બાઇબલ સમયનાં પાત્રો
બનાયાની જેમ બહાદુર અને વફાદાર બનીએ
બનાયા એક બહાદુર યોદ્ધા હતા. તે રાજા દાઉદ અને સુલેમાનની સેનામાં હતા. તે યાજકના દીકરા હતા. સામાન્ય રીતે યાજકો અને લેવીઓ યુદ્ધો લડતા ન હતા કે હથિયારો ચલાવતા ન હતા. પણ બનાયાએ યહોવાનાં ઘણાં યુદ્ધોમાં ભાગ લીધો. તેમની હિંમતની દાદ દેવી પડે! તેમણે ખાડામાં ઊતરીને એક સિંહને મારી નાખ્યો. એક હથિયારબંધ કદાવર માણસને ધૂળ ચાટતો કરી દીધો. દાઉદને બનાયા પર એટલો ભરોસો હતો કે તેમણે બનાયાને અંગરક્ષકોના ઉપરી બનાવ્યા.—૨ શમુ. ૨૩:૨૦-૨૩.
આબ્શાલોમ અને અદોનિયાએ બળવો કર્યો ત્યારે બનાયા દાઉદને વફાદાર રહ્યા. (૨ શમુ. ૮:૧૮; ૧૫:૧૮; ૧ રાજા. ૧:૮) દાઉદ ખૂબ જ વૃદ્ધ થઈ ગયા ત્યારે પણ બનાયાએ સુલેમાનને રાજા બનાવવામાં સાથ આપ્યો. (૧ રાજા. ૧:૩૨-૪૦) ભલે બીજા લોકો બેવફા બન્યા, પણ તે યહોવાએ પસંદ કરેલા રાજાઓને વફાદાર રહ્યા.
આપણે પણ શક્તિશાળી દુશ્મન શેતાન અને તેના ચેલાઓ સામે લડવા બહાદુર બનવું પડશે. એટલું જ નહિ, દૃઢ નિર્ણય લેવો પડશે કે હંમેશાં યહોવાનાં ધોરણો પ્રમાણે જીવીશું. (એફે. ૬:૧૧; ૧ પિત. ૫:૮, ૯) ભલે અમુક લોકો યહોવાને છોડી દે, પણ આપણે યહોવાને વફાદાર રહીએ. આપણને ભરોસો છે કે તે ચોક્કસ એનું ઇનામ આપશે.—૨ શમુ. ૨૨:૨૬.