એપ્રિલ
સોમવાર, એપ્રિલ ૧
“શ્રદ્ધાની કસોટીમાંથી પાર ઊતર્યા પછી, તમારામાં ધીરજ પેદા થાય છે.”—યાકૂ. ૧:૩.
આપણે પોતાને પૂછી શકીએ: ‘સલાહ આપવામાં આવે ત્યારે હું શું કરું છું? શું હું મારી ભૂલો સ્વીકારું છું કે પછી બહાનાં કાઢું છું? શું હું દોષનો ટોપલો બીજાને માથે નાખું છું? બીજા વફાદાર ભક્તો વિશે બાઇબલમાં વાંચીએ ત્યારે આપણે વિચારી શકીએ કે, આવા સંજોગોમાં તેઓએ શું કર્યું? તેઓ વિશે વાંચતાં પોતાને પૂછીએ, ‘હું કઈ રીતે એ વફાદાર ભક્તોને અનુસરી શકું?’ આપણે ભાઈ-બહેનો પાસેથી પણ ઘણું શીખી શકીએ છીએ, પછી ભલે તેઓ યુવાન હોય કે વૃદ્ધ. આપણે વિચારી શકીએ કે શું મંડળમાં એવા કોઈ ભાઈ કે બહેન છે, જે કસોટીઓમાં અડગ શ્રદ્ધા રાખતા હોય? બની શકે કે તે દોસ્તોના દબાણનો સામનો કરતા હોય, તેમનું કુટુંબ વિરોધ કરતું હોય અથવા તેમની તબિયત સારી રહેતી ન હોય. જો આપણે તેમના દાખલા પર વિચાર કરીશું તો ઘણું શીખવા મળશે. આપણે તેમના જેવા ગુણો કેળવી શકીશું અને તેમની પાસેથી કસોટીઓનો સામનો કરતા શીખી શકીશું. સાચે જ ભાઈ-બહેનો અડગ શ્રદ્ધા રાખીને આપણા માટે જોરદાર દાખલો બેસાડે છે.—હિબ્રૂ. ૧૩:૭. w૨૨.૦૪ ૧૩ ¶૧૩-૧૪
મંગળવાર, એપ્રિલ ૨
“લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.
અઘરા સંજોગોમાં કોઈ વડીલ સમય કાઢીને આપણી વાત ધ્યાનથી સાંભળીને દિલાસો આપે છે ત્યારે આપણે એની ઘણી કદર કરીએ છીએ. બની શકે કે બાઇબલ વિદ્યાર્થીને શીખવવા મદદની જરૂર પડે. કોઈ અનુભવી પાયોનિયર આપણી સાથે આવે છે અને અભ્યાસ પછી સલાહ-સૂચન આપે છે ત્યારે આપણને ગમે છે. આપણને મદદ કરીને એ બધાં ભાઈ-બહેનોને ઘણી ખુશી મળે છે. આપણે પણ બીજાઓને મદદ કરીને એવી જ ખુશી મેળવી શકીએ છીએ. એટલે આપણે પણ બીજાઓને મદદ કરવાનો ધ્યેય રાખી શકીએ. જો આપણે ફક્ત એવું જ વિચારીએ કે ‘હું મંડળનાં ભાઈ-બહેનોને વધારે મદદ કરવા માંગું છું,’ તો એવો ધ્યેય રાખવો પૂરતું નથી. એના બદલે આપણે ભાઈ-બહેનોને કઈ ખાસ રીતે મદદ કરીશું, એનો વિચાર કરીએ. એવો ધ્યેય રાખીશું તો એ પૂરો કરવા પગલાં લઈ શકીશું. એ પણ પારખી શકીશું કે આપણાથી એ ધ્યેય પૂરો થયો કે નહિ. આપણા ધ્યેય વિશે અને એ કઈ રીતે પૂરો કરીશું એ વિશે લખી રાખીએ. w૨૨.૦૪ ૨૫ ¶૧૨-૧૩
બુધવાર, એપ્રિલ ૩
“તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.”—યાકૂ. ૨:૮.
યહોવા આજે એક “મોટું ટોળું” ભેગું કરી રહ્યા છે. તે મોટા ટોળાના લોકોને તાલીમ આપી રહ્યા છે, જેથી તેઓ હંમેશ માટે તેમના રાજ્યમાં જીવી શકે. (પ્રકટી. ૭:૯, ૧૦) આજે દુનિયામાં લોકો વચ્ચે નફરત છે, ભાગલા પડી ગયા છે. ઘણી જગ્યાએ યુદ્ધો ફાટી નીકળ્યાં છે. પણ મોટા ટોળાના લોકો બધાને પ્રેમ કરે છે. તેઓ કોઈ દેશ કે જાતિના લોકોને ધિક્કારતા નથી. આમ, તેઓએ તો જાણે હમણાં જ પોતાની તલવારોને ટીપીને હળની કોશો બનાવી દીધી છે. (મીખા. ૪:૩) યુદ્ધોને લીધે લોહીની નદીઓ વહે છે, પણ મોટા ટોળાના લોકો બીજાઓને ‘ખરા જીવનનો’ માર્ગ બતાવે છે. તેઓ લોકોને યહોવા અને તેમની ઇચ્છા વિશે શીખવે છે, જેથી એ લોકો પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવી શકે. (૧ તિમો. ૬:૧૯) યહોવાના ભક્તો તેમના રાજ્યને ટેકો આપે છે. એટલે તેઓ પર અમુક વાર મુશ્કેલીઓ આવે છે. જેમ કે, કુટુંબના સભ્યો તેઓનો વિરોધ કરે છે અથવા તેઓએ પૈસાની તંગી સહેવી પડે છે. પણ યહોવા હંમેશાં તેઓની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. (માથ. ૬:૨૫, ૩૦-૩૩; લૂક ૧૮:૨૯, ૩૦) એ બધાથી સાબિત થાય છે કે યહોવાનું રાજ્ય કોઈ કલ્પના નહિ, પણ હકીકત છે. યહોવા એ રાજ્ય દ્વારા પોતાની ઇચ્છા પૂરી કરતા રહેશે. w૨૨.૧૨ ૬ ¶૧૩
ગુરુવાર, એપ્રિલ ૪
“આમેન! માલિક ઈસુ આવો!”—પ્રકટી. ૨૨:૨૦.
હજાર વર્ષ પૂરાં થતા સુધી પૃથ્વી પર જીવતા બધા લોકોમાંથી પાપની અસર સંપૂર્ણ રીતે દૂર થઈ જશે. તેઓ આદમ પાસેથી વારસામાં મળેલા પાપથી આઝાદ થઈ જશે. (રોમ. ૫:૧૨) માણસો પાપને લીધે જાણે મરેલા હતા, પણ હજાર વર્ષ પૂરાં થતા સુધી તેઓ ‘જીવતા થશે.’ (પ્રકટી. ૨૦:૫) શેતાનને હજાર વર્ષના અંતે, અનંત ઊંડાણમાંથી બહાર કાઢવામાં આવશે. એ સમયે શેતાન લોકોની કસોટી કરશે, જેઓમાં પાપની અસર બિલકુલ નહિ હોય. (પ્રકટી. ૨૦:૭) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે શેતાને તેમની ઘણી વાર કસોટી કરી હતી. પણ ઈસુ યહોવાને વફાદાર રહ્યા. એવી જ રીતે છેલ્લી કસોટીમાં દરેકને સાબિત કરવાની તક મળશે કે તે યહોવાને વફાદાર છે કે નહિ. જેઓ યહોવાને વફાદાર રહેશે તેઓને હંમેશ માટેનું જીવન મળશે. તેઓને સાચી આઝાદી મળશે. (રોમ. ૮:૨૧) યહોવા વિરુદ્ધ બળવો કરનાર દરેકનો હંમેશ માટે નાશ થઈ જશે.—પ્રકટી. ૨૦:૮-૧૦. w૨૨.૦૫ ૧૯ ¶૧૮-૧૯
શુક્રવાર, એપ્રિલ ૫
“તું તેની એડીએ ડંખ મારશે.”—ઉત. ૩:૧૫.
શેતાને યહૂદી અને રોમન લોકો દ્વારા ઈસુને મારી નંખાવ્યા ત્યારે એ ભવિષ્યવાણી પૂરી થઈ. (લૂક ૨૩:૧૩, ૨૦-૨૪) આપણી એડીએ કંઈક વાગે ત્યારે અમુક દિવસો સુધી આપણે બરાબર હરી-ફરી શકતા નથી અને વધારે કંઈ કરી શકતા નથી. એવી જ રીતે, ઈસુ મરણ પછી કબરમાં હતા ત્યાં સુધી કંઈ કરી શક્યા નહિ. (માથ. ૧૬:૨૧) ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે સ્ત્રીનો વંશજ સાપનું માથું કચડી નાખશે. પણ ઈસુનું તો મરણ થયું હતું. તો પછી એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાત? એટલે જરૂરી હતું કે ઈસુને ફરીથી જીવતા કરવામાં આવે અને એવું જ થયું. ઈસુના મરણના ત્રીજા દિવસે યહોવાએ તેમને ફરીથી જીવતા કર્યા. તેમને અદૃશ્ય શરીર આપ્યું અને સ્વર્ગમાં અમર જીવન આપ્યું. પછી ઈસુ યહોવાએ નક્કી કરેલા સમયે શેતાનનું નામનિશાન મિટાવી દેશે. (હિબ્રૂ. ૨:૧૪) સાપના વંશજ એટલે કે, ઈશ્વરના દુશ્મનોનો પણ ખ્રિસ્ત અને તેમના સાથી રાજાઓ પૃથ્વી પરથી સફાયો કરી દેશે.—પ્રકટી. ૧૭:૧૪; ૨૦:૪, ૧૦. w૨૨.૦૭ ૧૬ ¶૧૧-૧૨
શનિવાર, એપ્રિલ ૬
“બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે.”—નીતિ. ૧૩:૨૦.
માતા-પિતાઓ, બાળકોને સારા દોસ્તો પસંદ કરવા મદદ કરો. બાઇબલમાં જણાવ્યું છે કે દોસ્તોની આપણા પર અસર થાય છે. જો દોસ્તો સારા હશે, તો એની સારી અસર થશે. પણ જો ખરાબ હશે, તો એની ખરાબ અસર થશે. શું તમે તમારાં બાળકોના દોસ્તોને ઓળખો છો? તમે ચાહતાં હશો કે તમારાં બાળકો એવા લોકો સાથે દોસ્તી કરે જેઓ યહોવાને પ્રેમ કરે છે. (૧ કોરીં. ૧૫:૩૩) એ માટે તમે શું કરી શકો? કુટુંબ તરીકે તમે કંઈક કરવાનું નક્કી કરો તો એમાં જોડાવવા બીજાં ભાઈ-બહેનોને આમંત્રણ આપી શકો. એ ભાઈ-બહેનો ભક્તિમાં સારું કરી રહ્યાં છે, એટલે બાળકો પર એની સારી અસર થશે. આમ બાળકો માટે સારા દોસ્તો પસંદ કરવા સહેલું થઈ જશે. (ગીત. ૧૧૯:૬૩) ટોનીભાઈ નામનાં એક પિતા કહે છે, “આટલાં વર્ષોમાં અમે અલગ અલગ ભાઈ-બહેનોને ઘરે બોલાવ્યાં છે. અમે તેઓને જમવા બોલાવીએ છીએ. પછી તેઓ સાથે કુટુંબ તરીકેની ભક્તિ કરીએ છીએ. એનાથી અમે બીજાં ભાઈ-બહેનોને સારી રીતે ઓળખી શક્યાં છીએ. અમે જોઈ શક્યા છીએ કે તેઓ યહોવાને ખૂબ પ્રેમ કરે છે અને ખુશી ખુશી તેમની ભક્તિ કરે છે. . . . તેઓના અનુભવ સાંભળીને, તેઓનો ઉત્સાહ અને મહેનત જોઈને અમારાં બાળકો ઘણું શીખ્યાં છે. એનાથી બાળકો યહોવાની નજીક જઈ શક્યાં છે.” w૨૨.૦૫ ૨૯-૩૦ ¶૧૪-૧૫
રવિવાર, એપ્રિલ ૭
“તમે પૃથ્વી પર જે કંઈ બાંધશો, એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે.”—માથ. ૧૮:૧૮.
વડીલો પાપ કરનાર વ્યક્તિ સાથે વાત કરે ત્યારે શાનું ધ્યાન રાખશે? યહોવાએ સ્વર્ગમાં એ વ્યક્તિ વિશે નિર્ણય લઈ લીધો છે. વડીલો એવો જ નિર્ણય લેવાનો પ્રયત્ન કરશે. જો તેઓ વ્યક્તિને બહિષ્કૃત કરવાનો નિર્ણય લે તો એનાથી મંડળનાં ભાઈ-બહેનોનું રક્ષણ થશે. તેઓને વ્યક્તિની ખરાબ સંગતનો રંગ નહિ લાગે. (૧ કોરીં. ૫:૬, ૭, ૧૧-૧૩; તિત. ૩:૧૦, ૧૧) વડીલોના એ નિર્ણયથી વ્યક્તિને પસ્તાવો કરવા અને યહોવા પાસે પાછા ફરવા મદદ મળશે. જ્યારે તે એમ કરશે ત્યારે યહોવા તેને માફ કરી દેશે. (લૂક ૫:૩૨) વડીલો પસ્તાવો કરનાર વ્યક્તિ માટે પ્રાર્થના કરશે કે યહોવા સાથેનો તેનો સંબંધ ફરી પાકો થાય. (યાકૂ. ૫:૧૫) વડીલો જુએ કે પાપ કરનાર વ્યક્તિને પસ્તાવો નથી તો તેઓ તેને મંડળમાંથી બહિષ્કૃત કરે છે. સમય જતાં જો વ્યક્તિને પોતાની ભૂલ સમજાય, તે પસ્તાવો કરે અને જીવનમાં ફેરફાર કરે તો યહોવા તેને માફ કરવા તૈયાર છે. (લૂક ૧૫:૧૭-૨૪) વ્યક્તિએ ગમે તેટલું મોટું પાપ કર્યું હોય, યહોવા તેને માફ કરી શકે છે.—૨ કાળ. ૩૩:૯, ૧૨, ૧૩; ૧ તિમો. ૧:૧૫. w૨૨.૦૬ ૯ ¶૫-૬
સોમવાર, એપ્રિલ ૮
“સમજી-વિચારીને વર્તો અને સાવધ રહો. તમારો દુશ્મન શેતાન ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેને ગળી જવા શોધતો ફરે છે.”—૧ પિત. ૫:૮.
આખી દુનિયામાં ભાઈ-બહેનો યહોવાની મદદથી મુશ્કેલ સંજોગોનો સામનો હિંમતથી કરી રહ્યાં છે અને શેતાનનો વિરોધ કરી રહ્યાં છે. (૧ પિત. ૫:૯) તમે પણ એવું કરી શકો છો! યહોવા બહુ જલદી ઈસુને અને તેમના સાથી રાજાઓને હુકમ આપશે કે તેઓ ‘શેતાનનાં કામોનો નાશ કરે.’ (૧ યોહા. ૩:૮) એ પછી પૃથ્વી પર યહોવાના ભક્તોને ‘કશાની બીક નહિ લાગે અને તેઓએ કશાથી ગભરાવું નહિ પડે.’ (યશા. ૫૪:૧૪; મીખા. ૪:૪) એ સમય આવે ત્યાં સુધી આપણે ડર પર જીત મેળવવા મહેનત કરતા રહીએ. આપણે યહોવા પર ભરોસો મજબૂત કરતા રહીએ. આપણે ખાતરી રાખીએ કે યહોવા પોતાના ભક્તોને પ્રેમ કરે છે અને મુશ્કેલ સંજોગોમાં તેઓની સંભાળ રાખે છે. એ ભરોસો મજબૂત કરતા રહેવા આપણે મનન કરીએ કે યહોવાએ પહેલાંના સમયમાં ભક્તોને કઈ રીતે મદદ કરી હતી. એ વિશે બીજાઓને જણાવીએ. હંમેશાં મનમાં રાખીએ કે યહોવાએ મુશ્કેલ સંજોગોમાં આપણને કઈ રીતે મદદ કરી છે. યાદ રાખીએ કે આપણે એકલા નથી, યહોવા આપણી સાથે છે. એટલે ડર પર આપણી જીત પાકી છે!—ગીત. ૩૪:૪. w૨૨.૦૬ ૧૯ ¶૧૯-૨૦
મંગળવાર, એપ્રિલ ૯
“એ પથ્થર જઈને લોખંડ અને માટીથી બનેલા પંજાને અથડાયો.”—દાનિ. ૨:૩૪.
મૂર્તિમાં “લોખંડ અને માટીથી બનેલા પંજા” જે મહાસત્તાને રજૂ કરે છે, એ હમણાં રાજ કરી રહી છે. એ મહાસત્તા કોણ છે અને એણે ક્યારથી રાજ કરવાનું શરૂ કર્યું? પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન અને અમેરિકા એકબીજાના ખાસ મિત્રો બન્યા. તેઓ એકબીજાને સાથ આપવા લાગ્યા. એ સમયથી બ્રિટન-અમેરિકા મહાસત્તાએ રાજ કરવાનું શરૂ કર્યું. પણ એ બીજી મહાસત્તાઓ કરતાં અલગ છે. કઈ રીતે? ચાલો એ વિશે જોઈએ. મૂર્તિના અલગ અલગ ભાગ અલગ અલગ મહાસત્તાને રજૂ કરે છે. એનો દરેક ભાગ કોઈ એક ધાતુથી બનેલો છે, જેમ કે સોનું કે ચાંદી. પણ મૂર્તિના પગના પંજાનો ભાગ એટલે કે બ્રિટન-અમેરિકા મહાસત્તા, કોઈ એક ધાતુથી નહિ પણ લોખંડ અને માટી એ બંનેથી બનેલા છે. માટી ‘સામાન્ય લોકોને’ દર્શાવે છે. (દાનિ. ૨:૪૩, ફૂટનોટ) આજે સાફ જોવા મળે છે કે સામાન્ય લોકોને લીધે એ મહાસત્તાની લોખંડ જેવી તાકાત નબળી પડી ગઈ છે. ચૂંટણી હોય કે પોતાના હક માટે અવાજ ઉઠાવવાનો હોય, આંદોલન કરવાનાં હોય કે માંગ પૂરી કરવા મજૂર સંઘ બનાવવાના હોય, એ બધામાં લોકોનું પલડું ભારે હોય છે. એટલે એ મહાસત્તા પોતાનું ધાર્યું કરી શકતી નથી. w૨૨.૦૭ ૪-૫ ¶૯-૧૦
બુધવાર, એપ્રિલ ૧૦
‘મને મોકલનારની ઇચ્છા પૂરી કરવી એ જ મારો ખોરાક છે.’—યોહા. ૪:૩૪.
શું તમે બાપ્તિસ્મા લેતા અચકાઓ છો? એક સવાલ પર વિચાર કરવાથી તમને કદાચ મદદ મળશે, ‘હું કેમ રાહ જોઉં છું?’ (પ્રે.કા. ૮:૩૬) ઈસુએ પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવાને ખોરાક સાથે સરખાવ્યું હતું. શા માટે? કેમ કે ખોરાકથી આપણને ફાયદો થાય છે. ઈસુ જાણતા હતા કે યહોવા આપણને જે કંઈ કરવાનું કહે છે, એ આપણા ભલા માટે જ હોય છે. યહોવા આપણને એવું કંઈ પણ કરવાનું નહિ કહે, જેનાથી આપણને નુકસાન થાય. શું યહોવા ચાહે છે કે તમે બાપ્તિસ્મા લો? હા. (પ્રે.કા. ૨:૩૮) તો ભરોસો રાખો કે એ આજ્ઞા પાળવાથી તમને ફાયદો થશે. જો તમે સ્વાદિષ્ટ ખોરાક ખાવાથી અચકાતા નથી, તો બાપ્તિસ્મા લેતા કેમ અચકાઓ છો? અમુક લોકો કેમ બાપ્તિસ્મા લેતા અચકાય છે? તેઓ કદાચ કહે, ‘હું હમણાં તૈયાર નથી.’ એ વાત સાચી છે કે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવું અને બાપ્તિસ્મા લેવું, એ જીવનનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે. એટલે એ નિર્ણય પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. તેમ જ, એમાં સમય લાગશે અને મહેનત કરવી પડશે. w૨૩.૦૩ ૭ ¶૧૮-૨૦
ગુરુવાર, એપ્રિલ ૧૧
“શાસ્ત્ર કહે છે: ‘અને તારા વંશજને,’ એટલે કે એકને, જે ખ્રિસ્ત છે.”—ગલા. ૩:૧૬.
ઈસુને અભિષિક્ત કરીને યહોવાએ જાહેર કર્યું કે ઈસુ તેમના પસંદ કરેલા દીકરા છે. એ વખતે ઈસુ સ્ત્રીના વંશજનો મુખ્ય ભાગ બન્યા. પણ પછી તેમનું મરણ થયું. જોકે યહોવાએ તેમને ફરી જીવતા કર્યા. યહોવાએ તેમને “ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો.” તેમને “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર” આપ્યો. તેમને “શેતાનનાં કામોનો નાશ” કરવાનો અધિકાર પણ આપ્યો. (હિબ્રૂ. ૨:૭; માથ. ૨૮:૧૮; ૧ યોહા. ૩:૮) સ્ત્રીના વંશજનો બીજો ભાગ પણ છે. એ કોણ છે? પ્રેરિત પાઉલે યહૂદી અને બીજી પ્રજાના અભિષિક્ત ખ્રિસ્તીઓને જે કહ્યું એના પર ધ્યાન આપો. તેમણે કહ્યું: “જો તમે ખ્રિસ્તના હો, તો વચન પ્રમાણે તમે ખરેખર ઇબ્રાહિમના વંશજ અને વારસદાર છો.” (ગલા. ૩:૨૮, ૨૯) યહોવા એક વ્યક્તિને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરે છે ત્યારે વ્યક્તિ એ વંશજનો ભાગ બને છે. આમ, ઈસુ ખ્રિસ્ત અને તેમની સાથે રાજ કરનાર ૧,૪૪,૦૦૦ રાજાઓ સ્ત્રીના વંશજ છે. (પ્રકટી. ૧૪:૧) તેઓનાં વિચારો અને કામો પિતા યહોવા જેવાં છે. w૨૨.૦૭ ૧૬ ¶૮-૯
શુક્રવાર, એપ્રિલ ૧૨
“હું મારા જીવનથી કંટાળી ગયો છું; મારે હવે જીવવું જ નથી.”—અયૂ. ૭:૧૬.
આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. એટલે આપણા પર મુશ્કેલીઓ તો આવશે જ. (૨ તિમો. ૩:૧) અમુક વાર એક પછી એક મુશ્કેલીઓ આવતી જાય. ક્યારેક આપણા પર બધી મુશ્કેલીઓ એકસાથે તૂટી પડે. એવું થાય ત્યારે આપણે કદાચ નિરાશાના બોજ નીચે દબાઈ જઈએ. આપણને થાય, ‘બસ બહુ થયું, હવે મારાથી સહન નહિ થાય!’ પણ યાદ રાખીએ કે યહોવા આપણું ધ્યાન રાખે છે. તે જાણે છે કે આપણા પર શું વીતી રહ્યું છે. તેમની મદદથી આપણે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ અયૂબનો કિસ્સો યાદ કરો. એક પછી એક તેમના પર ઘણી મોટી મોટી મુશ્કેલીઓ આવી. એક જ દિવસમાં તેમનું બધું છીનવાઈ ગયું. તેમનાં અમુક ઢોરઢાંક લૂંટાઈ ગયાં. બાકીનાં બધાં ઢોરઢાંકને મારી નાખવામાં આવ્યાં. તેમના સેવકોનું પણ મોત થયું. અરે, એક આફતમાં તેમનાં બધાં વહાલાં બાળકોએ જીવ ગુમાવ્યો. (અયૂ. ૧:૧૩-૧૯) એ દુઃખમાંથી અયૂબ બહાર આવે એ પહેલાં તો તેમને પીડાદાયક અને ચીતરી ચઢે એવી બીમારી થઈ. (અયૂ. ૨:૭) યહોવા બધું જ જોઈ રહ્યા હતા. તે અયૂબને પ્રેમ કરતા હતા. એટલે તેમણે મુશ્કેલીઓનો સામનો કરવા અયૂબની અલગ અલગ રીતે મદદ કરી. w૨૨.૦૮ ૧૧ ¶૮-૧૦
શનિવાર, એપ્રિલ ૧૩
“યહોવા જેને પ્રેમ કરે છે, તેને શિસ્ત આપે છે.”—હિબ્રૂ. ૧૨:૬.
આપણને સુધારવામાં આવે ત્યારે આપણને ગમતું નથી. કદાચ થશે કે આપણી સાથે અન્યાય થયો છે, બહુ કડક શિસ્ત મળી છે. આપણે એવું વિચારવા લાગીએ કે ‘મેં ક્યાં બહુ મોટી ભૂલ કરી હતી.’ એવું વિચારીશું તો સૌથી મહત્ત્વની વાત ભૂલી જઈશું. એ છે કે યહોવા આપણને પ્રેમ કરે છે એટલે શિસ્ત આપે છે. (હિબ્રૂ. ૧૨:૫, ૧૧) એટલે શિસ્ત સ્વીકારીએ, ફેરફાર કરીએ. ઈસુએ અમુક વાર બીજા પ્રેરિતો આગળ પિતરને ઠપકો આપ્યો હતો. કદાચ પિતરને નહિ ગમ્યું હોય. (માર્ક ૮:૩૩; લૂક ૨૨:૩૧-૩૪) પણ તે ઈસુને વફાદાર રહ્યા. તેમણે શિસ્ત સ્વીકારી અને એ ભૂલો ફરીથી ન થાય એનું ધ્યાન રાખ્યું. એટલે યહોવાએ તેમને ઘણા આશીર્વાદ આપ્યા અને મોટી મોટી જવાબદારીઓ પણ સોંપી. (યોહા. ૨૧:૧૫-૧૭; પ્રે.કા. ૧૦:૨૪-૩૩; ૧ પિત. ૧:૧) જો આપણને શિસ્ત મળે તો કદાચ શરૂઆતમાં દુઃખ થાય કે શરમ આવે. પણ એ વિશે વિચારી વિચારીને વધારે દુઃખી થવાને બદલે, એ સલાહ સ્વીકારીએ અને ફેરફાર કરીએ. એમ કરીશું તો યહોવાની સેવામાં અને ભાઈ-બહેનો માટે વધારે કરી શકીશું. w૨૨.૧૧ ૨૧-૨૨ ¶૬-૭
રવિવાર, એપ્રિલ ૧૪
“તારા દીકરાનું અગ્નિ-અર્પણ ચઢાવ.”—ઉત. ૨૨:૨.
ઇબ્રાહિમને ખબર હતી કે યહોવા પ્રેમાળ ઈશ્વર છે. તે કંઈ ખોટું કરતા નથી. ક્યારેય અન્યાય કરતા નથી. તેમણે યહોવાએ આપેલું વચન યાદ કર્યું હશે કે ઇસહાક દ્વારા એક મોટી પ્રજા આવશે. એ સમયે ઇસહાકને કોઈ બાળક ન હતું. એટલે ઇબ્રાહિમને પૂરો ભરોસો હતો કે યહોવા ઇસહાકને મરણમાંથી પણ જીવતા કરી શકે છે. (હિબ્રૂ. ૧૧:૧૭-૧૯) ઇબ્રાહિમ યહોવાને બહુ પ્રેમ કરતા હતા. તેમને ખાતરી હતી કે યહોવા હંમેશાં જે ખરું હોય એ જ કરશે. એટલે તેમના માટે અઘરું હતું તોપણ તેમણે શ્રદ્ધા રાખી અને યહોવાની આજ્ઞા પાળી. (ઉત. ૨૨:૧-૧૨) ઇબ્રાહિમને અનુસરવા આપણે શું કરી શકીએ? આપણે યહોવા વિશે શીખતા રહીએ. એનાથી આપણે તેમની નજીક જઈ શકીશું. તેમના માટેનો પ્રેમ વધતો જશે. (ગીત. ૭૩:૨૮) આપણે શીખતા રહીએ કે યહોવા શું વિચારે છે, તેમને શું ગમે છે અને શું નથી ગમતું. એનાથી આપણે તેમના જેવું વિચારવા લાગીશું. (હિબ્રૂ. ૫:૧૪) પછી આપણે એવાં કામોને નફરત કરીશું, જેને યહોવા ધિક્કારે છે. કોઈ આપણને ખરાબ કામ કરવાનું કહે તો ચોખ્ખી ના પાડી દઈશું. કેમ કે આપણે યહોવાને દુઃખી કરવા નથી માંગતા. આપણે નથી ચાહતા કે યહોવા સાથેના સંબંધમાં તિરાડ પડે. w૨૨.૦૮ ૨૮ ¶૧૧-૧૨
સોમવાર, એપ્રિલ ૧૫
“માણસના મનની ચિંતા તેને નિરાશ કરી દે છે, પણ ઉત્તેજન આપતા શબ્દોથી તેનું દિલ ખુશ થાય છે.”—નીતિ. ૧૨:૨૫.
પ્રેરિત પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા, ઇકોનિયા અને અંત્યોખ પાછા આવ્યા ત્યારે તેઓએ “દરેક મંડળમાં વડીલો નીમ્યા.” (પ્રે.કા. ૧૪:૨૧-૨૩) એ વડીલોએ મુશ્કેલ ઘડીમાં ચોક્કસ ભાઈ-બહેનોની હિંમત વધારી હશે. આજે પણ વડીલો એવું જ કરે છે. વડીલો, મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરવા તૈયાર રહો. વિચારો કે “ઉત્તેજન આપતા શબ્દોથી” તમે કોની હિંમત બંધાવી શકો. પાઉલે પહેલી સદીનાં ભાઈ-બહેનોને અગાઉના ઈશ્વરભક્તો વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે એ ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવા યહોવાએ મદદ કરી હતી. એ ભક્તો વિશે પાઉલે કહ્યું: “આપણી આસપાસ મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું છે.” (હિબ્રૂ. ૧૨:૧) પાઉલ જાણતા હતા કે ભાઈ-બહેનો એ ભક્તો વિશે વિચારશે તો તેઓને મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવા મદદ મળશે. તેઓ “જીવંત ઈશ્વરના શહેર” એટલે કે ઈશ્વરના રાજ્ય પર પૂરું ધ્યાન આપી શકશે. (હિબ્રૂ. ૧૨:૨૨) યહોવાએ ગિદિયોન, બારાક, દાઉદ, શમુએલ અને બીજા ઈશ્વરભક્તોને મદદ કરી હતી. તેઓ વિશે વાંચીએ છીએ ત્યારે આપણી પણ હિંમત વધે છે.—હિબ્રૂ. ૧૧:૩૨-૩૫. w૨૨.૦૮ ૨૧ ¶૫-૬
મંગળવાર, એપ્રિલ ૧૬
“દરેકનો ન્યાય તેનાં કાર્યો પ્રમાણે કરવામાં આવ્યો.” —પ્રકટી. ૨૦:૧૩.
આજના વચનમાં કયા ‘કાર્યોની’ વાત થઈ છે જેના આધારે એ લોકોનો ન્યાય કરવામાં આવશે? શું એ કાર્યોની, જે તેઓએ મરણ પહેલાં કર્યાં હતાં? ના. આપણને ખબર છે કે એક વ્યક્તિનું મરણ થાય ત્યારે તેનાં બધાં પાપ માફ કરી દેવામાં આવે છે. એટલે તેણે મરણ પહેલાં કરેલાં કાર્યો ન હોય શકે. તો પછી અહીંયા કયા કાર્યોની વાત થઈ છે? નવી દુનિયામાં જીવતા કરવામાં આવેલા લોકોને ઘણું શીખવવામાં આવશે. પછી તેઓ જે કાર્યો કરશે એની અહીંયા વાત થઈ છે. નૂહ, શમુએલ, દાઉદ અને દાનિયેલ જેવા વફાદાર ઈશ્વરભક્તોએ પણ ઈસુ ખ્રિસ્ત વિશે ઘણું શીખવું પડશે. તેઓએ તેમના બલિદાનમાં શ્રદ્ધા મૂકવી પડશે. જરા વિચારો, એ વફાદાર ઈશ્વરભક્તોએ આટલું બધું શીખવું પડશે તો ખરાબ લોકોએ એના કરતાં કેટલું વધારે શીખવું પડશે! જે લોકો નવી દુનિયામાં ઈસુ વિશે શીખશે અને તેમના બલિદાનમાં શ્રદ્ધા મૂકશે, તેઓનાં નામ હંમેશ માટે જીવનના પુસ્તકમાં લખવામાં આવશે. પણ જે લોકો એ અમૂલ્ય તક જતી કરશે તેઓનું શું થશે? પ્રકટીકરણ ૨૦:૧૫માં જણાવ્યું છે: “જેનું નામ જીવનના પુસ્તકમાં લખેલું ન હતું, તે દરેકને આગના સરોવરમાં નાખી દેવામાં આવ્યા.” એનો અર્થ કે હંમેશ માટે તેઓનો નાશ કરી દેવામાં આવશે. આપણું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવે અને એમાંથી કદી ન ભૂંસાય એ માટે ચાલો બનતું બધું કરીએ. w૨૨.૦૯ ૧૮-૧૯ ¶૧૭-૧૯
બુધવાર, એપ્રિલ ૧૭
‘ઈશ્વર અને માણસો આગળ શુદ્ધ મન રાખો.’ —પ્રે.કા. ૨૪:૧૬.
તબિયત અને સારવારને લગતા ઘણા નિર્ણયો આપણે બાઇબલથી કેળવાયેલા અંતઃકરણ પ્રમાણે લઈએ છીએ. (૧ તિમો. ૩:૯) એટલે કોઈ નિર્ણય લેતી વખતે અને બીજાઓ સાથે એ વિશે વાત કરતી વખતે આપણે ફિલિપીઓ ૪:૫નો સિદ્ધાંત હંમેશાં મનમાં રાખીએ. ત્યાં જણાવ્યું છે: “તમે વાજબી છો, એની બધાને જાણ થવા દો.” વાજબી હોઈશું તો તબિયત અને સારવારની બાબતમાં ભાઈ-બહેનોના નિર્ણયને માન આપીશું. બની શકે કે કોઈ ભાઈ કે બહેનનો નિર્ણય આપણા કરતા અલગ હોય. એવા સમયે પણ આપણે તેમને પ્રેમ કરતા રહીએ અને આદર બતાવતા રહીએ. (રોમ. ૧૪:૧૦-૧૨) વાજબી રહેવામાં એ પણ સમાયેલું છે કે આપણે પોતાના સ્વાસ્થ્યની વધારે પડતી ચિંતા ન કરીએ. આપણે સલામતીનું ધ્યાન રાખીએ છીએ અને તન-મનથી યહોવાની ભક્તિ કરીએ છીએ. એમ કરીને બતાવી આપીએ છીએ કે જીવન આપનાર ઈશ્વરની આપણે કદર કરીએ છીએ. (પ્રકટી. ૪:૧૧) આજે આપણે ઘણી બીમારીઓ સામે લડવું પડે છે અને આફતોનો સામનો કરવો પડે છે. આપણા સર્જનહાર યહોવાએ આપણને આવું જીવન જીવવા બનાવ્યા ન હતા. તે તો આપણને બહુ પ્રેમ કરે છે. તે બહુ જલદી આપણને હંમેશ માટેનું જીવન આપશે. એ સમયે કોઈ ડર કે પીડા નહિ હોય અને કોઈનું મરણ નહિ થાય. (પ્રકટી. ૨૧:૪) પણ એ સમય આવે ત્યાં સુધી ચાલો આપણે પોતાની તબિયતનું ધ્યાન રાખીએ અને યહોવા પિતાની ભક્તિ કરતા રહીએ. w૨૩.૦૨ ૨૫ ¶૧૭-૧૮
ગુરુવાર, એપ્રિલ ૧૮
“તમારા રાજ્યના ભાગલા પડ્યા છે અને એ માદીઓને અને ઈરાનીઓને આપી દેવામાં આવ્યું છે.”—દાનિ. ૫:૨૮.
બાઇબલના ઘણા કિસ્સા બતાવે છે કે યહોવા પાસે ‘ઉચ્ચ અધિકારીઓ’ કરતાં વધારે અધિકાર છે અને તે સર્વોપરી ઈશ્વર છે. (રોમ. ૧૩:૧) ચાલો ત્રણ કિસ્સા જોઈએ. ઇજિપ્તના રાજાએ ઈશ્વરના લોકોને ગુલામ બનાવ્યા હતા. યહોવાએ મૂસા દ્વારા ઘણી વાર રાજાને કીધું કે તેઓને જવા દે. પણ રાજા ટસનો મસ ન થયો. આખરે યહોવાએ પોતાના લોકોને તેની ગુલામીમાંથી છોડાવ્યા અને રાજાને લાલ સમુદ્રમાં ડુબાડી દીધો. (નિર્ગ. ૧૪:૨૬-૨૮; ગીત. ૧૩૬:૧૫) બાબેલોનના રાજા બેલ્શાસ્સારે મહેલમાં એક મોટી મિજબાની રાખી. તેણે ‘સ્વર્ગના પ્રભુ વિરુદ્ધ પોતાને ઊંચો કર્યો.’ તેણે યહોવાને બદલે ‘સોના-ચાંદીના દેવોની સ્તુતિ કરી.’ (દાનિ. ૫:૨૨, ૨૩) યહોવાએ તેનું ઘમંડ ધૂળભેગું કરી નાખ્યું. “એ જ રાતે” તેનો જીવ ગયો. તેનું રાજ્ય માદીઓ અને ઈરાનીઓને આપવામાં આવ્યું. (દાનિ. ૫:૩૦, ૩૧) પેલેસ્ટાઈનના રાજા હેરોદ અગ્રીપા પહેલાએ પ્રેરિત યાકૂબને મારી નંખાવ્યા. તેણે પિતરની ધરપકડ કરી. તે પિતરને પણ મારી નાખવા માંગતો હતો. પણ યહોવાએ તેને અટકાવ્યો. “યહોવાના દૂતે તેને માંદગીમાં પટક્યો” અને થોડા સમય પછી તે મરી ગયો.—પ્રે.કા. ૧૨:૧-૫, ૨૧-૨૩. w૨૨.૧૦ ૧૫ ¶૧૨
શુક્રવાર, એપ્રિલ ૧૯
“હું તમારું સાંભળીશ.”—યર્મિ. ૨૯:૧૨.
બાઇબલમાં એવા ઘણા દાખલા છે, જેમાં યહોવાએ પોતાના વફાદાર ભક્તોનું રક્ષણ કર્યું હોય, તેઓને મદદ કરી હોય. એ દાખલા વાંચીને આપણી આશા મજબૂત થાય છે. બાઇબલમાં જે લખવામાં આવ્યું હતું, “એ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતું. આપણી પાસે આશા છે, કેમ કે શાસ્ત્ર આપણને ધીરજ ધરવા મદદ કરે છે અને ઉત્તેજન આપે છે.” (રોમ. ૧૫:૪) યહોવાએ કઈ રીતે પોતાનાં વચનો પૂરાં કર્યાં છે, એના પર વિચાર કરો. ચાલો ઇબ્રાહિમ અને સારાહનો દાખલો જોઈએ. યહોવાએ વચન આપ્યું હતું કે તેઓને એક દીકરો થશે. (ઉત. ૧૮:૧૦) પણ તેઓ વૃદ્ધ હતાં. તેઓને બાળક થાય એ તો અશક્ય લાગતું હતું. પણ ઇબ્રાહિમને ખાતરી હતી કે યહોવા પોતાનું વચન જરૂર પૂરું કરશે. (રોમ. ૪:૧૯-૨૧) બાઇબલમાં જણાવ્યું છે: ‘ઇબ્રાહિમે શ્રદ્ધા બતાવી કે તે ઘણી પ્રજાઓના પિતા બનશે.’ (રોમ. ૪:૧૮) એવું થયું પણ ખરું. યોગ્ય સમયે યહોવાએ પોતાનું વચન પૂરું કર્યું અને તેઓને એક દીકરો થયો. આપણે એવા કિસ્સાઓ પર મનન કરીએ. એનાથી આપણી શ્રદ્ધા વધશે કે યહોવા હંમેશાં પોતાનાં વચનો પૂરાં કરે છે. w૨૨.૧૦ ૨૭ ¶૧૩-૧૪
શનિવાર, એપ્રિલ ૨૦
“તું તારા મહાન શિક્ષકને પોતાની આંખોથી જોશે.” —યશા. ૩૦:૨૦.
જ્યારે યહૂદીઓ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે યશાયાની એ ભવિષ્યવાણી પૂરી થઈ. યહોવાએ તેઓને ખરું માર્ગદર્શન આપ્યું અને તેઓએ શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરી. આમ તેઓ જોઈ શક્યા કે યહોવા મહાન શિક્ષક છે. આપણે કેટલા ખુશ છીએ કે આજે યહોવા આપણને શીખવી રહ્યા છે. તે આપણા પણ મહાન શિક્ષક છે. એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને શીખવે છે. એવી જ રીતે યશાયાએ જણાવ્યું કે યહોવા આપણા “મહાન શિક્ષક” છે અને આપણને શીખવે છે. ધ્યાન આપો, યશાયા કહે છે: “તું તારા મહાન શિક્ષકને પોતાની આંખોથી જોશે.” તે કહેવા માંગતા હતા કે યહોવા એક શિક્ષકની જેમ આપણી સામે ઊભા રહીને શીખવે છે. તેમની પાસેથી શીખવાનો કેટલો મોટો લહાવો! તે પોતાના સંગઠન દ્વારા એમ કરે છે. તે આપણને સભાઓ, સાહિત્ય, JW બ્રૉડકાસ્ટિંગ દ્વારા અને બીજી ઘણી રીતે માર્ગદર્શન આપે છે. એના પર ધ્યાન આપવાથી આપણે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ અને ખુશ રહી શકીએ છીએ. એ માર્ગદર્શન માટે આપણે તેમનો લાખ લાખ આભાર માનીએ છીએ! w૨૨.૧૧ ૧૦ ¶૮-૯
રવિવાર, એપ્રિલ ૨૧
“દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?”—માથ. ૨૪:૩.
આ કલમમાં યરૂશાલેમ અને મંદિરના નાશ વિશે અને ‘દુનિયાના અંતના સમય’ વિશે જણાવ્યું છે, જે સમયમાં આજે આપણે જીવી રહ્યા છીએ. પણ અંત ક્યારે આવશે એ વિશે ઈસુએ શિષ્યોને કહ્યું: “એ દિવસ અથવા એ ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ.” પછી તેમણે બધા શિષ્યોને ચેતવણી આપી કે તેઓ ‘સાવધ રહે’ અને ‘જાગતા રહે.’ (માર્ક ૧૩:૩૨-૩૭) પહેલી સદીમાં યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓએ સાવધ રહેવાનું હતું કેમ કે, તેઓનાં જીવન-મરણનો સવાલ હતો. ઈસુએ શિષ્યોને જણાવ્યું હતું: “તમે યરૂશાલેમને સૈન્યોથી ઘેરાયેલું જુઓ ત્યારે જાણજો કે એનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.” એવું થાય કે તરત ખ્રિસ્તીઓએ એ ચેતવણી માનીને ‘પહાડો પર નાસી જવાનું હતું.’ (લૂક ૨૧:૨૦, ૨૧) જે લોકોએ ઈસુની ચેતવણી પર ધ્યાન આપ્યું તેઓને કેવો ફાયદો થયો? રોમન સેનાએ યરૂશાલેમનો નાશ કર્યો ત્યારે તેઓનો જીવ બચી ગયો. આજે આપણે દુષ્ટ દુનિયાના અંતના સમયમાં જીવી રહ્યા છીએ. એટલે ખૂબ જરૂરી છે કે આપણે સમજી-વિચારીને વર્તીએ અને સાવધ રહીએ. w૨૩.૦૨ ૧૪ ¶૧-૩
સોમવાર, એપ્રિલ ૨૨
“યહોવા, સત્યના ઈશ્વર.”—ગીત. ૩૧:૫.
યહોવા પોતાના સેવકોને ઈમાનદાર બનવાનું અને ખરાં કામો કરવાનું શીખવે છે. એમ કરવાથી તેઓને મનની શાંતિ મળે છે અને તેઓનું માન વધે છે. (નીતિ. ૧૩:૫, ૬) બાઇબલમાંથી શીખતી વખતે તમે પોતે જોયું હશે કે એ બધું યહોવાએ તમારા માટે પણ કર્યું છે. તમે શીખ્યા કે માણસો યહોવાના માર્ગમાં ચાલે, એમાં જ તેઓનું ભલું છે અને તમે પણ એ ચોક્કસ અનુભવ્યું હશે. (ગીત. ૭૭:૧૩) એટલે તમે યહોવાનાં ન્યાયી ધોરણો પ્રમાણે ચાલવા માંગો છો. (માથ. ૬:૩૩) તમે બીજાઓને યહોવા વિશેનું સત્ય જણાવવા માંગો છો અને સાબિત કરવા માંગો છો કે શેતાને આપણા ઈશ્વર યહોવા વિશે જે કંઈ કહ્યું છે, એ બધું જૂઠું છે. તમે એવું કઈ રીતે કરી શકો? તમે તમારા જીવનથી બતાવી શકો કે તમે શેતાનનાં જૂઠાણાંને ધિક્કારો છો અને સત્યને સાથ આપો છો. એ પણ બતાવી શકો કે તમે યહોવાને તમારા રાજા તરીકે સ્વીકારો છો અને તેમની નજરમાં જે ખરું છે, એ જ કરવા માંગો છો. તમે એવું કઈ રીતે કરી શકો? પ્રાર્થનામાં યહોવાને જીવન સમર્પિત કરો અને બાપ્તિસ્મા લો. સત્ય અને ન્યાય માટે પ્રેમ, એ ખરેખર બાપ્તિસ્મા લેવાનું એક મોટું કારણ છે. w૨૩.૦૩ ૩ ¶૪-૫
મંગળવાર, એપ્રિલ ૨૩
“તમારાં દિલને દુઃખી થવા દેશો નહિ કે ડરવા દેશો નહિ.”—યોહા. ૧૪:૨૭.
બાઇબલમાં “ઈશ્વરની શાંતિ” વિશે જણાવ્યું છે. દુનિયાના લોકો એ વિશે એકદમ અજાણ છે. યહોવા પિતા સાથે મજબૂત સંબંધ કેળવવાથી જે નિરાંત અનુભવીએ છીએ, મનની શાંતિ મળે છે, એને ઈશ્વરની શાંતિ કહેવાય. એ શાંતિને લીધે આપણે સલામત મહેસૂસ કરીએ છીએ. (ફિલિ. ૪:૬, ૭) આપણે ભાઈ-બહેનોના પાકા દોસ્ત બની શકીએ છીએ, કેમ કે તેઓ પણ યહોવાને પ્રેમ કરે છે. તેમ જ “શાંતિના ઈશ્વર,” યહોવાની વધારે નજીક જઈ શકીએ છીએ. (૧ થેસ્સા. ૫:૨૩) જ્યારે આપણે યહોવાને સારી રીતે ઓળખીએ, તેમના પર ભરોસો રાખીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ, ત્યારે ઈશ્વરની શાંતિ હોવાથી અઘરા સંજોગોમાં આપણને ચિંતા થતી નથી. આપણે મન શાંત રાખી શકીએ છીએ. જ્યારે રોગચાળો ફેલાય, આફત આવી પડે, હુલ્લડ થાય કે સતાવણી થાય ત્યારે આપણે ડરી જઈએ છીએ, ખરું ને? શું એવા અઘરા સંજોગોમાં શાંતિ મેળવી શકીએ? ઘણાં ભાઈ-બહેનોએ આજના વચનમાં આપેલી ઈસુની સલાહ પાળી છે. તેઓ યહોવાની મદદથી અઘરા સંજોગોમાં પણ શાંતિ મેળવી શક્યાં છે. w૨૨.૧૨ ૧૬ ¶૧-૨
બુધવાર, એપ્રિલ ૨૪
“પવિત્ર શક્તિથી જોશીલા બનો. પૂરા દિલથી યહોવાની સેવા કરો.”—રોમ. ૧૨:૧૧.
જીવનના અમુક સંજોગો આપણા હાથમાં હોતા નથી. આજે આપણી પાસે જે જવાબદારીઓ છે, એ કાલે ન પણ હોય. આપણે યાદ રાખીએ કે યહોવાનો પ્રેમ આપણી જવાબદારીઓ પર આધાર રાખતો નથી. એટલું જ નહિ, આપણા સંજોગોની સરખામણી બીજાઓ સાથે ન કરીએ. (ગલા. ૬:૪) આપણે પોતાના સંજોગો પ્રમાણે યહોવાની ભક્તિ કરવાની અને ભાઈ-બહેનોને મદદ કરવાની અલગ અલગ રીત શોધતા રહીએ. જો આપણે યહોવાની ભક્તિમાં વધારે કરવા માંગતા હોઈએ, તો જીવન સાદું રાખીએ અને દેવું કરવાનું ટાળીએ. મોટા ધ્યેય પહોંચી વળવા, નાના ધ્યેય રાખી શકીએ. ધારો કે તમે નિયમિત પાયોનિયર બનવા માંગો છો, તો શું તમે દર મહિને સહાયક પાયોનિયરીંગ કરી શકો? જો તમે સહાયક સેવક બનવા માંગતા હો, તો શું તમે પ્રચારમાં વધારે કલાકો વિતાવી શકો? નાના ધ્યેય પૂરા કરવાથી તમને આગળ જતાં વધારે જવાબદારી મળી શકે છે. તમને જે પણ જવાબદારી મળે એને સારી રીતે પૂરી કરવાની કોશિશ કરો. w૨૨.૦૪ ૨૬ ¶૧૬-૧૭
ગુરુવાર, એપ્રિલ ૨૫
“હું યહોવાને ચાહું છું, કેમ કે તે મારો સાદ, મદદ માટેનો મારો પોકાર સાંભળે છે.” —ગીત. ૧૧૬:૧.
આપણાં બધાનાં જીવનમાં કોઈ ને કોઈ મુશ્કેલી આવે છે. પણ યહોવા એનો સામનો કરવા અને ખુશી ખુશી તેમની ભક્તિ કરતા રહેવા મદદ કરે છે. કદાચ આપણે કોઈ ચિંતા કે મુશ્કેલી વિશે યહોવાને પ્રાર્થનામાં જણાવીએ. બની શકે કે એ મુશ્કેલી દૂર ન થાય, પણ તે એનો સામનો કરવાની તાકાત આપે. કદાચ કોઈ મુશ્કેલી લાંબા સમય સુધી ચાલે. એ સમયે આપણે યહોવાને અવાર-નવાર પ્રાર્થના કરીએ, જેથી હિંમત રાખીને એ સહન કરી શકીએ. યહોવા પણ ચાહે છે કે આપણે તેમને પ્રાર્થના કરતા રહીએ. યશાયા પ્રબોધકે લખ્યું: “[યહોવાને] પોકારતા રહો.” (યશા. ૬૨:૭) આ કલમનું આ રીતે પણ ભાષાંતર થઈ શકે: “તેમને આરામ આપવો નહિ.” એટલે આપણે વારંવાર યહોવાને પ્રાર્થના કરીએ. અરે, એટલી બધી પ્રાર્થના કરીએ કે જાણે તેમને આરામ જ ન મળે. એકવાર ઈસુ પોતાના શિષ્યોને પ્રાર્થના વિશે સમજાવતા હતા. એ વખતે તેમણે દાખલા આપીને એવું જ કંઈક શીખવ્યું. ઈસુએ કીધું, યહોવા પાસે પવિત્ર શક્તિ “માંગતા રહો.” (લૂક ૧૧:૮-૧૦, ૧૩) આપણે સારા નિર્ણય લેવા યહોવા પાસે પ્રાર્થનામાં માર્ગદર્શન પણ માંગવું જોઈએ. w૨૨.૧૧ ૮ ¶૧; ૯ ¶૬-૭
શુક્રવાર, એપ્રિલ ૨૬
“ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનું છે.”—પ્રે.કા. ૧૪:૨૨.
સતાવણીનો સામનો કરવા કુટુંબ સાથે મળીને હમણાંથી તૈયારી કરીએ. આપણી સાથે શું ખોટું થઈ શકે એના વિશે બહુ ના વિચારીએ. પણ યહોવા સાથે આપણી દોસ્તી મજબૂત કરીએ. બાળકોને પણ એમ કરવા મદદ કરીએ. આપણને વધારે ચિંતા થવા લાગે તો યહોવા આગળ હૈયું ઠાલવીએ. (ગીત. ૬૨:૭, ૮) આપણે શીખ્યા કે આફત માટે પહેલેથી તૈયારી કરીએ. એવી જ રીતે સતાવણી માટે પણ પહેલેથી તૈયારી કરીએ. યહોવા પર ભરોસો રાખવાનાં આપણી પાસે ઘણાં કારણો છે. એ વિશે કુટુંબ સાથે મળીને ચર્ચા કરીએ. એનાથી બાળકો પણ સતાવણી વખતે હિંમત રાખી શકશે અને શાંત રહી શકશે. ઈશ્વરની શાંતિને લીધે આપણે સલામત મહેસૂસ કરીએ છીએ. (ફિલિ. ૪:૬, ૭) રોગચાળો ફેલાય, આફત આવી પડે અને સતાવણી થાય ત્યારે મન શાંત રાખવા યહોવા આપણને મદદ કરે છે. તે મહેનતુ વડીલો દ્વારા આપણી સંભાળ રાખે છે. તેમણે આપણને એકબીજાને મદદ કરવાનો પણ લહાવો આપ્યો છે. હમણાં જે શાંતિનો સમય છે, એનો સૌથી સારો ઉપયોગ કરીએ. આપણે આવનાર મુશ્કેલીઓ માટે, અરે “મોટી વિપત્તિ” માટે હમણાંથી તૈયારી કરીએ.—માથ. ૨૪:૨૧. w૨૨.૧૨ ૨૭ ¶૧૭-૧૮
શનિવાર, એપ્રિલ ૨૭
“હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”—માથ. ૯:૧૩.
જો આપણે પહેલાં કોઈ ગંભીર પાપ કર્યું હોય, તો એ વિશે વિચારી વિચારીને દુઃખમાં ડૂબી ન જઈએ. ભલે આપણે કેટલું પણ મોટું પાપ કર્યું હોય, ઈસુના બલિદાનને આધારે આપણાં બધાં પાપ માફ થઈ શકે છે. જોકે એનો મતલબ એ નથી કે આપણે ‘જાણીજોઈને પાપ કરતા રહીએ’ અને વિચારીએ કે ઈસુના બલિદાનને આધારે માફી મળી જશે. (હિબ્રૂ. ૧૦:૨૬-૩૧) જો આપણે દિલથી પસ્તાવો કર્યો હોય, યહોવાની માફી માંગી હોય, વડીલોની મદદ લીધી હોય અને પોતાનામાં ફેરફાર કર્યો હોય, તો એક વાતની ખાતરી રાખીએ. એ છે કે યહોવાએ આપણને પૂરી રીતે માફ કરી દીધા છે. (યશા. ૫૫:૭; પ્રે.કા. ૩:૧૯) ઈસુના બલિદાનને લીધે આપણે નવી દુનિયામાં હંમેશ માટે જીવી શકીશું. ત્યારે આપણને જરાયે કંટાળો નહિ આવે, કેમકે આપણે નવા નવા લોકોને મળીશું. આપણી પાસે ઘણું કામ હશે. સૌથી મહત્ત્વનું તો, આપણે યહોવા પિતાને વધારે ને વધારે ઓળખતા જઈશું. દરરોજ તેમના વિશે નવું નવું શીખવા મળશે. એટલું જ નહિ, યહોવાએ બનાવેલી સૃષ્ટિ વિશે આપણે ઘણું શીખીશું. એમાં કેટલી મજા આવશે નઈ! w૨૨.૧૨ ૧૨ ¶૧૭; ૧૩ ¶૧૯
રવિવાર, એપ્રિલ ૨૮
“હું તારી અને સ્ત્રીની વચ્ચે દુશ્મની કરાવીશ.”—ઉત. ૩:૧૫.
એ “સ્ત્રી” હવા ન હોય શકે. આપણને ખબર છે કે સાપ, શેતાનને રજૂ કરે છે, જે એક દૂત છે. ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે સ્ત્રીનો વંશજ સાપનું માથું “કચડી” નાખશે. પણ હવાના બધા વંશજ કે બાળકો તો સામાન્ય માણસો છે. એક માણસ કઈ રીતે દૂતનો નાશ કરી શકે? તો સવાલ થાય કે એ સ્ત્રી કોણ છે? એ વિશે આપણને બાઇબલના છેલ્લા પુસ્તકમાંથી વધારે માહિતી મળે છે. (પ્રકટી. ૧૨:૧, ૨, ૫, ૧૦) ત્યાં જણાવ્યું છે કે સ્ત્રીના પગ નીચે ચંદ્ર છે. તેના માથા પર ૧૨ તારાઓનો મુગટ છે. તે એક બાળકને જન્મ આપે છે, જે ઈશ્વરના રાજ્યને રજૂ કરે છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું. એટલે એ સ્ત્રી પૃથ્વી પર નહિ, પણ સ્વર્ગમાં હોવી જોઈએ. એનો અર્થ કે એ સ્ત્રી યહોવાના સંગઠનના એ ભાગને રજૂ કરે છે, જે સ્વર્ગમાં છે અને જેમાં લાખો-કરોડો વફાદાર દૂતો છે. (ગલા. ૪:૨૬) એ સ્ત્રીના વંશજનો મુખ્ય ભાગ કોણ છે? એનો જવાબ આપણને બાઇબલમાંથી મળે છે. એ વંશજ ઇબ્રાહિમના કુટુંબમાંથી આવવાનો હતો.—ઉત. ૨૨:૧૫-૧૮. w૨૨.૦૭ ૧૫-૧૬ ¶૬-૮
સોમવાર, એપ્રિલ ૨૯
“તમે એને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સ્વીકાર્યો. સાચે જ, એ સંદેશો ઈશ્વર તરફથી છે.”—૧ થેસ્સા. ૨:૧૩.
બાઇબલ યહોવાએ આપેલી ભેટ છે. એમાં આપેલી સલાહ પાળવાથી લોકોને ઘણો ફાયદો થાય છે, તેઓનું જીવન બદલાઈ જાય છે. એનાથી ખબર પડે છે કે યહોવા કેટલા બુદ્ધિશાળી છે. ધ્યાન આપો કે મૂસાએ શરૂઆતનાં પુસ્તકો લખ્યાં ત્યારે ઈશ્વરના લોકો, એટલે કે ઇઝરાયેલીઓને શું કહ્યું હતું: “એ તમારા માટે ખોખલી વાતો નહિ, પણ તમારું જીવન છે.” (પુન. ૩૨:૪૭) જે લોકોએ શાસ્ત્રમાં આપેલી સલાહ પાળી, તેઓ એક ખુશહાલ અને સુખી જીવનનો આનંદ માણી શક્યા. (ગીત. ૧:૨, ૩) એ વાત પહેલાં પણ સાચી હતી અને આજે પણ એટલી જ સાચી છે. બાઇબલ લખાયું એને હજારો વર્ષો વીતી ચૂક્યાં છે, તોપણ એની સલાહથી આજે લોકોનું જીવન બદલાઈ શકે છે. બાઇબલમાં આપેલી સલાહ હંમેશાં કામ આવે છે. એનાથી જૂના જમાનાના લોકોને ફાયદો થયો હતો અને આજના લોકોને પણ ફાયદો થાય છે. જ્યારે બાઇબલ વાંચીએ છીએ અને મનન કરીએ છીએ, ત્યારે બાઇબલના લેખક યહોવા આપણને પવિત્ર શક્તિ આપે છે. એની મદદથી આપણે સમજી શકીએ છીએ કે બાઇબલની વાતો કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકીએ. (ગીત. ૧૧૯:૨૭; માલા. ૩:૧૬; હિબ્રૂ. ૪:૧૨) સાચે જ, બાઇબલના લેખક આપણને મદદ કરવા હંમેશાં તૈયાર છે. એટલે ચાલો આપણે રોજ બાઇબલ વાંચીએ અને એમાંથી ભરપૂર ફાયદો મેળવીએ. w૨૩.૦૨ ૩ ¶૫-૬
મંગળવાર, એપ્રિલ ૩૦
“તે એટલો ભયાનક વિનાશ કરશે કે લોકો એ જોઈને દંગ રહી જશે.” —દાનિ. ૮:૨૪.
પ્રકટીકરણ અધ્યાય ૧૩માં જણાવ્યું છે, સાતમું માથું એટલે કે બ્રિટન-અમેરિકા મહાસત્તા બીજા એક જંગલી જાનવરને પણ રજૂ કરે છે. એ જંગલી જાનવરને ‘ઘેટાના જેવા બે શિંગડાં છે, પણ એ અજગરની જેમ બોલે છે.’ પ્રકટીકરણ અધ્યાય ૧૬ અને ૧૯માં એ જાનવરને ‘જૂઠા પ્રબોધક’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. (પ્રકટી. ૧૬:૧૩; ૧૯:૨૦) યોહાને દર્શનમાં જોયું કે એ જાનવર “મોટા મોટા ચમત્કારો કરે છે. એટલે સુધી કે માણસોની નજર સામે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવે છે.” (પ્રકટી. ૧૩:૧૧-૧૫) દાનિયેલના પુસ્તકમાં પણ જણાવ્યું છે કે બ્રિટન-અમેરિકા મહાસત્તા “ભયાનક વિનાશ કરશે.” (દાનિ. ૮:૧૯, ૨૩, ૨૪) એ ભવિષ્યવાણી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પૂરી થઈ. બ્રિટન અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ અણુ બૉમ્બ (ઍટમ બૉમ્બ) બનાવ્યા. એ દેશોએ અણુ બૉમ્બ જાપાન પર નાખ્યો. એનાથી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આમ બ્રિટન-અમેરિકા મહાસત્તાએ ‘આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવ્યો.’ w૨૨.૦૫ ૧૦ ¶૯