વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 જૂન પાન ૧૪-૧૯
  • પ્રચાર ગ્રૂપની ગોઠવણથી પૂરો ફાયદો મેળવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રચાર ગ્રૂપની ગોઠવણથી પૂરો ફાયદો મેળવીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ગ્રૂપ નિરીક્ષક અને તેમના સહાયક
  • પ્રચાર ગ્રૂપને પૂરો ટેકો આપીએ
  • પ્રચાર ગ્રૂપની ગોઠવણથી કઈ રીતે ફાયદો થાય છે?
  • પ્રચારના ગ્રૂપથી લાભ મેળવીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • ટોળાની દેખરેખ રાખતા વડીલો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • પ્રચારની સભાથી એનો હેતુ પૂરો થાય છે
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • ખુશખબર જણાવવાની રીતો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 જૂન પાન ૧૪-૧૯

ઑગસ્ટ ૨૪-૩૦, ૨૦૨૬

ગીત ૪૫ આગળ ચાલો

પ્રચાર ગ્રૂપની ગોઠવણથી પૂરો ફાયદો મેળવીએ

‘નેક લોકોના ટોળામાં હું પૂરા દિલથી યહોવાની સ્તુતિ કરીશ.’—ગીત. ૧૧૧:૧.

આપણે શું શીખીશું?

પ્રચાર ગ્રૂપની ગોઠવણથી કેવા ફાયદા થાય છે?

૧-૨. પ્રચાર ગ્રૂપની ગોઠવણ વિશે ઘણાં ભાઈ-બહેનોને કેવું લાગે છે?

જરા એ દિવસ યાદ કરો જ્યારે તમે પ્રકાશક બન્યા હતા. એ ચોક્કસ ખુશીનો દિવસ હશે! એ દિવસે તમે યહોવાના ભક્તોના મોટા સમૂહનો ભાગ બન્યા. તેમ જ, તેઓ સાથે મળીને યહોવાના નામની સ્તુતિ કરવા લાગ્યા. (ગીત. ૧૪૮:૧, ૨, ૧૨, ૧૩) જોકે એ દિવસે કદાચ તમે ભાઈ-બહેનોના એક નાના સમૂહનો, એટલે કે પ્રચાર ગ્રૂપનો પણ ભાગ બન્યા. પ્રચાર ગ્રૂપ દ્વારા આપણે ઈસુની આજ્ઞા સારી રીતે પાળી શકીએ છીએ. તેમણે પોતાના બધા શિષ્યોને “આખી દુનિયામાં” ખુશખબર જાહેર કરવાની આજ્ઞા આપી છે.—માથ. ૨૪:૧૪.

૨ પ્રચાર ગ્રૂપ વિશે તમને કેવું લાગે છે? વેન્ડીબહેનa કહે છે: “પ્રચાર ગ્રૂપની ગોઠવણથી મને ઘણી મદદ મળી છે. હું સારી રીતે પ્રચાર કરવાનું શીખી અને શીખવવાની આવડત કેળવી શકી. યહોવાની નજીક લઈ જાય એવા ધ્યેય રાખી શકી અને પાકા દોસ્તો બનાવી શકી. એ સાચે જ એક પ્રેમાળ ગોઠવણ છે.” રીચભાઈ કહે છે: “મને લાગે છે કે ગ્રૂપ નિરીક્ષક તરીકે સેવા આપવી એ બહુ જ મોટો લહાવો છે. એક પ્રકાશક કોઈ વ્યક્તિને બાપ્તિસ્માનું પગલું ભરવા મદદ કરે છે. પણ ગ્રૂપ નિરીક્ષક પાસે એક અનોખી તક છે. તે એ વ્યક્તિને બાપ્તિસ્મા પછી ભક્તિમાં વધારે સારું કરવા ઘણાં વર્ષો સુધી મદદ કરી શકે છે.” ડાયેનાબહેન કહે છે: “મને એ વાતની ખુશી છે કે હું પ્રચાર ગ્રૂપનો ભાગ છું. ગ્રૂપનાં ભાઈ-બહેનો મારા માટે કુટુંબ જેવા છે.”

૩. આ લેખમાં આપણે શું જોઈશું?

૩ આ લેખમાં આપણે જોઈશું કે ગ્રૂપ નિરીક્ષક અને તેમના સહાયક પાસે કઈ જવાબદારીઓ છે. તેમ જ, તેઓ કઈ રીતે પોતાના ગ્રૂપના દરેક ભાઈ-બહેનની સંભાળ રાખે છે. પછી આપણે જોઈશું કે આપણે બધા કઈ રીતે ગ્રૂપને ટેકો આપી શકીએ. છેલ્લે, એ જોઈશું કે પ્રચાર ગ્રૂપની ગોઠવણથી આપણને કઈ રીતે ફાયદો થાય છે.

ગ્રૂપ નિરીક્ષક અને તેમના સહાયક

૪. (ક) એક ગ્રૂપ નિરીક્ષક શું કરે છે? (ખ) ગ્રૂપનાં ભાઈ-બહેનોની સંભાળ રાખવા એક નિરીક્ષકને કયાં સૂચનો મદદ કરી શકે? (“ગ્રૂપ નિરીક્ષક માટે અમુક સૂચનો” બૉક્સ જુઓ.)

૪ વડીલોનું જૂથ એક વડીલનેb ગ્રૂપના નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપે છે. એ વડીલ પોતાના ગ્રૂપનાં ભાઈ-બહેનોને મદદ કરે છે, જેથી તેઓ ભક્તિને લગતાં કામો વધારે સારી રીતે કરી શકે. તે એવું કઈ રીતે કરે છે? તે ગ્રૂપનાં બધાં ભાઈ-બહેનોની દિલથી સંભાળ રાખે છે. (નીતિ. ૨૭:૨૩) તે એક પ્રેમાળ ઘેટાંપાળક છે અને ગ્રૂપના દરેક ભાઈ-બહેનને સારી રીતે ઓળખે છે. તેમ જ, તે ભાઈ-બહેનોના હાલચાલ જાણવા તેઓ સાથે નિયમિત રીતે વાતચીત કરે છે. એમ કરીને તે યહોવા સાથે તેઓનો સંબંધ મજબૂત રાખવા મદદ કરી શકે છે, દુઃખની ઘડીઓમાં ઉત્તેજન આપી શકે છે અને તેઓની જરૂરિયાતોનું ધ્યાન રાખી શકે છે. (નીતિ. ૧૨:૨૫; યશા. ૩૨:૨; યાકૂ. ૨:૧૫-૧૭) તે પોતાના ગ્રૂપનાં ભાઈ-બહેનોને પ્રચારમાં વધારે સારું કરવા મદદ કરે છે. તે પોતે પણ પ્રચારમાં ઉત્સાહથી આગેવાની લે છે, ખાસ કરીને અઠવાડિયાના અંતે તે એવું કરે છે. તે ગ્રૂપના દરેક પ્રકાશક સાથે નિયમિત રીતે કામ કરે છે, જેથી ઉત્તેજન અને તાલીમ આપી શકે. જો ક્યારેક કોઈ કારણોસર તે પ્રચારમાં ન આવવાના હોય, તો ગ્રૂપની સંભાળ રાખવા તેમના સહાયકની અથવા કોઈ યોગ્ય પ્રકાશકની ગોઠવણ કરે છે. તે બાપ્તિસ્મા પામેલા ભાઈઓને મંડળની જવાબદારીઓ સંભાળવા તૈયાર કરે છે. (૧ તિમો. ૩:૧) તે એ ભાઈઓના સારા ગુણોના દિલથી વખાણ કરે છે, તેઓ વધારે સારું કરી શકે એ માટે બાઇબલમાંથી સલાહ આપે છે અને તેઓ આગળ જતાં સહાયક સેવકો અને વડીલો તરીકે સેવા આપી શકે એ માટે તાલીમ આપે છે. સાચે જ, ગ્રૂપ નિરીક્ષકના ખભે ઘણી જવાબદારીઓ છે. એટલે વડીલોનું જૂથ એવા વડીલને એ જવાબદારી સોંપે છે, જે એને સારી રીતે નિભાવી શકે.

ગ્રૂપ નિરીક્ષક માટે અમુક સૂચનો

  • પ્રચારની સભા ટૂંકી રાખો. એ સાત મિનિટથી વધારે ન હોવી જોઈએ, જેથી ભાઈ-બહેનો જલદીથી પ્રચારમાં જઈ શકે.

  • ગ્રૂપનાં બધાં ભાઈ-બહેનો સાથે પ્રચાર કરો. જો અમુક જણ કોઈ કારણોસર પ્રચારની સભામાં નિયમિત રીતે ન આવી શકતા હોય, તો બીજા કોઈ દિવસે કે સાંજે તેઓ સાથે પ્રચારમાં જઈ શકો.

  • નિયમિત રીતે ગ્રૂપનાં ભાઈ-બહેનોની ઉત્તેજન આપતી મુલાકાત લો. એ મુલાકાત તમે તેઓનાં ઘરે, પ્રાર્થનાઘરમાં કે બીજી કોઈ જગ્યાએ કરી શકો. તમે એ ફોન કે પત્રથી પણ કરી શકો.

  • ભાઈઓને તાલીમ આપો, જેથી તેઓ સંગઠનને અને મંડળને વધારે કામ આવી શકે.

  • જ્યારે તમારું ગ્રૂપ બીજા ગ્રૂપ સાથે ભેગું મળવાનું હોય, ત્યારે પણ તમે તમારા ગ્રૂપને માર્ગદર્શન આપો.

૫. ગ્રૂપ નિરીક્ષકો કઈ અમુક મુશ્કેલીઓનો સામનો કરે છે?

૫ બની શકે કે એક ગ્રૂપ નિરીક્ષકની સામે કેટલીક મુશ્કેલીઓ આવે. ચાલો જોઈએ કે અમુક ગ્રૂપ નિરીક્ષકો એ વિશે શું કહે છે. યોર્ગનભાઈ જર્મનીમાં રહે છે. બીજા ઘણા વડીલોની જેમ તે પણ મંડળમાં એક કરતાં વધારે જવાબદારીઓ ઉપાડે છે. તે કહે છે: “એકસાથે ઘણી જવાબદારીઓ ઉપાડવી સહેલું નથી. એટલે ગ્રૂપના દરેક ભાઈ-બહેન માટે સમય કાઢવો ક્યારેક અઘરું થઈ જાય છે.” એબલભાઈ યુગાન્ડામાં રહે છે અને ૭૦ વર્ષના છે. તે કહે છે: “અમારા મંડળમાં બહુ થોડા વડીલો અને સહાયક સેવકો છે, એટલે પ્રચારનાં ગ્રૂપ પણ મોટાં મોટાં છે. દરેક પ્રકાશક સાથે પ્રચાર કરવા અને તેમને ઉત્તેજન આપવા હું જેટલું કરવા માંગું છું, એટલું કરી શકતો નથી.” સુરિનામમાં રહેતા ઓબેદભાઈ સ્વીકારે છે: “મને બીજાઓને શીખવવું ને તાલીમ આપવી ગમે છે. પણ એમાં સમય-શક્તિ લાગે છે અને કદાચ તાલીમનાં ફળ તરત ન મળે. આવાં કારણોને લીધે ઘણી વાર તાલીમ આપવાનું રહી જાય છે.” આવી અમુક મુશ્કેલીઓનો સામનો કરતા વડીલોને શાનાથી મદદ મળી શકે?

૬. ગ્રૂપ નાનાં રાખવાથી કઈ રીતે ફાયદો થાય છે?

૬ શક્ય હોય ત્યારે પ્રચારનાં ગ્રૂપ નાનાં રાખવામાં આવે છે. એનાથી નિરીક્ષકો ગ્રૂપનાં બધાં ભાઈ-બહેનોને સારી રીતે ઓળખી શકે છે અને યહોવાની નજીક રહેવા તેઓને મદદ કરી શકે છે. પણ જો મંડળમાં થોડા જ વડીલો હોય તો શું? જો વડીલોનું જૂથ મોટાં મોટાં ગ્રૂપ બનાવશે, તો નિરીક્ષકો પોતાની જવાબદારી સારી રીતે નિભાવી નહિ શકે. એટલે વડીલોનું જૂથ કોઈ ગ્રૂપની સંભાળ રાખવા માટે સહાયક સેવકની ગોઠવણ કરી શકે. આમ ગ્રૂપ નિરીક્ષકો પોતાની સૌથી મહત્ત્વની જવાબદારી, એટલે કે ભાઈ-બહેનોની સારી સંભાળ રાખવાની જવાબદારી સારી રીતે પૂરી કરી શકશે.

૭. જો મંડળમાં ઓછા વડીલો હોય તો ગ્રૂપનાં બધાં ભાઈ-બહેનોની સંભાળ રાખવા નિરીક્ષકો શું કરી શકે? (૧ પિતર ૫:૨) (ચિત્ર પણ જુઓ.)

૭ જો તમે ગ્રૂપ નિરીક્ષક તરીકે સેવા આપતા હો અને તમારા મંડળમાં ઓછા વડીલો હોય તો તમારા સહાયકને તાલીમ આપવા પર ધ્યાન આપો. આમ ભાઈ-બહેનોની સંભાળ રાખવામાં તે તમને મદદ કરી શકશે. (૧ પિતર ૫:૨ વાંચો.) તમારા સહાયકને ગ્રૂપને લગતાં કામ સોંપો. જેમ કે, સમયે સમયે તેને પ્રચારની સભા લેવાનું અને ભાઈ-બહેનો ક્યાં પ્રચાર કરવા જશે એની ગોઠવણ કરવાનું કહી શકો. વધુમાં, તમારા સહાયક સાથે મળીને પ્રાર્થના કરો અને ગ્રૂપનાં ભાઈ-બહેનો કેવું કરી રહ્યાં છે એ વિશે વાત કરો. તેઓને કઈ રીતે મદદ કરી શકાય એ વિશે પણ ચર્ચા કરો. તમારા સહાયકને અવાર-નવાર ઉત્તેજન આપતી મુલાકાતમાં સાથે લઈ જાઓ. મુલાકાત પહેલાં અને પછી જરૂરી માર્ગદર્શન આપો. આ રીતે તાલીમ આપવાથી સમય જતાં તમારો સહાયક કદાચ ગ્રૂપ નિરીક્ષક તરીકે સેવા આપવા લાયક બને. (૨ તિમો. ૨:૨) એટલું જ નહિ, બીજાઓને તાલીમ આપવા તમે અનુભવી પ્રકાશકોની મદદ લઈ શકો. પાયોનિયરો અને વર્ષોથી સેવા આપતા પ્રકાશકો એવાં ભાઈ-બહેનોને મદદ કરી શકે, જેઓ નવાં છે અને જેઓ પાસે બહુ અનુભવ નથી. અનુભવી પ્રકાશકો શીખવી શકે કે કઈ રીતે વાત શરૂ કરવી, ફરી મુલાકાતો કરવી અને બાઇબલ અભ્યાસ ચલાવવો. પણ પ્રચાર ગ્રૂપને ટેકો આપવા આપણે બધા શું કરી શકીએ? ચાલો ત્રણ રીતો જોઈએ.

એક ગ્રૂપ નિરીક્ષક “પ્રેમથી શીખવીએ” મોટી પુસ્તિકા દ્વારા એક ભાઈને તાલીમ આપી રહ્યા છે.

એક ગ્રૂપ નિરીક્ષક પોતાના ગ્રૂપમાં સહાયક સેવકને તાલીમ આપી શકે, જેમ કે તે તેને પ્રચારની સભા લેવાનું કહી શકે (ફકરો ૭ જુઓ)


પ્રચાર ગ્રૂપને પૂરો ટેકો આપીએ

૮. આપણે કઈ રીતે ગ્રૂપને ટેકો આપી શકીએ? (રોમનો ૧:૧૨)

૮ ગ્રૂપમાં હાજર રહીએ. ભાઈ-બહેનો સાથે મળીને પ્રચાર કરવાથી “અરસપરસ ઉત્તેજન” મળે છે. (રોમનો ૧:૧૨ વાંચો.) ભાઈ-બહેનો સાથે હોઈએ છીએ ત્યારે, અમુક પ્રચાર વિસ્તારમાં સલામતી અનુભવીએ છીએ અને લોકો સાથે વાત કરતા ડર નથી લાગતો. જો તમે કામ કે નોકરીને લીધે પ્રચાર ગ્રૂપમાં ન જઈ શકતા હો, તો તમારા કામના સમયમાં ફેરફાર કરવા વિશે તમારા બોસ સાથે વાત કરી શકો. કદાચ તે તમારી વાત માની લે! (નહે. ૨:૪-૬) જો ખરાબ તબિયત કે વધતી ઉંમરના લીધે પ્રચાર ગ્રૂપમાં ન જઈ શકતા હો, તો તમારા નિરીક્ષક સાથે વાત કરો. તે તમારા માટે કદાચ અમુક ગોઠવણો કરી શકે, જેથી તમે ઝૂમથી, પત્ર કે ફોન દ્વારા પ્રચાર કરી શકો. શું તમે યુવાન અને તંદુરસ્ત છો, પણ દર અઠવાડિયે પ્રચાર ગ્રૂપમાં જવું અઘરું લાગે છે? જો એમ હોય તો વિચારો કે તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે અથવા સમયનો સૌથી સારો ઉપયોગ કરવા તમે શું કરી શકો. (રોમ. ૧૨:૧૧; કોલો. ૪:૫) તમે કદાચ દર અઠવાડિયે તમારા ગ્રૂપમાં કોઈની સાથે પ્રચાર કરવાનું પહેલેથી નક્કી કરી શકો. તમે જે પણ મહેનત કરશો એ ચોક્કસ રંગ લાવશે. યહોવાને પ્રાર્થના કરો. તે તમને “ઇચ્છા અને બળ” આપશે.—ફિલિ. ૨:૧૩.

૯. પ્રચાર ગ્રૂપમાં બધા પ્રેમ અને હૂંફ અનુભવી શકે એ માટે આપણે શું કરી શકીએ? (રોમનો ૧૨:૧૩)

૯ મહેમાનગતિ બતાવીએ. પ્રચાર ગ્રૂપમાં ‘મહેમાનગતિ બતાવતા રહેવાથી’ ભાઈ-બહેનો પ્રેમ અને હૂંફ અનુભવી શકશે. (રોમનો ૧૨:૧૩ વાંચો.) શું તમે પ્રચારની સભા માટે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખી શકો? અમુક મંડળોમાં પ્રવચન આપવા બહારથી વક્તા આવે ત્યારે, પ્રચારનાં ગ્રૂપ વારાફરતી મહેમાનગતી બતાવે છે. જો કોઈ વાર વક્તા ન આવી શકે, તોપણ જે ગ્રૂપનો વારો હોય એનાં ભાઈ-બહેનો ભેગાં મળીને જમે છે અને એકબીજાને ઉત્તેજન આપવા સાથે સમય વિતાવે છે. સારાહબહેન ખાસ પાયોનિયર છે. તે કહે છે: “મહેમાનગતિ બતાવવાની થાય ત્યારે મારો પરસેવો છૂટી જાય છે. મને હંમેશાં ચિંતા થાય છે કે જમવાનું કેવું બનશે. એટલે હું ઘણી બધી વાનગીઓ બનાવવા પર નહિ, પણ ભાઈ-બહેનોને સારી રીતે ઓળખવા પર ધ્યાન આપું છું.” જો આપણે પ્રચાર ગ્રૂપમાં કુટુંબ જેવો પ્રેમ બતાવીશું, તો યહોવાની અને ભાઈ-બહેનોની વધારે નજીક આવીશું.—નહે. ૮:૧૦; પ્રે.કા. ૨૦:૩૫.

૧૦. જો સારી રીતે પ્રચાર કરવા અને શીખવવા મદદની જરૂર હોય તો શું કરી શકીએ? (નીતિવચનો ૧:૫; ૨૭:૧૭) (ચિત્ર પણ જુઓ.)

૧૦ પહેલ કરીએ. પ્રચાર કરવામાં અને શીખવવામાં કુશળ બનતા જઈશું તેમ, ભાઈ-બહેનો સાથે મળીને ખુશખબર ફેલાવવામાં વધારે મજા આવશે. શું તમને સારી રીતે પ્રચાર કરવા અને શીખવવા મદદની જરૂર છે? જો એમ હોય તો તમે પહેલ કરીને કોઈની પાસે મદદ માંગી શકો. (નીતિવચનો ૧:૫; ૨૭:૧૭ વાંચો.) જેમ કે, તમે તમારા ગ્રૂપ નિરીક્ષક પાસે મદદ માંગી શકો. તેમને તમારા ધ્યેય વિશે જણાવો. તે એને પૂરો કરવા મદદ કરી શકે છે. તમે ગ્રૂપના પાયોનિયર અથવા અનુભવી ભાઈ-બહેનો પાસે પણ મદદ માંગી શકો. હેધરબહેને એવું જ કર્યું. તે સ્વભાવે શરમાળ છે. તે કહે છે: “મને ફરી મુલાકાતો કરવામાં મદદની જરૂર હતી. એટલે મેં એક પાયોનિયર બહેન પાસે મદદ માંગી. તે બહુ પ્રેમાળ હતા. તે ઘણી વાર મારી સાથે કામ કરતા, મારી ફરી મુલાકાતોમાં આવતાં અને તેમણે એક બાઇબલ અભ્યાસ શરૂ કરવા પણ મદદ કરી. હું બહુ ખુશ છું કે મેં સામે ચાલીને મદદ માંગી. હવે મને પ્રચાર કરવામાં પહેલાંની જેમ બહુ મજા આવે છે.” સાચે જ, આપણે ઘણી રીતે પ્રચાર ગ્રૂપને ટેકો આપી શકીએ છીએ.

એક યુવાન બહેન એક મોટી ઉંમરનાં અનુભવી બહેનને સાથે પ્રચારમાં જવાનું પૂછી રહી છે.

ગ્રૂપ નાનું હશે તો ભાઈ-બહેનોને સારી રીતે ઓળખી શકીશું અને તેઓ સાથે પ્રચારમાં જવાની મજા માણી શકીશું (ફકરો ૧૦ જુઓ)


પ્રચાર ગ્રૂપની ગોઠવણથી કઈ રીતે ફાયદો થાય છે?

૧૧-૧૨. યહોવાની નજીક રહેવા પ્રચાર ગ્રૂપની ગોઠવણથી કઈ રીતે મદદ મળી શકે? એક અનુભવ જણાવો.

૧૧ યહોવાની નજીક રહી શકીએ છીએ. પ્રચાર ગ્રૂપની ગોઠવણથી બધાને ફાયદો થાય છે અને સમયસર ઉત્તેજન મળી રહે છે. વિધવાઓ, અનાથો અને વૃદ્ધો યહોવાની નજરમાં ખૂબ અનમોલ છે. તે પ્રચાર ગ્રૂપ દ્વારા તેઓની પણ સારી સંભાળ રાખે છે. (૧ થેસ્સા. ૨:૮; યાકૂ. ૧:૨૭) પ્રચાર ગ્રૂપથી ખુશખબર ફેલાવવાના કામમાં અને શીખવવાના કામમાં જરૂરી તાલીમ મળે છે. બાપ્તિસ્મા પામેલા ભાઈઓને જરૂરી મદદ મળે છે, જેથી તેઓ આગળ જતાં મંડળની જવાબદારીઓ ઉપાડી શકે.—૧ તિમો. ૩:૧૦.

૧૨ વેન્ડીબહેન વિશે આપણે અગાઉ જોઈ ગયા. તેમને પ્રચાર ગ્રૂપની ગોઠવણથી કઈ રીતે ફાયદો થયો? તે કહે છે: “મારા પપ્પા સાક્ષીઓનો ખૂબ વિરોધ કરતા હતા. એટલે મારાં મમ્મી ઘણી વાર અઠવાડિયાને અંતે પ્રચારમાં જઈ શકતાં ન હતાં. પણ મને પ્રચારમાં જવાની છૂટ હતી. એક વૃદ્ધ પાયોનિયર બહેને મારી સાથે દોસ્તી કરી. તે અવાર-નવાર મારી સાથે પ્રચારમાં આવતાં. તેમની પાસેથી હું ઘણું શીખી શકી. હું શીખી કે પ્રચારમાં લોકો સાથે કઈ રીતે વાત કરી શકું અને મંડળમાં કઈ રીતે મદદ કરી શકું. મને યાદ છે કે મારા ગ્રૂપ નિરીક્ષક અનેક વાર મને બાઇબલમાંથી સલાહ આપતા અને એ સલાહ મને આજ દિન સુધી કામ લાગે છે.”

૧૩. પ્રચાર ગ્રૂપને ટેકો આપવાથી કઈ રીતે પાકા દોસ્તો બનાવવા મદદ મળે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૩ હંમેશાં સાથ નિભાવે એવા દોસ્તો બનાવી શકીએ છીએ. જ્યારે આપણે ગ્રૂપનાં ભાઈ-બહેનો સાથે “ખભેખભા મિલાવીને” પ્રચાર કરીએ છીએ, ત્યારે પાકા દોસ્તો બનાવી શકીએ છીએ. (ફિલિ. ૧:૨૭) અમુક ભાઈ-બહેનો શરમાળ હોય છે અને વધારે લોકોને જોઈને શાંત થઈ જાય છે. પણ નાનું ગ્રૂપ હોવાથી એવાં ભાઈ-બહેનો માટે પણ દોસ્તો બનાવવું સહેલું થઈ શકે છે. (૨ કોરીં. ૬:૧૩) જ્યારે આપણે બીમાર પડીએ, નિરાશ થઈ જઈએ અથવા કોઈ સગું-વહાલું ગુજરી જાય, ત્યારે આપણા દોસ્તો તરત મદદે દોડી આવે છે. (૧ થેસ્સા. ૫:૧૪) મોટી વિપત્તિ નજીક આવતી જાય છે તેમ, આપણને એવા દોસ્તોની વધારે જરૂર પડશે. (માથ. ૨૪:૨૧) એ સાચું છે કે ભાઈ-બહેનો આપણી મુશ્કેલીઓ દૂર નહિ કરી શકે. પણ તેઓ આપણને પ્રેમ કરે છે અને સાથ આપવા તૈયાર છે, એ વાત યાદ રાખવાથી મુશ્કેલીઓમાં ટકી રહેવા મદદ મળે છે.—નીતિ. ૧૭:૧૭.

અગાઉના ચિત્રમાં બતાવેલી બહેનો પ્રચારની સભા પછી સાથે મળીને પ્રચારમાં જઈ રહ્યાં છે. એ પ્રચાર ગ્રૂપનાં બીજાં ભાઈ-બહેનો પણ પ્રચાર વિસ્તારમાં જઈ રહ્યાં છે.

એક પ્રચાર ગ્રૂપની બે બહેનો જોડે પ્રચારમાં જાય છે (ફકરો ૧૩ જુઓ)


૧૪. પ્રચાર ગ્રૂપની ગોઠવણથી આપણને કઈ રીતે આફતના સમયે મદદ મળે છે?

૧૪ આફતના સમયે મદદ મળે છે. અચાનક બીમાર પડીએ, રોગચાળો ફાટી નીકળે, કુદરતી આફત આવી પડે અથવા સતાવણી થાય ત્યારે પ્રચાર ગ્રૂપની ગોઠવણથી ઘણી મદદ મળે છે. દાખલા તરીકે, આફત આવે ત્યારે ગ્રૂપ નિરીક્ષક પોતાના ગ્રૂપના દરેક ભાઈ-બહેનનો સંપર્ક કરે છે અને જાણવાની કોશિશ કરે છે કે શું તેઓને દવા, ખોરાક-પાણી, કપડાં કે આશરાની જરૂર છે. એ માહિતી મેળવ્યા પછી નિરીક્ષક તેઓને મદદ કરવાની ગોઠવણ કરે છે. જો તેમના ગ્રૂપનાં ભાઈ-બહેનોને કોઈ ખાસ મદદની જરૂર હોય, તો ગ્રૂપ નિરીક્ષક સેવા સમિતિ સાથે વાત કરે છે. પછી એ ભાઈઓ ભેગા મળીને મદદ કરવાની યોજના બનાવે છે. ખરેખર, પ્રચાર ગ્રૂપની ગોઠવણથી કેટલો ફાયદો થાય છે! એનાથી આપણને જરૂરી મદદ મળી રહે છે. એટલું જ નહિ, ભાઈ-બહેનોનો સાચો પ્રેમ અનુભવી શકીએ છીએ.

૧૫. યહોવાના બધા ભક્તો ભેગા મળીને કયું કામ કરે છે?

૧૫ શરૂઆતમાં જોઈ ગયા કે યહોવાનું સંગઠન બહુ મોટું છે. એ સંગઠનના સ્વર્ગમાંના ભાગમાં લાખો-કરોડો દૂતો છે. પૃથ્વી પરના ભાગમાં ૯૦ લાખ કરતાં વધારે ભાઈ-બહેનો છે અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. (ઝખા. ૮:૨૩; પ્રકટી. ૫:૧૧) યહોવાના બધા ભક્તો ભેગા મળીને ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરવામાં મદદ કરે છે. (પ્રકટી. ૧૪:૬, ૭) એ કામ આપણે સારી રીતે કરી શકીએ એ માટે પ્રચાર ગ્રૂપની ગોઠવણ કરવામાં આવી છે. ચાલો એ ગોઠવણથી પૂરેપૂરો ફાયદો મેળવીએ અને પૂરા દિલથી યહોવાના નામનો જયજયકાર કરીએ.—ગીત. ૧૧૧:૧.

તમે શું કહેશો?

  • ગ્રૂપ નિરીક્ષક અને તેમના સહાયક કઈ રીતે ગ્રૂપનાં ભાઈ-બહેનોની સંભાળ રાખે છે?

  • આપણે બધા કઈ રીતે પ્રચાર ગ્રૂપને ટેકો આપી શકીએ?

  • પ્રચાર ગ્રૂપની ગોઠવણથી આપણને કઈ રીતે ફાયદો થાય છે?

ગીત ૧૭ હિંમત ન હારો!

a અમુક નામ બદલ્યાં છે.

b વડીલ ન હોય તો જરૂર પડ્યે યોગ્ય સહાયક સેવક ગ્રૂપની સંભાળ રાખવાની જવાબદારી ઉપાડી શકે. આવા સહાયક સેવકને ગ્રૂપ સેવક કહેવામાં આવે છે, કેમ કે તે મંડળમાં વડીલ તરીકે સેવા આપતા નથી. એ જવાબદારી તે વડીલોના માર્ગદર્શન પ્રમાણે નિભાવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો