મે ૪-૧૦, ૨૦૨૬
ગીત ૧૪૫ પ્રચાર કરવા જઈએ
‘શીખવવાની કળા’ નિખારતા રહીએ
‘તું પૂરી ધીરજ રાખીને અને શીખવવાની કળાથી સંદેશો જાહેર કર.’—૨ તિમો. ૪:૨.
આપણે શું શીખીશું?
પ્રચારમાં લોકોને સારી રીતે શીખવી શકીએ એ માટે ત્રણ રીતો જોઈશું.
૧. આપણે કઈ કળા શીખવી જોઈએ અને કેમ? (૨ તિમોથી ૪:૨) (ચિત્ર પણ જુઓ.)
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “લોકોને શિષ્યો બનાવો. . . . મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ બધી પાળવાનું તેઓને શીખવો.” (માથ. ૨૮:૧૯, ૨૦) એનો અર્થ થાય કે ઈસુએ બધા ખ્રિસ્તીઓને આજ્ઞા આપી છે કે તેઓ બીજાઓને શીખવે. આપણે જાણીએ છીએ કે “જેઓનું દિલ સારું” છે, તેઓને યહોવા પોતાની પાસે દોરી લાવે છે. એ કામમાં દૂતો પણ મદદ કરે છે. (પ્રે.કા. ૧૩:૪૮; યોહા. ૬:૪૪; પ્રકટી. ૧૪:૬) જોકે આપણે પણ કંઈક કરવાની જરૂર છે. પ્રેરિત પાઉલ અને બાર્નાબાસનો દાખલો લો. તેઓએ ઇકોનિયાના સભાસ્થાનમાં “એટલી જોરદાર રીતે વાત કરી કે મોટી સંખ્યામાં યહૂદી અને ગ્રીક લોકોએ શ્રદ્ધા મૂકી.” (પ્રે.કા. ૧૪:૧) પાઉલ અને બાર્નાબાસ ‘શીખવવાની કળામાં’ કુશળ હતા. (૨ તિમોથી ૪:૨ વાંચો.) એ કળા આપણે બધાએ શીખવી જોઈએ.
ઈસુ અને તેમના શિષ્યો, જેમ કે પાઉલ અને બાર્નાબાસ ‘શીખવવાની કળામાં’ કુશળ હતા. આપણે તેઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ (ફકરો ૧ જુઓ)
૨. અમુક ભાઈ-બહેનોને કેમ લાગે છે કે તેઓ કદી સારી રીતે શીખવી નહિ શકે?
૨ અમુક ભાઈ-બહેનોને થાય છે કે તેઓ કદી સારી રીતે શીખવી નહિ શકે. કેમ કે તેઓને લાગે છે કે તેઓ ઓછું ભણેલાં છે અને લોકોને સારી રીતે સમજાવી શકતાં નથી. બાઇબલ સમયના અમુક લોકોને પણ એવું લાગતું હતું. (નિર્ગ. ૪:૧૦; યર્મિ. ૧:૬) બીજાં અમુક નિરાશ થઈ જાય છે, કેમ કે પ્રચારમાં તેઓને સારાં પરિણામો મળતાં નથી. એ સાચું છે કે પ્રચારમાં કંઈ બધા જ લોકો આપણો સંદેશો નહિ સ્વીકારે. એવું પણ નથી કે આપણી મહેનતને લીધે જ પ્રચારમાં સારાં પરિણામો મળે છે. આપણે જોઈ ગયા તેમ, નમ્ર દિલના લોકો સુધી પહોંચવા યહોવા અને દૂતો આપણને મદદ કરે છે. જોકે આપણે પણ મહેનત કરવી જોઈએ. લોકોને સારી રીતે શીખવવામાં કુશળ બનવું જોઈએ. આ લેખમાં આપણે ત્રણ રીતો જોઈશું, જેની મદદથી શીખવવાની આવડત નિખારી શકીશું.
લોકોને સમજવાની કોશિશ કરીએ
૩. ઈસુની વાતો કેમ લોકોનાં દિલને સ્પર્શી જતી?
૩ ઈસુને “ખબર હતી કે લોકોનાં દિલમાં શું છે.” (યોહા. ૨:૨૫) એ શબ્દો બતાવે છે કે તે લોકોના વિચારો અને ઇરાદાઓ સારી રીતે જાણતા હતા. તે સમજતા હતા કે લોકોને શાની જરૂર છે, એટલે તેમની વાતો લોકોનાં દિલને સ્પર્શી જતી. તે જોઈ શકતા હતા કે લોકો રીતરિવાજો અને ધર્મગુરુઓએ બનાવેલા નિયમોના લીધે કચડાઈ ગયા હતા. તેઓને સારી સલાહ અને દિલાસાની ખૂબ જ જરૂર હતી. (માથ. ૯:૩૬; ૨૩:૪) એટલે ઈસુએ પહાડ પરના ઉપદેશમાં એવી સલાહ આપી, જેથી લોકો જીવનમાં તાજગી મેળવી શકે. તે એવા વિષયો પર વાત કરતા જેના વિશે લોકોને ચિંતા રહેતી. એટલે લોકોને તેમની વાત સાંભળવી ગમતી.
૪. આપણે કઈ રીતે લોકોના સંજોગો સમજી શકીએ? (ચિત્રો પણ જુઓ.)
૪ આપણે કઈ રીતે લોકોના સંજોગો સમજી શકીએ? ધ્યાન આપીએ કે લોકોને શાની ચિંતા છે. આજે શેતાનની દુનિયામાં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક મુશ્કેલીનો સામનો કરે છે. એ યાદ રાખીશું તો લોકોને મદદ કરવી, લાગણી બતાવવી સહેલું થઈ જશે. આપણે આવા સવાલો પર વિચાર કરી શકીએ: શું હાલના કોઈ સમાચારને લીધે લોકો હેરાન-પરેશાન છે? શું માતા-પિતાને ચિંતા થાય છે કે બાળકો સ્કૂલમાં સલામત છે કે નહિ? શું આજકાલ નોકરી મેળવવી ખૂબ જ અઘરું છે? આનો પણ વિચાર કરીએ કે આ ‘સંકટના સમયોમાં’ જે લોકો પાસે બાઇબલની આશા નથી, તેઓનું જીવન કેટલું અઘરું છે!—૨ તિમો. ૩:૧; યશા. ૬૫:૧૩, ૧૪.
વિદ્યાર્થીના સંજોગો સમજવાની કોશિશ કરીએ અને તેને કઈ રીતે મદદ કરી શકીએ એનો વિચાર કરીએ (ફકરો ૪ જુઓ)
૫. ઈસુ કઈ રીતે ફરોશીઓથી અલગ હતા? (માથ્થી ૧૧:૨૮-૩૦)
૫ ઈસુનાં કામોથી પણ દેખાઈ આવતું હતું કે તે લોકોને સારી રીતે સમજતા હતા. તે ફરોશીઓ જેવા ન હતા. ફરોશીઓ સામાન્ય લોકોને નીચા ગણતા અને તેઓ સાથે ખરાબ રીતે વર્તતા. (માથ. ૨૩:૧૩; યોહા. ૭:૪૯) પણ ઈસુ લોકો સાથે પ્રેમ અને માનથી વર્તતા. તે ‘કોમળ સ્વભાવના અને નમ્ર હૃદયના’ હતા. એટલે તે લોકોને સારી રીતે શીખવી શક્યા. (માથ્થી ૧૧:૨૮-૩૦ વાંચો.) આપણે પણ લોકો સાથે પ્રેમ અને માનથી વર્તવું જોઈએ.
૬. જેઓ આપણો સંદેશો સાંભળતા નથી અથવા વિરોધ કરે છે, તેઓ સાથે કઈ રીતે પ્રેમ અને માનથી વર્તી શકીએ?
૬ અમુક લોકો આપણો સંદેશો સાંભળતા નથી અથવા આપણો વિરોધ કરે છે. એવા સમયે આપણે શું કરવું જોઈએ? ઈસુએ કહ્યું કે આપણે વિરોધ સહન કરવા ઉપરાંત પણ કંઈક કરવું જોઈએ. તેમણે કહ્યું: “જેઓ તમને ધિક્કારે છે તેઓનું સારું કરતા રહો. જેઓ તમને શ્રાપ આપે છે તેઓને આશીર્વાદ આપતા રહો. તમારું અપમાન કરે છે તેઓ માટે પ્રાર્થના કરતા રહો.” (લૂક ૬:૨૭, ૨૮) જો સમજીશું કે લોકો કેમ આપણું સાંભળતા નથી, તો ઈસુની સલાહ પાળવી સહેલું થઈ જશે. એ સાચું છે કે અમુક લોકો પ્રચારકામ બંધ કરવા ઘણા ધમપછાડા કરે છે. તો બીજા અમુક લોકો આપણો સંદેશો સાંભળતા નથી, કેમ કે તેઓ કદાચ કુટુંબની મુશ્કેલી અથવા બીજી કોઈ તકલીફને લીધે ચિંતામાં હોય છે. બની શકે કે આપણે ખોટા સમયે તેઓને મળવા ગયા હોઈએ. ભલે ગમે એ હોય, આપણે હંમેશાં આ સલાહ પાળવી જોઈએ: “જેમ મીઠું ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો. એમ કરશો તો દરેકને કઈ રીતે જવાબ આપવો એ તમે જાણી શકશો.” (કોલો. ૪:૬) જો લોકોને લાગણી બતાવીશું અને તેઓની મુશ્કેલીઓ સમજીશું, તો તેઓના વર્તનથી ખોટું નહિ લગાડીએ અને તેઓને મદદ મળે એ રીતે શીખવી શકીશું.
શીખવતી વખતે બાઇબલનો ઉપયોગ કરીએ
૭. ઈસુએ લોકોને કઈ રીતે શીખવ્યું? (યોહાન ૭:૧૪-૧૬)
૭ ઈસુએ શીખવતી વખતે પોતાના વિચારો ન જણાવ્યા, પણ હંમેશાં શાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેમણે લોકોને એકદમ સાદી રીતે શીખવ્યું, જેથી તેઓ એને સહેલાઈથી સમજી શકે અને લાગુ પાડી શકે. બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુ “શાસ્ત્રીઓની જેમ નહિ પણ જેની પાસે અધિકાર હોય તેની જેમ શીખવતા હતા.” લોકો એ જોઈને ‘દંગ રહી જતા’ હતા. (માર્ક ૧:૨૨; હિંદી અધ્યયન બાઇબલમાં આપેલી “શાસ્ત્રિયોં કી તરહ નહીં” અભ્યાસ માહિતી જુઓ.) ઈસુના સમયમાં શાસ્ત્રીઓ શીખવતી વખતે પ્રખ્યાત રાબ્બીઓના શબ્દો ટાંકતા. જ્યારે કે ઈસુ છૂટથી શાસ્ત્રની વાતો ટાંકતા. જોવા જઈએ તો ઈસુ લાખો-કરોડો વર્ષ સ્વર્ગમાં હતા. જો તેમણે ચાહ્યું હોત, તો પોતાના અનુભવ અને અપાર જ્ઞાનથી લોકોને આંજી શક્યા હોત. પણ તેમણે એવું ન કર્યું. તેમણે હંમેશાં શાસ્ત્રમાંથી જણાવ્યું કે ઈશ્વર લોકો પાસેથી શું ચાહે છે. (યોહાન ૭:૧૪-૧૬ વાંચો.) ઈસુએ પોતાના શિષ્યો માટે કેટલો સરસ દાખલો બેસાડ્યો!
૮. પિતરે કઈ રીતે ઈસુની જેમ શીખવ્યું?
૮ ઈસુના શિષ્યોએ પણ શીખવતી વખતે શાસ્ત્રનો ઉપયોગ કર્યો. પ્રેરિત પિતરનો દાખલો લો. તેમણે સાલ ૩૩ના પચાસમા દિવસે એક દમદાર પ્રવચન આપ્યું. તે બહુ ભણેલા-ગણેલા ન હતા. તોપણ તેમણે શાસ્ત્રમાંથી સ્પષ્ટ સમજાવ્યું કે ઈસુએ કઈ રીતે ભવિષ્યવાણીઓ પૂરી કરી. (પ્રે.કા. ૨:૧૪-૩૭) એનું કેવું પરિણામ આવ્યું? “જેઓએ [પિતરની] વાતો ખુશીથી સાંભળી, તેઓએ બાપ્તિસ્મા લીધું. એ દિવસે આશરે ૩,૦૦૦ લોકો ઉમેરાયા.”—પ્રે.કા. ૨:૪૧.
૯. શીખવતી વખતે કેમ બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ?
૯ બાઇબલના શબ્દો ખૂબ શક્તિશાળી છે. એનાથી લોકોનું જીવન બદલાઈ શકે છે. (હિબ્રૂ. ૪:૧૨) એટલે શીખવતી વખતે બાઇબલનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. આપણે લોકોને પોતાના વિચારો નહિ, પણ બાઇબલનો “સંદેશો જાહેર” કરવા માંગીએ છીએ. (૨ તિમો. ૪:૨) નીતિવચનો ૨:૬માં લખ્યું છે: “યહોવા બુદ્ધિ આપે છે, તેમના મોંમાંથી જ્ઞાન અને સમજણની વાતો નીકળે છે.” જ્યારે બાઇબલનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે એક રીતે યહોવાને બોલવા દઈએ છીએ. (માલા. ૨:૭) બાઇબલ આપણા સર્જનહાર યહોવાએ લખાવ્યું છે. એમાંથી જાણવા મળે છે કે તેમને ખુશ કરવા અને સારું જીવન જીવવા શું કરવું જોઈએ. માણસોની સલાહ કરતાં બાઇબલમાં આપેલી સલાહ સૌથી અસરકારક છે. આપણે ચાહીએ છીએ કે લોકો પણ એ વાત જાણે.—૨ તિમો. ૩:૧૬, ૧૭.
૧૦. આપણે કઈ રીતે વિદ્યાર્થીનું ધ્યાન બાઇબલ તરફ દોરી શકીએ?
૧૦ બાઇબલ અભ્યાસની તૈયારી કરતી વખતે વિચારીએ કે વિદ્યાર્થીનું ધ્યાન કઈ રીતે બાઇબલ તરફ દોરીશું. ખરું કે બાઇબલ અભ્યાસમાં આપણે ચિત્રો અને વીડિયોનો ઉપયોગ કરીએ છીએ, પણ મહત્ત્વનું એ છે કે આપણે બાઇબલમાંથી શીખવીએ. એ માટે શું કરી શકીએ? મુખ્ય મુદ્દાને સમજાવતી કલમો વાંચીએ. પછી વિદ્યાર્થીને એ સમજવા મદદ કરીએ કે તે એમાંથી શું શીખી શકે. જ્યારે ચિત્રો અને વીડિયો બતાવીએ ત્યારે વિદ્યાર્થીને એ જોવા મદદ કરીએ કે એમાંથી કયો સિદ્ધાંત શીખવા મળે છે. પણ બહુ બધું સમજાવવાની કે દરેકેદરેક કલમ વાંચવાની જરૂર નથી. કલમ વાંચ્યા પછી વિદ્યાર્થીને એનો અર્થ સમજવા સમય આપીએ. જરૂર પડ્યે એ કલમ ફરીથી વાંચી શકીએ. આમ આપણે કોઈ પુસ્તક, ચિત્ર કે વીડિયોમાંથી નહિ, પણ બાઇબલમાંથી અભ્યાસ ચલાવી શકીશું.—૧ કોરીં. ૨:૧૩.
૧૧-૧૨. (ક) આપણે કઈ રીતે પૂરી ધીરજ રાખીને શીખવી શકીએ? (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧-૪) (ચિત્ર પણ જુઓ.) (ખ) અમુક લોકો બાઇબલ વિશે શું જાણતા નથી અને આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?
૧૧ વિદ્યાર્થીને કોઈ મુદ્દો સમજવો અઘરો લાગે ત્યારે “પૂરી ધીરજ રાખીને” શીખવતા રહીએ. બધાને કોઈ વાત સમજતા કે શીખતા એકસરખો સમય લાગતો નથી. આપણને જે વાત સમજવી સહેલી લાગે, એ સમજતા બીજાને કદાચ વાર લાગે. યાદ કરો કે થેસ્સાલોનિકામાં યહૂદીઓ પાઉલની વાત તરત સમજી શક્યા ન હતા. એટલે પાઉલ તેઓને અવાર-નવાર શાસ્ત્રમાંથી સમજાવતા રહ્યા. પછી અમુક યહૂદીઓ પાઉલની વાત સમજી શક્યા અને તેઓએ શ્રદ્ધા મૂકી.—પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧-૪ વાંચો.
૧૨ પૂરી ધીરજ રાખીને શીખવવા બીજું શું કરી શકીએ? વિદ્યાર્થીના મનમાં શું છે એ જાણવા સવાલો પૂછીએ અને જવાબ આપવા સમય આપીએ. પોતે જ બોલ બોલ ન કરીએ. વિદ્યાર્થીનું ધ્યાનથી સાંભળીએ અને તેના વિચારો સમજવાની કોશિશ કરીએ. પછી તે ઈશ્વરના વિચારો સમજી શકે એ માટે અમુક કલમો વાંચીએ અને એના પર ચર્ચા કરીએ. અમુક લોકોએ તો ક્યારેય બાઇબલ જોયું નથી અને તેઓ જાણતા નથી કે એમાં શું લખ્યું છે. એવા લોકોને આપણે બાઇબલની છાપેલી પ્રત બતાવી શકીએ. બાઇબલમાં કેટલી સરસ માહિતી છે, એ બતાવવા નવી દુનિયા ભાષાંતર બાઇબલની શરૂઆતમાં આપેલો “બાઇબલ વિશે જાણકારી” ભાગ બતાવી શકીએ. બાઇબલની સલાહથી કઈ રીતે ખુશ રહી શકીએ છીએ એ સમજાવવા કદાચ સવાલ ૧૫માંથી એકાદ બે કલમ બતાવી શકીએ. આમ, વિદ્યાર્થીને જોવા મદદ કરીએ કે બાઇબલની વાતો કેટલી અનમોલ છે. પછી તેને શીખેલી વાતો જીવનમાં લાગુ પાડવાનું મન થશે.
જે બોલ બોલ કરે એ નહિ, પણ જે ધ્યાનથી સાંભળે એ સારા શીખવનાર છે (ફકરા ૧૧-૧૨ જુઓ)
યહોવાની નજીક આવવા મદદ કરીએ
૧૩. શીખવતી વખતે કોના પર ધ્યાન દોરવું જોઈએ? દાખલો આપીને સમજાવો.
૧૩ આપણે ચાહીએ છીએ કે વિદ્યાર્થી યહોવાને સારી રીતે ઓળખે અને તેમની નજીક આવે. (યાકૂ. ૪:૮) આપણે એક એવા માણસ જેવા છીએ જે અંધારામાં લોકોને ટૉર્ચથી રસ્તો બતાવે છે. તે ટૉર્ચનો પ્રકાશ પોતાના પર નહિ રાખે, પણ રસ્તા પર રાખશે. એવી જ રીતે, બાઇબલમાંથી શીખવતી વખતે આપણે ચાહીએ છીએ કે લોકોનું ધ્યાન આપણા તરફ નહિ, પણ યહોવા તરફ જાય.
૧૪. વિદ્યાર્થી યહોવાને ખુશ કરી શકે એ માટે આપણે કઈ રીતે મદદ કરી શકીએ?
૧૪ વિદ્યાર્થીના દિલમાં યહોવા માટે પ્રેમ કેળવીએ અને તેમને ખુશ કરવાની ઇચ્છા જગાડીએ. (નીતિ. ૨૭:૧૧) આપણે બસ એ જ શીખવવા નથી માંગતા કે યહોવાના સાક્ષી બનવા તેણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આપણે ચાહીએ છીએ કે તે યહોવાને ખુશ કરવા પોતાના જીવનમાં ફેરફાર કરે. જો વિદ્યાર્થીને કોઈ આદત છોડવી અઘરું લાગતું હોય, તો તેને આવા સવાલો પૂછી શકીએ: “તમને શું લાગે છે, યહોવા કેમ આ આદતને ધિક્કારે છે? તમને જેમાં મજા આવે છે, એને છોડવાનું યહોવા કેમ કહે છે? એમાં કઈ રીતે યહોવાનો પ્રેમ દેખાઈ આવે છે?” વિદ્યાર્થીને યહોવા અને તેમના ગુણો વિશે વિચારવા મદદ કરતા રહીએ. એનાથી તે જોઈ શકશે કે યહોવા પ્રેમાળ પિતા છે. પછી તેને પણ યહોવાને ખુશ કરવાનું મન થશે.
શીખવવાની કળા નિખારતા રહીએ
૧૫. શીખવવાની કળા નિખારતા રહેવા શું કરી શકીએ?
૧૫ શીખવવાની કળામાં ક્યાં સુધારો કરવાની જરૂર છે, એ પારખવા પ્રાર્થનામાં મદદ માંગીએ. (૧ યોહા. ૫:૧૪) પછી એ પ્રમાણે પગલાં ભરીએ. સભામાં યહોવા આપણને સારા શિક્ષક બનવાની તાલીમ આપે છે. એ તાલીમનો પૂરો ફાયદો ઉઠાવીએ. અનુભવી ભાઈ-બહેનોને બાઇબલ અભ્યાસમાં લઈ જઈએ. પછી પૂછીએ કે ક્યાં સુધારો કરી શકીએ. એ પણ યાદ રાખીએ કે ભલે આપણે અભ્યાસની માહિતીથી જાણકાર હોઈએ, પણ વિદ્યાર્થી માટે એ બધું નવું છે. એટલે વિચારીએ કે જે મુદ્દા પર અભ્યાસ કરવાના છીએ એ વિશે વિદ્યાર્થીને કેવું લાગશે. અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીને એ જોવા મદદ કરીએ કે બાઇબલની સલાહ પાળવાના ઘણા ફાયદા છે. આમ આપણે વિદ્યાર્થીને યહોવાના દોસ્ત બનવા અને જીવનમાં ખુશ રહેવા મદદ કરી શકીશું.—ગીત. ૧:૧-૩.
૧૬. આપણે કેમ શીખવવાની કળા નિખારતા રહેવું જોઈએ?
૧૬ બીજાઓને યહોવા વિશે શીખવવાથી આપણને અનેરી ખુશી મળે છે. શીખવવાની કળા નવી દુનિયામાં પણ એટલી જ કામ લાગશે. એટલે ચાલો અત્યારથી એ કળા નિખારતા રહીએ. એ માટે લોકોને સમજવાની કોશિશ કરીએ, શીખવતી વખતે બાઇબલનો ઉપયોગ કરીએ અને યહોવાની નજીક આવવા મદદ કરીએ.
ગીત ૪૫ આગળ ચાલો