ઑગસ્ટ ૩-૯, ૨૦૨૬
ગીત ૩૯ આપણને શાંતિ મળશે
બીજાઓના નિર્ણયને માન આપીએ
“તેના વિચારો તમારાથી અલગ છે, એ માટે તેને દોષિત ન ઠરાવો.”—રોમ. ૧૪:૧.
આપણે શું શીખીશું?
બીજાઓના નિર્ણયથી આપણે સહમત ન હોઈએ, તોપણ કઈ રીતે તેઓને માન આપી શકીએ?
૧-૨. અમુક વાર આપણા નિર્ણયો કેમ બીજાઓથી અલગ હોય છે?
તમારી સાથે શું ક્યારેય એવું બન્યું છે કે તમારા નિર્ણયને લીધે કોઈએ તમારા વિશે ખોટું વિચારી લીધું હોય? શું તમે ક્યારેય કોઈ ભાઈ કે બહેનના નિર્ણયને લીધે તેમના વિશે ખોટું વિચારી લીધું હતું? આપણી સાથે ક્યારેક ને ક્યારેક એવું બન્યું જ હશે.
૨ આપણે બધા અલગ છીએ. આપણા વિચારો પણ અલગ અલગ છે. આપણાં સમાજ, કુટુંબ, ઉછેર અને અનુભવોની આપણા વિચારો પર અસર થાય છે. એટલે બીજાં ભાઈ-બહેનોથી અમુક વાર આપણા નિર્ણયો અલગ હોય તો એમાં કોઈ નવાઈ નથી. પણ ધ્યાન રાખીએ કે એના લીધે મંડળની શાંતિ અને એકતા ખોરવાઈ ન જાય.—એફે. ૪:૩.
૩. જો કોઈના નિર્ણયથી સહમત ન હોઈએ તો શું કરવાનું મન થઈ શકે?
૩ બની શકે કે કોઈ ભાઈ કે બહેનના નિર્ણયથી આપણે સહમત ન હોઈએ. એટલે કદાચ થાય, ‘હું જઈને તેમની સાથે વાત કરું કે તે પોતાનો નિર્ણય બદલે.’ અથવા બીજાઓ સાથે વાત કરીએ કે તેમણે બરાબર નિર્ણય લીધો નથી. એમ કરવા પાછળ કદાચ આપણો ઇરાદો સારો હોય. આપણે ભાઈ-બહેનોને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને હંમેશાં તેઓનું ભલું ચાહીએ છીએ. (નીતિ. ૧૭:૧૭) એટલે આપણે નથી ચાહતા કે તેઓએ પોતાના નિર્ણયને લીધે આગળ જતાં પસ્તાવું પડે અથવા યહોવા સાથેનો તેઓનો સંબંધ નબળો પડી જાય.
૪-૫. કોઈ ભાઈ કે બહેન આપણાથી અલગ નિર્ણય લે તો શું કરવું જોઈએ?
૪ જો કોઈ ભાઈ કે બહેનના નિર્ણયથી આપણે સહમત ના હોઈએ તો શું તેમની સાથે એ વિશે વાત કરવી જોઈએ? ક્યારેક એમ કરવું સારું રહેશે, તો ક્યારેક નહિ. દાખલા તરીકે, તે એવો નિર્ણય લેવા જઈ રહ્યા છે, જેનાથી બાઇબલનો કોઈ નિયમ તૂટતો હોય. એવા સમયે આપણે તેમના વિચારો સુધારવા મદદ કરવી જોઈએ, કેમ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. (નીતિ. ૨૭:૫, ૬) અથવા કદાચ એવું બને કે તેમના નિર્ણયથી બાઇબલનો કોઈ નિયમ તૂટતો ન હોય, પણ આપણે તેમની જગ્યાએ હોત તો એવો નિર્ણય લીધો ન હોત. એ વખતે આપણે શું કરવું જોઈએ? એનો જવાબ આ લેખની મુખ્ય કલમમાં છે: ‘તેમના વિચારો આપણાથી અલગ છે, એ માટે તેમને દોષિત ન ઠરાવીએ.’—રોમ. ૧૪:૧.
૫ પણ અમુક વાર આપણને બીજાઓના નિર્ણયને માન આપવું અઘરું લાગી શકે. આ લેખમાં ચર્ચા કરીશું કે આપણે કેમ બીજાઓના નિર્ણયને માન આપવું જોઈએ અને એવું કઈ રીતે કરી શકીએ. પણ ચાલો સૌથી પહેલા અમુક કિસ્સાઓ પર ધ્યાન આપીએ, જેમાં આપણે બીજાઓના નિર્ણય પર સવાલો ઉઠાવવા લાગી શકીએ.
સવાલ ઉઠાવવા લાગીએ એવા અમુક કિસ્સા
૬-૭. કયા અમુક કિસ્સાઓમાં આપણે બીજાઓના નિર્ણય પર સવાલ ઉઠાવવા લાગી શકીએ?
૬ અગાઉ જોઈ ગયા કે આપણા ઉછેર અને સમાજની આપણા વિચારો પર ઘણી અસર થાય છે. એટલે અમુક બાબતો માટે આપણે વિચારવા લાગીએ કે એમાં આવું જ થવું જોઈએ અથવા આવું ન જ થવું જોઈએ. આપણને લાગે કે બીજાઓ પણ એવું જ વિચારતા હશે. પણ હકીકત કંઈ જુદી જ હોય. ચાલો અમુક કિસ્સાઓ પર ધ્યાન આપીએ. કિસ્સો ૧: સાક્ષી બન્યા પહેલાં એક ભાઈએ નાનપણથી જોયું હતું કે તેમના પપ્પા વધારે પડતો દારૂ પીતા હતા.a હવે એ ભાઈ એક પાર્ટીમાં જુએ છે કે ભાઈ-બહેનો દારૂ પી રહ્યાં છે. તેમને એ જરાય નથી ગમતું. તે તેઓને કહે છે કે દારૂ પીવો ખોટું છે. કિસ્સો ૨: એક બહેનને મોટી બીમારી થઈ હતી. તેમણે ખોરાકમાં પરેજી પાળી અને વનસ્પતિમાંથી બનેલી દવાઓ લીધી. એનાથી તે સાજાં થઈ ગયાં. પછી તેમને ખબર પડે છે કે બીજાં એક બહેનને પણ એ જ બીમારી થઈ છે. તે પોતાની એ દોસ્તને મદદ કરવા માંગે છે, એટલે તેમના જેવી સારવાર કરાવવા દબાણ કરે છે. કિસ્સો ૩: એક ભાઈ પહેલાં ચર્ચનો ભાગ હતા. પણ સાક્ષી બન્યા પછી તેમણે ચર્ચ સાથે બધા સંબંધો કાપી નાખ્યા. પણ જ્યારે તેમને જાણવા મળે છે કે બીજા એક ભાઈ મરણપ્રસંગ માટે ચર્ચમાં ગયા હતા, ત્યારે તેમને બહુ ખોટું લાગે છે.b
૭ બીજા અમુક કિસ્સા પર ધ્યાન આપીએ. કિસ્સો ૪: એક ભાઈ એવા સમયગાળામાં મોટા થયા છે, જ્યારે મોટા ભાગના લોકો માનતા હતા કે ભાઈઓએ દાઢી ન રાખવી જોઈએ અને બહેનોએ સભાઓમાં અને પ્રચારમાં પૅન્ટ કે ટ્રાઉઝર ન પહેરવાં જોઈએ. ભાઈ જાણે છે કે એ વિશે આપણી સમજણમાં ફેરફાર થયો છે. તોપણ તે ભારપૂર્વક બીજાઓને જણાવે છે કે ભાઈઓએ દાઢી ન રાખવી જોઈએ અને બહેનોએ સભામાં અને પ્રચારમાં પૅન્ટ કે ટ્રાઉઝર ન પહેરવાં જોઈએ. કિસ્સો ૫: એક વડીલ એવા ભાઈને ઓળખે છે, જેમણે વધારે ભણતર લીધું અને પછી તે યહોવાથી દૂર થઈ ગયા. હવે એ વડીલના મંડળમાં એક યુવાન ભાઈએ વધારે ભણવાનું નક્કી કર્યું છે. વડીલને તેની ખૂબ ચિંતા છે. એટલે તે યુવાન ભાઈના અને તેનાં મમ્મી-પપ્પાના વિચારો બદલવાની કોશિશ કરે છે.
૮. (ક) શાના લીધે કોઈ મમ્મી-પપ્પા બીજાં મમ્મી-પપ્પાના નિર્ણયોમાં વાંધાવચકા કાઢવા લાગે? (ખ) જો ભાઈ-બહેનોના નિર્ણયોમાં વાંધાવચકા કાઢવા લાગીશું તો મંડળમાં શું થઈ શકે?
૮ બીજા એક કિસ્સા પર ધ્યાન આપીએ, જેમાં કદાચ મમ્મી-પપ્પા બીજાઓના નિર્ણય પર સવાલ ઉઠાવવા લાગે. કિસ્સો ૬: મમ્મી-પપ્પા, તમે ‘યહોવા ચાહે છે તેમ શિસ્ત અને શિખામણ આપીને બાળકોનો ઉછેર કરવા’ રાત-દિવસ એક કરો છો. (એફે. ૬:૪) પણ તમને કદાચ લાગતું હોય કે મંડળમાં અમુક મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને થોડી વધારે છૂટછાટ આપે છે. જેમ કે, તેઓ બાળકોને રાતે મોડે સુધી બહાર જવા દે છે, હિંસક ન હોય એવી વીડિયો ગેમ રમવા દે છે અથવા બાળકોને નાની ઉંમરથી ફોન આપે છે. એના લીધે તમારા બાળકને લાગે છે કે તમે વધારે પડતાં કડક છો. તે તમને કહે છે, “તમે મારા દોસ્તનાં મમ્મી-પપ્પા જેવાં કેમ નથી?” એવું થાય ત્યારે કદાચ તમે બીજાં મમ્મી-પપ્પાના નિર્ણયોમાં વાંધાવચકા કાઢવા લાગો. જ્યારે કોઈ ભાઈ કે બહેનનો નિર્ણય આપણાથી અલગ હોય, ત્યારે કદાચ આપણને એ ન ગમે અને આપણે તેમના નિર્ણય પર સવાલ ઉઠાવવા લાગીએ. જેમ કે, કોઈ ભાઈ કે બહેન વિશે આપણે વિચારવા લાગીએ કે પૈસા વાપરવામાં તેમનો હાથ બહુ છૂટો છે અથવા જ્યારે જુઓ ત્યારે ફરવા ઊપડી જાય છે અથવા તે તો કેવું મનોરંજન પસંદ કરે છે. પણ યાદ રાખવું જોઈએ કે આપણાં વિચારો અને લાગણીઓ કરતાં, મંડળમાં એકતા જળવાઈ રહે એ વધારે મહત્ત્વનું છે.
૯. આપણે કેમ બીજાઓના નિર્ણય પર સવાલ ન ઉઠાવવો જોઈએ? (ચિત્ર પણ જુઓ.)
૯ ભાઈ-બહેનોના નિર્ણયો એકબીજાથી અલગ હોય શકે છે. પણ એવું નથી કે એક નિર્ણય સાચો છે અને બીજો ખોટો. (રોમ. ૧૪:૫) બાઇબલમાં ઉત્તેજન આપ્યું છે કે આપણે યહોવાનાં ધોરણો પાળવામાં “એકમનના” થઈએ. (૨ કોરીં. ૧૩:૧૧) પણ એનો અર્થ એ નથી કે દરેક બાબતમાં આપણે બધા એક જેવું વિચારીએ. ધારો કે આપણે ક્યાંક જવા માંગીએ છીએ. ત્યાં જવાની અલગ અલગ રીતો હોય શકે છે. પણ આપણે એ જ રીત પસંદ કરીએ છીએ જે આપણને ગમે અને આપણા માટે સૌથી સારી હોય. નિર્ણયો લેવા વિશે પણ એવું જ છે. આપણે અલગ અલગ નિર્ણયો લઈએ છીએ, પણ આપણા બધાનો એક જ ધ્યેય છે: આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. એટલે આપણે બીજાઓના નિર્ણયમાં વાંધાવચકા કાઢતા નથી.—માથ. ૭:૧; ૧ થેસ્સા. ૪:૧૧.
મુસાફરો કોઈ એક જગ્યાએ પહોંચવા અલગ અલગ રીત અપનાવી શકે છે. એવી જ રીતે યહોવાના ભક્તો એકબીજાથી અલગ અલગ નિર્ણયો લઈ શકે છે (ફકરો ૯ જુઓ)
આપણે કેમ બીજાઓના નિર્ણયને માન આપવું જોઈએ?
૧૦. યાકૂબ ૪:૧૨ પ્રમાણે આપણી પાસે શું કરવાનો અધિકાર નથી અને કેમ?
૧૦ બીજાઓના નિર્ણયને કેમ માન આપવું જોઈએ, એ વિશે બાઇબલમાં ઘણાં કારણો આપ્યાં છે. એમાંના અમુક પર ધ્યાન આપીએ. બાઇબલમાં નિયમ ન હોય એવી બાબતોમાં વ્યક્તિ પોતે નિર્ણય લે છે. આપણી પાસે તેનો ન્યાય કરવાનો અથવા તેના નિર્ણય પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. (યાકૂબ ૪:૧૨ વાંચો.) યહોવા નિયમ આપનાર અને અદ્દલ ન્યાય કરનાર છે. ફક્ત તેમની પાસે જ એ કહેવાનો અધિકાર છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એટલે ભાઈ-બહેનોએ આપણને નહિ, પણ યહોવાને જવાબ આપવાનો છે. (રોમ. ૧૪:૧૦) આપણી પાસે પોતાનાં વિચારો અને ધોરણો પ્રમાણે બીજાઓનો ન્યાય કરવાનો કે તેઓ પર સવાલ ઉઠાવવાનો હક નથી.c
૧૧. મંડળમાં એકતા જળવાઈ રહે એ માટે આપણે બધા શું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૧૧ યહોવા ચાહે છે કે તેમના બધા ભક્તો વચ્ચે એકતા હોય, બધા એક જેવા હોય એવું તે નથી ચાહતા. યહોવાને વિવિધતા ગમે છે! એ આપણને કુદરતમાં સાફ જોવા મળે છે. દાખલા તરીકે, કોઈ પણ ઝાડનાં બે પાન એક જેવાં હોતાં નથી. માણસોનો જ વિચાર કરો. પૃથ્વી પર આજે આઠ અબજ કરતાં વધારે વસ્તી છે. તોપણ કોઈ બે વ્યક્તિ એક જેવી હોતી નથી. તેઓનો સ્વભાવ અને દેખાવ અલગ અલગ હોય છે. યહોવાએ આપણને એ રીતે જ બનાવ્યા છે. તેમણે આપણને એકબીજાની કાર્બન કૉપી નથી બનાવ્યા. આટલી વિવિધતા હોવા છતાં તે ચાહે છે કે આપણે એકતામાં રહીએ. એટલે ભાઈ-બહેનો આપણાથી અલગ વિચારે અથવા કરે, તોપણ આપણે શાંતિ જાળવી રાખવા બનતું બધું કરીએ છીએ. આપણા માટે મંડળની એકતા ખૂબ જ મહત્ત્વની છે. આપણે ધ્યાન રાખીએ છીએ કે પોતાનાં વિચારો અને પસંદગીઓને લીધે આપણી વચ્ચે કદી ભાગલા ન પડે.—રોમ. ૧૪:૧૯.
યહોવાએ આપણને એકબીજાથી અલગ બનાવ્યા છે, પણ તે ચાહે છે કે આપણે હળી-મળીને રહીએ (ફકરો ૧૧ જુઓ)
બીજાઓના વિચારોને માન આપીએ, તેઓના નિર્ણય પર સવાલ ન ઉઠાવીએ
૧૨-૧૩. જો લાગે કે કોઈ “ખોટા માર્ગે” જઈ રહ્યું છે તો આપણે શું કરવું જોઈએ? (ગલાતીઓ ૬:૧; “સહમત ન હો ત્યારે” બૉક્સ પણ જુઓ.)
૧૨ બીજાઓ નિર્ણય લે ત્યારે. પોતાને પૂછો, ‘શું એ ભાઈ કે બહેન “ખોટા માર્ગે” જઈ રહ્યાં છે, કે પછી તેમનો માર્ગ મારા માર્ગ કરતાં અલગ છે?’ જો તે ખોટા માર્ગે જઈ રહ્યાં હોય અને એનાથી બાઇબલનો કોઈ નિયમ તૂટતો હોય, તો પોતાને પૂછો, ‘શું હું તેમની સાથે વાત કરું એ યોગ્ય કહેવાશે? કે પછી બીજું કોઈ, જેમ કે કોઈ વડીલ તેમની સાથે વાત કરે એ સારું રહેશે?’ જો તમે વાત કરવાનું નક્કી કરો તો નમ્રતાથી અને કોમળતાથી વાત કરજો. (ગલાતીઓ ૬:૧ વાંચો.) પણ મોટા ભાગના કિસ્સામાં એવું બને કે એ ભાઈ કે બહેને કંઈ ખોટું ન કર્યું હોય, બસ આપણા કરતાં અલગ માર્ગ પસંદ કર્યો હોય. જો આપણે તેમની જગ્યાએ હોત તો એવો નિર્ણય ન લીધો હોત. એવા સમયે આપણે તેમના નિર્ણય પર શંકા ન કરવી જોઈએ અથવા એ વિશે ચાડી-ચુગલી ન કરવી જોઈએ. દરેક પાસે જાતે નિર્ણય લેવાનો અધિકાર છે, આપણે એ અધિકારને માન આપીએ અને તેઓનો ન્યાય ન કરીએ.—રોમ. ૧૪:૨-૪.
૧૩ આ દાખલાનો વિચાર કરો: તમે તમારા દોસ્ત સાથે હોટલમાં જમવા ગયા છો. શું તમે એવું વિચારશો કે તમારો દોસ્ત પણ એ જ જમવાનું મંગાવે જે તમે મંગાવ્યું છે? ના, તમને એ ગમશે કે તે પોતાની પસંદગીનું કંઈક મંગાવે. બની શકે કે તે જે મંગાવે એ તમને ભાવતું ન હોય. પણ એનાથી તમને કોઈ વાંધો નહિ આવે, કેમ કે તમે એ ખાવાના નથી. વધુમાં તમે એવું પણ નહિ ચાહો કે તમારો દોસ્ત તમારા માટે એવું કંઈક મંગાવે, જે તેને ભાવતું હોય પણ તમને નહિ. એવામાં આપણે એકબીજાની પસંદગીને માન આપીએ છીએ. આ દાખલામાંથી શું શીખવા મળે છે? આપણે પોતાના વિચારો બીજાઓ પર થોપી ન બેસાડીએ. તેઓને જાતે નિર્ણય લેવા દઈએ. આમ, આપણે તેઓને માન આપી શકીએ છીએ.
૧૪. નિર્ણય લેતી વખતે મંડળમાં એકતા જાળવી રાખવા તમે શું કરી શકો? (૧ કોરીંથીઓ ૮:૧૨, ૧૩)
૧૪ તમે નિર્ણય લો ત્યારે. બીજાઓને ઠોકર ન લાગે એ રીતે નિર્ણય લઈને તમે મંડળમાં એકતા જાળવી શકો છો. (૧ કોરીંથીઓ ૮:૧૨, ૧૩ વાંચો.) અમુક વાર તમને ખબર હશે કે તમારો નિર્ણય એકદમ બરાબર છે અને તમારી પાસે ‘નિયમ પ્રમાણે એમ કરવાની છૂટ’ છે. પણ જો તમને ખ્યાલ આવે કે કોઈ ભાઈ કે બહેનને માઠું લાગશે, તો શું એ નિર્ણય પ્રમાણે કરવું સારું રહેશે?d (૧ કોરીં. ૧૦:૨૩, ૨૪, ફૂટનોટ) એવા સંજોગોમાં, ‘મારી પાસે નિર્ણય લેવાનો અધિકાર છે’ એ વાત પર અડી રહેવાને બદલે, બીજાઓની લાગણીનો વિચાર કરવો સારું રહેશે. (રોમ. ૧૫:૧) પણ તમને કદાચ થાય, ‘હમણાં જ તો આપણે જોઈ ગયા કે બીજાઓએ આપણા નિર્ણયને માન આપવું જોઈએ.’ હા, એ વાત સાચી છે. જેમ આપણે બીજાઓના વિચારો અને નિર્ણયને માન આપીએ છીએ, તેમ તેઓએ પણ આપણા વિચારો અને નિર્ણયને માન આપવું જોઈએ. જોકે આપણે રોમનો ૧૨:૧૮માં આપેલી સલાહ પણ યાદ રાખવી જોઈએ. ત્યાં લખ્યું છે: “જો શક્ય હોય તો બધા લોકો સાથે હળી-મળીને રહેવા તમારાથી બનતું બધું કરો.” એટલે ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવી રાખવા અને તેઓને ઠોકર ન લાગે એ રીતે નિર્ણય લેવા આપણે બનતું બધું કરીએ છીએ.
૧૫. વડીલો કઈ રીતે મંડળની એકતા જાળવી રાખવા મદદ કરે છે? (૧ કોરીંથીઓ ૪:૬)
૧૫ વડીલો બીજાઓના નિર્ણયને માન આપે છે. તેઓ કઈ રીતે મંડળની એકતા જાળવી રાખવા મદદ કરે છે? ભાઈ-બહેનો જાતે નિર્ણય લઈ શકે એવી બાબતો માટે તેઓ નિયમ બનાવતા નથી. બાઇબલમાં “જે લખેલું છે એની ઉપરવટ” જતા નથી. (૧ કોરીંથીઓ ૪:૬ વાંચો.) એનો અર્થ એ પણ થાય કે તેઓ સાહિત્યમાં આપેલા માર્ગદર્શનથી વધારે કંઈ કહેતા નથી. વધુમાં કોઈ ભાઈ કે બહેન સલાહ માંગે ત્યારે વડીલો ફક્ત પોતાના અનુભવ પર આધાર રાખીને સલાહ આપતા નથી. એના બદલે તેઓ બાઇબલના આધારે સલાહ આપે છે.—યશા. ૪૮:૧૭, ૧૮.
૧૬. વડીલોના જૂથે લીધેલા નિર્ણયને એક વડીલ કઈ રીતે માન આપી શકે?
૧૬ વડીલો એકતા જાળવી રાખવા બીજું શું કરે છે? કોઈ પણ નિર્ણય લેતી વખતે વડીલોનું જૂથ પહેલા પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરે છે. બાઇબલમાં આપેલી સલાહ પર ઊંડો વિચાર કરે છે અને બધા ભેગા મળીને નિર્ણય લે છે. વડીલોનું જૂથ નિર્ણય લઈ લે એ પછી દરેક વડીલે એને ટેકો આપવો જોઈએ, પછી ભલે તેમના વિચારો કંઈક અલગ હોય. આમ એક વડીલ બતાવી આપે છે કે વડીલોના જૂથે લીધેલા નિર્ણયને તે માન આપે છે. (એફે. ૫:૧૭) વધુમાં, વડીલો બાઇબલ અને આપણાં સાહિત્યમાં આપેલા માર્ગદર્શનને વળગી રહે છે. જો તેઓના વિચારો અલગ હોય તો પોતાના વિચારો સાથે મેળ ખાતું માર્ગદર્શન શોધવા નથી જતા. જેમ કે, તેઓ આખો લેખ જોયા વગર પોતાના વિચારોને ટેકો આપતા એક વાક્યને પકડી નથી રાખતા.
૧૭. આપણે બીજાઓના નિર્ણયને માન આપીએ છીએ ત્યારે મંડળને કઈ રીતે ફાયદો થાય છે?
૧૭ આપણે જોઈ ગયા તેમ, યહોવાનો દરેક ભક્ત અજોડ છે. તેઓના વિચારો, લાગણીઓ, પસંદ-નાપસંદ અલગ અલગ છે. એ વિવિધતા સાચે જ અનોખી છે. આપણા મંડળમાં અલગ અલગ જગ્યાના લોકો છે અને તેઓમાં અલગ અલગ ગુણો છે. એના લીધે આપણને સભામાં જવું ગમે છે, ત્યાં આપણે પ્રેમ અને હૂંફ અનુભવીએ છીએ. આપણે વિવિધતાને લીધે કદી આપણી વચ્ચે ભાગલા પડવા દેતા નથી. આપણે શાંતિ જાળવીએ છીએ. બીજાઓને ખોટું ન લાગે એનું ધ્યાન રાખીએ છીએ. બીજાઓના નિર્ણયને માન આપીએ છીએ. એમ કરવામાં મહેનત લાગશે, પણ યહોવા આપણી મહેનત પર ચોક્કસ આશીર્વાદ આપશે. આમ, મંડળમાં બધાં ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ, એકતા અને શાંતિનું બંધન મજબૂત થશે.—ગીત. ૧૩૩:૧; માથ. ૫:૯.
ગીત ૬ અમારી પ્રાર્થના
a ધ્યાન આપો, અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. એવા કિસ્સામાં ઈશ્વરભક્તો એ નિયમને માન આપશે અને પાળશે.
b કોઈ ચર્ચમાં મરણપ્રસંગ કે લગ્નપ્રસંગ માટે જવું કે નહિ, એ વિશે નિર્ણય લેતા પહેલાં એક ખ્રિસ્તીએ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એ વિશે વધારે જાણવા ચોકીબુરજ, મે ૧૫, ૨૦૦૨માં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”
c અમુક વાર કોઈ ભાઈ કે બહેન બાઇબલના નિયમો તોડે તો વડીલોએ તેમનો ન્યાય કરવો પડે છે. પણ વડીલો યાદ રાખે છે કે તેઓ યહોવા વતી ન્યાય કરી રહ્યા છે. તેઓ એ વાતનું પણ ધ્યાન રાખે છે કે તેઓએ યહોવાનાં ધોરણો પ્રમાણે ન્યાય કરવાનો છે, પોતાનાં ધોરણો પ્રમાણે નહિ.—૨ કાળવૃત્તાંત ૧૯:૬ સરખાવો.
d એવા અમુક દાખલા માટે આ જુઓ: દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૫, મુદ્દો ૫.