો પાસે જેટલાં સાહિત્ય હતાં એટલા અમારી પાસે ન હતા. તોપણ અમને ક્યારેય ભક્તિને લગતા ખોરાકની અછત પડી નહિ. એ સમયે અમને બધાને સાથે મળીને યહોવાની ભક્તિ કરવાથી ઘણી ખુશી મળી.—નહે. ૮:૧૦.
પાયોનિયરીંગ કર્યું અને બાળકોનો ઉછેર પણ કર્યો
૧૮ વર્ષનો થયો ત્યારે મેં ક્યૂબાના ફ્લોરિડા શહેરમાં નિયમિત પાયોનિયરિંગ શરૂ કર્યું. એક વર્ષ પછી મને ખાસ પાયોનિયર બનાવવામાં આવ્યો. હું કામાગ્વે નામના એક મોટા શહેરમાં સેવા આપવા લાગ્યો. ત્યાં હું એમિલિયા નામની એક સુંદર બહેનને મળ્યો. તે સૅંટિયાગો દે ક્યૂબાથી હતી. અમે ડેટિંગ કરવા લાગ્યા અને એક વર્ષની અંદર અંદર અમે લગ્ન કર્યા.
(ડાબે) ૧૯૬૬, વડીલો માટે રાજ્ય સેવા શાળા—કામાગ્વે, ક્યૂબા
(જમણે) ૧૯૬૭, અમારા લગ્નના દિવસે
હું એક સરકારી ફેક્ટરીમાં પૂરો સમય કામ કરવા લાગ્યો, જ્યાં ખાંડ બનાવવામાં આવતી. હવે હું અને એમિલિયા પાયોનિયરીંગ કરી શકતાં ન હતાં. તોપણ અમારે ભક્તિનાં કામોમાં બને એટલો વધારે સમય આપવો હતો. એટલે હું સવારના ૩:૦૦ વાગ્યાથી સવારના ૧૧:૦૦ વાગ્યા સુધી કામ કરતો. મને એટલું વહેલું ઊઠવું ગમતું નહિ. પણ એના લીધે હું નિયમિત પ્રચારમાં જઈ શકતો અને એમિલિયા સાથે બધી સભાઓમાં હાજર રહી શકતો.
૧૯૬૯માં અમને એક દીકરો થયો. અમે એનું નામ ગુસ્તાવો પાડ્યું. પછી ભાઈઓએ મને પૂછ્યું કે શું હું સરકીટ કામ કરી શકું. એ સમયે ક્યૂબામાં એવા સરકીટ નિરીક્ષકો પણ હતા, જેઓને બાળકો પણ હતાં. એ વર્ષોમાં અમે ઘણું કામ કર્યું, પણ અમને મજાય બહુ આવી. હું અને એમિલિયા ભાઈ-બહેનોની આ રીતે સેવા કરવાને એક આશીર્વાદ ગણતાં હતાં. અમે સરકીટ કામમાં હતાં ત્યારે અમને બીજાં ત્રણ બાળકો થયાં. ઓબેદ, એબનર અને અમુક વર્ષો પછી એક દીકરી થઈ, મહેલી.
સરકીટ કામમાં વિતાવેલાં વર્ષો યાદ કરું છું ત્યારે મારા ચહેરા પર એક મીઠી સ્માઇલ આવી જાય છે. મેં નજરોનજર જોયું છે કે યહોવાએ કઈ રીતે ક્યૂબાનાં ભાઈ-બહેનોને આશીર્વાદ આપ્યો. યહોવાએ મને અને એમિલિયાને પણ મદદ કરી, જેથી અમે બાળકોનાં દિલમાં યહોવા માટેનો પ્રેમ જગાડી શકીએ. ચાલો, તમને જણાવું કે સરકીટ કામમાં હતાં ત્યારે મારું અને એમિલિયાનું જીવન કેવું હતું.
પ્રતિબંધ છતાં સરકીટ કામ ચાલુ રહ્યું
૧૯૬૦ અને ૧૯૭૦ના દસકામાં ભાઈ-બહેનો માટે પ્રચાર કરવો અને સભાઓમાં જવું ઘણું અઘરું થઈ ગયું. આપણાં પ્રાર્થનાઘરો બંધ કરી દેવામાં આવ્યાં. મિશનરીઓને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ઘણા યુવાન ભાઈઓની ધરપકડ થઈ અને તેઓને જેલમાં નાખવામાં આવ્યા. હવાનામાં આપણી શાખા કચેરીને પણ તાળાં વાગી ગયાં.
૧૯૯૦ના દસકામાં સરકીટ કામ
પ્રતિબંધને લીધે અમે ફક્ત શનિ-રવિ મંડળની મુલાકાતે જઈ શકતાં હતાં. એ બહુ ઓછો સમય હતો, એટલે અમે સળંગ બે શનિ-રવિ મંડળની મુલાકાત કરતા. અમે થોડો જ સામાન લઈ જતાં અને મોટા ભાગે સાઇકલ પર જતાં, જેથી અમારા પર લોકોનું વધારે પડતું ધ્યાન ના જાય. અમે મંડળની મુલાકાતે આવવાનાં છીએ એવી જાહેરાત થતી નહિ. અમે એવું બતાવતાં કે મિત્રો અને કુટુંબીજનોને મળવા જઈ રહ્યાં છીએ. આમ પણ આપણાં ભાઈ-બહેનો કુટુંબ જેવા જ છે ને! (માર્ક ૧૦:૨૯, ૩૦) સાચું કહું તો અમુક વાર અમે ભાઈ-બહેનો સાથે એટલાં હળી-મળી જતાં કે અમે મંડળની મુલાકાતે આવ્યાં છીએ એ ભૂલી જતાં. એટલે અમે પોતાને યાદ અપાવતાં કે અમે ત્યાં કેમ આવ્યાં છીએ. અમારે બહુ સમજી-વિચારીને કામ કરવું પડતું, કેમ કે ઘણી વાર પોલીસ અમારો પીછો કરતી અને અમારી પૂછપરછ કરતી. જો અમે પકડાઈ જઈએ તો અમે જેઓનાં ઘરે રહેતાં હતાં તેઓની પણ ધરપકડ થઈ શકતી હતી.—રોમ. ૧૬:૪.
એ દરમિયાન અમે એવા ઘણાં ભાઈ-બહેનોને મળ્યાં, જેઓ પાસે બહુ કંઈ ન હતું પણ તેઓનું દિલ બહુ મોટું હતું. અમુક જગ્યાએ તો માણસો કરતાં મચ્છરોની સંખ્યા વધારે હતી! ત્યાં પણ ભાઈ-બહેનો પોતાના કરતાં અમારો વધારે વિચાર કરતા. જો તેઓ પાસે એક જ મચ્છરદાની હોય, તો એ પણ તેઓ અમને આપી દેતાં, જેથી અમે આરામથી સૂઈ શકીએ. અમુક ભાઈ-બહેનો અમને પોતાના ઘરે રાખતા, પછી ભલેને તેઓ પાસે પૂરતો ખોરાક ન હોય. એટલે ક્યારેક અમે પોતાનું જમવાનું સાથે લઈને જતાં અને તેઓ સાથે એ વહેંચીને ખાતાં.
મંડળોની મુલાકાતે જતાં ત્યારે અમે બધાં બાળકોને સાથે લઈ જઈ શકતાં ન હતાં. અમે ફક્ત એક જ બાળકને સાથે લઈ જતાં. બાકીનાં બાળકોની સંભાળ મારાં મમ્મી અને બહેન રાખતાં. જોવા જઈએ તો એક બાળકને સાથે લઈ જવાથી અમારું જ રક્ષણ થતું હતું. ક્યારેક ક્યારેક પોલીસ અમારી તપાસ કરતી, પણ તેઓને કંઈ મળતું નહિ, કેમ કે અમે ગંદાં ડાયપરવાળી બૅગમાં સાહિત્ય છુપાવતાં! અમને ખબર હતી કે પોલીસ એ બૅગની તપાસ નહિ કરે.
મારી પત્ની એમિલિયાએ બાળકોનો ઉછેર કરવાની સાથે સાથે પૂરા સમયની સેવા કરવા મને ઘણો સાથ આપ્યો છે. એ માટે હું તેના જેટલા વખાણ કરું એટલા ઓછા છે. સરકીટ કામની સાથે હું મારી નોકરી પણ ચાલુ રાખી શક્યો. હું ક્યારેક અઠવાડિયામાં એક કે બે દિવસ ડબલ શિફ્ટ કરતો, જેથી શનિ-રવિ રજા લઈ શકું. પણ પછી મારા કામમાં થોડો ફેરફાર થયો. હવે અમુક લોકો મારા હાથ નીચે કામ કરવા લાગ્યા અને મારે અઠવાડિયાના સાત દિવસ કામ કરવાનું હતું. હું એ માટે ના પાડી શકું એમ ન હતું, એટલે મેં એક રસ્તો શોધી કાઢ્યો. હું મારી ટીમને પહેલેથી શનિ-રવિ માટે કામ સોંપી દેતો. તેઓ મારું કામ પણ કરી લેતા અને કોઈને ખબર ન પડતી કે હું મંડળોની મુલાકાતે ગયો છું. જ્યાં સુધી મને યાદ છે, ત્યાં સુધી મારા કોઈ પણ બોસને ક્યારેય એ વિશે ખબર ન પડી!
સોંપણી બદલાઈ તોપણ હું ખુશ રહ્યો
૧૯૯૪, પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો એ પછીનું પહેલું મહાસંમેલન
૧૯૯૪માં ક્યૂબામાં આગેવાની લેતા ભાઈઓએ એક દિવસ હવાનામાં એક ખાસ સભા રાખી. એ સમયે ક્યૂબામાં ૮૦ પ્રવાસી નિરીક્ષકો હતા. અમને બધાને એ સભામાં બોલાવવામાં આવ્યા. આટલાં વર્ષો પછી એકબીજાને મળ્યા એટલે અમારી ખુશીનો પાર ન હતો. સૌથી પહેલાં અમે સંગઠનમાં થયેલા અમુક ફેરફારો વિશે વાત કરી. પછી એવી જાહેરાત કરવામાં આવી, જેનાથી અમે બધા ચોંકી ગયા. ભાઈઓએ અમને જણાવ્યું કે તેઓ અધિકારીઓને અમારા નામ જણાવવાનું વિચારી રહ્યા છે. પણ મને થયું એવું કેમ!
ભાઈઓએ અમને સમજાવ્યું કે તેઓ સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે, જેથી સાક્ષીઓ અને સરકાર વચ્ચેના સંબંધો સુધરે. એ અધિકારીઓએ બધા પ્રવાસી નિરીક્ષકોનાં નામ માંગ્યાં હતાં. અમે અમારાં નામ આપવા તૈયાર થઈ ગયા. એ પછી અધિકારીઓ સાથેની વાતચીતનાં સારાં પરિણામો આવ્યાં.
ધીરે ધીરે અમે કોઈ રોકટોક વગર ભેગા મળવા લાગ્યા અને પ્રચાર કરવા લાગ્યા. પણ હજી યહોવાના સાક્ષીઓને કાનૂની માન્યતા મળી ન હતી. પછીથી અમને ખબર પડી કે અધિકારીઓ પાસે અમુક પ્રવાસી નિરીક્ષકોનાં નામ પહેલેથી હતાં, પણ તેઓ એ અમારી પાસે જાણવા માંગતા હતા.
સપ્ટેમ્બર ૧૯૯૪માં સરકારે અમને ફરીથી શાખા કચેરી શરૂ કરવાની પરવાનગી આપી. નવાઈની વાત તો એ છે કે ૨૦ વર્ષ પહેલાં જે ઇમારતમાં શાખા કચેરીનું કામ થતું હતું, ત્યાં જ એ કામ ફરી શરૂ કરી શક્યા.
૧૯૯૬માં અમને એક ભાઈનો કૉલ આવ્યો. તેમણે પૂછ્યું કે શું અમે બેથેલમાં આવીને સેવા આપી શકીએ. અમે એવું ધાર્યું જ ન હતું! મેં ભાઈઓને જણાવ્યું કે અમારાં બે બાળકો હજી નાનાં છે અને મારે તેઓની સંભાળ રાખવાની છે. ભાઈઓએ કહ્યું કે તેઓ અમારા સંજોગો સમજે છે તોપણ તેઓ ચાહે છે કે અમે બેથેલમાં આવીને સેવા આપીએ. અમે આમંત્રણ સ્વીકાર્યું અને કુટુંબ તરીકે હવાના જઈને રહેવાની તૈયારીઓ શરૂ કરી દીધી.
(ડાબે) એમિલિયા ક્યૂબા શાખામાં સીવણ વિભાગમાં કામ કરતી હતી ત્યારે
(જમણે) ૨૦૧૨, સંમેલનગૃહનું સમર્પણ
સાચું કહું, શરૂઆતમાં મને બેથેલમાં કામ કરવાની જરાય મજા આવતી ન હતી. મેં વર્ષો સુધી સરકીટ કામ કર્યું હતું. હજીયે મારું મન એમાં જ લાગેલું હતું. મારા માટે ઑફિસમાં બેસીને કામ કરવું અઘરું હતું. પણ પછી બેથેલનાં ભાઈ-બહેનોએ અને એમિલિયાએ મને વિચારો સુધારવા મદદ કરી. ધીરે ધીરે મને બેથેલના કામમાં મજા આવવા લાગી અને આજે હું ખુશી ખુશી ત્યાં સેવા આપું છું.
(ડાબે) ૨૦૧૩, યુગલો માટે બાઇબલ શાળાનું ગ્રેજ્યુએશન
(જમણે) ૨૦૧૩, ક્યૂબાની શાખા સમિતિ
સરકીટ સંમેલનમાં અમારી દીકરી અને જમાઈ સાથે
આજે હું અને એમિલિયા ઘણાં વૃદ્ધ થઈ ગયાં છીએ. ઘણાં વર્ષો દરમિયાન અમે જે ભાઈ-બહેનોને મળ્યાં અને જેઓ સાથે કામ કર્યું, એ બધા વિશે વિચારીને અમને ઘણી ખુશી થાય છે. આજે અમારાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ યહોવાની ભક્તિ કરે છે એ જોઈને અમારું દિલ રાજી થઈ જાય છે. અમને પણ પ્રેરિત યોહાન જેવું લાગે છે, જેમણે પોતાના ઘડપણમાં કહ્યું હતું: “મારા સાંભળવામાં આવે કે મારાં બાળકો સત્યના માર્ગે ચાલી રહ્યાં છે, એનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોય!”—૩ યોહા. ૪.
આજે હું અને એમિલિયા ત્રીસેક વર્ષથી બેથેલમાં સેવા આપી રહ્યાં છીએ. પણ ઢળતી ઉંમર અને કેન્સરને લીધે અમારે દરરોજ અમુક તકલીફો સહેવી પડે છે. પણ અમે અમારી સોંપણી પૂરી કરવા બનતું બધું કરીએ છીએ. એ સાચું છે કે અમારે અલગ અલગ સોંપણીઓમાં અમુક મુશ્કેલીઓ સહેવી પડી. પણ અમે ક્યૂબા ટાપુ પર આશરે ૭૦ વર્ષથી ‘આનંદી ઈશ્વર’ યહોવાની ભક્તિ કરી રહ્યા છીએ. એ વાતનો અમને પુષ્કળ આનંદ છે.—૧ તિમો. ૧:૧૧; ગીત. ૯૭:૧.