વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es24 પાન ૧૨૨-૧૩૫
  • ઑક્ટોબર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
  • મથાળાં
  • મંગળવાર, ઑક્ટોબર ૧
  • બુધવાર, ઑક્ટોબર ૨
  • ગુરુવાર, ઑક્ટોબર ૩
  • શુક્રવાર, ઑક્ટોબર ૪
  • શનિવાર, ઑક્ટોબર ૫
  • રવિવાર, ઑક્ટોબર ૬
  • સોમવાર, ઑક્ટોબર ૭
  • મંગળવાર, ઑક્ટોબર ૮
  • બુધવાર, ઑક્ટોબર ૯
  • ગુરુવાર, ઑક્ટોબર ૧૦
  • શુક્રવાર, ઑક્ટોબર ૧૧
  • શનિવાર, ઑક્ટોબર ૧૨
  • રવિવાર, ઑક્ટોબર ૧૩
  • સોમવાર, ઑક્ટોબર ૧૪
  • મંગળવાર, ઑક્ટોબર ૧૫
  • બુધવાર, ઑક્ટોબર ૧૬
  • ગુરુવાર, ઑક્ટોબર ૧૭
  • શુક્રવાર, ઑક્ટોબર ૧૮
  • શનિવાર, ઑક્ટોબર ૧૯
  • રવિવાર, ઑક્ટોબર ૨૦
  • સોમવાર, ઑક્ટોબર ૨૧
  • મંગળવાર, ઑક્ટોબર ૨૨
  • બુધવાર, ઑક્ટોબર ૨૩
  • ગુરુવાર, ઑક્ટોબર ૨૪
  • શુક્રવાર, ઑક્ટોબર ૨૫
  • શનિવાર, ઑક્ટોબર ૨૬
  • રવિવાર, ઑક્ટોબર ૨૭
  • સોમવાર, ઑક્ટોબર ૨૮
  • મંગળવાર, ઑક્ટોબર ૨૯
  • બુધવાર, ઑક્ટોબર ૩૦
  • ગુરુવાર, ઑક્ટોબર ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
es24 પાન ૧૨૨-૧૩૫

ઑક્ટોબર

મંગળવાર, ઑક્ટોબર ૧

“મંડળમાં હું તમારો જયજયકાર કરીશ.”—ગીત. ૨૨:૨૨.

આપણે બધા પૂરા જોશથી ગીતો ગાઈને અને સારા જવાબો આપીને સભામાં ભાગ લઈ શકીએ છીએ. પણ અમુકને એમ કરવું અઘરું લાગે છે. જો તમને પણ એવું લાગતું હોય, તો તમે શું કરી શકો? ચાલો જોઈએ, બીજાં ભાઈ-બહેનોને એ ડર દૂર કરવા કઈ રીતે મદદ મળી. આપણે ગીતો પૂરા દિલથી ગાવા જોઈએ, એ જાણીને ઘણાને મદદ મળી. આપણે યાદ રાખીએ કે સભામાં ગીતો ગાઈએ છીએ ત્યારે યહોવાને મહિમા આપીએ છીએ. એ માટે, સભાની તૈયારી કરતી વખતે ગીતોની પ્રેક્ટિસ પણ કરીએ, અને વિચારીએ કે ગીતોના બોલ કઈ રીતે સભામાં જે શીખવવામાં આવશે, એની સાથે ગૂંથાયેલા છે. તેમજ, આપણે કેવું ગાઈએ છીએ એના બદલે, ગીતોના બોલ પર ધ્યાન આપીએ. અમુકને સભામાં જવાબ આપવો બહુ અઘરું લાગે છે. ત્યારે શું કરી શકીએ? જવાબ આપવાની હંમેશા કોશિશ કરતા રહીએ. યાદ રાખીએ કે તમારો જવાબ નાનો, સાદો અને ફકરામાંથી સીધો હશે તો એમાં કોઈ વાંધો નથી. યહોવા બસ એટલું જ ચાહે છે કે આપણે પૂરા દિલથી જવાબ આપીએ. ચાલો એમ કરીને યહોવાનો મહિમા કરીએ. આપણી મહેનત જોઈને યહોવાનું દિલ ખુશ થશે. w૨૨.૦૪ ૭-૮ ¶૧૨-૧૫

બુધવાર, ઑક્ટોબર ૨

“યહોવા મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ.”—હિબ્રૂ. ૧૩:૬.

“મદદ કરનાર” એવી વ્યક્તિને રજૂ કરે છે, જે કોઈની મદદ કરવા તરત દોડી જાય છે. યહોવા આવી જ રીતે આપણને મદદ કરવા તૈયાર રહે છે. કોઈ મદદનો પોકાર કરે તો યહોવા મદદ કરવામાં જરાય મોડું કરતા નથી. તે મદદ કરવા ઝંખે છે. યહોવાની મદદથી આપણે કોઈ પણ મુશ્કેલીનો ધીરજથી સામનો કરી શકીએ છીએ અને ખુશ રહી શકીએ છીએ. યહોવા આપણને કઈ રીતે મદદ કરે છે? એનો જવાબ આપણને યશાયાના પુસ્તકમાંથી મળે છે. કેમ કે એ પુસ્તકમાં એવી ઘણી ભવિષ્યવાણીઓ છે, જે આજે ઈશ્વરભક્તોને લાગુ પડે છે. વધુમાં યશાયાએ એ પુસ્તકમાં યહોવાનું વર્ણન સાદી અને સમજાય એ રીતે કર્યું છે. એનાથી આપણે યહોવા વિશે વધારે શીખી શકીએ છીએ. યશાયા અધ્યાય ૩૦માંથી ખબર પડે છે કે યહોવા કઈ રીતે પોતાના ભક્તોને મદદ કરે છે: (૧) તે આપણી પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે અને એનો જવાબ આપે છે, (૨) તે માર્ગદર્શન આપે છે અને (૩) તે આપણને હમણાં આશીર્વાદો આપે છે અને ભાવિમાં પણ આપશે. w૨૨.૧૧ ૮ ¶૨-૩

ગુરુવાર, ઑક્ટોબર ૩

“તારા પર જે આવી પડવાનું છે એનાથી ગભરાઈશ નહિ. . . . તારે મરવું પડે તોપણ પોતાને વિશ્વાસુ સાબિત કર. હું તને જીવનનું ઇનામ આપીશ.” —પ્રકટી. ૨:૧૦.

સ્મર્ના અને ફિલાદેલ્ફિયા મંડળોનાં ભાઈ-બહેનોને ઈસુએ ઉત્તેજન આપ્યું કે સતાવણીનો સામનો કરતા ડરે નહિ. કેમ કે જો તેઓ વફાદાર રહેશે તો યહોવા તેઓને ચોક્કસ ઇનામ આપશે. (પ્રકટી. ૩:૧૦) આપણા પર સતાવણી તો આવશે જ, પણ આપણે ધીરજથી સહન કરવા તૈયાર રહીએ. (માથ. ૨૪:૯, ૧૩; ૨ કોરીં. ૧૨:૧૦) પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે આપણા સમયમાં, એટલે કે “માલિકના દિવસમાં” ઈશ્વરના લોકોની સતાવણી થશે. (પ્રકટી. ૧:૧૦) પ્રકટીકરણ અધ્યાય ૧૨માં જણાવ્યું છે કે ઈસુ રાજા બન્યા એ પછી તરત જ સ્વર્ગમાં એક યુદ્ધ થયું. મિખાયેલ, એટલે કે ઈસુ ખ્રિસ્તે અને તેમના દૂતોએ શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે લડાઈ કરી. (પ્રકટી. ૧૨:૭, ૮) ઈશ્વરના દુશ્મનોને હરાવીને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા. એટલે તેઓ મનુષ્યો પર ઘણી તકલીફો લાવે છે.—પ્રકટી. ૧૨:૯, ૧૨. w૨૨.૦૫ ૫ ¶૧૨-૧૩

શુક્રવાર, ઑક્ટોબર ૪

“આપણા ઈશ્વર યહોવા અન્યાય નથી કરતા.”—૨ કાળ. ૧૯:૭.

યહોવા હંમેશાં સાચો ન્યાય કરે છે. તે જરાય ભેદભાવ કરતા નથી. તે કોઈને માફ કરે છે ત્યારે તેનો દેખાવ, ધનદોલત, હોદ્દો કે આવડત જોતા નથી. (૧ શમુ. ૧૬:૭; યાકૂ. ૨:૧-૪) કોઈ માણસ યહોવાને દબાણ કરી શકતો નથી. તેમને લાંચ આપી શકતો નથી. યહોવા લાગણીવશ થઈને કે ગુસ્સામાં આવીને નિર્ણય લેતા નથી. (નિર્ગ. ૩૪:૭) યહોવા આપણા વિશે બધું જાણે છે. તે આપણા સંજોગો સમજે છે. એટલે કહી શકાય કે તે સૌથી સારા ન્યાયાધીશ છે. (પુન. ૩૨:૪) યહોવા જે રીતે માણસોને માફ કરે છે, એ રીતે બીજું કોઈ ન કરી શકે. હિબ્રૂ શાસ્ત્રવચનોના લેખકો એ વાત સારી રીતે જાણતા હતા. એટલે યહોવાની માફીને દર્શાવવા તેઓએ અમુક વાર એક ખાસ હિબ્રૂ શબ્દ વાપર્યો હતો. એ વિશે એક પુસ્તકમાં લખ્યું છે, “ઈશ્વર કોઈ માણસને માફ કરે ત્યારે જ એ શબ્દ વપરાતો હતો. પણ કોઈ માણસ બીજા માણસને માફ કરે ત્યારે એ શબ્દ વપરાતો ન હતો. કેમ કે માણસો તો અમુક હદે જ માફ કરી શકે છે.” ફક્ત યહોવા જ દિલથી પસ્તાવો કરનારને પૂરી રીતે માફ કરી શકે છે. w૨૨.૦૬ ૪ ¶૧૦-૧૧

શનિવાર, ઑક્ટોબર ૫

“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.”—નીતિ. ૨૨:૬.

જો તમે એકલા હાથે બાળકોનો ઉછેર કરતા હો અથવા તમારા પતિ યહોવાના સાક્ષી ન હોય, તો હિંમત હારશો નહિ. તમારી શ્રદ્ધા જોઈને બીજાઓની હિંમત વધે છે અને તેઓને પણ ઉત્તેજન મળે છે. જો લાગે કે તમારાં બાળકો યહોવાની ભક્તિ કરવા નથી માંગતાં તો શું કરી શકો? યાદ રાખો કે બાળકોને યહોવા વિશે શીખતા સમય લાગે છે. આપણે બી વાવીએ ત્યારે જાણતા નથી કે એ બી ઊગશે અને ફળ આપશે કે નહિ. ભલે આપણે એ જાણતા નથી તોપણ છોડને પાણી પાતા રહીએ છીએ, જેથી એ વધી શકે. (માર્ક ૪:૨૬-૨૯) બાળકોને શીખવવા વિશે પણ એવું જ છે. બાળકો યહોવાની ભક્તિ કરશે કે નહિ એ નિર્ણય તેઓ પર છે. પણ તેઓ યહોવાના દોસ્ત બની શકે એ માટે તમે તેઓને પૂરી મદદ કરી શકો છો. એટલે તેઓને યહોવા વિશે શીખવવા તમે બનતું બધું કરતા રહો. w૨૨.૦૪ ૧૯-૨૦ ¶૧૬-૧૭

રવિવાર, ઑક્ટોબર ૬

“અભિમાન વિનાશ લાવે છે અને ઘમંડી વલણ ઠોકર ખવડાવે છે.” —નીતિ. ૧૬:૧૮.

સુલેમાન યહોવાની વફાદારીથી ભક્તિ કરતા હતા ત્યાં સુધી તે પોતાના વિશે યોગ્ય વલણ રાખી શક્યા. તે યુવાન હતા અને તેમણે રાજ કરવાનું શરૂ કર્યું ત્યારે તે ખૂબ નમ્ર હતા. તેમણે સ્વીકાર્યું કે તે બધું પોતાની રીતે કરી શકતા નથી. એટલે તેમણે યહોવા પાસે માર્ગદર્શન માંગ્યું. (૧ રાજા. ૩:૭-૯) સુલેમાનને ખબર હતી કે અભિમાની બનવાથી કેવા ખરાબ પરિણામ આવે છે. દુઃખની વાત છે કે સમય જતાં સુલેમાને પોતે એ સલાહ ન પાળી. તે અભિમાની બની ગયા અને યહોવાના નિયમોને આંખ આડા કાન કરવા લાગ્યા. દાખલા તરીકે, યહોવાનો નિયમ હતો કે “રાજાએ પોતાના માટે ઘણી પત્નીઓ કરવી નહિ, નહિતર તેનું દિલ ખરા માર્ગથી ભટકી જશે.” (પુન. ૧૭:૧૭) સુલેમાન એ જાણતા હતા, તોપણ તેમની ૭૦૦ પત્નીઓ અને ૩૦૦ ઉપપત્નીઓ હતી. (૧ રાજા. ૧૧:૧-૩) સુલેમાનને લાગ્યું હશે કે ‘મને કંઈ થવાનું નથી.’ પણ યહોવાના નિયમો ન પાળવાને લીધે તે યહોવાથી દૂર થઈ ગયા. તેમણે પછીથી એનાં ખરાબ પરિણામ ભોગવવાં પડ્યાં.—૧ રાજા. ૧૧:૯-૧૩. w૨૨.૦૫ ૨૩ ¶૧૨

સોમવાર, ઑક્ટોબર ૭

“‘ન્યાયી માણસ પોતાની શ્રદ્ધાથી જીવશે’ અને ‘જો તે પીછેહઠ કરે, તો હું તેનાથી ખુશ થતો નથી.’”—હિબ્રૂ. ૧૦:૩૮.

આજે લોકોએ એક મહત્ત્વનો નિર્ણય લેવાનો છે. શું તેઓ વિશ્વના માલિક યહોવાને સાથ આપશે કે પછી તેમના સૌથી મોટા દુશ્મન શેતાનને? તેઓ બંનેમાંથી કોઈ એકનો જ સાથ આપી શકે છે, ઢચુપચુ રહી શકતા નથી. તેઓના નિર્ણયથી નક્કી થશે કે તેઓનું ભાવિ કેવું હશે. (માથ. ૨૫:૩૧-૩૩, ૪૬) ‘મોટી વિપત્તિ’ વખતે લોકોનો ન્યાય થશે ત્યારે ખબર પડશે કે કોણ બચશે અને કોનો નાશ થશે. (પ્રકટી. ૭:૧૪; ૧૪:૯-૧૧; હઝકિ. ૯:૪, ૬) જો તમે યહોવાના રાજને સાથ આપવાનું નક્કી કર્યું હોય, તો એ તમારા જીવનનો સૌથી સારો નિર્ણય છે. હવે તમે બીજાઓને પણ એવો નિર્ણય લેવા મદદ કરવા માંગતા હશો, ખરું ને? યહોવાને વફાદાર રહેનારાઓને કેવા આશીર્વાદ મળશે. એ માહિતી વાંચીને એના પર મનન કરીશું તો આપણને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહેવા મદદ મળશે. એટલું જ નહિ આપણે લોકોને પણ મદદ કરી શકીશું, જેથી તેઓ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લે અને હંમેશાં તેમને વફાદાર રહે. w૨૨.૦૫ ૧૫ ¶૧-૨

મંગળવાર, ઑક્ટોબર ૮

‘જ્યારે લોકો જૂઠું બોલીને તમારા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરે, ત્યારે તમે સુખી છો.’—માથ. ૫:૧૧.

આપણે દુશ્મનોનું નહિ, પણ યહોવાનું સાંભળવું જોઈએ. યહોવાએ અયૂબ સાથે વાત કરી ત્યારે અયૂબે તેમનું ધ્યાનથી સાંભળ્યું. અયૂબના વિચારો સુધારવા યહોવાએ તેમને ઘણી વાતો યાદ દેવડાવી. તે તો જાણે અયૂબને કહેતા હતા, ‘શું તને એમ લાગે છે કે હું તારી સંભાળ નહિ રાખી શકું? તારા પર જે બધું વીત્યું છે એ હું સારી રીતે જાણું છું.’ યહોવાની વાત સાંભળીને અયૂબને ખાતરી થઈ કે તે તેમની સંભાળ રાખે છે. તેમના દિલમાં યહોવા માટે કદર વધી ગઈ. તેમણે નમ્રતાથી કહ્યું: “મારા કાનોએ તમારા વિશે સાંભળ્યું હતું, પણ હવે મારી આંખોએ તમને જોયા છે.” (અયૂ. ૪૨:૫) અયૂબે એ શબ્દો ક્યારે કહ્યા હતા? કદાચ તે હજીયે રાખમાં બેઠા હતા. તેમના આખા શરીર પર હજીયે ગૂમડાં હતાં. એવા સમયે યહોવાએ તેમને ખાતરી અપાવી કે તે તેમને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાથી ખુશ છે. (અયૂ. ૪૨:૭, ૮) આજે કદાચ અમુક લોકો આપણી મજાક ઉડાવે, જેમતેમ બોલે અને આપણે નકામા છીએ એવું મહેસૂસ કરાવે. તેઓ કદાચ આપણા સંગઠન વિશે જૂઠું બોલીને અનેક પ્રકારની ખરાબ વાતો કરે. પણ અયૂબના દાખલામાંથી એક મહત્ત્વની વાત જાણવા મળે છે. યહોવાને પૂરો ભરોસો છે કે આપણે કસોટીઓમાં પણ તેમને વફાદાર રહીશું. w૨૨.૦૬ ૨૪ ¶૧૫-૧૬

બુધવાર, ઑક્ટોબર ૯

“ઘેટાનું લગ્‍ન આવી પહોંચ્યું છે.”—પ્રકટી. ૧૯:૭.

મહાન બાબેલોનનો નાશ થયો ત્યારે સ્વર્ગમાં બધા ખુશખુશાલ હતા, પણ હવે એવું કંઈક બનશે જેના લીધે સ્વર્ગમાં બધાની ખુશી બમણી થઈ જશે. (પ્રકટી. ૧૯:૧-૩) એ ખાસ બનાવ કયો હશે? પ્રકટીકરણના પુસ્તકમાં છેલ્લે જણાવ્યું છે કે “ઘેટાનું લગ્‍ન” થશે. આર્માગેદનના યુદ્ધ પહેલાં બધા ૧,૪૪,૦૦૦ લોકો સ્વર્ગમાં પહોંચી ગયા હશે. પણ એ સમયે ઘેટાનું લગ્‍ન નહિ થાય. (પ્રકટી. ૨૧:૧, ૨) આર્માગેદનમાં ઈશ્વરના બધા દુશ્મનોનો નાશ થશે, એ પછી જ લગ્‍ન થશે. (ગીત. ૪૫:૩, ૪, ૧૩-૧૭) ઘેટાનું લગ્‍ન શાને દર્શાવે છે? એક લગ્‍ન પુરુષ અને સ્ત્રીને એક કરે છે. એવી જ રીતે ઘેટાનું લગ્‍ન રાજા ઈસુ ખ્રિસ્ત અને તેમની “કન્યા,” ૧,૪૪,૦૦૦ લોકોને એક કરશે. એ પછી તેઓ સાથે મળીને પૃથ્વી પર હજાર વર્ષનું રાજ શરૂ કરશે.—પ્રકટી. ૨૦:૬. w૨૨.૦૫ ૧૭ ¶૧૧-૧૩

ગુરુવાર, ઑક્ટોબર ૧૦

“એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ!” —માથ. ૨૪:૪૬.

ઈસુએ ભવિષ્યવાણી કરી કે છેલ્લા દિવસોમાં તે “વિશ્વાસુ અને સમજુ ચાકર” નીમશે. તે એ ચાકર દ્વારા આપણને બાઇબલમાંથી માર્ગદર્શન આપશે. (માથ. ૨૪:૪૫) ઈસુ અભિષિક્ત ભાઈઓના નાના સમુહ દ્વારા યહોવાના ભક્તો અને રસ ધરાવતા લોકોને “યોગ્ય સમયે ખોરાક” પૂરો પાડે છે, એટલે કે તેઓને બાઇબલનું શિક્ષણ આપે છે. એ ભાઈઓ સખત મહેનત કરે છે. પણ તેઓ પોતાને આપણી શ્રદ્ધાના માલિક સમજતા નથી. (૨ કોરીં. ૧:૨૪) એના બદલે તેઓ માને છે કે ઈસુ ખ્રિસ્ત આપણા “આગેવાન અને અધિકારી” છે. (યશા. ૫૫:૪) વિશ્વાસુ અને સમજુ ચાકરે ૧૯૧૯થી ઘણાં બધાં સાહિત્ય બહાર પાડ્યાં છે. એ સાહિત્ય યોગ્ય સમયે મળેલા ખોરાક જેવાં છે. એ વાંચીને રસ ધરાવતા લોકો બાઇબલ વિશે શીખી શક્યા. ૧૯૨૧માં એ ચાકરે ધ હાર્પ ઑફ ગૉડ નામનું પુસ્તક બહાર પાડ્યું. સમય બદલાતો ગયો તેમ બાઇબલ અભ્યાસ માટે અલગ અલગ સાહિત્ય બહાર પાડવામાં આવ્યાં. યહોવાને ઓળખવા અને તેમની સાથે પાકી દોસ્તી કરવા તમે કયા સાહિત્યમાંથી અભ્યાસ કર્યો છે? w૨૨.૦૭ ૧૦ ¶૯-૧૦

શુક્રવાર, ઑક્ટોબર ૧૧

“તમે મને સદાને માટે તમારી આગળ રાખશો.”—ગીત. ૪૧:૧૨.

આખા બ્રહ્માંડમાં યહોવા ઈશ્વર સૌથી ઉદાર છે. જો તમે તેમના માટે કંઈક કરશો, તો તે બદલામાં તમને અનેક ગણું આપશે. (માર્ક ૧૦:૨૯, ૩૦) જો તમે યહોવાની સેવામાં પોતાનું જીવન વિતાવશો, તો આ દુષ્ટ દુનિયામાં પણ તે તમારી ઝોળી આશીર્વાદોથી ભરી દેશે. તેમ જ, તે તમારી જરૂરિયાતો પૂરી કરશે અને તમારું જીવન ખુશહાલ હશે. આ તો બસ એક શરૂઆત છે. તમે હંમેશ માટે તમારા વહાલા પિતાની ભક્તિ કરી શકશો. તેમના માટેનો તમારો પ્રેમ વધતો જશે અને તમે સાચે જ, યહોવા જીવશે ત્યાં સુધી, એટલે કે હંમેશ માટે જીવી શકશો. જ્યારે તમે સમર્પણ કરીને બાપ્તિસ્મા લો છો, ત્યારે તમને મોકો મળે છે કે તમે તમારા પિતાને કંઈક કીમતી આપો. તમે જે સારી વસ્તુઓ અને મીઠી પળોનો આનંદ માણો છો, એ યહોવાએ જ તો આપી છે. બદલામાં, તમે આકાશ અને પૃથ્વીના માલિકને એવું કંઈક આપી શકો છો, જે તેમની પાસે નથી. એ છે, તમારી વફાદારી અને રાજીખુશીથી કરેલી ભક્તિ. (અયૂ. ૧:૮; ૪૧:૧૧; નીતિ. ૨૭:૧૧) જીવન જીવવાની એ સૌથી સારી રીત છે. w૨૩.૦૩ ૬ ¶૧૬-૧૭

શનિવાર, ઑક્ટોબર ૧૨

“યુવાન માણસ કઈ રીતે પોતાનો જીવનમાર્ગ શુદ્ધ રાખી શકે? તમારા શબ્દો પ્રમાણે સાવધ રહીને.”—ગીત. ૧૧૯:૯.

તરુણોની ઉંમર વધતી જાય છે તેમ તેઓમાં જાતીય ઇચ્છાઓ પણ વધતી જાય છે. દુનિયાના લોકો કહે છે કે લગ્‍ન પહેલાં સેક્સ માણવું કંઈ ખોટું નથી. તેઓ કદાચ તમને પણ એવું કરવાનું કહે. શેતાન એવું જ ચાહે છે કે તમારી ઇચ્છાઓ તમારા પર હાવી થઈ જાય અને તમે ખોટું પગલું ભરો. પણ તમે કઈ રીતે ખોટાં કામોથી દૂર રહી શકો? (૧ થેસ્સા. ૪:૩, ૪) યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. તમારાં મનમાં જે ચાલી રહ્યું છે એ બધું તેમને કહી દો. તમારી ઇચ્છાઓ કાબૂમાં રાખવા તેમને કાલાવાલા કરો. (માથ. ૬:૧૩) એવું ન વિચારો કે તે તમને સજા કરશે. તે તો તમને મદદ કરવા માંગે છે. યહોવા તમારા દોસ્ત છે, દુશ્મન નહિ. (ગીત. ૧૦૩:૧૩, ૧૪) એવું ના વિચારતા કે મુશ્કેલીઓનો હલ તમારે જાતે જ લાવવાનો છે. તમે મમ્મી-પપ્પા સાથે વાત કરી શકો. તેઓ સાથે આવા વિષયો પર વાત કરવી તમને કદાચ અઘરું લાગે. પણ તેઓ સાથે વાત કરવી ખૂબ જરૂરી છે. તમે બાઇબલ વાંચો ત્યારે થોડું અટકો, એમાં આપેલા સિદ્ધાંતો પર વિચાર કરો. પછી સારા નિર્ણય લેવા તમારા માટે સહેલું થઈ જશે અને યહોવાને ખુશ કરી શકશો. તમે જોશો કે દર વખતે તમારે કોઈ નિયમ શોધવાની જરૂર નહિ પડે. તમને ખબર હશે કે યહોવા શું વિચારે છે. એટલે તમે સારા નિર્ણય લઈ શકશો. w૨૨.૦૮ ૫ ¶૧૦-૧૨

રવિવાર, ઑક્ટોબર ૧૩

“જો કોઈ માણસ પોતાના લોકોની, . . . જરૂરિયાતો પૂરી ન કરે, તો તેણે પોતાની શ્રદ્ધા છોડી દીધી છે.”—૧ તિમો. ૫:૮.

કુટુંબના શિરના માથે એક મહત્ત્વની જવાબદારી છે કે કુટુંબના દરેક સભ્યની જરૂરિયાત પૂરી કરવી. કુટુંબના શિર તરીકે, તમને ચિંતા થતી હશે કે ‘મારી નોકરી છૂટી જશે તો હું શું કરીશ? શું મને બીજી કોઈ નોકરી મળશે? હું કુટુંબનું ભરણપોષણ કઈ રીતે કરીશ? ઘરના હપ્તા કે ભાડું કઈ રીતે ચૂકવીશ?’ અથવા કદાચ તમને એ વાતનો ડર હોય કે ઓછા પૈસામાં ગુજરાન કઈ રીતે ચાલશે. દુઃખની વાત છે કે શેતાને એ ડરનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. એના લીધે ઘણાં ભાઈ-બહેનો યહોવાથી દૂર થઈ ગયાં છે. શેતાન આપણાં મનમાં ઠસાવવા માંગે છે કે ‘યહોવાને આપણી કંઈ પડી નથી. તે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવાના નથી. જે કરવાનું છે એ આપણે જ કરવાનું છે.’ એટલે આપણે વિચારવા લાગીએ કે નોકરી તો હાથમાંથી ન જવા દેવાય. ભલેને એ માટે કંઈ પણ કરવું પડે, યહોવાના સિદ્ધાંતો તૂટશે તોપણ ચાલશે. w૨૨.૦૬ ૧૫ ¶૫-૬

સોમવાર, ઑક્ટોબર ૧૪

“એ આશા આપણા જીવન માટે લંગર જેવી છે, અડગ અને મજબૂત છે.”—હિબ્રૂ. ૬:૧૯.

યહોવા ‘દયા અને કરુણા બતાવનાર; જલદી ગુસ્સે ન થનાર; અતૂટ પ્રેમ અને સત્યના સાગર છે.’ (નિર્ગ. ૩૪:૬) તેમને ઇન્સાફ પસંદ છે. (યશા. ૬૧:૮) આપણાં દુઃખો જોઈને તે દુઃખી થાય છે. એ સમયની તે આતુરતાથી રાહ જુએ છે, જ્યારે તે આપણાં બધાં દુઃખો દૂર કરશે. (યર્મિ. ૨૯:૧૧) આપણે પણ એ સમયની કાગડોળે રાહ જોઈએ છીએ. ખરેખર, યહોવા આપણને બહુ પ્રેમ કરે છે. એટલે જ આપણે તેમને પૂરા દિલથી પ્રેમ કરીએ છીએ. આપણે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ એનું બીજું એક કારણ કયું છે? એ શિક્ષણથી આપણને ઘણા ફાયદા થાય છે. જેમ કે બાઇબલમાં ભાવિની સુંદર આશા આપી છે. દરિયામાં મોટું તોફાન આવે ત્યારે હોડીમાંથી લંગર નીચે નાખવામાં આવે છે. એનાથી હોડી સ્થિર રહે છે. એવી જ રીતે આપણાં જીવનમાં તોફાન જેવી મોટી મોટી મુશ્કેલીઓ આવે ત્યારે, એ આશા પર વિચાર કરવાથી આપણે અડગ રહી શકીએ છીએ. પાઉલે આજના વચનના શબ્દો અભિષિક્ત ખ્રિસ્તીઓને લખ્યા હતા, જેઓને સ્વર્ગમાં જીવવાની આશા હતી. પણ જે ભક્તો પૃથ્વી પર હંમેશ માટે જીવવાના છે, તેઓ માટે પણ ભાવિની આશા લંગર જેવી છે. (યોહા. ૩:૧૬) આપણને એ આશાથી જીવનમાં સાચી ખુશી મળી છે. w૨૨.૦૮ ૧૪-૧૫ ¶૩-૫

મંગળવાર, ઑક્ટોબર ૧૫

“સૂર્ય આથમે ત્યાં સુધી ગુસ્સે ન રહો.”—એફે. ૪:૨૬.

ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોઈશું તો તેઓ પર ભરોસો કરી શકીશું. પહેલો કોરીંથીઓ અધ્યાય ૧૩માં પ્રેમ વિશે ઘણું જણાવ્યું છે. એ સલાહ પાળીશું તો ભાઈ-બહેનો પર ભરોસો કરવો સહેલું થઈ જશે. કોઈએ આપણો ભરોસો તોડ્યો હોય તો, તેઓ પર ફરીથી ભરોસો કરી શકીશું. (૧ કોરીં. ૧૩:૪-૮) જેમ કે, ચોથી કલમમાં જણાવ્યું છે, “પ્રેમ ધીરજ રાખે છે અને દયાળુ છે.” જરા વિચારો, આપણે કેટલીય ભૂલો કરીએ છીએ. પણ યહોવા આપણી સાથે ધીરજથી વર્તે છે. એટલે કોઈ ભાઈ કે બહેન એવું કંઈક કરે અથવા કહે, જેનાથી આપણને ખોટું લાગે કે ગુસ્સો આવે તો આપણે તેઓ સાથે ધીરજથી વર્તીએ. પાંચમી કલમમાં જણાવ્યું છે: ‘પ્રેમ ઉશ્કેરાઈ જતો નથી, કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી.’ જો કોઈ ભાઈ કે બહેને આપણી વિરુદ્ધ કંઈ કર્યું હોય, તો બસ એને જ વાગોળ્યા ન કરીએ. સભાશિક્ષક ૭:૯માં જણાવ્યું છે કે આપણે ‘ગુસ્સો કરવામાં ઉતાવળિયા ન થઈએ.’ તમે ભાઈ-બહેનોને યહોવાની નજરે જોવાનો પ્રયત્ન કરો. યહોવા તેઓને બહુ પ્રેમ કરે છે. તે તેઓની ભૂલોનો હિસાબ નથી રાખતા. આપણે પણ એવું જ કરવું જોઈએ. (ગીત. ૧૩૦:૩) તેઓની ભૂલોને બિલોરી કાચથી જોવાને બદલે તેઓના સારા ગુણો પર ધ્યાન આપીએ.—માથ. ૭:૧-૫. w૨૨.૦૯ ૩-૪ ¶૬-૭

બુધવાર, ઑક્ટોબર ૧૬

“એવો આફતનો સમય આવશે.”—દાનિ. ૧૨:૧.

દાનિયેલના પુસ્તકમાં જણાવ્યું છે કે અંતના સમયમાં એક પછી એક કયા ચોંકાવી નાખે એવા બનાવો બનશે. જેમ કે, દાનિયેલ ૧૨:૧માં લખ્યું છે, મિખાયેલ એટલે કે ઈસુ ખ્રિસ્ત ‘ઈશ્વરના લોકો વતી ઊભા છે.’ ૧૯૧૪માં ઈસુ સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યના રાજા બન્યા. એ સમયથી આ ભવિષ્યવાણી પૂરી થવા લાગી. દાનિયેલના પુસ્તકમાં એ પણ જણાવ્યું છે કે “સૌથી પહેલી પ્રજા ઉત્પન્‍ન થઈ ત્યારથી લઈને એ સમય સુધીમાં કદી આવ્યો ન હોય એવો આફતનો સમય આવશે.” એ આફતના સમયે ઈસુ ‘ઊભા થશે.’ “આફતનો સમય” એટલે કે “મોટી વિપત્તિ,” જેના વિશે માથ્થી ૨૪:૨૧માં જણાવ્યું છે. આફતના સમયે ઈસુ ઊભા થશે, એનો શું અર્થ થાય? તે મોટી વિપત્તિના અંતે એટલે કે આર્માગેદન વખતે ઈશ્વરભક્તોનું રક્ષણ કરશે. ઈસુ જેઓનું રક્ષણ કરશે, તેઓને પ્રકટીકરણના પુસ્તકમાં “મોટું ટોળું” કહ્યા છે. “તેઓ મોટી વિપત્તિમાંથી નીકળી આવેલા લોકો છે.”—પ્રકટી. ૭:૯, ૧૪. w૨૨.૦૯ ૨૧ ¶૪-૫

ગુરુવાર, ઑક્ટોબર ૧૭

“જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ.” —નિર્ગ. ૩૨:૩૩.

યહોવા કોઈનું નામ જીવનના પુસ્તકમાં લખે છે ત્યારે જાણે પહેલા પેન્સિલથી લખે છે. એ નામ ભૂંસવામાં પણ આવી શકે છે. (પ્રકટી. ૩:૫) આપણે ચાહીએ છીએ કે આપણું નામ એ પુસ્તકમાંથી ક્યારેય ભૂંસવામાં ન આવે. જો આપણે યહોવાને ગમે છે એવાં કામો કરતા રહીશું તો ભાવિમાં તે હંમેશ માટે એ પુસ્તકમાં આપણું નામ લખશે, જાણે પેનથી લખશે. અમુકનાં નામ જીવનના પુસ્તકમાં લખેલાં છે, તેઓને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કરવામાં આવ્યા છે. પ્રેરિત પાઉલે ફિલિપીનાં ભાઈ-બહેનોને લખેલા પત્રથી ખબર પડે છે કે આજે અભિષિક્તોનાં નામ જીવનના પુસ્તકમાં છે. (ફિલિ. ૪:૩) પણ જો તેઓ ચાહતા હોય કે તેઓનું નામ હંમેશાં એ પુસ્તકમાં રહે તો તેઓએ છેલ્લા શ્વાસ સુધી યહોવાને વફાદાર રહેવું પડશે. તેઓનાં મરણ પહેલાં અથવા મોટી વિપત્તિ શરૂ થાય એ પહેલાં તેઓ પર છેલ્લી મહોર કરવામાં આવશે. એ સમયે તેઓનાં નામ હંમેશ માટે એ પુસ્તકમાં લખવામાં આવશે.—પ્રકટી. ૭:૩. w૨૨.૦૯ ૧૪ ¶૩; ૧૫ ¶૫-૬

શુક્રવાર, ઑક્ટોબર ૧૮

“સુખી છે તેઓ, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!” —લૂક ૧૧:૨૮.

શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે કોઈએ તમારું ભાવતું જમવાનું બનાવ્યું હોય, પણ એ જમતી વખતે તમારું ધ્યાન બીજે જ ક્યાંય હોય? અથવા તો બહુ ટાઇમ ના હોય તો એની મજા લીધા વગર તમે ફટાફટ ખાવાનું ખાઈ ગયા હો? પણ પછી તમને લાગ્યું હોય કે ‘અરે, મેં આરામથી ખાધું હોત તો સારું થાત! મારે એક એક કોળિયાનો ટેસ્ટ લેવાનો હતો.’ બાઇબલ વાંચવા વિશે પણ એવું જ છે. જો ફટાફટ બાઇબલ વાંચી જઈશું તો એનો સંદેશો સારી રીતે સમજી નહિ શકીએ. બાઇબલ વાંચવાની મજા નહિ માણી શકીએ. એટલે બાઇબલ વાંચતી વખતે ઉતાવળ ન કરો. બાઇબલનો કોઈ અહેવાલ વાંચો ત્યારે એ ઘટનાની કલ્પના કરો. ત્યાં શું બની રહ્યું છે, કેવા અવાજો આવી રહ્યા છે એનો વિચાર કરો. તમે એ અહેવાલમાંથી શું શીખી શકો એનો પણ વિચાર કરો. આ રીતે બાઇબલ વાંચશો તો તમને મજા આવશે અને ખુશી મળશે. ઈસુએ “વિશ્વાસુ અને સમજુ ચાકર” નીમ્યો છે, જેથી તે આપણને યોગ્ય સમયે ખોરાક આપે. એ ચાકર પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. તે આપણને ભરપૂર સાહિત્ય પૂરાં પાડે છે. (માથ. ૨૪:૪૫) એ સાહિત્ય બાઇબલ આધારિત છે.—૧ થેસ્સા. ૨:૧૩. w૨૨.૧૦ ૭-૮ ¶૬-૮

શનિવાર, ઑક્ટોબર ૧૯

“હે મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી મશ્કરી કરવાની મજા માણશો?”—નીતિ. ૧:૨૨.

‘મશ્કરી કરનારા લોકો’ વિશે બાઇબલમાં પહેલેથી જ જણાવ્યું છે કે, છેલ્લા દિવસોમાં એવા લોકોની ખોટ નહિ હોય. (૨ પિત. ૩:૩, ૪) એવા લોકો ‘પોતાની દુષ્ટ ઇચ્છાઓ પૂરી કરવામાં ડૂબેલા રહે છે.’ (યહૂ. ૭, ૧૭, ૧૮) આપણે મશ્કરી કરનારા લોકો જેવા બનવા માંગતા નથી. એટલે આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ બધી વાતમાં વાંધાવચકા કાઢે છે. (ગીત. ૧:૧) સત્યમાં ભેળસેળ કરતા લોકો પણ એવા જ છે. એટલે આપણે તેઓનું સાંભળવું ન જોઈએ. તેઓના લેખો વાંચવા ન જોઈએ. જો ધ્યાન નહિ રાખીએ તો આપણે પણ તેઓના જેવું કરવા લાગીશું. કદાચ આપણે પણ દરેક વાતમાં વાંક કાઢવા લાગીએ. કદાચ આપણાં મનમાં શંકા થવા લાગે કે ‘શું આ સંગઠનને ખરેખર યહોવા દોરે છે? જે માર્ગદર્શન મળે છે શું એ સાચું છે?’ ધ્યાન રાખીએ કે આપણને એવી શંકા ન થાય. એટલે જરૂરી છે કે આ સવાલોનો વિચાર કરીએ: ‘જો કોઈ નવું માર્ગદર્શન મળે કે સમજણમાં ફેરફાર થાય તો શું હું એ તરત માનું છું કે પછી કચકચ કરું છું? શું હું સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓની ભૂલો શોધ્યા કરું છું?’ જો તમને લાગે કે તમે એવું કરવા લાગ્યા છો, તો તરત પગલાં ભરો. પોતાનામાં સુધારો કરો. એ જોઈને યહોવા બહુ ખુશ થશે.—નીતિ. ૩:૩૪, ૩૫. w૨૨.૧૦ ૨૦ ¶૯-૧૦

રવિવાર, ઑક્ટોબર ૨૦

“ઇઝરાયેલીઓ તારી વાતો સાંભળવાની ના પાડશે.”—હઝકિ. ૩:૭.

પવિત્ર શક્તિની મદદથી હઝકિયેલને હિંમત મળી, જેથી તે “હઠીલા અને કઠણ દિલના” લોકોને સંદેશો જણાવી શકે. યહોવાએ હઝકિયેલને કહ્યું: “મેં તારો ચહેરો તેઓના ચહેરા જેવો જ સખત કર્યો છે અને તારું કપાળ તેઓનાં કપાળ જેવું જ કઠણ કર્યું છે. મેં તારું કપાળ હીરા જેવું, ચકમકના પથ્થર કરતાં પણ વધારે કઠણ કર્યું છે. તેઓથી ગભરાઈશ નહિ કે તેઓના ચહેરા જોઈને થરથર કાંપીશ નહિ.” (હઝકિ. ૩:૮, ૯) યહોવા જાણે તેમને કહી રહ્યા હતા: ‘એ હઠીલા લોકોની વાતો સાંભળીને હિંમત ન હારી જતો. હું છું ને, હું તને મજબૂત કરીશ.’ પછી યહોવાની પવિત્ર શક્તિ હઝકિયેલને એ વિસ્તારમાં લઈ આવી, જ્યાં તેમણે સંદેશો જણાવવાનો હતો. હઝકિયેલે જણાવ્યું: “મારા પર યહોવાની શક્તિની ભારે અસર હતી.” પવિત્ર શક્તિની મદદથી તે પોતાને તૈયાર કરી શક્યા, જેથી તે લોકોને સારી રીતે સંદેશો જણાવી શકે. એ માટે તેમને સાત દિવસ લાગ્યા. (હઝકિ. ૩:૧૪, ૧૫) પછી યહોવાએ તેમને એક મેદાનમાં જવાનું કહ્યું. ત્યાં તેમના પર “ઈશ્વરની શક્તિ ઊતરી આવી.” (હઝકિ. ૩:૨૩, ૨૪) હવે હઝકિયેલ લોકોને સંદેશો જણાવવા તૈયાર હતા. w૨૨.૧૧ ૪-૫ ¶૮-૯

સોમવાર, ઑક્ટોબર ૨૧

“હે યહોવા, ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ ને તમે સાંભળશો નહિ? . . . તમે કેમ અત્યાચાર ચલાવી લો છો?”—હબા. ૧:૨, ૩.

હબાક્કૂક પ્રબોધકના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. એકવાર તો તે સાવ ભાંગી પડ્યા. તે વિચારવા લાગ્યા કે યહોવાને તેમની કંઈ પડી નથી. તેમના મનમાં જે કંઈ ઊથલ-પાથલ ચાલતી હતી, એ બધું તેમણે યહોવાને જણાવ્યું. યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી. તેમણે હબાક્કૂકને ખાતરી આપી કે બધું ઠીક થઈ જશે. (હબા. ૨:૨, ૩) અગાઉ યહોવાએ પોતાના ભક્તોને જે રીતે બચાવ્યા હતા, એના પર હબાક્કૂકે વિચાર કર્યો. એટલે તે ફરીથી ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શક્યા. તેમને ખાતરી થઈ ગઈ કે યહોવા તેમની કાળજી રાખે છે અને તેમની મદદથી તે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકશે. (હબા. ૩:૧૭-૧૯) હબાક્કૂક પાસેથી આપણે શું શીખી શકીએ? આપણે મુશ્કેલીઓમાં યહોવાને પ્રાર્થના કરીએ. તેમની આગળ દિલ ઠાલવીએ. તેમના પર પૂરો આધાર રાખીએ. એ પણ વિચારીએ કે યહોવાએ પહેલાં આપણને કઈ રીતે મદદ કરી હતી. એમ કરીશું તો ખાતરી થશે કે યહોવા ચોક્કસ આપણને મદદ કરશે અને મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત આપશે. તે જે રીતે આપણને મદદ કરે છે, એ જોઈને આપણી શ્રદ્ધા વધશે. આપણે પણ મુશ્કેલીઓમાં યહોવા સાથેની દોસ્તી ટકાવી રાખીશું તો, કંઈ પણ આપણને તેમનાથી જુદા પાડી શકશે નહિ.—૧ તિમો. ૬:૬-૮. w૨૨.૧૧ ૧૫ ¶૬-૭

મંગળવાર, ઑક્ટોબર ૨૨

“આજે હું તને વચન આપું છું, તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.” —લૂક ૨૩:૪૩.

ઈસુની સાથે બે ગુનેગારોને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા છે. તેઓને બહુ પીડા થઈ રહી છે. એક એક શ્વાસ લેવો અઘરું થઈ રહ્યું છે. (લૂક ૨૩:૩૨, ૩૩) ગુનેગારોએ થોડા સમય પહેલાં જ ઈસુનું અપમાન કર્યું હતું. (માથ. ૨૭:૪૪; માર્ક ૧૫:૩૨) પણ પછી એકનું મન બદલાય છે. તે ઈસુને કહે છે: “ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.” ત્યારે ઈસુએ આજના વચનમાં આપેલા શબ્દો કહ્યા. (લૂક ૨૩:૩૯-૪૨) તેમના શબ્દોથી આપણને પણ થઈ શકે કે નવી દુનિયા કેવી હશે? એમાં જીવન કેવું હશે? આપણે એનો વિચાર કરવો જોઈએ. આપણને સુલેમાનના રાજથી નવી દુનિયાની એક ઝલક મળે છે. તેમના રાજમાં ચારે બાજુ શાંતિ હતી. ઈસુ તો સુલેમાન કરતાં ઘણા મહાન છે. એટલે આપણે ખાતરી રાખી શકીએ કે તે અને ૧,૪૪,૦૦૦ રાજાઓ આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવી દેશે. એ સમયે બસ શાંતિ જ શાંતિ હશે. (માથ. ૧૨:૪૨) ‘બીજાં ઘેટાંના’ લોકોએ વિચારવું જોઈએ કે જો તેઓ નવી દુનિયામાં હંમેશ માટે જીવવા માંગતા હોય, તો તેઓએ હમણાંથી શું કરવું જોઈએ.—યોહા. ૧૦:૧૬. w૨૨.૧૨ ૮ ¶૧; ૯ ¶૪

બુધવાર, ઑક્ટોબર ૨૩

“તું મદદનો પોકાર કરે કે તરત તે તારા પર કૃપા કરશે.” —યશા. ૩૦:૧૯.

આજના વચનથી ખાતરી મળે છે કે યહોવા આપણો મદદનો પોકાર ધ્યાનથી સાંભળે છે અને તે મદદ કરવા તરત પગલાં ભરે છે. કલમમાં આગળ જણાવ્યું છે: “તારો અવાજ સાંભળીને તે તરત જવાબ આપશે.” એ બતાવે છે કે જેઓ મદદનો પોકાર કરે છે, તેઓને મદદ કરવા યહોવા પિતા ઝંખે છે. તે મોડું કર્યા વગર તેઓને મદદ કરે છે. એ યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરી શકીશું અને ખુશ રહી શકીશું. યશાયા ૩૦:૧૯થી ખબર પડે છે કે યહોવા દરેકની પ્રાર્થના કાન દઈને સાંભળે છે. ધ્યાન આપો, તેમણે એની પહેલાંની કલમોમાં “તમે” કહીને વાત કરી. કેમ કે તે બધા ઇઝરાયેલીઓ સાથે વાત કરી રહ્યા હતા. પણ કલમ ૧૯માં દરેક ઇઝરાયેલીને કહેવામાં આવ્યું: “તું નહિ રડે,” “તે તારા પર કૃપા કરશે” અને “તારો અવાજ સાંભળીને તે તરત જવાબ આપશે.” એનાથી જોવા મળે છે કે એક પ્રેમાળ પિતાની જેમ યહોવાને પોતાના દરેક બાળકની ચિંતા છે. એટલે તે એકેએક ભક્તની પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે.—ગીત. ૧૧૬:૧; યશા. ૫૭:૧૫. w૨૨.૧૧ ૯ ¶૫-૬

ગુરુવાર, ઑક્ટોબર ૨૪

“તમે સાપ જેવા ચાલાક પણ કબૂતર જેવા નિર્દોષ સાબિત થાઓ.” —માથ. ૧૦:૧૬.

વિરોધ છતાં આપણે લોકોને ખુશખબર જણાવતા રહીએ. તેઓને શીખવતા રહીએ. એમ કરવાથી આપણને ખુશી અને મનની શાંતિ મળશે. પહેલી સદીમાં પ્રેરિતોએ એવું જ કર્યું. યહૂદી ન્યાયસભાએ તેઓને ધમકાવ્યા અને પ્રચાર બંધ કરી દેવાનું કીધું. પણ પ્રેરિતોએ એ આજ્ઞા પાળવાને બદલે યહોવાની આજ્ઞા પાળી અને પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. એટલે તેઓને ઘણી ખુશી મળી. (પ્રે.કા. ૫:૨૭-૨૯, ૪૧, ૪૨) આપણા કામ પર નિયંત્રણ હોય તો ખૂબ જરૂરી છે કે આપણે સાવચેતી રાખીને પ્રચાર કરીએ. પણ ખુશખબર જણાવવા આપણે બનતું બધું કરીએ. એમ કરીશું તો આપણને શાંતિ મળશે. કેમ કે પ્રચાર કરીને આપણે યહોવાના દિલને ખુશ કરીએ છીએ અને જીવન બચાવનાર કામમાં ભાગ લઈએ છીએ. સંજોગો ભલે ગમે તેટલા અઘરા થઈ જાય, ખાતરી રાખો કે તમે મન શાંત રાખી શકો છો. પણ એ સાચી શાંતિ ફક્ત યહોવા જ આપી શકે છે. રોગચાળો ફેલાય, આફત આવી પડે કે સતાવણી થાય ત્યારે યહોવા પર આધાર રાખો. સંગઠનનું માર્ગદર્શન પાળો અને ભાઈ-બહેનોની નજીક રહો. યહોવાએ સોનેરી ભાવિનું જે વચન આપ્યું છે એના પર વિચાર કરતા રહો. એમ કરશો તો “શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.”—ફિલિ. ૪:૯. w૨૨.૧૨ ૨૧ ¶૧૭-૧૮

શુક્રવાર, ઑક્ટોબર ૨૫

“નવો સ્વભાવ પહેરી લો.”—એફે. ૪:૨૪.

એવું કરવું અમુકને કદાચ અઘરું લાગે. તેઓએ સખત મહેનત કરવી પડે. જેમ કે, અમુક લોકોનો સ્વભાવ એવો છે કે તેઓ નાની નાની વાતમાં ભડકી ઊઠે અથવા તેઓને બીજાઓની ઈર્ષા થતી હોય. (એફે. ૪:૩૧, ૩૨) બાઇબલમાં પણ જણાવ્યું છે કે અમુક લોકો ‘ગરમ મિજાજના’ અને ‘વાતે વાતે ગુસ્સે થવાવાળા’ હોય છે. (નીતિ. ૨૯:૨૨) બાપ્તિસ્મા પછી પણ આવા સ્વભાવને કાબૂમાં રાખવા ઘણી મહેનત કરતા રહેવું પડે છે. (રોમ. ૭:૨૧-૨૩) યહોવાને પ્રાર્થના કરીએ. તેમને જણાવીએ કે આપણે કઈ ખરાબ આદત છોડવાનો પ્રયત્ન કરીએ છીએ. પૂરી ખાતરી રાખીએ કે તે આપણી પ્રાર્થના સાંભળશે અને આપણને ચોક્કસ મદદ કરશે. (૧ યોહા. ૫:૧૪, ૧૫) યહોવા કોઈ ચમત્કાર કરીને એ આદત દૂર નહિ કરે, પણ એ આદત સામે લડવા તાકાત આપશે. (૧ પિત. ૫:૧૦) પ્રાર્થનાની સાથે સાથે આપણે બીજું પણ કંઈક કરવું પડશે. મનમાં ખોટી ઇચ્છાઓ આવે તો એના વિશે વિચારતા ન રહીએ.—ફિલિ. ૪:૮; કોલો. ૩:૨. w૨૩.૦૧ ૧૦ ¶૭, ૯-૧૦

શનિવાર, ઑક્ટોબર ૨૬

“જે કોઈ ઈશ્વરને પ્રેમ કરે છે, તેણે પોતાના ભાઈને પણ પ્રેમ કરવો જોઈએ.” —૧ યોહા. ૪:૨૧.

બીજાઓને પ્રેમ બતાવવાની એક રીત છે, તેઓને પૂરા ઉત્સાહથી ખુશખબર જણાવીએ. આપણે દરેક વ્યક્તિને ખુશખબર જણાવીએ છીએ. આપણે એ નથી જોતા કે વ્યક્તિ કઈ જાતિ કે સમાજની છે, તે અમીર છે કે ગરીબ, તે કયા હોદ્દા પર છે, તે ભણેલી છે કે નહિ. એમ કરીને આપણે યહોવાની ઇચ્છા પૂરી કરીએ છીએ. કેમ કે યહોવા ચાહે છે કે “બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું ખરું જ્ઞાન મેળવે.” (૧ તિમો. ૨:૪) ભાઈ-બહેનોને પ્રેમ કરીને પણ બતાવી આપીએ છીએ કે આપણે યહોવા અને ઈસુને પ્રેમ કરીએ છીએ. આપણને ભાઈ-બહેનોની ખૂબ ચિંતા છે. તેઓ પર મુશ્કેલીઓ આવે છે ત્યારે મદદ કરવા ખડે પગે હાજર રહીએ છીએ. તેઓનું કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે દિલાસો આપીએ છીએ. તેઓ બીમાર પડે ત્યારે મળવા જઈએ છીએ. તેઓ નિરાશ હોય ત્યારે ઉત્તેજન આપીએ છીએ. (૨ કોરીં. ૧:૩-૭; ૧ થેસ્સા. ૫:૧૧, ૧૪) આપણે તેઓ માટે પ્રાર્થના કરતા રહીએ છીએ. કેમ કે આપણે જાણીએ છીએ, “નેક માણસે કરગરીને કરેલી પ્રાર્થનાની જોરદાર અસર થાય છે.”—યાકૂ. ૫:૧૬. w૨૩.૦૧ ૨૮-૨૯ ¶૭-૮

રવિવાર, ઑક્ટોબર ૨૭

“એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.” —૧ થેસ્સા. ૫:૧૧.

બાંધકામ કરનાર વ્યક્તિ પોતાની આવડત નિખારવા મહેનત કરતી રહે છે. એવી જ રીતે આપણે પણ ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા અને મક્કમ કરવા મહેનત કરતા રહીએ. કસોટીઓ સહેતાં ભાઈ-બહેનોને આપણે મદદ કરીએ. તેઓને એવા ભક્તો વિશે જણાવી શકીએ, જેઓ મુશ્કેલીઓમાં યહોવાને વફાદાર રહ્યા. (હિબ્રૂ. ૧૧:૩૨-૩૫; ૧૨:૧) આપણે દિલ ખોલીને ભાઈ-બહેનોના વખાણ કરીએ. પોતાનો કક્કો ખરો કરવાને બદલે બીજાઓનું સાંભળીએ. જો કોઈની સાથે અણબનાવ કે બોલાચાલી થાય તો તેમને માફ કરીએ. એનાથી મંડળમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહેશે. (એફે. ૪:૩) આપણે ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરવા તેઓ સાથે બાઇબલ અને સાહિત્યમાંથી વાતચીત કરીએ. તેઓને જરૂર હોય ત્યારે મદદ કરીએ. જેઓની શ્રદ્ધા નબળી પડી ગઈ હોય તેઓને ઉત્તેજન આપીએ અને જોશ વધારીએ. ભાઈ-બહેનોને ઉત્તેજન આપીને અને તેઓને મક્કમ કરીને આપણને સારું લાગે છે, ઘણી ખુશી મળે છે. ભલે એક બિલ્ડિંગ કે મકાન કેટલું પણ મજબૂત હોય, એક સમયે એ જર્જરિત થઈ જાય અને કદાચ ધસી પડે. પણ ભાઈ-બહેનોને મક્કમ કરતા રહીશું, શ્રદ્ધામાં મજબૂત કરતા રહીશું તો તેઓને યુગોના યુગો સુધી ફાયદો થશે! w૨૨.૦૮ ૨૧ ¶૬; ૨૫ ¶૧૭-૧૮

સોમવાર, ઑક્ટોબર ૨૮

“યહોવા બુદ્ધિ આપે છે, તેમના મોંમાંથી જ્ઞાન અને સમજણની વાતો નીકળે છે.” —નીતિ. ૨:૬.

બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા સમજશક્તિ કેળવવાની જરૂર છે. (હિબ્રૂ. ૫:૧૪) એમ કરીશું તો એક કલમના વિચારો કઈ રીતે બીજી કલમો સાથે જોડાયેલા છે અને એ કઈ રીતે અલગ છે એ પારખી શકીશું. તેમ જ, બાઇબલમાં જે સીધેસીધું નથી જણાવ્યું એ પણ પારખી શકીશું. વધુમાં કયા બનાવો બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી કરે છે, એ પારખવા પણ સમજશક્તિની જરૂર છે. આમ, સમજશક્તિ કેળવીશું તો બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવી શકીશું. યહોવા પોતાના ભક્તોને સમજશક્તિ આપે છે. એટલે આપણે પણ યહોવા પાસે પ્રાર્થનામાં સમજશક્તિ માંગીએ. પ્રાર્થના કર્યા પછી એ પ્રમાણે પગલાં ભરીએ. બાઇબલ વાંચીએ ત્યારે એની માહિતી પર ધ્યાન આપીએ. વિચારીએ કે આપણે પહેલેથી જે જાણીએ છીએ એની સાથે આ માહિતી કઈ રીતે સંકળાયેલી છે. એમ કરીશું તો બાઇબલના અહેવાલો સારી રીતે સમજી શકીશું. તેમ જ, વાંચેલી માહિતીને કઈ રીતે લાગુ પાડવી એ પણ સમજી શકીશું. (હિબ્રૂ. ૫:૧૪) બાઇબલ વાંચતી વખતે સમજશક્તિ વાપરીશું તો આપણી સમજણ વધતી ને વધતી જશે. w૨૩.૦૨ ૧૦ ¶૭-૮

મંગળવાર, ઑક્ટોબર ૨૯

“તેમના તરફથી આપણને જીવન મળ્યું છે, આપણે હરી-ફરી શકીએ છીએ અને જીવીએ છીએ.”—પ્રે.કા. ૧૭:૨૮.

ધારો કે, તમારા પપ્પા તમને વારસામાં એક મોટું ઘર આપે છે. એ એકદમ સુંદર છે. ભલેને અમુક જગ્યાએથી એનો રંગ ઉખડી ગયો છે, એમાં તિરાડો પડી છે, પણ એ ઘરની કિંમત લાખો રૂપિયા છે. શું તમે એની કદર નહિ કરો? શું તમે એની સારસંભાળ રાખવાની પૂરી કોશિશ નહિ કરો? ચોક્કસ કરશો. એવી જ રીતે, યહોવાએ આપણને એક કીમતી ભેટ આપી છે. એ છે આપણું જીવન. આપણા માટે પોતાનો દીકરો આપીને યહોવાએ બતાવ્યું કે તેમના માટે આપણું જીવન ખૂબ કીમતી છે. (યોહા. ૩:૧૬) યહોવા જીવનનો ઝરો છે. (ગીત. ૩૬:૯) પ્રેરિત પાઉલને એ વાત પર પૂરો ભરોસો હતો, એટલે તેમણે કહ્યું: “તેમના તરફથી આપણને જીવન મળ્યું છે, આપણે હરી-ફરી શકીએ છીએ અને જીવીએ છીએ.” (પ્રે.કા. ૧૭:૨૫, ૨૮) એટલે આપણે કહી શકીએ કે જીવન ઈશ્વર તરફથી એક ભેટ છે. તે આપણને ખૂબ પ્રેમ કરતા હોવાથી તેમણે જીવન-જરૂરી બધું પૂરું પાડ્યું છે. (પ્રે.કા. ૧૪:૧૫-૧૭) પણ આપણો જીવ જોખમમાં ન આવે એ માટે તે કોઈ ચમત્કાર કરતા નથી. તે ચાહે છે કે આપણે તબિયતનું ધ્યાન રાખવા અને તેમની ભક્તિ કરતા રહેવા બનતું બધું કરીએ.—૨ કોરીં. ૭:૧. w૨૩.૦૨ ૨૦ ¶૧-૨

બુધવાર, ઑક્ટોબર ૩૦

“હું તને જે સંદેશો આપું, એનો એકેએક શબ્દ તું પુસ્તકમાં લખી લે.”—યર્મિ. ૩૦:૨.

યહોવાનો લાખ લાખ અહેસાન કે તેમણે આપણને બાઇબલ આપ્યું. બાઇબલમાં તેમણે સારી સલાહ લખાવી છે, જેની મદદથી આપણે મુશ્કેલીઓ પાર કરી શકીએ છીએ. યહોવાએ બાઇબલ દ્વારા આપણને સુંદર ભાવિની આશા પણ આપી છે. સૌથી મહત્ત્વનું તો, યહોવાએ બાઇબલમાં લખાવ્યું છે કે તે કેવા ઈશ્વર છે અને તેમનામાં કેવા ગુણો છે. એ ગુણો પર ઊંડો વિચાર કરીને આપણું દિલ કદરથી ઊભરાઈ જાય છે. એટલું જ નહિ, યહોવાની નજીક જવા અને તેમની સાથે પાકી દોસ્તી કરવા પ્રેરાઈએ છીએ. (ગીત. ૨૫:૧૪) યહોવા ચાહે છે કે લોકો તેમને ઓળખે. પહેલાંના સમયમાં તેમણે સપનાઓ, દર્શનો અને દૂતો દ્વારા માણસોને પોતાના વિશે જણાવ્યું. (ગણ. ૧૨:૬; પ્રે.કા. ૧૦:૩, ૪) જો કોઈએ એ બધું લખ્યું ન હોત, તો આપણને કઈ રીતે ખબર પડી હોત? એના લીધે જ તેમણે અમુક માણસો દ્વારા એ બધી માહિતી એક ‘પુસ્તકમાં લખાવી.’ યહોવાનો “માર્ગ સંપૂર્ણ છે,” તે જે કંઈ કરે છે એ હંમેશાં યોગ્ય હોય છે. (ગીત. ૧૮:૩૦) એટલે ખાતરી રાખી શકીએ કે આપણા માટે બાઇબલ લખાવીને યહોવાએ બરાબર કર્યું છે. બાઇબલ દ્વારા યહોવા આપણી સાથે વાત કરે છે, એટલે એ વાંચીશું તો આપણને જ ફાયદો થશે. w૨૩.૦૨ ૨ ¶૧-૨

ગુરુવાર, ઑક્ટોબર ૩૧

“લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.

તમે એવા ધ્યેય રાખજો જેનાથી તમારી શ્રદ્ધા વધે અને તમે ભક્તિમાં આગળ વધી શકો. (એફે. ૩:૧૬) જેમ કે, તમે રોજ બાઇબલ વાંચવાની અને નિયમિત ઊંડો અભ્યાસ કરવાની આદત પાડી શકો. (ગીત. ૧:૨, ૩) તમે દિલથી પ્રાર્થના કરવાનો ધ્યેય રાખી શકો. અવાર-નવાર પ્રાર્થના કરવાની કોશિશ કરી શકો. તમે કેવું મનોરંજન પસંદ કરો છો, કેવી બાબતોમાં તમારો સમય જાય છે એના પર વધારે ધ્યાન આપી શકો. (એફે. ૫:૧૫, ૧૬) તમે બીજાઓને મદદ કરીને પણ ભક્તિમાં આગળ વધી શકો છો. જેમ કે, તમે વૃદ્ધ અને બીમાર ભાઈ-બહેનોને મદદ કરવાનો ધ્યેય રાખી શકો. તેઓને બજારથી કંઈ જોઈતું હોય તો એ લાવી આપી શકો. તેઓને કોમ્પ્યુટર કે ફોન વાપરવાનું શીખવી શકો. તમે ખુશખબર ફેલાવીને બીજા લોકોને મદદ કરી શકો. (માથ. ૯:૩૬, ૩૭) બની શકે તો પૂરા સમયની સેવા કરવાનો પણ ધ્યેય રાખી શકો. w૨૨.૦૮ ૬-૭ ¶૧૬-૧૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો