વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 એપ્રિલ પાન ૨-૭
  • યહોવાએ મારી યુવાનીથી મને શીખવ્યું છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાએ મારી યુવાનીથી મને શીખવ્યું છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા મને શીખવતા રહ્યા
  • પાયોનિયરીંગ કરવાથી ખુશી મળી
  • સેનેગલમાં સોંપણી
  • ન્યૂ બ્રુન્સ્વીક અને ક્વિબેકમાં પાયોનિયરીંગ
  • મહેનતુ ભાઈ-બહેનોને અમે આજેય યાદ કરીએ છીએ
  • બીજાઓ પાસેથી ઘણું શીખવા મળ્યું
  • અમેરિકાના બેથેલમાં આવ્યાં
  • હું સારા દાખલાઓમાંથી શીખ્યો એટલે યહોવાએ મને ઘણા આશીર્વાદો આપ્યા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • બીજાઓમાં રસ લેવાથી અઢળક આશીર્વાદો મળે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મેં નક્કી કર્યું હતું કે કદી મારા હાથ ઢીલા પડવા દઈશ નહિ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • “હું બદલાઈશ નહીં!”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 એપ્રિલ પાન ૨-૭
ભાઈ ડેવિડ સ્પ્લેન પોતાના ટેબલ પર કામ કરી રહ્યા છે.

જીવન સફર

યહોવાએ મારી યુવાનીથી મને શીખવ્યું છે

ડેવિડ સ્પ્લેનના જણાવ્યા પ્રમાણે

એક ભાઈએ મારા હાથમાં કાગળની ચબરખી આપી. એમાં લખ્યું હતું, “ડેવિડ સ્પ્લેન, ૮ એપ્રિલ, ૧૯૫૩: ‘દુનિયાનો અંત જાહેર કરો.’” હું તો ચોંકી જ ગયો. મેં પૂછ્યું, “આ શું છે?” ભાઈએ જવાબ આપ્યો, “દેવશાહી સેવા શાળામાં તારે એક ટૉક આપવાની છે.”a મેં કહ્યું, “મેં ક્યારે કહ્યું કે હું ટૉક આપીશ!”

પણ ઊભા રહો, હું શરૂઆતથી મારી કહાની જણાવું. બીજા વિશ્વયુદ્ધ વખતે કેનેડાના કૅલ્ગરીમાં મારો જન્મ થયો હતો. ૧૯૪૯ની આસપાસ એક યુવાન પાયોનિયરે અમારા ઘરનો દરવાજો ખખડાવ્યો. તેમનું નામ હતું, ડૉનાલ્ડ ફ્રેસર. મારાં મમ્મી તરત જ બાઇબલમાંથી શીખવા તૈયાર થઈ ગયાં. તેમને સત્ય ગમી ગયું. પણ ખરાબ તબિયતને લીધે તે સભાઓમાં બહુ જઈ શકતાં ન હતાં. તોપણ ૧૯૫૦માં તેમણે બાપ્તિસ્મા લીધું. દુઃખની વાત છે કે એ પછી તે પૂરાં બે વર્ષ પણ ન જીવ્યાં. એ સમયે મારા પપ્પા સાક્ષી ન હતા. પણ સારું કહેવાય કે એક સાક્ષી ભાઈ મરણપ્રસંગનું પ્રવચન આપે એ માટે તે રાજી થઈ ગયા.

થોડા દિવસો પછી એક વૃદ્ધ બહેન જે અભિષિક્ત હતાં, તેમણે મને તેમની સાથે સભામાં આવવાનું કહ્યું. તેમનું નામ હતું એલિસ. મમ્મીની તબિયત સારી હતી ત્યારે હું મમ્મી સાથે અઠવાડિયાના અંતે થતી સભામાં જતો. એટલે એલિસબહેન મને સારી રીતે ઓળખતાં હતાં. મેં પપ્પાને પૂછ્યું કે શું હું જઈ શકું. તેમણે હા પાડી અને પોતે પણ આવવાનું નક્કી કર્યું. તેમને થયું કે તે એક વાર સભામાં જઈને મરણપ્રસંગનું પ્રવચન આપનાર ભાઈનો આભાર માની લેશે. પપ્પા પહેલી વાર સાક્ષીઓની સભામાં આવ્યા. એ દિવસે દેવશાહી સેવા શાળા અને સેવા સભા ચલાવવામાં આવી. પપ્પાએ એક કોર્સ કર્યો હતો, જેમાં લોકો આગળ સારી રીતે બોલવાનું શીખવવામાં આવતું હતું. સભામાં ભાઈઓએ સરસ ટૉક આપી ત્યારે પપ્પાને એ બહુ ગમ્યું. પપ્પાએ કહ્યું કે તે દર અઠવાડિયે એ સભામાં આવશે. ધીરે ધીરે તે બીજી સભાઓમાં પણ આવવા લાગ્યા.

એ દિવસોમાં ભાઈઓએ દેવશાહી સેવા શાળામાં પોતાનાં નામ નોંધાવવા પડતાં. શાળાના સેવક સભાની શરૂઆતમાં એ બધા ભાઈઓનાં નામ બોલતા અને પછી તેઓ “પ્રેઝેન્ટ” બોલતા. એક દિવસે મેં ભાઈને કહ્યું કે તે આવતી સભામાં મારું નામ પણ બોલે. ભાઈએ મારા વખાણ કર્યા, પણ મને તો એય ખબર ન હતી કે કેમ નામ બોલવામાં આવતાં હતાં.

હું તો બસ એટલું ચાહતો હતો કે સભામાં મારું નામ મોટેથી બોલાય. મને ક્યાં ખબર હતી કે મારે ટૉક આપવી પડશે. પછીના અઠવાડિયે મારું નામ બોલાયું ત્યારે મેં મોટેથી કહ્યું, “પ્રેઝેન્ટ.” સભા પછી ભાઈ-બહેનોએ મારી પીઠ થાબડી. પણ કેટલાંક અઠવાડિયાં પછી મને કાગળની પેલી ચબરખી મળી, જેના વિશે મેં શરૂઆતમાં જણાવ્યું હતું.

હવે હું બરાબરનો ફસાઈ ગયો. એ સમયે વિદ્યાર્થીઓએ છથી આઠ મિનિટની ટૉક આપવી પડતી. બાઇબલ વાંચન જેવું કંઈ ન હતું. પણ પપ્પાએ મને ટૉકની તૈયારી કરવા મદદ કરી અને મારી જોડે ૨૦ વખત પ્રૅક્ટિસ કરાવી. ટૉક આપ્યા પછી ભાઈએ કામ લાગે એવી સરસ સલાહ આપી. વર્ષો દરમિયાન યહોવાએ મારા પપ્પા, અનુભવી ભાઈ-બહેનો અને સંગઠન દ્વારા મને ઘણું શીખવ્યું છે.

યહોવા મને શીખવતા રહ્યા

મેં પ્રચાર કરવાનું શરૂ કર્યું ત્યારે એલિસબહેને મને ઘણી મદદ કરી. એ દિવસોમાં અમે ઘરમાલિકને ત્રણ કલમો વાંચી આપતા અને પછી પુસ્તક આપતા. જ્યારે મારો વારો આવતો ત્યારે એલિસબહેન પોતાની ઓળખાણ આપતાં, વાતચીત શરૂ કરતા અને મને પહેલી કલમ વાંચવાનું કહેતાં. એ પછી હું વાતચીત આગળ વધારતો. હું બીજી અને ત્રીજી કલમ વાંચતો અને પુસ્તક આપતો. સમય જતાં હું પણ વાતચીત શરૂ કરવાનું શીખી ગયો. ૧૯૫૪માં પપ્પાએ બાપ્તિસ્મા લીધું એ પછી તે મને પ્રચાર કરવાનું શીખવતા રહ્યા. મમ્મીના ગયા પછી પપ્પાએ એકલા હાથે સત્યમાં મારો ઉછેર કર્યો. એ માટે તેમણે પોતાનાથી બનતું બધું કર્યું. તેમના માટે સભાઓ અને પ્રચાર ખૂબ જ મહત્ત્વનાં હતાં. મને ક્યારેય સવાલ થતો ન હતો કે સભાની સાંજે અને શનિ-રવિની સવારે અમે શું કરીશું. કેમ કે ખબર જ હતી કે અમે બધી સભાઓમાં જઈશું અને શનિ-રવિ પ્રચારમાં જઈશું.

સ્કૂલમાં મારા ઠીકઠાક માર્ક્સ આવી જતા. પણ સ્કૂલનાં એ ૧૨ વર્ષોમાં મને જે શીખવા મળ્યું, એનાથી મને જીવનભર મદદ મળી. દાખલા તરીકે, હું ગણિત અને અંગ્રેજી વ્યાકરણ વિશે ઘણું શીખ્યો. મેં અલગ અલગ અંગ્રેજી કોર્સ કર્યા અને વાર્તાઓ લખવાના ક્લાસ પણ કર્યા. એનાથી આજેય મને લેખન વિભાગની સોંપણીમાં મદદ મળે છે.

લોકો ઘણી વાર પૂછે છે કે સંગીતમાં મને આટલો રસ કેમ છે. મારાં મમ્મી-પપ્પાને સંગીત બહુ જ ગમતું હતું. હું સાત વર્ષનો હતો ત્યારે મેં થોડા સમય માટે પિયાનો શીખવાનું શરૂ કર્યું. પણ મારા ટીચરને લાગ્યું કે હું પિયાનો નહિ શીખી શકું. તેમણે પપ્પાને કહ્યું કે મારે પિયાનો શીખવાનું બંધ કરી દેવું જોઈએ. હું સમજી શકું છું કે તેમણે કેમ એવું કહ્યું. એ સમયે પિયાનો શીખવામાં મારું મન લાગતું જ ન હતું.

થોડા મહિનાઓ પછી પપ્પાએ બીજા એક ટીચર શોધી કાઢ્યા. હું તેમની પાસેથી પિયાનો વગાડવાનું અને ગીત ગાવાનું શીખ્યો. હું ખૂબ સારું કરવા લાગ્યો. નાનો હતો ત્યારે હું સારી રીતે ગાઈ શકતો હતો. એટલે હું અમુક સ્પર્ધાઓ પણ જીત્યો. મારો ધ્યેય હતો કે હું એક મ્યુઝિક ટીચર બનું, જેથી પાયોનિયરીંગ કરવાની સાથે સાથે પોતાનું ગુજરાન ચલાવી શકું. પણ મને ખ્યાલ આવ્યો કે મારો ઘણો બધો સમય ભણવામાં અને પરીક્ષાની તૈયારી કરવામાં જતો રહેશે. એટલે મેં એ ધ્યેય પડતો મૂક્યો અને ૧૯૬૩માં નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું.

પાયોનિયરીંગ કરવાથી ખુશી મળી

એક વર્ષ પાયોનિયરીંગ કર્યા પછી, મને ખાસ પાયોનિયરની સોંપણી મળી. મને ઑન્ટેરીઓમાં કાપસકેસિંગ નામની જગ્યાએ મોકલવામાં આવ્યો. મને ભાઈ ડેનિયલ સ્કીનર સાથે કામ કરવાનું કહેવામાં આવ્યું, જે મારા કરતાં ઉંમરમાં ઘણા મોટા હતા. તેમણે મને શીખવ્યું કે મંડળમાં અલગ અલગ કામ કઈ રીતે થાય છે. ૨૦ વર્ષની ઉંમરે મને મંડળની સેવા સમિતિમાં નીમવામાં આવ્યો. હજુ મારે ઘણું શીખવાનું હતું. મને એ વાતની ખુશી છે કે સંગઠન ફરીથી યુવાનોને તાલીમ આપવા પર ભાર મૂકી રહ્યું છે. જો યુવાનો શીખેલી વાતોને લાગુ પાડશે તો નાની ઉંમરથી જ તેઓ યહોવાના કામ આવી શકશે.

કાપસકેસિંગમાં જીવવું એટલું સહેલું ન હતું. ત્યાં શિયાળામાં હાડ થીજાવી નાખે એવી ઠંડી પડતી. તાપમાન ક્યારેક -૪૪ ડિગ્રી જતું રહેતું અને ક્યારેક બહુ ઠંડી ના હોય તો તાપમાન -૩૩ ડિગ્રી રહેતું! હું અને ડેનિયલભાઈ મોટા ભાગે બધે ચાલીને જતા. અહીં સેવા આપવાથી મને ઘણી ખુશી મળી. એનું એક કારણ હતું કે હું લિન્ડા કોલ નામની બહેનને મળ્યો, જે આગળ જતાં લિન્ડા સ્પ્લેન બની.

લિન્ડાને પ્રચાર કરવામાં બહુ મજા આવતી હતી. તેની પાસે ઘણી ફરી મુલાકાતો હતી. તે ઉદાર અને પ્રેમાળ હતી. તેને બીજાઓ સાથે સમય વિતાવવો ખૂબ ગમતું હતું. તેનાં મમ્મીનું નામ ગોલ્ડિ હતું અને તે વફાદારીથી યહોવાની ભક્તિ કરતા હતાં. પણ લિન્ડાના પપ્પા એલન શરૂઆતમાં યહોવાના સાક્ષીઓનો વિરોધ કરતા હતા. તેમના વિરોધ છતાં લિન્ડાનાં મમ્મી તેને અને તેના ભાઈઓ જૉન અને ગોર્ડનને નિયમિત રીતે પ્રાર્થનાઘરમાં લઈ આવતાં. તેમણે બાળકોને પ્રચાર કરવાનું પણ શીખવ્યું. ગોલ્ડિ, લિન્ડા, જૉન અને ગોર્ડન એ બધાએ ક્યારેક ને ક્યારેક પાયોનિયરીંગ કર્યું. વર્ષો પછી લિન્ડાના પપ્પા યહોવાના સાક્ષી બન્યા અને પૂરા ઉત્સાહથી મંડળમાં સેવા આપવા લાગ્યા.

૧૯૬૫માં મને કેનેડા બેથેલમાં રાજ્ય સેવા શાળા માટે બોલાવવામાં આવ્યો. એ આખા મહિના દરમિયાન મને ઘણી તાલીમ મળી. એ શાળા વખતે મને ગિલયડનું ફૉર્મ ભરવાનું કહેવામાં આવ્યું. મને લાગતું ન હતું કે હું મિશનરી બની શકીશ, તોપણ મેં એ ફૉર્મ ભરી દીધું. પછી મને ગિલયડના ૪૨મા વર્ગમાં બોલાવવામાં આવ્યો. ઘણી વાર ગિલયડના શિક્ષકો અમને જણાવતા કે અમે કેવું કરી રહ્યા છીએ. શરૂઆતથી જ શિક્ષકોએ મને ઉત્તેજન આપ્યું કે હું શાળામાં છું ત્યાં સુધી સંગઠન વિશે બને એટલું વધારે શીખું. ૨૧ વર્ષના છોકરા માટે એ બહુ જ કામની સલાહ હતી.

ગિલયડમાં અમને એ પણ શીખવવામાં આવ્યું કે ટીવી અને રેડિયો ચૅનલવાળા તેમજ સમાચારપત્રોના લોકો સાથે કઈ રીતે વાતચીત કરવી. મને એ શીખવામાં મજા આવી. મને ખબર ન હતી કે આગળ જતાં એ કેટલું કામ લાગશે. એ વિશે હું પછી જણાવીશ.

સેનેગલમાં સોંપણી

ગ્રેજ્યુએશનના થોડા દિવસો પછી હું અને ભાઈ માઇકલ હૂલ આફ્રિકાના સેનેગલ દેશ જવા નીકળી પડ્યા. એ સમયે ત્યાં આશરે ૧૦૦ પ્રકાશકો હતા.

આ સોંપણીના એક વર્ષની અંદર અંદર મને કહેવામાં આવ્યું કે હું અઠવાડિયામાં એક દિવસ શાખા કચેરીમાં કામ કરું. શાખા કચેરી કોઈ મોટી બિલ્ડિંગમાં નહિ, પણ મિશનરી ઘરના એક નાના ઓરડામાં હતી. એ સમયે ભાઈ ઈમાનુએલ પાટેરકીસ શાખા સેવક હતા. ભલે શાખા કચેરી એકદમ નાની હતી, તોપણ ઈમાનુએલભાઈ હંમેશાં યાદ અપાવતા કે આ શાખા સેનેગલ દેશમાં યહોવાના સંગઠનને રજૂ કરે છે. એક વખતે ઈમાનુએલભાઈએ વિચાર્યું કે આપણે મિશનરીઓને ઉત્તેજન આપતો પત્ર લખીએ. એ દિવસોમાં પત્રની કૉપી કરવી જરાય સહેલું ન હતું અને ઘણું મોંઘું પણ હતું. એટલે ટાઇપરાઇટરથી બધા પત્રો લખ્યા સિવાય અમારી પાસે કોઈ છૂટકો ન હતો. એમાં ઘણો સમય લાગતો, કેમ કે અમારે ખાસ ધ્યાન રાખવું પડતું કે કોઈ ભૂલ ન થાય.

કામ પતાવીને હું ઘરે જવા નીકળતો હતો એ પહેલાં ઈમાનુએલભાઈએ મને એક કવર આપ્યું. તેમણે કહ્યું, “ડેવિડ, સંસ્થા તરફથી તારા માટે પત્ર છે.” પછીથી કવર ખોલ્યું તો જોયું કે આ એ જ પત્ર છે જે મેં લખ્યો હતો. આ અનુભવથી મને શીખવા મળ્યું કે શાખા કચેરી ભલે નાની હોય કે મોટી, એ સંગઠનને રજૂ કરે છે અને ત્યાં થતું દરેક કામ મહત્ત્વનું છે.

ડેવિડભાઈ અને અમુક ભાઈ-બહેનો ફોટો પડાવવા સ્માઈલ કરી રહ્યાં છે.

૧૯૬૭, સેનેગલમાં બીજા મિશનરીઓ સાથે

મેં મંડળમાં ઘણા દોસ્તો બનાવ્યા. શનિવારની સાંજ તો મોટા ભાગે તેઓ સાથે જ વિતાવતો. શું દિવસો હતા એ! અમે આજેય એકબીજા સાથે વાત કરીએ છીએ. સેનેગલમાં મને ફ્રેન્ચ ભાષા શીખવાનો મોકો મળ્યો. આજે હું અલગ અલગ શાખાની મુલાકાત લઉં છું ત્યારે એ ભાષા ઘણી કામ આવે છે.

૧૯૬૮માં મેં અને લિન્ડાએ સગાઈ કરી. પછી મહિનાઓ સુધી હું કામ શોધતો રહ્યો, જેથી અમે સેનેગલમાં પાયોનિયરીંગ કરી શકીએ. પણ ત્યાંના લોકો પરદેશીઓને કામ પર રાખતા ન હતા. તેઓ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ સ્થાનિક લોકોને કામ પર રાખે. આખરે હું કેનેડા પાછો આવ્યો અને અમે લગ્‍ન કર્યા. પછી અમને ન્યૂ બ્રુન્સ્વીકમાં આવેલા એડમન્ડસ્ટન શહેરમાં ખાસ પાયોનિયર તરીકે સોંપણી મળી. એ ક્વિબેક પ્રાંતની સરહદે આવેલું એક નાનું શહેર છે.

ડેવિડભાઈ અને લિન્ડાબહેન ફૂલોથી ઢંકાયેલા રસ્તા પર ઊભાં છે અને સ્માઈલ કરી રહ્યાં છે.

૧૯૬૯, અમારા લગ્‍નના દિવસે

ન્યૂ બ્રુન્સ્વીક અને ક્વિબેકમાં પાયોનિયરીંગ

અમે આવ્યાં એ પહેલાં ત્યાં કોઈ સાક્ષી ન હતા અને ગણ્યા-ગાંઠ્યા લોકો જ બાઇબલ અભ્યાસ કરતા હતા. ત્યાં કૅથલિક ધર્મનો બહુ દબદબો હતો. લગભગ દરેક ઘરે આવું પાટિયું માર્યું હતું: યહોવાના સાક્ષીઓએ આવવું નહિ. એ સમયે અમે એવાં લખાણો પર બહુ ધ્યાન ન આપતાં. એટલે એવું પાટિયું હોય કે ન હોય, અમે દરેક ઘરે જતાં અને વાત કરતા. દર અઠવાડિયે કૅથલિકોનું એક જૂથ પેપરમાં છપાવતું: “ચાલો યહોવાના સાક્ષીઓને શોધી કાઢીએ અને તેઓને સજા કરીએ.” તેઓ બીજા કોઈને નહિ, પણ અમને ચારને જ શોધવાની વાત કરતા હતા: વિક્ટર અને વેલ્ડા નોર્બર્ગ, હું અને લિન્ડા.

સરકીટ નિરીક્ષકની પહેલી મુલાકાત મને હજુ પણ યાદ છે. આખું અઠવાડિયું અમારી સાથે વિતાવ્યા પછી તેમણે કહ્યું, “તમે કદાચ અહીં એક જ વસ્તુ કરી શકો. તમે લોકોનાં મનમાંથી યહોવાના સાક્ષીઓ વિશે ખોટા વિચારો દૂર કરી શકો.” પછી અમે એવું જ કરવા લાગ્યા અને એનાં સારાં પરિણામ મળ્યાં. ધીરે ધીરે લોકો યહોવાના સાક્ષીઓ અને કૅથલિક ચર્ચના પાદરીઓ વચ્ચે ફરક જોઈ શક્યા. તેઓને સાફ દેખાઈ આવ્યું કે સાક્ષીઓ ખૂબ નમ્ર છે જ્યારે કે પાદરીઓ ખૂબ ઘમંડી છે. આજે એ શહેરમાં એક નાનું મંડળ છે.

આ દૂરના વિસ્તારમાં અમે આશરે એક વર્ષ સેવા આપી. પછી અમને ક્વિબેક શહેરના એક મોટા મંડળમાં સેવા આપવા બોલાવવામાં આવ્યાં. ત્યાંનાં ભાઈ-બહેનોને મહેમાનગતિ બતાવવી ગમતું હતું. એ છ મહિના બહુ સરસ ગયા. પછી અમને સરકીટ કામ સોંપવામાં આવ્યું.

પછીનાં ૧૪ વર્ષ અમે ક્વિબેક પ્રાંતનાં અલગ અલગ મંડળોની મુલાકાત લીધી. એ સાચે જ યાદગાર સમય હતો! એ વખતે ક્વિબેકમાં આપણું કામ પૂર ઝડપે ચાલી રહ્યું હતું. અમે મંડળોની મુલાકાતે જતાં ત્યારે એવાં ઘણાં કુટુંબો મળતાં, જેના બધા જ સભ્યો બાપ્તિસ્મા માટે મહેનત કરી રહ્યા હોય.

મહેનતુ ભાઈ-બહેનોને અમે આજેય યાદ કરીએ છીએ

કેનેડામાં એવા અનેક વિસ્તારો છે, જ્યાં મોટા ભાગના લોકો ફ્રેન્ચ બોલે છે. ત્યાંનાં ભાઈ-બહેનો સાથે હળવું-મળવું બહુ જ સહેલું છે. તેઓને સીધેસીધી વાત કરવી ગમે છે, ગોળ ગોળ નહિ. તેઓ હંમેશાં ખુશ રહે છે અને ખૂબ ઉત્સાહી હોય છે. જોકે એ ભાઈ-બહેનો માટે સત્ય સ્વીકારવું હંમેશાં સહેલું ન હતું. તેઓએ કુટુંબીજનોનો વિરોધ સહન કરવો પડ્યો. ઘણા યુવાનોનાં મમ્મી-પપ્પાએ સાફ કહી દીધું હતું, “યહોવાના સાક્ષીઓ સાથે અભ્યાસ બંધ કર, નહિ તો ઘર છોડી દે!” આવો વિરોધ હોવા છતાં તેઓ યહોવાને વફાદાર રહ્યા. યહોવાને સાચે જ તેઓ પર ગર્વ હશે!

જો હું એ ભાઈ-બહેનો વિશે વાત ના કરું જેઓએ ક્વિબેકમાં નિયમિત અને ખાસ પાયોનિયરીંગ કર્યું હતું, તો મારી કહાની અધૂરી રહી જાય. તેઓમાંથી મોટા ભાગનાં ભાઈ-બહેનો કેનેડાના બીજા વિસ્તારોથી આવ્યાં હતાં. ક્વિબેક આવ્યા પછી તેઓએ ફ્રેન્ચ ભાષા શીખવાની હતી. ત્યાંના લોકોની રહેણી-કરણી પણ સમજવાની હતી, જેઓ પર કૅથલિક ધર્મનો ઘણો પ્રભાવ હતો.

મોટા ભાગે ખાસ પાયોનિયરોને એવા વિસ્તારોમાં મોકલવામાં આવતા, જ્યાં પ્રકાશકો ન હોય. એ વિસ્તારોમાં ઘર શોધવું અથવા નાનું-મોટું કામ શોધવું અઘરું હતું, કેમ કે ત્યાંના લોકોને સાક્ષીઓ ગમતા ન હતા. અમુક વાર તો ઘરનું ભાડું એટલું વધારે હોય કે નવાં પરણેલાં યુગલોએ બીજાં યુગલો સાથે રહેવું પડતું. ક્યારેક તો એક જ ઘરમાં છ છ, આઠ આઠ લોકો એકસાથે રહેતા. એ પાયોનિયરો ખૂબ જ મહેનત કરતા. જ્યારે તેઓને કોઈ બાઇબલ અભ્યાસ મળતો ત્યારે તેઓ શીખવવામાં પોતાનો જીવ રેડી દેતા. ખુશીની વાત છે કે હવે ક્વિબેકમાં બીજી જગ્યાએથી ભાઈ-બહેનોએ આવીને મદદ કરવાની જરૂર નથી. એટલે તેઓમાંથી ઘણા પાયોનિયરો એવી જગ્યાએ જઈને સેવા આપી રહ્યા છે, જ્યાં વધારે જરૂર હોય.

સરકીટ કામમાં હતાં ત્યારે અમે મોટા ભાગે શનિવાર સવારે તરુણો સાથે પ્રચાર કરતા. આ રીતે અમે જાણી શકતાં કે તેઓ સામે કઈ મુશ્કેલીઓ આવે છે. એમાંના અમુક આજે બીજા દેશમાં મિશનરી તરીકે સેવા આપે છે, તો અમુક બીજી જવાબદારીઓ સંભાળે છે.

એ દિવસોમાં અમુક મંડળો અમારી મુસાફરીનો ખર્ચ ઉપાડી શકતાં ન હતાં. એટલે મહિનાના અંતે ક્યારેક અમારી પાસે પૈસા ખૂટી જતા. એવા સમયે અમે યહોવા પર પૂરો ભરોસો રાખતા, કેમ કે ફક્ત તે જ અમારા સંજોગો સારી રીતે જાણતા હતા. તેમણે હંમેશાં અમને મદદ કરી છે. કોઈ ને કોઈ રીતે અમે એક મંડળેથી બીજા મંડળે પહોંચી જતાં.

બીજાઓ પાસેથી ઘણું શીખવા મળ્યું

ક્વિબેકમાં હતા ત્યારે મને રેડિયો, ટીવી અને છાપા દ્વારા સાક્ષી આપવાનો મોકો મળ્યો. મને ખુશી છે કે ગિલયડમાં મળેલી તાલીમનો હું અહીંયા ઉપયોગ કરી શક્યો. મને ઘણી વાર ભાઈ લેઓન્સ ક્રેપો સાથે કામ કરવાનું કહેવામાં આવતું. તે પણ એક સરકીટ નિરીક્ષક હતા. તે મીડિયાના લોકો સાથે સારી રીતે વાત કરી શકતા હતા. જ્યારે પણ લેઓન્સભાઈ મીડિયાના કોઈ મોટા માણસને મળતા, ત્યારે કદી એવું ન દેખાડતા કે તેમને મીડિયા વિશે ઘણું બધું ખબર છે. તે માનથી કહેતા: “સાહેબ, હું અને મારો સાથી બાઇબલનો સંદેશો જણાવીએ છીએ. અમને ટીવી કે રેડિયો પર વાત કરવા વિશે બહુ કંઈ ખબર નથી. પણ યહોવાના સાક્ષીઓનું એક મોટું મહાસંમેલન થવાનું છે અને અમારે એ વિશે લોકોને જણાવવાનું છે. જો એ માટે તમે અમને કોઈ પણ રીતે મદદ કરી શકો, તો અમે તમારો અહેસાન કદી નહિ ભૂલીએ.” તે આ રીતે નમ્રતાથી વાત કરતા ત્યારે મીડિયાના ઘણા લોકો અમારી મદદ કરવા તૈયાર થઈ જતા.

પછી શાખા કચેરીએ મને ભાઈ ગ્લેન હાઉ સાથે કામ કરવાનું કહ્યું. તે એક વકીલ હતા. અમારે એવા અમુક અઘરા કેસ પર કામ કરવાનું હતું જે મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની શકતા હતા. મને ગિલયડની તાલીમથી અને લેઓન્સભાઈ સાથે કામ કરવાથી જે શીખવા મળ્યું એનાથી ઘણો ફાયદો થયો. ગ્લેનભાઈ સાથે કામ કરવું મારા માટે સાચે જ એક લહાવો હતો. તે ડર્યા વગર સંગઠન તરફથી કાનૂની લડાઈઓ લડતા હતા. પણ સૌથી મહત્ત્વનું તો તે યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા.

મારા પપ્પાનું ઘર પશ્ચિમ કેનેડામાં હતું. ૧૯૮૫માં અમને એની આસપાસની સરકીટમાં કામ સોંપવામાં આવ્યું. એના લીધે અમે તેમની સંભાળ રાખી શક્યાં. પણ દુઃખની વાત છે કે પપ્પા ત્રણ મહિના પછી ગુજરી ગયા. અમે ૧૯૮૯ સુધી પશ્ચિમ કેનેડાની અલગ અલગ સરકીટમાં કામ કરતા રહ્યાં. પણ પછી અમને અમેરિકાના બેથેલમાં જવાનું આમંત્રણ મળ્યું. એ સાંભળીને અમને બહુ નવાઈ લાગી. લગભગ ૧૯ વર્ષ સરકીટ કામ કર્યા પછી હવે અમારે એ છોડીને બેથેલ જવાનું હતું. એ વર્ષો દરમિયાન અમે ઘણાં ભાઈ-બહેનોનાં ઘરે રોકાયાં અને હજારો ભાઈ-બહેનો સાથે જમ્યાં. તેઓએ અમારા માટે જે કંઈ કર્યું એની અમે દિલથી કદર કરીએ છીએ.

અમેરિકાના બેથેલમાં આવ્યાં

અમે બ્રુકલિન આવ્યાં ત્યારે મને સેવા વિભાગમાં સોંપણી મળી. એ વિભાગમાં કામ કરીને હું ઘણું શીખ્યો અને મને જે તાલીમ મળી એની હું ખૂબ કદર કરું છું. એક વાત હું એ શીખ્યો કે કોઈ બાબત વિશે પૂરી માહિતી ન હોય તો પહેલેથી કંઈ ધારી ન લઉં. પછી ૧૯૯૮માં મને લેખન વિભાગમાં સોંપણી મળી. હું આજે પણ અહીંયા શીખી જ રહ્યો છું. લેખન વિભાગમાં મને ઘણાં વર્ષો ભાઈ જૉન બાર સાથે કામ કરવાનો લહાવો મળ્યો. તે લેખન સમિતિના સેવક હતા. તે દરેક બાબતમાં ઈસુ જેવા ગુણો બતાવતા હતા. તેમની પાસેથી મળેલી તાલીમ અને તેમની સાથે વિતાવેલો સમય હંમેશાં મારા દિલમાં રહેશે.

જૉન અને મિલ્ડ્રેડ બાર સાથે ડેવિડભાઈ અને લિન્ડાબહેન ફોટો પડાવવા ઊભાં છે.

જૉન અને મિલ્ડ્રેડ બાર સાથે

લેખન વિભાગનાં વહાલાં ભાઈ-બહેનો સાથે કામ કરવાની મને બહુ મજા આવે છે. તેઓ બધા ખૂબ નમ્ર છે. તેઓ પોતાનું કામ પૂરું કરવા હંમેશાં યહોવા પર આધાર રાખે છે. તેઓ સારી રીતે જાણે છે કે કોઈ પણ કામ તેઓ પોતાની આવડતથી નહિ, પણ યહોવાની પવિત્ર શક્તિની મદદથી કરી શકે છે.

ડેવિડભાઈ ૨૦ ભાઈ-બહેનોથી બનેલા વૉચટાવર કોરસની આગેવાની લઈ રહ્યા છે અને એક બહેન પિયાનો વગાડી રહ્યાં છે.

૨૦૦૯ની વાર્ષિક સભામાં વૉચટાવર કોરસની આગેવાની લઈ રહ્યો છું

ડેવિડભાઈ ખુશીથી એક બહેનને બાઇબલ આપી રહ્યા છે.

૨૦૧૪ આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં કોરિયાના સિઓલમાં ભાઈ-બહેનોને બાઇબલ આપી રહ્યો છું

અત્યાર સુધી મને અને લિન્ડાને ૧૧૦ દેશોમાં જઈને ભાઈ-બહેનોને મળવાની તક મળી છે. અમે પોતે જોયું છે ત્યાંનાં મિશનરી ભાઈ-બહેનો, શાખા સમિતિના સભ્યો અને પૂરા સમયના સેવકો યહોવાને કેટલો પ્રેમ કરે છે. અમે એ પણ જોયું છે કે અમુક દેશોમાં યુદ્ધો, આર્થિક મુશ્કેલીઓ અને સતાવણી છતાં ભાઈ-બહેનો યહોવાને વફાદાર રહે છે અને ઉત્સાહથી તેમની ભક્તિ કરતા રહે છે. અમને પાકી ખાતરી છે કે એ ભાઈ-બહેનો યહોવાના દિલની ખૂબ જ નજીક હશે!

આટલાં વર્ષોમાં અલગ અલગ જવાબદારીઓ સારી રીતે પૂરી કરવા લિન્ડાએ મને ઘણી મદદ કરી છે. તે લોકોને સાચો પ્રેમ કરે છે અને હંમેશાં તેઓને મદદ કરવા વિશે વિચારે છે. તે કોઈની પણ સાથે વાત શરૂ કરતા અચકાતી નથી. લિન્ડાએ ઘણા લોકોને યહોવા વિશે શીખવ્યું છે. તેણે એવા અમુક લોકોને પણ મદદ કરી છે, જેઓ નિષ્ક્રિય થઈ ગયા હતા. તે સાચે જ મારા માટે યહોવા તરફથી એક ખાસ ભેટ છે. હવે વધતી ઉંમરને લીધે અમે પહેલાં જેટલું નથી કરી શકતાં, પણ યુવાન ભાઈ-બહેનો હંમેશાં કોઈક ને કોઈક રીતે મદદ કરે છે. અમે એ અહેસાન કદી નહિ ભૂલીએ.—માર્ક ૧૦:૨૯, ૩૦.

પાછલાં ૮૦ વર્ષોને યાદ કરું છું ત્યારે મારું દિલ કદરથી ઊભરાઈ જાય છે. મને ગીતશાસ્ત્રના એક લેખક જેવું જ લાગે છે. તેમણે લખ્યું: “હે ઈશ્વર, તમે મને મારી યુવાનીથી શીખવ્યું છે. હું આજ સુધી તમારાં અજાયબ કામો પ્રગટ કરું છું.” (ગીત. ૭૧:૧૭) મેં નક્કી કર્યું છે કે એવું હું મારા છેલ્લા શ્વાસ સુધી કરતો રહીશ.

a આજે આવી તાલીમ અઠવાડિયા દરમિયાન થતી સભામાં આપવામાં આવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો