વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es24 પાન ૩૧-૪૫
  • માર્ચ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
  • મથાળાં
  • શુક્રવાર, માર્ચ ૧
  • શનિવાર, માર્ચ ૨
  • રવિવાર, માર્ચ ૩
  • સોમવાર, માર્ચ ૪
  • મંગળવાર, માર્ચ ૫
  • બુધવાર, માર્ચ ૬
  • ગુરુવાર, માર્ચ ૭
  • શુક્રવાર, માર્ચ ૮
  • શનિવાર, માર્ચ ૯
  • રવિવાર, માર્ચ ૧૦
  • સોમવાર, માર્ચ ૧૧
  • મંગળવાર, માર્ચ ૧૨
  • બુધવાર, માર્ચ ૧૩
  • ગુરુવાર, માર્ચ ૧૪
  • શુક્રવાર, માર્ચ ૧૫
  • શનિવાર, માર્ચ ૧૬
  • રવિવાર, માર્ચ ૧૭
  • સોમવાર, માર્ચ ૧૮
  • મંગળવાર, માર્ચ ૧૯
  • બુધવાર, માર્ચ ૨૦
  • ગુરુવાર, માર્ચ ૨૧
  • શુક્રવાર, માર્ચ ૨૨
  • શનિવાર, માર્ચ ૨૩
  • આજે સ્મરણપ્રસંગ
    સૂર્ય આથમ્યા પછી છે
    રવિવાર, માર્ચ ૨૪
  • સોમવાર, માર્ચ ૨૫
  • મંગળવાર, માર્ચ ૨૬
  • બુધવાર, માર્ચ ૨૭
  • ગુરુવાર, માર્ચ ૨૮
  • શુક્રવાર, માર્ચ ૨૯
  • શનિવાર, માર્ચ ૩૦
  • રવિવાર, માર્ચ ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
es24 પાન ૩૧-૪૫

માર્ચ

શુક્રવાર, માર્ચ ૧

“બડાઈ કેમ મારો છો?”—૧ કોરીં. ૪:૭.

પ્રેરિત પિતરે ભાઈ-બહેનોને એક અરજ કરી ને તેમણે ઉત્તેજન આપ્યું કે તેઓને મળેલી ભેટ કે આવડતનો ઉપયોગ કરીને બીજાઓનો જોશ વધારે. પિતરે લખ્યું, “ઈશ્વરે અનેક રીતે અપાર કૃપા બતાવીને દરેકને જુદી જુદી ભેટ આપી છે. એ માટે ઈશ્વરના સારા કારભારીઓ તરીકે એકબીજાની સેવા કરવા એ ભેટનો ઉપયોગ કરો.” (૧ પિત. ૪:૧૦) આપણે પણ આવડતનો પૂરેપૂરો ઉપયોગ કરીએ. આપણે એવું ન વિચારીએ કે એનાથી બીજાઓને ઈર્ષા થશે કે તેઓ નિરાશ થઈ જશે. પણ એના લીધે આપણે બડાઈ ન મારીએ. (૧ કોરીં. ૪:૬) આપણી આવડત તો યહોવા તરફથી એક ભેટ છે. એનો ઉપયોગ આપણે વાહ વાહ મેળવવા નહિ પણ ભાઈ-બહેનોને મદદ મળે એ માટે કરવો જોઈએ. (ફિલિ. ૨:૩) યહોવાની ઇચ્છા પૂરી કરવા આપણી આવડત અને તાકાતનો ઉપયોગ કરીશું તો તેમને મહિમા મળશે. એનાથી આપણને પણ ખુશી મળશે. w૨૨.૦૪ ૧૧-૧૨ ¶૭-૯

શનિવાર, માર્ચ ૨

“મારી આંખો ખોલો, જેથી હું તમારા નિયમમાંની અજાયબ વાતો સાફ સાફ જોઈ શકું.”—ગીત. ૧૧૯:૧૮.

ઈસુ પવિત્ર શાસ્ત્રના શિક્ષણને ખૂબ વહાલું ગણતા હતા. ગીતશાસ્ત્ર ૪૦:૮માં એ વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ત્યાં લખ્યું છે: “હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવામાં જ મારી ખુશી છે. તમારો નિયમ મારા દિલમાં છે.” એ કારણે ઈસુ ખુશ રહી શક્યા, વફાદારીથી યહોવાની ભક્તિ કરી શક્યા અને દરેક કામમાં સફળ થઈ શક્યા. જો આપણે પણ ઈશ્વરના શબ્દ બાઇબલને વાંચીશું અને એને વહાલું ગણીશું તો ખુશ રહી શકીશું અને દરેક કામમાં સફળ થઈ શકીશું. (ગીત. ૧:૧-૩) આપણે ઈસુના દાખલા પર અને તેમણે કહેલી વાતો પર ધ્યાન આપીએ. એને યાદ રાખીએ અને બાઇબલને વધારે સારી રીતે વાંચવાની કોશિશ કરીએ. બાઇબલનો કોઈ અહેવાલ સમજવા પ્રાર્થના કરીએ, ધીરે ધીરે વાંચીએ, સવાલો પૂછીએ અને નાની નાની નોંધ લઈએ. બાઇબલ વાંચીએ ત્યારે સમજશક્તિ વાપરીએ અને જે વાંચીએ એના પર ઊંડો વિચાર કરીએ. એ માટે સાહિત્યમાં સંશોધન કરી શકીએ. તેમ જ, સારા ઇરાદાથી બાઇબલ વાંચીશું તો એની વાતોને જીવનમાં લાગુ પાડી શકીશું. આ બધું ધ્યાનમાં રાખીશું તો બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવી શકીશું અને યહોવાની નજીક જઈ શકીશું.—ગીત. ૧૧૯:૧૭; યાકૂ. ૪:૮. w૨૩.૦૨ ૧૩ ¶૧૫-૧૬

રવિવાર, માર્ચ ૩

“મહેનતુ માણસની યોજનાઓ સફળ થાય છે.”—નીતિ. ૨૧:૫.

ધ્યેય રાખીએ અને પછી એને પૂરો કરવા મહેનત કરીએ. આપણે એ કઈ રીતે કરી શકીએ? કદાચ આપણે શીખવવાની કળામાં સુધારો કરવા માંગીએ છીએ. આપણે વાંચવાની અને શીખવવાની કળા પુસ્તિકાનો ધ્યાનથી અભ્યાસ કરી શકીએ. અઠવાડિયા દરમિયાન થતી સભામાં ટૉક મળે ત્યારે, કોઈ અનુભવી ભાઈને પોતાની ટૉક સંભળાવી શકીએ. પછી તેમની સલાહ લઈ શકીએ. ટૉકની પહેલેથી સારી તૈયારી કરીશું તો ભાઈ-બહેનો જોઈ શકશે કે આપણે મહેનતુ અને ભરોસાપાત્ર છીએ. (૨ કોરીં. ૮:૨૨) આપણને કદાચ કોઈ આવડત કેળવવી બહુ અઘરી લાગે. એવા સમયે હિંમત ન હારીએ, પણ મહેનત કરતા રહીએ. શું તિમોથી એક સારા વક્તા અને કુશળ શિક્ષક બની શક્યા? એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી. પણ આપણને ખાતરી છે કે પાઉલની સલાહ પાળીને તે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી શક્યા અને ભક્તિમાં વધારે કરી શક્યા.—૨ તિમો. ૩:૧૦. w૨૨.૦૪ ૨૪ ¶૮-૧૧

સોમવાર, માર્ચ ૪

“મેં એક જંગલી જાનવરને સમુદ્રમાંથી બહાર નીકળતું જોયું. એને દસ શિંગડાં અને સાત માથાં હતાં.”—પ્રકટી. ૧૩:૧.

સાત માથાંવાળું જંગલી જાનવર કોને રજૂ કરે છે? આપણને ખબર છે કે દાનિયેલ અધ્યાય ૭માં ચાર જાનવરો વિશે જણાવ્યું છે. એ જાનવરો અલગ અલગ સરકારોને રજૂ કરે છે. ત્યાં જણાવ્યું છે કે એક જાનવર દીપડા જેવું, બીજું રીંછ જેવું, ત્રીજું સિંહ જેવું અને ચોથા જાનવરને દસ શિંગડાં છે. પણ પ્રકટીકરણમાં જણાવેલું સાત માથાંવાળું જંગલી જાનવર એ ચારેય જાનવરો જેવું દેખાય છે. એનું શરીર દીપડા જેવું છે, એના પગ રીંછ જેવા, એનું મોં સિંહ જેવું અને એને દસ શિંગડાં છે. એનાથી ખબર પડે છે કે સાત માથાંવાળું જંગલી જાનવર એક જ સરકાર કે સામ્રાજ્યને દર્શાવતું નથી. પ્રેરિત યોહાને જણાવ્યું કે જંગલી જાનવર “દરેક કુળ, પ્રજા, બોલી અને દેશ પર” સત્તા ચલાવે છે. (પ્રકટી. ૧૩:૭) એ માહિતી પરથી સમજી શકીએ છીએ કે સાત માથાંવાળું જંગલી જાનવર એ બધી સરકારોને રજૂ કરે છે, જેઓએ હમણાં સુધી સત્તા ચલાવી છે. (સભા. ૮:૯) એનું બીજું એક કારણ એ છે કે બાઇબલમાં મોટા ભાગે દસની સંખ્યા કંઈક પૂરેપૂરું કે આખું હોય એને બતાવે છે. w૨૨.૦૫ ૯ ¶૬

મંગળવાર, માર્ચ ૫

“ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!”—પ્રકટી. ૨૧:૪.

હજાર વર્ષના રાજમાં કોને કોને આશીર્વાદ મળશે? સૌથી પહેલા મોટા ટોળાના લોકોને મળશે, જેઓ આર્માગેદનના યુદ્ધમાંથી બચી નીકળ્યા હશે. પછી નવી દુનિયામાં જો તેઓનાં બાળકો થશે, તો એ બાળકોને પણ આશીર્વાદ મળશે. પ્રકટીકરણ અધ્યાય ૨૦માં એ પણ જણાવ્યું છે કે મરણ પામેલા લોકોને પૃથ્વી પર પાછા જીવતા કરવામાં આવશે. (પ્રકટી. ૨૦:૧૧-૧૩) એમાં ‘સારા અને ખરાબ’ લોકોનો સમાવેશ થાય છે. “સારા” એટલે કે એવા લોકો, જેઓ મરણ સુધી યહોવાને વફાદાર હતા. “ખરાબ” એટલે કે એવા લોકો, જેઓને જીવતેજીવ યહોવા વિશે શીખવાની તક મળી ન હતી. (પ્રે.કા. ૨૪:૧૫; યોહા. ૫:૨૮, ૨૯) તો શું એનો અર્થ એવો થાય કે મરણ પામેલા બધા લોકોને હજાર વર્ષના રાજમાં પાછા જીવતા કરવામાં આવશે? ના એવું નથી. જે લોકોએ જાણીજોઈને યહોવાની ભક્તિ કરવાની તક જતી કરી, તેઓને ફરી જીવતા કરવામાં નહિ આવે. એ તક જતી કરીને તેઓએ સાબિત કર્યું કે તેઓ હંમેશ માટેના જીવનને લાયક નથી.—માથ. ૨૫:૪૬; ૨ થેસ્સા. ૧:૯; પ્રકટી. ૧૭:૮; ૨૦:૧૫. w૨૨.૦૫ ૧૮ ¶૧૬-૧૭

બુધવાર, માર્ચ ૬

“અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે.” —યોહા. ૬:૬૮.

પૃથ્વી પર યહોવાની શુદ્ધ ભક્તિ થઈ શકે એ માટે ઈસુ “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા સંગઠનને દોરે છે. આપણે એ અજોડ સંગઠનનો ભાગ છીએ. (માથ. ૨૪:૪૫) એ જાણીને આપણને કેવું લાગે છે? કદાચ આપણને પ્રેરિત પિતર જેવું લાગે. એ આપણે આજના વચનમાં જોઈ શકીએ, જે તેમણે ઈસુને કહ્યું હતું. જરા વિચારો, જો આપણે યહોવાના સંગઠનનો ભાગ ન હોત તો આપણું જીવન કેવું હોત. એ સંગઠન દ્વારા ઈસુ ખ્રિસ્ત આપણને યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવા અને યહોવાને વફાદાર રહેવા મદદ કરે છે. તે આપણને ખુશખબર સારી રીતે ફેલાવવાનું શીખવે છે. તેમ જ, “નવો સ્વભાવ” કેળવવા મદદ કરે છે, જેથી યહોવાને ખુશ કરી શકીએ. (એફે. ૪:૨૪) અઘરા સમયમાં ઈસુ આપણને માર્ગદર્શન આપે છે. દાખલા તરીકે, કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ ત્યારે દુનિયામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ઘણા લોકોને ખબર ન હતી કે તેઓએ શું કરવું અને શું ન કરવું. પણ ઈસુએ આપણને સંગઠન દ્વારા સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું, જેથી આપણે સલામત રહી શકીએ. w૨૨.૦૭ ૧૨ ¶૧૩-૧૪

ગુરુવાર, માર્ચ ૭

“જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.”—ફિલિ. ૧:૧૦.

યહોવાએ ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી કે તેઓ દરરોજ બાળકોને તેમના વિશે શીખવે. (પુન. ૬:૬, ૭) એક ઇઝરાયેલી માતા-પિતાને દિવસ દરમિયાન બાળકો સાથે યહોવા વિશે વાત કરવાની ઘણી તક મળતી હતી. એના લીધે તેઓ બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવી શકતાં હતાં. દાખલા તરીકે, એક પિતા વાવણી કે કાપણીનું કામ કરતા ત્યારે તેમનો દીકરો તેમને મદદ કરતો હતો. એક માતા કપડાં સીવવાં કે વણવાંનું કામ કરતા અથવા બીજાં કોઈ કામ કરતા ત્યારે તેમની દીકરી મદદ કરતી હતી. આમ માતા-પિતા બાળકો સાથે કલાકોના કલાકો વિતાવતાં હતાં. એ વખતે તેઓ વાત કરી શકતાં હતાં કે યહોવા કઈ રીતે ભલાઈ બતાવે છે અને તેઓના કુટુંબને મદદ કરે છે. ઘણાં માતા-પિતા અને બાળકોને દિવસ દરમિયાન એકબીજા માટે સમય કાઢવો અઘરું થઈ ગયું છે. માતા-પિતા કામધંધા પર હોય છે અને બાળકો સ્કૂલમાં. એટલે માતા-પિતાએ બાળકો સાથે વાત કરવા સમય કાઢવો જોઈએ.—એફે. ૫:૧૫, ૧૬. w૨૨.૦૫ ૨૮ ¶૧૦-૧૧

શુક્રવાર, માર્ચ ૮

“શું તમને ખબર નથી કે સત્યને માર્ગે ન ચાલતા લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ?”—૧ કોરીં. ૬:૯.

ગંભીર પાપ કરીને વ્યક્તિ ઈશ્વરનો નિયમ તોડે છે. એટલે તેણે યહોવાને પ્રાર્થના કરીને માફી માંગવી જોઈએ. એના વિશે વડીલોને જણાવવું જોઈએ. (ગીત. ૩૨:૫; યાકૂ. ૫:૧૪) એવા કિસ્સામાં વડીલો શું કરશે? આપણે જાણીએ છીએ કે ફક્ત યહોવા જ કોઈને પૂરી રીતે માફ કરી શકે છે. તે ઈસુના બલિદાનને આધારે એમ કરે છે. છતાં યહોવાએ વડીલોને જવાબદારી આપી છે કે તેઓ બાઇબલના સિદ્ધાંતોના આધારે નક્કી કરે કે પાપ કરનાર વ્યક્તિ મંડળમાં રહી શકે કે નહિ. (૧ કોરીં. ૫:૧૨) વડીલોને નિર્ણય લેવા આ સવાલો મદદ કરી શકે: શું એ વ્યક્તિએ જાણીજોઈને પાપ કર્યું છે? શું તેણે એ પાપ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે? શું તેણે વારંવાર એ પાપ કર્યું છે? ખાસ કરીને શું વ્યક્તિએ પોતાનાં કામોથી બતાવ્યું છે કે તેને દિલથી પસ્તાવો છે? શું એ વાતની કોઈ ખાતરી છે કે યહોવાએ તેને માફી આપી છે?—પ્રે.કા. ૩:૧૯. w૨૨.૦૬ ૯ ¶૪

શનિવાર, માર્ચ ૯

‘તમે સત્ય ચાહો.’—ઝખા. ૮:૧૯.

ઈસુએ શિષ્યોને અરજ કરી હતી કે તેઓ ન્યાયના માર્ગે ચાલે. (માથ. ૫:૬) એનો અર્થ થાય કે ઈશ્વરની નજરે જે ખરું અને શુદ્ધ છે, એ કરવાની ઝંખના રાખવી. અમને પૂરી ખાતરી છે કે તમે સત્ય અને ન્યાયને પ્રેમ કરો છો. તમે જૂઠાણાં અને દરેકેદરેક દુષ્ટ કામને ધિક્કારો છો. (ગીત. ૧૧૯:૧૨૮, ૧૬૩) જો કોઈ જૂઠું બોલે છે, તો તે શેતાનને અનુસરે છે, જે આ દુનિયાનો શાસક છે. (યોહા. ૮:૪૪; ૧૨:૩૧) શેતાન કોઈ પણ હિસાબે યહોવા ઈશ્વરનું પવિત્ર નામ બદનામ કરવા માંગે છે. એદન બાગમાં બળવો થયો ત્યારથી તે યહોવા વિશે જૂઠાણું ફેલાવી રહ્યો છે. તે એવું બતાવવા માંગે છે કે યહોવા સ્વાર્થી અને બેઈમાન રાજા છે, જે માણસોથી સારી વસ્તુઓ પાછી રાખે છે. (ઉત. ૩:૧, ૪, ૫) યહોવા વિશે જૂઠું બોલીને શેતાન આજે પણ લોકોનાં મનમાં ઝેર ભરી રહ્યો છે. જેઓ ‘સત્યને ચાહતા’ નથી, તેઓને શેતાન દરેક પ્રકારનાં ખોટાં કામ કરવા દોરી શકે છે.—રોમ. ૧:૨૫-૩૧. w૨૩.૦૩ ૨ ¶૩

રવિવાર, માર્ચ ૧૦

“[યહોવાનો] પ્રેમ કાયમ ટકે છે.”—ગીત. ૧૦૦:૫.

તમે ખોટી આદત છોડવા મહેનત કરતા હો, પણ કદાચ તમે ફરી એ ભૂલ કરી બેસો. તમને કદાચ થાય, ‘હું ક્યારે બાપ્તિસ્મા માટે યોગ્ય બનીશ?’ એ વિચારી વિચારીને કદાચ તમારી ધીરજ ખૂટી જાય અને તમને ગુસ્સો આવે. પણ હિંમત ન હારવા શેનાથી મદદ મળશે? એક ખાસ ગુણથી, એ છે યહોવા માટેનો પ્રેમ. તમને ખબર છે, તમારો સૌથી સારો ગુણ કયો છે? યહોવા માટેનો તમારો પ્રેમ. (નીતિ. ૩:૩-૬) ઈશ્વર માટેનો ગાઢ પ્રેમ તમને મુશ્કેલીઓ પાર કરવામાં મદદ કરશે. બાઇબલમાં ઘણી વાર જણાવ્યું છે કે યહોવા પોતાના ભક્તોને અતૂટ પ્રેમ બતાવે છે. એનો અર્થ થાય કે તે પોતાના લોકોને ક્યારેય છોડશે નહિ અને તેઓને હંમેશાં પ્રેમ બતાવતા રહેશે. યહોવાએ તમને તેમના જેવા બનાવ્યા છે. (ઉત. ૧:૨૬) તો તમે કઈ રીતે એવો પ્રેમ બતાવી શકો? સૌથી પહેલા, આભાર માનવાનું શીખો. (૧ થેસ્સા. ૫:૧૮) દરરોજ પોતાને પૂછો: ‘યહોવાએ મને કઈ રીતે પ્રેમ બતાવ્યો છે?’ પછી પ્રાર્થનામાં એ બાબતો માટે યહોવાનો આભાર માનો, જે તેમણે ખાસ તમારા માટે કરી છે. તમે મહેસૂસ કરો કે યહોવા તમને પ્રેમ કરે છે અને તમારા માટે સારાં કામો કરે છે. w૨૩.૦૩ ૧૨ ¶૧૭-૧૯

સોમવાર, માર્ચ ૧૧

“[ઈસુને] ખબર હતી કે લોકોનાં દિલમાં શું છે.”—યોહા. ૨:૨૫.

ઈસુ બારેબાર પ્રેરિતો સાથે પ્રેમથી અને માયાળુ રીતે વર્ત્યા. એમાંથી આપણે શું શીખી શકીએ? જો બીજાઓથી નારાજ થવાનું કારણ હોય, તોપણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે તેઓ ભૂલો કરે ત્યારે આપણે કઈ રીતે વર્તીએ છીએ. એવા સંજોગોમાં પણ આપણે પ્રેમ અને માયાળુ રીતે વર્તવાની જરૂર છે. જ્યારે કોઈ ભાઈ કે બહેનથી આપણને માઠું લાગે, ત્યારે આપણે પોતાને આ સવાલો પૂછી શકીએ: ‘તેમણે જે કર્યું એનાથી મને કેમ આટલું દુઃખ થાય છે? શું એવું છે કે ખામી મારામાં છે અને મારે સુધારો કરવાની જરૂર છે? શું જેનાથી મને દુઃખ પહોંચ્યું છે, એ કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? જો મારી પાસે નારાજ થવાનું યોગ્ય કારણ હોય, તોપણ શું હું પ્રેમ બતાવીને તેમને માફ કરી શકું છું?’ જેટલો વધારે પ્રેમ બતાવીશું, એટલો વધારે એ સાબિત કરવાનો મોકો મળશે કે આપણે ઈસુના ખરા શિષ્યો છીએ. ઈસુ પાસેથી એ પણ શીખી શકીએ કે આપણે ભાઈ-બહેનોને સમજવા જોઈએ. (નીતિ. ૨૦:૫) એ સાચી વાત છે કે ઈસુ લોકોનું દિલ વાંચી શકતા હતા, આપણે નથી વાંચી શકતા. પણ ભાઈ-બહેનોની કોઈ વાતથી ચીડ ચઢે ત્યારે આપણે ધીરજ બતાવી શકીએ છીએ. (એફે. ૪:૧, ૨; ૧ પિત. ૩:૮) જો તેઓને વધારે સારી રીતે સમજવાની કોશિશ કરીશું, તો ધીરજ બતાવવી સહેલું થઈ જશે. w૨૩.૦૩ ૨૯-૩૦ ¶૧૪-૧૬

મંગળવાર, માર્ચ ૧૨

“તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે.”—લૂક ૨૦:૩૮.

આપણે વધારે બીમાર હોઈએ ત્યારે શેતાન કદાચ આપણાં મનમાં મરણનો ડર ઊભો કરે. ડૉક્ટરો કે આપણું કુટુંબ જીવ બચાવવા લોહી લેવાનું દબાણ કરી શકે. કદાચ કોઈ આપણને એવી સારવાર લેવાનું કહે જેનાથી યહોવાના સિદ્ધાંતો તૂટતા હોય. આપણને કોઈને મરવું નથી. જો આપણે મરી જઈએ તોપણ યહોવા હંમેશાં આપણને પ્રેમ કરતા રહેશે. (રોમ. ૮:૩૭-૩૯) યહોવાના દોસ્તો ગુજરી જાય તોપણ તે ક્યારેય તેઓને ભૂલતા નથી. યહોવાની નજરમાં તેઓ જાણે હજીયે જીવે છે. (લૂક ૨૦:૩૭) તે પોતાના દોસ્તોને ફરી જીવતા કરવા આતુર છે. (અયૂ. ૧૪:૧૫) આપણને ‘હંમેશ માટેનું જીવન મળે’ એટલે યહોવાએ ઘણી મોટી કિંમત ચૂકવી. તેમણે આપણા માટે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપી દીધું. (યોહા. ૩:૧૬) આપણને પૂરી ખાતરી છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને આપણી બહુ સંભાળ રાખે છે. એટલે આપણે બીમાર હોઈએ કે લોકો આપણને ડરાવે-ધમકાવે ત્યારે યહોવાને છોડી ન દઈએ. એના બદલે તેમને અરજ કરીએ કે આપણને દિલાસો, સમજણ અને હિંમત આપે.—ગીત. ૪૧:૩. w૨૨.૦૬ ૧૮ ¶૧૬-૧૭

બુધવાર, માર્ચ ૧૩

“ખરી બુદ્ધિ ગલીએ ગલીએ પોકાર કરે છે.”—નીતિ. ૧:૨૦.

બાઇબલમાં જણાવ્યું છે: “યહોવાનો ડર બુદ્ધિની શરૂઆત છે, પરમ પવિત્ર ઈશ્વરનું જ્ઞાન લેવું એ સમજણ છે.” (નીતિ. ૯:૧૦) એટલે મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં આપણે એ વિશે યહોવાના વિચારો જાણવાની કોશિશ કરવી જોઈએ. એ કઈ રીતે કરી શકીએ? બાઇબલ અને એનાં સાહિત્ય વાંચીને. જો યહોવાના વિચારો જાણ્યા પછી એ પ્રમાણે નિર્ણય લઈશું, તો દેખાઈ આવશે કે આપણામાં ખરી બુદ્ધિ છે. (નીતિ. ૨:૫-૭) ખરી બુદ્ધિ ફક્ત યહોવા જ આપી શકે છે. (રોમ. ૧૬:૨૭) ચાલો એનાં ત્રણ કારણો જોઈએ: (૧) યહોવા સર્જનહાર છે. તેમણે બનાવેલી એકેએક વસ્તુ વિશે તે બધું જાણે છે. (ગીત. ૧૦૪:૨૪) (૨) યહોવાનાં કામોમાં તેમની બુદ્ધિ દેખાઈ આવે છે. (રોમ. ૧૧:૩૩) (૩) તેમની સલાહ પાળવાથી હંમેશાં ફાયદા થાય છે. (નીતિ. ૨:૧૦-૧૨) આ બધાનો વિચાર કરીશું તો ખાતરી થશે કે ખરી બુદ્ધિ ફક્ત યહોવા પાસેથી જ મળે છે. એટલે કોઈ પણ કામ કરતા પહેલાં કે નિર્ણય લેતા પહેલાં યહોવાના વિચારો જાણવાની કોશિશ કરીએ. w૨૨.૧૦ ૧૯ ¶૩-૪

ગુરુવાર, માર્ચ ૧૪

“સ્વર્ગમાં યુદ્ધ ફાટી નીકળ્યું: મિખાયેલ અને તેમના દૂતોએ અજગર સામે યુદ્ધ કર્યું. અજગર અને તેના દૂતોએ પણ યુદ્ધ કર્યું. પણ અજગર અને તેના દૂતો હારી ગયા. સ્વર્ગમાં તેઓ માટે હવે કોઈ જગ્યા રહી નહિ.”—પ્રકટી. ૧૨:૭, ૮.

પ્રકટીકરણ અધ્યાય ૧૨માં જણાવ્યું છે કે શેતાન અને તેના દુષ્ટ દૂતો હારી ગયા. તેઓને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. એ કારણે શેતાન ગુસ્સે ભરાયો છે. તે પૃથ્વીના લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. એટલે બાઇબલમાં જણાવ્યું છે કે ‘પૃથ્વીને અફસોસ!’ (પ્રકટી. ૧૨:૯-૧૨) આ ભવિષ્યવાણીઓ સમજવાથી આપણને કઈ રીતે ફાયદો થાય છે? દુનિયાની હાલત અને લોકોનું વલણ જોઈને ખબર પડે છે કે ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે અને પારખી શકીએ છીએ કે ઈસુ રાજા બની ગયા છે. જોકે દુનિયાની ખરાબ હાલત, દુષ્ટ અને સ્વાર્થી લોકોને જોઈને આપણે વધારે પડતી ચિંતા ન કરીએ. આપણે યાદ રાખીએ કે એ બધાનો અર્થ થાય કે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થઈ ગયું છે. (ગીત. ૩૭:૧) જેમ જેમ આર્માગેદન નજીક આવતું જશે, તેમ તેમ મુશ્કેલીઓ વધતી જશે. (માર્ક ૧૩:૮; ૨ તિમો. ૩:૧૩) પણ આપણે યહોવાનો કેટલો આભાર માનીએ છીએ કે તેમણે આપણને અંધારામાં રાખ્યા નથી. તે આપણને સમજવા મદદ કરે છે કે દુનિયામાં કેમ આટલી બધી મુશ્કેલીઓ છે. w૨૨.૦૭ ૩-૪ ¶૭-૮

શુક્રવાર, માર્ચ ૧૫

“નેક માણસે કરગરીને કરેલી પ્રાર્થનાની જોરદાર અસર થાય છે.” —યાકૂ. ૫:૧૬.

અમુક ભાઈ-બહેનો બીમારીઓ સામે ઝઝૂમે છે. બીજાં અમુક કુદરતી આફતોનો સામનો કરે છે. જ્યારે કે બીજાં ભાઈ-બહેનો એવા દેશમાં રહે છે, જ્યાં યુદ્ધો ચાલી રહ્યાં છે. કેટલાંક સતાવણીનો સામનો કરે છે. આપણે યહોવાને પ્રાર્થના કરીએ કે તેઓ મુશ્કેલીઓમાં ધીરજ રાખી શકે, હિંમતથી બધું સહન કરી શકે. આપણે એવાં ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરી શકીએ, જેઓ આફતના સમયે મદદ કરવા ખડે પગે તૈયાર રહે છે. શું તમે એવા કોઈ ભાઈ કે બહેનને ઓળખો છો જે તકલીફો સહી રહ્યા હોય? શું તમે પોતાની પ્રાર્થનામાં તેમને નામ દઈને યાદ કરી શકો? એમ કરીને બતાવી આપીએ છીએ કે આપણે ભાઈ-બહેનોને સાચો પ્રેમ કરીએ છીએ. આપણે આગેવાની લેતા ભાઈઓ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. આપણી પ્રાર્થનાથી તેઓને ઘણી મદદ મળે છે. તેઓ આપણી પ્રાર્થનાની ખૂબ કદર કરે છે. પ્રેરિત પાઉલ પણ ચાહતા હતા કે ભાઈ-બહેનો તેમના માટે પ્રાર્થના કરે. તેમણે લખ્યું: “મારા માટે પણ પ્રાર્થના કરો કે હું બોલું ત્યારે મને શબ્દો આપવામાં આવે, જેથી હું હિંમતથી ખુશખબરનું પવિત્ર રહસ્ય જાહેર કરી શકું.” (એફે. ૬:૧૯) પાઉલની જેમ આજે આગેવાની લેતા ભાઈઓ આપણા માટે ઘણું બધું કરે છે. આપણે તેઓને દિલથી પ્રેમ કરીએ છીએ. એટલે યહોવા તેઓની મહેનત પર આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. w૨૨.૦૭ ૨૩-૨૪ ¶૧૪-૧૬

શનિવાર, માર્ચ ૧૬

“ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.”—૧ થેસ્સા. ૫:૮.

યુદ્ધમાં સૈનિકો ટોપ પહેરે છે, એનાથી તેઓનાં માથાંનું રક્ષણ થાય છે. શેતાન આજે અલગ અલગ રીતે આપણા પર હુમલા કરે છે. તે ઘણી રીતે આપણને લલચાવે છે. તે ચાહે છે કે આપણે ખોટા વિચારો મનમાં લાવીએ. એટલે વિચારોનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. જેમ ટોપથી સૈનિકના માથાનું રક્ષણ થાય છે, તેમ આપણી આશાથી આપણા વિચારોનું રક્ષણ થાય છે. આમ યહોવાને વફાદાર રહી શકીએ છીએ. જો એ આશા ઝાંખી થતી જશે, તો પોતાની ઇચ્છાઓ પૂરી કરવામાં લાગી જઈશું અને યહોવાનાં વચનો ભૂલી જઈશું. પહેલી સદીમાં કોરીંથ મંડળનાં અમુક ભાઈ-બહેનો સાથે એવું જ થયું હતું. તેઓને લાગતું હતું કે મરી ગયેલાઓને ઉઠાડવામાં નહિ આવે. યહોવાના એ વચન પર તેઓને ભરોસો ન હતો. (૧ કોરીં. ૧૫:૧૨) પાઉલે લખ્યું કે જેઓ પાસે ભાવિની આશા નથી, તેઓ તો બસ આજ માટે જ જીવે છે. (૧ કોરીં. ૧૫:૩૨) આજે દુનિયામાં એવા ઘણા લોકો છે, જેઓને યહોવાનાં વચનો વિશે ખબર નથી. તેઓ પાસે કોઈ આશા નથી. એટલે તેઓ મોજમજામાં જ ડૂબેલા રહે છે. તેઓ વિચારે છે, ‘કાલ કોણે જોઈ છે? બસ આજે જ જીવી લો!’ પણ આપણે તેઓ જેવા નથી. કેમ કે આપણને યહોવાનાં વચનો પર પૂરો ભરોસો છે. w૨૨.૧૦ ૨૫-૨૬ ¶૮-૯

રવિવાર, માર્ચ ૧૭

“સતત પ્રાર્થના કરો.”—૧ થેસ્સા. ૫:૧૭.

યહોવા ચાહે છે કે આપણે તેમની સાથે વાત કરીએ. તેમને ખબર છે કે આપણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. એટલે તે ખાતરી આપે છે કે ભલે આપણે કોઈ પણ સમયે પ્રાર્થના કરીએ, તે જરૂર સાંભળશે. ભક્તો દિલ ખોલીને બધું જણાવે છે ત્યારે તેમને બહુ ગમે છે. (નીતિ. ૧૫:૮) જો તમને પણ એકલું એકલું લાગતું હોય, તો તમે શાના વિશે પ્રાર્થના કરી શકો? તમે યહોવા આગળ પ્રાર્થનામાં હૈયું ઠાલવી દો, તેમને બધું કહી દો. (ગીત. ૬૨:૮) તેમને જણાવો કે તમને કેવું લાગે છે. કઈ ચિંતાઓ તમને કોરી ખાય છે. એવી લાગણીઓ સામે લડવા યહોવા પાસે મદદ અને હિંમત માંગો. તમે સમજણ અને બુદ્ધિ પણ માંગી શકો, જેથી તેઓને સારી રીતે સમજાવી શકો અને તેઓને ખોટું પણ ન લાગે. (લૂક ૨૧:૧૪, ૧૫) જો તમે નિરાશાનાં વાદળોમાં ઘેરાઈ ગયા હો, તો કોઈ અનુભવી ભાઈ કે બહેન સાથે વાત કરવા યહોવા પાસે મદદ માંગો. એ ભાઈ કે બહેન માટે પણ પ્રાર્થના કરો કે તે તમારી લાગણી સમજી શકે. યહોવા તમારી પ્રાર્થનાઓનો કઈ રીતે જવાબ આપે છે એના પર ધ્યાન આપો. બીજાઓ સાથે વાત કરો અને તેઓની મદદ સ્વીકારો. w૨૨.૦૮ ૧૦ ¶૬

સોમવાર, માર્ચ ૧૮

“તેઓ સમ્રાટની આજ્ઞા વિરુદ્ધ વર્તે છે.”—પ્રે.કા. ૧૭:૭.

થેસ્સાલોનિકાના નવા મંડળે સખત વિરોધનો સામનો કર્યો. એક ટોળાના લોકો ‘ભાઈઓમાંથી અમુકને શહેરના અધિકારીઓ પાસે ઘસડી ગયા.’ (પ્રે.કા. ૧૭:૬) જરા વિચારો, આ બધું જોઈને ત્યાંનાં ભાઈ-બહેનો કેટલાં ડરી ગયાં હશે! પાઉલ ચાહતા ન હતા કે એના લીધે ભાઈ-બહેનો ભક્તિમાં ધીમાં પડી જાય. એટલે તેઓએ એક ગોઠવણ કરી. પાઉલે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને કહ્યું: ‘અમે આપણા ભાઈ તિમોથીને તમારી પાસે મોકલીએ છીએ કે તે તમારી શ્રદ્ધા મક્કમ કરવા તમને દૃઢ કરે અને તમને દિલાસો આપે, જેથી આ સતાવણીઓને લીધે કોઈ ડગે નહિ.’ (૧ થેસ્સા. ૩:૨, ૩) તિમોથીએ જોયું હશે કે લુસ્ત્રામાં પાઉલે કઈ રીતે ભાઈ-બહેનોને મક્કમ કર્યાં હતાં. એટલે તિમોથીએ પણ થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને ભરોસો અપાવ્યો હશે કે યહોવા તેઓની મદદ કરશે અને બધું ઠીક થઈ જશે.—પ્રે.કા. ૧૪:૮, ૧૯-૨૨; હિબ્રૂ. ૧૨:૨. w૨૨.૦૮ ૨૧ ¶૪

મંગળવાર, માર્ચ ૧૯

“આપણે તેમના દ્વારા જીવન મેળવીએ.”—૧ યોહા. ૪:૯.

વર્ષ ૧૮૭૦માં ભાઈ ચાર્લ્સ ટેઝ રસેલ અને બીજા અમુક બાઇબલ વિદ્યાર્થીઓ બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યા. તેઓને જાણવું હતું કે ઈસુએ કેમ પોતાનો જીવ આપી દીધો, તેમના બલિદાનથી શું શક્ય બન્યું અને તેમના મરણને કઈ રીતે યાદ કરવું જોઈએ. તેઓએ કરેલા સંશોધનથી આજે આપણને ઘણો ફાયદો થાય છે. કઈ રીતે? આપણને જાણવા મળ્યું કે કેમ ઈસુએ પોતાનો જીવ આપી દીધો અને તેમના બલિદાનથી શું શક્ય બન્યું. (૧ યોહા. ૨:૧, ૨) બાઇબલમાંથી આપણને એ પણ જાણવા મળ્યું કે જે લોકો યહોવાને વફાદાર રહેશે તેઓનું ભાવિ કેવું હશે. અમુક લોકોને સ્વર્ગમાં અમર જીવન મળશે અને બીજા લોકોને આ પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મળશે. યહોવાના અપાર પ્રેમ પર અને ઈસુના બલિદાનથી મળતા અઢળક આશીર્વાદો પર વિચાર કરીએ છીએ ત્યારે, આપણે યહોવાની વધારે નજીક જઈએ છીએ. (૧ પિત. ૩:૧૮) એટલે પહેલાંના સમયનાં વફાદાર ભાઈઓની જેમ આપણે બીજાઓને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપીએ છીએ અને ઈસુએ શીખવ્યું હતું એ રીતે સ્મરણપ્રસંગ રાખીએ છીએ. w૨૩.૦૧ ૨૧ ¶૬-૭

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (સૂર્યાસ્ત પછીના બનાવો: નીસાન ૯) માર્ક ૧૪:૩-૯

બુધવાર, માર્ચ ૨૦

“ખ્રિસ્ત બધા માટે મરી ગયા, એટલે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે ન જીવે, પણ જે તેઓ માટે મરી ગયા અને જીવતા થયા તેમના માટે જીવે.” —૨ કોરીં. ૫:૧૫.

ઈસુએ લોકોને જણાવ્યું કે ઈશ્વરના રાજ્યમાં કેવા આશીર્વાદો મળશે. આપણે ઈસુના બલિદાન માટે ઘણો આભાર માનીએ છીએ. એ બલિદાન દ્વારા આપણે યહોવા અને ઈસુ સાથે પાકી દોસ્તી કરી શકીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે ઈસુમાં શ્રદ્ધા મૂકવાથી જ હંમેશ માટેનું જીવન મેળવી શકીશું. એટલું જ નહિ, ગુજરી ગયેલાં સગાં-વહાલાંને ફરી મળી શકીશું. (યોહા. ૫:૨૮, ૨૯; રોમ. ૬:૨૩) યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે, એના બદલામાં આપણે તેઓને કંઈ પાછું નથી આપી શકતા. અરે, એ આશીર્વાદો મેળવવાને આપણે લાયક પણ નથી. (રોમ. ૫:૮, ૨૦, ૨૧) પણ આપણે તેઓ માટે કદર ચોક્કસ બતાવી શકીએ છીએ. એ કઈ રીતે? આપણે પણ પોતાનાં સમય અને સંપત્તિ યહોવાની ભક્તિમાં વાપરી શકીએ. દાખલા તરીકે, ભક્તિ માટે વપરાતી જગ્યાના બાંધકામમાં ભાગ લઈ શકીએ. એની સારસંભાળ રાખવામાં મદદ કરી શકીએ. w૨૩.૦૧ ૨૬ ¶૩; ૨૮ ¶૫

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૯) માર્ક ૧૧:૧-૧૧

ગુરુવાર, માર્ચ ૨૧

‘મેં ઘેટું જોયું. તેની સાથે ૧,૪૪,૦૦૦ લોકો હતા.’—પ્રકટી. ૧૪:૧.

ઈસુ અને ૧,૪૪,૦૦૦ રાજાઓ આખી ધરતી પર રાજ કરશે. તેઓ લાખો-કરોડો લોકોની સંભાળ રાખશે. ઈસુની જેમ ૧,૪૪,૦૦૦ લોકો પણ રાજાઓ અને યાજકો તરીકેની જવાબદારી સંભાળશે. (પ્રકટી. ૫:૧૦) પહેલાંના સમયમાં યહોવાએ ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યું હતું. એમાં ખાસ કરીને યાજકોને જણાવવામાં આવ્યું હતું કે તેઓ લોકોની તંદુરસ્તીનું ધ્યાન રાખે. તેઓએ એ પણ ધ્યાન રાખવાનું હતું કે લોકોનો યહોવા સાથેનો સંબંધ મજબૂત રહે. આપણે જાણીએ છીએ કે એ નિયમશાસ્ત્ર ‘આવનારા આશીર્વાદોનો ફક્ત પડછાયો’ હતું. એટલે આપણે કહી શકીએ કે ૧,૪૪,૦૦૦ લોકો યાજકો તરીકે ધ્યાન રાખશે કે પૃથ્વી પર બધા લોકો તંદુરસ્ત રહે. તેમ જ લોકોનો યહોવા સાથેનો સંબંધ મજબૂત રહે એનું પણ તેઓ ધ્યાન રાખશે. (હિબ્રૂ. ૧૦:૧) આપણને એ તો નથી ખબર કે એ રાજાઓ અને યાજકો, નવી દુનિયામાં ઈશ્વરના રાજ્યની પ્રજા સાથે કઈ રીતે વાત કરશે અથવા કઈ રીતે તેઓને માર્ગદર્શન આપશે. આપણે ભરોસો રાખી શકીએ કે યહોવાના લોકોને ખરું માર્ગદર્શન મળતું રહેશે.—પ્રકટી. ૨૧:૩, ૪. w૨૨.૧૨ ૧૧ ¶૧૧-૧૩

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૦) માર્ક ૧૧:૧૨-૧૯

શુક્રવાર, માર્ચ ૨૨

“આપણા માલિક ઈસુના આવતા સુધી તમે તેમનું મરણ જાહેર કરો છો.” —૧ કોરીં. ૧૧:૨૬.

બીજાઓને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવાનું એક કારણ કયું છે? આપણે ચાહીએ છીએ કે જેઓ પહેલી વાર સ્મરણપ્રસંગમાં આવે છે, તેઓ યહોવા અને ઈસુ વિશે શીખે. યહોવા અને ઈસુએ તેઓ માટે જે કર્યું છે, એ વિશે જાણે. (યોહા. ૩:૧૬) આપણે ચાહીએ છીએ કે સ્મરણપ્રસંગના પ્રવચનથી તેઓને વધારે શીખવાનું મન થાય અને તેઓ યહોવાના ભક્ત બને. યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દીધું હોય એવા લોકોને આપણે આમંત્રણ આપીએ છીએ. એનાથી આપણે તેઓને અહેસાસ કરાવી શકીએ છીએ કે યહોવા હજી તેઓને પ્રેમ કરે છે. એમાંના ઘણા લોકો આપણું આમંત્રણ સ્વીકારે છે અને સ્મરણપ્રસંગમાં આવે છે. તેઓને જોઈને આપણી ખુશી સમાતી નથી. સ્મરણપ્રસંગમાં આવીને તેઓને કદાચ જૂના દિવસો યાદ આવી જાય. યહોવાની ભક્તિ કરતા હતા એ સમયની મીઠી યાદો તાજી થઈ જાય. (ગીત. ૧૦૩:૧-૪) ભલે લોકો આવે કે ન આવે, આપણે પૂરા ઉત્સાહથી લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપતા રહીએ. આપણે યાદ રાખીએ કે યહોવા લોકોનું દિલ જુએ છે.—લૂક ૧૫:૭; ૧ તિમો. ૨:૩, ૪. w૨૩.૦૧ ૨૦ ¶૧; ૨૨-૨૩ ¶૯-૧૧

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૧) માર્ક ૧૧:૨૦–૧૨:૨૭, ૪૧-૪૪

શનિવાર, માર્ચ ૨૩

‘જેઓ યહોવાનો ડર રાખે છે તેઓ પર તેમની રહેમનજર છે.’ —ગીત. ૩૩:૧૮.

ઈસુએ મરણની આગલી રાતે એક ખાસ બાબત માટે પ્રાર્થના કરી. તેમણે શિષ્યોનું રક્ષણ કરવાની પિતા યહોવાને વિનંતી કરી. (યોહા. ૧૭:૧૫, ૨૦) ઈસુ જાણતા હતા કે યહોવા હંમેશાં પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે. તેઓની સંભાળ રાખે છે. પણ શેતાન આગળ જતાં શિષ્યોની આકરી સતાવણી કરવાનો હતો. એટલે ઈસુએ એ વિશે યહોવાને અરજ કરી. તે જાણતા હતા કે યહોવાની મદદથી જ શિષ્યો શેતાનના હુમલા સામે ટકી શકશે. શેતાનની દુનિયામાં આપણા પર ઘણી મુશ્કેલીઓ આવે છે. એટલે ક્યારેક નિરાશ થઈ જઈએ. યહોવાને વફાદાર રહેવું કોઈ વાર અઘરું લાગે. પણ આપણે ડરવાની જરૂર નથી, યહોવા આપણી સાથે છે. તે આપણી દરેક મુશ્કેલી વિશે જાણે છે. તેમની નજર બહાર કંઈ જતું નથી. તે મદદ કરવા હંમેશાં તૈયાર છે. એનાથી ખાતરી મળશે કે ‘જેઓ યહોવાનો ડર રાખે છે, તેઓ પર તેમની રહેમનજર છે. તે તેઓને મોતના પંજામાંથી છોડાવે છે.’—ગીત. ૩૩:૧૮-૨૦. w૨૨.૦૮ ૮ ¶૧-૨

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૨) માર્ક ૧૪:૧, ૨, ૧૦, ૧૧; માથ્થી ૨૬:૧-૫, ૧૪-૧૬

આજે સ્મરણપ્રસંગ
સૂર્ય આથમ્યા પછી છે
રવિવાર, માર્ચ ૨૪

“મારી યાદમાં આ કરતા રહો.”—લૂક ૨૨:૧૯.

દર વર્ષે સ્મરણપ્રસંગના આગળ-પાછળનાં અઠવાડિયાઓમાં આપણે ઈસુના બલિદાન પર ખાસ મનન કરીએ છીએ. તેમના બલિદાનથી આપણને કેટલા બધા આશીર્વાદો મળ્યા છે, એના પર વિચાર કરીએ છીએ. આપણે પ્રાર્થનામાં યહોવાનો આભાર પણ માનીએ છીએ. એમ કરીને આપણે ઈસુના બલિદાન માટે કદર બતાવીએ છીએ. એટલું જ નહિ, આપણે બને એટલા વધારે લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપીએ છીએ. આપણે પોતે પણ સ્મરણપ્રસંગમાં હાજર રહેવા પૂરી મહેનત કરીએ છીએ. એમાં હાજરી આપતા આપણને કંઈ પણ ન અટકાવે એનું ધ્યાન રાખીએ છીએ. સ્મરણપ્રસંગમાં આપણને જાણવા મળે છે કે માણસો માટે કેમ છુટકારાની કિંમત ચૂકવવામાં આવી. એક માણસના મરણથી કઈ રીતે લાખો લોકોને પાપોની માફી મળી શકે છે. આપણને એ પણ યાદ અપાવવામાં આવે છે કે રોટલી અને દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે. તેમ જ એ ખાવા-પીવામાં કોણ ભાગ લઈ શકે. (લૂક ૨૨:૧૯, ૨૦) નવી દુનિયામાં આપણને જે આશીર્વાદો મળવાના છે, એનો પણ વિચાર કરીએ છીએ. (યશા. ૩૫:૫, ૬; ૬૫:૧૭, ૨૧-૨૩) બાઇબલની આ વાતો ખૂબ જ કીમતી છે. એને આપણે મામૂલી ન ગણવી જોઈએ. w૨૩.૦૧ ૨૦ ¶૨, ૪

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૩) માર્ક ૧૪:૧૨-૧૬; માથ્થી ૨૬:૧૭-૧૯ (સૂર્યાસ્ત પછીના બનાવો: નીસાન ૧૪) માર્ક ૧૪:૧૭-૭૨

સોમવાર, માર્ચ ૨૫

‘ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તે હંમેશ માટેનું જીવન મેળવે.’ —યોહા. ૩:૧૬.

યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું, જેથી પૃથ્વી માટે તેમનો હેતુ પૂરો થાય. ઈસુએ ચૂકવેલી કિંમતને લીધે આપણને પાપોની માફી મળી શકે છે અને ભાવિમાં હંમેશ માટેનું જીવન મળી શકે છે. (માથ. ૨૦:૨૮) પ્રેરિત પાઉલે લખ્યું હતું: “જેમ એક માણસને લીધે મરણ આવ્યું, તેમ એક માણસને લીધે મરણમાંથી જીવતા કરવામાં આવશે. જેમ આદમને લીધે બધા મરે છે, તેમ ખ્રિસ્તને લીધે બધાને જીવતા કરવામાં આવશે.” (૧ કોરીં. ૧૫:૨૧, ૨૨) ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું કે ઈશ્વરનું રાજ્ય આવે અને પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી થાય એ માટે પ્રાર્થના કરો. (માથ. ૬:૯, ૧૦) પૃથ્વી માટે યહોવાની ઇચ્છા છે કે બધા માણસોને હંમેશ માટેનું જીવન મળે. એ ઇચ્છા પૂરી કરવા યહોવાએ ઈસુને પોતાના રાજ્યના રાજા બનાવ્યા છે. યહોવા પહેલી સદીથી ૧,૪૪,૦૦૦ લોકોને પણ ભેગા કરી રહ્યા છે, જેથી તેઓ ઈસુને સાથ આપે.—પ્રકટી. ૫:૯, ૧૦. w૨૨.૧૨ ૫ ¶૧૧-૧૨

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૪) માર્ક ૧૫:૧-૪૭

મંગળવાર, માર્ચ ૨૬

‘ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે. એટલે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે ન જીવે.’—૨ કોરીં. ૫:૧૪, ૧૫.

આપણા સગા-વહાલા કે દોસ્તનું મરણ થાય ત્યારે તેમની ખૂબ જ ખોટ સાલે છે. શરૂ શરૂમાં આપણે દુઃખી થઈએ કે તેમણે કેટલું રિબાવું પડ્યું હતું. પણ થોડા સમય પછી આપણને તેમની સાથે વિતાવેલો સારો સમય યાદ આવે. જેમ કે, તેમના મીઠા શબ્દો અથવા તે કઈ રીતે આપણો ઉત્સાહ વધારતા હતા એ યાદ આવે. તેમની એ વાત યાદ કરીને કદાચ આપણા ચહેરા પર એક સ્માઈલ આવી જાય. સ્મરણપ્રસંગના સમયગાળામાં આપણે ઈસુના મરણ વિશે વાંચીએ છીએ. તે કેટલું રિબાયા હતા એનો વિચાર કરીએ છીએ. એનાથી આપણું દિલ ભરાય આવે છે. પણ ઈસુએ પૃથ્વી પર કરેલાં કામો અને શીખવેલી વાતો પર વિચાર કરીએ છીએ ત્યારે, આપણને ઘણી ખુશી થાય છે. ઈસુનું બલિદાન કેટલું કીમતી છે, તે આજે શું કરી રહ્યા છે અને આવનાર સમયમાં તે શું કરશે, એના પર વિચાર કરવાથી આપણો ઉત્સાહ વધે છે.—૧ કોરીં. ૧૧:૨૪, ૨૫. w૨૩.૦૧ ૨૬ ¶૧-૨

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૫) માથ્થી ૨૭:૬૨-૬૬ (સૂર્યાસ્ત પછીના બનાવો: નીસાન ૧૬) માર્ક ૧૬:૧

બુધવાર, માર્ચ ૨૭

‘ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખો.’—માથ. ૬:૩૩.

ઈસુના મરણ પછી શિષ્યો બહુ દુઃખી હતા. તેઓએ પોતાનો જિગરી દોસ્ત ગુમાવ્યો હતો. એવું લાગે છે કે તેઓએ પોતાની આશા પણ ગુમાવી દીધી હતી. (લૂક ૨૪:૧૭-૨૧) પણ ઈસુ જીવતા થયા પછી શિષ્યોને મળ્યા. ખરેખર શિષ્યોની ખુશીનો પાર નહિ હોય. ઈસુએ તેઓને સમજાવ્યું કે તેમના બલિદાનથી કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ. તેમણે તેઓને મહત્ત્વનું કામ પણ સોંપ્યું. (લૂક ૨૪:૨૬, ૨૭, ૪૫-૪૮) ઈસુ સ્વર્ગમાં ગયા, એ સમય સુધીમાં શિષ્યોનાં દુઃખનાં આંસુ ખુશીઓમાં ફેરવાઈ ગયાં હતાં. તેઓ ખુશ હતા કે ઈસુ જીવે છે. તેઓ જાણતા હતા કે એ મહત્ત્વનું કામ પૂરું કરવા ઈસુ તેઓને મદદ કરશે. એ ખુશી અને આનંદને લીધે તેઓ યહોવાની સ્તુતિ કરતા રહ્યા. (લૂક ૨૪:૫૨, ૫૩; પ્રે.કા. ૫:૪૨) ઈસુના શિષ્યોના પગલે ચાલવા આપણે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખવું જોઈએ. જો આપણે એમ કરીશું અને વફાદારીથી તેમની ભક્તિ કરીશું, તો યહોવાએ પણ વચન આપ્યું છે કે તે પુષ્કળ આશીર્વાદ આપશે.—નીતિ. ૧૦:૨૨. w૨૩.૦૧ ૩૦-૩૧ ¶૧૫-૧૬

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૬) માર્ક ૧૬:૨-૮

ગુરુવાર, માર્ચ ૨૮

“પાછો ધૂળમાં ભળી જઈશ.”—ઉત. ૩:૧૯.

આદમ અને હવાએ તો મોટી ભૂલ કરી. પણ જો આપણે એવી કોઈ ભૂલ કરવાથી બચવું હોય તો શું કરવું જોઈએ? યહોવાને સારી રીતે ઓળખીએ. તેમના ગુણો વિશે શીખીએ. તેમના વિચારો જાણવાની કોશિશ કરીએ. એનાથી યહોવા માટેનો આપણો પ્રેમ વધતો જશે. ઇબ્રાહિમે પણ એવું જ કર્યું. તે યહોવાને બહુ પ્રેમ કરતા હતા. પણ અમુક વખતે તે યહોવાનો નિર્ણય સમજી ન શક્યા. એવા સમયે તે યહોવાની સામે ન થયા. પણ તેમણે એ જાણવાની કોશિશ કરી કે યહોવાએ કેમ એવો નિર્ણય લીધો. દાખલા તરીકે, યહોવાએ ઇબ્રાહિમને કીધું કે તે સદોમ અને ગમોરાહનો નાશ કરવાના છે. એ સાંભળીને ઇબ્રાહિમ ડરી ગયા. તેમણે વિચાર્યું કે શું ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ ખરાબ લોકોની સાથે સાથે નેક લોકોનો પણ નાશ કરશે? તેમને થયું, યહોવા તો આવું કરી જ ન શકે. એટલે તેમણે યહોવાને એક પછી એક સવાલો પૂછ્યા. યહોવાએ પણ ધીરજથી તેમના બધા સવાલોના જવાબ આપ્યા. એ બનાવથી ઇબ્રાહિમ યહોવાને વધારે સારી રીતે ઓળખી શક્યા. તે જોઈ શક્યા કે યહોવા લોકોનું દિલ જુએ છે. તે ક્યારેય નિર્દોષ લોકોને સજા નથી કરતા.—ઉત. ૧૮:૨૦-૩૨. w૨૨.૦૮ ૨૮ ¶૯-૧૦

શુક્રવાર, માર્ચ ૨૯

“વિશ્વાસુ માણસ ખાનગી વાતો ગુપ્ત રાખે છે.”—નીતિ. ૧૧:૧૩.

ઈ.સ. પૂર્વે ૪૫૫માં યરૂશાલેમની દીવાલો ફરી બાંધવામાં આવી. એના પછી રાજ્યપાલ નહેમ્યા એવા લોકોને શોધવા લાગ્યા, જેઓ શહેરની સારી રીતે સંભાળ રાખી શકે. તેમણે અમુક લોકોને એ જવાબદારી સોંપી. એમાંના એક હતા, કિલ્લાના અધિકારી હનાન્યા. ‘તે સૌથી વિશ્વાસુ હતા અને બીજા બધા કરતાં સાચા ઈશ્વરનો વધારે ડર રાખતા હતા.’ (નહે. ૭:૨) તે યહોવાને બહુ પ્રેમ કરતા હતા. યહોવા દુઃખી થાય એવું કોઈ કામ તે કરવા માંગતા ન હતા. એટલે તેમને જે જવાબદારી સોંપવામાં આવતી, એને સારી રીતે નિભાવતા. એમાં પોતાનો જીવ રેડી દેતા. આપણે પણ યહોવાને પ્રેમ કરીશું અને તેમનો ડર રાખીશું તો જવાબદારીઓ સારી રીતે નિભાવી શકીશું. ભાઈ-બહેનો પણ આપણા પર ભરોસો કરી શકશે. આપણે તુખિકસ પાસેથી પણ ઘણું શીખી શકીએ. તે પાઉલના પાકા દોસ્ત હતા. તુખિકસે પાઉલને ઘણી મદદ કરી હતી. એટલે પાઉલે તેમને “વિશ્વાસુ સેવક” કહ્યા. (એફે. ૬:૨૧, ૨૨) પાઉલને તુખિકસ પર પૂરો ભરોસો હતો. તેમણે તુખિકસને અમુક જવાબદારીઓ સોંપી. એફેસસ અને કોલોસીનાં મંડળોને પત્રો પહોંચાડવાનું કામ સોંપ્યું. એટલું જ નહિ, ત્યાંનાં ભાઈ-બહેનોને ઉત્તેજન અને દિલાસો આપવાનું પણ કીધું. આજે તુખિકસની જેમ આપણી પાસે પણ ઘણા ભરોસાપાત્ર ભાઈઓ છે. તેઓ યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત કરવા ઘણી મદદ કરે છે.—કોલો. ૪:૭-૯. w૨૨.૦૯ ૯-૧૦ ¶૫-૬

શનિવાર, માર્ચ ૩૦

“પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.”—૧ પિત. ૪:૮.

યૂસફ પર ૧૩ વર્ષ સુધી એક પછી એક મુશ્કેલીઓ આવી. એવા સમયે તે વિચારી શક્યા હોત, ‘શું યહોવા મને ખરેખર પ્રેમ કરે છે? શું તેમણે મને છોડી દીધો છે? હમણાં તો મને તેમની સૌથી વધારે જરૂર છે.’ પણ યૂસફે મનમાં કડવાશ ભરી ન રાખી. તેમણે સમજી-વિચારીને પગલાં ભર્યાં અને મન શાંત રાખ્યું. એકવાર તેમની પાસે તક હતી તોપણ તેમણે ભાઈઓ સામે બદલો ન લીધો. તે પોતાના ભાઈઓને બહુ પ્રેમ કરતા હતા. એટલે તેમણે તેઓને માફ કરી દીધા અને તેઓ સાથે સારી રીતે વર્ત્યા. (ઉત. ૪૫:૪, ૫) તે કેમ એવું કરી શક્યા? તે ફક્ત પોતાની મુશ્કેલીઓ વિશે જ વિચારતા ન રહ્યા. પણ યહોવા શું ચાહે છે, એના પર તેમણે વિચાર કર્યો. (ઉત. ૫૦:૧૯-૨૧) યૂસફ પાસેથી આપણે શું શીખી શકીએ? આપણને લાગે કે કોઈએ આપણી સાથે ખોટું કર્યું છે તો યહોવાથી નારાજ ન થઈ જઈએ. એવું ન વિચારીએ કે યહોવાએ આપણને છોડી દીધા છે. પણ વિચારીએ કે આ મુશ્કેલ ઘડીમાં તે કઈ રીતે આપણી પડખે રહે છે. જેમનાથી ખોટું લાગ્યું હોય તેમને માફ કરી દઈએ. યાદ રાખીએ કે “પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.” w૨૨.૧૧ ૨૧ ¶૪

રવિવાર, માર્ચ ૩૧

“બધી સત્તાઓ તેઓની સેવા કરશે અને તેઓને આધીન રહેશે.”—દાનિ. ૭:૨૭.

દાનિયેલ પ્રબોધકે અમુક દર્શનો જોયા હતા. એ દર્શનોથી ખબર પડે છે કે યહોવા બાકી બધા અધિકારીઓ કરતાં સર્વોપરી છે. દાનિયેલે દર્શનમાં ચાર મોટાં મોટાં જાનવરો જોયાં. એ જાનવરો અલગ અલગ મહાસત્તાને દર્શાવે છે. જેમ કે, બાબેલોન, માદાય-ઈરાન, ગ્રીસ, રોમ અને રોમમાંથી આવેલી મહાસત્તા એટલે કે બ્રિટન-અમેરિકા, જે આજે રાજ કરે છે. (દાનિ. ૭:૧-૩, ૧૭) પછી દાનિયેલે જોયું કે યહોવા પોતાની રાજગાદી પર બિરાજમાન છે. તેમની આગળ અદાલત ભરાઈ. (દાનિ. ૭:૯, ૧૦) યહોવા માણસોની સરકારો પાસેથી રાજ કરવાનો હક લઈ લેશે. તે એવા લોકોને રાજાઓ બનાવશે, જેઓ વધારે શક્તિશાળી છે અને એ અધિકાર મેળવવાને લાયક છે. તે કોને અધિકાર આપશે? “માણસના દીકરા જેવા કોઈને,” એટલે કે ઈસુ ખ્રિસ્તને અને ‘સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોને’ એટલે કે ૧,૪૪,૦૦૦ લોકોને. તેઓ “યુગોના યુગો” રાજ કરશે. (દાનિ. ૭:૧૩, ૧૪, ૧૮) ફક્ત યહોવા જ ‘સર્વોપરી ઈશ્વર’ છે! દાનિયેલે પહેલાં પણ લખ્યું હતું કે યહોવા કોઈની પાસેથી પણ અધિકાર લઈને બીજા કોઈને આપી શકે છે. તેમણે લખ્યું: ‘સ્વર્ગના ઈશ્વર રાજાઓને સિંહાસન પર બેસાડે છે અને એના પરથી હટાવી દે છે.’—દાનિ. ૨:૧૯-૨૧. w૨૨.૧૦ ૧૪-૧૫ ¶૯-૧૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો