વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 ફેબ્રુઆરી પાન ૧૪-૧૯
  • બાપ્તિસ્મા તરફ આગળ વધતા રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાપ્તિસ્મા તરફ આગળ વધતા રહો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • અમુક લોકો કેમ બાપ્તિસ્મા લેતા અચકાય છે?
  • અંત ખૂબ નજીક છે એ યાદ રાખવું કેમ જરૂરી છે?
  • બાપ્તિસ્મા લેવામાં મોડું કરશો નહિ
  • બાપ્તિસ્માનો અર્થ પૂરી રીતે સમજીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • શું તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • બાપ્તિસ્મા પછી પણ ઈસુની ‘પાછળ ચાલતા રહો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • બાપ્તિસ્મા લેવામાં મોડું ન કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 ફેબ્રુઆરી પાન ૧૪-૧૯

એપ્રિલ ૨૦-૨૬, ૨૦૨૬

ગીત ૧૧ યહોવાને વળગી રહું

બાપ્તિસ્મા તરફ આગળ વધતા રહો

“ઈશ્વર કૃપા બતાવે એ સમય અત્યારે જ છે.”—૨ કોરીં. ૬:૨.

આપણે શું શીખીશું?

યહોવા સાથે દોસ્તી કરવાનો અને બાપ્તિસ્મા લેવાનો આ જ યોગ્ય સમય છે.

૧. (ક) બાપ્તિસ્મા લેવું કેમ આપણા ભલા માટે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

શું તમે યહોવાને સમર્પણ કર્યું છે અને પાણીથી બાપ્તિસ્મા લીધું છે? એમ કરીને તમે ઈશ્વરને શુદ્ધ અંતઃકરણ માટે અરજ કરી છે. (૧ પિત. ૩:૨૧) તમે મંડળના યુવાનો અને બાઇબલમાંથી શીખતા લોકો માટે પણ સરસ દાખલો બેસાડ્યો છે. સાચે જ, તમારો એ નિર્ણય વખાણવા લાયક છે! પણ જો તમે હજી સુધી બાપ્તિસ્મા ન લીધું હોય તો શું? એમાં કોઈ શંકા નથી કે તમે યહોવાને પ્રેમ કરો છો અને તેમની ઇચ્છા પૂરી કરવા માંગો છો. તમે એ પણ જાણો છો કે પાપોની માફી અને ઈશ્વરની કૃપા મેળવવા બાપ્તિસ્મા લેવું ખૂબ જરૂરી છે. (પ્રે.કા. ૨:૩૮-૪૦) પણ બાપ્તિસ્મા લેતા અચકાતા હો તો આ લેખથી તમને મદદ મળશે. આપણે આ ત્રણ બાબતો પર ચર્ચા કરીશું: (૧) અમુક લોકો કેમ બાપ્તિસ્મા લેતા અચકાય છે? (૨) અંત ખૂબ નજીક છે એ યાદ રાખવું કેમ જરૂરી છે? અને (૩) બાપ્તિસ્મા માટે મોડું કર્યા વગર ફેરફારો કરવા કેમ જરૂરી છે?

અમુક લોકો કેમ બાપ્તિસ્મા લેતા અચકાય છે?

૨. અમુક લોકો કેમ બાપ્તિસ્મા લેતા અચકાય છે?

૨ અમુક લોકો ડરને લીધે બાપ્તિસ્મા લેતા અચકાય છે. તેઓ યહોવાની ભક્તિ તો કરવા માંગે છે પણ તેઓને થાય છે, ‘ભલે હું કંઈ પણ કરું, હું યહોવાને ખુશ નહિ કરી શકું.’ જો તમને પણ એવું લાગતું હોય તો શું કરી શકો? એવી કલમો પર વિચાર કરો જેનાથી તમને ભરોસો થાય કે યહોવા તમારી હદ સારી રીતે જાણે છે અને તમે બનતું બધું કરો છો ત્યારે તે ખુશ થાય છે. (ગીત. ૧૦૩:૧૩, ૧૪; કોલો. ૩:૨૩) જો તમને વિરોધ કે સતાવણીનો ડર લાગતો હોય, તો યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો કે તે તમને ગીતશાસ્ત્રના લેખક જેવી હિંમત આપે. તેમણે લખ્યું: “યહોવા મારા પક્ષે છે; હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?”—ગીત. ૧૧૮:૬.

૩. બીજા કયા કારણને લીધે અમુક લોકો બાપ્તિસ્મા લેતા અચકાય છે? (ચિત્ર પણ જુઓ.)

૩ અમુક લોકો યહોવાને પ્રેમ તો કરે છે, પણ તેઓને લાગે છે કે તેઓ પાસે બાઇબલનું પૂરતું જ્ઞાન નથી. એટલે તેઓ બાપ્તિસ્મા લેતા અચકાય છે. પણ બાપ્તિસ્મા લેવા કેટલું જ્ઞાન હોવું જરૂરી છે? આ બનાવનો વિચાર કરો. એક વખત પ્રેરિત પાઉલ અને સિલાસ કેદખાનામાં હતા. પછી અચાનક મોટો ધરતીકંપ થયો. એના લીધે પાઉલ અને સિલાસને કેદખાનાના ઉપરી અને તેના કુટુંબને સાક્ષી આપવાની તક મળી. એ માણસ અને તેનું કુટુંબ સમજી ગયાં હશે કે ઈશ્વરે પોતાના ભક્તોને બચાવવા આ ચમત્કાર કર્યો હતો. એ રાતે તેઓ યહોવા અને ઈસુ વિશે પણ ઘણું શીખ્યાં. પછી તેઓએ ‘મોડું કર્યા વગર બાપ્તિસ્મા લીધું.’ (પ્રે.કા. ૧૬:૨૫-૩૩) જો તમે યહોવાને ઓળખતા હો, તેમને પૂરા દિલથી પ્રેમ કરતા હો, તમે બાઇબલનું મૂળ શિક્ષણ લીધું હોય, પાપોનો પસ્તાવો કર્યો હોય અને તેમનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય લીધો હોય, તો તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો.—માર્ક ૧૨:૩૦.

પાઉલ અને સિલાસ કેદખાનાના ઉપરી અને તેના કુટુંબને રાતે સાક્ષી આપે છે. તેઓ બધા ધ્યાનથી સાંભળે છે.

પાઉલ અને સિલાસે કેદખાનાના અધિકારી અને તેના કુટુંબને સાક્ષી આપી. પછી તેઓએ ‘મોડું કર્યા વગર બાપ્તિસ્મા લીધું’ (ફકરો ૩ જુઓ)


૪. અમુક લોકો શાનો વિચાર કરીને બાપ્તિસ્મા લેતા અચકાય છે? (ચિત્ર પણ જુઓ.)

૪ અમુક લોકો ઈશ્વરને ખુશ કરવા બાપ્તિસ્મા લેવા માંગે છે. પણ તેઓને લાગે છે કે એ માટે ફેરફારો કરવા બહુ અઘરું પડશે. એ સાચું છે કે આપણે દરેક નિર્ણય સમજી-વિચારીને લઈએ છીએ. (લૂક ૧૪:૨૭-૩૦) પણ જે જતું કરવું પડશે એના પર અમુક લોકો વધારે પડતો વિચાર કરે છે. કેનડિસબહેનનો દાખલો લઈએ. નાનપણમાં તેમને ખબર હતી કે યહોવાને ખુશ કરવા શું કરવું જોઈએ. પણ એ સમયે તેમણે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય ન લીધો. મોટા થયા પછી તેમણે ફરીથી બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તે કહે છે: “હું જે રીતે જીવન જીવતી હતી એનાથી બહુ ખુશ હતી. પણ મને ખબર હતી કે યહોવાને ખુશ કરવા મારે અમુક બાબતો જતી કરવી પડશે અને એમ કરવું મારા માટે ખૂબ અઘરું હતું.” બીજા અમુકને એ વાતની ચિંતા થાય છે કે બાપ્તિસ્મા પછી તેઓ યહોવાનાં ઉચ્ચ ધોરણો પાળી શકશે કે નહિ. તેઓ વિચારે છે: ‘બાપ્તિસ્મા પછી જો કોઈ મોટી ભૂલ થઈ જાય, તો મને મંડળમાંથી દૂર કરવામાં આવશે. એ સહેવું બહુ અઘરું થઈ જશે.’ જો તમે આવાં અમુક કારણોને લીધે અચકાતા હો, તો શું કરી શકો?

એક બહેન એક સ્ત્રીનો બાઇબલ અભ્યાસ ચલાવે છે. બહેન બોલી રહ્યાં છે એવામાં એ સ્ત્રી કલ્પના કરે છે કે તે દારૂ પી રહી છે અને રાતે ક્લબમાં પોતાના દોસ્તો સાથે નાચી રહી છે.

અમુક લોકો ઈશ્વરને ખુશ કરવા માંગે છે. પણ તેઓને લાગે છે કે તેમની ભક્તિ કરવા ઘણું જતું કરવું પડશે (ફકરો ૪ જુઓ)


૫. બાપ્તિસ્માનો નિર્ણય લેવા શાના પર વિચાર કરવો જોઈએ? (માથ્થી ૧૩:૪૪-૪૬)

૫ કોઈ વસ્તુ ખરીદતી વખતે આપણે બસ એની કિંમત જ જોતા નથી, એ પણ જોઈએ છીએ કે એ કેટલી ઉપયોગી છે. જો એ વસ્તુ બહુ કામની હોય, તો કદાચ તરત ખરીદી લઈએ છીએ. અઘરું લાગે તોપણ એ માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર થઈ જઈએ છીએ. એવી જ રીતે, બાપ્તિસ્માનો નિર્ણય લેતી વખતે બસ એનો જ વિચાર ન કરો કે તમારે કેટલા અઘરા ફેરફારો કરવા પડશે. એના બદલે વિચાર કરો કે યહોવા સાથે દોસ્તી હોવાને લીધે તમારું જીવન કેટલું સારું હશે. એ વાત શીખવવા ઈસુએ બે ઉદાહરણો આપ્યાં. (માથ્થી ૧૩:૪૪-૪૬ વાંચો.) દરેક ઉદાહરણમાં એક માણસને કીમતી વસ્તુ મળે છે. એને ખરીદવા તે પોતાની બધી માલ-મિલકત વેચી દે છે. એ સહેલું નહિ હોય, તોપણ તે રાજીખુશીથી એમ કરે છે. તમને પણ એક કીમતી વસ્તુ મળી છે. એ છે, ઈશ્વરના રાજ્યની ખુશખબર. એટલે જો તમે ફેરફારો કરતા અચકાતા હો, તો ઈસુનાં એ ઉદાહરણો પર ઊંડો વિચાર કરજો. તમે પોતાને આ સવાલો પૂછી શકો: ‘શું મારા માટે રાજ્યની ખુશખબર સાચે જ અનમોલ છે? શું હું યહોવા સાથેની દોસ્તી, ભાવિની આશા અને પ્રેમાળ ભાઈ-બહેનોની દિલથી કદર કરું છું?’ એ સવાલોના જવાબ જાણવાથી તમે જોઈ શકશો કે બાપ્તિસ્મા લેતા તમને હજી શું રોકે છે.

૬. સારું દિલ કેળવવા શું કરી શકીએ?

૬ વાવનારના ઉદાહરણમાં ઈસુએ બીને રાજ્યના સંદેશા સાથે સરખાવ્યું અને જમીનને દિલ સાથે સરખાવી. જે વ્યક્તિનું દિલ કઠણ હશે, તે ખુશખબર સાંભળીને ફેરફાર નહિ કરે. જોકે ઈસુએ એવા લોકો વિશે પણ જણાવ્યું, જેઓનું દિલ સારું હશે અને જેઓ રાજ્યનો સંદેશો સ્વીકારશે. (લૂક ૮:૫-૧૫) જો તમને લાગતું હોય કે તમારું દિલ પૂરી રીતે તૈયાર નથી, તો હિંમત ન હારશો. ઈશ્વર તમને ‘નવું દિલ કેળવવા’ મદદ કરશે. પછી તેમની આજ્ઞા પાળવી તમને સહેલું લાગશે. યહોવાને પ્રાર્થના કરો કે તમારું દિલ નરમ કરવા મદદ કરે, જેથી એમાં ઈશ્વરના રાજ્યનું બી વધે અને ફળ આપે.—હઝકિ. ૧૮:૩૧; ૩૬:૨૬.

૭-૮. અમુક બાળકો અને યુવાનોને બાપ્તિસ્મા તરફ આગળ વધતા શું અટકાવે છે? (ચિત્ર પણ જુઓ.)

૭ અમુક બાળકો અને યુવાનો યહોવાને પ્રેમ કરે છે, પણ બીજાઓના લીધે બાપ્તિસ્મા તરફ આગળ વધતાં નથી. દાખલા તરીકે, સ્કૂલના અમુક શિક્ષકો બાળકોનાં મનમાં ઠસાવવાની કોશિશ કરે કે ‘આજની દુનિયામાં તો બધું જ ચાલે. આપણે પોતાની મરજીના માલિક છીએ.’ પણ એવી સલાહ ઈશ્વરનાં ધોરણોની વિરુદ્ધ છે અને જોખમથી ભરેલી છે. (ગીત. ૧:૧, ૨; નીતિ. ૭:૧-૫) એ જોખમથી બચવા તમે શું કરી શકો? તમે ગીતશાસ્ત્રના એક લેખકના શબ્દો યાદ રાખી શકો. તેમણે યહોવાને કહ્યું: “મારા બધા શિક્ષકો કરતાં મારામાં વધારે સમજણ છે, કારણ કે હું તમારાં સૂચનો પર મનન કરું છું.”—ગીત. ૧૧૯:૯૯.

૮ એવું જોવા મળ્યું છે કે અમુક સાક્ષી માતા-પિતા પોતાનાં બાળકોને બાપ્તિસ્મા લેવાનું ઉત્તેજન આપતાં નથી. જેમ કે, અમુક માતા-પિતા બાળકોનાં ભણતર અને કૅરિયર પર વધારે પડતું ધ્યાન આપે છે. બીજાં અમુક પોતાનાં બાળકોને એ શીખવવાનું ચૂકી જાય છે કે યહોવાની સેવામાં વધારે કરવા શું કરવું જોઈએ. બાળકો, જો તમને લાગતું હોય કે બાપ્તિસ્માનું પગલું ભરવા મમ્મી-પપ્પા તમને હજુ વધારે મદદ કરી શકે છે, તો શું કરી શકો? એ વિશે તેઓ સાથે ખુલ્લા દિલે વાત કરો. યાદ રાખો કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ યહોવાની દોસ્ત બની શકે છે. તમે પણ યહોવાના પાકા દોસ્ત બની શકો છો.—નીતિ. ૨૦:૧૧.

એક તરુણ વયનો છોકરો “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકના પાઠ ૨૩ના આધારે મમ્મી-પપ્પા સાથે વાત કરે છે.

બાપ્તિસ્મા વિશે મમ્મી-પપ્પા સાથે દિલ ખોલીને વાત કરો (ફકરો ૮ જુઓ)


૯. અમુક લોકો બાપ્તિસ્મા માટે કેમ રાહ જુએ છે?

૯ અમુક લોકો બાપ્તિસ્મા માટે યોગ્ય હોય છે, તોપણ એ પગલું ભરતા નથી. કદાચ તેઓ એવું વિચારે કે પોતાના દોસ્ત અથવા સંબંધી સાથે બાપ્તિસ્મા લેશે. એમ કરવામાં કંઈ ખોટું નથી. પણ વિચારો કે બીજાઓને લીધે બાપ્તિસ્મા માટે રાહ જોવી શું યોગ્ય કહેવાશે. યાદ રાખો કે તમે બીજાઓને જોઈને નહિ, પણ પોતાની મરજીથી યહોવાને જીવન સમર્પિત કર્યું હતું. એટલે બીજાઓ શું કરે છે એના આધારે નક્કી ન કરો કે તમે ક્યારે બાપ્તિસ્મા લેશો.—રોમ. ૧૪:૧૨.

અંત ખૂબ નજીક છે એ યાદ રાખવું કેમ જરૂરી છે?

૧૦. અમુક લોકો કેમ પગલાં ભરતા નથી?

૧૦ બીજા એક કારણને લીધે પણ અમુક લોકો બાપ્તિસ્મા તરફ આગળ વધવા પગલાં ભરતા નથી. તેઓને લાગે છે કે અંત આવવામાં હજુ ઘણો સમય બાકી છે. પણ શું એમ વિચારવું બરાબર છે? ઈસુએ શિષ્યોને ચેતવણી આપી હતી: “તૈયાર રહો, કારણ કે તમે ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.”—લૂક ૧૨:૪૦.

૧૧. યહોવાને ઓળખતા જઈશું તેમ આપણે શું કરી શકીશું અને કેમ? (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૦)

૧૧ આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ, એટલે તેમને સમર્પણ કરીએ છે. પ્રેમાળ ઈશ્વરને વધારે ઓળખતા જઈશું તેમ, જોઈ શકીશું કે તે આપણને અનહદ પ્રેમ કરે છે અને તેમની આજ્ઞાઓ પાળવામાં આપણું જ ભલું છે. પછી આપણે ઢીલ કર્યા વગર તેમની આજ્ઞાઓ પાળી શકીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૦ વાંચો.) મોડું કર્યા વગર યહોવાની આજ્ઞાઓ પાળવાનું બીજું પણ એક કારણ છે. શિષ્ય યાકૂબે જણાવ્યું કે કાલે શું થશે એ કોઈ જાણતું નથી. એટલે જો આપણને ખબર હોય કે યહોવા આપણી પાસેથી શું ચાહે છે, તો રોજ એ પ્રમાણે કરવું જોઈએ. આપણે કદી સારાં કામોને કાલ પર ન છોડવાં જોઈએ.—યાકૂ. ૪:૧૩-૧૭.

૧૨. દ્રાક્ષાવાડીના ઉદાહરણમાંથી શું શીખી શકીએ?

૧૨ અમુક લોકો કદાચ દ્રાક્ષાવાડીનું ઉદાહરણ યાદ કરે અને વિચારે: ‘જે મજૂરોએ ફક્ત એક જ કલાક કામ કર્યું, શું તેઓને પણ આખો દિવસ કામ કરનારાઓ જેટલું જ વેતન મળ્યું ન હતું?’ હા, એ સાચું છે. પણ ધ્યાન આપો કે એ મજૂરોએ કેમ વહેલા કામ શરૂ ન કર્યું. તેઓએ કહ્યું: “અમને કોઈએ મજૂરીએ રાખ્યા નથી.” એ મજૂરો કંઈ આળસુ ન હતા. જો તેઓને કામ મળ્યું હોત તો તેઓએ આખો દિવસ મજૂરી કરી હોત. કોઈએ તેઓને બોલાવ્યા કે તરત તેઓ કામે લાગી ગયા. (માથ. ૨૦:૧-૧૬) આજે ઈસુએ આપણને તેમના શિષ્યો બનવા અને પ્રચારકામ કરવા બોલાવ્યા છે. આપણે ઈસુનો એ પોકાર સાંભળીને તરત પગલાં ભરવાં જોઈએ.

૧૩. લોતની પત્નીના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૩ અમુક લોકો વિચારે છે, ‘અંત આવતા પહેલાં ફેરફારો કરી લઈશું, હમણાં એની શી જરૂર.’ પણ ફેરફારો કરવામાં જેટલું વધારે મોડું કરીશું, એટલું જ વધારે એમ કરવું અઘરું લાગશે. એ વાત ઈસુ સારી રીતે જાણતા હતા. એટલે તેમણે શિષ્યોને ચેતવ્યા: “લોતની પત્નીને યાદ રાખો.” (લૂક ૧૭:૩૧-૩૫) લોતની પત્નીને ખબર હતી કે યહોવા જલદી જ સદોમ અને ગમોરાહનો નાશ કરવાના છે. પણ તેને પોતાની ચીજવસ્તુઓ એટલી વહાલી હતી કે તે એને પાછળ છોડવા તૈયાર ન હતી. (ઉત. ૧૯:૨૩-૨૬) આ બનાવમાંથી બીજો એક મહત્ત્વનો બોધપાઠ મળે છે. એ છે કે ઉદ્ધાર તરફ લઈ જતો દરવાજો હંમેશ માટે ખુલ્લો નહિ રહે. ઈશ્વર પોતાના નક્કી કરેલા સમયે એ દરવાજો કાયમ માટે બંધ કરી દેશે.—લૂક ૧૩:૨૪, ૨૫.

૧૪. આજે પૂરી થઈ રહેલી ભવિષ્યવાણીઓ પર કેમ ધ્યાન આપવું જોઈએ?

૧૪ આજે દુનિયાના બનાવોથી સાફ દેખાઈ આવે છે કે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે અને અંત નજીક છે. બની શકે કે એ બનાવોની તમારા પર સીધેસીધી અસર થતી ન હોય. પણ એના પર ધ્યાન આપવાથી તમને ફેરફારો કરવા ઘણું ઉત્તેજન મળી શકે છે. પહેલી સદીના ખ્રિસ્તીઓ સાથે એવું જ કંઈક બન્યું હતું. પ્રેરિત પિતરે તેઓને ‘સાવધ રહેવાની’ અથવા ‘જાગતા રહેવાની’ અરજ કરી, કેમ કે ‘બધાનો અંત પાસે આવ્યો હતો.’ (૧ પિત. ૪:૭, ફૂટનોટ) પિતર અહીં કયા ‘અંતની’ વાત કરતા હતા? એવું લાગે છે કે તે યરૂશાલેમ શહેર અને મંદિરના નાશની વાત કરતા હતા. પિતરે જેઓને પત્ર લખ્યો તેઓ યરૂશાલેમથી ઘણા દૂર રહેતા હતા. એટલે એ શહેરના નાશની તેઓ પર સીધેસીધી અસર થવાની ન હતી. (૧ પિત. ૧:૧) પણ એ ભવિષ્યવાણી પૂરી થતા જોઈને તેઓનો ભરોસો વધ્યો હશે કે યહોવાનાં બીજાં વચનો પણ ચોક્કસ પૂરાં થશે. આજે દુનિયાના અંતને લગતી ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. જો તમે એ ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપશો, તો તમને સાવધ રહેવા અને બાપ્તિસ્મા માટે ફેરફારો કરવા મદદ મળશે.

૧૫. આપણે કઈ રીતે યહોવાના દિવસ માટે તૈયાર રહી શકીએ? (૨ પિતર ૩:૧૦-૧૩)

૧૫ પિતરે પોતાના બીજા પત્રમાં સમજાવ્યું કે આપણે કઈ રીતે ‘યહોવાના દિવસ’ માટે, એટલે કે દુનિયાના અંત માટે તૈયાર રહી શકીએ. પિતરે પહેલી સદીમાં પત્ર લખ્યો ત્યારે અંતને હજી વાર હતી. તોપણ તેમણે ખ્રિસ્તીઓને એ દિવસ ‘હંમેશાં મનમાં રાખવાનું’ અને એની ‘આતુરતાથી ઝંખના રાખવાનું’ કહ્યું. (૨ પિતર ૩:૧૦-૧૩ વાંચો; ફૂટનોટ) આપણી વાત કરીએ તો, આજે એ દિવસ આંગણે આવીને ઊભો છે. આપણે કઈ રીતે બતાવી શકીએ કે એ દિવસ માટે તૈયાર છીએ અને એની આતુરતાથી રાહ જોઈએ છીએ? ‘પોતાનાં વાણી-વર્તન પવિત્ર રાખીએ અને ઈશ્વરની ભક્તિનાં કામો કરીએ.’ જ્યારે તમે યહોવાને ગમતાં કામો કરો છો, ત્યારે તે ઘણા ખુશ થાય છે. અરે, તમે સમર્પણ કરીને બાપ્તિસ્મા લો છો ત્યારે તેમની ખુશીનો પાર રહેતો નથી!

બાપ્તિસ્મા લેવામાં મોડું કરશો નહિ

૧૬. બાપ્તિસ્મા તરફ આગળ વધવાનો યોગ્ય સમય કયો છે? (૨ કોરીંથીઓ ૬:૧, ૨) (ચિત્રો પણ જુઓ.)

૧૬ દોસ્તો, બાપ્તિસ્મા તરફ આગળ વધવાનો આ જ યોગ્ય સમય છે. (૨ કોરીંથીઓ ૬:૧, ૨ વાંચો.) ઇથિયોપિયાના એ અધિકારીને યાદ કરો, જેમને ફિલિપે સાક્ષી આપી હતી. ખુશખબર સાંભળીને એ અધિકારી તરત સમજી ગયા કે તેમણે રાહ જોવાની જરૂર નથી. જ્યારે તે એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં ઘણું પાણી હતું ત્યારે તેમણે આવું ન વિચાર્યું, ‘મારે ખુશખબર વિશે હજુ ઘણું શીખવાનું બાકી છે. આગળ ક્યાંક પાણી દેખાશે તો બાપ્તિસ્મા લઈ લઈશ.’ એના બદલે તેમણે ફિલિપને કહ્યું: “બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?” (પ્રે.કા. ૮:૨૬, ૨૭, ૩૫-૩૯) કેટલો ગજબનો ઉત્સાહ! બાપ્તિસ્મા પછી એ અધિકારી ‘ખુશ થતાં થતાં પોતાના રસ્તે ગયા.’

ચિત્રો: ૧. ફિલિપ ઇથિયોપિયાના અધિકારીને બાપ્તિસ્મા લેવા બોલાવે છે. એ અધિકારી પાણીમાં પગ મૂકે છે. ૨. અગાઉના ચિત્રમાં બતાવેલાં બહેન અને બાઇબલ વિદ્યાર્થી પ્રાર્થનાઘરમાં બે વડીલો સાથે ખુશીથી વાત કરે છે.

ઇથિયોપિયાના અધિકારી પાસેથી મહત્ત્વનો બોધપાઠ: બાપ્તિસ્મા તરફ આગળ વધવાનો આ જ યોગ્ય સમય છે! (ફકરો ૧૬ જુઓ)a


૧૭. તમે કઈ વાતનો ભરોસો રાખી શકો?

૧૭ જો તમે બાપ્તિસ્મા લેતા અચકાતા હો, તમને કશાનો ડર કે ચિંતા હોય કે પછી બીજાઓને લીધે એ પગલું ભરવું અઘરું લાગતું હોય, તો હિંમત ન હારશો. યહોવા તમારા પાકા દોસ્ત બનવા માંગે છે. એટલે ભરોસો રાખો કે તે ચોક્કસ તમને મદદ કરશે. (રોમ. ૨:૪) બાપ્તિસ્મા પછી તમે પોતે અનુભવી શકશો કે યહોવાને ગમતાં કામો કરવાથી કેટલી ખુશી મળે છે. ‘પાછળ છોડી દીધેલી વાતો’ પણ તમને નકામી લાગવા લાગશે. (ફિલિ. ૩:૮, ૧૩) પછી તમે “આગળની વાતો,” એટલે કે ભાવિમાં પૂરાં થનાર યહોવાનાં વચનો પર મન લગાડી શકશો.—પ્રે.કા. ૩:૧૯.

તમે શું કહેશો?

  • અમુક લોકો કેમ બાપ્તિસ્મા લેતા અચકાય છે?

  • બાપ્તિસ્મા લેવામાં કેમ મોડું ન કરવું જોઈએ?

  • બાપ્તિસ્મા તરફ આગળ વધવાનો યોગ્ય સમય કયો છે?

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

a ચિત્રની સમજ: ઇથિયોપિયાના અધિકારીએ ફિલિપને જણાવ્યું કે તે બાપ્તિસ્મા લેવા માંગે છે. એવી જ રીતે, એક બાઇબલ વિદ્યાર્થી વડીલોને જણાવે છે કે તે બાપ્તિસ્મા લેવા માંગે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો