વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 ફેબ્રુઆરી પાન ૨૦-૨૫
  • બાપ્તિસ્મા પછી ઊભા થતા અઘરા સંજોગો માટે શું તમે તૈયાર છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાપ્તિસ્મા પછી ઊભા થતા અઘરા સંજોગો માટે શું તમે તૈયાર છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • કોઈ ભાઈ કે બહેન દુઃખ પહોંચાડે ત્યારે
  • પાછળ છોડી દીધેલી બાબતો યાદ આવે ત્યારે
  • કોઈ યહોવાને છોડી દે ત્યારે
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • એકબીજાની નજીક આવવામાં આપણું ભલું છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 ફેબ્રુઆરી પાન ૨૦-૨૫

એપ્રિલ ૨૭–મે ૩, ૨૦૨૬

ગીત ૩૧ અમે યહોવાના સાક્ષી

બાપ્તિસ્મા પછી ઊભા થતા અઘરા સંજોગો માટે શું તમે તૈયાર છો?

“મારાં પગલાં તમારા માર્ગમાં જ રહે.”—ગીત. ૧૭:૫.

આપણે શું શીખીશું?

બાપ્તિસ્મા પછી કેવા અઘરા સંજોગો ઊભા થઈ શકે છે? હમણાં જ બાપ્તિસ્મા લીધું હોય એવાં ભાઈ-બહેનો કઈ રીતે એ માટે તૈયાર રહી શકે?

૧-૨. બાપ્તિસ્મા પછી અઘરા સંજોગોનો સામનો કરવા કયાં પગલાં ભરી શકીએ? એક દાખલો આપો.

આપણે જાણીએ છીએ કે શેતાનની દુનિયામાં આપણા પર મુશ્કેલીઓ આવશે. ઈસુએ શિષ્યોને ચેતવ્યા હતા કે તેઓ પર મુશ્કેલીઓ તો આવશે જ. (માથ. ૧૮:૭) એટલે બાપ્તિસ્મા પછી પણ અઘરા સંજોગો ઊભા થઈ શકે છે. ક્યારેક એનું કારણ ભાઈ-બહેનો હોય શકે છે. જોકે એ સંજોગો માટે આપણે પહેલેથી તૈયાર રહી શકીએ છીએ.

૨ એક દાખલાનો વિચાર કરો. આપણને વારંવાર યાદ અપાવવામાં આવે છે કે કુદરતી આફતો માટે પહેલેથી તૈયાર રહીએ. એ માટે કેવાં પગલાં ભરીએ છીએ? સૌથી પહેલાં તો એ જોઈએ છીએ કે આપણા વિસ્તારમાં કઈ કઈ આફતો આવી શકે છે. જો આપણે હાલમાં જ કોઈ નવા વિસ્તારમાં રહેવા ગયા હોઈએ તો એ વિશે વિચારવું વધારે જરૂરી છે. પછી આપણે એક પ્લાન બનાવીએ છીએ, જેથી પહેલેથી ખબર હોય કે આફત આવે ત્યારે શું કરવું. (નીતિ. ૨૧:૫) એવી જ રીતે આપણે પહેલેથી વિચારી શકીએ કે બાપ્તિસ્મા પછી કેવા અઘરા સંજોગો ઊભા થઈ શકે છે. પછી એ અઘરા સંજોગો માટે તૈયાર રહેવા કંઈક કરી શકીએ. એમ કરીશું તો એ સંજોગોનો સારી રીતે સામનો કરી શકીશું અને યહોવાથી દૂર નહિ થઈ જઈએ. (ગીત. ૧૭:૫) આ લેખમાં આપણે એવા ત્રણ સંજોગોની ચર્ચા કરીશું, જે બાપ્તિસ્મા પછી ઊભા થઈ શકે છે. એ પણ જોઈશું કે દરેક સંજોગ માટે તૈયાર રહેવા શું કરી શકીએ.a

કોઈ ભાઈ કે બહેન દુઃખ પહોંચાડે ત્યારે

૩. બાપ્તિસ્મા પછી કયો એક સંજોગ ઊભો થઈ શકે છે?

૩ એ દિવસ યાદ કરો જ્યારે તમે પહેલી વાર યહોવાના સાક્ષીઓની સભામાં ગયા હતા. યહોવાના ભક્તો વચ્ચેનો પ્રેમ જોઈને તમને કેવું લાગ્યું હતું? શું તમને ખાતરી થઈ ગઈ હતી કે અહીં જ સાચી ભક્તિ થાય છે? (યોહા. ૧૩:૩૫; કોલો. ૩:૧૨) બ્લાન્કાબહેનનેb એવું જ લાગ્યું હતું. પણ બાપ્તિસ્મા પછી એવું કંઈક થયું જે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. તે કહે છે: “એક બહેન મારી સાથે ખરાબ રીતે વર્ત્યાં. મેં જોયું કે તે બીજાઓ વિશે પણ જેમ-તેમ બોલતાં હતાં. મેં ધાર્યું ન હતું કે મંડળમાં આવું કંઈક થઈ શકે. બાઇબલ અભ્યાસ વખતે મને શીખવવામાં આવ્યું હતું કે યહોવાના સાક્ષીઓ એકબીજા જોડે શાંતિથી અને પ્રેમથી રહેવાની પૂરી કોશિશ કરે છે.” ખરું કે ભાઈ-બહેનો યહોવા જેવા ગુણો બતાવવા ખૂબ મહેનત કરે છે. પણ પાપની અસર હોવાને લીધે તેઓ પણ ભૂલો કરી બેસે છે. (એફે. ૪:૨૩, ૨૪; ૧ યોહા. ૧:૮) એટલે ક્યારેક ને ક્યારેક કોઈ ભાઈ કે બહેન એવું કંઈક કહેશે અથવા કરશે, જેનાથી તમને માઠું લાગી શકે. (યાકૂ. ૩:૮) દુઃખની વાત છે કે એવા સંજોગોને લીધે અમુકે યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું છે.

૪. આપણે આજે શું કરી શકીએ જેથી કોઈ દુઃખ પહોંચાડે ત્યારે આપણી શ્રદ્ધા ડગી ન જાય? (એફેસીઓ ૪:૩૨)

૪ તો પછી તમે આજે શું કરી શકો, જેથી કાલે ઊઠીને કોઈ ભાઈ કે બહેન દુઃખ પહોંચાડે ત્યારે તમારી શ્રદ્ધા ડગી ન જાય? એફેસીઓ ૪:૩૨માં આપેલી સલાહ પાળવાની પૂરી કોશિશ કરો. (વાંચો.) એને તમારી આદત બનાવો. જો તમે હંમેશાં બીજાઓ સાથે પ્રેમ અને દયાથી વર્તશો તો નાની નાની વાતોમાં મતભેદો નહિ થાય. હમણાંથી જ બીજાઓની ભૂલોને દિલથી માફ કરવાનો પ્રયત્ન કરો. એમ કરવા તમને શાનાથી મદદ મળશે? વિચારો કે તમે પોતાની ભૂલો માટે યહોવા પાસે કેટલી વાર માફી માંગો છો અને યહોવા તમને કેટલી વાર ખુલ્લા દિલે માફ કરે છે. (માથ. ૬:૧૨) જ્યારે મનન કરશો કે યહોવા કેટલી ઉદારતા બતાવીને તમને માફ કરે છે, ત્યારે તમારા માટે બીજાઓને માફ કરવું સહેલું બની જશે.

૫. કોઈ દુઃખ પહોંચાડે ત્યારે કયો સિદ્ધાંત યાદ રાખી શકીએ? (નીતિવચનો ૧૯:૧૧) (ચિત્રો પણ જુઓ.)

૫ નીતિવચનો ૧૯:૧૧ વાંચો. બાઇબલમાં જણાવ્યું છે કે જો તમારામાં ઊંડી સમજણc હશે અને તમે બીજાઓને સમજવાની કોશિશ કરશો, તો તેઓ દુઃખ પહોંચાડે ત્યારે તમે ધીરજથી વર્તી શકશો. એ સિદ્ધાંતથી રીમાને ઘણી મદદ મળી. થોડાં વર્ષો પહેલાં જ રીમાનું બાપ્તિસ્મા થયું છે. તે કહે છે: “મને ભાઈ-બહેનોનાં વાણી-વર્તનથી ખોટું લાગે ત્યારે હું સૌથી પહેલા નીતિવચનો ૧૯:૧૧માં લખેલી વાત યાદ કરું છું. હું એ વિચારું છું કે તેઓએ કેમ એવું કર્યું હશે? શું તેઓનાં જીવનમાં કંઈક બન્યું છે જેના કારણે તેઓ આ રીતે વર્ત્યા? હું તેઓ સાથે પ્રચારમાં પણ જઉં છું. એમ કરવાથી હું તેઓને સારી રીતે ઓળખી શકું છું.” એ કેટલી સરસ રીત છે! શું તમે હમણાં તમારા મંડળનાં ભાઈ-બહેનોને સારી રીતે ઓળખવાની કોશિશ કરી શકો? તમે જેટલું વધારે તેઓને ઓળખશો, એટલું જ વધારે તેઓને માફ કરવું સહેલું બનશે.

ચિત્રો: ૧. પ્રાર્થનાઘરની બહાર સમારકામ ચાલી રહ્યું છે. યુવાન ભાઈ સાથે બીજા ભાઈ જે રીતે વાત કરે છે, એનાથી યુવાન ભાઈને ખોટું લાગી જાય છે. ૨. પછીથી જે ભાઈથી ખોટું લાગ્યું હતું, તેમની સાથે મળીને યુવાન ભાઈ ખુશીથી પ્રચાર કરે છે.

જો કોઈ ભાઈ કે બહેન સાથે મતભેદ થયો હોય તો તેમની સાથે પ્રચારમાં જવાની ગોઠવણ કરી શકો (ફકરો ૫ જુઓ)


૬. ભાઈ-બહેનોના સારા દોસ્ત બનવા શું કરી શકીએ?

૬ ભાઈ-બહેનોના સારા દોસ્ત બનવા બીજું શું કરી શકો? તેઓના સારા ગુણો પર ધ્યાન આપો. (નીતિવચનો ૧૦:૧૨ સરખાવો; રોમ. ૧૨:૧૦; ફિલિ. ૨:૨, ૩) માર્કભાઈએ એવું જ કર્યું. બાપ્તિસ્મા પછી જેમ જેમ તે ભાઈ-બહેનો સાથે વધારે સમય વિતાવવા લાગ્યા, તેમ તેમ તેઓની ખામીઓ નજરે પડવા લાગી. એવા સમયે પોતાની શ્રદ્ધા ન ડગે એ માટે માર્કભાઈને શાનાથી મદદ મળી? તે કહે છે: “મને ખ્યાલ આવ્યો કે હું તેઓની નાની નાની ભૂલો પર વધારે પડતું ધ્યાન આપતો હતો. દુનિયાના લોકો જે દુષ્ટ કામો કરે છે એની સરખામણીમાં તો એ ભૂલો કંઈ જ નથી. એટલે મેં નક્કી કર્યું કે હવેથી હું ભાઈ-બહેનોની ખામીઓ વિશે વિચાર્યા નહિ કરું, પણ તેઓની ખૂબીઓ પર ધ્યાન આપીશ.” જો તમે પણ એમ કરશો તો ભાઈ-બહેનો સાથે તમારી દોસ્તી પાકી થશે.

પાછળ છોડી દીધેલી બાબતો યાદ આવે ત્યારે

૭. શાના લીધે કદાચ પાછળ છોડી દીધેલી બાબતો ફરી યાદ આવવા લાગે?

૭ તમે યહોવાના સાક્ષી બન્યા ત્યારે, ચોક્કસ તમને ખુશી થઈ હશે કે હવે તમે શેતાનની દુનિયાનો ભાગ નથી. તમને થતું હશે કે ‘શેતાનની દુનિયામાં પાછા જવાનું કોઈ નહિ વિચારે.’ પણ જ્યારે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે શું? તમને કદાચ એ બાબતો યાદ આવવા લાગે, જે તમે યહોવાની ભક્તિ કરવા માટે છોડી હતી. (ગણના ૧૧:૪-૬ સરખાવો.) જેમ કે, નોકરીમાં વધારે સમય આપવો પડતો હતો, એટલે અમુકે પોતાની સારી નોકરી છોડી દીધી. બીજા અમુકે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું, એટલે દોસ્તોએ તેઓને છોડી દીધા. અમુક ભાઈ-બહેનોએ પોતાની ખરાબ આદતો છોડી દીધી, જેનાથી તેઓને ખુશી મળતી હતી પણ યહોવા દુઃખી થતા હતા. પણ જરા વિચારો, યહોવાની ભક્તિ કરવા તમે જે બાબતો છોડી હતી એ ફરીથી કરવા લાગો તો યહોવાને કેવું લાગશે? ચાલો જોઈએ કે તમે અત્યારે શું કરી શકો, જેથી અઘરા સંજોગો આવે ત્યારે તમે યહોવાથી દૂર ન જતા રહો.

૮. ઇબ્રાહિમ અને સારાહ પાસેથી આપણે શું શીખી શકીએ?

૮ બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓ પાછળ છોડી દીધેલી બાબતો યાદ કરવા લાગી શક્યા હોત. જેમ કે, ઇબ્રાહિમ અને સારાહ. તેઓ કોટવાળા ઉર શહેરમાં રહેતાં હતાં. ત્યાં તેઓ સુખ-સાહેબીથી જીવતાં હતાં. પણ યહોવાની આજ્ઞા માનીને તેઓએ એ શહેર છોડી દીધું અને અજાણ્યા દેશમાં જઈને તંબુઓમાં રહેવા લાગ્યાં. (હિબ્રૂ. ૧૧:૮, ૯) તેઓને કદાચ ઉરનું આરામદાયક જીવન ક્યારેક યાદ આવ્યું હશે. પણ જો તેઓ એને ‘યાદ કરતા રહ્યાં હોત’ તો તેઓને પાછા જવાનું મન થયું હોત. પણ ઇબ્રાહિમ અને સારાહે એવું ન કર્યું. તેઓએ યહોવાનાં વચનોને નજર સામે રાખ્યાં અને આગળ જતાં યહોવા તેઓને જે આશીર્વાદો આપવાના હતા એમાં મન પરોવી રાખ્યું.—હિબ્રૂ. ૧૧:૧૫, ૧૬.

૯. પાછળ છોડી દીધેલી બાબતો વિશે પાઉલને કેવું લાગતું હતું? (ફિલિપીઓ ૩:૭, ૮, ૧૩)

૯ પ્રેરિત પાઉલના દાખલા પર ધ્યાન આપો. યહોવાની ભક્તિ કરવા તેમણે જીવનમાં ઘણા ફેરફાર કર્યા હતા. ખ્રિસ્તી બનતા પહેલાં તે નિયમશાસ્ત્રના જાણીતા શિક્ષક ગમાલિયેલ પાસે શીખ્યા હતા. (પ્રે.કા. ૨૨:૩) પાઉલ આગળ જતાં મોટું નામ કમાઈ શક્યા હોત. તે યહૂદી ધર્મમાં મોટા ગુરુ બની શક્યા હોત. (ગલા. ૧:૧૩, ૧૪) પણ ઈસુના શિષ્ય બનવા તેમણે એ બધું છોડી દીધું. શું એ પછી તેમનું જીવન સહેલું થઈ ગયું? ના. તેમણે ઘણી વાર લોકોનો માર ખાવો પડ્યો, કેદમાં જવું પડ્યું અને યહૂદીઓની નફરત સહેવી પડી. (૨ કોરીં. ૧૧:૨૩-૨૬) જો તેમણે મુશ્કેલીઓ પર ધ્યાન આપ્યું હોત, તો તેમને થયું હોત કે પહેલાંનું જીવન વધારે સારું હતું અને ઈસુના શિષ્ય બનીને તેમણે મોટી ભૂલ કરી છે. પણ પાઉલે એવું ન કર્યું. તેમણે એ વાત પર ધ્યાન આપ્યું કે ઈસુના શિષ્ય બનવાનો તેમને કેટલો મોટો લહાવો મળ્યો છે. તેમ જ, ભાવિમાં મળનાર આશીર્વાદો પર તેમણે મન લગાડ્યું. તેમને પાકો ભરોસો હતો કે એ આશીર્વાદોની સરખામણીમાં જતી કરેલી બાબતો કંઈ જ નથી.—ફિલિપીઓ ૩:૭, ૮, ૧૩ વાંચો.

૧૦. આપણે શાના પર અવાર-નવાર વિચાર કરવો જોઈએ? (માર્ક ૧૦:૨૯, ૩૦) (ચિત્રો પણ જુઓ.)

૧૦ તેઓના દાખલામાંથી શું શીખવા મળે છે? જો તમને પાછળ છોડી દીધેલી બાબતો યાદ આવવા લાગે, તો પહેલા વિચાર કરો કે તમે કેમ એ બાબતો છોડી હતી. (સભા. ૭:૧૦) એનો પણ વિચાર કરો કે યહોવાના ભક્ત બન્યા પછી તમને કેટકેટલા આશીર્વાદો મળ્યા છે. એ આશીર્વાદોની સરખામણીમાં પાછળ છોડી દીધેલી બાબતોની કંઈ વિસાત નથી. હવે તમે આખા વિશ્વના માલિક યહોવાના પાકા દોસ્ત છો. (નીતિ. ૩:૩૨) તમારી પાસે એવાં ભાઈ-બહેનો છે જેઓ તમને ખૂબ પ્રેમ કરે છે. (માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો.) એટલું નહિ, તમારી પાસે ભાવિની સુંદર આશા છે. (યશા. ૬૫:૨૧-૨૩) એ આશીર્વાદો પર અવાર-નવાર મનન કરશો તો પાછળ છોડી દીધેલી બાબતો યાદ કરીને દુઃખી નહિ થાઓ.

પાછળ છોડી દીધેલી બાબતો યાદ કરતા રહેવાને બદલે યહોવાએ સોંપેલું પ્રચારકામ ખુશી ખુશી કરતા રહો (ફકરો ૧૦ જુઓ)e


૧૧. મેરીબહેનના અનુભવમાંથી તમે શું શીખી શકો?

૧૧ મેરીબહેને આશરે ૫૦ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. તે કહે છે: “હું યહોવાની સાક્ષી બની ત્યારે શરૂ શરૂમાં નાતાલના દિવસે ખૂબ ઉદાસ થઈ જતી. કેમ કે પહેલાં એ સમયે હું આખા કુટુંબ સાથે મળીને એ તહેવાર ઊજવતી. અમે ખૂબ મજા કરતા. મને મારાં સગાં-વહાલાંને ભેટ આપવી ખૂબ ગમતું. મારાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ ક્રિસમસ ટ્રીની આજુબાજુ ગોઠવાઈ જતાં. તેઓ પોતાની ભેટ ખોલતાં ત્યારે તેઓની આંખોમાં અનેરી ચમક આવી જતી. એ બધું જોવું મને બહુ ગમતું.” અગાઉ છોડી દીધેલી બાબતો યાદ ન કરવા મેરીબહેનને શાનાથી મદદ મળી? તે કહે છે: “હવે હું નાતાલ સિવાય બીજા કોઈ દિવસે મારા આખા કુટુંબને ભેગું કરું છું. હું તેઓને ભેટો આપું છું અને જણાવું છું કે તેઓ મને કેમ વહાલા છે.” મેરીબહેન સામે બીજી એક મુશ્કેલી પણ આવી. તે કહે છે: “જ્યારે હું યહોવાની સાક્ષી બની ત્યારે મારા દોસ્તોએ મારી સાથે સંબંધ કાપી નાખ્યો. અમુક વાર મને તેઓની બહુ યાદ આવતી અને એકલું એકલું લાગતું.”d તેમણે શું કર્યું? તે અલગ અલગ બહેનો સાથે પ્રચારમાં જવા લાગ્યાં. તે કહે છે: “એમ કરવાથી હું નવા દોસ્તો બનાવી શકી. હવે એ દોસ્તો મને ખૂબ વહાલા છે.” તમે મેરીબહેન પાસેથી શું શીખી શકો? યહોવાની ભક્તિ માટે કદાચ તમે એવી અમુક બાબતો પાછળ છોડી હશે, જેનાથી તમને ખુશી મળતી હતી. બની શકે કે તમને એ વાતો યાદ આવે. પણ આજે તમે બીજું ઘણું કરી શકો છો, જે અગાઉની બાબતો કરતાં વધારે સારું અને ખુશી આપનારું છે. (ફિલિ. ૪:૮, ૯) હંમેશાં આ યાદ રાખો: તમે યહોવા માટે જે જતું કરો છો, એના કરતાં અનેક ઘણું તે પાછું આપે છે.

કોઈ યહોવાને છોડી દે ત્યારે

૧૨. મંડળમાં શું થઈ શકે છે જેના લીધે ખૂબ દુઃખી થઈ જવાય?

૧૨ જ્યારે તમે યહોવાના સાક્ષી બન્યા ત્યારે તમે દુષ્ટ દુનિયામાંથી બહાર નીકળી આવ્યા. એનાથી તમને ઘણી રાહત મળી હશે. હવે તમે એક એવા કુટુંબનો ભાગ છો, જેમાં લોકો ખરા માર્ગે ચાલે છે અને બીજાઓને એમ કરવાનું શીખવે છે. (યશા. ૬૫:૧૪) પણ અમુક વાર તમને કદાચ સાંભળવા મળે કે મંડળમાં કોઈએ મોટું પાપ કર્યું છે અને પસ્તાવો ન કરવાને લીધે તેમને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે. (૧ કોરીં. ૫:૧૩) ધ્યાન આપો કે સમરબહેનને એવું કંઈક સાંભળવા મળ્યું ત્યારે તેમને કેવું લાગ્યું. તે કહે છે: “મેં બાપ્તિસ્મા લીધું એના થોડા સમય પછી એક વડીલે મોટું પાપ કર્યું. તેમને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા. હું અંદરથી હચમચી ગઈ. મારા માનવામાં જ આવતું ન હતું કે એક વડીલ કઈ રીતે યહોવા વિરુદ્ધ પાપ કરી શકે અને મંડળનાં ભાઈ-બહેનોને દુઃખી કરી શકે.” ખરું કે આપણે ભરોસો રાખવો જોઈએ કે ભાઈ-બહેનો યહોવાને પ્રેમ કરે છે અને તેમને વફાદાર રહેવા માંગે છે. (૧ કોરીં. ૧૩:૪, ૭) પણ દુઃખની વાત છે કે દર વર્ષે અમુક ભાઈ-બહેનોને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. જ્યારે તમારી નજીકની વ્યક્તિ અથવા તમે જેનો ખૂબ આદર કરતા હો, તે યહોવાની ભક્તિ કરવાનું છોડી દે ત્યારે વધારે દુઃખ થાય છે.

૧૩. કોઈ નજીકનું યહોવાથી દૂર થઈ જાય ત્યારે શ્રદ્ધા ડગી ન જાય એ માટે હમણાંથી શું કરી શકીએ?

૧૩ કોઈ નજીકની વ્યક્તિ યહોવાથી દૂર થઈ જાય ત્યારે તમારી શ્રદ્ધા ડગી ન જાય, એ માટે હમણાંથી શું કરી શકો? યહોવા સાથે તમારો સંબંધ મજબૂત કરતા રહો. (યાકૂ. ૪:૮) યાદ કરો કે તમે બીજાઓને જોઈને યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો ન હતો. એ તમારો પોતાનો નિર્ણય હતો. એટલે ભલે બીજાઓ યહોવાને વફાદાર રહે કે ન રહે, તમે યહોવાનો હાથ પકડી રાખજો. એ સાચું છે કે આપણે કુટુંબ અને મંડળ સાથે મળીને યહોવાની ભક્તિ કરીએ છીએ. જોકે આપણે પોતે પ્રાર્થના કરવા અને બાઇબલ વાંચવા નિયમિત સમય કાઢીએ એ પણ એટલું જ જરૂરી છે.—ગીત. ૧:૨; ૬૨:૮.

૧૪. પ્રેરિત પિતરના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (યોહાન ૬:૬૬-૬૮)

૧૪ પ્રેરિત પિતરના દાખલા પર ધ્યાન આપો. એક વખતે ઈસુએ એવું કંઈક કહ્યું જે લોકોને સમજાયું નહિ. એના લીધે ઘણા શિષ્યો તેમને છોડીને જતા રહ્યા. એ સમયે કદાચ પિતરને પણ ઈસુની વાત પૂરી રીતે સમજાઈ ન હતી, તોપણ તે ઈસુને વફાદાર રહ્યા. (યોહાન ૬:૬૬-૬૮ વાંચો.) બીજાઓ શું કરે છે એના પર ધ્યાન આપવાને બદલે પિતરે સત્યની વાતો પર ધ્યાન આપ્યું જે ઈસુએ શીખવી હતી. એના લીધે પિતરની શ્રદ્ધા ડગી નહિ. પિતરના દાખલામાંથી તમે શું શીખી શકો? આજે ભલે બીજાઓ યહોવાની ભક્તિ કરવાનું છોડી દે, પણ યાદ રાખો કે આ એ જ સંગઠન છે જેના દ્વારા તમને યહોવા વિશેનું સત્ય શીખવા મળ્યું હતું. એ સત્યને વળગી રહો. અગાઉ સમરબહેન વિશે જોઈ ગયા. તે કહે છે: “હું હંમેશાં પોતાને યાદ અપાવું છું કે એક વ્યક્તિ ખોટું કામ કરે તો એનો અર્થ એ નથી કે મંડળમાં બધા જ એવા છે. અથવા સંગઠન જે શીખવે છે એ ખોટું છે. હું એ પણ યાદ રાખું છું કે યહોવા પણ એ ખોટું કામ ધિક્કારે છે.”

૧૫. એમિલીના દાખલામાંથી તમે શું શીખી શકો?

૧૫ એમિલીના દાખલા પર ધ્યાન આપો. તેણે બાપ્તિસ્મા લીધું એના એક જ અઠવાડિયા પછી તેનાં મમ્મીએ ઘર છોડી દીધું. તેમને મંડળમાંથી પણ દૂર કરવામાં આવ્યાં. એમિલી કહે છે: “મેં સપનામાંય વિચાર્યું ન હતું કે આવું કંઈક થશે. એ મારા જીવનમાં અત્યાર સુધીનો સૌથી કપરો સમય હતો. મને મમ્મીની બહુ યાદ આવે છે.” એમિલીને શાનાથી મદદ મળી? તે કહે છે: “હું એકલી નથી, મારા પપ્પા મને બહુ પ્રેમ કરે છે અને તે મારી સારી સંભાળ રાખે છે. મંડળનાં ભાઈ-બહેનો પણ એક કુટુંબની જેમ મારી પડખે છે. દરેક ભાઈ કે બહેન કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરે છે. એટલે જરૂરી છે કે આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ અને એકબીજાને ઉત્તેજન આપીએ.” (૧ પિત. ૫:૯) તમારે એવી રાહ જોવાની જરૂર નથી કે મુશ્કેલી આવશે ત્યારે ભાઈ-બહેનો સાથે દોસ્તી પાકી કરીશું. તમે હમણાંથી એવું કરી શકો છો. પછી આગળ જતાં ભલે કંઈ પણ થાય, તમને ક્યારેય એકલું એકલું નહિ લાગે.

૧૬. આપણે શું યાદ રાખવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૬ એ પણ યાદ રાખો કે યહોવા જેઓને પ્રેમ કરે છે તેઓને તે સુધારે છે. (હિબ્રૂ. ૧૨:૬) તે ચાહે છે કે જેઓને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે, તેઓ પાછા ફરે. (૨ પિત. ૩:૯) એટલે જો તમારી નજીકની વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવી હોય, તો ભરોસો રાખો કે વડીલો તેમને પાછા ફરવા પૂરી મદદ કરી રહ્યા છે.—૨ તિમો. ૨:૨૪, ૨૫.

બે વડીલો એક વ્યક્તિને મળવા જાય છે, જેને મંડળમાંથી દૂર કરવામાં આવી છે. એક વડીલના હાથમાં બાઇબલ ખુલ્લું છે. બીજા વડીલ એ વ્યક્તિને “યહોવા પાસે પાછા આવો” પુસ્તિકાનો એક પાઠ બતાવે છે.

જો તમારી નજીકની કોઈ વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવે, તો યાદ રાખો કે તે યહોવા પાસે પાછી ફરે એ માટે વડીલો તેમને મદદ કરવા તૈયાર છે (ફકરો ૧૬ જુઓ)f


૧૭. આપણે શાની ખાતરી રાખી શકીએ?

૧૭ આ લેખમાં એવા અમુક અઘરા સંજોગો વિશે જોઈ ગયા, જે બાપ્તિસ્મા પછી ઊભા થઈ શકે છે. ખરું કે એવા સંજોગોનો સામનો કરવો લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું લાગે, પણ તમારે ડરવાની જરૂર નથી. તમે એ માટે પહેલેથી તૈયાર રહી શકો છો. કદી ભૂલશો નહિ કે યહોવા તમારી સાથે છે. તે તમને વફાદાર રહેવા મદદ કરશે. તેમણે અત્યાર સુધી તમને ઘણી મદદ કરી અને આગળ પણ તે કાયમ માટે તમને મદદ કરવા માંગે છે. (૧ પિત. ૫:૧૦) ભલે ગમે એવા સંજોગો ઊભા થાય, તે તમને ટકી રહેવા હિંમત અને શક્તિ આપશે. જો તમે યહોવાનો હાથ પકડી રાખશો, તો કંઈ પણ તમને યહોવાથી દૂર નહિ કરી શકે.—ગીત. ૧૧૯:૧૬૫; રોમ. ૮:૩૮, ૩૯.

આ સંજોગો માટે પહેલેથી તૈયાર રહેવા શું કરી શકીએ?

  • કોઈ ભાઈ કે બહેન દુઃખ પહોંચાડે ત્યારે

  • પાછળ છોડી દીધેલી બાબતો યાદ આવે ત્યારે

  • કોઈને મંડળમાંથી દૂર કરવામાં આવે ત્યારે

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

a ખરું કે આ લેખ એવાં ભાઈ-બહેનો માટે તૈયાર કરવામાં આવ્યો છે જેઓએ હમણાં જ બાપ્તિસ્મા લીધું છે. પણ આમાંથી બધાં ભાઈ-બહેનોને મદદ મળી શકે છે.

b નામ બદલ્યાં છે.

c જો ઊંડી સમજણ હશે તો બીજાઓના ખરાબ વર્તનથી તરત ખોટું નહિ લગાડીએ. એના બદલે એ સમજવાની કોશિશ કરીશું કે સામેવાળી વ્યક્તિએ કેમ એવું કહ્યું અથવા કેમ એ રીતે વર્તી.

d આપણે બાઇબલ વિદ્યાર્થીઓને અને હાલમાં બાપ્તિસ્મા લીધું હોય એવાં ભાઈ-બહેનોને પ્રેમ અને હૂંફ બતાવવાં જોઈએ. એ જવાબદારી તેઓને બાઇબલમાંથી શીખવનારની જ નહિ, આપણા બધાની છે. ચોકીબુરજ, માર્ચ ૨૦૨૧ના અંકના આ લેખમાં આપેલા ફકરા ૧૫-૧૬ જુઓ: “મંડળ કઈ રીતે બાઇબલ વિદ્યાર્થીને મદદ કરી શકે?”

e ચિત્રની સમજ: એક બહેન પ્રચારમાં છે. તે અમુક લોકોને ફૂટબોલ રમતા જુએ છે. તે ખેલાડી હતાં એ દિવસો તેમને યાદ આવી જાય છે. પછીથી તે એક એવી છોકરીને સાક્ષી આપે છે, જે કદાચ પહેલાં તેમની સાથે રમતી હતી.

f ચિત્રની સમજ: મંડળમાંથી દૂર કરવામાં આવી હોય એવી વ્યક્તિને બે વડીલો મળવા જાય છે. તેઓ એ વ્યક્તિને યહોવા પાસે પાછા ફરવાનું ઉત્તેજન આપે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો