નવેમ્બર
સોમવાર, નવેમ્બર ૧
“બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિ. ૨:૩.
આજે ભણેલા-ગણેલા લોકો બાઇબલની એ સલાહને નકામી ગણે છે. તેઓ કહે છે કે જો બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણીશું, તો તેઓ આપણો ફાયદો ઉઠાવી જશે. એવું વલણ રાખવાથી કેવું પરિણામ આવે છે? શું ઘમંડી લોકો સુખી હોય છે? શું તેઓનાં કુટુંબો સુખી હોય છે? શું તેઓ પાસે સાચા મિત્રો હોય છે? શું ઈશ્વર સાથે તેઓનો પાકો સંબંધ હોય છે? તમને શું લાગે છે, દુનિયાના ડહાપણ પ્રમાણે ચાલવાથી સારું પરિણામ આવે કે પછી ઈશ્વરે આપેલા ડહાપણ પ્રમાણે ચાલવાથી? (૧ કોરીં. ૩:૧૯) વિચારો કે એક મુસાફર રસ્તો ભૂલી ગયો છે. તે એવી વ્યક્તિને રસ્તો પૂછે છે, જે પોતે પણ રસ્તો ભૂલી ગઈ છે. એ મુસાફરને આપણે મૂર્ખ ગણીશું, ખરું ને! દુનિયાના ડહાપણ પ્રમાણે ચાલનાર લોકો પણ એવા જ છે. ઈસુએ એવા લોકો વિશે કહ્યું હતું: “તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.” (માથ. ૧૫:૧૪) સાચે જ, દુનિયાનું ડહાપણ યહોવાની નજરે સાવ મૂર્ખતા છે. w૧૯.૦૫ ૨૪-૨૫ ¶૧૪-૧૬
મંગળવાર, નવેમ્બર ૨
‘તેઓ ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે.’—માથ. ૨૪:૩૧.
હાલના વર્ષોમાં રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લેનારાઓની સંખ્યા વધી રહી છે. શું એની આપણે ચિંતા કરવી જોઈએ? ના. “જેઓ પોતાના છે તેઓને યહોવા ઓળખે છે.” (૨ તિમો. ૨:૧૯) યહોવા જાણે છે કે ખરેખર અભિષિક્ત કોણ છે. રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં જેઓ ભાગ લે છે, તેઓની સંખ્યા ગણતા ભાઈઓને એ ખબર નથી. એ સંખ્યામાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ પોતાને અભિષિક્ત ગણે છે પણ ખરેખર અભિષિક્ત હોતા નથી. દાખલા તરીકે, અગાઉ જેઓ ખાવા-પીવામાં ભાગ લેતા, તેઓએ હવે ભાગ લેવાનું બંધ કર્યું છે. બીજા અમુક વધારે પડતા લાગણીશીલ હોય છે, તેઓને એવું લાગે છે કે પોતે સ્વર્ગમાં ખ્રિસ્ત સાથે રાજ કરવાના છે. એટલે આપણે જાણતા નથી કે પૃથ્વી પર ખરેખર કેટલા અભિષિક્તો બાકી છે. ઈસુ અભિષિક્તોને સ્વર્ગમાં લઈ જવા આવશે ત્યારે તેઓ પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ રહેતા હશે. બાઇબલમાં લખ્યું છે કે છેલ્લા દિવસોમાં પૃથ્વી પર બહુ ઓછા અભિષિક્તો બાકી રહ્યા હશે. (પ્રકટી. ૧૨:૧૭) પણ એમાં એ નથી લખ્યું કે મહાન વિપત્તિ શરૂ થશે ત્યારે કેટલા અભિષિક્તો પૃથ્વી પર હશે. w૨૦.૦૧ ૨૯-૩૦ ¶૧૧-૧૩
બુધવાર, નવેમ્બર ૩
“ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો.”—યોહા. ૩:૧૬.
યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે એ બતાવવા ઈસુએ ખોવાયેલા દીકરાની વાર્તા કહી. (લુક ૧૫:૧૧-૩૨) એમાં જોવા મળે છે કે પિતાએ આશા છોડી ન દીધી કે પોતાનો દીકરો કદી પાછો નહિ આવે. જ્યારે દીકરો ઘરે પાછો આવે છે ત્યારે પિતા દોડીને તેનું સ્વાગત કરે છે. આપણે યહોવાથી દૂર જતા રહ્યા હોઈએ તો પસ્તાવો કરીએ. એમ કરીને ખાતરી રાખી શકીએ કે પ્રેમાળ પિતા આપણને ફરીથી આવકારવા તૈયાર છે. આદમને લીધે જે નુકસાન થયું છે, એને યહોવા ખૂબ જલદી સુધારશે. આદમે બળવો કર્યો એ પછી યહોવાએ માણસોમાંથી ૧,૪૪,૦૦૦ લોકોને પસંદ કરવાનું નક્કી કર્યું. તેઓ રાજાઓ અને યાજકો તરીકે સ્વર્ગમાંથી તેમના દીકરા સાથે રાજ કરશે. નવી દુનિયામાં ઈસુ અને તેમની સાથે રાજ કરનારાઓ નમ્ર લોકોની તન-મનની ખામી દૂર કરશે. એ નમ્ર લોકો છેલ્લી કસોટી પાર કરશે પછી તેઓને ઈશ્વર હંમેશ માટેનું જીવન આપશે. આખી પૃથ્વી પર બધા લોકોની તન-મનની ખામી દૂર થઈ ગઈ હશે. એ જોઈને આપણા પિતાને ખુશી થશે. એ કેટલો સરસ સમય હશે! w૨૦.૦૨ ૬-૭ ¶૧૭-૧૯
ગુરુવાર, નવેમ્બર ૪
“પોતાના મનના વિચારોને નવા કરતા રહો.”—એફે. ૪:૨૩.
આપણે પોતાને પૂછવું જોઈએ: ‘ઈશ્વરભક્ત તરીકે હું જે ફેરફાર કરું છું, શું એ ફક્ત બીજાઓને દેખાડવા ઉપરછલ્લો હોય છે કે સાચા દિલથી હોય છે?’ આપણે શું કરવું જોઈએ એ વિશે ઈસુએ માથ્થી ૧૨:૪૩-૪૫માં જણાવ્યું હતું. એ કલમથી આપણને એક મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે. એ છે, ખોટા વિચારો મનમાંથી કાઢી નાખીએ અને ઈશ્વરના વિચારો મનમાં રાખીએ. શું મનના વિચારોને બદલવું શક્ય છે? બાઇબલ જણાવે છે: “ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો અને ખરી વફાદારી દ્વારા જે નવો સ્વભાવ રચવામાં આવ્યો છે, એ તમે પહેરી લો.” (એફે. ૪:૨૪) આપણે અંદરથી કેવા છીએ, આપણો સ્વભાવ કેવો છે, એના પર વિચાર કરીએ. એમાં ફેરફાર કરવો સહેલો નથી, પણ એમ કરવું શક્ય તો છે. ફક્ત એટલું જ પૂરતું નથી કે આપણે ખોટી ઇચ્છાઓ અને ખરાબ કામો છોડી દઈએ. એનાથી કંઈક વધારે કરવાની જરૂર છે, આપણે “પોતાના મનના વિચારોને” બદલવાની જરૂર છે. મનના વિચારો એટલે આપણી ઇચ્છાઓ, વાણી-વર્તન અને કામ કરવા પાછળનાં કારણો. એ બધું બદલવા સતત મહેનત કરવી જોઈએ. w૧૯.૦૬ ૯-૧૦ ¶૬-૭
શુક્રવાર, નવેમ્બર ૫
“અમે આ જગાનો નાશ કરીશું.”—ઉત. ૧૯:૧૩.
યહોવાએ દયા બતાવી. લોત અને તેમના કુટુંબને બચાવવા દૂતો મોકલ્યા. ‘તે મોડું કરતા હતા.’ છેવટે, દૂતોએ તેમનો હાથ પકડીને તેમને અને તેમના કુટુંબને શહેરની બહાર નીકળવા મદદ કરવી પડી. (ઉત. ૧૯:૧૫, ૧૬) દૂતોએ પર્વતવાળા વિસ્તારમાં ભાગી જવાનું જણાવ્યું. એ આજ્ઞા માનવાને બદલે લોતે પૂછ્યું કે નજીકના નગરમાં જઈ શકે કે કેમ. (ઉત. ૧૯:૧૭-૨૦) યહોવાએ ધીરજથી તેમની વાત સાંભળી અને એ નગરમાં જવાની છૂટ આપી. સમય જતાં, લોતને એ નગરમાં ડર લાગ્યો. છેવટે તે પર્વતવાળા વિસ્તારમાં રહેવા ગયા. યહોવાએ તો પહેલેથી જ તેમને એ વિસ્તારમાં જવાનું કહ્યું હતું! (ઉત. ૧૯:૩૦) યહોવાએ કેટલી બધી ધીરજ બતાવી! લોત જેવું આજે આપણાં ભાઈ-બહેનો પણ કરે છે. તેઓ પણ ખોટાં નિર્ણય લે છે અને પછી મુશ્કેલીઓમાં સપડાય છે. એવું થાય ત્યારે આપણે શું કરીશું? કદાચ આપણને થાય: ‘તેને મોં પર કહી દઉં કે, તેણે જે વાવ્યું છે એ જ લણવું પડશે.’ એ વાત સાચી પણ હોય! (ગલા. ૬:૭) પણ, આપણે તો યહોવાના દાખલાને અનુસરવાનું છે. યહોવાએ જે રીતે લોતને મદદ કરી એ રીતે આપણે તેઓને મદદ કરવી જોઈએ. w૧૯.૦૬ ૨૦-૨૧ ¶૩-૫
શનિવાર, નવેમ્બર ૬
“યહોવા મને મદદ કરનાર છે, હું ડરીશ નહિ.”—હિબ્રૂ. ૧૩:૬.
દુશ્મનો પ્રતિબંધ મૂકે ત્યારે તેઓનો ઇરાદો હોય છે કે આપણે ડરી જઈએ અને ભક્તિ બંધ કરી દઈએ. બની શકે કે તેઓ ખોટી વાતો ફેલાવે, આપણા ઘરોમાં શોધખોળ માટે અધિકારીઓ મોકલે. આપણને કોર્ટમાં ઘસડી જાય અને અમુકને તો જેલમાં નાખે. તેઓ વિચારે કે, અમુકને જેલમાં નાખવાથી આપણે બધા ડરી જઈશું. ધ્યાન રાખીએ કે, ડર આપણા દિલમાં ઘર ન કરી જાય. એમ થશે તો જાણે આપણે પોતે જ ભક્તિ પર “પ્રતિબંધ” મૂકી દઈશું. લેવીય ૨૬:૩૬, ૩૭માં જણાવેલા લોકો જેવા આપણે બનવા માંગતા નથી. એ ડરને લીધે યહોવાની ભક્તિ સાવ બંધ ન કરી દઈએ કે આપણે ઠંડા ન પડી જઈએ. યહોવા પર ભરોસો રાખીએ અને જરાય ન ડરીએ. (ગીત. ૨૭:૧) યહોવાના માર્ગદર્શન માટે પ્રાર્થના કરીએ. યહોવા હંમેશાં આપણી પડખે રહે છે. એવી ખાતરી હશે તો સૌથી શક્તિશાળી સરકાર પણ આપણને ભક્તિ કરતા રોકી શકશે નહિ. સતાવણી આવે ત્યારે આપણે યહોવાની ભક્તિ કરવાથી ડરતા નથી. પણ યહોવાની ભક્તિ કરવા વધારે મક્કમ થઈએ છીએ. w૧૯.૦૭ ૯-૧૦ ¶૬-૭
રવિવાર, નવેમ્બર ૭
“સંદેશો જાહેર કર.”—૨ તિમો. ૪:૨.
તમારા વિસ્તારના લોકો શિષ્યો ન બને તોપણ નિરાશ થશો નહિ. નમ્ર દિલના લોકોને શોધતા રહો. યાદ કરો, ઈસુએ શિષ્યો બનાવવાના કામને માછલી પકડવાના કામ સાથે સરખાવ્યું હતું. માછલી પકડવા માછીમારે કદાચ કેટલાય કલાકો મહેનત કરવી પડે. મોટા ભાગે તે મોડી રાતે કે વહેલી સવારે કામ કરે છે. અમુક વાર તેણે દૂર દૂર સુધી જવું પડે છે. (લુક ૫:૫) એવી જ રીતે, અમુક ભાઈ-બહેનો શિષ્યો બનાવવા ઘણા કલાકો મહેનત કરે છે. લોકોને શોધવા તેઓ ધીરજ બતાવે છે. તેઓ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ જાય છે. જેઓ વધારે મહેનત કરે છે, તેઓને નમ્ર દિલના લોકો મળી આવે છે. વધારે લોકો મળે એ માટે શું તમે ખુશખબર ફેલાવવાના સમય કે જગ્યામાં ફેરફાર કરી શકો? બાઇબલ અભ્યાસ ચલાવવામાં શા માટે ધીરજની જરૂર પડે છે? કારણ કે આપણે ચાહીએ છીએ કે વિદ્યાર્થી બાઇબલમાંથી શીખે અને એ માટે પ્રેમ કેળવે. આપણે વિદ્યાર્થીને મદદ કરવા માંગીએ છીએ, જેથી બાઇબલ આપનાર યહોવાને તે ઓળખે અને પ્રેમ કરે. w૧૯.૦૭ ૧૮-૧૯ ¶૧૪-૧૫
સોમવાર, નવેમ્બર ૮
‘હું પાછળ છોડી દીધેલી વાતોને ભૂલી જાઉં છું.’—ફિલિ. ૩:૧૩.
અગાઉ કરેલા પાપને લીધે આપણામાંથી અમુકને દોષની લાગણી થતી હશે. એ લાગણીનો સામનો કરવા ઈસુના બલિદાન વિશે અભ્યાસ કરીએ. એના પર મનન કરીએ અને એના વિશે પ્રાર્થના કરીએ. એમ કરીશું તો આપણા મનમાંથી દોષની લાગણી ઓછી થતી જશે. જે પાપ માટે યહોવાએ આપણને માફ કરી દીધા છે, એ પાપ માટે પોતાને દોષ આપીશું નહિ. પાઊલ પાસેથી આપણે બીજું પણ કંઈક શીખી શકીએ છીએ. અમુક ભાઈ-બહેનોએ મોટા પગારવાળી નોકરી છોડી દીધી હશે, જેથી યહોવાની ભક્તિ વધારે સારી રીતે કરી શકે. ઘણી વાર વિચાર આવે કે જો એ તક જવા દીધી ન હોત, તો આજે ઘણા ધનવાન હોત. આપણે એવા વિચારો કાઢી નાખીશું તો, પાછળ છોડી દીધેલી બાબતોથી દૂર રહી શકાશે. (ગણ. ૧૧:૪-૬; સભા. ૭:૧૦) ‘પાછળ છોડી દીધેલી વાતોમાં’ બીજી બાબતોનો પણ સમાવેશ થાય છે. જેમ કે, યહોવાની સેવામાં પૂરી કરેલી મોટી સોંપણી અથવા અગાઉ સહન કરેલી સતાવણી. વર્ષો દરમિયાન યહોવાએ આપેલા આશીર્વાદો અને કરેલી મદદનો વિચાર કરીશું તો, યહોવાની વધુ નજીક જઈ શકીશું. પણ આપણે ક્યારેય એવું વિચારવા માંગતા નથી કે યહોવાની સેવામાં આપણે જે કર્યું એ પૂરતું છે.—૧ કોરીં. ૧૫:૫૮. w૧૯.૦૮ ૩ ¶૫-૬
મંગળવાર, નવેમ્બર ૯
“સતત પ્રાર્થના કરતા રહો.”—૧ થેસ્સા. ૫:૧૭.
આપણે ગમે ત્યાં હોઈએ યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ. તે આપણી પ્રાર્થના સાંભળવા હંમેશાં તૈયાર હોય છે. એ જાણીને તેમના માટે આપણી કદર વધે છે અને આપણે તેમની વધુ નજીક જઈએ છીએ. એક ગીતના લેખકે કહ્યું, ‘યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, તેથી હું તેમને પ્રેમ કરું છું.’ (ગીત. ૧૧૬:૧) આપણા પિતા આપણી પ્રાર્થના સાંભળે છે, એટલું જ નહિ એનો જવાબ પણ આપે છે. પ્રેરિત યોહાન આપણને ખાતરી આપે છે: “[ઈશ્વરની] ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો, તે આપણું સાંભળે છે.” (૧ યોહા. ૫:૧૪, ૧૫) આપણે ચાહીએ એ રીતે કદાચ યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ ન આપે. પણ તે જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. એટલે અમુક વાર તેમનો જવાબ ન મળે અથવા તે ચાહતા હોય કે આપણે રાહ જોઈએ. (૨ કોરીં. ૧૨:૭-૯) યહોવા આપણી જરૂરિયાતો પૂરી કરે છે. તે ચાહે છે કે પૃથ્વી પરના દરેક પિતાઓ તેમને પગલે ચાલે. (૧ તિમો. ૫:૮) યહોવા પોતાનાં બધાં બાળકોની જરૂરિયાતો પૂરી કરે છે. તે નથી ચાહતા કે આપણે રોટી, કપડાં અને મકાન માટે વધારે પડતી ચિંતા કરીએ. (માથ. ૬:૩૨, ૩૩; ૭:૧૧) પ્રેમાળ પિતા હોવાથી યહોવાએ ભવિષ્યમાં પણ આપણી બધી જ જરૂરિયાતો પૂરી કરવાની ગોઠવણ કરી છે. w૨૦.૦૨ ૫ ¶૧૦-૧૨
બુધવાર, નવેમ્બર ૧૦
“તેઓ એક ટોળું બનશે, તેઓનો એક ઘેટાંપાળક હશે.”—યોહા. ૧૦:૧૬.
સ્વર્ગના જીવનની આશા રાખનાર બધા અભિષિક્તો “વિશ્વાસુ અને સમજુ ચાકર” નથી. (માથ. ૨૪:૪૫-૪૭) પ્રથમ સદીની જેમ આજે પણ યહોવા અને ઈસુ અમુક ભાઈઓનો ઉપયોગ કરે છે. એ ભાઈઓ ઘણા બધા લોકોને ભક્તિને લગતો ખોરાક પૂરો પાડે છે, એટલે કે શીખવવાનું કામ કરે છે. પ્રથમ સદીમાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો લખવા ફક્ત થોડા જ અભિષિક્તોનો ઉપયોગ થયો હતો. આજે પણ થોડા જ અભિષિક્તો ઈશ્વરભક્તોને “યોગ્ય સમયે ખોરાક” પૂરો પાડવાનું કામ કરે છે. યહોવાએ ઘણા લોકોને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન આપવાનું નક્કી કર્યું છે. જ્યારે કે અમુક લોકોને સ્વર્ગનું જીવન આપવાનું નક્કી કર્યું છે, જેઓ ઈસુ સાથે રાજ કરશે. યહોવા પોતાના બધા ભક્તોને ઇનામ આપે છે. ભલે પછી એ “યહુદી” હોય કે “દસ માણસો” હોય. તે ચાહે છે કે બધા તેમના નિયમો પાળે અને તેમને વફાદાર રહે. (ઝખા. ૮:૨૩) બધા ભક્તોએ નમ્ર રહેવાનું છે. બધાએ સાથે મળીને યહોવાની ભક્તિ કરવાની છે અને સંપ રાખવાનો છે. બધાએ મંડળમાં સુલેહ-શાંતિ જાળવવાની છે. અંત નજીક આવતો જાય તેમ, ચાલો આપણે બધા ‘એક ટોળા’ તરીકે યહોવાની ભક્તિ કરીએ અને ઈસુને પગલે ચાલીએ. w૨૦.૦૧ ૩૦-૩૧ ¶૧૫-૧૬
ગુરુવાર, નવેમ્બર ૧૧
‘જો કોઈ ઈશ્વરનો સંદેશો માનનાર ન હોય, તો એક શબ્દ પણ બોલ્યા વગર તેને જીતી લેવાય, કેમ કે તેણે તમારા પવિત્ર વર્તન અને ઊંડા આદરને નજરે જોયા છે.’—૧ પીત. ૩:૧, ૨.
આપણે સગાઓને દબાણ કરી શકતા નથી કે, તેઓ ખુશખબર સ્વીકારે અને હંમેશ માટેનું જીવન મેળવે. પણ બાઇબલના સંદેશા માટે પોતાનાં મન અને દિલ ખોલે એવું ઉત્તેજન તેઓને જરૂર આપી શકીએ છીએ. (૨ તિમો. ૩:૧૪, ૧૫) સારા વર્તનથી દિલ જીતી લો. આપણે જે કહીએ એના કરતાં આપણે જે કરીએ, એના પર આપણાં સગાઓ વધારે ધ્યાન આપે છે. સગાઓને મદદ કરતા રહો. એ વિશે યહોવાએ દાખલો બેસાડ્યો છે. તે લોકોને ‘વારંવાર’ તક આપે છે, જેથી તેઓ ખુશખબર સ્વીકારે અને જીવન મેળવે. (યિર્મે. ૪૪:૪, કોમન લેંગ્વેજ) પ્રેરિત પાઊલે તિમોથીને ઉત્તેજન આપ્યું હતું કે બીજાઓને મદદ કરતા રહે. શા માટે? એમ કરીને તિમોથી પોતાને અને પોતાના સાંભળનારાને બચાવી શકે. (૧ તિમો. ૪:૧૬) આપણને પોતાનાં સગાઓ માટે પ્રેમ છે. એટલે આપણે ચાહીએ છીએ કે તેઓ પણ બાઇબલમાંથી સત્ય જાણે. w૧૯.૦૮ ૧૪ ¶૨; ૧૬-૧૭ ¶૮-૯
શુક્રવાર, નવેમ્બર ૧૨
“ગુપ્ત પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.”—નીતિ. ૨૭:૫.
જો કોઈ આપણને સલાહ આપવાનો પ્રયત્ન કરે, તો એનો અર્થ કે આપણે ચોક્કસ મોટી ભૂલ કરી હશે. બની શકે કે, આપણને એ ભૂલ નાની-સૂની લાગતી હશે. કદાચ આપણને એ સલાહ નકારી કાઢવાનું મન થાય. આપણે કદાચ સલાહ આપનાર વ્યક્તિની ટીકા કરવા લાગીએ. તેમની કહેવાની રીતમાં ભૂલો શોધવા લાગીએ. પણ જો આપણે નમ્ર હોઈશું, તો એવા સમયે યોગ્ય વલણ રાખવાનો પ્રયત્ન કરીશું. નમ્ર વ્યક્તિ સલાહની કદર કરે છે. કલ્પના કરો કે, તમે સભામાં ગયા છો. તમે ભાઈ-બહેનો સાથે વાત કરી રહ્યા છો. કોઈ ભાઈ કે બહેન તમને એક બાજુ લઈ જાય છે. પછી તે ધીમેથી કહે છે કે તમારા દાંતમાં ખોરાક ભરાયેલો છે. એ સાંભળીને તમને શરમ આવશે, ખરું ને! પણ એ વાત કહેવા માટે તમે તેમનો આભાર માનશો. અરે, તમે તો એવું વિચારશો કે મને કોઈએ પહેલાં કેમ કહ્યું નહિ! એવી જ રીતે, કોઈ ભાઈ કે બહેન આપણને જરૂરી સલાહ આપે તો નમ્રતાથી એનો સ્વીકાર કરીએ. એ વ્યક્તિને દુશ્મન નહિ, પણ મિત્ર ગણીએ.—નીતિ. ૨૭:૬; ગલા. ૪:૧૬. w૧૯.૦૯ ૫ ¶૧૧-૧૨
શનિવાર, નવેમ્બર ૧૩
“મારા દીકરા, તારા બાપની આજ્ઞા પાળ, અને તારી માની શિખામણનો ત્યાગ ન કર.”—નીતિ. ૬:૨૦.
યહોવાએ માતાઓને પણ મહત્ત્વની જવાબદારી સોંપી છે. માતાઓને બાળકો પર અમુક અધિકાર આપ્યો છે. માતા જે કહે અને કરે એની અસર બાળકો પર જીવનભર રહે છે. (નીતિ. ૨૨:૬) ચાલો જોઈએ કે ઈસુની માતા મરિયમ પાસેથી માતાઓ શું શીખી શકે. મરિયમ પાસે શાસ્ત્રવચનોની સારી સમજણ હતી. તે યહોવાનો દિલથી આદર કરતી હતી. યહોવા સાથેનો તેનો સંબંધ ખૂબ મજબૂત હતો. યહોવાની ઇચ્છા પૂરી કરવામાં તેનું આખું જીવન બદલાય જવાનું હતું. તોપણ તેણે ખુશી ખુશી યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. (લુક ૧:૩૫-૩૮, ૪૬-૫૫) માતાઓ, તમે મરિયમના દાખલાને કઈ રીતે અનુસરી શકો? પહેલું, યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા બાઇબલનો અભ્યાસ કરો અને નિયમિત પ્રાર્થના કરો. બીજું, જીવનમાં ફેરફારો કરવા તૈયાર રહો, જેથી યહોવાને ખુશ કરી શકો. w૧૯.૦૯ ૧૮ ¶૧૭-૧૯
રવિવાર, નવેમ્બર ૧૪
“જુઓ! . . . મોટું ટોળું.”—પ્રકટી. ૭:૯.
ઈશ્વરે પ્રેરિત યોહાનને ભાવિ વિશેનું દર્શન બતાવ્યું. એમાં ચાર દૂતોને જણાવવામાં આવે છે કે, ઈશ્વરભક્તોના સમૂહ પર છેલ્લી મહોર થાય ત્યાં સુધી વિનાશક પવનને તેઓ પકડી રાખે. (પ્રકટી. ૭:૧-૩) એ સમૂહ ૧,૪૪,૦૦૦ ઈશ્વરભક્તોનો બનેલો છે, જેઓ સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવાના છે. (લુક ૧૨:૩૨; પ્રકટી. ૭:૪) પછી યોહાને બીજા સમૂહ વિશે જણાવ્યું. એ સમૂહ એટલો મોટો હતો કે યોહાન બોલી ઊઠ્યા: “જુઓ!” એ બતાવે છે કે તેમને ઘણી નવાઈ લાગી હતી. યોહાને શું જોયું? “દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી કોઈ માણસ ગણી ન શકે, એટલું મોટું ટોળું રાજ્યાસન અને ઘેટા સામે ઊભું હતું.” (પ્રકટી. ૭:૯-૧૪) ભાવિમાં લાખો લોકો સાચા ઈશ્વરની ભક્તિ કરતા હશે, એ જાણીને યોહાનને કેટલી ખુશી થઈ હશે! એ દર્શનથી યોહાનની શ્રદ્ધા ચોક્કસ મજબૂત થઈ હશે. એ દર્શનમાં બતાવેલી બાબતો આપણા સમયમાં પૂરી થઈ રહી છે. એનાથી આપણી શ્રદ્ધા વધુ મજબૂત થવી જોઈએ. આપણા સમયમાં લાખો લોકોએ યહોવાની ભક્તિ કરવાનું શરૂ કર્યું છે. તેઓને આશા છે કે તેઓ મહાન વિપત્તિમાંથી બચી જશે અને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવશે. w૧૯.૦૯ ૨૬-૨૭ ¶૨-૩
સોમવાર, નવેમ્બર ૧૫
“અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે. અને એ વિનાશમાંથી તેઓ કોઈ પણ રીતે બચશે નહિ.”—૧ થેસ્સા. ૫:૩.
કલ્પના કરો, દુનિયાના નેતાઓએ હમણાં જ ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરી છે. તેઓ કદાચ એવી બડાઈ હાંકે કે દુનિયામાં આવી સલામતી તો પહેલાં ક્યારેય ન હતી. તેઓ લોકોના મનમાં એવું ઠસાવવા માંગે કે બધી બાબતો તેઓના કાબૂમાં છે. પણ એ તેઓની ભૂલ છે. એના પછી જે બનવાનું છે, એ રોકવાની તેઓ પાસે તાકાત નથી. ‘મહાન બાબેલોનનો’ નાશ થશે! (પ્રકટી. ૧૭:૫, ૧૫-૧૮) ‘ઈશ્વર પોતાનો હેતુ પૂરો કરવાનો વિચાર તેઓના દિલમાં મૂકશે.’ કયો હેતુ? દુનિયાના જૂઠા ધર્મોનો નાશ કરવાનો હેતુ. એમાં એવા ધર્મોનો પણ સમાવેશ થાય છે, જે ખ્રિસ્તી હોવાનો દેખાડો કરે છે. ‘ઘેરા લાલ રંગના જંગલી જાનવરના’ ‘દસ શિંગડાંના’ મનમાં ઈશ્વર પોતાનો હેતુ પૂરો કરવાનો વિચાર મૂકશે. દસ શિંગડાં બધી સરકારોને રજૂ કરે છે અને “જંગલી જાનવર” યુનાઈટેડ નેશન્સને (સંયુક્ત રાષ્ટ્રને) રજૂ કરે છે. બધી સરકારો યુનાઈટેડ નેશન્સને ટેકો આપે છે. (પ્રકટી. ૧૭:૩, ૧૧-૧૩; ૧૮:૮) સરકારો જૂઠા ધર્મો પર હુમલો કરશે, એ તો મહાન વિપત્તિની શરૂઆત હશે. એ બનાવ એકાએક બનશે અને ખૂબ ડરામણો હશે, જેની અસર પૃથ્વીના દરેક રહેવાસીને થશે. w૧૯.૧૦ ૧૪ ¶૧, ૩
મંગળવાર, નવેમ્બર ૧૬
“દિયત્રેફેસ, જેને મંડળમાં મુખ્ય થવાનું ગમે છે, તે અમારી કોઈ પણ વાતનો આદર કરતો નથી અને એને સ્વીકારતો નથી.”—૩ યોહા. ૯.
પહેલી સદીમાં દિયત્રેફેસને એવા ભાઈઓની ઈર્ષા થતી, જેઓ મંડળમાં આગેવાન હતા. દિયત્રેફેસને મંડળમાં ‘મુખ્ય થવાનું ગમતું.’ એટલે તેમણે પ્રેરિત યોહાન અને બીજા આગેવાન ભાઈઓ વિરુદ્ધ ખોટી અફવા ફેલાવી, જેથી તેઓ મંડળનાં ભાઈ-બહેનોની નજરમાંથી ઊતરી જાય. (૩ યોહા. ૧૦) આપણે દિયત્રેફેસ જેવા નહિ બનીએ. બની શકે આપણે એવાં ભાઈ-બહેનોની ઈર્ષા કરવા લાગીએ, જેઓને કોઈ સોંપણી મળી હોય. એ સોંપણી મેળવવાની આપણા મનમાં ઇચ્છા હતી. આપણને લાગે કે ‘એ કામ તો હું પણ તેની જેમ કરી શકું છું. અરે, તેના કરતાંય વધારે સારી રીતે કરી શકું છું.’ ઈર્ષા એવા ઝેરી છોડ જેવી છે, જેનાં મૂળ દિલમાં ઘર કરી જાય પછી કાઢવા અઘરું થઈ જાય છે. અદેખાઈ, ઘમંડ અને સ્વાર્થ જેવા ખરાબ ગુણોથી ઈર્ષાના છોડને પોષણ મળે છે. ઈર્ષાને લીધે આપણામાં પ્રેમ, દયા અને કૃપા જેવા સારા ગુણો નહિ ખીલે. જો તમારા દિલમાં ઈર્ષાના મૂળ દેખાવા લાગે, તો એને જડમૂળથી કાઢી નાખો. w૨૦.૦૨ ૧૫ ¶૬-૭
બુધવાર, નવેમ્બર ૧૭
“મને શરીરમાં કાંટો આપવામાં આવ્યો છે.”—૨ કોરીં. ૧૨:૭.
પ્રેરિત પાઊલ એવી કોઈ કસોટીની વાત કરી રહ્યા હતા, જેનાથી તેમને ઘણું દુઃખ થતું હતું. એ કસોટીને તેમણે એવી ગણી, જાણે ‘શેતાનનો દૂત’ તેમને “થપ્પડ મારતો” હોય. (“માર મારે છે,” ફૂટનોટ) પાઊલના શરીરમાં કાંટા જેવી કસોટીઓ કદાચ શેતાન અને તેના દુષ્ટ દૂતો લાવ્યા નહિ હોય. પણ એ “કાંટો” દુષ્ટ દૂતોના ધ્યાનમાં આવ્યો ત્યારે, તેઓ કદાચ એને વધારે અંદર ધકેલવા માંગતા હતા. એટલે કે, પાઊલનું દુઃખ વધારવા માંગતા હતા. પાઊલે શું કર્યું? શરૂઆતમાં તો પાઊલ ચાહતા હતા કે યહોવા એ “કાંટો” કાઢી નાખે. પાઊલે કહ્યું: ‘મેં ત્રણ વાર યહોવાને કાલાવાલા કર્યા, જેથી એ મારામાંથી કાઢી નાખવામાં આવે.’ પાઊલે ઘણી વાર પ્રાર્થના કરી તોપણ તેમના શરીરમાંથી કાંટો દૂર ન થયો. શું એનો અર્થ એમ થાય કે યહોવાએ પાઊલની પ્રાર્થનાનો જવાબ ન આપ્યો? ના, યહોવાએ તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો. યહોવાએ એ તકલીફ કાઢી ન નાખી, પણ એ સહેવા પાઊલને બળ પૂરું પાડ્યું. યહોવાએ કહ્યું: ‘તારી કમજોરીમાં મારી શક્તિ પૂરી રીતે દેખાઈ આવે છે.’ (૨ કોરીં. ૧૨:૮, ૯) યહોવાની મદદથી પાઊલ ખુશ રહી શક્યા અને મનની શાંતિ જાળવી શક્યા.—ફિલિ. ૪:૪-૭. w૧૯.૧૧ ૯ ¶૪-૫
ગુરુવાર, નવેમ્બર ૧૮
“તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર અને તેમના એકલાની જ પવિત્ર સેવા કર.”—માથ. ૪:૧૦.
યહોવાએ આપણને બનાવ્યા છે અને જીવન આપ્યું છે. એટલે આપણે ફક્ત તેમની જ ભક્તિ કરવી જોઈએ. (પ્રકટી. ૪:૧૧) આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમને માન આપીએ છીએ. પણ આપણા માટે અમુક બાબતો એટલી મહત્ત્વની બની જાય કે આપણી ભક્તિને આડે આવવા લાગે. એ આપણા માટે ખતરો બની શકે છે. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરની ભક્તિ અને તેમના માટેનો ઊંડો પ્રેમ એકબીજા સાથે જોડાયેલા છે. આપણા દિલમાં કોઈ વસ્તુ કે વ્યક્તિને ઈશ્વરનું સ્થાન લેવા ન દઈએ. (નિર્ગ. ૩૪:૧૪) આપણે યહોવાની આંધળી ભક્તિ કરતા નથી. કારણ કે આપણે તેમના વિશે જે શીખ્યા એના આધારે તેમની ભક્તિ કરીએ છીએ. આપણને તેમના સુંદર ગુણો ગમે છે. આપણે તેમની પસંદ-નાપસંદ જાણીએ છીએ અને આપણે પણ એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વરનો માણસો માટેનો હેતુ છે કે તેઓ તેમની ઇચ્છા પ્રમાણે ચાલે અને હંમેશાં તેમની જ ભક્તિ કરે. તેમનાં ધોરણો પ્રમાણે ચાલીને આપણે એ હેતુ પૂરો કરવામાં ભાગ ભજવીએ છીએ. તેમના મિત્ર બનવાનો આપણી પાસે કેટલો સરસ લહાવો છે! (ગીત. ૨૫:૧૪) સર્જનહાર વિશે આપણે જે કંઈ શીખીએ છીએ, એનાથી તેમની નજીક જઈ શકીએ છીએ.—યાકૂ. ૪:૮. w૧૯.૧૦ ૨૬ ¶૧-૩
શુક્રવાર, નવેમ્બર ૧૯
“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.”—નીતિ. ૧૭:૧૭.
આપણાં ભાઈ-બહેનો અલગ અલગ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ઘણાં ભાઈ-બહેનો ધરતીકંપ જેવી કુદરતી આફતોનો ભોગ બને છે. બીજાં ભાઈ-બહેનો યુદ્ધ જેવી આફતોનો શિકાર બને છે, જે માણસો તરફથી હોય છે. એવા સમયે આપણામાંથી અમુક તેઓને પોતાના ઘરમાં આશરો આપી શકે. બીજા અમુક તેઓને પૈસેટકે મદદ કરી શકે. પણ આપણે બધા તેઓ માટે યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ. કોઈ ભાઈ કે બહેન નિરાશ હોય ત્યારે તેઓને શું કહીશું કે શું કરીશું એ આપણને કદાચ ન સૂઝે. તોપણ આપણે તેઓને મદદ કરી શકીએ છીએ. જેમ કે, આપણે મિત્ર સાથે સમય પસાર કરી શકીએ. તે વાત કરે ત્યારે ધ્યાનથી સાંભળીએ. આપણી મનગમતી કલમ તેને જણાવી શકીએ, જેનાથી તેને દિલાસો મળશે. (યશા. ૫૦:૪) સૌથી મહત્ત્વનું તો એ છે કે, મિત્રના કપરા સંજોગોમાં તમે તેની પડખે ઊભા રહો છો. હમણાં ભાઈ-બહેનો સાથે મિત્રતાનું બંધન મજબૂત કરવાની મનમાં ગાંઠ વાળીએ. એને ક્યારેય તૂટવા ન દઈએ. આપણી મિત્રતા ફક્ત આ દુનિયાના અંત સુધી જ નહિ, પણ યુગોના યુગો સુધી રહેશે. w૧૯.૧૧ ૭ ¶૧૮-૧૯
શનિવાર, નવેમ્બર ૨૦
“શાંત્યર્પણોનો યજ્ઞ યહોવા પ્રત્યે કોઈ ચઢાવે, તો તેનો નિયમ આ છે.”—લેવી. ૭:૧૧.
એ અર્પણ તે રાજીખુશીથી આપતો હતો, કારણ કે તે યહોવા ઈશ્વરને પ્રેમ કરતો હતો. પ્રાણીના અર્પણમાંથી એ ઈઝરાયેલી, તેનું કુટુંબ અને યાજકો ખાઈ શકતા હતા. પરંતુ પ્રાણીના શરીરના અમુક ભાગો ફક્ત યહોવાને અર્પણ કરવાના હતા. એ કયા હતા? પ્રાણીના શરીરની ચરબીને યહોવા સૌથી સારો ભાગ ગણતા હતા. તેમણે બતાવ્યું કે પ્રાણીનાં બીજાં અંગો પણ કીમતી છે, જેમ કે કિડની (મૂત્રપિંડ). (લેવી. ૩:૬, ૧૨, ૧૪-૧૬) એવાં મહત્ત્વનાં અંગો અને ચરબીને એક ઇઝરાયેલી ખુશીથી અર્પણ તરીકે ચઢાવે તો યહોવાને ઘણો આનંદ થતો. એવું અર્પણ આપીને ઇઝરાયેલી બતાવતો કે ઈશ્વરને તે સૌથી ઉત્તમ આપવા માંગે છે. એવી જ રીતે, ઈસુને યહોવા માટે પ્રેમ હોવાથી તેમણે પૂરા મનથી યહોવાની સેવા કરી. આમ ઈસુએ બતાવ્યું કે તે ખુશીથી યહોવાને સૌથી ઉત્તમ આપવા માંગે છે. (યોહા. ૧૪:૩૧) ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી ઈસુને ગમતું હતું. (ગીત. ૪૦:૮) ઈસુ ખુશીથી યહોવાની સેવા કરતા હતા. એ જોઈને યહોવાની ખુશીનો પાર રહેતો નહિ હોય! w૧૯.૧૧ ૨૨-૨૩ ¶૯-૧૦
રવિવાર, નવેમ્બર ૨૧
‘સાતમો દિવસ યહોવાને માટે પવિત્ર એવો વિશ્રામનો સાબ્બાથ છે.’—નિર્ગ. ૩૧:૧૫.
બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વરે છ “દિવસ” કામ કર્યા પછી, પૃથ્વી પર સર્જન કરવાનું બંધ કર્યું. (ઉત. ૨:૨) યહોવાને કામ કરવું બહુ ગમે છે. બીજી ઘણી રીતે તે “હમણાં સુધી કામ કરે છે.” (યોહા. ૫:૧૭) યહોવાએ છ “દિવસ” કામ કર્યું અને સાતમા “દિવસે” વિસામો લીધો. તેમણે ઇઝરાયેલીઓને પણ સાતમા દિવસે આરામ કરવાનું જણાવ્યું હતું. સાબ્બાથના નિયમથી જોવા મળતું કે યહોવા અને ઇઝરાયેલીઓ વચ્ચે એક ખાસ સંબંધ હતો. એનાથી ઇઝરાયેલીઓને યાદ રહેતું કે યહોવાએ તેઓને ઇજિપ્તમાંથી છોડાવ્યા હતા. (નિર્ગ. ૩૧:૧૨-૧૪) એ દિવસે કોઈએ કામ કરવાનું ન હતું. અરે બાળકો, ગુલામો અને પાલતુ પ્રાણીઓએ પણ નહિ. (નિર્ગ. ૨૦:૧૦) એનાથી લોકો યહોવાની ભક્તિ પર વધારે ધ્યાન આપી શકતા હતા. ઈસુના સમયમાં ઘણા ધાર્મિક આગેવાનોએ સાબ્બાથ માટે કડક નિયમો બનાવ્યા હતા. તેઓ માનતા કે સાબ્બાથના દિવસે અનાજનાં કણસલાં તોડવાં કે બીમાર લોકોને સાજા કરવા પણ ખોટું છે. (માર્ક ૨:૨૩-૨૭; ૩:૨-૫) ઈશ્વર તો ક્યારેય એવું વિચારે નહિ. તેઓના વિચારો અને ઈશ્વરના વિચારો વચ્ચે આભ-જમીનનો ફરક હતો. ઈસુએ લોકોને સાફ શબ્દોમાં ઈશ્વરના વિચારો જણાવ્યા હતા. w૧૯.૧૨ ૩-૪ ¶૮-૯
સોમવાર, નવેમ્બર ૨૨
“વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો.”—એફે. ૫:૧.
યહોવાના સ્વભાવમાં જે ગુણો છલકાય છે, એ વિશે શીખતા જઈશું તેમ તેમના પગલે ચાલી શકીશું. દાઊદ સ્વર્ગના પિતાને સારી રીતે ઓળખતા હતા. એટલે બીજાઓ સાથે કામ કરતી વખતે દાઊદ તેમના પગલે ચાલી શક્યા. કારણ કે દાઊદે પણ બીજાઓ પર દયા બતાવી હતી. યહોવા સાથે તેમનો ખાસ સંબંધ હતો. એટલે ઇઝરાયેલના લોકો દાઊદને ખૂબ પસંદ કરતા હતા. યહોવાની નજરમાં દાઊદે ખૂબ સારો દાખલો બેસાડ્યો હતો. એટલે ઇઝરાયેલના બીજા રાજાઓની વાત આવે ત્યારે, યહોવા દાઊદનો દાખલો આપતા હતા. (૧ રાજા. ૧૫:૧૧; ૨ રાજા. ૧૪:૧-૩) એમાંથી આપણને શું શીખવા મળે છે? આપણે “ઈશ્વરનું અનુકરણ કરનારાં” બનવું જોઈએ. યહોવા જેવો સ્વભાવ કેળવીને સાબિત કરીએ છીએ કે, આપણે તેમનાં બાળકો છીએ. (એફે. ૪:૨૪) યહોવા વિશે શીખવાનું કદી બંધ ન કરીએ. (સભા. ૩:૧૧) યહોવા વિશે આપણે જાણવું જોઈએ. પણ સૌથી મહત્ત્વનું છે કે તેમના વિશે જાણ્યા પછી એ પ્રમાણે કરવું જોઈએ. આપણે પ્રેમાળ પિતાના પગલે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કરીશું તો તે આપણી નજીક આવશે. (યાકૂ. ૪:૮) બાઇબલમાં તેમણે ખાતરી આપી છે કે, જેઓ તેમને ઓળખવા માંગે છે તેઓને તે કદી છોડશે નહિ. w૧૯.૧૨ ૨૦ ¶૨૦; ૨૧ ¶૨૧, ૨૩
મંગળવાર, નવેમ્બર ૨૩
“હૃદય સહુથી કપટી છે.”—યિર્મે. ૧૭:૯.
યાકૂબ પોતાના બધા દીકરાને પ્રેમ કરતા હતા. પણ ૧૭ વર્ષનો યુસફ તેમના કાળજાનો કટકો હતો. યુસફના ભાઈઓને એ વિશે કેવું લાગતું? તેઓ તો ઈર્ષામાં બળીને ખાખ થઈ જતા. એના લીધે તેઓના મનમાં યુસફ માટે કડવાશ આવી ગઈ હતી. તેઓએ યુસફને ગુલામ તરીકે વેચી દીધા. પછી પિતા આગળ તેઓ હળહળતું જૂઠું બોલ્યા કે જંગલી જાનવરે તેમના વહાલા દીકરાને ફાડી ખાધો છે. તેઓની ઈર્ષાને લીધે કુટુંબની શાંતિ છીનવાઈ ગઈ અને તેમના પિતા દિલથી ભાંગી પડ્યા. (ઉત. ૩૭:૩, ૪, ૨૭-૩૪) બાઇબલમાં ‘શરીરનાં કામોનું’ લિસ્ટ આપ્યું છે, જેમાં ઈર્ષાનો સમાવેશ થયો છે. એવાં કામો કરનારને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ. (ગલા. ૫:૧૯-૨૧) જો કોઈ માણસ વારે વારે તપી જતો હોય અને ગુસ્સો કે ઝઘડો કરતો હોય, તો એ ખરાબ કહેવાય. એ ગુણો એવા ઝેરી છોડ જેવા છે, જેનું મૂળ ઈર્ષા છે. યુસફના ભાઈઓના દાખલા પરથી જોવા મળે છે કે ઈર્ષા રાખવાથી સંબંધોમાં તિરાડ પડે છે. એટલું જ નહિ, ઘરની શાંતિ છીનવાઈ જાય છે. ખરું કે આપણે યુસફના ભાઈઓની જેમ નહિ કરીએ પણ આપણે પાપી છીએ અને આપણું દિલ કપટી છે. એટલે અમુક વાર આપણે ઈર્ષાની લાગણી સામે લડવું પડે. w૨૦.૦૨ ૧૪-૧૫ ¶૧-૩
બુધવાર, નવેમ્બર ૨૪
“નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિ. ૨:૩.
યહોવાએ મુસા પરથી થોડી પવિત્ર શક્તિ લઈને ઇઝરાયેલી વડીલોના એક ટોળાને આપી, જેઓ મંડપ પાસે ઊભા હતા. થોડા સમય પછી મુસાને સાંભળવા મળ્યું કે બીજા બે વડીલોને પણ પવિત્ર શક્તિ મળી, જેઓ મંડપ પાસે ઊભા ન હતા. એ વડીલો પ્રબોધકોની જેમ બોલવા લાગ્યા હતા. યહોશુઆએ મુસાને કહ્યું કે તે એ વડીલોને રોકે. એ સમયે મુસાએ શું કર્યું? યહોવાએ એ વડીલોને પવિત્ર શક્તિ આપી એ માટે મુસાએ તેઓની ઈર્ષા કરી નહિ. તેમણે નમ્રતા બતાવી અને તેઓને મળેલા એ લહાવાને લીધે ખુશ થયા. (ગણ. ૧૧:૨૪-૨૯) મુસા પાસેથી આપણને શું શીખવા મળે છે? ધારો કે, તમે વડીલ તરીકે મંડળમાં સેવા આપો છો. જો તમને કહેવામાં આવે કે, જે જવાબદારી તમને ગમે છે એની તાલીમ બીજા કોઈને આપો ત્યારે શું? જો તમે મુસાની જેમ નમ્ર હશો, તો તમે બીજા ભાઈને એની તાલીમ આપશો, જેથી સમય જતાં ભાઈ એ જવાબદારી ઊઠાવી શકે. તમને એવો ડર નહિ લાગે કે તમારો લહાવો જતો રહેશે. પણ એ ભાઈને મદદ કરવામાં તમે ખુશી અનુભવશો. w૨૦.૦૨ ૧૭ ¶૯-૧૧
ગુરુવાર, નવેમ્બર ૨૫
“પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.”—નીતિ. ૧૨:૨૫.
આપણી લાગણીઓ પર બીમારીની ઊંડી અસર પડી શકે છે. નાનાં નાનાં કામો માટે બીજાઓ પર આધાર રાખવો પડે ત્યારે આપણને શરમ આવે છે. બીજાઓને આપણી બીમારી વિશે ખબર હોય કે ન હોય પણ આપણે પહેલાં જેટલું કરી શકતા ન હોવાથી નિરાશ થઈ જઈએ. આવા અઘરા સંજોગોમાં યહોવા આપણને ઉત્તેજન આપે છે. કઈ રીતે? યહોવાએ એવા જ શબ્દો બાઇબલમાં લખાવ્યા છે. એનાથી ઉત્તેજન મળે છે કે, ભલે બીમાર હોઈએ તોપણ યહોવા આપણને અનમોલ ગણે છે. (ગીત. ૩૧:૧૯; ૪૧:૩) બીમારીમાં આપણે નિરાશાની લાગણીઓમાં ઘેરાય જઈએ છીએ. એટલે આપણે વારંવાર બાઇબલ વાંચતા રહેવું જોઈએ. ખાતરી રાખો કે યહોવા તમારી તકલીફો સમજે છે. યહોવાને કાલાવાલા કરો, જેથી સંજોગો સમજવા તમને મદદ કરે. પછી બાઇબલમાંથી દિલાસો મળે એવી કલમો વાંચો, જે યહોવાએ લખાવી છે. એ કલમો પર ધ્યાન આપો, જેમાં જણાવ્યું છે કે યહોવા પોતાના ભક્તોને કીમતી ગણે છે. એમ કરવાથી તમે જોઈ શકશો કે જેઓ યહોવાને વફાદાર રહે છે, તેઓ પર તે પ્રેમ વરસાવે છે.—ગીત. ૮૪:૧૧. w૨૦.૦૧ ૧૫-૧૬ ¶૯-૧૦, ૧૨
શુક્રવાર, નવેમ્બર ૨૬
“જે ખરાબ છે એના પગલે નહિ, પણ જે સારું છે એના પગલે ચાલજે.”—૩ યોહા. ૧૧.
ઇસહાક ધનવાન માણસ હતા એટલે પલિસ્તીઓ તેમની અદેખાઈ કરતા. (ઉત. ૨૬:૧૨-૧૪) તેઓએ ઇસહાકના કૂવા માટીથી પૂરી દીધા, જેથી તેમનાં ઢોરઢાંકને પાણી ન મળે. (ઉત. ૨૬:૧૫, ૧૬, ૨૭) પલિસ્તીઓની જેમ આજે અમુક લોકો ધનવાનોની અદેખાઈ કરે છે. ધનવાનો પાસે જે વસ્તુઓ છે, એ પોતાને મળે એવી તેઓ ઇચ્છા રાખે છે. એટલું જ નહિ, તેઓ એવું ચાહે છે કે ધનવાનો પાસેથી એ વસ્તુઓ છીનવાઈ જાય. લોકો ઈસુના ખૂબ વખાણ કરતા એટલે યહુદી ધર્મગુરુઓ ઈસુની ઈર્ષા કરતા. (માથ. ૭:૨૮, ૨૯) ઈસુને ઈશ્વરે મોકલ્યા હતા અને તે લોકોને સત્ય શીખવતા. છતાં ધર્મગુરુઓ તેમના વિશે જૂઠી અફવા ફેલાવીને તેમનું નામ બદનામ કરવાનો પ્રયત્ન કરતા. (માર્ક ૧૫:૧૦; યોહા. ૧૧:૪૭, ૪૮; ૧૨:૧૨, ૧૩, ૧૯) એ અહેવાલમાંથી આપણને કઈ ચેતવણી મળે છે? મંડળમાં અમુક લોકોના સારા ગુણોને લીધે વખાણ કરવામાં આવે તો આપણે તેઓની ઈર્ષા ન કરવી જોઈએ. એને બદલે આપણે પ્રેમથી તેઓના પગલે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ.—૧ કોરીં. ૧૧:૧. w૨૦.૦૨ ૧૫ ¶૪-૫
શનિવાર, નવેમ્બર ૨૭
“તેને મારી નાખવો.”—એસ્તે. ૪:૧૧.
કલ્પના કરો કે તમે લગભગ ૨,૫૦૦ વર્ષ પહેલાં ઈરાનમાં રહો છો અને ત્યાંના રાજા સાથે વાત કરવી છે. પણ નિયમ છે કે રાજા સાથે વાત કરવા પહેલાં તમારે પરવાનગી લેવી પડે. પરંતુ તમે એ નિયમ તોડો તો તમારે જીવ ગુમાવવો પડે. આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તે ઈરાનના રાજા જેવા નથી! આપણે ગમે તે સમયે તેમની સાથે વાત કરી શકીએ છીએ. તે ચાહે છે કે આપણે દિલ ખોલીને તેમની સાથે વાત કરીએ. બાઇબલમાં તેમને અજોડ ખિતાબો આપવામાં આવ્યા છે. જેમ કે પ્રભુ, મહાન સર્જનહાર અને સર્વશક્તિમાન. પણ તે ઇચ્છે છે કે આપણે તેમને “પિતા” કહીને બોલાવીએ. (માથ. ૬:૯) તે ચાહે છે કે આપણે તેમની નજીક છીએ એવું મહેસૂસ કરીએ. એ જાણીને કેટલી ખુશી થાય છે! યહોવા જીવનનો ઝરો છે, એટલે આપણે તેમને “પિતા” કહીને બોલાવીએ છીએ. (ગીત. ૩૬:૯) યહોવા આપણા પિતા હોવાથી આપણે તેમનું માનવું જોઈએ. જો આપણે તેમના કહ્યા પ્રમાણે કરીશું તો અદ્ભુત આશીર્વાદો મળશે. (હિબ્રૂ. ૧૨:૯) એ આશીર્વાદોમાં હંમેશ માટેના જીવનનો પણ સમાવેશ થાય છે, પછી ભલે એ જીવન સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર હોય. w૨૦.૦૨ ૨-૩ ¶૧-૩
રવિવાર, નવેમ્બર ૨૮
“શિષ્યો બનાવો.”—માથ. ૨૮:૧૯.
આપણે ચાહીએ છીએ કે વિદ્યાર્થીની શ્રદ્ધા મજબૂત થાય. (એફે. ૪:૧૩) કોઈ વ્યક્તિ આપણી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરે ત્યારે, તેને જાણવું હોય છે કે એનાથી તેને શું ફાયદો થશે. પણ યહોવા માટે પ્રેમ વધતો જશે તેમ તેની શ્રદ્ધા મજબૂત થશે. તે મંડળનાં ભાઈ-બહેનો અને બીજાઓનો વિચાર કરવાનું શીખશે અને તેઓને મદદ કરશે. (માથ. ૨૨:૩૭-૩૯) યોગ્ય સમય જોઈને તેને જણાવીએ કે ભક્તિને લગતાં કામો માટે દાન આપવું એક લહાવો છે. મુશ્કેલી આવે ત્યારે શું કરવું એ વિશે બાઇબલ વિદ્યાર્થીને શીખવીએ. ધારો કે, તમારો વિદ્યાર્થી બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક છે. તે તમને જણાવે છે કે તેને મંડળના કોઈ ભાઈ કે બહેનથી માઠું લાગ્યું છે. કોઈનો પક્ષ લેવાને બદલે તેને સમજાવો કે કયો બાઇબલ સિદ્ધાંત લાગુ પાડી શકાય. એના આધારે ભાઈ કે બહેનને તે માફ કરે અને એ બાબતો ભૂલી જાય. પણ જો તે એમ ન કરી શકે તો એ ભાઈ કે બહેનને મળીને પ્રેમથી એ વિશે વાત કરે. કેમ કે તેનો ધ્યેય તો ‘ભાઈને જીતી’ લેવાનો છે. (માથ્થી ૧૮:૧૫ સરખાવો.) વિદ્યાર્થી તેમને મળીને શું કહેશે એની તૈયારી કરવામાં મદદ કરો. w૨૦.૦૧ ૫-૬ ¶૧૪-૧૫
સોમવાર, નવેમ્બર ૨૯
“મેં મારાં પાપ તારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. . . . તેં મારાં પાપ માફ કર્યાં.”—ગીત. ૩૨:૫.
આપણે પ્રાર્થના કરીએ, શિસ્ત સ્વીકારીએ અને એકની એક ભૂલો ફરી ન કરીએ. એમ કરીને આપણે બતાવીએ છીએ કે યહોવાએ આપેલી માફીની કદર કરીએ છીએ. એ પગલાં ભરીને આપણે મનની શાંતિ પાછી મેળવી શકીએ છીએ. બાઇબલમાં લખ્યું છે: ‘આશાભંગ થએલાઓની પાસે યહોવા છે અને નમ્ર વ્યક્તિને તે બચાવે છે.’ (ગીત. ૩૪:૧૮) એ જાણીને દિલને કેટલી ઠંડક મળે છે! જેમ જેમ છેલ્લા દિવસો નજીક આવતા જાય તેમ તેમ મુશ્કેલીઓ વધતી જશે અને એના લીધે ચિંતા પણ વધશે. એવા સમયે પ્રાર્થનામાં યહોવાની મદદ લેતા અચકાઈએ નહિ. મન લગાવીને બાઇબલનો અભ્યાસ કરીએ. હાન્ના, પ્રેરિત પાઊલ અને રાજા દાઊદના દાખલાઓમાંથી શીખીએ. ચિંતાનું કારણ શોધવા ઈશ્વર પાસે મદદ માંગીએ. (ગીત. ૧૩૯:૨૩) આપણો બોજો યહોવા પર નાખીએ. ખાસ તો એવી ચિંતાઓનો બોજો, જેના પર આપણો કાબૂ ન હોય. જો એમ કરીશું તો આપણે પણ આ ગીતના લેખકની જેમ યહોવાને કહી શકીશું: ‘મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તમારા દિલાસાઓ મારા મનને શાંત કરે છે.’—ગીત. ૯૪:૧૯. w૨૦.૦૨ ૨૪ ¶૧૭; ૨૫ ¶૨૦-૨૧
મંગળવાર, નવેમ્બર ૩૦
“આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.”—૨ તિમો. ૩:૧૬.
“ઈશ્વરની પ્રેરણાથી” માટે વપરાયેલા ગ્રીક શબ્દોનો અર્થ થાય, ‘ઈશ્વરે શ્વાસ ફૂંક્યો.’ બાઇબલ લેખકોના મનમાં ઈશ્વરે પોતાના વિચારોનો ‘શ્વાસ ફૂંકવા’ પવિત્ર શક્તિનો ઉપયોગ કર્યો. આપણે બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ ત્યારે, ઈશ્વરની આજ્ઞાઓ આપણા દિલમાં ઊતરે છે. એની મદદથી આપણે જીવનમાં સુધારો કરીએ છીએ અને યહોવાના દિલને ખુશ કરીએ છીએ. (હિબ્રૂ. ૪:૧૨) પવિત્ર શક્તિનો પૂરેપૂરો ફાયદો લેવા આપણે શું કરવું જોઈએ? નિયમિત બાઇબલનો અભ્યાસ કરવા અને એના પર મનન કરવા સમય કાઢવો જોઈએ. એમ કરીશું તો, આપણાં વાણી-વર્તનમાં બાઇબલની અસર દેખાઈ આવશે. સાથે મળીને ઈશ્વરની ભક્તિ કરીએ. (ગીત. ૨૨:૨૨) યહોવાની પવિત્ર શક્તિ સભાઓમાં હોય છે. (પ્રકટી. ૨:૨૯) ભાઈ-બહેનો સાથે ભક્તિમાં ભેગા મળીએ છીએ ત્યારે, આપણે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગીએ છીએ. આપણે બાઇબલના આધારે બનેલાં ગીતો ગાઈએ છીએ. એટલું જ નહિ, પવિત્ર શક્તિથી નિમાયેલા ભાઈઓએ આપેલી બાઇબલની સલાહ સાંભળીએ છીએ. પવિત્ર શક્તિનો પૂરેપૂરો ફાયદો લેવા આપણે સભાની તૈયારી કરીને જવું જોઈએ અને જવાબ આપવા જોઈએ. w૧૯.૧૧ ૧૧ ¶૧૩-૧૪