મે ૨૫-૩૧, ૨૦૨૬
ગીત ૧૧ યહોવાને વળગી રહું
થોભો, વિચારો, પછી પગલાં ભરો
“ઊંડી સમજ બતાવનાર સફળ થાય છે.”—નીતિ. ૧૬:૨૦.
આપણે શું શીખીશું?
અઘરા સંજોગોમાં કઈ રીતે ઊંડી સમજણ બતાવી શકીએ અને યહોવા ખુશ થાય એ રીતે વર્તી શકીએ?
૧-૨. ઊંડી સમજણ એટલે શું અને એનાથી આપણને કઈ રીતે મદદ મળી શકે?
શું કોઈએ તમારું અપમાન કર્યું છે અથવા તમારી સાથે ખરાબ રીતે વર્ત્યા છે? શું તમારા વિશે કોઈને ગેરસમજણ થઈ છે અથવા કોઈએ તમારી સાથે અન્યાય કર્યો છે? શું તમે એવા કોઈ સંજોગનો સામનો કર્યો છે, જેમાં તમને ડર લાગ્યો હોય? એવા સંજોગોમાં કદાચ યોગ્ય રીતે વર્તવું અઘરું લાગે. પણ બાઇબલમાં જણાવ્યું છે કે આપણે એવા અને એના જેવા બીજા સંજોગોમાં ઊંડી સમજણ બતાવીએ. એનાથી આપણું જ ભલું થશે.
૨ પણ ઊંડી સમજણ એટલે શું અને એનાથી આપણને કઈ રીતે મદદ મળી શકે? ઊંડી સમજણ હશે તો સંજોગોને ફક્ત ઉપર ઉપરથી નહિ જોઈએ. પણ સમજવાની કોશિશ કરીશું કે આપણી સાથે કેમ એવું થયું અથવા કોઈ આપણી સાથે કેમ એ રીતે વર્ત્યું. આમ ઊંડી સમજણને લીધે આપણે બે ઘડી થોભીશું, વિચારીશું, પછી સમજી-વિચારીને પગલાં ભરીશું. દાખલા તરીકે, ‘જીભ પર કાબૂ રાખી’ શકીશું અને ક્યારે “શાંત” રહેવું એ જાણી શકીશું. (નીતિ. ૧૦:૧૯; ગીત. ૪:૪) આપણે ગુસ્સાને કાબૂમાં રાખી શકીશું અને બીજાઓને માફ કરી શકીશું. એટલું જ નહિ, કોઈ સલાહ આપે ત્યારે એને સ્વીકારી શકીશું અને કોઈ સુધારે ત્યારે ફેરફાર કરી શકીશું. (નીતિ. ૧૯:૨૦) ઊંડી સમજણ હશે તો આપણાં વાણી-વર્તનથી યહોવાને ખુશ કરીશું. તેમ જ, એનાથી પોતાને અને બીજાઓને ફાયદો થશે. ખાસ કરીને આપણને માઠું લાગે ત્યારે ચિડાઈ નહિ જઈએ અને લાગણીઓને આપણા પર હાવી થવા નહિ દઈએ. હવે ચાલો બાઇબલના ત્રણ અહેવાલોમાંથી શીખીએ કે ઊંડી સમજણ બતાવવાથી કઈ રીતે નમ્ર રહી શકીએ, શાંત રહી શકીએ અને યહોવા પર ભરોસો રાખી શકીએ.
ઘમંડી નહિ પણ નમ્ર બનીએ
૩. નામાન કોણ હતા?
૩ યહોવા ખુશ થાય એ રીતે વર્તવા આપણે ઘમંડી નહિ, પણ નમ્ર બનવું જોઈએ. (૧ પિત. ૫:૫) એ માટે ઊંડી સમજણ આપણને મદદ કરી શકે છે. નામાનનો દાખલો જોઈએ. તે ઇઝરાયેલની ઉત્તરે આવેલા સિરિયા દેશમાં રહેતા હતા. તે સેનાપતિ હતા અને ખૂબ જાણીતા હતા. પણ તેમને ચામડીનો એક ગંભીર રોગ થયો હતો. તે રક્તપિત્તથી પીડાતા હતા.—૨ રાજા. ૫:૧.
૪. કઈ રીતે ખબર પડે છે કે નામાન સમજુ હતા?
૪ નામાનની પત્નીએ એક નાની ઇઝરાયેલી છોકરીને દાસી તરીકે રાખી હતી. એ છોકરીએ કહ્યું કે ઇઝરાયેલના એક પ્રબોધક તેમના પતિને સાજા કરી શકે છે. (૨ રાજા. ૫:૨, ૩) નામાન વિચારી શક્યા હોત, ‘આ તો દુશ્મન દેશથી આવેલી સાવ મામૂલી છોકરી છે. તેની વાત સાંભળવાથી મને શું ફાયદો થવાનો?’ એક ઘમંડી વ્યક્તિએ એ વાત એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાખી હોત. પણ નામાન એવા ન હતા, તે સમજુ હતા. તેમણે છોકરીની વાત પર વિચાર કર્યો. પછી ઇઝરાયેલ જઈને સાજા થવા તેમણે સિરિયાના રાજા પાસે પરવાનગી માંગી.—૨ રાજા. ૫:૪, ૫.
૫. નામાન ઇઝરાયેલ ગયા ત્યારે શું થયું?
૫ નામાન પોતાની બીમારીમાંથી સાજા થવા ઇઝરાયેલના રાજા યહોરામના મહેલમાં ગયા. પણ યહોરામને લાગ્યું કે સિરિયાનો રાજા લડવાનું બહાનું શોધી રહ્યો છે. જ્યારે એલિશા પ્રબોધકને એ વિશે ખબર પડી, ત્યારે તેમણે યહોરામને સંદેશો મોકલાવ્યો કે નામાનને તેમની પાસે મોકલે. (૨ રાજા. ૫:૬-૯) અરે, નામાને ધાર્યું હતું એવું કંઈ ન થયું. એલીશા પ્રબોધક તેમને મળવા ઘરની બહાર ન આવ્યા કે તેમની સાથે વાત ન કરી. પણ એક સંદેશવાહક મોકલીને જણાવ્યું કે નામાને સાજા થવા શું કરવું જોઈએ.—૨ રાજા. ૫:૧૦.
૬. (ક) સંદેશવાહકની વાત સાંભળીને નામાનને કેવું લાગ્યું અને કેમ? (ખ) નામાનના સેવકોએ કઈ રીતે ઊંડી સમજણ બતાવી અને એનું શું પરિણામ આવ્યું? (૨ રાજાઓ ૫:૧૩, ૧૪)
૬ શરૂઆતમાં નામાનને સંદેશવાહકની વાત ન ગમી. તે ‘રોષે ભરાયા’ અને ‘ગુસ્સામાં ને ગુસ્સામાં તેમણે ચાલતી પકડી.’ (૨ રાજા. ૫:૧૧, ૧૨) શા માટે? કદાચ નામાનને થયું હશે, ‘એલીશાએ મારા ઊંચા હોદ્દાનું જરાય માન ન રાખ્યું. તેણે જે સૂચનો આપ્યાં એનાથી તો સિરિયાનું અપમાન થયું કહેવાય.’ આપણે જાણતા નથી કે નામાનના મનમાં શું ચાલતું હતું. પણ તેમણે સાજા થયા વગર પોતાના દેશ પાછા જવાનું નક્કી કરી લીધું. જોકે તેમના સેવકોએ ઊંડી સમજણ બતાવી. તેઓએ નામાનને ફરી વિચાર કરવા અરજ કરી. નામાને પોતાનું ઘમંડ ઉતાર્યું અને નમ્ર બનીને એલીશાની વાત માની. આખરે તે સાજા થઈ ગયા.—૨ રાજાઓ ૫:૧૩, ૧૪ વાંચો.
૭. નામાનના અહેવાલમાંથી શું શીખવા મળે છે? (નીતિવચનો ૨૨:૪) (ચિત્રો પણ જુઓ.)
૭ આ અહેવાલમાંથી આપણને શું શીખવા મળે છે? દરેક વખતે આપણા વિચારો સાચા હોય એ જરૂરી નથી. ઊંડી સમજણ હશે તો આપણે પહેલા થોભીશું, વિચારીશું અને પછી પગલાં ભરીશું. આપણે લાગણીમાં વહીને નિર્ણય નહિ લઈએ. વધુમાં આપણે નમ્ર રહીશું. એક નમ્ર વ્યક્તિ જાણે છે કે તેની પાસે બધી માહિતી નથી. અમુક વાર સંજોગોને સારી રીતે સમજવા આપણે બીજાઓની મદદ લેવી પડે છે, ખાસ કરીને યહોવાની. નામાન હજુ સુધી યહોવાની ભક્તિ કરતા ન હતા, તોપણ તેમણે અમુક હદે ઊંડી સમજણ બતાવી. તેમણે નમ્ર બનીને ઇઝરાયેલી છોકરી, પોતાના સેવકો અને સૌથી મહત્ત્વનું તો એલીશાની વાત સાંભળી જે યહોવા વતી બોલતા હતા. તેમને કેટલું ખોટું લાગ્યું હતું એ વિશે જ તે વિચારતા ન રહ્યા. એ બધાને લીધે તે સારો નિર્ણય લઈ શક્યા અને સાજા થઈ શક્યા. શું આપણે નામાન જેવું કરી શકીએ? ધારો કે કોઈ આપણને બાઇબલમાંથી એવી સલાહ આપે છે, જે આપણને ગમતી નથી. અથવા સંગઠન પાસેથી એવું માર્ગદર્શન મળે છે, જે આપણને સમજાતું નથી. એવું થાય ત્યારે કંઈ કહેતા કે કરતા પહેલાં આવા સવાલો પર વિચાર કરીએ: ‘હું જે કહીશ અથવા કરીશ એનાથી શું એવું દેખાઈ આવશે કે હું નમ્ર છું? કે પછી એવું દેખાઈ આવશે કે હું ઘમંડી છું?’—નીતિવચનો ૨૨:૪ વાંચો.
નામાને નમ્ર બનીને બીજાની વાત સાંભળી. આપણને પણ કોઈ સલાહ આપે અથવા કોઈ સૂચન આપે તો તેમનું સાંભળીએ. સંગઠન પાસેથી કોઈ માર્ગદર્શન મળે ત્યારે નમ્ર બનીને સ્વીકારીએ (ફકરો ૭ જુઓ)
ગુસ્સો કરવાને બદલે શાંત રહીએ
૮. આપણને ક્યારે શાંત રહેવું અઘરું લાગી શકે?
૮ અમુક વાર એવા સંજોગો ઊભા થાય, જેમાં આપણે ગુસ્સે થઈ જઈએ અથવા ચિડાઈ જઈએ. પણ જો ઊંડી સમજણ હશે તો શાંત રહી શકીશું. કંઈ કહેતા કે કરતા પહેલાં વિચારીશું. ખરું કે કોઈ આપણી સાથે ખરાબ રીતે વર્તે અથવા અન્યાય કરે ત્યારે, હંમેશાં શાંત રહેવું સહેલું હોતું નથી. (એફે. ૪:૨૬) ચાલો જોઈએ કે અઘરા સંજોગોમાં દાઉદ અને અબીગાઈલે કઈ રીતે ઊંડી સમજણ બતાવી.
૯. નાબાલ દાઉદ સાથે કઈ રીતે વર્ત્યો?
૯ યાદ કરો કે દાઉદ સાથે શું બન્યું હતું. તે અને તેમના માણસો પારાનના વેરાન પ્રદેશમાં શાઉલથી નાસતા ફરતા હતા. (૧ શમુ. ૨૫:૧) ત્યાં તેઓએ નાબાલ નામના એક ધનવાન માણસનાં ઘેટાં અને ઘેટાંપાળકોનું રક્ષણ કર્યું. (૧ શમુ. ૨૫:૧૫, ૧૬) ઊન કાતરવાનો સમય આવ્યો ત્યારે દાઉદે નાબાલ પાસે પોતાના અમુક માણસો મોકલ્યા. તેઓએ પ્રેમથી અને આદરથી નાબાલ પાસે થોડું ખાવાનું માંગ્યું. (૧ શમુ. ૨૫:૬-૮) પણ નાબાલ તેઓ સાથે ખરાબ રીતે વર્ત્યો. તેણે દાઉદ અને તેમના માણસોનું અપમાન કર્યું. તેઓએ નાબાલ માટે જે કર્યું હતું, એની તેને જરાય કદર ન હતી.—૧ શમુ. ૨૫:૧૦, ૧૧.
૧૦. દાઉદ અને અબીગાઈલે કઈ રીતે ઊંડી સમજણ બતાવી? (૧ શમુએલ ૨૫:૩૨, ૩૩) (ચિત્ર પણ જુઓ.)
૧૦ જો તમે દાઉદની જગ્યાએ હોત, તો તમને કેવું લાગ્યું હોત? સમજી શકાય છે કે એ સમયે દાઉદને કેમ ગુસ્સો આવ્યો. તે એટલા ગુસ્સે ભરાયા કે તે નાબાલને મારી નાખવા માંગતા હતા. (૧ શમુ. ૨૫:૧૩, ૨૧, ૨૨) તે નાબાલને મારવા જ જઈ રહ્યા હતા ત્યારે, રસ્તામાં તેમને નાબાલની પત્ની અબીગાઈલ મળી. તે બહુ સમજુ હતી. તેણે કઈ રીતે ઊંડી સમજણ બતાવી? તે પારખી ગઈ કે ભલે દાઉદ હમણાં ગુસ્સામાં છે, પણ તે એક સારા માણસ છે. એટલે તેમનો ગુસ્સો શાંત પાડવા તેણે બનતું બધું કર્યું. તે ઉદાર હાથે દાઉદ માટે ઘણી ભેટો લાવી અને તેણે નમ્રતાથી અમુક સલાહ આપી. (૧ શમુ. ૨૫:૧૮, ૨૩-૩૧) દાઉદે કઈ રીતે ઊંડી સમજણ બતાવી? તેમણે અબીગાઈલનું ધ્યાનથી સાંભળ્યું. તેની વાતથી દાઉદ એ પણ સમજી શક્યા કે યહોવા તેમની પાસેથી શું ચાહે છે. આમ, દાઉદનો ગુસ્સો શાંત થયો અને તે મોટી ભૂલ કરવાથી બચી શક્યા.—૧ શમુએલ ૨૫:૩૨, ૩૩ વાંચો.
દાઉદ અને અબીગાઈલે ઊંડી સમજણ બતાવી, એના લીધે મોટી આફત ટળી ગઈ (ફકરો ૧૦ જુઓ)
૧૧. કોઈ ગુસ્સો અપાવે ત્યારે ઊંડી સમજણ બતાવવાથી કઈ રીતે ફાયદો થશે? (નીતિવચનો ૧૯:૧૧)
૧૧ આ અહેવાલમાંથી આપણને શું શીખવા મળે છે? ભલે આપણી પાસે ગુસ્સે થવાનું વાજબી કારણ હોય, પણ ઊંડી સમજણ હશે તો શાંતિથી વર્તી શકીશું. આપણે બે ઘડી થોભીશું અને વિચાર કરીશું કે આપણાં શબ્દો અને કામોનું કેવું પરિણામ આવશે. (નીતિવચનો ૧૯:૧૧ વાંચો.) જ્યારે દાઉદને ખ્યાલ આવ્યો કે તેમનાં કામોથી યહોવાને કેવું લાગશે, ત્યારે તે ઠંડા પડ્યા. જો આપણને કોઈ વાતથી ગુસ્સો ચઢે અથવા કોઈ આપણને ગુસ્સો અપાવે, તો કદાચ તરત સામો જવાબ આપી દેવાનું મન થાય. પણ આપણે ગુસ્સામાં આવીને કંઈ પણ કરવાનું ટાળવું જોઈએ. (યાકૂ. ૧:૧૯) જો યહોવાને પ્રાર્થના કરીશું અને તેમના વિચારો જાણવાની કોશિશ કરીશું તો મન શાંત કરી શકીશું.
૧૨. બીજાઓ કઈ રીતે આપણને ઊંડી સમજણ બતાવવા અને શાંત રહેવા મદદ કરી શકે?
૧૨ યહોવાએ અબીગાઈલ દ્વારા દાઉદનો ગુસ્સો શાંત પાડવા અને ઊંડી સમજણ બતાવવા મદદ કરી. તે આપણને પણ ભાઈ-બહેનો દ્વારા મદદ કરી શકે છે. એટલે કોઈ સંજોગમાં ગુસ્સો આવે ત્યારે, અનુભવી ભાઈ કે બહેન સાથે વાત કરવાની કોશિશ કરીએ. આપણે એવાં ભાઈ-બહેનો સાથે વાત કરી શકીએ, જેઓ આપણને યહોવાના વિચારો પારખવા મદદ કરી શકે. (નીતિ. ૧૨:૧૫; ૨૦:૧૮) બીજી બાજુ જો આપણો કોઈ દોસ્ત ગુસ્સામાં હોય, તો શું આપણે અબીગાઈલ જેવું કરી શકીએ? શું આપણે તેને યહોવાના વિચારો પારખવા મદદ કરી શકીએ? યહોવા ચોક્કસ આપણને એ સમયે યોગ્ય શબ્દો કહેવા મદદ કરશે.
ડરીએ નહિ પણ યહોવા પર ભરોસો રાખીએ
૧૩. ડર પર જીત મેળવવા ઊંડી સમજણથી કઈ રીતે મદદ મળી શકે?
૧૩ અમુક વાર આપણે એવા સંજોગોનો સામનો કરવો પડશે, જેમાં ડર લાગી શકે. પણ ઊંડી સમજણ હશે તો હિંમત નહિ હારીએ અને યહોવા પર ભરોસો રાખી શકીશું. દુનિયાના બનાવોથી ડરી જવાને બદલે યાદ રાખી શકીશું કે યહોવા એ બધાથી વધારે શક્તિશાળી છે. (ગીત. ૨૭:૧) કદાચ આપણને લાગે કે આપણી મુશ્કેલીઓનો ક્યારેય અંત નહિ આવે. પણ યાદ રાખીએ કે યહોવા આપણને કોઈ પણ મુશ્કેલીમાં મદદ કરી શકે છે. યૂના પ્રબોધક સાથે એવું જ કંઈક થયું હતું. તે યહોવાને બહુ પ્રેમ કરતા હતા, પણ એક અઘરી સોંપણીને લીધે તે ખૂબ ડરી ગયા. ચાલો જોઈએ કે તે કઈ રીતે ઊંડી સમજણ બતાવવાનું શીખ્યા.
૧૪. યૂનાને સોંપણી સ્વીકારતા કેમ ડર લાગ્યો હશે?
૧૪ યહોવાએ યૂનાને એક અઘરું કામ સોંપ્યું. તેમણે નિનવેહ જઈને ત્યાંના લોકોને ન્યાયનો સંદેશો જણાવવાનો હતો. (યૂના ૧:૧, ૨) જો તમને એ સોંપણી મળી હોત, તો તમને કેવું લાગ્યું હોત? યૂનાએ ચાલીને ઇઝરાયેલથી આશ્શૂરના શહેર નિનવેહ જવાનું હતું. એમાં તેમને એકાદ મહિનો લાગવાનો હતો. અધૂરામાં પૂરું, આશ્શૂરના લોકો બહુ હિંસક અને ખૂંખાર હતા. અરે, લોકો નિનવેહને ‘ખૂની નગરી’ કહેતા હતા. (નાહૂ. ૩:૧, ૭) એટલે એ સોંપણી સ્વીકારવાને બદલે યૂનાએ બીજે ભાગી જવાનું નક્કી કર્યું.—યૂના ૧:૩.
૧૫. યૂના કઈ રીતે યહોવા પર પૂરો ભરોસો રાખવાનું શીખ્યા? (યૂના ૨:૬-૯)
૧૫ યૂના એક વહાણમાં બેસીને નિનવેહથી દૂર જઈ રહ્યા હતા ત્યારે, તેમનો જીવ જોખમમાં આવી પડ્યો. પણ યહોવાએ ચમત્કાર કરીને યૂનાને બચાવી લીધા અને યાદ અપાવ્યું કે તેમની શક્તિનો કોઈ પાર નથી. (યૂના ૧:૧૫, ૧૭) યૂના એક મહત્ત્વનો બોધપાઠ શીખ્યા. તેમને અહેસાસ થયો કે યહોવા તેમને કોઈ પણ જોખમથી બચાવી શકે છે, એટલે તેમણે નિનવેહના લોકોથી ડરવાની જરૂર નથી. (યૂના ૨:૬-૯ વાંચો.) જ્યારે યહોવાએ ફરી એક વાર તક આપી ત્યારે યૂનાએ આનાકાની ન કરી. તે તરત નિનવેહ જવા નીકળી પડ્યા. ત્યાંના લોકોએ પણ યૂનાની વાત સાંભળી અને તેઓનું જીવન બચી ગયું.—યૂના ૩:૫.
૧૬. ડર લાગે ત્યારે શાનાથી મદદ મળી શકે? (નીતિવચનો ૨૯:૨૫) (ચિત્રો પણ જુઓ.)
૧૬ આ અહેવાલમાંથી આપણને શું શીખવા મળે છે? આપણે નથી ચાહતા કે લોકોના ડરને લીધે આપણે યહોવાની આજ્ઞા તોડી બેસીએ. (નીતિવચનો ૨૯:૨૫ વાંચો.) ઊંડી સમજણ હોવાને લીધે યૂના પડકારોને બદલે યહોવા પર ધ્યાન આપી શક્યા. એવી જ રીતે, જ્યારે ડર લાગે ત્યારે વિચારીએ કે યહોવાએ અત્યાર સુધી કઈ રીતે આપણને મદદ કરી છે અને આપણું રક્ષણ કર્યું છે. આપણે ભાઈ-બહેનોના દાખલા પર પણ મનન કરીએ. વિચાર કરીએ કે કઈ રીતે યહોવાએ તેઓને મુશ્કેલ સંજોગોમાં કે અઘરી સોંપણીમાં મદદ કરી અને તેઓએ કઈ રીતે ડગલે ને પગલે યહોવા પર આધાર રાખ્યો. (હિબ્રૂ. ૧૩:૬) ચાલો આપણે યહોવામાં પૂરો ભરોસો રાખીએ અને બીજાઓને પણ એમ કરવા મદદ કરીએ. આમ, ઊંડી સમજણ બતાવતા રહીએ.
યૂનાના દાખલામાંથી શીખવા મળે છે કે ઊંડી સમજણ હશે તો અઘરા સંજોગોમાં પણ યહોવાનું માર્ગદર્શન સ્વીકારીશું અને તેમનું કહ્યું કરી શકીશું (ફકરો ૧૬ જુઓ)
ઊંડી સમજણ કેળવતા રહીએ
૧૭. વધારે સમજણ મેળવવા આપણે શું કરી શકીએ?
૧૭ અગાઉના ફકરાઓમાં જોઈ ગયા કે આપણે અઘરા સંજોગોમાં બે ઘડી વિચાર કરીએ અને પછી પગલાં ભરીએ. આ રીતે ઊંડી સમજણ બતાવવાથી સંજોગોને સારી રીતે હાથ ધરી શકીશું. પણ વધારે સમજણ મેળવવા આપણે શું કરી શકીએ? સૌથી પહેલાં યાદ રાખીએ કે યહોવા પોતાના ભક્તોને બાઇબલ અને પવિત્ર શક્તિ દ્વારા ઊંડી સમજણ આપે છે. (નહે. ૯:૨૦; ગીત. ૩૨:૮) યહોવાની સલાહથી આપણે યોગ્ય પગલાં ભરી શકીએ છીએ અને પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકીએ છીએ. (ગીત. ૧૧૯:૯૭-૧૦૧) એટલે બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી અને પ્રાર્થનામાં યહોવા પાસે પવિત્ર શક્તિ માંગવાથી આપણે ઊંડી સમજણ કેળવી શકીએ છીએ. આમ, આપણે સંજોગોને યહોવાની નજરે જોઈ શકીશું અને યહોવા ખુશ થાય એ રીતે વર્તી શકીશું.—નીતિ. ૨૧:૧૧, ફૂટનોટ.
૧૮. તમે શું કરવાનો નિર્ણય લીધો છે?
૧૮ ચાલો, આપણે યહોવા પાસેથી ઊંડી સમજણ મેળવતા રહીએ અને ક્યારેય એનું મહત્ત્વ ઓછું ન થવા દઈએ. (ગીત. ૧૪:૨) એમ કરીશું તો કદી ‘સમજણના માર્ગથી’ ભટકી નહિ જઈએ. (નીતિ. ૨૧:૧૬) એટલું જ નહિ, દરેક સંજોગમાં ઊંડી સમજણ બતાવી શકીશું અને યહોવા ખુશ થાય એ રીતે વર્તી શકીશું.
ગીત ૬ અમારી પ્રાર્થના