ઑક્ટોબર
રવિવાર, ઑક્ટોબર ૧
“જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.”—માથ. ૧૧:૬.
યહોવાના સાક્ષીઓ લોકોને બાઇબલમાંથી શીખવે છે તેમ છતાં, લોકો તેઓનું સાંભળતા નથી. કારણ કે, યહોવાના સાક્ષીઓ લોકોના કાનોને ગમે એવી વાતો શીખવતા નથી. અને તેઓ પોતાની ભક્તિમાં કોઈપણ જાતનો દેખાડો કરતા નથી.આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? પ્રેરિત પાઉલે રોમના ખ્રિસ્તીઓને કહ્યું: “સંદેશો સાંભળ્યા પછી જ વ્યક્તિ શ્રદ્ધા મૂકે છે. તે સંદેશો સાંભળે માટે જરૂરી છે કે ખ્રિસ્ત વિશે કોઈક પ્રચાર કરે.” (રોમ. ૧૦:૧૭) ભલે જૂઠા તહેવારો કે રીતિ-રિવાજો મનગમતા હોય, પણ એનાથી આપણી શ્રદ્ધા મજબૂત નહિ થાય. એ તો બાઇબલના સારા અભ્યાસથી જ મજબૂત થશે. મજબૂત શ્રદ્ધા ખૂબ જરૂરી છે કારણ કે, “શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે.” (હિબ્રૂ. ૧૧:૧, ૬) બાઇબલનો સારો અભ્યાસ કરવાથી જ આપણને ખાતરી થશે કે આ જ સત્ય છે. પછી આપણને આકાશમાંની કોઈ નિશાનીની જરૂર નહિ પડે. w૨૧.૦૫ ૪-૫ ¶૧૧-૧૨
સોમવાર, ઑક્ટોબર ૨
“મારા સંજોગોને લીધે ખુશખબર ફેલાવવામાં વધારે મદદ મળી છે.”—ફિલિ. ૧:૧૨.
પ્રેરિત પાઉલના જીવનમાં ઘણી તકલીફો હતી. તેમને મારવામાં આવ્યા, તેમના પર પથ્થરો ફેંકવામાં આવ્યા અને તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. (૨ કોરીં. ૧૧:૨૩-૨૫) તે પોતાની નબળાઈઓને લીધે ઘણી વાર નિરાશ થઈ જતા. તે કહેતા એ નિરાશા સામે લડવું તેમના માટે ઘણું અઘરું હતું. (રોમ. ૭:૧૮, ૧૯, ૨૪) તેમને એક બીમારી હતી, જે ‘શરીરમાં કાંટા’ જેવી હતી. એ કાંટો કાઢવા તેમણે યહોવાને ઘણી વાર વિનંતી કરી. (૨ કોરીં. ૧૨:૭, ૮) યહોવાએ પાઉલને શક્તિ આપી, એટલે તે મુશ્કેલીઓ છતાં પ્રચાર કરતા રહ્યા. દાખલા તરીકે, તે રોમમાં એક ઘરમાં નજરકેદ હતા ત્યારે પૂરા ઉત્સાહથી યહુદી ધર્મગુરુઓને પ્રચાર કરતા રહ્યા. તેમણે ત્યાં કદાચ મોટા મોટા સરકારી અધિકારીઓને પણ પ્રચાર કર્યો. (પ્રે.કા. ૨૮:૧૭; ફિલિ. ૪:૨૧, ૨૨) તેમણે સમ્રાટના અંગરક્ષકોને પણ ખુશખબર જણાવી. તેમને મળવા આવનાર લોકોને પણ તે પ્રચાર કરતા રહ્યા. (પ્રે.કા. ૨૮:૩૦, ૩૧; ફિલિ. ૧:૧૩) એ સમય દરમિયાન તેમણે ઘણાં બધાં મંડળોને પત્રો લખ્યાં, જેનાથી ભાઈ-બહેનોને ઘણો ફાયદો થયો. એ પત્રોથી આજે આપણને પણ ઘણો ફાયદો થાય છે. w૨૧.૦૫ ૨૧ ¶૪-૫
મંગળવાર, ઑક્ટોબર ૩
“‘જે લખેલું છે એની ઉપરવટ જવું નહિ.’ એ માટે કે તમે અભિમાનથી ફુલાઈ ન જાઓ.”—૧ કોરીં. ૪:૬.
યહૂદાનો રાજા ઉઝ્ઝિયા ઘણો કુશળ હતો. તેણે ઘણા યુદ્ધો જીત્યા હતાં. અરે, તેણે શહેરો અને મિનારા બંધાવ્યા હતાં. તેને ખેતીવાડીનો પણ શોખ હતો. ‘સાચા ઈશ્વરે તેને ઘણા આશીર્વાદ આપ્યા’ હતા. (૨ કાળ. ૨૬:૩-૭, ૧૦) બાઇબલ કહે છે, “તે બળવાન થયો કે તરત ઘમંડથી ફુલાઈ ગયો અને તેની પડતી થઈ.” યહોવાની આજ્ઞા હતી કે ફક્ત યાજકો જ મંદિરમાં ધૂપ બાળવાનું કામ કરે. પણ ઉઝ્ઝિયા રાજા મંદિરમાં ધૂપ બાળવા પહોંચી ગયો. યાજકોએ રાજાને રોક્યો પણ તેણે સાંભળ્યું નહિ. યહોવા નારાજ થયા અને તેને રક્તપિત્તની સજા કરી. (૨ કાળ. ૨૬:૧૬-૨૧) આપણે પણ ઉઝ્ઝિયાની જેમ ઘમંડી બનીને ભૂલ કરી શકીએ છીએ. હા, જો આપણે પોતાના વિશે વધારે પડતું વિચારીએ તો એવું થઈ શકે. ચાલો યાદ રાખીએ કે આપણી પાસે જે આવડત છે અથવા મંડળમાં આપણને જે સોંપણી મળે છે એ બધું યહોવા તરફથી છે. એટલે આપણે ઘમંડી ન બનવું જોઈએ. (૧ કોરીં. ૪:૭) જો આપણે ઘમંડી બનીશું તો યહોવા માટે નકામા બની જઈશું. w૨૧.૦૬ ૧૬ ¶૭-૮
બુધવાર, ઑક્ટોબર ૪
“દુષ્ટ દૂતો તમને આધીન કરવામાં આવ્યા છે એ માટે ખુશ ન થાઓ, પણ તમારાં નામ સ્વર્ગમાં લખાયેલાં છે એ માટે ખુશ થાઓ.”—લૂક ૧૦:૨૦.
ઈસુ જાણતા હતા કે તેમના શિષ્યોને પ્રચારમાં દર વખતે સારાં પરિણામ મળશે નહિ. શિષ્યોએ જેઓને પ્રચાર કર્યો એ બધા ખ્રિસ્તી બન્યા કે નહિ એની આપણને ખબર નથી. પણ એક વાત ચોક્કસ શીખી શકીએ કે યહોવા આપણી મહેનતથી ખુશ થાય છે. એ વાત યાદ રાખીશું તો પ્રચારમાં આપણો આનંદ જળવાઈ રહેશે. પ્રચારકામમાં લાગુ રહેવાથી હંમેશાંનું જીવન મળશે. જ્યારે આપણે પૂરા દિલથી સત્યનું બી રોપીએ છીએ ત્યારે ‘પવિત્ર શક્તિ પ્રમાણે વાવીએ પણ છીએ.’ એનો અર્થ કે આપણે પવિત્ર શક્તિને પોતાના પર કામ કરવા દઈએ છીએ. એનાથી આપણે પ્રચારમાં જોશીલા બનીએ છીએ. ભલે આપણી મહેનતથી કોઈ સત્યમાં આવે કે ન આવે, આપણે “સારું કરવાનું પડતું ન મૂકીએ” અથવા “આપણે થાકીએ નહિ.” એમ કરીશું તો યહોવા વચન આપે છે કે આપણને હંમેશાંનું જીવન આપશે.—ગલા. ૬:૭-૯. w૨૧.૧૦ ૨૬ ¶૮-૯
ગુરુવાર, ઑક્ટોબર ૫
“એ જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.”—માર્ક ૬:૩૪.
એકવાર ઈસુ અને શિષ્યો પ્રચારમાં ગયા હતા અને થાકી ગયા હતા, તેઓ થોડો આરામ કરવા માંગતા હતા. એટલામાં એક મોટું ટોળું તેમની પાછળ આવ્યું. ઈસુને તેઓ પર દયા આવી એટલે તે તેઓને “ઘણી વાતો” શીખવવા લાગ્યા. ઈસુને તેઓ માટે હમદર્દી થઈ. તેમણે જોયું કે તેઓ ઘણાં દુઃખી છે એટલે તે થાકેલા હોવા છતાં શીખવવા લાગ્યા. આજે પણ લોકોની હાલત એવી જ કંઈક છે. તેઓ બહારથી ખુશ લાગે છે પણ અંદરથી દુઃખી છે. તેઓ એવા ઘેટાં જેવા છે, જેઓના ઘેટાંપાળક નથી અને તેઓ અહીં-તહીં ભટકી રહ્યાં છે. એવા લોકો માટે પાઉલે પણ કહ્યું કે તેઓ પાસે કોઈ આશા નથી અને તેઓ ઈશ્વર વગરના છે. (એફે. ૨:૧૨) આપણે લોકોના સંજોગો સમજીએ ત્યારે, જોઈ શકીએ છીએ કે તેઓને ઈશ્વર વિશે શીખવવાની જરૂર છે. આપણા દિલમાં તેઓ માટે પ્રેમ અને દયા ઊભરાય આવે છે. એટલે આપણે તેઓને મદદ કરવા માંગીએ છીએ. તેઓને મદદ કરવાની સૌથી સારી રીત છે કે આપણે તેઓને બાઇબલમાંથી શીખવીએ. w૨૧.૦૭ ૫ ¶૮
શુક્રવાર, ઑક્ટોબર ૬
‘આપણે ઘમંડી બનીએ નહિ અને એકબીજાની અદેખાઈ કરીએ નહિ.’—ગલા. ૫:૨૬.
ઘમંડી વ્યક્તિ પોતાનો જ વિચાર કરે છે. ઈર્ષાળુ વ્યક્તિ વિચારે છે કે જે બીજા પાસે હોય એ પોતાની પાસે પણ હોય. અરે, તે બીજાઓની વસ્તુ પણ છીનવી લેવાની કોશિશ કરે છે. ખરેખર તો ઈર્ષા એક પ્રકારની નફરત છે. ઘમંડ અને ઈર્ષા ખતરનાક છે. એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. ઊધઈ લાકડાંને અંદરથી પોલા કરી નાંખે છે. થોડા સમય પછી લાકડું તૂટી જાય છે. એવી જ રીતે, ઘમંડ અને ઈર્ષા માણસને યહોવાની ભક્તિમાં ઠંડો પાડી દે છે. તે થોડો સમય યહોવાની ભક્તિ કરશે, પણ લાંબો સમય નહિ કરી શકે. (નીતિ. ૧૬:૧૮) તે યહોવાની ભક્તિ કરવાનું છોડી દેશે. તે પોતાની સાથે બીજાઓને પણ નુકસાન કરશે. પાઉલે જે સલાહ આપી, એને માનીશું તો આપણે ઘમંડી નહિ બનીએ. તેમણે કહ્યું હતું, “અદેખાઈને લીધે કે અભિમાનને લીધે કંઈ ન કરો, પણ નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિ. ૨:૩. w૨૧.૦૭ ૧૫-૧૬ ¶૬-૮
શનિવાર, ઑક્ટોબર ૭
“અમે તમને ખુશખબરનો પ્રચાર ફક્ત શબ્દોથી નહિ, પણ પવિત્ર શક્તિથી અને પાકી ખાતરી સાથે કર્યો હતો. એ ખુશખબરની તમારા પર જોરદાર અસર થઈ હતી.”—૧ થેસ્સા. ૧:૫.
અમુક લોકોનું માનવું છે કે સાચા ધર્મના લોકો પાસે બધા સવાલોના જવાબ હોવા જોઈએ. એવા સવાલોના પણ જેના જવાબ બાઇબલમાં નથી. પણ શું એમ માનવું યોગ્ય કહેવાય? ચાલો એ સમજવા પ્રેરિત પાઉલનો દાખલો જોઈએ. તેમણે સાથી ભાઈ-બહેનોને કહ્યું, “બધી વસ્તુઓની પરખ કરો.” (૧ થેસ્સા. ૫:૨૧) તેમણે એ પણ જણાવ્યું કે ‘આપણું જ્ઞાન અધૂરું છે. હમણાં આપણે અરીસામાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ.’ (૧ કોરીં. ૧૩:૯, ૧૨) પાઉલ કંઈ બધું જાણતા ન હતા અને આપણે પણ જાણતા નથી. જોકે પાઉલ ઈશ્વર વિશેનું મૂળ શિક્ષણ જાણતા હતા. એટલે તેમને પૂરો ભરોસો હતો કે તે જે માને છે એ ખરું છે. ઈસુએ કઈ રીતે ભક્તિ કરી અને આજે યહોવાના સાક્ષીઓ કઈ રીતે ભક્તિ કરે છે, એ બંનેને સરખાવવાથી ભરોસો મજબૂત થાય છે કે આપણી પાસે સત્ય છે. w૨૧.૧૦ ૧૮-૧૯ ¶૨-૪
રવિવાર, ઑક્ટોબર ૮
“૫૦ વર્ષની ઉંમર પછી તે સેવામાંથી નિવૃત્ત થઈ જશે.”—ગણ. ૮.૨૫.
વૃદ્ધ ભાઈ-બહેનો, તમે પૂરા સમયની સેવા કરતા હો કે ન કરતા હો તમે બીજાઓને મદદ કરી શકો છો. એ માટે પોતાના સંજોગો પ્રમાણે ફેરફાર કરો, નવા ધ્યેયો રાખો. તમે જે કરી શકતા ન હો, એના પર ધ્યાન આપવાને બદલે જે કરી શકો છો એના પર ધ્યાન આપો. મર્યાદા બતાવવામાં દાઉદ રાજાએ સારો દાખલો બેસાડ્યો છે. તેમને યહોવા માટે મંદિર બાંધવાનું ઘણું મન હતું. પણ યહોવાએ જણાવ્યું કે એ મંદિર તેમનો દીકરો સુલેમાન બાંધશે. દાઉદે યહોવાનો નિર્ણય સ્વીકાર્યો અને મંદિર માટે ઘણી તૈયારી કરવા લાગ્યા. (૧ કાળ. ૧૭:૪; ૨૨:૫) દાઉદે એમ ન વિચાર્યું કે સુલેમાન “યુવાન છે અને તેને કોઈ અનુભવ નથી,” એટલે તે તેમના જેટલું સારી રીતે કામ કરી શકશે નહિ. (૧ કાળ. ૨૯:૧) દાઉદ સારી રીતે જાણતા હતા કે એ કામ કરવા ઉંમર કે અનુભવની નહિ, પણ યહોવાના આશીર્વાદની જરૂર હતી. એવી જ રીતે વૃદ્ધ ભાઈ-બહેનોને નવી જવાબદારી મળે ત્યારે તેઓ પૂરું મન લગાવીને કરે છે. કારણ કે તેઓ પહેલાં જે કામ કરતા હતા એ હવે યુવાનો કરી રહ્યા છે. વૃદ્ધ ભાઈ-બહેનો સારી રીતે જાણે છે કે યહોવા એ યુવાનોને આશીર્વાદ આપશે. w૨૧.૦૯ ૯ ¶૪; ૧૦ ¶૫, ૮
સોમવાર, ઑક્ટોબર ૯
“જે ખરું છે એ કરવા તે નમ્ર લોકોને દોરશે, તે નમ્ર લોકોને પોતાનો માર્ગ શીખવશે.”—ગીત. ૨૫:૯.
આપણે યહોવાની સેવામાં ધ્યેય રાખીએ છીએ ત્યારે જીવનમાં ખરી દિશા અને સાચી ખુશી મળે છે. પણ આપણાં સંજોગો અને આવડત પ્રમાણે ધ્યેય રાખીએ. જો બીજાનાં સંજોગો અને આવડત પ્રમાણે ધ્યેય રાખીશું તો નિરાશ થઈ જઈશું. (લૂક ૧૪:૨૮) આપણે યહોવાના ભક્ત છીએ એટલે આપણે બધા યહોવાની નજરમાં કીમતી છીએ. તે જાણે છે કે આપણે બધા એકબીજાથી અલગ છીએ. યહોવાએ આપણને તેમના ભક્ત એટલે નથી બનાવ્યા, કારણ કે આપણે બીજાઓથી સારા છીએ. પણ તેમણે આપણું દિલ જોયું. તેમણે જોયું કે આપણે નમ્ર છીએ અને આપણે શીખવા અને પોતાનાં જીવનમાં ફેરફાર કરવા તૈયાર છીએ. જ્યારે આપણે તેમની સેવામાં બનતું બધું કરીએ છીએ ત્યારે તે એની કદર કરે છે. આપણે યહોવાની સેવામાં લાગુ રહીએ છીએ અને ધીરજ રાખીએ છીએ તો એ બતાવે છે કે આપણું દિલ સારું છે. (લૂક ૮:૧૫) એટલે આપણે પોતાની સરખામણી બીજાઓ જોડે ન કરીએ, પણ પોતાનાથી બનતું બધું કરીએ. પછી આપણને “પોતાનાં જ કામોને લીધે ખુશી મળશે.”—ગલા. ૬:૪. w૨૧.૦૭ ૨૪ ¶૧૫; ૨૫ ¶૨૦
મંગળવાર, ઑક્ટોબર ૧૦
“જે માણસ પાપીને તેના ખોટા માર્ગથી પાછો વાળે છે, તે તેને મોતથી બચાવે છે.”—યાકૂ. ૫:૨૦.
ઘણી વાર આપણી સાથે અન્યાય થાય ત્યારે કદાચ ધીરજથી સહેવું પડે. દાખલા તરીકે, વડીલોને ખબર પડે કે કોઈ વ્યક્તિથી પાપ થયું છે તો તેઓ શું કરશે? તેઓ સ્વર્ગમાંથી મળનાર બુદ્ધિ માટે યહોવાને પ્રાર્થના કરશે. આમ તેઓ બાબતોને યહોવાની નજરે જોઈ શકશે. (યાકૂ. ૩:૧૭) વડીલો પાપ કરનાર વ્યક્તિને “ખોટા માર્ગથી પાછો” વાળવા ચાહે છે. (યાકૂ. ૫:૧૯, ૨૦) તેઓ મંડળનું પણ રક્ષણ કરવા માંગે છે. એટલું જ નહિ જેઓને પાપ કરનાર વ્યક્તિથી દુઃખ પહોંચ્યું છે તેઓને દિલાસો આપવા માંગે છે. (૨ કોરીં. ૧:૩, ૪) એ બધી બાબતોનો હલ લાવવા વડીલો સૌથી પહેલા તપાસ કરે છે કે શું બન્યું હતું. એ માટે સમય લાગે છે. વડીલો પ્રાર્થના કરે છે અને પછી પાપ કરનાર વ્યક્તિને બાઇબલમાંથી સલાહ આપે છે. તેને સુધારવા શિક્ષા તો કરે છે પણ “જેટલી જરૂરી છે એટલી જ” કરે છે. (યર્મિ. ૩૦:૧૧) વડીલો નિર્ણય લેવામાં ઉતાવળ કરતા નથી. જ્યારે બાબતોનો ઉકેલ યોગ્ય રીતે કરવામાં આવે છે ત્યારે મંડળને ફાયદો થાય છે. w૨૧.૦૮ ૧૧ ¶૧૨-૧૩
બુધવાર, ઑક્ટોબર ૧૧
‘જ્યાં તમે જશો, ત્યાં હું જઈશ. તમારા લોકો એ મારા લોકો અને તમારા ઈશ્વર એ મારા ઈશ્વર થશે.’—રૂથ ૧:૧૬.
ઇઝરાયેલમાં દુકાળ પડ્યો ત્યારે, નાઓમી પોતાના પતિ અને બંને દીકરાઓ સાથે મોઆબ જતાં રહ્યાં. ત્યાં તેમનાં પતિનું મરણ થયું. પછી બંને દીકરાઓએ લગ્ન કર્યું. થોડા સમય પછી તેઓનું પણ મરણ થયું. (રૂથ ૧:૩-૫) આ કરુણ બનાવને લીધે નાઓમી પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. તેમને લાગ્યું કે યહોવાએ તેમનાથી મોં ફેરવી લીધું છે. તે એટલાં નિરાશ થઈ ગયાં કે તેમણે કહ્યું, ‘યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે. સર્વશક્તિમાને મારું જીવન કડવાશથી ભરી દીધું છે. ખુદ યહોવા મારી વિરુદ્ધ થયા છે અને સર્વશક્તિમાન મારા પર આફત લાવ્યા છે.’ (રૂથ ૧:૧૩, ૨૦, ૨૧) યહોવા સારી રીતે સમજે છે કે મુશ્કેલીઓમાં અથવા “જુલમને લીધે સમજુ માણસ મૂર્ખ બને છે.” (સભા. ૭:૭) યહોવાએ રૂથને પ્રેરણા આપી કે તે નાઓમીને અતૂટ પ્રેમ બતાવે. રૂથે નાઓમીને નિરાશામાંથી બહાર આવવા મદદ કરી અને ભરોસો અપાવ્યો કે યહોવા હજી તેમને પ્રેમ કરે છે. w૨૧.૧૧ ૯ ¶૯; ૧૦ ¶૧૦, ૧૩
ગુરુવાર, ઑક્ટોબર ૧૨
“ઈશ્વર પાસે માંગતા રહેવું.”—યાકૂ. ૧:૫.
જો આજે આપણે યહોવાની ભક્તિ પૂરું મન લગાવીને કરતા હોઈએ તો એટલામાં જ ખુશ રહેવું જોઈએ? શું ભક્તિમાં વધુ કરવા પ્રયત્ન ન કરવો જોઈએ? ના એવું નથી. યહોવાની સેવામાં બનતું બધું કરતા રહેવું જોઈએ. જેમ કે સારા પ્રચારક અને સારા શિક્ષક બનવા તેમજ ભાઈ-બહેનોની મદદ કરવા મહેનત કરવી જોઈએ. એવું ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે નમ્ર બનીને પોતાનો જ નહિ, પણ બીજાઓનો વિચાર કરીશું. (નીતિ. ૧૧:૨; પ્રે.કા. ૨૦:૩૫) તમે યહોવાની સેવામાં વધુ કરવા માટે કેવા ધ્યેય રાખી શકો? જેમ કે સહાયક પાયોનિયરીંગ કરવું, નિયમિત પાયોનિયરીંગ કરવું, બેથેલમાં સેવા આપવી, બાંધકામ વિભાગમાં સેવા આપવી, નવી ભાષા શીખવી અથવા જ્યાં જરૂર છે એ વિસ્તારમાં જઈને સેવા આપવી. તમે યહોવાને પ્રાર્થનામાં પૂછી શકો કે એમાંથી કઈ સેવા કરવી તમારા માટે યોગ્ય રહેશે.—નીતિ. ૧૬:૩. w૨૧.૦૮ ૨૩ ¶૧૪-૧૫
શુક્રવાર, ઑક્ટોબર ૧૩
“[યહોવાનો] અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”—ગીત. ૧૩૬:૧.
યહોવા ‘અતૂટ પ્રેમથી ખુશ થાય છે.’ (હોશિ. ૬:૬) તેમના માટે એ ગુણ ઘણો મહત્ત્વનો છે. તેમણે મીખાહ પ્રબોધક દ્વારા ઉત્તેજન આપ્યું કે આપણે પણ ‘અતૂટ પ્રેમને પ્રેમ કરીએ.’ (મીખા. ૬:૮, ફૂટનોટ) એ પહેલાં ચાલો જોઈએ કે અતૂટ પ્રેમ એટલે શું? “અતૂટ પ્રેમ” પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં ૨૦૦થી વધારે વખત જોવા મળે છે. “બાઇબલ શબ્દસૂચિ” અતૂટ પ્રેમ વિશે આમ જણાવે છે: “જ્યારે કોઈ વફાદારીથી, ઊંડી લાગણીથી અને હંમેશાં સાથ આપવાની ભાવના સાથે પ્રેમ કરે છે, ત્યારે એને અતૂટ પ્રેમ કહેવામાં આવે છે. ખાસ કરીને ઈશ્વર મનુષ્યોને એવોપ્રેમ બતાવેછે. જોકે બે વ્યક્તિઓ વચ્ચે પણ અતૂટ પ્રેમ હોય શકે છે.” અતૂટ પ્રેમ બતાવવામાં યહોવાએ સૌથી ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે. એટલે દાઉદ રાજાએ કહ્યું, “હે યહોવા, તમારો અતૂટ પ્રેમ આસમાને પહોંચે છે, . . . હે ભગવાન, તમારો અતૂટ પ્રેમ કેટલો અનમોલ છે!” (ગીત. ૩૬:૫, ૭) આપણે પોતાને પૂછી શકીએ, “શું હું પણ દાઉદની જેમ યહોવાના અતૂટ પ્રેમને મહત્ત્વનો ગણું છું?” w૨૧.૧૧ ૨ ¶૧-૨; ૩ ¶૪
શનિવાર, ઑક્ટોબર ૧૪
“તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ‘હે સ્વર્ગમાંના અમારા પિતા.’”—માથ. ૬:૯.
યહોવાના કુટુંબમાં “આખી સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા” ઈસુ અને લાખો-કરોડો સ્વર્ગદૂતો છે. (કોલો. ૧:૧૫; ગીત. ૧૦૩:૨૦) ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે જણાવ્યું કે યહોવા વફાદાર ઈશ્વરભક્તોના પિતા છે. એટલે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે યહોવા “મારા પિતા અને તમારા પિતા” છે. (યોહા. ૨૦:૧૭) યહોવાના કુટુંબમાં દુનિયા ફરતેનાં આપણાં ભાઈ-બહેનો છે. આપણે યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે એ કુટુંબનો ભાગ બનીએ છીએ. (માર્ક ૧૦:૨૯, ૩૦) યહોવા કઠોર પિતા નથી, તે તો પ્રેમાળ પિતા છે. આપણે ગમે ત્યારે તેમની પાસે જઈ શકીએ છીએ અને વાત કરી શકીએ છીએ. એટલે ઈસુએ યહોવાને “અમારા પિતા” કહીને બોલાવ્યા. બાઇબલમાં યહોવાને “સર્વશક્તિમાન,” “સર્જનહાર” અને “સનાતન યુગોના રાજા” કહ્યા છે. (ઉત. ૪૯:૨૫; યશા. ૪૦:૨૮; ૧ તિમો. ૧:૧૭) પણ ઈસુએ એ શબ્દો વાપર્યા નહિ, તેમણે તો પ્રેમથી યહોવાને “પિતા” કહીને બોલાવ્યા. w૨૧.૦૯ ૨૦ ¶૧, ૩
રવિવાર, ઑક્ટોબર ૧૫
“મનાશ્શાને ખાતરી થઈ કે ફક્ત યહોવા જ સાચા ઈશ્વર છે.”—૨ કાળ. ૩૩:૧૩.
યહોવાએ રાજા મનાશ્શાને ચેતવણી આપવા ઘણા પ્રબોધકો મોકલ્યા. પણ મનાશ્શાએ આહાબની જેમ તેઓનું સાંભળ્યું નહિ એટલે “યહોવા [યહૂદા] વિરુદ્ધ આશ્શૂરના રાજાના લશ્કરના મુખીઓને લઈ આવ્યા. તેઓ મનાશ્શાને આંકડીઓથી પકડીને તાંબાની બે બેડીઓ પહેરાવીને બાબેલોન લઈ ગયા.” મનાશ્શાએ પોતે કરેલાં કાર્યોનો કેદમાં વિચાર કર્યો. પછી ‘તે પોતાના બાપદાદાઓના ઈશ્વર આગળ એકદમ નમ્ર બની ગયા.’ એટલું જ નહિ તેમણે “પોતાના ઈશ્વર યહોવા પાસે દયાની ભીખ માંગી” અને ‘ઈશ્વરને કાલાવાલા કરતા રહ્યા.’ (૨ કાળ. ૩૩:૧૦-૧૨) મનાશ્શાની પ્રાર્થનાઓથી યહોવા જોઈ શક્યા કે સાચે જ મનાશ્શાએ પોતાનું મન બદલ્યું છે. એટલે તેમણે મનાશ્શાને માફ કર્યા અને થોડા સમય પછી ફરી રાજા બનાવ્યા. રાજા બન્યા પછી તેમણે પોતાનાં કાર્યોથી બતાવ્યું કે તેમને સાચે જ પસ્તાવો છે. w૨૧.૧૦ ૪ ¶૧૦-૧૧
સોમવાર, ઑક્ટોબર ૧૬
“એક કરતાં બે ભલા, કેમ કે તેઓને પોતાની મહેનતનું ફળ મળશે.”—સભા. ૪:૯.
પ્રિસ્કિલા અને આકુલાએ પોતાનું શહેર છોડીને બીજી જગ્યાએ નવી શરૂઆત કરવી પડી. તંબુ બનાવવાનો ધંધો ફરી શરૂ કરવો પડ્યો. પણ, યહોવાની ભક્તિ તેઓએ જીવનમાં પહેલી રાખી. તેઓ કોરીંથ રહેવાં ગયાં ત્યારે મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરી. પાઉલ સાથે મળીને ભાઈ-બહેનોનો ઉત્સાહ વધાર્યો. પછી અલગ અલગ શહેરોમાં જઈને સેવા આપી જ્યાં પ્રચાર કરવાની વધારે જરૂર હતી. (પ્રે.કા. ૧૮:૧૮-૨૧; રોમ. ૧૬:૩-૫) તેઓ યહોવાની ભક્તિમાં લાગુ રહ્યાં અને એમાં ખુશ હતાં. પ્રિસ્કિલા અને આકુલાની જેમ, આજે પતિ-પત્નીઓ યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી શકે. તેઓ કેવા ધ્યેયો રાખશે એ વિશે લગ્ન પહેલાં વાત કરવી જોઈએ. લગ્ન પછી એ ધ્યેયો પૂરા કરવા તેઓ સાથે મળીને મહેનત કરી શકે. એમ કરશે તો યહોવા તેઓ પર આશીર્વાદો વરસાવશે.—સભા. ૪:૧૨. w૨૧.૧૧ ૧૭ ¶૧૧-૧૨
મંગળવાર, ઑક્ટોબર ૧૭
“તમારી માને અને તમારા પિતાને માન આપો . . . હું યહોવા તમારો ઈશ્વર છું.”—લેવી. ૧૯:૩.
યહોવાએ માતા-પિતાને માન આપવાની આજ્ઞા આપી છે. આપણે એ પાળવી જ જોઈએ. યાદ કરો કે લેવીય ૧૯:૩ પહેલાં યહોવાએ શું કહ્યું હતું. તેમણે કહ્યું હતું, “તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.” (લેવી. ૧૯:૨) પોતાને પૂછો, ‘શું હું માતા-પિતાને માન આપું છું?’ બની શકે કે તમે અગાઉ માતા-પિતાને માન આપવાનું ચૂકી ગયા હશો. એ તમે બદલી શકતા નથી, પણ હવે એમાં સુધારો ચોક્કસ કરી શકો છો. તમે તેઓ સાથે વધુ સમય વિતાવી શકો. તેઓને કોઈ વસ્તુની જરૂર હોય તો એ લઈને આપી શકો. તેઓને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા મદદ કરી શકો. તેઓને ઉત્તેજન આપી શકો અને તેઓના દિલની લાગણીઓ સમજવાની કોશિશ કરી શકો. એમ કરીને તમે લેવીય ૧૯:૩ની આજ્ઞા પાળી શકશો. w૨૧.૧૨ ૪-૫ ¶૧૦-૧૨
બુધવાર, ઑક્ટોબર ૧૮
“બીજાઓ પર દોષ મૂકવાનું બંધ કરો.”—માથ. ૭:૧.
જરા વિચારો, દાઉદ રાજાએ મોટાં મોટાં પાપ કર્યાં ત્યારે યહોવા તેમની સાથે કઈ રીતે વર્ત્યા. દાઉદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો અને તેના પતિને પણ મારી નંખાવ્યો. (૨ શમુ. ૧૧:૨-૪, ૧૪, ૧૫, ૨૪) દાઉદે જે કર્યું એનાથી તેમણે, તેમના કુટુંબે અને તેમની બીજી પત્નીઓએ પણ ઘણું સહન કરવું પડ્યું. (૨ શમુ. ૧૨:૧૦, ૧૧) તેમણે બીજું પણ એક પાપ કર્યું. યહોવાની આજ્ઞા ન હતી છતાં દાઉદે સેનાની ગણતરી કરાવી. આમ તે યહોવા પર પૂરો ભરોસો રાખવાનું ચૂકી ગયા. એના લીધે, આશરે ૭૦,૦૦૦ ઇઝરાયેલીઓ રોગચાળામાં માર્યા ગયા. (૨ શમુ. ૨૪:૧-૪, ૧૦-૧૫) શું તમે એમ વિચાર્યું હોત કે યહોવાએ દાઉદને શું કામ માફ કર્યા? પણ યહોવાએ એવું ન વિચાર્યું. તેમણે એના પર ધ્યાન આપ્યું કે દાઉદ આખી જિંદગી વફાદાર રહ્યા અને તેમને પોતાની ભૂલ માટે દિલથી પસ્તાવો હતો. એટલે યહોવાએ તેમને માફ કર્યા. યહોવાને ખબર હતી કે દાઉદ તેમને ખૂબ પ્રેમ કરે છે અને જે ખરું છે એ કરવા પ્રયત્ન કરે છે. આપણે પણ યહોવાના કેટલા આભારી છીએ કે તે આપણામાં સારા ગુણો જુએ છે.—૧ રાજા. ૯:૪; ૧ કાળ. ૨૯:૧૦, ૧૭. w૨૧.૧૨ ૧૯ ¶૧૧-૧૩
ગુરુવાર, ઑક્ટોબર ૧૯
“તરત જ તે દેખતો થયો અને ઈશ્વરને મહિમા આપતો તેમની પાછળ ચાલવા લાગ્યો.”—લૂક ૧૮:૪૩.
ઈસુએ એવા લોકોને હમદર્દી બતાવી, જેઓના શરીરમાં ખોડ હોય. એકવાર તેમણે બાપ્તિસ્મા આપનાર યોહાનને આ સંદેશો મોકલ્યો, “આંધળા જુએ છે, લંગડા ચાલે છે, રક્તપિત્તિયા લોકો શુદ્ધ કરાય છે, બહેરા સાંભળે છે, ગુજરી ગયેલા જીવતા કરાય છે.” ઈસુના એ ચમત્કારો જોઈને “બધા લોકોએ પણ ઈશ્વરને મહિમા આપ્યો.” (લૂક ૭:૨૦-૨૨) આજે આપણે પણ એવા લોકોને હમદર્દી બતાવીએ છીએ. આપણે તેઓ સાથે પ્રેમથી અને ધીરજથી વર્તીએ છીએ. ખરું કે આપણે ચમત્કાર કરીને તેઓની તકલીફો દૂર કરી શકતા નથી. જોકે આપણે તેઓને સુંદર ભાવિ વિશે જણાવી શકીએ છીએ. એ સમયે તેઓ પૂરી રીતે તંદુરસ્ત હશે અને યહોવા સાથે તેઓનો મજબૂત સંબંધ હશે. આપણે એ ખુશખબર એવા લોકોને પણ જણાવીએ છીએ જેઓ જોઈ શકતા નથી. અરે એવા લોકોનેય, જેઓની આંખો તો છે પણ તેઓ ઈશ્વર વિશેનું સત્ય જોઈ શકતા નથી. (લૂક ૪:૧૮) એ ખુશખબર વિશે જાણીને ઘણા લોકો ઈશ્વરને મહિમા આપે છે. w૨૧.૧૨ ૯ ¶૫
શુક્રવાર, ઑક્ટોબર ૨૦
“અયૂબે જે સહન કર્યું એ તમે સાંભળ્યું છે અને યહોવાએ તેમને જે બદલો આપ્યો એ પણ તમે જાણો છો.”—યાકૂ. ૫:૧૧.
યાકૂબે જે શીખવ્યું એ શાસ્ત્રમાંથી હતું. તેમણે શીખવ્યું કે જેઓ અયૂબની જેમ યહોવાને વફાદાર રહે છે, તેઓને તે હંમેશાં આશીર્વાદ આપે છે. યાકૂબે સાદા શબ્દો વાપર્યા અને સમજાય એ રીતે શીખવ્યું. આમ તેમણે લોકોનું ધ્યાન પોતાના તરફ નહિ પણ યહોવા તરફ દોર્યું. આપણે શું શીખી શકીએ? આપણો સંદેશો સાદા શબ્દોમાં અને બાઇબલમાંથી હોય. બીજાઓને શીખવીએ ત્યારે આપણે કેટલું જાણીએ છીએ એનો દેખાડો ન કરીએ. એના બદલે તેઓનું ધ્યાન એ વાત પર દોરીએ કે યહોવા કેટલા બુદ્ધિશાળી છે અને તે આપણી કેટલી કાળજી રાખે છે. (રોમ. ૧૧:૩૩) આપણે તેઓને જે કંઈ શીખવીએ એ બાઇબલમાંથી શીખવીએ. દાખલા તરીકે, આપણે બાઇબલ વિદ્યાર્થીઓને એવું ન કહીએ કે આપણે તેઓની જગ્યાએ હોત તો શું કર્યું હોત. એના બદલે આપણે તેઓને બાઇબલમાંથી નિર્ણય લેવા મદદ કરીએ. તેઓને બાઇબલના દાખલામાંથી શીખવીએ. તેઓને એ જોવા મદદ કરીએ કે એ વિશે યહોવા કેવું વિચારે છે. આમ તેઓ આપણને નહિ, પણ યહોવાને ખુશ કરવા નિર્ણય લેશે. w૨૨.૦૧ ૧૦-૧૧ ¶૯-૧૦
શનિવાર, ઑક્ટોબર ૨૧
“તમે વેર ન વાળો. તમારા લોકો માટે મનમાં ખાર ભરી ન રાખો. તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો. હું યહોવા છું.”—લેવી. ૧૯:૧૮.
ઈશ્વર ચાહે છે કે આપણે બીજાઓનું નુકસાન ન કરીએ. તે એમ પણ ચાહે છે કે આપણે બીજાઓ માટે કંઈક કરીએ. જો આપણે યહોવાને ખુશ કરવા માંગતા હોઈએ, તો બીજાઓને પ્રેમ બતાવવા વિશેની આજ્ઞા પાળવી જોઈએ. ઈસુએ પણ એ વાતને ખૂબ મહત્ત્વ આપ્યું. એક ફરોશીએ તેમને પૂછ્યું “નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?” ઈસુએ જવાબ આપ્યો, “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.’ આ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે.” એ પછી તેમણે લેવીય ૧૯:૧૮ના શબ્દો કહ્યા, “એના જેવી બીજી આ છે: ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.’” (માથ. ૨૨:૩૫-૪૦) પડોશી પર પ્રેમ રાખવાની ઘણી રીતો છે. એની એક રીત લેવીય ૧૯:૧૮માં આપી છે. એમાં લખ્યું છે, “તમે વેર ન વાળો. તમારા લોકો માટે મનમાં ખાર ભરી ન રાખો.” w૨૧.૧૨ ૧૦-૧૧ ¶૧૧-૧૩
રવિવાર, ઑક્ટોબર ૨૨
“વાવાઝોડું જોઈને પિતર બી ગયો. તે ડૂબવા લાગ્યો ત્યારે પોકારી ઊઠ્યો: ‘માલિક, મને બચાવો!’”—માથ. ૧૪:૩૦.
ઈસુએ તરત જ હાથ લંબાવીને પ્રેરિત પિતરને બચાવી લીધા. ધ્યાન આપો, જ્યાં સુધી પિતરે નજર ઈસુ પર રાખી ત્યાં સુધી તે પાણી પર ચાલી શક્યા. પણ તેમણે વાવાઝોડા તરફ નજર કરી ત્યારે તે ડરી ગયા અને ડૂબવા લાગ્યા. (માથ. ૧૪:૨૪-૩૧) પિતરના દાખલામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. પિતરે પાણી પર પગ મૂક્યો ત્યારે વિચાર્યું પણ નહિ હોય કે તેમનું ધ્યાન ભટકી જશે અને તે ડૂબવા લાગશે. પણ એવું જ થયું. ઈસુ પરથી તેમની નજર હટી અને તોફાન જોઈને તે ડરી ગયા. આજે આપણા જીવનમાં પણ તોફાન જેવી ઘણી મુશ્કેલીઓ આવે છે. યહોવા અને તેમનાં વચનો પર ધ્યાન આપીશું તો આપણી શ્રદ્ધા નબળી નહિ પડે અને આપણે ચિંતામાં ડૂબી નહિ જઈએ. આપણે ભરોસો રાખવો જોઈએ કે યહોવા આપણને હંમેશાં મદદ કરશે. w૨૧.૧૨ ૧૭-૧૮ ¶૬-૭
સોમવાર, ઑક્ટોબર ૨૩
“તમારા મહાન પ્રેમને લીધે હું તમારા મંદિરમાં આવીશ.”—ગીત. ૫:૭.
પ્રાર્થના, અભ્યાસ અને મનન આપણી ભક્તિનો ભાગ છે. પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પિતા યહોવા સાથે વાત કરીએ છીએ, જે આપણને ખૂબ પ્રેમ કરે છે. બાઇબલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે “ઈશ્વરનું જ્ઞાન” લઈએ છીએ, જેમની બુદ્ધિનો કોઈ પાર નથી. (નીતિ. ૨:૧-૫) મનન કરીએ છીએ ત્યારે આપણે યહોવાના સુંદર ગુણોનો વિચાર કરીએ છીએ. એટલું જ નહિ, આપણને એ યાદ રાખવા મદદ મળે છે કે યહોવા આપણા બધા માટે અદ્ભુત બાબતો કરવાના છે. સાચે જ, સમયનો ઉપયોગ કરવાની આ જ સૌથી સારી રીત છે. પણ એ માટે આપણે શું કરી શકીએ? શક્ય હોય તો શાંત જગ્યા પસંદ કરો. ચાલો ઈસુનો દાખલો લઈએ. પૃથ્વી પર સેવાકાર્ય શરૂ કરતા પહેલાં તેમણે ૪૦ દિવસ વેરાન પ્રદેશમાં વિતાવ્યા. (લૂક ૪:૧, ૨) ઈસુ એ શાંત માહોલમાં યહોવાને પ્રાર્થના કરી શક્યા. યહોવા તેમના માટે શું ઇચ્છે છે, એના પર મનન કરી શક્યા. એમ કરવાથી તે જલદી જ આવનાર કસોટીઓ માટે તૈયાર થઈ શક્યા. w૨૨.૦૧ ૨૭-૨૮ ¶૭-૮
મંગળવાર, ઑક્ટોબર ૨૪
“ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.”—નીતિ. ૧૫:૨૨.
આપણને એક વડીલ અથવા અનુભવી ભાઈ કે બહેન આપણામાં કંઈ સુધારો કરવાનું કહે. બીજાઓ બાઇબલને આધારે સલાહ આપે ત્યારે એમાં તેઓનો પ્રેમ દેખાઈ આવે છે. એટલે આપણે તેઓની સલાહ સ્વીકારવી જોઈએ. કોઈ આપણને સલાહ આપે ત્યારે એ સ્વીકારવી અઘરી લાગી શકે. આપણને સલાહ સાંભળીને ખોટું લાગી જાય. આપણે સ્વીકારીએ છીએ કે આપણાથી ભૂલો થાય છે. પણ બીજું કોઈ આપણી ભૂલ બતાવે ત્યારે, આપણને કદાચ ન ગમે. તેમની સલાહ સ્વીકારવી પણ મુશ્કેલ લાગી શકે. (સભા. ૭:૯) બની શકે કે આપણે પોતાને સાચા સાબિત કરવા બેસી જઈએ. આપણે કદાચ સલાહ આપનારના ઇરાદા પર સવાલ ઉઠાવીએ અથવા તે જે રીતે સલાહ આપે છે એનાથી નારાજ થઈ જઈએ. આપણે તેમનામાં વાંધાવચકા શોધવા લાગીએ. આપણને થાય, ‘તે વળી કોણ કે મને સલાહ આપે. તે પણ કેટલી ભૂલો કરે છે.’ આપણને સલાહ ન ગમે તો કદાચ એને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખીએ. પછી એવી વ્યક્તિ પાસે જઈએ જેની સલાહ આપણા કાનને ગમે. w૨૨.૦૨ ૮-૯ ¶૨-૪
બુધવાર, ઑક્ટોબર ૨૫
“શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.”—યશા. ૩૦:૧૫.
યહોવાની કામ કરવાની રીત સૌથી સારી છે. એ વાત પર ભરોસો રાખવો નવી દુનિયામાં અમુક વાર અઘરું લાગશે. યાદ કરો, ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી બહાર આવ્યા પછી શું બન્યું. અમુકને ઇજિપ્તનો સારો સારો ખોરાક યાદ આવતો હતો, એટલે તેઓ કચકચ કરવા લાગ્યા. યહોવાએ તેઓને માન્ના પૂરું પાડ્યું, એનાથી પણ તેઓ કંટાળી ગયા. (ગણ. ૧૧:૪-૬; ૨૧:૫) જો ધ્યાન નહિ રાખીએ તો મોટી વિપત્તિ પછી આપણે પણ કદાચ તેઓના જેવા બની જઈએ. આપણે જાણતા નથી કે પૃથ્વીની સાફ-સફાઈ કરવામાં અને એને બાગ જેવી સુંદર બનાવવામાં કેટલી મહેનત લાગશે. બની શકે કે શરૂઆતમાં જીવન સહેલું ન હોય. એ સમયે યહોવા જે કંઈ પૂરું પાડશે શું એ માટે આપણે કચકચ કરીશું કે તેમનો આભાર માનીશું? એક વાત ચોક્કસ છે, જો અત્યારે યહોવા જે કંઈ આપે છે એનો આભાર માનીશું તો ભાવિમાં પણ આભાર માનવાનું નહિ ચૂકીએ. w૨૨.૦૨ ૭ ¶૧૮-૧૯
ગુરુવાર, ઑક્ટોબર ૨૬
“તેઓ [યહૂદી માણસના] ઝભ્ભાને પકડીને કહેશે, ‘અમે તમારી સાથે આવવા માંગીએ છીએ.’”—ઝખા. ૮:૨૩.
ઝખાર્યા ૮:૨૩માં જણાવેલી ભવિષ્યવાણીમાં “એક યહૂદી” અને “તમારી” એ શબ્દો પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તોને બતાવે છે. (રોમ. ૨:૨૮, ૨૯) “બધી ભાષાઓ અને પ્રજાઓમાંથી દસ માણસો” એ શબ્દો બીજાં ઘેટાંના લોકોને બતાવે છે. તેઓ યહૂદીનો ‘ઝભ્ભો પકડી લે છે,’ એનો અર્થ થાય કે તેઓ અભિષિક્તો સાથે મળીને શુદ્ધ ભક્તિ કરે છે. તેમજ, અભિષિક્તો અને બીજાં ઘેટાંના લોકો વચ્ચે કદી તૂટે નહિ એવો સંબંધ છે. તેઓની એકતા સાબિતી આપે છે કે યહોવાએ હઝકિયેલ ૩૭:૧૫-૧૯, ૨૪, ૨૫માં આપેલી ભવિષ્યવાણી પૂરી કરી છે. એ ભવિષ્યવાણી બે લાકડીઓ વિશે જણાવે છે. એક લાકડી “યહૂદા માટે” છે. (એ કુળમાંથી ઇઝરાયેલના રાજાઓ પસંદ કરવામાં આવતા હતા.) બીજી લાકડી “એફ્રાઈમની” છે. યહૂદા માટેની લાકડી એવા લોકોને રજૂ કરે છે, જેઓને સ્વર્ગમાં જીવવાની આશા છે. એફ્રાઈમની લાકડી એવા લોકોને રજૂ કરે છે, જેઓને પૃથ્વી પર જીવવાની આશા છે. ભવિષ્યવાણી પ્રમાણે યહોવા એ બંને સમૂહને “એક લાકડી” બનાવશે. એનો અર્થ થાય કે તેઓ એક રાજા, ખ્રિસ્ત ઈસુના રાજમાં સંપીને યહોવાની ભક્તિ કરશે.—યોહા. ૧૦:૧૬. w૨૨.૦૧ ૨૨ ¶૯-૧૦
શુક્રવાર, ઑક્ટોબર ૨૭
“ધ્યાન રાખો! તમે લોકોને બતાવવા માટે સારાં કાર્યો ન કરો.”—માથ. ૬:૧.
ઈસુએ એવા લોકો વિશે જણાવ્યું જેઓ ગરીબોને મદદ તો કરતા હતા, પણ એનો ઢંઢેરો પણ પીટતા હતા. એવું કરીને તેઓ લોકોની વાહવાહ મેળવવા માંગતા હતા. યહોવાની નજરમાં ભલાઈનાં એવાં કામોની કોઈ કિંમત નથી. (માથ. ૬:૨-૪) કોઈ પણ સ્વાર્થ વગર આપણે લોકોનું ભલું કરીએ, એ જ સાચી ભલાઈ કહેવાય. આપણે આ સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘ભલાઈ કરવા વિશે શું હું ફક્ત વિચારું જ છું કે પછી એ પ્રમાણે કરું પણ છું? હું કેવા ઇરાદાથી લોકોનું ભલું કરું છું?’ યહોવા પોતાની પવિત્ર શક્તિનો ઉપયોગ કરીને હંમેશાં કામ કરતા રહે છે. (ઉત. ૧:૨) એટલે આપણે પણ કામ કરતા રહેવું જોઈએ. દાખલા તરીકે યાકૂબે લખ્યું: “કામો વગર શ્રદ્ધા મરેલી છે.” (યાકૂ. ૨:૨૬) એ જ વાત શ્રદ્ધાની સાથે સાથે પવિત્ર શક્તિના બીજા ગુણો માટે પણ લાગુ પડે છે. જ્યારે જ્યારે આપણે એ ગુણો બતાવીએ છીએ ત્યારે દેખાઈ આવે છે કે પવિત્ર શક્તિ આપણને મદદ કરી રહી છે. w૨૨.૦૩ ૧૧-૧૨ ¶૧૪-૧૬
શનિવાર, ઑક્ટોબર ૨૮
“જે પવિત્ર ઈશ્વરે તમને બોલાવ્યા છે, તેમની જેમ તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ.”—૧ પિત. ૧:૧૫.
આપણે યહોવાની ભક્તિમાં ઘણું કરતા હોઈશું અથવા અલગ અલગ રીતે બીજાઓને મદદ કરતા હોઈશું. પણ પ્રેરિત પિતરે એક સૌથી મહત્ત્વના કામ વિશે જણાવ્યું, જેનાથી બીજાઓનું વધારે ભલું થાય છે. પિતરે આપણને વાણી-વર્તનમાં પવિત્ર થવાનું ઉત્તેજન આપ્યું એ પહેલાં તેમણે કહ્યું, “સખત મહેનત કરવા તમારાં મન તૈયાર કરો.” (૧ પિત. ૧:૧૩) પિતરે કયા કામ માટે મહેનત કરવાનું જણાવ્યું? તેમણે કહ્યું કે ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓ ‘બધી જગ્યાએ ઈશ્વરના મહાન ગુણો જાહેર કરશે.’ (૧ પિત. ૨:૯) એ મહત્ત્વના કામમાં આજે આપણે તેઓને સાથ આપીએ છીએ. આપણે જોરશોરથી લોકોને પ્રચાર કરીએ છીએ અને તેઓને શીખવીએ છીએ. સાચે જ, ઈશ્વરના પવિત્ર લોકો હોવાને લીધે આપણને એ કામ કરવાનો કેટલો મોટો લહાવો મળ્યો છે! (માર્ક ૧૩:૧૦) એમ કરીને સાબિત કરીશું કે આપણે યહોવાને અને પડોશીઓને પ્રેમ કરીએ છીએ. એ પણ બતાવીશું કે આપણે વાણી-વર્તનમાં ‘પવિત્ર થવા’ માંગીએ છીએ. w૨૧.૧૨ ૧૩ ¶૧૮
રવિવાર, ઑક્ટોબર ૨૯
“જો તમે કોઈને માફ કરો, તો હું પણ તેને માફ કરું છું.”—૨ કોરીં. ૨:૧૦.
પ્રેરિત પાઉલ ભાઈ-બહેનો વિશે હંમેશાં સારું વિચારતા હતા. તે સમજતા હતા કે કોઈ વ્યક્તિ ભૂલ કરે તો એનો અર્થ એ નથી કે વ્યક્તિ ખરાબ છે. તે ભાઈ-બહેનોને પ્રેમ કરતા હતા અને તેઓના સારા ગુણો પર ધ્યાન આપતા હતા. પાઉલ સમજતા હતા કે સારાં કામ કરવા તેઓ માટે અઘરાં હોય છે. તે વિચારતા હતા કે તેઓનાં દિલમાં સારું કરવાની ઇચ્છા છે, બસ તેઓને થોડી મદદની જરૂર છે. પાઉલે ફિલિપી મંડળનાં બે બહેનોને કઈ રીતે મદદ કરી એનો વિચાર કરો. (ફિલિ. ૪:૧-૩) યુવદિયા અને સુન્તુખે વચ્ચે મતભેદો હતાં. તેઓ એકબીજા સાથે વાત પણ કરતા ન હતાં. પણ પાઉલ તેઓ પર ગુસ્સે ન થયા, તેઓને ઠપકો ન આપ્યો કે તેઓનો વાંક ન કાઢ્યો. તેમણે તેઓના સારા ગુણો પર ધ્યાન આપ્યું. તેઓ વફાદાર બહેનો હતાં અને ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હતાં. પાઉલ જાણતા હતા કે યહોવા પણ તેઓને ખૂબ પ્રેમ કરે છે. તેમને ખબર હતી કે એ બહેનો સારાં છે. એટલે તેઓના મતભેદો થાળે પાડવા તેઓને મદદ કરી શક્યા. પાઉલ બીજાઓના સારા ગુણો પર ધ્યાન આપતા હતા, એટલે પોતાનો આનંદ જાળવી શક્યા. એટલું જ નહિ તે એ મંડળનાં ભાઈ-બહેનો સાથે પાકી દોસ્તી રાખી શક્યા. w૨૨.૦૩ ૩૦ ¶૧૬-૧૮
સોમવાર, ઑક્ટોબર ૩૦
“દુઃખી લોકોના પડખે યહોવા છે. કચડાયેલા મનના લોકોને તે બચાવે છે.”—ગીત. ૩૪:૧૮.
ઈશ્વરની શાંતિ આપણાં મનને હળવું કરે છે અને વિચારોને કાબૂમાં રાખે છે. લોઈસબહેન સાથે એવું જ બન્યું. તે કહે છે: “ઘણી વાર મને એકલું એકલું લાગે છે. અમુક વાર મને એવું થાય છે કે યહોવા મને પ્રેમ કરતા નથી. પછી હું તરત યહોવા પાસે દોડી જાઉં છું. તેમની આગળ મારી બધી લાગણી ઠાલવી દઉં છું. પ્રાર્થના કરવાથી મારું મન શાંત થઈ જાય છે.” એ દાખલામાંથી જોઈ શકાય છે કે પ્રાર્થનાથી શાંતિ મળે છે. (ફિલિ. ૪:૬, ૭) આપણને ભરોસો છે કે કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે યહોવા અને ઈસુ આપણી પડખે રહેશે. આપણને ઉત્તેજન મળે છે કે પ્રચાર અને શીખવવાનાં કામમાં કરુણા બતાવીએ, કારણ કે યહોવા અને ઈસુમાં પણ એ સુંદર ગુણ છે. આપણને દિલાસો મળે છે કે યહોવા અને તેમના વહાલા દીકરા આપણી નબળાઈઓ જાણે છે અને આપણને ટકી રહેવા મદદ કરે છે. બહુ જલદી યહોવા આપણી “આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.” આપણે એ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.—પ્રકટી. ૨૧:૪. w૨૨.૦૧ ૧૫ ¶૭; ૧૯ ¶૧૯-૨૦
મંગળવાર, ઑક્ટોબર ૩૧
“સાંકડા દરવાજાથી અંદર જાઓ, કેમ કે પહોળો દરવાજો અને સરળ રસ્તો વિનાશ તરફ લઈ જાય છે. ઘણા લોકો એ દરવાજામાં થઈને જાય છે.”—માથ. ૭:૧૩.
ઈસુએ કહ્યું કે બે દરવાજા છે. સાંકડો દરવાજો “મુશ્કેલ” રસ્તા તરફ અને પહોળો દરવાજો “સરળ” રસ્તા તરફ લઈ જાય છે. (માથ. ૭:૧૪) ધ્યાન આપો, ઈસુએ કહ્યું કે ફક્ત બે જ રસ્તા છે, ત્રીજો કોઈ નથી. આપણે એ બેમાંથી એક રસ્તો પસંદ કરવાનો છે. એ આપણા જીવનનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે. કેમ કે એક જ રસ્તો હંમેશ માટેના જીવન તરફ લઈ જાય છે. એક રસ્તો “સરળ” અને પહોળો છે. એટલે ઘણા લોકો એ રસ્તે ચાલવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તો બીજાઓને જોઈને એ રસ્તા પર ચાલી નીકળે છે. પણ તેઓ જાણતા નથી કે શેતાન તેઓને એ રસ્તે દોરી જાય છે અને એ રસ્તો વિનાશ તરફ લઈ જાય છે.(૧ કોરીં. ૬:૯, ૧૦; ૧ યોહા. ૫:૧૯) “સરળ” રસ્તાની સરખામણીમાં બીજો રસ્તો “મુશ્કેલ” છે. ઈસુએ કહ્યું હતું કે બહુ થોડા લોકોને જ એ રસ્તો મળશે. કેમ? ધ્યાન આપો, પછી કલમ ૧૫માં ઈસુએ કહ્યું કે જૂઠા પ્રબોધકો આવશે અને લોકોને ભમાવશે.—માથ. ૭:૧૫. w૨૧.૧૨ ૨૨-૨૩ ¶૩-૫