વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es23 પાન ૯૨-૧૦૫
  • ઑગસ્ટ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
  • મથાળાં
  • મંગળવાર, ઑગસ્ટ ૧
  • બુધવાર, ઑગસ્ટ ૨
  • ગુરુવાર, ઑગસ્ટ ૩
  • શુક્રવાર, ઑગસ્ટ ૪
  • શનિવાર, ઑગસ્ટ ૫
  • રવિવાર, ઑગસ્ટ ૬
  • સોમવાર, ઑગસ્ટ ૭
  • મંગળવાર, ઑગસ્ટ ૮
  • બુધવાર, ઑગસ્ટ ૯
  • ગુરુવાર, ઑગસ્ટ ૧૦
  • શુક્રવાર, ઑગસ્ટ ૧૧
  • શનિવાર, ઑગસ્ટ ૧૨
  • રવિવાર, ઑગસ્ટ ૧૩
  • સોમવાર, ઑગસ્ટ ૧૪
  • મંગળવાર, ઑગસ્ટ ૧૫
  • બુધવાર, ઑગસ્ટ ૧૬
  • ગુરુવાર, ઑગસ્ટ ૧૭
  • શુક્રવાર, ઑગસ્ટ ૧૮
  • શનિવાર, ઑગસ્ટ ૧૯
  • રવિવાર, ઑગસ્ટ ૨૦
  • સોમવાર, ઑગસ્ટ ૨૧
  • મંગળવાર, ઑગસ્ટ ૨૨
  • બુધવાર, ઑગસ્ટ ૨૩
  • ગુરુવાર, ઑગસ્ટ ૨૪
  • શુક્રવાર, ઑગસ્ટ ૨૫
  • શનિવાર, ઑગસ્ટ ૨૬
  • રવિવાર, ઑગસ્ટ ૨૭
  • સોમવાર, ઑગસ્ટ ૨૮
  • મંગળવાર, ઑગસ્ટ ૨૯
  • બુધવાર, ઑગસ્ટ ૩૦
  • ગુરુવાર, ઑગસ્ટ ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
es23 પાન ૯૨-૧૦૫

ઑગસ્ટ

મંગળવાર, ઑગસ્ટ ૧

“હે પિતા, તેઓને માફ કરો.”—લૂક ૨૩:૩૪.

ઈસુ કદાચ રોમના સૈનિકો વિશે કહી રહ્યા હતા, જેઓએ તેમને વધસ્તંભે જડ્યા હતા. ઈસુએ તેઓના હાથે અન્યાય સહ્યો હતો. તેમ છતાં, તેમણે મનમાં ખાર ભરી રાખ્યો નહિ. (૧ પિત. ૨:૨૩) ઈસુની જેમ આપણે બીજાઓને માફ કરવા જોઈએ. (કોલો. ૩:૧૩) બની શકે કે આપણાં સગા-વહાલાં જાણતા ન હોય કે આપણે શું માનીએ છીએ અને કેમ એવું માનીએ છીએ. એના લીધે તેઓ કદાચ આપણા વિશે જૂઠું બોલે, બીજાઓ સામે આપણને ઉતારી પાડે, આપણાં સાહિત્ય ફાડી નાંખે કે આપણી સાથે મારપીટ કરે. એવા સમયે ગુસ્સે થવાને બદલે આપણે પ્રાર્થના કરીએ કે તેઓ પણ સત્ય શીખે. (માથ. ૫:૪૪, ૪૫) પણ દર વખતે એમ કરવું સહેલું નહિ હોય, ખાસ તો તેઓએ આપણી સાથે ખરાબ વર્તન કર્યું હોય ત્યારે. જો તેઓ માટે મનમાં ખાર ભરી રાખીશું તો નુકસાન આપણને જ થશે. (ગીત. ૩૭:૮) આપણે બીજાઓને માફ કરીએ છીએ ત્યારે એ વાત મનમાં ભરી રાખીને તેઓ માટે મનમાં કડવાશ નથી રાખતા.—એફે. ૪:૩૧, ૩૨. w૨૧.૦૪ ૮-૯ ¶૩-૪

બુધવાર, ઑગસ્ટ ૨

‘કેટલીય વાર તેઓએ ઈશ્વરના દિલને ઠેસ પહોંચાડી.’ —ગીત. ૭૮:૪૦.

શું તમારા કુટુંબના કોઈ સભ્યને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા છે? જો એમ હોય તો એનાથી તમને ઘણું જ દુઃખ પહોંચ્યું હશે. યહોવા આપણું દુઃખ સારી રીતે સમજે છે. કારણ કે તેમણે પણ એવું જ દુઃખ સહન કર્યું છે. (યહૂ. ૬) સ્વર્ગમાં તેમના અમુક દીકરા તેમની વિરુદ્ધ ગયા. એટલું જ નહિ, પૃથ્વી પર તેમના અમુક લોકોએ વારંવાર તેમને દુઃખી કર્યા. (ગીત. ૭૮:૪૧) આજે પણ તમારા કુટુંબમાંથી કોઈ યહોવાને છોડી દે ત્યારે તેમને ઘણું દુઃખ થાય છે. એટલે ખાતરી રાખો કે યહોવા તમને મદદ અને હિંમત આપશે. એક દીકરો કે દીકરી યહોવાને છોડી દે ત્યારે ઘણી વાર માબાપને લાગે કે ‘જો અમે તેને યહોવા વિશે વધારે સારી રીતે શીખવ્યું હોત તો સારું થાત!’ એક ભાઈએ કહ્યું: “મને લાગ્યું કે એમાં મારો જ વાંક છે. મને ડરામણાં સપનાં આવતાં.” એક બહેન સાથે પણ એવું જ કંઈક થયું. તે વિચારતા: “મારા દીકરાના ઉછેરમાં જ કંઈક ખોટ રહી ગઈ હશે એટલે તેણે સત્ય છોડી દીધું.” w૨૧.૦૯ ૨૬ ¶૧-૨, ૪

ગુરુવાર, ઑગસ્ટ ૩

“તેઓને ખબર પડી કે તેઓ અભણ અને સામાન્ય માણસો છે.”—પ્રે.કા. ૪:૧૩.

કેટલાકનું માનવું છે કે ‘યહોવાના સાક્ષીઓ તો ધાર્મિક શાળાઓમાં ગયા નથી તો આપણને કઈ રીતે બાઇબલમાંથી શીખવી શકે.’ પણ તેઓએ સારી રીતે સંશોધન કરવું જોઈએ. લૂકે પણ એવું જ કર્યું હતું. પોતાનું પુસ્તક લખતી વખતે તેમણે “શરૂઆતથી એ બધી વાતોની ચોકસાઈથી શોધ કરી” હતી. તે ચાહતા હતા કે લોકોને પાકી ખાતરી થાય કે તેઓએ ઈસુ વિશે જે વાતો સાંભળી છે “એ ખરી છે.” (લૂક ૧:૧-૪) બેરીઆમાં રહેતા યહુદી લોકોએ લૂક જેવું જ કર્યું હતું. ઈસુ વિશે તેમણે જે વાતો સાંભળી હતી એ સાચી છે કે નહિ, એના વિશે જાણવા હિબ્રૂ શાસ્ત્રવચનોમાં સંશોધન કર્યું. (પ્રે.કા. ૧૭:૧૧) વ્યક્તિ જે કંઈ શીખે એ વિશે તેણે બાઇબલમાંથી સંશોધન કરવું જોઈએ. તેણે યહોવાના સાક્ષીઓના ઇતિહાસ વિશે પણ તપાસવું જોઈએ. તે સારી રીતે સંશોધન કરશે તો લોકોની વાતોમાં નહિ આવે. w૨૧.૦૫ ૩ ¶૭-૮

શુક્રવાર, ઑગસ્ટ ૪

“તમારા દિલના દરવાજા ખોલી નાખો.”—૨ કોરીં. ૬:૧૩.

અમુક ભાઈ-બહેનોને એવા સમયે એકલું લાગે છે જ્યારે તેઓના કુટુંબના લોકો ધાર્મિક તહેવાર ઉજવી રહ્યા હોય છે. બીજાં અમુક ભાઈ-બહેનો માટે એ દિવસ કાઢવો મુશ્કેલ થઈ જાય છે, જે દિવસે તેમના જીવનસાથીનું મરણ થયું હોય છે. એવામાં જો આપણે તેઓ સાથે રહીશું તો તેઓને સારું લાગશે. તેઓને લાગશે કે આપણે ‘દિલથી તેઓની સંભાળ રાખી રહ્યા છે.’ (ફિલિ. ૨:૨૦) આપણને બધાને અલગ અલગ કારણોને લીધે અમુક સમયે એકલું એકલું લાગી શકે છે. પણ યાદ રાખીએ કે યહોવા આપણી લાગણીઓને જાણે છે. તે ભાઈ-બહેનોનો ઉપયોગ કરીને આપણને મદદ કરે છે. (માથ. ૧૨:૪૮-૫૦) આપણે પણ બીજાઓને મદદ કરવા બનતું બધું કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાના આભારી છીએ. આપણે ક્યારેય એવું ન વિચારીએ કે આપણે એકલા છીએ કારણ કે યહોવા આપણી પડખે છે! w૨૧.૦૬ ૧૨-૧૩ ¶૧૮-૨૦

શનિવાર, ઑગસ્ટ ૫

“દુનિયાના લોકો વચ્ચે તમારાં વાણી-વર્તન સારાં રાખો, જેથી તેઓ તમારા પર ખોટું કામ કરવાનો આરોપ મૂકે ત્યારે, પોતાની નજરે તમારાં સારાં કામ જુએ. એનું પરિણામ એ આવશે કે તેઓ તેમને મહિમા આપશે.”—૧ પિત. ૨:૧૨.

ઈસુ પ્રચાર કરતા હતા, ત્યારે અમુક લોકોએ તેમનું સાંભળ્યું નહિ. તેમ છતાં ઈસુ હિંમત હાર્યા નહિ પણ પ્રચારમાં લાગુ રહ્યા. તે જાણતા હતા કે લોકોને સત્ય જણાવવું ખૂબ મહત્ત્વનું છે. એટલે તે ચાહતા હતા કે બને એટલા લોકો ઈશ્વરના રાજ્ય વિશે જાણે. તે જાણતા હતા કે ભલે આજે અમુક લોકો નહિ સાંભળે, પણ આગળ જતાં તેઓ સંદેશા પર જરૂર ધ્યાન આપશે. ઈસુના કુટુંબના લોકોની જ વાત કરીએ! ઈસુએ સાડા ત્રણ વર્ષ સુધી પ્રચાર કર્યો ત્યારે, તેમના ભાઈઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ. (યોહા. ૭:૫) પણ ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા ત્યારે તેમના ભાઈઓએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેમના શિષ્યો બન્યા. (પ્રે.કા. ૧:૧૪) આપણે નથી જાણતા કે આગળ જતાં કોણ સત્ય સ્વીકારશે અને યહોવાના ભક્ત બનશે. એટલે આપણે પ્રચાર કરતા રહેવું જોઈએ. ઘણા લોકોને સત્ય શીખવામાં વધારે સમય લાગે છે. બીજા કેટલાક શરૂ શરૂમાં આપણો સંદેશો ન સાંભળે, પણ પછી આપણાં સારાં વાણી-વર્તન જોઈને ‘ઈશ્વરનો મહિમા’ કરવા લાગે. w૨૧.૦૫ ૧૮ ¶૧૭-૧૮

રવિવાર, ઑગસ્ટ ૬

“તમે જ્યાં જાઓ ત્યાં પ્રચાર કરો: ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’” —માથ. ૧૦:૭.

ઈસુએ આપેલી આજ્ઞાના બે ભાગ હતા. તેમણે કહ્યું કે આપણે ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરીએ. તેમણે એ પણ શીખવ્યું કે આપણે પ્રચારકામ કઈ રીતે કરી શકીએ. (લૂક ૮:૧) દાખલા તરીકે, તેમણે જણાવ્યું કે લોકો સાંભળે તો શું કરવું અને ન સાંભળે તો શું કરવું. (લૂક ૯:૨-૫) ઈસુએ કહ્યું હતું કે “બધી પ્રજાઓને સાક્ષી” આપવામાં આવશે. એનાથી જાણવા મળે છે કે પ્રચારકામ દુનિયાના ખૂણે ખૂણે કરવામાં આવશે. (માથ. ૨૪:૧૪; પ્રે.કા. ૧:૮) ઈસુએ શિષ્યોને જે જે શીખવ્યું એ તેમણે બીજાઓને શીખવવાનું કહ્યું. ઈસુએ કહ્યું હતું કે “દુનિયાના અંત સુધી” એટલે કે આપણા સમય સુધી એ કામ ચાલશે. (માથ. ૨૮:૧૮-૨૦) યોહાનને આપેલા પ્રકટીકરણમાં પણ ઈસુએ સાફ સાફ જણાવ્યું કે તે શું ચાહે છે. એ જ કે તેમના બધા શિષ્યો બીજાઓને યહોવા વિશે શીખવે.—પ્રકટી. ૨૨:૧૭. w૨૧.૦૭ ૩ ¶૩-૪

સોમવાર, ઑગસ્ટ ૭

“આપણે ઘમંડી બનીએ નહિ, હરીફાઈ કરવા એકબીજાને ઉશ્કેરીએ નહિ અને એકબીજાની અદેખાઈ કરીએ નહિ.”—ગલા. ૫:૨૬.

આજે દુનિયામાં લોકો બીજાઓથી આગળ નીકળવા હરીફાઈ કરે છે. જેમ કે અમુક બિઝનેસમૅન પોતાના ફાયદા માટે બીજાઓને ગમે એ હદે નુકસાન પહોંચાડે છે. અમુક ખેલાડીઓ બીજા ખેલાડીને જાણીજોઈને ઈજા પહોંચાડે છે, જેથી તેઓ જીતી જાય. સ્કૂલના અમુક બાળકો સારી કૉલેજમાં એડમિશન મેળવવા પરીક્ષામાં ચોરી કરે છે. પણ ઈશ્વરભક્તો જાણે છે કે એ બધું ખોટું છે અને એ “શરીરનાં કામો” છે. (ગલા. ૫:૧૯-૨૧) મંડળમાં અમુક ભાઈ-બહેનો પોતાને ચઢિયાતા સમજે અને અજાણતા બીજાઓને હરીફાઈ કરવા ઉશ્કેરે તો શું થશે? એનાથી તો મંડળની એકતા ખોરવાશે. જો એમ હોય તો આપણે બાઇબલના અમુક ઈશ્વરભક્તોના દાખલા પર મનન કરવું જોઈએ, જેઓએ બીજાઓ સાથે હરીફાઈ કરી ન હતી. w૨૧.૦૭ ૧૪ ¶૧-૨

મંગળવાર, ઑગસ્ટ ૮

“ધન્ય છે એ માણસને, જે લાચારની સંભાળ રાખે છે. યહોવા એ માણસને મુસીબતના દિવસે બચાવશે.”—ગીત. ૪૧:૧.

આપણે અતૂટ પ્રેમ કરતા હોઈશું તો નિરાશ કે દુઃખી ભાઈ-બહેનોને મદદ કરવા દોડી જઈશું. પ્રેમાળ ભાઈ-બહેનો મંડળના દુઃખી અને નિરાશ લોકોને હંમેશાં સાથ આપે છે. તેઓ એવા લોકોને ખૂબ જ પ્રેમ કરે છે અને મદદ કરવા બનતું બધું જ કરે છે. (નીતિ. ૧૨:૨૫, ફૂટનોટ; ૨૪:૧૦) આમ તેઓ પ્રેરિત પાઉલની આ સલાહ પાળે છે: “નિરાશ થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.” (૧ થેસ્સા. ૫:૧૪) નિરાશ ભાઈ કે બહેનને મદદ કરવાની એક સારી રીત છે કે તેમનું ધ્યાનથી સાંભળીએ. તેમને ખાતરી અપાવીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. એ ભાઈ કે બહેન યહોવા માટે ઘણાં કીમતી છે. એટલે તેમની કાળજી રાખીએ છીએ ત્યારે યહોવા આપણી કદર કરે છે. (હિબ્રૂ. ૬:૧૦) ગીતશાસ્ત્ર ૪૧:૧ કહે છે, “ધન્ય છે એ માણસને, જે લાચારની સંભાળ રાખે છે. યહોવા એ માણસને મુસીબતના દિવસે બચાવશે.” w૨૧.૧૧ ૧૦ ¶૧૧-૧૨

બુધવાર, ઑગસ્ટ ૯

“અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા સારા છે! ધન્ય છે એ માણસને, જે તેમનામાં આશરો લે છે.”—ગીત. ૩૪:૮.

ભાવિમાં આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા અત્યારથી તૈયારી કરીએ. એ કઈ રીતે કરી શકીએ? આપણી પાસે જે છે, એમાં સંતોષ માનીએ. આપણે ખુશ થવું જોઈએ કે યહોવા સાથે આપણો મજબૂત સંબંધ છે. યહોવાને ઓળખતા જઈશું તેમ તેમના પર આપણો ભરોસો વધતો જશે. આપણને ખાતરી થશે કે માગોગનો ગોગ હુમલો કરશે ત્યારે યહોવા જરૂર આપણને બચાવશે. આજના કલમના શબ્દોથી ખબર પડે છે કે દાઉદ કેમ યહોવા પર ભરોસો રાખતા હતા. દાઉદે ઘણી વાર યહોવા પાસે મદદનો પોકાર કર્યો હતો અને યહોવાએ તેમને ક્યારેય નિરાશ કર્યા નહિ. દાઉદ યુવાન હતા ત્યારે તેમણે શક્તિશાળી ગોલ્યાથનો સામનો કર્યો. તેમણે એ પલિસ્તીને કહ્યું: “આજે ને આજે યહોવા તને મારા હાથમાં સોંપી દેશે.” (૧ શમુ. ૧૭:૪૬) દાઉદ પછીથી શાઉલ રાજાની સેવા કરવા લાગ્યા. એ સમયે શાઉલે ઘણી વાર તેમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ તે સફળ થયા નહિ, કારણ કે “યહોવા દાઉદ સાથે હતા.” (૧ શમુ. ૧૮:૧૨) અગાઉ દાઉદે યહોવાની મદદ અનુભવી હતી, એટલે તેમને ખાતરી હતી કે યહોવા તેમને મુશ્કેલીઓમાં હંમેશાં મદદ કરશે. w૨૨.૦૧ ૬ ¶૧૪-૧૫

ગુરુવાર, ઑગસ્ટ ૧૦

“ઈશ્વરના દીકરાઓ ખુશીનો પોકાર કરતા હતા.”—અયૂ. ૩૮:૭.

યહોવા ક્યારેય ઉતાવળે કામ કરતા નથી, પણ સમજી-વિચારીને અને સમય લઈને કરે છે. એનાથી તેમના નામનો મહિમા થાય છે અને બીજાઓને ફાયદો થાય છે. ધ્યાન આપો કે યહોવાએ સુંદર પૃથ્વી બનાવી ત્યારે બધું એકસાથે નહોતું કર્યું, પણ વારાફરતી કર્યું હતું. બાઇબલ જણાવે કે યહોવાએ પૃથ્વીનાં “માપ ઠરાવી આપ્યાં”, એના ‘પાયા નાખ્યા’ અને ‘ખૂણાનો પથ્થર બેસાડ્યો.’ (અયૂ. ૩૮:૫, ૬) પછી તેમણે સમય કાઢીને પોતાની બનાવેલી વસ્તુઓ જોઈ. (ઉત. ૧:૧૦, ૧૨) યહોવા એક પછી એક એ બધું બનાવતા હતા ત્યારે એ જોઈને દૂતોને કેવું લાગ્યું હતું? તેઓ તો “ખુશીનો પોકાર કરતા હતા.” એમાંથી શું શીખવા મળે છે? યહોવાએ ધરતી, સૂરજ, ચાંદ, તારા અને જીવ સૃષ્ટિ બનાવી એમાં હજારો વર્ષો લાગ્યાં હતાં. યહોવાએ બધું બનાવવામાં સમય લીધો એ સારું કર્યું, કારણ કે બધું બનાવ્યાં પછી તેમણે જોયું તો “એ સૌથી ઉત્તમ હતું!”—ઉત. ૧:૩૧. w૨૧.૦૮ ૯ ¶૬-૭

શુક્રવાર, ઑગસ્ટ ૧૧

“શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર!”—માથ. ૨૫:૨૩.

ઈસુએ આપેલા ઉદાહરણમાં એક માણસ બહારગામ જાય છે. તે જતાં પહેલાં પોતાના ત્રણ ચાકરોને બોલાવે છે. તે દરેકની આવડત પ્રમાણે તાલંત આપે છે. તે પહેલા ચાકરને પાંચ, બીજાને બે અને ત્રીજાને એક તાલંત આપે છે. પહેલા બે ચાકર મહેનત કરીને વધારે તાલંત કમાય છે. પણ ત્રીજો ચાકર જરાય મહેનત કરતો નથી એટલે માલિક તેને કાઢી મૂકે છે. પહેલા અને બીજા ચાકરે ઘણી મહેનત કરી. અને આપેલા તાલંતને બમણા કર્યા. એ જોઈને માલિક ખૂબ ખુશ થયા. તેમણે તેના વખાણ કર્યા અને તેને બીજી ઘણી જવાબદારીઓ આપી. w૨૧.૦૮ ૨૧ ¶૭; ૨૨ ¶૯-૧૦

શનિવાર, ઑગસ્ટ ૧૨

“ફરી એક વાર, હું આકાશોને, અને પૃથ્વીને હલાવી નાખીશ.” —હાગ્ગા. ૨:૬.

યહોવા નથી ચાહતા કે કોઈનો પણ નાશ થાય. એટલે તે ધીરજ રાખી રહ્યા છે. (૨ પિત. ૩:૯) તે બધાને પસ્તાવો કરવાની તક આપી રહ્યા છે. પણ તે લાંબો સમય ધીરજ રાખશે નહિ. જેઓ એ તક ઝડપી નહિ લે તેઓની હાલત ઇજિપ્તના રાજા જેવી થશે. મૂસાના સમયમાં યહોવાએ ઇજિપ્તના રાજાને કહ્યું હતું: “જો મેં ચાહ્યું હોત, તો અત્યાર સુધીમાં તારા પર અને તારા લોકો પર હું જીવલેણ બીમારી લાવ્યો હોત અને તારું નામનિશાન પૃથ્વી પરથી મિટાવી દીધું હોત. પણ તને હમણાં સુધી જીવતો રાખવાનું કારણ એ છે કે, તું મારું સામર્થ્ય જુએ અને મારું નામ આખી પૃથ્વી પર જાહેર થાય.” (નિર્ગ. ૯:૧૫, ૧૬) બહુ જલદી જ બધી પ્રજાઓને ખબર પડી જશે કે યહોવા જ સાચા ઈશ્વર છે. (હઝકિ. ૩૮:૨૩) આજની કલમના શબ્દોમાં જે હલાવવાની વાત કરી છે એનો અર્થ થાય કે જેઓ ઇજિપ્તના રાજાની જેમ યહોવાના રાજ કરવાના હકનો વિરોધ કરે છે, તેઓનો હંમેશ માટે નાશ થશે. w૨૧.૦૯ ૧૮ ¶૧૭-૧૮

રવિવાર, ઑગસ્ટ ૧૩

“આનંદ કરનારાઓની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો.”—રોમ. ૧૨:૧૫.

શું તમારા કોઈ સગા-વહાલા બહિષ્કૃત થવાથી તમે દુ:ખી છો? અને એવા સમયે મંડળમાં કોઈ એવું કંઈક કહી જાય જેનાથી તમારું દુઃખ વધે ત્યારે શું? એવી આશા ન રાખીએ કે બધાં ભાઈ-બહેનોના શબ્દોથી ઉત્તેજન જ મળશે. (યાકૂ. ૩:૨) આપણે બધા માટીના માણસો છીએ. એટલે અમુક ભાઈ-બહેનોને શું બોલવું એ સમજાતું ન હોય કે તેઓ અજાણતા એવું કંઈક બોલી બેસે જેનાથી દુઃખ થાય. એવા સમયે પ્રેરિત પાઉલની આ સલાહ યાદ રાખીએ: “એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો.” (કોલો. ૩:૧૩) બહિષ્કૃત વ્યક્તિના કુટુંબને મદદ કરતા રહીએ. જોવા મળ્યું છે કે ભાઈ-બહેનો બહિષ્કૃત વ્યક્તિની સાથે સાથે તેના કુટુંબ જોડે પણ વાત કરવાનું બંધ કરી દે છે. આપણે એવું ન કરીએ. એવા સમયે તેઓને પ્રેમ અને ઉત્તેજનની જરૂર છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) ખાસ તો એવાં બાળકોને જેઓનાં મમ્મી કે પપ્પાએ સત્ય છોડી દીધું છે. આપણે તેઓને ઉત્તેજન આપીએ અને તેઓના વખાણ કરીએ. w૨૧.૦૯ ૨૯ ¶૧૩-૧૪; ૩૦ ¶૧૬

સોમવાર, ઑગસ્ટ ૧૪

“શાણો માણસ ધ્યાનથી સાંભળે છે અને વધારે શીખે છે.”—નીતિ. ૧:૫.

વૃદ્ધ ભાઈ-બહેનો સાથે વાત કરવાથી તમને જ નહિ, તેઓને પણ ઉત્તેજન મળશે. (રોમ. ૧:૧૨) યુવાનો, તમને ખાતરી થશે કે યહોવા પોતાના વફાદાર ઈશ્વરભક્તોનું ધ્યાન રાખે છે. વૃદ્ધ ભાઈ-બહેનો એ પણ જોઈ શકશે કે તમે તેઓને પ્રેમ કરો છો. તેઓને એ જણાવવાનું ગમશે કે યહોવાએ તેઓને કેવા આશીર્વાદો આપ્યા છે. યહોવા પોતાના વફાદાર ભક્તોને કઈ નજરે જુએ છે? તે જાણે છે કે ભલે તેમના ભક્તોની ઉંમર વધતી જાય અને બહારની સુંદરતા ઓછી થતી જાય, પણ મનની સુંદરતા વધતી જાય છે. (૧ થેસ્સા. ૧:૨, ૩) એવું શા માટે કહી શકાય? કારણ કે વૃદ્ધ ભાઈ-બહેનોએ ઈશ્વરની પવિત્ર શક્તિથી પોતાની અંદર સારા ગુણો કેળવ્યા છે. આપણે જેટલું વધારે એ ભાઈ-બહેનોને ઓળખીશું, માન આપીશું અને તેઓ પાસેથી શીખીશું, એટલું વધારે તેઓને અનમોલ સમજીશું. એવું નથી કે ફક્ત યુવાનોએ જ વૃદ્ધ ભાઈ-બહેનોની કદર કરવી જોઈએ. વૃદ્ધ ભાઈ-બહેનોએ પણ યુવાનોને અનમોલ સમજવા જોઈએ. જો બધા એવું કરશે તો મંડળ મજબૂત થશે. w૨૧.૯ ૭ ¶૧૫-૧૮

મંગળવાર, ઑગસ્ટ ૧૫

“બીજાઓ પર દોષ મૂકવાનું બંધ કરો, જેથી તમારા પર દોષ મૂકવામાં ન આવે. તમે જે રીતે દોષ મૂકો છો, એ જ રીતે તમારા પર દોષ મૂકવામાં આવશે.”—માથ. ૭:૧, ૨.

આપણે કઠોર ન બનીએ પણ યહોવા જેવા બનીએ જે “દયાથી ભરપૂર” છે. (એફે. ૨:૪) આપણે ફક્ત શબ્દોમાં જ નહિ, કાર્યોમાં પણ દયા બતાવવી જોઈએ. આપણે કુટુંબમાં, મંડળમાં અને આસપાસ રહેતા લોકોની મદદ કરી શકીએ. જેમ કે જે લોકો તકલીફમાં હોય તેઓને દિલાસો આપી શકીએ. બીજાઓ માટે જમવાનું બનાવી શકીએ અથવા બીજી કોઈ રીતે મદદ કરી શકીએ. જો કોઈ ભાઈ કે બહેન પસ્તાવો કરીને મંડળમાં પાછાં આવે તો તેમની સાથે સમય વિતાવી શકીએ અને ઉત્તેજન આપી શકીએ. લોકોને દયા બતાવવાની એક સારી રીત છે તેઓને ખુશખબર જણાવીએ. (અયૂ. ૨૯:૧૨, ૧૩; રોમ. ૧૦:૧૪, ૧૫; યાકૂ. ૧:૨૭) જો આપણે આસપાસ નજર કરીશું તો દયા બતાવવાની ઘણી તક મળશે. આપણે દયા બતાવીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે જે “દયાથી ભરપૂર” છે. w૨૧.૧૦ ૧૩ ¶૨૦-૨૨

બુધવાર, ઑગસ્ટ ૧૬

“યહોવા મારા પાળક છે. મને કશાની ખોટ પડશે નહિ.”—ગીત. ૨૩:૧.

ગીતશાસ્ત્ર ૨૩ની શરૂઆતમાં દાઉદે લખ્યું, “યહોવા મારા પાળક છે. મને કશાની ખોટ પડશે નહિ.” એ ગીતમાં આગળ તેમણે લખ્યું કે કઈ વાત તેમના માટે સૌથી મહત્ત્વની હતી. તેમણે જણાવ્યું કે યહોવાને પોતાના ઘેટાંપાળક માનવાથી તેમને ઘણા આશીર્વાદ મળ્યા હતા. યહોવાએ તેમને ‘ખરા માર્ગે દોર્યા.’ સમય સારો હોય કે ખરાબ યહોવાએ કદી તેમનો સાથ છોડ્યો નહિ. દાઉદે સ્વીકાર્યું કે યહોવાનાં “લીલાંછમ ઘાસમાં” તેમનું જીવન સહેલું ન હતું. તે જાણતા હતા કે અમુક વાર તેમણે “ઘોર અંધારી ખીણમાં” ચાલવું પડશે, એટલે કે નિરાશાનો સામનો કરવો પડશે. અરે, દુશ્મનો પણ પાછળ પડી શકે. યહોવા તેમના ઘેટાંપાળક હોવાથી દાઉદને ‘કશાનો ડર ન હતો.’ યહોવા સાથે સંબંધ મજબૂત રાખવા દાઉદ પાસે બધું જ હતું. ખુશ રહેવા તેમને વધારે ચીજ-વસ્તુઓની જરૂર ન હતી. યહોવાએ દાઉદને જે કંઈ આપ્યું એમાં તેમણે સંતોષ માન્યો. યહોવા તેમને આશીર્વાદ આપતા હતા અને તેમનું રક્ષણ કરતા હતા, એ જ વાત દાઉદ માટે સૌથી વધારે કીમતી હતી. એનાથી ખબર પડે છે કે કયા અર્થમાં દાઉદને ‘વસ્તુઓની તંગી પડી નહિ.’ દાઉદના શબ્દોથી શું શીખવા મળે છે? એ જ કે માલ-મિલકત આપણા માટે સૌથી મહત્ત્વની ન હોવી જોઈએ. w૨૨.૦૧ ૩-૪ ¶૫-૭

ગુરુવાર, ઑગસ્ટ ૧૭

‘દરેકને પોતાની મહેનતનું ફળ મળશે.’—૧ કોરીં. ૩:૮.

ઇતિહાસનાં પાનાં ફેરવીએ તો જોવા મળે છે કે પહેલાં પણ લોકોએ ઈશ્વરભક્તોનું સાંભળ્યું ન હતું. ચાલો નૂહનો દાખલો જોઈએ. તેમણે ૪૦-૫૦ વર્ષ સુધી ‘સત્યનો માર્ગ જાહેર કર્યો.’ (૨ પિત. ૨:૫) નૂહને આશા હતી કે લોકો તેમની વાત સાંભળશે. પણ કેટલા લોકો સાંભળશે એ વિશે યહોવાએ કંઈ જણાવ્યું ન હતું. યહોવાએ નૂહને વહાણ બનાવવાની આજ્ઞા આપી ત્યારે કહ્યું, “તું વહાણમાં જા. તારી સાથે તારી પત્ની, તારા દીકરાઓ અને તારા દીકરાઓની પત્નીઓને પણ લઈ જા.” (ઉત. ૬:૧૮) યહોવાએ વહાણનું જે માપ આપ્યું એનાથી નૂહને ખ્યાલ આવી ગયો હશે કે બધા તો નહિ, પણ થોડા ઘણા લોકો તેમનું સાંભળશે. (ઉત. ૬:૧૫) એટલે તે પ્રચાર કરતા રહ્યા, પણ એકેય વ્યક્તિએ તેમનું સાંભળ્યું નહિ. (ઉત. ૭:૭) શું એનો અર્થ એવો કે નૂહ સફળ ન થયા? ના, એવું નથી. યહોવા તેમનાથી ખુશ હતા, કારણ કે તેમણે એ જ કર્યું જે યહોવાએ કહ્યું.—ઉત. ૬:૨૨. w૨૧.૧૦ ૨૬ ¶૧૦-૧૧

શુક્રવાર, ઑગસ્ટ ૧૮

“હું ગઈ ત્યારે મારી પાસે બધું જ હતું, પણ હવે યહોવા મને ખાલી હાથે પાછી લાવ્યા છે.”—રૂથ ૧:૨૧.

જરા વિચારો, એ સાંભળીને રૂથને કેવું લાગ્યું હશે! તેણે નાઓમી માટે કેટકેટલું કર્યું હતું. તે નાઓમી સાથે રડી, તેમને દિલાસો આપ્યો અને કેટલાય દિવસો ચાલીને તેમની સાથે બેથલેહેમ આવી. તેમ છતાં નાઓમીએ કહ્યું, “યહોવા મને ખાલી હાથે પાછી લાવ્યા છે.” રૂથે જે મદદ કરી એ વિશે તો નાઓમી એક શબ્દ પણ બોલ્યાં નહિ. એ સાંભળીને બાજુમાં ઊભેલી રૂથને કેટલું ખોટું લાગ્યું હશે! તેમ છતાં રૂથે નાઓમીનો સાથ છોડ્યો નહિ. (રૂથ ૧:૩-૧૮) એક નિરાશ બહેનને મદદ કરવા આપણે ઘણા પ્રયત્નો કરીએ. પણ તે કદાચ એવું કંઈક કહી જાય જેનાથી આપણું દિલ દુભાય. એ સમયે આપણે ખોટું ન લગાડીએ પણ એ બહેનને સાથ આપતા રહીએ. યહોવાને પ્રાર્થના કરીએ જેથી આપણે એ બહેનને દિલાસો આપી શકીએ. (નીતિ. ૧૭:૧૭) કદાચ એક બહેન શરૂઆતમાં મદદ લેવાની ના પાડે. આપણે તેમને અતૂટ પ્રેમ કરીએ છીએ. એટલે તેમનો સાથ છોડીએ નહિ અને મદદ કરવા પ્રયત્નો કરતા રહીએ.—ગલા. ૬:૨. w૨૧.૧૧ ૧૧ ¶૧૭-૧૯

શનિવાર, ઑગસ્ટ ૧૯

“તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ.”—૧ પિત. ૧:૧૫.

બાઇબલમાં “પવિત્ર” અને “પવિત્રતા” શબ્દોનો અર્થ થાય, ભક્તિમાં અને ચાલ-ચલણમાં શુદ્ધ રહેવું. એનો બીજો પણ એક અર્થ થાય છે. એ છે, ઈશ્વરની ભક્તિ માટે પોતાને અલગ કરવું. જો સારાં ચાલ-ચલણ રાખીશું, યહોવા ચાહે એ રીતે ભક્તિ કરીશું અને તેમની સાથેનો સંબંધ મજબૂત કરીશું તો આપણે પવિત્ર ગણાઈશું. જરા વિચારો, યહોવા કેટલા પવિત્ર છે, છતાં તે આપણા જેવા પાપી માણસો સામે દોસ્તીનો હાથ લંબાવે છે. યહોવા દરેક રીતે શુદ્ધ અને પવિત્ર છે, તેમની તોલે કંઈ જ ન આવે. એની ખાતરી આપણને અમુક સરાફોના શબ્દોથી મળે છે. સરાફ એવા દૂતો છે જે યહોવાની રાજગાદીની નજીક રહે છે. તેઓએ કહ્યું, “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, સૈન્યોના ઈશ્વર યહોવા!” (યશા. ૬:૩) એ દૂતો પવિત્ર છે, એટલે જ યહોવા સાથે તેઓનો નજીકનો સંબંધ છે. w૨૧.૧૨ ૩ ¶૪-૫

રવિવાર, ઑગસ્ટ ૨૦

“તમે પોતાના પર કડક નજર રાખો, જેથી તમે મૂર્ખની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ ચાલો. તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.”—એફે. ૫:૧૫, ૧૬.

યુવાનોને ચિંતા હોય છે કે તેઓ જીવનમાં શું કરશે. એક બાજુ, સ્કૂલના ટીચર અને યહોવાના સાક્ષી નથી એવાં સગાઓ યુવાનોને ઉચ્ચ શિક્ષણ લેવા ઉત્તેજન આપે. તેઓ કહે કે એનાથી જ સારી નોકરી અને ઢગલો પૈસા મળશે. પણ એવું શિક્ષણ મેળવવામાં તો વર્ષો વીતી જાય. બીજી બાજુ, મા-બાપ અને મંડળના મિત્રો યુવાનોને યહોવાની સેવામાં જીવન વિતાવવાનું ઉત્તેજન આપે. જે યુવાનો યહોવાને પ્રેમ કરે છે તેઓને સારો નિર્ણય લેવા ક્યાંથી મદદ મળી શકે? તેઓ એફેસીઓ ૫:૧૫-૧૭ વાંચીને એના ઉપર મનન કરી શકે. કલમ વાંચ્યા પછી યુવાનો વિચારી શકે, ‘મારા માટે “યહોવાની ઇચ્છા” શું છે? મારા કયા નિર્ણયથી તે ખુશ થશે? કયા નિર્ણયથી હું સમયનો સૌથી સારો ઉપયોગ કરી શકીશ?’ યાદ રાખો, “દિવસો બહુ ખરાબ છે.” શેતાનની આ દુનિયા પળ બે પળની છે, જલદી જ એનો નાશ થશે. w૨૨.૦૧ ૨૭ ¶૫

સોમવાર, ઑગસ્ટ ૨૧

“તેમના ભાઈઓ તેમનામાં શ્રદ્ધા રાખતા ન હતા.” —યોહા. ૭:૫.

યાકૂબ ક્યારે ઈસુના શિષ્ય બન્યા? ઈસુને ફરી જીવતા કરવામાં આવ્યા “ત્યાર બાદ, તે યાકૂબને દેખાયા અને પછી બધા પ્રેરિતોને દેખાયા.” (૧ કોરીં. ૧૫:૭) ઈસુને મળ્યા પછી યાકૂબનું જીવન બદલાઈ ગયું, તે ઈસુના શિષ્ય બન્યા. પ્રેરિતો યરૂશાલેમમાં પવિત્ર શક્તિ મેળવવા ઉપરના ઓરડામાં ભેગા થયા હતા ત્યારે, યાકૂબ પણ ત્યાં હાજર હતા. (પ્રે.કા. ૧:૧૩, ૧૪) પછી યાકૂબને નિયામક જૂથના સભ્ય બનવાનો લહાવો મળ્યો. (પ્રે.કા. ૧૫:૬, ૧૩-૨૨; ગલા. ૨:૯) સાલ ૬૨ના અમુક સમય પહેલાં પવિત્ર શક્તિની પ્રેરણાથી તેમણે અભિષિક્તોને પત્ર લખ્યો. એ પત્રથી આપણને બધાને મદદ મળે છે, પછી ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર જીવવાની. (યાકૂ. ૧:૧) પહેલી સદીના ઇતિહાસકાર જોસેફસે યાકૂબના મરણ વિશે કંઈક લખ્યું હતું. તેમણે જણાવ્યું કે યાકૂબને યહૂદી પ્રમુખ યાજક અનાન્યાએ મારી નંખાવ્યા, જે અન્‍નાસનો દીકરો હતો. યાકૂબ જીવનની છેલ્લી ઘડીઓ સુધી યહોવાને વફાદાર રહ્યા. w૨૨.૦૧ ૯ ¶૩, ૫

મંગળવાર, ઑગસ્ટ ૨૨

“હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?” —માથ. ૨૭:૪૬.

આજની કલમના શબ્દોમાંથી શીખી શકીએ કે યહોવા આપણને દરેક કસોટીમાંથી નહિ બચાવે. જેમ ઈસુની કસોટી થઈ એવી આપણી પણ થશે. અરે, આપણે મોતનો પણ સામનો કરવો પડે. (માથ. ૧૬:૨૪, ૨૫) પણ ભરોસો રાખીએ કે આપણે સહી ન શકીએ એવી કસોટી યહોવા આવવા નહિ દે. (૧ કોરીં. ૧૦:૧૩) બીજું, આપણી સાથે પણ અન્યાય થઈ શકે છે. (૧ પિત. ૨:૧૯, ૨૦) આપણે કંઈ ખોટું કર્યું છે એટલે આપણને સતાવવામાં નથી આવતા. પણ આપણે આ દુનિયાનો ભાગ નથી અને સત્ય વિશે સાક્ષી આપીએ છીએ એટલે સતાવવામાં આવે છે. (યોહા. ૧૭:૧૪; ૧ પિત. ૪:૧૫, ૧૬) ઈસુ જાણતા હતા કે યહોવાએ કેમ તેમને એ તકલીફો સહેવા દીધી. જ્યારે અમુક ઈશ્વરભક્તો પર તકલીફો આવી, ત્યારે તેઓ સમજી ન શક્યા કે યહોવાએ તેઓ સાથે કેમ એવું થવા દીધું. (હબા. ૧:૩) યહોવા જાણતા હતા કે તેઓની શ્રદ્ધા નબળી ન હતી, પણ તેઓને ફક્ત દિલાસાની જરૂર હતી. એટલે યહોવા તેઓ સાથે ધીરજથી વર્ત્યા.—૨ કોરીં. ૧:૩, ૪. w૨૧.૦૪ ૧૧ ¶૯-૧૦  

બુધવાર, ઑગસ્ટ ૨૩

“મારી પ્રાર્થના તમારી આગળ તૈયાર કરેલા ધૂપ જેવી થાઓ.” —ગીત. ૧૪૧:૨.

જો આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે જીવન જીવતા હોઈશું, તેમને પ્રેમ કરતા હોઈશું અને તેમનો આદર કરતા હોઈશું તો તે જરૂર ખુશ થશે અને આપણી ભક્તિ સ્વીકારશે. તે સાચે જ આપણી ભક્તિના હકદાર છે. આપણે ચાહીએ છીએ કે તેમની ભક્તિ સારી રીતે કરવા બનતું બધું કરીએ. યહોવાની ભક્તિ કરવાની એક રીત છે પ્રાર્થના. બાઇબલમાં પ્રાર્થનાને ધૂપ સાથે સરખાવવામાં આવી છે. ધૂપ મંડપમાં ચઢાવવામાં આવતો, પછીથી એ મંદિરમાં પણ ચઢાવવામાં આવતો. ધૂપ તૈયાર કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવામાં આવતું. ધૂપથી યહોવા ખૂબ ખુશ થતા. એવી જ રીતે આપણે દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે યહોવા “ખુશ થાય છે,” પછી ભલેને એ સાદા શબ્દોમાં હોય. (નીતિ. ૧૫:૮; પુન. ૩૩:૧૦) આપણે યહોવાને જણાવીએ છીએ કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ ત્યારે તેમનું દિલ ખુશ થાય છે. તેમણે આપણા માટે જે કર્યું છે એનો આભાર માનીએ છીએ ત્યારે પણ તેમને બહુ સારું લાગે છે. તે ચાહે છે કે આપણી ચિંતાઓ, ધ્યેયો અને ઇચ્છાઓ વિશે તેમને બધું જ જણાવીએ. એટલે આપણે પ્રાર્થના માટે તૈયારી કરીએ, યહોવાને શું કહીશું એનો પહેલેથી વિચાર કરીએ. એમ કરીશું તો આપણી પ્રાર્થના ખુશબોદાર “ધૂપ” જેવી બનશે. w૨૨.૦૩ ૨૦ ¶૨; ૨૧ ¶૭

ગુરુવાર, ઑગસ્ટ ૨૪

“માલિક ઈસુ અગ્‍નિની જ્વાળામાં પોતાના શક્તિશાળી દૂતો સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે ત્યારે, તમે જેઓ મુસીબતો સહન કરી રહ્યા છો, તેઓને અમારી સાથે રાહત આપવામાં આવશે.”—૨ થેસ્સા. ૧:૭.

આર્માગેદનમાં યહોવા કોને દયા બતાવશે અને કોને નહિ એ આપણે નક્કી કરી શકતા નથી. (માથ. ૨૫:૩૪, ૪૧, ૪૬) શું એ સમયે આપણે યહોવાના નિર્ણયને ટેકો આપીશું કે પછી તેમની ભક્તિ કરવાનું છોડી દઈશું? આપણે હમણાં યહોવા પર ભરોસો રાખવો જોઈએ. જો એમ કરીશું તો ભાવિમાં પણ તેમના પર પૂરો ભરોસો રાખી શકીશું. જરા કલ્પના કરો, યહોવા બાગ જેવી સુંદર દુનિયા લાવશે ત્યારે આપણને કેવું લાગશે. ઈશ્વર વિશે ખોટું શિક્ષણ ફેલાવતા ધર્મો નહિ હોય. લોકોને હેરાન-પરેશાન કરતા વેપાર-ધંધા અને સરકારો નહિ હોય. આપણે બીમાર નહિ પડીએ, ઘરડા નહિ થઈએ અને મરણનો ડંખ પણ નહિ હોય. શેતાન અને તેના દુષ્ટ દૂતોને ૧,૦૦૦ વર્ષ માટે કેદ કરવામાં આવશે. તેઓએ કરેલા બળવાને લીધે જે નુકસાન થયું છે એ સુધારવામાં આવશે. (પ્રકટી. ૨૦:૨, ૩) યહોવાની કામ કરવાની રીત પર આપણે ભરોસો રાખ્યો હોવાથી એ સમયે આપણી ખુશીનો પાર નહિ હોય! w૨૨.૦૨ ૬-૭ ¶૧૬-૧૭

શુક્રવાર, ઑગસ્ટ ૨૫

“જેઓ સુલેહ-શાંતિ કરાવે છે તેઓ સુખી છે.” —માથ. ૫:૯.

ઈસુ સામે ચાલીને બીજાઓ સાથે સુલેહ-શાંતિ કરતા અને તેઓને પણ એમ કરવાનું ઉત્તેજન આપતા. તેમણે લોકોને શીખવ્યું કે યહોવા ત્યારે જ તેઓની ભક્તિ સ્વીકારશે, જ્યારે તેઓ એકબીજા સાથે સુલેહ-શાંતિ કરશે. (માથ. ૫:૨૩, ૨૪) સૌથી મોટું કોણ, એ વિશે પ્રેરિતોમાં અવાર-નવાર તકરાર થતી. દર વખતે ઈસુએ તેઓ વચ્ચે સુલેહ-શાંતિ કરાવી. (લૂક ૯:૪૬-૪૮; ૨૨:૨૪-૨૭) શાંતિ જાળવવા ફક્ત તકરારથી દૂર રહેવું જ પૂરતું નથી. આપણે સામે ચાલીને સુલેહ-શાંતિ કરવી જોઈએ. એટલું જ નહિ, ભાઈ-બહેનોને પણ એમ કરવાનું ઉત્તેજન આપવું જોઈએ. (ફિલિ. ૪:૨, ૩; યાકૂ. ૩:૧૭, ૧૮) આપણે પોતાને પૂછી શકીએ: ‘બીજાઓ સાથે સુલેહ-શાંતિ કરવા હું કેટલી હદે જતું કરવા તૈયાર રહું છું? કોઈ મને માઠું લગાડે ત્યારે શું હું તેના માટે મનમાં ખાર ભરી રાખું છું? મને લાગે કે સામેવાળાની ભૂલ છે તોપણ શું હું સુલેહ-શાંતિ કરવા પહેલ કરું છું કે પછી તે પહેલ કરે એની હું રાહ જોઉં છું?’ w૨૨.૦૩ ૧૦ ¶૧૦-૧૧

શનિવાર, ઑગસ્ટ ૨૬

“લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” —પ્રે.કા. ૨૦:૩૫.

વર્ષો પહેલાં બાઇબલમાં એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી. યહોવાના લોકો તેમની ભક્તિ કરવા “ખુશીથી” આગળ આવશે અને તેઓ ઈસુના માર્ગદર્શન પ્રમાણે ચાલીને એવું કરશે. (ગીત. ૧૧૦:૩) આજે એ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. દર વર્ષે યહોવાના ભક્તો પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવવામાં લાખો ને લાખો કલાકો વિતાવે છે. એ માટે તેઓને કંઈ પૈસા મળતા નથી. તેઓ તો પોતાની મરજીથી એ કામ કરે છે. તેઓ ભાઈ-બહેનોને મદદ કરવા, ઉત્તેજન આપવા અને શ્રદ્ધા વધારવા સમય આપે છે. વડીલો અને સહાયક સેવકો સભાની તૈયારી કરવામાં અને ભાઈ-બહેનોને મળીને ઉત્તેજન આપવામાં ઘણા કલાકો કાઢે છે. યહોવાના ભક્તો કેમ એ બધાં કામ માટે રાત-દિવસ એક કરે છે? કેમ કે તેઓ યહોવાને અને લોકોને ખૂબ પ્રેમ કરે છે. (માથ. ૨૨:૩૭-૩૯) ઈસુએ આપણા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તેમણે હંમેશાં બીજાઓની ભલાઈનો પહેલા વિચાર કર્યો. તેમના પગલે ચાલવા આપણે બનતું બધું કરીએ છીએ. (રોમ. ૧૫:૧-૩) એમ કરવાથી આપણને ઘણા ફાયદા થશે. w૨૨.૦૨ ૨૦ ¶૧-૨

રવિવાર, ઑગસ્ટ ૨૭

“મજૂરની મજૂરી આખી રાત, એટલે કે સવાર સુધી પોતાની પાસે રાખી ન મૂકો.”—લેવી. ૧૯:૧૩.

ઇઝરાયેલમાં મોટા ભાગના લોકો ખેડૂતો હતા. તેઓ પોતાના ખેતરમાં કામ કરવા મજૂરોને રાખતા હતા. એ મજૂરોને દિવસની મજૂરી ચૂકવવાની હતી. એક ખેડૂત જો મજૂરને તેની મજૂરી ન આપે તો મજૂરના કુટુંબે કદાચ ભૂખ્યા સૂઈ જવું પડે. યહોવા એ સારી રીતે સમજતા હતા, એટલે તેમણે કહ્યું, “એ મજૂરી તેની જરૂરિયાત છે અને એના પર તેનું જીવન નભે છે.” (પુન. ૨૪:૧૪, ૧૫; માથ. ૨૦:૮) આજે અમુક લોકોને દરરોજની મજૂરી મળે છે, તો બીજા અમુકને મહિનામાં એક કે બે વખત પગાર મળે છે. ભલે ગમે એ સંજોગો હોય, લેવીય ૧૯:૧૩નો સિદ્ધાંત આજે પણ લાગુ પડે છે. અમુક માલિકો જાણે છે કે તેઓના કામદારોને નોકરીની બહુ જરૂર છે. એટલે તેઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને માલિકો ઓછા પૈસામાં કામ કરાવે છે. એવું કરીને તો જાણે તેઓ કામદારોની ‘મજૂરી પોતાની પાસે રાખી લે છે.’ યહોવાના સાક્ષીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ કામદારો સાથે એવું ન કરે. પણ તેઓની મહેનતનું પૂરું વેતન તેઓને આપે. w૨૧.૧૨ ૧૦ ¶૯-૧૦

સોમવાર, ઑગસ્ટ ૨૮

“મને તરસ લાગી છે.”—યોહા. ૧૯:૨૮.

ઈસુને સાચે જ તરસ લાગી હતી, કારણ કે તેમણે બહુ તકલીફો સહી હતી. તે વધસ્તંભ પર વેદનાથી તડપી રહ્યા હતા. એટલે તેમને પોતાની તરસ છિપાવવા મદદની જરૂર હતી. ઈસુએ જ્યારે બીજાઓ પાસે મદદ માંગી, ત્યારે એવું ન વિચાર્યું કે લોકો તેમને કમજોર સમજશે. આપણે પણ એવું ન વિચારીએ કે લોકો આપણને કમજોર સમજશે. બની શકે કે આપણને બીજાઓની મદદ લેવાનું ન ગમતું હોય. પણ ખરેખર મદદની જરૂર હોય ત્યારે બીજાઓ પાસે મદદ માંગતા અચકાવું ન જોઈએ. જેમ કે, આપણે મોટી ઉંમરના હોઈએ કે આપણને કોઈ બીમારી થઈ હોય ત્યારે ડોક્ટર પાસે જવા કે સામાન ખરીદવા દોસ્તોની મદદ લઈએ. આપણે કદાચ નિરાશ થઈ જઈએ ત્યારે વડીલો કે દોસ્તોની મદદ લઈએ. આપણે તેઓને કહી શકીએ કે તેઓ આપણી વાત સાંભળે અને ‘ઉત્તેજન આપતા શબ્દો’ કહે. (નીતિ. ૧૨:૨૫) ભૂલીએ નહિ, ભાઈ-બહેનો આપણને પ્રેમ કરે છે અને “મુસીબતના સમયે” મદદ કરવા માંગે છે. (નીતિ. ૧૭:૧૭) પણ જ્યાં સુધી આપણે તેઓને કહીશું નહિ, ત્યાં સુધી તેઓ આપણને મદદ કરી શકશે નહિ. w૨૧.૦૪ ૧૧-૧૨ ¶૧૧-૧૨

મંગળવાર, ઑગસ્ટ ૨૯

“જો તું મુસીબતના દિવસે હિંમત હારી જઈશ, તો તારું બળ થોડું જ ગણાશે.”—નીતિ. ૨૪:૧૦.

જીવનમાં સંજોગો બદલાય ત્યારે ઘણાને એ સ્વીકારવું અઘરું લાગે છે. જેમ કે, અમુક ભાઈ-બહેનો વર્ષોથી બેથેલ કે બાંધકામમાં સેવા આપતાં હતાં. હવે તેઓની સોંપણી બદલાઈ છે. બીજાં અમુકને ઉંમરને કારણે મનગમતી સોંપણી છોડવી પડી છે. એવું થાય ત્યારે સમજી શકાય કે આપણે નિરાશ થઈ જઈએ. જો આપણે યહોવાની નજરે બાબતોને જોઈશું તો ફેરફાર સ્વીકારવો સહેલો થઈ જશે. યહોવા આજે ઘણાં મોટાં મોટાં કામ કરી રહ્યા છે. તેમની સાથે કામ કરવાનો આપણને અનમોલ લહાવો મળ્યો છે. (૧ કોરીં. ૩:૯) યહોવાનો પ્રેમ ક્યારેય ઓછો થશે નહિ. સંગઠનનો કોઈ ફેરફાર તમને અસર કરે તો એ ફેરફાર કેમ થયો, એનો બહુ વિચાર કરશો નહિ. યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો જેથી નવા સંજોગોમાં આનંદ જાળવી શકો. “અગાઉના દિવસો” યાદ કરવાને બદલે આજનો વિચાર કરો. (સભા. ૭:૧૦) યોગ્ય વલણ રાખો. એમ કરીશું તો સંજોગો બદલાય ત્યારે આનંદ જાળવી શકીશું અને યહોવાની વફાદારીથી સેવા કરી શકીશું. w૨૨.૦૩ ૧૭ ¶૧૧-૧૨

બુધવાર, ઑગસ્ટ ૩૦

‘યહોવા, યહોવા ઈશ્વર, હજારો પેઢીઓને અતૂટ પ્રેમ બતાવનાર.’ —નિર્ગ. ૩૪:૬, ૭.

બાઇબલમાં જણાવ્યું છે કે માણસો અલગ અલગ વસ્તુઓને પ્રેમ કરી શકે છે અથવા ચાહી શકે છે, જેમ કે “નિયમ,” “જ્ઞાન” અને “દુનિયા.” (ગીત. ૧૧૯:૯૭; નીતિ. ૧૨:૧; ૧ યોહા. ૨:૧૫) પણ અતૂટ પ્રેમ વસ્તુઓને નહિ, ફક્ત વ્યક્તિઓને બતાવી શકાય છે. યહોવા કોને અતૂટ પ્રેમ બતાવે છે? બધાને નહિ ફક્ત એવા લોકોને તે અતૂટ પ્રેમ બતાવે છે, જેઓ સાથે તેમનો ખાસ સંબંધ છે. જેમ બે મિત્રો એકબીજાને વફાદાર હોય છે, તેમ યહોવા પણ પોતાના ભક્તોને વફાદાર છે. તે તેઓને સુંદર ભાવિની આશા આપે છે. એ વચન તે ચોક્કસ પૂરું કરશે અને તેઓને હંમેશાં અતૂટ પ્રેમ બતાવતા રહેશે. યહોવા બધા માણસોને પ્રેમ કરે છે. એ જ વાત ઈસુએ નિકોદેમસને કહી હતી કે “ઈશ્વરે દુનિયાને [માણસોને] એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.”—યોહા. ૩:૧, ૧૬; માથ. ૫:૪૪, ૪૫. w૨૧.૧૧ ૨ ¶૩; ૩ ¶૬-૭

ગુરુવાર, ઑગસ્ટ ૩૧

“તમે અંત સુધી ટકી રહીને તમારું જીવન બચાવશો.” —લૂક ૨૧:૧૯.

આ દુનિયામાં જીવવું સહેલું નથી અને મુશ્કેલીઓ તો હજુ વધશે. (માથ. ૨૪:૨૧) યહોવા વચન આપે છે કે બહુ જલદી એ બધી મુશ્કેલીઓને દૂર કરશે. આપણને એ ફરી ક્યારેય યાદ નહિ આવે. એ દિવસની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. (યશા. ૬૫:૧૬, ૧૭) આપણે હજુ પણ વધારે સહેવું પડશે અને ટકી રહેવું પડશે. શા માટે? કારણ કે ઈસુએ કહ્યું હતું કે “તમે અંત સુધી ટકી રહીને તમારું જીવન બચાવશો.” (લૂક ૨૧:૧૯) ધીરજથી મુશ્કેલીઓ સહેવા અને અંત સુધી ટકી રહેવા આપણે બીજાઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. શું તમને ખબર છે કે ધીરજથી સહન કરવામાં સૌથી સારો દાખલો કોણે બેસાડ્યો છે? યહોવા ઈશ્વરે. આપણને કદાચ થાય કે યહોવાએ સહન કરવાની શી જરૂર? જરા વિચારો, આ દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે, જ્યાં જુઓ ત્યાં મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ છે. જો યહોવા ચાહે તો આ મુશ્કેલીઓ ચપટીમાં જ દૂર કરી નાંખે, પણ તે ધીરજથી સહન કરે છે. તેમણે એક દિવસ નક્કી કર્યો છે, જ્યારે તે શેતાન અને તેની આ દુષ્ટ દુનિયાનો નાશ કરશે. (રોમ. ૯:૨૨) યહોવા એ દિવસની રાહ જોઈ રહ્યા છે. w૨૧.૦૭ ૮ ¶૨-૪

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો