બાળકો “યહોવાએ આપેલો વારસો છે”
“વારસો” શબ્દ સાંભળીને તમારા મનમાં શું આવે છે? કદાચ ઘર, જમીન, પૈસા, માલ-મિલકત કે ઘરેણાં આવે, જે તમને માતા-પિતા પાસેથી મળ્યાં છે. ભલે વારસામાં ગમે એ વસ્તુ મળે, તમે એને ખૂબ અનમોલ ગણશો. એની સારી સંભાળ રાખશો.
બાઇબલમાં જણાવ્યું છે કે “બાળકો તો યહોવાએ આપેલો વારસો છે.” (ગીત. ૧૨૭:૩) ખ્રિસ્તી માતા-પિતા બાળકોને પિતા યહોવા પાસેથી મળેલી અનમોલ ભેટ ગણે છે. તેઓ બાળકોની સંભાળ રાખવાની પૂરી કોશિશ કરે છે. તેઓ બાળકોની જરૂરિયાતો પૂરી કરે છે અને તેઓની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે. એટલું જ નહિ, બાળકો ખુશ રહે અને યહોવાનાં પાકાં દોસ્ત બને એ માટે સખત મહેનત કરે છે.
પણ દુઃખની વાત છે કે અમુક માતા-પિતા બાળકોને યહોવા પાસેથી વારસો ગણતા નથી. (યશા. ૪૯:૧૫; ૨ તિમો. ૩:૧-૩) બીજાં અમુક માતા-પિતા બાળકોની દિલથી સંભાળ રાખવા માંગે છે, પણ તેઓ સામે અનેક પડકારો આવે છે. એવા કયા અમુક પડકારો છે? યહોવા માતા-પિતા પાસેથી શું ચાહે છે? માતા-પિતા કઈ રીતે બાળકોનો સારો ઉછેર કરી શકે?
પડકારો
સમાજ અને કુટુંબનું દબાણ. અમુક દેશોમાં જે યુગલોને વધારે બાળકો હોય છે તેઓને વધારે માન મળે છે. એટલે કુટુંબીજનો અને પડોશીઓ કદાચ વધારે બાળકો માટે દબાણ કરે. ઘણી વાર એવું બને કે યુગલ જેટલાં બાળકોની સંભાળ રાખી શકતું હોય, એના કરતાં વધારે બાળકો કરવાનું દબાણ આવે.
ભાવિની ચિંતા. અમુક દેશોમાં કુપોષણ કે બીમારીને લીધે અથવા સારવાર માટે પૂરતી સુવિધાઓ ન હોવાને લીધે ઘણાં બાળકો મરણ પામે છે. એટલે અમુક યુગલો વધારે બાળકો કરવાનું વિચારે છે, જેથી થોડાં બાળકો જીવી જાય. બીજાં કેટલાંક યુગલો બાળકોને ઘડપણનો સહારો ગણે છે અને એટલે વધારે બાળકો કરે છે. જે દેશોમાં સરકાર તરફથી વૃદ્ધો માટે કોઈ મદદ હોતી નથી, ત્યાં એવું વધારે જોવા મળે છે.
કુટુંબ નિયોજન. અમુક જગ્યાએ ગર્ભનિરોધક ગોળીઓ કે વસ્તુઓ એટલી સહેલાઈથી મળતી નથી. બીજી અમુક જગ્યાએ યુગલો ગર્ભનિરોધક વાપરતા નથી, કેમ કે એ હલકી જાતના હોય છે અને તેઓને ડર હોય છે કે એનાથી આડઅસર થશે. બીજાં અમુક યુગલો ગર્ભનિરોધક ખરીદી શકતાં નથી, કેમ કે એ ખૂબ જ મોંઘા હોય છે.a
યહોવા માતા-પિતા પાસેથી શું ચાહે છે?
દરેક બાળકને સમય આપો
બાળકોની જરૂરિયાતો પૂરી કરો. યહોવાએ માતા-પિતાને સગીર બાળકોની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી સોંપી છે. તે ચાહે છે કે માતા-પિતા બાળકોને ખોરાક, કપડાં અને રહેવાની જગ્યા પૂરી પાડવા મહેનત કરે. યહોવા એ પણ ચાહે છે કે માતા-પિતા બાળકોને ભણાવે. એટલે માતા-પિતા ધ્યાન રાખે છે કે બાળકો મોટાં થાય ત્યાં સુધી તેઓ સાથે રહે, જેથી બાળકો સારી રીતે ભણી શકે અને કામ લાગે એવી આવડત શીખી શકે. તેઓ ભણવા માટે બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં નથી મૂકતાં. બાળકો પ્રેમ અને સલામતી અનુભવી શકે, એ માટે માતા-પિતા દરેક બાળક સાથે સમય વિતાવે છે. જોકે યહોવા વાજબી છે. તે એવી આશા નથી રાખતા કે માતા-પિતા અમીર હોવાં જોઈએ. યાદ કરો, યહોવાએ પોતાના એકના એક દીકરાનો ઉછેર કરવા ગરીબ પણ મહેનતુ માતા-પિતાને પસંદ કર્યાં હતાં.—માથ. ૧૩:૫૫, ૫૬; લૂક ૨:૨૪.
સિદ્ધાંત: “જો કોઈ માણસ પોતાના લોકોની, ખાસ કરીને પોતાના ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી ન કરે, તો તેણે પોતાની શ્રદ્ધા છોડી દીધી છે અને તે શ્રદ્ધા ન રાખનારા કરતાં પણ વધારે ખરાબ છે.”—૧ તિમો. ૫:૮.
યહોવા સમજે છે કે માતા-પિતાને ઘડપણમાં સહારાની જરૂર પડી શકે છે. માતા-પિતાને માન આપવાની એક રીત છે કે ઘડપણમાં તેઓની સંભાળ રાખવાની જવાબદારી ઉપાડવી. (નિર્ગ. ૨૦:૧૨; ૧ તિમો. ૫:૪) ‘બાળક અમારી સંભાળ રાખશે’ એવું વિચારવાને બદલે, જ્યારે માતા-પિતા ખાસ એનો વિચારે છે કે ‘અમે કઈ રીતે બાળકની સંભાળ રાખીશું,’ ત્યારે યહોવા ખુશ થાય છે.—૨ કોરીં. ૧૨:૧૪.
યહોવા વિશે શીખવો. માતા-પિતાની એ પણ જવાબદારી છે તેઓ બાળકોને યહોવાને પ્રેમ કરવાનું અને તેમની ભક્તિ કરવાનું શીખવે. યહોવા એ જવાબદારીને ખૂબ મહત્ત્વની ગણે છે.—પુન. ૬:૬, ૭.
સિદ્ધાંત: “યહોવા ચાહે છે તેમ શિસ્ત અને શિખામણ આપીને [તમારાં બાળકોનો] ઉછેર કરો.”—એફે. ૬:૪.
યહોવા તમારી સાથે છે
પહેલેથી વાત કરો કે તમને કેટલાં બાળકો હશે
પહેલેથી યોજના બનાવો. જો તમે કુટુંબ વધારવા માંગતા હો, તો પહેલા તમારા સંજોગોનો વિચાર કરો. દાખલા તરીકે, જો તમે વધારે બાળકો કરવાનું વિચારતા હો, તો શું તમારી પાસે એ બધાં બાળકોનાં ખોરાક, કપડાં અને ભણતર માટે પૂરતા પૈસા હશે? જો ન હોય, તો સાથી જોડે વાત કરો કે કેટલાં બાળકો કરશો. આમ યહોવા ચાહે છે એ રીતે તમે બાળકોનો ઉછેર કરી શકશો. એ સાચું છે કે અમુક વાર ધારેલું ન પણ થાય અને યહોવા એ વાત સારી રીતે જાણે છે. (સભા. ૯:૧૧) પણ સારાં માતા-પિતા બનવા તમે જે મહેનત કરો છો, એના પર તે ચોક્કસ આશીર્વાદ આપશે.
સિદ્ધાંતો: “મહેનતુ માણસની યોજનાઓ સફળ થાય છે, પણ ઉતાવળિયો માણસ ગરીબીમાં ધકેલાય છે.”—નીતિ. ૨૧:૫.
“તમારામાંથી એવું કોણ છે જેને ઘર બાંધવું છે અને જે પહેલા બેસીને હિસાબ નહિ કરે કે તેની પાસે પૂરતા પૈસા છે કે નહિ?”—લૂક ૧૪:૨૮.
યહોવાને જીવનમાં પહેલા રાખો. તમારા કુટુંબ માટે યહોવાની ભક્તિ સૌથી મહત્ત્વની હોય એ વાતનું ખાસ ધ્યાન રાખો. જો તમને બાળકો હોય, તો દરેક બાળકને મદદ કરો, જેથી તે યહોવાને પ્રેમ કરવાનું શીખે. બાળકોને સભામાં ધ્યાન આપવા અને એમાંથી શીખવા મદદ કરો. દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિ કરો. બાળકોને પ્રચાર કરવાનું શીખવો. આ જવાબદારી તમારાં મોટાં બાળકો અથવા કુટુંબીજનોના માથે ન નાખો. યહોવાને માર્ગે બાળકોનો ઉછેર કરવામાં સમય અને મહેનત લાગે છે. પણ બાળકોને એ માર્ગે ચાલતાં જોઈને તમને અનેરી ખુશી મળશે.
સિદ્ધાંત: “મારા સાંભળવામાં આવે કે મારાં બાળકો સત્યના માર્ગે ચાલી રહ્યાં છે, એનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોય!”—૩ યોહા. ૪.b
યહોવા પર ભરોસો રાખો. જો તમે કુટુંબ વધારવા માંગતા હો અથવા તમને પહેલેથી બાળકો હોય, તો યાદ રાખો કે સમાજમાં લોકોના વિચારો કરતાં યહોવાનાં ધોરણો વધારે મહત્ત્વનાં છે.
બાળકો યહોવાને પ્રેમ કરતા શીખે એમાં સમય અને મહેનત લાગે છે
જો તમે ઓછાં બાળકો કરવાનું નક્કી કરો, તો ભરોસો રાખો કે યહોવા તમારા ઘડપણની જરૂરિયાતો પૂરી કરશે. ભલે બીજાઓ ગમે એ વિચારે પણ તમે એવું ન વિચારશો કે વધારે બાળકો હશે તો ઘડપણ સચવાઈ જશે. તમારે એ પણ ચિંતા કરવાની જરૂર નથી કે તમારી સંભાળ કોણ રાખશે. યહોવાએ તમારી સંભાળ રાખવાનું વચન આપ્યું છે અને તે પોતાનું દરેક વચન પૂરું કરે છે.—યહો. ૨૩:૧૪.
સિદ્ધાંતો: “તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર અને તે તને ખરો માર્ગ બતાવશે.”—નીતિ. ૩:૫, ૬.
“એક સમયે હું યુવાન હતો ને હવે ઘરડો થયો છું. પણ મેં એવું જોયું નથી કે સચ્ચાઈથી ચાલનારને ઈશ્વરે ત્યજી દીધો હોય, કે પછી તેનાં બાળકો ભીખ માંગતા હોય.”—ગીત. ૩૭:૨૫.
“એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.”—માથ. ૬:૩૩.
યહોવાએ ભરોસો કરીને બાળકોની જવાબદારી માતા-પિતાને સોંપી છે. જ્યારે માતા-પિતા એ જવાબદારી સારી રીતે નિભાવે છે, ત્યારે યહોવા ખુશ થાય છે. એટલે તેઓ પ્રેમથી બાળકોની જરૂરિયાતો પૂરી કરે છે અને સાથે સમય વિતાવે છે. બાળકો યહોવાને પ્રેમ કરવાનું શીખે એ માટે મદદ કરે છે. તેઓ સમજી-વિચારીને નક્કી કરે છે કે કેટલાં બાળકો કરશે. તેઓ લોકોના વિચારો પ્રમાણે નહિ, પણ યહોવાની ઇચ્છા પ્રમાણે બાળકોનો ઉછેર કરે છે. એમ કરીને ખ્રિસ્તી માતા-પિતા બતાવી આપે છે કે તેઓ બાળકોને ખાસ ભેટ ગણે છે અને “યહોવાએ આપેલો વારસો” ગણે છે.
a દરેક યુગલ નક્કી કરશે કે કેટલાં બાળકો કરવાં, ક્યારે બાળકો કરવાં અને ગર્ભનિરોધક ગોળીઓ કે વસ્તુઓ વાપરવી કે નહિ. કોઈએ પણ તેઓના નિર્ણય પર સવાલ ન ઉઠાવવો જોઈએ. (રોમ. ૧૪:૪, ૧૦-૧૩) જોકે તેઓ એ વાતનું ખાસ ધ્યાન રાખશે કે કોઈ પણ રીતે ગર્ભપાત ન થાય. વધુમાં આવા નિર્ણય લેતી વખતે પતિ-પત્ની ૧ કોરીંથીઓ ૭:૩-૫માં આપેલી સલાહ યાદ રાખે છે.
b આ કલમમાં એવા શિષ્યોને “બાળકો” કહેવામાં આવ્યા છે, જેઓને યોહાને સત્ય આપ્યું હતું. પણ યહોવાની ભક્તિ કરતા બાળકોને જોઈને માતા-પિતાને એવી જ લાગણી થાય છે.