વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 એપ્રિલ પાન ૮-૧૩
  • “સત્યના ઈશ્વર” પોતાનું એકેએક વચન પાળે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “સત્યના ઈશ્વર” પોતાનું એકેએક વચન પાળે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • સત્યના ઈશ્વર પર કેમ ભરોસો મૂકી શકીએ?
  • સત્યના ઈશ્વર પોતાનું વચન પૂરું કરવા શું કરી રહ્યા છે?
  • સત્યના ઈશ્વર નેક દિલના લોકોને ભેગા કરે છે
  • ભરોસો રાખીએ કે યહોવા પોતાનું વચન ચોક્કસ પાળશે
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—શાખા પ્રતિનિધિ સાથે
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • વિશ્વના માલિક યહોવા પર ભરોસો રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 એપ્રિલ પાન ૮-૧૩

જૂન ૮-૧૪, ૨૦૨૬

ગીત ૪૯ યહોવા છે સહારો

“સત્યના ઈશ્વર” પોતાનું એકેએક વચન પાળે છે

“હે યહોવા, સત્યના ઈશ્વર, તમે મને છોડાવ્યો છે.”—ગીત. ૩૧:૫.

આપણે શું શીખીશું?

આ લેખથી આપણો ભરોસો વધશે કે યહોવા પોતાનું દરેક વચન પાળે છે અને બહુ જલદી તેમનું રાજ્ય શેતાનનાં જૂઠાણાંને મિટાવી દેશે.

૧. ગીતશાસ્ત્ર ૩૧:૨-૫ પ્રમાણે આપણે કેમ યહોવા પર ભરોસો મૂકી શકીએ છીએ?

આજે શેતાનની દુનિયામાં ચારે બાજુ લોકો જૂઠું બોલે છે, એકબીજાને છેતરે છે અને દગો આપે છે. લોકો પોતાની વસ્તુઓ વેચવા જાહેરાતમાં જૂઠું બોલતા અચકાતા નથી. વેપારીઓ બેઈમાની કરે છે. અમુક તો પોતાના ખાસ દોસ્તો પર પણ ભરોસો કરી શકતા નથી. આપણે કોઈના પર ભરોસો મૂકતા પહેલાં સો વાર વિચારવું પડે છે. પણ એ જાણીને કેટલો દિલાસો મળે છે કે આપણે યહોવા પર હંમેશાં ભરોસો મૂકી શકીએ છીએ. તે “સત્યના ઈશ્વર” છે. (ગીતશાસ્ત્ર ૩૧:૨-૫ વાંચો.) સત્ય તેમના સ્વભાવમાં વણાયેલું છે. તે હંમેશાં સાચું બોલે છે અને જે કહે છે એ પૂરું કરીને જ રહે છે.

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૨ આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું? સૌથી પહેલા અમુક કારણો જોઈશું કે આપણે કેમ યહોવા પર પૂરા દિલથી ભરોસો કરી શકીએ છીએ. પછી જોઈશું કે સત્યના ઈશ્વર યહોવા કઈ રીતે શેતાનની દુષ્ટ દુનિયાનો અંત લાવશે. એ પણ જોઈશું કે તે પોતાનો હેતુ પૂરો કરવા આજે શું કરી રહ્યા છે. આ લેખ આપણને હિંમતથી યહોવા વિશે સાક્ષી આપવા મદદ કરશે.

સત્યના ઈશ્વર પર કેમ ભરોસો મૂકી શકીએ?

૩. આપણે કેમ યહોવા પર પૂરો ભરોસો મૂકી શકીએ છીએ?

૩ તે સર્જનહાર છે. તેમણે આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે. તે જીવનનો ઝરો છે. (ઉત. ૧:૧; ગીત. ૩૬:૯; પ્રકટી. ૪:૧૧) તેમણે જ આપણને બનાવ્યા છે. આ પૃથ્વી પર જીવન ટકાવી રાખવા તે જરૂરી બધું જ પૂરું પાડે છે. એટલું જ નહિ, આખું બ્રહ્માંડ તેમના કાબૂમાં છે. તે બધું જ જાણે છે અને તેમની પાસે અપાર શક્તિ છે. એટલે પૂરો ભરોસો રાખી શકીએ છીએ કે તે આપણને જીવન જીવવા સાચું માર્ગદર્શન આપશે અને સારું ભાવિ પણ આપશે.

૪. કેમ કહી શકીએ કે યહોવા આપણને પ્રેમ કરે છે?

૪ તે આપણને પ્રેમ કરે છે. યહોવાએ માણસોને બનાવ્યા કેમ કે તે ચાહતા હતા કે તેઓ જીવનનો આનંદ માણે. તેમણે આપણને તેમના જેવા બનાવ્યા છે, એટલે કે આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. (ઉત. ૧:૨૬) તેમણે આપણને પસંદગી કરવાની છૂટ પણ આપી છે. અરે, ફક્ત આપણા માટે તેમણે આ સુંદર પૃથ્વી બનાવી છે. (ગીત. ૧૧૫:૧૬) યહોવાએ પહેલા સ્ત્રી-પુરુષને બનાવ્યાં ત્યારે ધ્યાન રાખ્યું કે તેઓને કશાની ખોટ ન પડે. તેમણે સ્વાદિષ્ટ ખોરાક, સુંદર ઝાડ-પાન, જાતજાતનાં પ્રાણીઓ અને બીજું ઘણું આપ્યું. તેમણે તેઓને અઢળક આશીર્વાદો આપ્યા અને કહ્યું કે તેઓ આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવી દે. (ઉત. ૧:૨૮; ૨:૧૫) એ બધાથી ખબર પડે છે કે યહોવા માણસોને કેટલો પ્રેમ કરે છે. સાચે જ, “તેમનો અતૂટ પ્રેમ યુગોના યુગો સુધી રહે છે.”—ગીત. ૧૦૩:૧૭.

૫. (ક) આદમ અને હવાએ આજ્ઞા તોડી ત્યારે યહોવાએ પોતાનો હેતુ પૂરો કરવા શું કર્યું? (ખ) યહોવાએ કયાં અમુક વચનો પૂરાં કર્યાં છે? (“યહોવાએ પૂરાં કરેલાં અમુક વચનો” બૉક્સ જુઓ.)

૫ તે જે નક્કી કરે છે એ કરીને જ રહે છે. બાઇબલમાં લખ્યું છે કે તેમણે પૃથ્વીને “કંઈ એમ જ બનાવી નથી, પણ રહેવા માટે બનાવી છે.” (યશા. ૪૫:૧૮, ૧૯) યહોવાનો હેતુ હતો કે નેક સ્ત્રી-પુરુષો આ પૃથ્વી પર હંમેશ માટે જીવે. પણ આદમ અને હવાએ યહોવાની આજ્ઞા તોડી એટલે તેઓને મરણની સજા થઈ. શું એનાથી યહોવાનો હેતુ પૂરો થતા અટકી ગયો? ના. તેમને પોતાનો હેતુ પૂરો કરતા કંઈ પણ રોકી શકતું નથી. (યશા. ૪૬:૧૦, ૧૧) તેમણે પોતાનો હેતુ પૂરો કરવા શું કર્યું? તેમણે આદમ અને હવાને બાળકો થવા દીધાં. પછી તેમણે પોતાના એકના એક દીકરાને આ પૃથ્વી પર મોકલ્યા અને તેનું બલિદાન આપ્યું. આમ આદમના વંશજોને હંમેશ માટે જીવવાની આશા મળી.—યોહા. ૩:૧૬.

યહોવાએ પૂરાં કરેલાં અમુક વચનો

યહોવાએ પૂરાં કરેલા અમુક વચનો પર ધ્યાન આપો:

  • યહોવાએ મૂસાને વચન આપ્યું હતું કે ઇઝરાયેલીઓને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં લઈ જશે.—નિર્ગ. ૩:૬-૮; પુન. ૨૭:૩.

  • યહોવાએ વચન આપ્યું હતું કે માણસોને પાપ અને મરણના પંજામાંથી છોડાવવા ખ્રિસ્ત આવશે.—યશા. ૫૩:૧૧, ૧૨.

  • યહોવાએ વચન આપ્યું હતું કે આખી દુનિયામાં પ્રચારકામ થશે અને અંત આવે એ પહેલાં યહોવાને ઓળખવાની લોકોને તક મળશે.—માથ. ૨૪:૧૪.

યહોવાએ પૂરાં કર્યાં હોય એવાં બીજાં કયાં વચનો તમને યાદ છે?

સત્યના ઈશ્વર પોતાનું વચન પૂરું કરવા શું કરી રહ્યા છે?

૬. આદમ અને હવાએ આજ્ઞા તોડી એ પછી યહોવાએ કઈ ભવિષ્યવાણી કરી?

૬ આદમ અને હવા કોની વાતોમાં આવીને ઈશ્વરની વિરુદ્ધ ગયાં? તેની ઓળખ આપતા બાઇબલમાં જણાવ્યું છે કે એ ‘જૂનો સાપ છે, જે નિંદા કરનાર અને શેતાન તરીકે ઓળખાય છે.’a (પ્રકટી. ૧૨:૯; ઉત. ૩:૪, ૫; યોહા. ૮:૪૪) શેતાને જે કર્યું એના લીધે યહોવાએ ભવિષ્યવાણી કરી કે આગળ જતાં તેનો નાશ કરવામાં આવશે. (ઉત. ૩:૧૫) એવું થાય એ પહેલાં ઘણા તેની પાછળ જશે અને તેનાં જેવાં ખરાબ કામો કરશે. જોકે અમુક યહોવાને વફાદાર પણ રહેશે.

૭. આજે કોણ શેતાનને સાથ આપે છે અને તેઓનું શું થશે?

૭ અમુક દૂતો શેતાનને સાથ આપીને યહોવાની સામે થયા છે. અમુક માણસોએ પણ શેતાનને સાથ આપ્યો છે. તેઓ બધા યહોવાના હેતુ વિરુદ્ધ જાય છે, એટલે તેઓ શેતાનના વંશજ છે. પણ નક્કી કરેલા સમયે શેતાન અને તેને સાથ આપનારાઓનો પૂરેપૂરો નાશ થશે.—દાનિ. ૨:૪૪; રોમ. ૧૬:૨૦.

૮. ઈસુએ ૧૯૧૪માં શું કર્યું? (ચિત્રો પણ જુઓ.)

૮ આપણે કેમ ખાતરી રાખી શકીએ કે શેતાન અને તેને સાથ આપનારાઓનો યહોવા નાશ કરશે? યહોવાએ ૧૯૧૪માં ઈસુને રાજા બનાવ્યા. પછી તરત ઈસુએ સ્વર્ગમાં એક યુદ્ધ કર્યું. તેમણે શેતાન અને તેને સાથ આપતા દૂતોને નીચે પૃથ્વી પર ફેંકી દીધા. (પ્રકટી. ૧૨:૭-૯) ભલે એ યુદ્ધ સ્વર્ગમાં થયું, પણ એની અસર પૃથ્વી પર પણ થઈ. બાઇબલમાં લખ્યું છે કે “પૃથ્વી અને સમુદ્રને અફસોસ! શેતાન તમારી પાસે નીચે ઊતરી આવ્યો છે. તે ગુસ્સે ભરાયો છે, કારણ કે તે જાણે છે કે તેની પાસે થોડો જ સમય છે.” (પ્રકટી. ૧૨:૧૨) ૧૯૧૪થી શેતાનનું પૂરું ધ્યાન પૃથ્વી પર છે. તે વધારે ને વધારે લોકોને પોતાની તરફ કરવા મથી રહ્યો છે. એટલે દુનિયાની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. પણ ઈસુ બહુ જલદી “પૂરેપૂરી જીત” મેળવશે. તે શેતાનને ૧,૦૦૦ વર્ષ માટે કેદ કરશે અને તેને સાથ આપનારા લોકોનો નાશ કરશે. (પ્રકટી. ૬:૨) ઈસુ યહોવાના નામ પર લાગેલું કલંક દૂર કરશે. (ગીત. ૪૫:૪-૬) બધા જાણશે કે યહોવા જ સત્યના ઈશ્વર છે.—હઝકિ. ૩૮:૨૩.

ચિત્રો: ૧૯૧૪થી પૃથ્વી પર બની રહેલા બનાવો. ૧. શેતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવે છે. તેને સાત માથાંવાળા અજગર તરીકે બતાવવામાં આવ્યો છે. ૨. યુદ્ધમાં સૈનિકોના હાથમાં બંદૂકો છે અને તેઓ એક મોટા ખાડાના કિનારે રાહ જુએ છે. ૩. બૉમ્બ ફૂટ્યા પછી એનો ધુમાડો બિલાડીના ટોપ જેવો દેખાય છે. ૪. એક બેઘર મા રસ્તા પર બેઠી છે અને તેના હાથમાં રડતું બાળક છે. ૫. એક સૈનિકે બંદૂક તાકી છે. ૬. એક શહેર જમીન ભેગું થઈ ગયું છે અને એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. ૭. એક ફેક્ટરીમાંથી ગંદો ધુમાડો બહાર નીકળે છે. ૮. લોકો શહેરમાં બહાર નીકળે છે ત્યારે માસ્ક પહેરે છે. ૯. વિરોધીઓ અમુક પોલીસવાળા સાથે લડી રહ્યા છે.

પહેલું વિશ્વયુદ્ધ: U.S. National Archives photo; બૉમ્બ: USAF photo; મહામારી: blvdone/stock.adobe.com; હુલ્લડ: inhauscreative/E+ via Getty Images

૧૯૧૪થી દુનિયાની હાલત વધારે ને વધારે બગડતી ગઈ છે (ફકરો ૮ જુઓ)


સત્યના ઈશ્વર નેક દિલના લોકોને ભેગા કરે છે

૯. આજે યહોવા કોને ભેગા કરી રહ્યા છે?

૯ અંત આવે એ પહેલાં યહોવા ‘સ્વર્ગનું અને પૃથ્વી પરનું બધું જ ખ્રિસ્તમાં ભેગું’ કરી રહ્યા છે. (એફે. ૧:૧૦) ‘સ્વર્ગનું બધું’ શાને રજૂ કરે છે? એ અભિષિક્તોને રજૂ કરે છે, જેઓને યહોવાએ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા છે. “પૃથ્વી પરનું બધું” શાને રજૂ કરે છે? એ એવા લોકોને રજૂ કરે છે, જેઓ નવી દુનિયામાં હંમેશ માટે જીવશે. યહોવાના બધા જ ભક્તો આજે એક મહત્ત્વના કામમાં વ્યસ્ત છે. તેઓ શેતાનનું જૂઠાણું ખુલ્લું પાડે છે અને નેક દિલના લોકોને યહોવા વિશેનું સત્ય જાહેર કરે છે.

૧૦. યહોવા કઈ રીતે લોકોને સત્ય જાણવા મદદ કરે છે? (પ્રકટીકરણ ૧૪:૬, ૭)

૧૦ યહોવા આજે પ્રચારકામ દ્વારા નેક દિલના લોકોને ભેગા કરી રહ્યા છે. ઇતિહાસમાં ક્યારેય થયું ન હોય એટલા મોટા પાયે એ કામ થઈ રહ્યું છે. (પ્રકટીકરણ ૧૪:૬, ૭ વાંચો.) આમ તો યહોવાએ ખુશખબર જણાવવાનું કામ માણસોને સોંપ્યું છે. પણ નમ્ર લોકો સુધી પહોંચવા દૂતો પણ મદદ કરે છે. પ્રચારકામથી લોકો યહોવા વિશેનું સત્ય જાણી શકે છે. તેઓ સમજી શકે છે કે શેતાન સદીઓથી જૂઠા ધર્મો દ્વારા યહોવા વિશે જૂઠાણું ફેલાવતો આવ્યો છે. (પ્રકટી. ૧૮:૨, ૪) બહુ જ જલદી જૂઠા ધર્મોનો સફાયો થઈ જશે અને નેક દિલના લોકો યહોવા તરફ ફરશે. તેઓ સત્યના ઈશ્વર યહોવાને મહિમા આપશે, જેના તે હકદાર છે.—પ્રકટી. ૧૭:૧૬.

૧૧. યહોવાની ભક્તિ કરતા લોકોને કઈ રીતે પારખી શકીએ?

૧૧ દુનિયાના ખૂણે ખૂણેથી લોકો યહોવાના કુટુંબનો ભાગ બની રહ્યા છે, પછી ભલે તેઓ કોઈ પણ દેશ, જાતિ કે સંસ્કૃતિના હોય. (પ્રકટી. ૭:૯, ૧૦) જ્યારે તેઓ ‘ખુશખબર’ સાંભળે છે, ત્યારે સમજી જાય છે કે આ જ સત્ય છે. (માર્ક ૧૩:૧૦) પછી તેઓ ખુશીથી યહોવાના લોકો સાથે મળીને તેમની ભક્તિ કરે છે. આજે સાફ જોવા મળે છે કે કોણ યહોવાની ભક્તિ યોગ્ય રીતે કરે છે અને કોણ નથી કરતું. એ વિશે માલાખી પ્રબોધકે ભાખ્યું હતું: “તમે ફરીથી નેક અને દુષ્ટ વચ્ચેનો ફરક અને ઈશ્વરની સેવા કરનાર અને નહિ કરનાર વચ્ચેનો ફરક જોશો.” (માલા. ૩:૧૮) પોતાનાં વાણી-વર્તનથી અને પ્રચારકામથી યહોવાના ભક્તો બતાવી આપે છે કે તેઓ સત્યના ઈશ્વરની ભક્તિ કરે છે.

૧૨. પ્રચારકામથી કઈ રીતે યહોવાનો હેતુ પૂરો થઈ રહ્યો છે?

૧૨ “રાજ્યની આ ખુશખબર” જણાવીને આપણે ઈસુની આજ્ઞા પાળીએ છીએ. એટલું જ નહિ, આપણે બાઇબલની ભવિષ્યવાણી પૂરી કરવામાં મદદ કરીએ છીએ. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૮-૨૦) આપણા પ્રચારકામથી આખી દુનિયામાં લોકોને ઈસુના શિષ્યો બનવાની તક મળે છે. તેમ જ, લોકોને સત્યના ઈશ્વરની કાયમ માટે ભક્તિ કરવાની આશા મળે છે. ખરેખર યહોવાનો હેતુ પૂરો કરવામાં નાનો અમથો ભાગ ભજવવો કેટલો મોટો લહાવો કહેવાય!

ભરોસો રાખીએ કે યહોવા પોતાનું વચન ચોક્કસ પાળશે

૧૩. શેતાન ખાસ કરીને કોને પોતાનું નિશાન બનાવે છે અને કેમ?

૧૩ શેતાન આજે ખૂબ જ ગુસ્સે ભરાયો છે, કેમ કે તે જાણે છે કે બહુ જલદી તેનો અને તેની દુષ્ટ દુનિયાનો નાશ થવાનો છે. હવે “તેની પાસે થોડો જ સમય” બચ્યો છે. (પ્રકટી. ૧૨:૧૨, ૧૩) તે ખાસ કરીને અભિષિક્તોને પોતાનું નિશાન બનાવે છે. કેમ કે તેઓને ઈશ્વરના રાજ્યમાં રાજ કરવા પસંદ કરવામાં આવ્યા છે. ‘તેઓ ઈશ્વરની આજ્ઞા માને છે અને તેઓને ઈસુની સાક્ષી આપવાનું કામ સોંપાયું છે.’ (પ્રકટી. ૧૨:૧૭; ૧૪:૧૨) જે કોઈ અભિષિક્તોને ટેકો આપે છે અને તેઓનાં કામમાં મદદ કરે છે, એ બધાને પણ શેતાન પોતાનું નિશાન બનાવે છે.

૧૪. શેતાનને સાથ આપનારાઓ યહોવાના લોકો પર હુમલો કરશે પછી શું થશે? (ચિત્ર પણ જુઓ.)

૧૪ જૂઠા ધર્મોના નાશ પછી શેતાનને સાથ આપનારાઓ ચારે બાજુથી યહોવાના ભક્તો પર હુમલો કરશે. પછી આર્માગેદનનું યુદ્ધ શરૂ થશે. (પ્રકટી. ૧૬:૧૩, ૧૪, ૧૬) ઈસુ અને સ્વર્ગનું સૈન્ય યહોવાના ભક્તોને બચાવી લેશે. તેઓ શેતાનની દુનિયાના બાકી રહેલા ભાગનો પૂરેપૂરો સફાયો કરી દેશે. (પ્રકટી. ૧૯:૧૯-૨૧) પછી દુષ્ટો, જૂઠું બોલતા લોકો અને છેતરપિંડી કરનારાઓનું નામનિશાન નહિ રહે. (પ્રકટી. ૨૧:૮) આખરે બધા જોઈ શકશે કે યહોવા જે કંઈ કહે છે અને કરે છે, એ હંમેશાં સાચું હોય છે.

ઈસુ અને સ્વર્ગનું સૈન્ય સફેદ ઘોડાઓ પર છે. તેઓ પૃથ્વી પરના હથિયારબંધ સૈનિકો પર હુમલો કરી રહ્યાં છે. ઈસુએ પોતાનું ધનુષ્ય તાક્યું છે અને દૂતોએ હાથમાં તલવાર તૈયાર રાખી છે.

આર્માગેદનના યુદ્ધમાં ઈસુ અને સ્વર્ગનું સૈન્ય ઈશ્વરના દુશ્મનોનો નાશ કરવા આવી રહ્યાં છે (ફકરો ૧૪ જુઓ)


૧૫. આપણે કેમ ભરોસો રાખી શકીએ કે યહોવાનું એકેએક વચન પૂરું થશે? (યશાયા ૬૫:૧૬, ૧૭) (ચિત્ર પણ જુઓ.)

૧૫ આજે દુનિયામાં લોકો વચ્ચે પહેલાં કરતાં પણ વધારે ભાગલા પડી ગયા છે. પણ યહોવાની મદદથી તેમના ભક્તો વચ્ચે એકતા છે. યહોવા સત્યને પ્રેમ કરતા લોકોને પોતાના કુટુંબમાં લાવી રહ્યા છે. તે પોતાના ભક્તોને અને તેઓનાં કામને આશીર્વાદ આપી રહ્યા છે. સાચા ઈશ્વર યહોવાને એમ કરતા કંઈ પણ રોકી શકતું નથી! (યશાયા ૬૫:૧૬, ૧૭ વાંચો.) આપણે પૂરો ભરોસો રાખી શકીએ છીએ કે યહોવાનું એકેએક વચન પૂરું થશે. રોમનો ૮:૩૮, ૩૯માં લખ્યું છે: “મરણ કે જીવન કે દૂતો કે સરકારો કે હાલની વસ્તુઓ કે આવનાર વસ્તુઓ કે તાકાત કે ઊંચાઈ કે ઊંડાઈ કે સૃષ્ટિની કોઈ પણ વસ્તુ આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ, જે પ્રેમ આપણા માલિક, ખ્રિસ્ત ઈસુમાં છે.”

એક માતા-પિતા તેઓનાં દીકરા-દીકરી સાથે ઘરના ઓટલા પર બેઠાં છે. તેઓની સામે સુંદર અને લીલોતરીથી ભરપૂર ખીણ છે. નજીકમાં ગેંડો ઘાસ ચરી રહ્યો છે.

નવી દુનિયામાં આજની મુશ્કેલીઓ યાદ પણ નહિ આવે (ફકરો ૧૫ જુઓ)


૧૬. તમે કેમ પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખો છો?

૧૬ સત્યના ઈશ્વર યહોવા પર ભરોસો કરવાનાં આપણી પાસે ગણ્યાં ગણાય નહિ એટલાં કારણો છે! તે આપણા સર્જનહાર છે. તે આપણને ખૂબ જ પ્રેમ કરે છે. તે દુનિયાના ખૂણે ખૂણેથી લોકોને ભેગા કરી રહ્યા છે, જેથી તેઓ યોગ્ય રીતે તેમની ભક્તિ કરે. (યશા. ૬૦:૨૨; ઝખા. ૮:૨૩) આપણે જાણીએ છીએ કે યહોવા હંમેશાં પોતાનો હેતુ પૂરો કરે છે. આપણને ખાતરી છે કે તે બહુ જલદી શેતાન અને તેનાં જૂઠાણાંને કાયમ માટે ખતમ કરી દેશે. આપણે પણ દાઉદની જેમ પ્રાર્થના કરીએ છીએ: “યહોવા ઈશ્વરની સ્તુતિ થાઓ, તે એકલા જ અજાયબ કામો કરે છે. તેમના ગૌરવશાળી નામનો હંમેશ માટે જયજયકાર થાઓ, આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર થાઓ.”—ગીત. ૭૨:૧૮, ૧૯.

તમે શું કહેશો?

  • આપણે કેમ “સત્યના ઈશ્વર” પર ભરોસો મૂકી શકીએ?

  • યહોવા પોતાનો હેતુ પૂરો કરવા શું કરી રહ્યા છે અને ભાવિમાં શું કરશે?

  • આપણે કેમ ખાતરી રાખી શકીએ કે યહોવા પોતાનું એકેએક વચન ચોક્કસ પાળશે?

ગીત ૧૩૮ યહોવા તારું નામ

a બાઇબલમાં આ દુષ્ટ દૂતનું નામ નથી જણાવ્યું. પણ તેને “શેતાન” એટલે કે “ઈશ્વરનો વિરોધી” અને “નિંદા કરનાર” કહેવામાં આવ્યો છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો