ઑગસ્ટ ૧૭-૨૩, ૨૦૨૬
ગીત ૫૩ સંપીને રહીએ
દોસ્તી કાયમ ટકાવી રાખીએ!
“કરુણા, દયા, નમ્રતા, કોમળતા અને ધીરજ પહેરી લો.”—કોલો. ૩:૧૨.
આપણે શું શીખીશું?
કઈ અમુક બાબતોને લીધે ભાઈ-બહેનો સાથેની દોસ્તીમાં તિરાડ પડી શકે છે? પણ દોસ્તી ટકાવી રાખવા શું કરી શકીએ?
૧. સાચા દોસ્તો ક્યાં મળી શકે?
છેલ્લા દિવસોમાં આપણું જીવન તણાવથી ભરેલું છે. એવામાં જો સાચા દોસ્તોનો સાથ ન હોય, તો જીવન જીવવું વધારે અઘરું બની જાય છે. યહોવા એ સારી રીતે જાણે છે, એટલે તેમણે આપણને સાચા દોસ્તો આપ્યા છે. (ગીત. ૧૧૯:૬૩) તે આપણને એક એવા કુટુંબમાં લાવ્યા છે, જેમાં બધા લોકો તેમની ભક્તિ કરે છે અને એકબીજાને દિલથી પ્રેમ કરે છે. આ જ કુટુંબમાં આપણને સાચા દોસ્તો મળે છે.
૨. આપણે ભાઈ-બહેનો સાથે કેવી દોસ્તી કરવા માંગીએ છીએ?
૨ ભાઈ-બહેનો સાથેની આપણી દોસ્તી બસ નામ ખાતર નહિ, પણ ગાઢ હોય છે. આપણે બધા યહોવા અને ઈસુને પ્રેમ કરીએ છીએ અને એ જ પ્રેમ આપણને બધાને સંપની દોરીથી બાંધી રાખે છે. (યોહા. ૧૩:૩૫) પણ ભાઈ-બહેનો સાથે પાકી દોસ્તી કંઈ આપોઆપ નથી થઈ જતી, એમાં સમય અને મહેનત લાગે છે. અધૂરામાં પૂરું આપણે બધા કોઈ ને કોઈ ભૂલ કરી બેસીએ છીએ. એટલે અમુક બાબતોને લીધે કદાચ દોસ્તી ટકાવી રાખવી અઘરું લાગી શકે છે.
૩. કેમ દોસ્તી ટકાવી રાખવી ક્યારેક અઘરું લાગી શકે?
૩ એ સાચું છે કે અમુક ભાઈ-બહેનો સાથે દોસ્તી કરવી અને એ ટકાવી રાખવી સહેલું લાગે છે. કેમ કે કદાચ આપણી પસંદ-નાપસંદ અથવા સ્વભાવ એક જેવા હોય. પણ બીજાં અમુક ભાઈ-બહેનો સાથે દોસ્તી ટકાવી રાખવી અઘરું લાગી શકે. એનાં કયાં અમુક કારણો હોય શકે? ક્યારેક એવું બને કે આપણે બીજાઓના વિચારોથી સહમત ન હોઈએ અને એના લીધે તેઓથી દૂર થવા લાગીએ. કદાચ કોઈ ભાઈ કે બહેનનો સ્વભાવ આપણાથી એકદમ અલગ હોય અને એના લીધે તેઓ સાથે સમય વિતાવવો આપણને ન ગમે. બની શકે કે કોઈ ભાઈ કે બહેનને મોટી બીમારી થાય અથવા તે નિરાશ થઈ જાય ત્યારે તેમની સાથે દોસ્તી નિભાવી રાખવી આપણને અઘરું લાગે. આ લેખમાં આપણે ઈસુ પાસેથી શીખીશું કે દોસ્તી ટકાવી રાખવા શું કરી શકીએ. પણ સૌથી પહેલા જોઈએ કે કયા ગુણો કેળવવાથી આપણે ભાઈ-બહેનોની હંમેશાં નજીક રહી શકીશું.
દોસ્તી ટકાવી રાખવા મદદ કરે એવા ગુણો
૪. આપણે કઈ રીતે દોસ્તી પાકી કરી શકીએ?
૪ ભાઈ-બહેનો સાથે દોસ્તી પાકી કરવા તેઓના સારા ગુણો પર ધ્યાન આપીએ. તેઓ સાથે સમય વિતાવવાથી તેઓના સારા ગુણો જોઈ શકીશું. પ્રેરિત પાઉલ પણ ભાઈ-બહેનો સાથે સમય વિતાવવા માંગતા હતા, એટલે તેમણે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને લખ્યું: “તમને મળવા અમે બનતા બધા પ્રયત્નો કર્યા.” (૧ થેસ્સા. ૨:૧૭) ઘણાં ભાઈ-બહેનોને લાગે છે કે રૂબરૂ મળવું, એ દોસ્તી પાકી કરવાની સૌથી સારી રીત છે. આપણને સભાઓમાં, પ્રચારમાં, સંમેલનોમાં અને મહાસંમેલનોમાં એકબીજાને મળવાની સરસ તક મળે છે. પણ એવું નથી કે બે દોસ્તો સાથે સમય વિતાવશે તો, તેઓ વચ્ચે કદી કોઈ મુશ્કેલી ઊભી નહિ થાય અથવા કોઈ મુશ્કેલી આપમેળે દૂર થઈ જશે.
૫. મુશ્કેલીઓ છતાં દોસ્તી ટકાવી રાખવા શાનાથી મદદ મળશે? દાખલો આપીને સમજાવો. (કોલોસીઓ ૩:૧૨)
૫ ઈશ્વર જેવા ગુણો કેળવીશું તો મુશ્કેલીઓ છતાં ભાઈ-બહેનો સાથેની દોસ્તીમાં તિરાડ નહિ પડે. (કોલોસીઓ ૩:૧૨ વાંચો.) નમ્રતા, ધીરજ, દયા અને કરુણા જેવા ગુણો કેળવીશું તો દોસ્તીમાં આવતી મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકીશું. દાખલા તરીકે, કાર કે સાઇકલ સારી રીતે ચાલે અને કોઈ તકલીફ ઊભી ન થાય એ માટે આપણે એમાં ઓઇલિંગ કરાવતા રહીએ છીએ. એવી જ રીતે, જો આપણે ભાઈ-બહેનો સાથેની દોસ્તી કાયમ ટકાવી રાખવા ચાહતા હોઈએ, તો આપણે ઈશ્વરને ગમતા ગુણો કેળવવા જોઈએ. ચાલો હવે ત્રણ બાબતો પર ધ્યાન આપીએ, જેના લીધે દોસ્તી તૂટી શકે છે. સાથે સાથે એ પણ જોઈશું કે આપણે કઈ રીતે ઈસુની જેમ નમ્રતા, ધીરજ, દયા અને કરુણા બતાવી શકીએ અને ભાઈ-બહેનોના સાચા દોસ્ત સાબિત થઈ શકીએ.
એકબીજાના વિચારોથી સહમત ન હોઈએ ત્યારે
૬. મતભેદોના લીધે કઈ રીતે દોસ્તીમાં તિરાડ પડી શકે છે?
૬ એના લીધે દોસ્તી ટકાવી રાખવી કેમ અઘરું થઈ શકે? જ્યારે બે લોકો એકબીજાથી સહમત ન હોય, ત્યારે તેઓને પોતાના જ વિચારો સાચા લાગતા હોય છે. ધારો કે એક પ્રચાર ગ્રૂપનાં ભાઈ-બહેનો કઈ રીતે પ્રચાર કરશે, એ વિશે બે ભાઈઓના વિચારો એકબીજાથી અલગ છે. બંનેને લાગે છે કે પોતાની રીત સાચી છે. જો તેઓ પોતાની વાત પર અડી રહેશે અને પોતાને સાચા સાબિત કરવા પર જ ધ્યાન આપશે, તો વાત વધારે બગડી શકે છે. અરે, એ મતભેદના લીધે તેઓના સંબંધમાં કડવાશ આવી શકે છે. સંજોગો વણસી ન જાય એ માટે તેઓએ દિલ ખોલીને વાત કરવી જોઈએ અને સાથે મળીને કોઈ ઉકેલ લાવવો જોઈએ. જો તેઓ એવું નહિ કરે, તો કદાચ તેઓનાં મનમાં નફરતનાં બી રોપાશે. ધીરે ધીરે કદાચ તેઓ એકબીજાથી દૂર થઈ જશે અને સમય જતાં એક નાની અમથી વાતને લીધે તેઓની દોસ્તી તૂટી જશે.
૭. ઈસુએ શિષ્યોને કઈ રીતે શીખવ્યું કે નમ્રતાનો ગુણ હશે તો તેઓ મતભેદો દૂર કરી શકશે?
૭ ઈસુ પાસેથી નમ્રતા બતાવવાનું શીખીએ. તેમણે શિષ્યોને શીખવ્યું કે મતભેદો દૂર કરવા નમ્રતાનો ગુણ તેઓને મદદ કરશે. થોડા સમયથી શિષ્યો વચ્ચે દલીલો થતી હતી કે તેઓમાં સૌથી મોટું કોણ. ઈસુ જાણતા હતા કે શિષ્યો માટે એ બહુ મોટો મુદ્દો છે. એટલે તેઓના વિચારો સુધારવા ઈસુએ સમજાવ્યું કે તેઓએ બીજાઓને ચઢિયાતા ગણવા જોઈએ. (માથ. ૨૦:૨૫-૨૮) તેમણે તેઓને નમ્ર બનવાનું શીખવ્યું. પોતાના મરણની આગલી રાતે ઈસુએ નમ્ર બનીને એક સેવકનું કામ કર્યું. તેમણે શિષ્યોના પગ ધોયા અને નમ્રતા બતાવવામાં સારો “દાખલો બેસાડ્યો.” (યોહા. ૧૩:૩-૫, ૧૨-૧૬) આમ, તેમણે બતાવી આપ્યું કે દોસ્તી ટકાવી રાખવા શિષ્યોએ શું કરવાનું હતું. તેઓએ બીજાઓને પોતાનાથી ચઢિયાતા ગણવાના હતા, જેથી મતભેદો ઊભા થાય ત્યારે જતું કરવું સહેલું થઈ જાય. તેમ જ, તેઓએ નમ્ર બનવાનું હતું, જેથી એકબીજાના વિચારો મેળ ન ખાય ત્યારે પણ દોસ્તી પર ઊની આંચ ન આવે.
૮. મતભેદો થાય ત્યારે દોસ્તી ટકાવી રાખવા નમ્રતાનો ગુણ કઈ રીતે મદદ કરી શકે? (કોલોસીઓ ૩:૧૩) (ચિત્રો પણ જુઓ.)
૮ કઈ રીતે દોસ્તી ટકાવી રાખી શકીએ? નમ્રતાનો ગુણ હશે તો નાના નાના મતભેદો નજરઅંદાજ કરી શકીશું અને બીજાઓને દિલથી માફ કરી શકીશું. (કોલોસીઓ ૩:૧૩ વાંચો.) આપણે તરત ગુસ્સે નહિ થઈએ અને સંબંધો સાચવી શકીશું. (ગીત. ૪:૪) જો સામેવાળી વ્યક્તિ ગુસ્સામાં કંઈક કહી દે, તો યાદ રાખીએ કે આપણે બધા ક્યારેક ને ક્યારેક એવું કંઈક બોલી દઈએ છીએ, જેનો પછીથી પસ્તાવો થાય. (સભા. ૭:૨૧, ૨૨) પોતાને પૂછીએ, ‘મારા માટે વધારે મહત્ત્વનું શું છે, દોસ્તી ટકાવી રાખવી કે પછી પોતાને સાચા સાબિત કરવું?’ નમ્રતાનો ગુણ હશે તો બીજાઓની વાત સ્વીકારવી સહેલું થઈ જશે. પાકો નિર્ણય લઈએ કે જે વિશે મતભેદ થયો હતો એને વાગોળ્યા નહિ કરીએ અને ફરી કદી એ મુદ્દો નહિ ઉખેડીએ. આમ આપણને મનની શાંતિ મળશે અને દોસ્તીમાં તિરાડ નહિ પડે.
નમ્રતાનો ગુણ હશે તો નાના નાના મતભેદો નજરઅંદાજ કરી શકીશું અને બીજાઓને દિલથી માફ કરી શકીશું (ફકરો ૮ જુઓ)a
૯. જો મતભેદો દૂર કરવા બહુ અઘરું લાગતું હોય તો નમ્રતાના ગુણથી કઈ રીતે મદદ મળી શકે? (નીતિવચનો ૧૭:૯)
૯ બની શકે કે ક્યારેક મતભેદો દૂર કરવા ખૂબ અઘરું લાગે. પણ નમ્ર રહેવાથી ઘણી મદદ મળશે. કદી પોતાની વાત સાચી સાબિત કરવા દલીલો ન કરીએ. (નીતિવચનો ૧૭:૯ વાંચો; ૧ કોરીં. ૬:૭) આપણો એ જ પ્રયત્ન હોવો જોઈએ કે દોસ્ત સાથે સંબંધો સચવાય. ઘણા લોકો એકબીજા સાથેના મતભેદો દૂર કરી શક્યા છે અને તમે પણ કરી શકશો. તેઓએ જોયું છે કે મતભેદ વિશે પ્રેમથી વાત કરવાથી સારાં પરિણામ મળે છે. (ગીત. ૩૪:૧૪) તમારા દોસ્તને આવું કંઈક કહી શકો: ‘આપણે ઘણા સમયથી દોસ્તો છીએ. આપણી વચ્ચે જે થયું, શું એના વિશે વાત કરી શકીએ?’ તમારા દોસ્ત સાથે સંબંધો સુધારવા બનતું બધું કરો. શું તમારી કોઈ વાતથી તમારા દોસ્તને ખોટું લાગ્યું હતું? જો એમ હોય તો તેને જણાવે કે તમને એ વાતનો અફસોસ છે અને તેની માફી માંગો. જો તે સામે ચાલીને માફી માંગે, તો નમ્ર બનીને તેને માફ કરી દો. (લૂક ૧૭:૩, ૪) તમે દોસ્ત સાથે વાત કરો ત્યારે યાદ રાખો કે તમે દોસ્તને કેમ મળવા માંગો છો. એ સાબિત કરવા નહિ કે કોણ સાચું છે અને કોણ ખોટું. તમારો ધ્યેય છે કે તમારી વચ્ચેનો મતભેદ દૂર થઈ જાય અને તમારી દોસ્તી ફરી પાકી થઈ જાય.—નીતિ. ૧૮:૨૪.
એકબીજાનો સ્વભાવ અલગ હોય ત્યારે
૧૦. દોસ્તી ટકાવી રાખવી કેમ અઘરું લાગી શકે?
૧૦ એના લીધે દોસ્તી ટકાવી રાખવી કેમ અઘરું થઈ શકે? જે ભાઈ-બહેનોનો સ્વભાવ આપણાથી એકદમ અલગ હોય, તેઓ સાથે દોસ્તી કરવી અને ટકાવી રાખવી અઘરું લાગી શકે. કદાચ તેઓના કોઈ વર્તન કે આદતથી આપણને ચીડ ચઢતી હોય. તેઓ બીજાઓ સાથે જે રીતે વાત કરે છે અથવા વર્તે છે એ આપણને અજુગતું લાગતું હોય. તેઓ એવા છે, એનું કારણ હોય શકે કે અગાઉ તેઓ સાથે કોઈ ખરાબ બનાવ બન્યો હોય અથવા તેઓનો ઉછેર એવા સમાજમાં થયો હોય, જેમાં લોકો બહુ જ ઓછાબોલા હોય કે પછી બહુ વાતોડિયા હોય. કદાચ એવું બને કે તેઓ આપણાથી બિલકુલ અલગ હોય. જેમ કે, આપણા માટે બધા સાથે હળવું-મળવું સહેલું હોય, પણ તેઓ બહુ જ શરમાળ હોય અથવા આપણે શરમાળ હોઈએ અને તેઓ મિલનસાર.
૧૧. પોતાનાથી અલગ સ્વભાવવાળા લોકો સાથે ઈસુ કઈ રીતે દોસ્તી ટકાવી રાખી શક્યા?
૧૧ ઈસુ પાસેથી ધીરજ બતાવવાનું શીખીએ. ઈસુ એવા લોકોના પણ સારા દોસ્ત હતા, જેઓનો સ્વભાવ તેમનાથી અલગ હતો. પ્રેરિત યાકૂબ અને યોહાનનો જ વિચાર કરો. તેઓ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા સાબિત કરવા માંગતા હતા. તેઓને ઈશ્વરના રાજ્યમાં મોટી પદવી જોઈતી હતી. (માર્ક ૧૦:૩૫-૩૭) પણ ઈસુ નમ્ર હતા. તે સ્વર્ગમાંથી પોતાનું ઊંચું સ્થાન છોડીને, આ પૃથ્વી પર બીજાઓની સેવા કરવા આવ્યા હતા. (ફિલિ. ૨:૫-૮) ઈસુના અને એ પ્રેરિતોના સ્વભાવ વચ્ચે આભ-જમીનનો ફરક હતો. છતાં તે યાકૂબ, યોહાન અને બીજાઓ સાથે ધીરજથી વર્ત્યા.
૧૨. ઈસુ કેમ પોતાના દોસ્તો સાથે ધીરજથી વર્તી શક્યા?
૧૨ ઈસુએ એવી આશા ન રાખી કે તેમના દોસ્તોથી કદી ભૂલો નહિ થાય. તે જાણતા હતા કે પોતાને ચઢિયાતા સાબિત કરવાનું વલણ ફક્ત યાકૂબ અને યોહાનમાં જ નહિ, બીજા ઘણા શિષ્યોમાં હતું. (માર્ક ૯:૩૪) ઈસુના સમયના ધર્મગુરુઓ મોટું નામ કમાવા પર અને માન-મોભો મેળવવા પર વધારે ધ્યાન આપતા હતા. ઈસુનો ઉછેર પણ એવા જ સમાજમાં થયો હતો, એટલે તે શિષ્યોના વિચારો સારી રીતે સમજતા હતા. તે જાણતા હતા કે ઘમંડ અને પોતાને ચઢિયાતા સાબિત કરવાનું વલણ શિષ્યોનાં મનમાં વર્ષોથી ઘર કરી ગયું હતું અને એને દૂર કરતા સમય લાગવાનો હતો. એટલે તે તેઓ સાથે ધીરજથી વર્ત્યા.—માર્ક ૧૦:૪૨-૪૫.
૧૩. ધીરજનો ગુણ કઈ રીતે દોસ્તી ટકાવી રાખવા મદદ કરશે? (એફેસીઓ ૪:૨)
૧૩ કઈ રીતે દોસ્તી ટકાવી રાખી શકીએ? ધીરજનો ગુણ કેળવતા રહીએ. એ ગુણ કેળવીશું તો ભાઈ-બહેનોના સ્વભાવ કે આદતોથી તરત ચિડાઈ નહિ જઈએ. (નીતિ. ૧૪:૨૯) આપણા બધામાં અલગ અલગ ગુણો અને આદતો છે, બોલવા-ચાલવાની ઢબ અલગ છે. પણ અલગ હોવું એનો અર્થ હંમેશાં એ નથી થતો કે કંઈક ખામી છે. એ તો આપણા સ્વભાવનો ભાગ છે. એટલે આપણે જેવા છીએ એવા જ બીજા લોકો આપણને સ્વીકારે છે ત્યારે ઘણું સારું લાગે છે. (એફેસીઓ ૪:૨ વાંચો.) એવી જ રીતે, બીજાઓ જેવા છે એવા જ આપણે તેઓને સ્વીકારવા જોઈએ. તેઓ આપણા જેવા બને એવી અપેક્ષા ન રાખવી જોઈએ. ધારો કે એક વ્યક્તિ શાંત અને શરમાળ છે. તેને બીજાઓ સાથે વાત કરવી અને હળવું-મળવું ખૂબ અઘરું લાગે છે. એવી વ્યક્તિ સાથે આપણે ધીરજથી વર્તવું જોઈએ. બીજી બાજુ, એક વ્યક્તિની વાતો ખૂટતી જ નથી. તેને પોતાની કોઈ પણ લાગણી જણાવવામાં શરમ લાગતી નથી. એવી વ્યક્તિ સાથે પણ આપણે ધીરજ રાખવી જોઈએ. એ સાચું છે કે અલગ અલગ સ્વભાવ હોવાને લીધે આપણે બધાના પાકા દોસ્ત નથી બની શકતા. પણ તેઓ સાથે દોસ્તી તો કરી જ શકીએ છીએ અને હળી-મળીને યહોવાની ભક્તિ કરી શકીએ છીએ.
૧૪. ધીરજનો ગુણ હશે તો શાના પર ધ્યાન આપી શકીશું?
૧૪ ધીરજનો ગુણ હશે તો ભાઈ-બહેનોની ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન આપી શકીશું. એમ કરીશું તો અલગ અલગ સ્વભાવ હોવા છતાં દોસ્તીમાં તિરાડ નહિ પડવા દઈએ. દાખલા તરીકે, યાકૂબ અને યોહાન ઊંચી પદવી મેળવવા માંગતા હતા. પણ તેઓની માંગણીથી દેખાઈ આવ્યું કે તેઓને ઈશ્વરના રાજ્યમાં પૂરો ભરોસો હતો. એ રાજ્ય તેઓ માટે એક હકીકત હતું. ઈસુએ એ વાત પર ધ્યાન આપ્યું અને તેઓની અડગ શ્રદ્ધાના વખાણ કર્યા. જ્યારે આપણે દોસ્તોના સારા ગુણો પર ધ્યાન આપીએ છીએ, ત્યારે પિતા યહોવા અને ઈસુ જેવું કરીએ છીએ.
૧૫. આપણાથી અલગ સ્વભાવવાળાં ભાઈ-બહેનો સાથે દોસ્તી ટકાવી રાખવા કોણ મદદ કરી શકે?
૧૫ જો કોઈ ભાઈ કે બહેનના સ્વભાવને લીધે તેમની સાથે દોસ્તી ટકાવી રાખવી અઘરું લાગતું હોય, તો શું કરી શકીએ? સૌથી મહત્ત્વનું, આપણે યહોવા પાસે મદદ માંગી શકીએ. વિચારીએ કે કેવા સંજોગોમાં તેમના સ્વભાવને લીધે આપણે ચિડાઈ જઈ શકીએ છીએ. પછી પહેલેથી એ વિશે યહોવાને પ્રાર્થના કરીએ, જેથી એવા સંજોગો ઊભા થાય ત્યારે શાંત રહી શકીએ. યાદ રાખીએ કે યહોવાએ જ આપણને બનાવ્યા છે. તે જાણે છે કે આપણે એકબીજાથી એકદમ અલગ છીએ. એટલે પ્રાર્થના કરીએ ત્યારે પૂરો ભરોસો રાખીએ કે યહોવા આપણી લાગણી સારી રીતે સમજે છે અને તે જરૂર પડ્યે આપણને ધીરજ રાખવા ચોક્કસ મદદ કરશે. જો ક્યારેય એવું લાગે કે આપણી ધીરજ ખૂટી જશે, તો યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીએ. એની મદદથી આપણે ગુસ્સા પર કાબૂ રાખી શકીશું અને સારી રીતે વર્તી શકીશું.—લૂક ૧૧:૧૩; ગલા. ૫:૨૨, ૨૩.
ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય ત્યારે
૧૬. ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય ત્યારે દોસ્તી ટકાવી રાખવી કેમ અઘરું થઈ શકે?
૧૬ એના લીધે દોસ્તી ટકાવી રાખવી કેમ અઘરું થઈ શકે? જો કોઈ ભાઈ કે બહેન બીમાર થઈ જાય અથવા ખૂબ દુઃખી કે નિરાશ થઈ જાય, તો કદાચ તેમની સાથે દોસ્તી ટકાવી રાખવી અઘરું લાગી શકે. દાખલા તરીકે, તે શાંત શાંત થઈ જાય, વાતે વાતે ચિડાઈ જાય અથવા અચાનક તેમનો મૂડ બદલાઈ જાય. કદાચ તે એવું કંઈક કહી દે અથવા કરી બેસે, જેનાથી આપણને દુઃખ પહોંચે. (અયૂ. ૬:૨, ૩) એવું પણ બને કે તે જે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે એ વિશે આપણને કંઈ ખબર ન હોય. એટલે આપણે ચાહતા હોઈએ એ રીતે તે ન પણ વર્તે.
૧૭. ઈસુ બર્તિમાય સાથે જે રીતે વર્ત્યા એમાંથી શું શીખવા મળે છે?
૧૭ ઈસુ પાસેથી દયા અને કરુણા બતાવવાનું શીખીએ. ઈસુ કદી દુખિયારા લોકોથી દૂર ભાગતા ન હતા. તે તેઓને ખૂબ પ્રેમ કરતા હતા. તે તેઓને પહેલી વાર મળે તોપણ દયા અને કરુણા બતાવતા. ધ્યાન આપો કે ઈસુ બર્તિમાય નામના એક આંધળા માણસ સાથે કઈ રીતે વર્ત્યા. જ્યારે તેણે સાંભળ્યું કે ઈસુ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તે ઈસુનું ધ્યાન ખેંચવા મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યો. ટોળામાંથી અમુકે તેને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું. પણ તેની બહુ ઇચ્છા હતી કે ઈસુ તેને સાજો કરે. એટલે તે વધારે બૂમો પાડવા લાગ્યો. ટોળામાંથી અમુક લોકો કદાચ બર્તિમાયના વર્તનથી ચિડાઈ ગયા હશે. શું ઈસુને પણ એવું લાગ્યું? ના! એ માણસને જોઈને તેમનું “હૈયું કરુણાથી ભરાઈ આવ્યું.” (માથ. ૨૦:૩૪; માર્ક ૧૦:૪૬-૫૨) તેમણે બર્તિમાય સાથે પ્રેમથી વાત કરી અને તેની શ્રદ્ધાના વખાણ કર્યા. પછી ઈસુએ ચમત્કાર કરીને તેને દેખતો કર્યો.
૧૮. મુશ્કેલીમાં હોય એવા દોસ્તો સાથે કઈ રીતે વર્તવું જોઈએ? (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪)
૧૮ કઈ રીતે દોસ્તી ટકાવી રાખી શકીએ? દયા અને કરુણા બતાવીએ. આ ગુણ હશે તો આપણે એવાં ભાઈ-બહેનોને “દિલાસો” આપી શકીશું, જેઓ બીમાર છે અથવા નિરાશ થઈ ગયાં છે. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪ વાંચો.) યાદ રાખીએ, એક સાચો દોસ્ત હંમેશાં મદદ કરે છે, ખાસ કરીને “મુસીબતના સમયે” તે દોડી આવે છે. (નીતિ. ૧૭:૧૭) એવો દોસ્ત ફક્ત બીજાઓના દુઃખમાં દુઃખી જ નથી થતો, પણ તેઓની પડખે ઊભો રહે છે. તે પોતાના શબ્દોથી તેઓને ઉત્તેજન આપે છે અને તેઓને મદદ કરવા બનતું બધું કરે છે.
૧૯. બીજાઓને દયા અને કરુણા બતાવવા શું કરી શકીએ? (ચિત્રો પણ જુઓ.)
૧૯ બીજાઓને દયા અને કરુણા બતાવવા શું કરી શકીએ? એ સાચું છે કે આપણે તેઓનાં દુઃખ-દર્દ દૂર નથી કરી શકતા, પણ તેઓને હમદર્દી બતાવી શકીએ છીએ. તેઓ પર શું વીતી રહ્યું છે એ સમજવાની કોશિશ કરીએ. (માથ. ૭:૧૨; ૧ પિત. ૩:૮) તેઓ દિલ ઠાલવે ત્યારે ધ્યાનથી સાંભળીએ. જો શક્ય હોય તો સમય-સંજોગોને ધ્યાનમાં રાખીને દિલાસો આપીએ. (નીતિ. ૧૨:૨૫) એવું ન ધારી લઈએ કે આપણને તેમના સંજોગો વિશે બધું જ ખબર છે. (નીતિ. ૧૮:૧૩) તેઓ સાથે ધીરજથી વર્તીએ. તેઓ પાસેથી એવી કોઈ અપેક્ષા ન રાખીએ જે તેઓ ન કરી શકે.—એફે. ૪:૩૨.
સાચા દોસ્તો કરુણા અને દયા બતાવીને દિલાસો આપે છે (ફકરો ૧૯ જુઓ)
૨૦. તમે કેવા દોસ્ત બનવા માંગો છો?
૨૦ યહોવાના કુટુંબમાં આપણને સાચા દોસ્તો મળ્યા છે. એ દોસ્તો આપણને ખૂબ વહાલા છે. પણ ઘણી વાર આપણાથી ભૂલો થાય છે અને જીવનના કડવા અનુભવોની આપણાં વાણી-વર્તન પર અસર થાય છે. એટલે ક્યારેક એવું કંઈક કહી દઈએ છીએ કે કરી બેસીએ છીએ, જેનાથી બીજાઓને દુઃખ પહોંચે છે. પણ આપણા દોસ્તો આપણને છોડીને જતા નથી રહેતા. તેઓ આપણી સાથે નમ્રતા, ધીરજ, દયા અને કરુણાથી વર્તે છે. એ જોઈને કેટલું સારું લાગે છે! તો ચાલો, આપણે પણ એવા જ દોસ્ત બનવા સખત મહેનત કરીએ.
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ
a ચિત્રની સમજ: પ્રચાર વિસ્તારને લઈને એક મોટી ઉંમરના ભાઈ અને યુવાન ભાઈના વિચારો અલગ અલગ છે. પણ પછી તેઓ સાથે મળીને પ્રચાર કરે છે.