વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es24 પાન ૮૩-૯૬
  • જુલાઈ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
  • મથાળાં
  • સોમવાર, જુલાઈ ૧
  • મંગળવાર, જુલાઈ ૨
  • બુધવાર, જુલાઈ ૩
  • ગુરુવાર, જુલાઈ ૪
  • શુક્રવાર, જુલાઈ ૫
  • શનિવાર, જુલાઈ ૬
  • રવિવાર, જુલાઈ ૭
  • સોમવાર, જુલાઈ ૮
  • મંગળવાર, જુલાઈ ૯
  • બુધવાર, જુલાઈ ૧૦
  • ગુરુવાર, જુલાઈ ૧૧
  • શુક્રવાર, જુલાઈ ૧૨
  • શનિવાર, જુલાઈ ૧૩
  • રવિવાર, જુલાઈ ૧૪
  • સોમવાર, જુલાઈ ૧૫
  • મંગળવાર, જુલાઈ ૧૬
  • બુધવાર, જુલાઈ ૧૭
  • ગુરુવાર, જુલાઈ ૧૮
  • શુક્રવાર, જુલાઈ ૧૯
  • શનિવાર, જુલાઈ ૨૦
  • રવિવાર, જુલાઈ ૨૧
  • સોમવાર, જુલાઈ ૨૨
  • મંગળવાર, જુલાઈ ૨૩
  • બુધવાર, જુલાઈ ૨૪
  • ગુરુવાર, જુલાઈ ૨૫
  • શુક્રવાર, જુલાઈ ૨૬
  • શનિવાર, જુલાઈ ૨૭
  • રવિવાર, જુલાઈ ૨૮
  • સોમવાર, જુલાઈ ૨૯
  • મંગળવાર, જુલાઈ ૩૦
  • બુધવાર, જુલાઈ ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
es24 પાન ૮૩-૯૬

જુલાઈ

સોમવાર, જુલાઈ ૧

‘તું બોલવામાં વફાદાર લોકો માટે સારો દાખલો બેસાડજે.’ —૧ તિમો. ૪:૧૨.

પ્રેમાળ પિતા યહોવાએ આપણને બોલવાની ક્ષમતા આપી છે. એ સાચે જ એક ખાસ ભેટ છે. પણ, બોલવાની એ ખાસ ભેટનો ખોટો ઉપયોગ થવા લાગ્યો. શેતાને જૂઠું બોલીને હવાને છેતરી. એ જૂઠને લીધે બધા લોકો પાપ અને મરણની ખાઈમાં ધકેલાઈ ગયા. (ઉત. ૩:૧-૪) આદમે પોતાની ભૂલ માટે હવા અને યહોવાને દોષ આપ્યો. (ઉત. ૩:૧૨) કાઈને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો, એ પછી તે યહોવા સામે જૂઠું બોલ્યો. (ઉત. ૪:૯) આજના સમયની, મોટા ભાગની ફિલ્મોમાં લોકો બિંદાસ ગાળો બોલે છે. સ્કૂલ હોય કે નોકરી-ધંધાની જગ્યા, બધે જ ખરાબ વાણી સાંભળવા મળે છે. જો ધ્યાન નહિ રાખીએ તો આપણે પણ લોકોના રંગે રંગાઈ જઈશું. આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ, એટલે એવું કંઈ બોલતા નથી, જેનાથી તેમને દુઃખ પહોંચે. આપણને મળેલી ભેટનો એ રીતે ઉપયોગ કરીએ, જેથી યહોવાને મહિમા મળે. w૨૨.૦૪ ૪-૫ ¶૧-૩

મંગળવાર, જુલાઈ ૨

“તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.” —માથ. ૬:૨૪.

ઈસુએ પણ પૈસા વિશે યોગ્ય વલણ રાખ્યું. તે બીજાઓ સાથે મળીને ખાવા-પીવાની મઝા માણતા હતા. (લૂક ૧૯:૨, ૬, ૭) એક વખત તેમણે પાણીમાંથી એકદમ સારો દ્રાક્ષદારૂ બનાવ્યો. એ તેમનો પહેલો ચમત્કાર હતો. (યોહા. ૨:૧૦, ૧૧) તેમને જે દિવસે મારી નાખવામાં આવ્યા એ દિવસે તેમણે એક કીમતી ઝભ્ભો પહેર્યો હતો. (યોહા. ૧૯:૨૩, ૨૪) પણ ઈસુએ ચીજવસ્તુઓ કે પૈસાને જીવનમાં સૌથી મહત્ત્વના ન ગણ્યા. ઈસુએ શીખવ્યું કે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખીશું તો ઈશ્વર આપણી જરૂરિયાતો ચોક્કસ પૂરી કરશે. (માથ. ૬:૩૧-૩૩) પૈસા વિશે યહોવાએ આપેલી સલાહ ઘણાંએ લાગુ પાડી છે. એનાથી તેઓને ઘણો ફાયદો થયો છે. ચાલો, ડેનિયલભાઈ જે કુંવારા છે, તેમનો દાખલો જોઈએ. તેમણે પોતાનું જીવન સાદું રાખ્યું છે. એટલે તે યહોવાની ભક્તિમાં ઘણું કરી શક્યા. જેમ કે, તે રાહતકામમાં ભાગ લઈ શક્યા અને બેથેલમાં સેવા આપી શક્યા. તે કહે છે: “યહોવાએ મને જેટલા આશીર્વાદ આપ્યા છે એની તોલે પૈસા કંઈ જ નથી.” w૨૨.૦૫ ૨૧-૨૨ ¶૬-૭

બુધવાર, જુલાઈ ૩

“[યહોવાએ] તમને અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં લાવ્યા છે.” —૧ પિત. ૨:૯.

જો બાઇબલનું શિક્ષણ વહાલું હશે તો આપણે બાઇબલનો અને આપણાં સાહિત્યનો નિયમિત અભ્યાસ કરીશું. આપણે ગમે તેટલા સમયથી યહોવાના સાક્ષી હોઈએ, તોપણ ઊંડો અભ્યાસ કરવાથી ફાયદો થશે. દર વખતે કંઈક નવું નવું શીખવા મળશે. તમે મન લગાડીને બાઇબલનો ઊંડો અભ્યાસ કરશો તો એ મહેનત રંગ લાવશે. અમુક લોકોને વાંચવું અને અભ્યાસ કરવો બહુ ગમે છે, જ્યારે કે અમુકને એ નથી ગમતું. પણ યહોવા ચાહે છે કે આપણે બાઇબલની વાતો ‘શોધતા રહીએ,’ એની ‘ખોજ કરતા રહીએ.’ એમ કરીશું તો બાઇબલનાં શિક્ષણને, એમાં રહેલા સનાતન સત્યને સારી રીતે સમજી શકીશું. (નીતિ. ૨:૪-૬) આપણને ઘણો ફાયદો થશે. ચાલો જોઈએ કોરીભાઈ કઈ રીતે અભ્યાસ કરે છે. તે બાઇબલ વાંચે ત્યારે એક સમયે એક જ કલમ પર ઊંડો અભ્યાસ કરે છે. તે કહે છે: ‘હું એક કલમની બધી જ ફૂટનોટ અને એને લગતી બીજી કલમો વાંચું છું. એ કલમ પર વધારે રિસર્ચ કરું છું. આ રીતે અભ્યાસ કરવાથી મને નવું નવું શીખવા મળે છે. મને બહુ મજા આવે છે.’ આપણે આ રીતે અથવા બીજી કોઈ રીતે અભ્યાસ કરી શકીએ. પણ આપણે અભ્યાસ કરવા સમય કાઢીએ અને મહેનત કરીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ.—ગીત. ૧:૧-૩. w૨૨.૦૮ ૧૭ ¶૧૩; ૧૮ ¶૧૫-૧૬

ગુરુવાર, જુલાઈ ૪

“હું કુશળ કારીગર તરીકે તેમની સાથે હતી. મારા લીધે તેમને રોજ અપાર ખુશી મળતી, આખો વખત હું તેમની આગળ આનંદ કરતી.” —નીતિ. ૮:૩૦.

જ્યારે ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે સૃષ્ટિ દ્વારા શિષ્યોને પોતાના પિતા વિશે શીખવ્યું. એમાંનો એક દાખલો જોઈએ. યહોવા દરેકને પ્રેમ કરે છે. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં પોતાના શિષ્યોને સૂર્ય અને વરસાદ વિશે જણાવ્યું. એ બંને વસ્તુઓ એવી છે, જેના પર લોકો વધારે ધ્યાન આપતા નથી, પણ જીવન ટકાવી રાખવા ખૂબ જરૂરી છે. જો યહોવાએ ચાહ્યું હોત, તો તેમની ભક્તિ કરતા નથી એવા લોકોને સૂર્યનો તાપ અને વરસાદ આપવાની ના પાડી દીધી હોત. પણ તેમણે એવું ન કર્યું. તે બધા લોકો પર સૂર્ય ઉગાડે છે અને વરસાદ વરસાવે છે. એમાં તેમનો પ્રેમ દેખાઈ આવે છે. (માથ. ૫:૪૩-૪૫) ઈસુએ પોતાના શિષ્યોને એ દાખલાથી શીખવ્યું કે યહોવા ચાહે છે કે આપણે બધાને પ્રેમ કરીએ. જ્યારે આપણે ડૂબતા સૂર્યનો નજારો જોઈએ અથવા ઝરમર વરસાદની મજા માણીએ, ત્યારે વિચારીએ કે યહોવા કોઈ પણ ભેદભાવ વગર બધાને પ્રેમ બતાવે છે. આપણે પણ બધાને ખુશખબર જણાવીને એવો પ્રેમ બતાવી શકીએ છીએ. w૨૩.૦૩ ૧૭ ¶૯-૧૦

શુક્રવાર, જુલાઈ ૫

“મને બહુ નવાઈ લાગી.”—પ્રકટી. ૧૭:૬.

કેમ પ્રેરિત યોહાનને બહુ નવાઈ લાગી? તેમણે જોયું કે એક સ્ત્રી લાલ રંગના જંગલી જાનવર પર બેઠી છે. એ સ્ત્રી “જાણીતી વેશ્યા” છે અને તે “મહાન બાબેલોન” તરીકે ઓળખાય છે. તે ‘પૃથ્વીના રાજાઓ’ સાથે “વ્યભિચાર” કરે છે. (પ્રકટી. ૧૭:૧-૫) “મહાન બાબેલોન” કોને રજૂ કરે છે? એ સ્ત્રી કોઈ સરકારને રજૂ કરતી ન હોય શકે. કેમ કે પ્રકટીકરણમાં જણાવ્યું છે કે તે રાજકીય નેતાઓ સાથે વ્યભિચાર કરે છે. (પ્રકટી. ૧૮:૯) એ પણ જણાવ્યું છે કે તે જંગલી જાનવર પર બેઠી છે, એટલે કે તે નેતાઓને પોતાના કાબૂમાં રાખવાની કોશિશ કરે છે. એ સ્ત્રી લાલચુ વેપારી સંગઠનને પણ રજૂ કરતી ન હોય શકે. કેમ કે પ્રકટીકરણમાં તેઓને “પૃથ્વીના વેપારીઓ” કહેવામાં આવ્યા છે. (પ્રકટી. ૧૮:૧૧, ૧૫, ૧૬) પ્રાચીન બાબેલોન શહેર જૂઠી ભક્તિ માટે પ્રખ્યાત હતું. એટલે કહી શકાય કે મહાન બાબેલોન દુનિયાના બધા જૂઠા ધર્મોને રજૂ કરે છે.—પ્રકટી. ૧૭:૫, ૧૮. w૨૨.૦૫ ૧૧ ¶૧૪-૧૬

શનિવાર, જુલાઈ ૬

“તમારો દુશ્મન શેતાન ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેને ગળી જવા શોધતો ફરે છે.”—૧ પિત. ૫:૮.

આજે શેતાનની દુનિયામાં બાળકો પર કંઈ કેટલાય દબાણો આવે છે. એટલે અમુક વાર માતાઓને લાગે કે ‘શું મારું બાળક યહોવાની ભક્તિ કરશે?’ ઘણાં બહેનોના પતિ તેઓની સાથે નથી અથવા યહોવાની ભક્તિ કરતા નથી. એટલે બાળકોનો ઉછેર કરવો તેઓ માટે એક પડકાર બની જાય છે. જો માબાપમાંથી કોઈ એક યહોવાની ભક્તિ કરતા ન હોય તો બાળકોને એકલા હાથે યહોવા વિશે શીખવવું અઘરું હોય છે. માબાપ યહોવાના સાક્ષી હોય તોપણ બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ જગાડવો કંઈ સહેલું હોતું નથી. કેવા પણ સંજોગો હોય, તમે ચિંતામાં ન ડૂબી જતાં. યહોવા તમને મદદ કરશે. તમે બીજાં માબાપને પણ પૂછી શકો કે તેઓ કુટુંબ તરીકેની ભક્તિમાં શીખવવાનાં સાધનોનો કેવી રીતે ઉપયોગ કરે છે. (નીતિ. ૧૧:૧૪) બાળકો સાથે દિલ ખોલીને વાત કરવા તમે યહોવાને પ્રાર્થના કરી શકો. તમે યહોવા પાસે મદદ માંગી શકો, જેથી યોગ્ય સવાલો પૂછીને બાળકોના મનમાં શું છે એ જાણી શકો.—નીતિ. ૨૦:૫. w૨૨.૦૪ ૧૭ ¶૪, ૭; ૧૮ ¶૯

રવિવાર, જુલાઈ ૭

“હું હંમેશાં પ્રાર્થના કરું છું કે સાચા જ્ઞાન અને પૂરી સમજણ સાથે તમારો પ્રેમ વધતો ને વધતો જાય.”—ફિલિ. ૧:૯.

યહોવાને પ્રેમ કરતા રહેવા તેમને સારી રીતે ઓળખવા ખૂબ જરૂરી છે. એમ કરવાની એક રીત છે, તેમના દીકરા ઈસુને ઓળખીએ. (હિબ્રૂ. ૧:૩) આપણે ખુશખબરનાં ચાર પુસ્તકો વાંચી શકીએ: માથ્થી, માર્ક, લૂક, યોહાન. જો તમને રોજ બાઇબલ વાંચવાની આદત ન હોય, તો એ પુસ્તકોથી શરૂઆત કરી શકો. આ રીતે રોજ બાઇબલ વાંચવાની આદત પાડી શકો. ઈસુ વિશે વાંચો ત્યારે તેમના સુંદર ગુણો પર ધ્યાન આપો. તે લોકો સાથે કઈ રીતે વર્તતા હતા એના પર ધ્યાન આપો. લોકો ઈસુ પાસે અચકાયા વગર જતા. અરે, બાળકો પણ તેમની પાસે દોડી આવતા અને ઈસુ તેઓને પ્રેમથી ભેટી પડતા. (માર્ક ૧૦:૧૩-૧૬) ઈસુના શિષ્યો પણ ડર્યા વગર, દિલ ખોલીને તેમની સાથે વાત કરી શકતા. (માથ. ૧૬:૨૨) ઈસુ કેમ એવા હતા? કેમ કે તે આબેહૂબ તેમના પિતા યહોવા જેવા હતા. આપણે પણ યહોવા પાસે અચકાયા વગર જઈ શકીએ છીએ. તેમની સાથે દિલની બધી વાત શૅર કરી શકીએ છીએ. ક્યારેય એવું ન ધારી લઈએ કે ‘હું કંઈક કહીશ તો યહોવા મારા વિશે શું વિચારશે?’ યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. તે આપણી સંભાળ રાખે છે.—૧ પિત. ૫:૭. w૨૨.૦૮ ૩ ¶૪-૫

સોમવાર, જુલાઈ ૮

“હે યહોવા, તમે ભલા છો અને માફ કરવા તૈયાર છો.”—ગીત. ૮૬:૫.

યહોવા આપણા સર્જનહાર છે એટલે તે આપણી રગેરગથી વાકેફ છે. એ કેટલું અદ્‍ભુત છે કે તે દુનિયાની દરેક વ્યક્તિ વિશે બધું જ જાણે છે! (ગીત. ૧૩૯:૧૫-૧૭) તે જાણે છે કે માતા-પિતા પાસેથી વારસામાં મળેલાં પાપની આપણા પર અસર થઈ છે. તેમને આપણી બધી નબળાઈઓ વિશે ખબર છે. તે એ પણ સમજે છે કે અમુક સારા-ખરાબ બનાવોની આપણા સ્વભાવ પર અસર થઈ છે. યહોવા આપણને સૌથી સારી રીતે ઓળખે છે એટલે તે શું કરે છે? તે આપણા પર દયા બતાવે છે. (ગીત. ૭૮:૩૯; ૧૦૩:૧૩, ૧૪) યહોવાએ સાબિત કર્યું કે તે આપણને માફ કરવા તૈયાર છે. ચાલો જોઈએ કે એવું કેમ કહી શકીએ. યહોવાને ખબર છે કે આદમે જે કર્યું એના લીધે આપણે પાપ અને મરણના ગુલામ બની ગયા છીએ. (રોમ. ૫:૧૨) એ ગુલામીમાંથી આપણે ન તો પોતાને કે ન તો બીજા કોઈને છોડાવી શકીએ છીએ. (ગીત. ૪૯:૭-૯) એટલે એ ગુલામીમાંથી આઝાદ કરવા યહોવાએ એક માર્ગ ખોલ્યો, કેમ કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે. યોહાન ૩:૧૬માં જણાવ્યું છે કે યહોવાએ પોતાના એકના એક દીકરાને પૃથ્વી પર મોકલ્યા, જેથી તે આપણા માટે પોતાનું જીવન આપે.—માથ. ૨૦:૨૮; રોમ. ૫:૧૯. w૨૨.૦૬ ૩ ¶૫-૬

મંગળવાર, જુલાઈ ૯

“દયાળુ માણસ પોતાનું ભલું કરે છે.”—નીતિ. ૧૧:૧૭.

યહોવાએ અયુબના કિસ્સાથી સાફ જણાવ્યું કે માફ કરવાથી માફી મળે છે. અયુબના ત્રણ મિત્રો અલીફાઝ, બિલ્દાદ અને સોફાર તેમને મળવા આવ્યા. તેઓએ એવી કડવી વાતો કરી જેનાથી અયૂબનું કાળજું વીંધાઈ ગયું. પણ યહોવાએ અયૂબને તેઓ માટે પ્રાર્થના કરવાનું કહ્યું. અયૂબે એવું જ કર્યું અને તેઓને માફ કર્યાં. એ પછી યહોવાએ અયૂબને આશીર્વાદ આપ્યા. (અયૂ. ૪૨:૮-૧૦) મનમાં કડવાશ ભરી રાખીશું તો પોતાને જ નુકસાન થશે. મનમાં કડવાશ કે ગુસ્સો ભરી રાખવો તો ભારે બોજ ઉઠાવીને ચાલવા જેવું છે. યહોવા ચાહે છે કે આપણે એ બોજ ઉતારી દઈએ. (એફે. ૪:૩૧, ૩૨) તે અરજ કરે છે, “ગુસ્સો પડતો મૂક અને ક્રોધ છોડી દે.” (ગીત. ૩૭:૮) એ સલાહથી આપણને જ ફાયદો થાય છે. મનમાં કડવાશ ભરી રાખીશું તો આપણને નુકસાન થશે. આપણી તબિયત બગડશે. (નીતિ. ૧૪:૩૦) એ તો જાણે ઝેર પીવા બરાબર છે. એનાથી સામેવાળાને નહિ, આપણને જ નુકસાન થશે. પણ જો બીજાઓને માફ કરીશું તો આપણું ભલું થશે. આપણને મનની શાંતિ મળશે અને તબિયત સારી રહેશે. આપણે ખુશ રહી શકીશું અને યહોવાની સારી રીતે ભક્તિ કરી શકીશું. w૨૨.૦૬ ૧૦ ¶૯-૧૦

બુધવાર, જુલાઈ ૧૦

“શ્રદ્ધા અને પ્રેમનું બખ્તર પહેરીએ અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.” —૧ થેસ્સા. ૫:૮.

આશા ટોપની જેમ આપણા વિચારોનું રક્ષણ કરે છે. એનાથી આપણે પોતાની ઇચ્છાઓ પૂરી કરવા પાછળ દોડતા નથી અને યહોવા સાથેનો આપણો સંબંધ નબળો પડતો નથી. (૧ કોરીં. ૧૫:૩૩, ૩૪) આપણે ક્યારેય યહોવાને ખુશ નહિ કરી શકીએ એવા ખોટા વિચારથી પણ આશા આપણું રક્ષણ કરે છે. અયૂબના મિત્ર અલીફાઝે પણ તેમને એવું જ કંઈક કીધું હતું. અલીફાઝે કીધું: “નાશવંત માણસ કઈ રીતે શુદ્ધ હોય શકે?” તેણે ઈશ્વર વિશે કીધું: “જો! ઈશ્વરને પોતાના દૂતો પર પણ ભરોસો નથી, અરે, સ્વર્ગ પણ તેમની નજરમાં પવિત્ર નથી.” (અયૂ. ૧૫:૧૪, ૧૫) કેટલું હળહળતું જૂઠું! શેતાન ચાહે છે કે આપણે એવું વિચારીએ. તે જાણે છે કે આવા વિચારો આપણી આશાને ઝાંખી કરી નાખશે. એટલે આવા વિચારો તમારા મનમાં આવે, તો એને તરત કાઢી નાખો. પૂરો ભરોસો રાખો કે યહોવાના દિલની ઇચ્છા છે કે તમે હંમેશ માટે જીવો. તમારી એ આશાને હકીકતમાં બદલવા તે તમને મદદ કરશે.—૧ તિમો. ૨:૩, ૪. w૨૨.૧૦ ૨૫-૨૬ ¶૮-૧૦

ગુરુવાર, જુલાઈ ૧૧

“અયૂબે પોતાના મોંથી કોઈ પાપ ન કર્યું.”—અયૂ. ૨:૧૦.

શેતાન અયૂબના મનમાં એવું ઠસાવવા માંગતો હતો કે યહોવા તેમનાથી નારાજ છે, એટલે આ બધી તકલીફો આવી રહી છે. એ માટે શેતાને આકાશમાંથી અગ્‍નિ વરસાવ્યો. અયૂબનાં પ્રાણીઓ અને એની સંભાળ રાખતા સેવકો ભસ્મ થઈ ગયાં. (અયૂ. ૧:૧૬) પછી શેતાને ભારે પવન ફૂંકાવ્યો. એના લીધે એ ઘર તૂટી પડ્યું જેમાં અયૂબનાં દસ બાળકો ખાવા-પીવા ભેગાં મળ્યાં હતાં. તેઓ બધાં માર્યાં ગયાં. (અયૂ. ૧:૧૮, ૧૯) અગ્‍નિ અને પવન આકાશમાંથી આવ્યા હતા. એટલે અયૂબે વિચાર્યું કે એ યહોવા તરફથી છે. અયૂબને લાગ્યું કે તેમણે જ કંઈ કર્યું હશે, એટલે યહોવા તેમનાથી નારાજ છે. પણ અયૂબે પિતા યહોવાને દોષ આપ્યો નહિ. તેમણે યાદ કર્યું કે યહોવાએ તેમને કેટલા બધા આશીર્વાદો આપ્યા હતા. તેમણે વિચાર્યું, ‘મેં યહોવા પાસેથી સુખ સ્વીકાર્યું છે તો દુઃખ પણ સ્વીકારવું જોઈએ.’ એટલે તેમણે કહ્યું, “હંમેશાં યહોવાના નામની સ્તુતિ થતી રહે.”—અયૂ. ૧:૨૦, ૨૧. w૨૨.૦૬ ૨૧ ¶૭

શુક્રવાર, જુલાઈ ૧૨

“તમે મારા શિષ્યો છો એટલે બધા લોકો તમારો ધિક્કાર કરશે. પણ જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે.”—માર્ક ૧૩:૧૩.

ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું હતું કે લોકો તેઓનો ધિક્કાર કરશે. જેમ યોહાન ૧૭:૧૪માં જણાવ્યું છે. છેલ્લાં ૧૦૦ વર્ષોમાં એ સાફ જોવા મળ્યું છે. ઈસુ ૧૯૧૪માં ઈશ્વરના રાજ્યના રાજા બન્યા. એના થોડા સમય પછી તેમણે શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દીધો. તે હવે સ્વર્ગમાં પાછો જઈ શકતો નથી. તેને ખબર છે કે તેની પાસે થોડો જ સમય છે. પણ શેતાન કંઈ જંપીને બેઠો નથી. તે ગુસ્સાથી લાલપીળો થઈ ગયો છે. તે યહોવાના લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. (પ્રકટી. ૧૨:૯, ૧૨, ૧૩, ૧૭) એ કારણે દુનિયાના લોકો ઈશ્વરભક્તોને પહેલાં કરતાં વધારે ધિક્કારે છે. પણ આપણે શેતાન અને તેના ચેલાઓથી ડરવાની જરૂર નથી. આપણે પણ પ્રેરિત પાઉલની જેમ યાદ રાખીએ કે “જો ઈશ્વર આપણી સાથે હોય, તો આપણી સામે કોણ થઈ શકે?” (રોમ. ૮:૩૧) આપણને યહોવા પર પૂરો ભરોસો હોવો જોઈએ. w૨૨.૦૭ ૧૮ ¶૧૪-૧૫

શનિવાર, જુલાઈ ૧૩

“રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે.”—માથ. ૨૪:૧૪.

ઈસુને એ ચિંતા ન હતી કે દુનિયાના અંતના સમયે પ્રચાર કરવા માટે પૂરતા લોકો હશે કે નહિ. તે જાણતા હતા કે ગીતશાસ્ત્રની આ ભવિષ્યવાણી પૂરી થશે: “યુદ્ધના દિવસે તમારા લોકો ખુશીથી તમારી સાથે આવવા તૈયાર થશે.” (ગીત. ૧૧૦:૩) તમે પ્રચારકામમાં ભાગ લઈને ઈસુ તેમજ વિશ્વાસુ અને સમજુ ચાકરને સાથ આપો છો. એટલું જ નહિ, એ ભવિષ્યવાણી પૂરી કરવામાં પણ ભાગ લો છો. આજે પ્રચારકામ પૂરઝડપે ચાલી રહ્યું છે. જોકે એમાં અમુક પડકારો છે. ચાલો એ વિશે જોઈએ. એક પડકાર છે, વિરોધ. સત્યમાં ભેળસેળ કરતા લોકો, ધર્મગુરુઓ અને નેતાઓ આપણા વિશે ઘણાં જૂઠાણાં ફેલાવે છે. તેઓની વાતોમાં આવીને સગાં-સંબંધીઓ, ઓળખીતાઓ અથવા સાથે કામ કરતા લોકો કદાચ દબાણ કરે કે આપણે યહોવાની ભક્તિ છોડી દઈએ અને પ્રચાર બંધ કરી દઈએ. અમુક દેશોમાં આપણાં ભાઈ-બહેનોને ડરાવવા-ધમકાવવામાં આવે છે. તેઓ પર હુમલા થાય છે, તેઓની ધરપકડ થાય છે અને તેઓને કેદ કરવામાં આવે છે. w૨૨.૦૭ ૮ ¶૧; ૯ ¶૫-૬

રવિવાર, જુલાઈ ૧૪

“ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનું છે.”—પ્રે.કા. ૧૪:૨૨.

યહોવા ચાહે છે કે આપણે નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરવા અને એના પર મનન કરવા સમય કાઢીએ. આપણે જે શીખીએ એને જીવનમાં લાગુ પાડીશું તો આપણી શ્રદ્ધા વધશે. યહોવા સાથે આપણો સંબંધ વધારે પાકો થશે. આપણે મુશ્કેલીઓમાં ટકી રહીશું. જો બાઇબલ પર આધાર રાખીશું અને એ પ્રમાણે જીવીશું, તો યહોવા આપણને તેમની પવિત્ર શક્તિ આપશે. તે આપણને એવી તાકાત આપશે જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.” એનાથી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરી શકીશું. (૨ કોરીં. ૪:૭-૧૦) યહોવાની મદદથી ‘વિશ્વાસુ અને સમજુ ચાકરે’ ઘણાં બધાં લેખો, વીડિયો અને ગીતો બહાર પાડ્યાં છે. આપણે એ સાહિત્યનો પૂરેપૂરો ઉપયોગ કરીએ. એનાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે અને યહોવાની વધારે નજીક જઈ શકીશું. (માથ. ૨૪:૪૫) યહોવા પોતાના ભક્તોને શીખવે છે કે મુશ્કેલ સમયમાં તેઓ એકબીજાને દિલાસો આપે અને પ્રેમ કરે. (૨ કોરીં. ૧:૩, ૪; ૧ થેસ્સા. ૪:૯) ભાઈ-બહેનો આપણને પણ કસોટીમાં વફાદાર રહેવા મદદ કરે છે. w૨૨.૦૮ ૧૨-૧૩ ¶૧૨-૧૪

સોમવાર, જુલાઈ ૧૫

“પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતાને જાળવી રાખવા પૂરેપૂરો પ્રયત્ન કરો અને એકબીજા સાથે શાંતિથી રહો.”—એફે. ૪:૩.

આપણે પણ ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપીએ. મન મૂકીને તેઓના વખાણ કરીએ. એનાથી આપણી દોસ્તી પાકી થશે. મંડળમાં ચારે બાજુ પ્રેમની મહેક હશે. અમુક વાર અનુભવી ભાઈ-બહેનો વચ્ચે પણ અણબનાવ કે બોલાચાલી થઈ શકે. પ્રેરિત પાઉલ અને બાર્નાબાસ સારા મિત્રો હતા. પણ એક વખતે તેઓ વચ્ચે પણ બોલાચાલી થઈ ગઈ. પ્રચારકાર્યની એક મુસાફરીમાં બાર્નાબાસ માર્કને સાથે લઈ જવા માંગતા હતા. પણ પાઉલ એ વાતે સહમત ન હતા. એટલે પાઉલ અને બાર્નાબાસ વચ્ચે “મોટી તકરાર” થઈ. તેઓ અલગ થઈ ગયા અને પોતપોતાને રસ્તે ચાલ્યા ગયા. (પ્રે.કા. ૧૫:૩૭-૩૯) પણ એ પછી ત્રણેય ભાઈઓએ એકબીજાને દિલથી માફ કર્યા. પછીથી પાઉલે પત્રોમાં બાર્નાબાસ અને માર્ક વિશે સારી વાતો લખી. (૧ કોરીં. ૯:૬; કોલો. ૪:૧૦, ૧૧) બની શકે કે કોઈની સાથે આપણો અણબનાવ કે બોલાચાલી થઈ જાય. એ વખતે આપણે તેમને માફ કરીએ. તેમના સારા ગુણો પર ધ્યાન આપીએ. એનાથી આખું મંડળ શાંતિ અને એકતાના બંધનમાં જોડાય રહેશે. w૨૨.૦૮ ૨૨-૨૩ ¶૧૦-૧૧

મંગળવાર, જુલાઈ ૧૬

“બીજાઓ પર દોષ મૂકવાનું બંધ કરો, જેથી તમારા પર દોષ મૂકવામાં ન આવે.” —માથ. ૭:૧.

આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાની પૂરી કોશિશ કરીએ છીએ. પણ આપણે બીજાઓમાં વાંધાવચકા ન કાઢવા જોઈએ. પણ યાદ રાખીએ કે યહોવા ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ છે. (ઉત. ૧૮:૨૫) યહોવાએ આપણને એ અધિકાર નથી આપ્યો કે આપણે પોતાનાં ધોરણો પ્રમાણે બીજાઓનો ન્યાય કરીએ. ચાલો યૂસફને યાદ કરીએ. તે એક નેક માણસ હતા. પણ તેમના ભાઈઓએ તેમની સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો. તેમને બહુ માર્યા. તેમને ગુલામ તરીકે વેચી દીધા. પિતાને પણ ભરોસો અપાવ્યો કે હવે યૂસફ રહ્યા નથી. વર્ષો પછી યૂસફ ફરીથી ભાઈઓને મળ્યા. એ સમયે તે ઇજિપ્તના મોટા અધિકારી હતા. તેમણે ચાહ્યું હોત તો તે બદલો લઈ શક્યા હોત. ભાઈઓને આકરી સજા કરી શક્યા હોત. તેમના ભાઈઓએ પસ્તાવો કર્યો હતો, તેઓ સુધરી ગયા હતા. તોપણ તેઓને લાગતું હતું કે યૂસફ તેઓને નહિ છોડે. પણ યૂસફે કહ્યું: “ગભરાશો નહિ. શું હું ઈશ્વર છું કે તમારો ન્યાય કરું?” (ઉત. ૩૭:૧૮-૨૦, ૨૭, ૨૮, ૩૧-૩૫; ૫૦:૧૫-૨૧) યૂસફ નમ્ર હતા. એટલે તેમણે ભાઈઓનો ન્યાય ન કર્યો. તેમણે ન્યાય કરવાનું યહોવાના હાથમાં છોડી દીધું. w૨૨.૦૮ ૩૦ ¶૧૮-૧૯

બુધવાર, જુલાઈ ૧૭

“જો કોઈને મદદની જરૂર હોય અને તું કંઈ કરી શકતો હોય, તો તેને ના પાડીશ નહિ.”—નીતિ. ૩:૨૭.

કલ્પના કરો, એક ભાઈ કે બહેન યહોવાને મદદનો પોકાર કરે છે. તેમને મદદ કરવા યહોવા તમારો ઉપયોગ કરી શકે છે. ભલે તમે વડીલ હો કે સહાયક સેવક, પાયોનિયર હો કે પ્રકાશક, નાના હો કે મોટા, ભાઈ હો કે બહેન, યહોવા તમારો ઉપયોગ કરી શકે છે. યહોવાને કાલાવાલા કરનાર વ્યક્તિને “દિલાસો” આપવા તે ઘણી વાર વડીલો અને પોતાના વફાદાર ભક્તોનો ઉપયોગ કરે છે. (કોલો. ૪:૧૧) એ કેટલો મોટો લહાવો કહેવાય કે આ રીતે આપણે યહોવા અને ભાઈ-બહેનોના કામ આવીએ છીએ! આપણે ભાઈ-બહેનોને કેવા સંજોગોમાં મદદ અને દિલાસો આપી શકીએ? જ્યારે રોગચાળો ફેલાય, આફત આવી પડે અને સતાવણી થાય ત્યારે. આપણે બીજાઓને મદદ કરવા માંગતા હોઈએ, પણ આપણા જ ઘરના સભ્યો બીમાર હોય કે પૈસેટકે તકલીફ હોય. તેમ છતાં, બીજાઓને મદદ કરવા આપણે જે કંઈ કરીએ છીએ, એ જોઈને યહોવા ખુશ થાય છે.—નીતિ. ૧૯:૧૭. w૨૨.૧૨ ૨૨ ¶૧-૨

ગુરુવાર, જુલાઈ ૧૮

“મારી આજ્ઞા એ છે કે જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો, એવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.”—યોહા. ૧૫:૧૨.

બીજાઓનો ભરોસો જીતવા તેઓ માટે પ્રેમ હોવો બહુ જરૂરી છે. ઈસુએ કીધું હતું કે યહોવાને પ્રેમ કરવો અને પડોશીને પ્રેમ કરવો, એ બંને સૌથી મોટી આજ્ઞાઓ છે. (માથ. ૨૨:૩૭-૩૯) આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ, એટલે તેમની જેમ ભરોસાપાત્ર બનવા માંગીએ છીએ. આપણે ભાઈ-બહેનોને પણ પ્રેમ કરીએ છીએ, એટલે તેઓની ખાનગી વાત ખાનગી રાખીએ છીએ. આપણે નથી ચાહતા કે તેઓને કોઈ નુકસાન થાય, તેઓએ શરમાવું પડે કે પછી તેઓને દુઃખ થાય. ભરોસાપાત્ર બનવા આપણે નમ્ર બનવું જોઈએ. નમ્ર હોઈશું તો કોઈ પણ વાત બીજાઓને જણાવવા ઉતાવળ નહિ કરીએ. લોકોની વાહવાહ મેળવવા આપણે એવું નહિ વિચારીએ કે ‘આ વાત તો હું જ બધાને સૌથી પહેલા જણાવીશ.’ (ફિલિ. ૨:૩) આપણાં વાણી-વર્તનથી ક્યારેય એવું નહિ બતાવીએ કે આપણને કોઈ ખાસ વાત ખબર છે, જે બીજાઓને નથી જણાવી શકતા. જો કોઈ બાબત વિશે બાઇબલમાં કે સાહિત્યમાં વધારે જણાવ્યું ના હોય, તો એ વિશે બીજાઓને પોતાના વિચારો જણાવવા નહિ બેસી જઈએ. w૨૨.૦૯ ૧૨ ¶૧૨-૧૩

શુક્રવાર, જુલાઈ ૧૯

“સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે.”—દાનિ. ૧૨:૪.

એક દૂતે દાનિયેલને કીધું હતું કે દાનિયેલના પુસ્તકની ભવિષ્યવાણીઓ ઈશ્વરભક્તો વધારે સારી રીતે સમજી શકશે. પણ “કોઈ દુષ્ટ એ વાતો સમજી નહિ શકે.” (દાનિ. ૧૨:૧૦) આજે યહોવા એવા લોકોને ભેગા કરી રહ્યા છે, જેઓ તેમની “ખાસ સંપત્તિ” છે. (માલા. ૩:૧૬-૧૮) એ લોકો તેમની માટે ખૂબ કીમતી છે. આપણે ચાહીએ છીએ કે યહોવા આપણને પણ “ખાસ સંપત્તિ” ગણે. એટલે ધ્યાન રાખીએ કે દુષ્ટ લોકો જેવાં કામ કરી ન બેસીએ. પણ સારાં કામ કરીએ, જેથી યહોવાનું દિલ ખુશ થાય. ખરું કે આજે ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. પણ આવનાર સમય વધારે રોમાંચક હશે. એ સમયે બીજી ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થશે. જલદી જ દુષ્ટ લોકોનો હંમેશ માટે નાશ થઈ જશે. યહોવાએ દાનિયેલને જે વચન આપ્યું હતું એ પૂરું થશે. યહોવાએ તેમને કીધું હતું: “નક્કી કરેલા સમયે તારો હિસ્સો મેળવવા તું ઊભો થઈશ.” (દાનિ. ૧૨:૧૩) દાનિયેલ અને તમારાં સગાં-વહાલાં ફરી ‘ઊભાં થશે.’ સાચે જ, તેઓને મળવા અને ગળે લગાવવા તમે આતુર હશો. પણ એ દિવસ આવે ત્યાં સુધી તમે યહોવાને વફાદાર રહેજો. એમ કરશો તો જ જીવનના પુસ્તકમાં તમારું નામ લખેલું રહેશે. w૨૨.૦૯ ૨૪ ¶૧૭; ૨૫ ¶૧૯-૨૦

શનિવાર, જુલાઈ ૨૦

‘હું તને મોકલું છું.’—હઝકિ. ૨:૩.

એ શબ્દો સાંભળીને હઝકિયેલની હિંમત વધી હશે. તેમને યાદ આવ્યું હશે કે યહોવાએ મૂસા અને યશાયાને પ્રબોધક તરીકે કામ સોંપ્યું ત્યારે એવું જ કંઈક કહ્યું હતું. (નિર્ગ. ૩:૧૦; યશા. ૬:૮) હઝકિયેલ એ પણ જાણતા હતા કે તેઓનું કામ સહેલું ન હતું, તોપણ યહોવાની મદદથી એ કામ પૂરું કરી શક્યા. એટલે જ્યારે યહોવાએ બે વાર હઝકિયેલને કહ્યું: ‘હું તને મોકલું છું,’ ત્યારે તેમને પાકી ખાતરી થઈ હશે કે યહોવા તેમને સાથ આપશે. હઝકિયેલના પુસ્તકમાં ઘણી વાર આ શબ્દો પણ જોવા મળે છે: “યહોવાનો આ સંદેશો મારી પાસે આવ્યો.” (હઝકિ. ૩:૧૬) હઝકિયેલે ઘણી વાર એમ પણ લખ્યું: “ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો.” (હઝકિ. ૬:૧) એ બતાવે છે કે હઝકિયેલને પૂરો ભરોસો હતો કે યહોવાએ જ તેમને મોકલ્યા હતા. એટલું જ નહિ, તેમના પિતા યાજક હતા. તેમણે હઝકિયેલને શીખવ્યું હશે કે યહોવા હંમેશાં પોતાના પ્રબોધકોને ખાતરી આપે છે કે તે તેઓને સાથ આપશે. દાખલા તરીકે, યહોવાએ ઇસહાક, યાકૂબ અને યર્મિયાને કહ્યું: “હું તારી સાથે છું.”—ઉત. ૨૬:૨૪; ૨૮:૧૫; યર્મિ. ૧:૮. w૨૨.૧૧ ૨ ¶૩

રવિવાર, જુલાઈ ૨૧

“ઈશ્વર જે ભેટ આપે છે, એ હંમેશ માટેનું જીવન છે.”—રોમ. ૬:૨૩.

આદમ-હવાએ પાપ કર્યું એટલે તેઓનું મરણ થયું. પછી બધા માણસો મરણની ખાઈમાં ધકેલાઈ ગયા. પણ એનો મતલબ એ નથી કે યહોવાની ઇચ્છા બદલાઈ ગઈ. (યશા. ૫૫:૧૧) તે આજે પણ ચાહે છે કે વફાદાર ભક્તો હંમેશ માટે જીવે. ચાલો જોઈએ કે યહોવાએ પહેલાંના સમયમાં શું કર્યું અને કીધું, જેનાથી આપણને ખબર પડે કે તે પોતાની ઇચ્છા જરૂર પૂરી કરશે. યહોવાએ વચન આપ્યું છે કે તે ગુજરી ગયેલા લોકોને જીવતા કરશે. તે તેઓને હંમેશ માટે જીવવાની તક આપશે. (પ્રે.કા. ૨૪:૧૫; તિત. ૧:૧, ૨) અયૂબને પણ ખાતરી હતી કે જેઓ ધૂળમાં ભળી ગયા છે, તેઓને જીવતા કરવા યહોવા ઝંખે છે. (અયૂ. ૧૪:૧૪, ૧૫) દાનિયેલ પ્રબોધક પણ જાણતા હતા કે જેઓ મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓને યહોવા જરૂર ઉઠાડશે અને તેઓ પાસે હંમેશ માટે જીવવાની તક હશે. (ગીત. ૩૭:૨૯; દાનિ. ૧૨:૨, ૧૩) ઈસુના સમયના યહૂદીઓ પણ એ વાતથી અજાણ ન હતા. તેઓ જાણતા હતા કે જો તેઓ યહોવાને વફાદાર રહેશે તો તે તેઓને ‘હંમેશ માટેનું જીવન’ આપશે. (લૂક ૧૦:૨૫; ૧૮:૧૮) ઈસુએ પણ ઘણી વાર લોકોને જણાવ્યું કે યહોવા ગુજરી ગયેલા લોકોને જીવતા કરશે અને હંમેશ માટેનું જીવન આપશે. ઈસુનું મરણ થયું ત્યારે યહોવાએ તેમને પણ જીવતા કર્યા.—માથ. ૧૯:૨૯; ૨૨:૩૧, ૩૨; લૂક ૧૮:૩૦; યોહા. ૧૧:૨૫. w૨૨.૧૨ ૪-૫ ¶૮-૯

સોમવાર, જુલાઈ ૨૨

“હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું.”—ગીત. ૩૧:૧૪.

યહોવા ચાહે છે કે આપણે તેમની નજીક જઈએ. (યાકૂ. ૪:૮) તે આપણા ઈશ્વર, પિતા અને દોસ્ત બનવા માંગે છે. તે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે, તે આપણને મદદ કરે છે. તે પોતાના સંગઠન દ્વારા આપણને શીખવે છે, આપણું રક્ષણ કરે છે. યહોવાની નજીક જવા આપણે તેમને પ્રાર્થના કરીએ, બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ. એવું કરવાથી આપણે જોઈ શકીશું કે યહોવા કેટલા સારા છે. આપણે તેમને વધારે પ્રેમ કરવા લાગીશું. પછી તેમની આજ્ઞા પાળવાનું અને તેમનો મહિમા કરવાનું મન થશે. (પ્રકટી. ૪:૧૧) આપણે યહોવાને જેટલા વધારે ઓળખીશું, એટલો જ તેમના પર આપણો ભરોસો વધતો જશે. તેમ જ તેમના સંગઠન પર આપણો ભરોસો વધશે, જેના દ્વારા તે આપણને મદદ કરે છે. પણ આપણે મુશ્કેલીઓમાં હોઈએ ત્યારે શેતાન એવું કંઈક કરે છે, જેનાથી યહોવા અને તેમના સંગઠન પરથી આપણો ભરોસો ધીરે ધીરે ઊઠી જાય. પણ આપણે તેની ચાલાકીઓથી બચી શકીએ છીએ. યહોવા પર અડગ શ્રદ્ધા રાખીશું અને તેમના પર પૂરો ભરોસો રાખીશું તો, આપણે યહોવા અને તેમના સંગઠનને ક્યારેય નહિ છોડીએ.—ગીત. ૩૧:૧૩, ૧૪. w૨૨.૧૧ ૧૪ ¶૧-૩

મંગળવાર, જુલાઈ ૨૩

“પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈની ભક્તિ કે સેવા કરવાને બદલે તેઓ મરવા પણ તૈયાર હતા.”—દાનિ. ૩:૨૮.

યહોવાના ભક્તો તેમને પ્રમાણિક રહે છે. તેમને પ્રમાણિક રહેવા તેઓ કેદમાં જવા કે પોતાનો જીવ આપવા પણ તૈયાર હોય છે. કેમ કે તેઓ યહોવાને પ્રેમ કરે છે અને પૂરા દિલથી સ્વીકારે છે કે યહોવા જ વિશ્વના માલિક છે, ફક્ત તેમને જ આપણા પર રાજ કરવાનો અધિકાર છે. તેઓ ત્રણ હિબ્રૂ યુવાનો જેવા છે. એ યુવાનો યહોવાને પ્રમાણિક રહેવા આગની ભઠ્ઠીમાં જવા પણ તૈયાર હતા. યહોવાને પ્રમાણિક રહેવું ખૂબ જરૂરી છે. એ વિશે દાઉદ રાજાએ લખ્યું: “યહોવા લોકોને ફેંસલો સંભળાવશે. હે યહોવા, મારી સચ્ચાઈ પ્રમાણે, મારી પ્રમાણિકતા પ્રમાણે મારો ન્યાય કરો.” (ગીત. ૭:૮, ફૂટનોટ) બીજી એક જગ્યાએ દાઉદે લખ્યું: ‘મારી પ્રમાણિકતા અને સચ્ચાઈ મને સલામત રાખશે.’ (ગીત. ૨૫:૨૧, ફૂટનોટ) એનાથી ખબર પડે છે કે યહોવા આપણી પ્રમાણિકતાને આધારે આપણો ન્યાય કરશે. ચાલો પાકો નિર્ણય કરીએ કે આપણે યહોવાને પ્રમાણિક રહીશું, હંમેશાં તેમને વફાદાર રહીશું. પછી આપણે પણ ગીતશાસ્ત્રના એક લેખક જેવું કહી શકીશું: “ધન્ય છે તેઓને, જેઓ પ્રમાણિક રહીને જીવે છે, જેઓ યહોવાના નિયમો પાળે છે.”—ગીત. ૧૧૯:૧, ફૂટનોટ. w૨૨.૧૦ ૧૭ ¶૧૮-૧૯

બુધવાર, જુલાઈ ૨૪

“[ઈશ્વરના] અદૃશ્ય ગુણો . . . તેમણે બનાવેલી વસ્તુઓ પરથી જોઈ શકાય છે.” —રોમ. ૧:૨૦.

અયૂબે પોતાના જીવનમાં ઘણા લોકો સાથે વાતચીત કરી હશે. પણ યહોવા ઈશ્વર સાથેની વાતચીત તે કદી ભૂલ્યા નહિ હોય. એ વાતચીતમાં યહોવાએ અયૂબને કહ્યું કે તે તેમણે બનાવેલી સૃષ્ટિ નિહાળે. એનાથી અયૂબ જોઈ શક્યા હશે કે યહોવા ખૂબ બુદ્ધિશાળી છે અને તેમનો ભરોસો મજબૂત થયો હશે કે યહોવા પોતાના ભક્તોની જરૂરિયાતો પૂરી કરી શકે છે. દાખલા તરીકે, યહોવાએ અયૂબને યાદ અપાવ્યું કે તે પ્રાણીઓની સંભાળ રાખે છે, તો તે અયૂબની પણ સારી રીતે સંભાળ રાખી શકે છે. (અયૂ. ૩૮:૩૯-૪૧; ૩૯:૧, ૫, ૧૩-૧૬) આમ, સૃષ્ટિ નિહાળીને અયૂબ પોતાના ઈશ્વર યહોવાના ગુણો વિશે ઘણું શીખી શક્યા. આપણે પણ સૃષ્ટિ જોઈને આપણા ઈશ્વર વિશે વધારે શીખી શકીએ છીએ. પણ અમુક વાર એ અઘરું બની શકે છે. જો આપણે શહેરમાં રહેતા હોઈએ, તો કદાચ આપણને યહોવાએ બનાવેલી ઘણી વસ્તુઓ જોવાનો મોકો ન મળે. કુદરતના ખોળે રહેતા હોઈએ તોપણ લાગી શકે કે એનો અભ્યાસ કરવા આપણી પાસે સમય નથી. પણ સૃષ્ટિ નિહાળવા સમય કાઢવો અને મહેનત કરવી જરૂરી છે. w૨૩.૦૩ ૧૫ ¶૧-૨

ગુરુવાર, જુલાઈ ૨૫

“શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે.”—નીતિ. ૨૨:૩.

ઈસુએ કીધું હતું કે અંત આવતા પહેલાં “મોટા મોટા ધરતીકંપો” થશે અને એના જેવી બીજી આફતો આવી પડશે. (લૂક ૨૧:૧૧) તેમણે એમ પણ કીધું હતું કે ‘દુષ્ટતા વધી જશે.’ આજે એવું જ થઈ રહ્યું છે. આપણને રોજેરોજ સમાચાર મળે છે કે હિંસા અને ગુના વધી ગયાં છે. આતંકવાદનો પણ કોઈ પાર નથી. (માથ. ૨૪:૧૨) ઈસુએ એવું કીધું ન હતું કે આફતો આવે તો એનો મતલબ એ કે યહોવાએ આપણાથી મોં ફેરવી લીધું છે. યહોવાના ઘણા વફાદાર ભક્તોએ આવી આફતોનો સામનો કરવો પડ્યો છે. (યશા. ૫૭:૧; ૨ કોરીં. ૧૧:૨૫) યહોવા આપણને કદાચ એ આફતમાંથી ચમત્કાર કરીને ન બચાવે, પણ આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે તે આપણને શાંત રહેવા અને એનો સામનો કરવા મદદ કરશે. જો આપણે પહેલેથી તૈયારી કરીશું, તો આપણને જ ફાયદો થશે. પણ શું પહેલેથી તૈયારી કરવાનો મતલબ એ કે આપણને યહોવામાં શ્રદ્ધા નથી? ના, એવું નથી. પહેલેથી તૈયારી કરીને બતાવીએ છીએ કે આપણને યહોવામાં અડગ શ્રદ્ધા છે અને ભરોસો છે કે તે આપણી સંભાળ રાખશે. યહોવા પણ એવું જ ચાહે છે કે આપણે આફત માટે પહેલેથી તૈયારી કરીએ. તેમણે બાઇબલમાં એવું જ લખાવ્યું છે. w૨૨.૧૨ ૧૮ ¶૯-૧૦

શુક્રવાર, જુલાઈ ૨૬

“ઈશ્વરે મને તમારી આગળ અહીં મોકલ્યો છે, જેથી આપણા બધાના જીવ બચે.” —ઉત. ૪૫:૫.

યૂસફ કેદખાનામાં હતા ત્યારે યહોવાએ ઇજિપ્તના રાજાને બે સપનાં બતાવ્યાં. એના લીધે તે ખૂબ બેચેન થઈ ગયો. તેને ખબર મળી કે યૂસફ સપનાંનો અર્થ જણાવી શકે છે. એટલે યૂસફને તેની સામે હાજર થવાનું કહેવામાં આવ્યું. યહોવાની મદદથી યૂસફ એ સપનાંનો અર્થ જણાવી શક્યા. તેમણે સારી સલાહ પણ આપી. રાજા તેમનાથી ખુશ થયો. તે સમજી ગયો કે યહોવા યૂસફની સાથે છે. એટલે યૂસફને આખા ઇજિપ્ત પર અધિકારી બનાવવામાં આવ્યા. તે અનાજના બધા કોઠારોની દેખરેખ રાખવા લાગ્યા. (ઉત. ૪૧:૩૮, ૪૧-૪૪) પછી ઇજિપ્ત અને કનાનમાં આકરો દુકાળ પડ્યો. એ સમયે યૂસફનું કુટુંબ કનાનમાં રહેતું હતું. યૂસફ એક મોટા અધિકારી હતા એટલે કુટુંબની જરૂરિયાતો પૂરી કરી શકતા હતા. તેમણે આખા કુટુંબને ઇજિપ્ત બોલાવી લીધું. આમ, જે કુટુંબમાંથી મસીહ આવવાના હતા એનું રક્ષણ થયું. આ બધું કંઈ એમ જ બન્યું ન હતું. એ બધા પાછળ યહોવાનો હાથ હતો. યહોવાએ યૂસફને દરેક કામમાં સફળતા આપી. યૂસફના ભાઈઓ તો તેમને મારી નાખવા માંગતા હતા. પણ યહોવાએ પોતાનો હેતુ પૂરો કરવા આખી બાજી પલટી નાખી. w૨૩.૦૧ ૧૬-૧૭ ¶૧૧-૧૨

શનિવાર, જુલાઈ ૨૭

“ધ્યાન રાખો!”—લૂક ૨૧:૩૪.

આ કલમથી શીખવા મળે છે કે આપણે પોતાનાં વાણી-વર્તન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એવું કઈ રીતે કરી શકીએ? યહોવા સાથેની દોસ્તી જોખમમાં મૂકે એવી બાબતોથી સાવધ રહેવું જોઈએ અને એનાથી દૂર રહેવા પગલાં ભરવાં જોઈએ. આમ, આપણે યહોવાના પ્રેમની છાયામાં રહી શકીશું. (નીતિ. ૨૨:૩; યહૂ. ૨૦, ૨૧) પ્રેરિત પાઉલે પણ ઈશ્વરભક્તોને કહ્યું કે તેઓ પોતાના પર ધ્યાન આપે. જેમ કે તેમણે એફેસસનાં ભાઈ-બહેનોને સલાહ આપી, “તમે પોતાના પર કડક નજર રાખો, જેથી તમે મૂર્ખની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ ચાલો.” (એફે. ૫:૧૫, ૧૬) યહોવા સાથેની આપણી દોસ્તી તોડી નાખવા શેતાન ઘણા ધમપછાડા કરે છે. એટલે બાઇબલમાં સલાહ આપી છે, “યહોવાની ઇચ્છા શી છે એ પારખતા રહો.” (એફે. ૫:૧૭) એમ કરીશું તો શેતાન આપણા પર ફાવી નહિ જાય. યોગ્ય નિર્ણય લેવા આપણે “યહોવાની ઇચ્છા શી છે” એ પારખતા રહેવું જોઈએ. એ માટે શું કરી શકીએ? નિયમિત બાઇબલ વાંચીએ અને મનન કરીએ. જો યહોવાની ઇચ્છા પારખીશું અને “ખ્રિસ્ત ઈસુનું મન” કેળવીશું, તો “સમજુ માણસની જેમ” ચાલી શકીશું. એટલું જ નહિ, એ બાબતો માટે પણ સારો નિર્ણય લઈ શકીશું, જેના વિશે બાઇબલમાં સીધેસીધો નિયમ નથી આપ્યો.—૧ કોરીં. ૨:૧૪-૧૬. w૨૩.૦૨ ૧૬-૧૭ ¶૭-૯

રવિવાર, જુલાઈ ૨૮

“ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો, જેથી તમારું મન પૂરેપૂરું બદલાઈ જાય અને તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા પારખી શકો.” —રોમ. ૧૨:૨.

તમારા ઘરની સાફ-સફાઈ તમે કેટલી વાર કરો છો? જ્યારે તમે પહેલી વાર ઘરમાં રહેવા આવ્યા હશો ત્યારે તમે ઘરની બરાબર સાફ-સફાઈ કરી હશે, ઘસી ઘસીને એને ચકચકાટ કર્યું હશે. પણ એક વાર સાફ કર્યા પછી ફરી ક્યારેય ન કરીએ તો શું થશે? ઘર બહુ જલદી ગંદું થઈ જશે, ધૂળના થર જામી જશે. જો તમે ચાહતા હો કે ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત રહે, તો એની નિયમિત સાફ-સફાઈ કરવી પડશે. એવી જ રીતે, બાપ્તિસ્મા પહેલાં આપણે જીવનમાં ફેરફાર કરવા ઘણી મહેનત કરી હતી. “આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ” થયા હતા. (૨ કોરીં. ૭:૧) પણ બસ એક વાર એવું કરવું પૂરતું છે? પાઉલે કહ્યું હતું તેમ, આપણે બાપ્તિસ્મા પછી પણ ‘મનના વિચારોને નવા કરતા રહીએ.’ (એફે. ૪:૨૩) જો એવું નહિ કરીએ તો બહુ જલદી દુનિયાના ગંદા વિચારો આપણાં મનમાં ઘર કરી જશે. જો આપણે ચાહતા હોઈએ કે એવું ન થાય અને યહોવા આપણાથી ખુશ થાય, તો સમયે સમયે પોતાનાં વિચારો, સ્વભાવ અને ઇચ્છાઓની પરખ કરતા રહીએ. w૨૩.૦૧ ૮ ¶૧-૨

સોમવાર, જુલાઈ ૨૯

‘તેણે પવિત્ર શક્તિને કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરતી જોઈ.’—માથ. ૩:૧૬.

જરા વિચારો, લોકોને ઈસુ પાસેથી શીખવાની કેટલી મજા આવતી હશે! તે અવાર-નવાર લોકોને શાસ્ત્રની વાતો જણાવતા, જે તેમને મોઢે હતી. ઈસુના બાપ્તિસ્મા વખતે તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા. એ સમયે યહોવાએ એવું કંઈક કર્યું, જેનાથી ઈસુને સ્વર્ગની બધી વાતો યાદ આવી ગઈ. બાપ્તિસ્મા પછી તેમણે કહેલા સૌ પ્રથમ શબ્દો અને મરણ અગાઉ કહેલા અમુક શબ્દો સીધેસીધા શાસ્ત્રમાંથી હતા. (પુન. ૮:૩; ગીત. ૩૧:૫; લૂક ૪:૪; ૨૩:૪૬) એટલું જ નહિ, સાડા ત્રણ વર્ષના સેવાકાર્યમાં ઈસુએ લોકોને ઘણી વાર શાસ્ત્રના શબ્દો ટાંક્યા, એમાંથી વાંચી આપ્યું અને એનો અર્થ સમજાવ્યો. (માથ. ૫:૧૭, ૧૮, ૨૧, ૨૨, ૨૭, ૨૮; લૂક ૪:૧૬-૨૦) ઈસુએ સેવાકાર્ય શરૂ કર્યું એનાં ઘણાં વર્ષો પહેલાંથી ઈસુ વારંવાર શાસ્ત્રવચનો વાંચતા અને એની વાતો સાંભળતા. નાનપણમાં તેમણે મમ્મી-પપ્પા યૂસફ અને મરિયમને ઘણી વાર શાસ્ત્રની વાતો કહેતા સાંભળ્યાં હશે. (પુન. ૬:૬, ૭) તેમ જ, ઈસુ દર સાબ્બાથે કુટુંબ સાથે સભાસ્થાનમાં જતા હતા. (લૂક ૪:૧૬) જ્યારે સભાસ્થાનમાં શાસ્ત્રની વાતો વાંચી સંભળાવવામાં આવતી હશે, ત્યારે તે એને ધ્યાનથી સાંભળતા હશે. w૨૩.૦૨ ૮ ¶૧-૨

મંગળવાર, જુલાઈ ૩૦

‘તું તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.’—માર્ક ૧૨:૩૦.

યહોવાને પ્રેમ કરવાનાં ઘણાં કારણો છે. જેમ કે, તમે શીખ્યા કે યહોવા “જીવનનો ઝરો” છે અને તે જ આપણને “દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ” આપે છે. (ગીત. ૩૬:૯; યાકૂ. ૧:૧૭) આજે આપણે જે સારી સારી વસ્તુઓનો આનંદ માણીએ છીએ, એ બધી આપણા ઉદાર અને પ્રેમાળ ઈશ્વરે જ આપી છે. ઈસુનું બલિદાન એ યહોવા તરફથી એક અજોડ ભેટ છે. એવું કેમ કહી શકીએ? યહોવા અને તેમના દીકરા વચ્ચે કેવો સંબંધ છે, એનો વિચાર કરો. ઈસુએ કહ્યું હતું: “પિતા મને પ્રેમ કરે છે” અને “હું પિતા પર પ્રેમ રાખું છું.” (યોહા. ૧૦:૧૭; ૧૪:૩૧) ઈસુ અબજોનાં અબજો વર્ષોથી યહોવા સાથે છે, એટલે તેઓ વચ્ચેનો સંબંધ એકદમ ગાઢ છે. (નીતિ. ૮:૨૨, ૨૩, ૩૦) હવે જરા વિચારો, પોતાના વહાલા દીકરાને દુઃખ સહેતા જોઈને અને મરતા જોઈને યહોવાને કેટલું દુઃખ થયું હશે! યહોવા આખી માણસજાતને અને તમને એટલો બધો પ્રેમ કરે છે કે તેમણે ખુશી ખુશી પોતાના વહાલા દીકરાનું બલિદાન આપ્યું, જેથી તમને અને બીજાઓને હંમેશ માટેનું જીવન મળે. (યોહા. ૩:૧૬; ગલા. ૨:૨૦) યહોવાને પ્રેમ કરવાનું એ સૌથી મોટું કારણ છે, ખરું ને? w૨૩.૦૩ ૪-૫ ¶૧૧-૧૩

બુધવાર, જુલાઈ ૩૧

“તમારી પાસે જે છે એને વળગી રહેજો.”—પ્રકટી. ૨:૨૫.

સત્યમાં ભેળસેળ કરતા લોકોના શિક્ષણથી દૂર રહીએ. ઈસુએ પેર્ગામમ મંડળના અમુક લોકોને કડક શબ્દોમાં ઠપકો આપ્યો, કેમ કે તેઓ મંડળમાં ભાગલા પાડતા હતા. (પ્રકટી. ૨:૧૪-૧૬) પણ ઈસુએ થુવાતિરા મંડળનાં એ ભાઈ-બહેનોનાં વખાણ કર્યાં જેઓ ‘શેતાનના જૂઠા શિક્ષણથી’ દૂર રહ્યાં હતાં. તેમણે તેઓને સાચી વાતોને ‘વળગી રહેવાની’ અરજ કરી. (પ્રકટી. ૨:૨૪-૨૬) એ બંને મંડળનાં અમુક ભાઈ-બહેનોની શ્રદ્ધા ઓછી હોવાને લીધે તેઓએ જૂઠા શિક્ષણને માની લીધું હતું. તેઓએ દિલથી પસ્તાવો કરવાની જરૂર હતી. આપણે શું શીખી શકીએ? આપણે યહોવાનાં વિચારો અને શિક્ષણની વિરુદ્ધ હોય એવી બધી વાતોથી દૂર રહેવું જોઈએ. સત્યમાં ભેળસેળ કરતા હોય એવા લોકો કદાચ “ભક્તિભાવનો દેખાડો” કરે, પણ તેઓમાં ભક્તિનો છાંટોય હોતો નથી. (૨ તિમો. ૩:૫) જો આપણે બાઇબલનો ઊંડો અભ્યાસ કરીશું, તો એવા જૂઠા શિક્ષણને પારખી શકીશું અને એનાથી દૂર રહી શકીશું. (૨ તિમો. ૩:૧૪-૧૭; યહૂ. ૩, ૪) આપણી ભક્તિથી યહોવા ખુશ થાય એ માટે આપણે પૂરો પ્રયત્ન કરવાની જરૂર છે. જો આપણાં કામોથી યહોવા દુઃખી થતાં હોય, તો એવાં કામોને તરત છોડી દઈએ. આપણે તરત પોતાનામાં ફેરફાર કરીએ.—પ્રકટી. ૨:૫, ૧૬; ૩:૩, ૧૬. w૨૨.૦૫ ૪ ¶૯; ૫ ¶૧૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો