વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 માર્ચ પાન ૮-૧૩
  • વિશ્વના માલિક યહોવા પર ભરોસો રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વના માલિક યહોવા પર ભરોસો રાખો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • શેતાન યહોવા આગળ આવ્યો
  • યહોવા હદ નક્કી કરે છે
  • યહોવા અયૂબની મુશ્કેલીઓનો અંત લાવ્યા
  • યહોવાને પોતાના વફાદાર ભક્તો ખૂબ વહાલા છે
  • યહોવા પર પૂરો ભરોસો રાખો
  • અયૂબના પુસ્તકથી કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • “સત્યના ઈશ્વર” પોતાનું એકેએક વચન પાળે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 માર્ચ પાન ૮-૧૩

મે ૧૧-૧૭, ૨૦૨૬

ગીત ૨૩ યહોવા મારો કિલ્લો

વિશ્વના માલિક યહોવા પર ભરોસો રાખો

“યહોવા . . . આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.”—ગીત. ૮૩:૧૮.

આપણે શું શીખીશું?

આ લેખથી આપણો ભરોસો વધશે કે યહોવા વિશ્વના માલિક છે તેમજ તે આજે અને ભાવિમાં આવનાર કસોટીઓનો સામનો કરવા મદદ કરશે.

૧. અયૂબ પર કેવી મુશ્કેલીઓ આવી?

વફાદાર ઈશ્વરભક્ત અયૂબે બહુ કપરો સમય જોયો. તેમણે પળભરમાં પોતાનાં બાળકો, તંદુરસ્તી અને માલ-મિલકત ગુમાવી દીધાં. તેમની સારી શાખ ધૂળમાં મળી ગઈ. તેમના દોસ્તોની વાતોથી તેમનું દિલ તૂટી ગયું. અરે, તેમની પત્ની એટલી નિરાશ થઈ ગઈ કે તેણે અયૂબને કહ્યું, “ઈશ્વરને શ્રાપ દો ને મરી જાઓ!” (અયૂ. ૨:૯; ૧૫:૪, ૫; ૧૯:૧-૩) આવી કફોડી હાલતમાં કોઈ પણ વ્યક્તિના મનમાં થઈ શકે કે ઈશ્વરે તેને છોડી દીધી છે. અયૂબને પણ શંકા થઈ શકતી હતી કે શું યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે કે નહિ.

૨-૩. (ક) મુશ્કેલીઓ આવે ત્યારે કેવા વિચારો આવી શકે? (ખ) આપણે અયૂબના પુસ્તકમાંથી શું શીખીશું?

૨ આજે આપણે ‘સંકટના સમયોમાં’ જીવી રહ્યા છીએ, “જે સહન કરવા અઘરા” છે. (૨ તિમો. ૩:૧) એટલે અયૂબની જેમ આપણા પર પણ એક પછી એક મુશ્કેલીઓ આવી શકે છે. એવું થાય ત્યારે નિરાશ થઈ જઈએ અને લાગી શકે કે આપણી સહનશક્તિનો અંત આવી ગયો છે. અમુકને કદાચ એવું પણ થાય કે યહોવાને તેઓની કંઈ પડી નથી.

૩ જો તમને પણ ક્યારેય એવું લાગ્યું હોય, તો દુઃખી ન થતા. અયૂબ શીખ્યા કે યહોવા પોતાના વફાદાર ભક્તોનો સાથ કદી છોડતા નથી. આપણે પણ આપણા સ્વર્ગમાંના પિતા પર પૂરો ભરોસો કરવાનું શીખી શકીએ છીએ. એ માટે ચાલો અયૂબના પુસ્તક પર ધ્યાન આપીએ અને જોઈએ કે એમાંથી કઈ બે વાતની ખાતરી મળે છે. એક, યહોવા એકલા જ આખા વિશ્વના માલિક છે. બે, સર્વશક્તિમાન ઈશ્વર પોતાનો હેતુ પૂરો કરવા અને પોતાના લોકોને કાયમનું નુકસાન ન થાય, એ માટે દુનિયાના બનાવોને બદલી શકે છે.

શેતાન યહોવા આગળ આવ્યો

૪. સ્વર્ગમાં યહોવા આગળ દૂતો સાથે કોણ આવ્યું?

૪ એક દિવસે “સાચા ઈશ્વરના દીકરાઓ” સ્વર્ગમાં યહોવા આગળ ભેગા થયા અને “શેતાન પણ તેઓ સાથે આવ્યો.” (અયૂ. ૧:૬) અહીંયા પહેલી વાર બાઇબલના એક લેખકે “શેતાન” નામનો ઉલ્લેખ કર્યો છે. તેને એ નામ આપવામાં આવ્યું, કેમ કે તે યહોવાનો “વિરોધી” છે. એ સમય સુધી શેતાને યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું હતું. તે યહોવા અને તેમના કુટુંબનો, એટલે કે વફાદાર દૂતો અને માણસોનો કટ્ટર દુશ્મન બની ગયો હતો. તે યહોવાના કુટુંબનો ભાગ પણ રહ્યો ન હતો. એવું કેમ કહી શકીએ? ઉત્પત્તિ ૩:૧૫માં યહોવાએ શેતાનને કહ્યું: “હું તારી અને સ્ત્રીની વચ્ચે દુશ્મની કરાવીશ.” એનાથી જોવા મળે છે કે શેતાન એ ‘સ્ત્રીનો’ ભાગ નથી, જેનાથી ‘વંશજ’ આવવાનો હતો. અહીં ‘સ્ત્રી’ યહોવાના કુટુંબના એ ભાગને રજૂ કરે છે, જે સ્વર્ગમાં છે.

૫. યહોવા અને શેતાન વચ્ચેની વાતચીતથી શું ખબર પડે છે?

૫ સ્વર્ગમાં યહોવા અને શેતાન વચ્ચે જે વાતચીત થઈ, એ તેમણે બાઇબલમાં લખાવી લીધી. કેમ કે તે ચાહતા હતા કે આપણે એ વિશે જાણીએ. શેતાનના શબ્દોથી ખબર પડે છે કે તે દુષ્ટ છે અને યહોવાના ભક્તો વિશે જૂઠાણું ફેલાવે છે. (અયૂ. ૧:૯; પ્રકટીકરણ ૧૨:૧૦ સરખાવો.) યહોવાએ શેતાનને જે જવાબ આપ્યો, એનાથી ખબર પડે છે કે યહોવા સર્વશક્તિમાન છે અને તે હંમેશાં જે સાચું છે એ જ કરે છે. એ બનાવથી એ પણ જોવા મળે છે કે યહોવા પાસે સર્વોચ્ચ અધિકાર છે. એટલે બીજાઓ શું કરશે અને શું નહિ કરે, એની હદ નક્કી કરવાનો પણ અધિકાર છે.

યહોવા હદ નક્કી કરે છે

૬. યહોવાએ કઈ રીતે બતાવ્યું કે સ્વર્ગમાં ભરાયેલી સભા પર તેમનો પૂરો કાબૂ હતો? (અયૂબ ૧:૭, ૮)

૬ અયૂબ ૧:૭, ૮ વાંચો. સ્વર્ગમાં સભા ભરાઈ ત્યારે યહોવાએ શેતાનને પૂછ્યું: “શું તેં મારા સેવક અયૂબને જોયો?” આમ, સામેથી વાત શરૂ કરીને યહોવાએ બતાવી આપ્યું કે એ સભા પર તેમનો પૂરો કાબૂ હતો. તેમને સારી રીતે ખબર હતી કે શેતાને વફાદાર અયૂબ પર પોતાનું નિશાન તાક્યું છે. ચાલો જોઈએ કે યહોવાએ કઈ રીતે અયૂબ માટે પોતાનો સર્વોચ્ચ અધિકાર વાપર્યો.

૭. અયૂબ ૧:૧૦, ૧૧ પ્રમાણે યહોવાના ભક્તો વિશે શેતાને શું કહ્યું?

