ડિસેમ્બર
શુક્રવાર, ડિસેમ્બર ૧
“તેઓ મારો અવાજ સાંભળશે.”—યોહા. ૧૦:૧૬.
ઈસુનો પોતાના શિષ્યો સાથે મજબૂત સંબંધ છે. એ સમજાવવા તેમણે પોતાને ઘેટાંપાળક સાથે અને શિષ્યોને ઘેટાં સાથે સરખાવ્યા. (યોહા. ૧૦:૧૪) એ સરખામણી એકદમ યોગ્ય છે. ઘેટાં પોતાના ઘેટાંપાળકને સારી રીતે ઓળખે છે. તે જે કહે છે એ જ તેઓ કરે છે. એક મુસાફરે એવું જ કંઈક અનુભવ્યું. તેણે કહ્યું, “અમારે ઘેટાંનો ફોટો પાડવો હતો. પણ ઘેટાં અમારી નજીક આવતાં જ ન હતાં. કેમ કે તેઓ અમારો અવાજ ઓળખતાં ન હતાં. પછી એક નાનો છોકરો આવ્યો જે ઘેટાંપાળક હતો. તેણે ઘેટાંને જેવી બૂમ પાડી કે તરત તેઓ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યાં.” એ મુસાફરે જે કહ્યું એનાથી આપણને ઈસુના શબ્દો યાદ આવે છે. તેમણે પોતાના શિષ્યો વિશે કહ્યું, “તેઓ મારો અવાજ સાંભળશે.” ઈસુ સ્વર્ગમાં છે, તો પછી આપણે કઈ રીતે તેમનું સાંભળી શકીએ? ઈસુના શિક્ષણને જીવનમાં લાગુ પાડીને બતાવીએ છીએ કે આપણે તેમનું સાંભળીએ છીએ.—માથ. ૭:૨૪, ૨૫. w૨૧.૧૨ ૧૬ ¶૧-૨
શનિવાર, ડિસેમ્બર ૨
“બધાએ પાપ કર્યું છે અને તેઓ ઈશ્વરના મહાન ગુણો પૂરી રીતે બતાવી શકતા નથી.”—રોમ. ૩:૨૩.
પ્રેરિત પાઉલ માથાભારે હતા અને ખ્રિસ્તીઓનો સખત વિરોધ કરતા હતા. પણ પછીથી તેમને પોતાની ભૂલ સમજાઈ. તે પોતાનાં વાણી-વર્તનમાં સુધારો કરવા તૈયાર હતા. (૧ તિમો. ૧:૧૨-૧૬) યહોવાની મદદથી તે એક નમ્ર વડીલ બની શક્યા અને ભાઈ-બહેનોને પ્રેમ અને કરુણા બતાવી શક્યા. તેમણે પોતાના ભૂલો વિશે જ વિચાર્યા ન કર્યું. એના બદલે તેમણે ભરોસો રાખ્યો કે યહોવા તેમને જરૂર માફ કરશે. (રોમ. ૭:૨૧-૨૫) તેમણે એવું ન વિચાર્યું કે તે ક્યારેય ભૂલો નહિ કરે. પણ તેમણે પોતાના સ્વભાવમાં સુધારો કરવા મહેનત કરી. તેમણે સોંપેલું કામ પૂરું કરવા નમ્રતા બતાવી અને યહોવા પર આધાર રાખ્યો. (૧ કોરીં. ૯:૨૭; ફિલિ. ૪:૧૩) એવું નથી કે એક ભાઈ ક્યારેય ભૂલો કરતા નથી એટલે તેમને વડીલ બનાવવામાં આવે છે. ભૂલો તો થશે, પણ યહોવા ચાહે છે કે વડીલો પોતાની ભૂલ સ્વીકારે અને નવો સ્વભાવ કેળવતા રહે. (એફે. ૪:૨૩, ૨૪) એક વડીલે પોતાની તપાસ કરવા બાઇબલમાંથી અભ્યાસ કરવો જોઈએ. પછી એ પ્રમાણે જીવનમાં ફેરફાર કરવા જોઈએ. જો તે એવું કરશે તો યહોવા તેમને ખુશ રહેવા અને પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવવા મદદ કરશે.—યાકૂ. ૧:૨૫. w૨૨.૦૩ ૨૯-૩૦ ¶૧૩-૧૫
રવિવાર, ડિસેમ્બર ૩
“બીજાઓ પર દોષ મૂકવાનું બંધ કરો.”—માથ. ૭:૧.
જો ખ્યાલ આવે કે આપણે કોઈ ભાઈ કે બહેન પર દોષ મૂક્યો છે, તો શું કરવું જોઈએ? આપણે હંમેશાં ભાઈ-બહેનોને પ્રેમ કરવો જોઈએ. (યાકૂ. ૨:૮) આપણે યહોવાને પ્રાર્થનામાં કાલાવાલા કરીએ. બીજાઓ વિશે ખોટું ન વિચારવા તેમની પાસે મદદ માંગીએ. પછી એ પ્રમાણે પગલાં ભરીએ. આપણે એ ભાઈ કે બહેન સાથે વાત કરવાની પહેલ કરી શકીએ, તેમની સાથે પ્રચારમાં જઈ શકીએ અથવા સાથે જમવાનો પ્રોગ્રામ બનાવી શકીએ. એવું કરીને આપણે તેમને સારી રીતે ઓળખી શકીશું અને તેમના સારા ગુણો જોઈ શકીશું. આમ આપણે યહોવા અને ઈસુને અનુસરવાની કોશિશ કરીએ છીએ. એવું કરીએ છીએ ત્યારે ઉત્તમ ઘેટાંપાળકની આ આજ્ઞા પાળીએ છીએ: દોષ મૂકવાનું બંધ કરો. ઘેટાં પોતાના ઘેટાંપાળકનો અવાજ સાંભળે છે, એવી જ રીતે ઈસુના શિષ્યો પણ તેમનું સાંભળે છે. ભલે ‘નાની ટોળીના’ હોઈએ કે પછી ‘બીજાં ઘેટાના,’ આપણે ઉત્તમ ઘેટાંપાળકનું સાંભળતા રહીએ.—લૂક ૧૨:૩૨; યોહા. ૧૦:૧૧, ૧૪, ૧૬. w૨૧.૧૨ ૧૯ ¶૧૧; ૨૦-૨૧ ¶૧૭-૧૮
સોમવાર, ડિસેમ્બર ૪
“રહાબઆમે વૃદ્ધ માણસોની સલાહ માની નહિ.” —૧ રાજા. ૧૨:૮.
રહાબઆમ ઇઝરાયેલનો રાજા બન્યો ત્યારે ત્યાંના લોકો તેને મળવા આવ્યા. તેના પિતા સુલેમાને તેઓ પર ભારે બોજો નાખ્યો હતો. તેઓએ એ બોજો હળવો કરવાની રાજાને વિનંતી કરી. રહાબઆમે સમજદારીનું કામ કર્યું. તેણે એ વિશે ઇઝરાયેલના વૃદ્ધ માણસોની સલાહ માંગી. તેઓએ લોકોની વાત માની લેવાની સલાહ આપી. તેઓએ જણાવ્યું કે જો રાજા એમ કરશે તો લોકો આખી જિંદગી તેના સેવકો બનીને રહેશે. (૧ રાજા. ૧૨:૩-૭) રહાબઆમને એ સલાહ ન ગમી. એટલે તે પોતાના દોસ્તો પાસે ગયો, જેઓ તેની સાથે મોટા થયા હતા. તેઓએ લોકો પર બોજો વધારવાનું કહ્યું. (૧ રાજા. ૧૨:૯-૧૧) તેણે યહોવાને પૂછવું જોઈતું હતું કે તે કઈ સલાહ પાળે. પણ તેણે તો દોસ્તોની સલાહ માની. એનાથી ફક્ત રાજાએ જ નહિ, પ્રજાએ પણ ઘણું ભોગવવું પડ્યું. આપણા વિશે શું? આપણને હંમેશાં એવી સલાહ ન મળે, જે ગમતી હોય. પણ એ સલાહ બાઇબલમાંથી હોય તો આપણે એને પાળવી જ જોઈએ. w૨૨.૦૨ ૯ ¶૬
મંગળવાર, ડિસેમ્બર ૫
“યુવાનોની શાન તેઓની તાકાત છે.”—નીતિ. ૨૦:૨૯.
વ્યક્તિ નમ્ર હશે અને પોતાની મર્યાદા જાણતી હશે તો તે યુવાન ભાઈઓના અનુભવ પર નહિ, પણ તેઓની આવડત પર ધ્યાન આપશે. તે એમ નહિ વિચારે કે યુવાન ભાઈઓ તેમની જવાબદારી પડાવી લેવા માંગે છે. એના બદલે તે યુવાન ભાઈઓને એ જવાબદારી ઉપાડવા મદદ કરશે. વૃદ્ધ ભાઈ-બહેનો માને છે કે યુવાનો યહોવા તરફથી ભેટ છે. મંડળના યુવાનો યહોવાની સેવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. એ જોઈને વૃદ્ધ ભાઈ-બહેનોને ઘણી ખુશી થાય છે. એ માટે તેઓ યુવાનોનો આભાર માને છે. વૃદ્ધ ભાઈ-બહેનો, યુવાનો તમને મદદ કરવા માંગે તો તેઓની મદદ લો અને તેઓનો આભાર માનો. એ વિશે નાઓમીએ સારો દાખલો બેસાડ્યો છે. તેના દીકરા ગુજરી ગયા ત્યારે તેણે રૂથને પાછા પિયર જવાનું કહ્યું પણ રૂથે ના પાડી. તે નાઓમી સાથે બેથલેહેમ જવા માંગતી હતી. એટલે નાઓમી રૂથને પોતાની સાથે લઈ ગઈ. (રૂથ ૧:૭, ૮, ૧૮) નાઓમીએ રૂથની મદદ સ્વીકારી, એટલે આગળ જતાં તેઓ બંનેને આશીર્વાદ મળ્યા. (રૂથ ૪:૧૩-૧૬) જો વૃદ્ધ ભાઈ-બહેનો નમ્ર હશે તો નાઓમીની જેમ યુવાનોની મદદ લેશે. w૨૧.૦૯ ૧૦-૧૧ ¶૯-૧૧
બુધવાર, ડિસેમ્બર ૬
“ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી જાય.”—હિબ્રૂ. ૬:૧૦.
આપણા પ્રેમાળ પિતા યહોવા આપણા દરેકના સંજોગો સમજે છે. બની શકે કે તમે તમારાં સગાં કે મિત્રો કરતાં ભક્તિમાં વધારે કરો છો. અથવા તમે વધતી ઉંમર, ખરાબ તબિયત કે કુટુંબની જવાબદારીઓને લીધે કદાચ વધારે કરી શકતા નથી. પણ તમે નિરાશ થશો નહિ. (ગલા. ૬:૪) તમે દિલથી અને સારા ઇરાદાથી જે મહેનત કરો છો એનાથી યહોવા ખુશ થશે. તે ક્યારેય તમારાં કામોને નહિ ભૂલે. યહોવા આપણાં દિલની ઇચ્છાઓ જાણે છે. તે જાણે છે કે આપણે તેમના માટે શું કરવા માંગીએ છીએ. તે ચાહે છે કે આપણે તેમની ભક્તિમાં જેટલું કરી શકીએ છીએ એનાથી ખુશી મેળવીએ. આજે આપણી પાસે મનની શાંતિ છે, કેમ કે આપણે જાણીએ છીએ કે મુશ્કેલીઓમાં યહોવા આપણી પડખે છે. (યશા. ૪૧:૯, ૧૦) સૃષ્ટિ પાસેથી ‘મહિમા અને માન મેળવવાને યોગ્ય’ હોય એવા પ્રેમાળ પિતા યહોવાની આપણે ભક્તિ કરતા રહીએ. (પ્રકટી. ૪:૧૧) એમ કરીશું તો આપણને અનેરી ખુશી મળશે! w૨૨.૦૩ ૨૪ ¶૧૬; ૨૫ ¶૧૮
ગુરુવાર, ડિસેમ્બર ૭
“હું તમારી આજ્ઞાઓ ઉતાવળે પાળું છું, જરાય મોડું કરતો નથી.” —ગીત. ૧૧૯:૬૦.
આપણે ઈસુને પગલે ચાલવા ચાહીએ છીએ, પણ એમ ન કરી શકીએ તો નિરાશ ન થઈએ. (યાકૂ. ૩:૨) દાખલા તરીકે એક વિદ્યાર્થી પોતાના શિક્ષક પાસેથી ચિત્ર દોરવાનું શીખે છે. શિક્ષક સારા ચિત્રકાર છે. વિદ્યાર્થી શરૂઆતમાં કદાચ એ શિક્ષકની જેમ સારું ચિત્ર દોરી શકતો ન હોય. પણ જો તે પોતાની ભૂલોમાંથી શીખતો રહેશે અને પોતાના શિક્ષકને પગલે ચાલવામાં મહેનત કરતો રહેશે, તો તેની કળામાં નિખાર આવતો જશે. આપણે પણ બાઇબલમાંથી જે શીખ્યા એ પ્રમાણે કરવા પૂરી મહેનત કરીએ અને પોતાનામાં સુધારો કરવાનો પ્રયત્ન કરીએ. એમ કરીશું તો આપણે ઈસુને સારી રીતે અનુસરી શકીશું. (ગીત. ૧૧૯:૫૯) આ દુનિયામાં મોટા ભાગના લોકો સ્વાર્થી છે. પણ યહોવાના ભક્તો તેઓથી સાવ અલગ છે. બીજાઓને મદદ કરવામાં ઈસુએ સારો દાખલો બેસાડ્યો છે. તેમના દાખલાની આપણા પર ઊંડી અસર થઈ છે. આપણે તેમને અનુસરવાનો દૃઢ નિર્ણય કર્યો છે. (૧ પિત. ૨:૨૧) ચાલો ઈસુને અનુસરવાની પૂરી કોશિશ કરીએ. આપણા પ્રયત્નો જોઈને યહોવા ખુશ થશે અને આપણી ખુશીમાં પણ વધારો થશે. w૨૨.૦૨ ૨૪ ¶૧૬; ૨૫ ¶૧૮
શુક્રવાર, ડિસેમ્બર ૮
“એમાંની અમુક વાતો સમજવી અઘરી છે.”—૨ પિત. ૩:૧૬.
યહોવા આજે ઘણી રીતે આપણને માર્ગદર્શન આપે છે. એમાંની એક રીત છે બાઇબલ. યહોવા જે શીખવે છે એના વિશે વિચારવા સમય કાઢીશું તો, યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરી શકીશું અને સારી રીતે ખુશખબર ફેલાવી શકીશું. (૧ તિમો. ૪:૧૫, ૧૬) યહોવા આજે બીજી એક રીતે પણ આપણને માર્ગદર્શન આપે છે. એ છે “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા. (માથ. ૨૪:૪૫) અમુક વાર ચાકર કદાચ એવું માર્ગદર્શન આપે જે આપણને સમજવું અઘરું લાગે. દાખલા તરીકે, કોઈ કુદરતી આફત આવે એ પહેલાં આપણને તૈયાર રહેવા માર્ગદર્શન મળે. આપણને લાગે કે એ કુદરતી આફત આપણા વિસ્તારમાં થોડી આવવાની છે. જો કોઈ માર્ગદર્શન આપણા ગળે ન ઉતરે તો શું કરી શકીએ? આપણે બાઇબલના અમુક બનાવોને યાદ કરી શકીએ. એનાથી જોવા મળે છે કે અમુક વખતે યહોવાના ભક્તોને એવું માર્ગદર્શન મળ્યું જે માણસોની નજરે અજીબ લાગે. પણ એ પ્રમાણે કરવાથી તેઓનું જીવન બચી ગયું.—ન્યા. ૭:૭; ૮:૧૦. w૨૨.૦૩ ૧૮-૧૯ ¶૧૫-૧૬
શનિવાર, ડિસેમ્બર ૯
“હે પિતા, મારું જીવન હું તમારા હાથમાં સોંપું છું.” —લૂક ૨૩:૪૬.
ઈસુએ પૂરા ભરોસા સાથે આજની કલમના શબ્દો કહ્યા. ઈસુ જાણતા હતા કે તેમનું ભાવિ યહોવાના હાથમાં છે. તેમના મર્યા પછી તે પાછા ઊઠશે કે નહિ, એ યહોવા નક્કી કરશે. પણ તેમને પૂરી ખાતરી હતી કે યહોવા તેમને જરૂર યાદ રાખશે. આપણે શું શીખી શકીએ? આપણે દરેક સંજોગોમાં યહોવાને વફાદાર રહેવા માંગીએ છીએ. પછી ભલેને આપણું જીવન જોખમમાં કેમ ના હોય. એવું ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે “પૂરા દિલથી યહોવા પર ભરોસો” રાખીશું. (નીતિ. ૩:૫) ચાલો ૧૫ વર્ષના જોશુઆના દાખલા પર ધ્યાન આપીએ. તેને એક ગંભીર બીમારી થઈ હતી. તેણે એવી સારવાર કરાવવાની ના પાડી જેમાં ઈશ્વરનો નિયમ તૂટતો હોય. પોતાના જીવનની છેલ્લી ઘડીમાં તેણે મમ્મીને કહ્યું, “હું યહોવાના હાથમાં છું, તે મને પાછો ઉઠાડશે. તેમણે મારું દિલ જોયું છે, તે જાણે છે કે હું તેમને કેટલો પ્રેમ કરું છું.” આપણે પોતાને પૂછી શકીએ: ‘મારી શ્રદ્ધાની કસોટી થાય કે જીવન-મરણનો સવાલ હોય ત્યારે શું યહોવાને વફાદાર રહીશ? શું મને ખાતરી છે કે યહોવા મને યાદ રાખશે?’ w૨૧.૦૪ ૧૨-૧૩ ¶૧૫-૧૬
રવિવાર, ડિસેમ્બર ૧૦
“બીજાને તાજગી આપનાર પોતે પણ તાજગી મેળવશે.” —નીતિ. ૧૧:૨૫.
યહોવાના લોકોને પ્રચારકામથી હિંમત મળે છે. પ્રચાર કરીએ છીએ ત્યારે આપણને ઘણું સારું લાગે છે, પછી ભલે ને લોકો સાંભળે કે ન સાંભળે. અમુક લોકો પ્રચારમાં ઘણું કરવા ઇચ્છે છે, પણ સંજોગોને લીધે કરી શકતા નથી. જો તમને પણ એવું લાગતું હોય તો શું કરી શકો? યાદ રાખો કે તમે બનતું બધું કરો છો એ જોઈને યહોવા બહુ ખુશ થાય છે. યહોવા જાણે છે કે અમુકને પ્રચાર કરવાની ઘણી ઇચ્છા છે, પણ બીમારીના લીધે ઘરની બહાર નીકળી શકતા નથી. એવા સમયે આપણે પ્રચારની બીજી રીતોનો ઉપયોગ કરી શકીએ. જેમ કે આપણી સંભાળ લેતા ડોક્ટર કે નર્સને પ્રચાર કરી શકીએ. જો આપણે એવા વિચારોમાં ડૂબેલા રહીશું કે પહેલા જેટલું હવે કરી શકતા નથી, તો હિંમત હારી જઈશું. પણ આપણે એ વાત યાદ રાખીએ કે યહોવા આજે આપણને મદદ કરી રહ્યા છે. એમ કરીશું તો ગમે એવી મુશ્કેલીઓ આવે આપણને ખુશીથી સહેવા શક્તિ મળશે. આપણે જાણતા નથી કે સત્યના જે બી વાવીએ છીએ, એમાંથી કયું બી મૂળ પકડશે અને ઊગશે.—સભા. ૧૧:૬. w૨૧.૦૫ ૨૪-૨૫ ¶૧૪-૧૭
સોમવાર, ડિસેમ્બર ૧૧
“તેં યહોવાનું અપમાન કેમ કર્યું? તેમની નજરે ખોટું કામ કેમ કર્યું?”—૨ શમુ. ૧૨:૯.
યહોવાની કૃપા દાઉદ પર હતી. એટલે દાઉદ પાસે ઘણી ધનદોલત અને માન-મહિમા હતો. તેમણે ઘણા યુદ્ધો જીત્યા હતા. યહોવાના આશીર્વાદ માટે તે એટલા આભારી હતા કે તેમણે કહ્યું: “એ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!” (ગીત. ૪૦:૫) પણ એક સમયે તે યહોવાની કૃપા ભૂલી ગયા. તેમની ઘણી પત્નીઓ હતી, છતાં તેમણે ઊરિયાની પત્ની બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો અને તે ગર્ભવતી થઈ. આમ તેમણે પાપ તો કર્યું, પણ એટલેથી તે અટક્યા નહિ. તેમણે બાથ-શેબાના પતિ ઊરિયાને મારી નંખાવ્યો. (૨ શમુ. ૧૧:૨-૧૫) દાઉદ વર્ષોથી યહોવાને વફાદાર હતા અને તેમને ખબર હતી કે તે જે કરી રહ્યા છે એ ખોટું છે. પણ તેમને લોભ જાગ્યો અને મોટી ભૂલ કરી બેઠા. એ માટે તેમણે ભારે કિંમત ચૂકવવી પડી. તેમણે ભૂલ સ્વીકારી, પસ્તાવો કર્યો અને યહોવાએ તેમને માફ કર્યા. દાઉદ એ માટે ઘણા આભારી હતા.—૨ શમુ. ૧૨:૭-૧૩. w૨૧.૦૬ ૧૭ ¶૧૦
મંગળવાર, ડિસેમ્બર ૧૨
“એવું નથી કે અમે અમારી શક્તિથી આ કામ કરી શકીએ છીએ, અમે તો ઈશ્વરની મદદથી આ કામ કરીએ છીએ.”—૨ કોરીં. ૩:૫.
આપણને લાગે કે બાઇબલ અભ્યાસ નહિ ચલાવી શકીએ. આપણને એવું લાગતું હોય કે બાઇબલ અભ્યાસ ચલાવવા માટે પહેલા આપણી પાસે સારું જ્ઞાન અને આવડત હોવાં જોઈએ. જો એમ હોય તો આ ત્રણ વાતોથી તમને હિંમત મળશે. પહેલું, યહોવાને તમારા પર ભરોસો છે, તે જાણે છે કે તમે બીજાઓને શીખવી શકો છો. બીજું, શિષ્ય બનાવવાનું કામ ઈસુએ તમને સોંપ્યું છે, જેમને ‘સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર આપવામાં આવ્યો છે.’ (માથ. ૨૮:૧૮) ત્રીજું, તમે બીજાં ભાઈ-બહેનોની મદદ લઈ શકો. ઈસુએ પણ પોતાના પિતાની મદદ લીધી હતી. તેમના પિતાએ જે શીખવ્યું હતું એ જ તે બીજાને શીખવતા હતા. (યોહા. ૮:૨૮; ૧૨:૪૯) એટલું જ નહિ તમે ગ્રૂપ નિરીક્ષક, પાયોનિયરો અને અનુભવી પ્રકાશકોની મદદ લઈ શકો, જેથી તમે અભ્યાસ શરૂ કરી શકો અને ચલાવી શકો. તમે તેઓના બાઇબલ અભ્યાસમાં પણ જઈ શકો. તેઓ પાસેથી શીખીને તમને હિંમત મળશે. w૨૧.૦૭ ૬ ¶૧૨
બુધવાર, ડિસેમ્બર ૧૩
“જે થોડામાં વિશ્વાસુ છે, તે ઘણામાં પણ વિશ્વાસુ છે. જે થોડામાં બેઈમાન છે, તે ઘણામાં પણ બેઈમાન છે.”—લૂક ૧૬:૧૦.
આ દુનિયાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. એટલે યહોવાની કામ કરવાની રીત પર આપણે પહેલાં કરતાં હમણાં વધારે ભરોસો રાખવાની જરૂર છે. કેમ કે મોટી વિપત્તિ વખતે કદાચ એવું માર્ગદર્શન મળે જે આપણને ધડ-માથા વગરનું લાગે અથવા એને પાળવું અઘરું લાગે. ખરું કે ત્યારે યહોવા આપણી સાથે મોઢામોઢ વાત કરીને માર્ગદર્શન નહિ આપે. તે નીમેલા ભાઈઓ દ્વારા આપણને માર્ગદર્શન આપી શકે. એ વખતે આપણી પાસે એવું વિચારવાનો સમય નહિ હોય કે ‘શું આ માર્ગદર્શન યહોવા તરફથી છે કે પછી ભાઈઓ પોતાનું જ ચલાવી રહ્યા છે?’ એ અઘરા સમયમાં શું તમે યહોવા અને તેમના સંગઠન પર ભરોસો રાખશો? એનો જવાબ એ વાત પર આધાર રાખે છે કે તમે હમણાં શું કરો છો. જો તમે હમણાં યહોવાના સંગઠનથી મળતા માર્ગદર્શન પર ભરોસો રાખશો અને એને તરત પાળશો, તો મોટી વિપત્તિ વખતે પણ તમે એવું જ કરી શકશો. w૨૨.૦૨ ૬ ¶૧૫
ગુરુવાર, ડિસેમ્બર ૧૪
“તમારી સરખામણીમાં મેં ક્યાં કંઈ મોટું કામ કર્યું છે?”—ન્યા. ૮:૨.
યહોવાએ ગિદિયોન અને તેમના ૩૦૦ માણસોને જીત અપાવી હતી. એ માટે ગિદિયોનના વખાણ કરવાને બદલે એફ્રાઈમના લોકો તેમની સાથે ઝઘડવા લાગ્યા. કેમ કે તેઓને લડાઈ કરવા સાથે લઈ ગયા ન હતા. (ન્યા. ૮:૧) ગિદિયોને તેઓને એ યાદ અપાવ્યું કે યહોવાએ તેઓનો ઉપયોગ કરીને કેવાં મોટાં મોટાં કામો કર્યા હતા. એ સાંભળીને તેઓ “ઠંડા પડ્યા.” (ન્યા. ૮:૩) ગિદિયોન નહોતા ઇચ્છતા કે વાત વધારે બગડે માટે તેમણે નમ્ર બનીને શાંતિ જાળવી રાખી. એફ્રાઈમના લોકો પાસેથી શીખી શકીએ કે આપણે પોતાનો નહિ, પણ યહોવાના માન-સન્માનનો વિચાર કરવો જોઈએ. જો આપણે વડીલ કે કુટુંબના શિર હોઈએ તો ગિદિયોન પાસેથી પણ શીખી શકીએ. જ્યારે આપણા લીધે કોઈને ખોટું લાગે ત્યારે બાબતોને તેમની નજરે જોઈએ. આપણે એ વ્યક્તિના સારાં કામોના વખાણ કરીએ. એમ કરવા આપણામાં નમ્રતાનો ગુણ હોવો જોઈએ. આપણે સાચા છીએ કે ખોટા એ સાબિત કરવું જરૂરી નથી. જરૂરી એ છે કે ભાઈ-બહેનો સાથે આપણો સંબંધ સારો હોય. w૨૧.૦૭ ૧૬-૧૭ ¶૧૦-૧૨
શુક્રવાર, ડિસેમ્બર ૧૫
“ચાલો આપણે માણસ બનાવીએ, તેને આપણા જેવો બનાવીએ.” —ઉત. ૧:૨૬.
યહોવાએ આપણને તેમના જેવા બનાવ્યા. એનો અર્થ એ કે આપણામાં પણ યહોવા જેવા ગુણો છે, જેમ કે પ્રેમ, દયા, વફાદારી અને ન્યાય. (ગીત. ૮૬:૧૫; ૧૪૫:૧૭) આપણે એવા ગુણો કેળવીને યહોવાનો મહિમા કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ. (૧ પિત. ૧:૧૪-૧૬) એટલું જ નહિ, આપણે બતાવીએ છીએ કે આપણે તેમના કુટુંબનો ભાગ બનવા માંગીએ છીએ. એ જોઈને યહોવાને ખુશી થશે અને આપણે પણ ખુશ થઈશું. યહોવાએ આપણા માટે સુંદર ઘર બનાવ્યું. માણસોને બનાવતા પહેલાં તેમણે ધરતી બનાવી. (અયૂ. ૩૮:૪-૬; યર્મિ. ૧૦:૧૨) યહોવા ખૂબ ઉદાર છે એટલે માણસો ખુશ રહે માટે તેમણે ઘણી વસ્તુઓ બનાવી. (ગીત. ૧૦૪:૧૪, ૧૫, ૨૪) યહોવાએ સૃષ્ટિ બનાવી, પછી ‘જોઈ કે એ સારી છે.’—ઉત. ૧:૧૦, ૧૨, ૩૧. w૨૧.૦૮ ૩ ¶૫-૬
શનિવાર, ડિસેમ્બર ૧૬
“પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ આ છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, શ્રદ્ધા, કોમળતા અને સંયમ.”—ગલા. ૫:૨૨, ૨૩.
દરેક ઈશ્વરભક્તને મહત્ત્વનું કામ આપવામાં આવ્યું છે, એ છે પ્રચાર કરવો અને શિષ્ય બનાવવા. (માથ. ૨૮:૧૯, ૨૦; રોમ. ૧૦:૧૪) એ કામમાં પોતાની આવડત વધારે કેળવવા તમે અમુક પગલાં ભરી શકો. એ માટે તમે શીખવવાની કળા પુસ્તિકા વાંચી શકો અને એમાં આપેલી સલાહ માની શકો. એવું કંઈક છે જે આપણે બધા જ કરી શકીએ છીએ. જેમ કે યહોવાને પસંદ હોય એવા ગુણો કેળવવા. (કોલો. ૩:૧૨; ૨ પિત. ૧:૫-૮) આજે આપણે યહોવાની સેવામાં ઘણું બધું કરવા માંગીએ છીએ પણ કરી શકતા નથી. જોકે યહોવાની નવી દુનિયામાં આપણે એ બધું કરી શકીશું. એ સમય આવે ત્યાં સુધી આપણે જે કરી શકીએ છીએ એમાં મન લગાવીએ. એમ કરીશું તો નિરાશ નહિ થઈએ પણ આપણને વધારે ખુશી મળશે. એટલું જ નહિ આપણે ‘આનંદી ઈશ્વર’ યહોવાને માન અને મહિમા આપી શકીશું. (૧ તિમો. ૧:૧૧) તો ચાલો, આપણને જે સોંપણી મળી છે એમાંથી ખુશી મેળવીએ. w૨૧.૦૮ ૨૫ ¶૧૮-૨૦
રવિવાર, ડિસેમ્બર ૧૭
“જે કોઈ ઈશ્વરને ભજવા તેમની પાસે જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે.”—હિબ્રૂ. ૧૧:૬.
શું તમારાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી છે? જો એમ હોય તો તમે નાનપણથી શીખ્યા હશો કે યહોવાએ જ બધું બનાવ્યું છે અને તેમનામાં અદ્ભુત ગુણો છે. એ પણ શીખ્યા હશો કે તે આપણને બહુ પ્રેમ કરે છે અને તે જલદી જ આ ધરતીને બાગ જેવી સુંદર બનાવશે. (ઉત. ૧:૧; પ્રે.કા. ૧૭:૨૪-૨૭) ઘણા લોકો ઈશ્વરમાં માનતા નથી. તેઓ એ પણ માનતા નથી કે ઈશ્વરે બધું બનાવ્યું છે. તેઓનો દાવો છે કે સૃષ્ટિ આપોઆપ આવી ગઈ. કોઈએ એને બનાવી નથી પણ ધીરે ધીરે એનો વિકાસ થયો અને તેઓ અલગ અલગ જટિલ જીવો બન્યા. જેઓ એવું માને છે તેઓમાંથી અમુક લોકો બહુ ભણેલા-ગણેલા છે. તેઓ વિજ્ઞાન પર ભરોસો રાખે છે. તેઓનું માનવું છે કે વિજ્ઞાને બાઇબલના શિક્ષણને ખોટું સાબિત કર્યું છે. વધુમાં તેઓનું કહેવું છે કે સર્જનહારમાં માનનારાઓ ઓછું ભણેલા અને મૂર્ખ છે, તેમજ તેઓ બીજાઓની વાતમાં સહેલાઈથી આવી જાય છે. ભલે વર્ષોથી સત્યમાં હોઈએ તોપણ આપણે શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ. જો આપણે એમ કરીશું તો એવાં ‘દુનિયાના વિચારો અને માણસોની માન્યતાઓમાં’ નહિ ફસાઈએ જે બાઇબલના શિક્ષણ પ્રમાણે નથી.—કોલો. ૨:૮. w૨૧.૦૮ ૧૪ ¶૧-૩
સોમવાર, ડિસેમ્બર ૧૮
“હે યહોવા અમારા ભગવાન! મહિમા, માન અને શક્તિ મેળવવા તમે જ યોગ્ય છો.”—પ્રકટી. ૪:૧૧.
હાબેલ, નૂહ, ઇબ્રાહિમ અને અયૂબે યહોવાને આદર અને પ્રેમ બતાવ્યાં. એ માટે, તેઓએ ઈશ્વરની આજ્ઞા પાળી, તેમના પર શ્રદ્ધા મૂકી અને તેમને બલિદાનો ચઢાવ્યાં. તેઓએ યહોવાને માન-મહિમા આપવા બનતું બધું જ કર્યું અને યહોવા તેઓની ભક્તિથી ખુશ થયા. સમય જતાં યહોવાએ ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યું. એમાં સાચી ભક્તિને લગતા ઘણા નિયમો હતા. એ નિયમોથી ઇઝરાયેલીઓને ખબર પડી કે યહોવા કેવી ભક્તિ ચાહે છે. ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા પછી ભક્તિ કરવાની રીતમાં ફેરફાર થયો. ઈશ્વરભક્તોએ હવે નિયમશાસ્ત્ર પાળવાની જરૂર ન હતી. (રોમ. ૧૦:૪) તેઓને નવો નિયમ એટલે કે ‘ખ્રિસ્તનો નિયમ’ આપવામાં આવ્યો. (ગલા. ૬:૨) શું કરવું અને શું ન કરવું એના વિશે એ ‘નિયમમાં’ લાંબું લિસ્ટ આપ્યું નથી, જે પાળવું પડે. ઈશ્વરભક્તોએ ફક્ત ઈસુના પગલે ચાલવાનું હતું અને તેમના શિક્ષણને જીવનમાં લાગુ પાડવાનું હતું. આજે ઈશ્વરભક્તો ખ્રિસ્તને અનુસરવાની પૂરી કોશિશ કરે છે, જેથી યહોવાને ખુશ કરી શકે અને જીવનમાં “તાજગી” મેળવી શકે.—માથ. ૧૧:૨૯. w૨૨.૦૩ ૨૦-૨૧ ¶૪-૫
મંગળવાર, ડિસેમ્બર ૧૯
“તે વારંવાર એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરતા.” —લૂક ૫:૧૬.
યહોવા પોતાનાં બાળકોની વાત સાંભળે છે. ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે ઘણી વાર યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ તેમની વાત સાંભળી. દાખલા તરીકે ૧૨ શિષ્યોને પસંદ કરવાનો નિર્ણય ઘણો મહત્ત્વનો હતો. એ સમયે ઈસુએ યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ તેમની વાત સાંભળી. (લૂક ૬:૧૨, ૧૩) મરણની એક રાત પહેલાં ઈસુ ઘણી ચિંતામાં હતા. કારણ કે બહુ જલદી તે કપરા સંજોગોનો સામનો કરવાના હતા. એટલે તેમણે યહોવાને પ્રાર્થનામાં કાલાવાલા કર્યા. એ સમયે યહોવાએ ઈસુની પ્રાર્થના સાંભળી. એટલું જ નહિ તેમની હિંમત વધારવા એક સ્વર્ગદૂતને પણ મોકલ્યા. (લૂક ૨૨:૪૧-૪૪) આજે પણ યહોવા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. તે ખરા સમયે એનો જવાબ આપે છે અને એ પણ સૌથી સારી રીતે. (ગીત. ૧૧૬:૧, ૨) ભારતમાં રહેતાં એક બહેન વિશે જોઈએ. તે ઘણાં ચિંતામાં રહેતાં હતાં અને તેમણે યહોવાને ઘણી વાર પ્રાર્થનામાં કાલાવાલા કર્યાં. તે જણાવે છે: “યહોવાએ મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો. મે ૨૦૧૯ના JW બ્રૉડકાસ્ટિંગમાં જણાવ્યું હતું કે ચિંતાઓનો સામનો કઈ રીતે કરી શકીએ. એ કાર્યક્રમ ખરેખર સમયસરનો હતો.” w૨૧.૦૯ ૨૧-૨૨ ¶૬-૭
બુધવાર, ડિસેમ્બર ૨૦
“તેઓએ પહાડો પર નાસી જવું.”—લૂક ૨૧:૨૧.
પહેલી સદીના ખ્રિસ્તીઓએ બધું જ પાછળ છોડી દીધું. તેઓએ બીજી જગ્યાએ જઈને નવી શરૂઆત કરી. જરા વિચારો, તેઓ માટે એમ કરવું કેટલું અઘરું હશે. તેઓએ શ્રદ્ધા રાખવાની હતી કે યહોવા તેઓને જીવન-જરૂરી વસ્તુઓ પૂરી પાડશે. તેઓને ક્યાંથી મદદ મળી? યરૂશાલેમને સૈન્યથી ઘેરી લેવામાં આવ્યું એનાં પાંચ વર્ષ પહેલાં પ્રેરિત પાઉલે હિબ્રૂઓને પત્રમાં સમયસરની સલાહ આપી. તેમણે કહ્યું, “જીવનમાં પૈસાનો મોહ ન રાખો. તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો, કેમ કે ઈશ્વરે કહ્યું છે: ‘હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.’ એટલે આપણે પૂરી હિંમતથી કહી શકીએ છીએ: ‘યહોવા મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?’” (હિબ્રૂ. ૧૩:૫, ૬) જે લોકોએ પાઉલની એ સલાહ પાળી તેઓ માટે નવી જગ્યાએ થોડી વસ્તુઓમાં ગુજરાન ચલાવવું સહેલું બન્યું હશે. તેઓને ભરોસો હતો કે યહોવા તેઓને જીવન-જરૂરી વસ્તુઓ પૂરી પાડશે. w૨૨.૦૧ ૪ ¶૭, ૯
ગુરુવાર, ડિસેમ્બર ૨૧
“[યહોવાના] સર્વ કામોમાં દયા દેખાઈ આવે છે.” —ગીત. ૧૪૫:૯.
એક દયાળુ વ્યક્તિ દિલની સારી હોય છે. તે બીજા પર કૃપા અને કરુણા બતાવે છે. તે પ્રેમાળ અને ઉદાર હોય છે. એનાથી આપણને કદાચ ભલા સમરૂનીનું ઉદાહરણ યાદ આવી જાય, જેના વિશે ઈસુએ કહ્યું હતું. તે સમરૂની હોવા છતાં એક યહૂદી સાથે “દયાથી વર્ત્યો.” એ યહૂદીને લુટારાઓએ લૂંટીને મરવા છોડી દીધો હતો. સમરૂનીનું “હૈયું કરુણાથી ભરાઈ આવ્યું.” તેણે યહૂદીની સંભાળ રાખવાની વ્યવસ્થા કરી. (લૂક ૧૦:૨૯-૩૭) એ ઉદાહરણથી દયા વિશે શીખી શકીએ છીએ. દયા યહોવાનો એક અદ્ભુત ગુણ છે. તે દરરોજ અલગ અલગ રીતે આપણને દયા બતાવે છે. દયા બતાવવાની એક રીત છે, બીજાઓની ભૂલો માફ કરીએ. યહોવા પણ એવું જ કરે છે. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું, “આપણાં પાપ પ્રમાણે તે આપણી સાથે વર્ત્યા નથી.” (ગીત. ૧૦૩:૧૦) પણ જરૂર હોય ત્યારે યહોવા ભૂલ કરનાર વ્યક્તિને સુધારે છે. w૨૧.૧૦ ૮ ¶૧-૨
શુક્રવાર, ડિસેમ્બર ૨૨
“તારા પર મારો અતૂટ પ્રેમ હંમેશાં રહેશે.”—યશા. ૫૪:૧૦.
યહોવા ફક્ત પોતાના ભક્તોને જ અતૂટ પ્રેમ બતાવે છે. એ જ વાત દાઉદ રાજા અને દાનિયેલ પ્રબોધકે પણ કહી. દાઉદે કહ્યું, “તમને ઓળખતા લોકોને અતૂટ પ્રેમ બતાવતા રહો.” “યહોવાનો ડર રાખનારાઓ પર તેમનો અતૂટ પ્રેમ યુગોના યુગો સુધી રહે છે.” દાનિયેલે પણ કહ્યું, “હે સાચા ઈશ્વર યહોવા, . . . જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી આજ્ઞાઓ પાળે છે, તેઓને તમે અતૂટ પ્રેમ બતાવો છો.” (ગીત. ૩૬:૧૦; ૧૦૩:૧૭; દાનિ. ૯:૪) એ કલમોથી સાફ જોવા મળે છે કે યહોવા પોતાના ભક્તોને અતૂટ પ્રેમ બતાવે છે. કેમ કે તેઓ યહોવાને ઓળખે છે, તેમનો ડર રાખે છે, તેમને પ્રેમ કરે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે. આમ તેઓ યહોવાને સાચી રીતે ભજે છે. આપણે સત્યમાં આવ્યા એ પહેલાંથી યહોવા આપણને પ્રેમ કરતા હતા. (ગીત. ૧૦૪:૧૪) પણ હવે તે આપણને અતૂટ પ્રેમ બતાવે છે. w૨૧.૧૧ ૪ ¶૮-૯
શનિવાર, ડિસેમ્બર ૨૩
“તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર.”—માથ. ૪:૧૦.
કોઈ જોરજુલમ કરે તોપણ આપણે આજના વચનમાં કહેલી ઈસુની વાત પાળીએ છીએ. આજે ઘણા લોકો જાણીતા ધર્મગુરુઓનું કહેવું માને છે. એ લોકો તેઓની પાછળ એટલા પાગલ છે કે તેઓની ભક્તિ કરે છે, તેઓની સભામાં જાય છે અને તેઓનાં પુસ્તકો ખરીદે છે. અરે, તેઓને અને તેઓની સંસ્થાને મોટું મોટું દાન આપે છે. અમુક તો તેઓનો પડ્યો બોલ ઝીલે છે. ચર્ચના લોકોના મનમાં પાદરીઓ એટલા છવાઈ ગયા હોય છે કે ઈસુ આવે તોપણ તેઓ ધ્યાન ન આપે. પણ આપણે સાક્ષીઓ ફક્ત યહોવાની વાત માનીએ છીએ, માણસોની નહિ. જોકે આપણે આગેવાની લેનાર ભાઈઓને માન આપીએ છીએ, પણ ઈસુની આ વાત હંમેશાં યાદ રાખીએ છીએ, “તમે બધા ભાઈઓ છો.” (માથ. ૨૩:૮-૧૦) આપણે માણસોની ભક્તિ કરતા નથી, પછી ભલે એ ધર્મગુરુ હોય કે કોઈ નેતા. આપણે તેઓની રાજકીય કે ધાર્મિક યોજનાને સાથ આપતા નથી. આપણે કોઈનો પક્ષ લેતા નથી કે દુનિયાના કોઈ કામમાં માથું મારતા નથી. એવી બાબતોમાં આપણે બીજા ધર્મના લોકો કરતાં સાવ અલગ છીએ.—યોહા. ૧૮:૩૬. w૨૧.૧૦ ૨૦ ¶૬-૭
રવિવાર, ડિસેમ્બર ૨૪
“હું યહોવા તમારો ઈશ્વર છું. . . . મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.”—નિર્ગ. ૨૦:૨, ૩.
જો પવિત્ર રહેવું હોય તો યહોવા સાથેના આપણા સંબંધને આડે, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને આવવા ન દઈએ. આપણે યહોવાના સાક્ષી તરીકે ઓળખાઈએ છીએ. એટલે મનમાં ગાંઠ વાળીએ કે એવું કંઈ નહિ કરીએ જેનાથી તેમનું નામ બદનામ થાય. (લેવી. ૧૯:૧૨; યશા. ૫૭:૧૫) યહોવાને પોતાના ઈશ્વર માનવા ઇઝરાયેલીઓએ તેમની આજ્ઞા પાળવાની હતી. લેવીય ૧૮:૪માં લખ્યું છે, “તમે મારા કાયદા-કાનૂન પાળો. મારા નિયમોનું પાલન કરો અને એ પ્રમાણે ચાલો. હું યહોવા તમારો ઈશ્વર છું.” અમુક ‘નિયમો’ લેવીય અધ્યાય ૧૯માં આપ્યા છે. દાખલા તરીકે કલમો ૫-૮, ૨૧, ૨૨માં પ્રાણીઓનાં અર્પણો વિશે નિયમો છે. એ અર્પણો યોગ્ય રીતે ચઢાવવાનાં હતાં, જેથી ‘યહોવાની પવિત્ર વસ્તુ ભ્રષ્ટ’ ન થાય. એ કલમોથી ઉત્તેજન મળે છે કે આપણે પણ યહોવાને ખુશ કરીએ અને તેમને પસંદ છે એવાં સ્તુતિ અર્પણો ચઢાવીએ.—હિબ્રૂ. ૧૩:૧૫. w૨૧.૧૨ ૫-૬ ¶૧૪-૧૫
સોમવાર, ડિસેમ્બર ૨૫
“તારી યુવાનીની પત્ની સાથે તું ખુશ રહે.”—નીતિ. ૫:૧૮.
જો તમારા લગ્નને થોડો જ સમય થયો હોય તો તમે કોની સલાહ લઈ શકો? એવાં ભાઈ-બહેનોની જેઓ યહોવા પર ભરોસો રાખવાનું શીખ્યાં છે. જેમ કે ઘણાં પતિ-પત્નીઓએ વર્ષો સુધી પૂરા સમયની સેવા કરી છે. તેઓ સાથે તમારા ધ્યેયો વિશે વાત કરી શકો. યહોવા પર ભરોસો રાખવાની એ એક રીત છે. (નીતિ. ૨૨:૧૭, ૧૯) લગ્ન યહોવા તરફથી એક સુંદર ભેટ છે એ યાદ રાખીએ. (માથ. ૧૯:૫, ૬) યહોવા ચાહે છે કે આપણે લગ્નજીવનની ખુશી માણીએ. પતિ-પત્નીઓ, વિચારો કે તમે તમારું જીવન કઈ રીતે વિતાવો છો? શું તમે યહોવાની ભક્તિમાં વધારે કરી શકો? યહોવાને પ્રાર્થના કરો. બાઇબલમાંથી એવા સિદ્ધાંતો શોધો જે તમને મદદ કરી શકે. પછી એને જીવનમાં લાગુ પાડો. જો તમે યહોવાની ભક્તિમાં વધારે કરશો, તો તમારું લગ્નજીવન ખુશીઓથી ભરાઈ જશે. w૨૧.૧૧ ૧૮ ¶૧૬; ૧૯ ¶૧૮
મંગળવાર, ડિસેમ્બર ૨૬
“આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.”—યાકૂ. ૩:૨.
યાકૂબે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન ગણ્યા. તે ઈસુના ભાઈ હતા અને તેમની પાસે મોટી મોટી જવાબદારીઓ હતી. પણ તેમણે પોતાને મહત્ત્વ આપ્યું નહિ. તેમણે તો બીજાં ભાઈ-બહેનોને, “મારા વહાલા ભાઈઓ” કહ્યાં. (યાકૂ. ૧:૧૬, ૧૯; ૨:૫) તેમણે ક્યારેય એવું ન લાગવા દીધું કે તે ભૂલો નથી કરતા. આપણે શું શીખી શકીએ? યાદ રાખીએ કે આપણે બધા પાપી છીએ. આપણે બાઇબલ વિદ્યાર્થીઓ કરતાં ચઢિયાતા છીએ એવું ન વિચારીએ. વિદ્યાર્થીને એવું લાગવા ન દઈએ કે આપણે ક્યારેય ભૂલો કરતા નથી. નહિતર તેને થશે, ‘હું તો ક્યારેય ભૂલો કર્યા વગર ઈશ્વરની આજ્ઞાઓ પાળી નહિ શકું.’ તે કદાચ નિરાશ થઈ જશે. આપણે તેઓ સાથે દિલ ખોલીને વાત કરીએ. તેઓને જણાવીએ કે અમુક વખતે ઈશ્વરની આજ્ઞાઓ પાળવી આપણા માટે પણ અઘરી હતી. એવા સમયે યહોવાએ આપણને કઈ રીતે મદદ કરી એ પણ જણાવીએ. એનાથી વિદ્યાર્થી જોઈ શકશે કે તે પણ યહોવાની ભક્તિ કરી શકે છે. w૨૨.૦૧ ૧૧-૧૨ ¶૧૩-૧૪
બુધવાર, ડિસેમ્બર ૨૭
“તમે ખ્રિસ્ત ઈસુ જેવો સ્વભાવ રાખો.”—ફિલિ. ૨:૫.
ઈસુ વિશે શીખતા જઈશું અને તેમની જેમ વિચારતા જઈશું તેમ આપણે તેમના પગલે સારી રીતે ચાલી શકીશું. આમ તેમના જેવો સ્વભાવ કેળવી શકીશું. (હિબ્રૂ. ૧:૩) આપણને લાગે, ‘ઈસુમાં જરાય પાપ ન હતું અને તેમણે ક્યારેય ભૂલો કરી ન હતી. હું તો તેમના જેવો બની જ નહિ શકું.’ શું તમને એવું ક્યારેય લાગ્યું છે? જો એમ હોય તો તમે ત્રણ વાત યાદ રાખી શકો. પહેલી વાત, તમને યહોવા અને ઈસુ જેવા બનાવવામાં આવ્યા છે. એટલે જો તમે કોશિશ કરશો તો અમુક હદે તેઓને ચોક્કસ અનુસરી શકશો. (ઉત. ૧:૨૬) બીજી વાત, યહોવા તમને પવિત્ર શક્તિ આપશે. એ શક્તિની તોલે બીજું કંઈ જ ન આવે. એની મદદથી તમે એવાં કામો કરી શકશો જે કદાચ એકલા હાથે કરવા શક્ય ન હોય. ત્રીજી વાત, યહોવા એવી આશા રાખતા નથી કે તમે પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા બધા ગુણો હમણાં પૂરેપૂરી રીતે બતાવો. યહોવા જાણે છે કે હજાર વર્ષ દરમિયાન લોકોમાં પાપની અસર ધીરે ધીરે ઓછી થતી જશે. (પ્રકટી. ૨૦:૧-૩) યહોવા ઇચ્છે છે કે અત્યારે આપણે ઈસુના પગલે ચાલવા બનતું બધું કરીએ અને યહોવા પર પૂરો આધાર રાખીએ. w૨૨.૦૩ ૯ ¶૫-૬
ગુરુવાર, ડિસેમ્બર ૨૮
“હે યહોવા, મારા મોંમાંથી કોઈ શબ્દ નીકળે એ પહેલાં જ તમે એ જાણી લો છો.”—ગીત. ૧૩૯:૪.
યહોવા સાથેની દોસ્તી મજબૂત કરવા ફક્ત પ્રાર્થના કરવી જ પૂરતી નથી. દોસ્તી પાકી કરવા આપણને બાઇબલનો અભ્યાસ અને સભાઓ પણ મદદ કરી શકે. અભ્યાસ અને સભાઓમાં પૂરું ધ્યાન આપવા શું કરી શકીએ? પોતાને પૂછીએ, ‘સભામાં કે અભ્યાસ કરતી વખતે શાના લીધે મારું ધ્યાન ફંટાય છે?’ કદાચ કોલ, ઈમેઈલ કે મૅસેજ આપણું ધ્યાન ફંટાવી શકે. અભ્યાસ કરતી વખતે કે સભામાં આપણું ધ્યાન ફંટાવવા લાગે ત્યારે, યહોવા પાસે મદદ માંગીએ. ભક્તિને લગતી બાબતોમાં ધ્યાન આપવું સહેલું હોતું નથી. પણ એમ કરવું ખૂબ જરૂરી છે. આપણે યહોવાને પ્રાર્થના કરીએ, જેથી તે એવી શાંતિ આપે જે આપણાં હૃદયનું જ નહિ “મનનું” એટલે કે વિચારોનું પણ રક્ષણ કરે.—ફિલિ. ૪:૬, ૭. w૨૨.૦૧ ૨૯ ¶૧૨-૧૪
શુક્રવાર, ડિસેમ્બર ૨૯
“બુદ્ધિમાનની વાતો પર કાન ધર અને એને ધ્યાનથી સાંભળ.” —નીતિ. ૨૨:૧૭.
ઉઝ્ઝિયા રાજાનો વિચાર કરીએ. તે ધૂપ બાળવા મંદિરના એ ભાગમાં ગયો, જ્યાં ફક્ત યાજકો જઈ શકતા હતા. યહોવાના યાજકોએ તેને કહ્યું: “ઓ ઉઝ્ઝિયા રાજા, યહોવા આગળ ધૂપ બાળવાનું કામ તમારું નથી! ફક્ત યાજકો જ ધૂપ બાળી શકે છે.” એ સાંભળીને ઉઝ્ઝિયાએ શું કર્યું? જો તેણે નમ્ર બનીને સલાહ સ્વીકારી હોત અને મંદિર છોડીને તરત જતો રહ્યો હોત, તો યહોવાએ તેને માફ કર્યો હોત. પણ ઉઝ્ઝિયાને “ખૂબ ક્રોધ ચઢ્યો.” તેણે કેમ સલાહ ન સ્વીકારી? તેને લાગ્યું કે તે તો રાજા છે, કંઈ પણ કરી શકે છે. પણ યહોવાની નજરે એ યોગ્ય ન હતું. તેણે ઘમંડી બનીને જે કર્યું એ માટે યહોવાએ તેને સજા કરી. તેને ‘રક્તપિત્ત થયો અને મરતાં સુધી તે રોગી રહ્યો.’ (૨ કાળ. ૨૬:૧૬-૨૧) ઉઝ્ઝિયાના દાખલાથી આપણને ઘણું શીખવા મળે છે. ભલે આપણી પાસે કોઈ પણ જવાબદારી હોય, જો બાઇબલને આધારે મળેલી સલાહ નહિ સ્વીકારીએ તો યહોવાની કૃપા ગુમાવી દઈશું. w૨૨.૦૨ ૯ ¶૭
શનિવાર, ડિસેમ્બર ૩૦
“એટલે તમે પસ્તાવો કરો અને પાછા ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે. આમ યહોવા પાસેથી તમારા માટે તાજગીના સમયો આવે.”—પ્રે.કા. ૩:૧૯.
જેનામાં ‘જૂનો સ્વભાવ’ હોય, તેનાં વિચારો અને કામો ખરાબ હોય છે. (કોલો. ૩:૯) તે કદાચ સ્વાર્થી અને ઘમંડી હોય. તે વાતે વાતે ગુસ્સે થતો હોય અને બીજાઓનો આભાર માનતો ન હોય. તેને પોર્નોગ્રાફી જોવી ગમતી હોય. તે ગંદી કે માર-ધાડવાળી ફિલ્મો જોતો હોય. બની શકે કે તેનામાં સારા ગુણ હોય, પોતાનાં ખરાબ વાણી-વર્તન માટે તેને અફસોસ થતો હોય. તે પોતાને બદલવા તો ઇચ્છે છે, પણ એમ કરી શકતો નથી. (ગલા. ૫:૧૯-૨૧; ૨ તિમો. ૩:૨-૫) આપણે પાપી છીએ અને ભૂલો કરીએ છીએ. એટલે આપણા મનમાંથી બધાં જ ખરાબ વિચારો અને ઇચ્છાઓ દૂર કરી શકતા નથી. અમુક વખતે આપણે એવું કંઈક બોલી બેસીએ અથવા કરી બેસીએ, જેનો આપણને પાછળથી અફસોસ થાય. (યર્મિ. ૧૭:૯; યાકૂ. ૩:૨) જૂનો સ્વભાવ ઉતારી નાખીએ છીએ ત્યારે આપણે પહેલાં જેવા રહેતા નથી. આપણું જીવન બદલાઈ જાય છે. આપણે અમુક હદે ખરાબ વિચારોને કાબૂમાં રાખી શકીએ છીએ અને ખરાબ કામો કરવાથી દૂર રહી શકીએ છીએ.—યશા. ૫૫:૭. w૨૨.૦૩ ૩ ¶૪-૫
રવિવાર, ડિસેમ્બર ૩૧
“નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિ. ૨:૩.
વડીલો, ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપો. બધા ભૂલો કરે છે. પણ દરેક પાસે સુંદર ગુણો છે, જેના આપણે વખાણ કરી શકીએ. જોકે ક્યારેક ક્યારેક વડીલોએ ભાઈ-બહેનોને સલાહ આપવી પડે છે. તેઓએ ભાઈ-બહેનોની નાની નાની ભૂલોને બિલોરી કાચથી ન જોવી જોઈએ. પણ પ્રેરિત પાઉલની જેમ ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ. તેઓએ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ-બહેનો યહોવાને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ ધીરજથી ભક્તિમાં અડગ રહે છે. વડીલોએ ખાતરી રાખવી જોઈએ કે ભાઈ-બહેનો પણ પોતાનામાં સુધારો કરી શકે છે. જો વડીલો ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપતા હશે, તો મંડળમાં બધા પ્રેમ અને હૂંફ અનુભવી શકશે. યાદ રાખો, યહોવા એવી આશા રાખતા નથી કે તમે ક્યારેય ભૂલો નહિ કરો. પણ યહોવા ચાહે છે કે તમે તેમને વફાદાર રહો. (૧ કોરીં. ૪:૨) તમે પણ ખાતરી રાખી શકો કે તમે યહોવા માટે જે કંઈ કરો છો એની તે ઘણી કદર કરે છે. યહોવા ‘તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી નહિ જાય. તમે પવિત્ર જનોની જે સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો એ ઈશ્વર ક્યારેય નહિ ભૂલે.’—હિબ્રૂ. ૬:૧૦. w૨૨.૦૩ ૩૧ ¶૧૯, ૨૧