વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es23 પાન ૧૦૫-૧૧૮
  • સપ્ટેમ્બર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
  • મથાળાં
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૧
  • શનિવાર, સપ્ટેમ્બર ૨
  • રવિવાર, સપ્ટેમ્બર ૩
  • સોમવાર, સપ્ટેમ્બર ૪
  • મંગળવાર, સપ્ટેમ્બર ૫
  • બુધવાર, સપ્ટેમ્બર ૬
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૭
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૮
  • શનિવાર, સપ્ટેમ્બર ૯
  • રવિવાર, સપ્ટેમ્બર ૧૦
  • સોમવાર, સપ્ટેમ્બર ૧૧
  • મંગળવાર, સપ્ટેમ્બર ૧૨
  • બુધવાર, સપ્ટેમ્બર ૧૩
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૧૪
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૧૫
  • શનિવાર, સપ્ટેમ્બર ૧૬
  • રવિવાર, સપ્ટેમ્બર ૧૭
  • સોમવાર, સપ્ટેમ્બર ૧૮
  • મંગળવાર, સપ્ટેમ્બર ૧૯
  • બુધવાર, સપ્ટેમ્બર ૨૦
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૨૧
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૨૨
  • શનિવાર, સપ્ટેમ્બર ૨૩
  • રવિવાર, સપ્ટેમ્બર ૨૪
  • સોમવાર, સપ્ટેમ્બર ૨૫
  • મંગળવાર, સપ્ટેમ્બર ૨૬
  • બુધવાર, સપ્ટેમ્બર ૨૭
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૨૮
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૨૯
  • શનિવાર, સપ્ટેમ્બર ૩૦
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
es23 પાન ૧૦૫-૧૧૮

સપ્ટેમ્બર

શુક્રવાર, સપ્ટેમ્બર ૧

“તેઓએ કહ્યું કે આકાશમાંથી તે કોઈ નિશાની દેખાડે.”—માથ. ૧૬:૧.

ઈસુ જે શીખવતા હતા એનાથી અમુક લોકો ખુશ ન હતા. તેઓને સાબિતી જોઈતી હતી. પણ ઈસુએ કોઈ નિશાનીઓ બતાવી નહિ. એટલે અમુક લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો નહિ. (માથ. ૧૬:૪.) શાસ્ત્ર શું કહે છે? યશાયાએ મસીહ વિશે અગાઉથી જણાવ્યું હતું કે, “તે મોટેથી પોકારશે નહિ કે અવાજ ઊંચો કરશે નહિ. રસ્તાઓમાં તેનો અવાજ સંભળાશે નહિ.” (યશા. ૪૨:૧, ૨) ઈસુએ ક્યારેય લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો નહિ. તેમણે કોઈ આલીશાન મંદિર બનાવડાવ્યું નહિ. તેમણે એવો કોઈ ખાસ પોશાક પહેરીને દેખાડો કર્યો નહિ જેનાથી લોકો તેમને ઓળખે. તે ક્યારેય એવું ચાહતા ન હતા કે લોકો તેમને સંત કે મહાત્માના નામે ઓળખે. જીવનની છેલ્લી ઘડીઓમાં તેમણે હેરોદ રાજાને ખુશ કરવા ચમત્કાર કરવાની ના પાડી. (લૂક ૨૩:૮-૧૧) જોકે તેમણે અમુક સંજોગોમાં ઘણા ચમત્કાર કર્યા હતા. પણ તેમનું મુખ્ય કાર્ય પ્રચારકામ હતું એટલે તેમણે કહ્યું કે, “હું એ માટે જ આવ્યો છું.”—માર્ક ૧:૩૮. w૨૧.૦૫ ૪ ¶૯-૧૦

શનિવાર, સપ્ટેમ્બર ૨

“હંમેશ માટેનું જીવન મેળવવા જરૂરી છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને ઓળખે અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને પણ ઓળખે.”—યોહા. ૧૭:૩.

આપણે એવા લોકોને શોધી રહ્યા છીએ ‘જેઓનું દિલ સારું છે જેથી તેઓ હંમેશ માટેનું જીવન મેળવી શકે.’ (પ્રે.કા. ૧૩:૪૮) આપણે ઇચ્છીએ છીએ કે તેઓ પણ ઈસુના શિષ્યો બને. એટલે આપણે તેઓને મદદ કરીએ જેથી તેઓ બાઇબલમાંથી જે શીખે એને (૧) સમજે (૨) સ્વીકારે અને (૩) એ જીવનમાં લાગુ કરે. (કોલો. ૨:૬, ૭; ૧ થેસ્સા. ૨:૧૩) નવા લોકો સભામાં આવે ત્યારે મંડળનાં ભાઈ-બહેનો તેઓને પ્રેમથી આવકારી શકે. (યોહા. ૧૩:૩૫) અભ્યાસ ચલાવનાર ભાઈ કે બહેન વિદ્યાર્થી માટે ઘણી મહેનત કરે છે અને સમય આપે છે, જેથી વિદ્યાર્થી પોતાની માન્યતાઓ કે રીતરિવાજો છોડી શકે જે તેનામાં “ઊંડે સુધી” ઘર કરી ગયા છે. (૨ કોરીં. ૧૦:૪, ૫) વિદ્યાર્થીને કદાચ ફેરફાર કરવામાં અને બાપ્તિસ્મા લેવામાં ઘણા મહિના લાગી જાય. પણ તેની મદદ કરવામાં આપણે જે મહેનત કરીએ છીએ એ જરૂર રંગ લાવશે. w૨૧.૦૭ ૩ ¶૬

રવિવાર, સપ્ટેમ્બર ૩

“બધી વસ્તુઓની પરખ કરો અને જે સારું છે એને વળગી રહો.” —૧ થેસ્સા. ૫:૨૧.

શું આપણને પૂરો ભરોસો છે કે આપણે જે માનીએ છીએ એ સાચું છે? શું આપણે જે રીતે યહોવાની ભક્તિ કરીએ છીએ એ જ સાચી રીત છે? પ્રેરિત પાઉલને પાકી ખાતરી હતી કે તે જે માને છે એ ખરું છે. (૧ થેસ્સા. ૧:૫) તેમને એ ગમતું હતું એટલે એની ખાતરી ન હતી, પણ તે માનતા હતા કે “આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.” (૨ તિમો. ૩:૧૬) એટલે તેમણે શાસ્ત્રનો ધ્યાનથી અભ્યાસ કર્યો, એનાથી તેમને પુરાવો મળ્યો કે ઈસુ જ વચન પ્રમાણેના મસીહ છે. એ એવો પુરાવો હતો જેને કોઈ જૂઠો સાબિત કરી શકે એમ ન હતું. તેમ છતાં ધર્મગુરુઓ એ માનવા તૈયાર ન હતા. તેઓ કહેતા કે પોતે ઈશ્વરની વાતો શીખવે છે, પણ તેઓ એવાં કામ કરતા જેને ઈશ્વર ધિક્કારે છે. (તિત. ૧:૧૬) પાઉલ તેઓ જેવા ન હતા. તેમણે શાસ્ત્રની ફક્ત એ જ વાતો ન માની જે તેમને ગમતી હતી. પણ તેમણે “ઈશ્વરની ઇચ્છા” પ્રમાણે બધી વાતો બીજાઓને શીખવી અને પોતે લાગુ પાડી.—પ્રે.કા. ૨૦:૨૭. w૨૧.૧૦ ૧૮ ¶૧-૨

સોમવાર, સપ્ટેમ્બર ૪

“મને મોકલનાર પિતા કોઈ માણસને મારી પાસે દોરી ન લાવે ત્યાં સુધી, તે મારી પાસે આવી શકતો નથી.”—યોહા. ૬:૪૪.

આપણે પ્રચારમાં અને શીખવવામાં ઘણી મહેનત કરીએ છીએ. પણ એ મહેનત ત્યારે જ રંગ લાવશે જ્યારે યહોવા એના પર આશીર્વાદ આપશે. (૧ કોરીં. ૩:૬, ૭) યહોવા બધા લોકોનું જીવન કીમતી ગણે છે. તેમણે આપણને ઈસુ સાથે કામ કરવાનો લહાવો આપ્યો છે, જેથી અંત આવતા પહેલાં દરેક દેશના લોકોનો જીવ બચી શકે. (હાગ્ગા. ૨:૭) ધારો કે, તમને ખાણમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવાનું કામ મળ્યું છે. એ ખાણમાંથી કદાચ અમુક લોકો જ જીવતા બહાર આવે. પણ આપણે એ લોકોને બચાવવા જે મહેનત કરી છે એ પણ મહત્ત્વની છે. આપણું પ્રચારકામ પણ એવું જ છે. આપણે નથી જાણતા કે અંત આવતા પહેલા કેટલા લોકોને બચાવવામાં આવશે. પણ એટલું જરૂર જાણીએ છીએ કે યહોવા આપણામાંથી કોઈનો પણ ઉપયોગ કરીને લોકોના જીવ બચાવી શકે છે. બોલિવિયામાં રહેતા આંદ્રિઆસભાઈ કહે છે, “ઘણા લોકોની મહેનત પછી જ એક વ્યક્તિ સત્ય સ્વીકારે છે અને બાપ્તિસ્મા લે છે.” આપણે પણ એવું જ વિચારવું જોઈએ અને પ્રચારમાં લાગુ રહેવું જોઈએ. એમ કરીશું તો યહોવા આશીર્વાદ આપશે અને આપણને ખુશી મળશે. w૨૧.૦૫ ૧૮-૧૯ ¶૧૯-૨૦

મંગળવાર, સપ્ટેમ્બર ૫

‘શેતાનના ફાંદામાંથી છૂટી જાઓ.’—૨ તિમો. ૨:૨૬.

એક શિકારીનો હેતુ હોય છે કે તે પોતાના શિકારીને પકડે અથવા એને મારી નાખે. એ માટે તે અલગ અલગ ફાંદા કે જાળ ફેલાવે છે, એના વિશે બાઇબલમાં પણ લખ્યું છે. (અયૂ. ૧૮:૮-૧૦) તે શિકારને કઈ રીતે પકડે છે? શિકારી ધ્યાનથી જુએ છે કે એનો શિકાર ક્યાં ક્યાં જાય છે, એને શું પસંદ છે. પછી શિકારને ખબર પણ ન પડે એ રીતે તે જાળ ફેલાવે છે અને શિકાર એમાં ફસાઈ જાય છે. શેતાન પણ એ શિકારી જેવો છે. તે જુએ છે કે આપણે ક્યાં ક્યાં જઈએ છીએ, આપણને શું પસંદ છે. પછી આપણને ખબર પણ ન પડે એ રીતે તે જાળ ફેલાવે છે અને આપણે એમાં ફસાઈ જઈએ છીએ. પણ બાઇબલ ખાતરી આપે છે કે જો આપણે શેતાનના ફાંદામાં ફસાઈ જઈએ તો એમાંથી છૂટી શકીએ છીએ. એટલું જ નહિ શેતાનના ફાંદામાં ન ફસાઈએ માટે શું કરી શકીએ, એ વિશે પણ બાઇબલમાં જણાવ્યું છે. શેતાન હજારો વર્ષોથી બે ફાંદાઓનો ઉપયોગ કરીને ઘણા લોકોને ફસાવતો આવ્યો છે, એ છે ઘમંડ અને લાલચ. એક શિકારીની જેમ તે શિકારને ફસાવવા જાળ કે ફાંદો ફેલાવે છે. (ગીત. ૯૧:૩) યહોવાએ પહેલેથી જ શેતાનની ચાલાકીઓ વિશે જણાવ્યું છે. જો આપણે એને ધ્યાનમાં રાખીશું તો ક્યારેય એમાં ફસાઈશું નહિ.—૨ કોરીં. ૨:૧૧. w૨૧.૦૬ ૧૪ ¶૧-૨

બુધવાર, સપ્ટેમ્બર ૬

“જો માણસ સાચા માર્ગે ચાલતો હોય, તો તેના ધોળા વાળ મહિમાનો મુગટ છે.”—નીતિ. ૧૬:૩૧.

આપણાં વૃદ્ધ ભાઈ-બહેનો પણ એ હીરાની જેમ અનમોલ છે. બાઇબલ કહે છે કે તેઓના ધોળા વાળ મહિમાનો મુગટ છે. (નીતિ. ૨૦:૨૯) બની શકે કે આપણે એ જોવાનું ચૂકી જઈએ કે તેઓ કેટલા અનમોલ છે. જો યુવાનો પણ તેઓને અનમોલ ગણશે તો તેઓ પાસેથી ઘણું શીખી શકશે. આપણાં વૃદ્ધ ભાઈ-બહેનો યહોવા માટે ઘણાં અનમોલ છે. યહોવા તેઓનું દિલ જાણે છે. તે તેઓના સારા ગુણોની કદર કરે છે. વર્ષોથી યહોવાની સેવા કરતા હોવાથી તેઓ પાસે ઘણો અનુભવ છે. એટલે તેઓ બાળકો અને યુવાનોને સારી સલાહ આપે છે ત્યારે યહોવા ખુશ થાય છે. (અયૂ. ૧૨:૧૨; નીતિ. ૧:૧-૪) તેઓ ધીરજ બતાવે છે એની યહોવા કદર કરે છે. (માલા. ૩:૧૬) તેઓના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા પણ તેઓ ડગ્યા નથી. યહોવામાં તેઓની શ્રદ્ધા આજે પણ મક્કમ છે. વધુમાં ભાવિમાં આવનાર સોનેરી દુનિયાની આશા તેઓ માટે પહેલાં કરતાં આજે વધારે મજબૂત થઈ છે. “ઘડપણમાં” પણ તેઓ યહોવાનું નામ જાહેર કરતા રહે છે, એ જોઈને યહોવાનું દિલ ખુશીથી ઊભરાઈ જાય છે.—ગીત. ૯૨:૧૨-૧૫. w૨૧.૦૯ ૨ ¶૨-૩

ગુરુવાર, સપ્ટેમ્બર ૭

“દરેક માણસ પોતાનાં કામોની તપાસ કરે. આમ તેને પોતાનાં જ કામોને લીધે ખુશી મળશે.”—ગલા. ૬:૪.

આપણે અવારનવાર પોતાને અમુક સવાલ પૂછવા જોઈએ. જેમ કે, “શું મને ત્યારે જ સારું લાગે છે જ્યારે મારામાં બીજાઓ કરતાં સારી આવડત હોય? શું હું બીજાઓનું ધ્યાન ખેંચવા મંડળમાં મહેનત કરું છું? કે પછી યહોવાને ખુશ કરવા હું મહેનત કરું છું?” બાઇબલ જણાવે છે કે આપણે પોતાને બીજાઓ સાથે ન સરખાવવા જોઈએ. શા માટે? એનું એક કારણ છે, જો આપણે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણીશું તો ઘમંડી બની જઈશું. બીજું કારણ, જો એમ વિચારીશું કે ભાઈ-બહેનોની સરખામણીમાં આપણે કંઈ જ નથી કરતા તો નિરાશ થઈ જઈશું. (રોમ. ૧૨:૩) આપણે હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણને તેમની પાસે દોરી લાવ્યા છે. તે આપણને એટલે નથી દોરી લાવ્યા કે આપણે સુંદર છીએ કે આપણે સારી વાતો કરીએ છીએ કે આપણા ઘણા મિત્રો છે. પણ તેમણે જોયું કે આપણે તેમને પ્રેમ કરવા અને તેમના દીકરાનું સાંભળવા તૈયાર છીએ.—યોહા. ૬:૪૪; ૧ કોરીં. ૧:૨૬-૩૧. w૨૧.૦૭ ૧૫ ¶૩-૪

શુક્રવાર, સપ્ટેમ્બર ૮

“તમે પોતાના મનના વિચારોને નવા કરતા રહો.”—એફે. ૪:૨૩.

મનના વિચારોને નવા કરતા રહેવા આપણે બાઇબલનો અભ્યાસ, મનન અને પ્રાર્થના કરવાં જોઈએ. એમાં લાગુ રહેવા યહોવા આપણને શક્તિ આપશે. તેમની પવિત્ર શક્તિથી બીજાઓ સાથે પોતાને નહિ સરખાવવા આપણને મદદ મળશે. યહોવા પાસે માંગીએ જેથી તે આપણને ઘમંડ અને ઈર્ષાને જડમૂળથી દૂર કરવા મદદ કરે. (૨ કાળ. ૬:૨૯, ૩૦) યહોવા આપણું દિલ જુએ છે. તે જાણે છે કે આપણા વિચારો કેવા છે. આપણે કેવી લાગણીઓ અનુભવીએ છીએ. તે એ પણ જાણે છે કે દુનિયાની અસર અને આપણી નબળાઈઓથી લડવા આપણે કેટલી મહેનત કરીએ છીએ. એનાથી તે આપણને વધુ પ્રેમ કરવા લાગે છે. યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. એ સમજાવવા તેમણે એક માતાની મમતાનો દાખલો આપ્યો. (યશા. ૪૯:૧૫) આપણે યહોવાની સેવામાં બનતું બધું કરવા મહેનત કરીએ છીએ. જ્યારે યહોવા એ જુએ છે ત્યારે એક માતાની જેમ તેમની મમતા પણ ઊભરાય આવે છે. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે! w૨૧.૦૭ ૨૪-૨૫ ¶૧૭-૧૯

શનિવાર, સપ્ટેમ્બર ૯

“આનંદ કરનારાઓની સાથે આનંદ કરો.”—રોમ. ૧૨:૧૫.

આપણે પણ જે કામ મળે એને પૂરું મન લગાવીને કરીએ. પ્રચારકામમાં પૂરા “ઉત્સાહથી” ભાગ લઈએ. મંડળનાં બીજાં કામોમાં પણ મદદ કરીએ. (પ્રે.કા. ૧૮:૫; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) આપણે સભાઓમાં જવાબ આપવા અને વિદ્યાર્થીની સોંપણી મળે ત્યારે એની તૈયારી કરવામાં મહેનત કરીએ. મંડળમાં કોઈ કામ મળે તો એને સમય પર અને સારી રીતે કરીએ. આપણે કોઈપણ કામને નાનું ન સમજીએ. આપણી આવડત નિખારવા મહેનત કરીએ. (નીતિ. ૨૨:૨૯) યહોવાની ભક્તિને લગતા કામોમાં અને સોંપણીમાં મન પરોવેલું રાખીશું તો કેવો ફાયદો થશે? યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થશે અને આપણને ખુશી મળશે. (ગલા. ૬:૪) એટલું જ નહિ જે સોંપણી મેળવવાની આપણને ઇચ્છા હોય, એ બીજાને મળે ત્યારે પણ તેને માટે ખુશી થશે.—ગલા. ૫:૨૬. w૨૧.૦૮ ૨૨ ¶૧૧

રવિવાર, સપ્ટેમ્બર ૧૦

‘જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ સૌથી પહેલા તો શુદ્ધ, પછી શાંતિપ્રિય, વાજબી, આજ્ઞા પાળવા તૈયાર, દયા અને સારાં ફળોથી ભરપૂર છે. એમાં કોઈ પક્ષપાત કે ઢોંગ નથી.’—યાકૂ. ૩:૧૭.

ઘમંડી ન બનીએ અને યહોવા પાસેથી શીખવા તૈયાર રહીએ. કોઈ બીમારીને લીધે કદાચ હૃદયની નળીઓ કઠણ થઈ જાય અને હૃદયને કામ કરવું અઘરું પડે. એવી જ રીતે ઘમંડને લીધે કદાચ આપણું મન કઠણ થઈ જાય અને યહોવાની આજ્ઞાઓ પાળવી આપણા માટે અઘરું પડે. ફરોશીઓ સાથે એવું જ કંઈક થયું હતું. તેઓએ પોતાનું દિલ કઠણ કરી દીધું હતું. એટલે સામે પુરાવા હોવા છતાં તેઓ સ્વીકારી ન શક્યા કે ઈસુ પર ઈશ્વરની પવિત્ર શક્તિ હતી અને તે જ ઈશ્વરના દીકરા હતા. (યોહા. ૧૨:૩૭-૪૦) ઘમંડના કારણે તેઓએ હંમેશ માટેનું જીવન ગુમાવી દીધું. (માથ. ૨૩:૧૩, ૩૩) સાચે જ, એ કેટલું જરૂરી છે કે આપણે બાઇબલ અને પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહીએ. પોતાના સ્વભાવ અને વિચારોમાં ફેરફાર કરતા રહીએ. યાકૂબ નમ્ર હતા એટલે તે યહોવા પાસેથી શીખવા તૈયાર હતા. એ ગુણને લીધે તે બીજાઓને પણ સારી રીતે શીખવી શક્યા. w૨૨.૦૧ ૧૦ ¶૭

સોમવાર, સપ્ટેમ્બર ૧૧

“માંગતા રહો.”—માથ. ૭:૭.

આપણે ‘પ્રાર્થનામાં લાગુ રહીશું’ તો ખાતરી રાખી શકીએ કે યહોવા આપણી પ્રાર્થના સાંભળશે. (કોલો. ૪:૨) આપણને લાગે કે જવાબ મળવામાં મોડું થઈ રહ્યું છે. પણ યહોવા વચન આપે છે કે “યોગ્ય સમયે” આપણી પ્રાર્થનાઓનો જવાબ આપશે. (૧ પિતર ૫:૬) એટલે આપણે યહોવાને દોષ ન આપીએ. દાખલા તરીકે, આપણે વર્ષોથી પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય આવે અને આ દુષ્ટ દુનિયાનો જલદી જ અંત આવે. ઈસુએ પણ એ વિશે પ્રાર્થના કરવાનું જણાવ્યું હતું. (માથ. ૬:૧૦) પણ આપણે વિચારતા હોઈએ ત્યારે અંત ન આવે અને આપણી શ્રદ્ધા નબળી પડવા દઈએ તો એ કેટલી મોટી મૂર્ખામી કહેવાશે! (હબા. ૨:૩; માથ. ૨૪:૪૪) એના બદલે આપણે યહોવાની રાહ જોઈએ અને એવા ભરોસા સાથે પ્રાર્થના કરતા રહીએ કે તે એનો જવાબ આપશે. યહોવા આ દુષ્ટ દુનિયાનો અંત લાવવામાં જરાય મોડું નહિ કરે. તેમણે “એ દિવસ અને ઘડી” નક્કી કરી રાખ્યાં છે. એ દિવસ આપણા બધા માટે યોગ્ય હશે.—માથ. ૨૪:૩૬; ૨ પિત. ૩:૧૫. w૨૧.૦૮ ૧૦ ¶૧૦-૧૧

મંગળવાર, સપ્ટેમ્બર ૧૨

“નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિ. ૨:૩.

જે વૃદ્ધ ભાઈ-બહેનો નમ્ર છે, તેઓ જાણે છે કે હવે તેઓ પહેલાં જેટલું કરી શકતા નથી. એટલે જે પણ જવાબદારી મળે એને તેઓ ખુશી ખુશી પૂરી કરે છે. દાખલા તરીકે સરકીટ નિરીક્ષકો. જ્યારે તેઓ ૭૦ વર્ષના થાય છે ત્યારે તેઓને એક નવી સોંપણી મળે છે. એ સોંપણી પૂરી કરવી તેઓને અઘરું લાગી શકે. કારણ કે તેઓ વર્ષોથી સરકીટ નિરીક્ષકનું કામ કરતા હતા. તેઓને ભાઈ-બહેનોને મદદ કરવી ગમતી. હવે તેઓ સમજે છે કે એ જવાબદારી યુવાન ભાઈઓએ ઉપાડવાની છે. આમ તેઓ લેવીઓ જેવું વલણ બતાવે છે. લેવીઓ ફક્ત ૫૦ વર્ષની ઉંમર સુધી જ મંડપમાં સેવા આપી શકતા હતા. પછી તેઓએ યુવાન ભાઈઓને એ જવાબદારી ઉપાડવા મદદ કરવાની હતી. લેવીઓએ એ સોંપણી ખુશી ખુશી પૂરી કરી. (ગણ. ૮:૨૫, ૨૬) એવી જ રીતે જે ભાઈઓ પહેલાં સરકીટ નિરીક્ષક હતા, તેઓ હવે અલગ અલગ મંડળોની મુલાકાત લેતા નથી. પણ પોતાના મંડળમાં જ રહીને ભાઈ-બહેનોને મદદ કરે છે. w૨૧.૦૯ ૮-૯ ¶૩-૪

બુધવાર, સપ્ટેમ્બર ૧૩

“પિતાજી, મેં સ્વર્ગના ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તમારો દીકરો ગણાવાને લાયક નથી.”—લૂક ૧૫:૨૧.

લૂક ૧૫:૧૧-૩૨માં ખોવાયેલા દીકરાનું ઉદાહરણ છે. દીકરો પિતાનું ઘર છોડીને “દૂર દેશ” ચાલ્યો ગયો. ત્યાં તે ખરાબ જીવન જીવવા લાગ્યો. તેના પર મુસીબતો આવી ત્યારે “તેની અક્કલ ઠેકાણે આવી.” તેને અહેસાસ થયો કે તે ખોટું કરી રહ્યો છે. તેને યાદ આવ્યું કે પિતાના ઘરે તે કેટલો ખુશ હતો. તેણે ઘરે પાછા જઈને પિતા પાસે માફી માંગવાનું નક્કી કર્યું. તેને પોતાની ભૂલ માટે અફસોસ થયો, એ સારી વાત હતી. પણ તેણે જીવનમાં ફેરફાર કરવાનો હતો. ખોવાયેલા દીકરાને પોતાની ભૂલ માટે દિલથી પસ્તાવો થયો. ઈસુએ આપેલું ઉદાહરણ ફક્ત એક વાર્તા જ નથી. એમાંથી વડીલો ઘણું શીખી શકે છે. તેઓને એ પારખવા મદદ મળશે કે પાપ કરનાર વ્યક્તિને ખરો પસ્તાવો છે કે નહિ. w૨૧.૧૦ ૫ ¶૧૪-૧૫

ગુરુવાર, સપ્ટેમ્બર ૧૪

‘હું આકાશોને અને પૃથ્વીને હલાવી નાખીશ.’—હાગ્ગા. ૨:૬.

કઈ વસ્તુને હલાવવામાં નહિ આવે? પ્રેરિત પાઉલે કહ્યું: “હલાવી ન શકાય એવું રાજ્ય આપણને મળવાનું છે એ જાણીને ચાલો આપણે અપાર કૃપા મેળવતા રહીએ. એ કૃપા દ્વારા આપણે ઈશ્વરનો ડર અને આદર રાખીને તેમને પસંદ પડે એવી પવિત્ર સેવા આપીએ.” (હિબ્રૂ. ૧૨:૨૮) જ્યારે બધું જ નાશ થઈ જશે ત્યારે ફક્ત ઈશ્વરનું જ રાજ્ય રહેશે. (ગીત. ૧૧૦:૫, ૬; દાનિ. ૨:૪૪) સમય હવે પાકી ગયો છે. લોકોએ પોતે નિર્ણય લેવાનો છે. જો તેઓ દુનિયાને સાથ આપશે તો તેઓનો નાશ થશે. જો તેઓ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લેશે અને જીવનમાં ફેરફાર કરશે તો તેઓને હંમેશ માટેનું જીવન મળશે. (હિબ્રૂ. ૧૨:૨૫) આપણે ખુશખબર જણાવીને લોકોને યોગ્ય નિર્ણય લેવા મદદ કરી શકીએ છીએ. એટલે ચાલો આપણે પ્રચાર કરતા રહીએ અને ઈસુના આ શબ્દો યાદ રાખીએ: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”—માથ. ૨૪:૧૪. w૨૧.૦૯ ૧૯ ¶૧૮-૨૦

શુક્રવાર, સપ્ટેમ્બર ૧૫

“હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.”—હિબ્રૂ. ૧૩:૫.

વડીલો, તમે બહિષ્કૃત વ્યક્તિના કુટુંબની હિંમત વધારો. તેઓને દિલાસો આપવાની જવાબદારી તમારી છે. (૧ થેસ્સા. ૫:૧૪) સભાઓ પહેલાં અને પછી તેઓ સાથે વાત કરો. તેઓના ઘરે જઈને મળો. તેઓ માટે પ્રાર્થના કરો. તેઓ સાથે પ્રચારમાં જાઓ. તેઓને કુટુંબ તરીકેની ભક્તિમાં બોલાવો. જેઓ મુશ્કેલી સહી રહ્યા છે તેઓનું વડીલોએ ધ્યાન રાખવું જોઈએ. તેઓ સાથે પ્રેમ અને કરુણાથી વર્તવું જોઈએ. (૧ થેસ્સા. ૨:૭, ૮) યહોવા “ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિત. ૩:૯) ભલે વ્યક્તિએ મોટું પાપ કર્યું હોય પણ યહોવાની નજરે તેનું જીવન અનમોલ છે. યહોવાએ બધા માટે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપ્યું છે. એ બલિદાન પાપી વ્યક્તિ માટે પણ છે. જેઓ યહોવાથી દૂર થઈ ગયા છે તેઓને પાછા ફરવા તે મદદ કરવા માંગે છે. ઈસુએ ખોવાયેલા દીકરાનું ઉદાહરણ આપ્યું, એનાથી ખબર પડે છે કે યહોવા એવા લોકોની રાહ જુએ છે.—લૂક ૧૫:૧૧-૩૨. w૨૧.૦૯ ૩૦-૩૧ ¶૧૭-૧૯

શનિવાર, સપ્ટેમ્બર ૧૬

“તેઓની મહેનતનાં ફળ તમે મેળવો છો.”—યોહા. ૪:૩૮.

બની શકે કે આપણે પ્રચારમાં વધારે કરી શકતા ન હોઈએ. કદાચ આપણામાં પહેલાં જેટલી શક્તિ ન હોય, પણ આપણે ખુશ રહી શકીએ છીએ. એ સમજવા દાઉદ રાજા અને તેમના માણસોનો વિચાર કરીએ. અમાલેકીઓએ તેઓનું બધું જ લૂંટી લીધું. તેઓની પત્નીઓ અને બાળકોને પણ લઈ ગયા. દાઉદ અને તેમના માણસો તેઓની પાછળ લડવા ગયા. રસ્તામાં ૨૦૦ માણસો એટલા થાકી ગયા કે તેઓ દાઉદની સાથે આગળ જઈ ન શક્યા. તેઓએ ત્યાં રોકાઈને સામાનની દેખરેખ રાખી. યુદ્ધ જીત્યા પછી દાઉદે લૂંટનો સામાન એ ૨૦૦ માણસો સાથે પણ વહેંચ્યો. (૧ શમુ. ૩૦:૨૧-૨૫) શિષ્યો બનાવવાનું કામ પણ એવું જ કંઈક છે. આપણે ચાહીએ એટલું ન કરી શકીએ, પણ જે કંઈ કરીએ એ દિલથી કરીએ. એટલે કોઈ વ્યક્તિ બાપ્તિસ્મા લે ત્યારે આપણે બધાં તેની સાથે ખુશ થઈ શકીએ છીએ. યહોવા આપણી મહેનત અને ધગશ પર ધ્યાન આપે છે. એ માટે તે આપણને ઇનામ પણ આપે છે. યહોવાની સેવામાં ચાહીએ એટલું ન કરી શકીએ ત્યારે, તે આપણને ખુશ રહેતા શીખવે છે. (યોહા. ૧૪:૧૨) એટલે ચાલો હિંમત ન હારીએ અને યહોવાના દિલને ખુશ કરતા રહીએ. w૨૧.૧૦ ૨૭-૨૮ ¶૧૫-૧૭

રવિવાર, સપ્ટેમ્બર ૧૭

“યુવાનોની શાન તેઓની તાકાત છે.”—નીતિ. ૨૦:૨૯.

ઉંમર વધતી જાય તેમ આપણને લાગે કે યહોવાની સેવામાં વધારે કરી શકતા નથી, એટલે આપણે કોઈ કામના નથી. ભલે શરીરમાં તાકાત ન હોય, પણ આપણી પાસે સમજણ અને અનુભવ હોય છે. એનાથી આપણે યુવાનોને મદદ કરી શકીએ છીએ, જેથી તેઓ યહોવાની સેવામાં વધારે કરી શકે અને વધારે જવાબદારી ઉપાડી શકે. જે વૃદ્ધ ભાઈ-બહેનો યુવાનોની મદદ કરવા માંગે છે તેઓએ નમ્ર બનવું જોઈએ. કારણ કે જો વ્યક્તિ નમ્ર હશે તો જ બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા સમજશે. (ફિલિ. ૨:૩, ૪) જે વૃદ્ધ ભાઈ-બહેનો નમ્ર છે તેઓ જાણે છે કે એક કામ કરવાની અલગ અલગ રીત હોઈ શકે છે. એટલે જરૂરી નથી કે કામ એ જ રીતે થવું જોઈએ, જે રીતે તેઓ કરતા આવ્યા છે. (સભા. ૭:૧૦) વૃદ્ધ ભાઈ-બહેનો પાસે ઘણો અનુભવ છે, જેનાથી તેઓ યુવાનોને મદદ કરી શકે છે. તેઓ એ પણ જાણે છે કે “આ દુનિયાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે,” એટલે કદાચ તેઓએ કામ કરવાની રીતમાં ફેરફાર કરવો પડે.—૧ કોરીં. ૭:૩૧. w૨૧.૦૯ ૮ ¶૧, ૩

સોમવાર, સપ્ટેમ્બર ૧૮

“હે યહોવા, દેવોમાં તમારા જેવો બીજો કોણ છે? તમારા જેવું પરમ પવિત્ર બીજું કોણ છે?”—નિર્ગ. ૧૫:૧૧.

યહોવા ક્યારેય તેમના ભક્તોને ખરાબ કામો કરવાનું કહેતા નથી. યહોવા સૌથી પવિત્ર ઈશ્વર છે. એ વાત પ્રમુખ યાજકની પાઘડી પર લગાવેલી સોનાની પટ્ટીથી સાફ જોવા મળતી હતી. એના પર કોતરણી કરવામાં આવી હતી, “યહોવા પવિત્ર છે.” (નિર્ગ. ૨૮:૩૬-૩૮) સોનાની એ પટ્ટી જોઈને ઇઝરાયેલીઓને યાદ રાખવા મદદ મળતી કે યહોવા પવિત્ર છે. પણ એવા કિસ્સામાં શું જ્યારે કોઈ વ્યક્તિ પ્રમુખ યાજકની સોનાની પટ્ટી જોઈ ન શકે? બધા ઇઝરાયેલીઓ એટલે કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સામે નિયમશાસ્ત્ર વાંચવામાં આવતું હતું. એનાથી તેઓને યાદ રાખવા મદદ મળતી કે યહોવા પવિત્ર છે. (પુન. ૩૧:૯-૧૨) જો તમે એ જગ્યાએ હોત તો તમે પણ આ વાક્યો વારંવાર સાંભળ્યા હોત: “હું યહોવા તમારો ઈશ્વર છું. . . . તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.” “તમે મારી નજરમાં પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા પવિત્ર છું.”—લેવી. ૧૧:૪૪, ૪૫; ૨૦:૭, ૨૬. w૨૧.૧૨ ૩ ¶૬-૭

મંગળવાર, સપ્ટેમ્બર ૧૯

“તમે વધારે પડતી ચિંતા કરવાનું બંધ કરો.” —લૂક ૧૨:૨૯.

અમુકને ચિંતા થાય કે કુટુંબની રોજી-રોટી કઈ રીતે પૂરાં પાડશે. તેઓ કદાચ એવા દેશમાં રહેતા હોય, જ્યાં મોટા ભાગના લોકો ગરીબ છે અને નોકરી મળવી અઘરી છે. કુટુંબનું ભરણપોષણ કરવા તેઓ પાસે પૂરતા પૈસા ન હોય. અથવા કુટુંબમાં એવી વ્યક્તિનું મરણ થયું હોય જેની કમાણીથી ઘર ચાલતું હોય. વધારે પડતી ચિંતા કરવાને બદલે આપણે યહોવા પર ભરોસો રાખવો જોઈએ. યાદ રાખો, પ્રેમાળ પિતા યહોવાએ વચન આપ્યું છે કે આપણે તેમની ભક્તિને જીવનમાં પહેલી રાખીશું તો, તે જીવન-જરૂરી બધી વસ્તુઓ પૂરી પાડશે. (માથ. ૬:૩૨, ૩૩) તેમણે હંમેશાં પોતાનું એ વચન નિભાવ્યું છે અને નિભાવતા રહેશે. (પુન. ૮:૪, ૧૫, ૧૬; ગીત. ૩૭:૨૫) જો યહોવા પક્ષીઓ અને ફૂલોને પૂરું પાડતા હોય, તો આપણને પણ જરૂર પૂરું પાડશે. આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી કે શું ખાઈશું કે શું પહેરીશું. (માથ. ૬:૨૬-૩૦; ફિલિ. ૪:૬, ૭) જેમ પ્રેમાળ માતા-પિતા બાળકની સંભાળ રાખે છે, તેમ પ્રેમાળ ઈશ્વર યહોવા પણ તેમના ભક્તોને જીવન-જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે. w૨૧.૧૨ ૧૭ ¶૪-૫; ૧૮ ¶૮

બુધવાર, સપ્ટેમ્બર ૨૦

“યહોવા હંમેશાં યૂસફની સાથે રહ્યા. તે યૂસફને અતૂટ પ્રેમ બતાવતા રહ્યા.”—ઉત. ૩૯:૨૧.

શું મંડળના કોઈ ભાઈ કે બહેને તમારા દિલને ઠેસ પહોંચાડી છે? ચાલો યૂસફના ઉદાહરણ પર ધ્યાન આપીએ. તેમના ભાઈઓએ તેમની સાથે ઘણો ખરાબ વ્યવહાર કર્યો, પણ યૂસફે મનમાં કડવાશ ભરી રાખી નહિ. તે યહોવાની સેવા કરતા રહ્યા. તેમણે ધીરજ રાખી એટલે યહોવાએ તેમને આશીર્વાદો આપ્યા. (ઉત. ૩૯:૨૧) સમય જતાં તેમણે પોતાના ભાઈઓને માફ કરી દીધા. તે જોઈ શક્યા કે યહોવાએ તેમને કેટલા આશીર્વાદ આપ્યા છે. (ઉત. ૪૫:૫) યૂસફની જેમ આપણે યહોવા સાથે સંબંધ મજબૂત કરવો જોઈએ. આપણે પણ ભરોસો રાખવો જોઈએ કે યહોવા ચોક્કસ યોગ્ય સમયે ન્યાય આપશે. એનાથી આપણને દિલાસો મળશે. (ગીત. ૭:૧૭; ૭૩:૨૮) જો તમે અન્યાયનો સામનો કરી રહ્યા હો અથવા બીજા કોઈ કારણથી દુઃખી હો, તો યાદ રાખો કે “દુઃખી લોકોના પડખે યહોવા છે.” (ગીત. ૩૪:૧૮) યહોવા તમને ખૂબ પ્રેમ કરે છે અને તે ચાહે છે કે તમે ધીરજ રાખીને પોતાનો બોજો તેમના પર નાખી દો. (ગીત. ૫૫:૨૨) યહોવા આખી પૃથ્વીના ન્યાયાધીશ છે માટે કંઈ પણ તેમના ધ્યાન બહાર જતું નથી. (૧ પિત. ૩:૧૨) જો તમે એવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હો જેનો ઉકેલ લાવવો તમારા હાથ બહારની વાત હોય તો શું તમે યહોવાની રાહ જોશો? w૨૧.૦૮ ૧૧ ¶૧૪; ૧૨ ¶૧૬

ગુરુવાર, સપ્ટેમ્બર ૨૧

“યહોવાની ઇચ્છા શી છે એ પારખતા રહો.” —એફે. ૫:૧૭.

યહોવા ખુશ થાય એવું જીવન જીવવામાં જ સમજદારી છે. એટલે, જે મહત્ત્વનું છે એ પહેલા કરો. અમુક કામ કરવાં ખોટાં નથી. પણ એ બધાં કામ કરવામાં તો સમય નીકળી જાય છે. એટલે આપણે એમાં પસંદગી કરવી પડે છે કે કયું કામ પહેલા કરીશું. એ સમજવા આપણે બાઇબલનો એક જાણીતો અહેવાલ જોઈએ. મરિયમ અને માર્થાના ઘરે ઈસુ મળવા ગયા હતા. ઈસુની મહેમાનગતિ કરવામાં માર્થા ઘણી ખુશ હતી. તે ઘણી બધી વાનગીઓ બનાવવામાં લાગી ગઈ. જ્યારે કે તેની બહેન મરિયમ ઈસુ પાસે બેસીને તેમનું સાંભળવા લાગી. માર્થાનો ઇરાદો સારો હતો પણ ઈસુએ કહ્યું, મરિયમે “સૌથી સારો ભાગ પસંદ કર્યો છે.” (લૂક ૧૦:૩૮-૪૨) સમય જતાં મરિયમ ભૂલી ગઈ હશે કે એ દિવસે તેણે શું ખાધું હતું, પણ ઈસુએ જે શીખવ્યું એ તે કદી ભૂલી નહિ હોય. ભલે મરિયમે ઈસુ સાથે થોડો જ સમય વિતાવ્યો પણ એ તેની માટે ખાસ હતો. આપણે માટે પણ યહોવા સાથે વિતાવેલો સમય સૌથી ખાસ હોવો જોઈએ. w૨૨.૦૧ ૨૭ ¶૫-૬

શુક્રવાર, સપ્ટેમ્બર ૨૨

“શું તેં જોયું કે મારી આગળ આહાબ કેવો નમ્ર બની ગયો છે?” —૧ રાજા. ૨૧:૨૯.

ખરું કે આહાબ યહોવા આગળ નમ્ર બન્યો. પણ તેણે પછી જે કર્યું, એનાથી ખબર પડે છે કે તેનો પસ્તાવો દિલથી ન હતો. આહાબે પોતાના રાજ્યમાં બઆલની ભક્તિ બંધ ન કરાવી. તેણે લોકોને યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન પણ ન આપ્યું. આહાબના મરણ પછી યહોવાએ જણાવ્યું કે તે આહાબ વિશે શું વિચારે છે. ઈશ્વરના પ્રબોધક યેહૂએ કહ્યું, તે “દુષ્ટ માણસ” હતો. (૨ કાળ. ૧૯:૧, ૨) જરા વિચારો, જો આહાબે દિલથી પસ્તાવો કર્યો હોત તો યહોવાએ તેને દુષ્ટ કહ્યો ન હોત. અરે, તેનો સમાવેશ એવા લોકોમાં પણ થયો ન હોત જેઓ યહોવાને નફરત કરે છે. આમ સાફ જોવા મળે છે કે આહાબને પોતાની ભૂલનો અફસોસ તો હતો પણ તેણે ક્યારેય દિલથી પસ્તાવો કર્યો ન હતો. આહાબ રાજાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? એલિયાએ આહાબના વંશ વિશે જે ભવિષ્યવાણી કરી એ સાંભળીને શરૂઆતમાં આહાબ નમ્ર બન્યો. પણ પછીથી તેનાં કાર્યોથી દેખાઈ આવ્યું કે તેણે દિલથી પસ્તાવો કર્યો ન હતો. પસ્તાવો કરવાનો અર્થ ફક્ત એ જ નથી કે પોતાની ભૂલ માટે અફસોસ કરવો. w૨૧.૧૦ ૩ ¶૪-૫, ૭-૮

શનિવાર, સપ્ટેમ્બર ૨૩

‘રાજ્યની આ ખુશખબર જણાવવામાં આવશે.’—માથ. ૨૪:૧૪.

યશાયા એક પ્રબોધક હતા. કદાચ તેમની પત્ની પણ ભવિષ્યવાણી કરતા હતાં, કેમ કે બાઇબલમાં તેમને “પ્રબોધિકા” કહેવામાં આવ્યાં છે. (યશા. ૮:૧-૪) તેઓએ જીવનમાં યહોવાની ભક્તિ પહેલી રાખી હતી. યશાયા પ્રબોધક અને તેમની પત્નીની જેમ આજે પણ પતિ-પત્નીઓ યહોવાની ભક્તિમાં વધારે કરી શકે છે. તેઓ બાઇબલ ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરી શકે અને એ કઈ રીતે સાચી પડે છે એની ચર્ચા કરી શકે. આમ યહોવા પર તેઓનો ભરોસો વધશે. (તિત. ૧:૨) તેઓ વિચારી શકે કે બાઇબલ ભવિષ્યવાણીઓ પૂરી કરવામાં તેઓ કઈ રીતે ભાગ ભજવી શકે. દાખલા તરીકે, બાઇબલમાં ભવિષ્યવાણી છે કે અંત આવે એ પહેલાં આખી દુનિયામાં ખુશખબર ફેલાવવામાં આવશે. તેઓ વિચારી શકે કે એ કામમાં કઈ રીતે વધારે કરશે. પતિ-પત્નીઓ, બાઇબલ ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ રહી છે એના પર તમારો ભરોસો મજબૂત કરો. એમ કરશો તો યહોવાની ભક્તિમાં બનતું બધું કરવાનો તમારો ઇરાદો પાકો થશે. w૨૧.૧૧ ૧૬ ¶૯-૧૦

રવિવાર, સપ્ટેમ્બર ૨૪

“તેમણે એ શિષ્યને કહ્યું: ‘તે હવેથી તારી મા છે.’” —યોહા. ૧૯:૨૭.

ઈસુને પોતાની મા, મરિયમની ખૂબ ચિંતા હતી. જે કદાચ એ સમયે વિધવા થઈ ગયા હતા. તેમને ખાતરી હતી કે યોહાન મરિયમને યહોવાની ભક્તિ કરવામાં મદદ કરશે. આમ પોતાની મા મરિયમની જવાબદારી યોહાનને સોંપી. એ સમયથી યોહાન મરિયમને પોતાની મા જેવા ગણવા લાગ્યા. ઈસુને જન્મ આપનાર અને તેમના મરણના સમય હાજર રહેનાર મરિયમ માટે ઈસુને કેટલો બધો પ્રેમ હતો!આપણે શું શીખી શકીએ? મંડળનાં ભાઈ-બહેનો સાથે આપણો સંબંધ એટલો મજબૂત હોય છે, જેટલો કુટુંબના સભ્યો સાથે પણ હોતો નથી. કદાચ કુટુંબના સભ્યો આપણો વિરોધ કરે કે આપણને કાઢી મૂકે ત્યારે, યહોવાની નજીક રહીએ અને તેમના સંગઠન સાથે જોડાયેલા રહીએ. એવું કરીશું તો ઈસુએ વચન આપ્યું છે કે આપણે જે ગુમાવ્યું છે એના કરતાં “સો ગણાં વધારે” પાછા મેળવીશું. એનો અર્થ થાય કે મંડળમાં આપણને ઘણાં બધાં દીકરા-દીકરીઓ અને માતા-પિતા મળશે. (માર્ક ૧૦:૨૯, ૩૦) આપણે એવા કુટુંબનો ભાગ હોઈશું જેઓ યહોવાની ભક્તિ કરતા હશે. તેઓ યહોવાને અને એકબીજાને પ્રેમ કરતા હશે. એવા કુટુંબનો ભાગ બનવાનો આપણને કેટલો સરસ લહાવો મળ્યો છે!—કોલો. ૩:૧૪; ૧ પિત. ૨:૧૭. w૨૧.૦૪ ૯-૧૧ ¶૭-૮

સોમવાર, સપ્ટેમ્બર ૨૫

“ભલું કરવાનું અને તમારી વસ્તુઓથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ.”—હિબ્રૂ. ૧૩:૧૬.

અતૂટ પ્રેમ હશે તો પોતાનાથી થઈ શકે એનાથી વધારે કરીશું. પહેલાંના સમયની જેમ, આજે પણ યહોવાના ભક્તો એવાં ભાઈ-બહેનોને અતૂટ પ્રેમ બતાવે છે, જેઓને તેઓ ઓળખતા પણ ન હોય. દાખલા તરીકે જ્યારે ખબર પડે કે કોઈ જગ્યાએ આફત આવી પડી છે, ત્યારે તેઓ ત્યાંનાં ભાઈ-બહેનોની મદદ માટે આગળ આવે છે. મંડળમાં કોઈને પૈસાની તંગી ઊભી થાય ત્યારે પણ તરત મદદ આપે છે. પહેલી સદીના મકદોનિયાના ખ્રિસ્તીઓની જેમ આજે ભાઈ-બહેનો, “પોતાની શક્તિ કરતાં વધારે” આપે છે. (૨ કોરીં. ૮:૩) એવી જ રીતે વડીલોએ ધ્યાન આપવું જોઈએ કે મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે બીજાઓને મદદ કરે છે. પછી વડીલોએ સમયે સમયે તેઓની દિલથી પ્રશંસા કરવી જોઈએ. એનાથી એ ભાઈ-બહેનોને હિંમત મળશે કે તેઓ બીજાઓને મદદ કરતા રહે.—યશા. ૩૨:૧, ૨. w૨૧.૧૧ ૧૧ ¶૧૪; ૧૨ ¶૨૧

મંગળવાર, સપ્ટેમ્બર ૨૬

“બુદ્ધિમાનની વાતો પર કાન ધર અને એને ધ્યાનથી સાંભળ.” —નીતિ. ૨૨:૧૭.

આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો સલાહની જરૂર પડે છે. અમુક વખતે આપણે એવી વ્યક્તિ પાસે સામે ચાલીને સલાહ માંગીએ છીએ, જેનો આપણે આદર કરતા હોઈએ. કોઈક વાર વ્યક્તિ સામેથી આપણને સલાહ આપે છે. દાખલા તરીકે એક ભાઈને આપણી ચિંતા છે અને તે જુએ છે કે આપણે “ખોટા માર્ગે” જઈ રહ્યા છીએ. (ગલા. ૬:૧) એટલે તે સલાહ આપે છે, જેથી આપણે પસ્તાવું ન પડે. કોઈ વાર આપણાથી મોટું પાપ થઈ જાય ત્યારે વડીલો આપણને સુધારવા સલાહ આપે છે. ભલે કોઈ પણ કારણે સલાહ મળે, આપણે એ સ્વીકારવી જોઈએ. એમ કરવાથી આપણું ભલું થશે અને આપણું જીવન બચશે. (નીતિ. ૬:૨૩) આજના વચનથી ઉત્તેજન મળે છે કે આપણે ‘બુદ્ધિમાનની વાતો ધ્યાનથી સાંભળીએ.’ દુનિયામાં એવો કોઈ માણસ નથી જે બધું જ જાણતો હોય. એવું કોઈને કોઈ તો હશે, જે આપણાથી વધારે બુદ્ધિશાળી કે અનુભવી હોય. (નીતિ. ૧૨:૧૫) આપણે સલાહ સ્વીકારીને બતાવીએ છીએ કે આપણે નમ્ર છીએ. આપણે જાણીએ છીએ કે આપણે બધું એકલા હાથે કરી શકતા નથી. કામ પૂરું કરવા આપણને મદદની જરૂર પડે છે. બુદ્ધિશાળી રાજા સુલેમાને લખ્યું: “ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.”—નીતિ. ૧૫:૨૨. w૨૨.૦૨ ૮ ¶૧-૨

બુધવાર, સપ્ટેમ્બર ૨૭

“જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય, પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.”—નીતિ. ૨૮:૧૩.

પાપ કરનાર વ્યક્તિએ પોતાની ભૂલ કબૂલવી એટલું જ પૂરતું નથી. ખરો પસ્તાવો કરવા વાણી-વર્તન અને વિચારોમાં પૂરેપૂરા ફેરફાર કરવા જોઈએ. ખોટાં કામો છોડી દેવાં જોઈએ. યહોવાના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવું જોઈએ. (હઝકિયેલ ૩૩:૧૪-૧૬) યહોવા સાથે સંબંધ સુધારવા મહેનત કરવી જોઈએ. પણ જો ખબર પડે કે આપણા કોઈ દોસ્તે પાપ કર્યું છે તો શું કરવું જોઈએ? આપણે દોસ્તનું પાપ છુપાવવું ન જોઈએ. જો છુપાવીશું તો તેને જ નુકસાન થશે. એ પાપ છુપાવવાનો કોઈ ફાયદો નથી, કેમ કે યહોવા બધું જુએ છે. (નીતિ. ૫:૨૧, ૨૨) એટલે આપણે દોસ્તને કહેવું જોઈએ કે તે વડીલોને બધું સાચેસાચું કહી દે. જો તે ન કહે તો આપણે વડીલોને કહેવું જોઈએ. એમ કરીએ છીએ ત્યારે આપણે તેની સાથે દોસ્તી નિભાવીએ છીએ. w૨૧.૧૦ ૬-૭ ¶૧૯-૨૧

ગુરુવાર, સપ્ટેમ્બર ૨૮

“તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો, પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.”—ફિલિ. ૨:૪.

આપણે ઈસુને પગલે ચાલી શકીએ છીએ. આપણે પણ બીજાઓનો પહેલા વિચાર કરવાનું શીખી શકીએ છીએ. બાઇબલમાં લખ્યું છે કે ઈસુ “દાસ જેવા થયા.” (ફિલિ. ૨:૭) એક મહેનતુ દાસ કે ચાકર, માલિકને ખુશ કરવાની તક શોધે છે. આપણે પણ યહોવાના ચાકર છીએ અને ભાઈ-બહેનોની સેવા કરવા માંગીએ છીએ. એટલે આપણે ચાહીએ છીએ કે યહોવા અને ભાઈ-બહેનો માટે બનતું બધું કરીએ. પોતાને પૂછો: ‘શું હું બીજાઓને મદદ કરવા તૈયાર રહું છું? સંમેલનની જગ્યાની સાફ-સફાઈ કરવા કે પ્રાર્થનાઘરની દેખરેખ રાખવા માટે શું હું તરત આગળ આવું છું?’ આપણને થાય કે અમુક બાબતોમાં આપણને સુધારો કરવાની જરૂર છે, પણ એમ કરવાની આપણને ઇચ્છા થતી ન હોય. એવા સમયે યહોવા આગળ આપણું દિલ ઠાલવીએ. આપણને કેવું લાગે છે એ વિશે પ્રાર્થનામાં તેમને બધું કહી દઈએ. યહોવા પાસે માંગીએ કે સુધારો કરવા તે આપણને “ઇચ્છા અને બળ આપે.”—ફિલિ. ૨:૧૩. w૨૨.૦૨ ૨૨-૨૩ ¶૯-૧૧

શુક્રવાર, સપ્ટેમ્બર ૨૯

“હું તમને તાજગી આપીશ.”—માથ. ૧૧:૨૮.

ઈસુ લોકોનો વિચાર કરતા અને અઘરા સંજોગોમાંય કૃપા બતાવવાનું ચૂકતા નહિ. (માથ. ૧૧:૨૯, ૩૦) દાખલા તરીકે, ફિનીકિયાની એક સ્ત્રીએ પોતાની દીકરીને સાજી કરવાની ઈસુને વિનંતી કરી. શરૂઆતમાં તેમણે તેને ના તો પાડી, પણ તેની અડગ શ્રદ્ધા જોઈને તેમણે પોતાનો વિચાર બદલ્યો. તેમણે તેના પર કૃપા બતાવી અને તેની દીકરીને સાજી કરી. (માથ. ૧૫:૨૨-૨૮) તે કૃપા બતાવતા હતા પણ લાગણીઓમાં વહી જતા નહિ. જરૂર પડે ત્યારે તે પોતાના વહાલા શિષ્યોને સલાહ કે ઠપકો પણ આપતા. એકવાર પિતરે ઈસુને એવું કંઈક કહ્યું જે યહોવાની ઇચ્છા વિરુદ્ધ હતું. એ સમયે ઈસુએ બીજા શિષ્યોની સામે તેમને ઠપકો આપ્યો. (માર્ક ૮:૩૨, ૩૩) ઈસુ કંઈ પિતરને નીચા પાડવા માંગતા ન હતા, પણ તેમને તાલીમ આપવા માંગતા હતા. ઈસુ બીજા શિષ્યોને પણ શીખવવા માંગતા હતા કે પોતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરી શકે માટે તેઓ સાથ આપે, નહિ કે તેમને એમ કરતા રોકે. પિતરને એ સમયે શરમ આવી હશે, પણ એ ઠપકાથી તેમને ફાયદો થયો હશે. આપણે જેઓને પ્રેમ કરતા હોઈએ તેઓને અમુક વાર સલાહ આપવી પડે છે. એ પણ કૃપા બતાવવાની એક સારી રીત છે. એમ કરવા આપણે ઈસુને પગલે ચાલીએ. આપણે સલાહ બાઇબલમાંથી અને પ્રેમથી આપીએ. w૨૨.૦૩ ૧૧ ¶૧૨-૧૩

શનિવાર, સપ્ટેમ્બર ૩૦

‘ચાલો, આપણે હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરીએ, એ ઈશ્વરને ચઢાવેલું આપણું અર્પણ છે. ચાલો, આપણાં મોંથી જાહેરમાં તેમનું નામ જણાવીએ.’—હિબ્રૂ. ૧૩:૧૫.

સ્તુતિ કરવી એ યહોવાની ભક્તિનો ભાગ છે. (ગીત. ૩૪:૧) યહોવાના સુંદર ગુણો અને તેમનાં કામ વિશે બીજાઓને જણાવીએ છીએ ત્યારે આપણે તેમની સ્તુતિ કરીએ છીએ. જો આપણાં દિલમાં તેમના માટે કદર હશે તો તેમની સ્તુતિ કરવાનો એકપણ મોકો નહિ છોડીએ. યહોવાએ આપણા માટે જે કર્યું છે એનો વિચાર કરીશું તો તેમનો જયજયકાર કરવાના આપણને અનેક કારણો મળશે. ખુશખબર ફેલાવીને આપણને “ઈશ્વરની સ્તુતિ” કરવાની સૌથી સારી તક મળે છે, “એ ઈશ્વરને ચઢાવેલું આપણું અર્પણ છે.” આપણે જોયું કે પ્રાર્થનામાં યહોવાને શું કહીશું એનો પહેલેથી વિચાર કરવો જોઈએ. એવી જ રીતે પ્રચારમાં લોકો સાથે શું વાત કરીશું એ વિશે પણ અગાઉથી વિચાર કરવો જોઈએ. આપણે યહોવાને સૌથી સારું “અર્પણ” ચઢાવવા માંગીએ છીએ. એટલે આપણે પૂરા ઉત્સાહથી બીજાઓને બાઇબલમાંથી શીખવીએ છીએ. w૨૨.૦૩ ૨૧ ¶૮

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો