વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es24 પાન ૭-૧૯
  • જાન્યુઆરી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
  • મથાળાં
  • સોમવાર, જાન્યુઆરી ૧
  • મંગળવાર, જાન્યુઆરી ૨
  • બુધવાર, જાન્યુઆરી ૩
  • ગુરુવાર, જાન્યુઆરી ૪
  • શુક્રવાર, જાન્યુઆરી ૫
  • શનિવાર, જાન્યુઆરી ૬
  • રવિવાર, જાન્યુઆરી ૭
  • સોમવાર, જાન્યુઆરી ૮
  • મંગળવાર, જાન્યુઆરી ૯
  • બુધવાર, જાન્યુઆરી ૧૦
  • ગુરુવાર, જાન્યુઆરી ૧૧
  • શુક્રવાર, જાન્યુઆરી ૧૨
  • શનિવાર, જાન્યુઆરી ૧૩
  • રવિવાર, જાન્યુઆરી ૧૪
  • સોમવાર, જાન્યુઆરી ૧૫
  • મંગળવાર, જાન્યુઆરી ૧૬
  • બુધવાર, જાન્યુઆરી ૧૭
  • ગુરુવાર, જાન્યુઆરી ૧૮
  • શુક્રવાર, જાન્યુઆરી ૧૯
  • શનિવાર, જાન્યુઆરી ૨૦
  • રવિવાર, જાન્યુઆરી ૨૧
  • સોમવાર, જાન્યુઆરી ૨૨
  • મંગળવાર, જાન્યુઆરી ૨૩
  • બુધવાર, જાન્યુઆરી ૨૪
  • ગુરુવાર, જાન્યુઆરી ૨૫
  • શુક્રવાર, જાન્યુઆરી ૨૬
  • શનિવાર, જાન્યુઆરી ૨૭
  • રવિવાર, જાન્યુઆરી ૨૮
  • સોમવાર, જાન્યુઆરી ૨૯
  • મંગળવાર, જાન્યુઆરી ૩૦
  • બુધવાર, જાન્યુઆરી ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
es24 પાન ૭-૧૯

જાન્યુઆરી

સોમવાર, જાન્યુઆરી ૧

“હું તિમોથીને તમારી પાસે મોકલું છું, કેમ કે તે મારો વહાલો દીકરો છે અને આપણા માલિક ઈસુની સેવામાં વિશ્વાસુ છે.”—૧ કોરીં. ૪:૧૭.

તિમોથીમાં ઘણા સારા ગુણો હતા, એટલે તે યહોવાની ભક્તિમાં વધારે કરી શક્યા. (ફિલિ. ૨:૧૯-૨૨) પ્રેષિત પાઉલના શબ્દોથી જોઈ શકાય છે કે તિમોથી નમ્ર, વફાદાર, મહેનતુ અને ભરોસાપાત્ર હતા. તે ભાઈ-બહેનોની દિલથી ચિંતા કરતા હતા. એ ગુણોના લીધે પાઉલ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. પાઉલને તિમોથી પર પૂરો ભરોસો હતો. એટલે તેમણે તિમોથીને ભારે જવાબદારીઓ સોંપી. તિમોથીની જેમ આપણે પણ સારા ગુણો કેળવીશું તો યહોવા આપણને પ્રેમ કરશે અને આપણે ભાઈ-બહેનોને વધારે મદદ કરી શકીશું. (ગીત. ૨૫:૯; ૧૩૮:૬) જો આપણા સ્વભાવમાં કોઈ સુધારો કરવાની જરૂર લાગે તો પ્રાર્થના કરીને એ વિશે વિચાર કરીએ. જે ગુણ કેળવવા માંગીએ છીએ એ પસંદ કરીએ. આપણે વિચારી શકીએ: ‘હું કઈ રીતે બીજાઓને વધારે હમદર્દી બતાવી શકું? શું હું શાંતિ જાળવવા અને બીજાઓને માફ કરવા હંમેશાં તૈયાર રહું છું?’ એ ગુણ કેળવવા આપણે કોઈ દોસ્તની પણ મદદ લઈ શકીએ.—નીતિ. ૨૭:૬. w૨૨.૦૪ ૨૩ ¶૪-૫

મંગળવાર, જાન્યુઆરી ૨

“દરેક માણસ પોતાનાં કામોની તપાસ કરે.”—ગલા. ૬:૪.

યહોવા ચાહે છે કે આપણે ખુશ રહીએ. આપણે એ વાત જાણીએ છીએ કેમ કે પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણોમાં આનંદ પણ છે. (ગલા. ૫:૨૨) બાઇબલમાં જણાવ્યું છે કે લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે. (પ્રે.કા. ૨૦:૩૫) એટલે આપણે લોકોને ખુશખબર જણાવવા બનતું બધું કરીએ છીએ અને ભાઈ-બહેનોને અલગ અલગ રીતે મદદ કરીએ છીએ. એમ કરીએ છીએ ત્યારે આપણને ઘણી ખુશી થાય છે. આજના વચનમાં જણાવ્યા પ્રમાણે પ્રેરિત પાઉલે બે વાત જણાવી, જેનાથી આપણને ખુશ રહેવા મદદ મળશે. પહેલી, યહોવાની ભક્તિમાં આપણે જે કરી શકીએ છીએ, એ પૂરા દિલથી કરીએ. (માથ. ૨૨:૩૬-૩૮) બીજી, આપણે પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરીએ. આપણે તબિયત, તાલીમ કે આવડતને લીધે જે કરી શકીએ છીએ, એના માટે યહોવાનો આભાર માનીએ. પણ બીજાઓ ખુશખબર ફેલાવવાના કામમાં આપણાથી વધારે સારું કરતા હોય તો, આપણે ખુશ થવું જોઈએ. આપણે વિચારવું જોઈએ કે તેઓ પોતાની આવડત યહોવાની સ્તુતિ કરવા વાપરે છે. w૨૨.૦૪ ૧૦ ¶૧-૨

બુધવાર, જાન્યુઆરી ૩

“તમારો ઉદ્ધાર નજીક આવ્યો છે.”—લૂક ૨૧:૨૮.

જુઠા ધર્મોનો અચાનક નાશ થશે. એ જોઈને દુનિયાના બધા લોકોની આંખો પહોળી થઈ જશે. (પ્રકટી. ૧૮:૮-૧૦) મહાન બાબેલોનના નાશથી આખી દુનિયા ખળભળી ઊઠશે. એના લીધે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકે. પણ એ સમયે યહોવાના ભક્તો ખુશ હશે. જૂઠા ધર્મો જે યહોવાનો સદીઓ જૂનો દુશ્મન છે, એનો હંમેશ માટે નાશ થઈ ગયો હશે. એટલું જ નહિ, આપણને બહુ જલદી આ દુષ્ટ દુનિયામાંથી છુટકારો મળશે. દાનિયેલે ભવિષ્યવાણી કરી હતી કે છેલ્લા દિવસોમાં “સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે.” આજે એવું જ થઈ રહ્યું છે. આપણે છેલ્લા દિવસોને લગતી ભવિષ્યવાણીઓ સારી રીતે સમજી શકીએ છીએ. (દાનિ. ૧૨:૪, ૯, ૧૦) ભવિષ્યવાણીઓમાં જણાવેલી એકેએક વાત પૂરી થઈ રહી છે. એ જોઈને યહોવા માટે કદર વધતી જાય છે. બાઇબલ પર ભરોસો પણ વધતો જાય છે. (યશા. ૪૬:૧૦; ૫૫:૧૧) આપણે બાઇબલનો દિલથી અભ્યાસ કરતા રહીએ. આપણે લોકોને યહોવા સાથે દોસ્તી કેળવવા મદદ કરીએ. એમ કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે. યહોવા વચન આપે છે કે જો આપણે તેમના પર પૂરેપૂરો ભરોસો રાખીશું, તો તે આપણું રક્ષણ કરશે અને “કાયમ શાંતિ” આપશે.—યશા. ૨૬:૩. w૨૨.૦૭ ૬-૭ ¶૧૬-૧૭

ગુરુવાર, જાન્યુઆરી ૪

“હિબ્રૂ ભાષામાં જેને આર્માગેદન કહેવાય છે, ત્યાં તેઓએ રાજાઓને ભેગા કર્યા.” —પ્રકટી. ૧૬:૧૬.

પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે સ્વર્ગમાં ઈશ્વરનું રાજ્ય શરૂ થઈ ગયું છે. શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. (પ્રકટી. ૧૨:૧-૯) એનાથી સ્વર્ગમાં શાંતિ થઈ છે. પણ આપણા પર મોટી મોટી તકલીફો આવી છે. પ્રકટીકરણમાં એ પણ જણાવ્યું છે કે શેતાન ઘણો ગુસ્સે ભરાયો છે. એટલે તે પૃથ્વી પર રહેતા યહોવાના વફાદાર ભક્તો પર હુમલા કરે છે. (પ્રકટી. ૧૨:૧૨, ૧૫, ૧૭) ભલે શેતાન આપણા પર એક પછી એક હુમલો કરે, પણ આપણે યહોવાને વફાદાર રહી શકીએ છીએ. તેમને વફાદાર રહેવાની એક રીત કઈ છે? (પ્રકટી. ૧૩:૧૦) ભાવિમાં જે બનવાનું છે એ યાદ રાખીશું તો યહોવાને વફાદાર રહી શકીશું. દાખલા તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં પ્રેરિત યોહાને જણાવ્યું કે ભાવિમાં કેવા આશીર્વાદો મળશે. એમાંનો એક આશીર્વાદ છે, ઈશ્વરના દુશ્મનોનો સફાયો. પ્રકટીકરણની પહેલી જ કલમમાં જણાવ્યું છે કે આ પુસ્તકમાં આપેલી ભવિષ્યવાણીઓ “દૃશ્યથી” બતાવવામાં આવી છે.—પ્રકટી. ૧:૧. w૨૨.૦૫ ૮ ¶૧-૩

શુક્રવાર, જાન્યુઆરી ૫

“ઓ ગોગ, . . . છેલ્લા દિવસોમાં હું તને મારા દેશ વિરુદ્ધ લઈ આવીશ. હું પવિત્ર છું એ બતાવવા તારા જે હાલ કરીશ, એ જોઈને બીજી પ્રજાઓ જાણશે કે હું કોણ છું.” —હઝકિ. ૩૮:૧૬.

યહોવાના ભક્તોની શ્રદ્ધા જોઈને ઈશ્વરના વિરોધીઓ ગુસ્સાથી ભડકી ઊઠશે. એટલે દેશોનો સમૂહ દુનિયાભરના ઈશ્વરભક્તો પર હુમલો કરશે. બાઇબલમાં એને માગોગના ગોગનો હુમલો કહેવામાં આવ્યો છે. (હઝકિ. ૩૮:૧૪, ૧૫) વફાદાર ભક્તો પર હુમલો થશે ત્યારે યહોવાને કેવું લાગશે? તે જણાવે છે: “મારો ક્રોધ ભભૂકી ઊઠશે.” (હઝકિ. ૩૮:૧૮, ૨૧-૨૩) પછી તે શું કરશે એ વિશે પ્રકટીકરણ અધ્યાય ૧૯માં જણાવ્યું છે. વફાદાર ભક્તોનું રક્ષણ કરવા અને દુશ્મનોનો સંહાર કરવા તે પોતાના દીકરાને મોકલશે. ઈસુ “સ્વર્ગનાં સૈન્યો” એટલે કે દૂતો અને ૧,૪૪,૦૦૦ સાથે મળીને દુશ્મનો સામે યુદ્ધ કરશે. (પ્રકટી. ૧૭:૧૪; ૧૯:૧૧-૧૫) એ યુદ્ધનું કેવું પરિણામ આવશે? યહોવાનો વિરોધ કરનારા બધા લોકોનો અને સંગઠનોનો પૂરેપૂરો નાશ થઈ જશે.—પ્રકટી. ૧૯:૧૯-૨૧. w૨૨.૦૫ ૧૬-૧૭ ¶૯-૧૦

શનિવાર, જાન્યુઆરી ૬

“હું તારી અને સ્ત્રીની વચ્ચે દુશ્મની કરાવીશ.”—ઉત. ૩:૧૫.

આદમ અને હવાએ પાપ કર્યું એના થોડા સમય પછી, યહોવાએ એક ખાસ ભવિષ્યવાણી કરી. એનાથી તેઓના વંશજોને આશા મળી. એ ભવિષ્યવાણી ઉત્પત્તિ ૩:૧૫માં નોંધેલી છે. “હું તારી અને સ્ત્રીની વચ્ચે દુશ્મની કરાવીશ. તારા વંશજ અને તેના વંશજની વચ્ચે પણ દુશ્મની કરાવીશ. તે તારું માથું કચડી નાખશે અને તું તેની એડીએ ડંખ મારશે.” આ ભવિષ્યવાણી બાઇબલના પહેલા પુસ્તકમાં આપી છે. પણ બાઇબલનાં બીજાં પુસ્તકો કોઈક ને કોઈક રીતે એ ભવિષ્યવાણી સાથે જોડાયેલાં છે. એ ભવિષ્યવાણી કેમ એટલી ખાસ છે, એને સમજવા એક દાખલો લઈએ. માળામાં અલગ અલગ મોતી હોય છે. પણ એક દોરો એ બધાંને જોડી રાખે છે. એવી જ રીતે, બાઇબલમાં અલગ અલગ પુસ્તકો છે. પણ ઉત્પત્તિ ૩:૧૫નો સંદેશો એ દોરા જેવો છે, જે બધાં પુસ્તકોને જોડી રાખે છે. એ સંદેશો છે કે યહોવા એક છોડાવનારને મોકલશે, જે શેતાન અને તેના ચેલાઓનો સફાયો કરી નાખશે. એ સમયે યહોવાના લોકો ખુશીથી ઝૂમી ઊઠશે. બાઇબલનો અભ્યાસ કરવાથી આપણને ખબર પડશે કે આ ભવિષ્યવાણી અત્યાર સુધી કઈ રીતે પૂરી થઈ છે? અને એનાથી આપણને કેવા ફાયદા થાય છે? w૨૨.૦૭ ૧૪ ¶૧-૩

રવિવાર, જાન્યુઆરી ૭

“યહોવા બુદ્ધિ આપે છે.”—નીતિ. ૨:૬.

યહોવાને પ્રાર્થના કરો કે તે તમને સમજણ આપે, જેથી તમે તમારાં બાળકોનાં દિલમાં તેમના માટે પ્રેમ કેળવી શકો. (યાકૂ. ૧:૫) યહોવા સૌથી સારી સલાહ આપે છે. એવું કહેવાના આપણી પાસે ઘણાં કારણો છે. એમાંનાં બે કારણો જોઈએ. પહેલું, યહોવા પોતે એક પિતા છે. તેમની પાસે વર્ષોનાં વર્ષોનો અનુભવ છે. (ગીત. ૩૬:૯) બીજું, યહોવા સૌથી બુદ્ધિશાળી છે. તે જે સલાહ આપે છે એનાથી હંમેશાં આપણું જ ભલું થાય છે. (યશા. ૪૮:૧૭) યહોવાએ બાઇબલ અને સંગઠન દ્વારા માતા-પિતાઓને ઘણી મદદ પૂરી પાડી છે. એનો ઉપયોગ કરીને માતા-પિતા બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવી શકે છે. (માથ. ૨૪:૪૫) દાખલા તરીકે, તમે “કુટુંબ માટે મદદ” શૃંખલામાં આપેલા લેખ વાંચી શકો. એ લેખો અગાઉ સજાગ બનો! મૅગેઝિનમાં આવતા હતા. હવે એ લેખો jw.org પર છે. વધુમાં આપણી વેબસાઇટ પરના ઘણા વીડિયો માતા-પિતાને મદદ કરી શકે છે. એમાં જણાવ્યું છે કે તેઓ કઈ રીતે યહોવાની સલાહ લાગુ પાડીને બાળકોનો સારી રીતે ઉછેર કરી શકે.—નીતિ. ૨:૪, ૫. w૨૨.૦૫ ૨૭ ¶૪-૫

સોમવાર, જાન્યુઆરી ૮

“હે યાહ, જો તમે અમારાં પાપનો હિસાબ રાખો, તો . . . તમારી આગળ કોણ ઊભું રહી શકે?”—ગીત. ૧૩૦:૩.

આખા વિશ્વમાં યહોવા જેવી માફી કોઈ આપી શકતું નથી. તે અજોડ રીતે માફ કરનાર છે. (૧) યહોવા હંમેશાં માફ કરવા તૈયાર છે. (૨) તે આપણી રગેરગથી વાકેફ છે. તે આપણા વિશે બધું જ જાણે છે. આપણે ખરેખર પસ્તાવો કર્યો છે કે નહિ એ ફક્ત તેમને જ ખબર છે. (૩) યહોવા આપણને પૂરી રીતે માફ કરે છે. તે પાપ એ રીતે ભૂંસી નાખે છે જાણે આપણે ક્યારેય એ પાપ કર્યું જ ન હોય. એનાથી આપણે સાફ અંતઃકરણ રાખી શકીએ છીએ અને આપણો યહોવા સાથેનો સંબંધ પહેલાં જેવો થઈ જાય છે. આપણે બધા પાપી છીએ એટલે જાણે-અજાણે ભૂલો થતી રહેશે. પણ એ ભૂલો વિશે વિચારી વિચારીને દુઃખમાં ડૂબી ન જઈએ. યહોવા જાણે છે કે આપણામાં ઘણી નબળાઈઓ છે. એટલે તે આપણા પર ખૂબ દયા બતાવે છે. (ગીત. ૧૦૩:૮-૧૪; ૧૩૦:૩) જો આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવા બનતો બધો પ્રયત્ન કરીશું, તો ખુશ રહી શકીશું.—ફિલિ. ૪:૪-૬; ૧ યોહા. ૩:૧૯-૨૨. w૨૨.૦૬ ૭ ¶૧૮-૧૯

મંગળવાર, જાન્યુઆરી ૯

“મારા નામને લીધે તમને રાજાઓ અને રાજ્યપાલો સામે લઈ જવાશે.” —લૂક ૨૧:૧૨.

શેતાન બીજી કઈ રીતે માણસોના ડરનો ફાયદો ઉઠાવે છે? અમુકને ડર હોય છે કે તેઓ યહોવાના સાક્ષી બનશે તો કુટુંબના સભ્યો શું વિચારશે. અરે, તેઓ માટે તો એ ડર, શારીરિક અત્યાચારના ડર કરતાં પણ વધારે હોય છે. તેઓ કુટુંબના સભ્યોને ખૂબ પ્રેમ કરે છે. એટલે તેઓ ચાહે છે કે એ સભ્યો પણ યહોવા વિશે શીખે અને તેમને પ્રેમ કરે. પણ એ સભ્યો યહોવા કે તેમના લોકો વિશે જેમતેમ બોલે છે ત્યારે તેઓને બહુ દુઃખ થાય છે. અમુક કિસ્સામાં એવું થયું છે કે પહેલાં વિરોધ કરતા હતા એવા સભ્યો પછીથી યહોવાના સાક્ષીઓ બન્યા છે. પણ જો કુટુંબના સભ્યો આપણી સાથે બધા સંબંધ કાપી નાખે તો આપણને ક્યાંથી મદદ મળશે? ગીતશાસ્ત્ર ૨૭:૧૦ના શબ્દોથી ઘણો દિલાસો મળે છે. યહોવા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. એ વાત યાદ રાખીશું તો કોઈ પણ સતાવણીનો સામનો ડર્યા વગર કરી શકીશું. ભલે આપણી સાથે કોઈ હોય કે ન હોય, યહોવા હંમેશાં આપણી સાથે રહેશે. આપણે વફાદાર રહીશું તો યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે. યહોવા આપણી ખૂબ સારી રીતે કાળજી રાખશે. એટલું તો કુટુંબનો કોઈ સભ્ય પણ નહિ રાખી શકે. યહોવા આપણી બધી જરૂરિયાત પૂરી કરશે. તે મનની શાંતિ અને ખુશી આપશે. તેમની સાથે સંબંધ મજબૂત રાખવા તે આપણને મદદ કરશે. w૨૨.૦૬ ૧૬-૧૭ ¶૧૧-૧૩

બુધવાર, જાન્યુઆરી ૧૦

“ખ્રિસ્તે પણ તમારા માટે દુઃખ વેઠ્યું અને દાખલો બેસાડ્યો, જેથી તમે તેમના પગલે ચાલો.”—૧ પિત. ૨:૨૧.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે લોકોએ તેમના પર ખોટા આરોપ મૂક્યા. તેઓ તેમને ખાઉધરો, દારૂડિયો અને સાબ્બાથનો નિયમ તોડનાર કહેતા હતા. અરે, તેઓએ તો ઈસુને શેતાન માટે કામ કરનાર અને ઈશ્વરની નિંદા કરનાર કહ્યા. (માથ. ૧૧:૧૯; ૨૬:૬૫; લૂક ૧૧:૧૫; યોહા. ૯:૧૬) પણ ઈસુએ ક્યારેય ગુસ્સે થઈને તેઓને વળતો જવાબ ન આપ્યો. આપણે પણ ઈસુના પગલે ચાલવું જોઈએ. (૧ પિત. ૨:૨૨, ૨૩) પ્રચારમાં લોકો આપણા વિશે એલફેલ બોલે ત્યારે આપણે શાંત રહીએ, ઈંટનો જવાબ પથ્થરથી ન આપીએ. એમ કરવું કંઈ હંમેશાં સહેલું હોતું નથી. (યાકૂ. ૩:૨) ચાલો જોઈએ કે આપણને શાનાથી મદદ મળી શકે. પ્રચારમાં કોઈ આપણી સાથે કઠોર રીતે વાત કરે ત્યારે નિરાશ ન થઈએ. સેમભાઈ કહે છે, “હું હંમેશાં યાદ રાખું છું કે ઘરમાલિક યહોવા વિશે જાણે એ ખૂબ મહત્ત્વનું છે. તે આગળ જતાં જીવનમાં ફેરફાર કરી શકે છે.” અમુક વાર વ્યક્તિનો મૂડ સારો ન હોય અને આપણે એ સમયે તેનો દરવાજો ખખડાવીએ તો કદાચ તે ગુસ્સે થઈ જાય. આપણે એવા સમયે ટૂંકી પ્રાર્થના કરી શકીએ, જેથી યહોવા તેમને શાંત રહેવા અને જેમતેમ ન બોલી જવા મદદ કરે. w૨૨.૦૪ ૬ ¶૮-૯

ગુરુવાર, જાન્યુઆરી ૧૧

“તમે ઈશ્વરની પાસે આવો.”—યાકૂ. ૪:૮.

બાળકોને યહોવાની નજીક જવા કઈ રીતે મદદ કરી શકીએ? સૌથી મહત્ત્વની રીત છે, તેઓ સાથે બાઇબલનો અભ્યાસ કરીને. (૨ તિમો. ૩:૧૪-૧૭) જોકે, બાઇબલમાં બીજી એક રીત પણ જણાવી છે, જેના દ્વારા બાળકો યહોવા વિશે શીખી શકે છે. નીતિવચનોના પુસ્તકમાં એક પપ્પા પોતાના દીકરાને યાદ અપાવે છે કે તે સૃષ્ટિમાં જોવા મળતા યહોવાના ગુણોને ક્યારેય પોતાની નજરથી દૂર થવા ન દે. (નીતિ. ૩:૧૯-૨૧) મમ્મી-પપ્પા, તમને બાળકો સાથે ઘરની બહાર સમય વિતાવવો ઘણું ગમતું હશે. એ સમયનો ઉપયોગ કરીને બાળકોને એ સમજવા મદદ કરો કે યહોવાએ ‘બનાવેલી વસ્તુઓમાંથી’ કઈ રીતે તેમના અદ્‍ભુત ગુણો વિશે શીખી શકીએ. (રોમ. ૧:૨૦) ધ્યાન આપો કે ઈસુએ કઈ રીતે સૃષ્ટિ દ્વારા શીખવ્યું. એક વખતે, તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ કાગડાઓ અને ફૂલોનો વિચાર કરે. (લૂક ૧૨:૨૪, ૨૭-૩૦) તેમણે શિષ્યોને એક જોરદાર વાત શીખવી કે સ્વર્ગમાં રહેતા તેઓના પિતા કેટલા ઉદાર અને દયાળુ છે. જેમ યહોવા પક્ષીઓને ખાવાનું આપે છે અને ફૂલોને કપડાં પહેરાવે છે, તેમ તે પોતાના વફાદાર ભક્તોની જરૂરિયાતો પૂરી કરશે. w૨૩.૦૩ ૨૦-૨૧ ¶૧-૪

શુક્રવાર, જાન્યુઆરી ૧૨

“તમે મારા નામે જે કંઈ વિનંતી કરશો એ હું પૂરી કરીશ, જેથી દીકરાને લીધે પિતાને મહિમા મળે.”—યોહા. ૧૪:૧૩.

આપણે યહોવાને તેમના દીકરા દ્વારા પ્રાર્થના કરી શકીએ છીએ. એટલે યહોવાનો આભાર માનીએ. ઈસુના નામે પ્રાર્થના કરીએ છીએ ત્યારે યહોવા આપણી પ્રાર્થના સાંભળે છે. તે ઈસુ દ્વારા આપણી અરજો પૂરી કરે છે. ઈસુના બલિદાનને આધારે યહોવા આપણાં પાપ માફ કરે છે. (રોમ. ૫:૧) બાઇબલમાં જણાવ્યું છે, ઈસુ “એવા પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં મહાન ઈશ્વરની રાજગાદીની જમણી તરફ બેઠા છે.” (હિબ્રૂ. ૮:૧) બાઇબલમાં એમ પણ લખ્યું છે કે ઈસુ “આપણા માટે પિતા પાસે સહાયક છે.” (૧ યોહા. ૨:૧) ઈસુ આપણી બધી નબળાઈઓ જાણે છે. તે આપણું દુઃખ સમજે છે. તે યહોવાને ‘આપણા માટે અરજ કરે છે.’ (રોમ. ૮:૩૪; હિબ્રૂ. ૪:૧૫) યહોવાએ આપણને કેટલા સારા પ્રમુખ યાજક આપ્યા છે. એ માટે આપણે તેમનો આભાર માનીએ છીએ. જો ઈસુએ પોતાનો જીવ ન આપ્યો હોત, તો આપણે ક્યારેય યહોવાને પ્રાર્થના ન કરી શક્યા હોત. યહોવાએ આપણા માટે પોતાના દીકરાની કુરબાની આપી. એ કીમતી ભેટ માટે તેમનો જેટલો અહેસાન માનીએ એટલો ઓછો! w૨૨.૦૭ ૨૩ ¶૧૦-૧૨

શનિવાર, જાન્યુઆરી ૧૩

“વિશ્વાસુ માણસ ખાનગી વાતો ગુપ્ત રાખે છે.”—નીતિ. ૧૧:૧૩.

ભરોસાપાત્ર કે વિશ્વાસુ વ્યક્તિ પોતાનું વચન પાળવા બનતું બધું કરે છે. તે હંમેશાં સાચું બોલે છે. (ગીત. ૧૫:૪) એવી વ્યક્તિને આપણે કોઈ કામ સોંપીએ તો એવું નથી વિચારતા કે એ કામ થશે કે નહિ. આપણને ખાતરી હોય છે કે તેને કામ સોંપ્યું છે એટલે એ પૂરું થશે જ! આપણે પણ એવી વ્યક્તિ બનવા માંગીએ છીએ, જેના પર ભાઈ-બહેનો ભરોસો કરી શકે. આપણા કહેવાથી લોકો કંઈ આપણા પર ભરોસો નહિ કરે. આપણે કામોથી બતાવવું પડશે કે આપણે ભરોસાને લાયક છીએ. કોઈનો ભરોસો જીતવો, એ તો જાણે પૈસા કમાવવા જેવું છે. પૈસા કમાવવામાં અને ભરોસો જીતવામાં ઘણો સમય લાગે છે, ઘણી મહેનત કરવી પડે છે. પૈસા ખર્ચાઈ જતા વાર નથી લાગતી. ભરોસો તૂટતા પણ વાર નથી લાગતી. આપણે યહોવા પર પૂરો ભરોસો કરીએ છીએ કેમ કે તેમણે પોતાને ભરોસાપાત્ર સાબિત કર્યા છે. “તે જે કંઈ કરે છે એ ભરોસાપાત્ર છે.” (ગીત. ૩૩:૪) તે ચાહે છે કે આપણે પણ ભરોસાપાત્ર બનીએ. (એફે. ૫:૧) આપણે કેટલા ખુશ છીએ કે આપણે યહોવાના સંગઠનનો ભાગ છીએ! આપણે બધા એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એકબીજા પર ભરોસો કરી શકીએ છીએ. આપણે ચાહીએ છીએ કે સંગઠનમાં કાયમ એવો માહોલ રહે. એટલે આપણે પોતાને ભરોસાને લાયક બનાવીએ. એ આપણા બધાની જવાબદારી છે. જો આપણે પ્રેમ કરીશું, નમ્ર બનીશું, સમજદારી બતાવીશું, સાચું બોલીશું અને પોતાના પર કાબૂ રાખીશું તો ભાઈ-બહેનો આપણા પર ભરોસો કરી શકશે. ભાઈ-બહેનોનો ભરોસો જીતવા મહેનત કરતા રહીએ. આમ આપણે યહોવાની જેમ ભરોસાપાત્ર બની શકીશું. w૨૨.૦૯ ૮ ¶૧-૨; ૧૩ ¶૧૭

રવિવાર, જાન્યુઆરી ૧૪

“[યહોવાની] રહેમનજર છે.”—ગીત. ૩૩:૧૮.

આપણા મંડળમાં ઘણાં ભાઈ-બહેનો છે. છતાં કોઈ વાર આપણને એકલું એકલું લાગે. આપણે ઉદાસ હોઈએ અથવા નિરાશ હોઈએ ત્યારે એવી લાગણી આપણા પર હાવી થઈ જાય છે. આપણને થાય, ‘એવી લાગણીઓ સામે જાતે જ ઝઝૂમવું પડશે.’ પણ યહોવા નથી ચાહતા કે આપણે એવું વિચારીએ. ચાલો જોઈએ યહોવાએ કઈ રીતે એલિયાની મદદ કરી. તેમણે કોશિશ કરી કે એલિયા તેમની સાથે વાત કરે. તેમણે બે વાર એલિયાને પૂછ્યું: “તું અહીં શું કરે છે?” (૧ રાજા. ૧૯:૯, ૧૩) એલિયાએ હૈયું ઠાલવ્યું ત્યારે તેમણે ધ્યાનથી સાંભળ્યું. યહોવાએ ભારે ને જોરદાર પવન, ધરતીકંપ અને અગ્‍નિથી પોતાની શક્તિનો પરચો આપ્યો. તેમણે એલિયાને ભરોસો અપાવ્યો કે તે તેમની સાથે છે. એ પણ જણાવ્યું કે એલિયા એકલા નથી, બીજા ઘણા વફાદાર ભક્તો છે. (૧ રાજા. ૧૯:૧૧, ૧૨, ૧૮) એલિયાએ દિલ ખોલીને યહોવા સાથે વાત કરી અને યહોવાની વાત સાંભળી. એનાથી ચોક્કસ તેમનું મન શાંત થયું હશે. પછી યહોવાએ એલિયાને અમુક મહત્ત્વનાં કામ સોંપ્યાં. એલિયાએ સિરિયાના રાજા તરીકે હઝાએલનો અને ઇઝરાયેલના રાજા તરીકે યેહૂનો અભિષેક કરવાનો હતો. તેમણે એલિશાનો અભિષેક કરવાનો હતો, જેથી તે પ્રબોધક બની શકે. (૧ રાજા. ૧૯:૧૫, ૧૬) યહોવાએ સોંપેલાં કામથી તે પોતાનું મન સારી વાતોમાં પરોવી શક્યા. યહોવાએ તેમને એક સારા દોસ્ત આપ્યા. હવે એલિયા એકલા ન હતા, એલિશા તેમની સાથે હતા. w૨૨.૦૮ ૮ ¶૩; ૯ ¶૫

સોમવાર, જાન્યુઆરી ૧૫

“એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.” —૧ થેસ્સા. ૫:૧૧.

શું તમે ક્યારેય પ્રાર્થનાઘરના બાંધકામમાં ભાગ લીધો છે? યાદ કરો, પ્રાર્થનાઘર બન્યા પછી તમે પહેલી વાર સભામાં ગયા ત્યારે તમને કેવું લાગ્યું? તમે ખુશીથી ઝૂમી ઊઠ્યા હશો. યહોવાનો ઘણો આભાર માન્યો હશે. સભામાં પહેલું ગીત ગાતાં ગાતાં તમારી આંખો ભરાઈ આવી હશે. તમે પ્રાર્થનાઘરની સાર-સંભાળ અને સમારકામમાં ભાગ લીધો હશે, એનાથી પણ તમને ઘણી ખુશી થઈ હશે. પ્રાર્થનાઘર વ્યવસ્થિત અને સુંદર દેખાય ત્યારે યહોવાને મહિમા મળે છે. પ્રાર્થનાઘરનું બાંધકામ અને સમારકામ એક મહત્ત્વનું કામ છે. જોકે એના કરતાં પણ બીજું એક કામ વધારે મહત્ત્વનું છે. એ છે, એકબીજાને ઉત્તેજન આપવું અને મક્કમ કરવા. એનાથી પણ યહોવાને મહિમા મળે છે. પ્રેરિત પાઉલે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને એવું જ કરવાની સલાહ આપી હતી, જે આજના વચનમાં જણાવ્યું છે. પ્રેરિત પાઉલને ભાઈ-બહેનો માટે લાગણી હતી. એટલે તેમણે ભાઈ-બહેનોની હિંમત બંધાવી અને મક્કમ કર્યાં. આપણે પાઉલના પગલે ચાલી શકીએ અને ભાઈ-બહેનોને મક્કમ કરી શકીએ.—૧ કોરીં. ૧૧:૧. w૨૨.૦૮ ૨૦ ¶૧-૨

મંગળવાર, જાન્યુઆરી ૧૬

‘યહોવાના નામને શોભે એ રીતે જીવીએ.’—કોલો. ૧:૧૦.

નેક વ્યક્તિ પ્રમાણિક હોય છે. તે ઈમાનદારીથી વેપાર કરે છે. નેક વ્યક્તિને અન્યાયથી પણ સખત નફરત હોય છે. બીજાઓ સાથે અન્યાય થાય તો એ પણ તેનાથી જોવાતું નથી. તે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારે છે કે યહોવા શું ચાહે છે. કેમ કે તે તેમને “પૂરેપૂરા ખુશ” કરવા માંગે છે. યહોવાનાં બધાં કામો નેક છે. એટલું જ નહિ, બાઇબલમાં જણાવ્યું છે, ‘તેમનામાં નેકી વસે છે.’ (યર્મિ. ૫૦:૭) તેમણે આપણને બનાવ્યા છે. એટલે આપણા માટે સારું શું અને ખરાબ શું એ નક્કી કરવાનો હક ફક્ત તેમને જ છે. આપણે અમુક વાર ખરું-ખોટું પારખી નથી શકતા. પણ યહોવા આપણા જેવા નથી. તેમને હંમેશાં ખબર હોય છે કે ખરું શું અને ખોટું શું. (નીતિ. ૧૪:૧૨; યશા. ૫૫:૮, ૯) આપણે તેમનાં ધોરણો પ્રમાણે જીવી શકીએ છીએ. કેમ કે યહોવાએ આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. (ઉત. ૧:૨૭) આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે તેમની જેમ નેક કામો કરવા બનતું બધું જ કરીએ છીએ.—એફે. ૫:૧. w૨૨.૦૮ ૨૭ ¶૫-૬

બુધવાર, જાન્યુઆરી ૧૭

“યહોવાની ઇચ્છા શી છે એ પારખતા રહો.”—એફે. ૫:૧૭.

આપણે બહુ દુઃખી કે નિરાશ હોઈએ ત્યારે એવું કંઈક કરવાનું વિચારીએ જેનાથી પોતાનું દુઃખ ભૂલી શકીએ. પણ એ સમયે ધ્યાન રાખવું જોઈએ કે એવું કંઈ ન કરીએ જેને યહોવા નફરત કરે છે. (એફે. ૫:૧૦-૧૨, ૧૫, ૧૬) પ્રેરિત પાઉલે ફિલિપીનાં ભાઈ-બહેનોને જણાવ્યું કે ‘જે વાતો નેક, શુદ્ધ, પ્રેમાળ અને પ્રશંસાને લાયક છે એનો વિચાર કરતા રહો.’ (ફિલિ. ૪:૮) પાઉલ અહીંયા મનોરંજન વિશે વાત કરતા ન હતા. પણ તમે નવરાશની પળોમાં કંઈક કરવાનું વિચારતા હો, તો એ કલમના સિદ્ધાંત પર ધ્યાન આપી શકો. દાખલા તરીકે, તમને કોઈ ફિલ્મ જોવી છે. એ ફિલ્મ જોતા પહેલાં તમે પોતાને પૂછી શકો: ‘ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે, શું એ નેક, શુદ્ધ અને પ્રેમાળ છે? શું એ પ્રશંસાને લાયક છે?’ તમે કોઈ પણ ગીત સાંભળવાના હો, પુસ્તક વાંચવાના હો કે પછી વીડિયો ગેમ રમવાના હો ત્યારે પણ તમે એ સવાલોનો વિચાર કરી શકો. એનાથી તમે પારખી શકશો કે યહોવાની નજરે શું સાચું છે અને શું ખોટું. જો આપણે યહોવાનાં ઊંચાં ધોરણો પ્રમાણે જીવીશું, તો સાફ દિલ રાખી શકીશું.—ગીત. ૧૧૯:૧-૩. w૨૨.૧૦ ૯ ¶૧૧-૧૨

ગુરુવાર, જાન્યુઆરી ૧૮

“તેમને ખબર હતી કે લોકોનાં દિલમાં શું છે.”—યોહા. ૨:૨૫.

મરણ પહેલાં ‘ખરાબ લોકો’ જે દુષ્ટ કામો કરતા હતા, એ તેઓએ છોડવાં પડશે. એમ કરવા તેઓને બીજાઓની મદદની જરૂર પડશે. ઈસુના ૧,૦૦૦ વર્ષના રાજ દરમિયાન તેઓને ઘણું શીખવવામાં આવશે. દુનિયામાં આટલા મોટા પાયે શીખવવાનું કામ પહેલાં ક્યારેય થયું નથી. ખરાબ લોકોને કોણ શીખવશે? મોટા ટોળાના લોકો અને મરણમાંથી જીવતા કરાયેલા સારા લોકો. પણ જો ખરાબ લોકો યહોવા સાથે દોસ્તી કરશે અને તેમને સમર્પણ કરશે તો જ તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવશે. ઈસુ ખ્રિસ્ત અને તેમની સાથે ન્યાય કરનારાઓ ધ્યાન આપશે કે એ લોકો જીવનમાં ફેરફાર કરે છે કે નહિ. (પ્રકટી. ૨૦:૪) જેઓ પોતાનામાં ફેરફાર નહિ કરે તેઓનો નાશ કરી દેવામાં આવશે, પછી ભલે તેઓ ૧૦૦ વર્ષના હોય. (યશા. ૬૫:૨૦) યહોવા અને ઈસુ લોકોનાં દિલ વાંચી શકે છે. એટલે નવી દુનિયામાં કોઈને પણ નુકસાન કે વિનાશ કરવા દેવામાં નહિ આવે.—યશા. ૧૧:૯; ૬૦:૧૮; ૬૫:૨૫. w૨૨.૦૯ ૧૬-૧૭ ¶૧૧-૧૨

શુક્રવાર, જાન્યુઆરી ૧૯

“આપણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું જોઈએ.”—રોમ. ૧૩:૧.

આ કલમમાં ‘ઉચ્ચ અધિકારીઓ’ એવા લોકોને કહ્યા છે, જેઓને બીજાઓ ઉપર અમુક અધિકાર છે. તેઓ ધ્યાન રાખે છે કે લોકો કાયદા-કાનૂન પાળે, બધું નિયમ પ્રમાણે થાય. ક્યારેક તો તેઓ યહોવાના લોકોના રક્ષણ માટે પણ આગળ આવે છે. (પ્રકટી. ૧૨:૧૬) બધા ઈશ્વરભક્તોએ આ અધિકારીઓને આધીન રહેવું જોઈએ. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે તેઓને માન આપીએ અને કર ભરીએ. (રોમ. ૧૩:૭) આ સરકારો પાસે જે અધિકાર છે, એ યહોવાએ જ તેઓને આપ્યો છે. એ વિશે ઈસુએ પણ જણાવ્યું હતું. રોમન રાજ્યપાલ પોંતિયુસ પિલાતે ઈસુને કીધું કે તેમનું જીવન અને મરણ તેના હાથમાં છે. એ વખતે ઈસુએ કીધું: “જો સ્વર્ગમાંથી તમને અધિકાર મળ્યો ન હોત, તો તમને મારા પર કોઈ જ અધિકાર ન હોત.” (યોહા. ૧૯:૧૧) પિલાતની જેમ આજના અધિકારીઓ અને નેતાઓ પાસે પણ અમુક હદે જ અધિકાર છે. w૨૨.૧૦ ૧૩ ¶૬

શનિવાર, જાન્યુઆરી ૨૦

“થોડા જ સમયમાં દુષ્ટોનો વિનાશ થઈ જશે.”—ગીત. ૩૭:૧૦.

યહોવાએ રાજા દાઉદ પાસે લખાવ્યું હતું કે એક બુદ્ધિશાળી અને વફાદાર રાજાનું રાજ કેવું હશે. (ગીત. ૩૭:૧૦, ૧૧, ૨૯) પ્રચારમાં નવી દુનિયા વિશે જણાવતી વખતે આપણે ઘણી વાર લોકોને ગીતશાસ્ત્ર ૩૭:૧૧ બતાવીએ છીએ. ઈસુએ ખુદ પહાડ પરના ઉપદેશમાં દાઉદના એ શબ્દો ટાંક્યા હતા. એનાથી ખબર પડે છે કે ભાવિમાં ગીતશાસ્ત્ર ૩૭:૧૧ના શબ્દો ચોક્કસ પૂરા થશે. (માથ. ૫:૫) જોકે સુલેમાનના રાજ વખતે પણ એ શબ્દો પૂરા થયા હતા. સુલેમાનનું રાજ ચાલતું હતું ત્યારે આખા ઇઝરાયેલમાં શાંતિ હતી. લોકોને કશાની ખોટ ન હતી. યહોવાએ વચન આપ્યું હતું કે એ દેશમાં ‘દૂધ-મધની રેલમછેલ’ હશે. તેમણે લોકોને એમ પણ કીધું હતું: ‘જો તમે મારા નિયમો પ્રમાણે ચાલશો તો હું તમારા દેશમાં શાંતિ સ્થાપીશ. તમે શાંતિથી સૂઈ જશો અને કોઈ તમને ડરાવશે નહિ.’ (લેવી. ૨૦:૨૪; ૨૬:૩, ૬) સુલેમાનના રાજમાં યહોવાનાં એ વચનો પૂરાં થયાં. (૧ કાળ. ૨૨:૯; ૨૯:૨૬-૨૮) આપણે કહી શકીએ કે ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯ના શબ્દો જૂના જમાનામાં પૂરા થયા હતા અને ભાવિમાં પણ પૂરા થશે. w૨૨.૧૨ ૧૦ ¶૮

રવિવાર, જાન્યુઆરી ૨૧

‘બુદ્ધિને વળગી રહેનાર લોકો સુખી છે.’—નીતિ. ૩:૧૮.

સાચા ખ્રિસ્તીઓ તરીકે આપણે માર્ગદર્શન પાળીએ. બાઇબલમાં જણાવ્યું છે: “ખરું માર્ગદર્શન લઈને તું યુદ્ધ લડવા જા અને ઘણા સલાહકાર હોય ત્યાં સફળતા મળશે.” (નીતિ. ૨૪:૬, ફૂટનોટ) એ સલાહ ધ્યાનમાં રાખીશું તો, આપણે પોતાની રીતે ખુશખબર ફેલાવવાના બદલે સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળીશું. આમ, આપણે લોકોને સારી રીતે ખુશખબર ફેલાવી શકીશું અને શીખવી શકીશું. આપણને સભાના અલગ અલગ ભાગ અને પ્રવચન દ્વારા પણ ઘણી મદદ મળે છે. એનાથી શીખવા મળે છે કે કઈ રીતે લોકોને બાઇબલમાંથી વધારે સારી રીતે શીખવી શકીએ. લોકો બાઇબલની વાતો સારી રીતે સમજી શકે એ માટે સંગઠને ઘણાં સાહિત્ય અને વીડિયો પૂરાં પાડ્યાં છે. આપણે યહોવાનો ઘણો આભાર માનીએ છીએ કે તેમણે બાઇબલમાં ખરી બુદ્ધિની વાતો લખાવી છે. આપણને એ વિશે શીખવા ન મળ્યું હોત તો ખબર નહિ આપણું શું થાત! એટલે આપણે હંમેશાં ‘બુદ્ધિને વળગી રહીએ.’—નીતિ. ૩:૧૩-૧૭. w૨૨.૧૦ ૨૩ ¶૧૮-૧૯

સોમવાર, જાન્યુઆરી ૨૨

“મારી જીભને તમારી વાણી કેટલી મીઠી લાગે છે! મારા મોંને એ મધ કરતાં પણ મીઠી લાગે છે!”—ગીત. ૧૧૯:૧૦૩.

આપણે ખાવાનું ખાઈને એ પચાવીએ છીએ ત્યારે આપણને તાકાત મળે છે અને શરીર મજબૂત થાય છે. એવી જ રીતે આપણે બાઇબલ વાંચીએ છીએ અને એના પર મનન કરીએ છીએ ત્યારે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. યહોવા ચાહે છે કે આપણે પણ બાઇબલમાં લખેલા તેમના શબ્દો સારી રીતે સમજીએ, જાણે ‘એનાથી પોતાનું પેટ ભરીએ’ અને એને પચાવીએ. એમ કરવા આપણને ત્રણ પગલાં મદદ કરશે. પહેલું, આપણે પ્રાર્થના કરીએ, જેથી બાઇબલની વાતો સમજવા પોતાનું મન તૈયાર કરી શકીએ. બીજું, આપણે બાઇબલને ધ્યાનથી વાંચીએ. ત્રીજું, મનન કરીએ. જે વાંચીએ એના પર ઊંડો વિચાર કરીએ. આપણે મનન કરવામાં જેટલો વધારે સમય વિતાવીશું, બાઇબલની વાતો એટલી જ સારી રીતે સમજી શકીશું. આમ આપણી શ્રદ્ધા મજબૂત થશે. બાઇબલ વાંચવું અને એના પર મનન કરવું કેમ જરૂરી છે? એમ કરવાથી આપણે આજે પૂરી હિંમતથી પ્રચારકામ કરી શકીશું. જો નજીકના ભાવિમાં લોકોને ન્યાયનો કડક સંદેશો જણાવવાનો થાય, તો એ પણ હિંમતથી જણાવી શકીશું. બાઇબલ પર મનન કરવાથી યહોવાના સુંદર ગુણો પણ શીખવા મળે છે. એનાથી આપણે યહોવાની વધારે નજીક જઈએ છીએ. w૨૨.૧૧ ૬-૭ ¶૧૬-૧૭

મંગળવાર, જાન્યુઆરી ૨૩

“જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહા. ૧૩:૩૫.

ઈસુએ બતાવ્યું કે શિષ્યો વચ્ચે નિઃસ્વાર્થ પ્રેમ જોઈને ફક્ત મંડળના લોકો જ નહિ, બહારના લોકો પણ જોઈ શકશે કે તેઓ ઈસુના ખરા શિષ્યો છે. યહોવાના સાક્ષીઓ વચ્ચેનો પ્રેમ ખૂબ જ ખાસ છે. પણ એવું નથી કે આપણાથી ભૂલો થતી નથી. (૧ યોહા. ૧:૮) એટલે જેમ જેમ મંડળનાં ભાઈ-બહેનોને વધારે ઓળખીએ છીએ, તેમ તેમ તેઓની ખામીઓ નજરે ચઢે છે. (રોમ. ૩:૨૩) દુઃખની વાત છે કે બીજાઓની ખામીઓને લીધે અમુકે યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દીધું છે. ઈસુએ કઈ રીતે પોતાના પ્રેરિતોને પ્રેમ બતાવ્યો? આજે આપણે કઈ રીતે ઈસુનો દાખલો અનુસરી શકીએ? યહોવાના સાક્ષીઓ તરીકે આપણે એ સવાલોના જવાબ પર ખાસ ધ્યાન આપીએ છીએ. એમ કરવાથી ભાઈ-બહેનોને વધારે પ્રેમ બતાવી શકીએ છીએ, ખાસ કરીને તેઓથી કોઈ ભૂલ થાય ત્યારે.—એફે. ૫:૨. w૨૩.૦૩ ૨૬-૨૭ ¶૨-૪

બુધવાર, જાન્યુઆરી ૨૪

“વફાદાર વ્યક્તિ સાથે તમે વફાદારીથી વર્તો છો.”—ગીત. ૧૮:૨૫.

આપણે આ દુનિયાના અંતની નજીક જઈ રહ્યા છીએ. એવા સમયે મંડળમાં એવા સંજોગો ઊભા થઈ શકે, જેમાં યહોવાને અને તેમના સંગઠનને વફાદાર રહેવું અઘરું લાગે. એટલે ખૂબ જરૂરી છે કે આપણે સમજી-વિચારીને વર્તીએ. જો આપણને લાગતું હોય કે કોઈ ભાઈ કે બહેને આપણી સાથે ખોટું કર્યું છે, તો તેમના માટે મનમાં કડવાશ ન ભરી રાખીએ. જો યહોવા આપણને સુધારે તો કદાચ શરૂ શરૂમાં દુઃખ થાય, શરમ લાગે. પણ એ વિશે વિચારી વિચારીને વધારે દુઃખી ન થઈએ. આપણે સલાહ સ્વીકારીએ અને ફેરફાર કરીએ. જો સંગઠનમાં કોઈ ફેરફાર થાય અને એ સ્વીકારવો અઘરું લાગે, તોપણ પૂરા દિલથી સ્વીકારીએ. અઘરા સંજોગોમાં પણ આપણે યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહીએ અને અડગ ભરોસો રાખીએ. આપણે મન શાંત રાખીએ, કંઈ કરતા પહેલાં વિચારીએ અને સંજોગોને યહોવાની નજરે જોવાની કોશિશ કરીએ. મદદ માટે યહોવાને પ્રાર્થના કરીએ. ભાઈ-બહેનો સાથે હળતાં-મળતાં રહીએ. પછી ભલે કંઈ પણ થાય, શેતાન આપણને યહોવા કે તેમના સંગઠનથી જુદા નહિ પાડી શકે.—યાકૂ. ૪:૭. w૨૨.૧૧ ૨૪-૨૫ ¶૧૪-૧૬

ગુરુવાર, જાન્યુઆરી ૨૫

“સર્વ ભાઈઓને પ્રેમ બતાવો.”—૧ પિત. ૨:૧૭.

વડીલો, આફત આવે એ પહેલાં તમે ભાઈ-બહેનોને એ માટે તૈયાર રહેવા મદદ કરી શકો. એ વાતની ખાતરી કરો કે મંડળમાં બધાને ખબર હોય કે આફતના સમયે સલામત રહેવા અને વડીલોનો સંપર્ક કરવા તેઓએ કેવાં પગલાં ભરવાં જોઈએ. બીજાં ભાઈ-બહેનો શું કરી શકે? જો આસપાસના વિસ્તારમાં આફત આવી હોય, તો વડીલોને પૂછો કે તમે કઈ રીતે મદદ કરી શકો. તમે ભાઈ-બહેનો માટે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખી શકો. જેઓએ ઘર છોડવું પડ્યું છે અથવા જેઓ રાહતકામમાં મદદ આપે છે, તેઓને થોડા સમય માટે પોતાના ઘરે રાખી શકો. જેઓ આફતનો ભોગ બન્યા છે, તેઓ માટે જમવાનું અને જરૂરી ચીજવસ્તુઓ મોકલી શકો. જો આફત દૂરના વિસ્તારમાં આવી હોય, તો તમે કઈ રીતે મદદ કરી શકો? તમે ત્યાંનાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરી શકો. (૨ કોરીં. ૧:૮-૧૧) રાહતકામમાં સાથ આપવા તમે દુનિયા ફરતે ચાલી રહેલા કામ માટે દાન આપી શકો. (૨ કોરીં. ૮:૨-૫) આફત આવી હોય એ વિસ્તારમાં જઈને તમે મદદ કરી શકતા હો તો વડીલોને જણાવો. જો તમને બોલાવવામાં આવે તો કદાચ તમને અમુક તાલીમ આપવામાં આવે. એનાથી તમે જ્યાં જરૂર હોય ત્યાં સૌથી સારી મદદ આપી શકશો. w૨૨.૧૨ ૨૪ ¶૮; ૨૫ ¶૧૧-૧૨

શુક્રવાર, જાન્યુઆરી ૨૬

“તમારા પર જેવી કસોટીઓ આવે છે, એવી બધા લોકો પર આવે છે.”—૧ કોરીં. ૧૦:૧૩.

પાઉલે આજની કલમના શબ્દો કોરીંથમાં રહેતાં ભાઈ-બહેનોને લખ્યા હતા. તેઓમાંથી અમુક લોકો પહેલાં વ્યભિચારી હતા. અમુક લોકો સજાતીય સંબંધ રાખતા હતા, તો અમુક દારૂડિયા હતા. (૧ કોરીં. ૬:૯-૧૧) શું તમને લાગે છે કે તેઓએ બાપ્તિસ્મા લીધું એના પછી તેઓને એવા ખોટા વિચારો ક્યારેય નહિ આવ્યા હોય? ના એવું નહિ હોય. ખરું કે તેઓ અભિષિક્તો હતા પણ તેઓમાં પાપની અસર તો હતી જ. કોઈ વાર તેઓએ ખોટી ઇચ્છાઓ સામે લડવું પડ્યું હશે. એ જાણીને આપણી હિંમત વધે છે, ખરું ને? ભલે તમે કોઈ પણ ખોટી ઇચ્છા સામે લડતા હો, પણ તમે એકલા નથી. કોઈ ને કોઈ ભાઈ કે બહેને એ ઇચ્છા સામે લડીને એના પર જીત મેળવી છે. ‘તમે શ્રદ્ધામાં મક્કમ રહી’ શકો છો. કેમ કે તમે જાણો છો કે “તમારા બધા ભાઈઓ એવાં જ દુઃખો સહન કરે છે.”—૧ પિત. ૫:૯. w૨૩.૦૧ ૧૨ ¶૧૫

શનિવાર, જાન્યુઆરી ૨૭

“દુનિયામાં તમારા પર તકલીફો આવશે. પણ હિંમત રાખજો, મેં દુનિયા પર જીત મેળવી છે!”—યોહા. ૧૬:૩૩.

ઈસુએ યહોવાને વિનંતી કરી કે તેમના શિષ્યોનું ધ્યાન રાખે, તેઓને સંભાળે. (યોહા. ૧૭:૧૧) આજે યહોવા આપણી પણ સંભાળ રાખે છે. એ જાણીને કેમ હિંમત મળે છે? કેમ કે તે આપણા દુશ્મનો કરતાં વધારે શક્તિશાળી છે. (૧ યોહા. ૪:૪) તેમનાથી કંઈ છૂપું નથી. આપણને ખાતરી છે કે યહોવા પર આધાર રાખીશું તો, ડર પર જીત મેળવી શકીશું અને હિંમત બતાવી શકીશું. શું તમે બીજાઓને એ જણાવતા અચકાઓ છો કે તમે યહોવાના સાક્ષી છો? લોકો શું કહેશે એ વિચારીને શું તમે પ્રકાશક બનવાનું અથવા બાપ્તિસ્મા લેવાનું ટાળો છો? જો એવી લાગણીઓને હાવી થવા દેશો તો જે ખરું છે એ નહિ કરી શકો. તમે યહોવાને પ્રાર્થના કરો. તેમની પાસે હિંમત માંગો. તે તમને કઈ રીતે મદદ કરે છે, એના પર ધ્યાન આપો. એમ કરશો તો તમારી શ્રદ્ધા મજબૂત થશે અને તમે હિંમત બતાવી શકશો.—યશા. ૪૧:૧૦, ૧૩. w૨૩.૦૧ ૨૯ ¶૧૨; ૩૦ ¶૧૪

રવિવાર, જાન્યુઆરી ૨૮

“શું તમે નથી વાંચ્યું?”—માથ. ૧૨:૩.

એકવાર ઈસુએ ફરોશીઓને સવાલ પૂછ્યો: “શું તમે નથી વાંચ્યું?” (માથ. ૧૨:૧-૭) તેઓ શાસ્ત્રનો ખોટો અર્થ કાઢતા હતા, એટલે ઈસુએ આ સવાલ પૂછ્યો. એ વખતે ફરોશીઓએ ઈસુના શિષ્યો પર આરોપ મૂક્યો હતો કે તેઓ સાબ્બાથનો નિયમ પાળતા નથી. ઈસુએ તેઓને શાસ્ત્રમાંથી બે દાખલા આપ્યા અને હોશિયાના પુસ્તકમાં લખેલી એક વાત પણ જણાવી. આમ, તેમણે બતાવ્યું કે તેઓ દયા બતાવતા ન હતા અને સાબ્બાથનો નિયમ કેમ આપવામાં આવ્યો હતો એ સમજતા ન હતા. ફરોશીઓ કેમ શાસ્ત્રની વાતો પોતાના જીવનમાં લાગુ પાડી ન શક્યા? કેમ કે તેઓ ઘમંડી હતા અને બીજાઓમાં ભૂલો શોધવા શાસ્ત્ર વાંચતા હતા. એના લીધે તેઓ જે વાંચતા હતા એનો ખરો અર્થ સમજી શકતા ન હતા. (માથ. ૨૩:૨૩; યોહા. ૫:૩૯, ૪૦) માથ્થી ૧૯:૪-૬ પર પણ ધ્યાન આપો. અહીં ઈસુએ ફરોશીઓને એ જ સવાલ પૂછ્યો: “શું તમે નથી વાંચ્યું?” ફરોશીઓએ શાસ્ત્રમાંથી સૃષ્ટિની રચનાનો અહેવાલ ઘણી વાર વાંચ્યો હશે, પણ તેઓ એ સમજી ન શક્યા કે ઈશ્વર લગ્‍નને કેવું ગણે છે. ઈસુએ ફરોશીઓને જે કહ્યું એનાથી શીખવા મળે છે કે આપણે સારા ઇરાદાથી બાઇબલ વાંચવું જોઈએ. આપણે ફરોશીઓ જેવા નહિ, પણ નમ્ર બનવું જોઈએ અને શીખવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. w૨૩.૦૨ ૧૨ ¶૧૨-૧૩

સોમવાર, જાન્યુઆરી ૨૯

“સમજશક્તિ તારી ચોકી કરશે.”—નીતિ. ૨:૧૧.

યહોવાએ ઇઝરાયેલીઓને નિયમો આપ્યા હતા. એ નિયમો પાળવાથી તેઓ ઘરમાં અને કામ કરતી વખતે જીવ જોખમમાં આવે એવા સંજોગોથી બચી શકતા હતા અને સલામત રહી શકતા હતા. (નિર્ગ. ૨૧:૨૮, ૨૯; પુન. ૨૨:૮) જેમ કે, એક વ્યક્તિ અજાણતાં કોઈને મારી નાખે તો તેણે એનાં ગંભીર પરિણામ ભોગવવાં પડતાં હતાં. (પુન. ૧૯:૪, ૫) જો એક વ્યક્તિથી અજાણતાં ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચે અને તેના બાળકને નુકસાન થાય, તો એ વ્યક્તિને સજા કરવામાં આવતી હતી. (નિર્ગ. ૨૧:૨૨, ૨૩) આમ, બાઇબલમાંથી સાફ જોવા મળે છે કે આપણે હંમેશાં સલામતીનું ધ્યાન રાખીએ એવી યહોવાની ઇચ્છા છે. આપણે ઘરમાં અને કામ કરતી વખતે સલામતીનું ધ્યાન રાખીને બતાવીએ છીએ કે આપણે જીવનની કદર કરીએ છીએ. ધારદાર વસ્તુઓ, દવાઓ અથવા કેમિકલ એ રીતે રાખીએ છીએ કે એ બાળકોના હાથમાં ન આવે. એવી વસ્તુઓને ફેંકવાની હોય તો એ રીતે ફેંકીએ છીએ, જેથી કોઈને નુકસાન ન પહોંચે. આગ સળગાવતી વખતે, પાણી ગરમ કરતી વખતે અથવા સાધનો વાપરતી વખતે આપણે સાવચેતી રાખીએ છીએ અને એને એમ જ મૂકીને જતા નથી રહેતા. જો એવી કોઈ દવા લીધી હોય અથવા દારૂ પીધો હોય જેના લીધે સાવચેતીથી ગાડી ચલાવવી અઘરું થઈ જાય, તો આપણે ગાડી નથી ચલાવતા. આપણે પૂરતી ઊંઘ ન લીધી હોય તોપણ ગાડી નથી ચલાવતા. એટલું જ નહિ, ગાડી ચલાવતી વખતે આપણે ફોન વાપરવાનું પણ ટાળીએ છીએ. w૨૩.૦૨ ૨૧-૨૨ ¶૭-૯

મંગળવાર, જાન્યુઆરી ૩૦

‘તું તારા મહાન શિક્ષકને જોશે.’—યશા. ૩૦:૨૦.

યહોવા ધીરજ રાખનાર, પ્રેમાળ અને આપણને સમજે એવા શિક્ષક છે. તે પોતાના વિદ્યાર્થીના સારા ગુણો જુએ છે. (ગીત. ૧૩૦:૩) તે કદી પણ આપણાથી હદ બહારની અપેક્ષા રાખતા નથી. યાદ કરો કે તેમણે જ આપણું મગજ બનાવ્યું છે અને એ ખરેખર એક જોરદાર ભેટ છે. (ગીત. ૧૩૯:૧૪) આપણા સર્જનહાર ચાહે છે કે આપણે હંમેશાં શીખતા રહીએ અને એનો આનંદ માણીએ. એટલે બાઇબલના સત્ય માટે “ઝંખના” રાખવી સારું છે. (૧ પિત. ૨:૨) એવા ધ્યેય બાંધો, જેને તમે પૂરા કરી શકો. બાઇબલ વાંચન અને અભ્યાસના શેડ્યુલને વળગી રહો. (યહો. ૧:૮) યહોવાની કૃપાથી તમને બાઇબલ વાંચવામાં અને યહોવા વિશે વધારે શીખવામાં મજા આવશે. ફક્ત જ્ઞાન લેવું જ પૂરતું નથી. પણ જ્ઞાન લેવાનો ફાયદો એ છે કે એનાથી તમે યહોવા વિશે વધારે શીખી શકશો અને અમુક ગુણો કેળવી શકશો. જેમ કે, તેમને પ્રેમ કરવો અને તેમનામાં શ્રદ્ધા રાખવી. (૧ કોરીં. ૮:૧-૩) શીખવાનું ચાલુ રાખો તેમ શ્રદ્ધા વધારવા યહોવા પાસે મદદ માંગતા રહો. (લૂક ૧૭:૫) તે એવી પ્રાર્થનાઓ ચોક્કસ સાંભળે છે. w૨૩.૦૩ ૧૦ ¶૧૧, ૧૩

બુધવાર, જાન્યુઆરી ૩૧

“તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.”—કોલો. ૪:૫.

ઈસુના શિષ્યોને ખબર હતી કે યરૂશાલેમનો નાશ થઈ જશે. પણ ત્યાં સુધી તેઓએ હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું ન હતું. ઈસુએ તેઓને એક કામ સોંપ્યું હતું. તેમણે શિષ્યોને આજ્ઞા આપી હતી કે “યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી” ખુશખબર જણાવે. (પ્રે.કા. ૧:૬-૮) જરા વિચારો, શિષ્યોને કેટલી મોટી જવાબદારી મળી હતી. એ જવાબદારી પૂરી કરવા તેઓએ દિલ રેડી દીધું અને પોતાના સમયનો સૌથી સારો ઉપયોગ કર્યો. પોતાના પર ધ્યાન આપવા વિચારીએ કે આપણો સમય કેવા કામ પાછળ જાય છે. એમ કરવું કેમ જરૂરી છે? કેમ કે “અણધાર્યા સંજોગોની અસર” કોઈને પણ થઈ શકે છે. (સભા. ૯:૧૧) જીવનનો કોઈ ભરોસો નથી, આજે છે અને કાલે નથી. સમયનો સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? યહોવાની ઇચ્છા પૂરી કરીને અને તેમની સાથે દોસ્તી પાકી કરીને. (યોહા. ૧૪:૨૧) પણ એ માટે જરૂરી છે કે આપણે ‘દૃઢ રહીએ અને અડગ રહીએ, ઈશ્વરની સેવામાં પુષ્કળ કામ કરતા રહીએ.’ (૧ કોરીં. ૧૫:૫૮) જો એમ કરતા રહીશું, તો પછી ભલે આપણો અંત આવે કે દુનિયાનો, આપણને કોઈ અફસોસ નહિ હોય.—માથ. ૨૪:૧૩; રોમ. ૧૪:૮. w૨૩.૦૨ ૧૮ ¶૧૨-૧૪

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો