વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es24 પાન ૧૪૮-૧૬૦
  • ડિસેમ્બર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
  • મથાળાં
  • રવિવાર, ડિસેમ્બર ૧
  • સોમવાર, ડિસેમ્બર ૨
  • મંગળવાર, ડિસેમ્બર ૩
  • બુધવાર, ડિસેમ્બર ૪
  • ગુરુવાર, ડિસેમ્બર ૫
  • શુક્રવાર, ડિસેમ્બર ૬
  • શનિવાર, ડિસેમ્બર ૭
  • રવિવાર, ડિસેમ્બર ૮
  • સોમવાર, ડિસેમ્બર ૯
  • મંગળવાર, ડિસેમ્બર ૧૦
  • બુધવાર, ડિસેમ્બર ૧૧
  • ગુરુવાર, ડિસેમ્બર ૧૨
  • શુક્રવાર, ડિસેમ્બર ૧૩
  • શનિવાર, ડિસેમ્બર ૧૪
  • રવિવાર, ડિસેમ્બર ૧૫
  • સોમવાર, ડિસેમ્બર ૧૬
  • મંગળવાર, ડિસેમ્બર ૧૭
  • બુધવાર, ડિસેમ્બર ૧૮
  • ગુરુવાર, ડિસેમ્બર ૧૯
  • શુક્રવાર, ડિસેમ્બર ૨૦
  • શનિવાર, ડિસેમ્બર ૨૧
  • રવિવાર, ડિસેમ્બર ૨૨
  • સોમવાર, ડિસેમ્બર ૨૩
  • મંગળવાર, ડિસેમ્બર ૨૪
  • બુધવાર, ડિસેમ્બર ૨૫
  • ગુરુવાર, ડિસેમ્બર ૨૬
  • શુક્રવાર, ડિસેમ્બર ૨૭
  • શનિવાર, ડિસેમ્બર ૨૮
  • રવિવાર, ડિસેમ્બર ૨૯
  • સોમવાર, ડિસેમ્બર ૩૦
  • મંગળવાર, ડિસેમ્બર ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
es24 પાન ૧૪૮-૧૬૦

ડિસેમ્બર

રવિવાર, ડિસેમ્બર ૧

“બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?”—પ્રે.કા. ૮:૩૬.

શું ઇથિયોપિયાના અધિકારી ખરેખર બાપ્તિસ્મા માટે તૈયાર હતા? ચાલો એ સમજીએ, ઇથિયોપિયાના અધિકારી ‘ઈશ્વરની ભક્તિ કરવા યરૂશાલેમ ગયા હતા.’ (પ્રે.કા. ૮:૨૭) એનાથી જાણવા મળે છે કે તેમણે યહૂદી ધર્મ અપનાવ્યો હતો. એમાં કોઈ શંકા નથી કે તે હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી યહોવા વિશે શીખ્યા હતા. પણ તે હજી વધારે શીખવા માંગતા હતા. એવું કેમ કહી શકીએ? ફિલિપ જ્યારે એ અધિકારીને રસ્તામાં મળ્યા, ત્યારે તેમણે જોયું કે એ અધિકારી યશાયા પ્રબોધકનું લખાણ વાંચી રહ્યા હતા. (પ્રે.કા. ૮:૨૮) તે વધારે શીખવા માંગતા હતા. તે લાંબી મુસાફરી કરીને છેક ઇથિયોપિયાથી યરૂશાલેમ ગયા, જેથી મંદિરમાં યહોવાની ભક્તિ કરી શકે. ઇથિયોપિયાના અધિકારી ફિલિપ પાસેથી અમુક નવી વાતો શીખ્યા. એમાંની એક હતી, ઈસુ જ મસીહ છે. (પ્રે.કા. ૮:૩૪, ૩૫) તેમના દિલમાં યહોવા અને તેમના દીકરા માટેનો પ્રેમ વધ્યો. એટલે તેમણે બાપ્તિસ્મા લઈને ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાનો મોટો નિર્ણય લીધો. જ્યારે ફિલિપે જોયું કે અધિકારી બાપ્તિસ્મા લેવા તૈયાર છે, ત્યારે ફિલિપે તેમને બાપ્તિસ્મા આપ્યું. w૨૩.૦૩ ૮-૯ ¶૩-૬

સોમવાર, ડિસેમ્બર ૨

“સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો.” —કોલો. ૪:૬.

જો આપણે યહોવાને ખુશ કરવા માંગતા હોઈએ તો આપણે જૂઠું ન બોલીએ. (નીતિ. ૬:૧૬, ૧૭) જોકે આજે દુનિયામાં જૂઠું બોલવું એકદમ સામાન્ય થઈ ગયું છે. પણ આપણે જાણીએ છીએ કે યહોવાની નજરે એ ખોટું છે. (ગીત. ૧૫:૧, ૨) આપણે સીધેસીધું જૂઠું તો બોલતા નથી, પણ જાણીજોઈને અધૂરી માહિતી ન આપીએ જેથી લોકોને ગેરસમજણ થાય. આપણે ચાડી-ચુગલી ન કરવી જોઈએ. (નીતિ. ૨૫:૨૩; ૨ થેસ્સા. ૩:૧૧) જો આપણને લાગે કે કોઈ ચાડી-ચુગલી કરી રહ્યું છે તો વાતને વાળી દઈએ અને સારા વિષય પર વાત કરવા લાગીએ. આજકાલ દુનિયાના લોકોની વાણી સાવ ખરાબ થઈ ગઈ છે. એટલે યહોવા ખુશ થાય એવું બોલવા આપણે મહેનત કરવી જોઈએ. એટલે પ્રચાર, સભાઓ અને રોજબરોજની વાતચીતમાં એવું બોલીએ કે યહોવાને મહિમા મળે. એવું કરીશું તો તે ખુશ થશે અને આપણને આશીર્વાદ આપશે. યહોવા જલદી જ આ દુષ્ટ દુનિયાનો નાશ કરશે ત્યારે, આપણી વાણીથી યહોવાનો મહિમા કરવો સહેલું થઈ જશે.—યહૂ. ૧૫. w૨૨.૦૪ ૯ ¶૧૮-૨૦

મંગળવાર, ડિસેમ્બર ૩

“આપણે પ્રેમ કરીએ છીએ, કેમ કે ઈશ્વરે પહેલા આપણને પ્રેમ કર્યો.” —૧ યોહા. ૪:૧૯.

યહોવા અને ઈસુ આપણને બહુ પ્રેમ કરે છે. એ જોઈને આપણે પણ તેઓને પ્રેમ કરવા પ્રેરાઈએ છીએ. (૧ યોહા. ૪:૧૦) જ્યારે વિચારીએ છીએ કે ‘ઈસુએ મારા માટે પોતાનો જીવ આપી દીધો,’ ત્યારે તેમના માટે આપણો પ્રેમ વધે છે. પ્રેરિત પાઉલ પણ એવું જ વિચારતા હતા. તે ઈસુના બલિદાનની ઘણી કદર કરતા હતા. તેમણે ગલાતીઓને પત્રમાં લખ્યું: ‘ઈશ્વરના દીકરાએ મને પ્રેમ બતાવ્યો અને મારા માટે પોતાનો જીવ આપી દીધો.’ (ગલા. ૨:૨૦) ઈસુએ ચૂકવેલી કિંમતને આધારે યહોવાએ તમને પોતાની પાસે દોર્યા છે અને દોસ્તીનો હાથ લંબાવ્યો છે. (યોહા. ૬:૪૪) યહોવાએ તમારામાં કંઈક સારું જોયું અને તમારી સાથે દોસ્તી કરવા આટલી મોટી કિંમત ચૂકવી. એ વિશે તમને કેવું લાગે છે? તમારું દિલ કદરથી ઊભરાઈ જતું હશે, તેઓ માટે તમારા દિલમાં પ્રેમ છલકાઈ જતો હશે. યહોવા અને ઈસુને પ્રેમ કરતા હોઈશું તો કઈ રીતે એ આપણાં કામોમાં દેખાઈ આવશે? આપણે યહોવા અને ઈસુને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે બીજાઓને પણ પ્રેમ કરવા પ્રેરાઈએ છીએ.—૨ કોરીં. ૫:૧૪, ૧૫; ૬:૧, ૨. w૨૩.૦૧ ૨૮ ¶૬-૭

બુધવાર, ડિસેમ્બર ૪

“હું લોકોને શુદ્ધ ભાષા શીખવીશ.”—સફા. ૩:૯.

યહોવા ચાહે છે કે તેમના બધા ભક્તો “ખભેખભા મિલાવીને તેમની સેવા કરે.” બાઇબલ દ્વારા યહોવાની એ ઇચ્છા પૂરી થાય છે. યહોવાએ શાસ્ત્રમાં ઘણી વાતો એ રીતે લખાવી છે, જે ફક્ત નમ્ર લોકો સમજી શકે છે. (લૂક ૧૦:૨૧) આજે આખી દુનિયામાં ઘણા લોકો બાઇબલ વાંચે છે. પણ ફક્ત નમ્ર લોકો જ એને સમજી શકે છે અને એમાં લખેલી વાતો પાળી શકે છે. (૨ કોરીં. ૩:૧૫, ૧૬) યહોવા કેટલા બુદ્ધિશાળી છે એ આપણે બાઇબલથી સમજી શકીએ છીએ. યહોવા બાઇબલ દ્વારા પોતાના લોકોને એક સમૂહ તરીકે શીખવે છે. એટલું જ નહિ, તે એકેએક વ્યક્તિને પણ એમાંથી શીખવે છે અને દિલાસો આપે છે. આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે અહેસાસ થાય છે કે યહોવા માટે એકેએક વ્યક્તિ કીમતી છે. (યશા. ૩૦:૨૧) દાખલા તરીકે, ઘણી વાર તમે બાઇબલ વાંચ્યું હશે અને તમને થયું હશે ‘અરે, આ કલમ તો મારા માટે જ લખવામાં આવી છે!’ ગજબની વાત તો એ છે કે દુનિયાના લાખો લોકોને બાઇબલ વિશે એવું જ લાગે છે. એવું કઈ રીતે બની શકે કે હજારો વર્ષો પહેલાં લખાયેલા પુસ્તકથી આજે એકેએક વ્યક્તિને ફાયદો થાય? એવું બની શકે છે, કેમ કે એના લેખક આખા બ્રહ્માંડમાં સૌથી બુદ્ધિશાળી છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭. w૨૩.૦૨ ૪-૫ ¶૮-૧૦

ગુરુવાર, ડિસેમ્બર ૫

“આ વાતો પર વિચાર કરજે અને એમાં મન પરોવેલું રાખજે, જેથી તારી પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવે.”—૧ તિમો. ૪:૧૫.

આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ. આપણે તન-મનથી તેમની ભક્તિ કરવા માંગીએ છીએ. એમ કરવા આપણે ભક્તિને લગતા ધ્યેય રાખવા જોઈએ. આપણે સારા ગુણો કેળવવા, આવડત કેળવવા અને બીજાઓને મદદ કરવા ધ્યેય રાખી શકીએ. આપણે કેમ ધ્યેય રાખીને એ પૂરા કરવા માંગીએ છીએ? સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ એ છે કે આપણે પિતા યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. તેમની ભક્તિમાં આપણી આવડતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે, તેમનું દિલ ખુશ થાય છે. બીજું, આપણે ભાઈ-બહેનોને વધારે મદદ કરવા માંગીએ છીએ. (૧ થેસ્સા. ૪:૯, ૧૦) ભલે આપણે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, તોપણ ધ્યેય રાખવા જોઈએ અને એ પૂરા કરવા મહેનત કરવી જોઈએ. w૨૨.૦૪ ૨૨ ¶૧-૨

શુક્રવાર, ડિસેમ્બર ૬

‘તેઓ તેનું માંસ ખાશે અને તેને અગ્‍નિથી પૂરેપૂરી બાળી નાખશે.’—પ્રકટી. ૧૭:૧૬.

બધી સરકારો જલદી જ મહાન બાબેલોન, એટલે કે દુનિયાના બધા જૂઠા ધર્મો પર હુમલો કરશે. એ બનાવથી મોટી વિપત્તિની શરૂઆત થશે. શું ધર્મોના નાશ પછી ઘણા લોકો યહોવા પાસે દોડી આવશે? ના, જરાય નહિ. પ્રકટીકરણ અધ્યાય ૬માં જણાવ્યું છે કે એ લોકો બચવા માટે પર્વતોમાં આશરો લેશે. પર્વતો, એટલે કે રાજકીય અને વેપારી સંગઠન પર તેઓ આધાર રાખશે. તેઓ યહોવાના રાજ્યને ટેકો નહિ આપે. એ તો જાણે યહોવાની સામે થવા બરાબર છે. એટલે યહોવા તેઓને પોતાના દુશ્મન ગણશે. (લૂક ૧૧:૨૩; પ્રકટી. ૬:૧૫-૧૭) મોટી વિપત્તિ વખતે યહોવાના વફાદાર ભક્તો અલગ તરી આવશે. ફક્ત તેઓ જ પોતાના ઈશ્વર યહોવાની ભક્તિ કરતા હશે. તેઓ “જંગલી જાનવરને” જરાય ટેકો નહિ આપે.—પ્રકટી. ૧૩:૧૪-૧૭. w૨૨.૦૫ ૧૬ ¶૮-૯

શનિવાર, ડિસેમ્બર ૭

“તેની પાસે હંમેશાં ટકનારી ખુશખબર હતી. તે પૃથ્વી પર રહેનારાઓ, એટલે કે દરેક દેશ, કુળ, બોલી અને પ્રજાને એ જાહેર કરે છે.”—પ્રકટી. ૧૪:૬.

ઈશ્વરભક્તો ‘રાજ્યની ખુશખબર’ ફેલાવે છે. (માથ. ૨૪:૧૪) એની સાથે સાથે તેઓ શેતાનની દુનિયાના લોકોને ન્યાયનો સંદેશો પણ સંભળાવે છે. એ સંદેશો “કરા અને આગ” જેવો છે. (પ્રકટી. ૮:૭, ૧૩) ઈશ્વરભક્તો એ સંદેશો જણાવીને દૂતોને સાથ આપે છે. પ્રકટીકરણ અધ્યાય ૮-૧૦માં દૂતોનાં કામ વિશે જણાવ્યું છે. દૂતો જાહેર કરે છે કે જે લોકો ઈશ્વરના રાજ્યને સ્વીકારશે નહિ, તેઓ પર એક પછી એક ભયંકર મુસીબત આવશે. યહોવાના સાક્ષીઓ જાણે છે કે લોકોના જીવન-મરણનો સવાલ છે. એટલે તેઓ લોકોને જણાવે છે કે દુનિયાનો અંત આવે એ પહેલાં જીવનમાં ફેરફાર કરે. જો તેઓ ફેરફાર કરશે, તો યહોવાના કોપના દિવસે બચી જશે. (સફા. ૨:૨, ૩) પણ લોકોને એ સંદેશો સાંભળવો ગમતો નથી. એટલે એ સંદેશો જણાવવા આપણને હિંમતની ઘણી જરૂર છે. મોટી વિપત્તિ વખતે આપણને વધારે હિંમતની જરૂર પડશે. કેમ કે એ સમયે આપણે છેલ્લી વાર ન્યાયનો કડક સંદેશો સંભળાવીશું અને ઘણા લોકો આપણો વિરોધ કરશે.—પ્રકટી. ૧૬:૨૧. w૨૨.૦૫ ૬-૭ ¶૧૮-૧૯

રવિવાર, ડિસેમ્બર ૮

“તું પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.” —માથ. ૨૨:૩૭.

એક પતિ-પત્ની વિશે વિચાર કરો, જે મા-બાપ બનવાના છે. તેઓએ બાળકના ઉછેર વિશે વર્ષોથી પ્રવચનો સાંભળ્યાં હશે. પણ જ્યારે તેઓ માતા-પિતા બને છે ત્યારે એ સલાહ તેઓ માટે મહત્ત્વની બની જાય છે. તેઓ સમજે છે કે બાળકનો ઉછેર કરવો એક મોટી જવાબદારી છે. ક્યારેક આપણાં જીવનમાં પણ સંજોગો બદલાય છે ત્યારે બાઇબલના અમુક સિદ્ધાંતો આપણા માટે મહત્ત્વના બની જાય છે. એ એક કારણને લીધે યહોવાના ભક્તો ઇઝરાયેલના રાજાઓની જેમ શાસ્ત્રમાંથી “દરરોજ” વાંચે છે. એટલું જ નહિ એના પર મનન કરે છે. (પુન. ૧૭:૧૯) માતા-પિતાઓ, તમારી પાસે એક ખાસ લહાવો છે. તમારાં બાળકોને યહોવા વિશે શીખવવાનો લહાવો. તમે ફક્ત તેઓને યહોવા વિશે માહિતી જ આપવા નથી માંગતાં, તેઓનાં દિલમાં યહોવા માટે ઊંડો પ્રેમ પણ જગાડવા માંગો છો. w૨૨.૦૫ ૨૬ ¶૨-૩

સોમવાર, ડિસેમ્બર ૯

“નવો સ્વભાવ પહેરી લો.”—કોલો. ૩:૧૦.

યહોવા જ્યારે જુએ છે કે પાપ માટે આપણને અફસોસ છે અને સુધારો કરવા માંગીએ છીએ, ત્યારે તે આપણને માફ કરશે. જોકે આપણે બીજું પણ કંઈક કરવાની જરૂર છે. એ શું છે? યહોવા ધ્યાન આપે છે કે વ્યક્તિએ પોતાનામાં પૂરેપૂરો ફેરફાર કર્યો છે કે કેમ. પૂરેપૂરો ફેરફાર કરવાનો અર્થ થાય “પાછા ફરવું.” બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિએ ખોટાં કામો છોડી દેવા જોઈએ અને યહોવા ચાહે છે એ રીતે જીવવું જોઈએ. (યશા. ૫૫:૭) તેણે પોતાના વિચારોમાં ફેરફાર કરવો જોઈએ. યહોવા વિચારે છે એ રીતે વિચારવું જોઈએ. (રોમ. ૧૨:૨; એફે. ૪:૨૩) તેણે પાકો નિર્ણય લેવો જોઈએ કે તે હવેથી ખરાબ બાબતોનો વિચાર નહિ કરે, ખોટાં કામો નહિ કરે. (કોલો. ૩:૭-૯) યહોવા આપણને ઈસુના બલિદાનના આધારે માફી આપે છે અને બધાં પાપોથી શુદ્ધ કરે છે. પણ જો આપણે પોતાનામાં ફેરફાર કરવા બનતું બધું કરીશું અને ખોટાં કામો છોડી દઈશું, તો જ યહોવા માફ કરશે.—૧ યોહા. ૧:૭. w૨૨.૦૬ ૬ ¶૧૬-૧૭

મંગળવાર, ડિસેમ્બર ૧૦

“તારા પર જે આવી પડવાનું છે એનાથી ગભરાઈશ નહિ.”—પ્રકટી. ૨:૧૦.

આદમ-હવાએ યહોવા વિરુદ્ધ બળવો કર્યો ત્યારથી જ માણસો એકબીજાને નુકસાન પહોંચાડવા લાગ્યા. (સભા. ૮:૯) દાખલા તરીકે, અધિકારીઓ હોદ્દાનો દુરુપયોગ કરે છે. ગુનેગારો હિંસામાં રચ્યાપચ્યા રહે છે. સ્કૂલમાં અમુક બાળકો બીજાં બાળકોને હેરાન કરે છે, ડરાવે-ધમકાવે છે. અમુક લોકો તો કુટુંબના સભ્યો સાથે મારપીટ કરે છે. એ બધાને લીધે એક માણસ બીજા માણસથી ડરે છે. શેતાન કઈ રીતે આ ડરનો ફાયદો ઉઠાવે છે? શેતાન ચાહે છે કે માણસોનો ડર આપણા પર એટલો હાવી થઈ જાય કે પ્રચાર કરવાનું બંધ કરી દઈએ. યહોવાની આજ્ઞાઓ પાળવાનું છોડી દઈએ. શેતાન સરકારોનો ઉપયોગ કરીને આપણા કામ પર પ્રતિબંધ મૂકે છે. આપણી સતાવણી કરે છે. (લૂક ૨૧:૧૨) શેતાનની દુનિયાના ઘણા લોકો યહોવાના સાક્ષીઓ વિશે અફવાઓ અને જૂઠાણાં ફેલાવે છે. અમુક લોકો એ સાંભળીને કદાચ આપણી મજાક ઉડાવે અથવા આપણા પર જુલમ ગુજારે. (માથ. ૧૦:૩૬) પણ શું શેતાનનાં એ કાવતરાં કંઈ નવાં છે? ના, ઈસુના શિષ્યો સાથે પણ તેણે એવું જ કર્યું હતું.—પ્રે.કા. ૫:૨૭, ૨૮, ૪૦. w૨૨.૦૬ ૧૬ ¶૧૦-૧૧

બુધવાર, ડિસેમ્બર ૧૧

“જેઓ ઘણાને સત્યના માર્ગે દોરી લાવે છે, તેઓ તારાઓની જેમ સદાને માટે ચમકતા રહેશે.”—દાનિ. ૧૨:૩.

અભિષિક્તો કોને સત્યના માર્ગે દોરી લાવશે? નવી દુનિયામાં જેઓને જીવતા કરવામાં આવશે તેઓને, આર્માગેદનમાંથી બચી ગયેલા લોકોને અને નવી દુનિયામાં જે બાળકો જન્મશે તેઓને પણ. ૧,૦૦૦ વર્ષના અંતે બધામાંથી પાપની અસર એકદમ દૂર થઈ ગઈ હશે. એક વ્યક્તિમાંથી પાપ દૂર થઈ જાય તો એનો એવો મતલબ નથી કે તેને હંમેશ માટેનું જીવન મળશે. આદમ અને હવાનો જ વિચાર કરો. તેઓમાં પાપ ન હતું, તોપણ તેઓ યહોવાની આજ્ઞા પાળવાનું ચૂકી ગયાં. એટલે તેઓને હંમેશ માટેનું જીવન ના મળ્યું. એવી જ રીતે ભલે એક વ્યક્તિ પાપથી આઝાદ હોય, પણ તેણે યહોવાની આજ્ઞા પાળવી પડશે. તેણે બતાવવું પડશે કે તે યહોવાને વફાદાર છે. એમ કરશે તો જ તેને હંમેશ માટેનું જીવન મળશે. (રોમ. ૫:૧૨) આપણે જાણીએ છીએ કે ૧,૦૦૦ વર્ષના અંતે લોકોમાંથી પાપની અસર દૂર થઈ ગઈ હશે. શું એ બધા લોકો યહોવાના રાજને કાયમ ટેકો આપશે? કે પછી અમુક લોકો આદમ અને હવાની જેમ વર્તશે, જેઓમાં પાપ ન હતું તોપણ યહોવાની આજ્ઞા તોડી હતી? ૧,૦૦૦ વર્ષ પછી એવું કંઈક બનશે જેનાથી ખબર પડશે કે કોણ યહોવાને વફાદાર છે અને કોણ નહિ. w૨૨.૦૯ ૨૨-૨૩ ¶૧૨-૧૪

ગુરુવાર, ડિસેમ્બર ૧૨

“દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું અને તેમના ખ્રિસ્તનું થયું છે.” —પ્રકટી. ૧૧:૧૫.

આજે દુનિયાની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. કુટુંબોમાં તિરાડ પડી રહી છે. લોકો સ્વાર્થી, ગુસ્સાવાળા અને જુલમી થઈ ગયા છે. બેઈમાન અધિકારીઓ પરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો છે. આ બધું જોઈને કદાચ આપણને થાય, આ દુનિયા તો ક્યારેય સુધરવાની નથી, કદી સારા દિવસો નહિ આવે. હકીકતમાં દુનિયાની આવી હાલત જોઈને આપણો ભરોસો મજબૂત થવો જોઈએ કે બહુ જલદી બધું ઠીક થઈ જશે. બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે “છેલ્લા દિવસોમાં” લોકો આવા હશે. (૨ તિમો. ૩:૧-૫) એમાં કોઈ શંકા નથી કે એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. એનાથી સાબિત થાય છે કે ઈશ્વરના રાજ્યમાં ખ્રિસ્ત ઈસુએ રાજ કરવાનું શરૂ કર્યું છે. બાઇબલમાં ઈશ્વરના રાજ્યને લગતી ઘણી ભવિષ્યવાણીઓ છે. એ બધી ભવિષ્યવાણીઓ મોટા ચિત્રના નાના નાના ટુકડાઓ જેવી છે. એને જોડીને આપણે આખું ચિત્ર સરસ રીતે જોઈ શકીશું. એટલે કે પારખી શકીશું કે ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ છે અને યહોવાના વચન પ્રમાણે અંત બહુ નજીક છે. w૨૨.૦૭ ૨ ¶૧-૨

શુક્રવાર, ડિસેમ્બર ૧૩

“જ્ઞાન પોતાનાં કાર્યોથી ખરું સાબિત થાય છે.”—માથ. ૧૧:૧૯.

કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ એના થોડા સમયમાં જ આપણને માર્ગદર્શન મળ્યું કે સભાઓ અને પ્રચાર કઈ રીતે થશે. રાતોરાત બધું બદલાઈ ગયું! સભાઓ, સંમેલનો અને મહાસંમેલનો ઓનલાઇન થવા લાગ્યાં. આપણે પત્ર અને ફોનથી ખુશખબર ફેલાવવા લાગ્યા. યહોવાએ આપણાં કામ પર આશીર્વાદ વરસાવ્યા. અનેક દેશોમાં પ્રકાશકોની સંખ્યામાં વધારો થયો. ઘણાં ભાઈ-બહેનોને પ્રચારમાં સારા અનુભવો થયાં. મહામારી વખતે અમુક લોકોને લાગ્યું હશે કે આપણું સંગઠન વધારે પડતી સાવચેતી રાખવાનું કહે છે. પણ આપણે જોઈ શક્યા કે સંગઠન દ્વારા જે કંઈ માર્ગદર્શન મળ્યું, એનાથી આપણું જ રક્ષણ થયું. ઈસુને આપણી ખૂબ જ ચિંતા છે અને તે પ્રેમાળ રીતે આપણી આગેવાની લે છે. એના પર વિચાર કરીએ છીએ ત્યારે આપણો ભરોસો વધે છે કે ભલે આગળ જતાં કંઈ પણ થાય, યહોવા અને ઈસુ આપણો સાથ ક્યારેય નહિ છોડે.—હિબ્રૂ. ૧૩:૫, ૬. w૨૨.૦૭ ૧૩ ¶૧૫-૧૬

શનિવાર, ડિસેમ્બર ૧૪

“સતત પ્રાર્થના કરો. બધી બાબતો માટે આભાર માનો. ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારા માટે ઈશ્વરની એવી ઇચ્છા છે.”—૧ થેસ્સા. ૫:૧૭, ૧૮.

યહોવાનો જયજયકાર કરવાની સાથે સાથે આપણે તેમનો આભાર પણ માનવો જોઈએ. જરા વિચારો, યહોવાએ આપણા માટે કેટકેટલું કર્યું છે! તેમણે રંગબેરંગી ફૂલો બનાવ્યાં છે. જાતજાતનું સ્વાદિષ્ટ ખાવાનું આપ્યું છે. સારા દોસ્તો આપ્યા છે, જેઓ સાથે સમય વિતાવીને મજા આવે છે. પ્રેમાળ પિતા યહોવાએ આપણા માટે બીજું ઘણું કર્યું છે. તે તો બસ આપણને ખુશ જોવા ચાહે છે. (ગીત. ૧૦૪:૧૨-૧૫, ૨૪) ખાસ તો, તેમણે આપણને બાઇબલ અને ઘણાં સાહિત્ય પૂરાં પાડ્યાં છે. તેમણે આપણને ભાવિની સુંદર આશા આપી છે. એ બધા માટે આપણે યહોવાનો ખૂબ ખૂબ આભાર માની શકીએ છીએ. યહોવા આપણા માટે ઘણું બધું કરે છે. પણ અમુક વાર આપણે તેમનો આભાર માનવાનું ચૂકી જઈએ છીએ. જો તમારી સાથે પણ એવું થતું હોય, તો તમે શું કરી શકો? તમે યહોવાને પ્રાર્થનામાં જે અરજ કરો છો, એનું એક લિસ્ટ બનાવી શકો. થોડા થોડા સમયે એ લિસ્ટ જોતા રહો. જુઓ કે યહોવા કઈ રીતે તમારી પ્રાર્થનાનો જવાબ આપે છે. પછી એ માટે યહોવાનો આભાર માનો.—કોલો. ૩:૧૫. w૨૨.૦૭ ૨૨ ¶૮-૯

રવિવાર, ડિસેમ્બર ૧૫

“તે યહોવાના નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે, તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.”—ગીત. ૧:૨.

બાઇબલનો અભ્યાસ કરવો જરૂરી છે. પણ એટલું જ પૂરતું નથી. આપણે એ પ્રમાણે જીવવું જોઈએ, એટલે કે જે શીખીએ એને લાગુ પાડીએ. એવું કરીશું તો જ સાચી ખુશી મળશે. (યાકૂ. ૧:૨૫) પણ કઈ રીતે જાણી શકીએ કે આપણે બાઇબલનાં શિક્ષણ પ્રમાણે જીવીએ છીએ કે નહિ? એક ભાઈએ જણાવ્યું કે આપણે પોતાની તપાસ કરીએ. વિચારીએ કે કઈ બાબતોમાં આપણે બાઇબલનાં શિક્ષણ પ્રમાણે કરીએ છીએ અને ક્યાં સુધારો કરવાની જરૂર છે. પ્રેરિત પાઉલે પણ જણાવ્યું: “આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.” (ફિલિ. ૩:૧૬) આપણે બાઇબલનાં શિક્ષણ પ્રમાણે, એટલે કે ‘સત્યના માર્ગે ચાલતા રહેવા’ પૂરી કોશિશ કરીએ છીએ. જરા વિચારો, એનાથી કેટલા ફાયદા થાય છે! આપણે સારું જીવન જીવી શકીએ છીએ. યહોવાનું દિલ ખુશ કરી શકીએ છીએ. ભાઈ-બહેનો પણ ખુશ થાય છે. (નીતિ. ૨૭:૧૧; ૩ યોહા. ૪) તો ચાલો આપણે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ અને એ પ્રમાણે જીવન જીવીએ. w૨૨.૦૮ ૧૮-૧૯ ¶૧૬-૧૮

સોમવાર, ડિસેમ્બર ૧૬

“ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો.”—૧ પિત. ૫:૨.

વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ યહોવા અને ઈસુને પ્રેમ કરે છે? એક મહત્ત્વની રીત છે, ઈસુનાં ઘેટાંની સંભાળ રાખવી. (૧ પિત. ૫:૧, ૨) ઈસુએ પિતરને એવું જ કીધું હતું. પિતરે ઈસુનો ત્રણ વાર નકાર કર્યો. એ પછી પિતર ઘણા દુઃખી થયા હશે. તે ઈસુને પ્રેમ કરે છે એ બતાવવાની તક શોધતા હશે. ઈસુ જીવતા થયા પછી તેમણે પિતરને પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” પિતર ઈસુને પ્રેમ કરે છે એ બતાવવા તે ચોક્કસ કંઈ પણ કરવા તૈયાર હશે. ઈસુએ તેમને કીધું: “મારાં નાનાં ઘેટાંની સંભાળ રાખ.” (યોહા. ૨૧:૧૫-૧૭, ફૂટનોટ) પિતરે આખી જિંદગી એ શબ્દો યાદ રાખ્યા. તેમણે પ્રેમથી ઈસુનાં ઘેટાંની સંભાળ રાખી. આમ તેમણે બતાવી આપ્યું કે તે ઈસુને ખૂબ પ્રેમ કરે છે. વડીલો, તમે કઈ રીતે બતાવી શકો કે તમે પણ ઈસુની એ વાત માનો છો? ભાઈ-બહેનોની ઉત્તેજન આપતી મુલાકાત લો. ખાસ કરીને એવાં ભાઈ-બહેનોની મુલાકાત લો જેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા છે. તેઓને યહોવા પાસે પાછા આવવા મદદ કરો.—હઝકિ. ૩૪:૧૧, ૧૨. w૨૩.૦૧ ૨૯ ¶૧૦-૧૧

મંગળવાર, ડિસેમ્બર ૧૭

“ઈશ્વર વિશ્વાસુ છે. તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે તમારા પર આવવા દેશે નહિ.”—૧ કોરીં. ૧૦:૧૩.

ક્યારેય એવું ન વિચારશો કે તમે જે તકલીફનો સામનો કરો છો એને કોઈ નહિ સમજી શકે. એવું વિચારશો તો નિરાશ થઈ જશો. તમને લાગશે કે તમે ક્યારેય ખોટી ઇચ્છાઓને કાબૂમાં નહિ કરી શકો. બાઇબલમાં જણાવ્યું છે: “તમારા પર કસોટી આવે ત્યારે, તે એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવશે, જેથી તમે એ સહન કરી શકો.” કોઈ ખોટી ઇચ્છા તમારા પર હાવી થવા લાગે તોપણ તમે યહોવાને વફાદાર રહી શકો છો. તે તમને મદદ કરશે અને તમે ખોટું કામ કરતા પોતાને રોકી શકશો. હંમેશાં યાદ રાખીએ કે પાપી હોવાને લીધે કદાચ ખોટી ઇચ્છાઓને મનમાં આવતા રોકી ન શકીએ. પણ આપણે એને મનમાંથી કાઢી શકીએ છીએ. ખોટાં કામો કરવાથી પોતાને અટકાવી શકીએ છીએ. યૂસફે પણ એવું જ કર્યું હતું. પોટીફારની પત્નીએ યૂસફને પોતાની સાથે સૂઈ જવા કહ્યું. પણ યૂસફ તરત ત્યાંથી ભાગી ગયા.—ઉત. ૩૯:૧૨. w૨૩.૦૧ ૧૨-૧૩ ¶૧૬-૧૭

બુધવાર, ડિસેમ્બર ૧૮

“ઈશ્વર પક્ષપાત કરતા નથી.”—રોમ. ૨:૧૧.

યહોવાની એક ખાસિયત છે કે તે હંમેશાં સાચો ન્યાય કરે છે. (પુન. ૩૨:૪) એક ન્યાયી વ્યક્તિ પક્ષપાત કરતી નથી. એવી જ રીતે, યહોવા પણ પક્ષપાત કરતા નથી. (પ્રે.કા. ૧૦:૩૪, ૩૫) તેમણે જે ભાષાઓમાં બાઇબલ લખાવ્યું એનાથી એ વાત સાબિત થાય છે. યહોવાએ વચન આપ્યું હતું કે અંતના સમયમાં બાઇબલમાં આપેલા “સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે,” એટલે કે ઘણા લોકો એ સમજી શકશે. (દાનિ. ૧૨:૪) આજે એવું જ થઈ રહ્યું છે. બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યનું ઘણી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે, મોટા પ્રમાણમાં બહાર પાડવામાં આવે છે અને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આમ, ઘણા લોકો બાઇબલમાં લખેલી વાતો સમજી શકે છે. યહોવાના ભક્તો જે બાઇબલ છાપે છે, એ લોકો મફત મેળવી શકે છે. એટલું જ નહિ, તેઓએ આખું બાઇબલ અથવા બાઇબલનાં અમુક પુસ્તકોનું ૨૪૦થી વધારે ભાષામાં ભાષાંતર કર્યું છે. એ કારણે બધા દેશના લોકો અંત આવે એ પહેલાં ઈશ્વરના ‘રાજ્યની ખુશખબર’ જાણી શકે છે. (માથ. ૨૪:૧૪) આપણા ન્યાયી ઈશ્વર યહોવા ચાહે છે કે વધારે ને વધારે લોકો બાઇબલ વાંચીને તેમને ઓળખે, કેમ કે તે બધાને અનહદ પ્રેમ કરે છે. w૨૩.૦૨ ૫ ¶૧૧-૧૨

ગુરુવાર, ડિસેમ્બર ૧૯

“આ દુનિયાની અસર તમારા પર ન થવા દો. પણ ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો.”—રોમ. ૧૨:૨.

તમે પણ યહોવાની નજરે જે ખરું છે, એ કરવા માંગતા હશો. પણ આપણે બધા પાપી છીએ. જો ધ્યાન નહિ રાખીએ તો સહેલાઈથી દુનિયાના લોકો જેવું વિચારવા લાગી શકીએ. ખરું-ખોટું પારખવું અઘરું થઈ શકે. (યશા. ૫:૨૦) અમુક લોકો પોતાને બહુ ધાર્મિક સમજે છે. બહુ સિદ્ધાંતવાદી હોય છે. વાતે વાતે બીજાઓમાં વાંધાવચકા કાઢે છે. તેઓને લાગે છે કે પોતે બહુ નેક છે. પણ શું એવી વ્યક્તિને નેક કહેવાય? યહોવાને એવા લોકો જરાય ગમતા નથી. ઈસુને પણ એવા લોકો ગમતા ન હતા. તે પૃથ્વી પર હતા ત્યારે એવા ધર્મગુરુઓને તેમણે બરાબરના ખખડાવ્યા. કેમ કે તેઓ પોતાને બહુ ધાર્મિક સમજતા હતા. તેઓએ ખરા-ખોટા વિશે પોતાના જ નિયમો ઘડી કાઢ્યા હતા. (સભા. ૭:૧૬; લૂક ૧૬:૧૫) તો પછી નેક હોવું એટલે શું? નેક હોવું એટલે યહોવાની નજરે ખરું છે એ કરવું. બાઇબલના મૂળ લખાણમાં “નેક” અથવા “નેકી” માટે જે શબ્દો વપરાયા હતા, એનું અલગ અલગ શબ્દોથી ભાષાંતર થયું છે. પણ એ બધા શબ્દોનો મતલબ એક જ છે. એ કે યહોવાનાં ઊંચાં ધોરણો પ્રમાણે જીવવું. w૨૨.૦૮ ૨૬-૨૭ ¶૩-૫

શુક્રવાર, ડિસેમ્બર ૨૦

“હું તમને મારા મિત્રો કહું છું.”—યોહા. ૧૫:૧૫.

ઈસુનો વિચાર કરીએ. તેમના શિષ્યોએ ઘણી ભૂલો કરી. છતાં ઈસુએ તેઓ પર ભરોસો કરવાનું પડતું ના મૂક્યું. (યોહા. ૧૫:૧૬) એકવાર યાકૂબ અને યોહાને ઈસુને કીધું કે તેઓ ઈસુના રાજમાં તેમની જમણે અને ડાબે બેસવા માંગે છે. ઈસુ જાણતા હતા કે તેઓ જે કહી રહ્યા છે એ યોગ્ય નથી. તોપણ તેઓ કયા ઇરાદાથી યહોવાની ભક્તિ કરે છે એના પર ઈસુએ સવાલ ન ઉઠાવ્યો. તેમણે તેઓ પાસેથી પ્રેરિત હોવાનો લહાવો લઈ ન લીધો. (માર્ક ૧૦:૩૫-૪૦) સમય જતાં, ઈસુને પકડવામાં આવ્યા એ રાતે બધા શિષ્યો તેમને એકલા મૂકીને ભાગી ગયા. (માથ. ૨૬:૫૬) પણ ઈસુ તેઓ પર ભરોસો કરતા રહ્યા. તેમને ખબર હતી કે તેઓમાં અમુક નબળાઈઓ છે. પણ “તેઓ પર તેમણે છેલ્લી ઘડી સુધી પ્રેમ રાખ્યો.” (યોહા. ૧૩:૧) મરણમાંથી ફરી જીવતા થયા પછી ઈસુએ ૧૧ વફાદાર પ્રેરિતોને એક મોટી જવાબદારી સોંપી. એ જવાબદારી હતી કે તેઓ શિષ્યો બનાવવાના કામમાં આગેવાની લે અને તેમનાં ઘેટાંની સંભાળ રાખે. (માથ. ૨૮:૧૯, ૨૦; યોહા. ૨૧:૧૫-૧૭) પ્રેરિતોએ એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. તેઓ છેલ્લા શ્વાસ સુધી યહોવા અને ઈસુને વફાદાર રહ્યા. આપણે ઈસુ વિશે જોઈ ગયા. તેઓએ લોકો પર ભરોસો કરવાનું છોડ્યું નહિ. આપણે પણ એવું જ કરવું જોઈએ. w૨૨.૦૯ ૬ ¶૧૨

શનિવાર, ડિસેમ્બર ૨૧

“યહોવા મારા પક્ષે છે; હું જરાય ડરીશ નહિ.”—ગીત. ૧૧૮:૬.

યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને તે હંમેશાં આપણી સાથે છે. એવી ખાતરી રાખીશું તો શેતાન આપણને ડરાવી નહિ શકે. ગીતશાસ્ત્ર ૧૧૮ના લેખકનો વિચાર કરીએ. તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમના ઘણા દુશ્મનો હતા. અરે, અમુક તો મોટા મોટા હોદ્દા પર હતા (કલમ ૯, ૧૦). અમુક વાર તે ખૂબ જ તણાવ મહેસૂસ કરતા હતા (કલમ ૧૩). એટલું જ નહિ, યહોવાએ તેમને કડક સજા કરી હતી (કલમ ૧૮). છતાં તેમને પૂરો ભરોસો હતો કે યહોવા હજુ તેમને પ્રેમ કરે છે. એટલે તેમણે કહ્યું: “હું જરાય ડરીશ નહિ.” તેમને પાકી ખાતરી હતી કે ભલે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે, યહોવા હંમેશાં તેમની પડખે રહેશે. (ગીત. ૧૧૮:૨૯) આપણે પૂરો ભરોસો રાખીએ કે યહોવા આપણને બધાને પ્રેમ કરે છે. એ વાતનો ભરોસો હશે તો આવા ડર પર જીત મેળવી શકીશું: (૧) કુટુંબની જરૂરિયાતો પૂરી નહિ કરી શકીએ એવો ડર, (૨) માણસોનો ડર અને (૩) મરણનો ડર. w૨૨.૦૬ ૧૪-૧૫ ¶૩-૪

રવિવાર, ડિસેમ્બર ૨૨

“જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે, કેમ કે તે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થશે એ પછી, તેને જીવનનો મુગટ મળશે.”—યાકૂ. ૧:૧૨.

યહોવાની ભક્તિને આપણે જીવનમાં પહેલી રાખવી જોઈએ. યહોવા આપણા સર્જનહાર છે એટલે તેમની જ ભક્તિ કરવી જોઈએ. (પ્રકટી. ૪:૧૧; ૧૪:૬, ૭) તે ચાહે છે એ રીતે તેમની ભક્તિ કરવી જોઈએ, એટલે કે “પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી.” (યોહા. ૪:૨૩, ૨૪) પવિત્ર શક્તિની મદદથી આપણે બાઇબલનું શિક્ષણ સમજી શકીએ છીએ અને એના આધારે યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. આપણા કામ પર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકવામાં આવે તોપણ આપણે યહોવાની ભક્તિ કરવામાં પાછી પાની કરવી ન જોઈએ. યહોવાની ભક્તિ કરવાને લીધે આજે ૧૦૦થી પણ વધારે ભાઈ-બહેનો જેલમાં છે. તેઓ જેલમાં પણ યહોવાને પ્રાર્થના કરે છે, અભ્યાસ કરે છે તેમજ બીજાઓને યહોવા અને તેમના રાજ્ય વિશે જણાવે છે. તેઓ એમ કરવાની એકેય તક જવા દેતા નથી. એ બધું કરવાથી તેઓને ખુશી મળે છે. જો આપણી પણ નિંદા કે સતાવણી થાય તો ભરોસો રાખીએ કે યહોવા આપણી સાથે છે અને તે યોગ્ય સમયે આપણને ઇનામ આપશે. આમ આપણે ખુશ રહી શકીશું.—૧ પિત. ૪:૧૪. w૨૨.૧૦ ૯ ¶૧૩

સોમવાર, ડિસેમ્બર ૨૩

‘બુદ્ધિ રક્ષણ આપે છે.’—સભા. ૭:૧૨.

નીતિવચનોમાં યહોવાએ એવી ઘણી સલાહ આપી છે, જે આજે પણ આપણને કામ લાગે છે. એમાંની બે સલાહ પર ધ્યાન આપીએ. પહેલું, જીવનમાં સંતોષ રાખીએ. નીતિવચનો ૨૩:૪, ૫માં સલાહ આપી છે: ‘ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ. પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.’ અમીર હોય કે ગરીબ, બધાએ આજે પૈસા પાછળ દોટ મૂકી છે. એ માટે તેઓ પોતાનું નામ ખરાબ કરે છે. સંબંધો અને સ્વાસ્થ્ય દાવ પર લગાડે છે. (નીતિ. ૨૮:૨૦; ૧ તિમો. ૬:૯, ૧૦) બીજું, સમજી-વિચારીને બોલીએ. વગર વિચાર્યે બોલવાથી બહુ નુકસાન થઈ શકે છે. નીતિનચનો ૧૨:૧૮માં જણાવ્યું છે: “વગર વિચાર્યે બોલવું તલવારના ઘા જેવું છે, પણ સમજુ માણસના શબ્દો ઘા રુઝાવે છે.” બીજાઓની ચાડી-ચુગલી કરવાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે.—નીતિ. ૨૦:૧૯. w૨૨.૧૦ ૨૧ ¶૧૪; ૨૨ ¶૧૬-૧૭

મંગળવાર, ડિસેમ્બર ૨૪

“આ વીંટો ખા અને જઈને ઇઝરાયેલના લોકો સાથે વાત કર.” —હઝકિ. ૩:૧.

હઝકિયેલને સંદેશો જણાવતા પહેલાં એને પોતે પૂરી રીતે સમજવાનો હતો. એમ કરવાથી જ તે લોકોને પૂરી ખાતરી અને ઉત્સાહથી સંદેશો જણાવી શકવાના હતા. તેમણે એ વીંટો ખાધો ત્યારે તેમને નવાઈ લાગી. એ વીંટો તેમને “મધ જેવો મીઠો લાગ્યો.” (હઝકિ. ૩:૩) તેમને એ મીઠો લાગ્યો કેમ કે તે ઘણા ખુશ હતા કે યહોવાએ તેમને પોતાનો સંદેશ જણાવવા માટે પસંદ કર્યા છે. (ગીત. ૧૯:૮-૧૧) પછી યહોવાએ હઝકિયેલને કહ્યું: “હું જે કહું એ બધું ધ્યાનથી સાંભળ અને દિલમાં ઉતાર.” (હઝકિ. ૩:૧૦) યહોવા ચાહતા હતા કે હઝકિયેલ વીંટામાં લખેલી વાતો યાદ કરી લે અને એના પર મનન કરે. એવું કરવાથી તેમની શ્રદ્ધા વધી. તે એ કડક સંદેશાને સમજી પણ શક્યા જે તેમણે લોકોને સંભળાવવાનો હતો. (હઝકિ. ૩:૧૧) તેમણે યહોવાનો એ સંદેશો પોતાના મનમાં ઠસાવી લીધો હતો. એટલે તે લોકોને પૂરા ભરોસા સાથે એ સંદેશો જણાવવા અને સોંપેલું કામ પૂરું કરવા તૈયાર હતા. w૨૨.૧૧ ૬ ¶૧૨-૧૪

બુધવાર, ડિસેમ્બર ૨૫

“બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે.”—૧ શમુ. ૧૫:૨૨.

જો સંગઠનનો કોઈ ફેરફાર સ્વીકારવો અઘરું લાગે તો શું કરી શકીએ? સંગઠનમાં થતા ફેરફારોને પૂરી રીતે સ્વીકારીએ. ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં હતા એ વખતે કહાથીઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ચાલતા. (ગણ. ૩:૨૯, ૩૧; ૧૦:૩૩; યહો. ૩:૨-૪) તેઓ માટે કેટલો મોટો લહાવો! પણ ઇઝરાયેલીઓ વચનના દેશમાં રહેવા લાગ્યા ત્યારે ફેરફારો થયા. હવે પહેલાંની જેમ કરારકોશને વારે વારે બીજી જગ્યાએ લઈ જવાનો ન હતો. એટલે કહાથીઓને બીજાં કામ સોંપવામાં આવ્યાં. (૧ કાળ. ૬:૩૧-૩૩; ૨૬:૧, ૨૪) પણ બાઇબલમાં એવું ક્યાંય લખ્યું નથી કે કહાથીઓએ ફરિયાદ કરી હોય કે કીધું હોય: ‘પહેલાં અમે કેટલું મહત્ત્વનું કામ કરતા હતા. એટલે હવે પણ અમને મોટી જવાબદારી મળવી જોઈએ.’ કહાથીઓ પાસેથી આપણે શું શીખી શકીએ? યહોવાના સંગઠનમાં કોઈ ફેરફાર થાય ત્યારે એને પૂરી રીતે સ્વીકારીએ. બની શકે કે તમે કોઈ જવાબદારી સંભાળતા હો, પણ એના બદલામાં તમને બીજું કોઈ કામ સોંપવામાં આવે. તમને જે કામ મળે એ ખુશી ખુશી કરો. યાદ રાખો, યહોવા તમારી સોંપણી કે જવાબદારીને લીધે નહિ, પણ તમે તેમની આજ્ઞાઓ પાળો છો એટલે તમને અનમોલ ગણે છે. w૨૨.૧૧ ૨૩ ¶૧૦-૧૧

ગુરુવાર, ડિસેમ્બર ૨૬

“કેદમાં હું સાંકળોથી બંધાયેલો હતો, એના લીધે તે કદી શરમાયો નથી.” —૨ તિમો. ૧:૧૬.

પ્રેષિત પાઉલ કેદમાં હતા ત્યારે ઓનેસિફરસે તેમને મદદ કરવા બનતું બધું કર્યું. બાઇબલમાં ઓનેસિફરસ વિશે જણાવ્યું છે કે પાઉલ ‘કેદમાં સાંકળોથી બંધાયેલા હતા, એના લીધે તે કદી શરમાયા નહિ.’ ઓનેસિફરસે રોમમાં પાઉલની ઘણી તપાસ કરી અને તેમને શોધી કાઢ્યા. પછી પાઉલને જે વસ્તુઓની જરૂર હતી, એ લાવી આપી. પાઉલને મદદ કરવા તેમણે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો. ઓનેસિફરસ પાસેથી આપણે શું શીખી શકીએ? ભાઈઓની સતાવણી થાય ત્યારે આપણે ડરીને તેઓનો સાથ છોડી ન દઈએ. હંમેશાં તેઓની પડખે રહીએ અને થઈ શકે એટલી મદદ કરીએ. (નીતિ. ૧૭:૧૭) એ અઘરા સમયમાં ભાઈઓને આપણા પ્રેમ અને સાથની સૌથી વધારે જરૂર હોય છે. રશિયામાં ભાઈ-બહેનોને જેલ થાય છે ત્યારે બીજાં ભાઈ-બહેનો તેઓનો સાથ છોડતા નથી. અમુક ભાઈ-બહેનોના કેસ ચાલતા હોય એ સમયે ઘણાં ભાઈ-બહેનો તેઓને સાથ આપવા કોર્ટ સુધી જાય છે. તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ? આગેવાની લેતા ભાઈઓને બદનામ કરવામાં આવે, તેઓની ધરપકડ થાય કે તેઓ પર જુલમ ગુજારવામાં આવે ત્યારે આપણે ડરીને તેઓનો સાથ ન છોડી દઈએ. આપણે તેઓની પડખે રહીએ. તેઓ માટે પ્રાર્થના કરતા રહીએ. તેઓના કુટુંબની સંભાળ રાખીએ. આપણે જે કરી શકતા હોઈએ, એ બધું કરીએ.—પ્રે.કા. ૧૨:૫; ૨ કોરીં. ૧:૧૦, ૧૧. w૨૨.૧૧ ૧૭ ¶૧૧-૧૨

શુક્રવાર, ડિસેમ્બર ૨૭

“તેઓએ મને ઘણો દિલાસો આપ્યો છે.”—કોલો. ૪:૧૧.

આફતના સમયે વડીલો સૌથી પહેલા ખાતરી કરે છે કે બધાં ભાઈ-બહેનો સહીસલામત હોય, તેઓ પાસે ખોરાક, કપડાં અને રહેવાની જગ્યા હોય. તેઓની એ પણ જવાબદારી છે કે તેઓ ભાઈ-બહેનોને બાઇબલમાંથી ઉત્તેજન આપે અને નિરાશામાંથી બહાર આવવા મદદ કરે. (૧ પિત. ૫:૨) મહિનાઓ વીતી જાય તોપણ ભાઈ-બહેનોને એની જરૂર પડી શકે. (યોહા. ૨૧:૧૫) હેરોલ્ડભાઈ શાખા સમિતિના સભ્ય છે. આફતનો ભોગ બન્યાં હોય એવાં ઘણાં ભાઈ-બહેનોને તે મળ્યા છે. તે કહે છે: “ભાઈ-બહેનોને આઘાતમાંથી બહાર આવતા સમય લાગે છે. તેઓ કદાચ રોજબરોજનાં કામમાં મન પરોવવા લાગે. પણ ક્યારેક ક્યારેક સગાં-વહાલાં કે કોઈ અનમોલ વસ્તુ ગુમાવવાની કડવી યાદો તાજી થઈ જાય અથવા મરતાં મરતાં બચ્યાં હોય એ બનાવ આંખો સામે આવી જાય. એટલે તેઓ કદાચ ફરી દુઃખમાં ડૂબી જાય. પણ એનો મતલબ એ નથી કે તેઓમાં શ્રદ્ધા ઓછી છે. એવી લાગણી થવી તો સામાન્ય છે.” વડીલોએ આ સલાહ પૂરા દિલથી પાળવી જોઈએ: “રડનારાઓની સાથે રડો.”—રોમ. ૧૨:૧૫. w૨૨.૧૨ ૨૨ ¶૧; ૨૪-૨૫ ¶૧૦-૧૧

શનિવાર, ડિસેમ્બર ૨૮

“પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહો. એમ કરશો તો તમે શરીરની પાપી ઇચ્છા પ્રમાણે નહિ ચાલો.”—ગલા. ૫:૧૬.

ખોટી ઇચ્છાઓ સામે લડવા અને જે ખરું છે એ કરવા યહોવા આપણને પવિત્ર શક્તિ આપે છે. બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ છીએ ત્યારે પવિત્ર શક્તિને આપણા પર કામ કરવા દઈએ છીએ. સભાઓમાં પણ આપણને યહોવાની પવિત્ર શક્તિ મળે છે. આપણી જેમ ભાઈ-બહેનો પણ સારાં કામો કરવા અથાક મહેનત કરે છે. સભાઓમાં તેઓ સાથે વાત કરીને આપણને ઘણી હિંમત મળે છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫; ૧૩:૭) પ્રાર્થનામાં પણ આપણે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગી શકીએ. આપણે તેમને કાલાવાલા કરી શકીએ, જેથી નબળાઈઓ સામે લડવા તે આપણને મદદ કરે. પણ શું એનો મતલબ એ કે બાઇબલ વાંચીશું, સભાઓમાં જઈશું અને પ્રાર્થના કરીશું તો આપણાં મનમાં ક્યારેય ખોટી ઇચ્છાઓ નહિ આવે? ના, એવું નથી. પણ ભક્તિનાં એ કામોમાં લાગુ રહીશું તો ખોટી ઇચ્છાઓ આપણા પર હાવી નહિ થઈ જાય અને આપણે કંઈ પણ ખોટું કરતા પોતાને રોકી શકીશું. યહોવા સાથેનો સંબંધ મજબૂત થાય એવાં કામો કરવાનું આપણે શરૂ કર્યું હશે. પણ ધ્યાન રાખીએ કે આપણે ધીમા ન પડી જઈએ, એ કામો કરવાનું ચાલુ રાખીએ. સારી વાતો પર મન લગાડતા રહીએ. w૨૩.૦૧ ૧૧ ¶૧૩-૧૪

રવિવાર, ડિસેમ્બર ૨૯

“હું કશાનો ગુલામ બનવાનો નથી.”—૧ કોરીં. ૬:૧૨.

બાઇબલ એ વિશેનું પુસ્તક નથી કે સ્વાસ્થ્ય સારું રાખવા શું કરવું જોઈએ અથવા શું ખાવું-પીવું જોઈએ. પણ બાઇબલથી આપણને એ ચોક્કસ જાણવા મળે છે કે એ બધા વિશે યહોવા શું વિચારે છે. જેમ કે, બાઇબલમાં યહોવાએ સલાહ આપી છે કે શરીરને ‘નુકસાન કરનાર બાબતો દૂર કરીએ.’ (સભા. ૧૧:૧૦) બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે આપણે વધારે પડતો દારૂ ન પીએ અને ખાઉધરા ન બનીએ. (નીતિ. ૨૩:૨૦) એમ કરવાથી આપણી તબિયત બગડી શકે છે. અરે, આપણો જીવ પણ જોખમમાં આવી શકે છે. શું ખાઈશું અને પીશું અથવા કેટલું ખાઈશું અને પીશું, એનો નિર્ણય લેતી વખતે યહોવા ચાહે છે કે આપણે સંયમ રાખીએ. (૧ કોરીં. ૯:૨૫) જ્યારે આપણે દરેક બાબતમાં સમજી-વિચારીને નિર્ણય લઈએ છીએ, ત્યારે દેખાઈ આવે છે કે યહોવાએ આપેલા જીવનની કદર કરીએ છીએ. (ગીત. ૧૧૯:૯૯, ૧૦૦; નીતિ. ૨:૧૧) જેમ કે, ખાવા-પીવાની બાબતમાં કઈ રીતે સમજી-વિચારીને નિર્ણય લઈ શકીએ? જો કોઈ ખોરાકથી બીમાર પડતા હોઈએ, તો સારું રહેશે કે આપણે એ ખોરાક ન ખાઈએ. પૂરતી ઊંઘ લઈને, નિયમિત કસરત કરીને, પોતાને સ્વચ્છ રાખીને અને ઘરને સાફ રાખીને બતાવીએ છીએ કે આપણે સમજી-વિચારીને વર્તીએ છીએ. w૨૩.૦૨ ૨૧ ¶૬-૭

સોમવાર, ડિસેમ્બર ૩૦

“એ વાંચીને તને શું સમજણ પડી?”—લૂક ૧૦:૨૬.

બાઇબલમાંથી કીમતી રત્નો શોધવા શું કરી શકીએ? ધ્યાન આપો ૨ તિમોથી ૩:૧૬, ૧૭માં શું જણાવ્યું છે. ત્યાં લખ્યું છે: ‘આખું પવિત્ર શાસ્ત્ર શીખવવા, ઠપકો આપવા, સુધારવા અને શિસ્ત આપવા માટે ઉપયોગી છે.’ બાઇબલનો કોઈ અહેવાલ વાંચીએ ત્યારે આનો વિચાર કરીએ: એનાથી યહોવા વિશે કે તેમના હેતુ વિશે શું શીખવા મળે છે? બીજા કયા સિદ્ધાંતો શીખવા મળે છે? એ પણ જોવાની કોશિશ કરીએ કે યહોવા આપણને કઈ સલાહ કે ઠપકો આપે છે. પોતાને પૂછીએ: ‘શું મારામાં કોઈ ખોટી ઇચ્છા કે કોઈ ખોટું વલણ છે? એને દૂર કરવા હું શું કરી શકું અને કઈ રીતે યહોવાને વફાદાર રહી શકું?’ એના પર પણ ધ્યાન આપીએ કે એ અહેવાલ કઈ રીતે વિચારો સુધારવા મદદ કરે છે. જેમ કે પ્રચારમાં કોઈ વ્યક્તિએ ખોટો વિચાર રજૂ કર્યો હોય તો કઈ રીતે એને સુધારી શકીએ. એનો પણ વિચાર કરીએ કે શું આ અહેવાલમાંથી એવી કોઈ શિસ્ત મળે છે, જેનાથી આપણે પોતાના વિચારોમાં ફેરફાર કરીને યહોવા જેવા વિચારો કેળવી શકીએ. આમ, બાઇબલ વાંચતી વખતે આ ચાર મુદ્દાઓ પર ધ્યાન આપીશું તો ઘણાં કીમતી રત્નો શોધી શકીશું. કીમતી રત્નો એવા પુસ્તકોમાંથી પણ મળશે, જેનો આપણે ઓછો ઉપયોગ કરતા હોઈએ. બાઇબલ વાંચવાની આ રીતથી તમને ઘણો ફાયદો થશે. w૨૩.૦૨ ૧૧ ¶૧૧

મંગળવાર, ડિસેમ્બર ૩૧

“તેના રાજ્યનો કદી નાશ નહિ થાય.”—દાનિ. ૭:૧૪.

ઈસુ ક્યારે રાજ કરવાનું શરૂ કરશે એ વિશે દાનિયેલના પુસ્તકમાં એક ભવિષ્યવાણી છે. એમાં જણાવ્યું છે કે સાત સમયના લાંબા સમયગાળા પછી ઈસુને રાજા બનાવવામાં આવશે. ચાલો જોઈએ કે એ સાત સમયો ક્યારે પૂરા થયા. (દાનિ. ૪:૧૦-૧૭) ભવિષ્યવાણીમાં જણાવેલા “સાત સમયો” ૨,૫૨૦ વર્ષને રજૂ કરે છે. ઈસવીસન પૂર્વે ૬૦૭માં બાબેલોનીઓએ યરૂશાલેમ પર હુમલો કર્યો. એ શહેરના રાજાને હરાવ્યો. ત્યાર પછીના ૨,૫૨૦ વર્ષ સુધી યહોવા તરફથી કોઈએ રાજ ન કર્યું. ૧૯૧૪માં એ સાત સમયોનો અંત આવ્યો. યહોવાએ ઈસુને પોતાના રાજ્યના રાજા બનાવ્યા, ‘જેમની પાસે કાયદેસરનો હક છે.’ (હઝકિ. ૨૧:૨૫-૨૭) આ ભવિષ્યવાણી સમજવાથી આપણને કઈ રીતે ફાયદો થાય છે? આપણને ખાતરી મળે છે કે યહોવા પોતાનાં વચનો સમયસર પૂરાં કરે છે. ‘સાત સમયોની’ ભવિષ્યવાણી એના યોગ્ય સમયે પૂરી થઈ. ઈશ્વરનું રાજ્ય સમયસર શરૂ થયું. એટલે યહોવા ચોક્કસ બીજી ભવિષ્યવાણીઓ પણ યોગ્ય સમયે પૂરી કરશે. યહોવાનો દિવસ ‘મોડો પડશે નહિ!’—હબા. ૨:૩. w૨૨.૦૭ ૩ ¶૩-૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો