વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 ફેબ્રુઆરી પાન ૮-૧૩
  • બાપ્તિસ્માનો અર્થ પૂરી રીતે સમજીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાપ્તિસ્માનો અર્થ પૂરી રીતે સમજીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાપ્તિસ્મા લેવું એટલે શું?
  • બાપ્તિસ્મા લેવામાં શાનો સમાવેશ થાય છે?
  • “પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા”
  • બાપ્તિસ્મા—કેમ અને ક્યારે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • બાપ્તિસ્મા—ઈશ્વરભક્તો માટે ખૂબ જરૂરી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • બાપ્તિસ્મા એટલે શું?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • શા માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 ફેબ્રુઆરી પાન ૮-૧૩

એપ્રિલ ૧૩-૧૯, ૨૦૨૬

ગીત ૭ હર ઘડી સોંપી દઉં યહોવાને

બાપ્તિસ્માનો અર્થ પૂરી રીતે સમજીએ

“લોકોને શિષ્યો બનાવો. . . . બાપ્તિસ્મા આપો.”—માથ. ૨૮:૧૯.

આપણે શું શીખીશું?

બાપ્તિસ્મા એટલે શું, એનું શું મહત્ત્વ છે અને એમાં શાનો સમાવેશ થાય છે?

૧. શાનાથી ખબર પડે છે કે બાપ્તિસ્મા એ બાઇબલના મૂળ શિક્ષણનો ભાગ છે?

બાઇબલ વિદ્યાર્થીઓ બાપ્તિસ્મા લે છે ત્યારે આપણને બહુ ખુશી થાય છે. સદીઓ પહેલાં ખ્રિસ્તી મંડળની પહેલી સભામાં બધાને એવી જ ખુશી થઈ હતી, કેમ કે એ દિવસે ઘણા લોકોનું બાપ્તિસ્મા થયું હતું. પણ એ પહેલાં પ્રેરિત પિતરે એક પ્રવચન આપ્યું હતું અને બાપ્તિસ્માનું મહત્ત્વ સમજાવ્યું હતું. (પ્રે.કા. ૨:૩૮, ૪૦, ૪૧) આગળ જતાં પ્રેરિત પાઉલે જણાવ્યું કે ‘અલગ અલગ બાપ્તિસ્મા વિશેનું શિક્ષણ, ખ્રિસ્ત વિશેના મૂળ શિક્ષણનો’ ભાગ છે. (હિબ્રૂ. ૬:૧, ૨) એટલે જરૂરી છે કે આપણે બાપ્તિસ્માનો અર્થ પૂરી રીતે સમજીએ.

૨. બાપ્તિસ્મા વિશેનું શિક્ષણ પૂરી રીતે સમજવું કેમ જરૂરી છે?

૨ જો એક ઘરનો પાયો મજબૂત હશે, તો જ એ તોફાનમાં ટકી રહેશે. એવી જ રીતે, જો બાપ્તિસ્મા વિશેનું મૂળ શિક્ષણ પૂરી રીતે સમજીશું, તો જ મુશ્કેલીઓમાં આપણી શ્રદ્ધા અડગ રહેશે. ભલે આપણે બાપ્તિસ્મા લેવાનું વિચારતા હોઈએ કે પછી બાપ્તિસ્માને વર્ષો થઈ ગયાં હોય, આપણે બધાએ બાપ્તિસ્મા વિશેનું શિક્ષણ સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે આપણે આ સવાલોની ચર્ચા કરીશું: બાપ્તિસ્મા એટલે શું? એમાં શાનો સમાવેશ થાય છે? આપણે કેમ પિતા, દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ?

બાપ્તિસ્મા લેવું એટલે શું?

૩. બાપ્તિસ્મા લઈને આપણે શું જાહેર કરીએ છીએ?

૩ બાપ્તિસ્મા લઈને બધાની સામે જાહેર કરીએ છીએ કે (૧) આપણે યહોવા અને ઈસુ વિશેનું સાચું શિક્ષણ સ્વીકાર્યું છે, (૨) પાપોનો પસ્તાવો કર્યો છે, (૩) યહોવાની ભક્તિ કરવા જીવનમાં ફેરફાર કર્યા છે, (૪) યહોવા ઈસુ દ્વારા આપણો ઉદ્ધાર કરે છે એ વાત સ્વીકારી છે અને (૫) પ્રાર્થનામાં યહોવાને વચન આપ્યું છે કે તેમના સંગઠન સાથે મળીને તેમની ઇચ્છા પૂરી કરીશું. જ્યારે યહોવાને વચન આપીએ છીએ, એટલે કે સમર્પણ કરીએ છીએ અને બાપ્તિસ્મા લઈએ છીએ, ત્યારે એક નવી મુસાફરીની શરૂઆત કરીએ છીએ. આપણે હંમેશ માટેના જીવન તરફ લઈ જતા માર્ગ પર ચાલવા લાગીએ છીએ.

૪. પાણીમાં પૂરેપૂરું ડૂબાડવું અને એમાંથી બહાર કાઢવું શાને રજૂ કરે છે? (ચિત્ર પણ જુઓ.)

૪ જ્યારે એક વ્યક્તિને બાપ્તિસ્મા આપવામાં આવે છે, ત્યારે તેને પાણીમાં પૂરેપૂરી ડૂબાડવામાં આવે છે અને એમાંથી બહાર કાઢવામાં આવે છે.a જાણે એ વ્યક્તિને પહેલા દફનાવવામાં આવે છે અને પછી જીવતી કરવામાં આવે છે. (કોલોસીઓ ૨:૧૨ સરખાવો.) એ સરખામણી કેમ યોગ્ય છે? જ્યારે પાણીની અંદર જઈએ છીએ, ત્યારે બતાવી આપીએ છીએ કે આપણે અગાઉનું જીવન પાછળ છોડી દીધું છે. જ્યારે પાણીમાંથી બહાર આવીએ છીએ, ત્યારે એક નવા જીવનની શરૂઆત કરીએ છીએ. હવે આપણાં જીવનમાં ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી સૌથી મહત્ત્વનું બની જાય છે.

ચિત્રો: અનેક ખરાબ આદતો છોડીને એક ભાઈ બાપ્તિસ્મા લે છે. ૧. તે ટીવીમાં બૉક્સિંગ જોવામાં મશગૂલ છે. ૨. તે સિગારેટ પીએ છે. ૩. તેમને દારૂની લત છે. ૪. પછીથી તે એક પૂલમાં બાપ્તિસ્મા લે છે.

બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે અગાઉનું જીવન પાછળ છોડીને એક નવા જીવનની શરૂઆત કરીએ છીએ. આપણે ઈશ્વરની ઇચ્છાને જીવનમાં પહેલી રાખીએ છીએ (ફકરો ૪ જુઓ)


૫. બાપ્તિસ્મા માટે તૈયાર થવા કરેલી મહેનતને શાની સાથે સરખાવી શકાય? સમજાવો (૧ પિતર ૩:૧૮-૨૧)

૫ પહેલો પિતર ૩:૧૮-૨૧ વાંચો. બાપ્તિસ્મા માટે તૈયાર થવા આપણે ઘણી મહેનત કરીએ છીએ. એ મહેનતને નૂહે વહાણ બાંધવા કરેલી મહેનત સાથે સરખાવી શકીએ. જો તમે હમણાં જ યહોવા વિશે શીખવાનું શરૂ કર્યું હોય, તો તમને લાગતું હશે, ‘બાપ્તિસ્મા માટે પગલાં ભરવાં તો બહુ અઘરું છે.’ પણ સવાલ થાય કે શું બાપ્તિસ્મા માટે મહેનત કરવી જરૂરી છે? હા! નૂહનો વિચાર કરો. તેમને મોટું વહાણ બાંધવું ખૂબ જ અઘરું લાગ્યું હશે. પણ તેમણે ઈશ્વરની આજ્ઞા પાળી અને તેમના કહ્યા પ્રમાણે જ વહાણ બાંધ્યું. એના લીધે નૂહનો જીવ બચી ગયો. તે તોતિંગ વહાણ બાંધી શક્યા કેમ કે તેમને યહોવામાં શ્રદ્ધા હતી અને યહોવાએ તેમને સાથ આપ્યો. નૂહની જેમ તમે પણ “ઈશ્વરે આપેલી આજ્ઞાઓ પ્રમાણે” બધું જ કરી શકો છો.—ઉત. ૬:૨૨.

૬. બાપ્તિસ્મા તમને કઈ રીતે બચાવી રહ્યું છે?

૬ કલમ ૨૧માં પ્રેરિત પિતરે લખ્યું કે બાપ્તિસ્મા આપણને “બચાવી રહ્યું છે.” પણ એનો અર્થ એ નથી કે બાપ્તિસ્માથી આપણાં પાપ ધોવાય છે અથવા આપણને ઉદ્ધાર મળે છે. ફક્ત ઈસુના લોહીથી જ આપણાં બધાં પાપ માફ થાય છે. (૧ યોહા. ૧:૭) પણ બાપ્તિસ્મા લેવું ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે યહોવાએ આપણને એમ કરવાની આજ્ઞા આપી છે. બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે “શુદ્ધ અંતઃકરણ માટે ઈશ્વરને અરજ” કરીએ છીએ. પછી યહોવા ખુશીથી એ અરજ સ્વીકારે છે અને ઈસુના બલિદાન દ્વારા આપણાં પાપ માફ કરે છે. આમ, બાપ્તિસ્મા આપણને “બચાવી રહ્યું છે,” એટલે કે હંમેશ માટેના જીવન તરફ દોરી રહ્યું છે.

બાપ્તિસ્મા લેવામાં શાનો સમાવેશ થાય છે?

૭. બાપ્તિસ્મા વખતે શું કરવામાં આવે છે?

૭ બાઇબલમાં જણાવ્યું છે કે બાપ્તિસ્મા લેવા વ્યક્તિને પાણીમાં પૂરેપૂરી ડૂબાડવી જરૂરી છે. પણ બાપ્તિસ્મા વખતે બીજું શું કરવું, એ વિશે એમાં વધારે માહિતી આપી નથી. જોકે બાઇબલ સિદ્ધાંતોથી ખબર પડે છે કે એ ખાસ પ્રસંગે શું કરવું. દાખલા તરીકે, એ સિદ્ધાંતોથી બાપ્તિસ્મા લેનારાઓ સમજી શકે છે કે કેવાં કપડાં પહેરવાં અને બાપ્તિસ્મા જોનારા જાણી શકે છે કે કઈ રીતે વર્તવું. (૧ કોરીં. ૧૪:૪૦; ૧ તિમો. ૨:૯) આજે મોટા ભાગે એક વડીલ બાપ્તિસ્મા આપે છે. પણ એ લહાવા માટે આપણે તેમને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા નથી. (૧ કોરીં. ૧:૧૪, ૧૫) વધુમાં એ પણ મહત્ત્વનું નથી કે બાપ્તિસ્મા જોનારા લોકો વધારે છે કે ઓછા.—પ્રે.કા. ૮:૩૬.

૮. બાપ્તિસ્મા લેનારાઓને કયા સવાલો પૂછવામાં આવે છે અને કેમ? (પ્રેરિતોનાં કાર્યો ૨:૩૮-૪૨) (ચિત્ર પણ જુઓ.)

૮ બાઇબલમાં જણાવ્યું છે કે “ઉદ્ધાર મેળવવા [આપણે] બધા લોકો આગળ મોંથી પોતાની શ્રદ્ધા જાહેર” કરવી જોઈએ. (રોમ. ૧૦:૯, ૧૦) ખરું કે પોતાની શ્રદ્ધા જાહેર કરવાની આપણને ઘણી તકો મળે છે, પણ બાપ્તિસ્માના દિવસે એમ કરવું વધારે જરૂરી છે. એટલે જ બાપ્તિસ્મા લેનારાઓને બે સવાલો પૂછવામાં આવે છે. પહેલો સવાલ છે: “શું તમે તમારાં પાપોનો પસ્તાવો કર્યો છે, યહોવાને જીવન સમર્પણ કર્યું છે અને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમણે કરેલી ઉદ્ધારની ગોઠવણને સ્વીકારી છે?” આ સવાલ ધ્યાન દોરે છે કે એક વ્યક્તિએ બાપ્તિસ્મા પહેલાં કેટલી મહેનત કરી છે. પિતરે પણ પચાસમા દિવસે ત્યાં હાજર લોકોને પસ્તાવો કરવાનું અને બાપ્તિસ્મા લેવાનું ઉત્તેજન આપ્યું હતું. બીજો સવાલ છે: “શું તમે એ સમજો છો કે બાપ્તિસ્મા લેવાથી તમે યહોવાના સંગઠનનો ભાગ બનશો અને યહોવાના સાક્ષી કહેવાશો?” આ સવાલ ધ્યાન દોરે છે કે બાપ્તિસ્મા પછી એક વ્યક્તિ શું કરશે. તે યહોવાના સંગઠન પાસેથી મળતું માર્ગદર્શન પાળશે અને ભાઈ-બહેનો સાથે મળીને ભક્તિ કરશે. પહેલી સદીમાં નવા શિષ્યોએ પણ બાપ્તિસ્મા પછી એવું જ કર્યું હતું. (પ્રેરિતોનાં કાર્યો ૨:૩૮-૪૨ વાંચો.) જેઓ એ બંને સવાલોના જવાબ ‘હા’ આપે છે, તેઓ જ બાપ્તિસ્મા લઈ શકે છે.

અલગ અલગ ઉંમરના લોકો બાપ્તિસ્મા લેવા માંગે છે. તેઓ સંમેલનમાં આગળ ઊભા છે અને પોતાની શ્રદ્ધા જાહેર કરે છે.

બાપ્તિસ્મા વખતે આપણે ‘ઉદ્ધાર મેળવવા બધા લોકો આગળ મોંથી પોતાની શ્રદ્ધા જાહેર’ કરીએ છીએ (ફકરો ૮ જુઓ)d


૯. ઈશ્વરની કૃપા મેળવવા દરેકે કયાં પગલાં ભરવાની જરૂર છે?

૯ બની શકે કે યહોવા વિશે શીખ્યા એ પહેલાં આપણે કોઈ ગંભીર પાપ કર્યું ન હોય. અથવા મમ્મી-પપ્પાએ આપણને બાળપણથી યહોવાને પ્રેમ કરવાનું શીખવ્યું હોય. તોપણ શું ઈશ્વરની કૃપા મેળવવા પસ્તાવો કરવો અને બાપ્તિસ્મા લેવું જરૂરી છે? હા! કેમ કે આપણે જન્મથી પાપી છીએ અને ઈશ્વરથી દૂર થઈ ગયા છીએ. (ગીત. ૫૧:૫) પણ યહોવા વિશે વધારે શીખતા જઈએ છીએ તેમ, આપણને તેમના દોસ્ત બનવાનું મન થાય છે. આપણે પોતાની ઇચ્છાને બદલે યહોવાની ઇચ્છા પ્રમાણે જીવવા મન મક્કમ કરીએ છીએ. પછી પાપોનો પસ્તાવો કરીએ છીએ. ખોટાં કામો કરવાનું છોડી દઈએ છીએ અને સ્વર્ગમાંના પિતા ખુશ થાય એવાં કામો કરીએ છીએ. એ પગલાં ભર્યાં પછી જ આપણે બાપ્તિસ્મા લઈએ છીએ.—પ્રે.કા. ૩:૧૯.

૧૦. જો તમે અગાઉ કોઈ પંથમાં બાપ્તિસ્મા લીધું હોય તો શું કરવું જોઈએ?

૧૦ ભલે અગાઉ કોઈ પંથમાં તમે બાપ્તિસ્મા લીધું હોય, તોપણ યહોવાના સાક્ષી બનવા તમારે ફરીથી બાપ્તિસ્મા લેવું જરૂરી છે. પણ કેમ? કેમ કે એ સમયે તમે યહોવા ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિશેનું પૂરું સત્ય જાણતા ન હતા. ભલે તમે પ્રાર્થનામાં ઈશ્વરને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, પણ તમે પૂરી રીતે સમજતા ન હતા કે ઈશ્વરની ઇચ્છા શું છે. પહેલી સદીમાં પણ એવું જ કંઈક થયું હતું. પાઉલ એફેસસના અમુક લોકોને મળ્યા, જેઓએ અગાઉ બાપ્તિસ્મા લીધું હતું. પણ તેઓ ઈસુ વિશેનું સત્ય સમજતા ન હતા. એટલે તેઓ ફરીથી બાપ્તિસ્મા લઈ શકે એ માટે પાઉલે ગોઠવણ કરી.b (પ્રે.કા. ૧૯:૧-૫) એવી જ રીતે, એક વ્યક્તિ જ્યારે ઈશ્વરની ઇચ્છા પૂરી રીતે સમજ્યા પછી બાપ્તિસ્મા લે છે, ત્યારે એ બાપ્તિસ્મા ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાય છે.

“પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા”

૧૧. “પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે” બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય? (માથ્થી ૨૮:૧૮-૨૦)

૧૧ ઈસુએ આજ્ઞા આપી કે “પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો.” (માથ્થી ૨૮:૧૮-૨૦ વાંચો.) તેમના કહેવાનો શું અર્થ હતો? બાઇબલમાં “નામ” શબ્દ કેટલીક વાર વ્યક્તિની શાખ, હોદ્દો અથવા અધિકારને રજૂ કરે છે. એટલે જ્યારે આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુના “નામે” કંઈક કરીએ છીએ, ત્યારે એનો અધિકાર સ્વીકારીએ છીએ. (માથ્થી ૧૦:૪૧ સરખાવો; હિંદી અધ્યયન બાઇબલમાં “કિ વહ ભવિષ્યવક્તા હૈ” અભ્યાસ માહિતી જુઓ.) ચાલો જોઈએ કે આપણે કઈ રીતે પિતા અને દીકરાનો અધિકાર સ્વીકારી શકીએ તેમજ પવિત્ર શક્તિ વિશેની હકીકત સ્વીકારી શકીએ.

૧૨. પિતાના નામે બાપ્તિસ્મા લેવા શું સ્વીકારવું જોઈએ? (પ્રકટીકરણ ૪:૧૧) (ચિત્ર પણ જુઓ.)

૧૨ પિતાના નામે. આપણે યહોવા ઈશ્વરને સ્વર્ગમાંના પિતા અને જીવન આપનાર તરીકે સ્વીકારીએ છીએ. એ પણ સ્વીકારીએ છીએ કે તે સર્વશક્તિમાન છે અને બધી વસ્તુઓના સર્જનહાર છે. (પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.) આપણે જાણીએ છીએ કે તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. આપણે પોતાની પ્રાર્થનામાં અને બીજાઓને ઈશ્વર વિશે જણાવતી વખતે છૂટથી અને આદરથી તેમનું નામ લઈએ છીએ. (ગીત. ૬૫:૨) પણ પિતાના નામે બાપ્તિસ્મા લેવામાં બીજું ઘણું સમાયેલું છે. પચાસમા દિવસે પિતરનું પ્રવચન સાંભળનારાઓને પહેલેથી યહોવા વિશે ખબર હતી. પણ હવે તેઓએ સ્વીકારવાની જરૂર હતી કે ઈસુ ખ્રિસ્ત દ્વારા જ યહોવા હંમેશ માટેનું જીવન આપશે. આપણે પણ એ વાત સ્વીકારવી જોઈએ.—રોમ. ૫:૮.

અગાઉના ચિત્રમાં બતાવેલાં બહેને હમણાં જ બાપ્તિસ્મા લીધું છે. તે પોતાના ઘરમાં પ્રાર્થના કરે છે.

બાપ્તિસ્મા પછી પણ હંમેશાં પિતાનો અધિકાર સ્વીકારીએ (ફકરો ૧૨ જુઓ)


૧૩. દીકરાના નામે બાપ્તિસ્મા લેવા શું સ્વીકારવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૩ દીકરાના નામે. આપણે ઈસુને ઈશ્વરના એકના એક દીકરા તરીકે સ્વીકારીએ છીએ. તે “માર્ગ” છે. તેમના દ્વારા જ આપણે યહોવા સાથે સારો સંબંધ કેળવી શકીએ છીએ. (યોહા. ૧૪:૬) ઈસુ આપણા છોડાવનાર છે. તેમણે આપણા માટે જીવ આપી દીધો, જેથી આપણને જીવન મળી શકે. એ બધું જાણવાથી ફક્ત બાપ્તિસ્માના દિવસે જ નહિ, પણ રોજ ઈસુના પગલે ચાલવાનું મન થાય છે. (૧ યોહા. ૨:૬) એટલે આપણે ઈસુની જેમ પૂરા ઉત્સાહથી પ્રચાર કરીએ છીએ, કશાને પ્રચારની આડે આવવા દેતા નથી. (લૂક ૪:૪૩) વધુમાં, યહોવાની વફાદારીથી ભક્તિ કરતા રહી શકીએ એ માટે સતાવણી સહેવા પણ તૈયાર રહીએ છીએ. (૨ તિમો. ૩:૧૨) ઈસુ “મંડળના શિર” છે. તેમણે શિષ્યોની આગેવાની લેવા અને સંભાળ રાખવા અમુક ભાઈઓને નીમ્યા છે. એટલે તેઓને ખુશીથી આધીન રહીને આપણે ઈસુને માન આપીએ છીએ.—એફે. ૪:૮, ૧૧, ૧૨; ૫:૨૩.

અગાઉના ચિત્રમાં બતાવેલા ભાઈએ હમણાં જ બાપ્તિસ્મા લીધું છે. તે ઘર ઘરના પ્રચારમાં એક માણસને કલમ બતાવે છે.

બાપ્તિસ્મા પછી પણ હંમેશાં દીકરાનો અધિકાર સ્વીકારીએ (ફકરો ૧૩ જુઓ)


૧૪. (ક) પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા લેવા શું સ્વીકારવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.) (ખ) અભિષિક્તો બીજાં કયાં કયાં બાપ્તિસ્મા લે છે? (“અભિષિક્તો બીજાં કયાં કયાં બાપ્તિસ્મા લે છે?” બૉક્સ જુઓ.)

૧૪ પવિત્ર શક્તિના નામે. આપણે પવિત્ર શક્તિ વિશેની હકીકત સ્વીકારીએ છીએ. જેમ કે, એ કોઈ વ્યક્તિ નથી અથવા ત્રૈક્યનો ભાગ નથી, પણ ઈશ્વરનું બળ છે. ઈશ્વરે પવિત્ર શક્તિ દ્વારા જ પ્રબોધકો અને બાઇબલ લેખકોને માર્ગદર્શન આપ્યું. એટલે આપણે નિયમિત બાઇબલ વાંચીએ છીએ અને એની સલાહ લાગુ પાડીએ છીએ. (૨ પિત. ૧:૨૦, ૨૧) આપણે ગંભીર પાપ કરવાથી પણ દૂર રહીએ છીએ. જો એમ કરી બેસીશું તો યહોવા આપણને પોતાની પવિત્ર શક્તિ નહિ આપે. અરે, આપણા લીધે મંડળ પર પવિત્ર શક્તિ પૂરી રીતે કામ કરતા અટકી જશે.—એફે. ૪:૩૦.

અગાઉના ચિત્રમાં બતાવેલાં બહેને હમણાં જ બાપ્તિસ્મા લીધું છે. તે પોતાના ઘરમાં બાઇબલ વાંચે છે.

બાપ્તિસ્મા પછી પણ હંમેશાં પવિત્ર શક્તિ વિશેની હકીકત સ્વીકારીએ (ફકરો ૧૪ જુઓ)


અભિષિક્તો બીજાં કયાં કયાં બાપ્તિસ્મા લે છે?

પાણીનું બાપ્તિસ્મા લેવાની સાથે સાથે અભિષિક્તો બીજાં અમુક બાપ્તિસ્મા પણ લે છે.

  • જ્યારે તેઓને ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં કામ કરવાનું આમંત્રણ મળે છે, ત્યારે તેઓ પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા લે છે. (માથ. ૩:૧૧)

  • તેઓ “ખ્રિસ્તમાં બાપ્તિસ્મા” લે છે. એનો અર્થ કે તેઓ ખ્રિસ્ત સાથે એટલી એકતામાં છે કે તેઓને ખ્રિસ્તનું શરીર પણ કહી શકાય. (ગલા. ૩:૨૭, ૨૮; ૧ કોરીં. ૧૨:૨૭)

  • તેઓ ઈસુના મરણમાં બાપ્તિસ્મા લે છે. એટલે કે છેક છેલ્લા શ્વાસ સુધી તેઓ ઈસુનાં પગલે ચાલે છે. પૃથ્વી પરનું જીવન પૂરું કરીને તેઓને સ્વર્ગમાં જીવતા કરવામાં આવે ત્યાં સુધી તેઓ વફાદાર રહે છે. (રોમ. ૬:૩-૫)

૧૫. આપણે કયો પાકો નિર્ણય લેવો જોઈએ?

૧૫ શું તમે બાપ્તિસ્મા લીધું છે? જો એમ હોય તો પાકો નિર્ણય લો કે તમે ‘અલગ અલગ બાપ્તિસ્મા વિશેનું શિક્ષણ’c પૂરી રીતે સમજશો. તેમ જ, સમર્પણ અને બાપ્તિસ્મા લઈને યહોવાને જે વચન આપ્યું છે, એને જીવનભર નિભાવશો. પણ જો તમે હજી સુધી બાપ્તિસ્મા ન લીધું હોય તો શું? વિચારો કે બાપ્તિસ્મા લેતા તમને શું રોકે છે. હવે પછીનો લેખ તમને બાપ્તિસ્મા તરફ આગળ વધવા મદદ કરશે.

તમે શું કહેશો?

  • બાપ્તિસ્મા લેવું એટલે શું?

  • બાપ્તિસ્મા લેનારાઓને કયા સવાલો પૂછવામાં આવે છે અને કેમ?

  • “પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે” બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય?

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

a બાપ્તિસ્મા માટે વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય “ડૂબાડવું” અથવા “ડૂબકી મરાવવી.” એટલે બાપ્તિસ્માનો અર્થ થાય કે એક વ્યક્તિને પાણીમાં પૂરેપૂરી ડૂબાડીને બહાર કાઢવી. એ ફક્ત પાણી છાંટવાને નથી બતાવવું, જેમ અમુક પંથોમાં શીખવવામાં આવે છે.

b એફેસસના એ માણસોએ “યોહાનનું બાપ્તિસ્મા” લીધું હતું. (પ્રે.કા. ૧૯:૩) બાપ્તિસ્મા આપનાર યોહાન યહૂદીઓને અરજ કરતા હતા કે જો તેઓએ મૂસાના નિયમ વિરુદ્ધ પાપ કર્યું હોય તો પસ્તાવો કરે. એ વાત માનનારાઓને યોહાને બાપ્તિસ્મા આપ્યું. (માર્ક ૧:૪, ૫) પણ મૂસાનું નિયમશાસ્ત્ર રદ થયા પછી એ બાપ્તિસ્માનું મહત્ત્વ રહ્યું નહિ. હવેથી ઈશ્વરની કૃપા મેળવવા ફક્ત “એક બાપ્તિસ્મા” યોગ્ય ગણાય છે, જે ઉદ્ધાર તરફ લઈ જાય છે.—એફે. ૪:૫.

c jw.org/gu અને JW લાઇબ્રેરીમાં “સવાલોના શાસ્ત્રમાંથી જવાબ” શૃંખલામાં આ લેખ જુઓ: “બાપ્તિસ્મા એટલે શું?”

d ચિત્રની સમજ: સંમેલનમાં બાપ્તિસ્મા લેનારાઓ ઊભા થઈને પોતાની શ્રદ્ધા જાહેર કરે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો