ઑગસ્ટ ૧૦-૧૬, ૨૦૨૬
ગીત ૩૨ અડગ રહીએ
શ્રદ્ધાની કસોટી થાય ત્યારે કઈ રીતે વફાદાર રહી શકીએ?
“માલિક, અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે.”—યોહા. ૬:૬૮.
આપણે શું શીખીશું?
ભલે ગમે એ રીતે શ્રદ્ધાની કસોટી થાય, આપણે યહોવાને વફાદાર રહી શકીએ છીએ.
૧-૨. ઈસુ કાપરનાહુમમાં શીખવતા હતા ત્યારે શું બન્યું?
એક દિવસે ઈસુ કાપરનાહુમમાં અમુક લોકોને શીખવતા હતા. તેમણે કહ્યું: “જો તમે માણસના દીકરાનું માંસ નહિ ખાઓ અને તેનું લોહી નહિ પીઓ, તો તમને જીવન મળશે નહિ. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને હંમેશ માટેનું જીવન મળશે. હું તેને છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ.” (યોહા. ૬:૫૩, ૫૪) ઘણા શિષ્યોને એ વાત ન ગમી. તેઓએ કહ્યું: “આ વાત ગળે ઉતારવી અઘરી છે. આવું કોણ સાંભળી શકે?”—યોહા. ૬:૬૦.
૨ જે શિષ્યોને ઈસુની વાત ન ગમી, તેઓ તેમને છોડીને જતા રહ્યા. શું તેઓને ઈસુમાં જરાય શ્રદ્ધા ન હતી? ના, એવું ન હતું. આ બનાવ બન્યો એના થોડા સમય પહેલાં અમુક શિષ્યોએ ઈસુના ચમત્કાર જોઈને કહ્યું હતું: “આ ખરેખર એ જ પ્રબોધક છે, જે દુનિયામાં આવવાના હતા.” (યોહા. ૬:૧૪) એટલે કહી શકાય કે તેઓને અમુક હદે ઈસુમાં શ્રદ્ધા હતી. પણ શ્રદ્ધાની કસોટી થઈ ત્યારે તેઓ ઈસુને વફાદાર ન રહ્યા.
૩. ઈસુની વાત સાંભળીને પ્રેરિતોએ શું કર્યું અને કેમ? (ચિત્ર પણ જુઓ.)
૩ ઈસુએ કહ્યું હતું કે શિષ્યોએ તેમનું માંસ ખાવું અને તેમનું લોહી પીવું જરૂરી છે. એ વાત સાંભળીને પ્રેરિતોએ શું કર્યું? ઈસુએ પૂછ્યું કે શું તેઓ પણ તેમને છોડીને જતા રહેવા માંગે છે. એ સમયે પિતરે જવાબ આપ્યો: “માલિક, અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે. અમે માનીએ છીએ અને જાણીએ છીએ કે તમે જ ઈશ્વરના પવિત્ર સેવક છો.” (યોહા. ૬:૬૮, ૬૯) પિતર અને બીજા પ્રેરિતો કદાચ ઈસુની વાત પૂરી રીતે સમજ્યા ન હતા. તોપણ તેઓએ ઈસુનો સાથ ન છોડ્યો. તેઓ તેમને વફાદાર રહ્યા. શા માટે? કેમ કે તેઓને પૂરો ભરોસો હતો કે ઈસુ જ “ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત” છે.—લૂક ૯:૨૦, ૩૫.
ઘણા શિષ્યો ઈસુને છોડીને જતા રહ્યા, પણ પિતરે અને બીજા પ્રેરિતોએ ઈસુનો સાથ ન છોડ્યો (ફકરો ૩ જુઓ)
૪. કયા અમુક સંજોગોમાં આપણી શ્રદ્ધાની કસોટી થઈ શકે છે?
૪ કયા સંજોગોમાં આપણી શ્રદ્ધાની કસોટી થઈ શકે છે? ચાલો અમુક દાખલા જોઈએ. બની શકે કે કોઈ કલમની સમજણમાં અથવા પ્રચાર કરવાની રીતમાં કોઈ ફેરફાર થાય. આપણી સાથે કોઈ કરુણ બનાવ બને અને સમજાય નહિ કે યહોવાએ કેમ એવું થવા દીધું. આપણો નજીકનો દોસ્ત આપણને દુઃખ પહોંચાડે અથવા જે વ્યક્તિ માટે આપણા દિલમાં ખૂબ માન હોય તે આપણી સાથે ખરાબ રીતે વર્તે. આવા અમુક સંજોગોમાં યહોવાને વફાદાર રહેવું અઘરું લાગી શકે છે.
૫. આપણી શ્રદ્ધા મજબૂત હોય એ કેમ જરૂરી છે? એક દાખલો આપો. (કોલોસીઓ ૧:૨૩)
૫ મુશ્કેલીઓમાં યહોવાને વફાદાર રહેવા જરૂરી છે કે આપણી શ્રદ્ધા અડગ હોય. એને સમજવા એક દાખલો લઈએ. ધારો કે એક બિલ્ડિંગ એવી જગ્યાએ છે, જ્યાં વારંવાર ધરતીકંપ આવે છે. જો એ બિલ્ડિંગનો પાયો મજબૂત હશે, તો જ એ ટકી શકશે. એવી જ રીતે, આજની દુનિયામાં ઘણી વાર આપણી શ્રદ્ધાની કસોટી થાય છે. જો આપણી શ્રદ્ધા મજબૂત હશે, તો જ યહોવાને વફાદાર રહી શકીશું. એટલે ખૂબ મહત્ત્વનું છે કે આપણે પોતાની શ્રદ્ધા મજબૂત કરતા રહીએ, જેથી કોઈ પણ કસોટીમાં યહોવાને વફાદાર રહી શકીએ.—૧ કોરીં. ૧૫:૫૮; કોલોસીઓ ૧:૨૩ વાંચો.
૬. પ્રેરિતો કેમ ઈસુને વફાદાર રહી શક્યા?
૬ ઘણા લોકો ઈસુને છોડીને જતા રહ્યા. પણ પ્રેરિતો કેમ ઈસુને વફાદાર રહી શક્યા? તેઓને ખાતરી હતી કે યહોવા સર્જનહાર છે, એટલે તે ભક્તિના હકદાર છે. તેઓને ભરોસો હતો કે ઈસુ જ ઈશ્વરના દીકરા છે અને તેમની પાસે “હંમેશ માટેના જીવનની વાતો” છે. પ્રેરિતોને એ પણ ભરોસો હતો કે યહોવા ઈસુને પૂરો સાથ આપી રહ્યા છે. પણ આપણા વિશે શું? હા, એ સાચું છે કે અલગ અલગ સંજોગોમાં આપણી શ્રદ્ધાની કસોટી થઈ શકે છે. પણ ચાલો જોઈએ કે શાનાથી આપણી શ્રદ્ધા મજબૂત થઈ શકે છે. આપણે એવી ત્રણ બાબતો પર ધ્યાન આપીશું: (૧) યહોવા સર્જનહાર છે. (૨) યહોવાએ બાઇબલ લખાવ્યું છે. (૩) યહોવા આજે પોતાના લોકોને સાથ આપે છે. જો આપણને એ બાબતો પર પૂરો ભરોસો હશે તો દરેક કસોટીમાં યહોવાને વફાદાર રહી શકીશું.
યહોવા સર્જનહાર છે
૭. (ક) પ્રકટીકરણ ૪:૧૧ આપણને યહોવા વિશે શું યાદ અપાવે છે? (ખ) એ કલમ આપણને કસોટીઓમાં કઈ રીતે મદદ કરી શકે?
૭ પ્રકટીકરણ ૪:૧૧ વાંચો. આ કલમ યાદ અપાવે છે કે યહોવાએ જ બધું બનાવ્યું છે. તેમની ભક્તિ કરવાનું આ એક મોટું કારણ છે. જ્યારે આપણે તેમની અપાર શક્તિનો વિચાર કરીએ છીએ, ત્યારે ખાતરી થાય છે કે તે આપણને દરેક કસોટીમાંથી બચાવી શકે છે. પણ શેતાને દુનિયામાં એટલું જૂઠાણું ફેલાવ્યું છે કે લોકોને ઈશ્વરના અસ્તિત્વ પર શંકા થવા લાગે છે. કેટલાક વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આખું બ્રહ્માંડ આપોઆપ આવી ગયું છે અને કોઈ સર્જનહાર નથી. જો આપણને પાકો ભરોસો નહિ હોય કે યહોવા સર્જનહાર છે અને તે આપણને પ્રેમ કરે છે, તો શું થઈ શકે? કદાચ આપણને તેમના અસ્તિત્વ પર શંકા થવા લાગે. કદાચ એવી પણ શંકા થવા લાગે કે તે કસોટીઓમાં આપણને મદદ કરશે કે નહિ.—હિબ્રૂ. ૧૧:૬.
૮-૯. જો શંકા થાય કે યહોવા સર્જનહાર છે કે નહિ તો તમારે શું કરવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)
૮ જો તમને શંકા થવા લાગે કે યહોવા સર્જનહાર છે કે નહિ, તો તરત પગલાં લો. આપણાં સાહિત્યમાં એવા અઢળક પુરાવા છે, જે સાબિત કરે છે કે યહોવાએ જ બધું બનાવ્યું છે. એ સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવાથી તમારી શ્રદ્ધા મજબૂત થઈ શકે છે. તમે વોઝ લાઇફ ક્રિએટેડ? અને ધી ઓરીજીન ઑફ લાઇફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ મોટી પુસ્તિકાઓનો અભ્યાસ કરી શકો. વધુમાં તમે jw.org વેબસાઇટ પર “આનો રચનાર કોણ?” શૃંખલામાં આપેલા પુરાવાઓ તપાસી શકો. અમેરિકામાં રહેતી યુવાન બહેન જેસિકા કહે છે: “ઓરીજીન ઑફ લાઇફ પુસ્તિકા વાંચ્યા પછી મને એવા નક્કર પુરાવા મળ્યા, જેનાથી સાબિત થાય છે કે એક બુદ્ધિશાળી સર્જનહાર છે. મને પહેલેથી ખબર હતી કે એક સર્જનહાર છે. પણ પુસ્તિકામાં આપેલાં કારણો તપાસવાથી મારો ભરોસો હજી વધ્યો.” ઘણાને દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૬ અને ૭થી પણ ઘણી મદદ મળી છે. તમે કદાચ એ બધી માહિતી પહેલાં જોઈ હશે, તોપણ તમે એનો ફરી અભ્યાસ કરવાનો ધ્યેય રાખી શકો.
૯ ઈશ્વર ખરેખર છે, એ વિષય પર તમે વ્યક્તિગત અભ્યાસમાં સંશોધન કરી શકો. એ વિશે સંશોધન કરવાથી યહોવાના અસ્તિત્વ પર તમારો ભરોસો વધશે. તમે એ પણ જોઈ શકશો કે તેમનામાં કેટલા સરસ ગુણો છે. (રોમ. ૧:૨૦) વધુમાં, તમને જે જાણવા મળશે એનાથી તમે એવા લોકોને મદદ કરી શકશો, જેઓને ઈશ્વરના અસ્તિત્વ પર શંકા છે. ટૂંકમાં કહીએ તો, યહોવાએ જ બધું બનાવ્યું છે અને એ વાતના તેમણે ઢગલો પુરાવા આપ્યા છે.
નિહારિકા: IAC/RGO/David Malin Images; માછલી અને ગાડી: Mercedes-Benz USA; વિમાન: Kristen Bartlett/University of Florida
ઈશ્વર સાચે જ છે એ વાતના પુરાવા શું તમે સાહિત્યમાંથી વાંચ્યા છે? તમે એને ફરી વાંચવાનો ધ્યેય રાખી શકો (ફકરો ૮ જુઓ)
યહોવાએ બાઇબલ લખાવ્યું છે
૧૦. બાઇબલને આપણે કેવું ગણીએ છીએ અને કેમ? (૨ તિમોથી ૩:૧૬, ૧૭)
૧૦ બીજો તિમોથી ૩:૧૬, ૧૭ વાંચો. યહોવાએ બાઇબલ માણસો માટે લખાવ્યું છે. એમાં મહત્ત્વના સવાલોના જવાબ મળે છે, જેમ કે, જીવનની શરૂઆત કઈ રીતે થઈ, ઈશ્વરે આપણને કેમ બનાવ્યા અને તે આપણી પાસેથી શું ચાહે છે. આપણને ભરોસો છે કે બાઇબલ યહોવા તરફથી છે, એટલે આપણા માટે એ સૌથી ખાસ પુસ્તક છે. આપણે બાઇબલ વાંચીને એને સમજવા માંગીએ છીએ. જે વાંચીએ એને જીવનમાં લાગુ પાડવા માંગીએ છીએ.
૧૧. તમને કેમ ભરોસો છે કે યહોવાએ બાઇબલ લખાવ્યું છે?
૧૧ આપણને કેમ ખાતરી છે કે બાઇબલ યહોવાએ જ લખાવ્યું છે? એનાં અનેક કારણો છે. ઇતિહાસમાં બનેલી ઘટનાઓ વિશે બાઇબલમાં જે કંઈ પણ લખવામાં આવ્યું છે એ એકદમ સાચું છે. (લૂક ૩:૧, ૨) બાઇબલમાં પૃથ્વી અને વિજ્ઞાન વિશેની માહિતી એકદમ સચોટ છે. (અયૂ. ૨૬:૭) શેતાને બાઇબલનો નાશ કરવાની ઘણી કોશિશ કરી, પણ બાઇબલ આજે દુનિયાના ખૂણે ખૂણે અને ઘણી ભાષાઓમાં પ્રાપ્ય છે. આશરે ૧,૬૦૦ વર્ષના સમયગાળામાં કંઈક ૪૦ જેટલા માણસોએ બાઇબલ લખ્યું, તોપણ બાઇબલના વિચારો એકબીજા સાથે મેળ ખાય છે. ખરું કે આ વર્ષો જૂનું પુસ્તક છે, પણ એમાં આપેલી સલાહ આજે પણ લાખો લોકોને કામ લાગે છે. (નીતિ. ૧૩:૨૦; ૧૫:૨૧; માથ. ૭:૧૨) વધુમાં, બાઇબલમાં લખેલી ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. એનાથી પણ આપણો ભરોસો વધે છે કે એમાં લખેલી વાતો સો ટકા સાચી છે. (યહો. ૨૩:૧૪) એમાં કોઈ શંકા નથી કે બાઇબલ ઈશ્વર તરફથી છે.
૧૨. યહોવાએ જ બાઇબલ લખાવ્યું છે એ વાત પર શંકા થવા લાગે તો આપણે શું કરવું જોઈએ?
૧૨ જો શંકા થવા લાગે કે યહોવાએ બાઇબલ લખાવ્યું છે કે નહિ, તો શું કરી શકીએ? દિલ ખોલીને યહોવાને પ્રાર્થના કરીએ, આપણી લાગણીઓ જણાવીએ અને તેમની પાસે મદદ માંગીએ. પછી આપણાં સાહિત્યમાંથી સંશોધન કરીએ. એક યુવાન ભાઈ જોર્ડનને બાળપણથી જ મમ્મી-પપ્પાએ યહોવા વિશે શીખવ્યું હતું. તે કહે છે: “જ્યારે પણ મને કંઈ નવું શીખવવામાં આવે, ત્યારે હું એને આંખ બંધ કરીને માની લેતો નથી. એ સાચું છે કે નહિ એની પોતે તપાસ કરું છું. પણ હજીયે કોઈક વાર મને અમુક સવાલો થાય છે. એવું થાય ત્યારે હું સાહિત્યમાંથી સંશોધન કરું છું, મારા સવાલોના જવાબ શોધું છું અને મારી શંકા દૂર કરું છું.” યહોવાએ જ બાઇબલ લખાવ્યું છે એ વાત પર આપણો ભરોસો મજબૂત કરતા જઈશું તેમ, આપણી શ્રદ્ધા પણ મજબૂત થતી જશે.—૧ કોરીં. ૩:૧૨, ૧૩.
યહોવા આજે પોતાના લોકોને સાથ આપે છે
૧૩. ઈશ્વરના લોકો કોણ છે એ વાત પર શંકા થવા લાગે તો આપણે શું કરવું જોઈએ?
૧૩ જો ક્યારેય એવી શંકા થાય કે યહોવાના સાક્ષીઓ જ ઈશ્વરના લોકો છે કે નહિ અને તે તેઓને સાથ આપે છે કે નહિ, તો શું કરી શકીએ? એ શંકાને દૂર કરવામાં જરાય મોડું ન કરીએ. આપણે આવા અમુક સવાલો પર વિચાર કરી શકીએ: ‘કોણ બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવા બનતું બધું કરે છે? એવું કયું સંગઠન છે જેની બધી માન્યતાઓ બાઇબલને આધારે છે?’ (૨ તિમો. ૪:૩, ૪) ‘કોણ આજે યહોવાની ઇચ્છા પૂરી કરી રહ્યું છે?’—માથ. ૭:૨૦, ૨૧.
૧૪. માથ્થી ૨૪:૧૪ની ભવિષ્યવાણી પૂરી કરવામાં યહોવાના સાક્ષીઓ કઈ રીતે મદદ કરે છે?
૧૪ યહોવા ચાહે છે કે તે આ દુષ્ટ દુનિયાનો અંત લાવે એ પહેલાં બધા લોકો ખુશખબર સાંભળે. એટલે પોતાને પૂછો, ‘આજે કોણ ખુશખબરનો પ્રચાર કરે છે?’ (માથ. ૨૪:૧૪) જવાબ એકદમ સાફ છે: યહોવા પોતાના લોકો દ્વારા, એટલે કે યહોવાના સાક્ષીઓ દ્વારા પ્રચારકામ કરાવી રહ્યા છે. ફક્ત આપણે જ ૨૪૦ કરતાં વધારે દેશોમાં ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરીએ છીએ. આપણે ઈસુની આગેવાની નીચે ૧૦૦થી પણ વધારે વર્ષોથી એ કામ કરી રહ્યા છીએ. યહોવાના સાક્ષીઓ પ્રચારકામ અને શીખવવાના કામ માટે જાણીતા છે અને તેઓ એ કામ ખંતથી કરે છે.—માથ. ૨૮:૧૯, ૨૦.
૧૫. ઈશ્વરનું નામ પવિત્ર મનાવવા યહોવાના સાક્ષીઓએ શું કર્યું છે? (માથ્થી ૬:૯; યશાયા ૪૩:૧૦)
૧૫ માથ્થી ૬:૯ અને યશાયા ૪૩:૧૦ વાંચો. આપણને યહોવાના સાક્ષીઓ કહેવામાં આવે છે અને યહોવાના નામથી ઓળખાવવાનો આપણને ખૂબ જ ગર્વ છે. આજે મોટા ભાગના લોકો તો ઈશ્વરનું નામ પણ જાણતા નથી. પણ આપણા સંગઠને ઘણી મહેનત કરી છે, જેથી ઈશ્વર યહોવાનું નામ બાઇબલમાં જળવાઈ રહે. સંગઠને પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલ બહાર પાડ્યું છે. મૂળ લખાણોમાં જ્યાં હતું એ બધી જગ્યાએ આ બાઇબલમાં ઈશ્વરનું નામ પાછું મૂકવામાં આવ્યું છે. એમાં યહોવાનું નામ ૭,૦૦૦થી પણ વધારે વખત જોવા મળે છે.
૧૬. કેમ કહી શકીએ કે યહોવાના સાક્ષીઓ યોહાન ૧૩:૩૪, ૩૫માં આપેલી આજ્ઞા પાળે છે? (ચિત્ર પણ જુઓ.)
૧૬ યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો. આજે દુનિયામાં ચારે બાજુ ભાગલા પડી ગયા છે. લોકો વચ્ચે જરાય સંપ નથી. પણ યહોવાના ભક્તો એવા નથી. તેઓ વચ્ચે સાચો પ્રેમ અને એકતા છે. એ તો સાચે જ એક ચમત્કાર છે! આપણે બધા અલગ અલગ દેશોમાં રહીએ છીએ, અલગ અલગ રીતે આપણો ઉછેર થયો છે, તોપણ આપણે સંપ અને લાગણીના તાંતણે બંધાયેલા છીએ. શું તમે બીજી કોઈ જગ્યાના મંડળમાં ગયા છો? હવે પછી બીજા કોઈ મંડળમાં જાઓ તો ત્યાંનાં ભાઈ-બહેનો વચ્ચે જે પ્રેમ અને એકતા છે એના પર ધ્યાન આપજો. એનાથી તમારો ભરોસો મજબૂત થશે કે યહોવા આજે પોતાના સાક્ષીઓ દ્વારા પોતાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે. એ વાત હંમેશાં યાદ રાખજો. એમ કરશો તો કસોટીઓમાં યહોવાને વફાદાર રહી શકશો.
યહોવાના સાક્ષીઓ વચ્ચેનો પ્રેમ અને એકતા સાચે જ એક ચમત્કાર છે (ફકરો ૧૬ જુઓ)a
હંમેશાં યહોવાને વળગી રહીએ
૧૭-૧૮. (ક) આપણે કેવા અઘરા સંજોગોનો સામનો કરવો પડી શકે? (ખ) પણ આપણે પૂરી ખાતરીથી શું કહી શકીએ છીએ?
૧૭ આ દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે. એટલે આ છેલ્લા દિવસોમાં આપણા પર ચોક્કસ ઘણી મુશ્કેલીઓ આવશે. (૨ તિમો. ૩:૧, ૧૩) આપણે કદાચ અમુક અઘરા સંજોગોનો પણ સામનો કરવો પડે. જેમ કે, યહોવાનું સંગઠન એવો કોઈ નિર્ણય લે, જે કદાચ આપણને પૂરી રીતે સમજાય નહિ. કદાચ કોઈ ભાઈ કે બહેન આપણને દુઃખ પહોંચાડે, કે પછી આપણા વિશે કંઈ ખોટું વિચારી લે. બની શકે કે આપણી તકલીફોનો તરત ઉકેલ ન મળે અથવા ખબર ન પડે કે આપણા પર કેમ તકલીફો આવી રહી છે.
૧૮ ભલે મુશ્કેલીઓને લીધે આપણે નિરાશ કે દુઃખી થઈ જઈએ, તોપણ આપણે હંમેશાં યહોવાને વફાદાર રહી શકીએ છીએ. કેમ? કેમ કે આપણને પૂરી ખાતરી છે કે યહોવા સર્જનહાર છે, તેમણે બાઇબલ લખાવ્યું છે અને યહોવાના સાક્ષીઓ તેમના લોકો છે. પિતરે ઈસુને કહ્યું હતું તેમ આપણે પણ યહોવાને કહી શકીએ છીએ: “અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે.”
ગીત ૪૩ જાગતા રહીએ
a ચિત્રની સમજ: એક મમ્મી અને તેમની નાની દીકરી બસમાં ક્યાંક જઈ રહ્યાં છે. તેઓ બીજા સાક્ષીઓને પ્રચાર કરતા જોઈને ખુશ થાય છે.