૭ અયૂબ ૧:૧૦, ૧૧ વાંચો. યહોવા આખા વિશ્વના માલિક છે. તે પોતાની અપાર શક્તિથી ચાહે એ કરી શકે છે. તેમને ખબર છે કે દરેક સંજોગમાં શું કરવું સૌથી સારું રહેશે. (યર્મિ. ૩૨:૧૭; દાનિ. ૪:૩૫) તોપણ શેતાને દાવો કર્યો કે યહોવા પોતાની શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. તેણે કહ્યું કે ઈશ્વર તો અયૂબ જેવા લોકોને સારી સારી વસ્તુઓ આપે છે, જેથી તેઓ બદલામાં તેમની ભક્તિ કરે. શેતાને એવો પણ આરોપ મૂક્યો કે લોકો સ્વાર્થી છે અને યહોવા પાસેથી બધું મળે છે, એટલે તેમની ભક્તિ કરે છે. યહોવાએ શું કર્યું?

૮-૯. યહોવાએ શેતાન માટે કઈ હદ નક્કી કરી અને એનાથી શું દેખાઈ આવે છે? (અયૂબ ૧:૧૨) (ચિત્ર પણ જુઓ.)

૮ અયૂબ ૧:૧૨ વાંચો. યહોવાએ શેતાનને પોતાનો આરોપ સાચો સાબિત કરવાની તક આપી. જોકે તેમણે શેતાનને હદ પણ ઠરાવી આપી. તેમણે ચોખ્ખા શબ્દોમાં અયૂબ વિશે શેતાનને આજ્ઞા આપી: “તે માણસને કંઈ ન કરતો!” દૂતોએ પણ સાંભળ્યું કે યહોવાએ શેતાનને કઈ આજ્ઞા આપી હતી. શેતાન પાસે એ આજ્ઞા માનવા સિવાય કોઈ છૂટકો ન હતો. યહોવાએ જેટલી છૂટ આપી હતી, એનાથી વધારે તે કંઈ કરી શકતો ન હતો. એનાથી દેખાઈ આવે છે કે યહોવાએ અયૂબનું રક્ષણ કરવા પોતાના અધિકાર અને શક્તિ વાપર્યાં તેમજ બતાવી આપ્યું કે તે ન્યાયી અને પ્રેમાળ ઈશ્વર છે. આજે પણ યહોવાએ શેતાનને હદ ઠરાવી આપી છે. તે એને ઓળંગી શકતો નથી!

૯ શેતાને અયૂબની ઘણી કસોટી કરી, પણ તેનો એકેએક હુમલો નિષ્ફળ ગયો. કસોટીઓમાં પણ અયૂબ પોતાના સ્વર્ગમાંના પિતાને વફાદાર રહ્યા. (અયૂ. ૧:૨૨) જોકે શેતાન હજી વધારે કસોટી કરવા માંગતો હતો. તે જંપીને બેસવાનો ન હતો.

સ્વર્ગમાં શેતાન બધા દૂતો વચ્ચે યહોવા સાથે ખરાબ રીતે વાત કરે છે.

યહોવાએ બધા દૂતોની સામે શેતાનને પોતાની વાત રજૂ કરવાની તક આપી (ફકરા ૮-૯ જુઓ)


૧૦. કેમ યહોવાએ શેતાનને અયૂબની વધારે કસોટી કરવાની છૂટ આપી? (અયૂબ ૨:૨-૬)

૧૦ અયૂબ ૨:૨-૬ વાંચો. શેતાન ફરી એક વાર અયૂબ પર હુમલો કરવા માંગતો હતો. તેનો ઇરાદો વધારે આકરી કસોટી કરવાનો હતો. તેણે દાવો કર્યો કે જો અયૂબના શરીરને હાનિ પહોંચાડવામાં આવે, તો તે યહોવાની ભક્તિ કરવાનું છોડી દેશે. એ દાવો સાચો સાબિત કરવા યહોવાએ શેતાનને છૂટ આપી. પણ તેમણે એક હદ નક્કી કરી. તેમણે શેતાનને આજ્ઞા આપી: “તેનો જીવ ન લેતો!” શેતાન પાસે એ આજ્ઞા માનવા સિવાય કોઈ છૂટકો ન હતો. ફરી એક વાર જોવા મળે છે કે અયૂબની કસોટી દરમિયાન બધું યહોવાના કાબૂમાં હતું. આખા વિશ્વના માલિક યહોવાએ છૂટ આપી હતી, એનાથી વધારે શેતાન કંઈ કરી શકતો ન હતો. તે ચાહે તોપણ અયૂબનો જીવ લઈ શકતો ન હતો.

