વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 ફેબ્રુઆરી પાન ૨-૭
  • સાક્ષી ન હોય એવાં કુટુંબીજનો સાથે સારા સંબંધો જાળવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાક્ષી ન હોય એવાં કુટુંબીજનો સાથે સારા સંબંધો જાળવો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • કરુણા બતાવો
  • તેઓની વાતો અને વર્તનથી નિરાશ ન થાઓ
  • ધીરજ બતાવાનું અને આશા રાખવાનું છોડશો નહિ
  • બતાવી આપો કે તમે તેઓને પ્રેમ કરો છો
  • હિંમત ન હારો!
  • સત્યથી ‘શાંતિ તો નહિ, પણ ભાગલા પડે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • બાઇબલના મૂળ શિક્ષણમાંથી આજે પણ શીખતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 ફેબ્રુઆરી પાન ૨-૭

એપ્રિલ ૬-૧૨, ૨૦૨૬

ગીત ૪૫ આગળ ચાલો

સાક્ષી ન હોય એવાં કુટુંબીજનો સાથે સારા સંબંધો જાળવો

“સારું કરવાનું પડતું ન મૂકીએ.”—ગલા. ૬:૯.

આપણે શું શીખીશું?

સાક્ષી ન હોય એવાં કુટુંબીજનો સાથે કઈ રીતે સારા સંબંધો જાળવી શકીએ અને તેઓ સાંભળવા તૈયાર હોય તો કઈ રીતે યહોવા વિશે વાત કરી શકીએ?

૧-૨. કયાં અમુક કારણોને લીધે કુટુંબીજનો સાથેના સંબંધમાં કડવાશ આવી શકે?

ઈસુએ એક માણસને સાજો કર્યો અને કહ્યું: ‘ઘરે તારાં સગાઓ પાસે જા. યહોવાએ તારા માટે જે કંઈ કર્યું છે, એ વિશે તેઓને જણાવ.’ (માર્ક ૫:૧૯) ઈસુએ કેમ એવું કહ્યું? કેમ કે તે જાણતા હતા કે મોટા ભાગના લોકોને કંઈક સારી વાત જાણવા મળે ત્યારે, તેઓને પોતાના કુટુંબીજનો અને સગાં-વહાલાંને એ વાત કહેવી ગમે છે.

૨ જ્યારે તમે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે તમને કેવું લાગ્યું હતું? તમારી ખુશી સમાતી નહિ હોય! તમને એ વિશે કુટુંબીજનો અને સગાં-વહાલાંને જણાવવાની તાલાવેલી થઈ હશે. પણ તમે બાઇબલમાંથી શીખો છો એ વાત કદાચ તેઓને ખટકી હશે. બની શકે કે તમે જે રીતે બાઇબલ વિશે જણાવ્યું એ તેઓને ગમ્યું નહિ હોય. જો સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય, તો આ લેખમાં જોઈશું કે સંબંધો સુધારવા અને યહોવાને વફાદાર રહેવા તમે શું કરી શકો.

૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૩ આ લેખમાં આપણે આ સવાલોની ચર્ચા કરીશું: (૧) ભલે કુટુંબીજનો યહોવા વિશે શીખવા માંગતા ન હોય, તોપણ કઈ રીતે તેઓના સંજોગો સમજીને કરુણા બતાવી શકીએ? (૨) તેઓ આપણી સાથે ખરાબ રીતે વર્તે ત્યારે શું કરી શકીએ? (૩) કઈ રીતે તેઓ સાથે ધીરજથી વર્તી શકીએ અને તેઓ યહોવાની ભક્તિ કરશે એવી આશા રાખી શકીએ? (૪) કઈ રીતે બતાવી શકીએ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ?

કરુણા બતાવો

૪. લોકોએ ઈસુનો સંદેશો ન સાંભળ્યો ત્યારે તે કઈ રીતે વર્ત્યા?

૪ ઘણા લોકોએ ઈસુનો સંદેશો ન સાંભળ્યો, તોપણ તેમણે હાર ન માની. તેમણે પોતાની સરખામણી દ્રાક્ષાવાડીના માળી સાથે કરી. એ વાડીમાં એક અંજીરના ઝાડને ત્રણ વર્ષથી ફળ આવતાં ન હતાં. પણ માળીએ અંજીરના ઝાડની સંભાળ રાખવાનું ચાલુ રાખ્યું, જેથી એ વધે અને ફળ આપે. (લૂક ૧૩:૬-૯) ધ્યાન આપો કે ઈસુએ એ ઉદાહરણ તેમના સેવાકાર્યના આશરે ત્રણ વર્ષ પછી આપ્યું. એટલા સમય પછી પણ બહુ થોડા યહૂદીઓએ તેમનો સંદેશો સાંભળ્યો. તોપણ ઈસુ કેમ તેઓને મદદ કરતા રહ્યા? તેમના દિલમાં લોકો માટે કરુણા હતી, એટલે તે ધીરજથી વર્ત્યા.

૫. ઈસુએ કેમ યહૂદીઓને કરુણા બતાવી?

૫ ધર્મગુરુઓની જવાબદારી હતી કે તેઓ યહૂદીઓની શ્રદ્ધા મજબૂત કરે. પણ તેઓ એમ કરવાનું ચૂકી ગયા. એ લોકો “પાળક વગરનાં ઘેટાં જેવા” હતા. તેઓને જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. (માર્ક ૬:૩૪) અરે, ઈસુ પોતાના મરણના થોડા સમય પહેલાં યરૂશાલેમ શહેર જોઈને રડી પડ્યા. તેમને ખબર હતી કે એ શહેરના ઘણા લોકો પોતાનો જીવ ગુમાવશે, કેમ કે તેઓને ઈસુ અને યહોવામાં શ્રદ્ધા ન હતી. (લૂક ૧૯:૪૧-૪૪) ઈસુની જેમ, જ્યારે આપણે વિચારીએ છીએ કે કુટુંબીજનોને ખુશખબર સાંભળવાની કેટલી જરૂર છે, ત્યારે તેઓને મદદ કરવાનું વધારે મન થશે.

૬. આપણે કેમ કુટુંબીજનો સાથે ધીરજથી વર્તવું જોઈએ? (ગલાતીઓ ૬:૯)

૬ ગલાતીઓ ૬:૯ વાંચો. ભલે આપણાં કુટુંબીજનો હમણાં યહોવા વિશે શીખવા ન માંગે, તોપણ તેઓ સાથે ધીરજથી વર્તીએ અને “સારું કરવાનું પડતું ન મૂકીએ.” આપણે જાણીએ છીએ કે મનમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી માન્યતાને દૂર કરવા અને યહોવામાં શ્રદ્ધા વધારવા સમય લાગ છે. કદાચ એક સમયે ‘તમને પણ કોઈ આશા ન હતી અને તમે ઈશ્વર વગરના હતા.’ (એફે. ૨:૧૨) પણ કોઈએ તમને પ્રેમથી મદદ કરી અને સારું કરવાનું પડતું ન મૂક્યું, એટલે તમે યહોવા વિશે શીખી શક્યા. જો શક્ય હોય તો શું તમે પણ તમારાં કુટુંબીજનોને આ રીતે મદદ કરી શકો?

તેઓની વાતો અને વર્તનથી નિરાશ ન થાઓ

૭. કયાં કારણોને લીધે ઈસુના ભાઈઓ કદાચ શ્રદ્ધા મૂકતા અચકાતા હતા?

૭ ગાલીલમાં ઈસુએ કરેલા ચમત્કારો વિશે તેમના ભાઈઓએ કદાચ સાંભળ્યું હશે. (લૂક ૪:૧૪, ૨૨-૨૪) પણ શરૂઆતમાં તેઓએ ઈસુ પર શ્રદ્ધા મૂકી નહિ. (યોહા. ૭:૫) બાઇબલમાં એનું કારણ નથી જણાવ્યું, પણ ઓછામાં ઓછાં બે કારણોને લીધે ઘણા યહૂદીઓ ઈસુના શિષ્ય બનતા અચકાતા હતા. અમુકને ડર હતો કે જો તેઓ ઈસુના શિષ્યો બનશે, તો તેઓને નાત બહાર કરવામાં આવશે. (યોહા. ૯:૧૮-૨૨) બીજા અમુકે ઈસુને મોટા થતા જોયા હતા. એટલે તેઓ માટે એ સ્વીકારવું અઘરું હતું કે ઈસુ જેવા સામાન્ય માણસ કઈ રીતે મસીહ હોય શકે. (માર્ક ૬:૧-૪) કદાચ ઈસુના ભાઈઓને પણ એવું જ લાગતું હતું. શું તમારાં કુટુંબીજનો એવાં અમુક કારણોને લીધે સંદેશો સાંભળતા અચકાય છે?

૮. કુટુંબીજનોનાં ખરાબ વાણી-વર્તન પાછળનું કારણ શું હોય શકે?

૮ તેઓની વાતો અને વર્તન પાછળનું કારણ જાણવાની કોશિશ કરો. એક વખત ઈસુનાં સગાઓએ કહ્યું કે “તેનું મગજ ફરી ગયું છે.” (માર્ક ૩:૨૧) કદાચ ઈસુના ભાઈઓએ પણ એવું કહ્યું હશે. તેઓને કેમ એવું લાગતું હતું? આગળ-પાછળની કલમો જોતા લાગે છે કે ઈસુ પ્રચાર કરવામાં અને લોકોને સાજા કરવામાં ખૂબ જ વ્યસ્ત હતા. તેમની પાસે જમવાનો પણ સમય ન હતો. (માર્ક ૩:૨૦) એટલે તેમનાં સગાઓને લાગતું હશે કે તે કંઈક વધારે પડતું જ કરી રહ્યા છે. કદાચ આપણાં કુટુંબીજનોને લાગતું હોય કે આપણે ધર્મમાં વધારે પડતા ડૂબી ગયા છીએ. જો એમ હોય તો પોતાનાં વાણી-વર્તનથી બતાવી આપો કે તમે વાજબી છો અને બીજાં કામો માટે પૂરતો સમય કાઢો છો.

૯. યહોવાના સાક્ષીઓ વિશે કુટુંબીજનોના વિચારો બદલાય એ માટે શું કરી શકીએ? (૧ પિતર ૩:૧, ૨) (ચિત્રો પણ જુઓ.)

૯ હંમેશાં પ્રેમથી વર્તો અને વાજબી બનો. જો આપણે કુટુંબીજનો સાથે પ્રેમથી વર્તીશું, તો યહોવાના સાક્ષીઓ વિશે તેઓના વિચારો બદલાઈ શકે છે. (૧ પિતર ૩:૧, ૨ વાંચો.) ધારો કે એક બહેનના પતિ સાક્ષી નથી. જ્યારે બહેન પ્રચારમાં અને સભાઓમાં જાય છે, ત્યારે તેમના પતિને એ ગમતું નથી અથવા એકલું એકલું લાગે છે. બહેન ચાહતાં નથી કે તેમને એવું લાગે. એટલે તે અમુક ફેરફારો કરે છે, જેથી તે પતિ સાથે વધારે સમય વિતાવી શકે. દાખલા તરીકે, તે એવા સમયે પ્રચારમાં જાય છે, જ્યારે તેમના પતિ ઘરે ન હોય અથવા કોઈ કામમાં વ્યસ્ત હોય. આ રીતે વાજબી બનીને એક પત્ની પોતાના પતિનું દિલ જીતી શકે છે અને યહોવાના સાક્ષી વિશે તેમના વિચારો બદલવા મદદ કરી શકે છે.

ચિત્રો: ૧. એક બહેનના પતિ કામ પર જઈ રહ્યા છે, જે સાક્ષી નથી. બહેન તેમના માટે બપોરનું જમવાનું અને કૉફી બનાવે છે. ૨. પછીથી એ બહેન બીજા એક બહેન સાથે પ્રચાર કરે છે. તે દરવાજે ઊભેલી એક સ્ત્રીને ફોનમાંથી બાઇબલની કોઈ વાત જણાવે છે.

જ્યારે પત્ની પ્રેમથી વાત કરે છે અને સારી રીતે વર્તે છે, ત્યારે સાક્ષીઓ માટે પતિના વિચારો બદલાઈ શકે છે (ફકરો ૯ જુઓ)f


૧૦. કુટુંબીજનો મહેણાં-ટોણાં મારે ત્યારે કઈ રીતે ઈસુની જેમ વર્તી શકીએ?

૧૦ એવું ન વિચારશો કે તમારે પોતાના બચાવમાં કંઈક કહેવું જ પડશે. ઈસુ પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો કે તે ખાઉધરા અને દારૂડિયા છે. એવા સમયે ઈસુ લોકો પર ગુસ્સે ન થયા અને તેઓને ખોટા સાબિત કરવા ન લાગ્યા. તે ચાહતા હતા કે લોકો તેમનાં કામો જોઈને નક્કી કરે કે સાચું શું છે. (માથ. ૧૧:૧૯) તેમણે પોતાના જીવનથી પણ બતાવી આપ્યું કે તે વાજબી છે અને સાચે જ ખુશ છે. (યોહાન ૨:૨, ૬-૧૦ સરખાવો.) જ્યારે તમારાં કુટુંબીજનો તમને મહેણાં-ટોણાં મારે ત્યારે એવું ન વિચારશો કે તમારે પોતાના બચાવમાં કંઈક કહેવું જ પડશે. એના બદલે, પોતાનાં કામોથી બતાવી આપો કે તમે બધી રીતે વાજબી છો અને ખુશીથી પોતાનું જીવન જીવો છો. જ્યારે તેઓ એ જોશે, ત્યારે પોતે પારખી શકશે કે આપણા વિશે સાંભળેલી વાતો ખોટી છે.

ધીરજ બતાવાનું અને આશા રાખવાનું છોડશો નહિ

૧૧. ઈસુ પોતાના ભાઈઓ સાથે કઈ રીતે વર્ત્યા?

૧૧ ખુશખબરનાં પુસ્તકોથી જાણવા મળે છે કે ઈસુ પોતાના ભાઈઓ સાથે ધીરજથી વર્ત્યા. દાખલા તરીકે, તેમણે કાના ગામમાં પહેલો ચમત્કાર કર્યો ત્યારે કદાચ તેમના ભાઈઓ પણ ત્યાં હતા. (યોહા. ૨:૧૧, ૧૨) પણ અગાઉ જોઈ ગયા તેમ, તેઓએ ઈસુમાં શ્રદ્ધા ન મૂકી. શું ઈસુએ તેઓ સાથે સંબંધ કાપી નાખ્યો? ના. બાઇબલમાંથી જોવા મળે છે કે આશરે ત્રણ વર્ષ પછી પણ ઈસુ પોતાના ભાઈઓ સાથે પ્રેમથી વાત કરતા હતા.—યોહા. ૭:૫-૮.

૧૨. આપણે કેમ આશા રાખી શકીએ કે એક દિવસે અમુક કુટુંબીજનો યહોવાની ભક્તિ કરશે?

૧૨ હાલમાં જ આપણને યહોવાની દયા વિશે ઘણું શીખવા મળ્યું. એનાથી આપણે આશા રાખી શકીએ કે એક દિવસે આપણાં કુટુંબીજનો યહોવાની ભક્તિ કરશે. જ્યારે જૂઠા ધર્મોનો નાશ થશે, ત્યારે તેઓને યાદ આવશે કે આપણે એ વિશે તેઓને જણાવ્યું હતું.a (પ્રકટી. ૧૭:૧૬) બની શકે કે મોટી વિપત્તિ શરૂ થયા પછી તેઓ આપણી સાથે મળીને યહોવાની ભક્તિ કરવા લાગે! પણ જો હમણાં આપણાં કુટુંબીજનો મુશ્કેલીઓનો સામનો કરતા હોય, તો આપણે તેઓને બનતી બધી મદદ કરવી જોઈએ. એનાથી તેઓ જોઈ શકશે કે આપણે તેઓને દિલથી પ્રેમ કરીએ છીએ. પછી તેઓને કદાચ બાઇબલમાંથી શીખવાનું મન થશે.

બતાવી આપો કે તમે તેઓને પ્રેમ કરો છો

૧૩. યહોવાની સેવામાં વ્યસ્ત હોવા છતાં આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ?

૧૩ આપણી પાસે યહોવાની સેવામાં પુષ્કળ કામ છે. પણ આપણે કુટુંબીજનોને એવું બતાવવા માંગતા નથી કે તેઓ માટે આપણી પાસે સમય નથી અથવા તેઓ માટેનો પ્રેમ ઓછો થઈ ગયો છે. (માથ. ૭:૧૨) આપણને તેઓની ચિંતા છે એ કઈ રીતે બતાવી શકીએ? ચાલો અમુક રીતો જોઈએ.

૧૪-૧૫. આપણે કઈ રીતે કુટુંબીજનોને પ્રેમ બતાવી શકીએ? એક દાખલો આપો.

૧૪ વાતચીત કરતા રહો. કુટુંબીજનો સાથે નિયમિત વાતચીત કરીએ અને પોતાના હાલચાલ જણાવતા રહીએ. એ પણ પ્રેમ બતાવવાની એક રીત છે. જેમ કે, તેઓને મૅસેજ કરી શકીએ. ક્યાંક ફરવા ગયા હોઈએ અથવા દોસ્તો સાથે ભેગા મળ્યા હોઈએ તો એના ફોટા મોકલી શકીએ. આપણે કોઈ નાની-મોટી ભેટ આપી શકીએ અથવા લાગણીભર્યો પત્ર લખી શકીએ. આવા નાના નાના પ્રયત્નોથી કુટુંબીજનો જોઈ શકશે કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ.

૧૫ આર્મેનિયામાં રહેતાં આનાબહેનના દાખલા પર ધ્યાન આપો. તેમના કુટુંબને એકબીજા સાથે સમય વિતાવવો બહુ ગમે છે. ખાસ કરીને જન્મદિવસોએ અને તહેવારોએ આખું કુટુંબ ભેગું મળે છે. આનાબહેન સાક્ષી બન્યા એ પછી તેમનાં કુટુંબીજનોને કેવું લાગ્યું? તેઓને ચિંતા થવા લાગી કે હવે તે તેઓ સાથે સમય નહિ વિતાવે. તેઓને આનાબહેનના ભાવિની પણ ચિંતા થવા લાગી. તેઓની ચિંતા ઓછી કરવા આનાબહેને શું કર્યું? તે કહે છે: “જ્યારે હું મારાં કુટુંબીજનોને મળું છું ત્યારે જણાવું છું કે હું શું કરી રહી છું અને મારા જીવનમાં શું ચાલી રહ્યું છે. હું તેઓને મારા ઘરે બોલાવું છું અને મારા દોસ્તો સાથે મળાવું છું. એટલે મોટા ભાગનાં સગાઓ મારા દોસ્તોને ઓળખે છે અને તેઓ સાથે વાત કરતા અચકાતા નથી. તેઓ ઘણી વાર કહે છે કે હું સાચે જ ખુશ દેખાઉં છું. હવે તેઓને મારી બહુ ચિંતા થતી નથી.”

૧૬. ઈસુએ કઈ રીતે બતાવી આપ્યું કે તેમને પોતાના ભાઈ યાકૂબની ચિંતા હતી? (ફૂટનોટ પણ જુઓ.)

૧૬ બતાવી આપો કે તમને તેઓની ચિંતા છે. ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા એ પછી તે પોતાના ભાઈ યાકૂબને મળવા ગયા. (૧ કોરીં. ૧૫:૭) આમ, તેમણે બતાવી આપ્યું કે તેમને પોતાના ભાઈની ચિંતા છે. જરા વિચારો ઈસુને જોઈને યાકૂબને કેવું લાગ્યું હશે. તેમને ઘણી ખુશી થઈ હશે કે ઈસુ હજુ પણ તેમને પ્રેમ કરે છે. તેમને પાકી ખાતરી થઈ હશે કે ઈસુ જ મસીહ છે. એ પછી તેમણે કુટુંબના બીજા સભ્યોને પણ એ વાત સમજવા મદદ કરી હશે.b—પ્રે.કા. ૧:૧૪.

૧૭. આપણે કઈ રીતે રોમનો ૧૨:૧૫માં આપેલો સિદ્ધાંત પાળી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૭ રોમનો ૧૨:૧૫ વાંચો. કુટુંબીજનોમાં રસ લેવાથી, તેઓની ચિંતા કરવાથી અને સુખ-દુઃખમાં તેઓની પડખે ઊભા રહેવાથી કદાચ આપણા માટે તેઓનું વલણ બદલાય.c જેમ કે, કોઈ કુટુંબીજનના ત્યાં બાળકનો જન્મ થાય ત્યારે તેમની ખુશીમાં ખુશી મનાવીએ. તેમને ભેટ આપી શકીએ. જ્યારે કુટુંબીજનો કોઈને મરણમાં ગુમાવે, ત્યારે તેઓને દિલાસો આપી શકીએ, કોઈક રીતે મદદ કરી શકીએ અથવા મૅસેજ કે કાર્ડ મોકલી શકીએ. જ્યારે તેઓ અઘરા સંજોગોનો સામનો કરતા હોય, ત્યારે ભૂલ્યા વગર તેઓના હાલચાલ પૂછતા રહીએ.

અગાઉનાં ચિત્રોમાં જોઈ ગયાં એ બહેન, પોતાનાં પતિ અને સાસુ સાથે સેલ્ફી લે છે. તેમનાં સાસુ પણ સાક્ષી નથી અને તે વ્હિલચૅર પર બેઠાં છે.

જો આપણે સુખ-દુઃખમાં કુટુંબીજનોની પડખે રહીશું, તો આપણા વિશે અને આપણી માન્યતા વિશે તેઓનું વલણ બદલાઈ શકે છે (ફકરો ૧૭ જુઓ)g


શું તમે લગ્‍ન કે મરણપ્રસંગમાં જશો?

લગ્‍ન કે મરણપ્રસંગે સામાન્ય રીતે આખું કુટુંબ ભેગું મળે છે. પણ એમાં જતા પહેલાં તમે અમુક બાઇબલ સિદ્ધાંતો પર ધ્યાન આપી શકો.

  • શું ત્યાં કોઈ ધાર્મિક વિધિ કે રીતરિવાજ હશે? (૨ કોરીં. ૬:૧૪, ૧૫)

  • જો તમે ત્યાં જવાનું નક્કી કરો, તો શું યહોવાને પસંદ નથી એવી ધાર્મિક વિધિ કે રીતરિવાજમાં ભાગ લેવાની ના પાડી શકશો? (નીતિ. ૨૨:૩)

  • શું તમારા કુટુંબીજનોને ખબર છે કે તમે એવા કોઈ ધાર્મિક રીતરિવાજમાં ભાગ નહિ લો જે યહોવાને પસંદ નથી?

  • જો તમારે એવા પ્રસંગ માટે મંદિર, મસ્જિદ કે ચર્ચમાં જવાનું થાય, તો બાકીનાં ભાઈ-બહેનો પર એની કેવી અસર પડશે? (ફિલિ. ૧:૧૦)

ભલે તમે કોઈ પણ નિર્ણય લો, હંમેશાં પ્રેમથી અને સ્પષ્ટ શબ્દોમાં તમારા વિચારો કુટુંબીજનોને જણાવો. સૌથી મહત્ત્વનું તો યહોવા આગળ શુદ્ધ અંતઃકરણ રાખવા પૂરી કોશિશ કરજો.e

૧૮. આપણે કઈ રીતે આંદ્રિયા જેવું કરી શકીએ?

૧૮ મંડળનાં ભાઈ-બહેનો સાથે તેઓની ઓળખાણ કરાવો. જ્યારે આંદ્રિયાને ખ્યાલ આવ્યો કે ઈસુ જ મસીહ છે, ત્યારે તેમણે તરત પોતાના ભાઈ પિતરને એ વિશે જણાવ્યું. તેમણે પિતરની ઓળખાણ ઈસુ સાથે કરાવી. (યોહા. ૧:૪૦-૪૨) શું આપણે પણ એવું કરી શકીએ? જેમ કે, શું આપણે કોઈ સગાને સભામાં આવવાનું આમંત્રણ આપી શકીએ? શું તેમને આપણા દોસ્તો સાથે જમવા બોલાવી શકીએ? જ્યારે આપણાં કુટુંબીજનો ભાઈ-બહેનો સાથે સમય વિતાવશે, ત્યારે જોઈ શકશે કે યહોવાના સાક્ષીઓ સારા લોકો છે.

૧૯. કુટુંબીજનો આપણને પૂરી રીતે સમજી ન શકે તોપણ શું કરવું જોઈએ? (૧ પિતર ૩:૧૫)

૧૯ પહેલો પિતર ૩:૧૫ વાંચો. આપણાં કુટુંબીજનોને કદાચ પૂરી રીતે ન સમજાય કે આપણે કેમ અમુક બાબતો કરતા નથી. પણ જો આપણે તેઓ સાથે પ્રેમથી અને માનથી વર્તીશું, તો એ વાત તેઓને હંમેશાં યાદ રહેશે. એ સાચું છે કે આપણે અમુક તહેવારો અને રીતરિવાજોમાં ભાગ લઈ શકતા નથી. પણ આપણે બીજા કોઈ સમયે તેઓને મળવા જઈ શકીએ, સાથે જમી શકીએ અથવા ભેટ આપી શકીએ. એમ કરીશું તો તેઓને સારું લાગશે.

હિંમત ન હારો!

૨૦. યાકૂબના દાખલાથી આપણને કઈ ખાતરી મળે છે?

૨૦ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યાકૂબ તેમના શિષ્ય ન બન્યા. એટલે તેમને ઈસુ સાથે કામ કરવાનો લહાવો ન મળ્યો. પણ પછીથી તે ઈસુના શિષ્ય બન્યા અને તેમનું શિક્ષણ દિલમાં ઉતાર્યું. (ગલા. ૧:૧૮, ૧૯; ૨:૯) યાકૂબે પોતાના પત્રમાં પણ એવી ઘણી વાતો લખી, જે ઈસુએ પહાડ પરના ઉપદેશમાં શીખવી હતી.d

૨૧. આપણે કેમ હિંમત ન હારવી જોઈએ?

૨૧ બની શકે કે આપણે કુટુંબીજનો સાથે સારી રીતે વર્તવા બનતું બધું કરીએ અને તેઓની દિલથી ચિંતા કરીએ. પણ તેઓ કદાચ આપણી સાથે ખરાબ રીતે વર્તે અને યહોવા વિશે શીખવા તૈયાર ન થાય. આપણે કેમ તેઓને પ્રેમ અને દયા બતાવતા રહેવું જોઈએ? કેમ કે તેઓ સાથે પ્રેમથી વર્તીને આપણે દયાળુ ઈશ્વર યહોવા અને તેમના દીકરા ઈસુનું અનુકરણ કરીએ છીએ. (લૂક ૬:૩૩, ૩૬) જો આપણે તેઓને પ્રેમ બતાવતા રહીશું, તો કદાચ આગળ જતાં આપણા વિશે તેઓના વિચારો બદલાય. એવું પણ બને કે આગળ જતાં તેઓને યહોવા અને તેમનાં વચનો વિશે સાંભળેલી વાતો યાદ આવે. જો આપણે હાર નહિ માનીએ અને સંબંધો જાળવી રાખવા મહેનત કરીશું, તો કદાચ તેઓમાંથી અમુક યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લે. એ કેટલો ખુશીનો દિવસ હશે!

તમે શું કહેશો?

  • કરુણાનો ગુણ હશે તો કઈ રીતે કુટુંબીજનોને મદદ કરવું સહેલું બનશે?

  • આપણે કેમ ધીરજ બતાવવી જોઈએ અને આશા રાખવી જોઈએ?

  • આપણે કઈ રીતે કુટુંબીજનોને પ્રેમ બતાવી શકીએ?

ગીત ૧૪૪ સાંભળો અને બચો

a ચોકીબુરજ, મે ૨૦૨૪માં પાન ૧૧ પર આપેલા “યહોવા ભવિષ્યમાં લોકોનો ન્યાય કેવી રીતે કરશે?” લેખના ફકરા ૧૧-૧૩ જુઓ.

b ઈસુનું મરણ થયું અને તેમને જીવતા કરવામાં આવ્યા એ પછી ઈસુના ઓછામાં ઓછા બે ભાઈઓ તેમના શિષ્યો બન્યા. એ ભાઈઓ યાકૂબ અને યહૂદા હતા.

c “શું તમે લગ્‍ન કે મરણપ્રસંગમાં જશો?” બૉક્સ જુઓ.

d યાકૂબ ૧:૨ અને માથ્થી ૫:૧૧, ૧૨; યાકૂબ ૧:૧૯ અને માથ્થી ૫:૨૨; યાકૂબ ૧:૨૨; ૨:૨૪ અને માથ્થી ૭:૨૧; યાકૂબ ૨:૧૩ અને માથ્થી ૫:૭; ૬:૧૪, ૧૫ સરાખાવો.

e એવા સમયે આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે વધારે જાણવા ચોકીબુરજ, મે ૧૫, ૨૦૦૨ અને ડિસેમ્બર ૧, ૨૦૦૭ના અંકમાં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”

f ચિત્રની સમજ: એક બહેન પ્રચારમાં જતા પહેલાં ખુશીથી પોતાના પતિ માટે જમવાનું બનાવી રહ્યાં છે.

g ચિત્રની સમજ: એ જ બહેન પોતાનાં સાસુને મળવા ગયાં છે, જે યહોવાના સાક્ષી નથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો