જુલાઈ
શનિવાર, જુલાઈ ૧
‘પછીથી જેઓ શિસ્તથી ઘડાય છે, તેઓને શાંતિ અને નેકી મળે છે.’—હિબ્રૂ. ૧૨:૧૧.
બહિષ્કૃત કરવાની ગોઠવણ યહોવાએ કરી છે. એ ગોઠવણથી બધાનું ભલુ થાય છે, ખાસ તો પાપ કરનાર વ્યક્તિનું. મંડળના અમુક લોકો વ્યક્તિની ભૂલો પર ધ્યાન આપવાને બદલે નિર્ણયમાં વાંધાવચકા કાઢે છે. પરંતુ આપણે યાદ રાખીએ કે આપણી પાસે પૂરી માહિતી નથી. એટલે સારું રહેશે કે આપણે વડીલો પર ભરોસો રાખીએ. તેઓ જે કંઈ નિર્ણય લે છે, એ બાઇબલ સિદ્ધાંતોને આધારે હોય છે. તેઓ ‘યહોવા તરફથી ન્યાય કરે છે.’ (૨ કાળ. ૧૯:૬) વડીલોના નિર્ણયને માનીએ છીએ ત્યારે કેવો ફાયદો થાય છે? એનાથી તો બહિષ્કૃત થયેલી વ્યક્તિને યહોવા પાસે પાછા ફરવા મદદ મળે છે. એલીઝાબેથ કહે છે: “દીકરા સાથે સંબંધ તોડી નાખવો અઘરું તો હતું, પણ એનું સારું પરિણામ આવ્યું. મારો દીકરો યહોવા પાસે પાછો ફર્યો. તેણે કહ્યું કે વડીલોએ તેને બહિષ્કૃત કર્યો એ યોગ્ય નિર્ણય હતો. એ સમય દરમિયાન તેને ઘણું શીખવા મળ્યું.” w૨૧.૦૯ ૨૮ ¶૧૧-૧૨
રવિવાર, જુલાઈ ૨
“તેમણે એક ગરીબ વિધવાને સાવ ઓછી કિંમતના બે નાના સિક્કા નાખતી જોઈ.”—લૂક ૨૧:૨.
જરા એ ગરીબ વિધવા વિશે વિચારો. તે વધારે દાન આપવા માંગતી હશે પણ તેના સંજોગો તેને સાથ આપતા ન હતા. એટલે તેણે પોતાની પાસે જે કંઈ હતું એ દાન કર્યું. ઈસુ જાણતા હતા કે યહોવા તેનાથી ખુશ છે. એમાંથી આપણને આ મહત્ત્વની વાત શીખવા મળે છે: આપણે સંજોગો પ્રમાણે પૂરા દિલથી યહોવાની સેવામાં કામ કરીએ છીએ ત્યારે યહોવાને ખુશી થાય છે. (માથ. ૨૨:૩૭; કોલો. ૩:૨૩) પ્રચાર અને સભામાં જવા આપણે સમય શક્તિ આપીએ છીએ ત્યારે યહોવાનું દિલ ખુશીથી ઉભરાઈ જાય છે. ગરીબ વિધવાના દાખલામાંથી તમે જે શીખ્યા એમાંથી બીજાઓને કઈ રીતે મદદ કરી શકો? તમારા મંડળમાં કદાચ એક મોટી ઉંમરનાં બહેન હશે, જેમની તબિયત પહેલાં જેટલી સારી રહેતી નથી. તે પ્રચારમાં પહેલા જેટલું કરી શકતાં નથી. એના લીધે તેમને લાગે છે કે યહોવા તેમની સેવાથી ખુશ નથી. w૨૧.૦૪ ૬ ¶૧૭, ૧૯-૨૦
સોમવાર, જુલાઈ ૩
“જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે, કેમ કે તે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થશે એ પછી, તેને જીવનનો મુગટ મળશે.”—યાકૂ. ૧:૧૨.
દુષ્ટ દુનિયાનો નાશ ક્યારે કરવો એ યહોવા સારી રીતે જાણે છે. યહોવાએ ધીરજ બતાવી એટલે ઘણા લોકો તેમને ઓળખી શક્યા છે. આજે એક મોટું ટોળું તેમની ભક્તિ કરી રહ્યું છે. તેઓ ખુશ છે કે યહોવાએ આ દુનિયાનો નાશ કરવામાં ઉતાવળ નથી કરી. એના લીધે તેઓ દુનિયામાં જન્મ લઈ શક્યા છે, યહોવા વિશે શીખી શક્યા છે અને આજે તેમની ભક્તિ કરી શક્યા છે. જ્યારે યહોવા દુષ્ટ દુનિયાનો નાશ કરશે ત્યારે લાખો લોકો બચશે. એ સમયે પુરવાર થઈ જશે કે યહોવાએ બતાવેલી ધીરજ યોગ્ય હતી. શેતાને દુનિયામાં ઘણી તબાહી મચાવી છે. તેણે યહોવાને ઘણું દુઃખ પહોંચાડ્યું છે, તોપણ શેતાન તેમનો આનંદ છીનવી શક્યો નથી. (૧ તિમો. ૧:૧૧) યહોવા એ દિવસની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, જ્યારે તે પોતાનું નામ પવિત્ર કરશે અને પોતાનો રાજ કરવાનો હક સાબિત કરશે. એટલું જ નહિ તે આ દુનિયામાંથી સદાને માટે દુષ્ટતા અને મુશ્કેલી દૂર કરી દેશે. યહોવા એ બધું ધીરજથી સહી રહ્યા છે. એ વાત યાદ રાખવાથી આપણને પણ ધીરજથી સહેવા હિંમત મળે છે. w૨૧.૦૭ ૧૩ ¶૧૮-૧૯
મંગળવાર, જુલાઈ ૪
“શું નાઝરેથમાંથી કંઈ પણ સારું આવી શકે?”—યોહા. ૧:૪૬.
પહેલી સદીના અમુક લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો નહિ. કારણ કે ઈસુ ગરીબ અને એક સુથારના દીકરા હતા. તે નાઝરેથમાં રહેતા હતા. લોકોની નજરે નાઝરેથ એક નાનકડું શહેર હતું. ઈસુના શિષ્ય નથાનિયેલને પણ પહેલા એવું જ લાગ્યું હતું એટલે તેમણે કહ્યું, “શું નાઝરેથમાંથી કંઈ પણ સારું આવી શકે?” તેમણે એમ કહ્યું કારણ કે તેમને મીખાહ ૫:૨ની ભવિષ્યવાણી યાદ હશે. એમાં કહ્યું હતું કે મસીહનો જન્મ તો બેથલેહેમમાં થશે, નહિ કે નાઝરેથમાં. પ્રબોધક યશાયાએ પહેલેથી કહ્યું હતું કે ઈસુના દુશ્મનો મસીહ વિશે ‘જાણવાની કોઈ તસ્દી નહિ લે.’ (યશા. ૫૩:૮) જો તેઓએ થોડી શોધખોળ કરી હોત, તો જાણી શક્યા હોત કે ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો છે અને તે દાઊદના વંશજ છે. (લૂક ૨:૪-૭) આમ જોવા જઈએ તો, ઈસુ એ જ જગ્યાએ જન્મ્યા હતા જે વિશે મીખાહ ૫:૨માં કહ્યું હતું. પણ તેઓએ કોઈ તપાસ કર્યા વગર પોતાના મનમાં વિચારી લીધું અને ઈસુને મસીહ માનવાનો નકાર કર્યો. w૨૧.૦૫ ૨-૩ ¶૪-૬
બુધવાર, જુલાઈ ૫
‘જો નેક માણસ મને ઠપકો આપે, તો હું એને માથાને તાજગી આપતા તેલ જેવો ગણીશ.’—ગીત. ૧૪૧:૫.
બાઇબલમાં એવા લોકોના દાખલા પણ છે, જેઓએ સલાહ સ્વીકારી અને તેઓને આશીર્વાદ મળ્યો. ચાલો અયૂબનો દાખલો જોઈએ. તે ઈશ્વરને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમને ખુશ કરવા માંગતા હતા. જોકે તેમનાથી પણ ભૂલો થઈ. એક વાર તેમના પર એટલી બધી મુશ્કેલીઓ આવી કે તે વગર વિચાર્યે બોલી બેઠા. એટલે તેમને અલીહૂ અને યહોવા તરફથી સીધેસીધી સલાહ મળી. અયૂબે શું કર્યું? તેમણે કીધું: “હું કંઈ પણ સમજ્યા વગર બોલ્યો હતો. . . . હું મારા શબ્દો પાછા લઉં છું, ધૂળ અને રાખમાં બેસીને પસ્તાવો કરું છું.” (અયૂ. ૪૨:૩-૬, ૧૨-૧૭) અલીહૂ ઉંમરમાં નાના હતા, તોપણ અયૂબે તેમની સલાહ સ્વીકારી. (અયૂ. ૩૨:૬, ૭) અમુક વાર લાગે કે આપણને સલાહની જરૂર નથી અથવા સલાહ આપનાર આપણાથી ઉંમરમાં નાના હોઈ શકે. જો આપણે નમ્ર હોઈશું તો સહેલાઈથી સલાહ સ્વીકારી શકીશું. આપણે બધા યહોવાની ભક્તિમાં આગળ વધવા માંગીએ છીએ, ખરું ને? આપણે ચાહીએ છીએ કે પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો વધારે ને વધારે કેળવીએ અને સારી રીતે ખુશખબર જણાવીએ. એટલે આપણને સલાહની જરૂર છે. w૨૨.૦૨ ૧૧ ¶૮; ૧૨ ¶૧૨
ગુરુવાર, જુલાઈ ૬
“જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહા. ૧૩:૩૫.
મંડળમાં બધાની જવાબદારી છે કે શાંતિ અને પ્રેમનું વાતાવરણ જાળવી રાખે, જેથી કોઈ ને એવું ન લાગે તે એકલા છે. આપણાં વાણી-વર્તનની બીજાઓ પર અસર થાય છે. શું તમારા મંડળમાં એવા કોઈ ભાઈ કે બહેન છે જે સત્યમાં એકલા હોય? તમે શું કરી શકો જેથી તે પોતાને મંડળનો ભાગ ગણે? નવાં ભાઈ-બહેનો સાથે દોસ્તી કરીએ. જ્યારે તેઓ સભામાં આવે ત્યારે પ્રેમથી આવકારીએ. (રોમ. ૧૫:૭) આપણે ફક્ત “કેમ છો?” કહેવાને બદલે તેઓને સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરીએ. તેઓ સાથે સાચી દોસ્તી કરવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન રાખીએ કે એવા સવાલો ન કરીએ જેથી તેઓ શરમમાં મૂકાય. નવાં ભાઈ-બહેનો કદાચ દિલ ખોલીને વાત કરતા અચકાય એટલે બહુ પૂછપરછ ન કરીએ. બરાબર સમજી-વિચારીને સવાલ કરીએ. જેમ કે આપણે પૂછી શકીએ કે તેઓને સત્ય કઈ રીતે મળ્યું. તેઓ કંઈ જણાવે તો ધ્યાનથી સાંભળીએ. w૨૧.૦૬ ૧૧ ¶૧૩-૧૪
શુક્રવાર, જુલાઈ ૭
“તેઓ મારો અવાજ સાંભળશે. બધાં ઘેટાં એક ટોળું બનશે અને તેઓનો એક ઘેટાંપાળક હશે.”—યોહા. ૧૦:૧૬.
આપણે ‘એક ટોળા’ તરીકે ‘એક ઘેટાંપાળકને’ આધીન રહીને યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. એ માટે આપણે કેટલા ખુશ છીએ! યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન પુસ્તકના પાન ૧૫૩ પર લખ્યું છે: “એવી એકતાનો તમને ફાયદો થતો હોવાથી, એને જાળવી રાખવા મદદ કરવાની જવાબદારી તમારી પણ છે.” એ માટે આપણે “ભાઈ-બહેનોનો બહારનો દેખાવ ન જોઈએ, પણ તેઓને યહોવાની નજરે જોતા શીખીએ.” યહોવાને મન આપણે બધા જ કીમતી છીએ. આપણે પણ આપણાં ભાઈ-બહેનોને કીમતી સમજવા જોઈએ. તેઓની સંભાળ રાખવા અને તેઓને મદદ કરવા આપણે જે કંઈ કરીએ છીએ એ યહોવાની નજર બહાર જતું નથી. એ માટે તે આપણી ખૂબ કદર કરે છે. (માથ. ૧૦:૪૨) આપણે ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે “મનમાં ગાંઠ વાળીએ કે એવું કંઈ ન કરીએ, જેનાથી આપણા ભાઈની શ્રદ્ધા નબળી પડે કે તે ઠોકર ખાઈને પડી જાય.” (રોમ. ૧૪:૧૩) આપણે ભાઈ-બહેનોને ચઢિયાતા ગણીએ, તેઓને દિલથી માફ કરીએ અને તેઓના લીધે ઠોકર ન ખાઈએ. પણ “શાંતિ જાળવવા અને એકબીજાને દૃઢ કરવા બનતું બધું કરીએ.”—રોમ. ૧૪:૧૯. w૨૧.૦૬ ૨૪ ¶૧૬-૧૭
શનિવાર, જુલાઈ ૮
‘વૃદ્ધિ આપનાર ઈશ્વર છે.’—૧ કોરીં. ૩:૭.
એક વ્યક્તિ બાઇબલ અભ્યાસ કરે, એ પ્રમાણે ચાલે અને સંગઠને આપેલા માર્ગદર્શનને પાળે ત્યારે, તે પોતાનામાં ઈસુ જેવા ગુણો કેળવી શકે છે. એટલું જ નહિ તે યહોવાને સારી રીતે ઓળખી શકે છે. ઈસુએ કહ્યું હતું: “બીને ફણગો ફૂટે છે અને વધે છે. પણ એ કઈ રીતે થાય છે એ તે [બી રોપનાર] જાણતો નથી. જમીન ધીમે ધીમે ફળ આપે છે. પહેલા છોડની દાંડી ફૂટે, પછી કણસલું નીકળે અને આખરે કણસલું દાણાથી ભરાઈ જાય છે.” (માર્ક ૪:૨૭, ૨૮) બી એટલે ઈશ્વરના રાજ્યનો સંદેશો. ઈસુએ સમજાવ્યું કે જેમ છોડ ધીરે ધીરે વધે છે તેમ એક વ્યક્તિ પણ રાજ્યનો સંદેશો સાંભળીને પોતાનામાં ધીરે ધીરે ફેરફાર કરે છે. આપણા બાઇબલ વિદ્યાર્થી સાથે પણ એવું જ કંઈક છે. જેમ તે યહોવાની નજીક આવતો જાય તેમ આપણે તેનામાં ફેરફાર જોઈ શકીએ છીએ. (એફે. ૪:૨૨-૨૪) પણ આપણે યાદ રાખીએ કે બીને વૃદ્ધિ તો યહોવા જ આપે છે. w૨૧.૦૮ ૮-૯ ¶૪-૫
રવિવાર, જુલાઈ ૯
‘ઇચ્છાઓ પાછળ આંધળી દોટ મૂકવી નકામું છે, એના કરતાં આંખો સામે જે છે એનો આનંદ માણવો વધારે સારું.’—સભા. ૬:૯.
ખુશી મેળવવા આપણે “આંખો સામે જે છે એનો આનંદ માણવો” જોઈએ. એટલે કે આપણી પાસે જે હોય અથવા આપણા જે સંજોગો હોય એમાં મન લગાડવું જોઈએ. જો એમ કરીશું તો આપણે ખુશ રહીશું. પણ જો આપણે એવી ઇચ્છાઓ પાછળ આંધળી દોટ મૂકીશું જે ક્યારેય પૂરી કરી શકવાના નથી તો ખુશ નહિ રહી શકીએ. શું આપણી પાસે જે છે એમાં ખુશ રહી શકીએ? અમુક લોકોને લાગે છે કે એ શક્ય નથી. કારણ કે માણસને નવું નવું કરવું અને શીખવું ગમે છે. પણ આપણી “આંખો સામે” જે છે એનો આનંદ માણી શકીએ છીએ. એ વિશે જાણવા આપણે માથ્થી ૨૫:૧૪-૩૦માં ઈસુએ આપેલા તાલંતનો ઉદાહરણ જોઈએ. આપણે કઈ રીતે યહોવાની સેવામાં ખુશી મેળવી શકીએ અને એ ખુશીમાં વધારો કરવા શું કરી શકીએ એ ઉદાહરણમાંથી શીખવા મળે છે. w૨૧.૦૮ ૨૧ ¶૫-૬
સોમવાર, જુલાઈ ૧૦
“હું ઊંચાણમાં અને પવિત્ર જગ્યામાં રહું છું. હું કચડાયેલા અને નિરાશ લોકો સાથે પણ રહું છું.”—યશા. ૫૭:૧૫.
યહોવા ‘કચડાયેલા અને નિરાશ લોકોની’ ચિંતા કરે છે. આપણે પણ આપણાં ભાઈ-બહેનોનું ધ્યાન રાખવું જોઈએ. એ કામ ફક્ત વડીલોનું જ નહિ પણ બધાનું છે. આપણાં વાણી-વર્તનથી તેઓને ખાતરી થવી જોઈએ કે યહોવા તેઓને પ્રેમ કરે છે અને તેઓને કીમતી સમજે છે. (નીતિ. ૧૯:૧૭) આપણે નમ્ર બનીએ અને પોતાની આવડત માટે બડાઈ ન મારીએ. જો આપણે બીજાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચીશું તો ભાઈ-બહેનોને આપણી ઈર્ષા થશે અને આપણે એવું ચાહતા નથી. આપણે તો ચાહીએ છીએ કે આપણાં વાણી-વર્તનથી બીજાઓને ઉત્તેજન મળે. (૧ પિત. ૪:૧૦, ૧૧) આપણે બીજા લોકો સાથે કઈ રીતે વર્તવું એ ઈસુ પાસેથી શીખી શકીએ. તે પૃથ્વી પર જીવનાર સૌથી મહાન માણસ હતા, તેમ છતાં તે ‘કોમળ સ્વભાવના અને નમ્ર દિલના’ હતા. (માથ. ૧૧:૨૮-૩૦) એના બદલે તે લોકોને શીખવવા સહેલાં શબ્દો અને ઉદાહરણો વાપરતાં જે લોકોનાં દિલને સ્પર્શી જતાં.—લૂક ૧૦:૨૧. w૨૧.૦૭ ૨૩ ¶૧૧-૧૨
મંગળવાર, જુલાઈ ૧૧
“તમારા વૃદ્ધોને પૂછો, તેઓ તમને જણાવશે.”—પુન. ૩૨:૭.
વૃદ્ધ ભાઈ-બહેનોને જઈને મળીએ. તેઓ સાથે વાત કરીએ. ભલે તેઓની નજર ઝાંખી પડી ગઈ હોય, લાકડીના સહારે ચાલતા હોય અને બરાબર બોલી ન શકતા હોય, પણ યહોવાની સેવામાં તેઓનો જોશ ઓછો થયો નથી. તેઓએ યહોવા સાથે “સારું નામ” બનાવ્યું છે. (સભા. ૭:૧) આપણે યાદ રાખીએ કે યહોવા તેઓને અનમોલ સમજે છે. આપણે તેઓને માન આપતા રહીએ. આપણે એલિશા જેવા બનવું જોઈએ. જ્યારે એલિયા તેમને છોડીને જઈ રહ્યા હતા ત્યારે તેમણે ત્રણ વાર કહ્યું: “હું તમારો સાથ નહિ છોડું.” (૨ રાજા. ૨:૨, ૪, ૬) જ્યારે તમે વૃદ્ધ ભાઈ-બહેનો જોડે વાત કરો, ત્યારે પ્રેમથી સવાલો પૂછી શકો. (નીતિ. ૧:૫; ૨૦:૫; ૧ તિમો. ૫:૧, ૨) તમે આવું કંઈક પૂછી શકો, “તમને કેવી રીતે ખબર પડી કે આ જ સત્ય છે? તમારા જીવનમાં એવું શું બન્યું જેથી તમે યહોવાની વધારે નજીક આવ્યા? તમને યહોવાની સેવામાં ખુશી જાળવવા ક્યાંથી મદદ મળે છે?” (૧ તિમો. ૬:૬-૮) જ્યારે તેઓ પોતાના વિશે જણાવે ત્યારે તેઓનું ધ્યાનથી સાંભળીએ. w૨૧.૦૯ ૫ ¶૧૪; ૭ ¶૧૫
બુધવાર, જુલાઈ ૧૨
“ઈશ્વર તમને બળ આપે છે, જેથી તમે તેમને ખુશ કરી શકો. એવું કરવા તે તમને ઇચ્છા અને બળ આપે છે.”—ફિલિ. ૨:૧૩.
પ્રચારકામ અને શીખવવાના કામમાં આપણાથી બનતું બધું કરીએ છીએ ત્યારે, દેખાય આવે છે કે આપણને યહોવા માટે પ્રેમ છે. (૧ યોહા. ૫:૩) જરા વિચારો, યહોવા માટે પ્રેમ હોવાને લીધે તમે પ્રચાર કરવાનું શરૂ કર્યુ હતું. પહેલી વખત પ્રચારમાં જવાનું સહેલું નહિ રહ્યું હોય, તમારો પસીનો છૂટી ગયો હશે. પણ તમને ખબર હતી કે ઈસુએ પ્રચાર કરવાની આજ્ઞા આપી છે, એટલે તમે એ આજ્ઞા માનીને પ્રચાર કરવાનું શરૂ કર્યું. હવે જ્યારે બાઇબલ અભ્યાસ ચલાવવાની વાત આવે ત્યારે કદાચ તમે ડરી જાઓ. એ માટે તમે યહોવાને પ્રાર્થના કરી શકો. તે તમારો ડર દૂર કરશે અને હિંમત આપશે. w૨૧.૦૭ ૩ ¶૭
ગુરુવાર, જુલાઈ ૧૩
“તેઓ પોતાના જમણા હાથ પર કે કપાળ પર છાપ લે.” —પ્રકટી. ૧૩:૧૬.
પહેલાંના સમયમાં ગુલામોના શરીર પર છાપ લગાવવામાં આવતી, જેથી ખબર પડે કે તેઓનો માલિક કોણ છે. એવી જ રીતે આજે પણ બધા લોકો પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે તેઓ પોતાના હાથ કે કપાળ પર છાપ લે. છાપ લેવાનો અર્થ થાય કે પોતાનાં વાણી-વર્તનથી બતાવવું કે તેઓ દુનિયાની સરકારોને સાથ આપે છે. શું આપણે એ છાપ લઈશું અને દુનિયાની સરકારોને સાથ આપીશું? જેઓ એવું નહિ કરે તેઓએ ઘણી મુશ્કેલીઓ સહેવી પડશે. અરે, તેઓનું જીવન પણ જોખમમાં આવી શકે છે. પ્રકટીકરણનું પુસ્તક કહે છે: ‘જેના પર છાપ હોય, તેના સિવાય બીજું કોઈ પણ ખરીદી કે વેચી શકે નહિ.’ (પ્રકટી. ૧૩:૧૭) પણ ઈશ્વરભક્તો જાણે છે કે જેઓ એ છાપ લગાવે છે, તેઓના યહોવા કેવા હાલ કરશે. (પ્રકટી. ૧૪:૯, ૧૦) એટલે તેઓ એ છાપ લેવાને બદલે પોતાના હાથ પર લખે છે કે “હું યહોવાનો છું.” (યશા. ૪૪:૫) યહોવાને વફાદારીથી વળગી રહેવાનો આ જ સમય છે. જો આપણે તેમને વફાદાર રહીશું તો યહોવા ખુશીથી કહેશે કે આપણે તેમના છીએ. w૨૧.૦૯ ૧૮ ¶૧૫-૧૬
શુક્રવાર, જુલાઈ ૧૪
“જેમ લોઢું લોઢાને તેજદાર બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજદાર બનાવે છે.”—નીતિ. ૨૭:૧૭.
બીજાઓની મદદથી આપણે પ્રચારકામ સારી રીતે કરી શકીશું. પ્રેરિત પાઊલે તિમોથીને પ્રચાર કરવાનું શીખવ્યું હતું. તેમણે તિમોથીને એ પણ ઉત્તેજન આપ્યું કે તે બીજાઓને પણ એવી જ રીતે પ્રચાર કરવાનું શીખવે. (૧ કોરીં. ૪:૧૭) તિમોથીની જેમ આપણે પણ મંડળનાં અનુભવી ભાઈ-બહેનો પાસેથી શીખવું જોઈએ. આપણે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. દર વખતે પ્રચારમાં જતા પહેલાં યહોવાને પ્રાર્થના કરીએ. તેમની પવિત્ર શક્તિ વગર આપણે કંઈ કરી શકતા નથી. (ગીત. ૧૨૭:૧; લૂક ૧૧:૧૩) આપણે યહોવાને પ્રાર્થનામાં સાફ સાફ કહીએ કે આપણી ઇચ્છા શું છે. દાખલા તરીકે, પ્રાર્થનામાં કહીએ કે તે આપણને એવી વ્યક્તિને મળવા મદદ કરે જે તેમના વિશે શીખવા માંગે છે. આપણે જાતે અભ્યાસ કરવા સમય પણ કાઢવો જોઈએ. બાઇબલમાં લખ્યું છે કે “તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા પારખી શકો.” (રોમ. ૧૨:૨) આ જ સત્ય છે એવી ખાતરી થતી જશે તેમ, આપણે પૂરા ભરોસા સાથે બીજાઓને પ્રચાર કરી શકીશું. w૨૧.૦૫ ૧૭-૧૮ ¶૧૪-૧૬
શનિવાર, જુલાઈ ૧૫
“ઈશ્વરની સેવામાં તમારી મહેનત નકામી નથી.”—૧ કોરીં. ૧૫:૫૮.
અમુક વાર વિદ્યાર્થીને શીખવવા આપણે ઘણી મહેનત કરીએ, પ્રાર્થનાઓ કરીએ છતાં તે જીવનમાં કોઈ ફેરફાર ન કરે. આખરે તેનો અભ્યાસ બંધ કરવો પડે. અથવા એવું બને કે આપણો કોઈ વિદ્યાર્થી બાપ્તિસ્મા ન લે. એવા સંજોગોમાં આપણે કદાચ નિરાશ થઈ જઈએ. શું આપણે એવું વિચારીશું કે પ્રચારમાં આપણી મહેનત નકામી ગઈ અને યહોવા આપણાથી ખુશ નથી? પ્રચારકામમાં આપણી સફળતાને યહોવા કઈ રીતે જુએ છે એના પર ધ્યાન આપો. યહોવા આપણી મહેનત અને ધગશ જુએ છે. આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેમની સેવામાં કેટલી મહેનત કરીએ છીએ એ તે જુએ છે. લોકો આપણો સંદેશો ન સ્વીકારે તોપણ યહોવાની નજરમાં આપણું પ્રચારકામ સફળ છે. પાઉલે કહ્યું, “ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી જાય. તમે પવિત્ર જનોની જે સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો એ ઈશ્વર ક્યારેય નહિ ભૂલે.” (હિબ્રૂ. ૬:૧૦) ભલે આપણો બાઇબલ વિદ્યાર્થી બાપ્તિસ્મા ન લે તોપણ યહોવા આપણા પ્રયત્નો ભૂલતા નથી. આપણી મહેનત રંગ ન લાવે ત્યારે પાઉલે કોરીંથીઓને કહેલા આજની કલમના શબ્દો યાદ રાખીએ. w૨૧.૧૦ ૨૫ ¶૪-૬
રવિવાર, જુલાઈ ૧૬
“પિતા મને સોંપે છે એ બધા લોકો મારી પાસે આવશે. મારી પાસે આવનારને હું કદી પણ કાઢી મૂકીશ નહિ.”—યોહા. ૬:૩૭.
ઈસુએ જે રીતે શિષ્યો સાથે વ્યવહાર કર્યો એમાં તેમનાં પ્રેમ અને દયા દેખાય આવતાં. ઈસુ જાણતા હતા કે બધા શિષ્યોનાં સંજોગો અને આવડતો અલગ અલગ છે. એટલે એક જે કરી શકે છે એવું કદાચ બીજો ન પણ કરી શકે. તેમ છતાં ઈસુ બધાની મહેનતથી ખુશ હતા. એ વાત તેમણે આપેલા તાલંતના ઉદાહરણમાં દેખાઈ આવી. એ ઉદાહરણમાં દરેક ચાકરની આવડત પ્રમાણે માલિકે તાલંત આપ્યા. બે મહેનતુ ચાકરોમાંથી એક ચાકર બીજા કરતાં વધારે કમાયો. પણ બંનેને માલિકે એક જ વાત કહી: “શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર!”(માથ. ૨૫:૧૪-૨૩) ઈસુ આપણી સાથે પ્રેમથી વર્તે છે. તે જાણે છે કે આપણાં સંજોગો અને આવડતો એકસરખાં હોતાં નથી. એટલે આપણે પૂરા મનથી બનતું બધું કરીએ તો એનાથી ઈસુ ખુશ થશે. આપણે પણ તેમના જેવા બનવું જોઈએ. w૨૧.૦૭ ૨૩ ¶૧૨-૧૪
સોમવાર, જુલાઈ ૧૭
“હું મારા માલિક પર હાથ નહિ ઉગામું.”—૧ શમુ. ૨૪:૧૦.
રાજા દાઉદ અમુક વાર દયા બતાવવાનું ચૂકી ગયા. એકવાર એવું બન્યું કે નાબાલે દાઉદનું અપમાન કર્યું. તે એટલો કઠોર હતો કે તેણે દાઉદ અને તેના માણસોને ખોરાક આપવાની ના પાડી. એટલે દાઉદને ગુસ્સો આવ્યો. તે નાબાલ અને તેના કુટુંબના બધા માણસોને મારી નાખવા નીકળી પડ્યા. પણ નાબાલની પત્ની અબીગાઈલ ઘણી પ્રેમાળ હતી. તેણે તરત દાઉદ અને તેમના માણસો માટે ખોરાક મોકલ્યો. એટલે દાઉદે નાબાલ અને તેના માણસોને મારી નાખવાનો વિચાર માંડી વાળ્યો. (૧ શમુ. ૨૫:૯-૨૨, ૩૨-૩૫) દાઉદ બધા સાથે સારી રીતે વર્તતા હતા. તે દયાળુ હતા પણ બે વખત દયા બતાવવાનું ચૂકી ગયા. એક વખત તે ગુસ્સામાં હતા એટલે નાબાલ અને તેના માણસોને મારી નાખવા માંગતા હતા. બીજી વખત પોતાના પાપને લીધે તેમનું દિલ ડંખતું હતું, એટલે તેમણે અમીર માણસને મોતની સજા આપવાનું કહ્યું. એનાથી ખબર પડે છે કે યહોવા સાથે આપણો સંબંધ નબળો હશે તો આપણે કઠોર બની જઈશું અને દયા બતાવવાનું ચૂકી જઈશું. w૨૧.૧૦ ૧૨ ¶૧૭-૧૮; ૧૩ ¶૨૦
મંગળવાર, જુલાઈ ૧૮
“તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.”—૧ પિત. ૧:૧૬.
યહોવા સૌથી પવિત્ર છે. આજની કલમના શબ્દો બતાવે છે કે તેમને અનુસરીને આપણે પવિત્ર બનવું જોઈએ. અમુક લોકોને લાગે કે એ શક્ય નથી કારણ કે આપણે પાપી છીએ. પણ પ્રેરિત પિતરનો જ દાખલો લો. તેમણે ઘણી ભૂલો કરી હતી, છતાં તે પોતાનાં વાણી-વર્તનમાં પવિત્ર બની શક્યા. તેમના દાખલા પરથી જોવા મળે છે કે આપણે પણ પવિત્ર બની શકીએ છીએ. દુનિયાની નજરે પવિત્ર કે ધાર્મિક લોકો એટલે સાધુ-સંતો, જેઓ ખાસ પ્રકારનાં કપડાં પહેરે છે અને હંમેશાં ધીરગંભીર રહે છે. જોકે પવિત્ર રહેવાનો એવો અર્થ થતો નથી. યહોવા સૌથી પવિત્ર છે. બાઇબલમાં તેમને ‘આનંદી ઈશ્વર’ કહેવામાં આવ્યા છે. (૧ તિમો. ૧:૧૧) જેઓ તેમની ભક્તિ કરે છે, તેઓને પણ “ધન્ય” એટલે કે આનંદી કહેવામાં આવ્યા છે. (ગીત. ૧૪૪:૧૫) ઈસુ એવા લોકોને ધિક્કારતા, જેઓ ખાસ પ્રકારનાં કપડાં પહેરતા અને સારાં કામ કરવાનો દેખાડો કરતા. (માથ. ૬:૧; માર્ક ૧૨:૩૮) આપણા વિચારો અને દુનિયાના વિચારોમાં આભ-જમીનનો ફરક છે. આપણે બાઇબલમાંથી શીખ્યા કે પવિત્ર રહેવાનો શો અર્થ થાય છે. આપણને ખાતરી છે કે પ્રેમાળ ઈશ્વર યહોવા કદી એવી આજ્ઞા નહિ આપે, જે પાળવી અશક્ય હોય. w૨૧.૧૨ ૨ ¶૧, ૩
બુધવાર, જુલાઈ ૧૯
‘તું પૂરા દિલથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.’—માર્ક ૧૨:૩૦.
યહોવાએ આપણને ઘણી ભેટ આપી છે. સૌથી મહત્ત્વની ભેટ છે કે આપણે તેમની ભક્તિ કરી શકીએ છીએ. આપણે યહોવાની ‘આજ્ઞાઓ પાળીને’ બતાવીએ છીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. (૧ યોહા. ૫:૩) પહેલી આજ્ઞા છે કે આપણે લોકોને શિષ્યો બનાવીએ અને તેઓને બાપ્તિસ્મા આપીએ. (માથ. ૨૮:૧૯) બીજી આજ્ઞા છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. (યોહા. ૧૩:૩૫) જેઓ યહોવાની આજ્ઞા પાળે છે તેઓને તે પોતાના કુટુંબનો ભાગ બનાવશે. (ગીત. ૧૫:૧, ૨) બીજાઓને પ્રેમ કરીએ. યહોવાનો ખાસ ગુણ પ્રેમ છે. (૧ યોહા. ૪:૮) યહોવાએ આપણને ત્યારે પ્રેમ બતાવ્યો જ્યારે આપણે તેમને ઓળખતા પણ ન હતા. (૧ યોહા. ૪:૯, ૧૦) આપણે પણ એવો પ્રેમ બીજાઓ માટે બતાવવો જોઈએ. (એફે. ૫:૧) એવું કરવાની એક રીત છે કે અંત આવતા પહેલાં તેઓને યહોવા વિશે શીખવીએ. (માથ. ૯:૩૬-૩૮) આમ તેઓ જાણી શકશે કે યહોવાના કુટુંબનો ભાગ બનવા તેઓએ શું કરવું જોઈએ. w૨૧.૦૮ ૫-૬ ¶૧૩-૧૪
ગુરુવાર, જુલાઈ ૨૦
“એના કરતાં મોટો પ્રેમ કોઈ નથી.”—યોહા. ૧૫:૧૩.
ઈસુ યહોવાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હતા. (યોહા. ૧૪:૩૧) એ પ્રેમને લીધે જ ઈસુએ માણસોને પ્રેમ કર્યો અને તેઓ માટે ઘણું જતું કર્યું. તે પૃથ્વી પર એ રીતે જીવ્યા જેનાથી દેખાઈ આવ્યું કે તે લોકોને કેટલો પ્રેમ કરે છે. ઈસુ પ્રેમ અને કરુણા બતાવવાનું ક્યારેય ચૂક્યા નહિ, પછી ભલેને અમુક લોકોએ તેમનો વિરોધ કર્યો. બીજી એક ખાસ રીતે પણ ઈસુએ લોકોને પ્રેમ બતાવ્યો. તેમણે ઈશ્વરના રાજ્ય વિશે તેઓને શીખવ્યું. (લૂક ૪:૪૩, ૪૪) છેલ્લે, ઈસુ પોતાની ઇચ્છાથી પાપી માણસોના હાથે રિબાઈ રિબાઈને મરણ પામ્યા. આમ તેમણે સાબિત કર્યું કે તે યહોવા અને માણસોને કેટલો પ્રેમ કરતા હતા! તેમના બલિદાનથી જ આપણને બધાને હંમેશ માટેના જીવનની સોનેરી આશા મળી છે. આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ, એટલે જ આપણે તેમને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું છે. બીજી એક રીતે પણ બતાવી શકીએ કે આપણને યહોવા માટે કેટલો પ્રેમ છે. ઈસુની જેમ આપણે લોકોને પ્રેમ કરીએ. પ્રેરિત યોહાને લખ્યું કે જે “પોતાના ભાઈને પ્રેમ કરતો ન હોય જેને તે જોઈ શકે છે, તો તે ઈશ્વરને કઈ રીતે પ્રેમ કરી શકે જેમને તે જોઈ શકતો નથી?”—૧ યોહા. ૪:૨૦. w૨૨.૦૩ ૧૦ ¶૮-૯
શુક્રવાર, જુલાઈ ૨૧
“તમે પોતાના પર કડક નજર રાખો, જેથી તમે મૂર્ખની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ ચાલો. તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.”—એફે. ૫:૧૫, ૧૬.
ખરું કે યહોવા સાથે સમય વિતાવવાનું આપણને બધાને ગમે છે, પણ અમુક વાર મુશ્કેલ લાગી શકે. આજે આપણું જીવન વ્યસ્ત થઈ ગયું છે. એટલે યહોવાની ભક્તિ માટે સમય કાઢવો અઘરું થઈ ગયું છે. નોકરી, કુટુંબની જવાબદારી અને બીજાં કામો આપણો ઘણો સમય માંગી લે છે. એટલે આપણને લાગે કે પ્રાર્થના, અભ્યાસ કે મનન માટે સમય જ બચતો નથી. અમુક બાબતો કરવી ખોટી નથી. પણ જો ધ્યાન નહિ રાખીએ તો એ આપણો સમય ખાય જશે. આપણે એમાં એટલા ડૂબી જઈશું કે યહોવાથી દૂર થતા જઈશું. દાખલા તરીકે, મોજમજા કે આરામ કરવો કંઈ ખોટું નથી. આપણને બધાને નવરાશની પળો માણવી ગમે છે. પણ એ નવરાશની પળો કલાકોમાં ફેરવાશે તો, યહોવાની ભક્તિ માટે થોડો જ સમય બચશે. આપણે યાદ રાખવું જોઈએ કે મોજમજા કરવી એ જ જીવનમાં સૌથી મહત્ત્વનું નથી.—નીતિ. ૨૫:૨૭; ૧ તિમો. ૪:૮. w૨૨.૦૧ ૨૬-૨૭ ¶૨-૩
શનિવાર, જુલાઈ ૨૨
“તમારી વચ્ચે રહેનાર પરદેશીને તમે વતની જ ગણો. જેવો પોતાના પર એવો પરદેશી પર પ્રેમ રાખો.”—લેવી. ૧૯:૩૪.
યહોવાએ ઇઝરાયેલીઓને આજ્ઞા આપી કે તેઓ પડોશીને પ્રેમ કરે. તેઓએ ફક્ત સાથી ઇઝરાયેલીઓને જ નહિ, સાથે રહેતા પરદેશીઓને પણ પ્રેમ કરવાનો હતો. એ વાત લેવીય ૧૯:૩૩, ૩૪માં સાફ જોવા મળે છે. ઇઝરાયેલીઓએ પરદેશીઓને ‘વતની જ ગણવાના’ હતા. તેઓએ પરદેશી સાથે એવો જ વ્યવહાર કરવાનો હતો, જેવો સાથી ઇઝરાયેલી સાથે કરતા હતા. ઇઝરાયેલીઓએ જેવો પોતાના પર એવો પરદેશી પર ‘પ્રેમ રાખવાનો’ હતો. દાખલા તરીકે, ખેતરમાંથી તેઓએ પરદેશીઓને અને ગરીબોને કણસલાં વીણવા દેવાનાં હતાં. (લેવી. ૧૯:૯, ૧૦) એ સિદ્ધાંત આપણને પણ એટલો જ લાગુ પડે છે. (લૂક ૧૦:૩૦-૩૭) કઈ રીતે? લાખો લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં રહેવા ગયા છે. કદાચ એવા અમુક લોકો આપણા વિસ્તારમાં રહેતા હોય. આપણે એ લોકો સાથે પ્રેમ અને આદરથી વર્તીએ. w૨૧.૧૨ ૧૨ ¶૧૬
રવિવાર, જુલાઈ ૨૩
“યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ.”—ગીત. ૩૪:૧૦.
આપણે પોતે અનુભવ કરીએ અને જોઈએ કે યહોવા કેટલા સારા છે. આપણે યહોવાના માર્ગદર્શન પર આધાર રાખવો જોઈએ. એમ કરીશું તો ભરોસો વધશે કે યહોવા ભાવિમાં પણ આપણું રક્ષણ કરશે. દાખલા તરીકે, આપણે સંમેલન કે મહાસંમેલનમાં જવા માંગીએ છીએ. એ માટે કામ પરથી રજા જોઈએ છે. અથવા બધી સભામાં જવા અને પ્રચારમાં વધુ ભાગ લેવા કામના સમયમાં આપણને ફેરફાર કરવો છે. શું એવા સમયે આપણે યહોવા પર શ્રદ્ધા રાખીએ છીએ અને માલિકને વિનંતી કરીએ છીએ? કદાચ માલિક આપણી વિનંતી ન સાંભળે અને આપણી નોકરી છૂટી જાય. શું એવા સમયે આપણને શ્રદ્ધા છે કે યહોવા કદી આપણને છોડી દેશે નહિ અને જીવન-જરૂરી બધું પૂરું પાડશે? (હિબ્રૂ. ૧૩:૫) પૂરા સમયના ઘણા સેવકોએ એ પોતે અનુભવ્યું છે. આપણે તેઓ પાસેથી જાણી શકીએ કે યહોવાએ તેઓને કઈ રીતે મદદ કરી હતી. યહોવા વફાદાર છે અને તે આપણો સાથ કદી છોડશે નહિ. યહોવા આપણી પડખે છે, એટલે ભાવિમાં આવનાર મુશ્કેલીઓથી આપણે ડરવાની જરૂર નથી. જો આપણે યહોવાની ઇચ્છાને જીવનમાં પહેલી રાખીશું, તો તે આપણો સાથ ક્યારેય છોડશે નહિ. w૨૨.૦૧ ૭ ¶૧૬-૧૭
સોમવાર, જુલાઈ ૨૪
“તમે માણસ તરફથી નહિ, યહોવા તરફથી ન્યાય કરો છો.”—૨ કાળ. ૧૯:૬.
જો બહિષ્કૃત થનાર વ્યક્તિ આપણી મિત્ર કે કુટુંબની હોય તો શું આપણે વડીલોના નિર્ણયને માન આપીએ છીએ? એવા સમયે આપણને લાગી શકે, ‘શું વડીલોએ બધા પુરાવા તપાસ્યા હશે? શું તેઓએ યહોવાની જેમ નિર્ણય લીધો હશે?’ ચાલો જોઈએ કે તેઓએ લીધેલા નિર્ણયને માન આપવા આપણને શું મદદ કરી શકે. આપણે યાદ રાખવું જોઈએ કે બહિષ્કૃત કરવાની ગોઠવણ યહોવાએ કરી છે. એનાથી મંડળને તો ફાયદો થાય છે જ, સાથે સાથે પાપ કરનાર વ્યક્તિનું પણ ભલું થઈ શકે છે. જો પાપ કરનાર વ્યક્તિ પસ્તાવો ન કરે અને મંડળમાં રહે, તો તેને જોઈને બીજાઓ પણ પાપ કરવા લાગી શકે. (ગલા. ૫:૯) વધુમાં એ વ્યક્તિને પણ સમજાશે નહિ કે તેનું પાપ કેટલું મોટું છે. એટલે યહોવા સાથે સંબંધ સુધારવા તે પોતાનાં વિચારો અને વાણી-વર્તનમાં ફેરફાર કરવાનો પ્રયત્ન નહિ કરે. (સભા. ૮:૧૧) આપણે ખાતરી રાખીએ કે વડીલો વ્યક્તિને બહિષ્કૃત કરવાનો નિર્ણય ઘણો સમજી-વિચારીને લે છે. w૨૨.૦૨ ૫-૬ ¶૧૩-૧૪
મંગળવાર, જુલાઈ ૨૫
“તે વળી ગયેલા બરુને છૂંદી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ.”—માથ. ૧૨:૨૦.
એક વ્યક્તિ શરૂઆતમાં સલાહ ન સ્વીકારે ત્યારે વડીલે ધીરજ રાખવી જોઈએ અને દયા બતાવવી જોઈએ. વ્યક્તિ તરત સલાહ ન સ્વીકારે કે એને લાગુ ન પાડે ત્યારે વડીલે ચિડાઈ ન જવું જોઈએ. તેમણે ઈસુ જેવા બનવું જોઈએ. વડીલ એ વ્યક્તિ માટે યહોવાને પ્રાર્થના કરી શકે છે. યહોવા એ વ્યક્તિને મદદ કરશે જેથી સલાહ કેમ આપવામાં આવી છે, એ વ્યક્તિ સમજી શકે અને એને સ્વીકારી શકે. અમુક વ્યક્તિઓને સલાહ સ્વીકારવા સમય લાગી શકે. જો વડીલ ધીરજ અને દયા બતાવશે તો વ્યક્તિ માટે સલાહ સ્વીકારવી સહેલી થઈ જશે. પણ તેમણે હંમેશાં બાઇબલમાંથી સલાહ આપવી જોઈએ. આપણી સલાહથી ભાઈ-બહેનોને ફાયદો થાય, એવું આપણે ચાહીએ છીએ. એટલું જ નહિ આપણે ઇચ્છીએ છીએ કે એ સલાહથી તેઓનું “દિલ ખુશ થાય.”—નીતિ. ૨૭:૯. w૨૨.૦૨ ૧૮ ¶૧૭; ૧૯ ¶૧૯
બુધવાર, જુલાઈ ૨૬
“આશા પૂરી થવામાં વાર લાગે તો માણસ નિરાશ થઈ જાય છે.” —નીતિ. ૧૩:૧૨.
આપણે ઘણી વાર મુશ્કેલીઓનો સામનો કરવા કે ખરાબ આદત છોડવા યહોવાને પ્રાર્થના કરીએ છીએ. પણ કદાચ આપણી પ્રાર્થનાઓનો જવાબ તરત મળતો નથી. શા માટે યહોવા આપણી બધી જ પ્રાર્થનાઓનો જવાબ તરત આપતા નથી? આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તે જોવા માંગે છે કે આપણને તેમના પર ભરોસો છે કે નહિ. (હિબ્રૂ. ૧૧:૬) તે એ પણ જોવા માંગે છે કે પ્રાર્થના પછી આપણે તેમની ઇચ્છા પ્રમાણે કામ કરીએ છીએ કે નહિ. (૧ યોહા. ૩:૨૨) દાખલા તરીકે, આપણે ખરાબ આદત છોડવા પ્રાર્થના કરીએ, પછી એ માટે મહેનત કરીએ અને ધીરજ રાખીએ. ઈસુએ કહ્યું હતું કે બધી પ્રાર્થનાઓનો જવાબ આપણને તરત ન પણ મળે. તેમણે કહ્યું: “માંગતા રહો અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે. જે કોઈ માંગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે, તેને માટે ખોલવામાં આવશે.”—માથ. ૭:૭, ૮. w૨૧.૦૮ ૮ ¶૧; ૧૦ ¶૯-૧૦
ગુરુવાર, જુલાઈ ૨૭
“મને તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ છે! હું આખો દિવસ એના પર મનન કરું છું.”—ગીત. ૧૧૯:૯૭.
સર્જનહારમાં વિશ્વાસ મજબૂત કરવા આપણે બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. (યહો. ૧:૮) બાઇબલનો અભ્યાસ કરતી વખતે ધ્યાન આપીએ કે એમાં આપેલી ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ. બાઇબલને ભલે અલગ અલગ લેખકોએ લખ્યું છે, પણ શરૂઆતથી લઈને અંત સુધી એના વિચારો એકબીજા સાથે ગૂંથાએલા છે. એ જાણવાથી આપણો વિશ્વાસ મજબૂત થાય છે. એ પણ જાણી શકીએ છીએ કે આપણને બનાવનાર સર્જનહાર પ્રેમાળ અને બુદ્ધિમાન છે અને તેમણે જ બાઇબલ લખાવ્યું છે. (૨ તિમો. ૩:૧૪; ૨ પિત. ૧:૨૧) બાઇબલનો અભ્યાસ કરતી વખતે એ પણ ધ્યાન આપીએ કે એની સલાહથી ફાયદો થાય છે. દાખલા તરીકે વર્ષો પહેલાં બાઇબલમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિને પૈસાનો પ્રેમ હોય છે, તે ઘણાં ‘દુઃખોથી વીંધાય’ છે. (૧ તિમો. ૬:૯, ૧૦; નીતિ. ૨૮:૨૦; માથ. ૬:૨૪) સાચે જ, પૈસાનો મોહ ન રાખવાની બાઇબલની સલાહથી કેટલો ફાયદો થાય છે! શું એવા બીજા બાઇબલ સિદ્ધાંતો વિશે તમે વિચારી શકો જેનાથી તમને ફાયદો થયો છે? જ્યારે આપણે જોઈશું કે બાઇબલમાં આપેલી સલાહથી ફાયદો થાય છે, ત્યારે સર્જનહાર પર આપણો વિશ્વાસ મજબૂત થશે. કારણ કે તે જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. (યાકૂ. ૧:૫) એટલે આપણે તેમની સલાહ માનીશું તો જીવનમાં સુખી રહીશું.—યશા. ૪૮:૧૭, ૧૮. w૨૧.૦૮ ૧૭-૧૮ ¶૧૨-૧૩
શુક્રવાર, જુલાઈ ૨૮
“કેમ કે ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી જાય.”—હિબ્રૂ. ૬:૧૦.
જો તમે વૃદ્ધ ભાઈ કે બહેન હો તો યાદ રાખો કે તમે યહોવાની સેવામાં જે કંઈ કર્યું છે, એને યહોવા ભૂલ્યા નથી. તમે ઉત્સાહથી પ્રચાર કર્યો છે. તમે મુશ્કેલ સમયમાં ધીરજ રાખી છે. તમે બાઇબલનાં ધોરણો પ્રમાણે પોતાનું જીવન જીવ્યા છો. યહોવાના સંગઠનમાં તમે ઘણી બધી જવાબદારીઓ ઉપાડી છે અને બીજાઓને અલગ અલગ તાલીમ પણ આપી છે. જ્યારે સંગઠને અમુક ફેરફારો કરવાનું જણાવ્યું ત્યારે તમે એ પ્રમાણે કર્યું છે. જેઓ પૂરા સમયની સેવા કરે છે તેઓની તમે હિંમત વધારી છે. તમારી વફાદારી જોઈને યહોવા ખૂબ ખુશ છે અને તમને ખૂબ પ્રેમ કરે છે. તેમણે વચન આપ્યું છે કે “તે કદીયે વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ.” (ગીત. ૩૭:૨૮) તેમણે એમ પણ કહ્યું છે કે “તમારા વાળ સફેદ થાય ત્યારે પણ હું તમને ઊંચકી લઈશ.” (યશા. ૪૬:૪) એટલે તમે વૃદ્ધ થઈ ગયા હો તોપણ એમ ન વિચારો કે યહોવાના સંગઠનમાં તમારી કંઈ જરૂર નથી. તમે હજુ પણ ખૂબ અનમોલ છો. w૨૧.૦૯ ૩ ¶૪
શનિવાર, જુલાઈ ૨૯
“યહોવાએ પોતાનો ડર રાખનારાઓને દયા બતાવી છે.” —ગીત. ૧૦૩:૧૩.
યહોવા બુદ્ધિમાન છે એટલે દયા બતાવે છે. બાઇબલમાં લખ્યું છે, ‘જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ દયા અને સારાં ફળોથી ભરપૂર છે.’ (યાકૂ. ૩:૧૭) યહોવા પ્રેમાળ પિતાની જેમ દયા બતાવે છે, કેમ કે તે જાણે છે કે એમાં આપણું જ ભલું છે. (યશા. ૪૯:૧૫) તેમની દયાને લીધે પાપી માણસોને ભાવિની સુંદર આશા મળી છે. એનાથી ખબર પડે છે કે તે કેટલા બુદ્ધિમાન છે. યહોવા જાણે છે કે ક્યારે દયા બતાવવી જોઈએ અને ક્યારે નહિ. યોગ્ય કારણ હોય તો તે દયા બતાવે છે, પણ લોકો પસ્તાવો ન કરે તો તે દયા બતાવતા નથી. ધારો કે મંડળમાં કોઈ ભાઈ કે બહેન જાણીજોઈને પાપ કરે ત્યારે આપણે શું કરવું જોઈએ? પાઉલે લખ્યું, “તેની સાથે હળવા-મળવાનું બંધ કરો.” (૧ કોરીં. ૫:૧૧) એક વ્યક્તિ પસ્તાવો ન કરે તો તેને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. મંડળનાં ભાઈ-બહેનોનું રક્ષણ કરવા અને યહોવાનાં ધોરણોને વળગી રહેવા એમ કરવું જરૂરી છે. w૨૧.૧૦ ૯-૧૦ ¶૭-૮
રવિવાર, જુલાઈ ૩૦
“જે રાજીખુશીથી આપે છે, તેને ઈશ્વર ચાહે છે.” —૨ કોરીં. ૯:૭.
દાન આપવું એ યહોવાની ભક્તિનો ભાગ છે. ઇઝરાયેલીઓએ તહેવારો વખતે યહોવાની આગળ ખાલી હાથે જવાનું ન હતું. (પુન. ૧૬:૧૬) તેઓએ પોતાનાથી જે થઈ શકે એ પ્રમાણે કંઈકને કંઈક ભેટ લઈ જવાની હતી. આમ યહોવા તેઓ માટે જે કરી રહ્યા હતા એની તેઓ કદર બતાવી શકતા. આપણે પણ યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમણે આપણા માટે જે કર્યું છે એની કદર કરવા માંગીએ છીએ. એમ કરવાની એક રીત છે કે આપણે પોતાના સંજોગો પ્રમાણે મંડળ માટે અને દુનિયા ફરતે ચાલી રહેલા કામ માટે દાન આપીએ. પ્રેરિત પાઉલે કહ્યું: “જો દાન આપવાની ઇચ્છા હોય, તો વ્યક્તિ પાસે જે હોય એ પ્રમાણે ઈશ્વર દાન સ્વીકારે છે. તેની પાસે એવી અપેક્ષા રાખવામાં નથી આવતી કે તે એવું કંઈક આપે જે તેની પાસે નથી.” (૨ કોરીં. ૮:૪, ૧૨) યહોવાની ભક્તિનું કામ આગળ વધે એ માટે, આપણે ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપીએ. ભલે આપણું દાન નાનું હોય કે મોટું, દિલથી આપેલાં દાનને યહોવા કીમતી ગણે છે.—માર્ક ૧૨:૪૨-૪૪. w૨૨.૦૩ ૨૪ ¶૧૩
સોમવાર, જુલાઈ ૩૧
“નિરાશ થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.”—૧ થેસ્સા. ૫:૧૪.
વડીલો કંઈ આપણી બધી તકલીફો દૂર કરી શકતા નથી. પણ યહોવા ચાહે છે કે તેઓ આ કપરા સંજોગોમાં બધા ભક્તોને ઉત્તેજન આપે અને તેઓની સંભાળ રાખે. વડીલો પાસે ઘણું કામ હોય છે, એટલે ભાઈ-બહેનો માટે સમય કાઢવો તેઓને અઘરું લાગી શકે. ચાલો જોઈએ કે વડીલોને કઈ રીતે મદદ મળી શકે. પ્રેરિત પાઉલના દાખલાને અનુસરીએ. પાઉલ ભાઈ-બહેનોના વખાણ કરવા અને તેઓને ઉત્તેજન આપવા હંમેશાં તૈયાર રહેતા. વડીલોએ પણ પાઉલના પગલે ચાલીને ભાઈ-બહેનોને પ્રેમ અને લાગણી બતાવવાં તૈયાર રહેવું જોઈએ. (૧ થેસ્સા. ૨:૭) પાઉલ ભાઈ-બહેનોને અહેસાસ કરાવતા કે તે તેઓને ખૂબ પ્રેમ કરે છે અને યહોવા પણ તેઓને પ્રેમ કરે છે. (૨ કોરીં. ૨:૪; એફે. ૨:૪, ૫) પાઉલ ભાઈ-બહેનોને મિત્રો ગણતા હતા. તેઓ સાથે સમય વિતાવતા હતા. તે તેઓ પર પૂરો ભરોસો રાખતા હતા, એટલે પોતાની ચિંતાઓ અને નબળાઈઓ વિશે તેઓને અચકાયા વગર જણાવી શક્યા. (૨ કોરીં. ૭:૫; ૧ તિમો. ૧:૧૫) જોકે એમ કરીને તે પોતાની તકલીફો તરફ ધ્યાન ખેંચવા માંગતા ન હતા, પણ ભાઈ-બહેનોને મદદ કરવા માંગતા હતા. w૨૨.૦૩ ૨૮ ¶૯-૧૦