વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es21 પાન ૧૨૨-૧૩૫
  • ઑક્ટોબર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
  • મથાળાં
  • શુક્રવાર, ઑક્ટોબર ૧
  • શનિવાર, ઑક્ટોબર ૨
  • રવિવાર, ઑક્ટોબર ૩
  • સોમવાર, ઑક્ટોબર ૪
  • મંગળવાર, ઑક્ટોબર ૫
  • બુધવાર, ઑક્ટોબર ૬
  • ગુરુવાર, ઑક્ટોબર ૭
  • શુક્રવાર, ઑક્ટોબર ૮
  • શનિવાર, ઑક્ટોબર ૯
  • રવિવાર, ઑક્ટોબર ૧૦
  • સોમવાર, ઑક્ટોબર ૧૧
  • મંગળવાર, ઑક્ટોબર ૧૨
  • બુધવાર, ઑક્ટોબર ૧૩
  • ગુરુવાર, ઑક્ટોબર ૧૪
  • શુક્રવાર, ઑક્ટોબર ૧૫
  • શનિવાર, ઑક્ટોબર ૧૬
  • રવિવાર, ઑક્ટોબર ૧૭
  • સોમવાર, ઑક્ટોબર ૧૮
  • મંગળવાર, ઑક્ટોબર ૧૯
  • બુધવાર, ઑક્ટોબર ૨૦
  • ગુરુવાર, ઑક્ટોબર ૨૧
  • શુક્રવાર, ઑક્ટોબર ૨૨
  • શનિવાર, ઑક્ટોબર ૨૩
  • રવિવાર, ઑક્ટોબર ૨૪
  • સોમવાર, ઑક્ટોબર ૨૫
  • મંગળવાર, ઑક્ટોબર ૨૬
  • બુધવાર, ઑક્ટોબર ૨૭
  • ગુરુવાર, ઑક્ટોબર ૨૮
  • શુક્રવાર, ઑક્ટોબર ૨૯
  • શનિવાર, ઑક્ટોબર ૩૦
  • રવિવાર, ઑક્ટોબર ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
es21 પાન ૧૨૨-૧૩૫

ઑક્ટોબર

શુક્રવાર, ઑક્ટોબર ૧

“યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે.”—૨ કાળ. ૧૬:૯.

યહોવા પોતાના લોકોનું રક્ષણ કરે છે, એની ઘણી સાબિતીઓ જોવા મળે છે. જરા વિચારો, દુનિયા ફરતે આપણે પ્રચારકામ અને શીખવવાનું કામ કરીએ છીએ. (માથ. ૨૮:૧૯, ૨૦) આમ, આપણે શેતાનનાં દુષ્ટ કામોને ખુલ્લાં પાડીએ છીએ. શેતાનના હાથમાં હોત તો તેણે આપણું કામ ક્યારનુંય બંધ કરાવી દીધું હોત. પણ એ તો તેના ગજા બહારની વાત છે. એટલે આપણે દુષ્ટ દૂતોથી જરાય ડરવું ન જોઈએ. જો આપણે યહોવાને વફાદાર રહીશું, તો દુષ્ટ દૂતો આપણને મોટું નુકસાન પહોંચાડી શકશે નહિ. જોકે, આપણે બધાએ દુષ્ટ દૂતોથી દૂર રહેવું જોઈએ અને યહોવા પર ભરોસો રાખવો જોઈએ. એમ કરીશું તો આપણને ઘણા આશીર્વાદો મળશે. આપણે શેતાનનાં જૂઠાણાઓથી છેતરાઈશું નહિ. આપણે એવો ડર રાખીશું નહિ કે દુષ્ટ દૂતો આપણને યહોવાની ભક્તિ કરતા રોકશે. યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત કરતા જઈએ. એ જ આપણા માટે સૌથી મહત્ત્વનું છે. યાકૂબે કહ્યું હતું: “તમે ઈશ્વરને આધીન થઈ જાઓ, પણ શેતાનની સામા થાઓ અને તે તમારી પાસેથી નાસી જશે. ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂ. ૪:૭, ૮. w૧૯.૦૪ ૨૪ ¶૧૫; ૨૫ ¶૧૮

શનિવાર, ઑક્ટોબર ૨

‘પેટનાં ફરજંદ યહોવા તરફનું પ્રતિદાન છે.’—ગીત. ૧૨૭:૩.

બાળકો તો યહોવા તરફથી ભેટ છે. “યહોવાનું આપેલું ધન” છે. માતાપિતાઓ, બાળકોનું રક્ષણ કરવાની જવાબદારી યહોવાએ તમને આપી છે. બાળક શોષણનો ભોગ ન બને માટે તમે શું કરી શકો? પહેલું પગલું, બાળકોના જાતીય શોષણ જેવા ખરાબ કામ વિશે માહિતી મેળવો, સાવચેત રહો. બાળકોનું શોષણ કરનાર લોકો કેવા હોય છે અને તેઓ કેવા કીમિયા અજમાવે છે એ જાણો. ખતરનાક સંજોગો અને દુષ્ટ લોકો વિશે સજાગ રહો. (નીતિ. ૨૨:૩; ૨૪:૩) ધ્યાન આપો, મોટા ભાગના કિસ્સામાં શોષણ કરનારને બાળક ઓળખતું હોય છે અને તેના પર ભરોસો કરતું હોય છે. બીજું પગલું, બાળકો સાથે ખુલ્લા દિલે વાત કરો. (પુન. ૬: ૬, ૭; યાકૂ. ૧:૧૯) મોટા ભાગના કિસ્સામાં ભોગ બનેલા બાળકો એ વિશે બીજાઓને જણાવતા અચકાય છે. તેઓને એવો ડર હોય છે કે કોઈ તેઓની વાત માનશે નહિ. અથવા શોષણ કરનાર વ્યક્તિએ એ વિશે કોઈને ન કહેવાની ધમકી આપી હોય. કંઈક ખોટું થયું છે એવી શંકા જાય તો, બાળકને પ્રેમથી સવાલો પૂછો અને ધ્યાનથી તેની વાત સાંભળો. ત્રીજું પગલું, બાળકોને એ વિશે જાણકારી આપો. બાળકોને શીખવો કે કોઈ વ્યક્તિ અયોગ્ય રીતે તેઓને અડવાનો પ્રયત્ન કરે તો શું કરવું જોઈએ. w૧૯.૦૫ ૧૧, ૧૩ ¶૧૯-૨૨

રવિવાર, ઑક્ટોબર ૩

“દરેક અભિમાની અંતઃકરણવાળાથી યહોવા કંટાળે છે.”—નીતિ. ૧૬:૫.

શા માટે યહોવાને ઘમંડી લોકો ગમતા નથી? એનું એક કારણ છે કે, તેઓ શેતાનના પગલે ચાલે છે, જે પોતે પણ ઘમંડી છે. ચાલો એનો એક દાખલો જોઈએ. ઈશ્વરે ઈસુ સાથે મળીને સૃષ્ટિ બનાવી હતી. એ ઈસુને શેતાને કહ્યું કે ઘૂંટણે પડીને તેની ભક્તિ કરે. તેનું ઘમંડ તો જુઓ! (માથ. ૪:૮, ૯; કોલો. ૧:૧૫, ૧૬) દુનિયાના લોકો આજે એવું જ ઘમંડી વલણ બતાવે છે. તેઓ ફક્ત પોતાનો જ વિચાર કરે છે. એનાથી સાફ જોવા મળે છે કે યહોવાની નજરે દુનિયાનું ડહાપણ મૂર્ખતા છે. (૧ કોરીં. ૩:૧૯) જોકે, બાઇબલ જણાવે છે કે પોતાને અમુક હદે પ્રેમ કરવો ખોટું નથી. પણ એ વિશે આપણે યોગ્ય વલણ રાખવું જોઈએ. ઈસુએ કહ્યું હતું: “તું પોતાના પર રાખે છે એવો પ્રેમ પડોશી પર રાખ.” એટલે અમુક હદે પોતાની જરૂરિયાતો પર ધ્યાન આપવું સારું કહેવાય. (માથ. ૧૯:૧૯) બાઇબલમાંથી શીખવા મળે છે કે આપણે બીજાઓ કરતાં પોતાને ચઢિયાતા ન ગણવા જોઈએ. બાઇબલ જણાવે છે: “અદેખાઈ કે અભિમાનને લીધે કંઈ ન કરો, પણ નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિ. ૨:૩; રોમ. ૧૨:૩. w૧૯.૦૫ ૨૪ ¶૧૩-૧૪

સોમવાર, ઑક્ટોબર ૪

“આ દુનિયાની અસર પોતાના પર થવા દેશો નહિ, પણ પોતાના વિચારોમાં ફેરફાર કરો.”—રોમ. ૧૨:૨.

યાદ કરો, સત્ય શીખીને તમે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો ત્યારે કેવા ફેરફારો કર્યા હતા. યહોવાની ભક્તિ કરવા ઘણાં ભાઈ-બહેનોએ ખોટાં કામ છોડી દીધાં હતાં. (૧ કોરીં. ૬:૯-૧૧) એવા ફેરફારો કરવા યહોવાએ આપણને મદદ કરી માટે આપણે તેમના કેટલા આભારી છીએ! આપણે ક્યારેય એવું ન વિચારીએ કે ‘હવે મારે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.’ બની શકે કે, અગાઉ આપણે ખોટાં કામ કરીને ગંભીર પાપ કર્યા હોય. પણ, બાપ્તિસ્મા લેતાં પહેલાં આપણે એ બધું છોડી દીધું હોય. તોપણ આપણે સાવચેત રહેવું જોઈએ કે ખોટાં વિચારો આપણામાં આવી ન જાય અને છોડી દીધેલાં ખોટાં કામ ફરીથી કરવા લાગીએ. આપણે બે બાબતો કરવી જોઈએ. પહેલી, “આ દુનિયાની અસર પોતાના પર થવા” દેવી ન જોઈએ. બીજી, પોતાના વિચારોમાં ‘ફેરફાર’ કરવો જોઈએ. પાઊલ ફક્ત બહારના દેખાવમાં ફેરફાર કરવાનું કહેતા ન હતા. આપણામાં રહેલી એકેએક બાબતની તે વાત કરી રહ્યા હતા. આપણા મનનાં વિચારો, લાગણીઓ અને ઇચ્છાઓમાં પૂરેપૂરો ફેરફાર કરવો જોઈએ. w૧૯.૦૬ ૯ ¶૪-૬

મંગળવાર, ઑક્ટોબર ૫

‘હે યહોવા, તમે મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે.’—ગીત. ૮૬:૧૭.

ચિંતામાં હોઈએ ત્યારે, સભાઓમાં જવાથી આપણને હિંમત મળે છે. યહોવા પાસેથી ‘મદદ અને દિલાસો’ મેળવવાની સરસ તક સભાઓથી મળે છે. પવિત્ર શક્તિ, બાઇબલ અને સાથી ભક્તોની મદદથી યહોવા આપણને હિંમત આપે છે. સભાઓથી આપણને “અરસપરસ ઉત્તેજન” આપવાની તક મળે છે. (રોમ. ૧:૧૧, ૧૨) સોફિયાબેન કહે છે: ‘યહોવા અને આપણાં ભાઈ-બહેનોની મદદથી હું મુશ્કેલીઓ સહન કરી શકું છું. સભાઓ મારા માટે ખૂબ મહત્ત્વની છે. મેં અનુભવ્યું છે કે, સેવાકાર્ય અને સભામાં હું જેટલો વધારે ભાગ લઉં છું, ચિંતા અને ટેન્શનમાંથી બહાર આવવા એટલી વધારે મદદ મળે છે.’ નિરાશ હોઈએ ત્યારે આ વાત કદી ન ભૂલીએ: યહોવાએ વચન આપ્યું છે કે, તે ભાવિમાં કાયમ માટે ચિંતા કાઢી નાખશે. એટલું જ નહિ, પણ તે ચિંતાનો સામનો કરવા હમણાં મદદ કરશે. તે આપણને ‘ઇચ્છા અને બળ’ આપે છે. એનાથી આપણે નિરાશા અને ચિંતામાંથી બહાર આવી શકીએ છીએ.—ફિલિ. ૨:૧૩. w૧૯.૦૬ ૧૯ ¶૧૭-૧૮

બુધવાર, ઑક્ટોબર ૬

“જાઓ, મારા ભાઈઓને ખબર આપો, જેથી તેઓ ગાલીલ જાય અને ત્યાં તેઓ મને જોશે.”—માથ. ૨૮:૧૦.

ઈસુ પોતાના શિષ્યોને મહત્ત્વનાં સૂચનો આપવા માંગતા હશે. એટલે સજીવન થયા પછી ઈસુએ નક્કી કર્યું કે સૌથી પહેલા શિષ્યો સાથે મળીને સભા કરશે. એ સભામાં ઈસુએ શિષ્યોને સૌથી મહત્ત્વનું કામ સોંપ્યું. એ કામ તેઓએ પહેલી સદીમાં કરવાનું હતું. આજે આપણે પણ એ જ કામ કરી રહ્યા છીએ. ઈસુએ કહ્યું હતું: ‘એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવો.’ (માથ. ૨૮:૧૯, ૨૦) ઈસુ ચાહતા હતા કે તેમના બધા શિષ્યો પ્રચાર કરે. એ આજ્ઞા તેમણે ફક્ત ૧૧ પ્રેરિતોને જ આપી ન હતી. આપણે એવું કઈ રીતે કહી શકીએ? જરા વિચારો, ઈસુએ ગાલીલ પર્વત પર શિષ્યો બનાવવાની આજ્ઞા આપી ત્યારે શું ફક્ત પ્રેરિતો જ ત્યાં હતા? યાદ કરો દૂતે સ્ત્રીઓને કહ્યું હતું: “તમે તેમને [ગાલીલમાં] જોશો.” (માથ. ૨૮:૭) એટલે એ સમયે ગાલીલ પર્વત પર કદાચ એ સ્ત્રીઓ પણ હતી. w૨૦.૦૧ ૨-૩ ¶૧-૪

ગુરુવાર, ઑક્ટોબર ૭

“તમે દુનિયાના નથી પણ મેં તમને દુનિયામાંથી પસંદ કર્યા છે, એ કારણે દુનિયા તમને ધિક્કારે છે.”—યોહા. ૧૫:૧૯.

ઈશ્વરભક્તો પર સતાવણી આવશે, એ વિશે ઈસુએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે આ દુનિયાનો ભાગ નથી, એટલે લોકો આપણને ધિક્કારશે. સતાવણીનો અર્થ એમ નથી કે આપણા પર યહોવાનો આશીર્વાદ રહ્યો નથી. અરે, એનો અર્થ તો એમ થાય કે આપણે સાચા ઈશ્વરના માર્ગે ચાલી રહ્યા છીએ! બ્રહ્માંડના માલિક યહોવા આગળ માણસો કંઈ વિસાતમાં નથી! તેઓ યહોવાની ભક્તિ પૂરેપૂરી બંધ કરાવી શકતા નથી. અરે, તેઓએ તો ઘણા પ્રયત્નો કર્યા છે, પણ તેઓના હાથે નિષ્ફળતા જ લાગી છે. ચાલો ઇતિહાસમાં ડોકિયું કરીએ. બીજા વિશ્વયુદ્ધ વખતે શું થયું, એનો વિચાર કરીએ. ઘણા દેશોની સરકારોએ ઈશ્વરભક્તોની સતાવણી કરી હતી. જર્મનીમાં નાઝી પાર્ટીએ યહોવાના સાક્ષીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ફક્ત એટલું જ નહિ, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને બીજા દેશોની સરકારે પણ પ્રતિબંધ મૂક્યો હતો. એ સમયે શું થયું? ૧૯૩૯માં વિશ્વયુદ્ધ શરૂ થયું, એ સમયે આખી દુનિયામાં ૭૨,૪૭૫ પ્રકાશકો હતા. ૧૯૪૫માં વિશ્વયુદ્ધ પૂરું થયું. અહેવાલ બતાવે છે કે યહોવાના આશીર્વાદથી એ વર્ષે ૧,૫૬,૨૯૯ પ્રકાશકો હતા. તમે ધ્યાન આપ્યું, પ્રકાશકોની સંખ્યા બમણીથી વધારે થઈ ગઈ હતી! w૧૯.૦૭ ૯ ¶૪-૫

શુક્રવાર, ઑક્ટોબર ૮

“જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહા. ૧૩:૩૫.

ભલે તમારી પાસે અત્યારે બાઇબલ અભ્યાસ ન હોય, પણ શિષ્યો બનાવવાના કામમાં કઈ રીતોથી મદદ કરી શકો? નવા લોકો પ્રાર્થનાઘરમાં આવે ત્યારે તેઓને આવકારી શકો. તેઓને મદદ કરી શકો. આમ તમે તેઓને પ્રેમ બતાવી શકો. એનાથી તેઓ જોઈ શકશે કે આપણે સાચા અર્થમાં ખ્રિસ્તીઓ છીએ. સભામાં તમારો જવાબ નાનો હોય કે મોટો, નવાઓને એનાથી ઉત્તેજન મળશે. પોતાની શ્રદ્ધા વિશે સારી રીતે વાત કરવા તેઓને મદદ મળશે. નવા પ્રકાશકને તમે સેવાકાર્યમાં સાથે લઈ જઈ શકો. કલમો બતાવીને લોકો સાથે કઈ રીતે વાત કરવી એ તેઓને શીખવી શકો. આમ, તમે તેને ખ્રિસ્તને પગલે ચાલવા મદદ કરી શકો. (લુક ૧૦:૨૫-૨૮) કેટલાક ઈશ્વરભક્તો પાસે ઘણી મહત્ત્વની જવાબદારીઓ છે. છતાં, તેઓ બાઇબલ અભ્યાસ ચલાવવા સમય કાઢે છે. તેઓને એ ઘણું ગમે છે. w૧૯.૦૭ ૧૭ ¶૧૧, ૧૩

શનિવાર, ઑક્ટોબર ૯

“પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને આગળની વાતો તરફ હું દોડી રહ્યો છું, હું ધ્યેય પૂરો કરવા મંડ્યો રહું છું.”—ફિલિ. ૩:૧૩, ૧૪.

અગાઉ કરેલી ભૂલો કે સારી બાબતોને લીધે પ્રેરિત પાઊલે પોતાનું ધ્યાન ફંટાવા દીધું નહિ. તેમણે કહ્યું, “પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને આગળની વાતો તરફ હું દોડી રહ્યો છું.” એટલે કે દોડ પૂરી કરવા આગળ વધી રહ્યો છું. કઈ બાબતોને લીધે પાઊલનું મન ભટકી ગયું હોત? પહેલી બાબત, ખ્રિસ્તી બન્યા પહેલાં પાઊલ યહુદીઓમાં ઘણા પ્રખ્યાત હતા. પછીથી, તેમણે એવી બાબતોને ‘કચરા’ જેવી ગણી. (ફિલિ. ૩:૩-૮) બીજી બાબત, અગાઉ પાઊલે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. એ માટે તે પોતાને દોષ આપતા હતા. પણ એ લાગણીને તેમણે યહોવાની ભક્તિને આડે આવવા દીધી નહિ. ત્રીજી બાબત, તેમણે એવું વિચાર્યું નહિ કે યહોવાની સેવામાં જે કર્યું છે, એ પૂરતું છે. પાઊલે આવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો: કેદ, માર, પથ્થરનો માર, વહાણ ભાંગી જવું, પૂરતો ખોરાક કે કપડાં ન હોવાં. એ મુશ્કેલીઓ સહીને પણ તેમણે સેવાકાર્યમાં ઘણું કર્યું. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) અગાઉ મેળવેલી નામના અને સહન કરેલી મુશ્કેલીઓ છતાં, તેમણે યાદ રાખ્યું કે યહોવાની ભક્તિમાં મંડ્યા રહેવાનું છે. આપણે પણ એવું જ કરવાનું છે. w૧૯.૦૮ ૩ ¶૫

રવિવાર, ઑક્ટોબર ૧૦

“હું તમને વરૂઓની વચ્ચે ઘેટાં જેવાં મોકલું છું.”—માથ. ૧૦:૧૬.

આપણાં ઘણાં ભાઈ-બહેનો એવા દેશોમાં રહે છે, જ્યાં જાહેરમાં કે ઘરે-ઘરે સેવાકાર્ય કરી શકાતું નથી. એટલે તેઓ ખુશખબર ફેલાવવા બીજી રીતો અપનાવે છે. (માથ. ૧૦:૧૭-૨૦) એમાંના એક દેશમાં દરેક પ્રકાશક પાસે પોતાનો પ્રચાર “વિસ્તાર” હતો. એમાં તેઓનાં સગાં-વહાલાં, પડોશીઓ, સાથે ભણનારા, સાથે કામ કરનારા અને ઓળખીતાઓનો સમાવેશ થતો હતો. સરકીટ નિરીક્ષકે જણાવ્યું કે, દરેક પ્રકાશકે પોતાનો પ્રચાર “વિસ્તાર” પૂરો કરવો જોઈએ. બે વર્ષમાં ત્યાં મંડળોની સંખ્યા વધી ગઈ. કદાચ આપણે પોતાના દેશમાં છૂટથી સેવાકાર્ય કરી શકતા હોઈએ. તોપણ, એ ભાઈ-બહેનોના દાખલામાંથી આપણે એક મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ. એ છે, ખુશખબર ફેલાવવા આપણે બનતું બધું કરવું જોઈએ. એમ કરીશું તો અઘરા સંજોગોમાં પણ યહોવા આપણને પ્રચાર કરવાની શક્તિ આપશે. (ફિલિ. ૨:૧૩) આપણે ખૂબ મહત્ત્વના સમયમાં જીવી રહ્યા છીએ. આપણે આવી બાબતો કરવી જોઈએ: જે વધારે મહત્ત્વનું છે એ પારખીએ; નિર્દોષ રહીએ; બીજાઓને ઠોકર ન ખવડાવીએ; વધારે ને વધારે નેક કામો કરીએ. એમ કરીશું તો આપણો પ્રેમ વધતો જશે અને આપણા પ્રેમાળ પિતા યહોવાને મહિમા મળશે. w૧૯.૦૮ ૧૨-૧૩ ¶૧૭-૧૮

સોમવાર, ઑક્ટોબર ૧૧

“મેં ચાકરોને ઘોડે ચઢેલા અને અમીરોને ચાકર તરીકે જમીન પર પગે ચાલતા જોયા છે.”—સભા. ૧૦:૭.

જેઓ પોતાના મનનું ધાર્યું કરતા હોય અને બીજાઓની સલાહ સાંભળતા ન હોય, એવા લોકો આપણને ગમતા નથી. પણ જેઓ “સુખ-દુઃખના સાથી, ભાઈ જેવો પ્રેમ રાખનારા, માયાળુ અને નમ્ર” હશે, એવાં ભાઈ-બહેનો સાથે આપણને ખુશી મળે છે. (૧ પીત. ૩:૮) નમ્ર લોકોને મિત્ર બનાવવાનું આપણને ગમે છે. એવી જ રીતે, આપણે નમ્ર હોઈશું તો લોકોને પણ આપણી સાથે મિત્રતા કરવાનું ગમશે. નમ્રતા રાખીશું તો જીવનમાં ઓછી મુશ્કેલીઓ આવશે. દુનિયામાં ઘણી વખત આપણે અન્યાય થતા જોઈએ છીએ, કદાચ એવું આપણી સાથે થાય કે બીજાઓ સાથે. જેઓ પાસે ઘણી આવડત હોય, હંમેશાં તેઓની કદર થતી નથી. અમુક વાર એવું પણ બને કે જેઓ પાસે ઓછી આવડત હોય તેઓની ઘણી કદર થાય. રાજા સુલેમાને પણ જણાવ્યું હતું કે ખરાબ સંજોગોને લીધે નિરાશ થવાને બદલે હકીકત સ્વીકારીએ. (સભા. ૬:૯) નમ્ર હોઈશું તો જીવન જેવું છે એવું જ સ્વીકારીશું. જીવન કેવું હોવું જોઈએ, એના સપના જોવા નહિ બેસી જઈએ. w૧૯.૦૯ ૪-૫ ¶૯-૧૦

મંગળવાર, ઑક્ટોબર ૧૨

“પિતાઓ, . . . યહોવા ચાહે છે તેમ તેઓને [તમારાં બાળકોને] શિસ્ત અને શિખામણ આપીને ઉછેરતાં જાઓ.”—એફે. ૬:૪.

જેઓ પાસે પિતા તરીકેની જવાબદારી હોય છે તેઓ પાસે બીજાઓને ફાયદો પહોંચાડવાની તક હોય છે. યહોવાએ પિતાઓને કુટુંબના શિર તરીકેની જવાબદારી આપી છે. યહોવા ચાહે છે કે પિતાઓ બાળકોને શીખવે અને શિસ્ત આપે. (૧ કોરીં. ૧૧:૩) પણ પિતાઓ પાસે પૂરેપૂરો અધિકાર નથી, કારણ કે કુટુંબ તો યહોવાએ બનાવ્યું છે. એટલે પિતાઓ કુટુંબ સાથે જે રીતે વર્તશે, એનો તેઓએ યહોવાને હિસાબ આપવો પડશે. (એફે. ૩:૧૪, ૧૫) પિતાઓ પોતાનો અધિકાર એ રીતે વાપરે છે, જેથી યહોવા ખુશ થાય. આમ, તેઓ યહોવાનું સાંભળે છે. બીજાઓ બાઇબલમાંથી સલાહ આપે ત્યારે એને સ્વીકારો. જો તમે એમ કરીને નમ્રતા બતાવશો, તો કુટુંબ તમને માન આપશે. કુટુંબ સાથે પ્રાર્થના કરો ત્યારે યહોવા આગળ દિલ રેડી દો. એનાથી કુટુંબના સભ્યો જાણશે કે તમે યહોવા પર કેટલો આધાર રાખો છો. સૌથી મહત્ત્વનું તો, યહોવાની ભક્તિને તમારા જીવનમાં પ્રથમ રાખો. (પુન. ૬:૬-૯) એવો સારો દાખલો બેસાડીને તમે કુટુંબને એક કીમતી ભેટ આપો છો. w૧૯.૦૯ ૧૫ ¶૮; ૧૭ ¶૧૪; ૧૮ ¶૧૬

બુધવાર, ઑક્ટોબર ૧૩

“તે [માર્ક] તમારી પાસે આવે તો, તેનો આવકાર કરજો.”—કોલો. ૪:૧૦.

માર્ક હંમેશાં બીજાઓને ખુશી-ખુશી મદદ કરતા. તેમણે અલગ અલગ સમયે પ્રેરિત પાઊલ અને પ્રેરિત પીતર સાથે કામ કર્યું હતું. તેઓ પોતાની જવાબદારી સારી રીતે પૂરી કરી શકે માટે માર્કે તેઓ માટે રહેવાની, ખાવા-પીવાની અને બીજી ગોઠવણો કરી હોય શકે. (પ્રે.કા. ૧૩:૨-૫; ૧ પીત. ૫:૧૩) માર્ક અને બીજા ભાઈઓ વિશે પાઊલે કહ્યું હતું કે ‘ઈશ્વરના રાજ્ય માટે તેઓ મારી સાથે કામ કરનારાઓ છે’ અને તેઓએ મને “હિંમત આપી છે.” (કોલો. ૪:૧૧, ફૂટનોટ) માર્ક અને પાઊલ પાકા મિત્રો બન્યા હતા. આશરે સાલ ૬૫માં પાઊલ છેલ્લી વાર રોમમાં કેદ હતા. એ વખતે તેમણે તિમોથીને બીજો પત્ર લખ્યો હતો. એમાં તેમણે તિમોથીને રોમ આવવા કહ્યું હતું અને માર્કને પણ પોતાની સાથે લેતા આવવાનું કહ્યું હતું. (૨ તિમો. ૪:૧૧) માર્કે પાઊલને વફાદારીથી સાથ આપ્યો માટે પાઊલ તેમના આભારી હતા. એટલે પાઊલ ચાહતા હતા કે સૌથી મહત્ત્વના સમયમાં માર્ક તેમની સાથે હોય. માર્કે અલગ અલગ રીતે પાઊલને મદદ કરી હતી. જેમ કે, તેમના ખાવા-પીવાની ગોઠવણ કરી અને લખવા માટે જરૂરી ચીજ-વસ્તુઓ લાવી આપી. માર્ક તરફથી મળેલાં ઉત્તેજન અને સાથ-સહકારને લીધે પાઊલ પોતાના મરણ પહેલાંના અઘરા દિવસો સહન કરી શક્યા. w૨૦.૦૧ ૧૧ ¶૧૨-૧૩

ગુરુવાર, ઑક્ટોબર ૧૪

“મારી પાસે આવો.”—માથ. ૧૧:૨૮.

આપણે નક્કી કર્યું છે કે બીજાઓ માટે જતું કરીશું અને મહેનત કરીશું. ઈસુએ ચેતવણી આપી હતી કે આપણી સતાવણી થશે. કોઈ પણ કસોટી સહેવા યહોવા આપણને શક્તિ આપશે એવી આશા રાખી શકીએ. જેટલું વધારે સહન કરીશું, એટલા વધારે મજબૂત બનીશું. (યાકૂ. ૧:૨-૪) આપણે આશા રાખી શકીએ કે યહોવા જરૂરી બધું પૂરું પાડશે, ઈસુ કાળજી રાખશે અને ભાઈ-બહેનો ઉત્તેજન આપશે. (માથ. ૬:૩૧-૩૩; યોહા. ૧૦:૧૪; ૧ થેસ્સા. ૫:૧૧) ઈસુએ લોહીવાથી પીડાતી એક સ્ત્રીને સાજી કરી હતી, એ સમયે તેને તાજગી મળી હતી. (લુક ૮:૪૩-૪૮) પણ હંમેશ માટેની તાજગી મેળવવા તો તેણે ખ્રિસ્તના વફાદાર શિષ્ય બનવાનું હતું. તેણે શું કર્યું હશે? જો તેણે ઈસુએ આપેલી ઝૂંસરી ઉપાડવાનું નક્કી કર્યું હશે, તો તેને કેવું ઇનામ મળ્યું હશે? ઈસુ સાથે સ્વર્ગમાં સેવા કરવાનું ઇનામ! જરા વિચારો, ખ્રિસ્તને પગલે ચાલવા તેણે જે પણ જતું કર્યું હશે, એ તો આ ઇનામ સામે કંઈ જ નથી. કદાચ આપણી પાસે સ્વર્ગમાં કે પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા હશે. ઈસુએ આપણને બધાને આમંત્રણ આપ્યું છે, “મારી પાસે આવો.” એ આમંત્રણ સ્વીકારીને આપણે કેટલા ખુશ છીએ! w૧૯.૦૯ ૨૫ ¶૨૧-૨૨

શુક્રવાર, ઑક્ટોબર ૧૫

“જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિ વડે તે સ્થિર થાય છે.”—નીતિ. ૨૪:૩.

દાઊદના માણસો ભૂખ્યા-તરસ્યા હતા, એટલે નાબાલ પાસે મદદ માંગવા ગયા. તે ઇઝરાયેલી હતો અને ઘણો ધનવાન હતો. એ માણસોએ નાબાલને વિનંતી કરી કે તેઓને થોડું ખાવાનું આપે. કારણ કે વેરાન પ્રદેશમાં તેઓ નાબાલના ઘેટાં-બકરાં સાચવતા હતા. પણ નાબાલ તો એટલો સ્વાર્થી હતો કે, તેણે ખોરાક આપવાની ઘસીને ના પાડી દીધી. દાઊદનો પિત્તો ગયો. નાબાલ અને તેના માણસોને મારી નાખવાનું તેમણે નક્કી કર્યું. (૧ શમૂ. ૨૫:૩-૧૩, ૨૨) નાબાલની પત્ની અબીગાઈલ ઘણી સુંદર અને સમજુ હતી. તે દાઊદને પગે પડી. તેણે હિંમત બતાવી અને દાઊદને અરજ કરી કે નાબાલ અને તેના માણસોનું ખૂન ન કરે. તેઓના ખૂનનો દોષ પોતાને માથે ન લે. તેણે નમ્રતાથી દાઊદને સલાહ આપી કે યહોવાના હાથમાં બાબતો છોડી દે. અબીગાઈલના વર્તન અને તેણે નમ્રતાથી કહેલા શબ્દો દાઊદના દિલને સ્પર્શી ગયાં. દાઊદને સમજાઈ ગયું કે યહોવાએ અબીગાઈલને મોકલી હતી. (૧ શમૂ. ૨૫:૨૩-૨૮, ૩૨-૩૪) અબીગાઈલે સારા ગુણો કેળવ્યા હતા. એટલે યહોવાએ તેનો ઉપયોગ કર્યો. એવી જ રીતે, મંડળમાં અમુક બહેનો સમજી-વિચારીને વર્તે છે. કુટુંબને અને મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરવા યહોવા તેઓનો ઉપયોગ કરે છે.—તિત. ૨:૩-૫. w૧૯.૧૦ ૨૩ ¶૧૦

શનિવાર, ઑક્ટોબર ૧૬

“ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો, જેથી તમે તેનાં પાપમાં ભાગીદાર ન થાઓ અને તેની આફતોમાંની કોઈ તમારા પર આવી ન પડે.”—પ્રકટી. ૧૮:૪.

સાચા ઈશ્વરભક્તોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ કોઈ પણ રીતે જૂઠા ધર્મો સાથે જોડાયેલા ન હોય. બની શકે કે સત્ય શીખ્યા એ પહેલાં, વ્યક્તિ જૂઠા ધર્મનો ભાગ હોય. તેણે કદાચ એ ધર્મની અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય કે પછી એ સંગઠનમાં દાન આપ્યું હોય. પણ એ વ્યક્તિ બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બને એ પહેલાં, તેણે બધી રીતે જૂઠા ધર્મોમાંથી બહાર નીકળી આવવું જોઈએ. અગાઉ તે જે પણ ચર્ચ કે સંગઠનનો ભાગ હોય, ત્યાં તેણે રાજીનામું આપવું જોઈએ. એમાં તેણે લખવું જોઈએ કે હવે તે કોઈ પણ રીતે એ સંગઠન કે ચર્ચનો ભાગ નથી સાચા ઈશ્વરભક્તોએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ એવી કોઈ પણ નોકરી નહિ કરે, જે જૂઠા ધર્મો સાથે જોડાયેલી હોય. (૨ કોરીં. ૬:૧૪-૧૭) શા માટે જૂઠા ધર્મોથી દૂર રહેવાનો આપણે પાકો નિર્ણય લેવો જોઈએ? કારણ કે ઈશ્વરની નજરે જૂઠા ધર્મોનાં શિક્ષણ અને માન્યતાઓ અશુદ્ધ છે. એટલે આપણે એમાં કોઈ પણ રીતે ભાગ લેવા માંગતા નથી.—યશા. ૫૨:૧૧. w૧૯.૧૦ ૧૨ ¶૧૬-૧૭

રવિવાર, ઑક્ટોબર ૧૭

‘યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે સદા ધમકી આપ્યા કરશે નહિ; વળી તે સર્વકાળ કોપ રાખશે નહિ.’—ગીત. ૧૦૩:૮, ૯.

યિર્મેયાનું પુસ્તક યિર્મેયાએ પોતે લખ્યું હતું. તેમણે પહેલો રાજાઓ અને બીજો રાજાઓનાં પુસ્તકો પણ લખ્યા હોય શકે. એ કામથી તે જોઈ શક્યા કે યહોવા કઈ રીતે પાપી માણસોને દયા બતાવે છે. દાખલા તરીકે, આહાબ રાજાએ ખરાબ કામો માટે પસ્તાવો કર્યો ત્યારે, યહોવાએ એક વાતનું ધ્યાન રાખ્યું. યહોવાએ આહાબના જીવન દરમિયાન તેમના આખા કુટુંબનો નાશ થવા દીધો નહિ. આમ, આહાબે કોઈનું મોત જોવું પડ્યું નહિ. યિર્મેયા એ વાત જાણતા હતા. (૧ રાજા. ૨૧:૨૭-૨૯) તે એ પણ જાણતા હતા કે મનાશ્શાએ આહાબ કરતાં પણ વધારે ખરાબ કામો કર્યાં હતાં, જેનાથી યહોવા ગુસ્સે થયા હતા. તેમ છતાં, યહોવાએ મનાશ્શાને માફ કર્યો કારણ કે તેણે પસ્તાવો કર્યો હતો. (૨ રાજા. ૨૧:૧૬, ૧૭; ૨ કાળ. ૩૩:૧૦-૧૩) એ અહેવાલોમાંથી યિર્મેયાને ઈશ્વરની ધીરજ અને દયા જોવા મળી. થોડા સમય માટે બારૂખનું ધ્યાન સોંપણીમાંથી ફંટાઈ ગયું હતું. એ વખતે યિર્મેયાએ તેમને કઈ રીતે મદદ કરી? તેમણે એમ ન ધારી લીધું કે બારૂખ તો હવે બદલાશે જ નહિ. પણ યિર્મેયાએ બારૂખને મદદ કરી. યહોવાએ બારૂખ માટે પ્રેમથી સંદેશો આપ્યો પણ એ સાફ શબ્દોમાં હતો, જે યિર્મેયાએ બારૂખને જણાવ્યો.—યિર્મે. ૪૫:૧-૫. w૧૯.૧૧ ૬ ¶૧૪-૧૫

સોમવાર, ઑક્ટોબર ૧૮

“ઈશ્વર અન્યાયી નથી કે તે તમારાં કામોને અને પ્રેમને ભૂલી જાય. એ પ્રેમ જે તમે તેમના નામ માટે બતાવ્યો છે.”—હિબ્રૂ. ૬:૧૦.

લેવીયના પુસ્તકમાં જોવા મળે છે કે એક ઇઝરાયેલી ‘ઉપકાર માનવા’ શાંતિ અર્પણો ચઢાવી શકતો હતો. (લેવી. ૭:૧૧-૧૩, ૧૬-૧૮) તે કરવા ખાતર નહિ, પણ દિલથી એ અર્પણો ચઢાવતો હતો. યહોવા માટેની આપણી રાજી ખુશીની સેવા પણ શાંતિ અર્પણો જેવી છે. એનાથી આપણે યહોવા માટે પ્રેમ બતાવીએ છીએ. આપણે યહોવાને દિલથી પ્રેમ કરીએ છીએ, એટલે તેમને સૌથી ઉત્તમ આપવા માંગીએ છીએ. દુનિયાભરમાં યહોવાના લાખો ભક્તોને યહોવા માટે અને તેમનાં ધોરણો માટે પ્રેમ છે. એટલે તેઓ દિલથી યહોવાની ભક્તિ કરે છે. એ જોઈને યહોવાનું દિલ ખુશીથી ઊભરાઈ જતું હશે! યહોવા આપણાં કાર્યો જ નહિ, એની પાછળના આપણા ઇરાદાઓ પણ જાણે છે. એ યાદ રાખવાથી આપણા દિલને કેટલી ઠંડક મળે છે! દાખલા તરીકે, વધતી ઉંમરને લીધે યહોવાની સેવામાં તમે ચાહો એટલું કરી શકતા નથી. ખાતરી રાખો, તમે કેટલું કરી શકો છો એ યહોવા જાણે છે. તમને થતું હશે કે તમે યહોવા માટે વધારે કરી શકતા નથી. પણ તમે જેટલું થઈ શકે એટલું તો કરો જ છો. યહોવા માટે પ્રેમ હોવાથી તમે બનતું બધું કરો છો. એ તે જોઈ શકે છે અને એનાથી તેમને ખુશી થાય છે. w૧૯.૧૧ ૨૨ ¶૯; ૨૩ ¶૧૧-૧૨

મંગળવાર, ઑક્ટોબર ૧૯

“મારી સાથે એકાંત જગ્યાએ ચાલો અને થોડો આરામ કરો.”—માર્ક ૬:૩૧.

કામ માટે યોગ્ય વલણ રાખવું ખૂબ મહત્ત્વનું છે. ઈશ્વરની પ્રેરણાથી રાજા સુલેમાને લખ્યું, ‘દરેક બાબત માટે વખત હોય છે.’ એમાં સુલેમાને રોપવાનો, બાંધવાનો, રડવાનો, હસવાનો, નાચવાનો અને બીજી અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. (સભા. ૩:૧-૮) કામ અને આરામ જીવનનાં બે મુખ્ય પાસાઓ છે. ઈસુએ કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખ્યું હતું. એકવાર પ્રેરિતો પ્રચારમાંથી પાછા ફરી રહ્યા હતા. “તેઓ પાસે નવરાશનો જરાય સમય ન હતો, અરે, જમવાનો પણ સમય ન હતો.” ઈસુએ તેઓને આજની કલમના શબ્દો કહ્યા. (માર્ક ૬:૩૦-૩૪) ઈસુ અને તેમના શિષ્યોને પૂરતો આરામ મળતો ન હતો. ઈસુ જાણતા હતા કે એ બધાને આરામની જરૂર છે. આપણને બધાને અમુક વાર આરામ કરવાની અથવા જીવનમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. ચાલો પ્રાચીન સમયનો વિચાર કરીએ. ઈશ્વરે પોતાના લોકોને સાબ્બાથનો નિયમ આપ્યો હતો. એ એક મહત્ત્વની ગોઠવણ હતી. આપણે મુસાના નિયમ હેઠળ નથી. છતાં સાબ્બાથના નિયમ વિશે જાણવાથી આપણને ફાયદો થઈ શકે. w૧૯.૧૨ ૩ ¶૬-૭

બુધવાર, ઑક્ટોબર ૨૦

“કદીયે ચિંતા ન કરો.”—માથ. ૬:૩૧.

યહોવાએ વચન આપ્યું છે કે તે પોતાના વફાદાર ભક્તોની સંભાળ રાખશે. તે વચન આપીને ફરી જતા નથી. (ગીત. ૩૧:૧-૩) બીજું કારણ, આપણે યહોવાના કુટુંબનો ભાગ છીએ. યહોવા જાણે છે કે જો તે આપણી સંભાળ નહિ રાખે તો આપણે નિરાશ અને દુઃખી થઈ જઈશું. યહોવા વચન આપે છે કે તે આપણને જીવન જીવવા અને તેમની ભક્તિ કરતા રહેવા જરૂરી ચીજ-વસ્તુઓ પૂરી પાડશે. એ વચન પૂરું કરવાથી તેમને કોઈ પણ રોકી શકશે નહિ. (માથ. ૬:૩૦-૩૩; ૨૪:૪૫) યહોવા શા માટે પોતાનાં વચનો પૂરાં કરે છે એ આપણે યાદ રાખવું જોઈએ. યહોવા મદદ કરશે એવી ખાતરી હશે તો પૈસાની તંગી ઊભી થાય ત્યારે, આપણે તેમના પર પૂરો આધાર રાખી શકીશું. ચાલો પહેલી સદીના ખ્રિસ્તીઓનો દાખલો જોઈએ. જ્યારે યરૂશાલેમના મંડળ પર સતાવણી આવી, ત્યારે ‘પ્રેરિતો સિવાય બધા શિષ્યો વિખેરાઈ ગયા.’ (પ્રે.કા. ૮:૧) જરા વિચારો, ભાઈ-બહેનોએ પોતાનું ઘર અને વેપાર-ધંધો છોડીને જવું પડ્યું હતું. પણ યહોવાએ તેઓને છોડી દીધા ન હતા. તેઓએ પણ પોતાની ખુશી જાળવી રાખી. (પ્રે.કા. ૮:૪; હિબ્રૂ. ૧૩:૫, ૬; યાકૂ. ૧:૨, ૩) યહોવાએ એ વફાદાર ખ્રિસ્તીઓની સંભાળ રાખી. તે આપણી પણ સંભાળ રાખશે.—ગીત. ૩૭:૧૮, ૧૯. w૨૦.૦૧ ૧૭-૧૮ ¶૧૪-૧૫

ગુરુવાર, ઑક્ટોબર ૨૧

“યહોવા . . . દીન જનો પર લક્ષ રાખે છે.”—ગીત. ૧૩૮:૬.

યહોવાએ કરેલી મદદ દાઊદ જોઈ શક્યા. દાખલા તરીકે, દાઊદે સિંહ અને રીંછથી પિતાનાં ઘેટાંનું રક્ષણ કર્યું હતું. તે જોઈ શક્યા કે એ શક્તિશાળી જંગલી જાનવરોને મારવા યહોવાએ તેમને મદદ કરી હતી. દાઊદે કદાવર ગોલ્યાથને મારી નાખ્યો, એમાં પણ તે યહોવાનો હાથ જોઈ શક્યા હતા. (૧ શમૂ. ૧૭:૩૭) રાજા શાઊલે તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે, દાઊદ તેમનાથી બચવા ભાગી રહ્યા હતા. એ સમયે દાઊદે પોતે કહ્યું કે યહોવાએ તેમને બચાવ્યા હતા. (ગીત. ૧૮, ઉપરનું લખાણ) જો દાઊદ ઘમંડી હોત, તો એ બધાં કામોને લીધે ફૂલાઈ ગયા હોત. પણ દાઊદ તો નમ્ર હતા. તેમને ખબર હતી કે યહોવાની મદદથી જ તે જીવનમાં સફળ થઈ શક્યા છે. એમાંથી આપણને શું શીખવા મળે છે? યહોવા પાસે મદદનો હાથ લંબાવ્યા પછી આપણે હાથ પર હાથ ધરીને બેસી ન રહેવું જોઈએ. તે આપણને ક્યારે અને કઈ રીતે મદદ કરે છે, એનો વિચાર કરવો જોઈએ. જો નમ્ર હોઈશું તો સ્વીકારીશું કે આપણે જે ધારીએ એ બધું જ કરી શકતા નથી. એ પણ જોઈ શકીશું કે આપણા ગજા બહારની બાબતો કરવા યહોવા આપણને મદદ કરે છે. જેમ જેમ યહોવાની મદદ અનુભવીશું, તેમ તેમ તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત થશે. w૧૯.૧૨ ૨૦ ¶૧૮-૧૯

શુક્રવાર, ઑક્ટોબર ૨૨

“જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે.”—નીતિ. ૩:૧૨.

યહોવા આપણને કીમતી ગણે છે, એની બીજી ઘણી સાબિતી છે. તે આપણને તેમની પાસે દોરી લાવ્યા. ખુશખબર પ્રત્યે આપણે જે વલણ બતાવ્યું, એના પર તેમણે ધ્યાન આપ્યું. (યોહા. ૬:૪૪) જેમ જેમ આપણે તેમની નજીક જવા લાગ્યા, તેમ તેમ તે પણ આપણી નજીક આવવા લાગ્યા. (યાકૂ. ૪:૮) આપણને શીખવવા યહોવા સમય-શક્તિ ખર્ચે છે. એમ કરીને તે આપણને કીમતી ગણે છે. કારણ કે તે સારી રીતે જાણે છે કે આપણે કેવા છીએ અને ભાવિમાં કેવા બની શકીએ છીએ. જરૂર પડે ત્યારે યહોવા આપણને સુધારે છે, કારણ કે તે આપણને પ્રેમ કરે છે. સાચે જ, યહોવા આપણને કેટલા કીમતી ગણે છે! અમુક લોકો માનતા કે દાઊદ રાજા કંઈ જ કામના નથી. પણ દાઊદ જાણતા હતા કે યહોવા તેમને પ્રેમ કરે છે અને તેમનો સાથ ક્યારેય નહિ છોડે. એના લીધે તે મુશ્કેલ સંજોગોમાં પણ યોગ્ય વલણ રાખી શક્યા. (૨ શમૂ. ૧૬:૫-૭) આપણે પણ નિરાશા કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમાંથી બહાર આવવા અને યોગ્ય વલણ રાખવા યહોવા આપણને મદદ કરે છે. (ગીત. ૧૮:૨૭-૨૯) યહોવા હંમેશાં આપણી પડખે રહે છે. એટલે પૂરા દિલથી તેમની સેવા કરતા રહેવા આપણને દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહિ.—રોમ. ૮:૩૧. w૨૦.૦૧ ૧૫ ¶૭-૮

શનિવાર, ઑક્ટોબર ૨૩

“મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવો.”—માથ. ૨૮:૨૦.

બાઇબલ અભ્યાસ શરૂ કરતા પહેલાં પ્રાર્થના કરીએ. વિદ્યાર્થી સાથે બાઇબલ અભ્યાસ કરીએ ત્યારે શરૂઆતમાં અને અંતમાં પ્રાર્થના કરી શકીએ. બની શકે તો શરૂઆતના થોડા જ અઠવાડિયામાં પ્રાર્થના કરવાનું શરૂ કરી દઈએ. તેઓને એ સમજવા મદદ કરીએ કે પવિત્ર શક્તિની મદદથી જ બાઇબલના વિચારો સારી રીતે સમજી શકાય છે. અમુક ભાઈ-બહેનો પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવવા યાકૂબ ૧:૫નો ઉપયોગ કરે છે, જેમાં લખ્યું છે: “તમારામાંથી કોઈનામાં ડહાપણની કમી હોય તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું.” પછી તેઓ વિદ્યાર્થીને પૂછે કે, “આપણે કેવી રીતે ઈશ્વર પાસે ડહાપણ માંગી શકીએ?” મોટા ભાગે વિદ્યાર્થીઓ જવાબ આપશે કે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. વિદ્યાર્થીને પ્રાર્થના કરવાનું શીખવીએ. તેઓને ખાતરી કરાવીએ કે દિલથી કરેલી પ્રાર્થના સાંભળવી યહોવાને ગમે છે. અમુક વાર દિલની વાત બીજાઓને કહેતા અચકાઈએ છીએ. પણ યહોવા આપણા દિલની લાગણીઓ જાણે છે.—ગીત. ૧૩૯:૨-૪. w૨૦.૦૧ ૨ ¶૩; ૫ ¶૧૧-૧૨

રવિવાર, ઑક્ટોબર ૨૪

“વ્યક્તિની ઇચ્છા કે તેની મહેનત પર નહિ, પણ . . . ઈશ્વર પર એ આધારિત છે.”—રોમ. ૯:૧૬.

અભિષિક્તોને ક્યારે પસંદ કરવા એ યહોવા નક્કી કરે છે. (રોમ. ૮:૨૮-૩૦) ઈસુ સજીવન થયા એ પછી યહોવાએ અભિષિક્તોને પસંદ કરવાનું શરૂ કર્યું. એવું લાગે છે કે પ્રથમ સદીના બધા ઈશ્વરભક્તો અભિષિક્ત હતા. એ પછીનાં વર્ષોમાં મોટા ભાગના એવા હતા, જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવતા પણ ખ્રિસ્તને પગલે ચાલતા ન હતા. એ વર્ષોમાં પણ યહોવાએ અમુક સાચા ભક્તોને અભિષિક્ત કર્યા હતા. તેઓ જાણે કડવા છોડમાં ઊગેલાં ઘઉં જેવા હતા, જે વિશે ઈસુએ જણાવ્યું હતું. (માથ. ૧૩:૨૪-૩૦) છેલ્લા દિવસોમાં ૧,૪૪,૦૦૦ અભિષિક્તોનો ભાગ બનવા યહોવા અમુક ભક્તોને પસંદ કરી રહ્યા છે. એટલે અંતના થોડા સમય પહેલાં ઈશ્વર અમુક ભક્તોને અભિષિક્ત કરે તો, આપણે એ વિશે શંકા ન કરવી જોઈએ. (રોમ. ૯:૧૧) ઈસુએ આપેલા ઉદાહરણમાંના મજૂરો જેવા આપણે ન બનવું જોઈએ. એક જ કલાક કામ કરનારાઓને માલિકે જે વેતન આપ્યું, એ જોઈને મજૂરો કચકચ કરવા લાગ્યા હતા.—માથ. ૨૦:૮-૧૫. w૨૦.૦૧ ૩૦ ¶૧૪

સોમવાર, ઑક્ટોબર ૨૫

“મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે.”—યશા. ૬૫:૧૪.

યહોવા ચાહે છે કે તેમનું કુટુંબ ખુશ રહે. ભલે તકલીફોનો સામનો કરી રહ્યા હોઈએ, પણ આપણી પાસે ખુશ રહેવાનાં ઘણાં કારણો છે. દાખલા તરીકે, આપણને પૂરો ભરોસો છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. આપણી પાસે બાઇબલની સાચી સમજણ છે. (યિર્મે. ૧૫:૧૬) આપણે એવા સુંદર કુટુંબનો ભાગ છીએ, જેઓ યહોવાને પ્રેમ કરે છે અને તેમનાં ઉચ્ચ ધોરણો પ્રમાણે ચાલે છે. એટલું જ નહિ તેઓ એકબીજાને પણ પ્રેમ કરે છે. (ગીત. ૧૦૬:૪, ૫) આપણે અત્યારે પણ ખુશ રહી શકીએ છીએ. કારણ કે, આપણને પાકો ભરોસો છે કે હાલના કરતાં ભાવિનું જીવન ઘણું સારું હશે. યહોવા જલદી જ દુષ્ટ લોકોનો નાશ કરશે. તેમના રાજમાં પૃથ્વી ફરી બાગ જેવી સુંદર બની જશે. આપણી પાસે બીજી પણ એક આશા છે. જેઓ મરણની ઊંઘમાં છે તેઓને ફરી ઉઠાડવામાં આવશે. આપણે તેઓને ફરી મળી શકીશું. (યોહા. ૫:૨૮, ૨૯) એ સમયે બધા કેટલા ખુશ હશે! અને હા, એવો સમય પણ આવશે જ્યારે સ્વર્ગ અને પૃથ્વી પર બધા લોકો યહોવાને માન અને મહિમા આપશે અને તેમની સ્તુતિ કરશે, જેના તે હકદાર છે. w૨૦.૦૨ ૧૩ ¶૧૫-૧૬

મંગળવાર, ઑક્ટોબર ૨૬

“તારી, હા, તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે.”—ગીત. ૫૧:૪.

જો તમે ગંભીર પાપ કરી બેસો, તો એને છુપાવવાનો પ્રયત્ન કરશો નહિ. એને બદલે પ્રાર્થનામાં યહોવા આગળ પોતાનું પાપ કબૂલ કરો. એમ કરવાથી તમારા દિલ પરથી એ પાપનો બોજો ઊતરી જશે અને ચિંતામાંથી રાહત મળશે. પરંતુ યહોવા સાથેનો સંબંધ સુધારવા તમારે પ્રાર્થના ઉપરાંત બીજું પણ કંઈક કરવું પડશે. શિસ્ત સ્વીકારો. રાજા દાઊદે બાથશેબા સાથે જે પાપ કર્યું એને ખુલ્લું પાડવા યહોવાએ નાથાન પ્રબોધકને મોકલ્યા. એ સમયે દાઊદે છટકબારી શોધી નહિ પણ પોતાનું પાપ કબૂલ કર્યું. તેમણે કબૂલ કર્યું કે પોતે બાથશેબાના પતિ વિરુદ્ધ પાપ કર્યું છે, એનાથી પણ વધારે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે. તેમણે યહોવા તરફથી મળેલી શિસ્ત સ્વીકારી અને યહોવાએ તેમને માફ કર્યા. (૨ શમૂ. ૧૨:૧૦-૧૪) જો આપણે ગંભીર પાપ કર્યું હોય, તો યહોવાએ નીમેલા ઘેટાંપાળકો એટલે કે વડીલોને જણાવીએ. (યાકૂ. ૫:૧૪, ૧૫) પોતાને સાચા સાબિત કરવાનો આપણે પ્રયત્ન ન કરીએ. જે પણ શિસ્ત મળે એને તરત સ્વીકારીએ અને એ પ્રમાણે કરીએ. એમ કરીશું તો મનની શાંતિ અને ખુશી પાછી મળશે. w૨૦.૦૨ ૨૪-૨૫ ¶૧૭-૧૮

બુધવાર, ઑક્ટોબર ૨૭

“દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ પકડીને કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”—ઝખા. ૮:૨૩.

“દસ માણસો” કોને રજૂ કરે છે? પૃથ્વી પર જેઓને હંમેશ માટે જીવવાની આશા છે તેઓને રજૂ કરે છે. તેઓ જાણે છે કે યહોવાએ અભિષિક્તોને પસંદ કર્યા છે. તેઓ એ પણ જાણે છે કે એ અભિષિક્તો સાથે મળીને યહોવાની ભક્તિ કરવી એક લહાવો છે. પૃથ્વી પર જેટલા અભિષિક્તો છે, એ બધાનાં નામ જાણવાં અશક્ય છે. તો પછી પૃથ્વી પર જીવવાની આશા રાખનારાઓ કઈ રીતે અભિષિક્તો સાથે જઈ શકે? આજની કલમના શબ્દો એનો જવાબ આપે છે. ધ્યાન આપો, કલમનો પહેલો ભાગ એક યહુદી વિશે જણાવે છે. પણ બીજા ભાગમાં “તારી” અને “તમારી સાથે” શબ્દો એક કરતાં વધારે લોકોને રજૂ કરે છે. એનો અર્થ થાય કે એક યહુદી, એક વ્યક્તિને નહિ, પણ અભિષિક્તોના આખા સમૂહને રજૂ કરે છે. જેઓ અભિષિક્તો નથી, તેઓ અભિષિક્તો સાથે મળીને યહોવાની ભક્તિ કરે છે. પણ તેઓ અભિષિક્તોને પોતાના આગેવાન ગણતા નથી. કારણ કે તેઓ જાણે છે, ફક્ત ઈસુ જ તેઓના આગેવાન છે.—માથ. ૨૩:૧૦. w૨૦.૦૧ ૨૬ ¶૧-૨

ગુરુવાર, ઑક્ટોબર ૨૮

“જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહા. ૧૩:૩૫.

શિષ્યોએ ઈસુની જેમ લોકો પર પ્રેમ રાખવો જોઈએ. ઈસુએ કહ્યું હતું કે જો તેઓ એવું કરશે તો લોકો જોઈ શકશે કે ઈસુના સાચા શિષ્યો કોણ છે. પહેલી સદીમાં એ વાત સાચી પડી હતી અને આજે પણ એ વાત સાચી પડે છે. અઘરા સંજોગોમાં પણ એકબીજાને પ્રેમ બતાવતા રહેવું ખૂબ જરૂરી છે. આ સવાલ પર વિચાર કરી શકો: “અઘરા સંજોગોમાં જે ભાઈ-બહેનોએ એકબીજાને પ્રેમ બતાવ્યો, તેઓ પાસેથી હું શું શીખી શકું?” માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે અમુક વાર એકબીજાને પૂરા દિલથી પ્રેમ કરવો અઘરું હોય છે. પણ આપણે ખ્રિસ્તને અનુસરવા મહેનત કરવી જોઈએ. ઈસુએ શીખવ્યું કે કોઈને આપણાથી ખોટું લાગ્યું હોય તો, તેમની સાથે સુલેહ-શાંતિ કરવી ખૂબ મહત્ત્વનું છે. (માથ. ૫:૨૩, ૨૪) ઈસુએ સમજાવ્યું કે બીજાઓ સાથે સારો સંબંધ રાખીશું તો યહોવાને ખૂબ ગમશે. આપણે કોઈની સાથે સુલેહ-શાંતિ કરવા બનતું બધું કરીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. પણ જો આપણે મનમાં ખાર ભરી રાખીએ અને સુલેહ-શાંતિ નહિ કરીએ, તો યહોવા આપણી ભક્તિ નહિ સ્વીકારે.—૧ યોહા. ૪:૨૦. w૨૦.૦૩ ૨૪-૨૫ ¶૧-૪

શુક્રવાર, ઑક્ટોબર ૨૯

“આપણે સત્યના સંદેશાને જૂઠના સંદેશાથી અલગ પાડીએ છીએ.”—૧ યોહા. ૪:૬.

શેતાન “જૂઠાનો બાપ” છે. આદમ-હવાના જમાનાથી તે લોકોને છેતરે છે. (યોહા. ૮:૪૪) મરણ વિશે અને મરણ પછી શું થાય છે એ વિશે શેતાને ઘણાં જૂઠાણાં ફેલાવ્યાં છે. એનાં આધારે ઘણાં રીત-રિવાજો અને માન્યતાઓ ફેલાયેલાં છે. શા માટે આટલા બધા લોકો ખોટા માર્ગે ગયા છે? શેતાન જાણે છે કે લોકોને મરણ વિશે કેવું લાગે છે. પછી એનો ફાયદો ઉઠાવીને તે લોકોને ફસાવે છે. આપણને તો હંમેશ માટે જીવવા બનાવવામાં આવ્યા હતા, એટલે આપણે મરવા ચાહતા નથી. (સભા. ૩:૧૧) મરણ તો આપણો દુશ્મન છે. (૧ કોરીં. ૧૫:૨૬) ભલે શેતાન ગમે એટલા ધમપછાડા કરે, પણ મરણ વિશેનું સત્ય છૂપું રહ્યું નથી. બાઇબલ જણાવે છે કે મરણ પછી શું થાય છે અને ગુજરી ગયેલાઓ માટે કઈ આશા છે. પહેલાં કરતાં આજે વધારે લોકોને એ વિશે જાણવા મળ્યું છે. તેઓ પણ બીજાઓને એ વિશે જણાવે છે. (સભા. ૯:૫, ૧૦; પ્રે.કા. ૨૪:૧૫) મરણ વિશેની હકીકતો જાણવાથી આપણને દિલાસો મળે છે અને મરણ પછી શું થશે, એનો ડર રહેતો નથી. w૧૯.૦૪ ૧૪ ¶૧; ૧૫ ¶૫-૬

શનિવાર, ઑક્ટોબર ૩૦

“એકબીજાનો ભાર ઊંચકતા રહો, આ રીતે તમે ખ્રિસ્તના નિયમને પૂરી રીતે પાળો છો.”—ગલા. ૬:૨.

યહોવા પોતાના ભક્તોને પ્રેમ કરે છે. તે હંમેશાં એમ કરતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ એમ કરશે. તેમને ન્યાય પસંદ છે. (ગીત. ૩૩:૫) તેથી, આપણે બે વાતની ખાતરી રાખી શકીએ: (૧) તેમના ભક્તો સાથે અન્યાય થાય ત્યારે યહોવાને દુઃખ થાય છે. (૨) તે પોતાના લોકોને વચન આપે છે કે તેઓ સાથે થતો અન્યાય લાંબો સમય ચાલશે નહિ. અન્યાય કરનારાઓને ચોક્કસ સજા મળશે. યહોવાએ મુસા દ્વારા ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યું હતું. નિયમશાસ્ત્ર પ્રેમના આધારે રચાયું હતું. ઈશ્વર ચાહે છે કે બધાને ન્યાય મળે. નિરાધાર લોકો માટે પણ ઈશ્વર ન્યાય ઇચ્છે છે. (પુન. ૧૦:૧૮) નિયમશાસ્ત્રથી જોવા મળે છે કે યહોવા પોતાના ભક્તોનું કેટલું ધ્યાન રાખે છે. સાલ ૩૩માં ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ ત્યારથી, મુસાનો નિયમશાસ્ત્ર લાગુ પડતો નથી. શું એનો અર્થ એમ થાય કે, પ્રેમ અને ન્યાયને આધારે રચાયેલા નિયમશાસ્ત્રથી હવે ઈશ્વરભક્તોને ફાયદો નહિ થાય? ના, એવું નથી. ખ્રિસ્તીઓ પાસે નવો નિયમ છે. એ છે ‘ખ્રિસ્તનો નિયમ.’ ઈસુએ પોતાના શિષ્યો માટે નિયમો લખ્યા ન હતા. પણ, તેમણે તેઓને સૂચનાઓ, આજ્ઞાઓ અને સિદ્ધાંતો આપ્યાં હતાં. ‘ખ્રિસ્તના નિયમમાં’ ઈસુએ શીખવેલી બધી બાબતો આવી જાય છે. w૧૯.૦૫ ૨-૩ ¶૧-૩

રવિવાર, ઑક્ટોબર ૩૧

‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.’—૨ કોરીં. ૧:૩, ૪.

આશ્વાસનની જરૂર કોને નથી પડતી! જીવનમાં એવી અનેક પળો આવે છે, જ્યારે આપણને આશ્વાસન કે હૂંફની જરૂર પડે છે. આપણે પણ બીજાઓને દિલાસો આપી શકીએ છીએ. દાખલા તરીકે, એક બાળક રમતાં રમતાં પડી ગયો. તેનો ઢીંચણ છોલાઈ જાય છે. તે રડતાં રડતાં મમ્મી-પપ્પા પાસે દોડી જાય છે. તેઓ બાળકનો ઘા મટાડી શકતા નથી, પણ તેને હૂંફ આપી શકે છે. તેઓ કદાચ એ વિશે પૂછશે, તેનાં આંસુ લૂછશે, તેને પંપાળશે. તેના ઘા પર દવા લગાવશે કે પાટાપિંડી કરશે. બાળક રડવાનું બંધ કરી દેશે અને પાછું રમવા લાગશે. સમય જતાં, તેનો ઘા પણ રુઝાઈ જશે. અમુક ઘા એવા હોય છે જે જલદી રૂઝાતા નથી. દુઃખની વાત છે કે, બાળકોએ એવા ઘા સહેવા પડે છે. અમુક બાળકો જાતીય શોષણનો ભોગ બને છે. એવું એક વાર થયું હોય કે પછી વર્ષો સુધી વારંવાર થયું હોય, એ ખરાબ પ્રસંગના ઘા દિલમાં ઊંડે સુધી પડેલા હોય છે. અમુક કિસ્સામાં ગુનેગાર પકડાઈ જાય છે અને સજા થાય છે, તો કેટલીક વાર તે છટકી જાય છે. ભલે ગુનેગારને સજા થઈ જાય પણ બાળકના દિલના ઘા વર્ષો સુધી રૂઝાતા નથી. w૧૯.૦૫ ૧૪ ¶૧-૨

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો