જૂન
શનિવાર, જૂન ૧
“મારું શરીર કીડાઓથી ખદબદે છે અને ઠેકઠેકાણે માટી ચોંટી ગઈ છે; શરીરનાં ભીંગડાં સુકાઈને ફાટી ગયાં છે અને એમાંથી પરુ વહે છે.”—અયૂ. ૭:૫.
અયૂબનો યહોવા સાથે મજબૂત સંબંધ હતો. તેમનું કુટુંબ ઘણું મોટું હતું. તેઓ બધા હળી-મળીને રહેતા હતા. તેમની પાસે અઢળક માલ-મિલકત હતી. (અયૂ. ૧:૧-૫) પણ એક જ દિવસમાં અયૂબનું જીવન વેરવિખેર થઈ ગયું. તે પોતાનું બધું ગુમાવી બેઠા. સૌથી પહેલા તો તેમની માલ-મિલકત જતી રહી. (અયૂ. ૧:૧૩-૧૭) પછી અયૂબનાં બધાં બાળકોનું મરણ થયું. જરા કલ્પના કરો, અયૂબના દસેદસ બાળકોનું એકસાથે મરણ થયું હતું. અયૂબ અને તેમનાં પત્નીને કેટલો આઘાત લાગ્યો હશે! એ દુઃખ સહન કરવું બહુ અઘરું હશે. તેઓ સાવ ભાંગી પડ્યા હશે અને લાચાર મહેસૂસ કરતા હશે. અયૂબે દુઃખમાં પોતાનાં કપડાં ફાડ્યાં અને તે જમીન પર બેસી પડ્યા. (અયૂ. ૧:૧૮-૨૦) પછી શેતાન અયૂબ પર પીડાદાયક બીમારી લાવ્યો. તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેમનું માન-સન્માન છીનવાઈ ગયું. (અયૂ. ૨:૬-૮) એક સમયે લોકો તેમને બહુ માન આપતા હતા. તેમની પાસે સલાહ લેવા આવતા હતા. (અયૂ. ૨૯:૭, ૮, ૨૧) પણ હવે કોઈ તેમની સામેય જોતું ન હતું. તેમના ભાઈઓએ તેમનાથી મોં ફેરવી લીધું હતું. ખાસ મિત્રોએ તેમને તરછોડી દીધા હતા. અરે, તેમના નોકર-ચાકરો પણ તેમનું સાંભળતા ન હતા.—અયૂ. ૧૯:૧૩, ૧૪, ૧૬. w૨૨.૦૬ ૨૧ ¶૫-૬
રવિવાર, જૂન ૨
‘સર્વ વાતોમાં પ્રેમથી પ્રેરાઈને વધતા જઈએ.’—એફે. ૪:૧૫.
પ્રેરિત પાઉલે એફેસસનાં ભાઈ-બહેનોને એક સરસ સલાહ આપી હતી. બાપ્તિસ્મા પછી આપણે બધાએ એ સલાહ પાળવી જોઈએ. તેમણે કહ્યું હતું કે એ ભાઈ-બહેનો ‘પૂરેપૂરી વૃદ્ધિ પામે,’ એટલે કે પરિપક્વ બને. (એફે. ૪:૧૩) તે કહેવા માંગતા હતા કે તેઓ ભક્તિમાં આગળ વધતાં રહે. એવું નથી કે તમે યહોવાને પ્રેમ નથી કરતા. પણ તમે તેમના માટેનો પ્રેમ હજુ વધારી શકો છો. પ્રેરિત પાઉલ ચાહતા હતા કે ફિલિપીનાં ભાઈ-બહેનોનો યહોવા માટેનો પ્રેમ “વધતો ને વધતો જાય.” એ ગુણ કેળવવાની એક રીત ફિલિપીઓ ૧:૯માં આપી છે. એ છે કે ‘સાચું જ્ઞાન અને પૂરી સમજણ’ મેળવીએ. યહોવાને વધારે ઓળખતા જઈશું તેમ તેમને વધારે પ્રેમ કરી શકીશું. આપણે જોઈ શકીશું કે તેમનામાં સારા સારા ગુણો છે. તેમની કામ કરવાની રીત અદ્ભુત છે. આપણને પણ એવાં કામ કરવાનું મન થશે, જેનાથી યહોવા ખુશ થાય છે. આપણે ધ્યાન રાખીશું કે તેમને દુઃખી ન કરીએ. હંમેશાં પહેલા એ વિચારીશું કે યહોવાને શું ગમે છે. પછી એમ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. w૨૨.૦૮ ૨-૩ ¶૩-૪
સોમવાર, જૂન ૩
“આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે, જે ઈશ્વરે તેમને આપ્યું. એ માટે કે થોડા સમયમાં જે થવાનું છે એ વિશે તે ઈશ્વરના સેવકોને જણાવે.”—પ્રકટી. ૧:૧.
પ્રકટીકરણના પુસ્તકમાં જે લખ્યું છે એ બધા લોકો માટે નહિ પણ ખાસ કરીને આપણા માટે, એટલે કે યહોવાના ભક્તો માટે છે. અરે, એ ભવિષ્યવાણીઓ પૂરી કરવામાં આપણે ભાગ લઈ રહ્યા છીએ! પ્રેરિત યોહાને જણાવ્યું હતું કે એ ભવિષ્યવાણીઓ કયા સમયગાળામાં પૂરી થશે. તેમણે લખ્યું: “પવિત્ર શક્તિ મને માલિકના દિવસમાં લઈ આવી.” (પ્રકટી. ૧:૧૦) યોહાને એ શબ્દો આશરે સાલ ૯૬માં લખ્યા હતા. જોકે એ સમયે ‘માલિકનો દિવસ’ શરૂ થવામાં હજુ ઘણી વાર હતી. (માથ. ૨૫:૧૪, ૧૯; લૂક ૧૯:૧૨) બાઇબલ ભવિષ્યવાણીઓ પ્રમાણે એ દિવસ ૧૯૧૪માં શરૂ થયો, જ્યારે ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા. એ વર્ષથી ઈશ્વરભક્તોને લાગુ પડતી પ્રકટીકરણની ભવિષ્યવાણીઓ પૂરી થવા લાગી. સાચે જ આપણે અત્યારે “માલિકના દિવસમાં” જીવી રહ્યા છીએ!—પ્રકટી. ૧:૩. w૨૨.૦૫ ૨ ¶૨-૩
મંગળવાર, જૂન ૪
“જંગલી જાનવરને અને એની સાથે જૂઠા પ્રબોધકને પકડવામાં આવ્યો.” —પ્રકટી. ૧૯:૨૦.
તેઓ બંનેને એટલે કે જંગલી જાનવર અને જૂઠા પ્રબોધકોને ગંધકથી બળતા આગના સરોવરમાં જીવતા નાખી દેવામાં આવ્યા. એનો અર્થ કે સરકારો એટલે કે ઈશ્વરના દુશ્મનોની સત્તા ચાલતી હશે એ સમયે જ તેઓનો હંમેશ માટે નાશ કરવામાં આવશે. આપણે શું કરવું જોઈએ? આપણે યહોવા અને તેમના રાજ્યને વફાદાર રહીએ. (યોહા. ૧૮:૩૬) આપણે આ દુનિયાની કોઈ પણ રાજકીય બાબતમાં માથું ન મારીએ. કોઈ પણ સરકારનો પક્ષ ન લઈએ. એવું કરવું ઘણું અઘરું છે. કેમ કે આજની સરકારો ચાહે છે કે આપણે વાણી-વર્તનથી તેઓને પૂરો સાથ-સહકાર આપીએ. એ સરકારોને જે લોકો સાથ આપે છે તેઓ જાણે જંગલી જાનવરની છાપ લે છે. (પ્રકટી. ૧૩:૧૬, ૧૭) એવા લોકોથી યહોવા પોતાનું મોં ફેરવી લેશે. તેઓ હંમેશ માટેનું જીવન ગુમાવી દેશે. (પ્રકટી. ૧૪:૯, ૧૦; ૨૦:૪) ભલે સરકારો કેટલું પણ દબાણ કરે, છતાં આપણે કોઈ પણ સરકારનો પક્ષ ન લઈએ એ ખૂબ જરૂરી છે. w૨૨.૦૫ ૧૦-૧૧ ¶૧૨-૧૩
બુધવાર, જૂન ૫
“શું તેં એવા માણસને જોયો છે, જે પોતાના કામમાં હોશિયાર હોય? તે સામાન્ય માણસો આગળ નહિ, પણ રાજા-મહારાજાઓ આગળ ઊભો રહેશે.”—નીતિ. ૨૨:૨૯.
યહોવાની ભક્તિમાં કામ લાગે એવી આવડત કેળવવાનો ધ્યેય રાખી શકીએ. જો આપણે આવડત કેળવીશું, તો યહોવાની ભક્તિમાં વધારે કરી શકીશું. જરા વિચારો, બેથેલ, સંમેલનની જગ્યા અને પ્રાર્થનાઘરના બાંધકામમાં કેટલા બધા લોકોની જરૂર પડે છે. ઘણાં ભાઈ-બહેનો બીજાં અનુભવી ભાઈ-બહેનો સાથે કામ કરીને બાંધકામની આવડત કેળવી શક્યાં છે અને કુશળ બની શક્યાં છે. આજકાલ, ફક્ત ભાઈઓ જ નહિ, બહેનો પણ ભક્તિ-સ્થળોની સાર-સંભાળ રાખવાનું કામ શીખે છે. “સનાતન યુગોના રાજા” યહોવા અને “રાજાઓના રાજા” ખ્રિસ્ત ઈસુ એ બધાં ભાઈ-બહેનોનો ઉપયોગ કરીને ઘણાં મોટાં મોટાં કામ પાર પાડે છે. (૧ તિમો. ૧:૧૭; ૬:૧૫) આપણે પોતાની વાહ વાહ માટે નહિ, પણ યહોવાના મહિમા માટે સખત મહેનત કરીએ અને આવડતનો ઉપયોગ કરીએ.—યોહા. ૮:૫૪. w૨૨.૦૪ ૨૪ ¶૭, ૧૧
ગુરુવાર, જૂન ૬
“પૈસા રક્ષણ આપે છે.”—સભા. ૭:૧૨.
સુલેમાન પાસે અઢળક માલ-મિલકત હતી. તે એક આલીશાન મહેલમાં રહેતા હતા. (૧ રાજા. ૧૦:૭, ૧૪, ૧૫) જ્યારે કે ઈસુ પાસે બહુ કંઈ ન હતું. અરે, તેમની પાસે તો પોતાનું ઘર પણ ન હતું. (માથ. ૮:૨૦) તેમ છતાં તેઓ બંને પૈસા વિશે યોગ્ય વલણ રાખી શક્યા. કેમ કે તેઓએ યહોવા પાસેથી મળતી સમજણ પર આધાર રાખ્યો હતો. સુલેમાને કહ્યું કે આપણે પૈસાથી જીવનની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. આપણે અમુક ગમતી વસ્તુઓ પણ ખરીદી શકીએ છીએ. સુલેમાન પાસે ઘણી માલ-મિલકત હોવા છતાં તેમને સમજાયું કે પૈસો જ બધું નથી. તેમણે જણાવ્યું કે જીવનમાં બીજી બાબતો પણ છે, જે વધારે મહત્ત્વની છે. દાખલા તરીકે, તેમણે લખ્યું કે “પુષ્કળ ધનદોલત કરતાં સારું નામ [અથવા “સારી શાખ,” ફૂટનોટ] વધારે સારું” છે. (નીતિ. ૨૨:૧) સુલેમાને જોયું કે જેઓ પૈસા પાછળ દોડે છે તેઓનાં જીવનમાં સંતોષ નથી. તેઓ પાસે ઘણી ચીજવસ્તુઓ હોવા છતાં એમાં ખુશી મળતી નથી. (સભા. ૫:૧૦, ૧૨) પૈસા આજે છે અને કાલે નથી. એટલે સુલેમાને સલાહ આપી કે આપણે જીવનમાં પૈસાને સૌથી મહત્ત્વના ન ગણીએ.—નીતિ. ૨૩:૪, ૫. w૨૨.૦૫ ૨૧ ¶૪-૫
શુક્રવાર, જૂન ૭
“યહોવા તમને કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે. તે તમને રહેમ બતાવવા ઊભા થશે. યહોવા ઇન્સાફના ઈશ્વર છે. જેઓ ધીરજ ધરીને તેમની રાહ જુએ છે, તેઓ સુખી છે!”—યશા. ૩૦:૧૮.
યહોવા હમણાં પણ આપણને આશીર્વાદો આપી રહ્યા છે. એના પર વિચાર કરીશું તો આપણે તેમની નજીક જઈ શકીશું. તેમની સાથેની દોસ્તી પાકી થશે. યહોવા આપણને ભાવિમાં પણ ઘણા આશીર્વાદ આપવાના છે. આપણી પાસે હંમેશ માટે જીવવાની એક આશા છે. ભાવિના આશીર્વાદો પર વિચાર કરીશું તો આપણી આશા પર ભરોસો મજબૂત થશે. આમ આપણે ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શકીશું. બહુ જલદી યહોવા આ દુષ્ટ દુનિયાનો નાશ કરવા “ઊભા થશે.” તે “ઇન્સાફના ઈશ્વર” છે. એટલે આપણને પૂરો ભરોસો છે કે તે નક્કી કરેલા સમયે ચોક્કસ એવું કરશે. તે એક ઘડીનુંય મોડું નહિ કરે. (યશા. ૨૫:૯) પણ એ દિવસ આવે ત્યાં સુધી, યહોવા ધીરજ રાખે છે. આપણે પણ તેમની જેમ ધીરજ રાખીએ. એ દિવસ આવે ત્યાં સુધી પ્રાર્થના કરતા રહીએ, બાઇબલનો અભ્યાસ કરીએ, એમાં લખેલી વાતો પાળીએ અને યહોવાના આશીર્વાદો પર ઊંડો વિચાર કરીએ. એવું કરીશું તો યહોવા આપણને મદદ કરશે, જેથી મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરી શકીએ અને ખુશી ખુશી તેમની ભક્તિ કરી શકીએ. w૨૨.૧૧ ૧૩ ¶૧૮-૧૯
શનિવાર, જૂન ૮
“તારી માતાએ શીખવેલી વાતો ત્યજીશ નહિ.”—નીતિ. ૧:૮.
બાઇબલમાં તિમોથીના બાપ્તિસ્મા વિશે કંઈ જણાવ્યું નથી. પણ આપણે એની કલ્પના તો કરી જ શકીએ છીએ કે એ દિવસે યુનીકેને કેટલી ખુશી થઈ હશે! (નીતિ. ૨૩:૨૫) યુનીકેએ પોતાના દીકરાને યહોવા અને ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરવાનું શીખવ્યું હતું. તિમોથીનાં મમ્મી-પપ્પા અલગ અલગ ધર્મ પાળતાં હતાં. તેમના પપ્પા ગ્રીક હતા તો મમ્મી અને નાનીમા યહૂદી હતા. (પ્રે.કા. ૧૬:૧) તિમોથી કદાચ યુવાન હતા ત્યારે તેમના મમ્મી અને નાનીમા ઈસુના શિષ્યો બન્યાં હતાં. પણ તેમના પપ્પાએ એવું ન કર્યું. તિમોથીએ કયો નિર્ણય લીધો? યુનીકેની જેમ આજે પણ માતાઓ પોતાનાં કુટુંબને દિલોજાનથી ચાહે છે. બાળકો યહોવા સાથે પાકી દોસ્તી કરે એ માટે તેઓ પોતાનાં બાળકોને પૂરી મદદ કરે છે. યહોવા તેઓની એ મહેનતની બહુ કદર કરે છે. (નીતિ. ૧:૮, ૯) યહોવા માતાઓને મદદ કરતા આવ્યા છે જેથી તેઓ પોતાનાં બાળકોને યહોવા વિશે શીખવી શકે અને તેઓનાં દિલમાં યહોવા માટે પ્રેમ જગાડી શકે. w૨૨.૦૪ ૧૬ ¶૧-૩
રવિવાર, જૂન ૯
“ઈશ્વરે પોતાનો હેતુ પૂરો કરવા તેઓનાં મનમાં એક વિચાર મૂક્યો છે.” —પ્રકટી. ૧૭:૧૭.
“દસ રાજાઓ” એટલે કે દુનિયાની સરકારો યહોવાનો ‘હેતુ પૂરો કરે’ એ માટે બહુ જલદી યહોવા તેઓનાં મનમાં એક વિચાર મૂકશે. એનું શું પરિણામ આવશે? એ સરકારો જૂઠા ધર્મો પર હુમલો કરશે અને એનું નામનિશાન મિટાવી દેશે. (પ્રકટી. ૧૭:૧, ૨, ૧૨, ૧૬) આપણે કઈ રીતે જાણી શકીએ કે મહાન બાબેલોનનો અંત બહુ નજીક છે? એનો જવાબ મેળવવા જૂના જમાનાના બાબેલોન શહેરનો વિચાર કરીએ. એ શહેરની બહાર યુફ્રેટિસ નદી વહેતી હતી. એના લીધે એ શહેરને રક્ષણ મળતું હતું. એવી જ રીતે પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે મહાન બાબેલોનની ચારેબાજુ પણ “પાણી” છે. (પ્રકટી. ૧૭:૧૫) પાણી એવા લાખો-કરોડો લોકોને રજૂ કરે છે, જેઓ જૂઠા ધર્મોને ટેકો આપે છે. પ્રકટીકરણમાં એ પણ જણાવ્યું છે કે પાણી ‘સુકાઈ જશે.’ એનો અર્થ કે ઘણા લોકો જૂઠા ધર્મોનો સાથ છોડી દેશે. (પ્રકટી. ૧૬:૧૨) એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. આજે ઘણા લોકોનો જૂઠા ધર્મો પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. એટલે તેઓ પોતાની તકલીફોનો હલ શોધવા અલગ અલગ રીત અપનાવે છે. w૨૨.૦૭ ૫-૬ ¶૧૪-૧૫
સોમવાર, જૂન ૧૦
“જે દયા બતાવતો નથી, તેનો ન્યાય પણ દયા વગર કરવામાં આવશે. ન્યાય પર દયાનો વિજય થાય છે.”—યાકૂ. ૨:૧૩.
માફ કરીને આપણે યહોવાની કદર કરીએ છીએ. ઈસુએ એક ઉદાહરણ આપ્યું હતું. એક રાજાએ પોતાના ચાકરનું મોટું દેવું માફ કર્યું. કેમ કે એ ચાકર દેવું ચૂકવી શકે એમ ન હતો. પણ એ ચાકરે બીજા ચાકરને દયા ન બતાવી જેનું દેવું તેના કરતાં ઘણું ઓછું હતું. તેણે એ માફ ન કર્યું. (માથ. ૧૮:૨૩-૩૫) એ ઉદાહરણથી શું શીખવા મળે છે? યહોવા એ રાજા જેવા છે. તે દિલથી આપણને માફ કરે છે અને દયા બતાવે છે. જો આપણે તેમની દયાની કદર કરતા હોઈશું તો બીજાઓને માફ કરીશું. (ગીત. ૧૦૩:૯) વર્ષો પહેલાં એક ચોકીબુરજમાં જણાવ્યું હતું, “આપણે કદાચ ઘણી વાર લોકોને માફ કરતા હોઈશું. પણ ખ્રિસ્તના બલિદાનને આધારે ઈશ્વર આપણને જેટલી વાર માફ કરે છે, એટલી વાર તો આપણે ક્યારેય બીજાઓને માફ નહિ કરી શકીએ.” જો આપણે બીજાઓને માફ કરીશું અને દયા બતાવીશું તો યહોવા પણ આપણને માફ કરશે અને દયા બતાવશે. (માથ. ૫:૭) ઈસુએ પણ શિષ્યોને એવું જ શીખવ્યું હતું.—માથ. ૬:૧૪, ૧૫. w૨૨.૦૬ ૧૦ ¶૮-૯
મંગળવાર, જૂન ૧૧
“તારા વંશજથી પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે.”—ઉત. ૨૨:૧૮.
ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે યહોવા જેવા ગુણો બતાવ્યા. તેમનાં કામો અને વિચારો યહોવા જેવાં હતાં. (યોહા. ૧૪:૯) એનાથી આપણે યહોવાને ઓળખી શક્યા અને તેમને પ્રેમ કરી શક્યા. ઈસુના શિક્ષણથી અને તે જે રીતે સંગઠનને ચલાવે છે એનાથી પણ આપણને ઘણા ફાયદા થાય છે. યહોવા ખુશ થાય એ રીતે ઈસુએ આપણને જીવતા શીખવ્યું. જોકે, આપણને ઈસુના બલિદાનથી પણ ફાયદો થાય છે. યહોવાએ તેમને ફરી જીવતા કર્યા અને તેમનું ખામી વગરનું બલિદાન સ્વીકાર્યું. એનાથી યહોવા “આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.” (૧ યોહા. ૧:૭) તે આજે સ્વર્ગમાં એક શક્તિશાળી રાજા છે. જલદી જ તે સાપનું માથું કચડી નાખશે. (ઉત. ૩:૧૫) એ સમયે યહોવાના ભક્તો રાહતનો શ્વાસ લેશે. પણ એ દિવસ આવે ત્યાં સુધી આપણે હિંમત હારીએ નહિ. આપણે યહોવા પર પૂરો ભરોસો રાખીએ. તે સ્ત્રીના વંશજ દ્વારા ‘પૃથ્વીની બધી પ્રજાઓને’ ગણ્યા ગણાય નહિ એટલા આશીર્વાદ આપશે. w૨૨.૦૭ ૧૮ ¶૧૩; ૧૯ ¶૧૯
બુધવાર, જૂન ૧૨
“આવી સતાવણીઓ આપણે ટાળી શકતા નથી.”—૧ થેસ્સા. ૩:૩.
અમુક વાર આપણા સંજોગો બદલાઈ જાય છે. એટલે ધ્યેયમાં ફેરફાર કરવા તૈયાર રહેવું જોઈએ. પ્રેરિત પાઉલે પણ એવું જ કર્યું હતું. તેમણે થેસ્સાલોનિકા શહેરમાં મંડળ શરૂ કરવા મદદ કરી હતી. પણ લોકોના વિરોધને લીધે તેમણે એ શહેર છોડીને જવું પડ્યું. (પ્રે.કા. ૧૭:૧-૫, ૧૦) જો પાઉલ ત્યાં રહ્યા હોત, તો ભાઈ-બહેનોનો જીવ જોખમમાં આવી ગયો હોત. પણ તેમણે ભાઈ-બહેનોને મદદ કરતા રહેવાનું છોડ્યું નહિ. તે તેઓ પાસે જઈ શકતા ન હતા, એટલે તેઓની શ્રદ્ધા વધારવા તિમોથીને ત્યાં મોકલ્યા. (૧ થેસ્સા. ૩:૧, ૨) એ જોઈને ત્યાંનાં ભાઈ-બહેનોને કેટલી ખુશી થઈ હશે! પાઉલના એ દાખલામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. આપણે કોઈ ધ્યેય રાખ્યો હોય, પણ બની શકે કે આપણા સંજોગો બદલાય અને એ ધ્યેય પૂરો ન કરી શકીએ. (સભા. ૯:૧૧) એવું થાય તો ધ્યેયમાં ફેરફાર કરવા તૈયાર રહીએ. પછી એવો ધ્યેય રાખીએ જે પૂરો કરી શકીએ. w૨૨.૦૪ ૨૫-૨૬ ¶૧૪-૧૫
ગુરુવાર, જૂન ૧૩
“જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે.”—યાકૂ. ૧:૧૨.
યહોવાએ બાઇબલમાં એવી ઘણી વાતો લખાવી છે, જે વાંચીને આપણને મુશ્કેલીઓમાં દિલાસો મળે છે. તેમણે ખાતરી આપી છે કે કોઈ પણ મુશ્કેલી, પહાડ જેવી મોટી મુશ્કેલી પણ ‘આપણને તેમના પ્રેમથી જુદા પાડી શકશે નહિ.’ (રોમ. ૮:૩૮, ૩૯) તેમણે વચન આપ્યું છે કે તે “એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે.” (ગીત. ૧૪૫:૧૮) યહોવા કહે છે કે જો આપણે તેમના પર આધાર રાખીશું, તો હિંમતથી કસોટીઓનો સામનો કરી શકીશું. કસોટીઓમાં પણ ખુશ રહી શકીશું. (૧ કોરીં. ૧૦:૧૩; યાકૂ. ૧:૨) બાઇબલમાં પણ જણાવ્યું છે કે ભાવિમાં આપણને હંમેશ માટેના આશીર્વાદો મળશે. એની આગળ હમણાંની મુશ્કેલીઓ તો પળ બે પળની છે. (૨ કોરીં. ૪:૧૬-૧૮) યહોવાએ વચન આપ્યું છે કે તે બધી મુશ્કેલીઓની જડ, શેતાન અને તેના સાથીઓનું નામનિશાન મિટાવી દેશે. (ગીત. ૩૭:૧૦) ભાવિમાં યહોવા આપણી બધી મુશ્કેલીઓ દૂર કરશે. એ વાતથી ઘણો દિલાસો મળે છે. બાઇબલમાં એવી તો બીજી ઘણી કલમો છે, જેનાથી હિંમત મળે છે. એ કલમો યાદ રાખવાથી આપણે આવનાર મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકીશું. શું તમે અમુક કલમો મોઢે કરી છે? w૨૨.૦૮ ૧૧ ¶૧૧
શુક્રવાર, જૂન ૧૪
“એનો વિચાર કરતા રહો.”—ફિલિ. ૪:૮.
શું તમને ક્યારેય એ વિચારીને ચિંતા થાય છે, ‘હું હંમેશાં યહોવાનાં ધોરણો પાળી શકીશ કે નહિ?’ યાદ રાખો, યહોવાએ વચન આપ્યું છે, “તમારી સચ્ચાઈ દરિયાનાં મોજાં જેવી થશે!” (યશા. ૪૮:૧૮) કલ્પના કરો, તમે દરિયા કિનારે ઊભા છો. ચારે બાજુ શાંતિ છે. તમે જુઓ છો કે એક પછી એક મોજાં આવતાં જ રહે છે. એ જોઈને શું તમને ક્યારેય એવી ચિંતા થાય છે, ‘એક દિવસે આ મોજાં આવવાનું બંધ તો નઈ થઈ જાય ને?’ ના, તમે જાણો છો કે એ હંમેશાં આવતાં રહેશે. તમારી નેકી કે ‘સચ્ચાઈ પણ દરિયાનાં મોજાં જેવી’ થઈ શકે છે. જેમ દરિયાનાં મોજાં હંમેશાં આવતાં જ રહે છે, તેમ તમે પણ હંમેશાં યહોવાનાં ધોરણો પાળી શકો છો. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારો કે યહોવા શું ચાહે છે. પછી એ પ્રમાણે કરો. ભલે તમને અઘરું લાગે તોપણ એ નિર્ણયને વળગી રહો. યાદ રાખો, પિતા યહોવા તમને બહુ પ્રેમ કરે છે. તે હંમેશાં તમને સાથ આપશે. તે તમને હિંમત આપશે, જેથી તમે દરરોજ તેમનાં ધોરણો પાળી શકો.—યશા. ૪૦:૨૯-૩૧. w૨૨.૦૮ ૩૦ ¶૧૫-૧૭
શનિવાર, જૂન ૧૫
“૧,૦૦૦ વર્ષ પૂરાં થતાની સાથે જ શેતાનને કેદમાંથી છોડવામાં આવશે.”—પ્રકટી. ૨૦:૭.
૧,૦૦૦ વર્ષ પૂરાં થયાં પછી શેતાનને છોડવામાં આવશે. પાપમાંથી આઝાદ થયેલા લોકોને ખોટે માર્ગે દોરી જવા તે ધમપછાડા કરશે. એ કસોટીમાં લોકો પાસે એ સાબિત કરવાની તક હશે કે તેઓ યહોવાના નામનો મહિમા કરે છે અને તેમના રાજને ટેકો આપે છે. (પ્રકટી. ૨૦:૮-૧૦) લોકો જે કામો કરશે એનાથી નક્કી થશે કે જીવનના પુસ્તકમાં તેઓનાં નામ હંમેશ માટે લખાશે કે નહિ. અમુક લોકો આદમ અને હવાની જેમ યહોવાને વફાદાર નહિ રહે, તેમના રાજને ટેકો નહિ આપે. તેઓનું શું થશે? તેઓનો હંમેશ માટે નાશ થઈ જશે. પ્રકટીકરણ ૨૦:૧૫માં જણાવ્યું છે: “જેનું નામ જીવનના પુસ્તકમાં લખેલું ન હતું, તે દરેકને આગના સરોવરમાં નાખી દેવામાં આવ્યા.” આપણે એ તો નથી જાણતા કે છેલ્લી કસોટીમાં કેટલા લોકો યહોવા સામે બળવો કરશે. પણ એ વાત તો ચોક્કસ છે કે મોટા ભાગના લોકો યહોવાને વફાદાર રહેશે. w૨૨.૦૯ ૨૩ ¶૧૫-૧૬
રવિવાર, જૂન ૧૬
“જ્યાં સુધી તમે મૂસાના રિવાજ પ્રમાણે સુન્નત ન કરાવો, ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહિ થાય.”—પ્રે.કા. ૧૫:૧.
અમુકને લાગતું હતું કે અગાઉ યહૂદી ન હતા એવા ખ્રિસ્તીઓએ પણ સુન્નત કરાવવી જોઈએ. તેઓ ચાહતા હતા કે એવું થવું જ જોઈએ. તેઓને ડર હતો કે સુન્નત નહિ કરાવે તો બહારના લોકો તેઓ પર સવાલ ઉઠાવશે. (ગલા. ૬:૧૨) પ્રેરિત પાઉલ તેઓ સાથે જરાય સહમત ન હતા. તેમને ખબર હતી કે તેઓ કારણ વગર આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, સુન્નતની કોઈ જરૂર નથી. પણ પાઉલ નમ્ર હતા. તેમણે પોતાની વાત બીજાઓ પર થોપી ન બેસાડી. તેમણે યરૂશાલેમ જઈને પ્રેરિતો અને વડીલોની સલાહ લીધી. (પ્રે.કા. ૧૫:૨) આ રીતે બધાં ભાઈ-બહેનો વચ્ચે શાંતિ અને ખુશી જળવાઈ રહી. (પ્રે.કા. ૧૫:૩૦, ૩૧) બની શકે કે આપણા મંડળમાં કોઈ મોટા વિષય પર મતભેદ ઊભો થાય. એ વખતે આપણે શું કરવું જોઈએ? પોતાના વિચારો બીજાઓ પર થોપી ન બેસાડીએ. આપણે આગેવાની લેતા ભાઈઓની સલાહ લઈએ. કેમ કે યહોવાએ મંડળની સંભાળ રાખવાની જવાબદારી તેઓને સોંપી છે. આપણે બાઇબલ આધારિત સાહિત્યમાં સંશોધન કરી શકીએ. સંગઠને આપેલાં માર્ગદર્શન પર ધ્યાન આપી શકીએ. આમ મંડળમાં શાંતિ જાળવી શકીશું. w૨૨.૦૮ ૨૨ ¶૮-૯
સોમવાર, જૂન ૧૭
“સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે.”—નીતિ. ૧૭:૧૭.
ક્યારેક ને ક્યારેક આપણે પાકા દોસ્ત આગળ દિલ હળવું કરવા માંગીએ છીએ. અમુક વાર એમ કરવું અઘરું લાગે તોપણ હિંમત કરીને તેને દિલની વાત જણાવીએ છીએ. પણ જો ખબર પડે કે તેણે એ વાત બીજા કોઈને કહી દીધી છે, તો બહુ દુઃખ થાય છે. આપણો ભરોસો તૂટી જાય છે. પણ એ દોસ્ત આપણી વાત પોતાના પૂરતી જ રાખે તો આપણને બહુ સારું લાગે છે. જે વડીલો ભાઈ-બહેનોની વાતો પોતાના પૂરતી જ રાખે છે, તેઓ ‘પવનથી સંતાવાની જગ્યા જેવા અને વાવાઝોડામાં આશરા જેવા’ છે. (યશા. ૩૨:૨) આપણને ભરોસો છે કે વડીલોને કોઈ વાત જણાવીશું તો તેઓ એ કોઈને નહિ કહે. વડીલોએ જે વાતો ખાનગી રાખવાની હોય, એ જણાવવા આપણે તેઓને જબરજસ્તી ન કરીએ. આપણે વડીલના પત્નીની પણ ઘણી કદર કરીએ છીએ. કેમ કે એ બહેનો પોતાના પતિ પાસેથી કોઈ ખાનગી વાત કઢાવવાની કોશિશ નથી કરતા. વડીલ પોતાની પત્નીને કોઈ ખાનગી વાત નથી જણાવતા ત્યારે પત્નીને જ ફાયદો થાય છે. w૨૨.૦૯ ૧૧ ¶૧૦-૧૧
મંગળવાર, જૂન ૧૮
“હું જ ઈશ્વર છું. પ્રજાઓમાં હું મોટો મનાઈશ.”—ગીત. ૪૬:૧૦.
બહુ જ જલદી “મોટી વિપત્તિ” શરૂ થશે. (માથ. ૨૪:૨૧) દેશોનો સમૂહ સાથે મળીને ઈશ્વરભક્તો પર હુમલો કરશે. બાઇબલમાં દેશોના સમૂહને માગોગનો ગોગ કહ્યો છે. આપણે પાકી ખાતરી રાખી શકીએ કે પહેલાંના સમયની જેમ એ સમયે પણ યહોવા વફાદાર ભક્તોનું રક્ષણ કરશે. (દાનિ. ૧૨:૧) એ સમૂહમાં સંયુક્ત રાષ્ટ્રોના બધા ૧૯૩ સભ્યો જોડાઈ જાય, તોપણ સર્વોપરી ઈશ્વર યહોવા અને સ્વર્ગના સૈન્ય સામે તેઓની કોઈ વિસાત નથી! યહોવાએ વચન આપ્યું છે: “હું પોતાને ચોક્કસ મોટો મનાવીશ અને પોતાને પવિત્ર મનાવીશ. ઘણી પ્રજાઓની નજર આગળ હું મારી ઓળખ આપીશ. પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.” (હઝકિ. ૩૮:૧૪-૧૬, ૨૩) માગોગનો ગોગ હુમલો કરશે ત્યારે યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરવા પગલાં ભરશે. એ વખતે આખરી યુદ્ધ, એટલે કે આર્માગેદનનું યુદ્ધ શરૂ થશે. એ યુદ્ધમાં યહોવા ‘આખી પૃથ્વીના રાજાઓનું’ નામનિશાન મિટાવી દેશે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬; ૧૯:૧૯-૨૧) પણ “સાચા માર્ગે ચાલનાર લોકો પૃથ્વી પર રહેશે અને પ્રમાણિક લોકો એમાં કાયમ માટે જીવશે.”—નીતિ. ૨:૨૧. w૨૨.૧૦ ૧૬-૧૭ ¶૧૬-૧૭
બુધવાર, જૂન ૧૯
“તેમની ઇચ્છા છે કે બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું ખરું જ્ઞાન મેળવે.”—૧ તિમો. ૨:૪.
આપણે લોકોનાં દિલમાં ડોકિયું નથી કરી શકતા. ફક્ત ‘યહોવા જ દિલના ઇરાદા તપાસી શકે છે.’ (નીતિ. ૧૬:૨) યહોવા બધાને, દરેક દેશ અને જાતિના લોકોને પ્રેમ કરે છે. તે ચાહે છે કે આપણે પણ ‘દિલના દરવાજા ખોલી નાખીએ.’ (૨ કોરીં. ૬:૧૩) આપણે બધાં ભાઈ-બહેનોને પ્રેમ કરીએ અને પોતાનાં ધોરણો પ્રમાણે કોઈનો ન્યાય ન કરીએ. આપણે બીજા લોકો વિશે પણ પહેલેથી ધારણા બાંધી લેવી ન જોઈએ. જેમ કે, આપણે કોઈ સગા વિશે એવું ન વિચારવું જોઈએ કે તે ક્યારેય યહોવાના સાક્ષી નહિ બને. એ તો જાણે તેમનો ન્યાય કરવા બરાબર છે. આજે યહોવા “દરેક જગ્યાએ બધા લોકોને” પસ્તાવો કરવાની તક આપે છે. (પ્રે.કા. ૧૭:૩૦) યાદ રાખીએ, જેઓ પોતાને બીજાઓ કરતાં વધારે નેક ગણે છે, તેઓને યહોવા નેક નથી ગણતા. આપણે યહોવાની નજરે જે ખરું છે, એ કરતા રહીએ. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય દૃઢ કરીશું તો ખુશ રહી શકીશું. બીજાઓ આપણી પાસેથી શીખી શકશે. તેઓ આપણી અને યહોવાની નજીક આવી શકશે. w૨૨.૦૮ ૩૧ ¶૨૦-૨૨
ગુરુવાર, જૂન ૨૦
“તેઓને ચોક્કસ ખબર પડશે કે તેઓમાં એક પ્રબોધક આવ્યો હતો.” —હઝકિ. ૨:૫.
આપણે લોકોને પ્રચાર કરીએ ત્યારે ઘણી વાર તેઓ આપણો વિરોધ કરે છે. પણ એનાથી આપણને આંચકો લાગવો ન જોઈએ. આપણે જાણીએ છીએ કે ભાવિમાં વધારે વિરોધ થઈ શકે છે. (દાનિ. ૧૧:૪૪; ૨ તિમો. ૩:૧૨; પ્રકટી. ૧૬:૨૧) પણ પૂરી ખાતરી રાખી શકીએ કે એ સમયે યહોવા આપણને સાથ આપશે. યહોવા પોતાના ભક્તોને કોઈ જવાબદારી સોંપે ત્યારે એ પૂરી કરવા હંમેશાં મદદ કરે છે. પહેલાંના સમયમાં ઘણા ભક્તોને પોતાની જવાબદારી પૂરી કરવી અઘરી લાગી, પણ યહોવાની મદદથી તેઓ એ પૂરી કરી શક્યા. એમાંના એક હતા, હઝકિયેલ પ્રબોધક. તેમણે બાબેલોનની ગુલામીમાં રહેતા યહૂદીઓને સંદેશો જણાવવાનો હતો. હઝકિયેલે કેવા લોકોને સંદેશો જણાવવાનો હતો? યહોવાએ એ લોકોને “હઠીલા,” “કઠણ દિલના” અને “બંડખોર” કહ્યા. તેઓ કાંટા જેવા અને વીંછી જેવા ખતરનાક હતા. એટલે યહોવાએ હઝકિયેલને ઘણી વાર કહ્યું: ‘તું ગભરાતો નહિ.’ (હઝકિ. ૨:૩-૬) હઝકિયેલ લોકોને સારી રીતે સંદેશો જણાવી શક્યા, કેમ કે (૧) યહોવાએ તેમને મોકલ્યા હતા, (૨) યહોવાએ તેમને પવિત્ર શક્તિ આપી હતી અને (૩) યહોવાએ પોતાના શબ્દોથી તેમની શ્રદ્ધા વધારી હતી. w૨૨.૧૧ ૨ ¶૧-૨
શુક્રવાર, જૂન ૨૧
“જે દિવસે તું ખાઈશ, એ દિવસે તું જરૂર મરી જઈશ.” —ઉત. ૨:૧૭.
યહોવાએ વનસ્પતિ અને પ્રાણીઓને એ રીતે બનાવ્યાં છે કે તેઓ અમુક સમય સુધી જ જીવી શકે. તેમણે ફક્ત માણસોને હંમેશ માટે જીવવા બનાવ્યા હતા. તે ચાહતા હતા કે માણસો ક્યારેય ના મરે. બાઇબલમાં લખ્યું છે કે યહોવાએ “મનુષ્યના દિલમાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે.” (સભા. ૩:૧૧) એટલે જ આપણને કોઈને મરવું નથી. બાઇબલમાં લખ્યું છે કે મરણ આપણો દુશ્મન છે. (૧ કોરીં. ૧૫:૨૬) જરા વિચારો, બીમાર પડીએ ત્યારે શું કરીએ છીએ. શું હાથ પર હાથ ધરીને બેસી રહીએ છીએ? ના. સાજા થવા આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, દવાઓ લઈએ છીએ. આપણાથી જે થાય એ બધું કરીએ છીએ, કેમ કે આપણને જીવવું છે. જ્યારે આપણા સગા-વહાલા કે દોસ્ત ગુજરી જાય ત્યારે આપણને કેવું લાગે છે? આપણે સાવ ભાંગી પડીએ છીએ. તે યુવાન હોય કે વૃદ્ધ, તેમના મરણનું દુઃખ સહેવું આપણા માટે બહુ અઘરું હોય છે. (યોહા. ૧૧:૩૨, ૩૩) આપણે જોયું કે યહોવાએ આપણામાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. બીજું કે, તેમણે આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે હંમેશ માટે જીવી શકીએ. એનાથી ખબર પડે છે કે આપણા પ્રેમાળ સર્જનહાર ઇચ્છે છે કે આપણે હંમેશ માટે જીવીએ. w૨૨.૧૨ ૩ ¶૫; ૪ ¶૭
શનિવાર, જૂન ૨૨
“આખી દુનિયામાં તમારા બધા ભાઈઓ એવાં જ દુઃખો સહન કરે છે.” —૧ પિત. ૫:૯.
આજના અઘરા સંજોગોમાં આપણાં ઘણાં ભાઈ-બહેનો બીમાર હોય, તેઓને ડર લાગતો હોય અથવા એકલું-એકલું લાગતું હોય. એવાં ભાઈ-બહેનો સાથે વાત કરતા રહો. બની શકે, બીમારી કે મહામારીને લીધે બીજાઓથી અંતર જાળવવું પડે. તમને કદાચ પ્રેરિત યોહાન જેવું લાગે. તેમને પોતાના દોસ્ત ગાયસને મળવું હતું, સામસામે બેસીને વાતો કરવી હતી. (૩ યોહા. ૧૩, ૧૪) પણ અમુક સંજોગોના લીધે તે એવું કરી શકતા ન હતા. એટલે તેમનાથી જે થાય એ તેમણે કર્યું. તેમણે ગાયસને પત્ર લખ્યો. જો તમે પણ ભાઈ-બહેનોને મળી શકતા ન હો, તો બીજી રીતોએ તેઓ સાથે સંપર્ક કરી શકો. તેઓની સાથે અવાર-નવાર વાત કરતા રહેશો તો તમને એકલું એકલું નહિ લાગે અને તમે શાંતિ મેળવી શકશો. જો તમને લાગે કે તમે ચિંતાનાં વાદળોમાં ઘેરાઈ ગયા છો, તો વડીલો સાથે વાત કરો. તેઓ તમને પ્રેમાળ શબ્દોથી ઉત્તેજન આપશે.—યશા. ૩૨:૧, ૨. w૨૨.૧૨ ૧૭-૧૮ ¶૬-૭
રવિવાર, જૂન ૨૩
“યૂસફના માલિકે તેને પકડીને એ કેદખાનામાં નાખી દીધો, જ્યાં રાજાના કેદીઓને પૂરવામાં આવતા હતા.”—ઉત. ૩૯:૨૦.
બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે અમુક સમય સુધી યૂસફના પગમાં બેડીઓ હતી અને ગળે સાંકળ બાંધી હતી. (ગીત. ૧૦૫:૧૭, ૧૮) તેમના સંજોગો વધારે ને વધારે ખરાબ થઈ રહ્યા હતા. એક સમયના ભરોસાપાત્ર સેવક, હવે મામૂલી કેદી બની ગયા હતા. શું તમારી સાથે એવું ક્યારેય બન્યું છે કે તમે રડી રડીને યહોવાને પ્રાર્થના કરી હોય પણ સંજોગો સુધરવાને બદલે વધારે બગડી ગયા હોય? આપણા બધા સાથે એવું થઈ શકે છે. કેમ કે આપણે શેતાનની દુનિયામાં જીવીએ છીએ અને યહોવા દર વખતે કોઈ ચમત્કાર કરીને આપણને કસોટીઓમાંથી બચાવતા નથી. (૧ યોહા. ૫:૧૯) પણ આપણે એક વાતની પાકી ખાતરી રાખી શકીએ: યહોવા સારી રીતે જાણે છે કે આપણા પર શું વીતી રહ્યું છે અને તેમને આપણી ચિંતા છે. (માથ. ૧૦:૨૯-૩૧; ૧ પિત. ૫:૬, ૭) એટલે તેમણે આપણને વચન આપ્યું છે: “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” (હિબ્રૂ. ૧૩:૫) કસોટીઓમાં ભલે આશાનું કિરણ દેખાતું ન હોય, પણ યહોવા એ કસોટીઓને સહન કરવા તાકાત આપશે. w૨૩.૦૧ ૧૫-૧૬ ¶૭-૮
સોમવાર, જૂન ૨૪
‘આપણા ઈશ્વર દિલથી માફ કરશે.’—યશા. ૫૫:૭.
બાઇબલથી જાણવા મળે છે કે આપણાથી ભૂલ થઈ જાય ત્યારે યહોવા આપણને તરછોડી દેતા નથી, પણ માફ કરે છે. એનાથી દેખાઈ આવે છે કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે. જૂના જમાનામાં ઇઝરાયેલીઓએ વારેઘડીએ યહોવા વિરુદ્ધ પાપ કર્યું. પણ તેઓએ દિલથી પસ્તાવો કર્યો ત્યારે યહોવાએ તેઓને માફ કર્યા. પહેલી સદીના ખ્રિસ્તીઓને પણ ખબર હતી કે યહોવા તેઓને ખૂબ પ્રેમ કરે છે. એક વખતે, એક માણસે ગંભીર પાપ કર્યું, પણ પછી દિલથી પસ્તાવો કર્યો. એટલે યહોવાએ પ્રેરિત પાઉલ દ્વારા પત્રમાં લખાવ્યું કે ભાઈ-બહેનો તેને ‘દિલથી માફ કરીને દિલાસો આપે.’ (૨ કોરીં. ૨:૬, ૭; ૧ કોરીં. ૫:૧-૫) એ જાણીને કેટલી રાહત મળે છે કે ભક્તોએ ભૂલો કરી ત્યારે યહોવાએ તેઓને છોડી ન દીધા. પણ તેમણે તેઓને પ્રેમથી મદદ કરી, તેઓને સુધાર્યા અને પોતાની નજીક લઈ આવ્યા. આજે પણ જેઓ દિલથી પસ્તાવો કરે છે, એ બધાને યહોવા માફ કરે છે. (યાકૂ. ૪:૮-૧૦) બાઇબલથી જાણવા મળે છે કે યહોવા બુદ્ધિશાળી, ન્યાયી અને પ્રેમાળ છે. બાઇબલથી આપણે યહોવાની ઇચ્છા પણ જાણી શકીએ છીએ. એ છે, તેમને ઓળખીએ અને તેમના દોસ્ત બનીએ. w૨૩.૦૨ ૭ ¶૧૬-૧૭
મંગળવાર, જૂન ૨૫
“તમે એના પર ધ્યાન આપીને સારું કરો છો.”—૨ પિત. ૧:૧૯.
દુનિયાના બનાવો કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી કરે છે, એના પર આપણે ખાસ ધ્યાન આપીએ છીએ. એમ કરવાનાં આપણી પાસે ઘણાં કારણો છે. જેમ કે, ઈસુએ જણાવેલા અમુક બનાવોથી પારખી શકીશું કે શેતાનની દુનિયાનો અંત નજીક છે. (માથ. ૨૪:૩-૧૪) પ્રેરિત પિતરે ઉત્તેજન આપ્યું હતું કે બાઇબલની ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થાય છે એના પર ધ્યાન આપીએ, જેથી આપણી શ્રદ્ધા મજબૂત થાય. (૨ પિત. ૧:૨૦, ૨૧) તે ચાહે છે કે કોઈ ભવિષ્યવાણીનો અભ્યાસ કરવા પાછળ કયું કારણ હોવું જોઈએ એ આપણે સમજીએ. તેમણે અરજ કરી કે આપણે ‘યહોવાના દિવસને હંમેશાં મનમાં રાખીએ.’ (૨ પિત. ૩:૧૧-૧૩) એવું કેમ? એનું કારણ એ નથી કે આર્માગેદન ‘કયા દિવસે અને કઈ ઘડીએ આવશે’ એ શોધવા માંગીએ છીએ. પણ એનું કારણ એ છે કે આપણે તો બચી ગયેલા સમયમાં ‘વાણી-વર્તન પવિત્ર રાખવા અને ઈશ્વરની ભક્તિનાં કામો કરવા’ માંગીએ છીએ. (માથ. ૨૪:૩૬; લૂક ૧૨:૪૦) આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે વાણી-વર્તન રાખવા માંગીએ છીએ અને પોતાનાં કામોથી બતાવી આપવા માંગીએ છીએ કે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એ માટે જરૂરી છે કે આપણે પોતાના પર ધ્યાન આપીએ. w૨૩.૦૨ ૧૬ ¶૪, ૬
બુધવાર, જૂન ૨૬
‘મારાં બીજાં ઘેટાં પણ મારે લઈ આવવાનાં છે.’—યોહા. ૧૦:૧૬.
હંમેશ માટે જીવવા ‘બીજાં ઘેટાંના’ લોકોએ હમણાંથી શું કરવું જોઈએ? તેઓએ ઈસુ માટે કદર બતાવવી જોઈએ. જેમ કે, અભિષિક્તોને સાથ આપીને તેઓ બતાવી શકે કે તેઓ ઈસુને ઘણો પ્રેમ કરે છે. ઈસુએ પણ જણાવ્યું હતું કે આપણે તેમના ભાઈઓ એટલે કે અભિષિક્તો સાથે જે રીતે વર્તીશું, એના આધારે તે આપણો ન્યાય કરશે. (માથ. ૨૫:૩૧-૪૦) ખુશખબર ફેલાવવાના કામમાં અને શિષ્ય બનાવવાના કામમાં ભાગ લઈએ. એમ કરીને પણ આપણે તેઓને સાથ આપી શકીએ છીએ. (માથ. ૨૮:૧૮-૨૦) સારી વ્યક્તિ બનવા આપણે નવી દુનિયાની રાહ જોવાની જરૂર નથી. એ માટે આપણે હમણાંથી પગલાં ભરી શકીએ. આપણે સારા ગુણો કેળવીએ, ઈમાનદાર બનીએ અને હંમેશાં સાચું બોલવાની કોશિશ કરીએ. આપણે વાણી-વર્તનમાં સંયમ રાખીએ. યહોવાને, જીવનસાથીને અને ભાઈ-બહેનોને વફાદાર રહીએ. આ દુષ્ટ દુનિયામાં યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવું અઘરું છે. પણ હમણાં એ ધોરણો પ્રમાણે જીવીશું તો નવી દુનિયામાં એમ કરવું સહેલું લાગશે. આપણે હમણાં એવાં હુન્નર શીખીએ અને આદતો કેળવીએ, જે નવી દુનિયામાં કામ લાગી શકે. w૨૨.૧૨ ૧૧-૧૨ ¶૧૪-૧૬
ગુરુવાર, જૂન ૨૭
“જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર પિતા પ્રેમ રાખશે.”—યોહા. ૧૪:૨૧.
આપણે આપણા રાજા ઈસુને પ્રેમ કરીએ છીએ, કેમ કે તે સૌથી સારા રાજા છે. યહોવાએ પોતે પોતાના દીકરાને તાલીમ આપી છે અને તેમને રાજા બનાવ્યા છે. (યશા. ૫૦:૪, ૫) ઈસુએ કોઈ સ્વાર્થ વગર બધાને પ્રેમ બતાવ્યો છે. (યોહા. ૧૩:૧) ઈસુ તમારા રાજા છે, એટલે તે તમારા પ્રેમના હકદાર છે. ઈસુએ કહ્યું હતું કે જેઓ તેમને પ્રેમ કરે છે, તેઓને તે પોતાના મિત્ર ગણે છે અને ઈસુની આજ્ઞા પાળીને તેઓ પોતાનો પ્રેમ બતાવી આપે છે. (યોહા. ૧૪:૧૫; ૧૫:૧૪, ૧૫) ખરેખર, યહોવાના દીકરાના મિત્ર બનવું, એ કેટલા મોટા સન્માનની વાત છે! તમે જાણો છો કે ઈસુ નમ્ર છે અને તે પૂરી રીતે પિતા યહોવાને અનુસરે છે. તમે શીખ્યા કે ઈસુએ ભૂખ્યા લોકોને ખવડાવ્યું, નિરાશ લોકોને દિલાસો આપ્યો અને બીમાર લોકોને સાજા કર્યા. (માથ. ૧૪:૧૪-૨૧) તે આજે કઈ રીતે પોતાના મંડળની આગેવાની લે છે, એ પણ તમે જોયું છે. (માથ. ૨૩:૧૦) તમે જાણો છો કે ઈશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસુ ભાવિમાં કેવાં અદ્ભુત કામો કરવાના છે. પણ તમે કઈ રીતે ઈસુ માટે તમારો પ્રેમ બતાવી શકો? તેમના દાખલાને અનુસરીને. એમ કરવાનું પહેલું પગલું છે, યહોવાને જીવન સમર્પિત કરવું અને બાપ્તિસ્મા લેવું. w૨૩.૦૩ ૪ ¶૮, ૧૦
શુક્રવાર, જૂન ૨૮
“તમારી આંખો ઊંચી કરીને આકાશ તરફ જુઓ. એ બધા તારા કોણે બનાવ્યા છે?”—યશા. ૪૦:૨૬.
યહોવાએ ફક્ત આકાશમાંની વસ્તુઓ જ નહિ, પૃથ્વી અને સમુદ્રમાંની વસ્તુઓ પણ બનાવી છે. એ બધું આપણને યહોવા વિશે કંઈ ને કંઈ શીખવે છે. (ગીત. ૧૦૪:૨૪, ૨૫) યહોવાએ આપણને જે રીતે બનાવ્યા છે એનો વિચાર કરો. તેમણે આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે પ્રકૃતિના સૌંદર્યની કદર કરી શકીએ છીએ. તેમણે આપણને જોવાની, સાંભળવાની, સ્પર્શ કરવાની, ચાખવાની અને સૂંઘવાની કાબેલિયત આપી છે, જેના દ્વારા આપણે ઈશ્વરે રચેલી વસ્તુઓનો આનંદ માણી શકીએ છીએ. સૃષ્ટિ નિહાળવાનું બીજું એક મહત્ત્વનું કારણ બાઇબલમાં જોવા મળે છે. સૃષ્ટિ આપણને યહોવાના ગુણો વિશે શીખવે છે. (રોમ. ૧:૨૦) દાખલા તરીકે, યહોવાએ રચેલી જાતજાતની વસ્તુઓ જુઓ અને વિચારો કે એની ડિઝાઇન કેટલી સુંદર છે. શું એમાં યહોવાનું ડહાપણ જોવા નથી મળતું? ભાતભાતની વાનગીઓ જોઈને આપણા મોંમાં પાણી આવી જાય છે. શું એ સાબિત નથી કરતું કે યહોવા માણસોને ખૂબ જ પ્રેમ કરે છે? સૃષ્ટિમાંથી યહોવાના ગુણો વિશે શીખીએ છીએ ત્યારે, યહોવાને વધારે સારી રીતે ઓળખી શકીએ છીએ અને તેમની નજીક જવાનું મન થાય છે. w૨૩.૦૩ ૧૬ ¶૪-૫
શનિવાર, જૂન ૨૯
“સત્ય એ જ તમારા વચનનો સાર છે.”—ગીત. ૧૧૯:૧૬૦.
આજે દુનિયાની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. એટલે યહોવાના વચન બાઇબલ પર ભરોસો રાખવો અઘરું થતું જશે. દુનિયાના લોકો કદાચ એવી વાતો કરે જેનાથી આપણાં મનમાં શંકાનાં બી રોપાય. આપણને થાય, ‘શું બાઇબલમાં જે લખ્યું છે એ બધું સાચું છે? શું યહોવા આપણને ખરેખર વિશ્વાસુ અને સમજુ ચાકર દ્વારા માર્ગદર્શન આપે છે?’ પણ જો આપણને બાઇબલ પર પૂરો ભરોસો હશે, તો આપણે લોકોની વાતોમાં નહિ આવીએ. આપણે ‘હંમેશ માટે, હા, છેલ્લા શ્વાસ સુધી યહોવાના આદેશો પાળીશું.’ (ગીત. ૧૧૯:૧૧૨) આપણે લોકોને બાઇબલનાં સત્ય વચનો જણાવતા ‘જરાય શરમાઈશું નહિ.’ તેઓને બાઇબલની સલાહ પાળવાનું ઉત્તેજન પણ આપીશું. (ગીત. ૧૧૯:૪૬) આપણે મુશ્કેલીઓ અને સતાવણીઓ “ધીરજ અને આનંદથી” સહન કરીશું. (કોલો. ૧:૧૧; ગીત. ૧૧૯:૧૪૩, ૧૫૭) આપણે બાઇબલનું સાચું શિક્ષણ લીધું છે. એટલે મુશ્કેલીઓમાં હિંમત રાખી શકીએ છીએ અને શાંત રહી શકીએ છીએ. આપણી પાસે એક આશા છે કે ઈશ્વરના રાજ્યમાં આપણે સરસ મજાનું જીવન જીવીશું. w૨૩.૦૧ ૭ ¶૧૬-૧૭
રવિવાર, જૂન ૩૦
“હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. મેં તમારા પર જેવો પ્રેમ રાખ્યો છે, એવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો.”—યોહા. ૧૩:૩૪.
ઈસુએ પોતાના મરણની આગલી રાતે શિષ્યો માટે લાંબી પ્રાર્થના કરી. તેમણે પિતા યહોવાને વિનંતી કરી કે તે ‘શેતાનથી તેઓનું રક્ષણ કરે.’ (યોહા. ૧૭:૧૫) ઈસુને ખબર હતી કે તેમની સાથે શું થવાનું છે, તેમણે ઘણાં દુઃખ સહન કરવાનાં છે. એવા સંજોગોમાં પણ તેમને પોતાના શિષ્યોની ચિંતા હતી. ખરેખર, ઈસુ પોતાના શિષ્યોને બહુ પ્રેમ કરતા હતા! આપણે ઈસુના પગલે ચાલવા માંગીએ છીએ. આપણે ફક્ત પોતાના માટે પ્રાર્થના કરવાને બદલે ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરીએ. ઈસુએ આજ્ઞા આપી હતી કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીને આપણે એ આજ્ઞા પાળીએ છીએ. એનાથી યહોવા પણ જોઈ શકે છે કે આપણને ભાઈ-બહેનોની કેટલી ચિંતા છે. એવું ક્યારેય ન વિચારીએ કે ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનો કોઈ ફાયદો નથી. બાઇબલમાં લખ્યું છે, “નેક માણસે કરગરીને કરેલી પ્રાર્થનાની જોરદાર અસર થાય છે.” (યાકૂ. ૫:૧૬) આપણાં ભાઈ-બહેનો ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. એટલે ખૂબ જરૂરી છે કે આપણે તેઓ માટે પ્રાર્થના કરીએ. w૨૨.૦૭ ૨૩-૨૪ ¶૧૩-૧૫