યહોવા અયૂબની મુશ્કેલીઓનો અંત લાવ્યા

૧૧. અયૂબની મુશ્કેલીઓનો અંત લાવ્યા પછી યહોવાએ તેમને કયું ઇનામ આપ્યું? (અયૂબ ૪૨:૧૦-૧૩)

૧૧ અયૂબ ૪૨:૧૦-૧૩ વાંચો. અયૂબે બતાવી આપ્યું કે તે યહોવાને હંમેશાં વફાદાર રહેશે. પછી યહોવાએ શેતાનને અયૂબની વધારે કસોટી કરવા ન દીધી. તેમણે પોતાના વહાલા સેવકની મુશ્કેલીઓનો અંત લાવવા પગલાં ભર્યાં. તેમણે અયૂબને આશીર્વાદો આપ્યા. ફરી એક વાર યહોવાની આગળ શેતાનનું કંઈ ન ચાલ્યું. તે યહોવાને અટકાવી શક્યો નહિ.

૧૨. દાખલો આપીને સમજાવો કે યહોવા કઈ રીતે પોતાના ભક્તોને બચાવે છે.

૧૨ આ છેલ્લા દિવસોમાં ઘણાં ભાઈ-બહેનોએ અનુભવ્યું છે કે યહોવાએ પોતાની અપાર શક્તિથી તેઓનું રક્ષણ કર્યું છે. ૧૯૪૫માં જે બન્યું એના પર ધ્યાન આપો. એ સમયે નાઝી સૈનિકો કેદીઓને જુલમી છાવણીથી છેક સમુદ્ર સુધી ચલાવીને લઈ ગયા. તેઓનો ઇરાદો બધાને ખતમ કરી નાખવાનો હતો. એ કેદીઓમાં ૨૩૦ સાક્ષીઓ હતા અને એમાંથી કોઈએ પણ પોતાનો જીવ ગુમાવ્યો નહિ. તેઓએ આ લાંબી અને આકરી મુસાફરી વિશે લખ્યું: ‘કસોટીના એક લાંબા અને મુશ્કેલ સમયગાળાનો હવે અંત આવ્યો છે. જેઓ એમાંથી સહીસલામત બચી ગયા, તેઓને જાણે આગની ભઠ્ઠીમાંથી બહાર ખેંચી કાઢવામાં આવ્યા છે. તેઓમાંથી બળવાની વાસ પણ આવતી નથી. અરે, તેઓનો એકેય વાળ વાંકો થયો નથી. એના બદલે તેઓ યહોવાની શક્તિથી વધારે દૃઢ બન્યા છે. અમારી બસ એક જ ઇચ્છા છે, સિંહોની ગુફામાં રહ્યા પછી અમે ચાહીએ છીએ કે કાયમ યહોવાની ભક્તિ કરતા રહીએ. એ અમારા માટે સૌથી મોટો આશીર્વાદ હશે.’—દાનિયેલ ૩:૨૭; ૬:૨૨ સરખાવો.

૧૩. કસોટીઓ સહેતી વખતે કઈ ખાતરી રાખી શકીએ? (ચિત્રો પણ જુઓ.)

૧૩ ક્યારેક આપણે પણ સિંહોની ગુફામાં હોઈએ એમ લાગી શકી. (૧ પિત. ૫:૮-૧૦) બની શકે કે કસોટીઓ એટલી લાંબી ચાલે કે કોઈ વાર હિંમત હારી જઈએ અને વિચારવા લાગીએ: ‘મારી તકલીફોનો ક્યારેય અંત નહિ આવે.’ એવા સમયે યાદ રાખીએ કે યહોવાએ અયૂબ માટે શું કર્યું હતું. એનાથી ચોક્કસ હિંમત મળશે. ભરોસો પણ વધશે કે યહોવા પાસે આપણી દરેક મુશ્કેલી દૂર કરવાની શક્તિ છે. તે આજે નહિ તો નવી દુનિયામાં ચોક્કસ એ મુશ્કેલીઓ દૂર કરશે. યહોવાએ નક્કી કરી લીધું છે કે તે આ દુષ્ટ દુનિયાનો અંત ક્યારે લાવશે. તે એને એક ઘડી પણ વધારે ચાલવા નહિ દે!

ચિત્રો: યહોવાના ભક્તો અલગ અલગ મુશ્કેલીઓનો સામનો કરે છે. ૧. એક વૃદ્ધ ભાઈને બીજા એક યુવાન ભાઈ દિલાસો આપે છે. તેઓ કબ્રસ્તાનમાં છે અને ખૂબ દુઃખી છે. ૨. એક મમ્મી-પપ્પા હૉસ્પિટલમાં છે. તેઓ પોતાની નાની દીકરીના ખાટલાની બાજુમાં બેઠાં છે. તેઓ પોતાને લાચાર અનુભવે છે. ૩. એક ભાઈને જેલ થઈ છે. તે ધોમધકતા તાપમાં પાવડાથી ખોદી રહ્યા છે અને એક હથિયારબંધ સૈનિક નજર રાખે છે.

યહોવા પોતાના વફાદાર ભક્તોની મુશ્કેલીઓનો અંત લાવશે (ફકરો ૧૩ જુઓ)


યહોવાને પોતાના વફાદાર ભક્તો ખૂબ વહાલા છે

૧૪-૧૫. યહોવા પોતાના વફાદાર ભક્તો માટે શું કરવા માંગે છે અને કેમ? (અયૂબ ૧૪:૧૫) (ચિત્ર પણ જુઓ.)

૧૪ અયૂબ ૧૪:૧૫ વાંચો. જેઓ યહોવાને વફાદાર છે, તેઓ તેમના દિલની ખૂબ નજીક છે. જો તેમના વહાલા ભક્તોનું મરણ થાય, તો તે તેઓને ચોક્કસ જીવતા કરશે. તે મરણના ડંખથી થતી પીડાને ખુશીઓમાં ફેરવી નાખશે.—યશા. ૬૫:૧૭.

૧૫ જરા વિચારો, યહોવાએ અયૂબની વફાદારીનું કેટલું મોટું ઇનામ આપ્યું. યહોવાએ તેમને બીમારીમાંથી સાજા કર્યા, તેમને ફરીથી તંદુરસ્ત કર્યા. અયૂબની કસોટી થઈ એ પહેલાં તેમની પાસે જેટલું હતું, એના કરતાં અનેક ગણું વધારે યહોવાએ તેમને પાછું આપ્યું. અયૂબ હજુ શેતાનની દુનિયામાં જ જીવતા હતા, તોપણ યહોવાએ તેમને એ અદ્‍ભુત આશીર્વાદો આપ્યા. આ તો એક નાની ઝલક હતી. આગળ જતાં યહોવા અયૂબ માટે હજી ઘણું કરવાના છે. અયૂબના દાખલામાંથી આપણને બીજી એક વાત પણ શીખવા મળે છે. યહોવા ચાહે છે કે તેમના ભક્તો હંમેશાં ખુશ રહે અને સારું જીવન જીવે. જો આપણે તેમને વફાદાર રહીશું, તો બાગ જેવી સુંદર દુનિયામાં હંમેશાં જીવવાની તક મળશે. (પ્રકટી. ૨૧:૩, ૪) આખા વિશ્વના માલિક યહોવા પાસે એવું જીવન આપવાની ઇચ્છા છે. એ યાદ રાખીશું તો મુશ્કેલીઓમાં ટકી રહેવા હિંમત મળશે!

અયૂબ તંદુરસ્ત છે અને તેમણે સરસ કપડાં પહેર્યાં છે. તેમની આજુબાજુ ઘણા દોસ્તો છે, જેઓ તેમને અને તેમની પત્નીને મળવા આવ્યા છે.

કસોટીનો અંત આવ્યો એ પછી યહોવાએ અયૂબને અને તેમની પત્નીને ભરપૂર આશીર્વાદ આપ્યા (ફકરા ૧૪-૧૫ જુઓ)


૧૬. આખા વિશ્વના માલિક યહોવા પર ભરોસો કરવાનું બીજું કયું કારણ છે?

૧૬ યહોવાના આશીર્વાદથી અયૂબ લાંબું જીવન જીવ્યા અને પછી તે મરણ પામ્યા. પણ યહોવા પાસે તેમને મરણમાંથી ઉઠાડવાની શક્તિ છે, કેમ કે તે સર્વશક્તિમાન છે અને આખા વિશ્વના માલિક છે. (પુન. ૩૨:૩૯) તે નક્કી કરેલા સમયે પોતાના વહાલા ભક્તોને ચોક્કસ મરણમાંથી ઉઠાડશે. તેમને એમ કરતા કોઈ રોકી શકતું નથી.—રોમ. ૮:૩૮, ૩૯.

યહોવા પર પૂરો ભરોસો રાખો

૧૭. શાનાથી ખબર પડે છે કે શેતાન યહોવાના લોકોનું નામનિશાન મિટાવવામાં નિષ્ફળ ગયો છે?

૧૭ અયૂબના પુસ્તકથી આપણને યહોવા પર પૂરો ભરોસો રાખવાનાં ઘણાં કારણો મળ્યાં. જોવા જઈએ તો શેતાને યહોવાના લોકોનું નામનિશાન મિટાવી દેવાની ઘણી કોશિશ કરી, પણ યહોવાએ એવું થવા ન દીધું. આજે કંઈક ૯૦ લાખ લોકો યહોવાની વફાદારીથી ભક્તિ કરી રહ્યા છે. એ સાબિત કરે છે કે યહોવા વિશ્વના માલિક છે. શક્તિશાળી સરકારો અને ધાર્મિક સંગઠનોએ આપણને યહોવાની ભક્તિ કરતા અને પ્રચાર કરતા રોકવાની વારંવાર કોશિશ કરી છે. તેઓને લાગે છે કે આપણને સહેલાઈથી હરાવી દેશે. પણ યહોવાના ભક્તો વિરુદ્ધ ઘડેલાં હથિયારો હંમેશાં નિષ્ફળ ગયાં છે. (યશા. ૫૪:૧૭) આપણે હિંમતથી યહોવા વિશેનું સત્ય જાહેર કરીએ છીએ. એ પણ જાહેર કરીએ છીએ કે શેતાન જૂઠો અને ખૂની છે. એમ કરતા કંઈ પણ આપણને રોકી શકતું નથી. અરે, મરણ પણ આપણને રોકી શકતું નથી. કેમ કે જો આપણું મરણ થાય તોપણ યહોવા આપણને ભૂલી નહિ જાય. તે પોતાના વફાદાર ભક્તોને ચોક્કસ મરણમાંથી ઉઠાડશે.—હોશિ. ૧૩:૧૪.

૧૮. ભાવિમાં જે બનશે એ વિશે વિચારીને કેમ ડરવું ન જોઈએ?

૧૮ અયૂબના અહેવાલથી આપણી શ્રદ્ધા વધે છે કે ભલે ગમે એ થઈ જાય, યહોવા હંમેશાં આપણને સાથ આપશે. આપણે જરાય ડરવાની જરૂર નથી. મોટી વિપત્તિ વખતે શેતાન અને તેને સાથ આપતા લોકોને લાગશે કે તેઓ આપણને ચપટીમાં મસળી નાખશે. જોકે એ વખતે પણ બધું યહોવાના કાબૂમાં હશે. તેમણે અયૂબના સમયમાં કર્યું હતું તેમ, તે આપણા વતી પોતાની અપાર શક્તિ અને અધિકારનો ઉપયોગ કરશે. તે શેતાનને કદી વફાદાર ભક્તોનું નામનિશાન મિટાવવા નહિ દે. બહુ જલદી યહોવા શેતાનને લીધે આવતી તકલીફો દૂર કરશે. શેતાન અને તેને સાથ આપતા દુષ્ટ દૂતોને ઈસુ ૧,૦૦૦ વર્ષ માટે અનંત ઊંડાણમાં નાખી દેશે. (લૂક ૮:૩૧; પ્રકટી. ૨૦:૧-૩) એ ૧,૦૦૦ વર્ષ પછી શેતાનનો અને યહોવા સામે બળવો કરનારા બધા લોકોનો કાયમ માટે નાશ કરવામાં આવશે. આમ, યહોવાએ કહેલો એકેએક શબ્દ પૂરો થશે.—ઉત. ૩:૧૫; રોમ. ૧૬:૨૦; પ્રકટી. ૨૦:૧૦.

૧૯. યહોવા પર ભરોસો રાખનારાઓને કેવા આશીર્વાદો મળશે? (ચિત્ર પણ જુઓ.)

૧૯ આપણે નવી દુનિયાની આતુરતાથી રાહ જોઈએ છીએ. એ સમયે આપણામાં કોઈ પણ જાતની ખામી નહિ હોય. આપણે સાચે જ ખુશ હોઈશું. આપણે કલ્પના પણ નથી કરી શકતા એટલા આશીર્વાદ યહોવા આપશે. તે વચન આપે છે: “જુઓ! હું બધું નવું બનાવું છું.” (પ્રકટી. ૨૧:૫) એ સમય કેવો હશે? હજારો વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર શેતાન અને તેના દુષ્ટ દૂતો કોઈને નુકસાન પહોંચાડી નહિ શકે તેમજ કોઈને ખરાબ કામ કરવા ઉશ્કેરી નહિ શકે. આર્માગેદનમાંથી જેઓ બચી જશે, તેઓ અઢળક ચમત્કારો થતા જોશે. ચિંતાઓને લીધે કદી તેઓની ઊંઘ ઊડી નહિ જાય. બધા સાચી શાંતિનો આનંદ માણશે. જેઓ બીમાર છે, તેઓ પાછા તંદુરસ્ત થશે. મરણની ઊંઘમાં સરી ગયેલાં વહાલાં મિત્રો અને સગાઓ આપણને પાછાં મળશે. સ્વર્ગમાંના પિતા જેવું જીવન આપવા માંગતા હતા, એવું સુંદર જીવન આપણને મળશે!

અગાઉના ચિત્રમાં બતાવેલાં ભાઈ-બહેનો નવી દુનિયામાં જીવનની મજા માણી રહ્યાં છે. પેલા વૃદ્ધ ભાઈ હવે યુવાન થઈ ગયા છે અને મરણમાંથી ઉઠાડવામાં આવી હોય એવી એક વહાલી વ્યક્તિ સાથે તે ચાલી રહ્યા છે. પેલાં મમ્મી-પપ્પા પોતાની દીકરી સાથે ચાલી રહ્યાં છે, જે સાજી થઈ ગઈ છે. જેલમાં હતા એ ભાઈ એક ઝાડ નીચે બેઠા છે અને બાઇબલ વાંચી રહ્યા છે. તેમની બાજુમાં સિંહનું નાનું બચ્ચું છે.

કસોટીઓ છતાં જેઓ યહોવાને વફાદાર હતા, તેઓનું જીવન યહોવા આશીર્વાદોથી ભરી દેશે (ફકરો ૧૯ જુઓ)


૨૦. તમે કયો પાકો નિર્ણય લીધો છે?

૨૦ આ છેલ્લા દિવસોમાં આપણે વધારે કસોટીઓ સહેવી પડશે અને વફાદાર રહેવા હિંમત બતાવવી પડશે. એટલે ચાલો, યહોવા પર પૂરો ભરોસો રાખીએ અને આખા વિશ્વના માલિકની આજ્ઞા પાળતા રહીએ. બતાવી આપીએ કે આપણે પિતા યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ. સાબિત કરીએ કે શેતાન સાવ જૂઠો છે. ભરોસો રાખીએ કે જો વિશ્વના માલિક યહોવાને વફાદાર રહીશું, તો ભાવિમાં પુષ્કળ આશીર્વાદો મળશે. યહોવા પોતાના ભક્તોને તેઓની વફાદારીનું ઇનામ આપવા આતુર છે અને એ વાત પર આપણને જરાય શંકા નથી!

અયૂબના પુસ્તકથી કઈ રીતે . . .

  • સાબિત થાય છે કે યહોવા આખા વિશ્વના માલિક છે?

  • ખાતરી મળે છે કે યહોવા પોતાના વફાદાર ભક્તોને આશીર્વાદ આપવા ઝંખે છે?

  • વિશ્વના માલિક પર પૂરો ભરોસો રાખવા મદદ મળે છે?

ગીત ૩૩ ડરશો નહિ!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો