ફેબ્રુઆરી
ગુરુવાર, ફેબ્રુઆરી ૧
“જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો, એવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.” —યોહા. ૧૫:૧૨.
આજના વચનનો શું અર્થ થાય? ઈસુએ સમજાવ્યું તેમ, શિષ્યોએ પોતાના કરતાં બીજાઓને વધારે પ્રેમ કરવાનો હતો, એવો પ્રેમ જે જરૂર પડ્યે બીજા ઈશ્વરભક્તો માટે પોતાનો જીવ આપવા પણ પ્રેરે. બાઇબલમાં પ્રેમના ગુણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. ઘણા લોકોની મનપસંદ કલમો પ્રેમ પર છે. જેમ કે, “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) “તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.” (માથ. ૨૨:૩૯) “પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.” (૧ પિત. ૪:૮) “પ્રેમ કાયમ ટકી રહે છે.” (૧ કોરીં. ૧૩:૮) આ અને આના જેવી કલમો બતાવે છે કે આ સુંદર ગુણ કેળવવો અને બીજાઓને બતાવવો ખૂબ જ જરૂરી છે. પ્રેમનો સ્રોત યહોવા છે. જેઓ પર તેમની પવિત્ર શક્તિ છે અને તેમની કૃપા છે, તેઓ વચ્ચે જ સાચો પ્રેમ છે. (૧ યોહા. ૪:૭) એટલે જ ઈસુએ કહ્યું હતું કે તેમના ખરા શિષ્યો વચ્ચે સાચો પ્રેમ જોવા મળશે. જેમ ઈસુએ કહ્યું હતું, તેમ સાચા ઈશ્વરભક્તો વચ્ચેનો પ્રેમ જોઈને ઘણા લોકો પારખી શક્યા કે તેઓ જ ઈસુના ખરા શિષ્યો છે. w૨૩.૦૩ ૨૭-૨૮ ¶૫-૮
શુક્રવાર, ફેબ્રુઆરી ૨
“તારાં પાપ માફ કરાયાં છે.”—લૂક ૭:૪૮.
શું તમે માફી આપવાનો ગુણ કેળવવા માંગો છો? બાઇબલમાં એવા ઘણા લોકોના દાખલા છે જેઓએ બીજાને માફ કર્યા હતા. એમાં એવા લોકોના દાખલા પણ છે જેઓએ બીજાને માફ કર્યા ન હતા. માફીનો ગુણ કેળવવા એ દાખલાઓ પર આપણે મનન કરી શકીએ. ઈસુના દાખલાનો વિચાર કરીએ. તેમણે લોકોને દિલથી માફ કર્યા હતા. (લૂક ૭:૪૭) ઈસુએ તેઓની ભૂલો પર નહિ, પણ આગળ જતાં તેઓ સારું કરી શકે છે એ વાત પર ધ્યાન આપ્યું. જોકે ઈસુના સમયના ફરોશીઓ બીજા લોકોને નીચા ગણતા હતા અને તેઓ “કંઈ જ નથી” એવું માનતા હતા. (લૂક ૧૮:૯) એ દાખલાઓ પર મનન કર્યા પછી આપણે વિચારી શકીએ, ‘શું હું બીજાઓની ભૂલો પર ધ્યાન આપું છું કે પછી તેઓના સારા ગુણોનો વિચાર કરું છું?’ કોઈ વ્યક્તિને માફ કરવું અઘરું લાગે તો આપણે તેના સારા ગુણોનું એક લિસ્ટ બનાવી શકીએ. પછી વિચાર કરી શકીએ, ‘મારી જગ્યાએ ઈસુ હોત તો, તેમણે શું કર્યું હોત? શું તેમણે એ વ્યક્તિને માફ કરી હોત?’ એ રીતે અભ્યાસ કરવાથી આપણે વિચારોમાં ફેરફાર કરી શકીશું. શરૂઆતમાં બીજાઓને માફ કરવું આપણને અઘરું લાગી શકે. પણ એ ગુણ કેળવવા મહેનત કરતા જઈશું તો આપણે સહેલાઈથી બીજાઓને માફ કરી શકીશું. w૨૨.૦૪ ૨૩ ¶૬
શનિવાર, ફેબ્રુઆરી ૩
‘ઈસુએ દૂત મોકલીને દૃશ્યથી એ પ્રકટીકરણ બતાવ્યું.’—પ્રકટી. ૧:૧.
પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલાં જંગલી જાનવરો, ઈશ્વરના દુશ્મનોને રજૂ કરે છે. દાખલા તરીકે, ‘એક જંગલી જાનવર સમુદ્રમાંથી બહાર નીકળે છે. એને દસ શિંગડાં અને સાત માથાં છે.’ (પ્રકટી. ૧૩:૧) એના પછી ‘બીજું એક જંગલી જાનવર પૃથ્વીમાંથી નીકળે છે.’ એ અજગરની જેમ બોલે છે અને ‘આકાશમાંથી અગ્નિ વરસાવે છે.’ (પ્રકટી. ૧૩:૧૧-૧૩) પછી એક ‘લાલ રંગનું જંગલી જાનવર’ દેખાય છે જેના પર એક વેશ્યા બેઠી છે. આ ત્રણેય જંગલી જાનવરો યહોવાના દુશ્મનોને રજૂ કરે છે, જેઓ લાંબા સમયથી યહોવા અને તેમના રાજ્ય વિરુદ્ધ લડી રહ્યા છે. એટલે એ દુશ્મનોની ઓળખ મેળવવી આપણા માટે ખૂબ જરૂરી છે. (પ્રકટી. ૧૭:૧, ૩) એ માટે, આપણે જાણવું પડશે કે એ જંગલી જાનવરો અને વેશ્યા કોને રજૂ કરે છે. બાઇબલમાંથી જ એ વિશે જાણવા મળશે. પ્રકટીકરણમાં આપેલાં ઘણાં દૃશ્યો વિશે બાઇબલનાં બીજાં પુસ્તકોમાં પહેલેથી જ માહિતી આપી છે. w૨૨.૦૫ ૮-૯ ¶૩-૪
રવિવાર, ફેબ્રુઆરી ૪
‘તું પૂરા દિલથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.’—માથ. ૨૨:૩૭.
અમુક ભાઈ-બહેનો વધતી ઉંમર કે બીમારીને લીધે યહોવાની ભક્તિમાં વધારે કરી શકતાં નથી. એટલે તેઓ નિરાશામાં ડૂબી જાય છે. જો ઉંમર કે તબિયતને લીધે ભક્તિમાં વધારે ન કરી શકતા હોઈએ, તો કદાચ નિરાશ થઈ જઈએ. એવા સમયે યાદ રાખીએ કે યહોવા આપણી પાસે કઈ આશા રાખે છે. તે ચાહે છે કે આપણે સંજોગો પ્રમાણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ. કલ્પના કરો, એક બહેન ૮૦ વર્ષનાં છે. તે ૪૦ વર્ષનાં હતાં ત્યારે જેટલો પ્રચાર કરી શકતાં હતાં, એટલો હમણાં નથી કરી શકતાં. એ વિચારી વિચારીને તે નિરાશ થઈ જાય છે. ખરું કે હમણાં તે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરે છે. પણ તેમને લાગે છે કે યહોવા તેમનાથી ખુશ નથી. શું એ સાચું છે? બહેન ૪૦ વર્ષનાં હતાં ત્યારે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા હતાં. હમણાં બહેન ૮૦ વર્ષનાં છે ત્યારે પણ તે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરે છે. એ બતાવે છે કે તેમણે હંમેશાં પોતાનાથી બનતું બધું કર્યું. જો આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીશું, તો તે ખુશ થશે અને આપણને કહેશે, “શાબાશ!” (માથ્થી ૨૫:૨૦-૨૩ સરખાવો) આપણે જે કરી શકીએ છીએ એના પર ધ્યાન આપીએ, જે નથી કરી શકતા એના પર નહિ. એવું કરીશું તો ખુશ રહી શકીશું. w૨૨.૦૪ ૧૦ ¶૨; ૧૧ ¶૪-૬
સોમવાર, ફેબ્રુઆરી ૫
‘મેં પવિત્ર શહેર, નવું યરૂશાલેમ જોયું.’—પ્રકટી. ૨૧:૨.
પ્રકટીકરણ અધ્યાય ૨૧માં ૧,૪૪,૦૦૦ લોકોને એક અતિ સુંદર શહેર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. એ શહેરનું નામ છે “નવું યરૂશાલેમ.” એ શહેર પાયાના ૧૨ પથ્થરો પર ઊભું છે. “એ ૧૨ પથ્થરો પર ઘેટાના ૧૨ પ્રેરિતોનાં નામ” લખ્યાં છે. (પ્રકટી. ૨૧:૧૦-૧૪; એફે. ૨:૨૦) એ શહેરની રોનક કંઈક અલગ જ છે. એ શહેરનો આકાર ચોરસ છે. એનો મુખ્ય રસ્તો શુદ્ધ સોનાથી બનેલો છે. એના ૧૨ દરવાજા મોતીના છે. એની દીવાલો અને પાયાના પથ્થરો કીમતી રત્નોથી શણગારેલાં છે. (પ્રકટી. ૨૧:૧૫-૨૧) પણ યોહાનને એ શહેરમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. તે કહે છે: “મેં એ શહેરમાં મંદિર જોયું નહિ, કેમ કે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા શહેરનું મંદિર છે અને ઘેટું પણ એનું મંદિર છે. શહેરને પ્રકાશ માટે સૂર્ય કે ચંદ્રની જરૂર નથી. ઈશ્વરનું ગૌરવ એમાં અજવાળું ફેલાવે છે અને એ શહેરનો દીવો ઘેટું છે.” (પ્રકટી. ૨૧:૨૨, ૨૩) ૧,૪૪,૦૦૦ લોકો સ્વર્ગમાં યહોવા સાથે હશે. એટલે તેઓને મંદિરની જરૂર નહિ પડે. (પ્રકટી. ૨૨:૩, ૪) વધુમાં ઈસુ સ્વર્ગમાં પ્રમુખ યાજક છે. એટલે તેઓ ઈસુની આગેવાની હેઠળ યહોવાની પવિત્ર ભક્તિ કરી શકશે.—હિબ્રૂ. ૭:૨૭. w૨૨.૦૫ ૧૭ ¶૧૪-૧૫
મંગળવાર, ફેબ્રુઆરી ૬
“એકબીજાનું સહન કરો અને . . . એકબીજાને દિલથી માફ કરો. જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.”—કોલો. ૩:૧૩.
યહોવા આપણા સર્જનહાર છે. તેમણે આપણને નિયમો આપ્યા છે અને તે ન્યાયાધીશ છે. (ગીત. ૧૦૦:૩; યશા. ૩૩:૨૨) એટલે આપણને માફ કરવાનો તેમની પાસે પૂરો અધિકાર છે. તે આપણા પિતા છે. તે આપણને ખૂબ પ્રેમ કરે છે. એટલે આપણા પાપ માટે દિલથી પસ્તાવો કરીએ તો તે માફ કરવા તૈયાર છે. (ગીત. ૮૬:૫) તેમણે યશાયા પ્રબોધક પાસે જે લખાવ્યું એનાથી આપણો ભરોસો મજબૂત થાય છે. તેમણે વચન આપ્યું: “ભલે તમારાં પાપ લાલ રંગનાં હોય, તોપણ એ બરફ જેવા સફેદ થઈ જશે.” (યશા. ૧:૧૮) આપણે બધા પાપી છીએ એટલે એવું કંઈક બોલી અથવા કરી બેસીએ છીએ જેનાથી બીજાઓને દુઃખ પહોંચે છે. (યાકૂ. ૩:૨) પણ જો બીજાઓ સાથે મતભેદ થઈ જાય તો એકબીજાને માફ કરવા જોઈએ. એમ કરીશું તો બધા સાથે હળી-મળીને રહી શકીશું. (નીતિ. ૧૭:૯; ૧૯:૧૧; માથ. ૧૮:૨૧, ૨૨) યહોવા ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ. કેમ કે તે આપણને ‘દિલથી માફ કરે છે.’—યશા. ૫૫:૭. w૨૨.૦૬ ૮ ¶૧-૨
બુધવાર, ફેબ્રુઆરી ૭
“શ્રદ્ધા અને ધીરજ રાખવાને લીધે જેઓ વચનોના વારસ છે, તેઓને પગલે ચાલો.” —હિબ્રૂ. ૬:૧૨.
આપણે બીજાઓ સાથે સરખામણી કરવી ન જોઈએ. પણ યહોવાના વફાદાર ભક્તોના સારા દાખલાઓમાંથી શીખવું જોઈએ. ઈસુએ આપણા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. ઈસુ ભૂલો કરતા ન હતા, આપણે તો ભૂલો કરીએ છીએ તોપણ તેમના પગલે ચાલી શકીએ છીએ. તેમના સારા ગુણો અને કામોમાંથી ઘણું શીખી શકીએ છીએ. (૧ પિત. ૨:૨૧) આપણે ઈસુના પગલે ચાલવાની પૂરી કોશિશ કરવી જોઈએ. એમ કરીશું તો, પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી શકીશું. બાઇબલમાં ઘણા વફાદાર ભક્તોના દાખલા છે. તેઓથી પણ ભૂલો થતી હતી, તોપણ આપણે તેઓને અનુસરી શકીએ છીએ. ચાલો દાઉદ રાજાનો દાખલો જોઈએ. તેમણે અમુક ગંભીર પાપ કર્યાં હતાં, તોપણ યહોવાએ તેમના વિશે કહ્યું કે તે “મારું દિલ ખુશ કરે છે.” (પ્રે.કા. ૧૩:૨૨) યહોવાએ કેમ એવું કહ્યું? દાઉદે પોતાના બચાવમાં બહાનાં કાઢ્યાં નહિ. તેમણે ઠપકો સ્વીકાર્યો અને દિલથી પસ્તાવો કર્યો. એટલે યહોવાએ તેમને માફ કર્યા.—ગીત. ૫૧:૩, ૪, ૧૦-૧૨. w૨૨.૦૪ ૧૩ ¶૧૧-૧૨
ગુરુવાર, ફેબ્રુઆરી ૮
“માણસ પોતાનો જીવ બચાવવા પોતાનું બધું જ આપી દેશે.”—અયૂ. ૨:૪.
આપણા બધાનાં મનમાં મરણનો ડર છે. આપણને કે આપણા કુટુંબમાં કોઈને ગંભીર બીમારી થાય ત્યારે ચિંતાનાં વાદળોમાં ઘેરાઈ જઈએ છીએ. બાઇબલમાં જણાવ્યું છે કે મરણ આપણો દુશ્મન છે. (૧ કોરીં. ૧૫:૨૫, ૨૬) પણ આપણને કેમ મરણનો ડર લાગે છે? કેમ કે યહોવાએ આપણને હંમેશાં જીવવાની ઇચ્છા સાથે બનાવ્યા છે. (સભા. ૩:૧૧) આપણને મરવું ગમતું નથી. એટલે આપણે તબિયતનું ધ્યાન રાખીએ છીએ. આપણે સારો ખોરાક લઈએ છીએ, કસરત કરીએ છીએ. બીમાર પડીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ, દવા લઈએ છીએ. આપણો જીવ જોખમમાં મૂકાય એવું કંઈ પણ કરવાનું ટાળીએ છીએ. શેતાન જાણે છે કે બધાને પોતાનો જીવ બહુ વહાલો છે. તે દાવો કરે છે કે જીવ બચાવવા આપણે કોઈ પણ હદે જઈશું. યહોવા સાથેની આપણી દોસ્તી પણ દાવ પર લગાડી દઈશું. (અયૂ. ૨:૫) શેતાનનો એ દાવો એકદમ ખોટો છે! પણ બાઇબલમાં જણાવ્યું છે કે શેતાન ‘મરણ પર સત્તા ધરાવે છે.’ (હિબ્રૂ. ૨:૧૪, ૧૫) એટલે તે મરણના ડરનો ફાયદો ઉઠાવીને આપણને યહોવાથી દૂર કરવાની કોશિશ કરે છે. w૨૨.૦૬ ૧૮ ¶૧૫-૧૬
શુક્રવાર, ફેબ્રુઆરી ૯
“સૂર્ય આથમે ત્યાં સુધી ગુસ્સે ન રહો.”—એફે. ૪:૨૬.
પ્રતિબંધ વખતે કદાચ આપણે નાના ગ્રૂપમાં મળવું પડે. એવા સમયે ખૂબ જરૂરી છે કે આપણે એકબીજા સાથે સંપીને રહીએ, શાંતિ જાળવીએ. આપણે યાદ રાખીએ કે આપણી લડાઈ શેતાન સામે છે, ભાઈ-બહેનો સામે નહિ. ભાઈ-બહેનોની ભૂલોને જતી કરીએ. કોઈ મતભેદ થાય તો એને તરત થાળે પાળીએ. (નીતિ. ૧૯:૧૧) એકબીજાને મદદ કરવા પહેલ કરીએ. (તિત. ૩:૧૪) એક બહેનને પ્રચાર ગ્રૂપનાં ભાઈ-બહેનોએ સાથે મળીને મદદ કરી. એની સારી અસર આખા ગ્રૂપ પર પડી. એના લીધે તેઓ એકબીજાની વધારે નજીક આવ્યાં. તેઓ જાણે એક કુટુંબ બની ગયાં. (ગીત. ૧૩૩:૧) ભલે સરકારો કેટલાં પણ નિયંત્રણ મૂકે, આપણાં હજારો ભાઈ-બહેનો યહોવાની ભક્તિ કરવાનું છોડતાં નથી. શ્રદ્ધાને લીધે અમુકને જેલ થાય છે. આપણે તેઓ માટે અને તેઓનાં કુટુંબ માટે પ્રાર્થના કરીએ. (કોલો. ૪:૩, ૧૮) જેલમાં છે એવાં ભાઈ-બહેનોને બીજાં ઘણાં ભાઈ-બહેનો બનતી બધી મદદ કરે છે. તેઓને ખબર છે કે એમ કરવાને લીધે તેઓને પણ જેલ થઈ શકે છે. તેમ છતાં તેઓ હિંમતથી મદદ કરે છે. જેલમાં પણ ભાઈ-બહેનો અડગ શ્રદ્ધા રાખી શકે એ માટે તેઓ ઉત્તેજન આપે છે. તેઓ જેલમાં ભાઈ-બહેનોને જરૂરી ચીજવસ્તુઓ મોકલે છે. તેઓ કોર્ટમાં પણ ભાઈ-બહેનોના પક્ષે ઊભાં રહે છે. હિંમતથી મદદ કરતા એ ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરીએ. પ્રાર્થનાની જબરદસ્ત અસર થાય છે. એની તાકાતને ઓછી ન આંકીએ!—૨ થેસ્સા. ૩:૧, ૨; ૧ તિમો. ૨:૧, ૨. w૨૨.૧૨ ૨૬ ¶૧૫-૧૬
શનિવાર, ફેબ્રુઆરી ૧૦
“ઓ બીજાને શીખવનાર, તું પોતાને કેમ શીખવતો નથી?”—રોમ. ૨:૨૧.
બાળકો મોટા ભાગે માતા-પિતાને જોઈને શીખે છે. પણ માતા-પિતાથી ભૂલો તો થતી હોય છે. (રોમ. ૩:૨૩) તોપણ બાળકો આગળ સારો દાખલો બેસાડવા તેઓએ પૂરી મહેનત કરવી જોઈએ. એક ભાઈ કહે છે, “જેમ સ્પંજ આજુબાજુનું બધું શોષી લે છે, તેમ બાળકો પણ આપણે જે કહીએ કે કરીએ એવું જ કરે છે. જે શીખવીએ એ પ્રમાણે પોતે નહિ કરીએ તો, તેઓ તરત પારખી જશે.” આપણે ચાહીએ છીએ કે આપણાં બાળકો યહોવાને પ્રેમ કરે. એટલે જરૂરી છે કે સૌથી પહેલા આપણે પોતે યહોવા માટે ઊંડો પ્રેમ કેળવીએ. એ પ્રેમ આપણાં વાણી-વર્તનમાં પણ દેખાઈ આવવો જોઈએ. માતા-પિતા અલગ અલગ રીતે બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવી શકે છે. ૧૭ વર્ષનો એન્ડ્રુ જણાવે છે, “મારાં મમ્મી-પપ્પાએ મને હંમેશાં શીખવ્યું કે પ્રાર્થના કરવી ખૂબ જરૂરી છે. રોજ રાતે પપ્પા મારી સાથે પ્રાર્થના કરતા. ભલેને મેં પ્રાર્થના કરી લીધી હોય, તોપણ તે મારી સાથે પ્રાર્થના કરતા. . . . હવે યહોવા મારા માટે મારા પપ્પા જેવા જ છે. હું તેમની સાથે દિલ ખોલીને વાત કરી શકું છું.” માતા-પિતાઓ, યાદ રાખો કે તમે યહોવાને પ્રેમ કરો છો એ જોઈને બાળકો પણ યહોવાને પ્રેમ કરવા લાગશે. w૨૨.૦૫ ૨૮ ¶૭-૮
રવિવાર, ફેબ્રુઆરી ૧૧
“બાપ્તિસ્મા તમને હમણાં બચાવી રહ્યું છે.”—૧ પિત. ૩:૨૧.
બાપ્તિસ્મા માટે તૈયાર થવા સૌથી પહેલા, આપણે પાપનો દિલથી પસ્તાવો કરવો જોઈએ. (પ્રે.કા. ૨:૩૭, ૩૮) જો દિલથી પસ્તાવો કરીશું, તો ફેરફારો કરી શકીશું. શું તમે યહોવાને નારાજ કરતા કામો છોડ્યાં છે, જેમ કે ગંદું જીવન જીવવું, તમાકુ ખાવી અથવા ગાળો કે ખરાબ શબ્દો બોલવા? (૧ કોરીં. ૬:૯, ૧૦; ૨ કોરીં. ૭:૧; એફે. ૪:૨૯) ફેરફારો કરવા મહેનત કરતા રહો. તમને બાઇબલમાંથી શીખવનાર ભાઈ કે બહેન પાસેથી અથવા તમારા મંડળના વડીલ પાસેથી મદદ અને સલાહ માંગો. બાળકો અને યુવાનો, મમ્મી-પપ્પા પાસે મદદ માંગો, જેથી બાપ્તિસ્મા લેતા રોકતી હોય એ ખરાબ આદત છોડી શકો. ભક્તિનાં કામોમાં લાગુ રહેવું પણ ખૂબ જરૂરી છે. જેમ કે, સભાઓમાં જવું અને એમાં ભાગ લેવો. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) જો તમે પ્રચારમાં જવા યોગ્ય હો, તો નિયમિત રીતે એ કામ કરતા રહો. w૨૩.૦૩ ૧૦-૧૧ ¶૧૪-૧૬
સોમવાર, ફેબ્રુઆરી ૧૨
‘યહોવા ઈશ્વરે સાપને કહ્યું: “તેં જે કર્યું છે, એના લીધે તારા પર શ્રાપ ઊતરી આવ્યો છે.”’—ઉત. ૩:૧૪.
ઉત્પત્તિ ૩:૧૪, ૧૫માં ‘સાપ,’ અને તેના “વંશજની” વાત કરવામાં આવી છે. ભવિષ્યવાણીમાં જણાવેલો સાપ કોઈ અસલ સાપને રજૂ કરતો ન હોય શકે. કેમ કે એદન બાગમાં યહોવાએ જે કહ્યું, એ સાપને કંઈ થોડી ખબર પડવાની હતી! તો પછી એ સાપ કોણ છે? પ્રકટીકરણ ૧૨:૯માં જણાવ્યું છે કે એ “જૂનો સાપ” બીજું કોઈ નહિ, શેતાન છે. બાઇબલમાં ઘણી વાર વંશજનો ઉલ્લેખ થયો છે. પણ દર વખતે એ બાળકોને રજૂ કરતો નથી. અમુક વખતે એક વ્યક્તિના વંશજ એવા લોકોને પણ રજૂ કરે છે, જેઓનાં વિચારો અને કામો તેના જેવાં હોય છે. એટલે આપણે કહી શકીએ કે સાપના વંશજ એવા દુષ્ટ દૂતો અને માણસોને રજૂ કરે છે, જેઓ શેતાનની જેમ યહોવા અને તેમના ભક્તોનો વિરોધ કરે છે. એમાં એવા દૂતોનો પણ સમાવેશ થાય છે, જેઓ નૂહના સમયે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા હતા. સાથે સાથે એવા માણસોનો પણ, જેઓ પોતાના પિતા શેતાન જેવાં દુષ્ટ કામો કરે છે.—ઉત. ૬:૧, ૨; યોહા. ૮:૪૪; ૧ યોહા. ૫:૧૯; યહૂ. ૬. w૨૨.૦૭ ૧૪-૧૫ ¶૪-૫
મંગળવાર, ફેબ્રુઆરી ૧૩
“જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.”—ફિલિ. ૧:૧૦.
પ્રેરિત પાઉલ ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરતા હતા, તેઓ માટે હમદર્દી હતી. તે મુશ્કેલીઓ સહેતાં ભાઈ-બહેનોના સંજોગો સારી રીતે સમજી શક્યા. કેમ કે તેમણે પોતે પણ ઘણી મુશ્કેલીઓ સહન કરી હતી. એક સમયે પાઉલને પૈસાની તંગી પડી. પોતાનું અને સાથીઓનું ગુજરાન ચલાવવું અઘરું થઈ ગયું. (પ્રે.કા. ૨૦:૩૪) પાઉલને તંબુ બનાવતા આવડતું હતું. તે કોરીંથ આવ્યા ત્યારે આકુલા અને પ્રિસ્કિલા સાથે મળીને તંબુ બનાવવાનું કામ કરવા લાગ્યા. પણ પાઉલ “દરેક સાબ્બાથે” યહૂદી અને ગ્રીક લોકોને પ્રચાર કરતા. પછી સિલાસ અને તિમોથી ત્યાં આવ્યા ત્યારે, ‘પાઉલ વધારે ઉત્સાહથી સંદેશો ફેલાવવા લાગ્યા.’ (પ્રે.કા. ૧૮:૨-૫) પાઉલ ઘણા મહેનતુ હતા. પોતાનું ગુજરાન ચલાવવા તેમણે કામ પણ કર્યું. જોકે યહોવાની ભક્તિ તેમના માટે સૌથી મહત્ત્વની હતી. તેમણે એમાં જ મન પરોવેલું રાખ્યું. એટલે તે ભાઈ-બહેનોને પણ એવું કરવાનું ઉત્તેજન આપી શક્યા. તેમણે તેઓને કહ્યું કે જીવનની ચિંતાઓમાં અને કુટુંબની જરૂરિયાતો પૂરી કરવામાં ડૂબેલા ન રહે. એના બદલે “જે વધારે મહત્ત્વનું છે” એના પર મન લગાડે, યહોવાની ભક્તિમાં પૂરું ધ્યાન આપે. w૨૨.૦૮ ૨૦ ¶૩
બુધવાર, ફેબ્રુઆરી ૧૪
‘બધા દેશોમાં ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે.’—માર્ક ૧૩:૧૦.
યહોવાની ઇચ્છા છે કે આખી દુનિયામાં રાજ્યની ખુશખબર ફેલાવવામાં આવે. (૧ તિમો. ૨:૩, ૪) એ કામ એટલું મહત્ત્વનું છે કે તેમણે પોતાના વહાલા દીકરાને એની જવાબદારી સોંપી છે. ઈસુ જ એ જવાબદારી સૌથી સારી રીતે નિભાવી શકે છે. એટલે આપણે પાકી ખાતરી રાખી શકીએ કે દુનિયાના અંત પહેલાં, યહોવાની ઇચ્છા પ્રમાણે એ કામ જરૂર પૂરું થશે. (માથ. ૨૪:૧૪) એવું આપણે કેમ કહી શકીએ? ઈસુ સ્વર્ગમાં ગયા એ પહેલાં ગાલીલમાં તેમણે અમુક વફાદાર શિષ્યોને શું કહ્યું એના પર ધ્યાન આપો. તેમણે કહ્યું: “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.” એ કહ્યા પછી તરત તેમણે કહ્યું: “એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.” (માથ. ૨૮:૧૮, ૧૯) એનાથી ખબર પડે છે કે ઈસુને પ્રચારકામમાં આગેવાની લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે આપણે કહી શકીએ કે ઈસુ આજે પણ પ્રચારકામમાં આગેવાની લે છે. w૨૨.૦૭ ૮ ¶૧, ૩; ૯ ¶૪
ગુરુવાર, ફેબ્રુઆરી ૧૫
“એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં છે તેઓ બધા તેનો અવાજ સાંભળશે અને બહાર નીકળી આવશે. જેઓએ સારાં કામ કર્યાં છે તેઓ હંમેશ માટેનું જીવન મેળવશે.”—યોહા. ૫:૨૮, ૨૯.
જે લોકોએ મરણ પહેલાં સારાં કામો કર્યાં હતાં તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખેલાં હશે. એટલે તેઓને ‘હંમેશ માટેના જીવન’ માટે જીવતા કરવામાં આવશે. આપણે જોયું કે યોહાન ૫:૨૯માં એવા લોકો વિશે જણાવ્યું છે, “જેઓએ સારાં કામ કર્યાં છે.” આ એ જ “સારા લોકો” છે જેઓ વિશે પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫માં જણાવ્યું છે. ધ્યાન આપો, રોમનો ૬:૭માં જણાવ્યું છે કે “જેનું મરણ થાય છે, તે પોતાના પાપથી આઝાદ થાય છે.” એનો મતલબ કે જે સારા લોકો ગુજરી ગયા છે તેઓનાં પાપ યહોવાએ માફ કરી દીધાં છે. પણ યહોવાને વફાદાર રહેવા તેઓએ જે કંઈ કર્યું હતું એ યહોવા ભૂલ્યા નથી. (હિબ્રૂ. ૬:૧૦) તેઓને ફરી જીવતા કરવામાં આવશે એ પછી પણ તેઓએ યહોવાને વફાદાર રહેવાનું છે. એમ કરશે તો જ તેઓનાં નામ જીવનના પુસ્તકમાં રહેશે. w૨૨.૦૯ ૧૭ ¶૧૩; ૧૮ ¶૧૫
શુક્રવાર, ફેબ્રુઆરી ૧૬
“[યહોવા] જે કંઈ કરે છે એ ભરોસાપાત્ર છે.”—ગીત. ૩૩:૪.
દાનિયેલ પ્રબોધક ભરોસાપાત્ર હતા. તે યુવાન હતા ત્યારે તેમને બાબેલોનની ગુલામીમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેમણે થોડા જ સમયમાં પોતાનાં કામોથી લોકોનો ભરોસો જીતી લીધો. દાનિયેલે યહોવાની મદદથી નબૂખાદનેસ્સાર રાજાના સપનાઓનો અર્થ જણાવ્યો. એટલે લોકો તેમના પર વધારે ભરોસો કરવા લાગ્યા. (દાનિ. ૪:૨૦-૨૨, ૨૫) વર્ષો પછી, એક રાતે અચાનક બાબેલોનના રાજમહેલની દીવાલ પર અમુક શબ્દો લખાયા. કોઈ એ શબ્દોનો અર્થ જણાવી ન શક્યું. પણ દાનિયેલે એનો ખરો અર્થ જણાવ્યો. એનાથી પણ લોકો જોઈ શક્યા કે દાનિયેલ ભરોસાપાત્ર છે. (દાનિ. ૫:૫, ૨૫-૨૯) સમય જતાં, દાર્યાવેશ રાજા અને તેના અધિકારીઓએ પણ જોયું કે દાનિયેલ ‘ખૂબ જ બુદ્ધિશાળી છે. તે ભરોસાપાત્ર છે, ચીવટથી કામ કરે છે અને વફાદારીથી પોતાની ફરજ નિભાવે છે.’ (દાનિ. ૬:૩, ૪) આ સવાલોનો વિચાર કરીએ: ‘શું લોકોને હું ભરોસો કરવા લાયક લાગું છું?’ આપણે ભરોસાપાત્ર હોઈશું તો યહોવાને મહિમા મળશે. w૨૨.૦૯ ૮-૯ ¶૨-૪
શનિવાર, ફેબ્રુઆરી ૧૭
“વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો.”—એફે. ૫:૧.
ખરા-ખોટા વિશે યહોવાનાં ધોરણો પાળવાથી આપણું જ ભલું થાય છે. જો દુનિયામાં કોઈ નિયમ કે ધોરણ ન હોત તો શું થાત? જરા વિચારો, દરેક ટ્રાફિક સિગ્નલ પર અલગ અલગ રંગની લાઇટો હોય તો કેટલી અફરાતફરી મચી જાય. કેટલાય અકસ્માતો થાય. કોઈ કોન્ટ્રેક્ટર બરાબર માપ વગર આડેધડ બિલ્ડિંગ બનાવી દે તો કદાચ એ ધસી પડે. ઘણા લોકોનો જીવ જાય. આનો વિચાર કરો, દર્દીની સારવાર કરવાની એક રીત હોય છે, અમુક નિયમો હોય છે. પણ ડૉક્ટર પોતાની રીતે જ દર્દીની સારવાર કરવા લાગી જાય તો દર્દીનો જીવ જોખમમાં આવી શકે. એ દાખલાઓથી સમજાય છે કે ખરા-ખોટા અને સારા-નરસા માટે ધોરણો હોવાં ખૂબ જરૂરી છે. એનાથી બધાનું રક્ષણ થાય છે. એવી જ રીતે યહોવાનાં ધોરણો પણ આપણું રક્ષણ કરે છે. આપણે યહોવાનાં ધોરણો પાળીશું તો તે અઢળક આશીર્વાદ આપશે. તેમણે વચન આપ્યું છે કે નેક લોકો, એટલે કે “સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે.” (ગીત. ૩૭:૨૯) જરા કલ્પના કરો, બધા લોકો યહોવાનાં ધોરણો પ્રમાણે જીવતા હશે ત્યારે જીવન કેટલું મસ્ત હશે! એ માહોલ કેટલો ખુશનુમા હશે! લોકો શાંતિથી અને સંપીને રહેતા હશે, સુખચેનથી જીવતા હશે. યહોવા ચાહે છે કે તમે પણ એ લોકોમાં હો. એટલે જરૂરી છે કે આપણે નેક કામો કરીએ. યહોવાનાં ધોરણો પાળીએ. w૨૨.૦૮ ૨૭ ¶૬-૮
રવિવાર, ફેબ્રુઆરી ૧૮
“તું બધા સંજોગોમાં સમજી-વિચારીને વર્તજે.”—૨ તિમો. ૪:૫.
આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહેવું અમુક વાર અઘરું લાગે. એવા સમયે આપણે શું કરી શકીએ? બાઇબલમાં જણાવ્યું છે કે સમજી-વિચારીને વર્તીએ, જાગતા રહીએ અને શ્રદ્ધામાં મક્કમ રહીએ. સમજી-વિચારીને વર્તવું એટલે કે મન શાંત રાખવું, કંઈ પણ કરતા પહેલાં વિચારવું અને સંજોગોને યહોવાની નજરે જોવાની કોશિશ કરવી. સમજી-વિચારીને વર્તીશું તો આપણે નિર્ણય લેતી વખતે લાગણીઓમાં વહી નહિ જઈએ. કદાચ આપણને લાગે કે કોઈએ આપણી સાથે ખોટું કર્યું છે. કદાચ, કોઈ વડીલે એવું કંઈક કર્યું છે જેનાથી તમને મનદુઃખ થયું હોય. બની શકે કે તે જાણીજોઈને તમને દુઃખ પહોંચાડવા માંગતા ન હોય, પણ તમને લાગ્યું હોય કે તમારી સાથે ખોટું થયું છે. (રોમ. ૩:૨૩; યાકૂ. ૩:૨) તમારા મનમાં કદાચ આવા વિચારો આવવા લાગ્યા હોય, ‘શું આ સાચે જ યહોવાના ભક્ત છે? શું ખરેખર યહોવા સંગઠનને ચલાવે છે?’ શેતાન ચાહે છે કે આપણે એવું જ વિચારીએ. (૨ કોરીં. ૨:૧૧) જો આવા વિચારો મનમાં ઘૂંટાયા કરશે તો આપણે ધીરે ધીરે યહોવા અને તેમના સંગઠનથી દૂર ચાલ્યા જઈશું. એટલે આપણે મનમાં કડવાશ ભરી ન રાખવું જોઈએ. w૨૨.૧૧ ૨૦ ¶૧, ૩; ૨૧ ¶૪
સોમવાર, ફેબ્રુઆરી ૧૯
“યહોવામાં આશા રાખો.”—ગીત. ૨૭:૧૪.
યહોવાએ આપણને હંમેશાં જીવવાની અનોખી આશા આપી છે. આપણામાંથી મોટા ભાગના લોકોને આ પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા છે. એ સમયે બધા એકદમ તંદુરસ્ત હશે, ખુશીઓનો પાર નહિ હોય! (પ્રકટી. ૨૧:૩, ૪) આપણામાંથી અમુક લોકોને સ્વર્ગમાં અમર જીવન મેળવવાની આશા છે. (૧ કોરીં. ૧૫:૫૦, ૫૩) આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર, એ આશાને લીધે આપણાં બધાનું દિલ ખુશીથી ઊભરાય છે. એ આશા પૂરી થાય એની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. આપણી આશા કોઈ સપનું નથી. એ ચોક્કસ પૂરી થશે, એના આપણી પાસે પુરાવા છે. યહોવાએ પોતે એ આશા આપી છે. (રોમ. ૧૫:૧૩) તેમણે આપણને પહેલેથી જણાવ્યું છે કે તે ભાવિમાં શું કરવાના છે. આપણને ખબર છે કે તે પોતાનાં વચનો હંમેશાં પૂરાં કરે છે. (ગણ. ૨૩:૧૯) તેમને પોતાનું વચન પૂરું કરવાની ઇચ્છા છે. એમ કરવાની તેમની પાસે તાકાત પણ છે. યહોવા આપણા પિતા છે. તે આપણને બહુ પ્રેમ કરે છે. તે ચાહે છે કે આપણે તેમના પર પૂરો ભરોસો રાખીએ. તેમના પર ભરોસો અને આશા રાખીશું તો કસોટીઓમાં પણ હિંમત રાખી શકીશું ને ખુશ રહી શકીશું. w૨૨.૧૦ ૨૪ ¶૧-૩
મંગળવાર, ફેબ્રુઆરી ૨૦
‘તેઓ બંડખોર લોકો છે, જેઓને યહોવાનો નિયમ સાંભળવો જ નથી.’—યશા. ૩૦:૯.
યશાયાએ જણાવ્યું કે યહૂદીઓ યહોવાની વાત સાંભળતા નથી, એટલે તેઓ પર આફત આવી પડશે. (યશા. ૩૦:૫, ૧૭; યર્મિ. ૨૫:૮-૧૧) એવું જ થયું. બાબેલોનીઓ યહૂદીઓને ગુલામ બનાવીને લઈ ગયા. પણ અમુક યહૂદીઓ યહોવાને વફાદાર હતા. યશાયાએ જણાવ્યું કે યહોવા તેઓને ગુલામીમાંથી આઝાદ કરશે. (યશા. ૩૦:૧૮, ૧૯) પણ યશાયાએ એમ પણ કીધું કે યહોવા “કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે.” એ બતાવે છે કે યહૂદીઓને કંઈ તરત આઝાદી મળવાની ન હતી. તેઓએ રાહ જોવાની હતી. ૭૦ વર્ષની ગુલામી પછી અમુક ઇઝરાયેલીઓ યરૂશાલેમ પાછા આવી શક્યા. (યશા. ૧૦:૨૧; યર્મિ. ૨૯:૧૦) તેઓએ બાબેલોનની ગુલામીમાં દુઃખનાં આંસુ વહાવ્યાં હતાં. પણ પોતાના વતન પાછા આવીને તેઓની આંખો ખુશીનાં આંસુથી છલકાઈ ગઈ. w૨૨.૧૧ ૯ ¶૪
બુધવાર, ફેબ્રુઆરી ૨૧
“સાચા માર્ગે ચાલવાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ સુખી છે.” —માથ. ૫:૧૦.
આજે દુનિયાના ઘણાં દેશોમાં આપણાં ભાઈ-બહેનો સાથે જે થઈ રહ્યું છે, એવું જ કંઈક પહેલી સદીમાં પ્રેરિતો સાથે પણ થયું હતું. પ્રેરિતોએ ઈસુ વિશે પ્રચાર કર્યો ત્યારે તેઓની પણ સતાવણી થઈ હતી. ન્યાયસભાના અધિકારીઓએ પ્રચારકામ અટકાવવાના ઘણા પ્રયત્નો કર્યા. તેઓએ કેટલીય વાર પ્રેરિતોને “હુકમ કર્યો કે ઈસુના નામમાં કંઈ કહેવું નહિ.” (પ્રે.કા. ૪:૧૮-૨૦; ૫:૨૭, ૨૮, ૪૦) પણ તેઓ જાણતા હતા કે આ અધિકારીઓ કરતાં જે વધારે અધિકાર ધરાવે છે, તેમણે આજ્ઞા આપી છે કે તેઓ ખ્રિસ્ત વિશે ‘બધા લોકોને પ્રચાર કરે અને પૂરેપૂરી સાક્ષી આપે.’ (પ્રે.કા. ૧૦:૪૨) એટલે બધા પ્રેરિતો વતી પિતર અને યોહાને અધિકારીઓ સાથે વાત કરી. તેઓએ હિંમતથી જણાવ્યું કે તેઓ અધિકારીઓની નહિ, પણ ઈશ્વરની આજ્ઞા પાળશે. તેઓ ઈસુ વિશે પ્રચાર કરવાનું ચાલુ રાખશે. (પ્રે.કા. ૫:૨૯) પ્રેરિતોએ અધિકારીઓની આજ્ઞા ન પાળી અને ઈસુ વિશે પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. એટલે તેઓને બહુ મારવામાં આવ્યા. પણ શું એનાથી તેઓની હિંમત તૂટી ગઈ? ના જરાય નહિ. “ઈસુના નામને લીધે પોતે અપમાન સહેવા યોગ્ય ગણાયા છે, એ જાણીને પ્રેરિતો ન્યાયસભામાંથી આનંદ કરતાં કરતાં નીકળી ગયા.” તેઓ મક્કમ રહ્યા અને પૂરા જોશથી ખુશખબર જણાવતા રહ્યા.—પ્રે.કા. ૫:૪૧, ૪૨. w૨૨.૧૦ ૧૨-૧૩ ¶૨-૪
ગુરુવાર, ફેબ્રુઆરી ૨૨
“ઈશ્વરની નજીક આવવામાં મારું ભલું છે.”—ગીત. ૭૩:૨૮.
જ્યારે આપણે યહોવા વિશે શીખવાનું શરૂ કર્યું, ત્યારે આપણે ફક્ત મુખ્ય મુખ્ય વાતો શીખ્યા હતા. હિબ્રૂઓને લખેલા પત્રમાં પ્રેરિત પાઉલે એ વાતોને “મૂળ શિક્ષણ” કહી અને એને દૂધ સાથે સરખાવી, જેનાથી નાના બાળકને પોષણ મળે છે. (હિબ્રૂ. ૫:૧૨; ૬:૧) તેમણે બધા ખ્રિસ્તીઓને અરજ કરી કે તેઓ મૂળ શિક્ષણથી આગળ વધે અને શાસ્ત્રની ઊંડી વાતો પર વિચાર કરે. શું તમને બાઇબલની ઊંડી વાતો શીખવાની ઇચ્છા થાય છે? શું તમે યહોવાની ભક્તિમાં આગળ વધવા માંગો છો? શું તમે યહોવા અને તેમના હેતુઓ વિશે શીખતા રહેવા માંગો છો? પણ ઘણા લોકોને અભ્યાસ કરવાનું અઘરું લાગે છે. તમારા વિશે શું? શું તમે સ્કૂલમાં વાંચવા-લખવાનું અને સારી રીતે અભ્યાસ કરવાનું શીખ્યા છો? શું તમને અભ્યાસ કરવાનું ગમતું હતું અને નવું નવું શીખવામાં મજા આવતી હતી? અથવા શું તમે એવું માની લીધું હતું કે ચોપડીમાંથી શીખવું તમારા ગજા બહારની વાત છે? તમારી જેમ ઘણાને એવું લાગે છે. પણ યહોવા તમને મદદ કરી શકે છે. આખી દુનિયામાં તે સૌથી સારા શિક્ષક છે. w૨૩.૦૩ ૯-૧૦ ¶૮-૧૦
શુક્રવાર, ફેબ્રુઆરી ૨૩
“ઈશ્વર તમારાં દિલમાં સંદેશો રોપે ત્યારે નમ્રતાથી એને સ્વીકારો. એ સંદેશો તમને બચાવી શકે છે.”—યાકૂ. ૧:૨૧.
નમ્ર હોઈશું તો બાઇબલની વાતો આપણાં દિલને અસર કરશે. આપણે ઘમંડી ન બનીએ અથવા બીજાઓની ભૂલો શોધવા બાઇબલ ન વાંચીએ. એમ કરીશું તો જ બીજાઓને દયા, કરુણા અને પ્રેમ બતાવી શકીશું. બીજાઓ સાથે કઈ રીતે વર્તીએ છીએ, એનાથી પણ ખબર પડશે કે બાઇબલની વાતોને જીવનમાં લાગુ પાડીએ છીએ કે નહિ. ઈશ્વરે શાસ્ત્રમાં લખાવેલી વાતોને ફરોશીઓએ જીવનમાં લાગુ ન પાડી. એટલે તેઓએ “નિર્દોષ લોકોને દોષિત ઠરાવ્યા.” (માથ. ૧૨:૭) આપણે બીજાઓ વિશે શું વિચારીએ છીએ અથવા તેઓ સાથે કઈ રીતે વર્તીએ છીએ, એનાથી જાણી શકીશું કે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે પોતાને ઢાળ્યા છે કે નહિ. પોતાને પૂછી શકીએ: ‘શું હું બીજાઓના સારા ગુણો પર ધ્યાન આપું છું? શું હું તેઓના વખાણ કરું છું, કે પછી તરત તેઓની ભૂલો જણાવવા બેસી જાઉં છું? જો બીજાઓથી ભૂલ થઈ જાય, તો શું હું દયા બતાવું છું અને માફ કરવા તૈયાર રહું છું, કે પછી તેઓના વાંક કાઢું છું અને મનમાં ખાર ભરી રાખું છું?’ આવા સવાલોથી પારખી શકીશું કે આપણાં વિચારો, લાગણીઓ અને કાર્યોમાં બાઇબલની વાતો લાગુ પાડીએ છીએ કે નહિ.—૧ તિમો. ૪:૧૨, ૧૫; હિબ્રૂ. ૪:૧૨. w૨૩.૦૨ ૧૨ ¶૧૩-૧૪
શનિવાર, ફેબ્રુઆરી ૨૪
“હું યહોવા તારો ઈશ્વર, તારો જમણો હાથ પકડી રાખું છું. હું તને કહું છું: ‘ડરીશ નહિ, હું તને મદદ કરીશ.’”—યશા. ૪૧:૧૩.
અરિમથાઈના યૂસફનો વિચાર કરો. તે યહૂદી ન્યાયસભાના સભ્ય હતા. એ યહૂદીઓની ઉચ્ચ અદાલત હતી. સમાજમાં યૂસફનું બહુ મોટું નામ હતું. તે ઈસુના શિષ્ય હતા. પણ લોકોને એ વાત જણાવવાની તેમનામાં હિંમત ન હતી. બાઇબલમાં જણાવ્યું છે, તે ‘યહૂદીઓથી બીતા હોવાથી એ વાત છુપાવતા હતા.’ (યોહા. ૧૯:૩૮) તેમને કદાચ ડર હતો કે તે ઈસુના શિષ્ય છે એ વિશે લોકોને ખબર પડી જશે તો તેમનું માન ઘટી જશે. આખરે તેમણે હિંમત બતાવી. ઈસુના મરણ પછી ‘તે હિંમત કરીને પિલાત પાસે ગયા અને તેમણે ઈસુનું શબ માંગ્યું.’ (માર્ક ૧૫:૪૨, ૪૩) ત્યાર બાદ બધાને ખબર પડી ગઈ કે તે ઈસુના શિષ્ય છે. યૂસફની જેમ શું તમને પણ ક્યારેક ક્યારેક બીજાઓનો ડર લાગે છે? w૨૩.૦૧ ૩૦ ¶૧૩-૧૪
રવિવાર, ફેબ્રુઆરી ૨૫
“સુખી છે તમારા લોકો અને તમારા ચાકરો, જેઓ સદા તમારી આગળ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે.”—૧ રાજા. ૧૦:૮.
સુલેમાનના રાજમાં લોકોને ભરપૂર પ્રમાણમાં ચીજવસ્તુઓ મળી રહેતી. એ રાજમાં એટલી સુખ-શાંતિ હતી કે એની વાતો દૂર દૂરના દેશો સુધી થતી હતી. શેબાની રાણીએ એ વિશે સાંભળ્યું ત્યારે તેને એ બધું પોતાની આંખે જોવાનું મન થયું. એટલે તે ઘણે દૂરથી યરૂશાલેમ આવી પહોંચી. (૧ રાજા. ૧૦:૧) સુલેમાનના રાજની જાહોજલાલી જોઈને તેના મોંમાંથી આજના વચનમાં આપેલા શબ્દો નીકળ્યા. પણ સુલેમાનનું રાજ તો ઈસુના રાજની બસ એક ઝલક હતી. એ બતાવે છે કે ઈસુના રાજમાં આપણું જીવન કેવું હશે. ઈસુ દરેક વાતમાં સુલેમાન કરતાં મહાન છે. સુલેમાનથી ભૂલો થતી હતી. કોઈ વાર તે ખોટા નિર્ણય લઈ બેઠા. એટલે સમય જતાં તેમની પ્રજાએ મુશ્કેલીઓ સહેવી પડી. પણ ઈસુ ક્યારેય કોઈ ભૂલ કરતા નથી. (લૂક ૧:૩૨; હિબ્રૂ. ૪:૧૪, ૧૫) તે હંમેશા યહોવાને વફાદાર રહ્યા. ઈસુએ સાબિત કર્યું કે તે કદી કોઈ પાપ નહિ કરે. તે ક્યારેય એવું કંઈ નહિ કરે, જેનાથી તેમની પ્રજાએ સહેવું પડે. સાચે જ, ઈસુ જેવા રાજા તો બીજા કોઈ હોય જ ના શકે! w૨૨.૧૨ ૧૦-૧૧ ¶૯-૧૦
સોમવાર, ફેબ્રુઆરી ૨૬
“જેઓ તમારામાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો અને તેઓને આધીન રહો. કેમ કે તેઓ તમારી સંભાળ રાખે છે.”—હિબ્રૂ. ૧૩:૧૭.
આપણા વિસ્તારમાં ચેપી રોગ ફેલાય તો શું કરવું જોઈએ? સરકારના આદેશો પાળવા જોઈએ. જેમ કે, હાથ ધોવા જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, યોગ્ય અંતર રાખવું જોઈએ અને બીમારીનાં લક્ષણો દેખાય તો બીજાઓથી અલગ રહેવું જોઈએ. એવી સાવચેતી રાખીશું તો દેખાઈ આવશે કે ઈશ્વરે જે જીવન આપ્યું છે, એની કદર કરીએ છીએ. આફતના સમયે કદાચ મિત્રો પાસેથી, અડોશ-પડોશમાંથી કે સમાચારોમાં આપણને ખોટી માહિતી સાંભળવા મળે. જોકે, “દરેક શબ્દ” ખરો માની લેવાને બદલે સરકારી અધિકારીઓ અને ડૉક્ટરો પાસેથી મળતી ભરોસાપાત્ર માહિતી પર ધ્યાન આપવું જોઈએ. (નીતિ. ૧૪:૧૫) નિયામક જૂથ અને શાખા કચેરીના ભાઈઓ ખરી માહિતી મેળવવા અથાક મહેનત કરે છે. એ પછી જ તેઓ સભા અને પ્રચારને લગતું માર્ગદર્શન આપે છે. જો આપણે એ માર્ગદર્શન પાળીશું, તો એનાથી આપણાં અને બીજાઓનાં જીવનનું રક્ષણ થશે. તેમ જ, કદાચ આપણા વિસ્તારના લોકોની નજરમાં યહોવાના સાક્ષીઓનું માન વધશે.—૧ પિત. ૨:૧૨. w૨૩.૦૨ ૨૩ ¶૧૧-૧૨
મંગળવાર, ફેબ્રુઆરી ૨૭
‘સાંભળો અને તમારા ઈશ્વર યહોવાનો ડર રાખવાનું શીખો.’—પુન. ૩૧:૧૩.
વચનના દેશમાં ગયા પછી ઇઝરાયેલીઓ અલગ અલગ વિસ્તારમાં વસ્યા. એવામાં એક વિસ્તારના ઇઝરાયેલીઓ દેશના બીજા ખૂણે રહેતા ઇઝરાયેલીઓને સહેલાઈથી ભૂલી જઈ શક્યા હોત. પણ એવું ન થાય એ માટે યહોવાએ એક ગોઠવણ કરી. તેમણે પોતાના લોકોને આજ્ઞા આપી કે દર વર્ષે અમુક વાર તેઓ ભેગા મળે, જેથી તેઓ શાસ્ત્રવચનો સાંભળી શકે અને સમજી શકે. (પુન. ૩૧:૧૦-૧૨; નહે. ૮:૨, ૮, ૧૮) જરા વિચારો, એક વફાદાર ઇઝરાયેલી યરૂશાલેમ જતો હશે અને દેશના ખૂણે ખૂણેથી આવેલા લાખો ભક્તોને જોતો હશે ત્યારે તેને કેટલી ખુશી થતી હશે! આમ, એકતા જાળવી રાખવા યહોવાએ મદદ કરી. સમય જતાં, ખ્રિસ્તી મંડળની ગોઠવણ થઈ ત્યારે પણ એવી એકતા જોવા મળી. એ મંડળોમાં અલગ અલગ ભાષા બોલતાં, અમીર, ગરીબ, ભણેલાં-ગણેલાં અથવા ઓછું ભણેલાં સ્ત્રી-પુરુષો હતાં. પણ તેઓ એક થઈને સાચા ઈશ્વરની ભક્તિ કરતા હતાં. જેઓ નવા નવા ઈશ્વરભક્તો બનતા, તેઓ બીજાઓની મદદથી અને મંડળમાં ભેગા મળીને જ શાસ્ત્રની વાતો સમજી શકતા હતા.—પ્રે.કા. ૨:૪૨; ૮:૩૦, ૩૧. w૨૩.૦૨ ૩ ¶૭
બુધવાર, ફેબ્રુઆરી ૨૮
“ઈશ્વર જે ભેટ આપે છે, એ હંમેશ માટેનું જીવન છે.”—રોમ. ૬:૨૩.
યહોવાએ વચન આપ્યું છે કે જેઓ તેમની આજ્ઞા પાળશે, તેઓને તે “હંમેશ માટેનું જીવન” આપશે. (રોમ. ૬:૨૩) યહોવા પિતા આપણને અનહદ પ્રેમ કરે છે. તેમણે આપણને એ વચન આપ્યું છે, જેથી આપણે ક્યારેય તેમનાથી જુદા ન પડીએ. જો આપણે એ વચન પર ઊંડો વિચાર કરીશું, તો તેમના માટેનો પ્રેમ ગાઢ થતો જશે. યહોવાએ આપણને હંમેશ માટેના જીવનનું વચન આપ્યું છે. એ યાદ રાખવાથી આપણે કોઈ પણ કસોટીનો હિંમતથી સામનો કરી શકીશું. અરે, કોઈ આપણને મારી નાખવાની ધમકી આપે તોપણ આપણે યહોવાની ભક્તિ છોડીશું નહિ. કેમ કે આપણને ભરોસો છે કે જો યહોવાના વફાદાર ભક્તો ગુજરી જાય, તો તે તેઓને ફરી જીવતા કરશે અને તેઓ હંમેશ માટે જીવી શકશે. (યોહા. ૫:૨૮, ૨૯; ૧ કોરીં. ૧૫:૫૫-૫૮; હિબ્રૂ. ૨:૧૫) બાઇબલમાં જણાવ્યું છે કે યહોવા હંમેશાંથી છે અને તે હંમેશાં રહેશે. તેમણે આપણને જીવન આપ્યું છે. એટલે આપણને પાકો ભરોસો છે કે તે આપણને હંમેશ માટેનું જીવન આપી શકે છે.—ગીત. ૩૬:૯; ૯૦:૨; ૧૦૨:૧૨, ૨૪, ૨૭. w૨૨.૧૨ ૨ ¶૧-૩
ગુરુવાર, ફેબ્રુઆરી ૨૯
‘શું સંકટ કે વેદના કે સતાવણી આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા પાડી શકે?’—રોમ. ૮:૩૫.
આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ. એટલે કસોટીઓ આવે ત્યારે આપણને નવાઈ નથી લાગતી. બાઇબલમાં લખ્યું છે: “ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનું છે.” (પ્રે.કા. ૧૪:૨૨) આપણે એ પણ સારી રીતે જાણીએ છીએ કે અમુક મુશ્કેલીઓથી તો નવી દુનિયામાં જ છુટકારો મળશે. એ સમયે “શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!” (પ્રકટી. ૨૧:૪) યહોવા આપણા પર કસોટીઓ આવતા અટકાવતા નથી. પણ આપણા પર કસોટીઓ આવે ત્યારે તે એ કસોટીઓ સહન કરવા તાકાત આપે છે. ધ્યાન આપો કે પ્રેરિત પાઉલે રોમમાં રહેતાં ભાઈ-બહેનોને શું જણાવ્યું. સૌથી પહેલા તેમણે જણાવ્યું કે તે અને તેમના સાથી ભાઈઓ કેવી કસોટીઓનો સામનો કરે છે. પછી તેમણે લખ્યું: “જે આપણને પ્રેમ કરે છે, તેમના દ્વારા આપણે એ બધામાં પૂરેપૂરી જીત મેળવીએ છીએ.” (રોમ. ૮:૩૬, ૩૭) એનાથી ખબર પડે છે કે યહોવા આપણને કસોટીઓ વખતે સફળતા આપી શકે છે. યૂસફ સાથે પણ એવું જ થયું હતું. w૨૩.૦૧ ૧૪ ¶૧-૨