નવેમ્બર
શુક્રવાર, નવેમ્બર ૧
‘તમારા મોંમાંથી કોઈ પણ ખરાબ શબ્દ ન નીકળે, પણ ઉત્તેજન આપતી સારી વાતો જ નીકળે.’—એફે. ૪:૨૯.
ઈશ્વરભક્તોએ ક્યારેય ગાળો કે ખરાબ શબ્દો બોલવા ન જોઈએ. આપણે ધ્યાન રાખીએ કે જાણે-અજાણે એવું કંઈ ન બોલીએ, જેનાથી બીજાઓનું અપમાન થાય. દાખલા તરીકે, કોઈ સમાજ, જાતિ કે દેશના લોકો વિશે કંઈ ઘસાતું ન બોલીએ. વધુમાં આપણે ટોન્ટ મારીને બીજાઓને દુઃખી કરીએ નહિ. બીજાઓને ઉત્તેજન મળે એવું બોલીએ. આપણે બીજાઓની ફરિયાદ ન કરીએ અને તેઓમાં વાંધાવચકા ન કાઢીએ, એના બદલે તેઓના વખાણ કરીએ. ઇઝરાયેલીઓને ઘણા આશીર્વાદ મળ્યા હતા, તોપણ તેઓ વાતે વાતે કચકચ કરતા હતા. એક વ્યક્તિને કચકચ કરતા જોઈને બીજાઓ પણ એમ કરવા લાગી શકે. યાદ કરો, દસ જાસૂસોએ વચનના દેશ વિશે ખરાબ અહેવાલ આપ્યો ત્યારે ‘બધા ઇઝરાયેલીઓ મૂસા વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.’ (ગણ. ૧૩:૩૧–૧૪:૪) એટલે આપણે કચકચ કરવાને બદલે બીજાઓના વખાણ કરવા જોઈએ, જેનાથી બધા ખુશ થાય છે. એટલે બીજાઓના દિલથી વખાણ કરવા આપણે હંમેશાં તૈયાર રહીએ. w૨૨.૦૪ ૮ ¶૧૬-૧૭
શનિવાર, નવેમ્બર ૨
“જન્મથી જ હું તમારા ભરોસે મુકાયેલો છું હું માની કૂખમાં હતો ત્યારથી જ તમે મારા ઈશ્વર છો.”—ગીત. ૨૨:૧૦.
જૂના જમાનાથી લઈને આજ સુધી યહોવાએ ઘણાં બાળકોને તેમના દોસ્ત બનવા મદદ કરી છે. જો તમારું બાળક પણ યહોવાની ભક્તિ કરવા માંગતું હશે, તો યહોવા તેને પણ જરૂર મદદ કરશે. (૧ કોરીં. ૩:૬, ૭) જો લાગે કે તમારું બાળક યહોવાથી દૂર થઈ રહ્યું છે, તો ખાતરી રાખો કે યહોવા તેનો સાથ નહિ છોડે અને તેને પ્રેમ કરતા રહેશે. (ગીત. ૧૧:૪) જ્યારે યહોવા જોશે કે તે તેમની ભક્તિ કરવા માંગે છે અને તેના દિલમાં તેમના માટે થોડો પણ પ્રેમ છે તો તે જરૂર દોસ્તીનો હાથ લંબાવશે. (૨ કાળ. ૧૬:૯; પ્રે.કા. ૧૩:૪૮) યહોવા તમને પણ મદદ કરશે. બાળકને જરૂર હોય એવી જ વાત કહેવા તે તમને મદદ કરશે. (નીતિ. ૧૫:૨૩) યહોવા તમારા બાળકને ભાઈ-બહેનો દ્વારા પણ મદદ કરી શકે. તેઓ તેની સાથે સમય પસાર કરીને ઉત્સાહ વધારી શકે. જો તમારું બાળક હમણાં યહોવાની ભક્તિ ન કરે તો નિરાશ ન થતાં. વર્ષો પછી પણ યહોવા તેને એ વાતો યાદ અપાવી શકે છે, જે તમે બાળપણમાં શીખવી હતી. (યોહા. ૧૪:૨૬) તમારી વાતો અને કામોથી બાળકોને શીખવતાં રહો. એમ કરશો તો યહોવા તમને જરૂર આશીર્વાદ આપશે. w૨૨.૦૪ ૨૧ ¶૧૮
રવિવાર, નવેમ્બર ૩
‘અજગર ગુસ્સે ભરાયો.’—પ્રકટી. ૧૨:૧૭.
શેતાન હવે સ્વર્ગમાં જઈ શકતો નથી, એટલે પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. કેમ કે તે જાણે છે કે આગળ જતાં તેઓ ઈશ્વરના રાજ્યના રાજા બનશે અને તેઓને “ઈસુની સાક્ષી આપવાનું કામ સોંપાયું છે.” (૨ કોરીં. ૫:૨૦; એફે. ૬:૧૯, ૨૦) ૧૯૧૮માં આગેવાની લેતા આઠ ભાઈઓ પર આરોપ મૂકવામાં આવ્યા. તેઓને લાંબા સમય માટે જેલની સજા ફટકારવામાં આવી. એમ લાગ્યું કે એ અભિષિક્તોનું કામ હવે અટકી ગયું છે. (પ્રકટી. ૧૧:૩, ૭-૧૧) પણ, માર્ચ ૧૯૧૯માં એ અભિષિક્ત ભાઈઓને જેલમાંથી છોડવામાં આવ્યા. તેઓ પર મૂકેલા આરોપ રદ કરવામાં આવ્યા. એ ભાઈઓએ તરત ખુશખબર ફેલાવવાનાં અને શીખવવાનાં કામમાં આગેવાની લેવાનું ફરી શરૂ કરી દીધું. પણ શેતાન એટલેથી જ અટક્યો નહિ. તેણે હુમલા કરવાનું ચાલુ રાખ્યું. તેણે ઈશ્વરના બધા ભક્તો પર સતાવણીની ‘નદી’ છોડી દીધી. (પ્રકટી. ૧૨:૧૫) સાચે જ આપણે બધાએ “ધીરજ અને શ્રદ્ધા બતાવવાની જરૂર પડશે.”—પ્રકટી. ૧૩:૧૦. w૨૨.૦૫ ૫-૬ ¶૧૪-૧૬
સોમવાર, નવેમ્બર ૪
“મહોર મારવામાં આવેલા લોકોની સંખ્યા મેં સાંભળી, જે ૧,૪૪,૦૦૦ હતી.” —પ્રકટી. ૭:૪.
પ્રેરિત યોહાન એક દર્શન જુએ છે. એમાં તેમને બે સમૂહ દેખાય છે. એ બંને સમૂહના લોકો યહોવાના રાજને સાથ આપે છે અને તેઓને હંમેશ માટે જીવવાનો આશીર્વાદ મળ્યો છે. પહેલા સમૂહમાં ૧,૪૪,૦૦૦ લોકો છે. તેઓને પૃથ્વી પરથી પસંદ કરવામાં આવ્યા છે, જેથી તેઓ ઈસુ સાથે મળીને સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરે છે. (પ્રકટી. ૫:૯, ૧૦; ૧૪:૩, ૪) દર્શનમાં યોહાન ૧,૪૪,૦૦૦ લોકોને ઈસુ સાથે સિયોન પર્વત પર, એટલે કે સ્વર્ગમાં ઊભેલા જુએ છે. (પ્રકટી. ૧૪:૧) યહોવાએ પહેલી સદીથી ઘણા ભક્તોને ૧,૪૪,૦૦૦નો ભાગ બનવા પસંદ કર્યા છે. આજે એમાંના હજારો સ્વર્ગમાં છે. (લૂક ૧૨:૩૨; રોમ. ૮:૧૭) યોહાનને કહેવામાં આવ્યું કે અભિષિક્તોમાંથી ફક્ત થોડા જ લોકો અંતના સમયે પૃથ્વી પર જીવતા હશે. (પ્રકટી. ૧૨:૧૭) પછી મોટી વિપત્તિ દરમિયાન એ બાકી રહેલા અભિષિક્તોને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. બધા ૧,૪૪,૦૦૦ પસંદ કરાયેલા લોકો ઈસુ સાથે મળીને રાજ કરશે.—માથ. ૨૪:૩૧; પ્રકટી. ૫:૯, ૧૦. w૨૨.૦૫ ૧૬ ¶૪-૫
મંગળવાર, નવેમ્બર ૫
“મારી આજ્ઞાઓ પાળો.”—યશા. ૪૮:૧૮.
આપણે પોતાના વિશે યોગ્ય વલણ રાખવું જોઈએ. જોકે આપણે એવું પણ ન વિચારવું જોઈએ કે આપણે નકામા છીએ. ઈસુએ પણ એવું જ શીખવ્યું હતું. તેમણે શિષ્યોને કહ્યું: “તમારાં માથાંના બધા વાળ પણ ગણેલા છે.” (માથ. ૧૦:૩૦) એનાથી દેખાઈ આવે છે કે યહોવાને આપણી ચિંતા છે અને તે આપણને ઘણા કીમતી ગણે છે. યહોવાએ આપણને તેમની ભક્તિ કરવાનો એક લહાવો આપ્યો છે. તે ચાહે છે કે આપણે હંમેશ માટેનું જીવન મેળવીએ. એટલે ક્યારેય એવું ન વિચારીએ કે આપણે એની માટે લાયક નથી. એવું વિચારવું તો જાણે યહોવાના નિર્ણય પર સવાલ ઉઠાવવા બરાબર છે. આશરે ૧૫ વર્ષ પહેલાં ચોકીબુરજમાં જણાવ્યું હતું કે જો પોતાના વિશે યોગ્ય વલણ રાખીશું તો આપણને જ ફાયદો થશે. એમાં લખ્યું હતું: “આપણે પોતે કંઈક છે એવું માનીને ઘમંડી ન બની જઈએ. એનાથી વિરુદ્ધ, આપણે પોતાને એટલા નકામા પણ ન ગણીએ જેનાથી આપણે કચડાઈ જઈએ. આપણને પોતાને ખબર હોવી જોઈએ કે આપણે શું કરી શકીએ છીએ અને શું નથી કરી શકતા.” w૨૨.૦૫ ૨૪-૨૫ ¶૧૪-૧૬
બુધવાર, નવેમ્બર ૬
‘હું વિનંતી કરું છું, તેઓ બધા એક થાય.’—યોહા. ૧૭:૨૦, ૨૧.
સંગઠનમાં સંપ જળવાઈ રહે એ માટે શું કરી શકીએ? આપણે એકબીજા સાથે શાંતિ જાળવી રાખવા બનતું બધું કરીએ. (માથ. ૫:૯; રોમ. ૧૨:૧૮) એમ કરવાથી દેશની સુંદરતામાં વધારો થશે. આપણે યાદ રાખીએ કે યહોવા જ બધાં ભાઈ-બહેનોને શુદ્ધ ભક્તિ કરવા માટે એ દેશમાં દોરી લાવ્યા છે. (યોહા. ૬:૪૪) તેમને મન તેઓ બહુ કીમતી છે. આપણે ભાઈ-બહેનો સાથે શાંતિ અને સંપ જાળવવા મહેનત કરીએ છીએ, એ જોઈને યહોવા બહુ ખુશ થાય છે. (યશા. ૨૬:૩; હાગ્ગા. ૨:૭) યહોવાએ પોતાના ભક્તોને ઘણા આશીર્વાદ આપ્યા છે. એના પર વિચાર કરીશું તો આપણને ફાયદો થશે. આપણે બાઇબલ વાંચીએ. એના પર મનન કરીએ. એમ કરવાથી યહોવા ચાહે છે એવા ગુણો કેળવી શકીશું અને “ભાઈઓની જેમ એકબીજા પર પ્રેમ” રાખી શકીશું.—રોમ. ૧૨:૧૦. w૨૨.૧૧ ૧૨-૧૩ ¶૧૬-૧૮
ગુરુવાર, નવેમ્બર ૭
“હું તેઓના ગુના માફ કરીશ. હું તેઓનાં પાપ ક્યારેય યાદ નહિ કરું.” —યર્મિ. ૩૧:૩૪.
યહોવાએ આપણને માફ કર્યા છે એ વાત સ્વીકારીએ છીએ ત્યારે ‘તાજગીનો’ અહેસાસ થાય છે. (પ્રે.કા. ૩:૧૯) આપણને મનની શાંતિ મળે છે. આપણું અંતઃકરણ સાફ રહે છે. યહોવા માફ કરે છે ત્યારે જ એવી લાગણી થાય છે. કોઈ માણસ માફ કરે ત્યારે આપણે એવું મહેસૂસ કરતા નથી. યહોવા આપણને માફ કરીને દોસ્તીનો હાથ લંબાવે છે. તેમની સાથે આપણી દોસ્તી પહેલાં જેવી થઈ જાય છે, જાણે આપણે પાપ કર્યું જ ન હોય. યહોવા આપણને માફ કરે પછી તે આપણાં પાપ પૂરી રીતે ભૂલી જાય છે. એ પાપ માટે તે ફરી સજા આપતા નથી. (યશા. ૪૩:૨૫) બાઇબલમાં જણાવ્યું છે, “જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે,” તેમ યહોવા આપણાં પાપ આપણાથી દૂર કરે છે. (ગીત. ૧૦૩:૧૨) એનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે યહોવાનો લાખ લાખ અહેસાન માનવા પ્રેરાઈએ છીએ. તેમના માટે આદર વધી જાય છે. (ગીત. ૧૩૦:૪) કોઈને માફી આપતી વખતે યહોવા એ નથી જોતા કે તેનું પાપ મોટું છે કે નાનું. યહોવા આપણા સર્જનહાર છે, નિયમ આપનાર છે અને ન્યાયાધીશ છે. એટલે તે બધી માહિતીના આધારે માફી આપે છે. w૨૨.૦૬ ૫ ¶૧૨-૧૪
શુક્રવાર, નવેમ્બર ૮
“જે કોઈ ઈશ્વરને ભજવા તેમની પાસે જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.”—હિબ્રૂ. ૧૧:૬.
યહોવાએ આપણને સુંદર ભાવિની આશા આપી છે. તેમને પ્રેમ કરનારાઓને વચન આપ્યું છે કે તે બહુ જલદી દુઃખ-તકલીફો, બીમારીઓ અને મરણને મિટાવી દેશે. (પ્રકટી. ૨૧:૩, ૪) તે પૃથ્વીને ફરીથી બાગ જેવી સુંદર બનાવવામાં “નમ્ર લોકોને” મદદ કરશે. (ગીત. ૩૭:૯-૧૧) આજે આપણો યહોવા સાથે મજબૂત સંબંધ છે, પણ એ સમયે તેમની વધારે નજીક મહેસૂસ કરીશું. કેટલી જોરદાર આશા! પણ કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા પોતાનાં વચનો ચોક્કસ પાળશે? કેમ કે તેમણે આજ સુધી જે કહ્યું છે, એ બધું પૂરું કર્યું છે. એટલે આપણે ‘યહોવામાં આશા રાખી શકીએ છીએ.’ (ગીત. ૨૭:૧૪) કઈ રીતે બતાવી શકીએ કે આપણને યહોવામાં આશા છે? યહોવા પોતાનાં વચનો પૂરાં કરે ત્યાં સુધી ધીરજ રાખીએ અને ખુશી ખુશી એ દિવસની રાહ જોઈએ. (યશા. ૫૫:૧૦, ૧૧) આપણે યહોવાને વફાદાર રહીએ અને ખાતરી રાખીએ કે યહોવાને “દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.” w૨૨.૦૬ ૨૦ ¶૧; ૨૫ ¶૧૮
શનિવાર, નવેમ્બર ૯
“તમે માંગો એ પહેલાં તમારા પિતા જાણે છે કે તમને શાની જરૂર છે.” —માથ. ૬:૮.
યહોવા ચાહે છે કે દરેક કુટુંબનું શિર ૧ તિમોથી ૫:૮માં આપેલો સિદ્ધાંત લાગુ પાડે. કુટુંબના શિર તરીકે યહોવા પોતે પણ એ સિદ્ધાંત લાગુ પાડે છે. યહોવા આપણને અને આપણા કુટુંબને ખૂબ જ પ્રેમ કરે છે. એ વાતની ખાતરી હશે તો આપણને ડર નહિ લાગે કે કુટુંબની જરૂરિયાતો કેમની પૂરી થશે. (માથ. ૬:૩૧-૩૩) યહોવાએ પૃથ્વી બનાવી ત્યારે તેમણે ફક્ત જીવન જીવવા થોડી-ઘણી વસ્તુઓ જ ન બનાવી. આપણે જીવનનો આનંદ માણી શકીએ એ માટે તેમણે ઘણી બધી વસ્તુઓ બનાવી. (ઉત. ૨:૯) એનાથી ખબર પડે છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. તે આપણી જરૂરિયાતો પૂરી કરવા માંગે છે. બની શકે કે આપણી પાસે વધારે કંઈ ન હોય, બસ ગુજરાન ચાલે એટલું જ હોય. આપણે યાદ રાખીએ કે એ બધું યહોવાએ જ પૂરું પાડ્યું છે. (માથ. ૬:૧૧) હમણાં આપણે કોઈ બાબત જતી કરવી પડે અથવા થોડામાં ગુજરાન ચલાવવું પડે. પણ ભરોસો રાખીએ કે યહોવા એના બદલામાં આજે અને ભાવિમાં ઘણા આશીર્વાદો આપશે.—યશા. ૬૫:૨૧, ૨૨. w૨૨.૦૬ ૧૫ ¶૭-૮
રવિવાર, નવેમ્બર ૧૦
“ભારે ખોરાક પરિપક્વ લોકો માટે છે.”—હિબ્રૂ. ૫:૧૪.
એવું નથી કે ફક્ત રસ ધરાવનાર લોકોએ જ યહોવા અને બાઇબલ વિશે વધારે શીખવાની જરૂર છે. આપણે બધાએ શીખતા રહેવાનું છે, એ ભારે ખોરાક લેતા રહેવાનો છે. પ્રેરિત પાઉલે કહ્યું કે, આપણે બાઇબલમાંથી શીખીશું અને એનું શિક્ષણ જીવનમાં લાગુ પાડીશું તો ‘ખરું-ખોટું પારખી શકીશું.’ આજે દુનિયાના લોકોને નીતિ-નિયમોની કંઈ પડી નથી. યહોવાનાં ધોરણોને વળગી રહેવું આપણા માટે ઘણું અઘરું થઈ ગયું છે. પણ ઈસુ આપણી શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરે છે. ઈસુએ હંમેશાં યહોવાના નામનો મહિમા કર્યો. આપણે પણ એવું જ કરીએ છીએ. (યોહા. ૧૭:૬, ૨૬) ૧૯૩૧માં આપણે યહોવાના સાક્ષીઓ નામ અપનાવ્યું. એ નામ બાઇબલમાંથી છે. એનાથી દેખાઈ આવ્યું કે પિતા યહોવાનું નામ આપણા માટે બહુ જ મહત્ત્વનું છે અને આપણે એ નામથી ઓળખાવા માંગીએ છીએ. (યશા. ૪૩:૧૦-૧૨) પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં યહોવાનું નામ વપરાયું છે. એ નામ જ્યાં હોવું જોઈએ ત્યાં મૂકવામાં આવ્યું છે. આમ આપણે યહોવાના નામનો મહિમા કર્યો છે. w૨૨.૦૭ ૧૧ ¶૧૧-૧૨
સોમવાર, નવેમ્બર ૧૧
“તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે, એ મારા માર્ગ માટે પ્રકાશ જેવા છે.” —ગીત. ૧૧૯:૧૦૫.
બાઇબલમાં ઈશ્વરના રાજ્યની ખુશખબર પણ છે. ઈસુએ જણાવ્યું કે રાજ્યનો એ સંદેશો જમીનમાં સંતાડેલા ખજાના જેવો છે. તેમણે કહ્યું: “સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે, જે એક માણસને મળ્યો. તેણે એ પાછો સંતાડી દીધો. તે એટલો ખુશ થયો કે જઈને પોતાનું બધું વેચી દીધું અને એ ખેતર ખરીદી લીધું.” (માથ. ૧૩:૪૪) એ માણસ કંઈ ખજાનો શોધતો ન હતો. પણ એ ખજાનો મળ્યો ત્યારે તેણે શું કર્યું? તે જાણતો હતો કે એ બહુ કીમતી છે. તેણે પોતાનું બધું વેચી દીધું અને એ જમીન ખરીદી લીધી. આજે આપણને યહોવાની ભક્તિ કરવાથી ખૂબ ખુશી મળે છે. આપણને તેમના રાજ્યમાં હંમેશ માટે જીવવાની આશા મળી છે. એ આશીર્વાદો સામે દુનિયાની બધી જ બાબતો ફિક્કી છે. આપણે યહોવા સાથે નજીકનો સંબંધ કેળવી શક્યા છીએ, એ કેટલી મોટી વાત કહેવાય! એ સંબંધ જાળવી રાખવા આપણે બધું જ દાવ પર લગાવવા તૈયાર છીએ. યહોવાને “પૂરેપૂરા ખુશ” કરીને આપણને અનેરી ખુશી મળે છે. (કોલો. ૧:૧૦) શું એવી ખુશી બીજા કશાથી મળે? w૨૨.૦૮ ૧૫ ¶૮-૯; ૧૭ ¶૧૨
મંગળવાર, નવેમ્બર ૧૨
“આવું ઘોર પાપ કરીને હું કેમ ઈશ્વરનો ગુનેગાર થાઉં?”—ઉત. ૩૯:૯.
યૂસફને કેમની ખબર કે યહોવા વ્યભિચારને “ઘોર પાપ” ગણે છે? નિયમશાસ્ત્ર તો ૨૦૦ વર્ષ પછી આપવામાં આવ્યું હતું. એમાં આજ્ઞા હતી: “તમે વ્યભિચાર ન કરો.” (નિર્ગ. ૨૦:૧૪) ભલે યૂસફ પાસે નિયમશાસ્ત્ર ન હતું, પણ તે યહોવાને સારી રીતે ઓળખતા હતા. તેમને ખબર હતી કે યહોવાએ શરૂઆતમાં એક સ્ત્રી અને એક પુરુષનું લગ્ન કરાવ્યું હતું. એટલે તે જાણતા હતા કે ફક્ત પતિ-પત્ની વચ્ચે જ શારીરિક સંબંધ હોવો જોઈએ. તેમણે સાંભળ્યું હશે કે તેમનાં પરદાદી સારાહ સાથે શું બન્યું હતું. સારાહને જોઈને બે વાર બે માણસોની દાનત બગડી હતી. એ વખતે યહોવાએ સારાહનું રક્ષણ કર્યું હતું. (ઉત. ૨:૨૪; ૧૨:૧૪-૨૦; ૨૦:૨-૭) એ બધા પર મનન કરવાથી યૂસફને સમજાયું હશે કે યહોવા વ્યભિચારને મોટું પાપ ગણે છે. યૂસફ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. તેમની નજરે જે ખરું છે, એ જ કરવા માંગતા હતા. એટલે યૂસફે કોઈ ખોટું કામ ન કર્યું. w૨૨.૦૮ ૨૬ ¶૧-૨
બુધવાર, નવેમ્બર ૧૩
“જેઓ માટીમાં ભળી ગયા છે, મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓ જાગી ઊઠશે. અમુકને હંમેશ માટેનું જીવન મળશે.”—દાનિ. ૧૨:૨.
આજના વચન વિશે પહેલાં આપણે માનતા હતા કે એ કલમ ૧૯૧૮ પછી પ્રચારમાં થયેલા વધારાને દર્શાવે છે. ખુશખબર ફેલાવવાનું કામ ૧૯૧૮માં અટકાવવામાં આવ્યું, પછી એ કામમાં જોરદાર વધારો થયો હતો. પણ હવે આપણી સમજણમાં ફેરફાર થયો છે. આપણે માનીએ છીએ કે મરણ પામેલા લોકો નવી દુનિયામાં જીવતા કરાશે એ વિશે આ કલમમાં વાત થાય છે. આપણી સમજણમાં કેમ ફેરફાર થયો? ધ્યાન આપો, દાનિયેલ ૧૨:૨માં એવા લોકો વિશે વાત થાય છે, જેઓ “માટીમાં” ભળી ગયા છે. અયૂબે પોતાના મરણ વિશે કહ્યું ત્યારે તેમણે “ધૂળમાં” મળી જવા વિશે અથવા ‘કબર’ વિશે વાત કરી. (અયૂ. ૧૭:૧૬) એટલે કહી શકીએ કે દાનિયેલ ૧૨:૨માં એવા લોકોના જીવતા થવા વિશે વાત થાય છે, જેઓ માટીમાં ભળી ગયા છે અથવા ગુજરી ગયા છે. છેલ્લા દિવસો અને આર્માગેદનના યુદ્ધ પછી તેઓને જીવતા કરવામાં આવશે. દાનિયેલ ૧૨:૨માં લખ્યું છે, “અમુકને હંમેશ માટેનું જીવન મળશે.” એનો શું અર્થ થાય? ૧,૦૦૦ વર્ષના રાજમાં ઘણા લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે. પણ જે લોકો યહોવા અને ઈસુ વિશે શીખતા રહેશે, તેઓની આજ્ઞા પાળતા રહેશે, તેઓને જ હંમેશ માટેનું જીવન મળશે.—યોહ. ૧૭:૩. w૨૨.૦૯ ૨૧ ¶૬-૭
ગુરુવાર, નવેમ્બર ૧૪
“[પ્રેમ] બધામાં ભરોસો રાખે છે.”—૧ કોરીં. ૧૩:૭.
‘બધામાં ભરોસો રાખવાનો’ મતલબ એ નથી કે આપણે આંખો મીંચીને ભાઈ-બહેનો પર ભરોસો કરીએ. પણ યહોવા ચાહે છે કે આપણે ભાઈ-બહેનોનાં કામ જોઈને તેઓ પર ભરોસો કરીએ. કોઈની સાથે હળીએ-મળીએ, તેમને વધારે ઓળખીએ તો આપણી નજરમાં તેમનું માન વધે છે. ભાઈ-બહેનો પર ભરોસો કરવા પણ એવું જ કંઈક કરવું પડશે. તેઓને સારી રીતે ઓળખીશું તો તેઓ પર ભરોસો કરી શકીશું. એ માટે તમે શું કરી શકો? તમે સભાઓમાં ભાઈ-બહેનો સાથે વાત કરો. તેઓ સાથે પ્રચારમાં જાઓ. પણ યાદ રાખો કે રાતોરાત ભરોસો નહિ બેસે. એટલે ધીરજ રાખો. બની શકે કે શરૂ શરૂમાં તમે થોડી-ઘણી વાતો કરો. પણ જેમ જેમ તમે તેઓને ઓળખવા લાગશો તેમ તેમ તમારો ભરોસો વધતો જશે. પછી કદાચ તેઓ સાથે દિલ ખોલીને વાત કરી શકશો. (લૂક ૧૬:૧૦) પણ જો કોઈ ભાઈ કે બહેન તમારો ભરોસો તોડે તો તમે શું કરી શકો? એવું જરાય ના વિચારશો કે હવે તમે તેમના પર ક્યારેય ભરોસો નહિ કરી શકો. થોડો સમય જવા દો. કદાચ ધીમે ધીમે ફરીથી તેમના પર તમારો ભરોસો બેસે. કોઈ એક ભાઈ કે બહેને તમારો ભરોસો તોડ્યો હોય તો એવું ન વિચારશો કે તમે બીજા કોઈ ભાઈ કે બહેન પર ભરોસો નહિ કરી શકો. w૨૨.૦૯ ૪ ¶૭-૮
શુક્રવાર, નવેમ્બર ૧૫
“યહોવાની નજર આખી પૃથ્વી પર ફરતી રહે છે.” —૨ કાળ. ૧૬:૯.
મિકેઆસભાઈ જે એક વડીલ છે. તેમને લાગ્યું કે અમુક વડીલો તેમની સાથે કઠોર રીતે વર્ત્યા છે અને તેમની સાથે ખોટું કર્યું છે. પણ ભાઈ લાગણીઓમાં વહી ન ગયા. તે સમજી-વિચારીને વર્ત્યા. તેમણે વારંવાર યહોવાને પ્રાર્થના કરી. યહોવા પાસે પવિત્ર શક્તિ અને હિંમત માંગી. તેમણે એવા લેખો પણ વાંચ્યા જેમાં મદદ કરે એવી સલાહ હતી. મિકેઆસભાઈ પાસેથી આપણે શું શીખી શકીએ? આપણને લાગે કે કોઈએ આપણી સાથે ખોટું કર્યું છે તો મન શાંત રાખીએ. એ ભાઈ કે બહેન વિશે ખોટું ન વિચારીએ. તેમણે એવું કર્યું ત્યારે તેમના મનમાં શું ચાલી રહ્યું હતું, તેમના સંજોગો કેવા હતા એ આપણે કદાચ જાણતા ન હોઈએ. એટલે યહોવાને પ્રાર્થના કરીએ કે સંજોગોને એ ભાઈ કે બહેનની નજરે જોવા આપણને મદદ કરે. આપણને બધી હકીકતો ખબર નથી અને કદાચ તેમનો ઇરાદો દુઃખ પહોંચાડવાનો ન હતો. પછી આપણે તેમને માફ કરી શકીશું. (નીતિ. ૧૯:૧૧) યાદ રાખીએ, યહોવા જાણે છે કે આપણી સાથે શું થયું હતું અને આપણા પર શું વીતી રહ્યું છે. એ બધું સહેવા તે આપણને હિંમત આપશે.—સભા. ૫:૮. w૨૨.૧૧ ૨૧ ¶૫
શનિવાર, નવેમ્બર ૧૬
“ઢોંગી માણસો સાથે હળતો-મળતો નથી.”—ગીત. ૨૬:૪.
યહોવાના દોસ્તો સાથે દોસ્તી કરો. જેવો સંગ તેવો રંગ. અનુભવી ભાઈ-બહેનો સાથે દોસ્તી કરશો તો યહોવાની ભક્તિમાં આગળ વધી શકશો. (નીતિ. ૧૩:૨૦) જુલિયન એક વડીલ છે. તે કહે છે: “હું નાનો હતો ત્યારે અલગ અલગ ભાઈ-બહેનો સાથે પ્રચારમાં જતો. તેઓની સાથે મારી સારી એવી દોસ્તી થઈ ગઈ. તેઓનો જોશ ગજબનો હતો! તેઓ સાથે મને પણ પ્રચારમાં મજા આવવા લાગી. . . . પહેલાં હું મારી ઉંમરના હોય તેઓ સાથે જ દોસ્તી કરતો. પણ મને ખબર પડી કે મોટા લોકો પણ મારા સારા દોસ્ત બની શકે છે.” આપણે એવા દોસ્ત બનાવવા માંગીએ છીએ, જેઓનો યહોવા સાથે પાકો સંબંધ હોય. એટલે મંડળમાં પણ સમજી-વિચારીને દોસ્તો પસંદ કરવા જોઈએ. પહેલી સદીના મંડળમાં એવા અમુક લોકો હતા, જેઓનો યહોવા સાથેનો સંબંધ નબળો હતો. તેઓ બસ નામ પૂરતી જ ભક્તિ કરતા. એટલે પાઉલે તિમોથીને એવા લોકોથી દૂર રહેવાની ચેતવણી આપી. (૨ તિમો. ૨:૨૦-૨૨) યહોવા સાથેનો તમારો સંબંધ બહુ કીમતી છે. તમે યહોવા સાથે પાકી દોસ્તી કરવા ખૂબ મહેનત કરી છે. એટલે એવા કોઈની સાથે દોસ્તી ન કરી બેસતા, જેના લીધે એ સંબંધ નબળો પડી જાય. યહોવા અને તમારી વચ્ચે કોઈને આવવા ન દેતા! w૨૨.૦૮ ૫-૬ ¶૧૩-૧૫
રવિવાર, નવેમ્બર ૧૭
“મૂર્ખથી દૂર રહે.”—નીતિ. ૧૪:૭.
અક્કલ વગરના લોકોને ખરી બુદ્ધિની વાતો સાંભળવી નથી. પણ આપણે તેઓ જેવા બનવા માંગતા નથી. આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો અને તેમના જેવા વિચારો કેળવવાનો નિર્ણય લઈએ. એ નિર્ણય દૃઢ કરવા આપણે વિચારીએ કે જેઓ યહોવાનું નથી સાંભળતા તેઓનું જીવન કેવું છે. તેઓ સામે ચાલીને મુસીબતમાં પડે છે. એ પણ વિચારીએ કે યહોવાનું સાંભળવાથી આપણું જીવન કેટલું સરસ છે. (ગીત. ૩૨:૮, ૧૦) યહોવા આજે બધા લોકોને તક આપે છે કે તેઓ ખરી બુદ્ધિની વાતો સાંભળે અને ફાયદો મેળવે. પણ યહોવા કોઈને બળજબરી કરતા નથી. તેમનું સાંભળવું કે નહિ એ તેમણે લોકો પર છોડ્યું છે. પણ તેઓ નહિ સાંભળે તો તેઓનું શું થશે, એ વિશે તેમણે પહેલેથી જણાવ્યું છે. બાઇબલમાં લખ્યું છે, તેઓએ “પોતાનાં કામોનું પરિણામ ભોગવવું પડશે.” (નીતિ. ૧:૨૯-૩૨) તેઓ જે રીતે જીવન જીવે છે, એના લીધે તેઓએ ઘણી દુઃખ-તકલીફો સહેવી પડશે. આખરે તેઓનો નાશ થઈ જશે. પણ જેઓ યહોવાનું સાંભળે છે અને તેમનાં ધોરણો પાળે છે, તેઓને યહોવા વચન આપે છે: “મારું સાંભળનાર સહીસલામત રહેશે અને આફતના ડર વગર નિરાંતે જીવશે.”—નીતિ. ૧:૩૩. w૨૨.૧૦ ૨૧ ¶૧૧-૧૩
સોમવાર, નવેમ્બર ૧૮
“યહોવાનો ડર રાખનાર અને તેમના માર્ગે ચાલનાર દરેક જણ સુખી છે.”—ગીત. ૧૨૮:૧.
યહોવાનો ડર રાખવાનો મતલબ એ નથી કે તેમનાથી ડરી ડરીને જીવીએ. પણ તેમનો ડર રાખવો એટલે એવું કોઈ કામ ન કરીએ, જેનાથી તે દુઃખી થાય. (નીતિ. ૧૬:૬) બાઇબલમાં યહોવાએ લખાવ્યું છે કે તેમની નજરે શું સાચું અને શું ખોટું છે. યહોવાનાં એ ધોરણો પ્રમાણે જીવવાની આપણે પૂરી કોશિશ કરવી જોઈએ. (૨ કોરીં. ૭:૧) તેમને ગમતાં કામો કરીશું અને તે ધિક્કારે છે એવાં કામો નહિ કરીએ તો ખુશ રહી શકીશું. (ગીત. ૩૭:૨૭; ૯૭:૧૦; રોમ. ૧૨:૯) બની શકે, એક વ્યક્તિ જાણતી હોય કે ખરાં-ખોટાં વિશે ધોરણો નક્કી કરવાનો હક ફક્ત યહોવાનો છે. પણ એટલું જ જાણવું પૂરતું નથી. તેણે એ ધોરણો પાળવાં જોઈએ. (રોમ. ૧૨:૨) જો આપણે માનતા હોઈએ કે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાથી આપણું ભલું થાય છે, તો એ આપણાં કાર્યોથી દેખાઈ આવવું જોઈએ. આપણે એ પ્રમાણે જીવવું જોઈએ. (નીતિ. ૧૨:૨૮) દાઉદ જાણતા હતા કે યહોવાનાં ધોરણો પાળવાથી જ સાચી ખુશી મળે છે. એટલે તેમણે કહ્યું: “તમે મને જીવનનો માર્ગ બતાવો છો. તમારી આગળ બસ આનંદ જ આનંદ છે. તમારા જમણા હાથે કાયમ સુખ જ સુખ છે.”—ગીત. ૧૬:૧૧. w૨૨.૧૦ ૮ ¶૯-૧૦
મંગળવાર, નવેમ્બર ૧૯
“દીકરો પિતાને જે કરતા જુએ છે, એ જ કરે છે. એના સિવાય તે પોતાની રીતે કંઈ કરી શકતો નથી.”—યોહા. ૫:૧૯.
ઈસુએ પોતાના વિશે યોગ્ય વલણ રાખ્યું. તેમણે નમ્રતાનો ગુણ બતાવ્યો. ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે તેમણે યહોવા સાથે મળીને ઘણાં અદ્ભુત કામો કર્યાં હતાં. ઈસુ ‘દ્વારા સ્વર્ગમાં અને પૃથ્વી પર બધું બનાવવામાં આવ્યું હતું.’ (કોલો. ૧:૧૬) ઈસુના બાપ્તિસ્મા વખતે તેમને એ બધી વાતો યાદ આવી હશે. (માથ. ૩:૧૬; યોહા. ૧૭:૫) પણ એના લીધે તે અભિમાની ન બની ગયા. તેમણે ક્યારેય પોતાની વાતો અને કામોથી એવું ન દેખાડ્યું કે તે બીજાઓ કરતાં ચઢિયાતા છે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તે પૃથ્વી પર ‘સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યા છે. તે ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યા છે.’ (માથ. ૨૦:૨૮) તેમણે એ પણ સ્વીકાર્યું કે તે પોતાની રીતે કંઈ કરી શકતા નથી. તેમણે આપણા માટે નમ્રતાનો કેટલો સરસ દાખલો બેસાડ્યો છે! w૨૨.૦૫ ૨૪ ¶૧૩
બુધવાર, નવેમ્બર ૨૦
‘યહોવા પાસે પાછા ફરો.’—યશા. ૫૫:૭.
યહોવા બધી માહિતીના આધારે માફી આપે છે, એટલે તે ધ્યાન આપે છે કે શું વ્યક્તિ ભૂલ કરતી વખતે જાણતી હતી કે તે જે કરે છે એ ખોટું છે. ઈસુએ એના વિશે લૂક ૧૨:૪૭, ૪૮માં જણાવ્યું છે. જો વ્યક્તિ કાવતરું ઘડીને એવું કોઈ ખરાબ કામ કરે જેને યહોવા ધિક્કારે છે, તો તે ગંભીર પાપ કરે છે. યહોવા કદાચ તેને માફી ન આપે. (માર્ક ૩:૨૯; યોહા. ૯:૪૧) એવા સમયે શું યહોવા માફ કરશે? હા. યહોવા એ પણ ધ્યાન આપે છે કે વ્યક્તિએ દિલથી પસ્તાવો કર્યો છે કે નહિ. પસ્તાવો કરવો એટલે કે, “પોતાનાં ખોટાં વિચારો અને વલણમાં સુધારો કરવો.” વ્યક્તિએ જે ખોટું કર્યું એનો તેને અફસોસ થવો અથવા જે ખરું હતું એ ન કર્યું એનું દુઃખ થવું. એ વાતનું પણ દુઃખ થવું કે તેણે યહોવા સાથેના સંબંધને નબળો પડવા દીધો એટલે તેનાથી પાપ થયું. w૨૨.૦૬ ૫-૬ ¶૧૫-૧૭
ગુરુવાર, નવેમ્બર ૨૧
“જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે, તેઓ બધાની ચોક્કસ સતાવણી થશે.”—૨ તિમો. ૩:૧૨.
ઘણા લોકો યહોવાના સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓ વિશે ખોટી અફવા ફેલાવે છે. (ગીત. ૩૧:૧૩) અમુક ભાઈઓની તો ધરપકડ થઈ છે. તેઓ ગુનેગાર છે એવા આરોપ મૂકવામાં આવ્યા છે. પહેલી સદીમાં પ્રેરિત પાઉલ સાથે પણ એવું જ કંઈક થયું. તેમના પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા. તેમને પકડવામાં આવ્યા. પાઉલને રોમમાં કેદ થઈ ત્યારે અમુક ભાઈ-બહેનોએ તેમનાથી મોં ફેરવી લીધું. (૨ તિમો. ૧:૮, ૧૫; ૨:૮, ૯) જરા પાઉલનો વિચાર કરો. તેમને કેવું લાગ્યું હશે? એ ભાઈ-બહેનો માટે તેમણે ઘણી મુશ્કેલીઓ વેઠી હતી. પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. પણ એવા સમયે જ તેઓ તેમની પડખે ન હતા. (પ્રે.કા. ૨૦:૧૮-૨૧; ૨ કોરીં. ૧:૮) આપણે પહેલી સદીનાં એ ભાઈ-બહેનો જેવા બનવા માંગતા નથી. એટલે શેતાન આગેવાની લેતા ભાઈઓની સતાવણી કરે છે, એ જોઈને આપણને નવાઈ લાગવી ન જોઈએ. તે ચાહે છે કે એ ભાઈઓ યહોવાને વફાદાર રહેવાનું પડતું મૂકે. તે એમ પણ ચાહે છે કે તેઓ પર થતો જુલમ જોઈને આપણાં મનમાં ડર પેસી જાય. (૧ પિત. ૫:૮) આગેવાની લેતા ભાઈઓનો સાથ ક્યારેય ન છોડીએ અને તેઓને મદદ કરતા રહીએ.—૨ તિમો. ૧:૧૬-૧૮. w૨૨.૧૧ ૧૬-૧૭ ¶૮-૧૧
શુક્રવાર, નવેમ્બર ૨૨
“શું તને ઈશ્વરનો જરાય ડર નથી?”—લૂક ૨૩:૪૦.
ઈસુના મરતા પહેલાં તેમની બાજુમાં લટકાવેલા જે ગુનેગારનું મન બદલાયું તે કદાચ યહૂદી હતો. એવું આપણે કેમ કહી શકીએ? યહૂદીઓ માનતા હતા કે એક જ સાચા ઈશ્વર છે. પણ જે લોકો યહૂદી ન હતા, તેઓ ઘણા દેવોમાં માનતા હતા. (નિર્ગ. ૨૦:૨, ૩; ૧ કોરીં. ૮:૫, ૬) એટલે જો એ માણસ યહૂદી ના હોત, તો તેણે બીજા ગુનેગારને આજના વચનમાં આપેલા સવાલને બદલે પૂછ્યું હોત, “શું તને દેવોનો જરાય ડર નથી?” બીજી એક વાત પર ધ્યાન આપો. ઈસુને “ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં” પાસે મોકલવામાં આવ્યા હતા. એટલે તેમણે ખાસ કરીને યહૂદીઓને સંદેશો જણાવ્યો, યહૂદી ન હોય એવા લોકોને નહિ. (માથ. ૧૫:૨૪) યહોવાએ ફક્ત ઇઝરાયેલીઓને જણાવ્યું હતું કે તે ગુજરી ગયેલાઓને જીવતા કરશે. ગુનેગાર કદાચ એ વાત જાણતો હતો. તેના શબ્દોથી ખબર પડે છે કે તેને લાગતું હતું કે યહોવા ઈસુને જીવતા કરશે અને તેમના રાજ્યના રાજા બનાવશે. તેને કદાચ એ પણ આશા હતી કે યહોવા તેને મરણમાંથી જીવતો કરશે. એક યહૂદી તરીકે ગુનેગાર, આદમ-હવા વિશે જાણતો હોય શકે. એટલે જ્યારે ઈસુએ લૂક ૨૩:૪૩માં જીવનના બાગ વિશે જણાવ્યું ત્યારે ગુનેગારે સુંદર ધરતીની કલ્પના કરી હશે.—ઉત. ૨:૧૫. w૨૨.૧૨ ૮-૯ ¶૨-૩
શનિવાર, નવેમ્બર ૨૩
“તેઓ બધા એકમનથી સતત પ્રાર્થના કરતા હતા.”—પ્રે.કા. ૧:૧૪.
આજે આપણે પવિત્ર શક્તિની મદદથી જ લોકોને પ્રચાર કરી શકીએ છીએ. આપણને કેમ એની જરૂર છે? કેમ કે શેતાન આપણું કામ રોકવા આપણી સામે “યુદ્ધ” કરે છે. (પ્રકટી. ૧૨:૧૭) જોવા જઈએ તો શેતાન માણસો કરતાં ઘણો શક્તિશાળી છે, તોપણ પ્રચાર કરીને આપણે દેખાડીએ છીએ કે આપણે શેતાનથી ડરતા નથી. પ્રચાર કરીએ છીએ ત્યારે દર વખતે શેતાનની હાર થાય છે. (પ્રકટી. ૧૨:૯-૧૧) એનાથી ખબર પડે છે કે યહોવા આપણને પવિત્ર શક્તિ આપે છે અને તે આપણાથી ખુશ છે. (માથ. ૫:૧૦-૧૨; ૧ પિત. ૪:૧૪) હઠીલા લોકોને સંદેશો જણાવવા યહોવા આજે આપણને મજબૂત કરે છે. ભલે પ્રચારકામમાં આપણી સામે કોઈ પણ પડકાર આવે, પણ પવિત્ર શક્તિની મદદથી આપણે એનો સામનો કરી શકીએ છીએ. (૨ કોરીં. ૪:૭-૯) પવિત્ર શક્તિ મેળવવા આપણે શું કરવું જોઈએ? આપણે પ્રાર્થનામાં મંડ્યા રહીએ અને પૂરો ભરોસો રાખીએ કે યહોવા આપણી પ્રાર્થના સાંભળશે. w૨૨.૧૧ ૫ ¶૧૦-૧૧
રવિવાર, નવેમ્બર ૨૪
“અમે તમને અરજ કરીએ છીએ કે મનમાની કરનાર લોકોને ચેતવણી આપો, નિરાશ થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.”—૧ થેસ્સા. ૫:૧૪.
ભાઈ-બહેનોને પ્રેમ બતાવવાની એક રીત છે, તેઓ સાથે શાંતિ જાળવવા મહેનત કરીએ. આપણે યહોવાની જેમ બીજાઓને દિલથી માફ કરવા માંગીએ છીએ. જરા વિચારો, આપણાં પાપ માફ કરવા યહોવાએ અચકાયા વગર પોતાનો દીકરો આપી દીધો. તો પછી, કોઈ ભાઈ કે બહેન આપણી વિરુદ્ધ પાપ કરે ત્યારે શું આપણે તેમને માફ ન કરવા જોઈએ? ઈસુએ એક ચાકરનો દાખલો આપ્યો હતો. એ ચાકરના માલિકે તેનું બહુ મોટું દેવું માફ કર્યું. પણ ચાકરે શું કર્યું? તેણે પોતાના સાથી ચાકરનું નાનું અમથું દેવું પણ માફ ન કર્યું. આપણે એ દુષ્ટ ચાકર જેવા બનવા નથી માંગતા, ખરું ને? (માથ. ૧૮:૨૩-૩૫) એટલે જો કોઈ ભાઈ કે બહેન વિશે આપણને ગેરસમજ થઈ હોય, તો આ સ્મરણપ્રસંગ પહેલાં તેમની સાથે સુલેહ-શાંતિ કરવા પહેલ કરીએ. (માથ. ૫:૨૩, ૨૪) એમ કરીને બતાવી આપીશું કે આપણે યહોવા અને ઈસુને ગાઢ પ્રેમ કરીએ છીએ. w૨૩.૦૧ ૨૯ ¶૮-૯
સોમવાર, નવેમ્બર ૨૫
“ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે.”—નીતિ. ૧૯:૧૭.
વડીલો, ભાઈ-બહેનોને શાની જરૂર છે એ તમે કઈ રીતે જાણી શકો? એક રીત છે, તમે તેઓને અમુક સવાલો પૂછી શકો. પણ એવું કંઈ ન પૂછો, જેનાથી તેઓ શરમમાં મૂકાય. (નીતિ. ૨૦:૫) તમે તેઓને પૂછી શકો કે શું તેઓ પાસે પૂરતો ખોરાક, દવાઓ અને જરૂરી ચીજવસ્તુઓ છે? તમે આ પણ જાણવાની કોશિશ કરી શકો: તેઓ એવી સ્થિતિમાં તો નથી મુકાઈ ગયા ને, કે તેઓએ પોતાની નોકરી કે ઘર ગુમાવવું પડે? અથવા શું તેઓને કોઈ સરકારી યોજનાનો ફાયદો મેળવવા મદદની જરૂર છે? યહોવા ચાહે છે કે આપણે બધા એકબીજાને ઉત્તેજન આપીએ અને મદદ કરીએ. (ગલા. ૬:૧૦) કોઈ ભાઈ કે બહેન બીમાર હોય ત્યારે પ્રેમથી કરેલું નાનું અમથું કામ પણ જોરદાર અસર કરી જાય છે. એનાથી તેમને ઘણું ઉત્તેજન મળે છે. નાનાં બાળકો તેમને કાર્ડ મોકલી શકે અથવા તેમના માટે ચિત્ર દોરી શકે. યુવાનો તેમને દુકાનમાંથી અમુક ચીજવસ્તુઓ લાવી આપી શકે અથવા કોઈ કામમાં મદદ કરી શકે. મંડળનાં બીજાં ભાઈ-બહેનો બીમાર વ્યક્તિ માટે જમવાનું બનાવી શકે. રોગચાળા વખતે વડીલોનું કામ ઘણું વધી જાય છે. એટલે અમુક ભાઈ-બહેનો તેઓને થૅન્ક યુ કહેવા માટે કાર્ડ કે મૅસેજ મોકલે છે. તો ચાલો આપણે બધા ‘એકબીજાને ઉત્તેજન આપતા રહીએ અને એકબીજાને મક્કમ કરતા રહીએ.’—૧ થેસ્સા. ૫:૧૧. w૨૨.૧૨ ૨૨ ¶૨; ૨૩ ¶૫, ૬
મંગળવાર, નવેમ્બર ૨૬
“તમે મોટી ભૂલ કરો છો.”—માર્ક ૧૨:૨૭.
ઈસુના સમયના સાદુકીઓ હિબ્રૂ શાસ્ત્રવચનોનાં પહેલા પાંચ પુસ્તકોના સારા જાણકાર હતા. તોપણ એમાં આપેલાં અમુક મહત્ત્વના શિક્ષણને તેઓ માનતા ન હતા. એક દાખલો જોઈએ. ધ્યાન આપો કે, ગુજરી ગયેલા લોકોને જીવતા કરવા વિશે સાદુકીઓએ ઈસુને સવાલ પૂછ્યો ત્યારે ઈસુએ શું કહ્યું: “શું તમે મૂસાના પુસ્તકમાં નથી વાંચ્યું? ઈશ્વરે ઝાડવા પાસે તેમને આમ કહ્યું હતું: ‘હું ઇબ્રાહિમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું.’” (માર્ક ૧૨:૧૮, ૨૬) સાદુકીઓએ ચોક્કસ ઘણી વાર એ અહેવાલ વાંચ્યો હશે. પણ ઈસુએ પૂછેલા સવાલથી ખબર પડે છે કે તેઓએ શાસ્ત્રનું એક મહત્ત્વનું શિક્ષણ નજરઅંદાજ કર્યું હતું. એ હતું કે ગુજરી ગયેલા લોકોને ઈશ્વર જીવતા કરશે. (લૂક ૨૦:૩૮) આપણે એ બનાવથી શું શીખી શકીએ? બાઇબલ વાંચીએ ત્યારે કોઈ કલમ કે અહેવાલમાંથી કેટલું બધું શીખી શકીએ છીએ એનો વિચાર કરીએ. આપણે બાઇબલના મૂળ શિક્ષણની સાથે સાથે બાઇબલની ઊંડી વાતો અને સિદ્ધાંતો પર ધ્યાન આપવું જોઈએ. એ વાતો તો જાણે શાસ્ત્રના ઊંડાણમાં છુપાયેલા રત્નો અને ખજાના જેવી છે. w૨૩.૦૨ ૧૧ ¶૯-૧૦
બુધવાર, નવેમ્બર ૨૭
“આપણી આસપાસ મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું છે.”—હિબ્રૂ. ૧૨:૧.
આજના વચનામાં એ બધા જ સાક્ષીઓની વાત થઈ રહી છે, જેઓએ ઘણી કસોટીઓનો સામનો કર્યો હતો. તેમ છતાં તેઓ છેલ્લા શ્વાસ સુધી યહોવાને વફાદાર રહ્યા હતા. (હિબ્રૂ. ૧૧:૩૬-૪૦) તેઓએ ધીરજ રાખવા જે મહેનત કરી શું એ પાણીમાં ગઈ? ના, જરાય નહિ. તેઓએ યહોવાનાં બધાં વચનો પૂરાં થતાં જોયાં નહિ, તોપણ યહોવામાં આશા રાખવાનું ક્યારેય છોડ્યું નહિ. તેઓને ખાતરી હતી કે યહોવા તેઓથી ખુશ છે. એટલે તેઓને પૂરો ભરોસો હતો કે એક દિવસે યહોવાનાં વચનો પૂરાં થતાં જોશે. (હિબ્રૂ. ૧૧:૪, ૫) આપણે એ ભક્તોના દાખલાને અનુસરીએ અને યહોવામાં આશા મજબૂત કરતા રહીએ. આ દુનિયા દિવસે ને દિવસે બગડતી જાય છે. (૨ તિમો. ૩:૧૩) યહોવાના વફાદાર ભક્તો પર શેતાન એક પછી એક કસોટી લાવે છે. ભલે કોઈ પણ કસોટી આવે, આપણે તન-મનથી યહોવાની ભક્તિ કરતા રહેવાનો પાકો નિર્ણય લઈએ. કેમ કે “આપણે જીવતા ઈશ્વર પર આશા રાખીએ છીએ.”—૧ તિમો. ૪:૧૦. w૨૨.૦૬ ૨૫ ¶૧૭-૧૮
ગુરુવાર, નવેમ્બર ૨૮
“મારા મરણથી શું ફાયદો? . . . શું ધૂળ તમારી સ્તુતિ કરી શકે?” —ગીત. ૩૦:૯.
આપણે કેમ તબિયતનું ધ્યાન રાખવું જોઈએ? એનું એક કારણ છે કે આપણે પૂરાં તન-મનથી યહોવાની ભક્તિ કરવા માંગીએ છીએ. (માર્ક ૧૨:૩૦) એટલે આપણે એવું કંઈ પણ કરવા નથી માંગતા જેનાથી આપણી તબિયત બગડે. (રોમ. ૧૨:૧) જોકે, આપણે હંમેશાં તંદુરસ્ત રહી શકતા નથી, ક્યારેક ને ક્યારેક બીમાર પડીએ છીએ. પણ તબિયતનું ધ્યાન રાખીશું તો બતાવી આપીશું કે પિતા યહોવાએ આપેલી કીમતી ભેટ, જીવનની આપણે ખૂબ કદર કરીએ છીએ. બીમારી કે વધતી ઉંમરને લીધે આપણે કદાચ પહેલાં જેટલું ન કરી શકીએ. એટલે ક્યારેક ક્યારેક પોતાના પર ગુસ્સો આવે અથવા નિરાશ થઈ જઈએ. પણ હિંમત હારી જવાને બદલે તબિયતનું ધ્યાન રાખવા આપણાથી થઈ શકે એ બધું કરીએ. એવું કેમ કરવું જોઈએ? ભલે આપણે બીમાર પડીએ કે વૃદ્ધ થઈએ, દાઉદ રાજાની જેમ આપણે પણ યહોવાની સ્તુતિ કરતા રહી શકીએ છીએ. આપણું શરીર કમજોર થઈ જાય તોપણ યહોવાની નજરમાં આપણું મૂલ્ય જરાય ઓછું થતું નથી, એ જાણીને આપણાં દિલને કેટલી રાહત મળે છે! (માથ. ૧૦:૨૯-૩૧) કાલ ઊઠીને આપણું મરણ થાય તોપણ યહોવા આપણને ફરી જીવતા કરવા આતુર છે. (અયૂ. ૧૪:૧૪, ૧૫) ચાલો, છેલ્લા શ્વાસ સુધી આપણે તબિયતનું ધ્યાન રાખીએ. w૨૩.૦૨ ૨૦-૨૧ ¶૩-૫
શુક્રવાર, નવેમ્બર ૨૯
“જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે, તેને ક્યારેય માફ કરવામાં નહિ આવે.” —માર્ક ૩:૨૯.
શું મોટા ટોળાના લોકોનું નામ આર્માગેદન પછી પણ જીવનના પુસ્તકમાં હશે? હા! (પ્રકટી. ૭:૧૪) ઈસુએ કીધું હતું કે ઘેટાં જેવા એ લોકો “હંમેશ માટેનું જીવન મેળવશે.” (માથ. ૨૫:૪૬; યોહા. ૧૦:૧૬) પણ તેઓને આર્માગેદન પછી તરત હંમેશ માટેનું જીવન નહિ મળે. ૧,૦૦૦ વર્ષના રાજ દરમિયાન ઈસુ “તેઓની સંભાળ રાખશે. તે તેઓને જીવનનાં પાણીનાં ઝરણાઓ સુધી દોરી જશે.” જે લોકો ઈસુના કહ્યા પ્રમાણે કરશે અને છેલ્લી કસોટીમાં પણ યહોવાને વફાદાર રહેશે, તેઓનાં નામ જીવનના પુસ્તકમાં હંમેશ માટે લખવામાં આવશે. એ નામ જાણે પેનથી લખવામાં આવશે. (પ્રકટી. ૭:૧૬, ૧૭) પણ બકરાં જેવા લોકોનો આર્માગેદનમાં નાશ થઈ જશે. ઈસુએ કીધું હતું કે તેઓનો “હંમેશ માટે નાશ થશે.” (માથ. ૨૫:૪૬) પ્રેરિત પાઉલે પણ જણાવ્યું હતું કે “એ લોકોને હંમેશ માટેના નાશની સજા” થશે.—૨ થેસ્સા. ૧:૯; ૨ પિત. ૨:૯. w૨૨.૦૯ ૧૬ ¶૭-૮
શનિવાર, નવેમ્બર ૩૦
“દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે.”—સભા. ૩:૧.
જ્યારે આખું કુટુંબ સાથે મળીને યહોવાએ બનાવેલી વસ્તુઓનો આનંદ માણે છે, ત્યારે તેઓ હળવાશ અનુભવે છે અને તેઓને ખૂબ મજા આવે છે. એનાથી કુટુંબમાં પ્રેમ વધે છે. યહોવાએ આ દુનિયામાં એકથી એક ચઢિયાતી સુંદર જગ્યાઓ બનાવી છે. ત્યાં જઈને આપણે મનગમતી બાબતો કરી શકીએ છીએ. ઘણાં કુટુંબોને જંગલો જોવા, પહાડો પર જવું અથવા દરિયા કિનારે ફરવા જવું ખૂબ ગમે છે. મમ્મી-પપ્પા અને બાળકો હમણાં સૃષ્ટિનો પૂરી રીતે આનંદ નથી માણી શકતાં, પણ નવી દુનિયામાં તેઓ ચોક્કસ એમ કરી શકશે. એ સમયે આપણને પ્રાણીઓનો ડર નહિ લાગે અને પ્રાણીઓ આપણાથી નહિ ડરે. (યશા. ૧૧:૬-૯) યહોવાએ બનાવેલી વસ્તુઓનો આનંદ માણવા આપણી પાસે કદી સમય નહિ ખૂટે. (ગીત. ૨૨:૨૬) પણ મમ્મી-પપ્પા, તમે એ સમયની રાહ જોઈને બેસી ન રહેશો. હમણાંથી તમે બાળકોને શીખવો કે તેઓ યહોવાએ બનાવેલી વસ્તુઓનો આનંદ માણે. જો તમે બાળકોને સૃષ્ટિ દ્વારા યહોવા વિશે શીખવતા રહેશો, તો કદાચ તેઓ પણ દાઉદ રાજાની જેમ બોલી ઊઠશે: ‘હે યહોવા તમારાં કામો જેવાં કોઈનાં કામ નથી.’—ગીત. ૮૬:૮. w૨૩.૦૩ ૨૫ ¶૧૬-૧૭