વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 માર્ચ પાન ૨૬-૩૧
  • વિરોધ થાય તોપણ કેમ ખુશ રહી શકીએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિરોધ થાય તોપણ કેમ ખુશ રહી શકીએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • લોકો કેમ આપણો વિરોધ કરે છે?
  • લોકો વિરોધ કરે તોપણ કેમ ખુશ રહી શકીએ?
  • પ્રેમ હશે તો લોકોનો ધિક્કાર સહી શકીશું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • અંત સુધી વફાદાર રહેવા મદદ કરતો એક પત્ર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા કઈ રીતે ધીરજથી મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • “તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 માર્ચ પાન ૨૬-૩૧

જૂન ૧-૭, ૨૦૨૬

ગીત ૨૮ એક નવું ગીત

વિરોધ થાય તોપણ કેમ ખુશ રહી શકીએ?

‘લોકો તમને ધિક્કારે ત્યારે તમે સુખી છો.’—લૂક ૬:૨૨.

આપણે શું શીખીશું?

યહોવાની ભક્તિ કરવાને લીધે લોકો આપણો વિરોધ કરે તોપણ કેમ ખુશ રહી શકીએ?

૧. ઈસુએ શું કહ્યું અને એનાથી કેમ આપણને નવાઈ લાગી શકે?

ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કહ્યું: ‘લોકો તમને ધિક્કારે ત્યારે તમે સુખી છો.’ (લૂક ૬:૨૨) એ સાંભળીને ત્યાં હાજર લોકોને ઘણી નવાઈ લાગી હશે. આખરે ધિક્કાર કે વિરોધ સહન કરવો કોને ગમે! પણ ઈસુએ કેમ એવું કહ્યું? એના પર વિચાર કરવો સારું છે, કેમ કે આજે ઈસુના શિષ્યોને ઘણા લોકો ધિક્કારે છે. આ લેખમાં જોઈશું કે લોકો કેમ આપણો વિરોધ કરે છે અને એવું થાય તોપણ કેમ ખુશ રહી શકીએ.

લોકો કેમ આપણો વિરોધ કરે છે?

૨-૩. (ક) કયા એક કારણને લીધે આપણો વિરોધ થાય છે? (યોહાન ૧૬:૨, ૩) (ખ) એ જાણ્યા પછી આપણને વિરોધીઓ વિશે કેવું લાગે છે?

૨ આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ એટલે લોકો વિરોધ કરે છે. ઈસુએ કહ્યું હતું કે લોકો તેમના શિષ્યોની સતાવણી કરશે અને અમુકને તો મારી નાખશે. એવા લોકો વિશે તેમણે કહ્યું: “તેઓ પિતાને કે મને ઓળખતા નથી.” (યોહાન ૧૬:૨, ૩ વાંચો.) આપણા વિરોધ પાછળ ખરેખર કોનો હાથ છે? ‘આ દુનિયાના દેવ’ શેતાનનો હાથ છે. (૨ કોરીં. ૪:૩, ૪) લોકો યહોવા વિશેનું સત્ય જાણી ન શકે, એ માટે શેતાને તેઓનાં મન આંધળાં કર્યાં છે. તે લોકોને ઉશ્કેરે પણ છે, જેથી તેઓ યહોવાને ઓળખતા અને પ્રેમ કરતા ભક્તોનો વિરોધ કરે. (યોહા. ૮:૪૨-૪૪) હવે એ જાણ્યા પછી, આપણને વિરોધીઓ વિશે કેવું લાગે છે? જ્યારે સમજાય છે કે શેતાન વિરોધીઓને ભમાવે છે, ત્યારે તેઓ માટે મનમાં નફરતની લાગણી થતી નથી.

૩ પાવેલભાઈનોa વિચાર કરીએ. તે એવા દેશમાં રહે છે જ્યાં આપણા કામ પર પ્રતિબંધ છે. એવામાં પણ તે વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહ્યા, એટલે તેમની ધરપકડ થઈ. તેમને ક્રૂર રીતે મારવામાં આવ્યા. મહિનાઓ સુધી તેમને એકલા કોટડીમાં પૂરી રાખવામાં આવ્યા. હવે તે કહે છે, “હું સાફ જોઈ શકું છું કે આ બધું એટલા માટે થાય છે, કેમ કે શેતાન અને તેના દુષ્ટ દૂતો આપણને યહોવાની ભક્તિ કરતા રોકવા માંગે છે. જેલમાં કામ કરતા મોટા ભાગના લોકો આપણને નફરત કરતા નથી. તેઓ તો બસ પોતાનું કામ કરી રહ્યા છે.” ક્રોએશિયામાં રહેતા એક ભાઈનાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી નથી. તેઓ ભાઈનો સખત વિરોધ કરતા હતાં. ભાઈ કહે છે: “હું સમજી ગયો છું કે મારો દુશ્મન શેતાન છે, મમ્મી-પપ્પા નહિ.”—એફે. ૬:૧૨.

૪. ઈસુ અને સ્તેફન પાસેથી આપણને શું શીખવા મળે છે? (ચિત્ર પણ જુઓ.)

૪ વિરોધીઓને ધિક્કારવાને બદલે આપણે તેઓ માટે પ્રાર્થના કરવી જોઈએ. (માથ. ૫:૪૪) એ વિશે ઈસુ અને સ્તેફન પાસેથી ઘણું શીખવા મળે છે. રોમન સૈનિકોને હુકમ મળ્યો હતો કે તેઓ ઈસુને વધસ્તંભ પર જડી દે. વધસ્તંભ પર ઈસુએ પ્રાર્થના કરી: “હે પિતા, તેઓને માફ કરો.” (લૂક ૨૩:૩૪) તે વિનંતી કરી રહ્યા હતા કે યહોવા એવા સૈનિકોને માફ કરે, જેઓ તેમને મારી નાખવાના હતા. એ સમયે ટોળામાં એવા લોકો પણ હતા, જેઓ ધર્મગુરુઓની વાતમાં આવી ગયા હતા. તેઓએ ઈસુને મારી નાખવાની બૂમો પાડી હતી. ઈસુ કદાચ એ લોકો માટે પણ પ્રાર્થના કરી રહ્યા હતા. ઈસુ સમજતા હતા કે એ સૈનિકો અને લોકો જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. સ્તેફને પણ ઈસુ જેવું કર્યું. જે લોકો સ્તેફનને મારી નાખવા માંગતા હતા તેઓ માટે સ્તેફને પ્રાર્થના કરી. તે ચાહતા હતા કે યહોવા તેઓને માફ કરે. (પ્રે.કા. ૭:૫૮-૬૦) શું યહોવાએ ઈસુ અને સ્તેફનની પ્રાર્થના સાંભળી? હા. જેઓ ઈસુને મારી નાખવા માંગતા હતા તેઓમાંથી ઘણા લોકોએ આગળ જતાં પસ્તાવો કર્યો, ઈસુમાં શ્રદ્ધા મૂકી અને બાપ્તિસ્મા લીધું. (પ્રે.કા. ૨:૩૬-૪૧) સ્તેફનને મારી નાખવામાં તાર્સસના શાઉલે સાથ આપ્યો હતો. પણ સમય જતાં તે ઈસુના શિષ્ય બન્યા. તેમને એ કામોનું દુઃખ થયું, જે તેમણે અજાણતાં કર્યાં હતાં.—૧ તિમો. ૧:૧૩.

એક ભાઈના ચહેરા પર વાગ્યું છે. તે કોટડીમાં પ્રાર્થના કરી રહ્યા છે અને ચોકીદાર નજીકમાં ઊભો છે.

ઈસુ અને સ્તેફને પોતાના વિરોધીઓ માટે પ્રાર્થના કરી. આપણે પણ તેઓ જેવું કરી શકીએ (ફકરો ૪ જુઓ)


૫. સેસારભાઈના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું?

૫ આપણે પણ વિરોધીઓ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે, યહોવા એને સાંભળે છે. સેસારભાઈના અનુભવ પર ધ્યાન આપીએ. તે વેનેઝુએલામાં રહે છે. તે સાક્ષી છે એટલે તેમના પપ્પા તેમનો સખત વિરોધ કરતા હતા. સેસારભાઈ કહે છે: “મારાં મમ્મી એક સારાં પત્ની અને મા હતાં. તેમણે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખ્યું. તેમણે પપ્પાની સંભાળ રાખવામાં પણ કોઈ કસર બાકી ન રાખી. તેમણે મને અને મારાં ભાઈ-બહેનોને હંમેશાં પપ્પાને આદર આપવાનું અને તેમની દરેક વાત માનવાનું શીખવ્યું. પણ જો પપ્પા એવું કંઈક કહે જે ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ હોય, તો ઈશ્વરની વાત માનવાનું શીખવ્યું.” અમુક વર્ષો પછી સેસારભાઈના પપ્પાનું વલણ બદલાયું. ભાઈ જણાવે છે: “એક દિવસે મેં યહોવાને કરગરીને પ્રાર્થના કરી અને પછી પપ્પાને પૂછ્યું કે શું તેમને બાઇબલમાંથી શીખવું છે. તેમણે ‘હા’ પાડી. એ સાંભળીને મને એટલી ખુશી થઈ કે હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો.” સમય જતાં સેસારભાઈના પપ્પાએ બાપ્તિસ્મા લીધું. કંઈ બધા વિરોધીઓ આવા ફેરફારો નહિ કરે. પણ આપણાં સારાં વાણી-વર્તન જોઈને અમુક પોતાનું વલણ ચોક્કસ બદલે છે. એવું થાય છે ત્યારે આપણી ખુશી સમાતી નથી! આપણે એ જોવા કેટલા આતુર છીએ કે ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ અને દયાળુ ઈશ્વર યહોવા કઈ રીતે એવા લોકોને પોતાની પાસે દોરી લાવશે.—ઉત. ૧૮:૨૫.

૬. બીજા કયા કારણને લીધે લોકો આપણો વિરોધ કરે છે? (માર્ક ૧૩:૧૩, ફૂટનોટ)

૬ આપણે ઈસુને ટેકો આપીએ છીએ એટલે લોકો વિરોધ કરે છે. ઈસુએ કહ્યું હતું કે ‘તેમના નામને લીધે’ બધા લોકો તેમના શિષ્યોને ધિક્કારશે. (માર્ક ૧૩:૧૩, ફૂટનોટ વાંચો.) ઈસુનું ‘નામ’ શાને રજૂ કરે છે? તેમના સારા ગુણો અને ઈશ્વરના રાજ્યના રાજા તરીકે મળેલા અધિકારને રજૂ કરે છે. યહોવાએ આખા વિશ્વ પર રાજ કરવા ઈસુ ખ્રિસ્તને પસંદ કર્યા છે. તે ૧૯૧૪થી ઈશ્વરના રાજ્યના રાજા છે. આપણે તેમને ટેકો આપીએ છીએ અને તેમના પર પૂરો ભરોસો રાખીએ છીએ. પણ લોકો ઈસુને બદલે દુનિયાના નેતાઓ પર ભરોસો રાખે છે. એટલે આપણે તેઓની આંખમાં કણાની જેમ ખૂંચીએ છીએ. ઈસુ બહુ જલદી માણસોની બધી સરકારોનો નાશ કરશે, કેમ કે તેઓ ઈસુના અધિકારને સ્વીકારતા નથી.

૭-૮. અમુક લોકો કેમ આપણી મશ્કરી કરે છે? (યોહાન ૧૫:૧૮-૨૦) (ચિત્રો પણ જુઓ.)

૭ આપણે શેતાનની દુનિયાથી અલગ છીએ એટલે લોકો વિરોધ કરે છે. ઈસુએ સમજાવ્યું કે તેમના શિષ્યો આ “દુનિયાના નથી,” એટલે લોકો તેઓને ધિક્કારશે. (યોહાન ૧૫:૧૮-૨૦ વાંચો.) શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ, આપણે પણ દુનિયાના લોકોની જેમ વિચારતા નથી અને તેઓ જેવાં વાણી-વર્તન રાખતા નથી. એટલે ઘણાં ભાઈ-બહેનોએ કામની જગ્યાએ કે સ્કૂલમાં મજાક-મશ્કરીનો સામનો કરવો પડે છે. (૧ પિત. ૪:૩, ૪) પણ ખુશીની વાત છે કે સમય જતાં અમુક વિરોધીઓ આપણા વિશે પોતાના વિચારો બદલે છે અને આપણો આદર કરવા લાગે છે.

૮ ઇગનાસિયોભાઈનો દાખલો લઈએ. તે મધ્ય અમેરિકામાં રહે છે. તે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવતા હતા, એટલે સ્કૂલના એક સરે વર્ષો સુધી તેમની મજાક-મશ્કરી કરી. ભણવાનું પૂરું થયું એ પહેલાં સરે ઇગનાસિયોભાઈને પૂછ્યું, ‘અહીં આટલો ખરાબ માહોલ છે, લોકો તારી મજાક ઊડાવે છે, તોય તું કેમનો બાઇબલ પ્રમાણે જીવે છે?’ ઇગનાસિયોભાઈએ સમજાવ્યું કે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવાથી તેમનું રક્ષણ થાય છે. પછી તેમણે સરને આપણી સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. ઇગનાસિયોભાઈને નવાઈ લાગી કે સર ત્યાં આવ્યા. સરે જોયું કે ભાઈ-બહેનો વચ્ચે બહુ પ્રેમ છે. એ વાત તેમને ખૂબ ગમી અને તે નિયમિત સભામાં આવવા લાગ્યા. પછી તેમણે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું અને એના લીધે તેમનો પણ વિરોધ થયો. જોકે યહોવા સાથે તેમનો સંબંધ મજબૂત થતો ગયો અને આગળ જતાં તેમણે બાપ્તિસ્મા લીધું.

ચિત્રો: સ્કૂલમાં ઇગનાસિયોભાઈ સાથે જે બન્યું એને સમજાવતું દૃશ્ય. ૧. તે ક્લાસમાં શાંતિથી બેઠા છે. ટીચર બીજા વિદ્યાર્થીઓ સામે તેમની મજાક ઉડાવે છે. ૨. પછીથી જ્યારે ઇગનાસિયોભાઈ ટીચર સાથે વાત કરે છે, ત્યારે તે તેમનું ધ્યાનથી સાંભળે છે.

ભલે આપણે કોઈ પણ ઉંમરના હોઈએ, આપણે હિંમતથી પોતાની માન્યતા વિશે જણાવી શકીએ છીએ (ફકરો ૮ જુઓ)b


૯-૧૦. (ક) આપણે કેમ શેતાનની દુનિયાથી અલગ તરી આવીએ છીએ? (ખ) પ્રેરિત પાઉલના દાખલામાંથી શું શીખવા મળે છે?

૯ વધુમાં, આપણે આ દુનિયાના રાજકારણ અને યુદ્ધોમાં કોઈનો પક્ષ લેતા નથી. એ કારણે પણ દુનિયાથી અલગ તરી આવીએ છીએ. (યોહા. ૧૮:૩૬) એ સાચું છે કે આપણે રોમનો ૧૩:૧ પ્રમાણે સરકારના નિયમો પાળીએ છીએ. પણ આપણે રાજકીય તકરારોમાં માથું મારતા નથી. આપણે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેતા નથી અને વોટ આપતા નથી. પણ કેમ? કેમ કે આપણે યહોવાને અને તેમના રાજ્યને પૂરો ટેકો આપીએ છીએ. આપણે ઈસુને રાજા માનીએ છીએ. આજે ઘણા યહોવાના સાક્ષીઓને પોતાની શ્રદ્ધાને લીધે જેલ થઈ છે. ત્યાં પણ તેઓ ચૂપ બેસતા નથી, પ્રચાર કરતા રહે છે. આમ, તેઓ પ્રેરિત પાઉલને અનુસરે છે. પાઉલે ઘણાં વર્ષો નજરકેદમાં અને કેદખાનામાં કાઢ્યાં હતાં. (પ્રે.કા. ૨૪:૨૭; ૨૮:૧૬, ૩૦) જે કોઈ પણ સાંભળવા તૈયાર હોય, તેમને તે ખુશખબર જણાવતા હતા. તેમણે પહેરેદારો, અધિકારીઓ, રાજ્યપાલો, રાજાઓ અને કદાચ રોમન સમ્રાટ નીરોના અધિકારીઓને પણ ખુશખબર જણાવી હતી.—પ્રે.કા. ૯:૧૫.

૧૦ આજે પણ જે ભાઈ-બહેનો કેદમાં છે, તેઓ ખુશખબર જણાવવાની દરેક તક ઝડપી લે છે. તેઓ ન્યાયાધીશો, સરકારી અધિકારીઓ અને જેલના ચોકીદારોને ખુશખબર જણાવે છે. એક ભાઈએ રાજકારણમાં કોઈનો પક્ષ ન લીધો, એટલે તેમને છ કરતાં વધારે વર્ષની જેલ થઈ. તેમણે જણાવ્યું કે તે એને સજા તરીકે નહિ, પણ યહોવા તરફથી એક સોંપણી ગણતા હતા. કેમ કે ત્યાં તેમને ઘેટાં જેવા નમ્ર લોકોને સંદેશો જણાવવાની તક મળી. જ્યારે યહોવા એવા લોકો સુધી સંદેશો પહોંચાડવા આપણો ઉપયોગ કરે છે, ત્યારે આપણને બહુ ખુશી થાય છે. (કોલો. ૪:૩) ચાલો જોઈએ કે યહોવાની ભક્તિ કરવાને લીધે લોકો આપણો વિરોધ કરે તોપણ કેમ ખુશ રહી શકીએ છીએ.

લોકો વિરોધ કરે તોપણ કેમ ખુશ રહી શકીએ?

૧૧. સતાવણીને લીધે કઈ રીતે શ્રદ્ધા મક્કમ થાય છે? એક દાખલો આપો.

૧૧ આપણે જાણીએ છીએ કે લોકોના વિરોધથી બાઇબલની ભવિષ્યવાણી સાચી પડે છે. બાઇબલમાં નોંધાયેલી પહેલી ભવિષ્યવાણીમાં યહોવાએ જણાવ્યું હતું કે શેતાન અને તેનો વંશજ, એટલે કે તેને સાથ આપતા લોકો શું કરશે. તેઓ યહોવાને પ્રેમ કરતા અને તેમની ભક્તિ કરતા લોકોને ધિક્કારશે. (ઉત. ૩:૧૫) ઈસુએ પણ ઘણી વાર જણાવ્યું કે જેઓ યહોવાની ભક્તિ કરે છે, તેઓની સતાવણી થશે. (માથ. ૧૦:૨૨; માર્ક ૧૩:૯-૧૨; લૂક ૬:૨૨, ૨૩; યોહા. ૧૫:૨૦) બાઇબલના ઘણા લેખકોએ પણ એ વિશે જણાવ્યું. (૨ તિમો. ૩:૧૨; યાકૂ. ૧:૨; ૧ પિત. ૪:૧૨-૧૪; યહૂ. ૩, ૧૭-૧૯) એટલે સતાવણી થાય ત્યારે આપણે ચોંકી જતા નથી. એના બદલે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે, એ જાણીને ખુશ થઈએ છીએ. આપણને ખાતરી પણ મળે છે કે આપણે સાચા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ. એક બહેન એવા દેશમાં રહે છે, જ્યાં આપણા કામ પર નિયંત્રણ છે. તે કહે છે: “મેં યહોવાને સમર્પણ કર્યું ત્યારે જાણતી હતી કે આજે નહિ તો કાલે મારી સતાવણી થશે જ. એટલે સતાવણીઓ થઈ ત્યારે ન તો મને નવાઈ લાગી, ન તો હું ડરી ગઈ.” તેમણે ઘણા લોકોનો વિરોધ સહન કર્યો. તેમના પતિ પણ તેમનો વિરોધ કરતા. તે તેમની સાથે ખરાબ રીતે વર્તતા, તેમનું બાઇબલ અને સાહિત્ય બાળી નાખતા. પણ બહેન ડરીને પીછેહઠ કરવાને બદલે, શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં. (હિબ્રૂ. ૧૦:૩૯) તે કહે છે: “સતાવણી વિશે પહેલેથી ભવિષ્યવાણી કરવામાં આવી હતી, એટલે મને ખબર હતી કે એવું તો થશે જ. મારી સતાવણી થઈ ત્યારે મને ખાતરી થઈ ગઈ કે આ જ સાચો ધર્મ છે.”

૧૨. એક ભાઈને સતાવણીનો સામનો કરવા શાનાથી મદદ મળી?

૧૨ આપણે જાણીએ છીએ કે સતાવણી થશે, તોપણ અમુક વાર એનો સામનો કરવો અઘરું લાગી શકે. એક ભાઈએ જેલમાં વિતાવેલા દિવસો વિશે લખ્યું: “ક્યારેક હું ખૂબ નિરાશ થઈ જતો, મને બહુ ચિંતા થતી અને બસ રડ્યા કરતો.” તેમને શાનાથી મદદ મળી? તેમણે કહ્યું: “પ્રાર્થના કરતા રહેવાથી મને ઘણી મદદ મળી. હું રોજ સવારે ઊઠીને સૌથી પહેલા પ્રાર્થના કરતો. દિવસમાં જ્યારે પણ મુશ્કેલ સંજોગો ઊભા થતા ત્યારે પ્રાર્થના કરતો. કોઈ મારી સાથે ખરાબ રીતે વર્તે અને મને ગુસ્સો આવે ત્યારે, હું પોતાને બાથરૂમમાં બંધ કરી દેતો અને પ્રાર્થના કરતો.” વધુમાં, તેમણે આજના અને અગાઉના ઈશ્વરભક્તોના દાખલા પર મનન કર્યું, જેઓ સતાવણીમાં વફાદાર હતા. એનાથી ભાઈ પોતાના સંજોગો ધીરજથી સહી શક્યા. તેમ જ, એવી શાંતિ અનુભવી શક્યા જે વિશે ઈસુએ વચન આપ્યું હતું.—યોહા. ૧૪:૨૭; ૧૬:૩૩.

૧૩. નફરતની આગમાં ટકી રહેવા શું મદદ કરશે?

૧૩ પ્રેમને લીધે નફરતની આગમાં ટકી શકીએ છીએ. ઈસુએ છેલ્લા શ્વાસ સુધી પિતા યહોવાને પૂરા દિલથી પ્રેમ કર્યો. તે પોતાના દોસ્તોને પણ ખૂબ પ્રેમ કરતા હતા. (યોહા. ૧૩:૧; ૧૫:૧૩) જો આપણે પણ યહોવા અને ભાઈ-બહેનો માટે એવો ગાઢ પ્રેમ કેળવીશું, તો નફરતની આગમાં ટકી શકીશું. કઈ રીતે? ચાલો પ્રેરિત પાઉલના દાખલા પર ધ્યાન આપીએ.

૧૪. પાઉલને ખબર હતી કે તેમને મારી નાખવામાં આવશે, તોપણ તે કેમ વફાદાર રહી શક્યા?

૧૪ પાઉલને મારી નાખવામાં આવ્યા એના થોડા સમય પહેલાં, તેમણે પોતાના પાકા મિત્ર તિમોથીને લખ્યું: ‘ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ આપણને ડરપોક નહિ, પણ હિંમતવાન અને પ્રેમાળ બનાવે છે.’ (૨ તિમો. ૧:૭) પાઉલ કહેવા માંગતા હતા કે જો યહોવા માટે ગાઢ પ્રેમ હશે, તો એક ઈશ્વરભક્ત અઘરામાં અઘરી કસોટી સહેવા પણ તૈયાર થઈ જશે. (૨ તિમો. ૧:૮) પાઉલ પોતે જાણતા હતા કે યહોવાની ભક્તિ કરવાને લીધે તેમને મારી નાખવામાં આવશે. તોપણ યહોવા માટેના ઊંડા પ્રેમને લીધે તે હિંમત રાખી શક્યા અને છેલ્લી ઘડી સુધી વફાદાર રહી શક્યા.—પ્રે.કા. ૨૦:૨૨-૨૪.

૧૫. આજના સમયમાં ભાઈ-બહેનોએ કઈ રીતે એકબીજા માટે પ્રેમ બતાવ્યો છે? (ચિત્ર પણ જુઓ.)

૧૫ સતાવણીમાં અડગ રહેતાં ભાઈ-બહેનો આપણને ખૂબ જ વહાલાં છે. એવાં ભાઈ-બહેનો માટે અમુક તો આકુલા અને પ્રિસ્કિલાની જેમ પોતાનો જીવ જોખમમાં મૂકે છે. એ બંનેએ પાઉલ માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. (રોમ. ૧૬:૩, ૪) રશિયાનો દાખલો જોઈએ. ધરપકડ થયેલાં ભાઈ-બહેનોને ટેકો આપવા બીજાં ઘણાં ભાઈ-બહેનો અદાલત સુધી જાય છે. એક બહેનની ધરપકડ થઈ એ પછી તેમને અદાલત લઈ જવામાં આવ્યાં. ત્યાં તેમણે ભાઈ-બહેનોનું મોટું ટોળું જોયું. એ જોઈને તેમનું દિલ ભરાઈ આવ્યું. તે એટલાં ગળગળાં થઈ ગયાં કે બે ઘડી માટે કંઈ બોલી પણ ન શક્યાં. ભાઈ-બહેનોનો આવો નિઃસ્વાર્થ પ્રેમ જોઈને તેમને ઘણી હિંમત મળી. એ સમયે તેમને એની જ જરૂર હતી. કેટલી ખુશીની વાત છે કે નફરતથી ભરેલી દુનિયામાં આપણી વચ્ચે આવો ગાઢ પ્રેમ છે!

બે મહિલા પોલીસ આપણી બહેનને ગાડીમાં બેસાડી રહી છે. ભાઈ-બહેનોનું ટોળું એ બહેન માટે તાળીઓ પાડે છે.

જ્યાં આપણાં કામ પર પ્રતિબંધ અથવા નિયંત્રણ છે, ત્યાં પણ આપણાં ભાઈ-બહેનો એકબીજાને નિઃસ્વાર્થ પ્રેમ બતાવે છે (ફકરો ૧૫ જુઓ)c


૧૬. પ્રેરિત પિતરે કેમ કહ્યું કે જેઓ સાથે ખરાબ રીતે વર્તવામાં આવે છે, તેઓએ ખુશ થવું જોઈએ? (૧ પિતર ૪:૧૪)

૧૬ વિરોધ હોવા છતાં અડગ રહીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. (૧ પિતર ૪:૧૪ વાંચો.) પ્રેરિત પિતરે કહ્યું કે ઈશ્વરની ભક્તિ કરવાને લીધે જેઓ સાથે ખરાબ રીતે વર્તવામાં આવે છે, તેઓ પાસે ખુશ થવાનું એક કારણ છે. જ્યારે લોકો આપણી સાથે એ રીતે વર્તે છે, ત્યારે સાબિત થાય છે કે ‘ઈશ્વરની પવિત્ર શક્તિ આપણા પર છે.’ પિતરે પોતે સતાવણીનો સામનો કર્યો હતો. તે જાણતા હતા કે ઈશ્વરની કૃપા મળે ત્યારે કેવું લાગે છે. એક બનાવ પર ધ્યાન આપીએ. સાલ ૩૩ના પચાસમા દિવસને થોડો જ સમય થયો હતો. પિતર અને બીજા પ્રેરિતો પ્રચાર કરતા હતા. એટલે તેઓની ધરપકડ કરવા મંદિરના રક્ષકોને મોકલવામાં આવ્યા. પણ પિતર ડર્યા નહિ. તેમણે હિંમતથી પોતાની શ્રદ્ધા વિશે જણાવ્યું. (પ્રે.કા. ૫:૨૪-૨૯) પિતર અને બીજા પ્રેરિતોને ફટકા મારવામાં આવ્યા તોપણ તેઓએ પ્રચાર બંધ કર્યો નહિ. “ઈસુના નામને લીધે પોતે અપમાન સહેવા યોગ્ય ગણાયા છે,” એ જાણીને તેઓ આનંદ કરવા લાગ્યા. તેઓની જેમ આપણે પણ સતાવણીમાં ખુશ રહી શકીએ છીએ.—પ્રે.કા. ૫:૪૦-૪૨.

૧૭. ઈસુએ પોતાના મરણની આગલી રાતે શિષ્યોને શું કહ્યું?

૧૭ ઈસુએ પોતાના મરણની આગલી રાતે શિષ્યોને કહ્યું: “જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર પિતા પ્રેમ રાખશે. હું પણ તેના પર પ્રેમ રાખીશ.” (યોહા. ૧૪:૨૧) આપણે એ સમયની આતુરતાથી રાહ જોઈએ છીએ, જ્યારે યહોવાની ભક્તિ કરવાને લીધે લોકો આપણને ધિક્કારશે નહિ, પણ પ્રેમ કરશે! (૨ થેસ્સા. ૧:૬-૮) એ સમય આવે ત્યાં સુધી હંમેશાં યાદ રાખીએ કે વિરોધ થાય તોપણ આપણી પાસે ખુશ રહેવાનાં અઢળક કારણો છે!

તમે શું કહેશો?

  • ઈસુના શિષ્યોનો વિરોધ કેમ થાય છે?

  • પ્રેમને લીધે નફરતની આગમાં કઈ રીતે ટકી શકીએ છીએ?

  • વિરોધ થાય તોપણ કેમ ખુશ રહી શકીએ છીએ?

ગીત ૧૩૨ જીતનું ગીત

a અમુક નામ બદલ્યાં છે.

b ચિત્રની સમજ: ઇગનાસિયોભાઈનો અનુભવ સમજાતું દૃશ્ય. ભાઈ પોતાના સરને સાક્ષી આપી રહ્યા છે.

c ચિત્રની સમજ: દૃશ્યમાં એક બહેનને પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં લઈ જવામાં આવી રહ્યાં છે. બીજાં ભાઈ-બહેનો તેમને ટેકો આપવા આવ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો