વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es24 પાન ૯૬-૧૦૯
  • ઑગસ્ટ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
  • મથાળાં
  • ગુરુવાર, ઑગસ્ટ ૧
  • શુક્રવાર, ઑગસ્ટ ૨
  • શનિવાર, ઑગસ્ટ ૩
  • રવિવાર, ઑગસ્ટ ૪
  • સોમવાર, ઑગસ્ટ ૫
  • મંગળવાર, ઑગસ્ટ ૬
  • બુધવાર, ઑગસ્ટ ૭
  • ગુરુવાર, ઑગસ્ટ ૮
  • શુક્રવાર, ઑગસ્ટ ૯
  • શનિવાર, ઑગસ્ટ ૧૦
  • રવિવાર, ઑગસ્ટ ૧૧
  • સોમવાર, ઑગસ્ટ ૧૨
  • મંગળવાર, ઑગસ્ટ ૧૩
  • બુધવાર, ઑગસ્ટ ૧૪
  • ગુરુવાર, ઑગસ્ટ ૧૫
  • શુક્રવાર, ઑગસ્ટ ૧૬
  • શનિવાર, ઑગસ્ટ ૧૭
  • રવિવાર, ઑગસ્ટ ૧૮
  • સોમવાર, ઑગસ્ટ ૧૯
  • મંગળવાર, ઑગસ્ટ ૨૦
  • બુધવાર, ઑગસ્ટ ૨૧
  • ગુરુવાર, ઑગસ્ટ ૨૨
  • શુક્રવાર, ઑગસ્ટ ૨૩
  • શનિવાર, ઑગસ્ટ ૨૪
  • રવિવાર, ઑગસ્ટ ૨૫
  • સોમવાર, ઑગસ્ટ ૨૬
  • મંગળવાર, ઑગસ્ટ ૨૭
  • બુધવાર, ઑગસ્ટ ૨૮
  • ગુરુવાર, ઑગસ્ટ ૨૯
  • શુક્રવાર, ઑગસ્ટ ૩૦
  • શનિવાર, ઑગસ્ટ ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
es24 પાન ૯૬-૧૦૯

ઑગસ્ટ

ગુરુવાર, ઑગસ્ટ ૧

“તેમની આગળ યાદગીરીના પુસ્તકમાં યહોવાનો ડર રાખનારા અને તેમના નામનું મનન કરનારાઓનાં નામ લખવામાં આવ્યાં.”—માલા. ૩:૧૬.

માલાખીમાં આપેલી આ કલમથી ખબર પડે છે કે યહોવા લોકોની વાતચીત પર ધ્યાન આપે છે. તેઓની વાતચીતથી દેખાઈ આવે છે કે તેઓનાં દિલમાં શું છે. જે લોકોની વાતોથી જોવા મળે છે કે તેઓ યહોવાનો ડર રાખે છે અને તેમના નામનું મનન કરે છે, તેઓનાં નામ યહોવા “યાદગીરીના પુસ્તકમાં” લખે છે. ઈસુએ કહ્યું, “દિલમાં જે ભરેલું હોય એ જ મુખમાંથી નીકળે છે.” (માથ. ૧૨:૩૪) યહોવા ચાહે છે કે જે લોકો તેમને પ્રેમ કરે છે, તેઓ હંમેશ માટેનું જીવન મેળવે. જો આપણી વાણી સારી હશે તો યહોવા આપણી ભક્તિથી ખુશ થશે. (યાકૂ. ૧:૨૬) જે લોકો યહોવાને પ્રેમ કરતા નથી, તેઓ ગુસ્સો કરે છે, બડાઈઓ હાંકે છે અને કઠોર શબ્દોથી બીજાઓને દુઃખ પહોંચાડે છે. (૨ તિમો. ૩:૧-૫) આપણે તેઓ જેવા બનવા માંગતા નથી. આપણે તો યહોવાને આપણી વાણીથી ખુશ કરવા માંગીએ છીએ. આપણે ફક્ત સભામાં કે પ્રચારમાં જ નહિ, ઘરના લોકો સાથે પણ પ્રેમ અને આદરથી વાત કરવી જોઈએ. જો એમ કરીશું તો યહોવા આપણી ભક્તિથી ખુશ થશે.—૧ પિત. ૩:૭. w૨૨.૦૪ ૫ ¶૪-૫

શુક્રવાર, ઑગસ્ટ ૨

“તેઓ વેશ્યાનો ધિક્કાર કરશે. તેઓ તેને બરબાદ કરશે, નગ્‍ન કરશે, તેનું માંસ ખાશે અને તેને અગ્‍નિથી પૂરેપૂરી બાળી નાખશે.” —પ્રકટી. ૧૭:૧૬.

ઈશ્વર દસ શિંગડાં અને જંગલી જાનવરનાં મનમાં એક વિચાર મૂકે છે, જેથી તેઓ મળીને મહાન બાબેલોનનો અંત કરી દે. કલમના શબ્દોથી ખબર પડે છે કે યહોવા દુનિયાની સરકારોનાં મનમાં એક વિચાર મૂકશે. એના લીધે એ સરકારો, લાલ રંગના જંગલી જાનવર એટલે કે યુનાઈટેડ નેશન્સ દ્વારા બધા જૂઠા ધર્મોનો નાશ કરશે. (પ્રકટી. ૧૮:૨૧-૨૪) આપણે શું કરવું જોઈએ? ‘આપણા ઈશ્વરની નજરમાં શુદ્ધ અને પવિત્ર ભક્તિ’ કરીએ. (યાકૂ. ૧:૨૭) આપણે કોઈ પણ રીતે મહાન બાબેલોનનો ભાગ બનવું ન જોઈએ. આપણે એનું જૂઠું શિક્ષણ માનવું ન જોઈએ. ખોટા રીતરિવાજો અને તહેવારો પાળવા ન જોઈએ. ગંદા વિચારો, કામો અને જાદુટોણાંથી દૂર રહેવું જોઈએ. આપણે લોકોને પણ કહેવું જોઈએ કે તેઓ મહાન બાબેલોનમાંથી ‘બહાર નીકળી આવે,’ જેથી તેઓ તેનાં પાપના ભાગીદાર ન થાય.—પ્રકટી. ૧૮:૪. w૨૨.૦૫ ૧૧ ¶૧૭; ૧૪ ¶૧૮

શનિવાર, ઑગસ્ટ ૩

“યહોવાએ અતૂટ પ્રેમને લીધે કરેલાં કામો હું જણાવીશ.”—યશા. ૬૩:૭.

માતા-પિતાઓ, તમે બાળકોને યહોવા વિશે શીખવવાની તક શોધો. યહોવાએ તમારા માટે જે કર્યું છે, એ વિશે બાળકો સાથે વાત કરો. (પુન. ૬:૬, ૭) ઘરમાં માતા અને પિતા અલગ-અલગ ધર્મમાં માનતા હોય. અને તમે બાળકો સાથે ઘરમાં નિયમિત રીતે બાઇબલ અભ્યાસ કરી શકતા ન હો, તો યહોવા વિશે શીખવવાની એક પણ તક જવા દેશો નહિ. ક્રિસ્ટીન નામના બહેન એ વિશે કહે છે, “બાળકોને યહોવા વિશે શીખવવાની મને બહુ ઓછી તક મળતી. એટલે હું એક પણ મોકો છોડતી નહિ.” તમે બીજું શું કરી શકો? યહોવાના સંગઠન અને ભાઈ-બહેનો વિશે સારી વાતો કરો. વડીલોના વાંક કાઢશો નહિ. તેઓના સારા ગુણો પર ધ્યાન દોરશો તો બાળકોને જરૂર પડશે ત્યારે તેઓ પાસે જતા અચકાશે નહિ. ઘરમાં શાંતિભર્યો માહોલ બનાવો. તમારાં કામો અને વાતોથી બતાવો કે તમે તમારાં પતિ અને બાળકોને કેટલો પ્રેમ કરો છો. તમારા પતિ સાથે માનથી વાત કરો. બાળકોને પણ એમ કરતા શીખવો. આમ ઘરમાં શાંતિભર્યો માહોલ રહેશે અને બાળકો માટે યહોવા વિશે શીખવું સહેલું થઈ જશે.—યાકૂ. ૩:૧૮. w૨૨.૦૪ ૧૮ ¶૧૦-૧૧

રવિવાર, ઑગસ્ટ ૪

“તારાં કામો હું જાણું છું.”—પ્રકટી. ૩:૧.

ઈસુએ એફેસસ મંડળને જે સંદેશો આપ્યો એમાં તેમણે જણાવ્યું કે ત્યાંનાં ભાઈ-બહનોએ ઘણું સહન કર્યું હતું. તેઓએ કસોટીઓ છતાં હિંમત હાર્યા વગર યહોવાની ભક્તિ કરી હતી. પણ એ મંડળમાં એક મુશ્કેલી હતી. તેઓમાં પહેલાં જે પ્રેમ હતો, એ ઠંડો પડી ગયો હતો. તેઓએ પહેલાં જેવો પ્રેમ ફરી કેળવવાનો હતો, જેથી યહોવા તેઓની ભક્તિ સ્વીકારે. આપણે શું શીખી શકીએ? આપણે ઘણી કસોટીઓ સહન કરતા હોઈએ. પણ એ કસોટી સહન કરવા પાછળનો આપણો ઇરાદો સારો હશે તો જ યહોવા ખુશ થશે. આપણે શું કરીએ છીએ અને કેમ કરીએ છીએ એ યહોવા જુએ છે. આપણા ઇરાદાથી દેખાઈ આવે છે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેમના માટે કેટલી કદર છે. તે ચાહે છે કે આપણે સારા ઇરાદાથી તેમની ભક્તિ કરીએ. (નીતિ. ૧૬:૨; માર્ક ૧૨:૨૯, ૩૦) હંમેશાં જાગતા રહીએ. સાર્દિસ મંડળમાં એક મુશ્કેલી હતી. એ મંડળનાં ભાઈ-બહેનો એક સમયે પૂરા જોશથી યહોવાની ભક્તિ કરતા હતાં. પણ હવે તેઓનો જોશ ઓછો થઈ રહ્યો હતો, એટલે ઈસુએ તેઓને ‘જાગતા રહેવાનું’ કહ્યું. (પ્રકટી.૩:૧-૩) આપણે શું શીખી શકીએ? આપણે યહોવા માટે જે કરીએ છીએ એ તે ક્યારેય ભૂલતા નથી.—હિબ્રૂ. ૬:૧૦. w૨૨.૦૫ ૩ ¶૬-૭

સોમવાર, ઑગસ્ટ ૫

“મહેનતના દરેક કામથી ફાયદો થાય છે.”—નીતિ. ૧૪:૨૩.

સુલેમાને કહ્યું કે મહેનત કરવાથી ખુશી મળે છે અને “એ ઈશ્વર તરફથી ભેટ છે.” (સભા. ૫:૧૮, ૧૯) તે એક મહેનતુ વ્યક્તિ હતા. તેમણે પોતાનાં માટે ઘરો બાંધ્યાં, દ્રાક્ષાવાડીઓ રોપી, બગીચા અને તળાવો બનાવ્યાં. તેમણે ઘણાં શહેરો પણ બાંધ્યાં. (૧ રાજા. ૯:૧૯; સભા. ૨:૪-૬) તેમને પોતાની મહેનતના લીધે ઘણી ખુશી મળી હશે. પણ સુલેમાનને ખબર હતી કે એ બધું કરવાથી સાચી ખુશી નહિ મળે. યહોવા માટે કંઈક કરશે તો જ તેમને સાચી ખુશી મળશે. એટલે આગળ જતાં તેમણે યહોવા માટે એક ભવ્ય મંદિર બાંધ્યું. એ તેમની સાત વર્ષની મહેનત હતી! (૧ રાજા. ૬:૩૮; ૯:૧) અલગ અલગ પ્રકારનાં કામો કર્યાં પછી સુલેમાનને ખ્યાલ આવ્યો કે યહોવાની ભક્તિ કરવી જ સૌથી મહત્ત્વનું છે. તેમણે લખ્યું, “બધી વાતો સાંભળવામાં આવી, એનું તારણ આ છે: સાચા ઈશ્વરનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી.”—સભા. ૧૨:૧૩. w૨૨.૦૫ ૨૨ ¶૮

મંગળવાર, ઑગસ્ટ ૬

‘ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે તમને દિલથી માફ કર્યા છે.’—એફે. ૪:૩૨.

બાઇબલમાં એવા ઘણા લોકોના દાખલા છે, જેઓને યહોવાએ પૂરી રીતે માફ કર્યા હોય. તમારા મનમાં કોણ આવે છે? મનાશ્શા રાજાનો દાખલો જોઈએ. તેમણે યહોવાની નજરમાં મોટાં મોટાં પાપ કર્યાં હતાં. તે જૂઠાં દેવી-દેવતાઓની ભક્તિ કરતા હતા. તે બીજાઓને પણ એમ કરવાનું ઉત્તેજન આપતા હતા. તેમણે જૂઠાં દેવી-દેવતાઓ માટે પોતાનાં બાળકોની બલિ ચઢાવી દીધી. અરે, યહોવાના પવિત્ર મંદિરમાં એક મૂર્તિ પણ ઊભી કરી! બાઇબલમાં જણાવ્યું છે કે મનાશ્શાએ “યહોવાની નજરમાં જે કંઈ ખરાબ હતું એ બધું કરવામાં હદ વટાવી દીધી અને તેમને ભારે રોષ ચઢાવ્યો.” (૨ કાળ. ૩૩:૨-૭) પણ તેમણે દિલથી પસ્તાવો કર્યો ત્યારે યહોવાએ તેમને પૂરી રીતે માફ કર્યા. (૨ કાળ. ૩૩:૧૨, ૧૩) હવે દાઉદ રાજાનો વિચાર કરીએ. તેમણે યહોવાની નજરમાં ગંભીર પાપ કર્યાં હતાં, જેમ કે વ્યભિચાર અને ખૂન. જોકે દાઉદે પાપ કબૂલ કર્યાં અને દિલથી પસ્તાવો કર્યો ત્યારે યહોવાએ તેમને પણ માફ કરી દીધા. (૨ શમુ. ૧૨:૯, ૧૦, ૧૩, ૧૪) એ બંને દાખલામાંથી ખાતરી મળે છે કે યહોવા માફ કરવા તૈયાર છે. w૨૨.૦૬ ૩ ¶૭

બુધવાર, ઑગસ્ટ ૭

“ધીરજ રાખો. તમારાં હૃદય દૃઢ કરો.”—યાકૂ. ૫:૮.

આશાને મજબૂત રાખવી હંમેશાં સહેલું નથી. અમુક વાર આપણી ધીરજ ખૂટી જાય. આપણને થાય, ‘કેમ યહોવાએ હજી સુધી પોતાનાં વચનો પૂરાં કર્યાં નથી?’ પણ આપણે યાદ રાખવું જોઈએ કે યહોવા હંમેશાં હતા ને હંમેશાં રહેશે. તે સનાતન છે. એટલે આપણને જે સમય બહુ લાંબો લાગે, એ યહોવા માટે થોડો જ છે. (૨ પિત. ૩:૮, ૯) યહોવા યોગ્ય સમયે પોતાનાં વચનો ચોક્કસ પૂરાં કરશે. પણ જરૂરી નથી કે આપણે ચાહીએ એ સમયે તે પૂરાં કરે. એટલે યહોવા પોતાનાં વચનો પૂરાં કરે ત્યાં સુધી આપણે ધીરજ રાખીએ અને આશા મજબૂત કરતા રહીએ. એ માટે શું કરી શકીએ? (યાકૂ. ૫:૭) યહોવાએ જ આપણને ભાવિની આશા આપી છે અને તે જ એ આશા પૂરી કરશે. એટલે યહોવા પર શ્રદ્ધા રાખીશું, તેમની સાથે દોસ્તી પાકી કરીશું. બાઇબલમાં પણ જણાવ્યું છે કે આપણે શ્રદ્ધા રાખીએ કે યહોવા ખરેખર છે અને “તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.” એવી શ્રદ્ધા હશે તો આપણી આશા મજબૂત થશે કે યહોવા પોતાનાં વચનો ચોક્કસ પૂરાં કરશે. (હિબ્રૂ. ૧૧:૧, ૬) આપણી આશા મજબૂત થાય, માટે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ અને બાઇબલ વાંચવું જોઈએ. આપણે યહોવાને જોઈ નથી શકતા. પણ તેમની સાથે પાકી દોસ્તી કરી શકીએ છીએ. આપણે પ્રાર્થનામાં તેમની સાથે વાત કરી શકીએ છીએ. આપણને ભરોસો છે કે તે આપણું સાંભળે છે.—યર્મિ. ૨૯:૧૧, ૧૨. w૨૨.૧૦ ૨૬-૨૭ ¶૧૧-૧૩

ગુરુવાર, ઑગસ્ટ ૮

“અયૂબે બોલવાનું શરૂ કર્યું અને પોતાના જન્મદિવસને શ્રાપ આપ્યો.” —અયૂ. ૩:૧.

જરા કલ્પના કરો, અયૂબ રાખમાં બેઠા છે. તેમને બહુ પીડા થઈ રહી છે. (અયૂ. ૨:૮) તે મુશ્કેલીઓના વમળમાં ફસાઈ ગયા છે. બાળકોનાં મરણથી તેમનું દિલ ચીરાઈ ગયું છે. પણ તે કંઈ બોલતા નથી. (અયૂ. ૨:૧૩) એટલે કદાચ તેમના મિત્રોને લાગે છે કે તે યહોવાને છોડી દેશે. પણ તે એવું કંઈ કરતા નથી. તેમના મિત્રો વારેઘડીએ મહેણાં-ટોણાં મારે છે. તેમનું બહુ અપમાન કરે છે. પણ આખરે, અયૂબ માથું ઊંચું કરીને મિત્રો સામે જોઈને કહે છે, “છેલ્લા શ્વાસ સુધી હું મારી પ્રમાણિકતાને વળગી રહીશ!” (અયૂ. ૨૭:૫) આટલી બધી મુશ્કેલીઓમાં પણ અયૂબે હિંમત રાખી અને મન મક્કમ રાખ્યું. તે કઈ રીતે એમ કરી શક્યા? તેમણે લાખો નિરાશામાં પણ આશા છોડી નહિ. તેમને આશા હતી કે યહોવા એક દિવસ તેમની બધી દુઃખ-તકલીફોનો અંત લાવશે. તેમને પૂરી ખાતરી હતી કે મરણ થઈ જાય તોપણ યહોવા તેમને ફરી જીવતા કરશે.—અયૂ. ૧૪:૧૩-૧૫. w૨૨.૦૬ ૨૨ ¶૯

શુક્રવાર, ઑગસ્ટ ૯

‘તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. તમારું રાજ્ય આવો. તમારી ઇચ્છા પૂરી થાઓ.”’ —માથ. ૬:૯, ૧૦.

આપણે આખા વિશ્વના માલિક યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ. એ કેટલો કીમતી લહાવો કહેવાય! જરા વિચારો, આપણે તેમને કોઈ પણ સમયે, કોઈ પણ ભાષામાં પ્રાર્થના કરી શકીએ છીએ. તેમની આગળ દિલ ઠાલવી શકીએ છીએ. આપણે હૉસ્પિટલના ખાટલા પર હોઈએ કે પછી જેલના સળિયા પાછળ, દરેક જગ્યાએથી તેમને પ્રાર્થના કરી શકીએ છીએ. આપણને ખાતરી છે કે પ્રેમાળ પિતા આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. પ્રાર્થના કરવાનો આપણી પાસે અનોખો આશીર્વાદ છે. એને ક્યારેય નાનોસૂનો ન ગણીએ. દાઉદ રાજા પ્રાર્થનાને એક કીમતી લહાવો ગણતા હતા. એટલે તેમણે યહોવાને કહ્યું: “મારી પ્રાર્થના તમારી આગળ તૈયાર કરેલા ધૂપ જેવી થાઓ.” (ગીત. ૧૪૧:૧, ૨) દાઉદના સમયમાં યાજકો યહોવાની શુદ્ધ ભક્તિ માટે ધૂપ ચઢાવતા. એ ધૂપને ખૂબ ધ્યાનથી તૈયાર કરવામાં આવતો. (નિર્ગ. ૩૦:૩૪, ૩૫) દાઉદે પ્રાર્થનાને ધ્યાનથી તૈયાર કરેલા ધૂપ સાથે સરખાવી. એનાથી ખબર પડે છે કે તે પહેલેથી વિચાર કરતા કે પ્રાર્થનામાં શું કહેશે. દાઉદની જેમ આપણે પણ ચાહીએ છીએ કે યહોવા આપણી પ્રાર્થનાથી ખુશ થાય. એટલે પ્રાર્થનામાં શું કહીશું એનો પહેલેથી વિચાર કરવો જોઈએ. w૨૨.૦૭ ૨૦ ¶૧-૨; ૨૧ ¶૪

શનિવાર, ઑગસ્ટ ૧૦

“યહોવા કહે છે, ‘વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ.’”—રોમ. ૧૨:૧૯.

બદલો લેવો યહોવાનું કામ છે. યહોવાએ આપણને બદલો લેવાનો અથવા બીજાઓને સજા કરવાનો અધિકાર આપ્યો નથી. (રોમ. ૧૨:૨૦, ૨૧) આપણાથી ભૂલો થાય છે અને ઘણી વાર આપણી પાસે બધી માહિતી હોતી નથી. એટલે આપણે યહોવાની જેમ સાચો ન્યાય કરી શકતા નથી. (હિબ્રૂ. ૪:૧૩) અમુક વાર બીજાઓએ આપણને એટલા દુઃખી કર્યા હોય કે આપણે લાગણીઓમાં વહીને નિર્ણય લઈએ. એટલે જ યહોવાએ યાકૂબ પાસે લખાવ્યું, “ગુસ્સો કરનાર માણસ ઈશ્વરની નજરે જે ખરું છે, એ કરતો નથી.” (યાકૂ. ૧:૨૦) પણ ભરોસો રાખીએ કે યોગ્ય સમયે યહોવા સાચો ન્યાય કરશે. માફ કરીને આપણે યહોવાના ન્યાય પર પૂરો ભરોસો બતાવીએ છીએ. આપણે ન્યાય કરવાનું યહોવાના હાથમાં છોડી દઈએ. એમ કરીને યહોવા પર પૂરો ભરોસો બતાવીએ છીએ કે તે યોગ્ય સમયે બધું ઠીક કરી દેશે. તેમણે વચન આપ્યું છે કે નવી દુનિયામાં આપણને કડવી યાદો નહિ સતાવે. “અરે! એ કોઈના મનમાં પણ નહિ આવે.”—યશા. ૬૫:૧૭. w૨૨.૦૬ ૧૦-૧૧ ¶૧૧-૧૨

રવિવાર, ઑગસ્ટ ૧૧

“તમે મારા શિષ્યો છો એટલે બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.”—માથ. ૨૪:૯.

વિરોધ થાય ત્યારે યાદ રાખીએ કે આપણે ઈસુના પગલે ચાલીએ છીએ અને યહોવા આપણાથી ખુશ છે. (માથ. ૫:૧૧, ૧૨) આપણા વિરોધ પાછળ શેતાનનો હાથ છે. પણ ઈસુની સામે તેની કોઈ વિસાત નથી. આજે ઈસુની મદદથી આખી દુનિયામાં ખુશખબર ફેલાવવામાં આવી રહી છે. ભાષાઓ પણ એક પડકાર છે. આજે દુનિયામાં અલગ અલગ ભાષા બોલાય છે. લોકોને તેઓની ભાષામાં ખુશખબર જણાવવી આપણા માટે એક પડકાર છે. ઈસુએ પ્રેરિત યોહાનને દર્શનમાં જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં બધી ભાષાના લોકોને ખુશખબર જણાવવામાં આવશે. (પ્રકટી. ૧૪:૬, ૭) આજે એવું જ થઈ રહ્યું છે. આપણે બની શકે એટલા લોકોને તેઓની ભાષામાં સંદેશો જણાવીએ છીએ. લોકો આપણી વેબસાઇટ jw.org પર ૧,૦૦૦થી પણ વધારે ભાષામાં બાઇબલ આધારિત સાહિત્ય વાંચી શકે છે. હવે બાઇબલ અભ્યાસ કરવા આપણે દુઃખ જશે, સુખ આવશે પુસ્તક વાપરીએ છીએ. નિયામક જૂથે ૭૦૦થી પણ વધારે ભાષામાં એ પુસ્તકનું ભાષાંતર કરવાની મંજૂરી આપી છે. w૨૨.૦૭ ૯ ¶૬-૭

સોમવાર, ઑગસ્ટ ૧૨

“ઘણા સલાહકાર હોય તો સફળતા મળે છે.”—નીતિ. ૧૧:૧૪.

ઈસુ લોકોનું દુઃખ જોઈને દુઃખી થતા હતા. તે તેઓને મદદ કરવા માંગતા હતા. એ વિશે માથ્થીના પુસ્તકમાં લખ્યું છે: “લોકોનાં ટોળાં જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંની જેમ હેરાન થયેલા અને નિરાધાર હતા.” (માથ. ૯:૩૬) યહોવાને લોકો વિશે કેવું લાગે છે? ઈસુએ જણાવ્યું: “મારા સ્વર્ગમાંના પિતાને જરાય પસંદ નથી કે આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય.” (માથ. ૧૮:૧૪) એ સાંભળીને આપણને બહુ સારું લાગે છે, હેને! આપણે ઈસુને સારી રીતે ઓળખતા જઈશું તેમ યહોવા માટેનો પ્રેમ વધતો જશે. યહોવાને દિલથી પ્રેમ કરવા અને ભક્તિમાં આગળ વધવા તમે બીજું શું કરી શકો? મંડળનાં અનુભવી ભાઈ-બહેનો સાથે સમય વિતાવો. તેઓને સારી રીતે ઓળખો. ધ્યાન આપો કે તેઓ કેટલાં ખુશ છે. યહોવાની ભક્તિ કરવાનો તેઓએ નિર્ણય લીધો છે, એનો તેઓને જરાય અફસોસ નથી. યહોવાની સેવામાં તેઓને ઘણા સારા અનુભવો થયા હશે. એ વિશે તેઓને પૂછો. તમારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, તો તેઓની સલાહ લઈ શકો. બાઇબલમાં લખ્યું છે: “ઘણા સલાહકાર હોય તો સફળતા મળે છે.” w૨૨.૦૮ ૩ ¶૬-૭

મંગળવાર, ઑગસ્ટ ૧૩

“યહોવાની નજર નેક લોકો પર છે.”—૧ પિત. ૩:૧૨.

આપણે બધાએ ક્યારેક ને ક્યારેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આપણે એકલા નથી. યહોવા આપણી પડખે છે. એક પિતા પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે છે અને તેનું ધ્યાન રાખે છે. એવી જ રીતે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને આપણું ધ્યાન રાખે છે. તે આપણો પોકાર સાંભળે છે. તે હંમેશાં મદદ કરવા તૈયાર રહે છે. (યશા. ૪૩:૨) તે અલગ અલગ રીતે મદદ કરે છે. તેમણે આપણને પ્રાર્થનાનો લહાવો આપ્યો છે. બાઇબલ અને ઘણાં સાહિત્ય આપ્યાં છે. આપણને પ્રેમાળ ભાઈ-બહેનો આપ્યાં છે. એટલે ગમે તેવી મુશ્કેલી આવે, આપણે એની સામે હિંમતથી લડી શકીશું. આપણે ઘણા આભારી છીએ કે પ્રેમાળ પિતા યહોવા આપણું ધ્યાન રાખે છે. એટલે “આપણું દિલ તેમનામાં આનંદ કરે છે.” (ગીત. ૩૩:૨૧) પણ જો આપણે ચાહતા હોઈએ કે યહોવા હંમેશાં આપણું ધ્યાન રાખે, તો આપણે પણ કંઈક કરવાની જરૂર છે. યહોવા અલગ અલગ રીતે આપણી મદદ કરે છે. આપણે પૂરી રીતે એ મદદ સ્વીકારીએ અને તેમનો આભાર માનીએ. એટલું જ નહિ, આપણે તેમની વાત માનીએ, તે ચાહે છે એ પ્રમાણે જીવન જીવીએ. એમ કરીશું તો યહોવાની રહેમનજર કાયમ આપણા પર રહેશે. w૨૨.૦૮ ૧૩ ¶૧૫-૧૬

બુધવાર, ઑગસ્ટ ૧૪

“સત્ય એ જ તમારા વચનનો સાર છે.”—ગીત. ૧૧૯:૧૬૦.

આજે ઘણા લોકોને સમજાતું નથી કે કોના પર ભરોસો કરવો અને કોના પર નહિ. તેઓ બીજા લોકોને શંકાની નજરે જુએ છે. નેતાઓ, વૈજ્ઞાનિકો, વેપારીઓ અને ધર્મગુરુઓ પરથી તેઓનો ભરોસો ઊઠી રહ્યો છે. પાદરીઓની વાત કરીએ તો, તેઓનાં કરતૂતોને લીધે ઘણા લોકોની નજરમાં તેઓનું માન રહ્યું નથી. અરે, પાદરીઓ જે પુસ્તક પ્રમાણે જીવવાનો દાવો કરે છે, એ પુસ્તક પર, એટલે કે બાઇબલ પર પણ લોકો ભરોસો નથી કરી શકતા. આપણને પૂરો ભરોસો છે કે આપણા ઈશ્વર યહોવા “સત્યના ઈશ્વર” છે. તે હંમેશાં આપણું ભલું ચાહે છે. (ગીત. ૩૧:૫; યશા. ૪૮:૧૭) આપણને ખબર છે કે બાઇબલમાં લખેલી એકેએક વાત સાચી છે, એના પર આપણે ભરોસો કરી શકીએ છીએ. બાઇબલના એક વિદ્વાને એ વિશે એકદમ સાચું લખ્યું: “ઈશ્વર ક્યારેય જૂઠું નથી બોલતા. તે જે કહે છે, એ સાચું પડે છે. એટલે તેમના લોકો તેમના પર ભરોસો કરે છે. તેઓ તેમના શબ્દો પર પણ ભરોસો કરી શકે છે.” w૨૩.૦૧ ૨ ¶૧-૨

ગુરુવાર, ઑગસ્ટ ૧૫

“ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ.”—હિબ્રૂ. ૧૦:૨૪.

ભાઈ-બહેનોને મક્કમ કરવા માટે યહોવા પર તેઓની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરીએ. આજે ઘણાં અવિશ્વાસુ લોકો ભાઈ-બહેનોની મજાક ઉડાવે છે, તેઓને ખરી-ખોટી સંભળાવે છે. અમુક ભાઈ-બહેનો મોટી બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે. અમુકનાં દિલને ઠેસ પહોંચી છે એટલે તેઓ દુઃખી છે. કેટલાકં વર્ષોથી અંતની રાહ જોઈ રહ્યાં છે. એ કારણોને લીધે કદાચ તેઓની શ્રદ્ધા નબળી પડી જાય. પહેલી સદીના ખ્રિસ્તીઓ પર પણ એના જેવી મુશ્કેલીઓ આવી હતી. પ્રેરિત પાઉલે ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરવા શાસ્ત્રનો ઉપયોગ કર્યો. અમુક યહૂદી ખ્રિસ્તીઓને સગાઓ કદાચ મહેણાં મારતા હશે, “આપણો ધર્મ તો કેટલો જૂનો છે. તો પછી ખ્રિસ્તી બનવાની શું જરૂર હતી!” સગાં-વહાલાંને શું જવાબ આપવો એ કદાચ ભાઈ-બહેનોને સમજાતું નહિ હોય. પણ પાઉલે હિબ્રૂઓને લખેલા પત્રમાંથી તેઓની શ્રદ્ધા મજબૂત થઈ હશે. (હિબ્રૂ. ૧:૫, ૬; ૨:૨, ૩; ૯:૨૪, ૨૫) પાઉલે એ પત્રમાં સરસ કારણો આપીને સમજાવ્યું હતું. એ કારણોનો ઉપયોગ કરીને ભાઈ-બહેનો પોતાનાં સગાઓ સાથે સારી રીતે વાત કરી શક્યાં હશે. w૨૨.૦૮ ૨૩ ¶૧૨-૧૪

શુક્રવાર, ઑગસ્ટ ૧૬

“જે માણસ યહોવા પર ભરોસો રાખે છે, . . . તે માણસને આશીર્વાદ મળે.”—યર્મિ. ૧૭:૭.

આજે દુનિયામાં લોકોને ખબર નથી પડતી કે કોનો ભરોસો કરવો ને કોનો નહિ. વેપારીઓ, નેતાઓ અને ધર્મગુરુઓનાં કરતૂતો જોઈને તેઓ પરથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. અરે, તેઓ પોતાનાં મિત્રો, પડોશીઓ અને સગાં-સંબંધીઓનો પણ ભરોસો કરી શકતા નથી. એ બધું જોઈને આપણને નવાઈ લાગતી નથી. કેમ કે બાઇબલમાં પહેલેથી જણાવ્યું હતું કે ‘છેલ્લા દિવસોમાં લોકો વિશ્વાસઘાતી, બદનામ કરનારા અને દગાખોર હશે.’ એવા લોકોમાં આ દુનિયાના દેવ શેતાન જેવા જ ગુણો છે, જે ખુદ ભરોસાને લાયક નથી. (૨ તિમો. ૩:૧-૪; ૨ કોરીં. ૪:૪) આ દુનિયાના લોકોને ખબર નથી કે તેઓએ કોના પર ભરોસો કરવો જોઈએ, પણ આપણને ખબર છે. આપણે યહોવા પર પૂરો ભરોસો કરીએ છીએ. કેમ કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે. તેમણે વચન આપ્યું છે કે તે પોતાના દોસ્તોને ‘કદી નહિ તરછોડે.’ (ગીત. ૯:૧૦) આપણે ખ્રિસ્ત ઈસુ પર ભરોસો કરીએ છીએ. કેમ કે તેમણે આપણા માટે પોતાનું જીવન આપી દીધું. (૧ પિત. ૩:૧૮) આપણે બાઇબલની વાતો પર ભરોસો કરીએ છીએ. કેમ કે આપણે અનુભવ્યું છે કે એમાં આપેલી સલાહ પાળવાથી ઘણા ફાયદા થાય છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭. w૨૨.૦૯ ૨ ¶૧-૨

શનિવાર, ઑગસ્ટ ૧૭

“યહોવાનો ડર રાખનાર અને તેમના માર્ગે ચાલનાર દરેક જણ સુખી છે.”—ગીત. ૧૨૮:૧.

દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે, જેનાથી પળ બે પળની ખુશી મળે છે. પણ એ કંઈ સાચી ખુશી નથી. સાચી ખુશી તો હંમેશાં ટકે છે. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં જણાવ્યું હતું કે એવી ખુશી કઈ રીતે મળી શકે. તેમણે કીધું: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે.” (માથ. ૫:૩) ઈસુને ખબર હતી કે આપણામાં એવી ઇચ્છા મૂકવામાં આવી છે કે આપણે સર્જનહાર યહોવા વિશે શીખીએ અને તેમની ભક્તિ કરીએ. એ ઇચ્છા પ્રમાણે કરવાથી ખુશી મળે છે. બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે યહોવા ‘આનંદી ઈશ્વર’ છે. એટલે તેમની ભક્તિ કરીશું તો ખુશ રહી શકીશું. (૧ તિમો. ૧:૧૧) શું આપણા જીવનમાં બધું ઠીક ચાલી રહ્યું હોય, કોઈ જ તકલીફ ના હોય, ત્યારે જ ખુશ રહી શકાય? ના, એવું નથી. ઈસુએ કીધું હતું કે, અરે “જેઓ શોક કરે છે” એવા લોકો પણ ખુશ રહી શકે છે. ઈસુએ એમ પણ કીધું હતું કે “સાચા માર્ગે ચાલવાને લીધે જેઓની સતાવણી થાય છે” તેઓ પણ ખુશ રહી શકે છે. (માથ. ૫:૪, ૧૦, ૧૧) ઈસુ શીખવી રહ્યા હતા કે જીવનમાં બધું સારું ચાલતું હોય તો જ સાચી ખુશી મળે એવું જરૂરી નથી. પણ સાચી ખુશી મેળવવા ઈશ્વર વિશે શીખવું જોઈએ, તેમની ભક્તિ કરવી જોઈએ અને તેમની નજીક જવું જોઈએ.—યાકૂ. ૪:૮. w૨૨.૧૦ ૬ ¶૧-૩

રવિવાર, ઑગસ્ટ ૧૮

“સમજુ માણસ ચૂપ રહે છે.”—નીતિ. ૧૧:૧૨.

બોલવામાં સમજદારી બતાવીશું તો પારખી શકીશું કે ક્યારે ‘ચૂપ રહેવું’ અને ક્યારે ‘બોલવું.’ એનાથી લોકો આપણા પર ભરોસો કરી શકશે. (સભા. ૩:૭) તમે આ કહેવત સાંભળી હશે, “ન બોલવામાં નવ ગુણ.” સાચે જ, ક્યારેક ચૂપ રહેવામાં જ ભલાઈ છે. ચાલો એક વડીલનો દાખલો જોઈએ. ઘણી વાર બીજા મંડળના વડીલો મુશ્કેલીઓનો હલ લાવવા તેમની સલાહ લે છે. કેમ કે તેમને ખાસ્સો અનુભવ છે. તેમના મંડળના એક વડીલ તેમના વિશે કહે છે, “એ ભાઈ ઘણું ધ્યાન રાખે છે કે તે બીજા કોઈ મંડળની વાત અમને ના કહી દે.” એ વડીલ બોલવામાં સમજદારી બતાવે છે અને બીજાની ખાનગી વાત ખાનગી જ રાખે છે. એનાથી તેમના મંડળના વડીલોની નજરમાં તેમનું માન વધ્યું છે. તેઓને પૂરો ભરોસો છે કે ભાઈ તેમના મંડળની વાત પણ પોતાના પૂરતી જ રાખશે. આપણે સાચું બોલીવું જોઈએ. જે વ્યક્તિ હંમેશાં સાચું બોલે છે, તેના પર આપણે ભરોસો કરીએ છીએ.—એફે. ૪:૨૫; હિબ્રુ. ૧૩:૧૮. w૨૨.૦૯ ૧૨ ¶૧૪-૧૫

સોમવાર, ઑગસ્ટ ૧૯

“યહોવા વિરુદ્ધ કોઈ ડહાપણ, સમજણ કે સલાહ ટકી શકતી નથી.” —નીતિ. ૨૧:૩૦.

ખરી બુદ્ધિ “ગલીએ ગલીએ પોકાર કરે છે” ત્યારે, ઘણા લોકો આંખ આડા કાન કરે છે. (નીતિ. ૧:૨૦) બાઇબલમાં જણાવ્યું છે કે ત્રણ પ્રકારના લોકો એવું કરે છે. તેઓ છે, “મૂર્ખ,” ‘મશ્કરી કરનારા’ અને “અક્કલ વગરના લોકો.” (નીતિ. ૧:૨૨-૨૫) કલમમાં વપરાયેલા શબ્દ મૂર્ખનો અર્થ ભોળા લોકો પણ થઈ શકે. ભોળા લોકો પાસે બહુ અનુભવ નથી હોતો, તેઓ બધું સાચું માની લે છે. બીજાઓની વાતોમાં આવી જાય છે. લોકો સહેલાઈથી તેઓને છેતરી જાય છે. (નીતિ. ૧૪:૧૫) આજે લાખો લોકો નેતાઓ અને ધર્મગુરુઓને બહુ માને છે. તેઓનો પડ્યો બોલ ઝીલે છે. પણ પછી ખબર પડે કે તેઓએ છેતર્યા છે ત્યારે અમુકને આઘાત લાગે છે. પણ બીજા અમુકને કોઈ ફરક પડતો નથી, તેઓ બસ ભોળા જ રહે છે. તેઓ ધર્મગુરુઓ પાછળ આંખ બંધ કરીને ચાલ્યા કરે છે. (યર્મિ. ૫:૩૧) તેઓ જાણવા જ નથી માંગતા કે બાઇબલમાં શું લખ્યું છે. તેઓને બાઇબલનાં ધોરણો પાળવાં નથી. આવા લોકો ભોળા જ રહેવા માંગે છે. પણ આપણે તેઓ જેવા જરાય બનવા માંગતા નથી.—નીતિ. ૧:૩૨; ૨૭:૧૨. w૨૨.૧૦ ૧૯ ¶૫-૭

મંગળવાર, ઑગસ્ટ ૨૦

“માણસોએ સ્થાપેલી દરેક સત્તાને આધીન રહો.”—૧ પિત. ૨:૧૩.

યહોવાનું સંગઠન ઘણી વાર આપણને માર્ગદર્શન આપે છે, જેથી સલામત રહી શકીએ. જેમ કે, આપણને જણાવવામાં આવે છે કે પોતાનો ફોન નંબર અને સરનામું વડીલોને આપી રાખીએ, જેથી જરૂર પડ્યે તેઓ આપણો સંપર્ક કરી શકે. બની શકે, ભાઈઓ આપણને માર્ગદર્શન આપે કે આપણે ઘરમાં જ રહેવાનું છે અથવા ઘર છોડીને જવાનું છે. કદાચ આપણને જણાવવામાં આવે કે ખાવા-પીવાની ચીજવસ્તુઓ કઈ રીતે મેળવવી અથવા બીજાઓને કઈ રીતે મદદ કરવી. જો આપણે એ માર્ગદર્શન પ્રમાણે નહિ કરીએ, તો કદાચ પોતાનો જીવ જોખમમાં મૂકી દઈશું. વડીલોનો જીવ પણ જોખમમાં મૂકી દઈશું જેઓ આપણી સંભાળ રાખે છે. એટલે આપણે ક્યારેય તેઓ માટે કોઈ મુશ્કેલી ઊભી કરવા નથી માંગતા. (હિબ્રૂ. ૧૩:૧૭) આજે ઘણાં ભાઈ-બહેનોએ આફત કે હુલ્લડને લીધે પોતાનું ઘર છોડીને બીજે જવું પડ્યું છે. પહેલી સદીના ખ્રિસ્તીઓ સાથે પણ એવું જ થયું હતું. સતાવણીને લીધે તેઓએ વિખેરાઈ જવું પડ્યું. પણ તેઓ જ્યાં ગયા ત્યાં તેઓએ “ઈશ્વરના સંદેશાની ખુશખબર જાહેર કરી.” (પ્રે.કા. ૮:૪) આજે પણ ઘણાં ભાઈ-બહેનોએ એવું જ કર્યું છે. તેઓએ નવી જગ્યાએ જઈને ત્યાંના સંજોગો પ્રમાણે પોતાને ઢાળ્યાં છે. તેઓએ ત્યાં જઈને તરત પ્રચાર અને સભામાં જવાનું શરૂ કરી દીધું. પ્રચારકામને લીધે તેઓ પોતાની મુશ્કેલીઓ પર નહિ, પણ ઈશ્વરના રાજ્ય પર ધ્યાન આપી શક્યાં. એટલે તેઓને ખુશી અને મનની શાંતિ મળી. w૨૨.૧૨ ૧૯ ¶૧૨-૧૩

બુધવાર, ઑગસ્ટ ૨૧

“યહોવા મારા પક્ષે છે; હું જરાય ડરીશ નહિ.”—ગીત. ૧૧૮:૬.

યહોવા આપણામાંથી દરેકને કીમતી ગણે છે. ઈસુએ પ્રેરિતોને પ્રચારમાં મોકલ્યા એ પહેલાં તેઓની હિંમત વધારી, જેથી વિરોધ થાય ત્યારે તેઓ ડરી ન જાય. (માથ. ૧૦:૨૯-૩૧) એ માટે ઈસુએ તેઓને ચકલીનો દાખલો આપ્યો. ઇઝરાયેલમાં ચકલીઓ એકદમ સામાન્ય હતી, લોકોની નજરે એની બહુ કિંમત ન હતી. પણ તેમણે શિષ્યોને કહ્યું: “એમાંની એક પણ તમારા પિતાના ધ્યાન બહાર જમીન પર પડતી નથી.” એ પછી તેમણે જણાવ્યું: “તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.” આમ, ઈસુએ પોતાના શિષ્યોને ખાતરી અપાવી કે યહોવા દરેકને કીમતી ગણે છે, એટલે તેઓએ ડરવાની જરૂર નથી. જ્યારે શિષ્યો શહેરોમાં અને ગામડાઓમાં પ્રચાર કરતી વખતે ચકલીઓ જોતા હશે, ત્યારે તેઓને ચોક્કસ ઈસુના એ શબ્દો યાદ આવતા હશે. તમે પણ નાનું પક્ષી જુઓ ત્યારે, યાદ કરજો કે યહોવા તમને કીમતી ગણે છે, કેમ કે તમે પણ “ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.” યહોવાના સાથથી તમે કોઈ પણ સતાવણીનો ડર્યા વગર સામનો કરી શકશો. w૨૩.૦૩ ૧૮ ¶૧૨

ગુરુવાર, ઑગસ્ટ ૨૨

“તમારા બંનેના લીધે રાજા અને તેમના અધિકારીઓ અમને ધિક્કારવા લાગ્યા છે! અમને મારી નાખવા તમે તેઓના હાથમાં તલવાર આપી છે.” —નિર્ગ. ૫:૨૧.

કદાચ આપણા પર આવી મુશ્કેલીઓ આવે, જેમ કે આપણી નોકરી છૂટી જાય કે કુટુંબના સભ્યો આપણો વિરોધ કરે. એવા સમયે યહોવાના સંગઠન પરથી આપણો ભરોસો કદાચ ઊઠવા લાગે અને આપણે યહોવાથી દૂર થવા લાગીએ. એ મુશ્કેલીઓ કદાચ લાંબો સમય ચાલે. એના લીધે આપણે નિરાશ થઈ જઈએ. આપણને દૂર દૂર સુધી આશાનું કોઈ કિરણ ન દેખાય. એ વખતે શેતાન આપણાં મનમાં આવી શંકા ઊભી કરે: ‘યહોવા મને પ્રેમ કરે છે કે નહિ? યહોવા કે તેમના સંગઠનને લીધે મારા પર આ મુશ્કેલીઓ તો નથી આવતી ને?’ શેતાને ઇઝરાયેલીઓ સાથે પણ એવું જ કંઈક કરવાની કોશિશ કરી હતી. એ સમયે ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા. યહોવાએ મૂસા અને હારુનને તેઓ પાસે મોકલ્યા. શરૂઆતમાં ઇઝરાયેલીઓને પૂરો ભરોસો હતો કે મૂસા અને હારુન દ્વારા યહોવા તેઓને ગુલામીમાંથી આઝાદ કરશે. (નિર્ગ. ૪:૨૯-૩૧) પણ જ્યારે રાજા તેઓ પર વધારે જુલમ કરવા લાગ્યો ત્યારે તેઓ મૂસા અને હારુનના વાંક કાઢવા લાગ્યા. (નિર્ગ. ૫:૧૯, ૨૦) કેટલું ખરાબ કહેવાય કે તેઓએ યહોવાના વફાદાર ભક્તોના વાંક કાઢ્યા! જો આપણી કોઈ મુશ્કેલી લાંબો સમય ચાલે તો યહોવા આગળ દિલ ઠાલવીએ અને તેમના પર આધાર રાખીએ. w૨૨.૧૧ ૧૫ ¶૫-૬

શુક્રવાર, ઑગસ્ટ ૨૩

“હું તમને સાચે જ કહું છું કે એવો સમય આવે છે અને હમણાં આવ્યો છે, જ્યારે ગુજરી ગયેલા લોકો ઈશ્વરના દીકરાનો અવાજ સાંભળશે. જેઓએ તેની વાત માની છે તેઓ જીવશે.”—યોહા. ૫:૨૫.

યહોવાએ જ માણસોને જીવન આપ્યું છે. એટલે જો કોઈ માણસ ગુજરી જાય તો યહોવા તેને જીવતો પણ કરી શકે છે. ચાલો અમુક દાખલા જોઈએ. સારફતની વિધવાનો દીકરો ગુજરી ગયો હતો. એ વખતે યહોવાએ એલિયા પ્રબોધકને શક્તિ આપી, જેનાથી તે તેને જીવતો કરી શક્યા. (૧ રાજા. ૧૭:૨૧-૨૩) શૂનેમની સ્ત્રીનો દીકરો ગુજરી ગયો ત્યારે પણ એવું જ કંઈક થયું. યહોવાએ તેને જીવતો કરવા એલિશા પ્રબોધકને શક્તિ આપી. (૨ રાજા. ૪:૧૮-૨૦, ૩૪-૩૭) યહોવાની મદદથી લોકોને જીવતા કરવામાં આવ્યા હોય, એવા અનેક કિસ્સા બાઇબલમાં છે. એનાથી સાબિત થાય છે કે લોકોને મરણમાંથી જીવતા કરવાની શક્તિ યહોવા પાસે છે. તેમણે એ શક્તિ ઈસુને પણ આપી છે. એટલે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તે લોકોને મરણમાંથી જીવતા કરી શક્યા. (યોહા. ૧૧:૨૩-૨૫, ૪૩, ૪૪) ઈસુએ વચન આપ્યું હતું કે ‘જેઓ કબરમાં છે તેઓ બધા તેમનો અવાજ સાંભળશે અને બહાર નીકળી આવશે.’ ઈસુ આજે સ્વર્ગમાં છે અને તેમને ‘સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર આપવામાં આવ્યો છે.’ એટલે ઈસુ એ વચન પૂરું કરી શકે છે અને તેઓને હંમેશ માટે જીવવાની તક આપી શકે છે.—યોહા. ૫:૨૬-૨૯; માથ. ૨૮:૧૮. w૨૨.૧૨ ૫ ¶૧૦

શનિવાર, ઑગસ્ટ ૨૪

“ઇઝરાયેલીઓ તારી વાતો સાંભળવાની ના પાડશે, કેમ કે તેઓ મારું સાંભળવા માંગતા નથી.”—હઝકિ. ૩:૭.

હઝકિયેલનું નહિ સાંભળીને લોકો યહોવાનો નકાર કરી રહ્યા હતા. આજના વચનના શબ્દોથી હઝકિયેલને ખાતરી મળી હશે કે ભલે લોકો તેમનું નહિ સાંભળે, પણ તે પોતાના કામમાં સફળ થશે. યહોવાએ તેમને એમ પણ જણાવ્યું કે જ્યારે તે લોકોને સજા કરશે, ત્યારે તેઓને યાદ આવશે કે “તેઓમાં એક પ્રબોધક આવ્યો હતો.” (હઝકિ. ૨:૫; ૩૩:૩૩) યહોવાના એ શબ્દોથી હઝકિયેલને ઘણો દિલાસો મળ્યો હશે. તેમ જ, યહોવાએ સોંપેલું કામ પૂરું કરવાની તેમને હિંમત મળી હશે. હઝકિયેલની જેમ આપણને પણ યહોવાએ પ્રચાર કરવા મોકલ્યા છે. એ જાણીને ઘણી હિંમત મળે છે. એ કેટલી મોટી વાત કહેવાય કે યહોવાએ આપણને તેમના “સાક્ષી” કહ્યા છે! (યશા. ૪૩:૧૦) લોકો ઘણી વાર આપણો વિરોધ કરે છે, પણ આપણે ડરવાની જરૂર નથી. આપણે યાદ રાખવું જોઈએ કે યહોવાએ જ આપણને મોકલ્યા છે અને તે આપણને સાથ આપશે. યહોવાએ હઝકિયેલને કહ્યું હતું: ‘તું ગભરાતો નહિ.’ (હઝકિ. ૨:૬) યહોવા આપણને પણ કહે છે: “ડરીશ નહિ.”—યશા. ૪૪:૮. w૨૨.૧૧ ૩-૪ ¶૪-૫

રવિવાર, ઑગસ્ટ ૨૫

“વિશ્વાસુ માણસ ખાનગી વાતો ગુપ્ત રાખે છે.”—નીતિ. ૧૧:૧૩.

આજે આપણને મંડળના વડીલો અને સહાયક સેવકો પર પૂરો ભરોસો છે. યહોવાનો કેટલો આભાર કે એ ભાઈઓ બધી રીતે આપણી સંભાળ રાખે છે! આપણે કઈ રીતે આ ભાઈઓની જેમ ભરોસાને લાયક બની શકીએ? આપણે ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ. આપણને તેઓની ચિંતા છે. એટલે તેઓના ખબરઅંતર પૂછીએ છીએ. પણ તેઓના જીવનમાં માથું ન મારીએ. પહેલી સદીના મંડળમાં એવા અમુક લોકો હતા જેઓ ‘નિંદાખોર અને બીજા લોકોના જીવનમાં માથું મારતા હતા. તેઓએ જે વાતો ન કરવી જોઈએ એ કરતા હતા.’ (૧ તિમો. ૫:૧૩) આપણે તેઓ જેવા ન બનીએ. બની શકે કે એક ભાઈ કે બહેન આપણને તેમની કોઈ વાત જણાવે અને એ ખાનગી રાખવાનું કહે. આપણે એ વાત બીજા કોઈને જણાવવી ન જોઈએ. દાખલા તરીકે, એક બહેન આપણને પોતાની બીમારી કે તકલીફ વિશે જણાવે. તે આપણને એ વાત ખાનગી રાખવાનું કહે. એવા સમયે આપણે તેમની વાત પોતાના પૂરતી જ રાખીએ. w૨૨.૦૯ ૧૦ ¶૭-૮

સોમવાર, ઑગસ્ટ ૨૬

“ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો, જેથી તમારું મન પૂરેપૂરું બદલાઈ જાય.”—રોમ. ૧૨:૨.

“વિચારોમાં ફેરફાર કરવા” માટે જે ગ્રીક શબ્દો વપરાયા છે, એનું ભાષાંતર “મનને નવું કરવું” પણ થઈ શકે. એ સમજવા આનો વિચાર કરો: જો ઘરની હાલત વધારે ખરાબ થઈ જાય, તો આપણે ફક્ત ઉપર ઉપરથી જ સરખું નથી કરતા. આપણે એનું સમારકામ કરાવીએ છીએ. જૂનો માલ કાઢીને નવો માલ ભરીએ છીએ, ઘણો ફેરફાર કરીએ છીએ. એવી જ રીતે, જીવનમાં થોડાં-ઘણાં સારાં કામ કરવાં પૂરતાં નથી. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા પોતાના વિચારોની પરખ કરીએ અને જરૂરી ફેરફાર કરીએ. એવું આપણે ફક્ત એક વાર નહિ, વારંવાર કરવું પડશે. આપણામાંથી પાપની અસર દૂર થઈ જશે પછી હંમેશાં એવાં કામો કરી શકીશું જેનાથી યહોવા ખુશ થાય. પણ એ સમય આવે ત્યાં સુધી આપણે યહોવાને ખુશ કરવા મહેનત કરતા રહેવું પડશે. ધ્યાન આપો, રોમનો ૧૨:૨માં પાઉલે જણાવ્યું કે આપણે પોતાના વિચારોમાં ફેરફાર કરીશું તો પારખી શકીશું કે ઈશ્વરની ઇચ્છા શું છે. દુનિયાના વિચારોની અસર આપણને ન થાય, એ માટે જરૂરી છે કે પોતાની પરખ કરતા રહીએ. પોતાને પૂછીએ: ‘શું મારા ધ્યેયો અને નિર્ણયો યહોવાની ઇચ્છા પ્રમાણે છે?’ w૨૩.૦૧ ૮-૯ ¶૩-૪

મંગળવાર, ઑગસ્ટ ૨૭

“તારો બોજો યહોવા પર નાખ, તે તને નિભાવી રાખશે. સાચા માર્ગે ચાલનારને તે ક્યારેય પડવા નહિ દે.”—ગીત. ૫૫:૨૨.

યહોવા આપણી દરેક મુશ્કેલીને અટકાવતા નથી કે એમાં દખલ દેતા નથી. એટલે એવું ધારી ન લેવું જોઈએ કે દર વખતે યહોવા મુશ્કેલીને સારામાં બદલી નાખશે. બાઇબલમાં એવું નથી જણાવ્યું કે જે થાય છે એ સારા માટે થાય છે. (સભા. ૮:૯; ૯:૧૧) પણ બાઇબલમાં એ ચોક્કસ જણાવ્યું છે કે યહોવાને આપણી મુશ્કેલીઓ અને કસોટીઓ વિશે ખબર છે. આપણા પર શું વીતી રહ્યું છે એ તે સારી રીતે જાણે છે. તે મદદનો આપણો પોકાર સાંભળે છે. (ગીત. ૩૪:૧૫; યશા. ૫૯:૧) એટલું જ નહિ, યહોવાની મદદથી આપણે ધીરજથી કસોટીઓ સહન કરી શકીએ છીએ અને સફળ થઈ શકીએ છીએ. કઈ રીતે? કસોટીઓમાં યહોવા આપણને દિલાસો અને ઉત્તેજન આપે છે. ઘણી વાર તો એ એકદમ સમયસર હોય છે. (૨ કોરીં. ૧:૩, ૪) શું તમને એવો કોઈ સમય યાદ છે, જ્યારે તમને સૌથી વધારે જરૂર હતી ત્યારે જ યહોવાએ તમને દિલાસો અને ઉત્તેજન આપ્યું હોય? ઘણી વાર એવું બને કે કસોટીઓમાં આપણે યહોવાની મદદનો હાથ ન જોઈ શકીએ. પણ પછીથી એના પર વિચાર કરીએ તો અહેસાસ થાય કે યહોવા હંમેશાં આપણી પડખે હતા. w૨૩.૦૧ ૧૭-૧૮ ¶૧૩-૧૫

બુધવાર, ઑગસ્ટ ૨૮

“જે જંગલી જાનવર હતું, પણ નથી, . . . એ નાશમાં જાય છે.” —પ્રકટી. ૧૭:૧૧.

આ જંગલી જાનવર માથાંવાળા જંગલી જાનવર જેવું જ દેખાય છે. જોકે એમાં એક ફરક છે, એ લાલ રંગનું છે. એને ‘જંગલી જાનવરની મૂર્તિ’ અને “આઠમો રાજા” કહેવામાં આવ્યું છે. (પ્રકટી. ૧૩:૧૪, ૧૫; ૧૭:૩, ૮) ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે એ “રાજા” આવશે. એ થોડા સમય માટે નહિ હોય અને ફરી ઊભો થશે. આ વર્ણન યુનાઈટેડ નેશન્સને (સંયુક્ત રાષ્ટ્રો) એકદમ બંધબેસે છે. શરૂઆતમાં એ લીગ ઓફ નેશન્સ તરીકે ઓળખાતું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતે એ પડી ભાંગ્યું. ત્યાર બાદ એ ફરી ઊભું થયું, જે આજે યુનાઈટેડ નેશન્સ તરીકે ઓળખાય છે. એ દુનિયાભરની રાજકીય સત્તાઓને ટેકો આપે છે. બધાં જંગલી જાનવરો એટલે કે સરકારો, દુનિયાના લોકોને યહોવા અને તેમના ભક્તોનો વિરોધ કરવા ભડકાવશે. યોહાને કહ્યું કે તેઓ ‘આખી પૃથ્વીના રાજાઓને’ જાણે એક લડાઈ માટે ભેગા કરશે. તેઓ “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” એટલે કે આર્માગેદન માટે રાજાઓને ભેગા કરશે.—પ્રકટી. ૧૬:૧૩, ૧૪, ૧૬. w૨૨.૦૫ ૧૦ ¶૧૦-૧૧

ગુરુવાર, ઑગસ્ટ ૨૯

“એ વાંચીને તને શું સમજણ પડી?”—લૂક ૧૦:૨૬.

જ્યારે ઈસુ પોતે શાસ્ત્રવચનો વાંચવાનું શીખ્યા, ત્યારે તે શાસ્ત્રની વાતો વધારે સારી રીતે સમજી શક્યા. શાસ્ત્ર માટે પ્રેમ કેળવી શક્યા અને જીવનમાં લાગુ પાડી શક્યા. દાખલા તરીકે, ઈસુ ૧૨ વર્ષના હતા અને ધર્મગુરુઓની વચ્ચે મંદિરમાં બેઠા હતા એ બનાવ યાદ કરો. એ ધર્મગુરુઓ મૂસાના નિયમશાસ્ત્રના સારા જાણકાર હતા. પણ ‘ઈસુની સમજણ અને તેમના જવાબોને લીધે, ધર્મગુરુઓની નવાઈનો પાર ન રહ્યો.’ (લૂક ૨:૪૬, ૪૭, ૫૨) જો રોજ બાઇબલ વાંચીશું, તો આપણે પણ એને સારી રીતે સમજી શકીશું અને આપણાં દિલમાં એના માટે પ્રેમ વધારી શકીશું. એનો જવાબ આપણને ઈસુએ નિયમશાસ્ત્રના જાણકાર લોકોને કહેલા શબ્દોથી મળે છે. તેઓમાં શાસ્ત્રીઓ, ફરોશીઓ અને સાદુકીઓ પણ હતા. તેઓ શાસ્ત્રમાંથી વારંવાર વાંચતા હતા, પણ એમાંથી ફાયદો મેળવી શકતા ન હતા. ઈસુએ તેઓને જે કહ્યું એનાથી એવી ત્રણ વાતો જાણવા મળે છે, જે તેઓએ કરવાની જરૂર હતી. જો આપણે પણ ઈસુની એ વાતો પર ધ્યાન આપીશું, તો (૧) જે વાંચીએ છીએ એ સમજી શકીશું, (૨) એમાંથી કીમતી રત્નો શોધી શકીશું અને (૩) વાંચેલી બાબતોને જીવનમાં લાગુ પાડી શકીશું. w૨૩.૦૨ ૮-૯ ¶૨-૩

શુક્રવાર, ઑગસ્ટ ૩૦

“શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે.”—નીતિ. ૨૨:૩.

આવા જોખમોથી આપણે દૂર રહેવું જોઈએ: ફ્લર્ટ કરવું, પુષ્કળ દારૂ પીવો, અતિશય ખાવું-પીવું, કોઈને માઠું લાગે એવું બોલવું, મારધાડવાળું મનોરંજન જોવું અને ગંદાં ચિત્રો કે વીડિયો જોવા. (ગીત. ૧૦૧:૩) યહોવા સાથેની આપણી દોસ્તી તોડવા શેતાન લાખ કોશિશ કરે છે. (૧ પિત. ૫:૮) જો સાવધ નહિ રહીએ તો શેતાન આપણાં મનમાં ઝેરી છોડનાં બી રોપી દેશે. જેમ કે, ઈર્ષા કરવી, જૂઠું બોલવું, બેઈમાની કરવી, લાલચ કરવી, ઘમંડી બનવું, મનમાં ખાર ભરી રાખવો અથવા બીજાઓને નફરત કરવી. (ગલા. ૫:૧૯-૨૧) એવા વલણને તરત કાઢી નાખવું જોઈએ. જો એમ નહિ કરીએ તો એ બી વધીને ઝેરી છોડ બની જશે અને આપણને ઘણું નુકસાન થશે. (યાકૂ. ૧:૧૪, ૧૫) એક જોખમ પારખવું કદાચ સહેલું ન હોય. એ છે ખરાબ સંગત. આપણે યાદ રાખવું જોઈએ, જેવો સંગ તેવો રંગ. (૧ કોરીં. ૧૫:૩૩) એટલે આપણે હંમેશાં પોતાના પર ધ્યાન આપીએ. એમ કરીશું તો જે લોકો યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલતાં નથી, તેઓ સાથે કારણ વગર વધારે પડતો સમય નહિ વિતાવીએ. (લૂક ૨૧:૩૪; ૨ કોરીં. ૬:૧૫) તેમ જ, યહોવા સાથેની દોસ્તી તોડે એવી બાબતો પારખી લઈશું અને એનાથી દૂર રહી શકીશું. w૨૩.૦૨ ૧૬ ¶૭; ૧૭ ¶૧૦-૧૧

શનિવાર, ઑગસ્ટ ૩૧

“ઈશ્વર પરનો પ્રેમ તો એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ.”—૧ યોહા. ૫:૩.

જેમ જેમ તમે યહોવા વિશે શીખતા ગયા, તેમ તેમ તેમના માટેનો તમારો પ્રેમ વધતો ગયો. ચોક્કસ તમે હમણાં અને હંમેશ માટે તેમની નજીક જવા ચાહતા હશો. તમે એવું કરી પણ શકો છો. યહોવા પોતે ચાહે છે કે તમે તેમનું દિલ ખુશ કરો. (નીતિ. ૨૩:૧૫, ૧૬) એ તમે ફક્ત શબ્દોથી જ નહિ, કાર્યોથી પણ કરી શકો છો. તમારા જીવનથી બતાવી આપો કે તમે સાચે જ યહોવાને પ્રેમ કરો છો. શું એના કરતાં બીજો કોઈ સારો ધ્યેય હોય શકે? તમે યહોવા માટેનો પ્રેમ કઈ રીતે બતાવી શકો? સૌથી પહેલા, એક ખાસ પ્રાર્થનામાં તમારું જીવન એકમાત્ર સાચા ઈશ્વરને સમર્પિત કરો. (ગીત. ૪૦:૮) પછી બાપ્તિસ્મા લઈને બધાને બતાવી આપો કે તમે યહોવાને પોતાનું જીવન સોંપ્યું છે. એ તમારા જીવનની સૌથી ખુશહાલ અને મહત્ત્વની ઘડી હશે. બાપ્તિસ્મા લઈને તમે નવા જીવનની શરૂઆત કરો છો. હવેથી તમે પોતાના માટે નહિ, પણ યહોવા માટે જીવો છો. (રોમ. ૧૪:૮; ૧ પિત. ૪:૧, ૨) કદાચ તમને એ મોટું પગલું લાગે અને એ સાચી વાત છે. પણ એનાથી તમારા માટે સૌથી સારા જીવનના દરવાજા ખૂલી જશે. w૨૩.૦૩ ૫-૬ ¶૧૪-૧૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો