જૂન
ગુરુવાર, જૂન ૧
“એક ગરીબ વિધવા આવી અને તેણે સાવ ઓછી કિંમતના બે નાના સિક્કા નાખ્યા.”—માર્ક ૧૨:૪૨.
ગરીબ વિધવાના જીવનમાં ઘણાં બધા દુઃખો છે. તેની પાસે જરૂરી ચીજવસ્તુ ખરીદવાના પણ પૈસા નથી. ઈસુની નજર તેના પર પડે છે. તે દાન પેટીમાં બે સિક્કા નાખે છે. એ સિક્કાઓ પડવાનો જરા પણ અવાજ આવતો નથી. પણ ઈસુ જાણે છે કે તેણે કેટલા પૈસા નાખ્યા છે. તેણે બે લેપ્ટા નાખ્યા જેની એ જમાનામાં કોઈ કિંમત ન હતી. એ સમયમાં ચકલી સૌથી સસ્તી ગણાતી. પણ વિધવાએ નાખેલા દાનમાં તો એક ચકલી પણ ન ખરીદી શકાય. ઈસુ એ ગરીબ વિધવાના દાનથી બહુ જ ખુશ થાય છે. તે પોતાના શિષ્યોને બોલાવે છે અને કહે છે, “બધા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે. એ બધાએ [ખાસ કરીને ધનવાનોએ] પોતાની પુષ્કળ ધનદોલતમાંથી નાખ્યું. પણ ગરીબ વિધવાએ પોતાનું બધું જ, એટલે પોતાની આખી જીવન-મૂડી નાખી છે.” (માર્ક ૧૨:૪૩, ૪૪) એ દાન કરીને ગરીબ વિધવાએ બતાવ્યું કે તેને પૂરેપૂરો વિશ્વાસ છે કે યહોવા ચોક્કસ તેનું ધ્યાન રાખશે.—ગીત. ૨૬:૩. w૨૧.૦૪ ૬ ¶૧૭-૧૮
શુક્રવાર, જૂન ૨
“જુઓ, તમે આખા યરૂશાલેમને તમારા શિક્ષણથી ગજવી મૂક્યું છે.”—પ્રે.કા. ૫:૨૮.
ઈસુ ધરતી પર હતા ત્યારે પ્રચારકામમાં લાગુ રહ્યા. તેમને આશા હતી કે કદીક તો લોકો તેમનું સાંભળશે. તે ચાહતા હતા કે શિષ્યો પણ પ્રચારકામમાં લાગુ રહે. (યોહા. ૪:૩૫, ૩૬) શિષ્યો જ્યારે ઈસુ સાથે હતા ત્યારે જોરશોરથી પ્રચાર કરતા હતા. (લૂક ૧૦:૧, ૫-૧૧, ૧૭) પણ ઈસુને પકડવામાં આવ્યા અને મારી નાખવામાં આવ્યા ત્યારે તેઓનો ઉત્સાહ થોડો સમય માટે ઠંડો પડી ગયો. (યોહા. ૧૬:૩૨) ઈસુ જીવતા થયા ત્યારે તેમણે શિષ્યોને પ્રચારકામ કરતા રહેવાનું ઉત્તેજન આપ્યું. તે સ્વર્ગમાં પાછા જતા રહ્યા પછી શિષ્યોએ એટલા જોરશોરથી પ્રચારકામ કર્યું કે દુશ્મનો આજની કલમ પ્રમાણે કહેવા લાગ્યા. પહેલી સદીમાં ઈસુની દેખરેખમાં પ્રચારકામ થયું હતું અને યહોવાએ એ કામ ઉપર ઘણા આશીર્વાદ આપ્યા હતા. સાલ ૩૩ના પચાસમા દિવસે લગભગ ૩૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું (પ્રે.કા. ૨:૪૧) અને શિષ્યોની સંખ્યા વધતી ગઈ. (પ્રે.કા. ૬:૭) ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે છેલ્લા દિવસોમાં ઘણા લોકો સત્ય સ્વીકારશે.—યોહા. ૧૪:૧૨; પ્રે.કા. ૧:૮. w૨૧.૦૫ ૧૪ ¶૧-૨
શનિવાર, જૂન ૩
“જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.”—માથ. ૧૧:૬.
શું તમને યાદ છે એ દિવસ જ્યારે તમને લાગ્યું કે આ જ સત્ય છે? તમને થયું હશે કે બીજાઓ એમાંથી શીખશે તો તેઓનું જીવન પણ સુખી થશે. તેઓને પણ નવી દુનિયાની આશા મળશે. (ગીત. ૧૧૯:૧૦૫) એટલે તમે દોસ્તોને અને બીજા સગાવહાલાઓને એના વિશે કહેવા લાગ્યા હશો. પણ તમે ધાર્યું હતું એવું કંઈ બન્યું નહિ તેઓએ તમારી વાત સાંભળી નહિ. લોકો આપણો સંદેશો ન સાંભળે ત્યારે નવાઈ ન પામવી જોઈએ. ઈસુએ ઘણા ચમત્કારો કર્યા હતા. એનાથી સાફ દેખાઈ આવતું કે ઈશ્વર તેમની મદદ કરી રહ્યા છે. તેમ છતાં એ સમયના લોકોએ ઈસુનો નકાર કર્યો. દાખલા તરીકે, ઈસુએ લાજરસને મરણમાંથી જીવતા કર્યા એ વાત યહુદી ધર્મગુરુઓ નકારી શક્યા નહિ. પણ તેઓએ ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા નહિ. અરે, તેઓ તો લાજરસ અને ઈસુ બંનેને મારી નાખવા માંગતા હતા.—યોહા. ૧૧:૪૭, ૪૮, ૫૩; ૧૨:૯-૧૧. w૨૧.૦૫ ૨ ¶૧-૨
રવિવાર, જૂન ૪
‘આપણે ભેગા મળવાનું છોડી ન દઈએ. પણ એકબીજાને ઉત્તેજન આપતા રહીએ.’—હિબ્રૂ. ૧૦:૨૫.
નિયમિત સભામાં હાજરી આપીએ એનાથી આપણો ઉત્સાહ વધશે અને ભાઈ-બહેનોને પણ સારી રીતે ઓળખી શકીશું. એવાં ભાઈ-બહેનોની દોસ્તી કરીએ જેઓ પાસેથી આપણે કંઈક શીખી શકીએ. પછી ભલે ને તેઓની ઉંમર કે તેઓનો સમાજ આપણાથી અલગ હોય. બાઇબલ કહે છે, “વૃદ્ધો પાસે બુદ્ધિ હોય છે.” (અયૂ. ૧૨:૧૨) મોટી ઉંમરના લોકો પણ વફાદાર યુવાનો પાસેથી ઘણું બધું શીખી શકે છે. દાઉદ અને યોનાથાનની ઉંમર વચ્ચે ઘણો ફરક હતો, તેમ છતાં તેઓ એકબીજાના પાકા દોસ્ત હતા. (૧ શમુ. ૧૮:૧) તેઓના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. પણ તેઓ એકબીજાની મદદથી યહોવાની સેવા કરતા રહ્યા. (૧ શમુ. ૨૩:૧૬-૧૮) ઈરીનાબહેન સત્યમાં એકલાં છે. તે કહે છે, “મંડળનાં ભાઈ-બહેનો આપણાં માટે મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનો સમાન બની શકે છે. યહોવા તેઓ દ્વારા આપણને કુટુંબની ખોટ પડવા દેતા નથી.” તેઓ આપણને મદદ અને ઉત્તેજન આપવા માંગે છે. પણ જ્યાં સુધી આપણે મુશ્કેલી જણાવીશું નહિ, ત્યાં સુધી તેઓ મદદ કરી શકશે નહિ. w૨૧.૦૬ ૧૦-૧૧ ¶૯-૧૧
સોમવાર, જૂન ૫
“જો તમે તમારા ભાઈને દિલથી માફ નહિ કરો, તો સ્વર્ગમાંના મારા પિતા પણ તમારી સાથે એ જ રીતે વર્તશે.”—માથ. ૧૮:૩૫.
ઈસુએ એક દાખલો આપ્યો. એક ચાકરે રાજા પાસેથી ઉધાર લીધું હતું. એ દેવું એટલું મોટું હતું કે ચાકર ચૂકવી શકે એમ ન હતો. એટલે રાજાએ તેનું દેવું માફ કર્યું. પણ એ ચાકરે તેના સાથી ચાકરનું દેવું માફ ન કર્યું. તેના પોતાના દેવા સામે તેના સાથી ચાકરનું દેવું તો કંઈ જ ન હતું. રાજાને એ નિર્દય ચાકર વિશે જાણ થઈ ત્યારે, તે ક્રોધે ભરાયો. તેણે ચાકરને જેલમાં નાંખી દીધો. એ ચાકરે સાથી ચાકર પર દયા રાખી નહિ. એનાથી તેને તો નુકસાન થયું જ, અરે બીજાઓને પણ તકલીફ થઈ. કઈ રીતે? પહેલું, એ ચાકરે સાથી ચાકરને ‘બધું દેવું ન ચૂકવે ત્યાં સુધી કેદમાં નંખાવ્યો.’ બીજું, “બીજા ચાકરોએ આ જોયું ત્યારે, તેઓ બહુ જ દુઃખી થયા.” (માથ. ૧૮:૩૦, ૩૧) એવી જ રીતે આપણાં વાણી-વર્તનથી પણ બીજાઓને ખોટું લાગી શકે છે. દાખલા તરીકે, જો આપણે કોઈને માફ નથી કરતા કે તેની સાથે પ્રેમથી વાત નથી કરતા અથવા તેને જોઈને મોઢું ફેરવીએ છીએ, તો તેને ઘણું દુઃખ થાય છે. બીજાં ભાઈ-બહેનો પણ એ જુએ છે ત્યારે તેઓને પણ એ ગમતું નથી. w૨૧.૦૬ ૨૨ ¶૧૧-૧૨
મંગળવાર, જૂન ૬
“જેઓ પૃથ્વીનો નાશ કરે છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”—પ્રકટી. ૧૧:૧૮.
ઈશ્વરના જેવા ગુણો સાથે માણસોને બનાવવામાં આવ્યા હતા. પણ શેતાન તેઓ પાસે ગંદાં કામ કરાવવા ચાહે છે. નૂહના દિવસોમાં પણ એવું જ કંઈક થયું હતું. યહોવાએ જોયું કે પૃથ્વી પર લોકોની દુષ્ટતા વધી ગઈ છે. “પૃથ્વી પર મનુષ્યો બનાવ્યા એનું યહોવાને દુઃખ થયું અને તેમના દિલને ઠેસ પહોંચી.” (ઉત. ૬:૫, ૬, ફુટનોટ, ૧૧) એ સમયથી લઈને સંજોગો બગડી રહ્યા છે. પુરુષ સ્ત્રી સાથે, પુરુષ પુરુષ સાથે અને સ્ત્રી સ્ત્રી સાથે ગંદાં કામો કરે છે. (એફે. ૪:૧૮, ૧૯) જો યહોવાનો ભક્ત એવું કામ કરે તો શેતાનને ઘણી ખુશી થાય છે. શેતાનના રાજમાં “એક માણસ બીજા માણસ પર સત્તા જમાવીને તેને નુકસાન પહોંચાડે છે.” (સભા. ૮:૯) અરે તેણે ધરતી અને જાનવરોને પણ છોડ્યા નથી. યહોવાએ તેઓની સંભાળ રાખવાનું કામ માણસોને સોંપ્યું હતું. (ઉત. ૧:૨૮) એનું શું પરિણામ આવશે? વૈજ્ઞાનિકોનું માનવું છે કે માણસ પોતાની હરકતો સુધારશે નહિ તો અમુક વર્ષોમાં દસ લાખ જાનવરોની પ્રજાતિ નાશ થઈ જશે. w૨૧.૦૭ ૧૨ ¶૧૩-૧૪
બુધવાર, જૂન ૭
“[યહોવા] દિલથી માફ કરશે.”—યશા. ૫૫:૭.
અગાઉની ભૂલો માટે અમુક ઈશ્વરભક્તોનું દિલ ડંખ્યા કરે છે. તેઓને લાગે છે કે યહોવા ક્યારેય માફ નહિ કરે. જો તમને પણ એવું લાગતું હોય, તો યાદ રાખો કે યહોવા તમને સાચે જ અતૂટ પ્રેમ બતાવે છે અને એ જ પ્રેમને લીધે તમને માફ કરે છે. એ જાણીને આપણે સાફ દિલથી અને ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. કેમ કે “ઈસુનું લોહી આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.” (૧ યોહા. ૧:૭) બની શકે કે આપણાથી વારંવાર ભૂલો થાય, એટલે આપણે નિરાશ થઈ જઈએ. પણ યાદ રાખીએ કે જો પસ્તાવો કરીશું તો યહોવા માફ કરવા તૈયાર છે. અતૂટ પ્રેમને લીધે યહોવા આપણને કેટલી હદે માફ કરે છે એ વિશે એક ગીતના લેખક દાઉદે કહ્યું, “જેમ ધરતીથી આકાશની ઊંચાઈ માપી શકાતી નથી, તેમ ઈશ્વરનો ડર રાખનારાઓ માટેનો તેમનો અતૂટ પ્રેમ માપી શકાતો નથી. જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે, તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.”—ગીત. ૧૦૩:૧૧, ૧૨. w૨૧.૧૧ ૫-૬ ¶૧૨-૧૩
ગુરુવાર, જૂન ૮
“તેનાં બાળકો ઊભા થઈને તેના વખાણ કરે છે, તેનો પતિ પણ ઊભો થઈને તેની પ્રશંસા કરે છે.”—નીતિ. ૩૧:૨૮.
એક ઈશ્વરભક્ત પતિ પોતાની પત્નીને આદર આપશે. (૧ પિત. ૩:૭) એનો અર્થ થાય કે તે પત્નીને સમય આપશે, તેને મહત્ત્વની ગણશે અને તેની કદર કરશે. તે પોતાની પત્ની પાસેથી વધુ પડતી અપેક્ષા નહિ રાખે. તે પોતાની પત્નીને બીજી સ્ત્રીઓ સાથે સરખાવશે નહિ. પણ જો પતિ એવું કરે તો તેની પત્નીને કેવું લાગશે? એ વિશે રોસાબહેનનો દાખલો જોઈએ. તેમનાં પતિ સત્યમાં નથી અને તે રોસાબહેનને બીજી સ્ત્રીઓ સાથે સરખાવે છે. તે એવા શબ્દો બોલે છે જેનાથી રોસાબહેનનું દિલ દુભાય છે. એટલે રોસાબહેનને લાગે છે કે તે કંઈ કામના નથી. એ વિશે બહેન જણાવે છે, “હું વારંવાર પોતાને યાદ અપાવું છું કે યહોવા મારી કદર કરે છે અને મને ખૂબ પ્રેમ કરે છે.” એક ઈશ્વરભક્ત પતિ જાણે છે કે પત્નીને આદર આપશે તો, પત્ની સાથેનો અને યહોવા સાથેનો તેનો સંબંધ મજબૂત થશે. એક ઈશ્વરભક્ત પતિ બીજી એક રીતે પણ પોતાની પત્નીનો આદર કરી શકે છે. તેણે પોતાની પત્નીને ભરોસો અપાવો જોઈએ કે તે તેને પ્રેમ કરે છે અને તેની કદર કરે છે. તેણે બીજાઓ સામે પોતાની પત્નીના વખાણ કરવા જોઈએ. w૨૧.૦૭ ૨૨ ¶૭-૮
શુક્રવાર, જૂન ૯
“હું ધીરજથી રાહ જોઈશ.”—મીખા. ૭:૭.
ધારો કે તમે કોઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, પણ હજુ સુધી તે આવ્યા નથી. એવામાં કદાચ તમે ઉદાસ થાઓ કે ચિંતા કરો. પણ જો તમને ખબર પડે કે કોઈ કારણને લીધે તેમને મોડું થઈ રહ્યું છે તો તમે ચોક્કસ ધીરજ ધરશો અને તેમની રાહ જોશો. નીતિવચનો ૧૩:૧૧માંથી શીખી શકીએ કે આપણે કેમ ધીરજ રાખવી જોઈએ. એમાં લખ્યું છે: “રાતોરાત મેળવેલી દોલત ઘટી જશે, પણ ધીરે ધીરે ભેગી કરેલી દોલત વધતી ને વધતી જશે.” એ સિદ્ધાંતમાંથી શીખવા મળે છે કે કોઈ કામ કરવામાં ઉતાવળ ન કરીએ, પણ ધીરજ રાખીએ. કારણ કે ધીરજનાં ફળ મીઠાં હોય છે. નીતિવચનો ૪:૧૮માં લખ્યું છે: “નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે, જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.” એ કલમથી ખબર પડે છે કે યહોવાએ જે કરવાનું નક્કી કર્યું છે એ પોતાના લોકોને ધીરે ધીરે જણાવે છે. એ પણ જાણવા મળે છે કે એક ઈશ્વરભક્ત પોતાના જીવનમાં ધીરે ધીરે ફેરફાર કરે છે અને યહોવાની નજીક આવે છે. એ કંઈ રાતોરાત નથી થતું, પણ સમય લાગે છે. w૨૧.૦૮ ૮ ¶૧, ૩-૪
શનિવાર, જૂન ૧૦
“હું જઈશ! મને મોકલો!”—યશા. ૬:૮.
જલદી જ આ દુનિયાનો અંત આવવાનો છે. પણ એ પહેલાં આપણી પાસે ઘણું કામ છે. (માથ. ૨૪:૧૪; લૂક ૧૦:૨; ૧ પિત. ૫:૨) આપણે ચાહીએ છીએ કે એ કામ પૂરું મન લગાવીને કરીએ. એટલે ઘણા ઈશ્વરભક્તોએ યહોવાની સેવામાં વધુ કરવાનો નિર્ણય લીધો છે. જેમ કે પાયોનિયર સેવા, બેથેલ સેવા કે બાંધકામ વિભાગમાં સેવા આપવી. ઘણા ભાઈઓ સહાયક સેવક કે વડીલ બનવા મહેનત કરી રહ્યા છે. (૧ તિમો. ૩:૧, ૮) યહોવાના ભક્તો તેમની સેવામાં વધુ કરવાનો પ્રયત્ન કરે છે. એ જોઈને યહોવાને કેટલી ખુશી થતી હશે! (ગીત. ૧૧૦:૩) તમે યહોવાની સેવામાં જે ધ્યેય રાખ્યો હોય એ પૂરો ન કરી શકો ત્યારે શું નિરાશ થઈ જાઓ છો? એવા સમયે યહોવાને પ્રાર્થના કરો, તેમની આગળ દિલ ઠાલવી દો. (ગીત. ૩૭:૫-૭) મંડળના અનુભવી ભાઈઓ સાથે વાત કરી શકો. એ ભાઈઓ તમને યહોવાની સેવામાં વધુ કરવા મદદ કરશે. જો તેઓની સલાહ માનશો તો તમે જે ચાહો છો એ કરી શકશો. w૨૧.૦૮ ૨૦ ¶૧; ૨૧ ¶૪
રવિવાર, જૂન ૧૧
“યહોવા કદીયે વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ.” —ગીત. ૩૭:૨૮.
હાન્ના ૮૪ વર્ષનાં વિધવા હતાં. ‘તે કદી પણ મંદિરે જવાનું ચૂકતાં નહિ.’ તેમની વફાદારી માટે પણ યહોવાએ તેમને ઇનામ આપ્યું. તે બાળક ઈસુને જોઈ શક્યાં. (લૂક ૨:૩૬-૩૮) આજે પણ ઘણાં વૃદ્ધ ભાઈ-બહેનો છે, જેઓનાં દાખલામાંથી યુવાનો શીખી શકે. આપણે તેઓ સાથે વાત કરીએ ત્યારે તેઓને સવાલો પૂછી શકીએ. જેમ કે, યહોવાના સંગઠનમાં તેઓને કેવા આશીર્વાદો મળ્યા છે? જ્યારે તેઓ વાત કરે ત્યારે તેઓનું ધ્યાનથી સાંભળીએ. એમ કરીને આપણે તેઓ પાસેથી ઘણું બધું શીખી શકીશું. આપણાં વૃદ્ધ ભાઈ-બહેનો યહોવા માટે ઘણાં કીમતી છે. યહોવાના સંગઠનમાં તેઓનું ઘણું મહત્ત્વ છે. એ ભાઈ-બહેનોએ જોયું છે કે યહોવાએ સંગઠનના દરેક કામમાં કેવા આશીર્વાદો આપ્યા છે. તેઓએ પોતાના જીવનમાં પણ યહોવાના આશીર્વાદો અનુભવ્યા છે. તેઓ પોતાની ભૂલોથી ઘણું શીખ્યા છે. એ ભાઈ-બહેનો આપણા માટે “બુદ્ધિનો ઝરો” છે, એટલે તેઓને ઓળખવા સમય કાઢીએ. (નીતિ. ૧૮:૪) જો એમ કરીશું તો આપણી શ્રદ્ધા મજબૂત થશે. w૨૧.૦૯ ૩ ¶૪; ૪ ¶૭-૮; ૫ ¶૧૧, ૧૩
સોમવાર, જૂન ૧૨
“થોડામાંથી હજાર બનશે અને નાનકડું ટોળું બળવાન પ્રજા બનશે.”—યશા. ૬૦:૨૨.
યશાયાએ કહ્યું કે યહોવાના લોકો “જોઈતું બધું પૂરું પાડશે” એટલે કે પોતાની આવડતનો પ્રચારકાર્યમાં ઉપયોગ કરશે. (યશા. ૬૦:૫, ૧૬) તેઓની ઇચ્છા અને આવડતને લીધે જ આજે ૨૪૦ દેશોમાં રાજ્યની ખુશખબર ફેલાવવામાં આવી રહી છે. એટલું જ નહિ ૧,૦૦૦થી વધુ ભાષાઓમાં આપણું સાહિત્ય પ્રાપ્ય છે. બધી પ્રજાઓને હલાવવામાં આવી રહી છે. એટલે આજે બધા લોકોએ એક નિર્ણય લેવાનો છે. એ છે કે તેઓ ઈશ્વરના રાજ્યને સાથ આપશે કે પછી આ દુનિયાની સરકારોને. યહોવાના લોકોએ તો નિર્ણય લઈ લીધો છે કે તેઓ ઈશ્વરના રાજ્યને સાથ આપશે. તેઓ દેશના નિયમો પાળે છે પણ રાજકારણમાં માથું મારતા નથી. (રોમ. ૧૩:૧-૭) તેઓ જાણે છે કે ઈશ્વરનું રાજ્ય જ લોકોની મુશ્કેલીઓને દૂર કરશે. જોકે એ રાજ્ય આ દુનિયાનો ભાગ નથી.—યોહા. ૧૮:૩૬, ૩૭. w૨૧.૦૯ ૧૭ ¶૧૩-૧૪
મંગળવાર, જૂન ૧૩
“તેમની આગળ તમારું હૈયું ઠાલવો.”—ગીત. ૬૨:૮.
તમારા કુટુંબમાંથી કોઈ વ્યક્તિ યહોવાની ભક્તિ કરવાનું છોડી દે ત્યારે રોજ બાઇબલ વાંચો, એના પર મનન કરો અને નિયમિત સભામાં જાઓ. એનાથી તમારી અને તમારા કુટુંબની શ્રદ્ધા મજબૂત થશે. ચાલો જોએનાબહેનના દાખલા પર ધ્યાન આપીએ. તેમનાં પપ્પા અને બહેને સત્ય છોડી દીધું. તે કહે છે: “હું બાઇબલમાંથી અબીગાઈલ, એસ્તેર, અયૂબ, યૂસફ, ઈસુ અને બીજાઓ વિશે વાંચું ત્યારે, મારા દિલને ઠંડક મળે છે. હું સારી વાતો પર મન લગાડી શકું છું.” તમે ઉદાસ હો તોપણ યહોવાને પ્રાર્થના કરવાનું ન છોડો. સંજોગોને તેમની નજરે જોઈ શકો માટે તેમને વિનંતિ કરો. તેમની પાસે માંગો કે તે ‘તમને સમજણ આપે અને તમારે જે માર્ગે ચાલવું જોઈએ એ શીખવે.’ (ગીત. ૩૨:૬-૮) જોકે યહોવા આગળ દિલ ઠાલવવાથી કદાચ બાબતો પાછી યાદ આવી જાય અને દુઃખ થાય. પણ ખાતરી રાખો કે યહોવા તમારી લાગણીઓ સમજે છે. તે ચાહે છે કે તમે તેમની આગળ દિલ ઠાલવો.—નિર્ગ. ૩૪:૬; ગીત. ૬૨:૭. w૨૧.૦૯ ૨૭-૨૮ ¶૯-૧૦
બુધવાર, જૂન ૧૪
“આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે. તેનું સાંભળો.”—માથ. ૧૭:૫.
સાલ ૩૨ના પાસ્ખા પછીનો સમય હતો. પ્રેરિત પિતર, યાકૂબ અને યોહાન, ઈસુ સાથે ઊંચા પહાડ પર હતા. પ્રેરિતોએ ત્યાં એક દર્શન જોયું. તેઓની આગળ ઈસુનો દેખાવ બદલાયો. “તેમનો ચહેરો સૂર્યની જેમ પ્રકાશવા લાગ્યો અને તેમનો ઝભ્ભો પ્રકાશની જેમ ઝળહળવા લાગ્યો.” (માથ. ૧૭:૧-૪) પ્રેરિતોએ યહોવાને કહેતા સાંભળ્યાં, “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે. તેનું સાંભળો.” ત્રણેય પ્રેરિતોએ પોતાનાં જીવનથી બતાવ્યું કે તેઓએ ઈસુનું સાંભળ્યું હતું. આપણે પણ એ પ્રેરિતોની જેમ ઈસુનું સાંભળવા માંગીએ છીએ. યહોવા આપણને “મંડળના શિર” ઈસુ ખ્રિસ્ત દ્વારા સૌથી સારી સલાહ આપે છે. (એફે. ૫:૨૩) એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ! પ્રેરિત પિતર, યાકૂબ અને યોહાનની જેમ આપણે ઈસુનું ‘સાંભળતા રહીએ.’ એ બંને સલાહ પાળીશું તો હમણાં આશીર્વાદો મળશે અને ભાવિમાં પણ હંમેશ માટે ખુશ રહી શકીશું. w૨૧.૧૨ ૨૨ ¶૧; ૨૭ ¶૧૯
ગુરુવાર, જૂન ૧૫
“હું તને શિક્ષા તો કરીશ, પણ જેટલી જરૂરી છે એટલી જ કરીશ.” —યર્મિ. ૩૦:૧૧.
કોરીંથ મંડળમાં એક ભાઈએ પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કર્યો. પ્રેરિત પાઉલે વડીલોને સલાહ આપી કે તેને બહિષ્કૃત કરે. કારણ કે એ માણસના લીધે મંડળમાં બીજાં ભાઈ-બહેનો પર ખરાબ અસર થઈ રહી હતી. અમુક તો એને મોટું પાપ પણ ગણતા ન હતા. (૧ કોરીં. ૫:૧, ૨, ૧૩) અમુક સમય પછી પાઉલને ખબર પડી કે એ માણસે પસ્તાવો કર્યો છે. તેણે જીવનમાં મોટા ફેરફારો કર્યા છે. એટલે પાઉલને તેના પર દયા આવી. તેમણે વડીલોને સલાહ આપી કે “તમારે તેને દિલથી માફ કરીને દિલાસો આપવો જોઈએ.” પાઉલે કેમ એવું કહ્યું? કારણ કે પાઉલ ચાહતા હતા, એ માણસ “અતિશય નિરાશામાં ડૂબી ન જાય” અને હિંમત હારી ન બેસે. તેમ જ માફી મેળવવાની આશા છોડી ન દે. (૨ કોરીં. ૨:૫-૮, ૧૧) વડીલો યહોવાની જેમ દયા બતાવે છે. તેઓ જરૂર પડે ત્યારે પાપ કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરે છે. પણ શક્ય હોય ત્યારે તેને દયા બતાવે છે. જો વડીલો ભૂલ કરનારને જરા પણ ન સુધારે, તો તેઓ તેના પર દયા નથી બતાવતા. તેઓ તો જાણે તેને વધારે ભૂલો કરવાનું ઉત્તેજન આપે છે. w૨૧.૧૦ ૧૦-૧૧ ¶૧૨-૧૫
શુક્રવાર, જૂન ૧૬
“તમે વેર ન વાળો. તમારા લોકો માટે મનમાં ખાર ભરી ન રાખો.”—લેવી. ૧૯:૧૮.
આપણે બીજાઓને કેમ માફ કરવા જોઈએ એ સમજવા ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે શાક કાપતી વખતે તમારી આંગળી થોડી કપાઈ જાય છે. તમને એ થોડી વાર દુઃખે, પણ એક બે દિવસ પછી એ યાદેય રહેતું નથી. એવી જ રીતે બની શકે કે તમારા એક દોસ્તે એવું કંઈક કહ્યું કે કર્યું હોય, જેનાથી તમને દુઃખ પહોંચે. પણ એ વાત એટલી મોટી ન હોવાથી તમે તેને માફ કરી દો છો. માની લો કે તમને વધારે વાગ્યું છે. તમે ડૉક્ટર પાસે જાઓ છો અને તે પાટાપિંડી કરે છે. જો તમે એ ઘાને વારંવાર અડશો, તો રૂઝ આવવાને બદલે એ તાજો ને તાજો રહેશે અને તમને વધારે દુઃખશે. એવી જ રીતે કોઈનાં વાણી-વર્તનથી તમારા દિલ પર ઊંડો ઘા વાગ્યો હોય અને એ વિશે વારંવાર વિચારતા રહેશો તો તમને જ નુકસાન થશે. એ સમયે આજના વચનમાં આપેલી સલાહ પાળવાથી ઘણો ફાયદો થશે. w૨૧.૧૨ ૧૨ ¶૧૫
શનિવાર, જૂન ૧૭
“તું કેમ તારા ભાઈનો ન્યાય કરે છે?”—રોમ. ૧૪:૧૦.
ધારો કે વડીલને કોઈ ભાઈ કે બહેનનાં કપડાં કે શણગારની પસંદગી યોગ્ય લાગતી નથી. તે વિચારી શકે, ‘શું બાઇબલમાંથી સલાહ આપવા મારી પાસે કોઈ કારણ છે?’ એ વડીલ જાણે છે કે તેમણે બીજાઓ પર પોતાના વિચારો થોપી બેસાડવા ન જોઈએ. એટલે તે બીજા વડીલને અથવા કોઈ અનુભવી ભાઈ કે બહેનને એ વિશે પૂછી શકે. તેઓ સાથે મળીને પાઉલની સલાહ પર વિચાર કરી શકે. (૧ તિમોથી ૨:૯, ૧૦) પાઉલે કંઈ લાંબું લિસ્ટ આપ્યું નથી કે કેવાં કપડાં પહેરવાં જોઈએ અને કેવાં નહિ. પણ તેમણે જણાવ્યું કે જ્યાં સુધી બાઇબલના સિદ્ધાંતો ન તૂટે ત્યાં સુધી એક ઈશ્વરભક્ત જાતે પસંદગી કરી શકે છે. તેમણે કહ્યું કે એક ઈશ્વરભક્તે સમજી-વિચારીને પસંદગી કરવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે યહોવાનું નામ ખરાબ ન થાય. એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને વડીલે નક્કી કરવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે બે ભાઈઓ અલગ અલગ નિર્ણય લઈ શકે છે. પણ એવું નથી કે એક ભાઈ સાચા છે અને બીજા ખોટા. ખરા-ખોટા વિશે પોતાના વિચારો બીજા પર થોપી ન બેસાડીએ. w૨૨.૦૨ ૧૬ ¶૯-૧૦
રવિવાર, જૂન ૧૮
“એકબીજા સાથે અતૂટ પ્રેમ અને દયાથી વર્તો.”—ઝખા. ૭:૯.
એકબીજાને અતૂટ પ્રેમ બતાવવા આપણી પાસે ઘણાં કારણો છે. અમૂક કારણો નીતિવચનોના પુસ્તકમાં જોવા મળે છે: “અતૂટ પ્રેમ અને વફાદારી બતાવવાનું છોડતો નહિ. . . . ત્યારે તું ઈશ્વરની અને લોકોની કૃપા મેળવીશ અને તેઓની નજરમાં સમજુ ગણાઈશ.” “અતૂટ પ્રેમ બતાવતો માણસ પોતાનું ભલું કરે છે.” ‘જે કોઈ ખરું કરવા મહેનત કરે છે અને અતૂટ પ્રેમ બતાવે છે, તેને જીવન મળે છે.’ (નીતિ. ૩:૩, ૪; ૧૧:૧૭, ફૂટનોટ; ૨૧:૨૧) અતૂટ પ્રેમ કેમ બતાવવો જોઈએ, એ વિશે નીતિવચનોની કલમોમાં ત્રણ મહત્ત્વનાં કારણો જણાવ્યાં છે. એક, અતૂટ પ્રેમ બતાવવાથી આપણે યહોવાની નજરમાં અનમોલ ગણાઈએ છીએ. બે, અતૂટ પ્રેમ બતાવવાથી આપણને જ ફાયદો થાય છે. જેમ કે, આપણે સારા મિત્રો બનાવી શકીએ છીએ. ત્રણ, અતૂટ પ્રેમ બતાવવાથી આપણને ભાવિમાં ઘણા આશીર્વાદો અને હંમેશ માટેનું જીવન મળશે. એટલે ચાલો, આપણે યહોવાની આ વાત માનીએ: “એકબીજા સાથે અતૂટ પ્રેમ અને દયાથી વર્તો.” w૨૧.૧૧ ૮ ¶૧-૨
સોમવાર, જૂન ૧૯
“અમારી શ્રદ્ધા વધારો.”—લૂક ૧૭:૫.
પહેલાંની કે અત્યારની કસોટીઓ પાર કરતી વખતે ખ્યાલ આવે કે આપણી શ્રદ્ધા ઓછી છે તો નિરાશ ન થઈએ. આપણે શ્રદ્ધા વધારવાની કોશિશ કરીએ. યહોવાને દિલથી પ્રાર્થના કરીએ. ખાસ કરીને એવા સમયે જ્યારે આપણી સામે કોઈ મોટી તકલીફ આવે. ભરોસો રાખીએ કે કુટુંબ અને મિત્રો દ્વારા યહોવા આપણી સંભાળ રાખશે. યહોવાની મદદથી આજે આપણે કોઈ પણ કસોટીનો સામનો કરી શકીએ છીએ. એનાથી ભરોસો વધે છે કે આવનાર કસોટીનો સામનો કરવા પણ યહોવા આપણને મદદ કરશે. ઈસુએ તેમના શિષ્યોને ચાર સંજોગોમાં શ્રદ્ધા વધારવાનું કહ્યું. તેમને પૂરી ખાતરી હતી કે જો તેઓ એમ કરશે તો યહોવાની મદદથી આવનાર કસોટીઓ પાર કરી શકશે. (યોહા. ૧૪:૧; ૧૬:૩૩) ઈસુને એ વાતની પણ ખાતરી હતી કે એક મોટું ટોળું અડગ શ્રદ્ધાને લીધે મોટી વિપત્તિ પાર કરશે. (પ્રકટી. ૭:૯, ૧૪) તમે પણ એ મોટા ટોળામાં હશો. જો આજે તમે શ્રદ્ધા અડગ કરવાનો પ્રયત્ન કરશો.—હિબ્રૂ. ૧૦:૩૯. w૨૧.૧૧ ૨૫ ¶૧૮-૧૯
મંગળવાર, જૂન ૨૦
“યહોવાનો ડર રાખતા લોકોની આસપાસ તેમનો દૂત છાવણી નાખે છે.”—ગીત. ૩૪:૭.
આજે આપણે એવી આશા રાખતા નથી કે યહોવા કોઈ ચમત્કાર કરીને આપણો બચાવ કરશે. પણ આપણને પૂરો ભરોસો છે કે જો આપણો જીવ જાય, તોપણ યહોવા આપણને ભાવિમાં હંમેશ માટેનું જીવન આપશે. યહોવા પર આપણો ભરોસો કેટલો મજબૂત છે, એ બતાવવાનો મોકો બહુ જલદી જ મળશે. થોડા જ સમયમાં માગોગનો ગોગ, એટલે કે દેશોનો સમુહ આપણા પર હુમલો કરશે. એ સમયે આપણું જીવન જોખમમાં હશે. આપણે ભરોસો રાખવો પડશે કે યહોવા આપણું રક્ષણ કરી શકે છે અને તે કરશે પણ ખરા. એ દેશોને, એટલે કે આપણા દુશ્મનોને એવું લાગશે કે આપણે લાચાર ઘેટાં જેવા છીએ. તેઓને થશે કે આપણો બચાવનાર કોઈ નથી. (હઝકિ. ૩૮:૧૦-૧૨) એ સમયે આપણી પાસે ન તો કોઈ હથિયાર હશે, ન તો આપણને યુદ્ધ લડતા આવડતું હશે. તેઓને લાગશે કે આપણો નાશ તો ચપટીમાં કરી નાખશે. હકીકતમાં યહોવાના દૂતોએ આપણો બચાવ કરવા આપણી આસપાસ છાવણી નાખી હશે. એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. પણ આપણા દુશ્મનો એ નથી જાણતા, કેમ કે તેઓને ઈશ્વરમાં જરાય શ્રદ્ધા નથી. સ્વર્ગના દૂતોનું સૈન્ય, આપણા બચાવમાં આવશે અને તેઓ સાથે લડશે ત્યારે તેઓના હોશ ઊડી જશે.—પ્રકટી. ૧૯:૧૧, ૧૪, ૧૫. w૨૨.૦૧ ૬ ¶૧૨-૧૩
બુધવાર, જૂન ૨૧
“સર્વ ભાઈઓને પ્રેમ બતાવો.”—૧ પિત. ૨:૧૭.
યહોવા બધા ઈશ્વરભક્તોને પ્રેમ કરે છે. એટલે આપણે ફક્ત અમુક ભાઈ-બહેનોને જ નહિ પણ ‘સર્વ ભાઈઓને પ્રેમ બતાવવો’ જોઈએ. તેઓના દિલને ઠેસ ન લાગે એનું આપણે ધ્યાન રાખીએ. જો આપણે કોઈને ખોટું લગાડ્યું હોય, તો એમ ન વિચારીએ કે ‘આ શું રાઈનો પહાડ બનાવે છે. તેણે વાતને ભૂલી જવી જોઈએ અને માફ કરી દેવું જોઈએ.’ લોકોને ઘણી વાતોથી ખોટું લાગી શકે છે. અમુક લોકોનો ઉછેર એ રીતે થયો હોય છે કે તેઓ પોતાને બીજાઓથી નીચા ગણે છે. અમુક લોકો સત્યમાં નવા છે અને તેઓ બીજાને માફ કરવાનું શીખી રહ્યા છે. ભલે ગમે એ હોય, આપણે સુલેહ-શાંતિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણને વાતે વાતે ખોટું લાગી જતું હોય તો એ સારું ન કહેવાય. આપણે પોતાનામાં ફેરફાર કરવા જોઈએ. એમ કરીશું તો આપણે ખુશ રહી શકીશું અને ભાઈ-બહેનો સાથે આપણો સંબંધ જાળવી શકીશું. w૨૧.૦૬ ૨૧ ¶૭
ગુરુવાર, જૂન ૨૨
“યહોવા એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે, જેઓ તેમને ખરાં દિલથી વિનંતી કરે છે.”—ગીત. ૧૪૫:૧૮.
ઈસુ આપણી લાગણી સમજે છે. આપણે ચિંતામાં હોઈએ ત્યારે મિત્રના દિલાસાથી આપણાં દિલને ઠંડક મળે છે. એ મિત્ર આપણા જેવા સંજોગોમાંથી પસાર થયો છે, એટલે તે આપણી લાગણી સારી રીતે સમજી શકે છે. ઈસુ પણ એ મિત્ર જેવા છે. તે સમજે છે કે આપણે લાચાર હોઈએ ત્યારે મદદની જરૂર પડે છે. તે આપણી નબળાઈઓ જાણે છે અને આપણને “મદદની જરૂર હોય ત્યારે” એ પૂરી પાડે છે. (હિબ્રૂ. ૪:૧૫, ૧૬) ઈસુએ પોતે પણ ગેથશેમાને બાગમાં દૂતની મદદ લીધી હતી. આપણે પણ યહોવાની મદદ લેવા તૈયાર રહેવું જોઈએ. તે આપણને અલગ અલગ રીતે મદદ કરે છે. તે સાહિત્ય, વીડિયો, પ્રવચનો, વડીલો કે મંડળનાં ભાઈ-બહેનો દ્વારા મદદ કરે છે. (લૂક ૨૨:૩૯-૪૪) યહોવા આપણને “શાંતિ” અને હિંમત આપશે. જ્યારે આપણે પ્રાર્થના કરીશું તો ઈશ્વર આપણને એવી ‘શાંતિ આપશે, જે આપણી સમજશક્તિની બહાર છે.’—ફિલિ. ૪:૬, ૭. w૨૨.૦૧ ૧૮-૧૯ ¶૧૭-૧૯
શુક્રવાર, જૂન ૨૩
‘તેઓ ભાઈઓને પ્રેરિતોએ લીધેલા નિર્ણયો જણાવતા.’—પ્રે.કા. ૧૬:૪.
યહોવા જે કંઈ કરે છે એ હંમેશાં સાચું છે. યહોવાએ સંગઠનમાં આગેવાની લેવા અમુક ભાઈઓને પસંદ કર્યા છે. પણ ક્યારેક એ ભાઈઓ પર ભરોસો મૂકવો અઘરું લાગી શકે. આપણને થાય કે શું એ ભાઈઓ યહોવાના માર્ગદર્શન પ્રમાણે કામ કરતા હશે કે મનમાની કરતા હશે? યહોવાને પોતાના સંગઠનમાં અને મંડળમાં આગેવાની લેતા ભાઈઓ પર પૂરો ભરોસો છે. એટલે એ ભાઈઓ પર ભરોસો નહિ મૂકીએ તો કઈ રીતે કહી શકીએ કે આપણને યહોવા પર ભરોસો છે. યહોવાએ પોતાના સંગઠનના પૃથ્વી પરના ભાગને દોરવા ‘વિશ્વાસુ અને સમજુ ચાકરને’ નીમ્યો છે. (માથ. ૨૪:૪૫) પહેલી સદીના નિયામક જૂથની જેમ એ ચાકર દુનિયા ફરતેના ઈશ્વરભક્તોની દેખરેખ રાખે છે અને મંડળના વડીલોને માર્ગદર્શન આપે છે. વડીલો એ માર્ગદર્શન પ્રમાણે મંડળમાં કામ કરે છે. આપણે સંગઠન અને વડીલો તરફથી મળતા માર્ગદર્શનને માનવું જોઈએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણને યહોવાની કામ કરવાની રીત પર ભરોસો છે. w૨૨.૦૨ ૪ ¶૭-૮
શનિવાર, જૂન ૨૪
“સારું કરવાનું પડતું ન મૂકીએ.”—ગલા. ૬:૯.
આપણને યહોવાના સાક્ષી બનવાનો કેટલો મોટો લહાવો મળ્યો છે! “જેઓનું દિલ સારું” છે તેઓને શિષ્ય બનવા મદદ કરીએ છીએ ત્યારે આપણને ઘણી ખુશી થાય છે. (પ્રે.કા. ૧૩:૪૮) ઈસુને પણ એવી ખુશી થઈ હતી. શિષ્યોએ પ્રચારમાં થયેલા સારા અનુભવો વિશે ઈસુને જણાવ્યું ત્યારે ‘તેમની ખુશીનો પાર રહ્યો નહિ.’ (લૂક ૧૦:૧, ૧૭, ૨૧) પ્રેરિત પાઉલે તિમોથીને કહ્યું, ‘તારા પોતાના પર અને તારા શિક્ષણ પર હંમેશાં ધ્યાન આપજે. એમ કરવાથી તું પોતાને અને તારી વાત સાંભળનાર લોકોને બચાવી લઈશ.’ (૧ તિમો. ૪:૧૬) આપણા માટે પ્રચારકામ ખૂબ મહત્ત્વનું છે, કેમ કે એનાથી લોકોનું જીવન બચે છે. આપણે ઈશ્વરના રાજ્યની પ્રજા છીએ, એટલે હંમેશાં પોતાના પર ધ્યાન આપવું જોઈએ. આપણાં કાર્યોથી યહોવાને મહિમા મળવો જોઈએ. આપણે એ રીતે જીવન જીવવું જોઈએ, જેનાથી દેખાઈ આવે કે આપણે જે શીખવીએ છીએ એ પ્રમાણે કરીએ પણ છીએ. (ફિલિ. ૧:૨૭) આપણે ‘પોતાના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.’ કઈ રીતે? પ્રચારમાં જતા પહેલાં આપણે સારી તૈયારી કરવી જોઈએ. પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગવી જોઈએ. w૨૧.૧૦ ૨૪ ¶૧-૨
રવિવાર, જૂન ૨૫
“નવો સ્વભાવ પહેરી લો.”—કોલો. ૩:૧૦.
જે “નવો સ્વભાવ” પહેરે છે તે યહોવાને અનુસરે છે. તે પોતાનાં વિચારો, લાગણીઓ અને કાર્યોમાં પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો બતાવે છે. દાખલા તરીકે, તે યહોવા અને તેમના લોકોને પ્રેમ કરે છે. (માથ. ૨૨:૩૬-૩૯) તે મુશ્કેલીઓમાં આનંદ જાળવી રાખે છે. (યાકૂ. ૧:૨-૪) તે બીજાઓ સાથે સુલેહ-શાંતિ કરે છે. (માથ. ૫:૯) તે બીજાઓ સાથે ધીરજથી વર્તે છે અને તેઓ પર કૃપા બતાવે છે. (કોલો. ૩:૧૩) તે બીજાઓનું ભલું કરે છે. (લૂક ૬:૩૫) તે પોતાનાં કામોથી બતાવે છે કે તેને ઈશ્વર પર પૂરી શ્રદ્ધા છે. (યાકૂ. ૨:૧૮) બીજાઓ તેને ભડકાવે તોપણ તે કોમળતાથી વર્તે છે. બીજાઓ તેને લલચાવે તોપણ તે સંયમ રાખે છે. (૧ કોરીં. ૯:૨૫, ૨૭; તિત. ૩:૨) નવો સ્વભાવ પહેરવા આપણે ગલાતીઓ ૫:૨૨, ૨૩ અને બીજી કલમોમાં બતાવેલા બધા ગુણો કેળવવા જોઈએ. w૨૨.૦૩ ૮-૯ ¶૩-૪
સોમવાર, જૂન ૨૬
“તમે મારા પગલે ચાલનારા બનો.”—૧ કોરીં. ૧૧:૧.
વડીલો પ્રેરિત પાઉલના પગલે ચાલી શકે છે. તેઓએ ઘર ઘરના પ્રચારકાર્ય કરવાની સાથે સાથે ખુશખબર ફેલાવવાની દરેક તક ઝડપી લેવી જોઈએ. (એફે. ૬:૧૪, ૧૫) વડીલો પાસે બીજાઓને અને ખાસ કરીને સહાયક સેવકોને તાલીમ આપવાની જવાબદારી છે. તેઓને પ્રચારમાં સાથે લઈ જવાથી વડીલોને એમ કરવાની સારી તક મળે છે. આમ વડીલો પાઉલને અનુસરે છે. (૧ પિત. ૫:૧, ૨) પણ, વડીલોએ કામોમાં એટલા ડૂબી ન જવું જોઈએ કે પ્રચાર માટે સમય જ ન બચે. (માથ. ૨૮:૧૯, ૨૦) તેઓ પાસે જે જવાબદારી છે એને સારી રીતે હાથ ધરી શકે માટે નવી જવાબદારી લેતા પહેલાં તેઓએ વિચાર કરવો જોઈએ. એ વિશે તેઓએ પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના પછી તેઓને કદાચ અહેસાસ થાય કે જો તેઓ નવી જવાબદારી સ્વીકારશે તો બીજાં મહત્ત્વનાં કામો રહી જશે. જેમ કે, કુટુંબ તરીકેની ભક્તિ કરવી, પ્રચારમાં ઉત્સાહથી ભાગ લેવો અથવા બાળકોને પ્રચાર કરતા શીખવવું. તેઓ ખાતરી રાખી શકે કે યહોવા તેઓની લાગણીઓ સમજે છે. તે જાણે છે કે તેઓ સોંપેલું કામ સારી રીતે હાથ ધરવા પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. w૨૨.૦૩ ૨૭ ¶૪, ૭; ૨૮ ¶૮
મંગળવાર, જૂન ૨૭
“જેઓ તમને મારી નાખી શકે છે પણ ભાવિમાં મળનાર જીવન છીનવી શકતા નથી, તેઓથી ડરશો નહિ.”—માથ. ૧૦:૨૮.
યાદ કરો, તમે અભ્યાસ કરતા હતા ત્યારે તમને કઈ વાતનો ડર સતાવતો હતો? તમને એવો ડર લાગ્યો હશે કે તમારા દોસ્તો કે સગાંવહાલાઓ તમારો વિરોધ કરશે. કદાચ તમને ઘરઘરનો પ્રચાર કરવો અઘરું લાગ્યું હશે. એટલે તમારા વિદ્યાર્થીની લાગણીઓ તમે સમજી શકો છો. કારણ કે તમે પણ એવા સંજોગોથી પસાર થઈ ચૂક્યા છો. ઈસુ જાણતા હતા કે લોકોને એવો ડર સતાવશે. તેમ છતાં તેમણે કહ્યું કે ડરને લીધે યહોવાની સેવા કરવાનું ન છોડીએ. (માથ. ૧૦:૧૬, ૧૭, ૨૭) વિદ્યાર્થીને પ્રચાર કરવાનું શીખવીએ. ઈસુએ શિષ્યોને પ્રચાર કરવા મોકલ્યા ત્યારે તેઓને ચોક્કસ ડર લાગ્યો હશે. તેઓને મદદ કરવા ઈસુએ તેઓને જણાવ્યું કે કેવા કેવા લોકોને પ્રચાર કરવો જોઈએ અને કઈ રીતે બોલવું જોઈએ. (માથ. ૧૦:૫-૭) આપણે ઈસુ જેવું કઈ રીતે કરી શકીએ? વિદ્યાર્થી ક્યારે પ્રચાર કરી શકે એ જોવા તેને મદદ કરીએ. દાખલા તરીકે, શું તે એવી કોઈ વ્યક્તિને ઓળખે છે જેને બાઇબલમાંથી શીખવાનું ગમી શકે? આપણે તેની સાથે મળીને તૈયારી કરી શકીએ. w૨૧.૦૬ ૬ ¶૧૫-૧૬
બુધવાર, જૂન ૨૮
“હું બધી પ્રજાઓને હલાવી નાખીશ. એની કીમતી વસ્તુઓ મારા ઘરમાં આવશે.”—હાગ્ગા. ૨:૭.
સાલ ૨૦૧૫માં નેપાળમાં એક મોટો ધરતીકંપ થયો. એ ધરતીકંપમાંથી બચી જનારા અમુક લોકોએ કહ્યું, “થોડી જ મિનિટોમાં દુકાનો અને જૂની બિલ્ડિંગો તૂટી પડી.” “ચારેબાજુ અફરાતફરી મચી ગઈ. . . . ઘણા લોકો કહેતા કે ધરતીકંપ થોડી જ મિનિટનો હતો, પણ મને તો એ બહુ લાંબો લાગ્યો.” આજે આખી દુનિયા એક અલગ પ્રકારના આંચકાનો અનુભવ કરી રહી છે. હાગ્ગાય પ્રબોધકે લખ્યું હતું: “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘ફરી એક વાર, બસ થોડી જ વારમાં હું આકાશોને, પૃથ્વીને હલાવી નાખીશ.’” (હાગ્ગા. ૨:૬) ધરતીકંપમાં ધરતી ધ્રૂજે અને વિનાશ થાય. પણ હાગ્ગાય એના વિશે વાત કરી રહ્યા ન હતા. તેમણે કહ્યું કે જ્યારે બધી પ્રજાઓને હલાવવામાં આવશે ત્યારે સારાં પરિણામો આવશે. યહોવા કહે છે, “હું બધી પ્રજાઓને હલાવી નાખીશ. એની કીમતી વસ્તુઓ મારા ઘરમાં આવશે અને હું મારા ઘરને ગૌરવથી ભરી દઈશ.” w૨૧.૦૯ ૧૪ ¶૧-૩
ગુરુવાર, જૂન ૨૯
“મારી કસોટીઓમાં તમે જ મને સાથ આપ્યો છે.”—લૂક ૨૨:૨૮.
કોઈની સાથે દોસ્તી કરવા તેની સાથે વાત કરીએ છીએ અને તેને દિલની વાત જણાવીએ છીએ. યહોવા સાથેની દોસ્તીમાં પણ એવું જ કંઈક છે. આપણે તેમને આપણી ચિંતાઓ, ભાવનાઓ અને દિલની લાગણીઓ જણાવીએ છીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણને યહોવા પર ભરોસો છે અને ખાતરી છે કે તે આપણને પ્રેમ કરે છે. (ગીત. ૯૪:૧૭-૧૯; ૧ યોહા. ૫:૧૪, ૧૫) વફાદાર દોસ્તો સાથે સમય વિતાવો. યહોવાએ મંડળમાં એવાં ઘણાં ભાઈ-બહેનો આપ્યાં છે, જેઓ “દરેક સમયે પ્રેમ બતાવે છે.” (નીતિ. ૧૭:૧૭) તેઓ યહોવા તરફથી કીમતી ભેટ છે. (યાકૂ. ૧:૧૭) એનાથી ખબર પડે છે કે યહોવાને તમારી ખૂબ ચિંતા છે. પ્રેરિત પાઉલે કોલોસીઓના પત્રમાં એ ભાઈ-બહેનોનાં નામ લખ્યાં, જેઓએ તેમને “ઘણો દિલાસો આપ્યો” હતો. (કોલો. ૪:૧૦, ૧૧) ઈસુને પણ દોસ્તોની જરૂર હતી. સ્વર્ગદૂતોએ તેમનો સાથ આપ્યો ત્યારે તેમણે એ માટે તેઓનો આભાર માન્યો. (લૂક ૨૨:૪૩) દોસ્તોને પોતાની ચિંતાઓ અને તકલીફો જણાવવાનો એ અર્થ નથી કે તમારી શ્રદ્ધા નબળી છે. પણ તમે દોસ્તો સાથે વાત કરો છો તો એનાથી તમારી શ્રદ્ધાનું રક્ષણ થાય છે. w૨૧.૦૪ ૨૪-૨૫ ¶૧૪-૧૬
શુક્રવાર, જૂન ૩૦
“પ્રેમ બધું સહન કરે છે, બધામાં ભરોસો રાખે છે, બધાની આશા રાખે છે, બધું ધીરજ રાખીને સહન કરે છે.”—૧ કોરીં. ૧૩:૭.
કોઈ ભાઈ કે બહેનના ખરાબ વર્તનના લીધે આપણને ખોટું લાગ્યું હોય તો આપણે શું કરવું જોઈએ? આપણે શાંતિ જાળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ. આપણે યહોવાને પ્રાર્થના કરીએ અને તેમની આગળ આપણું દિલ ઠાલવી દઈએ. એ ભાઈ કે બહેન માટે પણ આપણે પ્રાર્થના કરીએ. એટલું જ નહિ, યહોવાની જેમ એ ભાઈ કે બહેનના સારા ગુણો પર આપણે ધ્યાન આપી શકીએ માટે પ્રાર્થના કરીએ. (લૂક ૬:૨૮) જો આપણે તેમની ભૂલોને માફ કરી શકતા ન હોય તો તેમની સાથે વાત કરીએ. એવું ક્યારેય ન વિચારીએ કે તેમણે જાણીજોઈને આપણને ઠેસ પહોંચાડી છે. (માથ. ૫:૨૩, ૨૪) આપણે તેમની વાત સાંભળીએ અને તેમના પર ભરોસો કરીએ. જો એ ભાઈ કે બહેન સુલેહ-શાંતિ કરવા માંગતા ન હોય, તો આપણે ધીરજ રાખીએ અને ‘એકબીજાનું સહન કરીએ.’ (કોલો. ૩:૧૩) સૌથી મહત્ત્વનું તો આપણે મનમાં ખાર ભરી ન રાખીએ. જો આપણે મનમાં ખાર ભરી રાખીશું તો યહોવા સાથેનો સંબંધ કમજોર પડી જશે. આપણે બીજાઓના લીધે ઠોકર ન ખાઈએ. એમ કરીને બતાવીએ છીએ કે સૌથી વધારે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ.—ગીત. ૧૧૯:૧૬૫. w૨૧.૦૬ ૨૩ ¶૧૫