વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es23 પાન ૧૩૨-૧૪૫
  • નવેમ્બર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
  • મથાળાં
  • બુધવાર, નવેમ્બર ૧
  • ગુરુવાર, નવેમ્બર ૨
  • શુક્રવાર, નવેમ્બર ૩
  • શનિવાર, નવેમ્બર ૪
  • રવિવાર, નવેમ્બર ૫
  • સોમવાર, નવેમ્બર ૬
  • મંગળવાર, નવેમ્બર ૭
  • બુધવાર, નવેમ્બર ૮
  • ગુરુવાર, નવેમ્બર ૯
  • શુક્રવાર, નવેમ્બર ૧૦
  • શનિવાર, નવેમ્બર ૧૧
  • રવિવાર, નવેમ્બર ૧૨
  • સોમવાર, નવેમ્બર ૧૩
  • મંગળવાર, નવેમ્બર ૧૪
  • બુધવાર, નવેમ્બર ૧૫
  • ગુરુવાર, નવેમ્બર ૧૬
  • શુક્રવાર, નવેમ્બર ૧૭
  • શનિવાર, નવેમ્બર ૧૮
  • રવિવાર, નવેમ્બર ૧૯
  • સોમવાર, નવેમ્બર ૨૦
  • મંગળવાર, નવેમ્બર ૨૧
  • બુધવાર, નવેમ્બર ૨૨
  • ગુરુવાર, નવેમ્બર ૨૩
  • શુક્રવાર, નવેમ્બર ૨૪
  • શનિવાર, નવેમ્બર ૨૫
  • રવિવાર, નવેમ્બર ૨૬
  • સોમવાર, નવેમ્બર ૨૭
  • મંગળવાર, નવેમ્બર ૨૮
  • બુધવાર, નવેમ્બર ૨૯
  • ગુરુવાર, નવેમ્બર ૩૦
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
es23 પાન ૧૩૨-૧૪૫

નવેમ્બર

બુધવાર, નવેમ્બર ૧

“તેઓ બધાને યહોવા શીખવશે.”—યોહા. ૬:૪૫.

યહોવા ઘણી રીતોએ આપણી મદદ કરે છે. કોઈ વ્યક્તિ ગુસ્સાથી વાત કરે ત્યારે યહોવા આપણને શાંત રહેવા મદદ કરે છે. કોઈને આપણા સંદેશા વિશે વધુ જાણવું હોય ત્યારે યહોવા આપણને યોગ્ય કલમો યાદ કરવા પણ મદદ કરે છે. લોકો ન સાંભળે તોપણ એવા વિસ્તારમાં પ્રચાર કરતા રહેવા યહોવા આપણને શક્તિ આપે છે. (યર્મિ. ૨૦:૭-૯) બીજી એક રીતે પણ યહોવા આપણું ભલું કરે છે. તે આપણને પ્રચાર કરવાનું શીખવે છે. અઠવાડિયા દરમિયાન થતી સભામાં “વાતચીતની એક રીત” વિભાગ હોય છે. એમાં અલગ અલગ સૂચનો આપવામાં આવે છે, જેનાથી આપણને પ્રચારમાં સારી રીતે વાત કરવા મદદ મળે છે. શરૂઆતમાં એ સૂચનો વાપરતા કદાચ અચકાઈએ, પણ એને વાપરીએ છીએ ત્યારે લોકો આપણી વાત સારી રીતે સાંભળે છે. સભાઓ અને સંમેલનોમાં આપણને પ્રચારની નવી રીતો વાપરવાનું ઉત્તેજન આપવામાં આવે છે. કદાચ આપણને કોચલામાંથી બહાર આવવું ન ગમે એટલે કે જૂની રીતો છોડવી ન ગમે. પણ એમ કરીએ છીએ ત્યારે યહોવા આશીર્વાદો આપે છે, પછી ભલે ને આપણા સંજોગો ગમે એ હોય. w૨૧.૦૮ ૨૭ ¶૫-૬

ગુરુવાર, નવેમ્બર ૨

“તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો, કેમ કે દિવસો બહુ ખરાબ છે.”—એફે. ૫:૧૬.

કોરીંથ મંડળને લખેલા પત્રમાં પ્રેરિત પાઉલે કડક શબ્દોમાં સલાહ આપી. એ પત્ર મોકલ્યા પછી તેમણે તિતસને ત્યાં મોકલ્યા. પાઉલને એ જાણીને સારું લાગ્યું કે ભાઈ-બહેનોએ ખુશી ખુશી તેમની સલાહ સ્વીકારી. (૨ કોરીં. ૭:૬, ૭) ભાઈ-બહેનો સાથે સમય વિતાવીને એક વડીલ પાઉલના પગલે ચાલી શકે. તે એવું કઈ રીતે કરી શકે? તે સભામાં વહેલા આવીને તેઓ સાથે વાત કરી શકે અને ઉત્તેજન આપી શકે. પ્રેમ અને ઉત્તેજનના બે બોલ પણ ભાઈ-બહેનોનો ઉત્સાહ વધારી શકે છે. (રોમ. ૧:૧૨) પાઉલની જેમ એક વડીલ બાઇબલનો ઉપયોગ કરીને ભાઈ-બહેનોની શ્રદ્ધા વધારી શકે અને તેઓને યહોવાના પ્રેમનો અહેસાસ કરાવી શકે. વડીલ તેઓના વખાણ કરવાની તક શોધી શકે. જો સલાહ આપવાની જરૂર પડે, તો વડીલે બાઇબલમાંથી સલાહ આપવી જોઈએ. તેમણે સીધેસીધી પણ પ્રેમથી સલાહ આપવી જોઈએ, જેથી ભાઈ-બહેનો એ સલાહ સ્વીકારી શકે.—ગલા. ૬:૧. w૨૨.૦૩ ૨૮-૨૯ ¶૧૧-૧૨

શુક્રવાર, નવેમ્બર ૩

“અમારી પાસે આ ખજાનો માટીનાં વાસણોમાં છે, જેથી દેખાઈ આવે કે અમને મળેલી તાકાત માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે અને એ તાકાત અમારી પોતાની નથી, પણ ઈશ્વર પાસેથી મળી છે.”—૨ કોરીં. ૪:૭.

આજે યહોવા પોતાના લોકોને એવી તાકાત આપે છે જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.” તાકાત મેળવવાની એક રીત છે પ્રાર્થના. એફેસીઓ ૬:૧૮માં પ્રેરિત પાઉલે ઉત્તેજન આપ્યું કે આપણે “બધા સંજોગોમાં” યહોવાને પ્રાર્થના કરીએ. યહોવા આપણી પ્રાર્થના સાંભળશે અને આપણને શક્તિ આપશે. ઘણી વાર ચિંતામાં હોઈએ એટલે ખબર ન પડે કે પ્રાર્થનામાં શું કહેવું, પણ યહોવા ચાહે છે કે આપણે પ્રાર્થના કરીએ. (રોમ. ૮:૨૬, ૨૭) યહોવા બાઇબલ દ્વારા પણ આપણને શક્તિ આપે છે. પાઉલની જેમ આપણે પણ બાઇબલ વાંચવું જોઈએ. એનાથી આપણને હિંમત અને દિલાસો મળશે. (રોમ. ૧૫:૪) આપણે બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ. એમ કરીશું તો યહોવા એ સમજવા મદદ કરશે કે જે વાંચ્યું એ આપણે કઈ રીતે લાગુ કરી શકીએ.—હિબ્રૂ. ૪:૧૨. w૨૧.૦૫ ૨૨ ¶૮-૧૦

શનિવાર, નવેમ્બર ૪

“ઈશ્વર તમને બળ આપે છે, જેથી તમે તેમને ખુશ કરી શકો. એવું કરવા તે તમને ઇચ્છા અને બળ આપે છે.”—ફિલિ. ૨:૧૩.

શીખવવાનું કામ સહેલું નથી, પણ આપણે જાણીએ છીએ કે એ ખૂબ મહત્ત્વનું છે. આપણા સંજોગોને લીધે ચાહીએ એટલું કરી ન શકીએ. દાખલા તરીકે, અમુક પ્રચારકો ઢળતી ઉંમરના કે બીમાર છે. શું તમારા સંજોગો પણ એવા છે? જો એમ હોય તો યાદ રાખો કે આપણે ઘરે બેઠા ફોન અથવા બીજાં ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા બાઇબલ અભ્યાસ ચલાવી શકીએ છીએ. એ સાધનો દ્વારા અભ્યાસ ચલાવવામાં બીજો પણ એક ફાયદો છે. ધારો કે એક વ્યક્તિને બાઇબલમાંથી શીખવાનું મન છે. પણ દિવસે મોટા ભાગનાં ભાઈ-બહેનો પ્રચાર કરે ત્યારે એ વ્યક્તિ અભ્યાસ માટે સમય નથી આપી શકતી. તેની પાસે વહેલી સવારે અથવા મોડી રાતે સમય છે. શું તમે એ સમયે તેની સાથે અભ્યાસ કરી શકો? ઈસુ નિકોદેમસને મોડી રાતે શીખવતા હતા. કારણ કે, તે રાતના સમયે ઈસુ પાસે આવતા હતા.—યોહા. ૩:૧, ૨. w૨૧.૦૭ ૫ ¶૧૦-૧૧

રવિવાર, નવેમ્બર ૫

“આ લોકો ફક્ત કહેવા ખાતર મારી ભક્તિ કરે છે. તેઓ પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર છે.”—યશા. ૨૯:૧૩.

બાપ્તિસ્મા આપનાર યોહાનના શિષ્યોને સમજાતું ન હતું કે ઈસુના શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી. ઈસુએ તેઓને સમજાવ્યું કે જ્યાં સુધી તે જીવે છે, ત્યાં સુધી તેમના શિષ્યોએ ઉપવાસ કરવાની જરૂર નથી. (માથ. ૯:૧૪-૧૭) ફરોશીઓને અને બીજાઓને પણ એ ગમતું ન હતું કે, ઈસુ તેઓના રીતિ-રિવાજો પાળતાં નથી. ઈસુ સાબ્બાથના દિવસે બીમારોને સાજા કરતા હતા એ વાતથી પણ તેઓ નારાજ હતા. (માર્ક ૩:૧-૬; યોહા. ૯:૧૬) તેઓ તો બડાઈ મારતા કે પોતે સાબ્બાથના નિયમ સારી રીતે પાળે છે. પણ બીજી બાજુ તેઓ મંદિરમાં વેપાર-ધંધો થવા દેતા હતા. ઈસુએ તેઓનું ધ્યાન એ વાત તરફ દોર્યું અને તેઓને ખખડાવ્યા ત્યારે તેઓને ઘણો ગુસ્સો આવ્યો. (માથ. ૨૧:૧૨, ૧૩, ૧૫) ઈસુ નાઝરેથના સભાસ્થાનમાં લોકોને પ્રચાર કરતા હતા. એ સમયે ઈસુએ કહ્યું કે તેઓ જૂના જમાનાના ઇઝરાયેલીઓ જેવા છે, જેઓ સ્વાર્થી હતા અને જેઓમાં શ્રદ્ધાની ખામી હતી. (લૂક ૪:૧૬, ૨૫-૩૦) એ સાંભળીને તેઓ તો ગુસ્સામાં ધૂંઆપૂંઆ થઈ ગયા. લોકોને જે ગમતું હતું એ ઈસુએ કર્યું નહિ એટલે તેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો નહિ.—માથ. ૧૧:૧૬-૧૯. w૨૧.૦૫ ૫-૬ ¶૧૩-૧૪

સોમવાર, નવેમ્બર ૬

“આપણે તેની ચાલાકીઓથી અજાણ નથી.”—૨ કોરીં. ૨:૧૧.

યહોવાએ બાઇબલમાં અમુક લોકોના દાખલા લખાવ્યા છે જેઓ ઘમંડી અને લાલચુ બન્યા હતા. યહોવાએ એ દાખલાઓ આપણને ચેતવણી મળે માટે લખાવ્યા છે. લાલચની વાત આવે ત્યારે આપણા મનમાં શેતાનનો વિચાર આવે છે. શેતાન પહેલાં યહોવાનો એક સ્વર્ગદૂત હતો એટલે તેની પાસે ઘણી જવાબદારી હશે. પણ એનાથી તેનું પેટ ભરાયું નહિ. તે ચાહતો હતો કે માણસો તેની ભક્તિ કરે. પણ ભક્તિ મેળવવાનો અધિકાર તો ફક્ત યહોવાનો જ છે. શેતાન આપણને પણ તેના જેવો લોભી બનાવવા માગે છે. તે ચાહે છે કે આપણે એવું વિચારીએ કે આપણી પાસે જે છે એ પૂરતું નથી. તેણે હવા સાથે પણ એવી જ ચાલાકી અજમાવી. યહોવાએ આદમ અને હવાને ખાવા માટે ઘણું બધું આપ્યું હતું. તેઓ ‘બાગના કોઈ પણ ઝાડનું ફળ ખાઈ શકતા હતા,’ સિવાય એક. (ઉત. ૨:૧૬) શેતાને હવાના કાન ભર્યા કે જે ઝાડ પરથી યહોવાએ ખાવાની ના પાડી છે એ જ તેના માટે સારું છે. હવા તેની વાતોમાં આવી ગઈ અને તેણે એ ફળ ખાધું. એનું પરિણામ એ આવ્યું કે તે પાપ કરી બેઠી અને તેનું મરણ થયું.—ઉત. ૩:૬, ૧૯. w૨૧.૦૬ ૧૪ ¶૨-૩; ૧૭ ¶૯

મંગળવાર, નવેમ્બર ૭

“તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો અને એના પર અધિકાર ચલાવો.”—ઉત. ૧:૨૮.

જો આદમ અને હવાએ પોતાના પિતા યહોવાની વાત માની હોત અને તેમણે સોંપેલાં કામ સારી રીતે કર્યા હોત તો શું થાત? તેઓ અને તેઓનાં બાળકો હંમેશ માટે યહોવાના કુટુંબનો ભાગ બન્યા હોત. ગીતશાસ્ત્ર ૮:૫માં દાઉદ પહેલા માણસ વિશે કહે છે, “તમે તેને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું. તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો.” ખરું કે માણસોને સ્વર્ગદૂતો જેટલી તાકાત, બુદ્ધિ અને આવડતો સાથે નથી બનાવ્યા. (ગીત. ૧૦૩:૨૦) પણ સ્વર્ગદૂતોમાં અને માણસોમાં ખાસ કંઈ ફરક નથી. માણસોને સ્વર્ગદૂતોથી ‘થોડા ઊતરતા’ બનાવ્યા છે. એ પરથી જાણવા મળે છે કે યહોવાના કુટુંબમાં આદમ અને હવા મહત્ત્વના હતાં. દુઃખની વાત છે કે આદમ અને હવાએ યહોવાની આજ્ઞા તોડી. એટલે તેઓ યહોવાના કુટુંબનો ભાગ રહ્યા નહિ. તેમનાં બાળકોએ પણ દુઃખ-તકલીફો વેઠવી પડી. યહોવા બદલાયા નથી. તે હજુ ચાહે છે કે વફાદાર લોકો તેમનાં બાળકો બને. w૨૧.૦૮ ૨-૩ ¶૨-૪

બુધવાર, નવેમ્બર ૮

‘“લશ્કરથી નહિ કે મનુષ્યની તાકાતથી નહિ, પણ મારી શક્તિથી એ બધું થશે,” એવું યહોવા કહે છે.’—ઝખા. ૪:૬.

આજે યહોવાના ઘણા સાક્ષીઓ વિરોધનો સામનો કરે છે. દાખલા તરીકે, કેટલાંક ભાઈ-બહેનો એવા દેશોમાં રહે છે જ્યાં આપણા કામ પર અમુક નિયંત્રણ છે. બની શકે કે ત્યાં ભાઈ-બહેનોની ધરપકડ કરીને ‘રાજ્યપાલો અને રાજાઓની સામે લઈ જવામાં આવે જેથી તેઓને સાક્ષી મળે.’ (માથ. ૧૦:૧૭, ૧૮) બીજાં કેટલાંક ભાઈ-બહેનો એવા દેશમાં રહે છે, જ્યાં છૂટથી ભક્તિ કરી શકાય છે. પણ તેઓ અલગ પ્રકારના વિરોધનો સામનો કરે છે, જેમ કે કુટુંબના સભ્યો તેઓને યહોવાની ભક્તિ કરતા રોકે છે. (માથ. ૧૦:૩૨-૩૬) પણ તેઓ હિંમત હારતા નથી અને યહોવાની ભક્તિ કરવાનું ચાલુ રાખે છે. એ જોઈને ઘણી વાર વિરોધીઓ હેરાન કરવાનું બંધ કરી દે છે. અમુક કિસ્સામાં તો જેઓનો વિરોધ થયો હતો તેઓ વધારે જોશથી યહોવાની ભક્તિ કરવા લાગ્યા છે. જ્યારે તમે વિરોધનો સામનો કરો ત્યારે નિરાશ ન થતા, પણ હિંમત રાખજો. યહોવા અને તેમની પવિત્ર શક્તિ તમારી સાથે છે. તમારે જરાય ડરવાની જરૂર નથી. w૨૨.૦૩ ૧૬ ¶૮

ગુરુવાર, નવેમ્બર ૯

“હે યહોવાને ચાહનારાઓ, ખરાબ કામોને ધિક્કારો.” —ગીત. ૯૭:૧૦.

બાઇબલમાં લખ્યું છે કે યહોવા “ઘમંડી આંખો, જૂઠું બોલતી જીભ, નિર્દોષનું ખૂન કરતા હાથ” ધિક્કારે છે. (નીતિ. ૬:૧૬, ૧૭) એટલું જ નહિ “હિંસક અને કપટી લોકોથી યહોવાને સખત નફરત છે.” (ગીત. ૫:૬) નૂહના સમયમાં જે બન્યું એનાથી પણ ખબર પડે છે કે યહોવા એવાં કામોને કેટલાં ધિક્કારે છે. એ સમયમાં લોકોએ આખી પૃથ્વીને હિંસાથી ભરી દીધી હતી. એટલે યહોવાએ તેઓનો નાશ કરી દીધો. (ઉત. ૬:૧૩) સાથે જ, પ્રબોધક માલાખીના સમયમાં યહોવાએ શું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જેઓ પોતાની પત્નીને છૂટાછેડા આપવા કાવતરું રચે છે, તેઓને તે ધિક્કારે છે. યહોવા તેઓની ભક્તિને પણ નકારે છે અને તેઓને ચોક્કસ સજા કરશે. (માલા. ૨:૧૩-૧૬; હિબ્રૂ. ૧૩:૪) યહોવા ચાહે છે કે આપણે ‘જે ખરાબ છે એને ધિક્કારીએ.’ (રોમ. ૧૨:૯) ‘ધિક્કાર’ શબ્દના અર્થમાં ફક્ત એટલું જ આવતું નથી કે આપણે કોઈ બાબતને નાપસંદ કરીએ. પણ એને એટલી હદે નફરત કરીએ કે એના વિચારથી પણ ચિતરી ચઢે. એટલે, યહોવા જેને ધિક્કારે છે, એને આપણે એટલી હદે નફરત કરીએ કે એવું કરવાનું આપણે સપનામાંય ન વિચારીએ. w૨૨.૦૩ ૪-૫ ¶૧૧-૧૨

શુક્રવાર, નવેમ્બર ૧૦

“જેઓ ધીરજ ધરીને તેમની રાહ જુએ છે, તેઓ સુખી છે!” —યશા. ૩૦:૧૮.

જલદી જ યહોવા પોતાના રાજમાં આકાશના દરવાજા ખોલીને આપણા પર આશીર્વાદો વરસાવશે. જેઓ યહોવાની રાહ જુએ છે તેઓને તે આજેય આશીર્વાદ આપે છે અને ભાવિમાં પણ આશીર્વાદોનો વરસાદ વરસાવશે. આપણે આજે જે મુશ્કેલીઓ સહીએ છીએ એ નવી દુનિયામાં સહેવી નહિ પડે. કારણ કે એ સમયે અન્યાય અને દુઃખ-તકલીફોને કાયમ માટે દૂર કરવામાં આવશે. (પ્રકટી. ૨૧:૪) આપણે કોઈ વાતની ચિંતા નહિ કરવી પડે. આપણી પાસે બધી જ વસ્તુઓ ભરપૂર હશે. (ગીત. ૭૨:૧૬; યશા. ૫૪:૧૩) સાચે જ કેવો મોટો આશીર્વાદ! આજે યહોવા આપણને ખરાબ આદતો છોડવા અને સારા ગુણો કેળવવા મદદ કરી રહ્યા છે, જેથી આપણે નવી દુનિયામાં જઈ શકીએ. આપણે હાર ન માનીએ અને યહોવાની સેવા કરતા રહીએ. કારણ કે બહુ જલદી જ આપણને સુંદર જીવન મળવાનું છે. તો ચાલો, યહોવાએ જે કરવાનું નક્કી કર્યું છે એ કરે ત્યાં સુધી આપણે ધીરજથી રાહ જોઈએ. w૨૧.૦૮ ૧૩ ¶૧૭-૧૯

શનિવાર, નવેમ્બર ૧૧

“ભલું કરવાનું અને તમારી વસ્તુઓથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ, કેમ કે એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.”—હિબ્રૂ. ૧૩:૧૬.

પ્રેરિત પાઉલનો પત્ર મળ્યો એના થોડા સમય પછી “તેઓએ પહાડો પર નાસી જવું” પડ્યું હતું. (માથ. ૨૪:૧૬) તેઓએ ઘર અને નોકરી-ધંધો છોડવાં પડ્યાં. અરે, તેઓએ એવાં સગાઓને પણ છોડીને જવું પડ્યું, જેઓ ખ્રિસ્તી ન હતાં. એ સમયે ચોક્કસ તેઓને એકબીજાની મદદની ખૂબ જરૂર પડી હશે. જો તેઓએ અગાઉ પાઉલની સલાહ પાળી હશે, તો નવી જગ્યાએ એ સલાહ પાળવી તેઓ માટે મુશ્કેલ નહિ હોય. તેઓ ઓછી વસ્તુઓથી પોતાનું ગુજરાન ચલાવી શક્યા હશે. આપણાં ભાઈ-બહેનો દર વખતે કદાચ જણાવે નહિ કે તેઓને શાની જરૂર છે. એટલે, એવો સ્વભાવ રાખીએ કે બીજાઓ આપણી પાસે અચકાયા વગર આવી શકે. આપણા મંડળમાં એવાં ભાઈ-બહેનો તો હશે જ જેઓ મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે. તેઓ ખુશી ખુશી મદદ આપે છે, તેઓ કદી આપણને એવું લાગવા દેતાં નથી કે આપણે તેઓને તકલીફ આપીએ છીએ. આપણને ખાતરી છે કે આપણને જરૂર હશે ત્યારે તેઓ ખડે પગે હાજર રહેશે. આપણે પણ તેઓ જેવા બનવા માંગીએ છીએ. w૨૨.૦૨ ૨૩-૨૪ ¶૧૩-૧૫

રવિવાર, નવેમ્બર ૧૨

‘પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતાને જાળવી રાખવા એકબીજા સાથે શાંતિથી રહો.’—એફે. ૪:૩.

હાલનાં અમુક વર્ષોમાં ઘણાં મંડળોને ભેગાં કરવામાં આવ્યાં. એના લીધે કેટલાંક મંડળોને બીજી સરકીટમાં મૂકવામાં આવ્યાં. જો વડીલો આપણને બીજા મંડળમાં જવાનું કહે તો શું આપણે જઈશું? કુટુંબ અને દોસ્તોને છોડવા આપણને મુશ્કેલ લાગી શકે. બીજા એક કારણને લીધે પણ આપણને માર્ગદર્શન પ્રમાણે કરવું અઘરું લાગી શકે. યહોવા કંઈ વડીલોને સીધેસીધું કહેતા નથી કે કયા પ્રકાશકને ક્યાં મોકલવામાં આવે. પણ વડીલો જે નિર્ણય લે છે એના પર તેમને ભરોસો છે. એટલે આપણે પણ વડીલો પર ભરોસો રાખવો જોઈએ. વડીલોના નિર્ણય આપણને ન ગમે તોપણ કેમ માનવા જોઈએ? કેમ કે એનાથી યહોવાના ભક્તો વચ્ચે એકતા જળવાઈ રહે છે. વડીલોના જૂથે લીધેલા નિર્ણય માનવાથી મંડળમાં પ્રેમ અને ખુશીનો માહોલ રહે છે. (હિબ્રૂ ૧૩:૧૭) યહોવાએ વડીલોને આપણી સંભાળ રાખવાની જવાબદારી સોંપી છે. એટલે આપણે વડીલો પર ભરોસો રાખીને બતાવીએ છીએ કે આપણને યહોવા પર ભરોસો છે.—પ્રે.કા. ૨૦:૨૮. w૨૨.૦૨ ૪-૫ ¶૯-૧૦

સોમવાર, નવેમ્બર ૧૩

“તું જાહેર વાંચન પર, સલાહ આપવા પર અને શીખવવા પર ધ્યાન આપતો રહેજે.”—૧ તિમો. ૪:૧૩.

જો તમે બાપ્તિસ્મા પામેલા ભાઈ હો તો તમે બોલવાની અને શીખવવાની કળા નિખારી શકો છો. શા માટે? કારણ કે તમે બોલવામાં, વાંચવામાં અને શીખવવામાં “મન પરોવેલું” રાખશો તો તમારા સાંભળનારને ફાયદો થશે. (૧ તિમો. ૪:૧૫) એ માટે તમે વાંચવાની અને શીખવવાની કળા પુસ્તિકાનો અભ્યાસ કરવાનું નક્કી કરી શકો. વારાફરતી દરેક ગુણોનો અભ્યાસ કરો. એની પ્રેક્ટિસ કરો પછી એમાં આપેલી સલાહને ટોકમાં લાગુ કરો. તમે સહાયક સલાહકાર અને વડીલો પાસેથી સલાહ લઈ શકો, “જેઓ બોલવામાં અને શીખવવામાં સખત મહેનત કરે છે.” (૧ તિમો. ૫:૧૭) સાથે સાથે તમે તમારા સાંભળનારની શ્રદ્ધા વધારવા અને તેઓને પગલાં ભરવા કઈ રીતે ઉત્તેજન આપી શકો, એનો પણ વિચાર કરી શકો. એવું કરશો તો તમારી ખુશીમાં વધારો થશે અને બીજાઓને પણ ખુશી મળશે. w૨૧.૦૮ ૨૪ ¶૧૭

મંગળવાર, નવેમ્બર ૧૪

“નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિ. ૨:૩.

જો બીજાઓને ચઢિયાતા ગણીશું, તો આપણાથી વધારે આવડતોવાળાં ભાઈ-બહેનો સાથે હરીફાઈ નહિ કરીએ. એના બદલે આપણે ખુશ થઈશું કે તેઓ પોતાની આવડતનો ઉપયોગ યહોવાની સેવામાં કરી રહ્યા છે. આમ, મંડળની શાંતિ અને એકતા જળવાઈ રહેશે. જો આપણામાં મર્યાદાનો ગુણ હશે તો બીજાઓની ઈર્ષા નહિ કરીએ, આપણે પોતાની હદમાં રહીશું. દરેક વાતમાં પોતાનો જ કક્કો ખરો નહિ કરીએ. એવું સાબિત કરવાનો પ્રયત્ન નહિ કરીએ કે આપણામાં બીજાઓ કરતાં સારી આવડત છે. એને બદલે, આપણે તેઓ પાસેથી શીખવાનો પ્રયત્ન કરીશું. દાખલા તરીકે, એક ભાઈ સારું પ્રવચન આપે છે તો, આપણે તેમને પૂછીએ કે તે એની તૈયારી કઈ રીતે કરે છે. એક બહેન સારી રસોઈ બનાવે છે તો, આપણે તેની પાસેથી રસોઈ બનાવવાનું શીખી શકીએ. w૨૧.૦૭ ૧૬ ¶૮-૯

બુધવાર, નવેમ્બર ૧૫

“[યહોવા] ક્યારેય અન્યાય કરતા નથી.”—પુન. ૩૨:૪.

ગણનાના પુસ્તકમાં એક અહેવાલ છે. એક ઇઝરાયેલી માણસ સાબ્બાથના દિવસે લાકડાં વીણતો હતો. એટલે યહોવાએ તેને મારી નાખવાની સજા કરી. વર્ષો પછી બીજો એક બનાવ બન્યો. એ વિશે શમુએલના બીજા પુસ્તકમાં જણાવ્યું છે. દાઉદ રાજાએ વ્યભિચાર કર્યો અને ખૂન કર્યું, તોપણ યહોવાએ તેમને માફ કર્યા. (ગણ. ૧૫:૩૨, ૩૫; ૨ શમુ. ૧૨:૯, ૧૩) આપણને થાય કે યહોવાએ કેમ દાઉદનાં મોટાં મોટાં પાપ માફ કર્યાં, પણ પેલા માણસને નાનકડી ભૂલ માટે મોતની સજા કરી? અમુક અહેવાલો વિશે બાઇબલમાં બધી માહિતી આપી નથી. દાખલા તરીકે, આપણે જાણીએ છીએ કે દાઉદે પોતાનાં પાપ માટે પૂરા દિલથી પસ્તાવો કર્યો હતો. (ગીત. ૫૧:૨-૪) પણ પેલા ઇઝરાયેલી માણસ વિશે શું? તે કેવો હતો? શું તેણે પસ્તાવો કર્યો હતો? શું તેણે પહેલાં પણ યહોવાની આજ્ઞાઓ તોડી હતી? શું તેણે અગાઉ પણ ચેતવણીઓ સાંભળીને આંખ આડા કાન કર્યા હતા? બાઇબલમાં એ સવાલોના જવાબ નથી. પણ આપણે યહોવા વિશે ઘણું જાણીએ છીએ, એટલે ખાતરી રાખી શકીએ કે તે “પોતાના બધા માર્ગોમાં નેક છે.”—ગીત. ૧૪૫:૧૭. w૨૨.૦૨ ૩ ¶૩-૪

ગુરુવાર, નવેમ્બર ૧૬

“મર્યાદામાં રહેતા લોકો પાસે ડહાપણ હોય છે.” —નીતિ. ૧૧:૨.

જે વ્યક્તિ મર્યાદામાં રહે છે તે જે કરી શકે છે એટલું જ કરશે. એવું કરવામાં તે ખુશી અનુભવે છે અને આગળ કામ કરી શકે છે. ધારો કે એક માણસ સાઇકલ પર જઈ રહ્યો છે અને રસ્તામાં લાકડાનો પુલ આવે છે. એ પુલ પાર કરવા તેણે સાઇકલ પરથી નીચે ઊતરવું પડે છે. કદાચ તેણે ધીમે ચાલવું પડે છે. પણ એ રીતે તે પુલ પાર કરી શકશે અને આગળ વધી શકશે. એવી જ રીતે મર્યાદામાં રહેનાર વ્યક્તિ સારી રીતે જાણે છે કે કયા સમયે તેણે પોતાનામાં ફેરફાર કરવો પડશે. એમ કરશે તો જ તે યહોવાની સેવામાં આગળ વધી શકશે અને બીજાઓને પણ એમ કરવા મદદ કરી શકશે. (ફિલિ. ૪:૫) ચાલો બાર્ઝિલ્લાયનું ઉદાહરણ જોઈએ. તે ૮૦ વર્ષના હતા ત્યારે દાઉદ રાજા તેમને પોતાના દરબારમાં મંત્રી બનાવવા માંગતા હતા. પણ બાર્ઝિલ્લાય જાણતા હતા કે તે વધારે નહિ કરી શકે. એટલે તેમણે રાજાને ના પાડી અને પોતાની જગ્યાએ કિમ્હામને મોકલ્યો જે યુવાન હતો. (૨ શમુ. ૧૯:૩૫-૩૭) બાર્ઝિલ્લાયની જેમ આજે વૃદ્ધ ભાઈઓ યુવાન ભાઈઓને જવાબદારી ઉપાડવાની તક આપે છે. w૨૧.૦૯ ૧૦ ¶૬-૭

શુક્રવાર, નવેમ્બર ૧૭

“પિતા સિવાય બીજું કોઈ જાણતું નથી કે દીકરો કોણ છે. પિતાને પણ કોઈ જાણતું નથી. ફક્ત દીકરો જાણે છે અને દીકરો જેને જણાવવા ચાહે છે, તેના સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.”—લૂક ૧૦:૨૨.

ઘણાને નાનપણમાં પિતાનો પ્રેમ મળ્યો નથી, એટલે યહોવાને પ્રેમાળ પિતા માનવા તેઓને અઘરું લાગે છે. શું તમને પણ એવું લાગે છે? ભરોસો રાખો કે યહોવા તમારી મૂંઝવણ સમજે છે. બાઇબલમાં ઉત્તેજન આપ્યું છે કે “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.” (યાકૂ. ૪:૮) યહોવા આપણને પ્રેમ કરે છે, તે આપણા માટે સૌથી સારા પિતા છે. આપણે ઈસુની મદદથી યહોવાની નજીક જઈ શકીએ છીએ. ઈસુ યહોવાને સૌથી સારી રીતે જાણે છે. યહોવામાં જે ગુણો છે એ જ ગુણો ઈસુમાં છે. એટલે ઈસુએ કહ્યું, “જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.” (યોહા. ૧૪:૯) એક મોટા ભાઈની જેમ, ઈસુએ આપણને શીખવ્યું છે કે પિતાને કઈ રીતે આદર આપવો જોઈએ, તેમની આજ્ઞા પાળવી જોઈએ અને તેમને ખુશ કરવા જોઈએ. તેમણે પૃથ્વી પરના જીવન દરમિયાન બતાવી આપ્યું કે યહોવા કેટલા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર છે. w૨૧.૦૯ ૨૧ ¶૪-૫

શનિવાર, નવેમ્બર ૧૮

“ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો.”—૧ પિત. ૫:૨.

યહોવાના ભક્તો એક થઈને તેમની ભક્તિ કરે છે. યહોવાએ વડીલોને એક મહત્ત્વની જવાબદારી સોંપી છે. એ જવાબદારી છે કે તેઓએ મંડળને શુદ્ધ રાખવાનું છે. ધારો કે મંડળમાં કોઈ વ્યક્તિ મોટું પાપ કરી બેસે છે. યહોવા ચાહે છે કે વડીલો નક્કી કરે કે એ વ્યક્તિ મંડળમાં રહેશે કે નહિ. એ માટે તેઓએ ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. વડીલો એ જાણવાની કોશિશ કરશે કે વ્યક્તિએ જે કર્યું છે, એનો તેને દિલથી પસ્તાવો છે કે નહિ. તે કદાચ કહે કે તેણે પસ્તાવો કર્યો છે. પણ તેણે જે પાપ કર્યું છે, શું એને તે ખરેખર ધિક્કારે છે? શું એ પાપ ફરી ન કરવાનો તેણે પાકો નિર્ણય લીધો છે? જો તેણે ખરાબ દોસ્તોને લીધે એ પાપ કર્યું હોય, તો શું એ દોસ્તોને છોડવા તે તૈયાર છે? વડીલો યહોવાને પ્રાર્થના કરે છે અને પુરાવાઓને તપાસે છે. તેઓ બાઇબલના સિદ્ધાંતો અને પાપ કરનાર વ્યક્તિનાં વાણી-વર્તનને ધ્યાનમાં લે છે. પછી તેઓ નક્કી કરે છે કે એ વ્યક્તિ મંડળમાં રહેશે કે નહિ. અમુક સંજોગોમાં તેને મંડળમાંથી બહિષ્કૃત કરવી પડે છે.—૧ કોરીં. ૫:૧૧-૧૩. w૨૨.૦૨ ૫ ¶૧૧-૧૨

રવિવાર, નવેમ્બર ૧૯

“નવો સ્વભાવ પહેરી લો.”—કોલો. ૩:૧૦.

આપણે હમણાં બાપ્તિસ્મા લીધું હોય કે વર્ષો પહેલાં, આપણે બધા યહોવાને પસંદ હોય એવો સ્વભાવ કેળવવા માંગીએ છીએ. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા વિચારો કેવા છે, કેમ કે આપણા સ્વભાવ પર એની સૌથી વધારે અસર થાય છે. જો આપણે હંમેશાં પોતાની ઇચ્છાઓ પૂરી કરવા વિશે વિચારતા રહીશું, તો વાણી-વર્તનમાં ભૂલ કરી બેસીશું. (એફે. ૪:૧૭-૧૯) બીજી બાજુ, જો આપણે હંમેશાં સારી વાતો વિશે વિચારતા રહીશું તો એવાં વાણી-વર્તન રાખી શકીશું જેનાથી યહોવા ખુશ થાય. (ગલા. ૫:૧૬) જોકે, બધા ખરાબ વિચારોને આપણે મનમાં આવતા રોકી શકતા નથી. પણ એવા વિચારો પ્રમાણે કામ કરવાથી પોતાને રોકી શકીએ છીએ. બાપ્તિસ્મા પહેલાં આપણે એવાં વાણી-વર્તન છોડવાં જોઈએ, જેને યહોવા ધિક્કારે છે. જૂનો સ્વભાવ ઉતારી નાખવા માટે એ પહેલું અને સૌથી મહત્ત્વનું પગલું છે. યહોવાને પૂરી રીતે ખુશ કરવા આપણે નવો સ્વભાવ પહેરી લેવો જોઈએ. w૨૨.૦૩ ૮ ¶૧-૨

સોમવાર, નવેમ્બર ૨૦

“તમે દરેક રીતે પોતાને શુદ્ધ સાબિત કર્યા.”—૨ કોરીં. ૭:૧૧.

વ્યક્તિએ દિલથી પસ્તાવો કર્યો છે કે નહિ, એ જાણવું વડીલો માટે સહેલું નથી. શા માટે? કેમ કે તેઓ વ્યક્તિનું મન વાંચી શકતા નથી. તેઓને નિર્ણયો લેવા પુરાવાઓની જરૂર પડે છે. વડીલોએ ધ્યાન આપવું જોઈએ કે વ્યક્તિનાં વિચારો અને કાર્યોમાં ફેરફાર થયો છે કે નહિ, તે પોતાની ભૂલ માટે દુઃખી છે કે નહિ. પોતાને બદલવા વ્યક્તિને ઘણો સમય લાગી શકે. બહિષ્કૃત વ્યક્તિને દિલથી પસ્તાવો હશે તો તે નિયમિત સભાઓમાં જશે. તે વડીલોની સલાહ માનીને પ્રાર્થના કરશે અને બાઇબલનો જાતે અભ્યાસ કરશે. તે એવી બધી બાબતોથી દૂર રહેશે જે તેને ફરી પાપ કરવા લલચાવી શકે. જો તે યહોવા સાથે સંબંધ સુધારવા પ્રયત્ન કરશે તો યહોવા તેને માફ કરશે. એટલું જ નહિ વડીલો પણ તેને મંડળમાં પાછી લેશે. w૨૧.૧૦ ૬ ¶૧૬-૧૮

મંગળવાર, નવેમ્બર ૨૧

‘તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ ન બનાવો. ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વી પરની કોઈ પણ વસ્તુ કે એના આકારની પ્રતિમા ન બનાવો. તમે તેઓ સામે નમશો નહિ.’—નિર્ગ. ૨૦:૪, ૫.

ઈસુ પોતાના પિતા યહોવાને ખૂબ પ્રેમ કરે છે એટલે સ્વર્ગમાં અને પૃથ્વી પર આવ્યા પછી પણ તેમણે ફક્ત યહોવાની ભક્તિ કરી. (લૂક ૪:૮) તેમણે પોતાના શિષ્યોને પણ એમ કરવાનું શીખવ્યું. ઈસુ અને તેમના શિષ્યોએ ક્યારેય મૂર્તિપૂજા કરી ન હતી. કોઈ માણસે કદી ઈશ્વરને જોયા નથી. એટલે કોઈ તેમનું ચિત્ર કે મૂર્તિ બનાવી ન શકે. (યશા. ૪૬:૫) પણ સંતોની મૂર્તિ બનાવીને તેઓની પૂજા કરવી શું યોગ્ય કહેવાય? યહોવાએ આપેલી દસ આજ્ઞાઓમાંની બીજી આજ્ઞા એ આજનું વચન છે. જેઓ ઈશ્વરને ખુશ કરવા ચાહે છે, તેઓ મૂર્તિપૂજા કરતા નથી. ઇતિહાસકારો જણાવે છે કે પહેલી સદીના ખ્રિસ્તીઓ ફક્ત ઈશ્વરની જ ભક્તિ કરતા હતા. આજે યહોવાના સાક્ષીઓ પણ તેઓની જેમ ભક્તિ કરે છે. w૨૧.૧૦ ૧૯-૨૦ ¶૫-૬

બુધવાર, નવેમ્બર ૨૨

“જે માણસ ધાબા પર હોય, તેણે ઘરમાંથી સામાન લેવા નીચે ન ઊતરવું.”—માથ. ૨૪:૧૭.

યહૂદિયામાં રહેતા પહેલી સદીના ખ્રિસ્તીઓને ઈસુએ એક ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે એવો સમય આવશે કે જ્યારે યરૂશાલેમ શહેર “સૈન્યોથી ઘેરાયેલું” હશે. (લૂક ૨૧:૨૦-૨૪) એવું થાય ત્યારે તેઓએ ‘પહાડો પર નાસી જવાનું હતું.’ જો તેઓ નાસી જાય તો જ તેઓનું જીવન બચી શકતું હતું. પણ એ માટે તેઓએ ઘણી વસ્તુઓ જતી કરવાની હતી. થોડાં વર્ષો પહેલાં ચોકીબુરજમાં આમ જણાવ્યું હતું, ‘તેઓએ પોતાના ઘરો છોડી દીધા, અને એમાંની પોતાની માલિકીની વસ્તુઓ પણ ભેગી કરી નહિ. યહોવાહ પર રક્ષણ અને સહકાર માટે વિશ્વાસ રાખીને, તેઓએ યહોવાહની ઉપાસનાને બીજી મહત્ત્વની બાબત કરતા આગળ મૂકી.’ એમાં એમ પણ જણાવ્યું હતું કે ‘આપણા પર પણ એવી જ કસોટીઓ આવી શકે છે જેમાં પરખ થાય કે આપણા માટે શું વધારે મહત્ત્વનું છે. માલ-મિલકત કે પછી યહોવા પાસેથી મળતો ઉદ્ધાર. આપણા માટે નાસી જવાનો અર્થ થાય કે આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને ઘણી વસ્તુઓ જતી કરવી પડશે.’ w૨૨.૦૧ ૪ ¶૭-૮

ગુરુવાર, નવેમ્બર ૨૩

“હે ભગવાન, તમારો અતૂટ પ્રેમ કેટલો અનમોલ છે!” —ગીત. ૩૬:૭.

ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી નીકળ્યા એના થોડા સમય પછી યહોવાએ મૂસાને પોતાનાં નામ અને ગુણો વિશે જણાવ્યું. તેમણે કહ્યું, “યહોવા, યહોવા, દયા અને કરુણા બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર; અતૂટ પ્રેમ અને સત્યના સાગર; હજારો પેઢીઓને અતૂટ પ્રેમ બતાવનાર; ભૂલો, અપરાધો અને પાપોને માફ કરનાર.” (નિર્ગ. ૩૪:૬, ૭) એ કલમોમાં યહોવાએ પોતાના અતૂટ પ્રેમ વિશે એક ખાસ વાત જણાવી. એ શું હતી? યહોવાએ ફક્ત એટલું જ જણાવ્યું ન હતું કે તે અતૂટ પ્રેમ કરે છે, પણ તેમણે કહ્યું તે “અતૂટ પ્રેમના સાગર” છે. એ શબ્દો બાઇબલમાં ઘણી વાર જોવા મળે છે. (ગણ. ૧૪:૧૮; નહે. ૯:૧૭; ગીત. ૮૬:૧૫; ૧૦૩:૮; યોએ. ૨:૧૩; યૂના ૪:૨) દર વખતે એ શબ્દો યહોવા માટે વપરાયા છે, ક્યારેય માણસો માટે નહિ. એનાથી ખબર પડે છે કે યહોવા માટે એ ગુણ ઘણો મહત્ત્વનો છે. w૨૧.૧૧ ૨-૩ ¶૩-૪     

શુક્રવાર, નવેમ્બર ૨૪

“તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો.” —માથ. ૬:૨૫.

પતિ-પત્નીઓને પ્રેરિત પિતર અને તેમની પત્ની પાસેથી ઘણું શીખવા મળે છે. પિતર અમુક મહિના પછી ઈસુને ફરી મળ્યા ત્યારે ઈસુએ તેમને પૂરા સમયની સેવા કરવાનું આમંત્રણ આપ્યું. પિતર માટે એ એક મોટો નિર્ણય હતો. તેમનું કુટુંબ હતું અને ઘર ચલાવવા તે માછલીઓ પકડવાનું કામ કરતા હતા. (લૂક ૫:૧-૧૧) તે ઈસુ સાથે પૂરો સમય પ્રચાર કરવા લાગ્યા. પિતરની પત્નીએ પણ તેમના એ નિર્ણયમાં સાથ આપ્યો. ઈસુ ફરી જીવતા થયા એ પછીના સમયનો વિચાર કરો. બાઇબલમાં લખ્યું છે કે પિતરે મુસાફરી કરી ત્યારે અમુક વાર તેમની પત્ની પણ તેમની સાથે ગયાં. (૧ કોરીં. ૯:૫) સાચે જ તે એક સારી પત્ની હતાં, એટલે જ તો પિતર અચકાયા વગર પતિ-પત્ની માટે સારી સલાહ આપી શક્યા. (૧ પિત. ૩:૧-૭) પિતર અને તેમની પત્નીને ભરોસો હતો કે જો તેઓ યહોવાની ભક્તિને પોતાના જીવનમાં પહેલી રાખશે તો યહોવા પણ તેઓની સંભાળ રાખશે.—માથ. ૬:૩૧-૩૪. w૨૧.૧૧ ૧૮ ¶૧૪

શનિવાર, નવેમ્બર ૨૫

“મારા પગલે ચાલનારા બનો.”—૧ કોરીં. ૧૧:૧.

પ્રેરિત પાઉલ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓની સંભાળ રાખવા તે રાત-દિવસ મહેનત કરતા હતા. (પ્રે.કા. ૨૦:૩૧) એટલે જ ભાઈ-બહેનોનાં દિલમાં પણ પાઉલ માટે ઊંડી લાગણી હતી. એક વાર એફેસસના વડીલોને ખબર પડી કે તેઓ ફરી ક્યારેય પાઉલને મળી નહિ શકે, એટલે તેઓ “બધા ખૂબ રડ્યા.” (પ્રે.કા. ૨૦:૩૭) આપણા મહેનતુ વડીલો પણ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરે છે. તેઓ ભાઈ-બહેનોને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. (ફિલિ. ૨:૧૬, ૧૭) અમુક વાર બધાં કામ કરવા વડીલો માટે અઘરું થઈ જાય છે. તેઓને ક્યાંથી મદદ મળી શકે? તનતોડ મહેનત કરતા વડીલો પાઉલના દાખલાનો વિચાર કરી શકે. પાઉલ પાસે કોઈ દિવ્ય શક્તિ ન હતી. તે સામાન્ય માણસ જ હતા. તેમનાથી પણ ભૂલો થતી હતી. તેમના માટે પણ સારું કરવું હંમેશાં સહેલું ન હતું. (રોમ. ૭:૧૮-૨૦) તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. તે હિંમત ન હાર્યા પણ તેમણે આનંદ જાળવી રાખ્યો. વડીલો પાઉલ પાસેથી ઘણું શીખી શકે છે. ભલે કોઈ પણ પડકાર આવે, તેઓ યહોવાની ભક્તિમાં આનંદ જાળવી શકે છે. w૨૨.૦૩ ૨૬ ¶૧-૨

રવિવાર, નવેમ્બર ૨૬

“તમે મારા સાબ્બાથો પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.”—લેવી. ૧૯:૩.

લેવીય ૧૯:૩માં એક આજ્ઞા છે, “તમે મારા સાબ્બાથો પાળો.” આજે આપણને નિયમશાસ્ત્ર લાગુ પડતું નથી. એટલે આપણે સાબ્બાથ પાળતા નથી. પણ ઇઝરાયેલીઓ સાબ્બાથને દિવસે જે કરતા અને એનાથી જે ફાયદો થતો, એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. ઇઝરાયેલીઓ સાબ્બાથના દિવસે રોજબરોજનાં કામથી આરામ લેતા અને ફક્ત યહોવાની ભક્તિ કરતા. ઈસુ પણ સાબ્બાથને દિવસે સભાસ્થાનમાં જતા અને શાસ્ત્રમાંથી વાંચતા. (નિર્ગ. ૩૧:૧૨-૧૫; લૂક ૪:૧૬-૧૮) લેવીય ૧૯:૩થી શીખવા મળે છે કે આપણે દરરોજના કામમાંથી સમય કાઢીને યહોવાની ભક્તિ કરવી જોઈએ. શું તમને લાગે છે કે એ આજ્ઞા પાળવા તમારે જીવનમાં ફેરફારો કરવાની જરૂર છે? તમે દરરોજ યહોવાની ભક્તિ માટે થોડો સમય કાઢો. એમ કરશો તો તેમની વધારે નજીક જઈ શકશો. પવિત્ર રહેવા યહોવાની નજીક રહેવું ખૂબ જરૂરી છે. w૨૧.૧૨ ૫ ¶૧૩

સોમવાર, નવેમ્બર ૨૭

“હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું કે તેઓ પસ્તાવો કરે.”—લૂક ૫:૩૨.

ઈસુ બધા લોકો સાથે હળતા-મળતા હતા. તે અમીર અને મોટા મોટા લોકો સાથે જમતા. એટલું જ નહિ, તે ગરીબ અને લાચાર લોકો સાથે પણ ઘણો સમય વિતાવતા. દુનિયા જે લોકોને ‘પાપી’ ગણતી હતી તેઓ સાથે ઈસુ દયાથી વર્ત્યા. પણ અમુક લોકોને એ ન ગમ્યું એટલે તેઓએ શિષ્યોને પૂછ્યું: “તમે કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાઓ-પીઓ છો?” ઈસુએ તેઓને આજની કલમના શબ્દો કહ્યા. (લૂક ૫:૨૯-૩૧) મસીહ આવ્યા એના ઘણાં વર્ષો અગાઉ યશાયાએ ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકો મસીહનો સ્વીકાર નહિ કરે. એ ભવિષ્યવાણીમાં લખ્યું હતું, “માણસો તેને નફરત કરતા અને દૂર દૂર ભાગતા હતા . . . તેનો ચહેરો જાણે આપણાથી છુપાવી રાખવામાં આવ્યો. તેને નફરત કરવામાં આવી અને આપણે તેને નકામો ગણ્યો.” (યશા. ૫૩:૩) એમાં લખ્યું હતું કે “લોકો” મસીહથી દૂર ભાગશે અને ઈસુ સાથે એવું જ થયું હતું. એ જોઈને પ્રથમ સદીના યહૂદીઓએ સમજી જવાનું હતું કે ભવિષ્યવાણીમાં જે લખ્યું હતું એવું જ ઈસુ સાથે થઈ રહ્યું છે. w૨૧.૦૫ ૮-૯ ¶૩-૪

મંગળવાર, નવેમ્બર ૨૮

“યહોવા તેને બેઠો કરશે.”—યાકૂ. ૫:૧૫.

અમુક ભાઈ-બહેનો સલાહ પાળવામાં આનાકાની કરતા હતાં. (યાકૂ. ૧:૨૨) બીજાં કેટલાંક અમીર-ગરીબમાં ભેદભાવ રાખતાં હતાં. (યાકૂ. ૨:૧-૩) બીજાં અમુકને પોતાની જીભ પર કાબૂ રાખવો અઘરું લાગતું હતું. (યાકૂ. ૩:૮-૧૦) તેઓ માટે એ મોટી નબળાઈઓ હતી. પણ યાકૂબે આશા છોડી દીધી નહિ. તેમણે એવું વિચાર્યું નહિ કે તેઓ ક્યારેય બદલાશે નહિ. તેમણે પ્રેમથી પણ સીધેસીધી તેઓને સલાહ આપી. યાકૂબે તેઓને વડીલો પાસે મદદ લેવાનું પણ ઉત્તેજન આપ્યું. (યાકૂ. ૫:૧૩,૧૪) આપણે શું શીખી શકીએ? બીજાઓના સંજોગો સમજીએ અને આશા ન છોડીએ. આપણે જેઓ સાથે અભ્યાસ કરતા હોઈએ તેઓને બાઇબલમાંથી શીખેલી વાતો લાગુ પાડવી કદાચ અઘરું લાગે. (યાકૂ. ૪:૧-૪) તેઓને ખરાબ આદતો છોડવા અને સારા ગુણો કેળવવા સમય લાગી શકે. આપણે હિંમતથી જણાવવું જોઈએ કે તેઓએ કેવા ફેરફાર કરવાની જરૂર છે. પણ આપણે આશા ન છોડીએ અને એવું ન વિચારીએ કે તેઓ ક્યારેય સુધરશે નહિ. ભરોસો રાખીએ કે જો વિદ્યાર્થી નમ્ર હશે તો યહોવા તેને પોતાની તરફ દોરશે અને ફેરફાર કરવા તેને બળ આપશે.—યાકૂ. ૪:૧૦. w૨૨.૦૧ ૧૧ ¶૧૧-૧૨

બુધવાર, નવેમ્બર ૨૯

“જે માણસ ગરીબનો પોકાર સાંભળીને કાન બંધ કરે છે, તે માણસનો પણ પોકાર સાંભળવામાં નહિ આવે.”—નીતિ. ૨૧:૧૩.

આપણે બધાએ યહોવાની જેમ બીજાઓ પર દયા બતાવવી જોઈએ. જો એવું ન કરીએ તો યહોવા પણ આપણી પ્રાર્થનાઓ નહિ સાંભળે. આપણે એવું ચાહતા નથી, એટલે આપણે પથ્થર દિલના ન બનીએ. કોઈ ભાઈ કે બહેન મુશ્કેલીમાં હોય અને મદદ માટે પોકાર કરે ત્યારે આપણે હાથ પાછો ખેંચી ન રાખીએ. આપણે જાણીએ છીએ, “જે દયા બતાવતો નથી, તેનો ન્યાય પણ દયા વગર કરવામાં આવશે.” (યાકૂ. ૨:૧૩) આપણને પણ ઘણી વાર દયાની જરૂર પડે છે. જો એ યાદ રાખીશું તો આપણે પણ બીજાઓને દયા બતાવી શકીશું. ખાસ કરીને એવા લોકો પર જેઓ પસ્તાવો કરીને મંડળમાં પાછા આવે છે. પ્રાચીન સમયના ઈશ્વરભક્તોના દાખલા પરથી આપણે કઠોર બનવાને બદલે દયા બતાવવાનું શીખી શકીએ. w૨૧.૧૦ ૧૨ ¶૧૬-૧૭

ગુરુવાર, નવેમ્બર ૩૦

“હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.” —માથ. ૨૬:૩૬.

પૃથ્વી પર ઈસુની છેલ્લી રાત હતી. હવે તેમનું સેવાકાર્ય પૂરું થવાનું હતું. તેમણે પ્રાર્થના અને મનન કરવા શાંત જગ્યા શોધી. એટલે તે ગેથશેમાને બાગમાં ગયા. એ સમયે તેમણે શિષ્યોને પ્રાર્થના વિશે જરૂરી સલાહ આપી. જ્યારે તેઓ ગેથશેમાને બાગમાં પહોંચ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કદાચ મધરાત થઈ હતી. ઈસુએ પ્રેરિતોને કહ્યું, “જાગતા રહો.” પછી તે પ્રાર્થના કરવા જતા રહ્યા. (માથ. ૨૬:૩૭-૩૯) ઈસુ પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે પ્રેરિતો ઊંઘી ગયા હતા. તેમણે ફરી પ્રેરિતોને જરૂરી સલાહ આપી, “જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો.” (માથ. ૨૬:૪૦, ૪૧) ઈસુ જાણતા હતા કે તેઓ ખૂબ તણાવમાં છે અને થાકી ગયા છે. એટલે તેમણે કહ્યું કે “શરીર કમજોર છે.” એ પછી ઈસુ ફરી બે વાર પ્રાર્થના કરવા ગયા. તે પાછા આવ્યા ત્યારે, બંને વખતે તેમણે શિષ્યોને પ્રાર્થના કરવાને બદલે ઊંઘતા જોયા.—માથ. ૨૬:૪૨-૪૫. w૨૨.૦૧ ૨૮ ¶૧૦-૧૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો