મે
બુધવાર, મે ૧
‘એ પછી મેં એક મોટું ટોળું જોયું! એ ટોળામાં દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી કોઈ ગણી ન શકે એટલા બધા લોકો હતા.’—પ્રકટી. ૭:૯.
યોહાને દર્શનમાં ૧,૪૪,૦૦૦ લોકોને જોયા પછી, એક ‘મોટા ટોળાને’ પણ જુએ છે. એ ટોળામાં કોઈ ગણી ન શકે એટલા બધા લોકો છે. તેઓ વિશે આપણે શું જાણીએ છીએ? યોહાનને કહેવામાં આવ્યું કે “તેઓ મોટી વિપત્તિમાંથી નીકળી આવેલા લોકો છે. તેઓએ પોતાના ઝભ્ભા ઘેટાના લોહીમાં ધોઈને સફેદ કર્યા છે.” (પ્રકટી. ૭:૧૪) મોટી વિપત્તિમાંથી બચ્યા પછી આ “મોટું ટોળું” પૃથ્વી પર સદા માટે જીવશે અને ઘણા આશીર્વાદોનો આનંદ માણશે. (ગીત. ૩૭:૯-૧૧, ૨૭-૨૯; નીતિ. ૨:૨૧, ૨૨; પ્રકટી. ૭:૧૬, ૧૭) જરા વિચારો, પ્રકટીકરણ અધ્યાય ૭ની ભવિષ્યવાણીઓ પૂરી થશે ત્યારે આપણે કેવું અનુભવીશું. એ સમયે આપણી ખુશીનો પાર નહિ હોય! ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર, આપણે ઘણા ખુશ હોઈશું કેમ કે આપણે યહોવાના રાજને હંમેશાં વફાદાર રહ્યા. w૨૨.૦૫ ૧૬ ¶૬-૭
ગુરુવાર, મે ૨
“યહોવા બુદ્ધિ આપે છે.”—નીતિ. ૨:૬.
કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેવા આપણને બુદ્ધિ કે સમજણની જરૂર પડે છે. તમે પણ કોઈ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં યહોવાને જરૂર પ્રાર્થના કરી હશે. તમે તેમની પાસે સમજણ માંગી હશે. (યાકૂ. ૧:૫) રાજા સુલેમાને લખ્યું હતું કે “બુદ્ધિ સૌથી મહત્ત્વની છે.” (નીતિ. ૪:૭) સુલેમાન અહીં માણસો પાસેથી મળતી સમજણની નહિ, પણ યહોવા પાસેથી મળતી સમજણની વાત કરી રહ્યા હતા. શું આજે પણ યહોવા પાસેથી મળતી સમજણ આપણને મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરી શકે? હા ચોક્કસ. બાઇબલમાં એવા બે માણસો વિશે જણાવ્યું છે, જેઓ ખૂબ બુદ્ધિશાળી હતા. એમાંના એક હતા સુલેમાન. બાઇબલમાં જણાવ્યું છે કે ‘ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને સમજણથી ભરપૂર કર્યા હતા.’ (૧ રાજા. ૪:૨૯) બીજા હતા ઈસુ. તે દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસ હતા. (માથ. ૧૨:૪૨) ઈસુ માટે ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ‘યહોવાની શક્તિ તેમના પર ઊતરી આવશે. એટલે તે બુદ્ધિશાળી અને સમજુ હશે.’ (યશા. ૧૧:૨) એ બંને માણસોએ જે શીખવ્યું એનો આપણે અભ્યાસ કરીએ અને તેઓની સલાહ જીવનમાં લાગુ પાડીએ. એમ કરીશું તો આપણે સમજુ બની શકીશું. w૨૨.૦૫ ૨૦ ¶૧-૨
શુક્રવાર, મે ૩
“તમારી શક્તિ વિશે આવનાર પેઢીને જણાવવાનો મોકો આપજો.” —ગીત. ૭૧:૧૮.
ભલે આપણે કોઈ પણ ઉંમરના હોઈએ, ધ્યેય તો રાખી જ શકીએ છીએ. ચાલો ૭૫ વર્ષનાં બેવરલીબહેનનો દાખલો જોઈએ. ખરાબ તબિયતને લીધે તેમને ચાલવામાં ઘણી તકલીફ પડતી હતી. પણ સ્મરણપ્રસંગના ઝુંબેશમાં ભાગ લેવાની તેમના દિલની તમન્ના હતી. એટલે તેમણે નાના નાના ધ્યેય રાખ્યાં. એ ધ્યેય પૂરા કરીને તેમને ઘણી ખુશી મળી. તેમનો ઉત્સાહ અને મહેનત જોઈને બીજાઓને પણ પ્રચારમાં વધારે કરવાનું ઉત્તેજન મળ્યું. આપણાં વૃદ્ધ ભાઈ-બહેનો જે કંઈ કરી શકે છે, એની યહોવા ખૂબ જ કદર કરે છે. (ગીત. ૭૧:૧૭) આપણે એવા ધ્યેય રાખીએ, જે પૂરા કરી શકીએ. એવા ગુણો કેળવીએ, જેથી યહોવા ખુશ થાય. એવી આવડત કેળવીએ, જેથી યહોવા અને તેમના સંગઠનને વધારે કામ આવી શકીએ. ભાઈ-બહેનોને મદદ કરવાની અલગ અલગ રીત શોધીએ. એવું કરીશું તો યહોવા આપણને આશીર્વાદ આપશે અને તિમોથીની જેમ આપણી ‘પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવશે.’—૧ તિમો. ૪:૧૫. w૨૨.૦૪ ૨૭ ¶૧૮-૧૯
શનિવાર, મે ૪
“તું બાળપણથી પવિત્ર લખાણો જાણે છે.”—૨ તિમો. ૩:૧૫.
તમે તમારાં બાળકોને યહોવા વિશે શીખવવા ઘણી મહેનત કરી હશે. પણ જો તમારું કોઈ બાળક યહોવાની ભક્તિ કરવા માંગતું ન હોય, તો તમે શું કરી શકો? ક્યારેય એવું ન વિચારો કે તમે તમારી જવાબદારી સારી રીતે નથી નિભાવી. યહોવા બધાને પસંદગી કરવાની છૂટ આપે છે કે તેઓ તેમની ભક્તિ કરશે કે નહિ. તમારા બાળકને પણ એ છૂટ આપી છે. હિંમત ન હારશો. આશા રાખો કે તે એક દિવસ જરૂર પાછું આવશે. ખોવાયેલા દીકરાનું ઉદાહરણ યાદ કરો. (લૂક ૧૫:૧૧-૧૯, ૨૨-૨૪) તેણે ખરાબ કામો કરવામાં હદ વટાવી દીધી હતી. પણ આખરે તે પાછો આવે છે. માતા-પિતાઓ, તમારી પાસે એક ખાસ જવાબદારી છે. તમે આવનાર પેઢીને યહોવાની ભક્તિ કરવાનું શીખવી શકો છો. (ગીત. ૭૮:૪-૬) એ કંઈ નાનીસૂની જવાબદારી નથી. એટલે બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવવાં તમે જે પુષ્કળ મહેનત કરો છો. તમારી એ મહેનતની અમે ખૂબ કદર કરીએ છીએ. યહોવાની આજ્ઞા પાળવાનું તેઓને શીખવતાં રહો. ખાતરી રાખો કે એ માટે તમે જે કંઈ પણ કરો છો, એ જોઈને આપણા પ્રેમાળ પિતા યહોવાનું દિલ ખુશીથી ઊભરાઈ જાય છે.—એફે. ૬:૪. w૨૨.૦૫ ૩૦-૩૧ ¶૧૬-૧૮
રવિવાર, મે ૫
“શરીરનાં બધાં અંગો એકબીજા સાથે જોડાયેલાં છે.”—એફે. ૪:૧૬.
જો આપણે યહોવાની ભક્તિમાં દિલ રેડી દઈશું તો મંડળમાં શાંતિ અને એકતા જળવાઈ રહેશે. પહેલી સદીના ખ્રિસ્તીઓનો વિચાર કરો. તેઓ પાસે અલગ અલગ આવડત અને જવાબદારી હતી. (૧ કોરીં. ૧૨:૪, ૭-૧૧) પણ એના લીધે તેઓએ એકબીજા સાથે હરીફાઈ કે ઝઘડો ન કર્યો. પાઉલે દરેકને અરજ કરી કે “ખ્રિસ્તનું શરીર દૃઢ થાય” એટલે કે મંડળ મજબૂત થાય માટે તેઓ બનતું બધું કરે. પાઉલે એફેસીઓને લખ્યું, “જ્યારે દરેક અંગ બરાબર કામ કરે છે, ત્યારે શરીરનો વિકાસ થાય છે અને પ્રેમમાં મજબૂત થતું જાય છે.” (એફે. ૪:૧-૩, ૧૧, ૧૨) ભાઈ-બહેનોએ એ સલાહ માની એટલે મંડળમાં શાંતિ અને એકતા વધતી ગઈ. આજે પણ આપણાં મંડળોમાં એવું જ જોવા મળે છે. આપણે બીજાઓ સાથે સરખામણી ન કરીએ. પણ ઈસુ પાસેથી શીખતા રહીએ અને તેમના જેવા ગુણો કેળવતા રહીએ. ભરોસો રાખીએ કે યહોવા ‘એવા અન્યાયી નથી કે આપણાં કામોને ભૂલી જાય.’ (હિબ્રૂ. ૬:૧૦) યહોવાની ભક્તિમાં દિલ રેડી દઈએ છીએ ત્યારે તે ખુશ થાય છે. w૨૨.૦૪ ૧૪ ¶૧૫-૧૬
સોમવાર, મે ૬
“ખ્રિસ્ત ઈસુ પાપીઓને બચાવવા આ દુનિયામાં આવ્યા હતા.” —૧ તિમો. ૧:૧૫.
વ્યક્તિનું પાપ માફ થશે કે નહિ એ વિશે આપણે વધારે પડતી ચિંતા કરવી ન જોઈએ. એ નિર્ણય લેવો યહોવાના હાથમાં છે. શું એનો અર્થ એમ થાય કે આપણે કંઈ જ ન કરવું જોઈએ? ના એવું નથી. બની શકે કે વ્યક્તિએ આપણને દુઃખ પહોંચાડ્યું હોય, આપણી વિરુદ્ધ મોટું પાપ કર્યું હોય. તે માફી માંગે કે ન માંગે આપણે તેને દિલથી માફ કરવી જોઈએ. તેના માટે મનમાં કડવાશ ભરી રાખવી ન જોઈએ. દિલથી માફ કરવામાં કદાચ ઘણો સમય અને મહેનત લાગી શકે. સપ્ટેમ્બર ૧૫, ૧૯૯૪ના ચોકીબુરજમાં (અંગ્રેજી) લખ્યું છે, “પાપ કરનાર વ્યક્તિને માફ કરીએ છીએ ત્યારે એવું નથી કે આપણે તેનાં પાપ ચલાવી લઈએ છીએ. પણ વ્યક્તિને માફ કરીને એ કિસ્સો યહોવાના હાથમાં સોંપી દઈએ છીએ. આપણને ભરોસો છે કે વિશ્વના સૌથી નેક ન્યાયાધીશ યહોવા સાચો ન્યાય કરશે અને યોગ્ય સમયે બધું ઠીક કરશે.” w૨૨.૦૬ ૯ ¶૬-૭
મંગળવાર, મે ૭
“યહોવામાં આશા રાખો.”—ગીત. ૨૭:૧૪.
યહોવાએ વચન આપ્યું હતું કે આપણા દિવસોમાં દરેક દેશ, કુળ અને ભાષાના લોકો એક થઈને તેમની ભક્તિ કરશે. એ ખાસ સમૂહના લોકોને “મોટું ટોળું” કહેવામાં આવ્યા છે. (પ્રકટી. ૭:૯, ૧૦) આજે યહોવાનું એ વચન પૂરું થઈ રહ્યું છે. મોટા ટોળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. તેઓ અલગ અલગ સમાજમાંથી આવે છે. છતાં એક કુટુંબની જેમ રહે છે. તેઓ વચ્ચે પ્રેમ અને એકતા છે. (ગીત. ૧૩૩:૧; યોહા. ૧૦:૧૬) તેઓ સુંદર ભાવિની આશા વિશે જણાવવા હંમેશાં તૈયાર રહે છે. (માથ. ૨૮:૧૯, ૨૦; પ્રકટી. ૧૪:૬, ૭; ૨૨:૧૭) જો તમે મોટા ટોળાનો ભાગ હો, તો એ આશા તમારા માટે ખરેખર અનમોલ હશે. શેતાન ચાહે છે કે આપણે આશા છોડી દઈએ. તે આપણાં મનમાં ઠસાવવા માંગે છે કે યહોવા પોતાનાં વચનો પૂરાં નહિ કરે. આપણે આશા ગુમાવી દઈશું તો હિંમત હારી જઈશું અને કદાચ યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈશું. w૨૨.૦૬ ૨૦-૨૧ ¶૨-૩
બુધવાર, મે ૮
“એ આશા આપણા જીવન માટે લંગર જેવી છે, અડગ અને મજબૂત છે.”—હિબ્રૂ. ૬:૧૯.
મુસીબતોમાં આપણે વધારે પડતા બેચેન કે નિરાશ નથી થઈ જતા. કેમ કે આપણે જાણીએ છીએ કે એ તોફાનો જલદી જ શાંત થઈ જશે. ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે આપણી સતાવણી થશે. (યોહા. ૧૫:૨૦) એટલે જો આશાને નજર સામે રાખીશું, તો આપણી શ્રદ્ધા ડગમગી નહિ જાય અને મુશ્કેલીઓમાં પણ યહોવાની ભક્તિ કરતા રહીશું. ઈસુ જાણતા હતા કે તેમણે કરુણ મોતનો સામનો કરવો પડશે. પણ તે કઈ રીતે મજબૂત આશાને લીધે વફાદાર રહી શક્યા? સાલ ૩૩ના પચાસમાના દિવસે પ્રેરિત પિતરે ઈસુ વિશેની એક ભવિષ્યવાણી વિશે જણાવ્યું. ગીતશાસ્ત્રની એ ભવિષ્યવાણીથી ખબર પડે છે કે ઈસુને કઈ વાતની ખાતરી હતી અને તેમણે કયો દૃઢ નિર્ણય લીધો હતો. ઈસુ જાણે વિચારી રહ્યા હતા: ‘હું ઈશ્વરમાં આશા રાખીને રહીશ, કેમ કે તમે મને કબરમાં ત્યજી નહિ દો. તમારા વફાદાર સેવકના શરીરને કોહવાણ લાગવા નહિ દો. તમારી આગળ તમે મને આનંદથી ભરપૂર કરશો.’ (પ્રે.કા. ૨:૨૫-૨૮; ગીત. ૧૬:૮-૧૧) ઈસુની આશા મજબૂત હતી કે યહોવા તેમને ફરીથી જીવતા કરશે અને તે તેમની સાથે સ્વર્ગમાં હશે.—હિબ્રૂ. ૧૨:૨, ૩. w૨૨.૧૦ ૨૫ ¶૪-૫
ગુરુવાર, મે ૯
“આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.”—યાકૂ. ૩:૨.
ધ્યાન આપો કે એક વખતે, બે પ્રેરિતો યાકૂબ અને યોહાને શું કર્યું. તેઓએ પોતાનાં મમ્મી દ્વારા ઈસુને કહેવડાવ્યું કે તે તેમના રાજ્યમાં તેઓને ઊંચી પદવી આપે. (માથ. ૨૦:૨૦, ૨૧) આમ, યાકૂબ અને યોહાને પોતાના કામથી બતાવી આપ્યું કે તેઓ ઘમંડી છે અને બીજાઓ કરતાં ચઢિયાતા બનવા માંગે છે. (નીતિ. ૧૬:૧૮) એવું ન હતું કે એ વખતે ફક્ત યાકૂબ અને યોહાને જ ખરાબ ગુણો બતાવ્યા હતા. ધ્યાન આપો કે બીજા પ્રેરિતોએ શું કહ્યું: “જ્યારે બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ એ બંને ભાઈઓ પર ગુસ્સે થયા.” (માથ. ૨૦:૨૪) આપણે કલ્પના કરી શકીએ કે યાકૂબ, યોહાન અને બીજા પ્રેરિતો વચ્ચે કેવો ઉગ્ર વાદવિવાદ થયો હશે. ઈસુએ શું કર્યું? તે ગુસ્સે ન થયા. તેમણે એવું ન કહ્યું, ‘હું બીજા પ્રેરિતો શોધી લઈશ, જેઓ તમારા કરતાં વધારે નમ્ર હોય અને હંમેશાં એકબીજાને પ્રેમ બતાવતા હોય.’ એને બદલે ઈસુએ તેઓ સાથે ધીરજથી વાત કરી, કેમ કે તે જાણતા હતા કે શિષ્યોનાં દિલમાં સારું કરવાની ઇચ્છા છે. (માથ. ૨૦:૨૫-૨૮) ઈસુ હંમેશાં તેઓ સાથે પ્રેમથી વર્તતા હતા. w૨૩.૦૩ ૨૮-૨૯ ¶૧૦-૧૩
શુક્રવાર, મે ૧૦
“મારા દીકરા, બુદ્ધિમાન થા અને મારા દિલને ખુશ કર, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.”—નીતિ. ૨૭:૧૧.
તમે અત્યાર સુધી ઘણી મહેનત કરી છે. તમે કદાચ અનેક વર્ષો સુધી બાઇબલનો સરસ અભ્યાસ કર્યો. તમને ખાતરી થઈ કે યહોવાએ જ બાઇબલ લખાવ્યું છે. સૌથી મહત્ત્વનું તો, તમે યહોવાને ઓળખવા લાગ્યા. તેમને પ્રેમ કરવા લાગ્યા. તેમના માટે તમારો પ્રેમ વધતો ગયો. એટલે તમે સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું અને યહોવાના ભક્ત બન્યા. તમને જોઈને અમને બહુ ગર્વ થાય છે! બાપ્તિસ્મા પહેલાં તમારી સામે ઘણી મુશ્કેલીઓ આવી હશે. એ સમયે યહોવાને વફાદાર રહેવું અઘરું લાગ્યું હશે. પણ જેમ તમે યહોવાની ભક્તિમાં વધશો, તેમ તમારી આગળ વધારે મુશ્કેલીઓ આવતી જશે. શેતાન ચાહે છે કે તમે યહોવાને પ્રેમ કરવાનું અને તેમની ભક્તિ કરવાનું છોડી દો. (એફે. ૪:૧૪) જોજો, એવું થવા ન દેતા. તમે યહોવાને સમર્પણ કર્યું ત્યારે એક વચન આપ્યું હતું. એ હતું કે તમે તેમને હંમેશાં વફાદાર રહેશો. એ વચન નિભાવવા તમે શું કરી શકો? તમે ‘પ્રગતિ કરતા રહેજો,’ ભક્તિમાં આગળ વધતા રહેજો.—હિબ્રૂ. ૬:૧. w૨૨.૦૮ ૨ ¶૧-૨
શનિવાર, મે ૧૧
“તમે તમારાં માતા-પિતાને માન આપો, જેમ યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે. એમ કરશો તો, તમે લાંબું જીવશો અને આબાદ થશો.”—પુન. ૫:૧૬.
કુટુંબમાં બધાએ ધ્યાન રાખવું જોઈએ કે ઘરની વાતો ઘરમાં જ રહે. બની શકે કે પતિને પોતાની પત્નીની કોઈ આદત પર હસવું આવતું હોય. પણ જો તે ચાર લોકો વચ્ચે એ વિશે વાત કરશે, તો પત્ની શરમમાં મુકાય જશે. પતિ પોતાની પત્નીને પ્રેમ કરે છે. એટલે તે એવું કંઈ પણ નહિ કરે જેનાથી પત્નીને દુઃખ થાય. (એફે. ૫:૩૩) યુવાનો ચાહે છે કે બધા તેઓને માન આપે. એટલે મમ્મી-પપ્પાએ ધ્યાન રાખવું જોઈએ કે લોકો આગળ તેઓની ભૂલો જણાવવા ના બેસી જાય. (કોલો. ૩:૨૧) મમ્મી-પપ્પાએ નાનાં બાળકોને શીખવવું જોઈએ કે ઘરની એવી કોઈ વાત બહાર ના કહી દે, જેનાથી કુટુંબીજનો શરમમાં મુકાય. કુટુંબના સભ્યો ઘરની વાતો ઘરમાં જ રાખશે તો તેઓ એકબીજાની વધારે નજીક આવી શકશે. w૨૨.૦૯ ૧૦ ¶૯
રવિવાર, મે ૧૨
‘હે અયૂબ, આ સાંભળો, ધ્યાન આપો અને વિચાર કરો.’—અયૂ. ૩૭:૧૪.
યહોવાએ અયૂબ સાથે વાત કરી. તેમણે અયૂબને જાતજાતનાં પ્રાણીઓના દાખલા આપ્યા અને યાદ અપાવ્યું કે તે કેટલા બુદ્ધિશાળી છે. તેમણે જે કંઈ બનાવ્યું છે એની તેમને પરવા છે. (અયૂ. ૩૮:૧, ૨; ૩૯:૯, ૧૩, ૧૯, ૨૭; ૪૦:૧૫; ૪૧:૧, ૨) પછી તેમણે યુવાન માણસ અલીહૂ દ્વારા અયૂબની હિંમત વધારી અને દિલાસો આપ્યો. અલીહૂએ અયૂબને ખાતરી કરાવી કે જે લોકો યહોવાને વફાદાર રહે છે, તેઓને તે ઘણા આશીર્વાદ આપે છે. યહોવાએ અલીહૂ દ્વારા અયૂબના વિચારો સુધાર્યા. અલીહૂએ તેમને જણાવ્યું કે તે ફક્ત પોતાનો વિચાર ન કરે, પણ યાદ રાખે કે આખા વિશ્વના સર્જનહાર આગળ તે કેટલા મામૂલી છે. યહોવાએ અયૂબને એક કામ પણ સોંપ્યું. તેમણે જણાવ્યું કે તે પોતાના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરે, જેઓએ પાપ કર્યું હતું. (અયૂ. ૪૨:૮-૧૦) આજે આપણા પર મુશ્કેલીઓ આવે છે ત્યારે યહોવા કઈ રીતે મદદ કરે છે? યહોવાએ અયૂબ સાથે જે રીતે વાત કરી હતી, એ રીતે તે આજે વાત નથી કરતા. પણ તે બાઇબલ દ્વારા આપણી સાથે વાત કરે છે.—રોમ. ૧૫:૪. w૨૨.૦૮ ૧૧ ¶૧૦-૧૧
સોમવાર, મે ૧૩
“માંસ ખાવાથી કે દ્રાક્ષદારૂ પીવાથી કે બીજું કંઈ કરવાથી જો તારો ભાઈ ઠોકર ખાતો હોય, તો સારું કહેવાશે કે તું એમ ન કરે.”—રોમ. ૧૪:૨૧.
રોમના મંડળમાં યહૂદી અને યહૂદી ન હોય એવા ખ્રિસ્તીઓ હતા. એ સમય સુધીમાં તો મૂસાનો નિયમ રદ થઈ ગયો હતો. એટલે કોઈ પણ ખોરાક અશુદ્ધ ગણાતો ન હતો. (માર્ક ૭:૧૯) અમુક યહૂદી ખ્રિસ્તીઓ બધું ખાતા હતા. પણ એ વાત અમુક યહૂદી ખ્રિસ્તીઓને ગળે ઊતરતી ન હતી. એનાથી મંડળમાં ભાગલા પડી ગયા હતા. પ્રેરિત પાઉલ જાણતા હતા કે મંડળમાં શાંતિ જાળવવી કેટલું મહત્ત્વનું છે. પાઉલ સમજાવવા માંગતા હતા કે જો ભાઈ-બહેનો ધ્યાન નહિ રાખે, તો બીજાઓને ઠોકર લાગી શકે. મંડળની એકતામાં તિરાડ પડી શકે. (રોમ. ૧૪:૧૯, ૨૦) બીજાઓને ઠોકર ન લાગે એ માટે પાઉલ પોતાને પણ બદલવા તૈયાર હતા. (૧ કોરીં. ૯:૧૯-૨૨) આપણે પણ એવું જ કરવું જોઈએ. કોઈ બાબતમાં બીજાઓના વિચારો આપણા કરતાં અલગ હોય તો પોતાનો જ કક્કો ખરો ન કરવો જોઈએ. આમ એકબીજાને મક્કમ કરી શકીશું અને મંડળમાં શાંતિ જાળવી શકીશું. w૨૨.૦૮ ૨૨ ¶૭
મંગળવાર, મે ૧૪
“યહોવા સત્યના માર્ગે ચાલનાર પર પ્રેમ રાખે છે.”—નીતિ. ૧૫:૯.
જો યહોવાની ભક્તિમાં વધારે કરવા આપણે ધ્યેય રાખીએ છીએ અને એ પૂરો કરવા મહેનત કરીએ છીએ. એ જ રીતે, નેક કામો કરવા પૂરી મહેનત કરીએ. યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાની પૂરી કોશિશ કરીએ. યહોવા આપણને મદદ કરશે, જેથી વધારે સારી રીતે તેમનાં ધોરણો પ્રમાણે ચાલી શકીએ. (ગીત. ૮૪:૫, ૭) આપણે એવું ન વિચારીએ કે ‘યહોવાનાં ધોરણો તો બહુ અઘરાં છે. હું એ નઈ પાળી શકું.’ (૧ યોહા. ૫:૩) પણ યાદ રાખીએ કે એ ધોરણો દરરોજ પાળીએ છીએ ત્યારે આપણું રક્ષણ થાય છે. ઈશ્વરે આપેલાં હથિયારો વિશે પ્રેરિત પાઉલે જણાવ્યું હતું. શું એ તમને યાદ છે? (એફે. ૬:૧૪-૧૮) તેમણે ‘નેકીના બખ્તર’ વિશે જણાવ્યું હતું. એ બખ્તર યહોવાનાં ન્યાયી ધોરણોને રજૂ કરે છે. જૂના જમાનામાં સૈનિકો યુદ્ધમાં બખ્તર પહેરીને જતા. દુશ્મનોના હુમલાથી એ બખ્તર તેઓનાં દિલનું રક્ષણ કરતું. એવી જ રીતે, આપણે નેકીનું બખ્તર પહેરીશું, યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલીશું તો શેતાનના હુમલાથી આપણાં દિલનું રક્ષણ થશે. આપણી ઇચ્છાઓ, લાગણીઓ અને વિચારોનું રક્ષણ થશે. એટલે આપણે હંમેશાં નેકીનું બખ્તર પહેરી રાખીએ.—નીતિ. ૪:૨૩. w૨૨.૦૮ ૨૯ ¶૧૩-૧૪
બુધવાર, મે ૧૫
“ઈશ્વરનાં વચનો હંમેશાં ટકી રહે છે.”—યશા. ૪૦:૮.
હજારો વર્ષોથી વફાદાર સ્ત્રી-પુરુષોને બાઇબલમાંથી માર્ગદર્શન મળ્યું છે. એવું કઈ રીતે બની શકે? યહોવાએ ખાતરી કરી કે એ પવિત્ર લખાણોની નકલ ઉતારવામાં આવે. એની નકલ ઉતારનારાઓ આપણા જેવા જ ભૂલભરેલા માણસો હતા. પણ, તેઓએ પૂરું ધ્યાન રાખ્યું કે નકલ ઉતારવામાં તેઓથી ભૂલો ન થાય. હિબ્રૂ શાસ્ત્રવચનો વિશે એક વિદ્વાને લખ્યું: “આપણે પૂરી ખાતરીથી કહી શકીએ કે એના સિવાય જૂના જમાનાનું બીજું કોઈ પુસ્તક નથી, જે ફેરફાર વગર આપણા સુધી આવ્યું હોય.” તેથી, આપણે ખાતરી રાખી શકીએ કે બાઇબલમાં એ જ સંદેશો છે, જે એના લેખક યહોવાએ લખાવ્યો હતો. યહોવા જ “દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ” આપે છે. (યાકૂ. ૧:૧૭) બાઇબલ પણ એવી જ એક અનમોલ ભેટ છે. ધારો કે, એક વ્યક્તિ તમને એક વસ્તુ ભેટમાં આપે છે. એનાથી ખબર પડે છે કે તે તમને સારી રીતે ઓળખે છે અને તે તમારી જરૂરિયાત જાણે છે. બાઇબલની ભેટ આપનાર વિશે પણ એવું જ કહી શકાય. બાઇબલથી આપણે જાણી શકીએ છીએ કે યહોવા આપણને સારી રીતે ઓળખે છે અને તે આપણી જરૂરિયાતો જાણે છે. બાઇબલથી આપણે યહોવા વિશે બીજું પણ ઘણું શીખી શકીએ છીએ. w૨૩.૦૨ ૨-૩ ¶૩-૪
ગુરુવાર, મે ૧૬
“ધરતી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.”—યશા. ૧૧:૯.
જરા કલ્પના કરો, ખ્રિસ્તનું ૧,૦૦૦ વર્ષનું રાજ શરૂ થઈ ગયું છે. તમે રાહ જોઈ રહ્યા છો કે ક્યારે તમારાં સગાં-વહાલાં મરણમાંથી ઊઠે. આખરે એ ઘડી આવી જાય છે. તમને લાગે છે, ‘આ સપનું તો નથી ને!’ બધા લોકો પોતપોતાનાં સગાં-વહાલાંને મળી રહ્યા છે, ભેટી રહ્યા છે. ચારે બાજુ ખુશીનો માહોલ છે. એ દિવસની તમે કાગડોળે રાહ જોઈ રહ્યા હશો, ખરું ને! યહોવા પણ એ દિવસની આતુરતાથી રાહ જુએ છે. (અયૂ. ૧૪:૧૫) તમારાં જે સગાં-વહાલાં હાલમાં ગુજરી ગયાં છે, તેઓને કદાચ પૃથ્વી પર પહેલા ઉઠાડવામાં આવે. “સારા લોકો” અને “ખરાબ લોકોને” મરણમાંથી ઉઠાડવામાં આવશે. સારા લોકોનાં નામ જીવનના પુસ્તકમાં લખેલાં છે. એટલે તેઓને ‘હંમેશ માટેના જીવન’ માટે ઉઠાડવામાં આવશે. ખરાબ લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ મરણ પહેલાં યહોવાને ઓળખતા ન હતા, તેમની ભક્તિ કરતા ન હતા. એટલે તેઓને ન્યાય માટે ઉઠાડવામાં આવશે. (પ્રે.કા. ૨૪:૧૫; યોહા. ૫:૨૯) જે લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે, તેઓએ ઘણું શીખવું પડશે. (યશા. ૨૬:૯; ૬૧:૧૧) એટલે નવી દુનિયામાં મોટા પાયે શીખવવાનું કામ થશે.—યશા. ૧૧:૧૦. w૨૨.૦૯ ૨૦ ¶૧-૨
શુક્રવાર, મે ૧૭
‘ઈશ્વર જીવંત છે.’—દાનિ. ૬:૨૬.
કેટલીક વાર એવું બન્યું કે ઘણા રાજાઓએ ભેગા મળીને યહોવાના લોકો પર હુમલો કર્યો. એવા સમયે પણ યહોવાએ સાબિત કર્યું કે તે એ બધા રાજાઓ કરતાં સર્વોપરી છે. જેમ કે, ઇઝરાયેલીઓ વચનના દેશ પર કબજો કરવાના હતા એ સમયે યહોવા ઇઝરાયેલીઓ વતી લડ્યા અને એ બધા રાજાઓને હરાવી દીધા. (યહો. ૧૧:૪-૬, ૨૦; ૧૨:૧, ૭, ૨૪) યહોવાએ અનેક વાર સાબિત કર્યું કે તે સર્વોપરી છે. ઘણા રાજાઓએ પણ એ સ્વીકાર્યું. એકવાર બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર પોતાના પર બહુ ઘમંડ કરવા લાગ્યો. તેણે કીધું કે આખું રાજ્ય તેણે પોતાના “સામર્થ્ય અને તાકાતથી” ઊભું કર્યું છે. તેને લાગતું હતું કે તે જ સૌથી મહાન છે. એટલે યહોવાએ તેને સજા કરી. તે ગાંડો થઈ ગયો. તેની સમજશક્તિ પાછી આવી ત્યારે તેણે “સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી.” તેણે સ્વીકાર્યું કે યહોવાનું “રાજ કાયમનું રાજ છે.” તેણે એ પણ કીધું કે યહોવાને પોતાની ઇચ્છા પૂરી કરતા “કોઈ રોકી શકતું નથી.” (દાનિ. ૪:૩૦, ૩૩-૩૫) ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “ધન્ય છે એ પ્રજાને જેના ઈશ્વર યહોવા છે! એ પ્રજાને તેમણે પોતાની અમાનત બનાવી છે.” (ગીત. ૩૩:૧૨) ખરેખર યહોવાને પ્રમાણિક રહેવામાં આપણું જ ભલું છે! w૨૨.૧૦ ૧૫-૧૬ ¶૧૩-૧૫
શનિવાર, મે ૧૮
‘સત્ય એ જ તમારું વચન છે.’—ગીત. ૧૧૯:૧૬૦.
બાઇબલની ઢગલેબંધ ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે. એનાથી આપણો ભરોસો મજબૂત થાય છે કે યહોવાએ ભાવિ વિશે જે વચનો આપ્યાં છે, એ પણ ચોક્કસ પૂરાં થશે. આપણે ગીતશાસ્ત્રના એક લેખક જેવું અનુભવીએ છીએ. તેમણે યહોવાને પ્રાર્થના કરી: “તમારી પાસેથી ઉદ્ધાર મેળવવા હું કેટલો તરસું છું! તમારી વાણીમાં મને ભરોસો છે.” (ગીત. ૧૧૯:૮૧) બાઇબલમાં યહોવાએ આપણને આશા આપી છે કે આપણું ભાવિ ઉજ્જવળ હશે. (યર્મિ. ૨૯:૧૧) આપણી આશા એના પર આધાર રાખતી નથી કે માણસો શું કરે છે અને શું નહિ. પણ આપણને ખાતરી છે કે એ આશા ચોક્કસ પૂરી થશે, કેમ કે એ આશા યહોવાએ આપણને આપી છે. આપણે બાઇબલની ભવિષ્યવાણીઓનો ઊંડો અભ્યાસ કરીએ. એનાથી આપણો ભરોસો મજબૂત થશે કે બાઇબલમાં લખેલો એકેએક શબ્દ સાચો છે. બાઇબલની વાતો પર ભરોસો કરી શકાય કેમ કે એની સલાહ પાળવાથી ઘણા લોકોને ફાયદો થાય છે. (ગીત. ૧૧૯:૬૬, ૧૩૮) જેમ કે, છૂટાછેડા લેવાની અણીએ હતા એવાં યુગલોએ બાઇબલની સલાહ પાળી. એનાથી તેઓના સંબંધોમાં ફરીથી મીઠાશ આવી. હવે તેઓના કુટુંબમાં સંપ છે. બાળકો પણ મમ્મી-પપ્પાનો પ્રેમ અને હૂંફ મહેસૂસ કરી શકે છે.—એફે. ૫:૨૨-૨૯. w૨૩.૦૧ ૫ ¶૧૨-૧૩
રવિવાર, મે ૧૯
“આશાને લીધે આનંદ કરો.”—રોમ. ૧૨:૧૨.
ઈસુએ કીધું હતું કે યહોવા પિતા આપણી જરૂરિયાતો પૂરી કરશે. (માથ. ૬:૩૨, ૩૩) તેમણે એ પણ કીધું હતું કે આપણે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીશું તો તે જરૂર આપશે. (લૂક ૧૧:૧૩) યહોવાએ વચન આપ્યું છે કે તે આપણને માફ કરશે, દિલાસો આપશે અને તેમની ભક્તિ કરી શકીએ માટે જરૂરી બધું પૂરું પાડશે. (માથ. ૬:૧૪; ૨૪:૪૫; ૨ કોરીં. ૧:૩) શું તમે તમારા જીવનમાં યહોવાનાં એ વચનો પૂરાં થતાં જોયાં છે? યહોવાએ તમારા માટે જે કર્યું છે, એના પર વિચાર કરશો તો તમારી આશા વધારે મજબૂત થશે. તમને ભરોસો થશે કે ભાવિમાં પણ તે પોતાનાં વચનો જરૂર પૂરાં કરશે. આપણને ખાતરી છે કે યહોવા પોતાનું દરેક વચન ચોક્કસ પૂરું કરશે. ગીતશાસ્ત્રના એક લેખકે પણ લખ્યું: ‘સુખી છે એ માણસ, જેને પોતાના ઈશ્વર યહોવામાં આશા છે. એ ઈશ્વર હંમેશાં વફાદાર રહે છે.’—ગીત. ૧૪૬:૫, ૬. w૨૨.૧૦ ૨૭ ¶૧૫; ૨૮ ¶૧૭
સોમવાર, મે ૨૦
“તારા પર યહોવાનો પ્રકાશ ફેલાશે.”—યશા. ૬૦:૨.
શું એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે? હા! જેમ યહૂદીઓ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા, તેમ ૧૯૧૯થી લાખો લોકો મહાન બાબેલોન, એટલે કે સાચા ઈશ્વરને ભજતા નથી એવા ધર્મોથી આઝાદ થઈ રહ્યા છે. ગુલામીમાંથી છૂટ્યા પછી ઇઝરાયેલીઓ વચનના દેશમાં પાછા ફર્યા. એવી જ રીતે આજે ઘણા લોકો જાણે એક સુંદર દેશમાં ભેગા થઈ રહ્યા છે. (યશા. ૫૧:૩; ૬૬:૮) અભિષિક્તો ૧૯૧૯થી એ દેશમાં રહે છે. પછી ધીરે ધીરે “બીજાં ઘેટાં” એટલે કે જેઓને પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા છે, તેઓ પણ અભિષિક્તો સાથે એ દેશમાં વસવા લાગ્યા. એ બધાને યહોવાના અઢળક આશીર્વાદો મળી રહ્યા છે. (યોહા. ૧૦:૧૬; યશા. ૨૫:૬; ૬૫:૧૩) આપણે કહી શકીએ કે એ દેશ કોઈ એક જગ્યા નથી. પણ એ આખી દુનિયાના યહોવાના ભક્તો વચ્ચે જોવા મળતો માહોલ છે. એટલે ભલે આપણે દુનિયામાં ક્યાંય પણ હોઈએ, આપણે યહોવાની શુદ્ધ ભક્તિ કરીશું તો એ દેશમાં રહી શકીશું. w૨૨.૧૧ ૧૧-૧૨ ¶૧૨-૧૫
મંગળવાર, મે ૨૧
“હે યહોવા, તમે યુગોના યુગોથી છો. હે મારા ઈશ્વર, મારા પવિત્ર ઈશ્વર, તમે અમર છો, તમે કદી મરતા નથી.”—હબા. ૧:૧૨.
યહોવા ‘યુગોના યુગોથી’ છે, શું એ વાત ગળે ઉતારવી તમને અઘરી લાગે છે? (યશા. ૪૦:૨૮) જૂના જમાનાના અમુક ઈશ્વરભક્તોને પણ એવું લાગ્યું હતું. અલીહૂએ યહોવા વિશે કીધું: “ઈશ્વરની મહાનતા આપણી સમજ બહાર છે; તેમનાં વર્ષો ગણ્યાં ગણાય નહિ એટલાં છે.” (અયૂ. ૩૬:૨૬) જો કોઈ વાત આપણને સમજાતી ના હોય તો એનો મતલબ એ નથી કે એ ખોટી છે. દાખલા તરીકે, આપણે કદાચ પૂરી રીતે સમજી ના શકીએ કે સૂર્યના પ્રકાશથી કે પાણીથી કઈ રીતે વીજળી ઉત્પન્ન થાય છે. પણ એનો મતલબ એ નથી કે એ હકીકત નથી. એવી જ રીતે, આપણે કદાચ પૂરી રીતે ના સમજી શકીએ કે યહોવાની કોઈ શરૂઆત નથી અને કોઈ અંત નથી. પણ એનો મતલબ એ નથી કે એ વાત હકીકત નથી. (રોમ. ૧૧:૩૩-૩૬) યહોવા પહેલેથી છે. આ પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ ન હતા ત્યારથી યહોવા છે. તેમણે તો ‘પોતાની શક્તિથી આકાશો ફેલાવ્યાં.’—યર્મિ. ૫૧:૧૫. w૨૨.૧૨ ૨-૩ ¶૩-૪
બુધવાર, મે ૨૨
“મારી પ્રાર્થના તમારી આગળ તૈયાર કરેલા ધૂપ જેવી થાઓ.” —ગીત. ૧૪૧:૨.
અમુક વાર આપણને બીજાઓ આગળ પ્રાર્થના કરવાનું કહેવામાં આવે. જેમ કે એક બહેન, બીજા બહેનને પોતાના બાઇબલ અભ્યાસમાં લઈ જાય. તે એ બહેનને શરૂઆતની પ્રાર્થના કરવાનું જણાવે. પણ બની શકે કે બીજા બહેન વિદ્યાર્થીને સારી રીતે ઓળખતાં ન હોય. એટલે તે કહે કે તે છેલ્લી પ્રાર્થના કરાવશે. આમ તે વિદ્યાર્થીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરી શકશે. કદાચ એક ભાઈને પ્રચારની સભામાં કે મંડળની સભામાં પ્રાર્થના કરવાનું કહેવામાં આવે. જે ભાઈને એ લહાવો મળે તેમણે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તે યાદ રાખશે કે તે કઈ સભા માટે પ્રાર્થના કરી રહ્યા છે. પ્રાર્થનામાં તે ભાઈ-બહેનોને સલાહ નહિ આપે કે કોઈ જાહેરાત નહિ કરે. મોટા ભાગે મંડળની સભામાં ગીત અને પ્રાર્થના માટે પાંચ મિનિટ હોય છે. એટલે જે ભાઈને પ્રાર્થના કરવાનું કહેવામાં આવે તેમણે “ઘણા શબ્દો” બોલવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો તે શરૂઆતની પ્રાર્થના કરતા હોય તો.—માથ. ૬:૭. w૨૨.૦૭ ૨૪-૨૫ ¶૧૭-૧૮
ગુરુવાર, મે ૨૩
“યુદ્ધોનો ઘોંઘાટ અને હુલ્લડો વિશે સાંભળો ત્યારે ગભરાતા નહિ. પહેલા આ બધું થાય એ જરૂરી છે, પણ તરત જ અંત નહિ આવે.”—લૂક ૨૧:૯.
ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે છેલ્લા દિવસોમાં “એક પછી એક ઘણી જગ્યાએ” રોગચાળો કે મહામારી ફેલાશે. (લૂક ૨૧:૧૧) એ વાત મનમાં રાખવાથી કઈ રીતે શાંત રહી શકીએ? ઈસુએ કરેલી ભવિષ્યવાણીને લીધે આપણને ખબર છે કે રોગચાળો તો ફેલાશે. એટલે આપણને નવાઈ નથી લાગતી. છેલ્લા દિવસો માટે ઈસુએ જે સલાહ આપી હતી એ આપણે પાળી શકીએ છીએ. તેમણે કીધું હતું, “ગભરાતા નહિ.” રોગચાળો ફેલાય ત્યારે ઘણું બધું બદલાઈ જાય છે. જીવન પહેલાં જેવું રહેતું નથી. પણ ભલે ગમે એ થાય, તમે બાઇબલનો અને સાહિત્યનો અભ્યાસ કરવાનું અને સભાઓમાં જવાનું ચૂકતા નહિ. આપણાં વીડિયો અને સાહિત્યમાં ઘણાં ભાઈ-બહેનોના અનુભવો આવે છે. તેઓ તમારા જેવી જ મુશ્કેલીઓનો સામનો કરે છે. પણ તેઓએ યહોવાની ભક્તિ કરવાનું છોડ્યું નથી. તેઓના અનુભવોથી તમને હિંમત મળશે. w૨૨.૧૨ ૧૭ ¶૪, ૬
શુક્રવાર, મે ૨૪
“અણધાર્યા સંજોગોની અસર બધાને થાય છે.”—સભા. ૯:૧૧.
યાકૂબને પોતાનો દીકરો યૂસફ જીવથીયે વહાલો હતો. (ઉત. ૩૭:૩, ૪) એટલે યૂસફના ભાઈઓને ઈર્ષા થતી હતી. તેઓને તક મળી કે તરત તેઓએ અમુક મિદ્યાની વેપારીઓ સાથે સોદો કરીને યૂસફને વેચી દીધા. એ વેપારીઓ યૂસફને સેંકડો કિલોમીટર દૂર ઇજિપ્ત લઈ ગયા. તેમને પોટીફારને ત્યાં વેચી દેવામાં આવ્યા. પોટીફાર ઇજિપ્તના રાજાના અંગરક્ષકોનો ઉપરી હતો. યૂસફના જીવનમાં અચાનક બધું બદલાઈ ગયું. પિતાની આંખનો તારો, તેમનો રાજકુમાર એક ગુલામ બની ગયો. (ઉત. ૩૯:૧) અમુક વાર આપણા પર એવી કસોટીઓ આવે છે, જે “બધા લોકો પર આવે છે.” (૧ કોરીં. ૧૦:૧૩) પણ અમુક વાર આપણા પર એટલે કસોટીઓ આવે છે, કેમ કે આપણે ઈસુના શિષ્યો છીએ. જેમ કે, આપણી મજાક ઉડાવવામાં આવે છે, વિરોધ થાય છે અને જુલમ ગુજારવામાં આવે છે. (૨ તિમો. ૩:૧૨) ભલે કોઈ પણ કસોટી આવે, આપણે યહોવાની મદદથી સફળ થઈ શકીએ છીએ. w૨૩.૦૧ ૧૪-૧૫ ¶૩-૪
શનિવાર, મે ૨૫
“લાકડું ન હોય તો આગ બુઝાઈ જાય છે.”—નીતિ. ૨૬:૨૦.
અમુક વખતે કદાચ એવું લાગી શકે કે જેમણે દુઃખ પહોંચાડ્યું છે, તેમની સાથે વાત કરવી જોઈએ. પણ એમ કરતા પહેલાં આ સવાલોનો વિચાર કરો: ‘શું મારી પાસે પૂરતી માહિતી છે?’ (નીતિ. ૧૮:૧૩) ‘શું એવું બની શકે કે એ ભૂલ અજાણતાં થઈ હોય?’ (સભા. ૭:૨૦) ‘શું મેં પણ પહેલાં એવી ભૂલ કરી છે?’ (સભા. ૭:૨૧, ૨૨) ‘શું એવું બની શકે કે વાત કરવાથી સમસ્યાનો હલ આવવાને બદલે વાત વધારે બગડે?’ જો સમય કાઢીને એ સવાલો પર વિચાર કરીશું તો શું થશે? કદાચ આપણને સમજાઈ જશે કે એ ભાઈ કે બહેન માટેનો પ્રેમ આપણને જે બન્યું છે એ ભૂલી જવા મદદ કરશે. જ્યારે ભાઈ-બહેનોથી ભૂલ થઈ જાય છે, ત્યારે આપણામાંથી દરેક જણ પ્રેમ બતાવીને સાબિત કરે છે કે તે સાચે જ ઈસુના પગલે ચાલે છે. આપણો નિઃસ્વાર્થ પ્રેમ જોઈને બીજાઓ કદાચ પારખી શકશે કે આપણો ધર્મ સાચો છે અને તેઓ કદાચ આપણી સાથે યહોવાની સેવા કરવા લાગે. ચાલો પાકો નિર્ણય લઈએ કે હંમેશાં પ્રેમ બતાવતા રહીશું, જે ઈસુના ખરા શિષ્યોની ઓળખ છે. w૨૩.૦૩ ૩૦-૩૧ ¶૧૮-૧૯
રવિવાર, મે ૨૬
“ઈશ્વર પ્રેમ છે.”—૧ યોહા. ૪:૮.
બાઇબલથી જાણવા મળે છે કે એના લેખક યહોવાનો સૌથી મહાન ગુણ છે, પ્રેમ. તેમણે બાઇબલમાં દુનિયાભરની માહિતી નથી લખાવી, જે વાંચીને મગજ ચકરાવે ચઢી જાય. એનાથી દેખાઈ આવે છે કે તે આપણને કેટલો પ્રેમ કરે છે. (યોહા. ૨૧:૨૫) યહોવા બાઇબલ દ્વારા આપણી સાથે જે રીતે વાત કરે છે એનાથી પણ તેમનો પ્રેમ દેખાઈ આવે છે. તેમણે બાઇબલમાં નાની નાની વાતો માટે ઢગલેબંધ નિયમો નથી આપ્યા કે શું કરવું અને શું ન કરવું. તો પછી આપણે કઈ રીતે સારા નિર્ણયો લઈ શકીએ? એ માટે તેમણે બાઇબલમાં રોમાંચક ભવિષ્યવાણીઓ, લોકોના જીવનમાં બનેલી ઘટનાઓ અને રોજબરોજના જીવનમાં કામ આવે એવી સલાહ લખાવી છે. એ બધાથી આપણને યહોવાને પ્રેમ કરવાનું અને તેમની આજ્ઞાઓ પાળવાનું મન થાય છે. બાઇબલથી કઈ રીતે જાણવા મળે છે કે યહોવા આપણને સમજે છે અને તેમને આપણી ચિંતા છે? તેમણે બાઇબલમાં એવા ઘણા લોકો વિશે લખાવ્યું છે, જેઓ ‘આપણા જેવા જ માણસો હતા.’ (યાકૂ. ૫:૧૭) એટલે આપણે તેઓની લાગણીઓ અને તેઓ પર શું વીત્યું હશે એ સારી રીતે સમજી શકીએ છીએ. એટલું જ નહિ, યહોવા એ લોકો સાથે કઈ રીતે વર્ત્યા એ વાંચીએ છીએ ત્યારે સાફ જોઈ શકીએ છીએ કે “યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે.”—યાકૂ. ૫:૧૧. w૨૩.૦૨ ૬-૭ ¶૧૩-૧૫
સોમવાર, મે ૨૭
“સમજી-વિચારીને વર્તો અને સાવધ રહો.”—૧ પિત. ૫:૮.
બાઇબલના છેલ્લા પુસ્તકમાં પણ એવું જ કંઈક જણાવ્યું છે. એ પુસ્તક આ શબ્દોથી શરૂ થાય છે: “આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે, જે ઈશ્વરે તેમને આપ્યું. એ માટે કે થોડા સમયમાં જે થવાનું છે એ વિશે તે ઈશ્વરના સેવકોને જણાવે.” (પ્રકટી. ૧:૧) એટલે આપણને એ જાણવામાં ખૂબ રસ છે કે દુનિયામાં શું બની રહ્યું છે. એટલું જ નહિ, એ પણ જાણવા માંગીએ છીએ કે શું એ બનાવોથી બાઇબલની કોઈ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. અરે, આપણને એ વિશે બીજાઓ સાથે વાત કરવાનું પણ મન થાય. બાઇબલની ભવિષ્યવાણીઓ પર વાત કરીએ ત્યારે તુક્કા ન મારીએ. એવું કરીશું તો મંડળમાં ભાગલા પડી શકે છે અને આપણે એવું બિલકુલ નથી ચાહતા. આનો વિચાર કરો. બની શકે કે આપણને સાંભળવા મળે કે દુનિયાના નેતાઓ વાતો કરે છે કે તેઓ કઈ રીતે કોઈ મોટી મુશ્કેલીનો હલ લાવશે. તેઓ કહે છે કે તેઓ શાંતિ અને સલામતી લાવશે. એ સાંભળીને આપણે એવું ન વિચારવું જોઈએ કે ‘શું એનો એવો અર્થ થાય કે ૧ થેસ્સાલોનિકીઓ ૫:૩ની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે?’ એના બદલે સંગઠને બહાર પાડેલાં સાહિત્યમાં આપેલી નવામાં નવી માહિતીથી જાણકાર રહેવું જોઈએ. આપણે એ માહિતીના આધારે બીજાઓ સાથે ચર્ચા કરીએ છીએ ત્યારે બધા ‘એકવિચારના થાય છે’ અને મંડળમાં એકતા જળવાઈ રહે છે.—૧ કોરીં. ૧:૧૦; ૪:૬. w૨૩.૦૨ ૧૬ ¶૪-૫
મંગળવાર, મે ૨૮
“તારા ઘોડા પર સવારી કર, નમ્ર લોકો માટે લડ, સત્ય અને ન્યાય માટે લડ. તારો જમણો હાથ અદ્ભુત કામો કરશે.”—ગીત. ૪૫:૪.
તમે કેમ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો છો? ઈસુની નજરમાં સત્ય, ન્યાય અને નમ્રતા ખૂબ જ કીમતી છે. જો તમે સત્ય અને ન્યાયને પ્રેમ કરતા હશો, તો ઈસુ ખ્રિસ્તને પણ પ્રેમ કરતા હશો. જરા વિચારો, ઈસુએ સત્ય અને ન્યાયના પક્ષમાં ઊભા રહેવા કેવી હિંમત બતાવી. (યોહા. ૧૮:૩૭) ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે નમ્રતાના ગુણને અને નમ્ર લોકોને પ્રેમ કરે છે? ઈસુએ પોતાના જીવનથી બતાવી આપ્યું કે તે નમ્રતાના ગુણને અને નમ્ર લોકોને પ્રેમ કરે છે. તે પોતે પણ ખૂબ નમ્ર છે. દાખલા તરીકે, તેમણે બધો માન-મહિમા પોતાને આપવાને બદલે પોતાના પિતાને આપ્યો. (માર્ક ૧૦:૧૭, ૧૮; યોહા. ૫:૧૯) ઈસુની નમ્રતા જોઈને તમને કેવું લાગે છે? તમને ચોક્કસ ઈશ્વરના દીકરાને પ્રેમ કરવાનું અને તેમના પગલે ચાલવાનું મન થતું હશે. પણ ઈસુ કેમ નમ્ર છે? કેમ કે તે પોતાના પિતાને પ્રેમ કરે છે અને તેમને અનુસરે છે, જે ખૂબ નમ્ર છે. (ગીત. ૧૮:૩૫; હિબ્રૂ. ૧:૩) ઈસુ પૂરી રીતે પિતા યહોવા જેવા ગુણો બતાવે છે. એ જોઈને શું તમને ઈસુની નજીક જવાનું મન નથી થતું? w૨૩.૦૩ ૩-૪ ¶૬-૭
બુધવાર, મે ૨૯
“સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” —પ્રે.કા. ૨૪:૧૫.
બાઇબલમાં જણાવ્યું છે કે “સારા લોકો” અને “ખરાબ લોકોને” મરણમાંથી ઉઠાડવામાં આવશે. તેઓ પાસે પૃથ્વી પર હંમેશાં જીવવાની તક હશે. “સારા લોકો” એટલે કે જેઓ યહોવાને વફાદાર હતા. ‘ખરાબ લોકો’ એટલે કે જેઓ વફાદાર ન હતા. એ બંને ગ્રૂપના લોકોને ફરી જીવતા કરવામાં આવશે. તો શું એનો એવો અર્થ થાય કે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે? મરતા પહેલાં “સારા લોકોના” નામ જીવનના પુસ્તકમાં હતાં. પણ મરણ પછી શું તેઓનાં નામ પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવ્યાં? ના, યહોવા તેઓને ભૂલ્યા નથી. બાઇબલમાં લખ્યું છે, “તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે. તેમની નજરમાં તેઓ બધા જીવે છે.” (લૂક ૨૦:૩૮) એનો અર્થ થાય કે સારા લોકોને ફરી જીવતા કરવામાં આવશે ત્યારે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખેલાં હશે. પણ એ વખતે તેઓનાં નામ જાણે “પેન્સિલથી” લખેલાં હશે.—લૂક ૧૪:૧૪. w૨૨.૦૯ ૧૬ ¶૯-૧૦
ગુરુવાર, મે ૩૦
“યહોવા ઈશ્વરે માણસને એદન બાગમાં મૂક્યો, જેથી તે બાગની સંભાળ રાખે અને એની જમીન ખેડે.”—ઉત. ૨:૧૫.
યહોવા ચાહતા હતા કે આ દુનિયાનો સૌથી પહેલો માણસ તેમણે રચેલી સૃષ્ટિનો આનંદ માણે. એવું કેમ કહી શકીએ? જ્યારે ઈશ્વરે આદમને બનાવ્યો ત્યારે તેને રહેવા માટે સુંદર બાગ આપ્યો. તેમણે તેને એ બાગની સંભાળ રાખવાનું અને આખી પૃથ્વીને એ બાગ જેવી સુંદર બનાવવાનું કામ સોંપ્યું. (ઉત. ૨:૮, ૯) જરા વિચારો, જ્યારે દાણામાંથી અંકુર ફૂટ્યા હશે અને કળીમાંથી ફૂલ ખીલ્યું હશે, ત્યારે આદમને કેટલી ખુશી થઈ હશે! (ઉત. ૨:૧૯, ૨૦) એદન બાગની સંભાળ રાખવી, એ આદમ માટે બહુ જ મોટો લહાવો હતો. યહોવાએ તેને પ્રાણીઓનાં નામ પાડવાનું પણ કહ્યું. યહોવા પોતે પ્રાણીઓનાં નામ પાડી શક્યા હોત, પણ તેમણે એ કામ આદમને સોંપ્યું. ચોક્કસ, નામ પાડતા પહેલાં આદમે ધ્યાનથી જોયું હશે કે એ પ્રાણી કેવું દેખાય છે અને કઈ રીતે વર્તે છે. એ કામમાં તેને ખૂબ જ મજા પડી હશે. તે જોઈ શક્યો હશે કે તેના પિતા કેટલા બુદ્ધિશાળી છે અને તેમના હાથની કારીગરી કેટલી સુંદર છે. w૨૩.૦૩ ૧૫ ¶૩
શુક્રવાર, મે ૩૧
“એ રાજ્ય આ બધાં રાજ્યોને ભાંગીને તેઓનો અંત લાવશે અને એ હંમેશાં ટકશે.” —દાનિ. ૨:૪૪.
બ્રિટન-અમેરિકા મહાસત્તાને મૂર્તિના પગના પંજાથી રજૂ કરવામાં આવી છે. એનો અર્થ થાય કે એ છેલ્લી મહાસત્તા છે. (દાનિ. ૨:૩૧-૩૩) આજે એનું રાજ ચાલી રહ્યું છે. દાનિયેલની ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે એના પછી બીજી કોઈ મહાસત્તા નહિ આવે. આર્માગેદનના યુદ્ધમાં ઈશ્વરનું રાજ્ય એ મહાસત્તા અને દુનિયાની બધી સરકારોનો નાશ કરી દેશે. (પ્રકટી. ૧૬:૧૩, ૧૪, ૧૬; ૧૯:૧૯, ૨૦) આ ભવિષ્યવાણી સમજવાથી આપણને કઈ રીતે ફાયદો થાય છે? દાનિયેલની ભવિષ્યવાણીથી પુરાવો મળે છે કે આપણે અંતના સમયમાં જીવીએ છીએ. ૨,૫૦૦થી વધારે વર્ષ પહેલાં દાનિયેલે ભવિષ્યવાણી કરી હતી કે બાબેલોન પછી બીજી ચાર મહાસત્તા આવશે. એ મહાસત્તાઓ ઈશ્વરના લોકોની સતાવણી કરશે. દાનિયેલની ભવિષ્યવાણીથી એ પણ સમજી શકીએ છીએ કે બ્રિટન-અમેરિકા છેલ્લી મહાસત્તા હશે. એ જાણીને આપણને ઘણી રાહત મળે છે. આપણને આશા મળે છે કે બહુ જલદી ઈશ્વરનું રાજ્ય બધી સરકારોને મિટાવી દેશે અને આખી પૃથ્વી પર રાજ કરશે. w૨૨.૦૭ ૪ ¶૯; ૫ ¶૧૧-૧૨