વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es23 પાન ૫૫-૬૭
  • મે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
  • મથાળાં
  • સોમવાર, મે ૧
  • મંગળવાર, મે ૨
  • બુધવાર, મે ૩
  • ગુરુવાર, મે ૪
  • શુક્રવાર, મે ૫
  • શનિવાર, મે ૬
  • રવિવાર, મે ૭
  • સોમવાર, મે ૮
  • મંગળવાર, મે ૯
  • બુધવાર, મે ૧૦
  • ગુરુવાર, મે ૧૧
  • શુક્રવાર, મે ૧૨
  • શનિવાર, મે ૧૩
  • રવિવાર, મે ૧૪
  • સોમવાર, મે ૧૫
  • મંગળવાર, મે ૧૬
  • બુધવાર, મે ૧૭
  • ગુરુવાર, મે ૧૮
  • શુક્રવાર, મે ૧૯
  • શનિવાર, મે ૨૦
  • રવિવાર, મે ૨૧
  • સોમવાર, મે ૨૨
  • મંગળવાર, મે ૨૩
  • બુધવાર, મે ૨૪
  • ગુરુવાર, મે ૨૫
  • શુક્રવાર, મે ૨૬
  • શનિવાર, મે ૨૭
  • રવિવાર, મે ૨૮
  • સોમવાર, મે ૨૯
  • મંગળવાર, મે ૩૦
  • બુધવાર, મે ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
es23 પાન ૫૫-૬૭

મે

સોમવાર, મે ૧

‘જેમણે સહન કર્યું તેમના પર પૂરું ધ્યાન આપો.’—હિબ્રૂ. ૧૨:૩.

આપણે ઈસુને સારી રીતે ઓળખી શકીએ માટે યહોવાએ કઈ મદદ આપી છે? તેમણે બાઇબલમાં ખુશખબરનાં ચાર પુસ્તકો લખાવ્યા છે, જે માથ્થી, માર્ક, લૂક અને યોહાન છે. એ પુસ્તકોમાં ઈસુના જીવન અને સેવાકાર્ય વિશે લખવામાં આવ્યું છે. એમાંથી આપણે જાણી શકીએ છીએ કે ઈસુ કેવા હતા, તેમણે શું કહ્યું હતું, તેમણે શું કર્યું હતું અને તેમની લાગણીઓ કેવી હતી. એ પુસ્તકો વાંચીશું તો ‘ઈસુ પર પૂરું ધ્યાન આપી શકીશું.’ ખુશખબરનાં એ પુસ્તકોનો અભ્યાસ કરતા જઈશું તેમ ઈસુને સારી રીતે ઓળખી શકીશું અને તેમના પગલે ચાલી શકીશું. ખુશખબરનાં ચાર પુસ્તકોમાંથી ઈસુ વિશે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. આપણે એ પુસ્તકો ફક્ત વાંચવાં જ ન જોઈએ પણ એનો અભ્યાસ કરવો જોઈએ અને એના પર મનન કરવું જોઈએ. (યહોશુઆ ૧:૮ સરખાવો.) પોતાના મનમાં એ અહેવાલોનું એક ચિત્ર ઊભું કરો. ખુશખબરનાં ચાર પુસ્તકોમાંથી તમે એક અહેવાલ વાંચી રહ્યા છો. તમે એની કલ્પના કરો, એને જુઓ, એને સાંભળો અને એને મહેસુસ કરો. આપણાં સાહિત્યમાં એના વિશે વધારે સંશોધન કરો. w૨૧.૦૪ ૫ ¶૧૧-૧૩

મંગળવાર, મે ૨

“વધસ્તંભ પર મારી નાખેલા ખ્રિસ્તને અમે જાહેર કરીએ છીએ, એ વાત યહૂદીઓ માટે ઠોકરરૂપ છે.”—૧ કોરીં. ૧:૨૩.

ઈસુ પૃથ્વી પર આવ્યા એના ઘણાં વર્ષો પહેલાં યહોવાએ જણાવ્યું હતું કે ખ્રિસ્તને ચાંદીના ૩૦ સિક્કા માટે દગો આપવામાં આવશે. (ઝખા. ૧૧:૧૨, ૧૩) એ દગો દેનાર તેમનો નજીકનો સાથી હશે. (ગીત. ૪૧:૯) પ્રબોધક ઝખાર્યાએ પણ લખ્યું હતું કે “ઘેટાંપાળકને માર અને ટોળાને વિખેરાઈ જવા દે.” (ઝખા. ૧૩:૭) ઈસુમાં એ બધી ભવિષ્યવાણીઓ પૂરી થતા જોઈને નમ્ર લોકોનો વિશ્વાસ વધારે મજબૂત થવો જોઈતો હતો. શું આજે પણ લોકો એવા છે? હા, છે. આપણા સમયમાં પણ ઘણા જાણીતા સાક્ષીઓએ ઈશ્વરની સેવા કરવાનું છોડી દીધું છે. તેઓ સત્ય વિરુદ્ધ થઈ ગયા છે અને બીજાઓને પણ ઈશ્વરની સેવા કરતા રોકવાનો પ્રયત્ન કરે છે. તેઓ ટીવી, પેપર, રેડિયો અને ઇન્ટરનેટ પર યહોવાના સાક્ષીઓ વિશે અફવાઓ ફેલાવે છે. પણ નમ્ર દિલના લોકો જાણે છે કે એવી વાતો પર ધ્યાન આપવું ન જોઈએ. કારણ કે બાઇબલમાં અગાઉથી જ જણાવ્યું હતું કે એવું થશે.—માથ. ૨૪:૨૪; ૨ પિત. ૨:૧૮-૨૨. w૨૧.૦૫ ૧૧ ¶૧૨; ૧૨ ¶૧૮-૧૯

બુધવાર, મે ૩

“નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે, જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.”—નીતિ. ૪:૧૮.

બાઇબલમાં લખ્યું છે કે યહોવા ધીરે ધીરે સત્યની સમજણ વધારે છે. (કોલો. ૧:૯, ૧૦) એટલે આપણે તેમના સમયની રાહ જોવી જોઈએ અને ધીરજ રાખવી જોઈએ. નિયામક જૂથને ખબર પડે કે કોઈ સમજણમાં કે સંગઠન ચલાવવાની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે તો, તેઓ તરત પગલાં ભરે છે. તેઓ જરાય અચકાતા નથી. ચર્ચના લોકો પોતાના સભ્યો અને દુનિયાના લોકોને ખુશ કરવા પોતાનાં શિક્ષણમાં ફેરફાર કરે છે. જ્યારે કે યહોવાના સાક્ષીઓ, યહોવાને ખુશ કરવા અને ઈસુની જેમ ભક્તિ કરવા ફેરફાર કરે છે. (યાકૂ. ૪:૪) તેઓ દુનિયાના વિચારો પ્રમાણે નહિ પણ બાઇબલની વધારે સમજણ મળે ત્યારે ફેરફાર કરે છે.—૧ થેસ્સા. ૨:૩, ૪. w૨૧.૧૦ ૨૨ ¶૧૨

ગુરુવાર, મે ૪

“તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો.”—૧ પિત. ૫:૭.

તમને એકલું એકલું લાગે ત્યારે શું કરી શકો? યહોવા આપણી કઈ રીતે સંભાળ રાખે છે એના પર મનન કરીએ. (ગીત. ૫૫:૨૨) એનાથી ખાતરી થશે કે આપણે એકલા નથી. એ પણ વિચારીએ કે યહોવા એવાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરે છે જેઓને એકલું એકલું લાગે છે. (૧ પિતર ૫:૯, ૧૦) હિરોશીભાઈ વર્ષોથી સત્યમાં એકલા છે. એ કહે છે, “બધાં યહોવાની સેવા કરવા પૂરેપૂરો પ્રયત્ન કરે છે. એ જાણવાથી મારા જેવા લોકોને ઉત્તેજન મળે છે જેઓ સત્યમાં એકલા હોય છે.” સાથે સાથે બાઇબલ વાંચીએ, સભાઓમાં જઈએ અને પ્રાર્થનામાં લાગુ રહીએ. આપણે યહોવા સાથે દિલ ખોલીને વાત કરીએ. દરરોજ બાઇબલ વાંચીએ અને એવા દાખલાઓ પર મનન કરીએ, જેનાથી ખબર પડે કે યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે. અમુક ભાઈ-બહેનોને બાઇબલની કલમોથી દિલાસો મળે છે. તેઓ એને મોઢે કરી લે છે, જેમ કે ગીતશાસ્ત્ર ૨૭:૧૦ અને યશાયા ૪૧:૧૦. અમુક ભાઈ-બહેનો સભાની તૈયારી કરતી વખતે અથવા બાઇબલ વાંચતી વખતે એનું રેકોર્ડિંગ સાંભળે છે. આ રીતે તેઓ પોતાની એકલતા દૂર કરી શકે છે. w૨૧.૦૬ ૯-૧૦ ¶૫-૮

શુક્રવાર, મે ૫

“અચાનક આવી પડતાં સંકટથી તને ડર નહિ લાગે.”—નીતિ. ૩:૨૫.

શું કોઈ સગા કે મિત્રને મરણમાં ગુમાવવાને લીધે તમે શોકમાં ડૂબી ગયા છો? જો એમ હોય તો બાઇબલમાંથી એવા લોકો વિશે વાંચો જેઓને પાછા જીવતા કરવામાં આવ્યા હતા. તમારા એ સગા કે મિત્ર જરૂર પાછા જીવતા થશે એવી શ્રદ્ધા મજબૂત કરો. શું તમારા કુટુંબમાંથી કોઈને બહિષ્કૃત કરવામાં આવ્યા છે એટલે તમે દુઃખી છો? યહોવાની સુધારવાની રીત સૌથી સારી છે એવો ભરોસો મજબૂત કરવા બાઇબલ અને સાહિત્યમાંથી અભ્યાસ કરો. ભલે તકલીફો આવે, એને શ્રદ્ધા મજબૂત કરવાની એક તક ગણો. પ્રાર્થનામાં યહોવાને દિલની બધી વાત જણાવો. પોતાને એકલા ન પાડી દો પણ ભાઈ-બહેનોની નજીક રહો. (નીતિ. ૧૮:૧) જો તમારું દુઃખ યાદ આવી જાય અને દિલ ભરાઈ આવે તોપણ યહોવાની ભક્તિમાં લાગુ રહો. (ગીત. ૧૨૬:૫, ૬) સભા અને પ્રચારમાં જાઓ. બાઇબલ વાંચતા રહો. એવા આશીર્વાદો પર મનન કરતા રહો જે યહોવા તમને ભાવિમાં આપવાના છે. યહોવા કઈ રીતે તમારી મદદ કરે છે એના પર વિચાર કરવાથી તમારી શ્રદ્ધા અડગ થશે. w૨૧.૧૧ ૨૨ ¶૧૧; ૨૪ ¶૧૭

શનિવાર, મે ૬

“એવી જ રીતે, મારા સ્વર્ગમાંના પિતાને જરાય પસંદ નથી કે આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય.”—માથ. ૧૮:૧૪.

ઈસુના શિષ્યો બીજા કયા અર્થમાં ‘નાનાઓ’ છે? દુનિયા એવા લોકોને માન-મહિમા આપે છે જેઓ પાસે નામ-દામ કે પદવી હોય. મોટા ભાગના શિષ્યો પાસે એવું બધું હોતું નથી, એટલે દુનિયા તેઓને નકામા અને ‘નાનાઓ’ સમજે છે. (૧ કોરીં. ૧:૨૬-૨૯) પણ યહોવા તેઓને એવી નજરે જોતા નથી. ઈસુએ ‘નાનાઓ’ વિશે કેમ વાત કરી? ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?” (માથ. ૧૮:૧) યહૂદી સમાજમાં માન-સન્માન અને પદવી હોવા બહુ મોટી વાત હતી. એક વિદ્વાન કહે છે, “એ સમાજમાં લોકો માન-સન્માન, નામ-દામ માટે જીવતા હતા. એ માટે તેઓ જરૂર પડ્યે પોતાનો જીવ આપવા પણ તૈયાર હતા.” એવા વિચારોનાં મૂળ યહૂદીઓમાં ઊંડે સુધી ઊતરેલાં હતાં. એટલે ઈસુ જાણતા હતા કે શિષ્યોએ મનમાંથી એવા વિચારો કાઢવા મહેનત કરવી પડશે. w૨૧.૦૬ ૨૦ ¶૨; ૨૧ ¶૬, ૮, ૯

રવિવાર, મે ૭

“જેમ તેલ અને ધૂપથી દિલ ખુશ થાય છે, તેમ દિલથી આપેલી સલાહ દોસ્તીમાં મીઠાશ ઉમેરે છે.”—નીતિ. ૨૭:૯.

પ્રેરિત પાઉલે એક વડીલ તરીકે સારો દાખલો બેસાડ્યો છે. જ્યારે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને સલાહની જરૂર હતી ત્યારે પાઉલે અચકાયા વગર તેઓને સલાહ આપી. જોકે તેઓને લખેલા પત્રોમાં પાઉલે પહેલા તેઓના વખાણ કર્યા. પાઉલે કહ્યું કે તેઓ વિશ્વાસુ રહીને સેવા કરે છે, પ્રેમથી પ્રેરાઈને સખત મહેનત કરે છે અને ધીરજથી બધું સહન કરે છે. તેમણે તેઓના સંજોગોનો પણ વિચાર કર્યો. તે જાણતા હતા કે તેઓનું જીવન સહેલું નથી અને તેઓ વફાદારીથી સતાવણીઓ સહન કરી રહ્યા છે. (૧ થેસ્સા. ૧:૩; ૨ થેસ્સા. ૧:૪) પાઉલે જણાવ્યું કે એ ભાઈ-બહેનોએ બીજાઓ માટે સારો દાખલો બેસાડ્યો છે. (૧ થેસ્સા. ૧:૮, ૯) એ વખાણ સાંભળીને થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોનું દિલ ખુશીથી ઝૂમી ઊઠ્યું હશે. પાઉલ ખરેખર એ ભાઈ-બહેનોને ઘણો પ્રેમ કરતા હતા. એટલે જ તે તેઓને બંને પત્રોમાં સારી સલાહ આપી શક્યા.—૧ થેસ્સા. ૪:૧, ૩-૫, ૧૧; ૨ થેસ્સા. ૩:૧૧, ૧૨. w૨૨.૦૨ ૧૫ ¶૬

સોમવાર, મે ૮

“ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. અરે, મરણ પણ રહેશે નહિ!”—પ્રકટી. ૨૧:૪.

ધર્મગુરુઓનો ઉપયોગ કરીને શેતાન જૂઠાણું ફેલાવે છે. તેઓ કહે છે કે ઈશ્વર જ માણસોને સુખ અને દુઃખ આપે છે. આમ તેઓ ઈશ્વરને ક્રૂર સાબિત કરે છે. દાખલા તરીકે, એક બાળકનું મોત થાય ત્યારે તેઓ કહે છે કે “એ તો ઈશ્વરનું ગમતું ફૂલ હતું એટલે તેમણે પોતાની પાસે બોલાવી લીધું.” કેટલું હળહળતું જૂઠ્ઠું! ઈશ્વર તો ક્યારેય એવું ન કરે. તે તો પ્રેમના સાગર છે અને આપણને ખૂબ પ્રેમ કરે છે. આપણે બીમાર પડીએ કે કોઈ સગું-વહાલું મરણ પામે ત્યારે આપણે ઈશ્વર પર આરોપ લગાવતા નથી. આપણને પૂરો ભરોસો છે કે એક દિવસ તે બધું જ ઠીક કરી દેશે. એ વિશે આપણે બીજાઓને પણ જણાવીએ છીએ. એવું કરીએ છીએ ત્યારે યહોવા શેતાનના મહેણાંનો જવાબ આપી શકે છે. (નીતિ. ૨૭:૧૧) યહોવા એક દયાળુ ઈશ્વર છે. જ્યારે તેમના ભક્તો જુલમ સહે, બીમાર પડે કે પોતાની નબળાઈઓને લીધે દુઃખી થાય ત્યારે તેમને પણ બહુ દુઃખ થાય છે. (ગીત. ૨૨:૨૩, ૨૪) યહોવા આપણું દુઃખ સમજે છે અને એને દૂર કરવા ઇચ્છે છે. —નિર્ગમન ૩:૭, ૮; યશાયા ૬૩:૯ સરખાવો. w૨૧.૦૭ ૯-૧૦ ¶૯-૧૦

મંગળવાર, મે ૯

‘તમે તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો.’ —ગીત. ૮:૫.

યહોવાની આજ્ઞા પાળનાર લોકોને જલદી જ ઘણા આશીર્વાદો મળવાના છે. આદમ અને હવાની ભૂલને લીધે જે મુશ્કેલીઓ આવી છે એને ઈસુ દૂર કરશે. યહોવા લાખો લોકોને ફરી જીવતા કરીને આ પૃથ્વી પર હંમેશ માટેનું જીવન અને તંદુરસ્તી આપશે. (લૂક ૨૩:૪૨, ૪૩) એ સમયે યહોવાના ભક્તોમાં કોઈ ખામી નહિ રહે. તેઓ ખરા અર્થમાં તેમનાં બાળકો બનશે. દાઉદે કહ્યું હતું તેમ તેઓમાં પણ ‘ગૌરવ અને માન-મહિમાની’ ઝલક દેખાશે. જો તમે મોટા ટોળામાંનાં હો તો તમારી પાસે એક સોનેરી આશા છે. (પ્રકટી. ૭:૯) યહોવા તમને ખૂબ પ્રેમ કરે છે અને ચાહે છે તમે તેમના કુટુંબનો ભાગ બનો. એટલે એવાં કામ કરો જેથી તે ખુશ થાય. તેમણે આપેલાં વચનોને યાદ કરો. તેમની ભક્તિ કરવાનું અને મહિમા આપવાનું જે સન્માન મળ્યું છે એનો આભાર માનો. w૨૧.૦૮ ૬-૭ ¶૧૮-૧૯

બુધવાર, મે ૧૦

“જો આપણે થાકીએ નહિ, તો નક્કી કરેલા સમયે લણીશું.” —ગલા. ૬:૯.

યર્મિયા પ્રબોધક આશરે ૪૦ વર્ષ સુધી પ્રચાર કરતા રહ્યા. લોકો તેમનું સાંભળતા ન હતા અને વિરોધ કરતા. લોકોએ તેમનું ‘અપમાન કર્યું અને મજાક ઉડાવી.’ તે એટલા નિરાશ થઈ ગયા કે તેમણે પ્રચાર બંધ કરી દેવાનું વિચાર્યું. (યર્મિ. ૨૦:૮, ૯) શું યર્મિયા હિંમત હારી ગયા? ના, તે ખુશી ખુશી પ્રચાર કરતા રહ્યા. તેમણે બે મહત્ત્વની વાતો યાદ રાખી. પહેલી, તે જે સંદેશો જણાવી રહ્યા હતા એનાથી લોકોને “ઉજ્જવળ ભાવિ અને આશા” મળવાનાં હતાં. (યર્મિ. ૨૯:૧૧) બીજી, યહોવાએ તેમને સંદેશો જણાવવા પસંદ કર્યા હતા. (યર્મિ. ૧૫:૧૬) આપણે પણ લોકોને સારા ભાવિ વિશે જણાવીએ છીએ. એ માટે યહોવાએ આપણને પસંદ કર્યા છે. જો આપણે એ બંને વાતો યાદ રાખીશું તો આનંદથી પ્રચાર કરી શકીશું, પછી ભલે લોકો સાંભળે કે ન સાંભળે. તમારા બાઇબલ વિદ્યાર્થી જે ફેરફારો કરે એ કદાચ તરત ન દેખાય, તો હિંમત ન હારીએ પણ ધીરજ રાખીએ.—યાકૂ. ૫:૭, ૮. w૨૧.૧૦ ૨૭ ¶૧૨-૧૩

ગુરુવાર, મે ૧૧

“ચાલો, દરેક પ્રકારના બોજાને અને સહેલાઈથી ફસાવનાર પાપને નાખી દઈએ.”—હિબ્રૂ. ૧૨:૧.

વર્ષોથી આપણે યહોવાની ભક્તિ કરતા હોઈએ તોપણ શ્રદ્ધા મજબૂત કરવા મહેનત કરવી જોઈએ. જો ધ્યાન નહિ આપીએ તો આપણી શ્રદ્ધા નબળી પડી જશે. આપણે શીખી ગયા કે શ્રદ્ધા એટલે જે હકીકત નજરે જોઈ નથી એનો પુરાવો. જે વસ્તુ આપણે જોઈ શકતા નથી એને સહેલાઈથી ભૂલી શકીએ છીએ. પાઉલે કહ્યું હતું કે નબળી શ્રદ્ધા એવું ‘પાપ છે જે સહેલાઈથી ફસાવે’ છે. એ ફાંદામાં ન ફસાવા આપણે શું કરી શકીએ? (૨ થેસ્સા. ૧:૩) પહેલું, યહોવા પાસે પવિત્ર શક્તિ માટે વારંવાર વિનંતી કરીએ. શા માટે? કારણ કે શ્રદ્ધા પવિત્ર શક્તિનો એક ગુણ છે. (ગલા. ૫:૨૨, ૨૩) સર્જનહારમાં શ્રદ્ધા રાખવા અને એને મજબૂત કરવા આપણને પવિત્ર શક્તિની જરૂર પડે છે. જો આપણે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગતા રહીશું તો તે ચોક્કસ આપશે. (લૂક ૧૧:૧૩) આપણે પ્રાર્થનામાં કહી શકીએ કે “અમારી શ્રદ્ધા વધારો.” (લૂક ૧૭:૫) બીજું, બાઇબલનો નિયમિત અભ્યાસ કરીએ.—ગીત. ૧:૨, ૩. w૨૧.૦૮ ૧૮ ¶૧૬-૧૮

શુક્રવાર, મે ૧૨

“ધોળા વાળ મહિમાનો મુગટ છે.”—નીતિ. ૧૬:૩૧.

ભલે વૃદ્ધ ભાઈ-બહેનો પાસે પહેલાં જેવી શક્તિ ન હોય, પણ તેઓએ યાદ રાખવું જોઈએ કે તેઓ પાસે વર્ષોનો અનુભવ છે. એટલે આજે પણ યહોવાના સંગઠનમાં તેઓ ઘણું કરી શકે છે. બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા આપ્યા છે, જેઓ મોટી ઉંમરે પણ યહોવાની ભક્તિ કરતા રહ્યા. દાખલા તરીકે, મૂસા આશરે ૮૦ વર્ષના હતા ત્યારે, યહોવાએ તેમને ઇઝરાયેલી પ્રજા માટે પ્રબોધક અને આગેવાન બનાવ્યા. દાનિયેલની ઉંમર ૯૦થી વધુ હતી તોપણ યહોવાએ તેમનો પ્રબોધક તરીકે ઉપયોગ કર્યો. પ્રેરિત યોહાન ૯૦થી વધુ વર્ષના હતા ત્યારે, યહોવાએ તેમને પ્રકટીકરણનું પુસ્તક લખવાની પ્રેરણા આપી. શિમયોન ‘નેક હતા અને ઈશ્વરભક્ત હતા.’ તેમના વિશે બાઇબલમાં ખાસ કંઈ વધારે લખવામાં આવ્યું નથી. પણ યહોવા તેમને ઓળખતા હતા અને તેમને ખાસ માન આપ્યું. શિમયોન બાળક ઈસુને જોઈ શક્યા. એટલું જ નહિ ઈસુ અને તેમની માતા માટે તે ભવિષ્યવાણી કરી શક્યા.—લૂક ૨:૨૨, ૨૫-૩૫. w૨૧.૦૯ ૩-૪ ¶૫-૭

શનિવાર, મે ૧૩

‘હે યહોવા, નથી મારા દિલમાં અભિમાન, નથી જોતો હું મોટાં મોટાં સપનાં.’—ગીત. ૧૩૧:૧.

મમ્મી-પપ્પાએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ એક બાળકની સરખામણી બીજા બાળક સાથે ન કરે. એક બાળક જેટલું કરી શકે એનાથી વધારે તેઓ તેની પાસે અપેક્ષા ન રાખે. જો તેઓ વધુ પડતી અપેક્ષા રાખશે તો બાળક નિરાશ થઈ જશે. (એફે. ૬:૪) સાચીકોબહેન કહે છે, “મારી મમ્મી ચાહતી હતી કે સ્કૂલના ટેસ્ટમાં મારા પૂરા માર્ક્સ આવે. પણ હું જાણતી હતી કે એ મારી કેપેસિટીની બહારનું હતું. એ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં છે. આજે પણ મને અમુક વાર લાગે છે કે હું યહોવાની સેવામાં ગમે એટલું કરું તોપણ યહોવા મારાથી ખુશ નથી.” દાઉદ રાજાએ કહ્યું કે તેમણે “મોટાં મોટાં સપનાં” ન જોયાં કે એવી વસ્તુઓની ઇચ્છા ન રાખી જે તેમના ગજા બહારની હતી. દાઉદ રાજા નમ્ર હતા, એટલે તેમની પાસે જે કંઈ હતું એમાં જ તેમને સંતોષ હતો. (ગીત. ૧૩૧:૨) દાઉદ રાજા પાસેથી મમ્મી-પપ્પા આજે શું શીખી શકે? મમ્મી-પપ્પાએ નમ્ર રહેવું જોઈએ. તેઓએ પોતાની પાસેથી અને પોતાનાં બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખવી જોઈએ. મમ્મી-પપ્પાએ જાણવું જોઈએ કે તેઓનાં બાળકો શું કરી શકશે અને શું નહિ. પછી એ પ્રમાણે બાળકોને ધ્યેય રાખવા ઉત્તેજન આપવું જોઈએ. જો મમ્મી-પપ્પા બાળકોને એ રીતે ઉત્તેજન આપતાં રહેશે તો બાળકો પોતાને નકામા નહિ સમજે. w૨૧.૦૭ ૨૧-૨૨ ¶૫-૬

રવિવાર, મે ૧૪

“દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.”—ગલા. ૬:૫.

યાદ રાખીએ કે યહોવાએ બધાને જાતે નિર્ણય લેવાની છૂટ આપી છે. વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે, તે યહોવાની ભક્તિ કરશે કે નહિ. (યહો. ૨૪:૧૫) એવું જોવા મળ્યું છે કે જે યુવાનોના માબાપ સત્યમાં નથી કે જેઓને નાનપણથી યહોવા વિશે શીખવવામાં આવ્યું નથી, તેઓએ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે. બીજા એવા યુવાનો પણ છે જેઓને માબાપે સારી રીતે સત્ય શીખવ્યું તોપણ તેઓ યહોવાને છોડીને જતા રહ્યા છે. જો તમારા બાળકે પણ યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું હોય તો પોતાને દોષ આપશો નહિ. મમ્મી કે પપ્પા, યહોવા અને કુટુંબને છોડી દે ત્યારે બાળકો પર એની અસર પડે છે. (ગીત. ૨૭:૧૦) કારણ કે તેઓ મમ્મી-પપ્પાને પ્રેમ કરે છે અને માન આપે છે. બાળકો, તમારાં મમ્મી કે પપ્પાને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે તમે દુઃખી થાઓ છો. પણ ખાતરી રાખો કે યહોવા તમારું દુઃખ સમજે છે. તે તમને પ્રેમ કરે છે. તમે તેમને વફાદાર રહેવા પ્રયત્ન કરો છો એ જોઈને તેમને ઘણી ખુશી થાય છે. પરંતુ યાદ રાખો કે તમારાં મમ્મી-૫પ્પાએ લીધેલા નિર્ણય માટે તેઓ પોતે જવાબદાર છે, તમે નહિ. w૨૧.૦૯ ૨૭ ¶૫-૭

સોમવાર, મે ૧૫

“યહોવા જેને પ્રેમ કરે છે, તેને શિસ્ત આપે છે.”—હિબ્રૂ. ૧૨:૬.

મંડળમાં કોઈ પાપ કરે ત્યારે તેનો યહોવા સાથેનો સંબંધ તૂટી જાય છે. તે તો જાણે બીમાર ઘેટા જેવો છે, જેનાથી બીજાને પણ ચેપ લાગી શકે. (યાકૂ. ૫:૧૪) એટલે વડીલોએ તેને મંડળમાંથી બહિષ્કૃત કરવો પડે છે, જેથી તેની ખરાબ અસર બીજાં ભાઈ-બહેનો પર ન પડે. યહોવાએ બહિષ્કૃત કરવાની ગોઠવણ કરી છે, કારણ કે તે મંડળનાં વફાદાર ભાઈ-બહેનોને પ્રેમ કરે છે. એટલું જ નહિ તે ચાહે છે કે પાપ કરનાર વ્યક્તિને પોતાની ભૂલ સમજાય અને તે પસ્તાવો કરે. બહિષ્કૃત વ્યક્તિ સભામાં આવી શકે છે, ત્યાં તે બાઇબલમાંથી શીખીને પોતાની શ્રદ્ધા ફરી મજબૂત કરી શકે છે. તે આપણાં સાહિત્ય વાંચી શકે છે અને JW બ્રૉડકાસ્ટિંગ જોઈ શકે છે. વડીલો તેના ફેરફારો જુએ છે. એટલે યહોવા સાથે તેનો સંબંધ સુધારવા કદાચ તેઓ સમયે સમયે સલાહ આપે, જેથી તે મંડળમાં પાછી આવી શકે. w૨૧.૧૦ ૧૦ ¶૯, ૧૧

મંગળવાર, મે ૧૬

“મને ‘માલિક, માલિક’ કહેનારા બધા લોકો સ્વર્ગના રાજ્યમાં જશે નહિ.”—માથ. ૭:૨૧.

આજે આપણે પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ ભક્તિ કરીએ છીએ. દાખલા તરીકે, પહેલી સદીના મંડળમાં જે ગોઠવણો હતી એ આજે પણ છે. આજે મંડળમાં સરકીટ નિરીક્ષક, વડીલો અને સહાયક સેવકો હોય છે. (ફિલિ. ૧:૧; તિત. ૧:૫) પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ આપણે સેક્સ, લગ્‍ન અને લોહી વિશે યહોવાના સિદ્ધાંતો પાળીએ છીએ. જેઓ એ સિદ્ધાંતો પાળતા નથી તેઓને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. (પ્રે.કા. ૧૫:૨૮, ૨૯; ૧ કોરીં. ૫:૧૧-૧૩; ૬:૯, ૧૦; હિબ્રૂ. ૧૩:૪) બાઇબલમાં લખ્યું છે, ફક્ત “એક શ્રદ્ધા” એટલે કે એક ધર્મ છે જેને ઈશ્વર સ્વીકારે છે. (એફે. ૪:૪-૬) આપણને યહોવાના સાક્ષી બનવાનો એક મોટો લહાવો મળ્યો છે. યહોવા અને તેમના હેતુ વિશે જાણવા મળ્યું એ વાતની આપણને ખુશી છે. એટલે ચાલો આપણે એ સત્યને વળગી રહીએ. w૨૧.૧૦ ૨૨-૨૩ ¶૧૫-૧૭

બુધવાર, મે ૧૭

“તમારી જગ્યાએ અડગ ઊભા રહો. યહોવા કઈ રીતે તમને બચાવે છે, એ નજરે જુઓ.”—૨ કાળ. ૨૦:૧૭.

યહોશાફાટ રાજાની સામે એક મોટી મુશ્કેલી આવી. આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈરના પહાડી વિસ્તારના માણસોનું મોટું લશ્કર યુદ્ધ કરવા આવ્યું. (૨ કાળ. ૨૦:૧, ૨) એવામાં તેમણે યહોવા પર ભરોસો રાખ્યો અને તેમની પાસે મદદ માંગી. બાઇબલમાં આપેલી યહોશાફાટ રાજાની પ્રાર્થનાથી ખબર પડે છે કે તેમને યહોવા પર કેટલો ભરોસો હતો. (૨ કાળ. ૨૦:૫-૧૨) આજના વચનના શબ્દો પર ધ્યાન આપીએ, જે યહોવાએ યાહઝીએલ લેવી દ્વારા યહોશાફાટને કહ્યા હતા. યહોશાફાટે યહોવા પર ભરોસો રાખ્યો અને તેમની બધી સલાહ પાળી. જ્યારે તે યુદ્ધ લડવા ગયા ત્યારે સૌથી આગળ તેમણે શૂરવીર યોદ્ધાઓને નહિ પણ ગાયકોને ઊભા રાખ્યા. અરે, એ ગાયકો પાસે તો હથિયાર પણ ન હતાં! યહોવાએ પણ પોતાનું વચન પાળ્યું. તેમણે દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા.—૨ કાળ. ૨૦:૧૮-૨૩. w૨૧.૧૧ ૧૫-૧૬ ¶૬-૭

ગુરુવાર, મે ૧૮

“યહોવાના અતૂટ પ્રેમને લીધે અમારો અંત આવ્યો નથી. તેમની દયાનો કોઈ પાર નથી.”—ય.વિ. ૩:૨૨.

જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને મદદ કરશે, જેથી તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત રહે. (૨ કોરીં. ૪:૭-૯) આપણને ભરોસો છે કે યહોવા આપણને અતૂટ પ્રેમ બતાવતા રહેશે. એ વિશે બાઇબલ પણ જણાવે છે કે “જેઓ યહોવાનો ડર રાખે છે અને તેમના અતૂટ પ્રેમની રાહ જુએ છે, તેઓ પર તેમની રહેમનજર છે.” (ગીત. ૩૩:૧૮-૨૨) આપણે સત્યમાં આવ્યા એ પહેલાં યહોવા આપણને એવો જ પ્રેમ બતાવતા હતા, જેવો તે બધા માણસોને બતાવે છે. પણ સત્યમાં આવ્યા પછી યહોવા આપણને અતૂટ પ્રેમ બતાવવા લાગ્યા. એ પ્રેમને લીધે તે આપણું રક્ષણ કરતા રહેશે, આપણી નજીક રહેશે અને ભાવિ માટે જે વચનો આપ્યાં છે એ પૂરાં કરશે. તે ચાહે છે કે આપણે હંમેશાં તેમની સાથે નજીકનો સંબંધ રાખીએ. (ગીત. ૪૬:૧, ૨, ૭) ભલે કોઈ પણ તકલીફ આવે તે આપણને હિંમત આપશે, જેથી આપણે તેમને વફાદાર રહી શકીએ. w૨૧.૧૧ ૭ ¶૧૭-૧૮

શુક્રવાર, મે ૧૯

‘એકબીજાનું સહન કરો અને એકબીજાને દિલથી માફ કરો.’ —કોલો. ૩:૧૩.

તમે એવા કોઈને ઓળખતા હશો જેણે સાથે કામ કરનાર, ભણનાર, દોસ્ત કે સગાં માટે વર્ષો સુધી મનમાં ખાર ભરી રાખ્યો હોય. યૂસફના દસ ભાઈઓએ પણ યૂસફ માટે મનમાં ઘણો ખાર ભરી રાખ્યો હતો. એના લીધે તેઓએ ખોટું કામ કર્યું. (ઉત. ૩૭:૨-૮, ૨૫-૨૮) પણ યૂસફ એવા ન હતા. મોટા અધિકારી બન્યા પછી તેમણે ચાહ્યું હોત તો પોતાના ભાઈઓ સામે બદલો લઈ શક્યા હોત. પણ તેમણે મનમાં ખાર ભરી રાખ્યો નહિ. તેમણે તો દયા બતાવી. ધ્યાન આપો તે એ જ રીતે વર્ત્યા હતા, જે વિશે પછીથી લેવીય ૧૯:૧૮માં લખવામાં આવ્યું. (ઉત. ૫૦:૧૯-૨૧) જો આપણે યહોવાને ખુશ કરવા માંગતા હોઈએ તો આપણે યૂસફ જેવા બનવું જોઈએ. આપણે બીજાઓને માફ કરવા જોઈએ અને બદલો ન લેવો જોઈએ. ઈસુએ પણ એ જ કહ્યું કે આપણી વિરુદ્ધ પાપ કરનારાઓને માફ કરવા જોઈએ. (માથ. ૬:૯, ૧૨) એવી જ રીતે પ્રેરિત પાઉલે પણ સાથી ભાઈ-બહેનોને સલાહ આપી, “વહાલાઓ, તમે બદલો લેશો નહિ.”—રોમ. ૧૨:૧૯. w૨૧.૧૨ ૧૧ ¶૧૩-૧૪

શનિવાર, મે ૨૦

“જેઓ તેમનો ડર રાખે છે, તેઓની ઇચ્છા તે પૂરી કરે છે. મદદનો પોકાર સાંભળીને તે તેઓને છોડાવે છે.”—ગીત. ૧૪૫:૧૯.

સાલ ૩૩, નીસાન ૧૪ની એ રાત હતી. ઈસુ ગેથશેમાને બાગમાં ગયા. તેમણે યહોવા આગળ પોતાનું દિલ રેડી દીધું. (લૂક ૨૨:૩૯-૪૪) એ અઘરા સંજોગોમાં ‘તેમણે મોટેથી પોકારીને, આંસુ વહેવડાવીને કાલાવાલા કર્યા.’ (હિબ્રૂ. ૫:૭) ઈસુએ પોતાના મરણની આગલી રાતે શાના માટે પ્રાર્થના કરી? તે યહોવાને વફાદાર રહેવા માંગતા હતા અને તેમની ઇચ્છા પૂરી કરવા માંગતા હતા. એટલે તેમણે યહોવા પાસે હિંમત માંગી. યહોવાએ તેમની અરજ સાંભળી અને તેમની હિંમત વધારવા એક દૂતને મોકલ્યા. ઈસુના માથે ભારે જવાબદારી હતી. તેમણે યહોવાને વફાદાર રહીને તેમના નામનો મહિમા કરવાનો હતો. યહોવાએ ઈસુની પ્રાર્થના સાંભળી. શા માટે? કારણ કે ઈસુ તેમને વફાદાર રહેવા માંગતા હતા અને તેમના નામનો મહિમા કરવા માંગતા હતા. જો આપણાં દિલમાં પણ એવી જ ઇચ્છા હશે, તો યહોવા જરૂર જવાબ આપશે.—ગીત. ૧૪૫:૧૮. w૨૨.૦૧ ૧૮ ¶૧૫-૧૭

રવિવાર, મે ૨૧

‘જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો, બાપ્તિસ્મા આપો અને તેઓને શીખવો.’—માથ. ૨૮:૧૯, ૨૦.

ઘણા લોકો કચકચ કરે છે કે, સાક્ષીઓ વૉટ નથી આપતા. પણ સાક્ષીઓને ખબર છે કે જો તેઓ કોઈ માણસને વૉટ આપે છે તો તેઓ યહોવાને નકારી રહ્યા છે. (૧ શમુ. ૮:૪-૭) જ્યારે તેઓ રાજકારણની વાતમાં કોઈનો પક્ષ નથી લેતા ત્યારે લોકો તેઓનું સાંભળતા નથી. એટલું જ નહિ લોકોને એવું લાગે છે કે સાક્ષીઓએ સમાજ સેવા કરવી જોઈએ, સ્કૂલ અને હૉસ્પિટલ બાંધવા જોઈએ. પણ સાક્ષીઓ લોકોની સમસ્યાઓનો હલ લાવવાને બદલે પ્રચારકામ કરે છે ત્યારે લોકો તેમનો સંદેશો નથી સાંભળતા. આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? (માથ. ૭:૨૧-૨૩) ઈસુએ આપણને પ્રચારકામ કરવાની આજ્ઞા આપી હતી. એટલે આપણે પ્રચારકામ કરવામાં પૂરું મન લગાવી દેવું જોઈએ. આપણે દુનિયાની દુઃખ-તકલીફો દૂર કરવા બેસી જઈશું નહિ. ખરું કે આપણને લોકો માટે પ્રેમ છે, અને તેઓની દુઃખી જોઈને આપણને દુઃખ થાય છે. પણ આપણે જાણીએ છીએ કે ફક્ત ઈશ્વરનું રાજ લોકોની દુઃખ-તકલીફો દૂર કરશે. એટલે આપણે બીજાઓને ઈશ્વર વિશે અને તેમના રાજ વિશે શીખવીએ છીએ. w૨૧.૦૫ ૬-૭ ¶૧૯-૨૦

સોમવાર, મે ૨૨

“છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે.”—૨ તિમો. ૩:૧.

આજે અમુક નેતાઓ ઈશ્વરમાં તો માને છે, પણ તેઓ ઈશ્વરના રાજ્યને ટેકો આપતા નથી. કેમકે તેઓ પોતાની ખુરશી એટલે કે સત્તા છોડવા માંગતા નથી. પ્રથમ સદીના અધિકારીઓની જેમ આજના અધિકારીઓ પણ ઈસુના શિષ્યોની સતાવણી કરે છે. આમ, તેઓ ઈસુનો વિરોધ કરે છે. (પ્રે.કા. ૪:૨૫-૨૮) યહોવાએ કહ્યું: “હે રાજાઓ, સમજદારીથી વર્તો, હે પૃથ્વીના ન્યાયાધીશો, ઠપકો સ્વીકારો. યહોવાનો ડર રાખો અને તેમને ભજો, રાજીખુશીથી તેમનો આદર કરો. દીકરાને માન આપો, નહિ તો ઈશ્વર રોષે ભરાશે, જીવનના માર્ગમાંથી તમારો વિનાશ થશે, કેમ કે ઈશ્વરનો ગુસ્સો ભડકી ઊઠતા વાર નહિ લાગે. ધન્ય છે એ લોકોને, જેઓ તેમનામાં આશરો લે છે.” (ગીત. ૨:૧૦-૧૨) યહોવા બધા વિરોધીઓને તક આપી રહ્યા છે કે તેઓ પોતાનું મન બદલે અને તેમના રાજ્યને સાથ આપે. હવે દુષ્ટ દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે. (યશા. ૬૧:૨) આજે એ ખૂબ જરૂરી છે કે લોકો સત્ય જાણે અને યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લે. w૨૧.૦૯ ૧૫-૧૬ ¶૮-૯

મંગળવાર, મે ૨૩

“જે ખોરાક અને કપડાં મળે, એમાં આપણે સંતોષ માનીએ.”—૧ તિમો. ૬:૮.

પાઉલ કહી રહ્યા હતા કે આપણી પાસે જે કંઈ છે એમાં સંતોષ માનીએ. (ફિલિ. ૪:૧૨) યહોવા સાથેનો આપણો સંબંધ સૌથી મૂલ્યવાન છે, એની સામે દુનિયાની બધી ચીજવસ્તુઓ ઝાંખી પડી જાય છે. (હબા. ૩:૧૭, ૧૮) ધ્યાન આપો કે ૪૦ વર્ષોથી વેરાન પ્રદેશમાં ભટકતા ઇઝરાયેલીઓને મૂસાએ કહ્યું, “તમારા ઈશ્વર યહોવાએ તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપ્યો છે. . . . આ ૪૦ વર્ષો દરમિયાન યહોવા તમારા ઈશ્વર તમારી સાથે હતા અને તમને કશાની ખોટ પડી નથી.” (પુન. ૨:૭) એ ૪૦ વર્ષોમાં યહોવાએ ઇઝરાયેલીઓને ખાવા માટે માન્‍ના આપ્યું. તેઓ જે કપડાં પહેરીને ઇજિપ્તમાંથી નીકળ્યા હતા, એ જૂનાં થઈને ફાટી ગયાં નહિ. (પુન. ૮:૩, ૪) આપણા વિશે શું? આપણે જીવનમાં સંતોષ રાખવાનું શીખીએ. યહોવા આપણને જે કંઈ નાની-મોટી વસ્તુ આપે એની કદર કરીએ અને આભાર માનીએ. એને યહોવા તરફથી મળતો આશીર્વાદ ગણીએ. એમ કરીશું તો યહોવા ખુશ થશે. w૨૨.૦૧ ૪-૫ ¶૧૦-૧૧

બુધવાર, મે ૨૪

“તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.”—નીતિ. ૩:૫.

પતિઓ, તમારી પાસે પણ કુટુંબની સંભાળ રાખવાની જવાબદારી છે. મુશ્કેલીઓ આવે ત્યારે એવું ન વિચારશો કે એનો સામનો પોતાની રીતે કરશો, પણ યહોવા પર ભરોસો રાખો. તમે પોતાની પ્રાર્થનામાં એ વિશે જણાવો. પત્ની સાથે પણ પ્રાર્થના કરો. બાઇબલ અને આપણાં સાહિત્યનો અભ્યાસ કરો. એમાં આપેલી સલાહ લાગુ પાડો. બની શકે કે તમારા નિર્ણયથી બીજાઓ ખુશ ન થાય. કદાચ તેઓ કહે, “પૈસો છે તો બધું જ છે, એનાથી કુટુંબનું રક્ષણ થશે.” પણ રાજા યહોશાફાટનો દાખલો યાદ રાખો. (૨ કાળ. ૨૦:૧-૩૦) તેમનાં શહેરોના કોટ મજબૂત હતા અને તેમની પાસે મોટું લશ્કર પણ હતું. તેમ છતાં તેમણે યહોવા પર ભરોસો રાખ્યો અને યહોવાનું કહ્યું કર્યું. તે વફાદાર રહ્યા એટલે યહોવાએ તેમનો સાથ છોડ્યો નહિ. યહોવા તમારો પણ સાથ છોડશે નહિ.—ગીત. ૩૭:૨૮; હિબ્રૂ. ૧૩:૫. w૨૧.૧૧ ૧૫ ¶૬; ૧૬ ¶૮

ગુરુવાર, મે ૨૫

‘ઈશ્વર ક્યારેય અન્યાય કરતા નથી.’—પુન. ૩૨:૪.

આપણે ચાહીએ છીએ કે લોકો સાથે અન્યાય ન થાય. કેમ કે યહોવાએ આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. (ઉત. ૧:૨૬) અમુક વાર આપણને લાગે કે આપણી પાસે બધી માહિતી છે, પણ પાપી હોવાને લીધે આપણે ખોટા નિર્ણય પર આવી જઈએ. યૂના સાથે એવું જ કંઈક થયું. યહોવાએ નિનવેહના લોકોને દયા બતાવવાનું નક્કી કર્યું ત્યારે યૂનાને ખૂબ જ ખોટું લાગ્યું. (યૂના ૩:૧૦–૪:૧) જરા વિચારો કે યહોવાએ એ લોકોને દયા બતાવી એનું કેવું પરિણામ આવ્યું. નિનવેહના ૧,૨૦,૦૦૦ લોકોએ પસ્તાવો કર્યો અને તેઓનું જીવન બચી ગયું. એનાથી જોઈ શકાય છે કે યૂનાએ પોતાના વિચારો બદલવાના હતા, યહોવાએ નહિ. યહોવા જવાબ આપવા બંધાયેલા નથી. યહોવાએ નિર્ણય લેતા પહેલાં કે પછી, અમુક વાર પોતાના ભક્તોને તેઓનાં દિલની લાગણીઓ જણાવવા દીધી. (ઉત. ૧૮:૨૫; યૂના ૪:૨, ૩) કેટલીક વાર યહોવાએ તેઓને જણાવ્યું કે તેમણે કેમ એ નિર્ણય લીધો. (યૂના ૪:૧૦, ૧૧) જોકે તેમણે કંઈ કરતા પહેલાં આપણને પૂછવાની જરૂર નથી કે કંઈ કર્યા પછી આપણને જવાબ આપવાની જરૂર નથી.—યશા. ૪૦:૧૩, ૧૪; ૫૫:૯. w૨૨.૦૨ ૪ ¶૫-૬

શુક્રવાર, મે ૨૬

“તમારામાં જે કોઈ સૌથી મોટો હોય તે સૌથી નાના જેવો બને. જે આગેવાની લેતો હોય તે સેવક જેવો બને.”—લૂક ૨૨:૨૬.

જો ‘બીજાઓને આપણા કરતાં ચઢિયાતા ગણીશું’ તો આપણે ‘સૌથી નાના જેવા’ બનીશું. (ફિલિ. ૨:૩) એવું વલણ કેળવતા જઈશું તો ભાગ્યે જ આપણાથી કોઈને ઠોકર લાગશે. આપણે બીજાઓના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ. એમ કરીશું તો એ સમજવું સહેલું પડશે કે દરેક ભાઈ કે બહેન કોઈને કોઈ રીતે આપણાથી ચઢિયાતા છે. પાઉલે કોરીંથી મંડળને કહ્યું હતું, “એવું તો શું છે કે તમે પોતાને બીજાઓથી ચઢિયાતા ગણો છો? તમારી પાસે એવું તો શું છે, જે તમને ઈશ્વર પાસેથી મળ્યું ન હોય? જો તમને બધું જ ઈશ્વર પાસેથી મળ્યું હોય, તો તમે પોતાની તાકાતના જોરે મેળવ્યું છે એવી બડાઈ કેમ મારો છો?” (૧ કોરીં. ૪:૭) આપણે એ સલાહ માનવી જોઈએ. આપણે લોકોનું ધ્યાન પોતાની તરફ ન ખેંચવું જોઈએ. એમ પણ ન વિચારવું જોઈએ કે આપણે બીજાઓથી ચઢિયાતા છીએ. દાખલા તરીકે, કોઈ ભાઈ સારું પ્રવચન આપે છે અથવા કોઈ બહેન બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં કુશળ છે. લોકોની વાહવાહ લેવાને બદલે તેમણે એનો બધો મહિમા યહોવાને આપવો જોઈએ. w૨૧.૦૬ ૨૧-૨૨ ¶૯-૧૦

શનિવાર, મે ૨૭

‘બી વાવ અને તારો હાથ પાછો ખેંચી ન લે.’—સભા. ૧૧:૬.

આજે લોકોને મળવું અને તેઓને પ્રચાર કરવો અઘરું થઈ ગયું છે. અમુક પ્રકાશકો એવા વિસ્તારમાં રહે છે જ્યાં મોટી મોટી બિલ્ડિંગો છે. એ બિલ્ડિંગોમાં ઓળખાણ ના હોય તો સિક્યૉરિટીવાળા અંદર જવા ન દે. અમુક પ્રકાશકો પ્રચાર કરવા જાય છે પણ લોકો ઘરે મળતા નથી. કેટલાક પ્રકાશકો એવા વિસ્તારમાં પ્રચાર કરે છે જ્યાં ઘણા ઓછા લોકો રહે છે. બીજા કેટલાક પ્રકાશકો લોકોને મળવા દૂર દૂર સુધી જાય છે. પણ જ્યારે તેઓ પહોંચે ત્યારે લોકો ઘરે હોતા નથી. જો આપણે પણ એવા કોઈ વિસ્તારમાં રહેતા હોઈએ તો નિરાશ ન થઈએ. આપણે અલગ અલગ સમયે લોકોને મળવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ક્યારેક તો લોકો ઘરે મળશે ને! અમુક ભાઈ-બહેનો બપોરે કે સાંજે પ્રચાર કરે છે. તેઓને જોવા મળ્યું છે કે એ જ સમયે મોટા ભાગના લોકો ઘરે હોય છે અને તેઓ પાસે સાંભળવા માટે સમય હોય છે. એટલે આરામથી લોકો તેઓની વાત સાંભળે છે. w૨૧.૦૫ ૧૫ ¶૫, ૭

રવિવાર, મે ૨૮

“તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે. તેઓ માણસોની આજ્ઞાઓ જાણે ઈશ્વરની આજ્ઞાઓ હોય એમ શીખવે છે.”—માર્ક ૭:૭.

શું આજે પણ લોકો એવા છે? હા, છે. આજે ઘણા લોકો યહોવાના સાક્ષીઓને પસંદ નથી કરતા. કેમકે તેઓ ક્રિસમસ અને જન્મ દિવસ જેવા તહેવારો નથી ઉજવતા. યહોવાના સાક્ષીઓ દેશભક્તિ જેવા કાર્યક્રમોમાં ભાગ નથી લેતા ત્યારે અમુક લોકો તેઓ પર ગુસ્સો કરે છે. મરણ પછીની વિધિઓમાં પણ યહોવાના સાક્ષીઓ માનતા નથી કે ભાગ નથી લેતા ત્યારે પણ લોકો તેમના પર ગુસ્સો કરે છે. આવા લોકો માને છે કે, એવાં રીતિ-રિવાજો માનવાથી તેઓ ઈશ્વરને ખુશ કરી શકશે. પણ સાચું એ છે કે ઈશ્વરને ખુશ કરવા હોય તો બાઇબલમાં બતાવ્યા પ્રમાણે તેમની ભક્તિ કરવી જોઈએ. (માર્ક ૭: ૮, ૯) આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? આપણે યહોવા અને તેમનાં નિયમો અને ધોરણો માટે પ્રેમ વધારતા રહેવું જોઈએ. (ગીત. ૧૧૯:૯૭, ૧૧૩, ૧૬૩-૧૬૫) જો એમ કરીશું તો, યહોવાને પસંદ નથી એવાં રીતિ-રિવાજોથી દૂર રહીશું. આપણે યહોવાના પ્રેમને આડે કોઈપણ બાબતને આવવા દઈશું નહિ. w૨૧.૦૫ ૬ ¶૧૫-૧૬

સોમવાર, મે ૨૯

“બધા સંજોગોમાં સમજી-વિચારીને વર્તજે, તકલીફો સહન કરજે, ખુશખબર જણાવતો રહેજે.”—૨ તિમો. ૪:૫.

આપણે પ્રેરિત પાઉલની સલાહ કઈ રીતે પાળી શકીએ? બાઇબલનો અભ્યાસ કરીએ, વારંવાર પ્રાર્થના કરીએ અને એવા કામોમાં મંડ્યા રહીએ જે વિશે યહોવાએ આજ્ઞા આપી છે. એ બધું કરવાથી આપણો વિશ્વાસ મજબૂત કરી શકીશું. (૨ તિમો. ૪:૪) જો વિશ્વાસ મજબૂત હશે તો યહોવાના સાક્ષી વિરુદ્ધ ફેલાવવામાં આવતી અફવાઓથી આપણે ડરીશું નહિ. (યશા. ૨૮:૧૬) આપણે યહોવાને, બાઇબલને અને તેમના લોકોને પ્રેમ કરીએ. એમ કરીશું તો એવા લોકોથી ઠોકર નહિ ખાઈએ જેઓ સત્ય છોડીને જતા રહ્યા છે. પહેલી સદીમાં ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો ન હતો. પણ ઘણા એવા હતા જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો હતો. યહૂદી ન્યાયસભાના એક સભ્ય અને ‘ઘણા બધા યાજકો’ ઈસુના શિષ્યો બન્યા હતા. (પ્રે.કા. ૬:૭; માથ. ૨૭:૫૭-૬૦; માર્ક ૧૫:૪૩) આજે મોટા ભાગના લોકો ઈસુમાં નથી માનતા, પણ લાખો લોકો એવા છે જે માને છે. કારણ કે તેઓ જાણે છે કે બાઇબલમાં જે લખ્યું છે એ સાચું છે અને તેઓ એને પ્રેમ કરે છે. બાઇબલમાં લખ્યું છે, “તમારો નિયમ ચાહનારાઓને પુષ્કળ શાંતિ મળે છે. તેઓને કશાથી ઠોકર લાગતી નથી.”—ગીત. ૧૧૯:૧૬૫. w૨૧.૦૫ ૧૩ ¶૨૦-૨૧

મંગળવાર, મે ૩૦

“તું કમજોર હોય છે ત્યારે મારી તાકાત પૂરી રીતે દેખાઈ આવે છે.”—૨ કોરીં. ૧૨:૯.

પ્રેરિત પાઉલ જાણતા હતા કે યહોવાની સેવામાં તે જે કરી રહ્યા હતા એ પોતાની શક્તિથી નહિ, પણ ઈશ્વરની શક્તિથી કરી રહ્યા હતા. યહોવાની પવિત્ર શક્તિની મદદથી જ પાઉલ મુશ્કેલીઓ છતાં યહોવાની સેવામાં લાગુ રહી શક્યા. પાઉલના સાથીદાર તિમોથી ઘણા યુવાન હતા. તેમણે સેવામાં લાગુ રહેવા યહોવા પર આધાર રાખવાનો હતો. તેમણે પાઉલ સાથે ઘણી લાંબી લાંબી મુસાફરીઓ કરી હતી. અમુક વાર પાઉલ તેમને એકલા મંડળોની મુલાકાત લેવા અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા મોકલતા. (૧ કોરીં. ૪:૧૭) તિમોથીને લાગતું કે તે એ કામ નહિ કરી શકે. પણ પાઉલ તેમને ઉત્તેજન આપતા, “તું યુવાન છે એ કારણે કોઈ તને મામૂલી ગણી લે, એવું કદી થવા ન દેતો.” (૧ તિમો. ૪:૧૨) વધુમાં, તિમોથીના શરીરમાં એક કાંટો હતો. એટલે તે વારંવાર બીમાર પડી જતા હતા. (૧ તિમો. ૫:૨૩) પણ તિમોથી જાણતા હતા કે યહોવાની પવિત્ર શક્તિની મદદથી તે પ્રચારકામ કરી શકશે અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકશે.—૨ તિમો. ૧:૭. w૨૧.૦૫ ૨૧ ¶૬-૭

બુધવાર, મે ૩૧

“તારાં ઘેટાંની સારી સંભાળ રાખ.”—નીતિ. ૨૭:૨૩.

યાકૂબ ૧:૧૯નો સિદ્ધાંત સલાહ આપનાર બધાને લાગુ પડે છે. એમાં લખ્યું છે: “દરેક માણસે ધ્યાનથી સાંભળવું, વિચાર્યા વગર ન બોલવું અને જલદી ગુસ્સે ન થવું.” એક વડીલને લાગી શકે કે તે ભાઈ-બહેનોના સંજોગો સારી રીતે જાણે છે. જોકે અમુક વાર એવું ન પણ હોય. નીતિવચનો ૧૮:૧૩માં લખ્યું છે: “સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખાઈ છે, એનાથી માણસ શરમમાં મુકાય છે.” સારું રહેશે કે વ્યક્તિના સંજોગો વિશે જાણવા વડીલ તેની સાથે સીધેસીધી વાત કરે. એટલે વડીલે સલાહ આપતા પહેલાં એ વ્યક્તિની વાત સાંભળવી જોઈએ. એક વડીલ આવા સવાલો પૂછી શકે: “શું બધું ઠીક છે? શું હું કંઈ મદદ કરી શકું?” જો વડીલો સમય કાઢીને ભાઈ-બહેનોના સંજોગો જાણવાનો પ્રયત્ન કરશે, તો સારી રીતે તેઓને મદદ અને ઉત્તેજન આપી શકશે. સારી રીતે સલાહ આપવા ફક્ત બાઇબલની કલમો વાંચવી કે એકાદ બે સૂચનો આપવાં જ પૂરતાં નથી. ભાઈ-બહેનોને લાગવું જોઈએ કે વડીલો તેઓની ખરેખર ચિંતા કરે છે, તેઓને સમજે છે અને તેઓની મદદ કરવા માંગે છે. w૨૨.૦૨ ૧૭ ¶૧૪-૧૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો