વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 મે પાન ૨-૭
  • બાઇબલ સિદ્ધાંતો કેમ મહત્ત્વના છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સિદ્ધાંતો કેમ મહત્ત્વના છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ સિદ્ધાંતો એટલે શું?
  • બાઇબલ સિદ્ધાંતો કેમ મહત્ત્વના છે?
  • આપણે કઈ રીતે સિદ્ધાંતો પારખી શકીએ?
  • સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડતા રહીએ
  • બાઇબલ સિદ્ધાંતોથી કઈ રીતે અંતઃકરણ કેળવી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • યહોવાહના સિદ્ધાંતોથી સુખી થાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • બાઇબલના સિદ્ધાંતો આપણને કેવી રીતે લાભ કરે છે?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 મે પાન ૨-૭

જુલાઈ ૬-૧૨, ૨૦૨૬

ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે

બાઇબલ સિદ્ધાંતો કેમ મહત્ત્વના છે?

“તમારી સમજશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરની પવિત્ર સેવા કરો.”—રોમ. ૧૨:૧.

આપણે શું શીખીશું?

સિદ્ધાંતો એટલે શું અને બાઇબલ વાંચતી વખતે એને કઈ રીતે પારખી શકીએ?

૧-૨. (ક) બાઇબલ ક્યારે લખાયું? (ખ) કેમ બાઇબલની સલાહ આજેય કામમાં આવી શકે છે?

બાઇબલ હજારો વર્ષ પહેલાં લખાયું હતું. એનું પહેલું પુસ્તક આશરે ૩,૫૦૦ વર્ષ પહેલાં અને એનું છેલ્લું પુસ્તક લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં લખાયું હતું. તોપણ એમાં જોવા મળતો “ઈશ્વરનો સંદેશો” આજેય કામ લાગે છે. (હિબ્રૂ. ૪:૧૨; ૨ તિમો. ૩:૧૬, ૧૭) આજે લાખો લોકો બાઇબલની સલાહ પાળીને સારા નિર્ણયો લઈ શકે છે અને ખુશ રહી શકે છે.

૨ પણ એવું કેમનું બની શકે કે આટલા જૂના પુસ્તકની સલાહ આજેય કામમાં આવે છે? એનાં મુખ્ય બે કારણો છે. પહેલું, બાઇબલનો સંદેશો “જીવતા ઈશ્વર” તરફથી, આપણા સર્જનહાર તરફથી છે, જે બધા કરતાં બુદ્ધિશાળી છે. (૧ તિમો. ૪:૧૦; રોમ. ૧૬:૨૬, ૨૭) બીજું, બાઇબલના સિદ્ધાંતો સમય સાથે બદલાતા નથી. એને પાળવાથી પહેલાં પણ લોકોને ફાયદો થયો છે અને આજે પણ થાય છે. અરે, ગમે એવી મુશ્કેલીનો સામનો કરવા મદદ મળે છે.

૩. આ લેખમાં આપણે કયા સવાલો પર ચર્ચા કરીશું?

૩ આ લેખમાં આપણે આ સવાલો પર ચર્ચા કરીશું: બાઇબલ સિદ્ધાંતો એટલે શું? આજે આપણા માટે સિદ્ધાંતો કેમ બહુ મહત્ત્વના છે? બાઇબલ વાંચતી વખતે આપણે કઈ રીતે સિદ્ધાંતો પારખી શકીએ? ઈસુએ કઈ રીતે લોકોને સિદ્ધાંતો સમજવા મદદ કરી?

બાઇબલ સિદ્ધાંતો એટલે શું?

૪. બાઇબલ સિદ્ધાંતો એટલે શું?

૪ સિદ્ધાંત એટલે બાઇબલનું શિક્ષણ, જેના આધારે ઈશ્વરના નિયમો રચાયા છે. એવું કહી શકાય કે કોઈ પણ નિયમ પાછળ જે કારણ હોય છે, એને સિદ્ધાંત કહેવામાં આવે છે. ક્યારેક નિયમોથી તરત જાણી શકાય છે કે એ કયા સિદ્ધાંતને આધારે રચાયો છે. (માથ. ૨૨:૩૭) નિયમો ખાસ કોઈ સમય અને સંજોગ માટે જ હોય છે. બીજા કોઈ સંજોગમાં એ નિયમો કદાચ લાગુ ન પણ પડે. પણ સિદ્ધાંતોને કોઈ પણ સમયે અને સંજોગમાં લાગુ પાડી શકાય છે. (ગીત. ૧૧૯:૧૧૧) સિદ્ધાંતોથી આપણે યહોવાના વિચારોને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. એટલે કહી શકાય કે નિયમો કરતાં સિદ્ધાંતો દરેક રીતે ચઢિયાતા છે. નિયમો બદલાઈ શકે છે પણ સિદ્ધાંતો ક્યારેય બદલાતા નથી.—યશા. ૪૦:૮.

૫. નિયમો અને સિદ્ધાંતો વચ્ચે શું ફરક છે? દાખલો આપીને સમજાવો. (ચિત્રો પણ જુઓ.)

૫ ચાલો નિયમો અને સિદ્ધાંતો વચ્ચેનો ફરક સમજીએ. આ દાખલાનો વિચાર કરો: એક મમ્મી પોતાના નાનકડા દીકરાને કહે છે, ‘બેટા, ગેસને અડતો નહિ.’ એ એક આજ્ઞા અથવા નિયમ છે. પણ એની પાછળનો સિદ્ધાંત છે, ‘કોઈ પણ ગરમ વસ્તુને અડતો નહિ, નહિ તો તું દાઝી જઈશ.’ એ સિદ્ધાંત દરેક ગરમ વસ્તુને લાગુ પડી શકે છે. જેમ કે ઇસ્ત્રી, હીટર કે બીજી કોઈ વસ્તુ જેનાથી દાઝી જવાય. એ સિદ્ધાંત ફક્ત ઘરમાં જ નહિ, બહાર પણ લાગુ પડે છે. મોટા થયા પછી દીકરો ગેસ તો વાપરશે, પણ તેણે ધ્યાન રાખવું પડશે કે તે દાઝી ન જાય. આમ નિયમો બદલાઈ શકે છે પણ એની પાછળનો સિદ્ધાંત ક્યારેય બદલાતો નથી.

ચિત્રો: એક મમ્મી અને તેમનો દીકરો રસોડામાં સાથે ખાવાનું બનાવે છે. ૧. તે પોતાના નાનકડા દીકરાને કહે છે કે ગરમ સ્ટવ ના અડકે. ૨. વર્ષો વીતી ગયાં છે. મમ્મી શાકભાજી સમારે છે અને દીકરો ગેસ સ્ટવ પર ખાવાનું બનાવે છે.

નિયમો બદલાઈ શકે છે, પણ સિદ્ધાંતો ક્યારેય બદલાતા નથી (ફકરો ૫ જુઓ)


બાઇબલ સિદ્ધાંતો કેમ મહત્ત્વના છે?

૬. (ક) યહોવા બાઇબલ દ્વારા કઈ રીતે મદદ કરે છે? (ખ) યહોવા કઈ રીતે આપણા પર ભરોસો બતાવે છે?

૬ યહોવા આપણને પ્રેમ કરે છે અને ચાહે છે કે આપણે જોખમોથી બચીએ, એટલે તે અમુક નિયમો આપે છે. (યાકૂ. ૨:૧૧) વધુમાં એ નિયમો પાછળના સિદ્ધાંતો અને વિચારો સમજવા તે આપણને મદદ કરે છે. યહોવાએ જીવનના દરેક પાસા માટે નિયમો નથી આપ્યા. પણ સારા નિર્ણયો લેવા અને જે ખરું છે એ કરવા યહોવા આપણને બાઇબલ દ્વારા મદદ કરે છે. એમાં આપેલા સિદ્ધાંતોથી સાબિત થાય છે કે યહોવાને આપણા પર ભરોસો છે. તેમ જ, તે આપણને સાબિત કરવાની તક આપે છે કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ અને તેમનાં ધોરણો પ્રમાણે જીવવા માંગીએ છીએ.—ગલા. ૫:૧૩.

૭. દાખલો આપીને સમજાવો કે બાઇબલ સિદ્ધાંતોથી આપણને કઈ રીતે મદદ મળી શકે છે. (ચિત્ર પણ જુઓ.)

૭ બાઇબલ સિદ્ધાંતોથી કઈ રીતે મદદ મળી શકે છે, એને સમજવા એક દાખલો લઈએ. અમુક દેશોમાં રસ્તા પર ટ્રાફિકની નિશાનીઓ અથવા સૂચનાઓ હોય છે. એમાંની ઘણી નિશાનીઓ પ્રમાણે કરવું ફરજિયાત હોય છે. જેમ કે, વાહન કેટલી સ્પીડમાં ચલાવવું અથવા વાહન ક્યારે રોકવું એ બતાવતી નિશાનીઓ. જો વાહનચાલક એ પ્રમાણે ન કરે તો તેને દંડ થઈ શકે છે. એ નિશાનીઓને આપણે નિયમો સાથે સરખાવી શકીએ. જોકે એવી પણ ઘણી નિશાનીઓ હોય છે, જે વાહનચાલકને રસ્તા પર આવતા જોખમોથી સાવધ કરે છે. દાખલા તરીકે, રસ્તો વાંકોચૂકો છે અથવા આગળ શાળા છે એ બતાવતી નિશાનીઓ. એ નિશાનીઓને આપણે સિદ્ધાંતો સાથે સરખાવી શકીએ. એક અનુભવી વાહનચાલક એવી નિશાનીઓ જોઈને સમજી-વિચારીને નિર્ણય લે છે અને સાવચેતીથી ગાડી ચલાવે છે. વરસાદ કે ધુમ્મસ હોય ત્યારે પણ વાહનચાલક ગાડી ચલાવતી વખતે પૂરેપૂરી સાવચેતી રાખે છે. એવી જ રીતે, બાઇબલમાં અમુક નિયમો આપ્યા છે. એ નિયમો પાળીને આપણે એવું કંઈ નથી કરતા જેને યહોવા ધિક્કારે છે. જોકે બાઇબલમાં સિદ્ધાંતો પણ આપ્યા છે. એ સિદ્ધાંતોથી એવા દરેક વિચાર અને કામથી દૂર રહેવા મદદ મળે છે, જે આપણને ખોટું કરવા તરફ દોરી શકે છે. એટલે જરૂરી છે કે આપણે બાઇબલ સિદ્ધાંતોને સારી રીતે સમજીએ અને એ પ્રમાણે નિર્ણય લઈએ.

પહાડ પર રસ્તો વાંકોચૂકો છે અને એક કાર એ રસ્તા પર જઈ રહી છે. કારની હેડલાઇટને લીધે વહનચાલકને જોખમોથી સાવધ કરતી નિશાનીઓ દેખાય છે.

જેમ ટ્રાફિકની ઘણી નિશાનીઓ વાહનચાલકને જોખમોથી સાવધ કરે છે, તેમ બાઇબલ સિદ્ધાંતો આપણને મદદ કરે છે (ફકરો ૭ જુઓ)


૮. રોમનો ૧૨:૧, ૨ પ્રમાણે બાઇબલ સિદ્ધાંતો શોધવાથી આપણને કયો ફાયદો થાય છે?

૮ બાઇબલ સિદ્ધાંતો શોધવાથી અને એ પ્રમાણે જીવવાથી બીજા પણ મહત્ત્વના ફાયદા થાય છે. જેમ કે, કોઈ બાબત વિશે યહોવાના વિચારો પારખતા શીખીએ છીએ. એવું આપણે કઈ રીતે કરી શકીએ? બાઇબલમાંથી કોઈ અહેવાલ વાંચીએ ત્યારે એમાંથી મળતો બોધપાઠ શોધીએ. પોતાને પૂછીએ, ‘યહોવાએ બાઇબલમાં આ બોધપાઠ કેમ આપ્યો છે? એમાંથી મને કઈ રીતે મદદ મળે છે?’ આમ આપણે પોતાની “સમજશક્તિનો” ઉપયોગ કરીને યહોવાની ભક્તિ કરવાનું શીખી શકીએ છીએ. આપણે “ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા પારખી” શકીએ છીએ.—રોમનો ૧૨:૧, ૨ વાંચો.a

૯. સિદ્ધાંતો પ્રમાણે જીવવાથી બીજો કયો ફાયદો થાય છે? (હિબ્રૂઓ ૫:૧૩, ૧૪)

૯ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવાથી આપણે સમજુ બનીએ છીએ. સિદ્ધાંતોથી આપણે સમજી શકીએ છીએ કે યહોવાને શું ગમે છે અને શું નથી ગમતું. એનાથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે. (હિબ્રૂઓ ૫:૧૩, ૧૪ વાંચો.) નાનાં બાળકોનો વિચાર કરો. જે ખરું છે એ કરવા અને જોખમોથી દૂર રહેવા તેઓને ઘણા નિયમોની જરૂર પડે છે. અમુક વાર તેઓ કદાચ સજાના ડરને લીધે નિયમો પાળે. પણ યહોવા આપણને એ બાળકો જેવા નથી ગણતા, તે આપણને એક સમજુ વ્યક્તિ ગણે છે. તેમને ભરોસો છે કે આપણે તેમની ઇચ્છા પ્રમાણે નિર્ણયો લઈશું. એમ કરીએ છીએ ત્યારે તેમના દિલને ઘણી ખુશી થાય છે.—ગીત. ૧૪૭:૧૧; નીતિ. ૨૩:૧૫, ૨૬; ૨૭:૧૧.

આપણે કઈ રીતે સિદ્ધાંતો પારખી શકીએ?

૧૦. કઈ રીતે બાઇબલ સિદ્ધાંતો પારખી શકીએ?

૧૦ બાઇબલ વાંચતી વખતે જો ધ્યાન આપીશું કે એમાંથી શું શીખવા મળ્યું, તો ઘણા સિદ્ધાંતો શોધી શકીશું. એ સિદ્ધાંતોથી આપણે યહોવાના વિચારો અને લાગણીઓ સારી રીતે સમજી શકીશું. નિયમો પાછળનાં કારણો પર વિચાર કરવાથી પણ સિદ્ધાંતો પારખી શકીશું. જો આપણે એ કારણોને સારી રીતે સમજીશું, તો યહોવાને વધારે સારી રીતે ઓળખી શકીશું. પણ યહોવાના વિચારો સમજવા તેમની પાસે પ્રાર્થનામાં મદદ માંગવી ખૂબ જરૂરી છે. જે વાંચીએ એના પર ઊંડો વિચાર કરીને પોતાની સમજશક્તિ કેળવવી પણ ખૂબ જરૂરી છે. (નીતિ. ૨:૧૦-૧૨) આપણે આવા અમુક સવાલો પર વિચાર કરી શકીએ: ‘ઈશ્વરે આ નિયમ કેમ આપ્યો છે? આ નિયમથી મને યહોવાની પસંદ-નાપસંદ વિશે શું શીખવા મળે છે? આ અહેવાલમાંથી કયો બોધપાઠ મળે છે? હું એને જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકું?’ જ્યારે કોઈ નિયમ પાછળનું કારણ સમજીશું અને કોઈ અહેવાલમાંથી બોધપાઠ શીખીશું, ત્યારે યહોવાની ઇચ્છા પ્રમાણે સારા નિર્ણયો લઈ શકીશું.

૧૧. ઈસુએ કઈ રીતે બાઇબલ સિદ્ધાંતો પારખતા શીખવ્યું? (ચિત્ર પણ જુઓ.)

૧૧ ઈસુએ પણ પહાડ પરના ઉપદેશમાં શીખવ્યું કે સિદ્ધાંતોને કઈ રીતે પારખી શકીએ. ચાલો એના ત્રણ દાખલા જોઈએ. દરેક દાખલામાં ઈસુએ પહેલા નિયમ જણાવ્યો. પછી એની પાછળનો સિદ્ધાંત જણાવ્યો. ઈસુએ જે શીખવ્યું એના પર ઊંડો વિચાર કરીશું તો, ખ્યાલ આવશે કે એ સિદ્ધાંતો આજે કઈ રીતે લાગુ પાડી શકીએ. એ પણ જોઈ શકીશું કે એ સિદ્ધાંતો પાળવાથી ફાયદા થાય છે.

ઈસુ એક ઝાડ નીચ બેઠા છે અને અમુક શિષ્યોને શીખવે છે.

ઈસુએ પહાડ પરના ઉપદેશમાં શીખવ્યું કે ઈશ્વરે આપેલા નિયમો પાછળના સિદ્ધાંતોને કઈ રીતે પારખી શકીએ (ફકરો ૧૧ જુઓ)


૧૨. માથ્થી ૫:૨૧, ૨૨માં આપેલા નિયમ પાછળ એક સિદ્ધાંત કયો છે? (ચિત્ર પણ જુઓ.)

૧૨ માથ્થી ૫:૨૧, ૨૨ વાંચો. “તમે ખૂન ન કરો.” એ નિયમ પાછળ કયો એક સિદ્ધાંત છે? યહોવા નથી ચાહતા કે આપણે કોઈને પણ ધિક્કારીએ, આપણાં કામોથી કે શબ્દોથી નહિ, અરે વિચારોમાં પણ નહિ. ઈસુએ જણાવ્યું કે ભલે એક વ્યક્તિ ખૂન ન કરે, પણ જો તે “પોતાના ભાઈની વિરુદ્ધ ગુસ્સાની આગમાં સળગતો રહે” અથવા તેને ગમે તેમ બોલી જાય, તો તે આ સિદ્ધાંતની વિરુદ્ધ જાય છે. શા માટે? કેમ કે નફરતથી ભરેલા વિચારો જ લોકોને ખૂન કરવા તરફ દોરી જાય છે.—૧ યોહા. ૩:૧૫.

૧૩. માથ્થી ૫:૨૧, ૨૨નો સિદ્ધાંત કઈ રીતે લાગુ પાડી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૩ આપણે માથ્થી ૫:૨૧, ૨૨નો સિદ્ધાંત આજે કઈ રીતે લાગુ પાડી શકીએ? આપણે કોઈનાથી લાંબો સમય ગુસ્સે ન રહીએ અથવા કોઈના માટે મનમાં ખાર ન ભરી રાખીએ. (લેવી. ૧૯:૧૮; અયૂ. ૩૬:૧૩) શા માટે? કેમ કે એવી લાગણીઓને લીધે આપણે કદાચ એ વ્યક્તિને ધિક્કારવા લાગી શકીએ અને એ આપણને વ્યક્તિ વિશે ખરાબ બોલવા અથવા તેનું ખરાબ કરવા દોરી શકે છે. (નીતિ. ૧૦:૧૨) દાખલા તરીકે, આપણે કદાચ તેની ચાડી-ચુગલી અથવા નિંદા કરવા લાગીએ. એના લીધે તેની શાખ ખરાબ થાય અને તે બીજાઓની નજરમાં ઊતરી જાય. (નીતિ. ૨૦:૧૯; ૨૫:૨૩) ઈસુએ આ સિદ્ધાંત શીખવ્યો ત્યારે ઇન્ટરનેટ, ફોન અને કોમ્પ્યુટર જેવું કંઈ ન હતું. પણ ઈસુની સલાહથી શીખવા મળે છે કે આપણે ફોન કે કોમ્પ્યુટર દ્વારા કોઈની નિંદા ન કરવી જોઈએ. ખરું કે આપણે ક્યારેય કોઈનું ખૂન કરવાનું નહિ વિચારીએ, એવી જ રીતે કોઈની નિંદા કરીને તેનું નામ બદનામ કરવાનું પણ ન વિચારવું જોઈએ.

ચિત્રો: ૧. મોટા અક્ષરોમાં આ બાઇબલનો નિયમ લખ્યો છે: “તમે ખૂન ન કરો.” ૨. બે બહેનો ચાડી-ચુગલી કરી રહી છે. બીજી એક બહેન એ સાંભળે છે, પણ તેમને એ નથી ગમતું.

(ફકરા ૧૨-૧૩ જુઓ)


૧૪. માથ્થી ૫:૨૭, ૨૮માં આપેલા નિયમ પાછળ કયો સિદ્ધાંત છે? (ચિત્ર પણ જુઓ.)

૧૪ માથ્થી ૫:૨૭, ૨૮ વાંચો. “તમે વ્યભિચાર ન કરો.” એ નિયમ પાછળ કયો સિદ્ધાંત છે? યહોવા વ્યભિચાર જેવાં કામોને ધિક્કારે છે. તે વ્યભિચાર તરફ દોરી જતા વિચારોને પણ ધિક્કારે છે. ઈસુએ સમજાવ્યું કે જો એક પતિ પોતાની પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રીને વાસનાભરી નજરે જુએ, તો તે પાપ કરે છે. એનાથી જોવા મળે છે કે આપણે એવા દરેક વિચારથી દૂર રહીએ, પછી ભલે એ માટે સખત મહેનત કરવી પડે. (માથ. ૫:૨૯, ૩૦) આ સિદ્ધાંત કુંવારાં ભાઈ-બહેનોને પણ લાગુ પડે છે.

૧૫. માથ્થી ૫:૨૭, ૨૮નો સિદ્ધાંત કઈ રીતે લાગુ પાડી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૫ આપણે માથ્થી ૫:૨૭, ૨૮નો સિદ્ધાંત આજે કઈ રીતે લાગુ પાડી શકીએ? આપણે જાતીય ઇચ્છાઓ ભડકાવે એવા વિચારોથી દૂર રહેવું જોઈએ. (૨ શમુ. ૧૧:૨-૪; અયૂ. ૩૧:૧-૩) આપણે દરેક પ્રકારની પોર્નોગ્રાફીથી પણ દૂર રહેવું જોઈએ. આવું વિચારીને પોતાને છેતરવા ન જોઈએ: ‘હું તો ફક્ત ગંદાં ચિત્રો કે વીડિયો જોઉં છું, એમાં શું ખોટું છે! હું ક્યાં એવાં કામો કરું છું!’ આપણા વિચારો દુનિયાના લોકો કરતાં સાવ અલગ છે. દુનિયાના લોકો માને છે કે મનોરંજનમાં આવતી અમુક પ્રકારની પોર્નોગ્રાફી જોવામાં કંઈ વાંધો નથી. ઈસુના દિવસોમાં ફોન, કોમ્પ્યુટર, ફિલ્મો અને ફોટા ન હતાં. તોપણ તેમણે શીખવાડેલા સિદ્ધાંતથી આપણે જોઈ શકીએ છીએ કે યહોવા ગંદાં ચિત્રો અને વીડિયોને ધિક્કારે છે. આપણે એ પણ સમજી શકીએ છીએ કે એના જેવાં બીજાં ગંદાં કામોને પણ યહોવા ધિક્કારે છે. જેમ કે, કોઈને ગંદાં ચિત્રો કે વીડિયો મોકલવા, ફોન પર ગંદી વાતો કરવી, અશ્લીલ મૅસેજ મોકલવા અથવા ઇન્ટરનેટ પર અશ્લીલ કામો કરવાં. એ સિદ્ધાંત પાળવાથી એક પતિ કે પત્ની પોતાના જીવનસાથીને હંમેશાં વફાદાર રહી શકશે. (માલા. ૨:૧૫) એ સિદ્ધાંત કુંવારા લોકોને પણ વ્યભિચાર જેવાં ખરાબ કામોથી દૂર રહેવા મદદ કરે છે.—નીતિ. ૫:૩-૧૪.

ચિત્રો: ૧. મોટા અક્ષરોમાં આ બાઇબલનો નિયમ લખ્યો છે: “તમે વ્યભિચાર ન કરો.” ૨. એક ભાઈ પોતાના ફોનમાંથી એક સોશિયલ મીડિયા એપ કાઢે છે.

(ફકરા ૧૪-૧૫ જુઓ)


૧૬. માથ્થી ૫:૪૩, ૪૪માં આપેલા નિયમ પાછળ કયો સિદ્ધાંત છે? (ચિત્ર પણ જુઓ.)

૧૬ માથ્થી ૫:૪૩, ૪૪ વાંચો. “તમે પોતાના પડોશી પર પ્રેમ રાખો.” એ નિયમ પાછળ કયો સિદ્ધાંત છે? યહોવા ચાહે છે કે આપણે બધાને પોતાના પડોશી ગણીએ અને તેઓને પ્રેમ કરીએ. દુઃખની વાત છે કે ઈસુના સમયના યહૂદીઓએ માની લીધું હતું કે તેઓએ ફક્ત યહૂદીઓને જ પ્રેમ બતાવવાનો છે અને દુશ્મનોને નફરત કરવાની છે. પણ ઈસુ સમજતા હતા કે એ નિયમ આપવા પાછળ યહોવાનો ઇરાદો એવો ન હતો. ઈસુ જાણતા હતા કે તેમના પ્રેમાળ પિતા યહોવા ચાહે છે કે આપણે બધા લોકોને પ્રેમ કરીએ, પછી ભલે તેઓ કોઈ પણ દેશ કે જાતિના હોય.—માથ. ૫:૪૫-૪૮.

૧૭. માથ્થી ૫:૪૩, ૪૪નો સિદ્ધાંત કઈ રીતે લાગુ પાડી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૭ આપણે માથ્થી ૫:૪૩, ૪૪નો સિદ્ધાંત આજે કઈ રીતે લાગુ પાડી શકીએ? આપણે બધા લોકોને પ્રેમ કરીએ છીએ, એટલે યુદ્ધમાં ભાગ લેતા નથી કે લડાઈ-ઝઘડામાં કોઈનો પક્ષ લેતા નથી. (યશા. ૨:૪; મીખા. ૪:૩) એ સિદ્ધાંત પાળીશું તો કોઈ પણ દેશ, જાતિ કે ધર્મના લોકો સાથે પ્રેમ અને દયાથી વર્તી શકીશું. (પ્રે.કા. ૧૦:૩૪, ૩૫) એટલું જ નહિ, આપણે એવા લોકોને પણ માફ કરી શકીશું, જેઓએ આપણને કે આપણાં સગાં-વહાલાંને દુઃખ પહોંચાડ્યું હોય.—માથ. ૧૮:૨૧, ૨૨; માર્ક ૧૧:૨૫; લૂક ૧૭:૩, ૪.

ચિત્રો: ૧. મોટા અક્ષરોમાં આ બાઇબલનો નિયમ લખ્યો છે: “તમે પોતાના પડોશી પર પ્રેમ રાખો.” ૨. એક પતિ-પત્ની પ્રચારમાં એક માણસને “દુઃખ જશે, સુખ આવશે” મોટી પુસ્તિકા બતાવે છે. એ માણસ બીજા દેશનો છે.

(ફકરા ૧૬-૧૭ જુઓ)


સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડતા રહીએ

૧૮. (ક) આપણે શું કરવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ? (ખ) હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૮ કેટલી ખુશીની વાત છે કે યહોવા આપણને નાનાં બાળકો જેવા નહિ, પણ સમજુ ગણે છે! તે ચાહે છે કે આપણે રોજબરોજના જીવનમાં સિદ્ધાંતો લાગુ પાડીને સારા નિર્ણયો લઈએ. (૧ કોરીં. ૧૪:૨૦) ચાલો મનમાં ગાંઠ વાળીએ કે દરેક નિર્ણય લેતી વખતે ‘યહોવાની ઇચ્છા શી છે એ પારખીશું.’ (એફે. ૫:૧૭) આપણે સજાના ડરને લીધે નહિ, પણ યહોવા માટેના પ્રેમને લીધે તેમની મરજી પ્રમાણે નિર્ણયો લેવા માંગીએ છીએ. આપણે સારા નિર્ણયો લઈ શકીએ એ માટે યહોવાએ બીજી પણ એક ભેટ આપી છે. એ છે આપણું અંતઃકરણ. એના વિશે આપણે હવે પછીના લેખમાં ચર્ચા કરીશું.

તમે શું કહેશો?

  • બાઇબલ સિદ્ધાંતો એટલે શું?

  • નિયમો અને સિદ્ધાંતો વચ્ચે શું ફરક છે?

  • પહાડ પરના ઉપદેશમાં ઈસુએ કયા અમુક સિદ્ધાંતો શીખવ્યા?

ગીત ૨૬ યહોવા સાથે ચાલ

a આપણા જીવનના દરેક સંજોગ માટે યહોવાએ નિયમો નથી આપ્યા. એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બાઇબલમાંથી સિદ્ધાંતો શોધીએ અને એ સિદ્ધાંતો કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે એ પારખીએ. પછી ઈશ્વરે આપેલી સમજશક્તિને આધારે નિર્ણયો લઈએ. એમ કરીશું તો યહોવા ખુશ થશે અને આપણને આશીર્વાદ આપશે. પહેલી સદીના ખ્રિસ્તીઓએ એ રીતે નિર્ણયો લેતા શીખવાનું હતું. કેમ કે ખ્રિસ્તી બન્યા પહેલાં તેઓ ધર્મગુરુઓએ આપેલા નિયમો પાળવા ટેવાયેલા હતા.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો